એક દિવસ
એ વૃક્ષની ડાળ પીળી પડી ગઈ હતી.
આજે નહીં તો કાલે એ પડવાની જ હતી
એટલે એક દિવસે પપ્પાએ કુહાડીથી એ ડાળને કાપી નાખી
કારણ એટલું જ,
કાલે અચાનક પડેને કોઈને લાગે તો!
નાનો ભાઈ ગુટ્ટુને મારી સાથે ઝાડ પર ચઢવાની ટેવ
અમે બંને ચડીને હીંચકા ખાઈએ,
કોયલને ચીડવીએ,
પક્ષીના કલરવને શાંત બની સાંભળીએ
તો ચંચળ બની એક ડાળી પરથી બીજી પર ભૂસકો મારીએ
અમારી આ વાનરલીલાથી બધાં વાકેફ હતાં
એટલે જ તો એક દિવસે પપ્પાએ એ પીળી પડેલી ડાળને કાપી નાખી
એક આકાશનો ટૂકડો આઝાદ થયો
એ ડાળ કપાયા પછીથી એ વૃક્ષ થોડું બોડું લાગતું હતું
અમને પણ એ બુઠ્ઠું જ લાગતું હતું
અમે ત્યાં રમવાનું છોડી દીધું અને શોધવાં લાગ્યાં નવું વૃક્ષ
પણ પેલી જે સહજતા હતી તે ન આવી.
પપ્પાએ એક દિવસ જમતાં કોળીઓ મોં પાસે લાવી અટકી ગયા
તેઓ મને ધ્યાનથી જોઈ રહ્યાં
હું અચાનક પીળી પડવા લાગી
પપ્પા થોડું મલકીને ફરી ખાવા લાગ્યા.
હું પેલા ઝાડ પાસે આવી તેને બાથ ભીડી
પેલી ખાલી પડેલી જગ્યા પરથી જોવા લાગી આકાશ
ગુટ્ટુએ મારો હાથ પકડી કહ્યું
‘જો અહીં તો જો’
વૃક્ષની ડાળીઓ પર નવી ઊગેલી કુમળી કૂમ્પળો
હું જોવા લાગી
મારા હૃદયની ઊર્મીઓ ફરી ઉછળવા લાગી.
Email : navyadarsh67@gmail.com
![]()


લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં, લતા મંગેશકરે ગાયેલાં ફિલ્મી ગીતોની એલ.પી.માં, દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું એ ગીત તે રૂપલે મઢી છે સારી રાત. કવિ હરીન્દ્ર દવેના શબ્દો, દિલીપભાઈનું સંગીત અને લતાજીના અવાજે આ ગીતમાં કેવી કમાલ કરી હશે કે હિન્દી ગીતોની એલ.પી.માં આ ગુજરાતી ગીત લેવાયું! રૂપેરી રાતનું સૌંદર્ય કે સોળે કળાએ ખીલેલી ચાંદની રેલાવતી ધવલ નિશાની મોહિનીથી ઋજુ હૃદય કવિ મુક્ત રહી શકતા નથી. શરદઋતુની ચાંદની ખીલી હોય ત્યારે મન પર કાબૂ રાખવો કેટલો મુશ્કેલ હોય એ તો કોઈક કવિને અથવા પ્રેમીને જઈને જ પૂછવું પડે. નવરાત્રી પછીની શરદ પૂનમનું હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ છે. ચાંદને સૌંદર્ય સાથે સરખાવાય છે. ચાંદની રાતે ચાંદ-ચકોરીનું મિલન એ પ્રેમની પરાકાષ્ઠા ગણાય છે. નિરભ્ર રાત્રિની શુભ્ર ચાંદની પ્રેમીઓના મિલનને તેજોમય બનાવે છે.