Opinion Magazine
Number of visits: 9577282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|4 April 2019

હૈયાને દરબાર

ઉનાળાને વગોવવાની આપણને બૂરી આદત છે. આમ તો દરેક ઋતુ સામે આપણને કંઈક ને કંઈક વાંધો હોય છે. ચોમાસામાં અનરાધાર વરસાદ વરસે તો આપણે એને ગાળો આપવા માંડીએ કે મૂઓ બંધ જ નથી થતો. શિયાળામાં કડકડતી ઠંડી પડે તો એમાં ય પ્રોબ્લેમ કે ટાઢિયો તાવ ચડી ગયો છે ને બહુ ગ્લુમી ફીલ થાય છે. ઉનાળામાં તો લોકો ત્રાહિમામ્ પોકારવાનું બાકી જ ન મૂકે. દરેક ઋતુ, ઋતુ પ્રમાણેનું કામ તો કરે જને! અમને તો ઉનાળો ઘણો જ ગમે છે. આંબો તો ઉનાળાનો સરતાજ. રસઝરતી ખુશ્બોદાર કેરીઓ સામે ઉનાળાના બધા ગુના માફ! રવિવારની બપોરે સાઉથ મુંબઈની લટાર મારી છે કોઈ દિવસ? લાખો લોકોથી ધમધમતી ફોર્ટ વિસ્તારની ગલીઓમાં રવિવારે ચકલું ય ના ફરકતું હોય અને હારબંધ ગોઠવાયેલા, સોનેરી ઝાંયવાળા, માદક ખુશ્બોદાર ગરમાળો ફૂલનાં વૃક્ષો ઝૂકી ઝૂકીને તમારું સ્વાગત કરે.

પરંતુ, ગામડાંનો ઉનાળો કેવો હોય? ચૈતરના વાયરાથી બચવા માથે છેડો ઢાંકીને પાણી ભરવા જતી પનિહારીઓ (આજની પેઢીને આ કોઈ પરભાષાનો શબ્દ જ લાગતો હશે), મસાલા ખાંડતી ઘરની વહુવારુઓ અને મેળામાં મહાલતી, જોબનિયું નિતરતી ગામડાંની ગોરીઓ. ઉનાળામાં ગામડાંની સવાર પણ બહુ રમણીય હોય છે. કેસૂડો, ગુલમહોર અને ગરમાળાનાં ફૂલોની સુગંધ લઈને ઉષારાણી પ્રવેશે છે. કોયલ પંચમ સૂરે ટહુકા કરી લોકોને જગાડે તેમ જ મોર પણ જાણે પગમાં પાયલ પહેરીને આંગણામાં થનગનવા આતુર હોય છે. બપોર તો આળસ મરડીને શીળી છાયામાં પોઢી જાય પરંતુ, સાંજ રૂમઝૂમ કરતી આવે. ગામડાં ગામમાં ચૈતર-વૈશાખમાં મેળાનો માહોલ બરાબર જામે. બચ્ચાંઓને વેકેશન અને જોબનવંતી કન્યાઓ માટે જાણે પ્રેમમાં પડવાની મોસમ. આજ તો હવે વડલા ડાળે ઝૂલશું રે લોલ, કાલ તો હવે મોરલા સાથે કૂદશું રે લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને, વાગશે રે બોલ વ્હાલમના, ઊંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના …! મેળે જતી કન્યાઓની મનોસ્થિતિ કંઈક આવી જ હોય છે. મેળો એ લોકસંસ્કૃતિનો ધબકાર છે એટલે જ ગુજરાતી લોકસંગીતમાં મેળાને લગતાં અઢળક ગીતો મળી આવે.

હું તો ગઈ તી મેળે, મન મળી ગયું એની મેળે મેળામાં, હૈયું વણાઈ ને ગયું તણાઇ, જોબનના રેલામાં, મેળામાં …!

હરીન્દ્ર દવેના અન્ય એક ગીતમાં વિરહિણી, પ્રિયજનથી રિસાયેલી નાયિકા કહે છે,

ના ના નહિ આવું મેળાનો મને થાક લાગે …!
મારે વહેતે ગળે ન હવે ગાવું, મેળાનો મને થાક લાગે.
ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે;

નિનુ મઝુમદાર લખે છે કે મેળો જામ્યો રંગીલા રાજા રંગનો રે … તો બીજી બાજુ, કવિવર્ય ઉમાશંકર જોશી અલકાતી-મલકાતી-છલકાતી મેળાની મસ્તીને એવા જ મજેદાર શબ્દોમાં આ રીતે મૂકે છે :

અલ્લક મલ્લક ભેળો થાય અમે મેળે ગ્યાં’તા …
ગામ ગામ આખું ઠલવાય અમે મેળે ગ્યાં’તા …

પરંતુ, લયના કામાતુર રાજવી કવિ રમેશ પારેખની તો વાત જુદી અને ભાત પણ જુદી. કવિએ એમના આ ગીત મનપાંચમના મેળામાં … છોગાળા છબીલા કે રંગીલી નારને મોહી લેતાં મેળાની વાત નથી કરી પરંતુ, મનપાંચમના જીવનમેળાની અદ્ભુત કથા માંડી છે. આપણાં શાસ્ત્રોમાં પંચમી વિવિધ રીતે ઊજવાય છે પરંતુ ‘મનપાંચમ’ની વાત તો કવિ રમેશ પારેખ જ કરી શકે! માનવ સ્વભાવ અને માનવજીવનના વિરોધાભાસની જબરદસ્ત વાત કવિએ આ ગીતનુમા ગઝલમાં કરી છે. મેળાના રંગોને જીવનના રંગ સાથે મેળવ્યાં છે. જીવનની ઊજળી- કાળી બાજુના લેખાંજોખાં જાણે કવિ ન કરતા હોય એવો ભાવ આ ગીતમાં નિષ્પન્ન થાય છે. ફુગ્ગાનું ફૂટવું ને દોરાનું તૂટવું એ જિંદગીની ક્ષણભંગુરતા પ્રગટ કરે છે. એ ક્યારેક ફુગ્ગાના અવાજ જેવી ધમાકેદાર હોય અથવા તો દોરા તૂટવાના અવાજ જેવી સાવ શાંત હોય. સપનાં અને રાતની વાત આશા-નિરાશાનો સંકેત છે. અને આ શેર તો સાંભળો,

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે … !

ખુદાના પયગંબરો કે ઈશ્વરના ફરિશ્તાઓ તરીકે આ પૃથ્વી પર કેટલા ય આવ્યા અને ગયા પણ પણ એમના કરતાં એમના નામે ચરી ખાનારાઓની સંખ્યાનું બે કોડીનું માપ આંકીને કવિએ બે કોડીના લોકો પર જબરો કટાક્ષ કર્યો છે. એક એક શબ્દ, એક એક શેર એક આખું પ્રકરણ બની શકે એટલી તાકાત એ ધરાવે છે.

સ્વરાંકન પણ કેવું લાજવાબ! સરસ કાવ્ય મળે ત્યારે સંગીતકાર તરત એને ઊંચકી લે. એ રીતે સશક્ત કવિતાઓનાં ગીતોનાં અનેક સ્વરાંકનો થયાં હોય એવું સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ, ઉદય મઝુમદારનું આ સ્વરાંકન મારા ખ્યાલ મુજબ એકમેવ છે. દરેક ગાયક આ જ સ્વરાંકન ગાય છે. રમેશ પારેખના વનપ્રવેશ નિમિત્તે રાજકોટમાં યોજાયેલા ભપકાદાર કાર્યક્રમમાં ૧૯૯૦ની આસપાસ પહેલીવાર આ ગીત રજૂ થયું અને તરત જ કવિની સ્વીકૃતિ પામ્યું. એ પછી તો ગુજરાત અને ગુજરાત બહારના તમામ શ્રોતાઓએ ખોબલે-ખોબલે વધાવ્યું છે. રાજકોટમાં યોજાયેલા એ ભવ્ય કાર્યક્રમમાં ર.પા. ના કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનું નામ’ની પ્રથમ આવૃત્તિના લોકાર્પણ પ્રસંગે સૌપ્રથમ વાર આ ગીત ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી અને સુરેશ જોશીએ રજૂ કર્યું હતું. ત્યારબાદ ‘હસ્તાક્ષર’ નામના શ્યામલ-સૌમિલ મુનશીના આલ્બમમાં એ પહેલી વખત ઉદય-રેખાના અવાજમાં રેકોર્ડ થયું હતું.

‘કલબલતાં નેવાંને અજવાળે’ નામે યોજાયેલા ર.પા. વનપ્રવેશ કાર્યક્રમ પહેલાં કવિના હસ્તે એકાવન વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં જે સ્થળનું નામાભિધાન ‘રમેશ વન’ તરીકે કરવામાં આવ્યું હતું. ‘વન’માં પ્રવેશેલા કવિનું આ ગીત પ્રથમ પ્રસ્તુતિમાં જ વન્સમોર મેળવી ગયું હતું. આ ગીત વિશે ગાયક-સંગીતકાર ઉદય મઝુમદાર કહે છે, "આ ગીત લોકપ્રિય થવાનું મુખ્ય કારણ છે એની સરળતા. હું માનું છું કે કાવ્યસંગીતમાં પાંડિત્ય માટે બહુ જગ્યા નથી. લોકોના હૃદયને સ્પર્શે એ જ સાચું સંગીત છે. વધુમાં વધુ લોકોની ચેતનાને સ્પર્શી શકે એ સંગીત લોકપ્રિય બને. મારા પિતા નિનુભાઈ મઝુમદારે એક વાત મને ખાસ શીખવી હતી કે સ્વરાંકનમાં ગીતનો ભાવ આવવો જોઈએ, ‘સ્વ’ભાવ નહીં. તો જ સ્વરાંકન નીપજે, નહીં તો ઊપજે! આ ખૂબ મહત્ત્વની વાત છે. કવિ રમેશ પારેખ તથા અનિલ જોશીનાં કાવ્યોનો પરિચય મારી બહેનો સોનલ શુક્લ તથા રાજુલ મહેતાએ કરાવ્યો હતો તેથી મારી કારકિર્દીની શરૂઆતમાં આ બંને કવિઓની ઘણી રચનાઓ મેં સંગીતબદ્ધ કરી છે. ર.પા.ના ઉક્ત કાર્યક્રમમાં હું અને સુરેશ જોશી ત્રીસ ગીતો લઈને ગયા હતા એ પણ નોંધપાત્ર ઘટના હતી. એ સમયે ર.પા. નાં આટલાં બધાં ગીતો કદાચ કોઈએ કર્યાં નહીં હોય!

ઉલ્લેખનીય છે કે બનારસમાં જન્મેલા ઉદય મઝુમદારે બુનિયાદ, હમરાહી, ખોજ, અપને આપ, મૃત્યુંજય, પરંપરા, એક ઔર મહાભારત સહિત અનેક સિરિયલોમાં સંગીત પીરસ્યું છે. ગુજરાતી ફિલ્મ તેમ જ કેટલીક સિરિયલોમાં તેમણે મધુર સંગીત આપ્યું છે ઉદયભાઈ પોતે જ આમ તો મેળાના માણસ છે. એટલે જ મનપાંચમના મેળા … ઉપરાંત અલ્લક મલ્લક ભેળો થાય, અમે મેળે ગ્યા’તા ગીત પણ એમનું લોકપ્રિય થઈ રહ્યું છે.

ઉદય મઝુમદારે જેમની સાથે અનેક ગીતો ગાયાં છે એ રેખા ત્રિવેદી આ ગીતને એમનાં મનગમતાં ગીતોમાંનું એક માને છે. એ કહે છે, "ગુજરાતી સુગમ સંગીતના શ્રેષ્ઠ ડ્યુએટ્સમાંનું આ ગીત છે. રમેશ પારેખની કૃતિ હોય પછી તો પૂછવું જ શું? માનવજીવનના પચરંગીપણાને કવિએ શબ્દો દ્વારા આબાદ ઝીલ્યાં છે.

સૌને મનગમતું નવ શેરનું આ દીર્ઘ ગીત ધ્યાનપૂર્વક સાંભળજો. જિંદગીના મેળાની વાસ્તવિકતા બરાબર સમજાઈ જશે.

—————————–

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે

• કવિ : રમેશ પારેખ  • સંગીત : ઉદય મઝુમદાર  • ગાયક કલાકાર : ઉદય મઝુમદાર-રેખા ત્રિવેદી

https://www.youtube.com/watch?v=-760xQ_sUlk

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=493439

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 04 ઍપ્રિલ 2019

Loading

અલવિદા હકુ શાહ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 April 2019

સ્વરાજ સંક્રાન્તિની કીમિયાગરી

ગુજરાતને સામાન્યપણે ગાંધી ને (કેટલીક વાર જો કે માપબહારના જોસ્સાથી) સરદારનું કહેવાનો ચાલ છે; અને બંને નિઃશંક એવી પ્રતિભાઓ છે જેનાથી ઓળખાવું ગમે. એમનાથી ગુજરાત અને ગુજરાતથી એ, પરસ્પર શોભે છે એમ તમે કહી શકો. વીસમી સદીમાં જે વિશ્વપુરુષો મહોર્યા, ગાંધી તે માંહેલા હતા. એમના જીવનકાર્યે એક એવો માહોલ બનાવ્યો કે સાધારણ માણસમાં રહેલી અસાધારણતા પ્રગટ થવા લાગી – અથવા તો, આપણે જેને સાધારણ અને સર્વસાધારણ કહીએ છીએ તે અકેકું જણ આગવી ઓળખ ધરાવતું અસાધારણ જણ છે, તે આપણને સમજાયું. જરા ઝડપથી, કંઈક ઉતાવળે, કદાચ જાડું પણ લાગે એ રીતે કહીએ તો આપણો સમય રાજારજવાડાં અને મહાસૈન્યો તેમ જ સેનાપતિઓ કે પછી કેવળ માંધાતાઓ અને મહાસત્તાઓનો સમય નથી; પણ જમાનો જનસાધારણનો છે, આમ આદમીનો છે એવી જે એક લોકશાહી સમજ ખીલવા લાગી એમાં ગાંધી કંઈક નિમિત્ત તો કંઈક અગ્રયાયી પૈકી છે.

તમે જુઓ કે ગોવર્ધનરામ બુદ્ધિધન જેવા અમાત્ય અને વિશિષ્ટ જનો રજવાડી દુનિયામાંથી લઈ આવ્યા, પણ એમનું અર્પણ નવા સમયના નાયક સરસ્વતીચંદ્રને વાલકેશ્વર – સુંદરગિરિની સધ્ધર અધ્ધર દુનિયાથી દૂર હટી, નીચે ઊતરી એટલે કે ઊંચે ઊઠી, કલ્યાણગ્રામ વસાવતો બનાવવાનું છે. મુનશી આવ્યા અને પ્રતાપી મનુષ્યોની સાતમી દુનિયા એના અસબાબ આખા સાથે લેતા આવ્યા. પણ લખતા તો હતા વીસમી સદીમાં એટલે કીર્તિદેવ જેવા વાટે નવયુગી ભાવના પ્રગટ કર્યા વિના કદાચ છૂટકો નહોતો. ગોવર્ધનરામના મણિમહાલય અને કલ્યાણગ્રામ, મુનશીનું પાટણ, આ બધાંથી સેવાગ્રામ કે સાબરમતી આશ્રમ લગીની સંક્રાન્તિ બની આવી એમાં વચગાળાનો મોરચો ર.વ. દેસાઈનાં ભાવનાશાળી મધ્યમવર્ગી પાત્રોએ સંભાળ્યો અને ગાંધીની આબોહવામાં કંઈક નવું બની આવે એની ભોંય કેળવી. પનાલાલે ઈશાનિયા મલક અને લોકની વાત માંડી તો દર્શકે ગોપાળબાપાની વાડીમાં વિશ્વગ્રામ સર્જ્યું. પણ સ્વરાજ એ કંઈ મહાનગરો કે જનપદોમાં જ સીમિત રહી શકતું નથી. છેવાડાનાં ગામોમાં પણ નહીં, એવી જેની વિધિવત બાંધી આંકણી નથી એવો સુવિશાળ આદિવાસી સમુદાય કે ગામછેડે વાસમાં વસતા અને વસ્તીમાં કદાચ નયે ગણાતા લોકને પણ એનો સહભાગી સુખાનુભવ તો થવો રહે છે.

આ પિછવાઈ પર ગુજરાતની કલાઘટના જોઈએ તો સ્વાભાવિક જ રવિશંકર રાવળથી આરંભાયેલી નવયાત્રાનું સ્મરણ થાય. અત્યારના દાયકાઓના મોટા ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ (જેમણે ક્યારેક રવિભાઈ સાથે વિવાદ પણ વહોર્યો હશે), રવિશંકર રાવળ વ્યાખ્યાન  પ્રકારનાં વિશેષ આયોજન પ્રતિવર્ષ કરતા માલૂમ પડે છે એમાં એમનો ઇતિહાસવિવેક અને કૃતજ્ઞતા વરતાય છે. મુંબઈની જે.જે. આટ્‌ર્સ અને વડોદરાની ફાઈન આટ્‌ર્સ સ્કૂલોનુંયે ઇતિહાસક્રમમાં સ્થાન છે. તમે જુઓ, કોલકાતા – શાંતિનિકેતનની અવનીન્દ્રનાથથી નંદલાલ બોઝની પરંપરા, એને પોતીકી રીતે સેવનારા કે.જી. સુબ્રમણ્યન (મણિ સર) કે શંખો ચૌધરી, બેન્દ્રે ને બીજા; અને એ જ સ્કૂલના છાત્ર હકુ શાહ : કેવી રીતે આ સૌ એક પરંપરામાં છતાં નવ્યનિરાળા વરતાય છે ! નંદબાબુએ હરિપુરા કૉંગ્રેસમાં ભારતીય પરંપરામાં સ્થાનીય સંસાધનો અને પ્રતીકોને યોજીને એક પ્રતિમાન સ્થાપ્યું એને આઠ દાયકા વીતી ગયા, પણ અઢી દાયકા પર ગાંધી સવાસો વખતે સાવરકુંડલામાં અખિલ હિંદ સંમેલન ટાંકણે ઝાડુથી માંડી ટોપલાટોપલી સહિતની લોકસામગ્રી યોજીસંયોજી હકુ શાહે જે સુશોભન કીધું હશે એ તો બિલકુલ તળપદને પ્રગટ કરતું હતું.

વાત એમ છે કે એકલવ્યના પ્રાયશ્ચિત્તરૂપ વેડછી પ્રયોગભૂમિના માહોલમાં ઉછરી વડોદરાની ફાઈન આટ્‌ર્સ સ્કૂલના નવ્ય સંસ્કારો સહ પેલા અંતઃસત્ત્વને અંકુરિત કરતા ચાલેલા હકુ શાહે ભેદની ભીંતો કંઈ અજબ જેવી રીતે ભાંગી જાણી. કલા એ કોઈ ખાસ એક વર્ગની બપૌતી કે બાંદી નથી, પણ ક્યાંયથી કેમે કરીને તે ફૂટી શકે છે, જે પેલું લોક – જનપદને ય વટી જતું આદિવાસી લોક – એના જીવનમાં જુઓને કલા કેવીક પ્રગટ થાય છે, હું અને તમે એના સંસ્કારો કેમ ન ઝીલીએ?

હકુ શાહની ચિત્રકારીમાં તો એની નવોન્મેષશાલી પ્રતિભા ઝળકી – અને એ પોતે કરીને ખસૂસ મોટી વાત હતી. પરંતુ એથી મોટું કામ તો એ બની આવ્યું કે આપણે જેમ શ્રમિક-બૌદ્ધિક જુવારાં હટાવવાની બલકે પારસ્પર્યની વાત કરતા હોઈએ છીએ તેમ એમણે દેખીતા સામાન્ય લોકમાં રહેલ કલાકારને પ્રીછ્‌યો અને પ્રગટ કર્યો તેમ પોંખ્યો. કેનવાસ પરની પીંછી કે કાંસ્ય કામનું સાધન, કલાની કેટલી સીમિત વ્યાખ્યા છે એ.

કોણે કહ્યું, આર્ટિઝન અને આર્ટિસ્ટ જુદા છે? તમે ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે વસાવા પરિવારોને જુઓ. તે ‘સેવિયા’ બનાવી સેવ પાડે છે. આ સેવિયાને વળી શણગારાય અને ગીતો પણ ગવાય. વળી એનો આકાર પ્રકાર કોઈ ચોરસસપાટ નિર્જીવ જેવો નહીં પણ બળદનો – આખી વાત એ આદિવાસીઓને સારુ સમગ્ર જીવનના ઉત્સવની છે. બીજો એક દાખલો એ જવારિયા તરીકે ઓળખાતા કાપડનો આપતા. સ્કુટરસવાર કન્યકાઓ તરેહવાર ડ્રેસમાં સોહે છે એ પૈકી ઘણામાં આ જવારિયાનો ઉપયોગ થયેલો છે. આદિવાસીઓ તે કાપડ પર પોતાના રોજિંદા જીવનના ભાગરૂપ જવારદાણાની ટીપકી ભાત પાડે છે – તેથી એ જવારિયું કહેવાય છે – અને એમાંથી જિવાતા જીવનની એક સુવાસ ફોરે છે.

આ ધાટીએ હકુભાઈએ સ્ટેલા ક્રેમરિશ સાથે રહી ફિલાડેલ્ફિયામાં મ્યુઝિયમ સર્જ્યું, ગૂજરાત વિદ્યાપીઠમાં આદિવાસી મ્યુઝિયમ વિકસાવ્યું, ઉદયપુર કને શિલ્પગ્રામની સંકલ્પના સાકાર કરી. શુભા મુદ્‌ગલનું ગાન ચાલતું હોય અને હકુ શાહની ચિત્રકારી તેની જાણે કે જુગલબંધી હોય એવું ‘હમન હૈ ઈશ્ક’ પ્રકારનુંયે કામ કર્યું તો ‘નિત્ય ગાંધી’નીયે એક સૃષ્ટિ વિકસાવી.

ઘણું બધું સંભારી શકીએ. પણ મુદ્દાની વાત એ છે કે સ્વરાજસંસ્કારે જેમ નીચે લગી ઝમવાનું છે તેમ નીચેથી ઉપર ભણીયે પૂગવાનું છે. જનસાધારણનો આ જે જગન, હકુ શાહ એના જોગી હતા. ક્ષેત્રે ક્ષેત્રે, આવા લોકો હશે ત્યારે સ્વરાજની સાર્થકતા અનુભવાશે.

ચૂંટણીશોર વચ્ચે, એમની વિદાય નિમિત્તે, આ થોડીક વાત કરી, હવે સમેટતી વેળાએ જરી જુદું કહેવું રહે છે – અને તે એ કે આ તરેહની સમસંવેદિત સર્જકતા ઝિલતા મેનિફેસ્ટો ક્યાં છે, કોઈક તો કહો.

E-mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 16 તેમ જ 12

Loading

જંકફૂડનો મહિમા

હિમાંશી શેલત|Opinion - Opinion|4 April 2019

આમાં કોઈનાથી કંઈ બોલાય નહીં. ભ’ઈ! કમાયા છે તો ખરચે. બે લાખની કંકોતરી આપે, કે પાંચ લાખની, ઉપરથી તારાનો ભૂકો કરીને નવદંપતી પર વરસાવે કે સૂર્યને મંચ પાછળ ટાંગે, આપણો શો વાંધો હોય, ભલા? મોટેરાંઓને ઘેર લગન, તે તો ભવતારણ, અને પીડાઉગારણ. આપણે એમાં કોઈ વાંધોવચકો નહીં. લગનમાં કોણ નાચ્યાં, કેવા ફેંટા પહેર્યા, કોણ પરી જેવું લાગ્યું ને કોણ રાજા જેવું, આપણે કબૂલમંજૂર, ગાંધીની દોઢસો વરસની જે ઉજવણી હોય તે, આપણે તો સાચાં મોતીની ચટણીનાં પિરસણ, ત્યાં લગનમાં હતાં, એ જ કથા ને ત્યાં કોણ-કોણ હતાં, દેવાધિદેવ ઇન્દ્ર? સાક્ષાત્‌? ના હોય!

– પણ અખબારનું એક પાનું આ ગુલાબી ફેંટાઓને નામે અને લાલ જાજમોને નામે લખી આપે મીડિયાવાળા, ત્યારે તો એનો ડૂચો વાળીને કચરાપેટીમાં પધરાવવાનું જ દિલ થાય. આ નવી ખુશામતિયા જમાતને નથી દેખાતું નવયુવાન, ડિગ્રીધારી બેકારોનું દુઃખ, નથી એમની આંખે દેખાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરી નોકરીની લાંબા સમયથી વાટ જોતા નવલોહિયાઓની તરફડતી ચિંતા, દિલ્હીમાં વિરોધપ્રદર્શનો કરતો, આખા દેશમાંથી એકઠો થયેલો જનસમુદાય, પેલા રૂપાળાઓની સ્પર્ધામાં નોંધપાત્ર ન ગણાય, એમની તસવીર ન છપાય, સ્થળસંકોચ ખરોને? દેશની જીવલેણ સમસ્યાઓની વાત સમાચાર ન ગણાય, એને માટે તમે ગણ્યાંગાંઠ્યાં અખબારો કે વિચારપત્રો પાસે જાવ, ધંધાદારી છાપાં તો જંકફૂડની બારીઓ પર મળતું ચટાકેદાર જ ધરવાનાં.

– પછી સર્જાય સ્પર્ધા. પેલા અબજોપતિ, તો આપણે કંઈ લાખોપતિ નથી શું ? લગ્નના ઠાઠ એમને ત્યાં, તો આપણો લાખેણો કંઈ નાખી દેવાનો છે ? કરો ઠઠારા આપણે ય તે, ખરચો સજાવટ પાછળ, અને મંચ પર ભજવાતાં નાટકો પાછળ, પચાસ હજારનાં કપડાં ને પચાસ હજારનાં ઘરેણાં, દેખાડો કરવામાં પાછાં પડીએ તો નાક નાનું થઈ જાય! લગ્નની ઋતુમાં આખો સમાજ ચેપીરોગથી પીડાતો હોય એવું, ને જે નરવાં રહી શક્યાં હોય તેની સામે રોગગ્રસ્તો સૂગથી જુએ, છેક આવાં? તમને તો કશો ઉમંગ જ નથી, યાર, મઝા કરોને શુભમંગલમાં, ખાવ, પીઓ, ઝાપટો મિષ્ટાન્ન બરાબર! બગાડ? એમાં વળી બગાડ કેવો? ગરીબો? ક્યાં છે ગરીબો? વધે તે વહેંચીશું એમને, બસ? પછી કોઈ વાંધો? પૈસા ખરચનાર પાસે અને જલસામાં સામેલ થનાર પાસે બધા જવાબો અને સ્પષ્ટતાઓ.

વળી આ વૈભવ, અથવા ખૂની ભભકાઓની પ્રશસ્તિ માટે છાપાળવી ભાષા નોંધી છે તમે ? અમુકતમુક પ્રકારનાં (અહીં વસ્ત્રોનું વર્ણન) કપડાં અને મોજડીમાં એ શોભતાં હતાં (નારીનર બંને). તાકાત છે કોઈની કે એમ લખે કે નહોતાં શોભતાં! એમના ચહેરા પર ખુશી ઝળકતી હતી, એયે લખવું પડે! છાપું ખરીદનારે આ બધી માહિતી માટે ચાર કે પાંચ રૂપિયા ખર્ચ્યા હશે? ફૂલો કયા રંગના વાપર્યાં, ગણેશની પ્રતિમા સામે ચાંદીનું નાળિયેર ગોઠવ્યું કે સોનાનું, વરકન્યાએ કયું અને મહેમાનોએ કયું પરફ્‌યુમ વાપર્યું, મહેંદી મૂકવા કોણ આવેલું અને બ્યુટીપાર્લર કયું, આ બધી વિગતો કેમ રહી ગઈ? ખબરપત્રીઓ પહોંચી ન વળ્યા? દેશના ધનપતિઓ સંપત્તિના ઉપયોગ અને પ્રદર્શન માટે સ્વતંત્ર છે, વાઘનું તો મોં ગંધાય એમ ન બોલાય. શિસ્ત તો માધ્યમો દ્વારા પળાવી જોઈએ, માત્ર શિસ્ત નહીં, જેને શુદ્ધ વિવેક કહેવાય છે, એ જાળવવાનું કામ સમૂહ- માધ્યમોનું અને જેની પહોંચ વ્યાપક છે એવાં અખબારોનું. આવકની અત્યંત અસમાન વહેંચણીવાળા આ દેશમાં કે જ્યાં કામ કરવા જે તૈયાર છે તે સહુને પણ કામ નથી મળતું. એવી લાચાર સ્થિતિમાં જીવન પસાર થઈ રહ્યું છે, અને આ હકીકત હવે સહુ જાણે છે, ત્યારે સંપત્તિનાં આવાં વરવાં પ્રદર્શનોના પ્રસાર-પ્રચાર શા માટે? સાદાઈ અને કરકસર તો આજે લગભગ દુર્ગુણ ગણાવા લાગ્યા છે ત્યારે સંપન્નોને કશી સલાહ નથી આપવાની એમણે શું કરવું જોઈએ, તે એમના પર છોડીએ, પણ આ ઠાઠમાઠની કથાઓ બહેલાવવી અને મમળાવવી અને સામાન્ય પ્રજાને માથે મારી એમને જંકફૂડની આદત પાડવી, જેમને પડી ગઈ હોય, એમની આદત મજબૂત બનાવવી અને સંયમની મજાક ઉડાવી, વેડફાટનું ગૌરવ કરવું, શેને માટે? નીરવ મોદીના ખંડેરની કણી મળી ખરી? ગ્લેમર – સત્તા અને સંપત્તિ સાથે જોડાયેલા જ છે, એને માથે લઈને નાચવાનું નહીં જ અટકે આ દેશમાં?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 15

Loading

...102030...2,8282,8292,8302,831...2,8402,8502,860...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved