Opinion Magazine
Number of visits: 9579865
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારો કર્મશીલોને જુલમી કાયદા વાપરીને પકડે, અદાલતો બંધારણને ટાંકીને તેમને રાહત આપે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|7 September 2018

સમાનતાવાદી સમાજ માટે મથનારાં કર્મશીલો અને જૂથો સામે સરકારે યુ.એ.પી.એ. કાયદાનો ફરી એક વાર  દુરુપયોગ કર્યો છે ત્યારે ડૉ. વિનાયક સેન અને કબીર કલા મંચને યાદ કરવા જેવા છે

ગઈકાલે સર્વોચ્ચ અદાલતે, મહારાષ્ટ્ર પોલીસે જેમની ધરપકડ કરી હતી એવાં, પાંચ કર્મશીલોની હાઉસ ઍરેસ્ટની મુદ્દત બુધવાર સુધી લંબાવી અને આ ધરપકડો બાબતે પોલીસે 31 ઑગસ્ટે યોજેલી પ્રેસ કૉન્ફરન્સ અંગે પોલીસની ઝાટકણી પણ કાઢી. અદાલતે હાઉસ ઍરેસ્ટના આપેલા આદેશના બીજા જ દિવસે પોલીસે કૉન્ફરન્સ યોજીને ધરપકડોને ટેકો આપતા કથિત પુરાવા માધ્યમોમાં મૂક્યા હતા. ન્યાયમૂર્તિએ કહ્યું: ‘આ મૅટર અમારી સામે હોય ત્યારે અમારે પોલીસ પાસેથી સુપ્રિમ કોર્ટ ખોટી છે, આવું સાંભળવાનું ન હોય.’ આ પૂર્વે 6 સપ્ટેમ્બરે મુંબઈની વડી અદાલતે પણ પોલીસને આ રીતે પત્રકાર પરિષદ યોજીને કેસને લગતી માહિતી બહાર પાડવા માટે ઠપકો આપ્યો હતો.

સરકારે અઠ્ઠ્યાવીસ ઑગસ્ટે દેશના જુદાં જુદાં શહેરોમાંથી પાંચ કર્મશીલોની ધરપકડો કરાવી હતી. તેમની પર પ્રતિબંધિત માઓવાદી જૂથ સાથે જોડાણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તદુપરાંત પોલીસે બે કર્મશીલોનાં ઘરો પર છાપા પણ માર્યા હતા. પોલીસે આ કારવાઈ યુ.એ.પી.એ. એટલે કે ‘અનલૉફુલ ઍક્ટિવિટિઝ(પ્રિવેન્શન)ઍક્ટ’ હેઠળ કરી છે. ‘દેશની એકતા અને સાર્વભૌમતાનું રક્ષણ’ કરવાના હેતુથી 1967માં ઘડવામાં આવેલો આ કાયદો  પોલીસને ‘આતંકવાદી કામ કે ગેરકાનૂની પ્રવૃત્તિને ટેકો આપવાના’ શક પરથી કોઈ વ્યક્તિ પર છાપો  મારવાની અને વૉરન્ટ વિના તેની ધરપકડ કરવાની સત્તા આપે છે. આરોપી જામીન માટે અરજી કરી શકતા નથી. આ કાયદાનો સહુથી વાંધાજનક હિસ્સો એ છે કે તે સરકાર જેને ‘ગેરકાયદેસર મંડળો, આતંકવાદી ટોળકીઓ અને સંગઠનો’ ગણે છે તેનાં સભ્યોની ધરપકડ કરવાની સત્તા પોલીસને આપે છે.

આ કાનૂન હેઠળ મહારાષ્ટ્ર પોલીસે કરેલી તાજેતરની ધરપકડોનો દેશભરમાં વ્યાપક વિરોધ થયો. પાંચ ખૂબ સન્માનિત ઍકેડેમિક્સે આરોપીઓ વતી કરેલી જામીન અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે 29 ઑગસ્ટે પાંચેય આરોપીઓને જેલમાં નહીં પણ તેમનાં ઘરમાં અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો. વળી, સહુથી મહત્ત્વની વાત એ કે અદાલતે સરકારને કહ્યું કે ‘વિરોધ એ લોકશાહી માટેનો સેફટી વાલ્વ છે. જો વિરોધને જગ્યા નહીં આપવામાં આવે તો પ્રેશર કૂકર ફાટી જશે.’ પછીના દિવસે પોલીસે પત્રકાર પરિષદમાં, ધરપકડો માટેના પુરાવા તરીકે કહ્યું કે  આરોપીઓનાં ઘરોમાંથી મળેલી હાર્ડ ડિસ્ક્સમાં એવા ‘હજારો પત્રો’ છે કે જેમાં પ્રતિબંધિત સંગઠન કમ્યુિનસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા- માઓઇસ્ટ(સી.પી.આઈ.-એમ.) માટે આઠ કરોડ રૂપિયાના ગ્રૅનેડ લૉન્ચર્સ તેમ જ ઍમ્યુિનશન ખરીદીને લગતી અને ‘રાજીવ ગાંધીની હત્યા પ્રકારનાં’ કાવતરા વિશેની માહિતી છે. જો કે આરોપીઓએ પ્રતિવાદ કર્યો છે કે પોલીસ પત્રકારોને સબ જ્યુડિસ કેસની સંવેદનશીલ વિગતો આપીને મીડિયા ટ્રાયલ ચલાવી રહી છે. આ પહેલાં 5 જૂને પણ ભા.જ.પ. શાસિત મહારાષ્ટ્રની પોલીસે પાંચ કર્મશીલોની આ રીતે જ ધરપકડ કરી હતી. પોલીસે કર્મશીલોનાં કાવતરાની શોધ કરી છે. તો બીજી બાજુ આ બધાંએ વર્ષોથી કરેલાં કામની વિગતો માધ્યમોમાં મળે છે. તેઓ સરકાર અને કૉર્પોરેટનાં ગઠબંધનથી આદિવાસીઓનાં જળ-જંગલ-જમીન, અને કોમવાદી સરકારમાં દલિતોના નાગરિક અધિકારો ન છિનવાઈ જાય તે માટે લોકસંગઠન અને કાનૂની રાહે કપરી લડતો ચલાવી રહ્યાં છે. તેમાંથી મોટા ભાગનાં એવાં છે કે જેમણે, ઉજળી શૈક્ષણિક કારકિર્દી અને વ્યવસાય કૌશલથી મળી શકે તેવી, એષ-આરામની જિંદગી છોડીને, ઊંડી સામાજિક નિસબત સાથે જાહેર સંઘર્ષ અને નવરચનાનાં કાર્યોમાં ઝંપલાવ્યું છે.

આવા કર્મશીલોની, લોકશાહી પર કલંકરૂપ ધરપકડ, અને અદાલતો દ્વારા તેમની મુક્તિના કેટલાક કિસ્સાઓમાંથી દુનિયાભરમાં જાણીતો કિસ્સો છત્તીસગઢના ડૉક્ટર વિનાયક સેનનો છે. નક્ષલવાદગ્રસ્ત અંતરિયાળ વિસ્તારમાં વર્ષોથી તબીબી સેવા કરનારા સેન નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનનાં કાર્યકર્તા પણ હતા. તેની રુએ તેમણે, ભા.જ.પ.ની રાજ્ય સરકારે નક્ષલવાદને ખાળવા માટે સ્થાનિક લોકોને શસ્ત્રો આપીને બનાવેલાં સાલવા જુડુમ નામનાં લડાયક દળની સામે મોરચો માંડ્યો. સેનની સહાયથી સંગઠને કરેલી તપાસમાં સાલવા જુડુમે આચરેલા ભયંકર હિંસાચારના સંખ્યાબંધ બનાવો બહાર આવ્યા. સર્વોચ્ચ અદાલતે સાલવા જુડુમને ગેરકાનૂની ગણીને વિખેરી નાખવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો. એ જ અરસામાં સરકારે સાઠ વર્ષના સેનની પ્રતિબંધિત માઓવાદી જૂથ સાથેનાં જોડાણ તેમ જ રાજદ્રોહના આરોપો હેઠળ ધરપકડ કરી અને છત્તીસગઢની વડી અદાલતે તેમને જનમટીપની સજા ફટકારી. ડોક્ટર સેન એક માઓવાદી કેદીને રાયપુર જેલમાં મળવા જતા હતા એ હકીકત સરકાર માટે નિમિત્ત બની. અર્થાત્‌ સેનની આ મુલાકાતો પોલીસના મંજૂરી જાપ્તા હેઠળ થતી હતી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ એચ.એસ. બેદી અને સી.કે. પ્રસાદે 15 એપ્રિલ 2011ના રોજ સેનને જામીન આપતાં કહ્યું : ‘આપણે લોકશાહી દેશમાં છીએ. ડો. સેન નક્ષલવાદીઓ સાથે સહાનુભૂતિ ધરાવતા હોઈ શકે પણ એનાથી તે રાજદ્રોહના ગુનેગાર બનતા નથી. શું કોઈને ત્યાંથી મહાત્મા ગાંધીની આત્મકથા મળે તેનાથી એ ગાંધીવાદી ઓછા બની જાય છે?’

યુ.એ.પી.એ. કાનૂન હેઠળ કૉન્ગ્રેસના શાસનકાળમાં ધરપકડ થયેલા પુનાના કબીર કલા મંચના ચાર કલાકારોને પણ મહારાષ્ટ્રની વડી અદાલતે 5 ફેબ્રુઆરી 2013 ના રોજ જામીન આપ્યા હતા. આ મંચ સરકારની લોકવિરોધી નીતિઓ, ભેદભાવ, અન્યાય અને શોષણનો વિરોધ કરતાં મરાઠી ગીતોના જાહેર કાર્યક્રમ કરતો રહ્યો છે. હચમચાવી દે તેવા શબ્દો અને રજૂઆતમાં ક્રાન્તિનો સંદેશ હોય  છે. જામીન આપતાં ન્યાયમૂર્તિ  અભય ઠિપસેએ કહ્યું : ‘માત્ર ક્રાન્તિ જ સામાજિક માળખામાં બદલાવ લાવી શકે છે એ મતલબનાં મંતવ્યની અભિવ્યક્તિ અપરાધ ગણાય નહીં.’ ન્યાયમૂર્તિએ એ વાત માટે પણ ‘આશ્ચર્ય’ વ્યક્ત કર્યું કે ‘ભ્રષ્ટાચાર નાબૂદી, સામાજિક અસમાનતા, શ્રીમંતો અને ગરીબો વચ્ચે વધતી જતી ખાઈ, ગરીબોનું શોષણ જેવા વિષયોની વાત કરવા માટે’ મંચના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ‘આવા વિષયો અંગે રજૂઆત કરવામાં કશું ખોટું નથી’, એમ પણ તેમણે જણાવ્યું. ન્યાયાધીશે ચૂકાદામાં આ મતલબનું નોંધ્યું છે : ‘ કબીર કલા મંચ જે પ્રકારના મંતવ્યો વ્યક્ત કરે છે તેવા વિચારો અનેક રાષ્ટ્રીય અને અગ્રણી નેતાઓ વ્યક્ત કરે છે. આવા મંતવ્યોની અભિવ્યક્તિને કારણે કોઈ વ્યક્તિ પર સી.પી.આઈ.(એમ.)ના સભ્ય હોવાનો થપ્પો મારી શકાય નહીં. ઊલટું, આવું રિઝનિંગ એ બતાવે છે કે સાચા અને યોગ્ય મુદ્દાની વાત સી.પી.આઈ.(એમ.) સિવાય કોઈ કરતું નથી. એનો અર્થ એ થયો કે બીજાં પક્ષો અને સામાજિક સંગઠનોને સમાજની આ સમસ્યાઓની કોઈ પરવા નથી. કાર્લ માર્ક્સની શીખામણોમાં શ્રદ્ધા હોવી કે માઓવાદી તત્ત્વજ્ઞાનમાં કેટલોક વિશ્વાસ હોવો એ ગુનાઇત બાબત નથી. પ્રતિબંધિત રાજકીય પક્ષનું સાહિત્ય રાખવું એ પણ અપરાધ નથી.’ વધુમાં આઇ.પી.સી. અને યુ.એ.પી.એ.ની જુદી જુદી કલમોનો ફોડ પાડીને તેમણે કહ્યું : ‘પ્રતિબંધિત સંગઠનનું માત્ર સભ્યપદ કોઈ વ્યક્તિને ગુનેગાર બનાવતું નથી, સિવાય કે એ હિંસા આચરે કે લોકોને હિંસા આચરવા માટે ઉશ્કેરે.’

આ જ શબ્દો સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ માર્કન્ડેય કાટ્જુ અને જ્ઞાન સુધાએ 4 ફેબ્રુઆરી  2011ના રોજ નોંધ્યા હતા. એ ચૂકાદો તેમણે, કૉન્ગ્રેસ સરકારના કાળમાં, ગૌહાતીની ‘ટાડા’ (હવે નાબૂદ થયેલ ‘ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટિઝ ઍક્ટ’) કોર્ટે પ્રતિબંધિત ‘ઉલ્ફા’ નામના વિઘટનવાદી સંગઠનના સભ્યપદ માટે ગુનેગાર ઠારાવાયેલા કર્મશીલ અરુપ ભૂયાનની તરફેણમાં આપ્યો હતો. કૉંગ્રેસના કાર્યકાળમાં, કેરળની વડી અદાલતે માઓવાદી હોવાના આરોપ હેઠળ ગિરફ્તાર કરેલા વાયનાડના વિદ્યાર્થીને 22 મે 2015 ના રોજ નિર્દોષ જાહેર કરતાં ચૂકાદામાં નોંધ્યું હતું :‘માઓવાદીની રાજકીય વિચારધારા આપણી બંધારણીય રાજ્યવ્યવસ્થા સાથે બંધબેસતી આવતી નથી, છતાં ય માઓવાદી હોવું એ ગુનો નથી.’ અદાલતે એમ પણ કહ્યું કે ‘આકાંક્ષા હોવી એ લોકોનો પાયાનો માનવ અધિકાર છે.’ એણે રાજ્યની ટીકા કરતાં કહ્યું કે આ ધરપકડમાં ‘કાયદાનું ગણવેશધારી પતન જોવા મળે છે કે જેમાં રક્ષક ભક્ષક બન્યા છે’  અત્યારે પણ આ જ બની રહ્યું છે.

*********

07 સપ્ટેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 07 સપ્ટેમ્બર 2018 માટે 

Loading

કાયદા પંચની અમૂલ્ય સલાહ : યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ શા માટે? સિવિલાઈઝ્ડ સિવિલ કોડ શા માટે નહીં?

રમેશ ઓઝા|Opinion - Opinion|6 September 2018

ગઈકાલના લેખમાં આપણે જોયું કે ભારતીય પ્રજા વચ્ચેના આંતરિક વિખવાદ અને બહુમતી પ્રજાના દુરાગ્રહોનાં કારણે એક દેશ એક ભાષા તેમ જ એક દેશ એક કાયદાની બસ આપણે ચૂકી ગયા. બંધારણ ઘડતી વખતે પણ આ દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં પણ સફળતા નહોતી મળી. હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં આવે એની સામે માત્ર દક્ષિણ ભારતમાંથી વિરોધ થયો હતો એવું નહોતું. અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વ દ્વારા સમાજમાં સ્વાભાવિક વર્ચસ્‌ ધરાવનારા ભદ્ર વર્ગે પણ તેનો વિરોધ કર્યો હતો અને આજે પણ કરે છે. આવું જ એક દેશ એક કાયદાની બાબતમાં બન્યું હતું.

અહીં એક વાત નોંધી લેવી જોઈએ કે દેશની કાયદાપોથીઓમાં જેટલા કાયદા છે એમાંથી ૯૯ ટકા કાયદાઓ દેશની દરેક પ્રજાને એક સરખા લાગુ પડે છે. માત્ર કૌટુંબિક કાયદાઓ (પર્સનલ લોઝ) અલગ અલગ છે. કૌટુંબિક કાયદાઓમાં લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસાહક, બે પત્ની રાખવીનો સમાવેશ થાય છે. બીજું આવા વૈયક્તિક કે કૌટુંબિક કાયદાઓનો લાભ એકલા મુસલમાનોને મળે છે એવું નથી, ભારતમાં એવી એક પણ પ્રજા નથી જેને તેમના પોતાના વૈયક્તિક કાયદાઓનો લાભ ન મળતો હોય. આદિવાસીઓ માટે પણ તેમના પરંપરાગત રિવાજો અનુસારના કાયદાઓ (કસ્ટમરી લોઝ) અસ્તિત્વ ધરાવે છે અને એ બધા તેમના પોતાના અલગ અલગ છે.

હિન્દુત્વવાદીઓ કોમી રાજકારણ કરે છે એટલે હવા એવી પેદા કરી છે કે પર્સનલ લોઝ જાણે કે એકલા મુસલમાનો માટે છે અને તેઓ એકલા એકસમાન કાયદા(યુનિફૉર્મ સિવિલ કોડ)નો વિરોધ કરે છે. હકીકત આનાથી ઊલટી છે. બંધારણ ઘડાતું હતું ત્યારે વૈયક્તિક કાયદાઓ નાબૂદ કરીને તેની જગ્યાએ દરેક પ્રજા માટે એક સરખા કાયદા ઘડવામાં આવે એ દરખાસ્તનો વિરોધ કૉન્ગ્રેસમાંના રૂઢિચુસ્ત હિન્દુઓએ અને કૉન્ગ્રેસની બહારના હિન્દુત્વવાદીઓએ કર્યો હતો. એ પછી હિન્દુ સમાજ માટે હિંદુ કોડ બીલ રજૂ કરવામાં આવ્યું, ત્યારે પણ તેમણે તેનો વિરોધ કર્યો હતો. જો તેમણે વિરોધ ન કર્યો હોત તો ત્યારે યુનિફૉર્મ સિવિલ કોડની એક શક્યતા નજરે પડતી હતી. ટૂંકમાં આજે દેશમાં યુનિફૉર્મ સિવિલ કોડ નથી તો એ માટે મુસલમાનો કરતાં રૂઢિચુસ્ત હિન્દુઓ અને હિન્દુત્વવાદીઓ વધારે જવાબદાર છે.

બંધારણ ઘડનારાઓને જ્યારે ખાતરી થઈ ગઈ કે અત્યારે એક દેશ એક ભાષા તેમ જ એક દેશ એક કાયદો સાકાર કરવા શક્ય નથી, ત્યારે તેમણે તેને માર્ગદર્શક સિદ્ધાંતોમાં આમેજ કર્યા હતા. માર્ગદર્શક સિદ્ધાંતોમાં કહેવામાં આવ્યું છે કે આપસી મતભેદોનાં કારણે આટલાં કામ અમારાથી થઈ શક્યા નથી જે ભવિષ્યમાં અનુકૂળતા પેદા કરીને કરવામાં આવે. શું કહી ગયા છે? અનુકૂળતા પેદા કરવામાં આવે અર્થાત્ સર્વસંમતિ વિકસાવવામાં આવે અને તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે.

સભ્ય રાષ્ટ્રના નિર્માણ માટે માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનેક બાબત કહેવાઈ છે જેમાં ભાષા મુખ્ય છે. દેશને જોડવા માટે અત્યંત શક્તિશાળી કડી હોય તો એ ભાષા છે. હિન્દુત્વવાદીઓ અને બીજા દેશપ્રેમીઓ એક દેશ એક ભાષા વિષે ઊહાપોહ નથી કરતા, ક્ષુલ્લક વૈયક્તિક કાયદાઓ વિષે ઊહાપોહ કરે છે. આનું કારણ કોમી રાજકારણ છે. જો તેઓ સાચા દેશપ્રેમી હોય, તો તેમણે હિન્દી રાષ્ટ્રભાષા બને એ રીતની સર્વસંમતિ બનાવવી જોઈએ અને હિન્દીના પક્ષે સર્વસંમતિ બને એ રીતની સુલભ હિન્દીનું સ્વરૂપ વિકસાવવું જોઈએ. ઉચ્ચારણ કરવામાં જડબું તોડી નાખે એવી હિન્દી ભાષા દક્ષિણ ભારતીયો તો ઠીક, હિન્દી પ્રદેશનો બહુજન સમાજ પણ નથી સ્વીકારતો. દેખાવ પૂરતા છીછરા દેશપ્રેમ કરતા ં દેશને જોડનારી નક્કર કડીઓ વિકસાવવા માટે તેમણે કામે લાગી જવું જોઈએ.

તેઓ નથી કરવાના એની ખાતરી રાખજો. બે કારણ છે. એક તો તેઓ રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનું રાજકારણ કરે છે, તેઓ દેશપ્રેમી નથી. બીજું કારણ એ છે કે અંગ્રેજી ટકી રહે એમાં તેમનું પણ સ્થાપિત હિત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના નવ દાયકાના ઇતિહાસમાં ક્યારે ય એક દેશ એક ભાષા માટે અંદોલન કર્યું છે? હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકૃતિ મળે એ માટે દક્ષિણ ભારતમાં હિન્દીનો પ્રચાર કર્યો છે? દરેક પ્રદેશ અને સમાજમાં હિન્દી સ્વીકાર્ય બને એ માટે હિન્દીને  સુલભ કરવાનું કોઈ મિશન સંઘે હાથ ધર્યું છે ખરું? આ બધાં કામ ગાંધીજીએ કર્યા હતા અને આજે પણ થઈ રહ્યાં છે, કારણ કે ગાંધીજી સાચા દેશપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી હતા. તમને નથી લાગતું કે દેશને જોડનારી સૌથી મહત્ત્વની કડી ભાષા છે? ચીન અને જપાનની સફળતા આનું ઉદાહરણ છે. ભારતીયોનો અંગ્રેજીપ્રેમ જોઇને જગત હસે છે.

કહેવાતા દેશપ્રેમીઓને દેશને જોડનારી સૌથી મજબૂત કડી(હિન્દી ભાષા)ને સ્વીકાર્ય બનાવવામાં રસ નથી. એમાં રાજકીય લાભ નથી એટલે કારણ વિના ક્યાં તાકાત ખર્ચવી. તેમને યુનિફૉર્મ સિવિલ કોડમાં રસ છે, કારણ કે એમાં રાજકીય લાભ છે. ખોટી રીતે મુસલમાનોને ટાર્ગેટ બનાવીને ઘેલા દેશપ્રેમીઓને બેવકૂફ બનાવવામાં અને બેવકૂફોની બેવકૂફી ટકાવી રાખવામાં તેમને રસ છે. આપણો એટલે કે સુજ્ઞ નાગરિકોનો કોઈ સ્વાર્થ નથી એટલે આપણે હિન્દીને સુલભ બનાવીને સ્વીકાર્ય બનાવવા માટે કામ કરવું જોઈએ. બાકી યુનિફૉર્મ સિવિલ કોડ ક્ષુલ્લક રાજકીય મુદ્દો છે.

થોભો, એ ક્ષુલ્લક પણ નથી. જે તે ધર્માનુયાયીઓના વૈયક્તિક કાયદાઓ મુખ્યત્વે સ્ત્રીઓને અન્યાય કરનારા છે. એમાં સ્ત્રીઓને અન્યાય થઈ રહ્યો છે એટલે તેમાં સુધારા કરવામાં પુરુષોને રસ નથી, અને બીજું એને કારણે સ્ત્રી સમોવડી બની શકે એમ છે એટલે પુરુષો (જેઓ ધર્મના પ્રવક્તા અને ઠેકેદારો છે) તેનો વિરોધ કરે છે. તો આનો અર્થ એ થયો કે વૈયક્તિક કાયદાઓ લૈંગિક અન્યાય કરનારા છે અને એ અર્થમાં ક્ષુલ્લક નથી, ગંભીર છે. આનો બીજો અર્થ એ થયો કે યુનિફૉર્મ સિવિલ કોડ લૈંગિક સમાનતા માટે અને ન્યાય માટે છે, તેને ધર્મ સાથે ખાસ કોઈ સંબન્ધ નથી. ભારત સભ્ય રાષ્ટ્ર હોવાનો દાવો ત્યારે જ કરી શકે જેમાં કાયદા દ્વારા અને રાજ્ય દ્વારા કોઈને અન્યાય ન થતો હોય. અહીં તો કાયદા દ્વારા અને એ રીતે રાજ્ય દ્વારા દરેક ધર્મની સ્ત્રીઓને અન્યાય થઈ રહ્યો છે.

અહીં કાયદા પંચે ૩૧મી ઓગસ્ટે દેશ સમક્ષ ચર્ચા માટે રાખેલા ‘કન્સલ્ટેશન પેપર ઓન રિફોર્મ ઓફ ફેમિલી લો’નો પ્રવેશ થાય છે. પહેલીવાર નવી પણ નક્કર વાત કહેવાઈ છે. ‘કન્સલ્ટેશન પેપર ઓન રિફોર્મ ઓફ ફેમિલી લો’માં કહેવામાં આવ્યું છે કે મુખ્ય મુદ્દો લૈંગિક અન્યાયનો છે, પરંપરા કે રિવાજજન્ય કાયદાકીય વૈવિધ્યનો નથી. જો સ્ત્રીઓ સહિત કોઈને પણ કાયદો કે રિવાજ અન્યાય ન કરતો હોય તો ભલેને એ કાયદાપોથીમાં રહે ફરક શું પડે છે? નિર્દોષ કાયદાઓનું વૈવિધ્ય કબૂલ રાખો અને અન્યાય કરનારા સદોષ કાયદાઓમાં સુધારા કરો. ટૂંકમાં યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ શા માટે? સિવિલાઈઝ્ડ સિવિલ કોડ શા માટે નહીં? તમને અન્યાય અને અસભ્યતા સામે વાંધો છે કે વૈવિધ્ય સામે વાંધો છે? તમે સ્ત્રીઓને થતો અન્યાય જોઇને શરમ અનુભવો છો કે વૈવિધ્ય જોઇને શરમ અનુભવો છો? આ પ્રશ્નો આપણા જેવા સુજ્ઞ અને સંવેદનશીલ નાગરિકો માટે છે. આપણે જાગૃત સંવેદનશીલ નાગરિક બનીશું તો શાસકો પર દબાવ આવશે, બાકી તેમને સત્તા સિવાય બીજી કોઈ ચીજમાં રસ નથી.

કાયદા પંચે સારું કામ એ કર્યું છે કે તેણે માત્ર સલાહ નથી આપી, દરેક ધર્મના એકેએક વૈયક્તિક કાયદાની ચકાસણી કરી છે અને કયો કાયદો સુધારવાની જરૂર છે એ બતાવ્યું છે. એમાં હિંદુ કોડ બીલ અંતર્ગત ઘડાયેલા કાયદાઓનો અને સ્પેિશયલ મેરેજ એક્ટનો પણ સમાવેશ થાય છે.

નિસબત ન્યાય, સભ્યતા અને સંસ્કારિતા માટેની હોવી જોઈએ. એના પાયા પર રાષ્ટ્રનું નિર્માણ થાય. તારસ્વરીય દેશપ્રેમ તામસી તો હોય છે ઉપરથી વાંઝિયો પણ હોય છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 સપ્ટેમ્બર 2018

Loading

રાધા સો ગીત તારાં લખવાં કબૂલ, કૃષ્ણનું નામ નહીં આવે, બોલ મંજૂર છે?

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|6 September 2018

હૈયાને દરબાર

જન્માષ્ટમીના આનંદમય અવસરની અસર વિદેશી ધરતી પર વર્તાઇ રહી છે. શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ અને મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી … જેવાં ગીતો મોરેશિયસના સ્થાનિક રેડિયો પર બજી રહ્યાં છે. ટર્કોઇશ ગ્રીન કલરના દરિયાની લહેરો પરથી લહેરાતા પવનની સરસરાહટ ચિત્તને પ્રસન્ન કરી રહી છે. ચોમેર ગાઢ હરિયાળી અને નીરવ શાંતિ છે. બસ, થોડી ચહલપહલ છે પરદેશી પ્રવાસીઓની. મોરેશિયસના બીચ પર બિકિનીધારી લલનાઓ ટહેલી રહી છે. આ નીરવ શાંતિમાં દૂરથી મંદિરમાં ઘંટારવ સંભળાય છે. સાંજ ઢળવાની તૈયારીમાં છે. આરતી ટાણું થયું છે. અહીં જ રહેતાં મારાં સ્વાતિભાભી મોરેશિયસના ઇસ્કોન મંદિરનો સંકેત આપે છે.

આ નાનકડા આઈલેન્ડ પર સંખ્યાબંધ હિન્દુ મંદિર આવેલાં છે. લોકો આધ્યાત્મિક છે. મોરેશિયસના ઇસ્કોનમાં જન્માષ્ટમીએ લગભગ પચીસ હજાર ભક્તો રાધાકૃષ્ણના દર્શન કરવા આવે છે. સ્વચ્છ સુંદર રસ્તાઓ ધીમે ધીમે રંગબેરંગી લાઈટોથી ઝળહળવા લાગ્યા છે. કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કૃષ્ણ સમગ્ર જીવનને પ્રેમ કરનારા યુગ પુરુષ છે. એ એકમાત્ર એવા યોગેશ્વર છે જેમણે સ્ત્રીઓની લાગણીઓનો સ્વીકાર કોઇ જાતના ભેદભાવ રાખ્યા વિના કર્યો છે. કોઈ અવતારી પુરુષ રાસલીલા રમતા હોય એવી કલ્પના કરી શકાય? પૂર્ણ પુરુષોત્તમ સુદામાના તાંદુલ આરોગી શકે? અર્જુનનો રથ બની શકે? કૃષ્ણના જીવનમાં દંભને કોઈ સ્થાન નથી. જ્યાં દંભની બોલબાલા હોય ત્યાં કૃષ્ણ રાજી ન જ હોય. રાધા-કૃષ્ણનાં ગીતો વિના કોઈ ગીતકાર જામતો નથી. પ્રેમપંથ પાવકની જ્વાળાની અનુભૂતિ પામનારાને કૃષ્ણની વાંસળીના સૂર સંભળાય છે. કૃષ્ણ ગીતોની વણઝાર મનને તર-બ-તર કરી રહી છે. રાધાનું નામ તમે વાંસળીના સૂર માંહી, જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો, ધેનુકાની આંખોમાં જોયાં મેં શ્યામ, નેજવાને પાંદડે, એકવાર ગોકુળ છોડી ગયા ને … ઓહો, કેટલાં ગીતો યાદ કરવાં?

દેહ મોરેશિયસના દરિયા કિનારે છે પણ મન જઈ પહોંચ્યું છે ગોકુળ, મથુરા-વૃંદાવનમાં. કાનાની મોરલીના સ્વર જાણે દૂર સુદૂરથી સંમોહિત કરી રહ્યા છે. અત્યંત સુંદર આછા લીલાશ પડતાં-સી ગ્રીન ઇન્ડિયન ઓશનમાંથી એક આકૃતિ પ્રગટે છે, રાધા-કૃષ્ણની. રાધા બિના કાના આધા ઔર કાના બિન અધૂરી રાધા. રાધાને કોઈ પૂછે છે કે કાનો તો તને છોડી ગયો છે તો એના વિના તું શું કરશે? રાધા તરત કહે છે કે કાનો તો મારા નામમાં જ સમાયેલો છે, રને કાનો રા અને ધને કાનો ધા. હવે કહો, કાનો ક્યાં દૂર છે મારાથી? આવી કૃષ્ણ સમર્પિત રાધાના કૃષ્ણપ્રેમની મિસાલ જગતમાં ક્યાં ય ન જડે. કૃષ્ણને સોળ હજાર રાણીઓ હતી અને ગોપીઓ સાથેની શૃંગારિક ક્રીડાઓ તો ખરી જ. કૃષ્ણ આટલી બધી સ્ત્રીઓ સાથે સમય વિતાવે એટલે લોકો રાધાને સવાલ કરતા કે તને કંઈ તકલીફ નથી થતી? ત્યારે રાધા નિશ્ચિંતપણે જવાબ આપે, "મુઝે છોડ કર વો ખુશ રહતે હૈ તો શિકાયત કૈસી, ઔર મૈં ઉન્હેં ખુશ ન દેખું તો મુહોબ્બત કૈસી?” રાધાભાવે પ્રેમ કરવો એ કાચાપોચાનું કામ નહીં. જો કે, સામે કૃષ્ણ જેવો પૂર્ણ પુરુષોત્તમ હોવો પણ એટલો જ જરૂરી. મોરપીંછને માંડવે આજે સવાલ-જવાબનું એક અદ્દભુત, અનોખું ગીત સ્મરણ પટ પર ઊભરી રહ્યું છે. તમે માની ન શકો એવા કવિ છે અને કલ્પી ન શકાય એવી કવિની કલ્પના છે આ ગીતમાં. કૃષ્ણ ગીતો તો અઢળક રચાયાં છે, પણ ફક્ત રાધા ગીતો કેટલાં? કવિને અહીં રાધા ગીત રચવાનું મન થાય છે. હાસ્યલેખક તરીકે જ ઓળખાતા બકુલ ત્રિપાઠી અહીં કવિ તરીકે સાવ ભિન્ન પ્રકારનું ગીત લઈને આવે છે. કવિની હિંમત તો જુઓ! તેઓ રાધા પાસે જઇ એક પ્રસ્તાવ મૂકે છે:

રાધા સો ગીત તારાં લખવાં કબૂલ છે,
કૃષ્ણનું નામ નહીં આવે, બોલ મંજૂર છે?
બંસરીની વાત નહીં આવે, બોલ મંજૂર છે?
વાંક નથી તારો વેર નથી મારા મનમાં,
પણ આજે નિર્ધાર મારો પાકો,
કૃષ્ણ કેરા જાદુથી મુક્ત ના એકે કવિ,
પાડ્યો છે એણે કેવો છાકો,
બીજા છો ડરતાં ને ભરતાં છો ખંડણી,
હું તો કવિ ક્રાંતિ ધ્વજ ધારી,
ડરતો ના કૃષ્ણથી હું કવિઓને કહેતો કે,
દુનિયા છે કનૈયાથી થાકી …!
માઠું લગાડજે મા ભોળુડી રાધિકા,
કૃષ્ણનો ય વાંક નથી ઝાઝો,
અમે અક્કરમી કલ્પનાના કંજૂસિયા,
મળતો વિષય ન બીજો તાજો,
પ્રેમની જ્યાં વાત આવી, ટપક્યું ગોકુળિયું ને ગાયો જમના કિનારો,
કૃષ્ણ વિના તો જાણે પ્રેમ જેવું ક્યાં ય નથી, પાક્કો છે ગોઠવ્યો ઇજારો,
તારાં હું ગીત લખું એકસો ને એક પૂરાં,
પાડીએ રિવાજ હવે ન્યારો, કાનુડાના નામ વિના તારું નામ ગાઈએ, રચીએ દુનિયામાં નવો ધારો ..!

આમ, કવિને ૧૦૧ ગીત એવાં રચવાનું મન છે જેમાં કાનુડો ક્યાં ય ન આવે. કાનાના નામ વિનાની ફક્ત રાધાની કવિતા રચીને નવો ચીલો ચાતરવો છે. આ પ્રસ્તાવ રાધા સમક્ષ મૂકીને કવિ ચાલ્યા જાય છે. થોડા દિવસ પછી કવિ રાધાની સંમતિ લેવા પરત ફરે છે ત્યારે રાધા જે જવાબ આપે છે એ જવાબરૂપી ઉત્કૃષ્ટ ગીત આશિત-હેમા દેસાઈએ અદ્દભુત ગાયું છે. આજે મોરેશિયસના સાગર કિનારે અચાનક આ ગીત યાદ આવે છે ને થાય છે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવ્યા પછી હવે રાધિકાને ગાઈએ. વિદેશની ધરતી પર મનમાં રાસલીલા ચાલી રહી છે. આવી જ અનુભૂતિ એકવાર અમેરિકાની ધરતી પર થઇ હતી. લોસ એન્જલસથી લાસ વેગાસની લોન્ગ ડ્રાઈવ પર યજમાને હંસા દવેના સૂરીલા કંઠે રાધાનું નામ તમે વાંસળીના સૂર માંહી … ગીત કાર ડેકમાં સંભળાવ્યું ત્યારે વિદેશની ધરતી પર ગુજરાતી ગીતના સૂરોની રંગીનિયત બહુ મીઠી લાગી હતી. આ લખાય છે ત્યારે ભારતીય સમય મુજબ આઠમની તિથિ છે અને રાત્રિના બરાબર બાર વાગ્યા છે. વિશ્વભરમાં નાદ ગુંજી ઊઠ્યો હશે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી …!

અમે પણ અહીં દરિયાકિનારેથી ઘરે પહોંચીને કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયા છે. ગુજરાતના નારેશ્વરથી ગુરૂજી ખાસ પધાર્યા છે. હોમ-હવન, દત્ત બાવની અને અવધૂત સ્તુિત સાથે ઘરમાં કૃષ્ણ જન્માષ્ટમીનાં ભજન-કીર્તન ચાલી રહ્યાં છે, પરંતુ મારે તો રાધા ભાવથી કૃષ્ણને નિરખવા છે. એટલે જ એક અનોખું ગીત આજે આ કોલમમાં રજૂ કરવું છે. એ ગીત છે ઘંટડીઓ રણકી ને રાધાજી ટહુક્યા …! આ પ્રકારનું ગીત સ્વરકારની પારખું નજરે ચઢે, સ્વરબદ્ધ થાય અને લોકપ્રિય પણ થાય એ ય અનોખી ઘટના. આ ગીતમાં રાધાજી કવિને પ્રત્યુત્તર આપતાં કહે છે કે મારી પરવાનગી શું માંગો છો? એકસો ને એક શું, એક લાખ ગીતડાં ગાશો તો ય કાનો તો બધે આવશે જ. કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય, ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો, આપણાથી છૂટે કેમ આપણો જ નાતો, કવિ! છોડો ને કૃષ્ણથી છૂટવાની વાતો!

આ ગીતના સંદર્ભમાં ગાયક-સ્વરકાર આશિત દેસાઇ કહે છે, "વર્ષો પહેલાં નડિયાદમાં એક લાઈબ્રેરીના ઉદ્દઘાટન નિમિત્તે અમને ગાવા માટે નિમંત્રણ હતું. આયોજકોએ દસેક ગીતો આપીને કહ્યું કે આમાંથી બે-ત્રણ નડિયાદના કવિ છે એટલે એમનાં ગીત ખાસ ગાજો. અમે એમને કહ્યું કે પહેલાં જણાવ્યું હોત તો સારું થાત, અમે એ ગીતો તૈયાર કરીને આવત. પણ હવે તો છૂટકો નહોતો. કાગળિયાં ઉથલાવતા બે કંઇક જુદાં ગીત પર નજર પડી. વાંચીને વધારે મજા એટલે આવી કે કવિ બકુલ ત્રિપાઠી હતા. એક હાસ્યલેખક આવી ઉમદા કવિતા લખી શકે એ જ આશ્ચર્યજનક વાત હતી. શબ્દો બહાર આવે એ રીતે કમ્પોઝ કરવું એ પડકારજનક કામ હતું. છેવટે, રાધા સમક્ષ જે પ્રસ્તાવ મુકવામાં આવે છે એનું પઠન કરવાનું મેં નક્કી કર્યું અને રાધાનો જવાબ ગીત તરીકે સ્વરબદ્ધ કર્યો. ઓન ધ સ્પોટ, ગીત તૈયાર કરી રજૂ કર્યું ને એવું ઉપડ્યું કે હવે તો દરેક પ્રોગ્રામમાં એની ફરમાઇશ આવે છે. સામાન્ય રીતે ગીત ગાતાં પહેલાં હું કવિ પરિચય હંમેશાં આપું પણ આ ગીત લોકોની ધારણા પર છોડું છું. શ્રોતાઓ રમેશ પારેખથી માંડીને કેટલા ય કવિઓનાં નામ ધારે અને છેલ્લે હું બકુલ ત્રિપાઠીનું નામ કહું ત્યારે એમના અચરજનો પાર ન રહે. કવિ હંમેશાં કંઈક નવું કરવા ઈચ્છે છે પણ આ હદે કલ્પના કરે એ કાબિલે તારીફ છે. મારી આ ફેવરિટ કૃતિ છે.

ખૂબ ગમતાં કૃષ્ણ ગીતોમાં હવે અમે પણ આ ગીતનો સમાવેશ કરી દીધો છે. તમે પણ સાંભળજો. ચોક્કસ મજા આવશે.

—————————

ઘંટડીઓ રણકી ને રાધાજી ટહુક્યા કે,
મારી પરવાનગી શું માગો?
કૃષ્ણ વિનાના તમે એકસો ને એક શું,
એક લાખ ગીતડાં ગાઓ, પણ કેમ કરી ગાશો એનું છે અચરજ,
આ આટલામાં સાત વાર આવ્યો?
હોઠથી હટાવો તો આંખમાં છુપાતો ને પાંપણ ઢાળો તો સામે આવે,
આંખો ખોલો તો હાશ! કૃષ્ણ નથી ક્યાં ય, અરે હૈયે આ નટખટ સંતાયો,
હું યે રિસાણી’તી એક દિ’ને હૈયેથી, વાળી-ઝૂડીને બહાર કાઢ્યો,
હળવી થઈ દર્પણમાં જોયું તો કૃષ્ણ,
અને મારો ન ક્યાં ય અણસારો,
કપરું છે કામ, ભલી તમને આ હોંશ છે કે કાનાનું નામ નહીં લેવું,
પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું, એના એક એક અક્ષરમાં કાનો,
કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય છે, ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો,
આપણાથી છૂટે કેમ આપણો જ નાતો, કવિ! છોડોને છૂટવાની વાતો …!

• કવિ : બકુલ ત્રિપાઠી • સ્વરકાર : આશિત દેસાઇ • ગાયક કલાકારો: આશિત-હેમા દેસાઇ

——————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 સપ્ટેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=438152

Loading

...102030...3,0053,0063,0073,008...3,0203,0303,040...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved