Opinion Magazine
Number of visits: 9686069
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરિવર મુજને હરી ગયો!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|23 August 2018

હૈયાને દરબાર

નિરંજન ભગતની કંઈક જુદી જ છાપ મારા મન ઉપર હતી. એક તો એ અનુગાંધીયુગના આધુનિક કવિ. ઉપરથી પાશ્ચાત્ય સાહિત્યનો એમના પર ખૂબ પ્રભાવ. ગીત કવિ તરીકે જરાયે પ્રખ્યાત નહીં. એટલે આ ગીત નિરંજન ભગતનું હોઈ શકે એવો વિચાર સુધ્ધાં ન આવે. જ્યારે ખબર પડી ત્યારે કુતૂહલવશ નિરંજન ભગતનાં કાવ્યો અને એમના વિશે ખૂબ માહિતી મેળવી લીધી. એમનું સાહિત્ય, એમની પ્રતિભા ખરેખર પ્રભાવક.

શ્રાવણી સરવરિયાંની ઝરમર સાથે તહેવારોની મોસમ છલકાય ને ઉત્સવોમાં ગીત હરિનાં ગવાય. મહિનો શ્રાવણ છે અને પવિત્રતાનું વાતાવરણ ચોમેર ફેલાયેલું છે ત્યારે ચાલો હવે થોડાં ભક્તિરસમાં ભીંજાઈએ. ભક્તિરસ એવો છે કે એની લગની જેને લાગે એ ભવસાગર તરી જાય. આપણે તો જો કે સાત સૂરોના સાંનિધ્યમાં જ ઈશ્વરની ભક્તિ કરવાની છે. કવિ તુષાર શુક્લ કહે છે તેમ :

સાત સૂરોંકે સાથ
મેં
પાવન સાત સોપાન
જટાજૂટ સે બહ રહા
પરમ પાવની ગાન
શિવ શિવ હરાય
નમ: શિવાય
હર હર શિવાય
નમ: શિવાય

નરસિંહ, મીરાંના પ્રાચીન ભક્તિ સંગીતથી લઈને મધ્યકાલીન ધાર્મિક સંગીત અને આધુનિક સુગમ સંગીતમાં ઈશ્વરભક્તિ આધારિત અનેક ગીતો લખાયાં છે. પ્રાચીન-મધ્યકાલીન સમયમાં માત્ર કાવ્યશૈલી એટલે કે પદ્ય શૈલી જ પ્રચલિત હતી. વાતચીતની બોલી પણ મોટેભાગે પદ્ય. સંગીતમાં મૂર્તિપૂજકોની સગુણ ધારા તથા મૂર્તિપૂજામાં ન માનનારા નામી-અનામી કવિઓની રચનાઓ નિર્ગુણ ધારા તરીકે પ્રચલિત થઈ હતી. એ રીતે વિચારીએ તો પારંપરિક ભક્તિગીતો કે હરિગીતો આપણાં સાહિત્ય-સંગીતમાં અઢળક મળી આવે. પરંતુ, મને જે કેટલાંક હરિગીતો સ્પર્શ્યા છે અથવા તો કાવ્યની દૃષ્ટિએ, કવિત્વની કે કલ્પનાની દૃષ્ટિએ કોઈક રીતે એ જુદાં છે એવાં સરસ મજાનાં નોખાં હરિ ગીતોની વાત અહીં કરવી છે.

અમારા પરિવારમાં મૂર્તિપૂજા અને પારંપરિક ઈશ્વરભક્તિ ક્યારે ય થઈ નહોતી એટલે ઈશ્વરનો પરિચય મને સાહિત્ય અને સંગીત દ્વારા જ થયો હતો. મા-બાપને પરમ તત્ત્વમાં પૂરી શ્રદ્ધા પણ, ધાર્મિક રીત-રિવાજોનો મહિમા ઓછો. અઢી વર્ષની વયે પિતાએ મને શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ બરાબર શીખવ્યો હતો. માતાના મધુર કંઠે રાધા-કૃષ્ણનાં ગીતો અને મીરાંની ભક્તિ દ્વારા શ્રીકૃષ્ણને પીછાણ્યા હતા. રામકથા રામાયણના માધ્યમે વડીલો પાસેથી સાંભળી હતી અને ગણેશજી તો સુખ-દુ:ખમાં સાથ આપે એવા જિગરી દોસ્ત. ગીત-સંગીત દ્વારા જ પૂરી નિષ્ઠાથી ઈશ્વરની આરાધના કરી છે આજ સુધી. સંગીત એ સ્વરથી ઈશ્વર સુધી પહોંચવાની યાત્રા જ છેને!

એ જ રીતે મારા કોલેજકાળ દરમ્યાન કવિ નિરંજન ભગતનું એક સુંદર અને સરળ હરિગીત પહેલી વાર મેં મારી બાળપણની મિત્ર કાલિન્દી પાસેથી સાંભળ્યું હતું. એ ગીત હતું હરિવર મુજને હરી ગયો ..! નિરંજન ભગતે માંડ એક-બે ગીતો ઈશ્વરને સંબોધીને લખ્યાં હશે કારણ કે, આજીવન એમણે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કર્યો ન હતો. એટલે આ ગીત ચોક્કસ એમની આરંભિક કવિતાઓમાંનું જ એક હશે. પરંતુ શબ્દો જેવું જ સરળ અને મીઠું સ્વરાંકન અમદાવાદના સ્વરકાર અતુલ દેસાઈએ એવું સરસ કર્યું કે પહેલાં શ્રવણે જ જચી ગયું હતું. એ પછી અમેરિકા સ્થિત ઉત્તમ સ્વરકાર હરેશ બક્ષીએ સ્વરબદ્ધ કરેલું આ જ ગીત અમદાવાદનાં ગાયિકા બંસરી ભટ્ટ પાસેથી પણ સાંભળ્યું. બંને સ્વરાંકનોનું પોતપોતાનું સૌંદર્ય છે, પરંતુ હું અને કાલિંદી અતુલ દેસાઈનું સ્વરાંકન અસંખ્યવાર ગાઈ ચૂક્યાં છીએ. પછી તો બંને સ્વરાંકન ભેગાં કરીને ગાવાનો પ્રયોગ પણ અમે કરેલો. એટલે સ્વાભાવિકપણે હરિગીતોમાં મને સૌથી પહેલું આ જ ગીત યાદ આવે. જો કે, આ ગીત નિરંજન ભગતે લખ્યું છે એ બહુ મોડી ખબર પડી હતી.

નિરંજન ભગતની કંઈક જુદી જ છાપ મારા મન ઉપર હતી. એક તો એ અનુગાંધીયુગના આધુનિક કવિ. ઉપરથી પાશ્ચાત્ય સાહિત્યનો એમના પર ખૂબ પ્રભાવ. ગીત કવિ તરીકે જરાયે પ્રખ્યાત નહીં. એટલે આ ગીત નિરંજન ભગતનું હોઈ શકે એવો વિચાર સુધ્ધાં ન આવે. જ્યારે ખબર પડી ત્યારે કુતૂહલવશ નિરંજન ભગતનાં કાવ્યો અને એમના વિશે ખૂબ માહિતી મેળવી લીધી. એમનું સાહિત્ય, એમની પ્રતિભા ખરેખર પ્રભાવક. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજી વિષયના એ પ્રાધ્યાપક. કદ બધી રીતે ઊંચું. એ સમયગાળાના લેખકો-કવિઓ ભાષાકીય રીતે ખૂબ સજ્જ હતા. એમની ભાષા થોડી અઘરી લાગે પણ એક વખત સમજાય પછી એ ભાષાનો નશો ચડવા લાગે. નિરંજન ભગત ઉપર રવીન્દ્રનાથ ટાગોર, રિલ્કે, એલિયટ અને ફ્રેન્ચ કવિ બોદલેરનો ખૂબ પ્રભાવ હતો. ટાગોર, બોદલેર અને નિરંજન ભગત આ ત્રણેયમાં અમુક હદે સામ્ય પણ હતું જેના વિશે પ્રબુદ્ધ લેખક પ્રબોધ પરીખે થોડા સમય પહેલાં જ ‘ઝરુખો’ના એક કાર્યક્રમમાં બહુ સરસ તુલના કરી હતી. એ બધું જાણ્યા પછી થાય કે જીવનની મહાન ફિલસૂફીઓ સાંપડે એવું ઉત્તમ સાહિત્ય જગતમાં રચાયું છે. સમસ્યાઓના ઉકેલ માટે બાબા-ભૂવાઓ પાસે જવા કરતાં ઉચ્ચ સાહિત્યકારો પાસે જવાથી ફાયદો જ થાય એવું હું નક્કરપણે માનું છું. નિરંજન ભગત આવા જ એક સજ્જ કવિ હતા. ૧૮મી મે ૧૯૨૬માં નિરંજન ભગતનો જન્મ. કૌટુંબિક અટક ગાંધી પણ, એમના દાદા ઉત્તર વયમાં ભજનકીર્તનમાં રત રહ્યા હોવાથી એમનું કુટુંબ ત્યારથી ભગત અટકથી ઓળખાવા લાગ્યું. નાનપણના સંસ્કારોની વાત કરતાં નિરંજન ભગત લખે છે, "નાનપણમાં અમારે વૈષ્ણવ મંદિરમાં રોજ રમવાનું અને જમવાનું. રોજેરોજ મંગળા, ભોગ, ઉત્થાપન અને શયનનાં દર્શન. વસંતમાં અબીલ-ગુલાલ અને વર્ષામાં હિંડોળા. જન્માષ્ટમી અને જાગરણ બધું ઉજવાય. આંખમાં હજી એવાં દૃશ્યો ઝબકે છે.

‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ના જયઘોષ તથા હવેલીનું કીર્તન સંગીત હજુ ય કાનમાં ગુંજે છે. પરંતુ, ભજન કરતાં ભોજનમાં મને વધારે રસ પડતો. જીવનમાં એક વાર ભગવાનને ખાતર ચોરીનો અપરાધ કર્યો હતો. ભગવાનની આબરુ ઢાંકવા ગયેલાને ઉઘાડો પાડયો હતો. પણ પછીથી એનું કાવ્ય રચીને પ્રાયશ્ચિત કર્યું હતું કે, મારા ભગવાન નાગા, તે મેં ઓર્યા વાઘા …! પણ પછી ક્યારે ય ભગવાન સાથેના સંબંધની અભિવ્યક્તિ શક્ય બની જ નથી.

આમ આપણે જોઈ શકીએ છીએ કે નિરંજન ભગતની અટક જ ભગત હતી. બાકી, હકીકતે એમણે ભગવાનની નહીં, વિશ્વ સાહિત્યની જ ભક્તિ કરી છે. નગર કાવ્યો, પ્રકૃતિ કાવ્યો તેમ જ સોનેટ એમને ગમતા કાવ્યપ્રકારો હતા. કવયિત્રી નલિની માડગાંવકરના જણાવ્યા મુજબ ‘ગવાય એ ગીત’ એવું એ માનતા નહોતા. એટલે એમણે ગીતો સાવ ઓછાં લખ્યાં છે. સાહિત્યમાં સામાન્ય રૂચિ ધરાવતા ગુજરાતીઓ પણ નિરંજન ભગતને ફક્ત એમનાં બે-ત્રણ કાવ્યો જેમ કે, હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?, કાળની કેડીએ ઘડીક સંગ આપણો, ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી અને બહુ બહુ તો રોમેન્ટિક કાવ્ય લાવો તમારો હાથ મેળવીએ … થી જ પિછાણે છે. પરંતુ હરિવર મુજને હરી ગયો … એ પ્રેમનું મંગળ ગાન છે. કવિ મીરાંને પણ નજીકથી જાણે છે એટલે જ આ કાવ્યમાં મીરાંની ભક્તિ જુદા સ્વરૂપે દેખાય છે. મીરાં કહે છે, ‘મેં તો વહાલ કીધું ન્હોતું ને, તો ય મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો.’ નિજ કથા આગળ વિસ્તારતા મીરાં કહે છે, "હું તો અબુધ અંતરની નારી છું. મને પ્રીતની શું ખબર પડે? પણ હરિ પોતે જ મારે કંઠે વરમાળા ધરી ગયો. સાવ સરળ બાનીમાં મજાની કેફિયત આ ગીતમાં રજૂ થઈ છે. કાવ્યની સુંદરતા એની સરળતામાં છે.

નિરંજન ભગત ૯૦ વર્ષે પણ મિત્રોને લગભગ રોજ મળતા, કવિતાઓ લખતા અને વ્યાખ્યાનો આપતા. છેલ્લે કોઇક પ્રસંગે તેમણે ‘હરિવર મુજને હરિ ગયો .. અને હું તો બસ ફરવા આવ્યો છું’ કવિતાનું પઠન કર્યું હોવાનો ઉલ્લેખ પણ ક્યાંક વાંચ્યો હતો. રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય એકૅડેમી સહિત અનેક એવૉર્ડ્સ મેળવનાર ભગતસાહેબ ઉત્તમ અંગ્રેજીના પુરસ્કર્તા હતા. અંગ્રેજી દ્વારા પશ્ચિમની કવિતા એમણે આપણને સુલભ કરી આપી. દેશ-વિદેશના પ્રવાસો દ્વારા જીવનની સમજણ તેમણે પાકી કરી હતી. જે સ્થળે જાય એની રજેરજ માહિતી મેળવતા. કોલકાતા અને પેરિસ એમના પ્રિય સ્થળો, કારણ કે એમના પ્રિય રવીન્દ્રનાથ ટાગોર અને ચાર્લ્સ બોદલેર આ બે સ્થાનોએ વસતા હતા. લંડનના પોએટ્સથી માંડીને પબ્સ સુધીની તમામ જાણકારી એમની પાસે રહેતી.

સાહિત્યકાર ચંદ્રકાંત ટોપીવાળાએ એક સ્થાને નોંધ્યું છે કે, "ગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્ત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લય કસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતી આકૃતિઓ આસ્વાદ્ય છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયોનો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે. ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો વિસ્ફોટ છે. મુંબઈ નગર પરના ‘પ્રવાલદ્વીપ’ કાવ્યસમૂહમાં નગરસંસ્કૃિતની યાતનાને નિરૂપતી વેળાએ આ કવિ બોદલેરની જેમ નગરનો નિવાસી નથી પણ એમાં આગન્તુક છે; ને તેથી ‘પુચ્છ વિનાની મગરી’ ને જોવા બહારથી ઊપડે છે. નગરનું સીમેન્ટ-કાચ-કોંક્રેટના આધુનિક અરણ્યરૂપે દર્શન, મ્યુિઝયમમાં સિંહની પ્રત્યક્ષ થતી પ્રતિકૃતિ, ઍક્વેરિયમમાં સાંકડી નઠોર જૂઠ સૃષ્ટિનો માછલી દ્વારા સામનો, ફોકલેન્ડ રોડ પર સ્નેહલગ્નનું ઊભું થતું નગ્નસ્વરૂપ, ચર્ચગેટની લોકલમાં થતો અનુભવ – આ બધું સ્થળ, પરિસ્થિતિ અને પાત્રોનાં માધ્યમે સંવેદનરૂપે ઊતર્યું છે.

ભગતસાહેબને લાગે છે કે મુંબઈ એ ડૂબતો દ્વીપ છે. મુંબઈના ભાવિનો ચિત્કાર એટલે જ ‘પ્રવાલદ્વીપ’માં શબ્દદેહે અવતરે છે. કહેવાય છે કે મગરનું જોર પૂછડીમાં હોય. આ મહાનગરીનો વિનાશ થાય એ પહેલાં એમને એ ભરપૂર જોઈ લેવી હતી. એમનાં કાવ્યોમાં, ફ્લોરા ફાઉન્ટન, કોલાબા પર સૂર્યાસ્ત, એપોલો પર ચંદ્રોદય તથા કેફે રોયલ્સમાં ખખડતાં પ્યાલા રકાબી, મુંબઈની નશીલી રાતો, નિશાચર પ્રાણીની જેમ વ્યવસાય માટે નીકળી પડતી વેશ્યાઓ મુંબઈની સાંજનું વિરાટ ચિત્ર છે. નગર સંસ્કૃિતનો ક્ષોભ, એકલતા, અજાણ્યાપણું, હતાશા, વિવશતા એમનાં નગરકાવ્યોમાં સંવેદનશીલ રીતે પ્રગટે છે. આ કાવ્યો ગુજરાતી કવિતાના સિદ્ધિશિખર સમાન છે. આમ છતાં આજે આપણે નિરંજન ભગતના ઓફબીટ કહી શકાય એવા જ ગીતની વાત કરી. કારણ માત્ર એ જ કે આ ગીત મારા હૃદયની નજીક છે અને બીજું, આવા શ્રેષ્ઠ સાહિત્યકાર અને કવિ ગુજરાતી ભાષામાં આપણી પાસે છે એ ગૌરવાન્વિત ઘટના પણ તમારા સૌ સુધી પહોંચે તેવી ઈચ્છા પૂરી કરી. બાકી, ઉત્તમોત્તમ સાહિત્યની આપણને ક્યાં ગતાગમ છે? આ વર્ષે, ૧ ફેબ્રુઆરી ૨૦૧૮માં ૯૧ વર્ષની વયે અવસાન પામેલા નિરંજન ભગતને અંજલિ આપતાં લેખક દીપક સોલિયાએ સાચું જ લખ્યું હતું :

ઓહોહો, બૌ મોટા માણા ભગતસાયબ. તો ય હજુ ગઈ કાલ લગી લોકો એવું ય પૂછતાતા કે ભગત? નિરંજન? ઇ કોણ? હવે હૌને જવાબ મળી જાહે કે ઇ બહુ મોટા ગજાના ‘કંઈક’ હતા ‘કંઈક’, યૂ સી? માસ્તર, પ્રોફેસર, કવિ, લેખક ને એવું બધું સમથિંગ સમથિંગ એમણે જ કીધેલું આપડો ઘડીક સંગ. ઇ તો એમ જ હોય. આમાં કોઈનો વાંક કાઢવો નહીં દુનિયા એમ જ ચાલે ગુજરાતી કળા-સાહિત્યનો ખેલ એમ જ ચાલે ભગત-ભાવ રાખવો, બીજું શું?

વેલ, ભગત સાહેબની કલમને સમજી શકીએ તો સારું જ છે. ન સમજાય તો બીજું કંઈ નહીં, પણ આ ગીત જરૂર માણજો. સરસ મ્યુિઝકલ એરેન્જમેન્ટ સાથે બંસરી ભટ્ટના મધુર અવાજમાં યુ ટ્યૂબ પર  તમે એ સાંભળી શકશો.

—————————–

હરિવર મુજને હરી ગયો
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે
મુજને વરી ગયો !

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ
એ તો મુજ કંઠે નિજ કરથી
વરમાળા રે ધરી ગયો

સપનામાંયે જે ના દીઠું
એ જાગીને જોવું
આ તે સુખ છે કે દુ:ખ મીઠું
રે હસવું કે રોવું
ના સમજું તોયે સ્હેવાતું એવું
કંઈ એ કરી ગયો
હરિવર મુજને હરી ગયો

કવિ : નિરંજન ભગત  • ગીતકાર : હરેશ બક્ષી • ગાયિકા : બંસરી ભટ્ટ

https://m.youtube.com/watch?v=IRflZyHDLxQ

———————————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમચાર”, 23 અૉગસ્ટ 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=437121

Loading

હરનિશ જાની : હાસ્યાંજલિ

મહેન્દ્ર શાહ|Opinion - Opinion|23 August 2018

હરનિશ જાની એ શ્રદ્ધાનો વિષય નથી, હાસ્યનો વિષય છે, એટલે એમને શ્રદ્ધાંજલિ નહીં .., હાસ્યાંજલિ શોભે!

એમને ગુમાવ્યાનું દુ:ખ જરૂર થયું છે .., કારણ એક, હાસ્યકાર ગુમાવ્યો છે .., એ કહેતા “Laughing is a serious matter!”

અમે બંને એક જ ક્ષેત્રમાં હતા, એટલે મને એમને ઓળખવાની તક વધારે મળેલી. વર્ષો પહેલાં કિશોરભાઇના “ગુર્જરી”ના પહેલા અંકથી જ પરિચય થયેલો. “ગુર્જરી”માં એમનો હાસ્ય લેખ વાંચતા વાંચતા જ નક્કી કરી લીધેલું, કે આ માણસ મળવા જેવો છે; અને એ પર ચક્રો ગતિમાન કરી દીધાં! પછી તો એમનો એક પણ લેખ વાંચવાનો બાકી નહીં રાખ્યો !

ફોન, પત્ર દ્વારા મળવાનું થયું, ને અવાર નવાર રૂબરૂ પણ મળવાનું થયું. સામાન્ય રીતે એક બાજુ જાણીતી વ્યક્તિ હોય, અને બીજી બાજુ મારા જેવી સામાન્ય વ્યક્તિ હોય તો કેમેસ્ટ્રી જામે નહીં .., તમે ગમે તેટલાં ફાંફાં મારો પણ દાળ ગળે નહીં. અમારી બાબતમાં ઊલટું થયું! એમને જાણતા પહેલાં એ મને માણતા થઇ ગયા! ક્યાં ય પણ એમનો કાર્યક્રમ હોય, ત્યાં મને પણ રેકમન્ડ કરતા! હ્યુસ્ટન, યુનાઇટેડ કિંગ્ડમ, ન્યુ જર્સી ઘણી જગ્યાએ અમારા કાર્યક્રમો સાથે થયા, એક બાજુ હરનિશ જાનીનો સ્ટેન્ડઅપ કોમેડી શો હોય તો બીજી બાજુ મહેન્દ્ર શાહનો સ્ટેન્ડઅપ કાર્ટૂન શો હોય … બસ ફરક ફક્ત એટલો જ કે હરનિશભાઇ ઊભા ઊભા સ્ટેન્ડઅપ કોમેડી કરતા, ને લોકો બેઠા બેઠા માણતા. મહેન્દ્ર શાહની બાબતમાં લોકો ઊભા ઊભા એમનાં કાર્ટૂન્સ માણતાં ને મહેન્દ્ર શાહ એક ખૂણામાં ખુરસી પર બેસી માણવાવાળાને નીરખતા!

જો કે લોકોને આ કેમેસ્ટ્રી માફક આવી ગયેલી, લોકોને હાસ્ય માણવાના ઓપ્સન્સ મળતા … લોકો એક ખૂણે ઊભા ઊભા કાર્ટૂન્સ જોઇને કંટાળતાં, તો આખું ટોળું બીજા ખૂણે હરનિશભાઇને સાંભળવા જતું રહેતું! હરનિશભાઇને કહેતો, “માફ કરજો, પણ હંમેશાં હું “હરનિશ” લખવામાં કન્ફ્યુઝ થાઉં છું. “ન” ને હ્રસ્વઇ આવે કે દીર્ઘઇ? … એ કહેતા, “ગુજરાતીમાં લખો, તો હ્રસ્વઇ દીર્ઘઇ કંઇ ફરક નથી પડતો, પણ અંગ્રેજીમાં લખો તો એપોસ્ટ્રોપી “S” કરવાનો!

હરનિશભાઇ મારાં કાર્ટૂન્સ પ્રદર્શનના આગ્રહી જ નહીં, પ્રોત્સાહક પણ હતા. અને મિત્રોને મારી ઓળખાણ આપી ખાસ કહેતા, ક્યાંક સાહિત્ય, લિટરરી કે ‘ચાલો ગુજરાત’ના મેળાવડામાં હજ્જારો સાહિત્યકારો, કવિઓ, લેખકો જોવા મળશે પણ કાર્ટૂનિસ્ટ તો એક જ જોવા મળશે!”
હંસાબહેન, તમે અને કુટુંબ એકલાં જ નહીં, આપણે બધા હરનિશભાઇને મીસ કરશું! એમને યાદ કરીએ ત્યારે એમના હાસ્ય લેખો, અને કોમેડી યાદ આવે જ ને? અને એ યાદ આવે ત્યારે હોઠો પર હાસ્ય આવે, તો પછી એમને “હાસ્યાંજલિ” કેમ નહીં?

આ સાથે, અવારનવાર પ્રસંગોપાત્ત એમના પર બનાવેલાં કાર્ટૂન્સ રજૂ કરું છું :

એક પ્રસંગ તો ખાસ યાદ રહી જાય એવો, વિપુલભાઇએ એમના “ઓપિનિયન”ના દસમી એનિવર્સરીના કાર્યક્રમમાં અમને લંડન આમંત્રેલા અને દુનિયાની નાનામાં નાની ગાડીમાં કીર્તિદા જોષી, ચંદ્રિકા જોષી − નણંદ ભોજાઇ હોટલ પરથી હરનિશ કપલને પિકઅપ કરી, ચાર જણ અને આઠ બેગો સાથે લંડન સફરે ગયેલાં ! મેં એ પ્રસંગ ઘરે આવતાં જ કાર્ટૂનમાં ઢાળેલો ! એ ય અહીં સાદર …

e.mail : mahendraaruna1@gmail.com

Loading

ધીસ ઇઝ નોટ નાઇસ

રજની પી. શાહ|Opinion - Opinion|23 August 2018

એક ફિલ્મ રિલીઝ થાય છે. એની વાર્તાની રૂપરેખા જેવી ખબર પડે છે ને કોઇ વાચક ઉશ્કેરાઇ જાય છે. એના એડૃીનલ રશમાં એ પોતાના ભેજામાં કુંઠિત વિચારોની એક ગૂંચ બનાવે છે ને તરત એક કાગળ પર કાગારોળ કરીને રિવ્યૂ લખી નાંખે છે. પછી એ બાવરો બાવરો એક બે  પ્રિન્ટ મિડિયામાં છપાવી દે છે. એ એવી ઠાંસ પણ મારે છે કે એણે પોતે હજુ એ ફિલ્મ જોઇ નથી અને જોવાનો પણ નથી.

ધીસ ઇઝ નોટ નાઇસ.  એ અભદ્ર કહેવાય.

એ રિવ્યૂ છપાયા પછી રાબેતા મુજબ એ મૂવી જોવા જેવું છે કે કચરો, એની ડિબેટ શરૂ થઇ જાય છે. પછી તો જેમની નસોમાં રામરાજ્ય વહે છે, તેવું ટોળું કપાળે કેસરી બેન્ડાના લગાવી ડાંગો લઈને ફિલ્મ ઉદ્યોગને ઊતારી પાડવા જેહાદ શરૂ કરે છે. છેવટે એ ફિલ્મના ટાઇટલમાંથી કાનો માતર કઢાવીને સૈા જંપે છે. અા ઘટનામાં બધાંને નામ મળે છે. એવાં નામધારી લોકો જ અાપણા અાદિમાં અાદિ સંસ્કારોના રક્ષકો છે. અાવી ‘બદનામ’  ફિલ્મો સામે અા એન્જેિલકો સદરા પહેરીને ધરણાં ધરે છે. એટલે કેસ કોરટે ચઢે છે, િસનેમાગૃહની સીટો બળે છે, મિલિટરી બોલાવાય છે. તે દરમિયાન છીંડે ચઢેલી એ ફિલ્મ એક જ વીકમાં અોવરસીઝ માર્કેટમાંથી ૪૦૦-૫૦૦ કરોડ કમાઇ લે છે, થેંક્સ ટુ પેલા નોટ સો નાઇસ રિવ્યૂને.  દિલ્હી સાહિત્ય એકેડેમી ઉપર દબાણ અાવે છે કે અૈસી ભારતમાત કી લાજ રખનેવાલી કોલમ કો પુરસ્કાર દે દો અોર અાજસે યે એક નઈ કેટેગરી કાયમ કી કર દો. અા રિવ્યૂ લેખકને કોઇ ખિતાબ અાપે છે અને હેન્ડલૂમની શાલ અોઢાડે છે. એ ફિલ્મની ઉપર હવે સેન્સર બોર્ડની કાતર ફરી.

પછી? એ ફિલ્મનું મૃત્યુ થઇ ગયું. એ ફિટાંશ થઇ ડબ્બામાં ગઇ. તો પ્રશ્ન થાય ફિલ્મનો ધર્મ શું છે? 

એનો ધર્મ એક જ છે: વાર્તા કહેવાનો. એ કોઈ હેતુલક્ષી, જ્ઞાનવર્ધક દેશી હિસાબની એ.બી.સી.ડી. નથી કે અાપણે એને અાપણી રગોમાં ઊતારી દઈએ.

એ માત્ર સ્ટોરી ટેલિંગ છે. એમાં કેમેરા વપરાય, સંવાદ અાવે, સંગીત અાવે, ધ્વનિ ઉમેરાય અને  છેલ્લે અાપણી નજરબંધી કરનારો એક કારીગર અંધારા ચેંબરમાં એકલો બેઠો બેઠો બધાં દ્રશ્યોના રિલ્સને ગંઠણ મંઠણ કરે. પછી એ માણસ એ દ્રશ્યો અાપણાં મગજનાં કોતરોમાં વરજિન ખિસકોલીઅોની જેમ દોડાવે. એનાંથી અાપણાં અંદરના મજ્જાતંતુમાં ધમાચકડી મચે અને એ તંતુની પૂંછડીઅોમાંથી બાયોકેમિકલ રસ ઝરે. એનાંથી વિજાણું ટ્રાફિક ઝબકીને સક્રિય થાય, જેમાં અાપણાં અંગત રંજ, રોષ, કામ, વાસના હર્ષ, અમર્ષ, અહમ્-બહમ્ બધામાં ખલબલી મચી જાય. એક મેજિક થાય. સૈા રસોની સિંફોની વાગે ને એના કોરસમાં એક વાર્તા મંડાય: ‘વૈશમ્્પાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાય’. એના બેકગ્રાઉન્ડમાં એ.અાર. રહેમાન પોતાના ચીબરા અવાજમાં મોૈલા- મેરે- મોેૈલા નો જાપ જપે. કરતાલાં વાગે. ત્યારે અાપણાં ચિત્તમાં મૂવીનો જન્મ થાય.

હમણાં અહીં, ન્યુજર્સીમાં, ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો. ફિલ્મ સર્જકો સાથે એક સભા ભરાઇ. એમાં અંતે એક સવાલ પુછાયો કે ’તમે જોયેલાં મૂવીઝમાં તમને શું શું ગમેલું?’ એને બદલે મૂવીઝ કેવાં હોવાં જોઇએ એની ભળતી જ વાતો શ્રોતાઅોએ કરવા માંડી. એક બહેને તો જોરદાર અપીલ કરી કે ‘અાપણાં બાળકોને અહીં ઇન્ડિયન કલચર મળે, એવી ફિલ્મો બનાવો, ફોર એક્ઝાંપલ સ્વામી વિવેકાનંદ.’ જાહેર સભામાં કોઈને શિખામણ ના અપાય માટે હું ચૂપ છું, પણ તમને કહી દઉં કે ફિલ્મો એવી ફરમાસુ રીતે ના થાય. લિસન.

એક માણસ લો, પોલિસ કે ડોક્ટર, પ્રોફેસર, વકીલ કે કૃષ્ણ-મિલન પછીનો સુદામો લો, ચલોને અાઈસ્ક્રીમ ખાતો ભીમ – વગેરે. એને પત્ની મળી કોઇ મેનકા. ખરેખર તો એ સીતા + દ્રૈાપદી + રંભાના કોમ્બો જેવી છે. એ દંપતીને શ્રવણ સરિખા પુત્રો થયા, પુત્રીઅો પણ Spelling Bee ચેમ્પિયન થઈ અને હાર્વર્ડમાં ગઈ. હવે? એ માણસ એક દિવસ માંદો પડ્યો અને લાખ્ખોની જાયદાદ મૂકી  મૃત્યુ પામ્યો. હવે કહો. એ માણસની ફિલ્મ બને? ના. ના બને. સોરી. 

વ્હાય નોટ? અામ તો એ એક અાદર્શ સંસ્કારી કેરેક્ટર હતું ! પણ અા માણસની વાર્તામાં એવું કશું છે કે ખરું જે તમને બે મિનિટ પણ જકડી રાખે? ના. બોરિંગ.

હવે ચતુર કરો વિચાર. જો એ માણસની અા મેનકા, એના પ્લમર સાથે નાસી જાય, તો ક્યાંક વારતા બને. એવું જ થયું . એક ઘેંઘા જેવા માણસે મેનકાના ટોયલેટની કોપર ટ્યૂબનું રેવણ કરી અાપ્્યું, ખાસ ‘અરજન્ટ ‘અાવેલો’. મેનકાથી અડધી રાતે કંબખ્ત ટોઇલેટ ફ્લશ થતું નહતું અને માસ્ટર બેડરૂમમાં અાબરૂ જાય તેવી સિચ્યુએશન થઇ ગયેલી. માટે એણે અલ્લાઅાશરે એક લોન્લી પ્લમરને ફોન કર્યો તો અા માણસ રીતસર કુંડળીમાં લખ્યા લેખની જેમ બાહુબલી સ્વરૂપે  અાવી ગયો, અને પરિકથા જેવી ફિલ્મ બની. લિટરરી પંડાઅોએ અા પ્રસંગને મહાભારતના અાપણા દ્રૈાપદીના ચિરહરણ કેસની સાથે એક મેટાફોર તરીકે લીધો.  જોવા જાવ તો એ પ્રસંગ પણ દ્રૈાપદીની અાબરૂ બચાવવા માટેનો જ હતો. મેનકાના કેસમાં રેવણ વોઝ નીડેડ. તો દ્રૈાપદીના કેસમાં સાડીના વીંટા. શું અા ફિલ્મ અોસ્કાર સુધી જઈ શકે? અવશ્ય. કારણ?

કારણ: મનોચિકિત્સકો કહેશે કે અાપણી નાયિકા મેનકા મહેલમાં અને મિલ્કતમાં ગૂંગળાઈ ગયેલી હતી. એને ઊગારનાર કોઈ હ્યુમન પસીનાની ગંધવાળો  સુપરમેન  અાઉટ અોફ બ્લુ, રેવણ કરવા વાર્તામાં અાવ્યો. એ બન્નેએ છિનાળુ કર્યું. પ્રેક્ષકોએ એ બધું CCTV પડદા પર નિહાળ્યું. સાૈ સ્પેલબાઉંડ થઇ ગયા. ધેટસ એ મૂવી.

યસ. ધેટસ એ મૂવી.

ગોડ બ્લેસ, એને સેન્સરનું A રેટિંગ મળ્યું માટે ૬૦૦ કરોડનો નફો થયો. એ નફામાંથી ટેક્સબ્રેક લેવા પ્રોડ્યુસરોએ દ્રૈાપદી જેવો વિષય લઇને’ સ્ત્રી ચેતના’ ઉપર બે ચાર વ્યાખ્યાનોનું અાયોજન કર્યું, બ્લેક- ટાઈ ડીનર થયાં. મોટીવેશનલ સ્પિકરો પ્લસ જોક્સ-મિમીક્રી-ગઝલુંવાળાઅોને ઘી- કેળાં કરવા બોલાવ્યા. એક નજીવી છિનાળુ સ્ટોરીથી ફોરેન ડિરેક્ટ ઈન્વેસ્ટમેંટ (FDI) વધી ગયું. સેન્સેક્સે રેકોર્ડ બ્રેક કર્યો. તો પીએમશ્રી બોલ્યા, ‘મિત્રોં! અચ્છે દિન અા ગયે. ફિનાલી ગવડાવો, ‘દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ અાયો રે.’

એક મશહૂર અભિનેતાનો છોકરો છે. એ બાલક ધ્રુવ બનીને હાર્મોનિયમની તરજ  ‘યશોમતિ મૈૈયાંસે ..’ પર ડાન્સ કરતાં કરતાં સ્ટેજપર ગોરમટું ખાય છે તો અાપણે એને સો ક્યૂટ, સો..અો ક્યૂટ કરતાં છાતી સરસો ચિપકાવી દઇએ છીએ. પછી એ છોકરો એક હેન્ડસમ ટિનેજર થાય છે, હાઈસ્કૂલ ડૃોપાઉટ થાય છે, ડૃગ્ઝના રવાડે ચઢે છે. એના ફેફસાંમાં એક બુલ્લસ (પરપોટો) થાય છે ને એ ફૂટે છે. એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોમામાં સરી પડે છે. સમસ્ત દેશમાં માતમ મોમેન્ટસનો સન્નાટો છવાઇ જાય છે. દેવળમાં ઘંટ વાગે છે, મુસ્લિમ યુથ માથે લીલા રૂમાલ લગાવી ધૂપ-લોબાન કરે છે. મારો તો પાનવાળો બંધ, મારો ધોબી ક્લોઝ. ચિકન ટીક્કાની લારીઅો ગાયબ. મારા બદરી મોહલ્લામાં તો લોકોએ પેલું અૈતિહાસિક ‘ધી’ દરબાર બેન્ડ બોલાવ્યું. એ બિચારાઅોએ ચેરિટી સ્પિરિટથી વગર યુનિફોર્મે પણ, માત્ર લેંઘાં-ગંજીમાં મરશિયાની ધૂનો વગાડી. એ વાજકોએ સમૂહમાં એવા ટ્યૂન્સની કાંઇ પ્રેક્ટિસ કરેલી નહીં, માટે એમનાં મરશિયાં વધારે કરુણ લાગ્યાં, હૈયાફાડ બેસૂરા કર્કશ અવાજો. ત્યાં ચમત્કાર થયો. ન્યૂઝ અાવ્યા કે એ છોકરો અમેરિકાની કો’ક  હોસ્પિટલમાં બચી ગયો. અમારા મહોલ્લામાં જશન મનાવ્યો. બકરીઅોને ફ્રેશ ચારો નંખાયો. એ સાલ દેશમાં કોમી રમખાણ ના થયાં. કાળક્રમે એ એક્ટરના મૂવીઝ બોકસ અોફિસ પર ઉપરા છાપરી હીટ થયા.

કોણ માનશે કે એક કોકેનનો નશાખોર કે જેના ફેફસાંમાંથી હવા નિકળીને ફૂસ થઇ ગયેલો બુલ્લસ, અાપણને મિલિયન્સ અોફ ડોલર્સનું હુંડિયામણ (FDI) કમાવી અાપશે? એ ડોલર્સથી અાપણી સરકાર પવનચક્કીઅો ખરીદશે અને સહ્યાદ્રી પર્વત પરની હવાને અાંતરશે, ને એ વીજળીમાંથી પાંચસો ગામમાં લાઈટ અાવશે. એને શું કહીશું, ખલનાયક કે નાયક? શું એને પદ્મશ્રી પણ મળશે? ૧૦૦ ટકા.

તો વેન્ચર કેપિટાલિસ્ટો અાવી વાર્તાઅો ઉપર જ પૈસા રોકે, કે ક્યાંક લંગડો ઘોડો ડાર્બીની રેસ જીતે છે? લાવો એ સ્ટોરી ને ઊતારો ફિલ્મ. શું અાપણા ગ્રહની સૈાથી સેકસી સ્ત્રી સની લિયોન બી.જે.પી.ની ટિકિટ લઈને પ્રાઈમ મિનિસ્ટર થવા ચૂંટણીમાં ઊભી રહેશે? તેા પહેલાં એને બૂક કરી દો. દોડો. અરે, કોઇ મંદ બુદ્ધિનું બાળક એપલ કંપનીના અાર્ટિફીશિ્‌યલ ઈન્ટેલિજન્સ (AI) વિભાગનું ચીફ (C.E.O.) થાય છે ? લાવો એ સ્ટોરી. કારણ એ બાળકને અાખું ગૂગલ સ-ર્ચ એન્જિન મ્હોંઢે હશે, કડકડાટ. એ એવી ઍપ અાપણને અાપશે કે એક ક્લિકમાં અાપણે ટાઈમ મશીનથી હાજરાહજૂર અાપણાં ભૂતકાળનાં રિયલ પાત્રો સાથે સંવાદ કરીશું. એવું થાય કે જાણે એંફીથિયેટરમાં અાપણે પગ લાંબા કરીને સાચમાચ પ્રેમાનંદની કથા સાંભળતા હોઈએ ને એ પોતાની અંાગળી પરની મેટલની રીંગોથી મસમોટી તાંબાની માણ પર થાપ દેતા હોય.

અા  બધું પેલા રિવ્યૂ લખનારને અાપણે અાસ્તે અાસ્તે સમજાવીશું.

***

email: rpshah37@hotmail.com                     

Loading

...102030...3,0613,0623,0633,064...3,0703,0803,090...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved