Opinion Magazine
Number of visits: 9664411
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શહીદોની યાદમાં

સંગીતા પટેલ|Opinion - Opinion|9 May 2025

પહલગાંવમાં આતંકવાદીઓએ, સ્ત્રીઓની નજર સામે, તેમનાં સિંદૂર લૂંટી લીધાં અને બે જિંદાદીલ સ્ત્રીઓ કર્નલ સોફિયા કુરેશી, મુસ્લિમ અને વીંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ, હિન્દુએ ભૂંસાયેલાં સિંદૂરનો બદલો લીધો. ગનનો જવાબ મિસાઇલથી આપ્યો. સોફિયા કુરેશીનું નામ તો આજે સ્વદેશાભિમાનની લહેરમાં છે પણ, લશ્કરમાં સ્ત્રી અધિકારીઓને કાયમી કરવાના એક લેન્ડમાર્ક ચુકાદામાં સુપ્રિમ કોર્ટે સોફિયા કુરેશીની જ્વલંત સિદ્ધિઓની નોધ લઇને તેમને રણે ચડવા શુભાશિષ તો ક્યારના ય પાઠવી દીધા હતા.

મેજર મોહમદ અલી રાઝ શેખ

આવું જ એક નામ છે, મેજર મહમદ અલી રાઝ શેખ. દેશ માટે જાન કુરબાન કરી ગયેલા, હિન્દુ-મુસ્લિમ એકતા કાયમ કરતા બિરાદરનું આ નામ છે. 6 માર્ચ 1931માં જન્મેલા માંગરોળના નવાબના વંશજે રાજવી વિરાસતનો વૈભવ નહિ, પણ દેશદાઝ હૈયે રાખેલી અને વતન વહાલું કરી 34 વર્ષે શહીદી વ્હોરી લીધી. ગુજરાતનું માંગરોળ તેમનું જન્મસ્થળ હતું અને ગાંધીનગર તેમનું નિવાસસ્થાન. પ્રારંભિક શિક્ષણ તેમણે રાજકોટમાં લીધું અને ત્યારપછી ઇન્ડિયન મિલિટ્રી અકાદમી સાથે જોડાયા. 23 વર્ષની ઉંમરે લશ્કર સાથે નાતો જોડ્યો. 6 જૂન 1956ના રોજ સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિમાયા. 1965 સુધી 10 વર્ષ લશ્કરમાં સેવા બજાવી મેજર બન્યા. એ પછી વિવિધ ઓપરેશનોમાં સેવા આપી અને લશ્કરી કવાયતોનું ભાથું બાંધ્યું. 

1965માં દેશના આકાશે યુદ્ધનાં વાદળો ઘેરાયાં અને શેખને દેશની સુરક્ષાની ચિંતા ઘેરી વળી. દેશાભિમાને તેમને હાકલ કરી અને 8 સપ્ટેમ્બર, 1965ના દિવસે દેશની સશસ્ત્ર ટૂકડીનું સુકાન સંભાળ્યુ અને દુ:શ્મન દેશના ઇલાકામાં ચડાઇ કરી, ખુદની પરવા કર્યા વગર વીજળી વેગે લગભગ 9 વાગ્યાથી 1.30 વાગ્યા સુધીમાં દુ:શ્મનની આઠ પેટન ટેન્ક, બે RCL ગન અને દુ:શ્મનના કેટલાક શસ્ત્રાગાર ભસ્મીભૂત કરી દીધા. પોતાની જાતની પરવા કર્યા વગર શેખે ટેન્ક કમાન્ડર સામે લડી લેવા કમર કસી. તેમની રેજિમેન્ટ માટે સફળ થવું અઘરું હતું તેમ છતાં પૂર ઝડપે આગળ વધ્યા. આ સંગ્રામમાં મેજરને ગળા પર અને જમણા ખભે ઇજા થઇ અને 12 સપ્ટેમબર 1965ના રોજ અલ્લાને પ્યારા થયા. મેજર મહમદ અલી રાઝ શેખને મરણોત્તર “વીરચક્ર” ખિતાબ એનાયત કરવામાં આવ્યો. મેજર શેખ દેશના શહીદ તો છે જ, પણ એથી ય વધુ તો, ગાય માતાના નામે ધીંગાણું કરીને કોમી એખલાસ ડ્હોળી નાખતા લોકો માટે નીતિબોધ છે.

વાલજીભાઈ પટેલના નિવાસસ્થાન દરિયાપુરમાં, બાબાસાહેબ આંબેડકર જયંતી સભાને સંબોધતાં આયશા બેગમ શેખ

તેમનાં વિધવા આઇશા બેગમ શેખ પતિના આ બલિદાનને આંસુભરી આંખે યાદ કરતાં કહેતાં, “મેજર શેખ ઓપરેશનને અંજામ આપવાના હતા તેના આગલા દિવસે વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ શેખ અને તેમના પરિવાર સાથે રાત્રિભોજન લઇને રણસંગ્રામ માટે શુભેચ્છા પાઠવી હતી.” તે વખતે મરહૂમ શેખને બે નાની દીકરીઓ હતી. આ દીકરીઓએ પિતાની છત્રછાયા વગર જ મોટું થવાનું હતું. વડા પ્રધાન સાથેની તેમની સહપરિવાર તસવીરો આઇશાબેગમનું આજીવન સંભારણું હતું. આઇશા બેગમે કાઁગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવી હતી. વી.પી. સિંહના પ્રગતિશીલ વિચારોમાં આશા દેખાતા તેઓ તત્કાલીન જનતા દળના પક્ષે પણ ચૂંટણી લડ્યાં હતાં. લોકલક્ષી લાગણી આઇશા બેગમમાં હતી. દલિત પેંથર નારણ વોરાની શોકસભામાં તેમની હાજરી દલિત-મુસ્લિમ સૌહાર્દનું સૂચક હતી.

દલિત-મુસ્લિમ સંવાદિતામાં યોગદાન આપવાનો અવસર આઇશા બેગમ ચૂકતા નહિ. દલિત કર્મશીલ વાલજીભાઈ પટેલ 1994માં શહેરકોટડા વિસ્તારમાં વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડ્યા ત્યારે, તેમણે મુસ્લિમ વિસ્તારમાં બહેનોની મિટિંગ બોલાવીને વાલજીભાઈ માટે પ્રચાર કરેલો. મુસ્લિમ સમાજની વાત રજૂ કરતા વાલજીભાઇ લેખિત અહેવાલના પ્રેસ કટીંગની નકલ તેઓ મિટિંગમાં સાથે રાખતાં અને વહેંચતાં. સાચા દેશપ્રેમ અને કોમી એકતા બને આજની તાતી જરૂરિયાત છે. આ બંને દિશામાં યોગદાન આપતા સૌને સલામ.                  

e.mail : sanita2021patel1966@gmail.com

Loading

સાત કાવ્યો

ઉદય ચંદ્રકાંત|Poetry|8 May 2025

૧.

પાંપણ નીચે ચોમાસું કંઈ વરસે અનરાધાર!
સપનું તરતું હાલકડોલક કોણ ઊતારે પાર!
પાંપણ નીચે ચોમાસું …

છાલક ઉડે, છાંટા ઉડે, ખૂણે ખૂણાં ભીંજે!
મનડું કોરું રીસે બેઠું કેમ કરીને રીઝે?
કેમ કરીને છાનો રાખું દલડાનો ધબકાર!
પાંપણ નીચે ચોમાસું …

આભ ભરીને આંખિયું દેખે આવે કો’ અસવાર?
જોજન જોજન જઈને બેઠો કેસરિયો ભરથાર!
નજરું ભીની, દૃશ્યો ભીનાં, ભીનો આ અવતાર!
પાંપણ નીચે ચોમાસું …

સગડ મળે નૈ સાંવલિયાના જોતી સો સો ગાઉ
સાગમટે સો સપનાં જોતી કેવી હું શરમાઉં!
ડેલી ખખડે, દલડું ધડકે, પગલાં સુણું અપાર!
પાંપણ નીચે ચોમાસું …
•

૨.

ઝાડવાઓએ કર્યું છે ખૂલ્લું એલાન,
       અમે પંખીને આપશું નૈ મકાન!
       માળાઓ બાંધીને ટહુકોઓ મૂકતાં,
       ટહુકા મૂકીને ઉડી જાતાં!
       ડાળે ડાળે અમે એકલાં અટૂલાં
       પાંદડે પાંદડે અમે રોતાં!
ધીમે ધીમે અમે સાવ રે ખોઈ દઈએ
       ખીલવા ને ખરવાનું ભાન!
ઝાડવાઓએ કર્યું છે ખૂલ્લું એલાન!

કલરવનાં ભણકારા રાત દિ’ વાગે
       ને જાગે છે દિલમાં ફફડાટ!
       છાનો છાનો પછી ઓસરતો જાય
       માળાનો ધીમો કલબલાટ!
વીલે મોઢે પછી ગણગણતાં રહીએ
       એક એક પંખીનું ગાન!
ઝાડવાઓએ કર્યું છે ખૂલ્લું એલાન!

કૂંપળે કૂંપળે યાદ જૂની ફૂટતી
       ને હૈયામાં પડતી એક ફાળ!
       કોણ અહીં આવશે ને કોણ અહીં બેસશે
       વાટ જોતી લીલીછમ ડાળ!
આખું ય જંગલ પછી પૂછવાને આવતું
      આવ્યા છે કોઈ મહેમાન?
ઝાડવાઓએ કર્યું છે ખૂલ્લું એલાન!

••

૩.

મારી મેડીએ બેસે છે મોર,
            મારા દલડે આ શેનો કલશોર?
મારી મેડીએ બેસે ….

એની સોનાની ચાંચ, એની રૂપાની પાંખ
            એનાં કંઠે છે ટહુકાનો દરિયો!
            ટહુકા વીણી હું તો છાબડીઓ ભરતી
            પોંખવાને મારો સાંવરિયો!
            મોરલાને જોવામાં રાત વહી જાતી
             ને થઈ જાતી સોનેરી ભોર!
મારી મેડીએ બેસે …

મારા કંથ કેરી પાગડીનો કસુંબલ રંગ
             મોરલાની કલગીમાં ભાળું!
             ટહુકે ટહુકે મારી આંખિયું ગુલાબી
             મારા પિયુને પાંપણમાં ઢાળું!
             મોરલાને આપું હું મોતીનો હાર
             ને આપું હું મળવાનાં કોલ!
મારી મેડીએ બેસે ….
•••

૪.

આંખિયુંના ઓરડા થ્યા સાવ ખાલીખમ,
          વાગે આ કોનાં ભણકારા?
          છાનો પગરવ એક ઉંબર લગ પૂગ્યો
          થાય છે આ કોનાં ઊતારા?
                      આંખિયુંનાં ઓરડા …

ભીંતે ચીતરાયું એક મોરપીંછ રૂડું
          ને બારીએ વાંસલડી વાગી !
          પાંપણે પોઢેલી રાત સૂની સૂની
          ઓચિંતિ ઊંઘમાંથી જાગી!
          અધખૂલી આંખે મે ઝાખું રે જોયું
          કાનજી ઊભાં કાળાં કાળાં!
                       આંખિયુંનાં ઓરડા …

શરણાયું વાગી ને ઢોલ રે ઢબૂક્યાં
           અજવાળાં પથરાયાં રાતે!
           સામટાં ગહેક્યા દલડાનાં મોર
           મારું આંગણું વનરાવન લાગે!
           ઉભરાતી આંખિયું પાલવડે લૂછી
           કાનજીને કીધાં મેં મારાં!
                        આંખિયુંનાં ઓરડા …

••••

૫.

મોરલો મોકલ્યો મેં તારે સરનામે,
              હવે તું જાણે ને એ જાણે!
        એને કમખે બેસાડે કે બારણે,
               હવે તું જાણે ને એ જાણે!

                મોરલાને માનપાન દેજે
                 મનડાની વાતું બે કે’જે
       મોરલાની રે’જે તું હારે ને હારે!
    મોરલો મોકલ્યો મેં તારે સરનામે,
                હવે તું જાણે ને એ જાણે!

      વનરાતે વનથી આવ્યો છે મોરલો
       કાન કેરી વાતું લાવ્યો છે મોરલો
         તારા દલડાની વાતું બધી જાણે
      મોરલો મોકલ્યો મેં તારે સરનામે
                  હવે તું જાણે ને એ જાણે!

     મોરલાનાં કંઠમાં છે ટહુકા અપાર
          મોરલો ઉડીને આવ્યો આ પાર
    મોરલાને આસનિયા દેજે તું પાંપણે!
       મોરલો મોકલ્યો મેં તારે સરનામે,
                   હવે તું જાણે ને એ જાણે!
•••••

૬.

હવે પહેલા જેવો લગાવ નથી રહ્યો!
દિલમાં કોઈનો પડાવ નથી રહ્યો!

પીડામાં પણ હસી શકાય છે હવે
દરદનો ખાસ પ્રભાવ નથી રહ્યો!

પ્રશ્નો તો હજીએ છે ઢગલાબંધ
પણ એકેયનો જવાબ નથી રહ્યો!

હવે ‘આવજો’ કહી નીકળી શકાય
લાગણીનો કોઈ દબાવ નથી રહ્યો!

એટલે આંસુઓએ મન વાળી લીધું
રડી પડવાનો સ્વભાવ નથી રહ્યો!

••••••

૭.
કાશ, ક્ષણને શબ્દથી ભરી શકું!
હાથ ઝાલી કો’કનો હું રડી શકું!

કો’કની આંખમાં તલાશ થઈ જીવું
પલકારે પલકારે એને હું જડી શકું!

મળે વાવળ એકાદ ઝાંઝવાનાં તો
ધોમ ધખે રણમાંય હું રઝળી શકું !

રેડી દઉં પાણી ઝાડ પરની ઠીબમાં
કાશ, એકાદ ટહુકાને હું પકડી શકું !

ખોલી દઉં વરસોથી બંધ પાંપણોને
બસ એક આંસુ થઈને હું દડી શકું  !

e.mail : gor.uday.chandra@gmail.com

Loading

રાષ્ટ્રીય ગૌરવની  સાર્થક ક્ષણ જયહિંદ …ઓપરેશન સિંદૂર ! 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 May 2025

પ્રજાના અવાજનો પડઘો

કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહની સંયત, શાલીન માંડણી તેમ જ  સદ્ય વિધવા હિમાંશી નરવાલના નરવા ઉરબોલ, આપણી પ્રજાકીય અસ્મત અને અસ્મિતાનું બુલંદ જયગાન છે.  

પ્રકાશ ન. શાહ

દેશ આખાએ સાતમી મે, બુધવારે એક નવપ્રભાત શો જે ચમકારો અનુભવ્યો, એ કલાકોને વડા પ્રધાન મોદીએ ‘દેશ માટે ગર્વની પળ’ રૂપે ઠીક જ વર્ણવ્યા. બાવીસમી એપ્રિલથી હજુ છઠ્ઠી મે સુધી પહેલગામ ઘટના સબબ જનમાનસ સરકારની સાથે તો બરાબર પણ સામે નહીં તો પણ પ્રસંગોપાત કંઈક ફરિયાદી અલગાવનો અનુભવ નહોતું કરતું એમ તો નહીં કહી શકાય. સાઉદીની મુલાકાત ટૂંકાવી દોડી આવવું અને તાકડે પહેલગામ નહીં પહોંચતાં અગ્રતા આપવી, પ્રવાસયોજકો વગર પરવાનગીએ બૈશરન જવા લાગ્યા એવું – આ ગાળામાં વગર પરવાનગીએ તાજેતરનાં વરસોમાં જવાનો સ્થાપિત રવૈયો છતાં – પરબારું ફટકારવું, આ બધું સંયમવશ મોટે સાદે ન બોલાયું સંભળાયું હોય  તો પણ ધ્યાનમાં નહોતું આવતું એમ તો નહીં કહી શકાય. પણ બુધવારની બપોરે આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું, અનુભવું છું કે આ તરેહનો લાગણીઉછાળો શમી ગયો છે, અને દેશજનતામાં રહ્યો છે તે તો એક રાષ્ટ્ર તરીકે સાર્થક અસ્તિત્વનો ભાવ ન કેવળ ગર્વની પળઃ 

સવારે દસ વાગ્યા આસપાસ વિદેશ સચિવનાં પ્રાસ્તાવિક વચનો પછી કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જે સત્તાવાર બ્રીફિંગ સૌ નાગરિકો જોગ કીધું તે વિગતબદ્ધ એટલી જ સહજસ્વસ્થ સંયત શૈલીને સારુ સ્મરણીય રહેશે. જે વિગતજવર અભિવ્યક્તિ સત્તાપક્ષ પરત્વે અપેક્ષિત રહી શકતી નથી, તેનો આ એક રૂડો અવેજ હતો. જોસ્સો તો એમનો જી.ડી. બક્ષીથી ઓછો હોવાનો સવાલ નથી, પણ દાયિત્વ અને ઉત્તરદાયિત્વના પૂરા ખયાલ સાથેની સંયત રજૂઆત, જરૂર એક પ્રતિમાન લેશે યાદ રહેશે. 

‘ઓપરેશન સિંદૂર’ એ નામાભિધાન પાછળ એક કલ્પકતા જરૂર છે. નારી ત્રણની અસ્મત અને પ્રજાની અસ્મિતા એ પ્રકારનું કદાચ કૈંક દૂરાકૃષ્ટ પણ સંધાન એમાં જરૂર છે. પણ એની જે ગરવાઈ ને નરવાઈ તે એવા સૈનિકી વિવેકમાં છે કે કોઈ સિવિલિયન ને મિલિટરી નિશાન એની સૂચિ પર નથી. જે છે તે આતંકી થાણાં. જૈશ, લશ્કર, હિઝબુલ વગેરે અંગે આપણે પૂર્વે એકાધિક ડોસિયર પાક હુકમરાનોને આપ્યાં હશે. બાવીસમી એપ્રિલને પખવાડિયું થયા આવ્યું છતાં પાક સત્તાવાળાઓએ પોતા થકી પોષાતાં રક્ષાતાં આતંકી થાણાં બાબતે નકરી નામકરાઈ ને નાગડદાઈ શો રવૈયો દાખવ્યો તે પછી ઓપરેશન સિંદૂર તરેહની ઉપક્રમનું લૉજિક સાફ હતું અને છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લાએ તે સચોટ સદ્દગૃહસ્થાઈ સાથે બોલી પણ બતાવ્યું છે. 

વડા પ્રધાન જેને ગર્વની પળ કહે છે, જે હમણાં કહ્યું તેમ ક્ષણાર્ધ સારુ પણ સાર્થકતાનો ભાવ જગવી શકે તેવી તો ચોક્કસ જ છે, એ વખતે યાદ રાખવું રહે છે કે ઓપરેશન સિંદૂરે જગવેલ આશા ઘરઆંગણે આપણા થકી જ ભોંભેગી ન થઈ જાય, ‘એમણે ઘરમ પૂછ્યો’તો, જાત નહીં’ પ્રકારનાં કોઈ કોઈ સત્તાપક્ષી વર્તુળોના સનેડા કે દેશનાં અન્ય રાજ્યોમાં કાશ્મીરી છાત્રો સામે હિંસ્ર પ્રતિક્રિયાના કેટલાંક બનાવો યાદ કરતાં સરવાળે હિંદુ-મુસ્લિમ આડાઊભા વહેરાઈ મરવાની સ્થિતિ ટાળી શકાઈ છે તે જરૂર એક સધિયારો છે. જો કે, કાશ્મીરીઓને / મુસ્લિમોને નિશાન ન બનાવો એવી સદ્યવિધવા હિમાંશી નરવાલની આરતભરી અપીલને જે પ્રકારે ટ્રૉલબહાદુરોનો ભોગ બનવું પડ્યું તે આપણી આ ‘ગર્વની પળે’ સુરક્ષામાં કંઈ નહીં તો પણ છીંડું તો છે જ, અને તે પોતીકી કમાઈનું.

સંસદનું તાત્કાલિક અધિવેશન યોજાય એવી માંગ અને તે યોજના પરત્વે શાસકીય નેતૃત્વને પક્ષે નિર્ણયની ભીંસ, બેઉ પોતપોતાને ઠેકાણે ઠીક જ છે. પણ હવે તરતમાં સત્તાવાર પહેલથી સર્વપક્ષીય બેઠકનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ધોરણસરની આપલે સાથે એક સક્રિય એકંદરમતીની રીતે કંઈક બની આવશે એવી આશાઅપેક્ષા અસ્થાને નથી. નેતા વિપક્ષ રાહુલ ગાંધી જ નહીં, અસહુદ્દીન ઓવેસી સહિતના સકારાત્મક પ્રતિભાવોની મોટી મૂડી વડા પ્રધાન પાસે આ ક્ષણે છે. દેશજનતા ભોંઠી ન પડે તે જોવાની જવાબદારી આ સૌની છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 મે 2025

Loading

...102030...292293294295...300310320...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved