Opinion Magazine
Number of visits: 9685821
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ રેવલા, તું જો હખણો રે’તો ઓય તો!

બકુલા ઘાસવાલા|Poetry|5 October 2018

 

એ રેવલા,
તું જો હખણો રે’ તો ઓય ને,
ને દાઈદોસ્તારમાં ખાજણપીજણના ખોટા ખરચા ની’ કરતો ઓય તો !
તો આપણાં ખોરડે હાંલ્લાં કુસ્તી ની’ કરતાં ઓય!
ને મને બે વેર રાંધવાનો લા’વો મલતો ઓતે!
પણ …..

રેવલા,
આ તારી વખતકવખત જોયા વગર ઢીંચવાની ટેવે તો
આપણને બરબાદ કરી કેથેના ની’ રાયખા!
પોયરાં બચાડાં નિમાણાં થેઈને ફરે,
છનિયો તો ઘરમાં ટકે જ ની’
ને મંગી તો તારાથી કેટલી બીતી ફરે!
તું ઢીંચીને આવે ને એવો લવારે ચડે કે
ઉં તો હરમથી કોકડું વરી જાઉં!
ને તારા ગોલાપા કરતાં તો એવો પારો ચડે કે
કોઈવાર થી આવે કે લાવની ઉં જ ચહકો કરી મેલું!
મને થાય, લાવ તને હારોહરખો ધબેડી કાડું!
ની તો ઘરમાંથી જ આંકી( હાંકી) કાડું!
પણ પછી થાય કે તું છે તો માથે છત્તર છે ને
પોયરાંના માથે બાપની ઓથ છે!
ઉં તો ઉપરવાળા હાથે બી’ લડી લડીને થાકી!
એ વરી આપણાં જેવાં ગરીબડાંને હારું કા પરવારતો છે?
    
હેં રેવલા!
પે’લા તો તું કેટલા હારો ઉતો,
આપણે મેળે મા’લતાં ને ભજિયાં ને ચાની જાફત ઓ કરતાં.
સિનેમા જોવા ઓ જતાં ને હગેવા’લે કારવે’વારમાં ઓ જતાં કે’ની?
આપણાં પોયરા તો મારી વાત માને જ ની’!
એમ કે’ય કે માય તો ગાંડી ગાંડી વાત કરતી છે!
અમે તો બાપાને અખ્ખણ ઢીંચતા જ જોયેલો!
    
હેં રેવલા,
તુ ની’ જ સુધરવાનો કે?
ચાલ ની, મે તને પેલે તાં –
એ હું કે’વાય જે?
એ યાદ આઈવું,
નસા મુક્તિ કેન્દ્રમાં લેઈ જાઉં.
ને પછી તું પેલા જેવો થેઈ જાય!
હેં રેવલા તું, હખણોપાધરો રેહે ને?
જો તું હીધો થેઈ જાય તો આપણું ઘર ઘર બની જાય કે’ની?
ચાલની રેવલા, આપણે ઘર બનાવીએ!

Loading

મુનશીજી

દીપક બારડોલીકર|Profile|4 October 2018

‘તમે શું નહીં ભણો, આમલીપીપળી કરાવતો તમારો શેતાન પણ ભણતો થઈ જશે ! −− સીધા કરી દઈશ −− !’

આ શબ્દો હતા અમારા મુનશી સાહેબના. બારડોલીના ઉર્દૂ શાળાના એ હેડ ટીચર. નામ હતું રફીઉદ્દીન. ઊંચા, ઉજળા ને એકવડા બાંધાના તેજસ્વી આદમી. સ્વભાવે મળતાવડા હતા, પણ ખોટું સ્વીકારે નહીં. કોઈ ધનવાન પણ ખોટી વાત ચલાવે તો વિનમ્રતાથી કહી દેતા, ‘માફ કરજો, તમારી આ વાત યોગ્ય લાગતી નથી.’

અને એવે પ્રસંગે કોઈ જમીનદાર ઉશ્કેરાઈ જાય તો તેને ય ટાઢો પાડતાં કહેતા, ‘બોલો અત્યારે દિવસ છે કે રાત ?’ − અને પોતે જ એનો જવાબ આપતાં કહેતા, ‘દિવસ છે. અને હું એને રાત કહું તો તમે નહીં માનો, ખરું ને!’ − − અને જમીનદાર માથું હલાવીને ના પાડે કે તરત મુનશીજી હસતાં હસતાં સંભળાવી દેતા, ‘તો પછી અમે શું કામ માનીએ ! આગને બાગ યા બાગને આગ શા માટે કહીએ !’

મુનશીજી એક કાબેલ શિક્ષક હતા. બહુ કાળજીથી ભણાવતા. દરેક નવો શબ્દ અને તેનો અર્થ બરાબર સમજાવતા. વારંવાર રટાવતા. ઉચ્ચાર શુદ્ધ થવો જોઈએ, જોડણી ય શુદ્ધ, નહિતર મુનશીજી રાતાપીળા થઈ જાય. રાડ પાડે, ‘ઉદ્ધારને ઉધાર કહો છો, નાલાયકો !’

મુનશી સાહેબની આ સખ્તાઈ હોવા છતાં ક્યારેક ક્યારેક અમને શરારત સૂજતી અને અમે, હું ને મારા ત્રણેક સહપાઠીઓ, ગાપચી મારી જતા. બોર, જાંબુ, કરમદાં – ખટમડાં ચૂંટવા – ખાવા માટે સીમમાં ભાગી જતા. આમ થતું ત્યારે મુનશીજી પોતે અમને શોધવા સીમમાં જતા. હાથમાં નેતરની સોટી હોય, ખેતરવાડીઓને ખંખોળે, અમને પકડી લાવે, ફટકારે અને ભણાવે ! પ્રસ્વેદ લૂછતાં કહે ય ખરા, ‘ઓ નાલાયકો, ભણો, નહિતર આ દુનિયા તમને ભક્ષી જશે!’

મુનશીજીને અમારી એવી ફીકર હતી, જેવી કોઈ સમજદાર બાપ પોતાનાં સંતાનોની ફીકર કરે છે. તેમને કેળવે છે, સૂઝસમજ આપે છે.

આ ઉર્દૂ શાળા હતી એથી કરીને મુનશીજીએ અમને ઉર્દૂ ભાષા શીખવવાના ઘણા પ્રયાસો કરેલા. પરંતુ ખાસ કરીને જમણી તરફથી લખાતી એ ભાષાની લિપિ અમને ઘણી અઘરી લાગતી હતી, વળી રસ જાગે એવો માહોલ પણ ન હતો. અને અમારા વહોરા કુટુંબોમાં તો ઠેઠ ગુજરાતી ભાષાનું ચલણ હતું; આથી ઉર્દૂ શાળામાં અમને ઉર્દૂ ભાષા આવડી નહીં. અલબત્ત બોલચાલના થોડા શબ્દો જરૂર જીભે ચડ્યા હતા, મલેકપુરી ઉર્દૂ જેવા. − આવેગા જાવેગા જેવા …

ગમે એમ, પણ આજે હું દળદાર ઉર્દૂ ગ્રંથોના અનુવાદની ક્ષમતા ધરાવું છું એ પાકિસ્તાનની બક્ષિશ છે. 1948માં હું પાકિસ્તાન ગયેલો. ત્યાં મારી સામે ઉર્દૂનો એક ઘૂઘવતો સમુદ્ર હતો ! હેરાન થઈ ગયેલો ! કદાચ ડૂબી જાત. પણ નહીં, અમારા મુનશી સાહેબના ઉર્દૂ વિશેના પ્રયાસો મને અહીં કામ આવ્યા. મલેકપુરી ઉર્દૂને તુંબડે હામ ભીડીને હું સમુદ્રમાં ફલાંગી ગયો અને ઊછળતો – ડૂબતો પાર ઊતરી ગયો. સતત મહેનત કરી, મિત્રોની સહાય લીધી અને મિર્ઝા ગાલિબ તથા મૌલાના આઝાદને વાંચવા – સમજવા જેટલી ક્ષમતા મેળવી લીધી !

ઈન્સાન અગર ઈચ્છે તો શું ન થઈ શકે ! અલબત્ત ઈરાદામાં, નિર્ધારમાં દૃઢતા હોવી જોઈએ, અડગતા હોવી જોઈએ અને હોસલો શાહીનનો – ગરુડનો :

નિર્ધારમાં પેદા કર,
ગરુડની પાંખો.
વામણા થઈ જશે
વિરાટ પહાડો !

•••

અમારા આ મુનશીજી રફીઉદ્દીનને આંબાના છોડ ઉછેરવાનો ઘણો શોખ હતો. કેરીગાળામાં તે અમને સારામાં સારી કેરીના ગોટલા લઈ આવવાનું ફરમાન કરતા. એ ગોટલાને તેઓ ખાતરમિશ્રિત માટીથી ભરેલા ડબ્બાઓમાં રોપતા. કાળજીપૂર્વક છોડ ઉછેરતા અને ત્યારે પછી એ છોડ, તેમને ગામ – વાલોડ લઈ જતા. આ ઉદ્યમી ઉસ્તાદે આ રીતે વાલોડમાં એક સારી એવી આંબાવાડી ઊભી કરી લીધી હતી !

એક વાર હું કરાચીથી બારડોલી ગયેલો, ત્યારે ખાસ અમારા મુનશીજીને મળવા માટે વાલોડ ગયેલો. મારે તેમની સ્થિતિ જાણવી હતી, કેટલીક ભેટસોગાતો આપવી હતી. તેઓ અવસ્થાએ પહોંચ્યા હતા, પણ કૃષ કાયામાં ખાંસી કકરાટી હતી. વર્ષો પછીની આ મુલાકાત હતી એટલે ઝટ તેઓ મને ઓળખી શક્યા નહીં. કશો ઉત્સાહ દેખાડ્યો નહીં, પણ જ્યારે જાણ્યું કે હું તેમનો એક વિદ્યાર્થી છું, બારડોલીનો મૂસાજી હાફિઝજી છું, તો તેમનો ચહેરો ખુશીથી ખીલી ઊઠ્યો ! બોલ્યા, આવ ભાઈ, બેસ. − તે મૂસાજી ને,  કે જે અચ્છાને ઈચ્છા કહેતો હતો !’ … અને હસાહસ ! આ હસાહસમાં તેમનાં બેગમ પણ શામિલ થઈ ગયાં. તેમણે જ પૂછ્યું, ‘અભી ક્યા કામ કરતે હો ? ઔર આજકલ કહાં હો, બારડોલી મેં યા કોઈ ઔર શહર મેં ?’

અને જ્યારે તેમણે જાણ્યું કે હું કરાચીમાં છું, વ્યવસાયી પત્રકાર છું ને શાયરી પણ કરું છું તો મુનશીજીએ મને છાતી સરસો ચાંપી લીધો અને ખાસી વાર સુધી મારી પીઠ થાબડતા ને દુઆઓ દેતા રહ્યા ! કહ્યું ય ખરું, ‘મીર તકી મીર કો પઢો, મિર્ઝા ગાલિબ કો પઢો − શાઈરી સંવર જાયેગી !’

એવા ઉસ્તાદો આજે ક્યાં ?

એમના ગુસ્સામાં અમારા ભાવિની ચિંતા હતી, એમની સોટીમાં સાચું માર્ગદર્શન હતું ! 

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

માતામાંથી મિત્ર

કિશનસિંહ ચાવડા|Opinion - Opinion|3 October 2018

શ્રાવણ મહિનો હતો. સોળસત્તર વરસની ઉંમર હશે. બાનો હુકમ મળ્યો કે મારે રોજ રણમુક્તેશ્વર મહાદેવના દર્શને જવું. આમ હું નાસ્તિક નહીં. પણ ધાર્મિકતા અપ્રિય. ક્રિયાકાંડમાં કદી જ શ્રદ્ધા નહીં. છતાં કુટુંબના ઉછેરમાં જ ધર્મની ભાવના લોહીમાં મળી ગયેલી. એટલે ધર્મ અને ધાર્મિકતા વચ્ચે અંતરમાં સંઘર્ષ ઊભો થયો; પરંતુ બાની આજ્ઞા છે એ પાયાની વાત ઉપર બુદ્ધિ અને લાગણી બન્નેએ સમાધાન અનુભવ્યું.

હું રોજ સાંજે પહેલાં રણમુક્તેશ્વરનાં દર્શને જાઉં અને ત્યાંથી સીધો અખાડામાં. દર્શનનો ક્રમ પણ વ્યાયામમંદિરમાં જવા જેટલો જ અચૂક. કોઈ પણ નિયમ કે નિયમનનું અચૂક પાલન પોતે જ મોટી બુનિયાદી તાલીમ છે. સંયમ સહજ બને છે, ત્યારે એ સ્વભાવ થઈ જાય છે. શરૂઆતમાં અંત:કરણે બાની આજ્ઞાનું સમાધાન સ્વીકાર્યું હતું. ધીરે ધીરે એમાંથી સાંત્વના મળવા માંડી અને પછી એમાંથી આનંદનો ઉદય થયો.

દર્શને જવાનો રસ્તો ટૂંકો હતો. બરાનપુરાથી વળાંક લઈને જે રસ્તો ગોયાગેટના રાજમાર્ગ ઉપર નીકળતો ત્યાં આગળ એક લીમડો હતો. એ વળાંકને પશ્ચિમે શહેરસુધરાઈના છંટકાવનાં ગાડાં છૂટતાં અને પછી ગંદવાડ આવતો. એ લીમડાના ઝાડ નીચે તૂટેલી ઝૂંપડી જેવી જગ્યામાં એક સાંજે એક વૃદ્ધ સ્ત્રીને સૂતેલી જોઈ. સામાન્ય રીતે કોઈ ભીખારણ હશે એમ માનીને સ્વાભાવિક માનવી બેપરવાઈથી હું તો ચાલ્યો ગયો. બીજે દિવસે સાંજે પણ એ ડોશીને એ જ રીતે સૂતેલી જોઈ. એ સાંજે પગ જરા ખંચાયા; પણ રોકાયા નહીં. ત્રીજે દિવસે સાંજે એ ડોશી આગળ ઝાડ નીચે પગ થંભી ગયા.

ડોશીની પાસે બેસીને જોયું તો ફાટલું એક લૂગડું અડધું પહેરીને અડધું ઓઢ્યું હતું. શરીરે બીજું વસ્ત્ર નહોતું. એ જીર્ણ વસ્ત્રની અંદર લપેટાયલી કાયા શ્વાસ લેતી હતી. એ શરીરને ઢંઢોળીને બોલાવવા પ્રયત્ન કર્યો. કાયા હાલી; પણ અંતરપંખી બોલ્યું નહીં. શું કરવું એ એકદમ સૂઝ્યું નહીં. જરાક મૂંઝવણ થઈ. પણ હું વિચાર કરીને તરત પાછો ઘેર ગયો. ખભે એક કાથીની નાની ખાટલી લીધી. એક ગોદડી, એક ઓઢવાનું, ખિસ્સામાં એક નાનું પવાલું લઈ લીધું. બાને થોડી વાત કરી ન કરી ને હું પેલા લીમડા નીચે આવી પહોંચ્યો. ખાટલી પર ગોદડી નાંખીને ઉપર ડોશીને સૂવાડી, ઓઢાડીને જરાક દૂર કુંભારવાડેથી એક ઘડો લઈ આવ્યો. પાણી ભર્યું, એમાંથી થોડુંક પાણી ડોશીને પાયું. અંધારું થવા આવ્યું હતું. ગયો રણમુક્તેશ્વરનાં દર્શને. તે સાંજે અખાડે ન જઈ શકાયું. રાત પડવા આવી હતી. પણ મને જંપ ન વળે. બાને વાત કરી. બાએ જમીને સાથે આવવાની હા પાડી. થોડુંક ખાવાનું લઈને અમે બન્ને પહોંચ્યાં પેલા લીમડા નીચે. બાએ ડોશીનું શરીર જોયું. તાવ તો ધખધખે. અમે બન્ને ગયાં છોટાલાલ વૈદ્યને ત્યાં. છોટાકાકા જમતા હતા. બાએ વાત કરીને દવા માગી, મેં રૂબરૂ તપાસવાનો આગ્રહ કર્યો. વૈદ્યકાકા અમારી જોડે આવ્યા, ડોશીને તપાસીને એમણે દવા આપી. સવારસાંજ મધમાં પડીકાં આપવાનાં. ત્રીજે દિવસે ડોશીમાં કંઈક હોશ આવ્યા. આઠદસ દિવસ અમે નિયમિત દવા આપી. ડોશીમા સાજાં થવા માંડ્યાં. બપોરે બા માસીને ત્યાં જાય ત્યારે લીમડા નીચે ખાવાનું પહોંચાડીને જ જાય. ચૌદમેપંદરમે દિવસે ડોશી વાત કરતી થઈ.

એક દિવસે સાંજે હું રોજના નિયમ પ્રમાણે રણમુક્તેશ્વર દર્શને જતો હતો. રાબેતા મુજબ લીમડા નીચે રોકાયો. આજે ડોશીની જીભમાં શબ્દે દેખા દીધી. પહેલી વખત એના મુખમાંથી શબ્દ પડ્યો : ‘‘બેટા,’’ … થોડી વાર શ્વાસ ખાઈને એણે બીજો શબ્દ કહ્યો : ‘‘જીવાડી…’’ મેં કહ્યું કે, ‘‘માજી, એ તો ઈશ્વરની દયાનું પરિણામ છે.’’ ડોશીની આંખમાં જાણે તેજ ફુટ્યું. બોલી : ‘‘ઈશ્વરે પણ એ દયા કોઈની મારફત જ પહોંચાડવાની ને! એ કંઈ ઓછો નીચે ઊતરે છે!’’ બોલીને મારે માથે હાથ મૂક્યો. હું તો પછી મહાદેવ દર્શન કરવા ચાલ્યો ગયો.

બીજે દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર હતો. રણમુક્તેશ્વર મહાદેવના મંદિરમાં ઘીનાં કમળનાં દર્શન હતાં. તે સાંજે મારી સાથે બા પણ હતી. રસ્તામાં ડોશીને ખાવાનું પહોંચાડીને અમે ગયાં દર્શન કરવાં. અમારા મનમાં હતું કે પાછા વળતાં ડોશી પાસે બેસીશું. પાછાં આવ્યાં ત્યારે લગભગ નવેક વાગ્યા હશે. ડોશીમા ખાટલામાં નિરાંતે બેઠી હતી. અમને બન્નેને જોઈને એને ઘણો આનંદ થયો. અમને ખાટલી પર જ બેસાડ્યાં. મેં કહ્યું કે, ‘‘બા, આ ખાટલી ત્રણ જણાનો ભાર નહીં ઝીલે.’’ અને તરત જ ડોશીના મુખમાંથી શબ્દો સરી પડ્યા : ‘‘ત્રણનો શું, તેરનો ઝીલશે. ધરતી જેવી છે આ ખાટલી.’’

પછી બાને ખભે હાથ મૂકીને ડોશીએ કહ્યું : ‘‘બહેન, મારે તમને બેયને એક વાત કહેવી છે ને કહેવાતી નથી. પણ લ્યો, કહું છું. તમે મને જીવાડી છે તે હવે એ વાત કહેવી જ પડશે ને! અમે આ પાછળના ગામ ગાજરાવાડીમાં રહેતાં હતાં. મારે દીકરીની દીકરી હતી. હું તો બહેન, વરસોથી વિધવા છું. અમારા એક સગાનો દીકરો અમારે ઘેર જતો-આવતો. વારતહેવારે બે પૈસાની મદદ કરતો. દીકરી જુવાન હતી. છઠ્ઠી ચોપડી ભણીને પછી માસ્તર થઈ. ધીરે ધીરે પેલા છોકરાએ અમારે ઘેર રહેવા માંડ્યું. બહેન, એ તો પરણેલો હતો. ઘેર છોકરાં હતાં. છતાં મારી જુવાન દીકરી ઉપર એની આંખ ચોંટી. હું આખો ખેલ પામી ગઈ. દીકરીને ચેતવી દીધી. પણ પેલો માને નહીં. હું જરાક બહાર જાઉં કે દર્શને જાઉં ત્યાં એ ઘરમાં આવ્યો જ હોય. પછી તો મને ચઢ્યો ગુસ્સો. પણ હું ગરીબ વિધવાબાઈ શું કરું! લાચારી તો એવી કે વાત ના પૂછો. આખરે એક દિવસ કંઈક ખવડાવીને મને અહીં નાંખી ગયો અને દીકરીને ઉપાડી ગયો છે. હવે પાછી મળે એવું કંઈક કરો.’’ ડોશીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. અમે બન્ને ઘર ભણી ચાલી નીકળ્યાં.

બાએ ઘેર આવીને આ વાત બાપુજીને કરી. અને આગ્રહ કર્યો કે અમારા કુટુમ્બના એક ફોજદાર મિત્ર હતા તેમને બાપુજીએ વાત કરવી. બાપુજી બાનો સ્વભાવ જાણે. એટલે બીજે દિવસે બાપુજીએ આખી વાત ફોજદારકાકાને કરી. ચોથે જ દિવસે પેલાં બે જણાં પકડાયાં. છોકરી હજી સગીર હતી. એટલે એ એની માને સોંપવામાં આવી ને પેલાને પૂર્યો જેલમાં. છોકરીને મેળવીને પેલી ડોશીમાને ઘણો આનંદ થયો. એમના ગાજરાવાડીને ઘેર અમે એ ડોશીને લઈ ગયાં ત્યારે એનો આનંદ જોવા જેવો હતો.

બીજે વરસે ડોશીએ પોતાની એ જુવાન દીકરીનાં લગ્ન કર્યાં. બાએ એમાં ઘરનું જાણીને ઘણી મદદ કરી.

આ પ્રસંગે મારા અંતરને સેવાની સાચી દિક્ષા આપી. એનાથી મારી બા તરફની દૃષ્ટિ બદલાઈ ગઈ. બાએ ત્યાર પછી ભાવિ સેવાકાર્યમાં જે સમભાવ અને સ્નેહ બતાવ્યા તે એમના મૃત્યુ સુધી અખંડિત રહ્યા. આ ડોશીના પ્રસંગમાંથી એવું શું બન્યું હતું કે જેણે મારી અને બાની વચ્ચે એક નવો સમ્બન્ધ સ્થાપ્યો હતો! વાત્સલ્ય તો એનું અપાર હતું; પરંતુ પછી એને બધાં સેવાકાર્યોમાં ઊંડો રસ પેદા થયો. ક્યારેક સલાહ આપતી, કદીક તટસ્થ રહેતી, વળી ક્યારેક સમભાવપૂર્વક સાથ આપતી બા સદાની સંગાથી બની ગઈ. વાત્સલ્ય ઉપરાંત એની પાસેથી અપૂર્વ હૂંફ અને રક્ષણ મળવા માંડ્યાં. બાના આ વલણથી અનુગૃહિત બનેલું મારું અંત:કરણ એની આશિષની અપેક્ષા રાખવા લાગ્યું. આ અપેક્ષાએ સમર્પણની ભાવનાને એકાગ્ર બનાવી, અને આખરે આ જ પ્રક્રિયાએ મારી અંતરનિષ્ઠાને સુદૃઢ બનાવવામાં મોટી સહાય કરી. મસ્ત યૌવનમાં જો સન્નિષ્ઠા સધ્ધર ન હોય તો અભિમાનનો સૂક્ષ્મ કીડો આખી હસ્તીને લૂણો લગાડે છે. બાની વત્સલ અને વિમળ સાથીદારીએ મરતાં સુધી મારી સન્નિષ્ઠાની ચોકી કર્યા કરી તે કર્યા જ કરી.

એમના છેલ્લા દિવસોમાં એક યાદગાર પ્રસંગ બન્યો. ગાંધીજીની વાત માનીને અમારે ઘેર હું એક હરિજન વિદ્યાર્થીને જમવા લઈ આવ્યો. બા આમ તો ચુસ્ત વૈષ્ણવ. પણ તે દિવસે એણે અમને રસોડામાં બેસાડીને જમાડ્યા. અને જમાડતાં જમાડતાં પેલી ડોશીની વાત કહી. બાએ ગદ્ગદ કંઠે કહ્યું : ‘‘ગાંધીજી જે દરિદ્રનારાયણની વાત કહે છે તે સાવ સાચી છે. જે એમની સેવા કરે છે તે ઈશ્વરની સાચી પૂજા કરે છે.’’

ત્યાર બાદ અમારા ઘરમાં હરિજન અને વૈષ્ણવજન વચ્ચે કશો જ ભેદભાવ ન રહ્યો.

બા ને હું, માદીકરો હતાં; પછી અમે બન્ને મિત્રો બની ગયાં.

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 410 – September 30, 2018

Loading

...102030...3,0213,0223,0233,024...3,0303,0403,050...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved