Opinion Magazine
Number of visits: 9578160
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રામચંદ્ર ગુહા અને અમદાવાદ યુનિવર્સિટી : એ દેશની ખાજો દયા …

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|3 December 2018

રામચંદ્ર ગુહા હવે અમદાવાદ યુનિવર્સિટીની વિન્ટર સ્કૂલના ગાંધીકેન્દ્રમાં જોડાવાના નથી. ગઈ કાલે (૦૧-૧૧-’૧૮) તેમણે ટિ્‌વટ કર્યું અને આજે અખબારોમાં સમાચાર છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રામચંદ્ર ગુહા પર અવનવા આરોપ મૂકીને અમદાવાદ યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો અને તેમની નિમણૂક તત્કાળ કૅન્સલ કરવા અનુરોધ કર્યો. એવું નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ધમકી પણ આપી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો આખો પત્ર અહીં મૂકું છું. તેમની દલીલો કેટલી વાહિયાત છે અને આવા લોકો દેશનું, દેશની અખંડિતતાનું કે દેશની સંસ્કૃતિનું રક્ષણ કરવાના હોય, તો દેશને કેમ અલગથી દુશ્મનોની જરૂર નહીં પડે, તે આ પત્ર વાંચીને સમજાઈ જશે :

પ્રતિ,

માનનીય કુલપતિશ્રી,

અમદાવાદ યુનિવર્સિટી, અમદાવાદ

વિષય : કહેવાતા ઇતિહાસકાર ડૉ. રામચંદ્ર ગુહાની નિમણૂક બાબત.

આદરણીય સાહેબશ્રી,

દિનાંક ૧૭-૧૦-૨૦૧૮ના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલ સમાચારથી જાણવા મળેલ છે કે કહેવાતા ઇતિહાસકાર ડૉ. રામચંદ્ર ગુહા, અમદાવાદ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ આટ્‌ર્સ ઍન્ડ સાયન્સ વિભાગમાં વિન્ટરસ્કૂલના ડિરેક્ટર તરીકે જોડાયા છે. તેમણે લખેલ પુસ્તકો તેમ જ લેખો ભારતીય હિંદુ સંસ્કૃતિનું ખંડન કરતાં તેમ જ રાષ્ટ્રનું વિઘટન કરનાર પ્રવૃત્તિઓને પ્રેરણા આપનાર સાબિત થયેલ છે. તેમનાં આ પ્રકારનાં લખાણોથી પ્રેરાઈને દિલ્હીની જવાહરલાલ નૅશનલ યુનિવર્સિટી (JNU) હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી (HCU) વગેરે જેવી રાષ્ટ્રની સેન્‌ટ્રલ / નામાંકિત યુનિવર્સિટીઓમાં રાષ્ટ્ર વિઘટનકારી પ્રવૃત્તિઓ, વ્યક્તિ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા, વ્યક્તિસ્વતંત્રતાના નામે આતંકવાદીઓને મુક્તિ, ભારતદેશના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવાની વાત વગેરે યુનિવર્સિટી પરિસરમાં ચાલતી દેશવિરોધી પ્રવૃત્તિઓને બળ મળેલ છે.

ડૉ. ગુહાએ લખેલ પુસ્તકમાંનાં કેટલાંક વિવાદિત લખાણોના અંશ નીચે મુજબ છે :

1. Makers of Modern India. Chapter 16, Pg. 267

Golwalkar saw three principal threats to the formation of Hindu nation – Muslims, Christians and Communists. All three were foreign in origin, and the last were godless to boot. Golwalkar saw Muslims, Christians and Communists as akin to the demons, or rakshashas of Indian mythology, with the Hindus as the evening angels who would slay them and thus restore the goodness and purity of the Motherland. The RSS it self was projected by Golwalkar as the chosen vehicle for this national and civilzational renewal of the Hindus.

2) Markers of Modern India, Pg. 404

“A Hindu Rashtra would be both inimical to democracy and lead to even more strife between religions.”

3) Makers of Modern India, Chapter 11., Pg. 187

“Let’s now consider religious preceptors and gurus. People gain nothing from these. In the name of the Hindu religion. there are many Sankaracharyas and Saiva and Vaishnava pontiffs. They go about with their retinue in processions on elephants and camels, camp at a place, advertise through their men about ritual washing of their feet and giving aims, charge a rupee or a pound for their feet to be washed and to let people drink that dirty water, and move out to a different camp after people there are milked dry, doing expiatory rituals and taking a ritual dip with our money for having set eyes on a shudra, another ritual and dip for the shudra’s shadow falling on them, one more ritual and dip for having spoken in [demotic or colloquial] Tamil.”

4) Markers of Modern India, Chapter 11, Pg. 181

He wrote critically of the Ramayana and other Hindu epics and texts which, in his view, promoted the message of Brahmin superiority and endorsed distinctions of caste and gender. Brahmin priests were a particular target of his polemics – they were, he claimed, corrupt and cunning, as well as sexual predators – Ramachandra Guha referring to Ramaswamy Periyar.

તેમના અન્ય વિવાદિત લેખો :

The Guru of Hate – CHEN – The Hindu * From IS to RSS : Drawing parallels between Islamism and Hindutva – Hindustan Times* Modi authoritarian and a bully, says Ramachandra Guha – FIRSTPOST, * ‘Case against Ramachandra Guha for accusing BJP-RSS of Gauri Lankesh murder – India Today.

Hindutva is mere, Myth And Dogma – NDTV (You, Tube)* I see RSS spin doctors are trying afresh to whitewash Guru Golwalkar, the man who, as I show here, preached hatred’. @Ram_Guha (Twitter) etc.

ડૉ. ગુહાએ લખેલાં ઉપર્યુંક્ત વિવાદિત લેખો અને પુસ્તકમાંનાં લખાણોના અંશની નકલ સામેલ છે. આ લેખ પૈકીના કેટલાક પર પ્રતિબદ્ધ મૂકવામાં આવેલ છે.

મહાન શ્રેષ્ઠીશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, શ્રી શ્રેણિકભાઈ શાહ જેવા વિઝનરી મહાનુભાવોનું અતુલ્ય યોગદાન શિક્ષણજગતને મળ્યું છે. તેઓશ્રીના તેમ જ આપ જેવા તેમના કર્મઠ અનુયાયીઓના અવિરત પુરુષાર્થથી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને અમદાવાદ યુનિવર્સિટીના માધ્યમથી શિક્ષણક્ષેત્રને અમૂલ્ય યોગદાન મળતું રહે છે. આવી પ્રસિદ્ધ તેમ જ વિદ્યાર્થીહિતને હંમેશાં કેન્દ્રસ્થાને રાખનાર અમદાવાદ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ આટ્‌ર્સ ઍન્ડ સાયન્સ વિભાગમાં વિન્ટર સ્કૂલના ડિરેક્ટર જેવા ઉચ્ચ સ્થાને ડૉ. રામચંદ્ર ગુહા જેવી વ્યક્તિ કે જેમને આપણા પ્રાચીન મહાન રાષ્ટ્ર, આપણી શ્રેષ્ઠ લોકશાહી-પ્રણાલી કે વિશ્વ સ્વીકાર્ય ભારતીય શ્રેષ્ઠ સંસ્કૃતિ પ્રત્યે અભાવ હોય/ઘૃણા હોય તેવી વિવાદિત વ્યક્તિ બેસી કેવા માનવતાના પાઠ શિખવાડશે, તે એક મહા પ્રશ્ન છે. આવી દિશાહીન વ્યક્તિના માર્ગદર્શન નીચે યુનિવર્સિટીમાં બનનાર અભ્યાસક્રમોથી દેશની યુવાશક્તિને દેશદાઝ કે આપણી વિશ્વ શ્રેષ્ઠ સંસ્કૃતિ પ્રત્યે લાગણી ન રહેતા દિશાશૂન્ય તેમ જ સ્વચ્છંદી બનશે, એવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માને છે. જો આપની સંસ્થાનો ઉપયોગ કરીને આવા લોકો દ્વારા દેશવિરોધી તેમ જ દેશને ખંડન કરનારી પ્રવૃત્તિને સહકાર આપશે તો વિદ્યાર્થી પરિષદ આપની સંસ્થાના વિરુદ્ધમાં ઉગ્ર આંદોલન કરશે, જેની પૂર્ણ જવાબદારી આપની રહેશે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આપશ્રીને અનુરોધ કરે છે કે ડૉ. રામચંદ્ર ગુહાની ઉપર્યુક્ત પદે કરવામાં આવેલ નિમણૂકને ઉપર્યુક્ત કારણોસર, શિક્ષણ અને રાષ્ટ્રહિતમાં, તાત્કાલિક અસરથી કૅન્સલ કરવામાં આવે.                                                                   

આભારસહ,

પ્રવીણ દેસાઈ

મહાનગર મંત્રી (કર્ણાવતી મહાનગર) અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ

નકલ રવાના

૧. માન. શ્રી ઓ.પી. કોહલી, રાજ્યપાલ, ગુજરાત રાજ્ય ૨. માન. શ્રી વિજયભાઈ રૂપાણી, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય ૩. માન. શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, શિક્ષણમંત્રી, ગુજરાત રાજ્ય ૪. અંજુબહેન શર્મા – મુખ્ય સચિવશ્રી, ઉચ્ચ અને ટેક્‌નિકલ શિક્ષણ, બોર્ડ ઑફ ડાયરેક્ટર, અમદાવાદ યુનિ. ૫. સંજય લાલભાઈ, બૉર્ડ ઑફ ગવર્નર્સ, અમદાવાદ યુનિ. ૬. સુધીર મહેતા, બૉર્ડ ઑફ ગવર્નર્સ, અમદાવાદ યુનિ. ૭. અંજુબહેન શર્મા, બૉર્ડ ઑફ ગવર્નર્સ, અમદાવાદ યુનિ. ૮. પંકજ પટેલ, બૉર્ડ ઑફ ગવર્નર્સ, અમદાવાદ યુનિ.

(આ મૂળ પત્રની નકલ અહીં સાદર મૂકી છે : વિ.ક.)

આ કહેવાતી વિદ્યાર્થી પરિષદની સમજનો અંદાજ તેના પરથી આવી જશે કે રામચંદ્ર ગુહા માટે તે ‘કહેવાતા ઇતિહાસકાર’ જેવો શબ્દપ્રયોગ કરે છે. આખા પત્રમાં ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’માંથી બે-ચાર વસ્તુઓ કાઢીને, ચાર-પાંચ લેખો ને ટિ્‌વટ ને એવું બધું જોડીને આ વિદ્યાર્થી પરિષદ ગુહાને કેવા ખલનાયક ચીતરે છે, એ તેમની માનસિક રુગ્ણતાના અંદાજ તરીકે જોવા જેવું છે. ગુહાનાં બીજાં અનેક પુસ્તકોનો કે તેમની સ્કૉલરશિપનો સ્વાભાવિક રીતે જ કશો ઉલ્લેખ નથી.

વિદ્યાર્થી પરિષદ તો જે છે તે છે, પણ અમદાવાદ યુનિવર્સિટીથી માંડીને બીજા બધા (આ પત્રની નકલ જેમને મોકલવામાં આવી છે, તે મહાનુભાવો સહિતના) લોકો આવી વાહિયાત ધમકીઓને તાબે થઈ જાય અથવા તેને સાંખી લે, ત્યારે મકરંદ દવેએ અનુદિત કરેલી ખલીલ જિબ્રાનની પંક્તિઓ જ યાદ આવે …

એ દેશની ખાજો દયા …
નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એ જ ખમ્મા, વાહવા!
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

(લેખકના બ્લૉગ http://urvishkothari-gujarati.blogspot.comની ૦૨-૧૧-૨૦૧૮ની પોસ્ટમાંથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 13-14

Loading

શબરીમાલામાં કુમકુમ પગલાં ક્યારે?

ઓમપ્રકાશ જી. ઉદાસી|Opinion - Opinion|3 December 2018

‘ધર્માંધોનો કોઈ ધર્મ હોતો નથી’.

                                                                                                        – સ્વામી વિવેકાનંદ

વિવેકાનંદ મારા પ્રિય સંન્યાસી છે. સ્વામીજીનું બીજું વાક્ય છે, ‘વેદાંત કોઈને વિશેષ અધિકાર આપતું નથી'. આવું બધું યાદ આવે છે કારણ સર્વોચ્ચ અદાલતે કેરળના સબમરીમાલાના વિખ્યાત ભગવાન અયપ્પાના મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ-અધિકાર આપતો ચુકાદો આપ્યો છે. ગત નવરાત્રિના આગમનટાણે જ આ ચુકાદો હતો. આમ તો શિવની એક રાત્રિ તે શિવરાત્રી, પરંતુ ભારતીય મનીષાએ સ્ત્રીને-શક્તિને સર્વોચ્ચ સન્માન આપીને નવનવ રાતથી બિરદાવી છે. એ નવરાત્રિમાં સમગ્ર ભારતમાં આસામ બંગાળથી લઈને ગુજરાત સુધી શક્તિની આરાધના થતી હતી, ત્યારે દેશમાં સૌથી વધુ સાક્ષરતાદર ધરાવતા કેરળના શબરીમાલામાં માહોલ જુદો હતો. સર્વોચ્ચ અદાલતે આપેલો અધિકાર ઈશ્વરે સ્ત્રીને આપેલા અધિકાર ઉપર મંજૂરીની મહોર સમાન છે. અને એ રીતે અદાલતે સ્ત્રીનું જ નહીં, ઈશ્વરનું પણ સન્માન કર્યું છે.

પરંતુ ૨૧નું સદીનું અને હિન્દુધર્મનું દુર્ભાગ્ય! આ ચુકાદા સામે દેશના ખૂણેખૂણેથી પ્રચંડ વિરોધ શરૂ થયો. અદાલતના આદેશ સામે મા-શક્તિઓ પણ પડી! તેઓ સાથે બીજા ય ભળ્યા. દેશના બે મોટા રાજકીય પક્ષોને માતૃશક્તિ કરતાં ‘વોટશક્તિ’માં વજૂદ દેખાયું. અહો વૈચિત્ર્યમ્‌! દુનિયાની આઠમી અજાયબી જેવી ઘટના બની. સર્વોચ્ચ અદાલતના આદેશની સામે કેરળમાં ભા.જ.પ. અને કૉંગ્રેસ જાણે એક થયા. આને કહેવાય ‘ધર્મનું સામર્થ્ય’! વિરોધીઓને પણ ધર્મ એક મંચ ઉપર લાવે છે!

જેની સરકાર છે, એના રાજકીય પક્ષના આગેવાન કેરળમાં શ્રદ્ધાળુઓનાં સમર્થનમાં, હજારો સમર્થેકો સાથે શક્તિપ્રદર્શન કરતાં જોવાં મળ્યાં. એક મંત્રી, વળી તે મહિલામંત્રીએ તમામ ઉંમરની મહિલાપ્રવેશના વિરોધમાં પવિત્રતા અંગે શિખામણ આપી. (આ સ્મૃતિના આધારે લખું છું.) અર્થાત્‌ અમુક ઉંમરની અપવિત્ર મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાના બદલે દૂરથી મંદિરના કે ધજાના દર્શન કરી લેવા? દલિતો આ રીતે માત્ર ધજાના દર્શન કરીને ભગવાનના દર્શન કરી લેતા હતા! એ ભૂતકાળ ભયાવહ હતો.

કેરળની સામ્યવાદી સરકારે આદેશના અમલ માટે નિર્ણય કર્યો છે, પરંતુ અહીં પણ દિલચોરી છે. છેલ્લા સમાચાર મુજબ વ્યવસ્થા માટે મંદિરની અંદર જે મહિલા-પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો છે, તેઓ પચાસ વર્ષોથી ઉપરની મહિલા-પોલીસ હોય છે.

એક ત્રીજું દૃશ્ય બહાદુર લૅડી, તૃપ્તિ દેસાઈનું છે. શબરીમાલા જેવા જ એસોર્ટ ઉપર એ ઊતરી હતી એ એસોર્ટ સશસ્ત્રધારી હજારો પોલીસકર્મીઓથી ઘેરાયેલું હ ઉપરાંત વિરોધીઓ પણ ખરા. એ બિચારીને પરત ફરવું પડ્યું. સરકારને હાશ થઈ અને અંધશ્રદ્ધાળુઓને થયું, ધર્મનો જય થયો! ઉભય હેતુ સર્યા અમને વોટદેવ વર્યા! ‘કન્યાપૂજન’ અને માતૃવંદના’ની ધજ્જિયાં ઊડી ગઈ છે. શીરા માટે (વોટ માટે) શ્રાવક થનારી સરકારો કેન્દ્રમાં હોય કે કેરળમાં, ખુલ્લી પડી ગઈ છે.

દુઃખની વાત એ છે કે આવા પ્રસંગોએ આપણા પ્રખ્યાત કથાકારો, લેખકો, લબ્ધપ્રતિષ્ઠિત સર્જકો, ચિંતકો, મહિલાસંસ્થાઓ, સમાજસેવકોનું મૌન અકળાવે છે. મહિલા-અધિકારની મીણબત્તીઓ ક્યાં ય દેખાતી નથી. સર્વત્ર અંધકાર છે. એકલી ઝઝૂમનાર તૃપ્તિ દેસાઈ અને તેની ટીમને સલામ.

હિંદુધર્મ અને આસ્થા ઉપર જે આકાશ તૂટી પડ્યું છે, તેના રક્ષણ માટે બધા મેદાનમાં આવી ગયા છે, પોતાની રૂઢિગત માનસિકતાને શાસ્ત્રોનો બૌદ્ધિક આધાર આપવામાં આવી રહ્યો છે. પરંતુ મહાન હિન્દુ-ધર્મને આકાશ તૂટવાની નવાઈ નથી. રાજા રામમોહન રૉયે સતીપ્રથાનો વિરોધ કરીને ઝુંબેશ ચલાવી, ત્યારે પણ હિન્દુધર્મ ઉપર આવું આકાશ તૂટી પડ્યું હતું. વિધવાવિવાહના સમર્થકો વખતે પણ આકાશ તૂટી પડ્યું હતું. સ્વામી દયાનંદથી લઈ મહાત્મા ગાંધી જેવા અનેક મહાપુરુષોએ હિન્દુધર્મના કલંક અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો, ત્યારે પણ આકાશ તૂટી પડ્યું હતું. તેઓના મતે સનાતન ધર્મ રસાતાળે ગયો હતો.

પરંતુ ગાંધીજીનું વિધાન માનવતાની છડી પોકારે છે. ‘અસ્પૃશ્યતાનો ઉલ્લેખ જો શાસ્ત્રોમાં હશે, તો એ શાસ્ત્રો પણ મને મંજૂર નથી!’

કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે, હિંદુધર્મમાં સનાતન એટલે નિત્યનૂતન.

ઉપર્યુક્ત સમગ્ર દૃશ્યમાં લાગે છે, ક્યાં આપણે ખાબોચિયાને જ ‘સનાતન ધર્મ’ માનીએ છીએ અથવા બધું જાણતા હોવા છતાં ‘રાજકારણના ખાબોચિયામાં મજા માણી રહ્યા છીએ. પરંતુ આ બેઉ ખાબોચિયાં ધર્મ અને સમાજને અધોગતિ જ તરફ લઈ જનાર છે. ઝનૂનની હરીફાઈ ચાલી રહી છે. હમ કિસીસે કમ નહીં હૈં!’

સર્વોચ્ચ અદાલતે તીન તલાકના વિરોધમાં ચુકાદો આપ્યો, ત્યારે તેના વિરોધમાં ઘણા મુલ્લાઓ મેદાનમાં આવી ગયા હતા. પરંતુ તલાકમુદ્દે સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અક્ષરશઃ અમલ માટે સરકારશ્રીમાં તથા પક્ષમાં ગજબનો ઉત્સાહ અને થનગનાટ હતો. બિચારી શોષિત ઉપેક્ષિત અન્યાયગ્રસ્ત, પીડિત મુસ્લિમ મહિલાઓનાં આંસુઓનાં દર્દને સરકારશ્રી જોઈ શકતી નહોતી. ભા.જ.પ. મુસ્લિમ મહિલાઓનું દર્દ જોઈ શકતું નહોતું. એને મુસ્લિમ મહિલાઓ માટે અશ્રુપાત નહીં, અશ્રુપ્રપાત થતો હતો! પંરતુ હવે પગ નીચે રેલો આવ્યો છે. સામે કેરળનું મેદાન ખાલી પડ્યું છે.

છતાં રાજકીય પક્ષોને દોષ દેવાનો અર્થ નથી. તેઓને હું નિર્દોષ માનું છું, કારણ તેઓનો મુખ્ય વ્યવસાય રાજકારણ હોય છે. માત્ર સત્તાલક્ષી રાજકારણ જે સરકારમાં હોય છે, તેઓને સરકાર ટકાવવાની હોય અને જે વિપક્ષમાં હોય છે તેઓને સત્તા પ્રાપ્ત કરવાની હોય છે. કેરળમાં આ સિવાય બીજું કંઈ નથી.

આજે રાજા રામમોહન રૉય હયાત હોત તો? કલ્પના કરીએ. સુપ્રીમ કોર્ટે સતીપ્રથાના વિરોધમાં ચુકાદો  આપ્યો હોત તો ? કદાચ આ પ્રજાએ જ રાજા રામમોહન રૉયની નનામી કાઢીને શક્તિપ્રદર્શન કર્યું હોત! બિચારી બાપડી સરકારે સનાતન ધર્મના રક્ષણ કાજે સતીપ્રથાના સમર્થનમાં વટહુકમ પાડ્યો હોત! કારણ પ્રશ્ન આસ્થાનો હોત.

અહીં સુપ્રીમ કોર્ટની અવમાનના કરતા સ્ત્રીના સ્વમાનને સન્માન આપવાની સુપ્રીમ કોર્ટની ભાવના લક્ષ્યમાં રાખવી રહી. ખરેખર સુપ્રીમ કોર્ટે મંદિરોમાં મહિલાપ્રવેશ મુદ્દે અલગ અલગ પ્રસંગે ચુકાદાઓ આપવાના બદલે એક જ ચુકાદો બધા મંદિરોમાં લાગુ પાડી દેવો જોઈએ. જેથી સમય, શક્તિ અને નાણાંનો બગાડ ના રહે. સ્ત્રીથી એક દેવતા અભડાય અને બીજા દેવતાને કોર્ટના આદેશની પ્રતિક્ષા કરવી પડે, એ વિચિત્ર લાગે છે.

હિંદુમાં ‘ધર્મ’ની વિભાવના એટલી વ્યાપક છે કે મોટા ભાગની બહેનો માસિક અવસ્થાને ‘માસિકધર્મ’ કહેતી હોય છે.

મોટાભાગની હિન્દુ મહિલાઓ આ દરમિયાન દેવસ્થાનમાં જતી નથી. આ એક સ્વૈચ્છિક અનુશાસન છે. પરંતુ શબરીમાલા મંદિરમાં આવા થોડી દિવસોનું અનુશાસન કે પ્રતિબંધ નથી, પરંતુ આ ઉંમરની તમામ બહેનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આ બારીક તફાવત સમજવા જેવો છે.

એક ચૅનલના ઍંકર તો એટલા ધર્મમય અને ભક્તિમય થયા હતા કે એક વિરોધીને પૂછી બેઠા કે ‘શું તમે ચપ્પલ પહેરીને મંદિરમાં પ્રવેશ કરશો?’ એ ઍંકરને ચપ્પલ અને સ્ત્રી વચ્ચે કોઈ તફાવત દેખાયો નહીં!

થોડું બ્રહ્મચર્ય વિશે : વિવાદનું મૂળ કારણ ભગવાન અયપ્પાનું બ્રહ્મચર્ય છે, પરંતુ આ ભગવાન એકલા બ્રહ્મચારી નથી, હનુમાનજી પણ બાળબ્રહ્મચારી છે.

‘બ્રહ્મચર્ય’ શબ્દએ ઘણી ગેરસમજ ઊભી કરી છે. આ પ્રાચીન વ્યવસ્થાનો ગરિમાપૂર્ણ શબ્દ છે. વિદ્યાર્થી ગુરુકુળમાં જઈને વેદાદિશાસ્ત્રોનો અભ્યાસ કરે એ કાળ બ્રહ્મચર્યાશ્રમ. આ વ્રત પછીથી આધ્યાત્મિક સાધનામાં મહત્ત્વપૂર્ણ બન્યો હશે. ‘બ્રાહ્મીસ્થિતિ’ અંતિમ સોપાન હતું, જેમાં બ્રહ્મચર્ય સહજસાધ્ય હતું. વિનોબાજીના મતે જે બ્રહ્મમાં વિચરે, તે બ્રહ્મચારી, આ સહજતા ના હોય, ત્યારે બ્રહ્મચર્ય કષ્ટસાધ્ય બને છે. અને બ્રહ્મચારીના જીવનમાં ખાનગી અકસ્માતો થતા રહે છે. કાળક્રમે બ્રહ્મચર્યના વિકૃત ગૌરવે સ્ત્રીને પાપનો અને નર્કનો દરજ્જો આપી દીધો. સ્ત્રીનું મોઢું જોવું પાપ થઈ ગયું. ‘વૃંદાવનમાં કૃષ્ણ સિવાય બીજો કોણ પુરુષ?’ એમ કહીને મીરાંએ સંન્યાસીનો કેફ ઉતારેલો. નદીકિનારે સ્નાન કરી રહેલી મુક્તાબાઈઓ જ્ઞાની અને તાંત્રિક ચાંગદેવને સ્ત્રી અને પુરુષના અભેદનું બ્રહ્મજ્ઞાન આપેલું. હિન્દુધર્મે દેવતાઓમાં સ્ત્રીને પ્રથમ સ્થાન આપેલું છે. રામ પહેલાં સીતા, કૃષ્ણ પહેલાં રાધા શંકર પહેલાં ઉમા (ઉમાપતિ). અપપ્પા પણ માતાનું સંતાન હતા.

સૃષ્ટિનું સર્જન કરીને ઈશ્વર થાકી ગયો હશે, ત્યારે સર્જનનો એ વિશેષ અધિકાર (પાવર ઑફ ઍટર્ની) એણે સ્ત્રીને આપ્યો હશે. દુર્ગાતાઈ ભાગવત લખે છે, સ્ત્રીનું માતૃસ્વરૂપ સ્ત્રીને ઈશ્વરની લગોલગ પહોંચાડી દે છે. આપણા મોટા ભાગના ઋષિઓ સપત્નીક હતા. નાનક કહે છે, ‘જે સમ્રાટોને, સંતોને, જ્ઞાનિઓને, ઋષિઓને જન્મ આપે છે, એ નટક કે અસ્પૃશ્ય કઈ રીતે હોય? સ્ત્રીથી પુરુષ જન્મે છે. સ્ત્રીથી સ્ત્રી જન્મે છે. સ્ત્રીથી સંસાર ચાલે છે.’

સરકારો આવશે અને જશે. રાજકીય પક્ષો અને નેતાઓનાં સમીકરણો હોય છે. તેઓ ક્રોધના નહીં, અસલી કરુણાના અધિકારી છે, પરંતુ પ્રજાજીવનમાં પ્રજાએ ક્યારેક સર્વોચ્ચ ડહાપણ બતાવવાનો સમય આવે છે. દરેક ધર્મ અને સમાજમાં જામી પડેલી રૂઢિઓને બદલવાનો સમયનો તકાજો હોય છે. આવા સમયે બુદ્ધિમાન, જ્ઞાની અને ધર્મપુરુષોનો વિવેક કસોટીએ ચડે છે.

સમાજની કોઈ પણ વ્યક્તિને એક નાગરિક તરીકે જોવી જોઈએ. એથી આગળ વધીને તેને એક મનુષ્ય તરીકે જુઓ, ત્યારે તમે કોઈ પક્ષના, પંથના કે ધર્મના રહેતા નથી.

ધર્મમાં નશો નથી હોતો. ધર્મમાં વિવેક હોય છે. ધર્મનો ખોટો કેફ ધર્મ અને મનુષ્ય બંનેનાં આરોગ્ય માટે હાનિકારક છે. માનવતાને જફા પહોંચાડનારી ધાર્મિક રૂઢિઓ અંગે શાણા લોકોએ પુનર્વિચાર કરવો પડે. જેઓ શોરબકોર કરી મૂકે છે, તેઓ ધર્મનું નહીં, પોતાનું રક્ષણ કરતા હોય છે.

આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી ‘બહેનને’ શબરીમાલ મંદિરમાં પ્રવેશ મળ્યો નથી. પક્ષકારો સુપ્રીમમાં પહોંચ્યા છે. પુનર્વિચારણા જે થાય એ, પરંતુ ‘વ્યક્તિ’ને ‘મનુષ્ય’ તરીકે માપવાની ફૂટપટ્ટી નાની ના હોવી જોઈએ.                                                         

ગુરુકુળ, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 12-13

Loading

મળો એક અસાધારણ મહિલાને નામ છે મિત્તલ પટેલ

શૈલેષ નાયક
, શૈલેષ નાયક
, શૈલેષ નાયક|Samantar Gujarat - Samantar|3 December 2018

જેમની છાપ ચોર-લૂંટારાની છે એવા ડફેર સમુદાયના નાગરિકોને મિત્તલ પટેલની સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વગર વ્યાજની લોન આપીને બે હજાર પરિવારોને સમાજમાં માનભેર સ્થાન અપાવવામાં આવ્યું છે : આ સંસ્થાએ પાંચ કરોડ રૂપિયાથી વધુની લોન આપી છે, પણ એકેય જણે હજી સુધી ઉઠમણું નથી કર્યું

‘સાહેબ, આ લોન લીધા પછી મારું જીવન બદલાઈ ગયું છે, ઉન્નતિ થઈ છે. અમે દુ:ખી હતા અને મિત્તલબહેને અમારું બાવડું પકડીને અમને રોજીરોટી આપી. આજે મારી પાસે દસપંદર બકરાં છે અને દૂધ ભરું છું, બે પૈસા મળે છે અને લોનના પૈસા ચૂકવું છું.’

ગુજરાતના ધ્રાંગધ્રા નજીક આવેલા ગુજરવદી ગામના પાદરમાં રહેતા ઉસ્માન રાયબ ડફેરે બકરાં લાવવા માટે ૩૦ હજાર રૂપિયાની લોન લીધી અને એના કારણે તેમના જીવનમાં આવેલા પરિવર્તનની વાત ‘મિડ-ડે’ને કરી રહ્યા હતા.

ઉસ્માન રાયબ ડફેરની જેમ માલણિયા ગામના ગુલાબ ઇબ્રાહિમ ડફેરે ઊંટલારી લાવવા માટે ૩૦ હજાર રૂપિયાની લોન લીધી તો સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામનાં ૬૦ વર્ષનાં સાજનબહેન ઉર્ફે લાડુમાએ બિસ્કિટ, ગોળી, વેફરના ગલ્લા માટે ૩૦ હજાર રૂપિયાની લોન લીધી અને આજે આ પરિવારો સ્વમાનભેર રોજીરોટી કમાઈને તેમનું જીવન સારી રીતે જીવી રહ્યાં છે.

બૅન્કોમાંથી કરોડો રૂપિયાની લોન લઈને એ સમયસર નહીં ભરીને બૅન્કોને આર્થિક મુશ્કેલીમાં મૂકનારાઓની સામે સમાજમાં જેમની છાપ લૂંટફાટ કરનારા તરીકે છે એવા ડફેર સમુદાયના સામાન્ય નાગરિકો ૩૦–૪૦ કે ૫૦ હજાર રૂપિયા જેવી રકમની નાની લોન લઈને નાનોમોટો ધંધો કરીને સમયસર લોનના હપ્તા ભરીને પગભર થયાં છે એટલું જ નહીં, તેમની આ ક્રેડિટના કારણે તેમને એક વખત નહીં પણ બબ્બે વખત લોન મળી છે; અને આ વિચરતી જાતિના નાગરિકોએ નાનોમોટો ધંધોરોજગાર કરીને સમાજમાં સ્વમાનભેર જીવન જીવવાની શરૂઆત કરી છે.

ગુજરાતમાં એક મહિલાએ ડફેરોની વાતમાં વિશ્વાસ મૂક્યો અને કુનેહપૂર્વક તેમને સારી લાઇન પર લાવીને સન્માનપૂર્વક જીવન જીવતાં કર્યાં છે. જેમનાં કોઈ ઠેકાણાં ન હોય તેવા નાગરિકોમાં વિશ્વાસ મૂકીને તેમને વગર વ્યાજની લોન આપીને તેમને જીવનમાં બેઠાં કરવાનું સરાહનીય કામ અમદાવાદમાં આવેલી વિચરતા સમુદાય સમર્થન મંચ નામની સંસ્થાનાં મૅનેજિંગ ટ્રસ્ટી મિત્તલ પટેલ કરી રહ્યાં છે. સામાન્ય વર્ગના આ નાગરિકોની માત્ર એક જુબાન પર વિશ્વાસથી આપેલી લોનના હપ્તા ભરીને વિચરતી જાતિના નાગરિકો મિત્તલ પટેલના ભરોસાને પાકો કરી રહ્યા છે અને એટલે જ લોન આપવાનું કામ અટક્યું નથી, આગળ વધતું રહ્યું છે.

માત્ર ડફેર સમુદાયના જ નહીં; વાદી, મદારી, ભરથરી, નાથ, નટ, બજાણિયા, મીર, ફકીર, દેવીપૂજક, બાવરી, વાંજા, ગાડરિયા, સલાખિયા સહિતની વિચરતી જાતિના સમુદાયના સામાન્ય નાગરિકોના માનવીય ઉત્થાન માટેના મિત્તલ પટેલના પ્રયાસો રંગ લાવ્યા છે અને આ સમુદાયના નાગરિકોના જીવનમાં વાસ્તવિક ચમત્કાર સરજાયો છે.

અમદાવાદમાં આવેલી મિત્તલ પટેલની સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચે વિચરતી જાતિઓના સમુદાયના નાગરિકોના ઉત્થાન માટે વગર વ્યાજે લોન આપીને અત્યાર સુધીમાં આશરે બે હજાર જેટલાં પરિવારોને સન્માનપૂર્વકનું જીવન જીવતાં કરી સમાજમાં માનભેર સ્થાન અપાવ્યું છે. આ સંસ્થા દ્વારા પાંચ હજારથી લઈને ૧ લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોન જરૂરિયાત પ્રમાણે આપવામાં આવી રહી છે. વિચરતી વિમુક્ત જાતિઓ સ્વમાનભેર આજીવિકા મેળવી શકે એ માટે સંસ્થા દ્વારા ૨૦૧૪ના વર્ષથી અત્યાર સુધીમાં પાંચ કરોડ ૧૨ લાખ રૂપિયાથી વધુની લોન આપવામાં આવી છે અને એમાંથી બે કરોડ ૯૮ લાખ રૂપિયાની લોન નાગરિકો ભરપાઈ કરી ચૂક્યા છે. બાકીના નાગરિકો લોનના હપ્તા ભરી રહ્યા છે.

સામાન્ય વર્ગના આ નાગરિકો આ લોનથી ઊંટલારી લાવ્યા છે, બંગડી–બોરિયાં લાવી નાનો ધંધો કરી રહ્યા છે, બકરા–ભેંસ લાવી દૂધનો ધંધો કરે છે, તબડકાં, છાબડાં, સાવરણી, દોરડાં, મૂર્તિ, સિમેન્ટના બ્લૉક, તવી, તાવેથા, ચીપિયા બનાવીને કે પછી ચાની કીટલી શરૂ કરીને પગભર થયા છે.

વિચરતા સમુદાય સમર્થન મંચનાં મૅનેજિંગ ટ્રસ્ટી મિત્તલ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘વિચરતી જાતિઓના હક અને અધિકાર માટે કામ કરી રહ્યાં હતાં એ દરમ્યાન ૨૦૧૪માં મને સૌથી પહેલાં ગુલાબભાઈ મળ્યા હતા. તેમણે કહ્યું કે બહેન, અમને પૈસા આપો, અમે કામ કરીશું. અમે તેમનામાં ભરોસો મૂક્યો. જો હું પૈસા માટે વિચારું તો બૅન્ક જેવું થાય. હું જ અવિશ્વાસ કરીશ તો આ નાગરિકોનું શું થશે? ચોર કે લૂંટારા દુનિયાની નજરે હોઈ શકે, પણ મને એવો અનુભવ થયો નથી એટલે મેં આ નાગરિકોમાં વિશ્વાસ મૂક્યો અને સંસ્થામાંથી લોન આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ચાર-પાંચ વ્યક્તિઓથી લોન આપવાનું શરૂ કર્યું. આ નાગરિકોએ અમારો વિશ્વાસ જાળવી રાખ્યો. નિયમિત લોનના હપ્તા ભરતા ગયા અને આજે સંસ્થા દ્વારા પાંચ કરોડથી વધુની લોન આ નાગરિકોને આપી છે. મારાં આશ્ચર્યની વાત એ છે કે હજી સુધી એક પણ માણસ લોન લીધા પછી ઉઠમણું કરીને જતો નથી રહ્યો. સામાન્ય જાતિના આ નાગરિકો લોન લઈ ગયા પછી નિયમિત હપ્તા ભરે છે. હા, કોઈ વાર તેઓ સાજાંમાંદાં હોય કે કોઈ એવી ઘટના બની હોય તો લોનના હપ્તા ભરવામાં એકાદબે મહિના વાર લાગે છે, પણ લોનના હપ્તા અચૂક ભરી લોન ચૂકતે કરે છે. પાંચ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની લોન આપીએ છીએ. હપ્તા ભરવાની રકમ જે-તે વ્યક્તિની આવક ઉપર નક્કી થાય છે. જેમ આવકની વધ–ઘટ થાય તેમ લોનના હપ્તા ભરવામાં પણ વધઘટ કરીએ છીએ. લોન લઈ ગયા પછી આ નાગરિકો મહિને ૧૦૦ રૂપિયાથી લઈને ૧૦ હજાર રૂપિયા સુધીનો હપ્તો ભરે છે.’

ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, અમરેલી, જૂનાગઢ, ખેડા સહિત ૧૭ જિલ્લામાં આ સંસ્થા કામ કરી રહી છે અને ૧૩ કાર્યકરો ફીલ્ડમાં ફરે છે.

કરોડોની લોન લઈને રફુચક્કર થતા બિઝનેસમેનો સામે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા આ અભણ નાગરિકોના કિસ્સા સમાજ માટે આઇઓપનર સમાન છે.

૭૦ વર્ષનાં મીરામાએ પ્રેમથી ધબ્બો માર્યો અને કહ્યું, હવે સેલ્લો જ હપ્તો બાકી સે. રાજકોટ જિલ્લાના પડધરી ગામનાં ૭૦ વર્ષનાં મીરા કાંગસિયા ઉર્ફે મીરામાએ બોરિયાં-બક્કલ, કપડાં સહિતની ચીજવસ્તુનો કટલરીનો ધંધો કરવા માટે ૧૦ હજારની લોન લીધી હતી, અને છેલ્લો હપ્તો ભરવાનો બાકી હતો ત્યારે કાંગસિયા સમાજના એક સંમેલનમાં મિત્તલ પટેલને નેકનામ ગામે જવાનું થયું હતું. તેઓ જ્યારે સ્ટેજ પરથી નીચે ઊતર્યાં ત્યારે ૭૦ વર્ષનાં આ મીરામાએ પાછળથી પ્રેમથી તેમને ધબ્બો માર્યો અને તેમની ભાષામાં મિત્તલ પટેલને કહ્યું હતું કે હવે સેલ્લો જ હપ્તો બાકી સે, લોન આવતા મહિને પતીયે જાસે.

મિત્તલ પટેલ કહે છે, ‘આ મીરામાની ઉંમર જોઈને તેમને લોન આપવા માટે અવઢવ ચાલતી હતી, પરંતુ છેવટે લોન આપી. પણ આ મીરામાએ મને કહ્યું કે ડોશીને લોન આપવાની ના પાડતા હતા, પણ લોન ભરી દીધીને. મીરામાએ ૧૦ હજારની લોન લઈને કટલરીનો ધંધો કર્યો હતો અને ધીમે-ધીમે લોનના હપ્તા ભરપાઈ કરી દીધા. તેમને ધંધો વધારવા માટે અમે ૩૦ હજાર રૂપિયાની બીજી વખત લોન આપી છે.’

મિત્તલ પટેલ વિચરતા સમુદાય માટે તેમના હક અને અધિકારો માટે ગામડે-ગામડે ફરીને કામ કરી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં શેરડીના કામદારો સાથે મિત્તલ પટેલ દોઢ મહિનો રહ્યાં હતાં. આ દરમ્યાન તેમની કન્ડિશન જોઈને મિત્તલ પટેલને અનુકંપા થઈ અને થયું કે આ ગરીબો માટે કામ કરીએ અને આ એક વિચાર સાથે સામાન્ય નાગરિકોના ઉત્થાન માટેની તેમની સફર શરૂ થઈ.

મિત્તલ પટેલ કહે છે, ‘જર્નલિઝમમાં કરીને ૨૦૦૫માં જનપથ સંસ્થા સાથે જોડાઈ અને વિચરતા સમુદાયો માટે રિસર્ચનું કામ કરવાની શરૂઆત કરી. આ રિસર્ચ દરમ્યાન ગરીબોની હાલત જોઈ, ત્યારે થયું કે આખી દુનિયા તો બદલી ન શકાય, પણ આપણાથી થતું કરી શકીએ. એમ વિચારીને આ સમુદાયના ઉત્કર્ષ માટે કામ શરૂ કર્યું. સૌથી પહેલાં આ જાતિઓના મતદાર કાર્ડ માટેનું કામ હાથમાં લીધું. તેમની પાસે કોઈ પુરાવા નહોતા એટલે અમારા લેટરપૅડ પર લખીને આપ્યું અને એના માટે ૨૦૧૦માં અમે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા રજિસ્ટર કરાવી.’

મિત્તલ પટેલ અને તેમની સંસ્થા વિચરતા સમુદાયના પરિવારોને તેમના હક અને અધિકાર અપાવવા માટે કામ કરી રહી છે. રૅશનકાર્ડ, મતદાર કાર્ડ, રહેવા માટેના પ્લૉટ, જાતિ પ્રમાણપત્ર, વિવિધ સરકારી યોજનાઓમાં મદદ સહિતની કામગીરી કરી રહી છે. આ સમુદાયના નાગરિકો સ્વમાનભેર જીવી શકે એ માટે વગર વ્યાજે લોન આપે છે. આ ઉપરાંત આ સમુદાયનાં બાળકોને શિક્ષણ અને બાળકોને રહેવા માટે હૉસ્ટેલ પણ શરૂ કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ૨૦૧૭માં આવેલા પૂરમાં જમીનદોસ્ત થયેલાં ઘરોનું પુન:નર્મિાણ કરાવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં જળવ્યવસ્થાપનનાં કામો પણ સંસ્થા કરી રહી છે. આ સંસ્થાને દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે અને સેવાકાર્યો થઈ રહ્યાં છે.

ગુજરાતમાં વાડિયા ગામ દેહવ્યપાર માટે બદનામ થયેલું છે. એ ગામમાં મિત્તલ પટેલે ૨૦૧૨ના વર્ષમાં વીસ છોકરીઓનાં સમૂહલગ્ન કરાવ્યાં હતાં. આ સમૂહલગ્ન કરાવવા માટે તેમને બહુ હેરાનગતિ થઈ ત્યારે હાલના વડા પ્રધાન અને એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મિત્તલ પટેલે મદદ માટે પત્ર લખ્યો અને નરેન્દ્ર મોદીએ ત્વરિત મદદ કરી હતી. નરેન્દ્ર મોદીએ ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને સૂચના આપી આ સમૂહલગ્ન શાંતિથી સંપન્ન કરાવ્યાં હતાં. ઉલ્લેખનીય બાબત એ હતી કે આ સમૂહલગ્નમાં જિલ્લા કલેક્ટર, પોલીસ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌજન્ય : ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 02 ડિસેમ્બર 2018

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaj-02122018

Loading

...102030...2,9212,9222,9232,924...2,9302,9402,950...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved