હસું હસુંં થતો લંબગોળ ચહેરો, નજર નીચી, ચાલ મધ્યમ, ઓષ્ઠ ઉપર ‘હસબુનલ્લાહ’-નું રટણ અને મધ્યમ કદકાઠું એટલે બીજું કોઈ નહીં, બારડોલીના મૌલાના મહમૂદ સાલેહ પાંડોર.
એ બે ભાઈ, મહમદ અને મહમૂદ. મહમદ મોટા. તેમના હોઠે પણ કુરઆને કરીમનું આ વાક્ય − હસબુનલ્લાહુ વનિઅમલ વકીલ -નું રટણ રહેતું. એમના પિતાને પણ મેં એ વાક્યનું રટણ કરતાં જોયેલા.
મૌલાના મહમૂદ, હાફિઝે કુરઆન હોવા સાથે કારી પણ હતા. કલામે પાકની તિલાવત કરતા ત્યારે તેમનો મિષ્ટ – દર્દીલો અવાજ અને પઠનશૈલી શેરીમાંથી આવતાજતા માણસોના પગોમાં ઝંજીર નાખી દેતા. લોકો ઊભા રહી જતા. તિલાવત સાંભળવામાં નિમગ્ન થઈ જતા !
અને તેમનો જુમ્આમો ખુત્બો એટલે ખુત્બો !બસ, સાંભળ્યા કરો ! તેમને કેટલા ય ખુત્બા કંઠસ્થ હતા. ખુત્બાના સમયે મિમ્બર પર તેમના હાથમાં, આભલે મઢેલ સોનેરી અસો હોય, મિષ્ટ દર્દીલો અવાજ, મનહર પઠનશૈલી અને સ્મિતઝરતો ચહેરો ! જમાતખાનામાં એક એવું અજબ વાતાવરણ છવાઈ જતું કે નમાઝીઓ ડોલ્યા કરે ! અલ્લાહની યાદમાં લીનતલ્લીન !
આવી જ તાસીર ધરાવતો, પણ કંઈક જુદી ઢબનો, એક બીજો ખુત્બો હતો મોટા મિયાં સાહેબનો, જેનું વર્ણન એક અલગ લેખમાં કરાયું છે. આ બે તાસીરમય ખુત્બાથી ઉત્તમ એવો ખુત્બો પઢનાર અન્ય ઈમામ, બારડોલીમાં પાક્યા નથી.
મૌલાના પાંડોરે તાલીમ ખાસ કરીને ડાભેલના જામીઆમાં લીધી હતી. ઉસ્તાદ તો ત્રણચાર હતા, પણ મુખ્ય, ઉપખંડના વિખ્યાત આલિમે દીન મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની. ઉસ્તાદની દુઆ હતી કે તેઓ દીની જ્ઞાનમાં સારુ નૈપુણ્ય મેળવી શક્યા હતા. તેઓ સારા પ્રવક્તા પણ હતા. વઅઝ – પ્રવચન આત્મવિશ્વાસસહ એવી તર્કપટુતાથી કરતા કે શ્રોતાઓની શંકાઓનું, ગૂંચવણોનું નિવારણ થઈ જતું. તેમની પાસે પોતાના વિચારો હતા, વર્ણનની આવડત હતી, સમજૂતીની સૂઝ હતી; અને હતું ભાષાનું ભાથું તથા કુરઆને કરીમ અને અહાદીસે નબવી(સલ્અમ)નો અભ્યાસ.
તેમનું પ્રત્યેક પ્રવચન, નાનું હોય કે મોટું, વૈજ્ઞાનિક ઢબે થતું. માત્ર શ્રદ્ધા નહીં, જ્ઞાનનો ઉજાશ તથા બુદ્ધિચાતુરી તેમાં દૃશ્યમાન થતાં. આવા પ્રવક્તા ગુજરાતી આલિમોમાં કેટલા ? આવી સિદ્ધિ છતાં, તેમને મોટાઈનો મોહ ન હતો. સાદગી હતી, વિનમ્રતા હતી.
ખોલવડ તથા તડકેશ્વરના મદ્રસાઓમાં સેવા આપ્યા પછી, વરાછાવાળા જાદવત શેઠના પ્રેમાગ્રહથી, તેઓ બર્મા ગયા હતા, જ્યાં મૌલમીન શહેરની સુરતી મસ્જિદના ખતીભ તથા ઈમામ તરીકે નિયુક્ત થયા હતા. કહે છે કે અહીં મસ્જિદ – મદ્રસાની જવાબદારી તેમના શિરે હતી એ દરમિયાન, જમીઅતે ઉલેમાએ બર્માના મંત્રી અને પછી પ્રમુખ તરીકે તેમની વરણી થયેલી, અને કહે છે કે મૌલમીનમાં તેમણે એક યતીમખાના – મદ્રસાની સ્થાપના પણ કરેલી. − બાદમાં તેઓ મયમો શહેર ચાલ્યા ગયા હતા, જ્યાં દીની સેવા બજાવતાં, ઘણું કરીને 1961-62માં, તેમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો.
તેઓ રાજકારણમાં સક્રિય હતા. તેમના ઉસ્તાદ શબ્બીર અહમદ ઉસ્માનીની જેમ તેઓ ય લીગી ખ્યાલ ધરાવતા હતા. બારડોલી તાલુકા મુસ્લિમ લીગનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું હતું. એ સમયે હું લીગનો મંત્રી તથા નેશનલ ગાર્ડનો કેપ્ટન હતો.
મૌલાના મહમૂદ સાલેહ પાંડોરના દાંપત્યજીવન વિશે નોંધી શકાય છે કે તેમની બે જીવનસંગિની હતી. પહેલા લગ્ન મારાં મોટાં બહેન ખદીજા સાથે થયાં હતાં. મારાં બહેનનાં પાંચ સંતાનો. ત્રણ દીકરી : ફાતેમા, આયેશા, હફસા (છોટી) અને બે દીકરા : અહમદ, ઈસ્માઈલ.
બીજી પત્ની હતી ખોલવડની આયેશા ડંગોર. એમનો એક દીકરો : યુનૂસ, જે હાલ કેનેડામાં છે.
મૌલાનાની જમીનો હતી, પરંતુ એ ઈલ્મી આદમી, એની વાવણી − લણણીની ઝંઝટમાં પડ્યા ન હતા. એ બધું મારાં બહેન સંભળાતાં. ભેંસો ય પાળી હતી. અને છેવટ સુધી એ બધું સંભાળ્યું હતું.
એમની, જિન્નાત સાથેની મૈત્રીના કિસ્સા પણ છે, પણ એ મને બુદ્ધિગમ્ય લાગતા નથી. બર્મામાં કોઈક છોકરીને વળગેલા જિન્નને કાઢ્યાનો ઢંગધડા વિનાનો કિસ્સો ય છે. પણ સવાલ આ છે કે માનવદેહમાં કોઈ અન્ય મખ્લૂક પ્રવેશી વસવાટ કરી શકે ખરી ?
ગમે એમ, પણ મૌલાના પાંડોરનાં પ્રથમ પત્ની તે મારાં મોટાં બહેન ખદીજાએ એક વાર મને કહેલું, ‘તારા બનેવી રાત્રે કુરઆનની મિલાવત કરે છે ત્યારે જિન્નાત તેમની પાસે આવે છે. વાતચીત કરે છે !’
જો કે મૌલાના માત્ર મારા બનેવી નહીં, મિત્ર પણ હતા. અને તેમણે એવી કોઈ ચમત્કારિક વાત મારી, આગળ કરી નહોતી. અને સાચું પૂછો તો તેમની મોટાઈ તેમની વિદ્વતામાં, તિલાવતે કુરઆનમાં ને વ્યાખ્યાનોમાં હતી ! જિન્નાત સાથેની મૈત્રીના કે વળગેલા જિનને કાઢવાના કિસ્સામાં ન હતી. તેઓ એવા નબળા અને ચમત્કારિક કિસ્સાઓની કાંખઘોડીના આધારે ચાલનારા આલિમ હતા જ નહીં.
11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]
![]()


ગંગામુક્તિ માટે ૧૧૧ દિવસ ઉપવાસ કરીને પ્રાણ સમર્પિત કરનારા પ્રા. જી.ડી. અગ્રવાલને અંગત રીતે ઓળખવાનું સદ્ભાગ્ય મને મળ્યું હતું. પર્યાવરણને લાગેવળગે છે ત્યાં સુધી પર્યાવરણ માટે સરોકાર ધરાવનાર આખું જગત તેમને જાણે છે. પર્યાવરણ વિશે ઊહાપોહ કરનારા અને પેપર રજૂ કરનારા વિદ્વાનો તો જગતમાં ઘણા છે; પરંતુ જી.ડી. અગ્રવાલ પર્યાવરણ સારું સતત ઝઝુમતા હતા, તે ત્યાં સુધી કે તેમણે સન્યાસ લીધો હતો. મેં એકવાર તેમને સન્યાસ લેવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘તેઓ રૂઢ અર્થમાં મોક્ષાર્થી નથી, ઈશ્વરપ્રાપ્તિ માટે બીજા જેમ સન્યાસ લે છે એવી કોઈ ભાવના નથી. મેં સન્યાસ લીધો એનું કારણ ગંગા છે. પ્રજા જો ભગવા કપડાંધારી સાધુની વાત સાંભળતી હોય અને ગંગાને બચાવતી હોય તો હું સંસાર છોડવા પણ તૈયાર છું.’ સન્યાસ લીધા પછી તેઓ સ્વામી જ્ઞાનસ્વરૂપાનંદ તરીકે ઓળખાતા હતા. જો કે જગત તો તેમને દંતકથારૂપ પ્રો. જી.ડી. અગ્રવાલ તરીકે જ ઓળખે છે અને ઓળખતું રહેશે. તેમનું યોગદાન અને ઊહાપોહ ભૂલાવાના નથી.
ગયા મહિને મેં લખેલું કે ગર્ભપાત અંગે ઘણા લોકો હવે 'પ્રો-ચૉઈસ' થઇ ગયા છે. એ અરસામાં આપણી સુપ્રીમ કૉર્ટે બે કલમો નાબૂદ કરી અને ક્રાન્તિકારી ચુકાદા આપ્યા. 377-સંદર્ભનો ચુકાદો કહે છે, સમલૈંગિક સમ્બન્ધો હવેથી અપરાધ નથી. 497-સંદર્ભનો ચુકાદો કહે છે, વ્યભિચાર હવેથી ગુનો નથી. મને થાય, 'પ્રો-ચૉઇસ' તરફ વધી રહેલું વલણ, કૉર્ટે કરેલી સમલૈંગિક સમ્બન્ધોની તેમ જ વ્યભિચારની પુષ્ટિ, એ ત્રણનો સરવાળો એમ દર્શાવે છે કે એ દરેક બાબતે વ્યક્તિને હવે મૉકળાશ જ મૉકળાશ છે. કેમ કે મોટી વસ્તુ વ્યક્તિસ્વાતન્ત્ર્ય છે. મને મૂંઝવણ થવા લાગેલી. હું વ્યક્તિસ્વાતન્ત્ર્યને તાકીને જોતો'તો ને એ મને ઘડીએ ઘડીએ દાંતિયાં કરતું'તું.