Opinion Magazine
Number of visits: 9577768
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભા.જ.પની ભાષામાં મદ અને આછકલાઇ ચરમસીમાએ, સંઘ ચૂપ છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|7 April 2019

બી.જે.પી.ના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે અમે અમારા રાજકીય પ્રતિસ્પર્ધીઓ સાથે બૂરો વહેવાર નહોતા કરતા. બી.જે.પી.એ તેમને માટે ‘દુ:શ્મન’ અને ‘દેશદ્રોહી’ જેવા શબ્દપ્રયોગો નહોતા કર્યા, પણ હંમેશાં તેમને રાજકીય પ્રતિસ્પર્ધી તરીકે જોયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બી.જે.પી.ની રાષ્ટ્ર વિશેની એક કલ્પના છે, પરંતુ જે લોકો એ કલ્પના સાથે સંમત નથી તેમને અમે પક્ષના કે દેશના દુ:શ્મન તરીકે નહોતા ઓળખાવ્યા.

આ રાંડ્યા પછીનું ડહાપણ છે એ બધા જોઈ શકશે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી લાલકૃષ્ણ અડવાણીની અસહ્ય ઉપેક્ષા થઈ રહી છે, એટલું જ નહીં તેમનું અપમાન પણ કરવામાં આવી રહ્યું છે. ખબર નહીં, કયા ગુનાનું વેર વાળવામાં આવે છે; જ્યારે કે ૨૦૦૨ના ગોધરા પછી અને એ પછી બે વખત અડવાણીએ નરેન્દ્ર મોદીની ખુરશી બચાવી હતી. જો અડવાણીએ નરેન્દ્ર મોદીને ન ઉગાર્યા હોત તો આજે નરેન્દ્ર મોદી વડા પ્રધાન ન હોત. બીજું સભ્યતા અને સંસ્કારની ચિંતા આટલી મોડેમોડે કેમ થઈ? છોકરો ગાળો બોલતો થાય ત્યારે મા-બાપ ટપારે નહીં અને પછી જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ત્યારે સંસ્કાર અને સભ્યતાની યાદ દેવડાવવામાં આવે એનો શો અર્થ છે? નરેન્દ્ર મોદી ગુજરાતમાં કઈ રીતે રાજકારણ કરતા હતા અને કઈ ભાષામાં બોલતા હતા એ અજાણ્યું હતું? સંઘપરિવારમાંથી એક પણ માઈનો લાલ નીકળ્યો નથી જેણે કહ્યું હોય કે આ આપણા સંસ્કારની વિરુદ્ધ છે.

ખબર નહીં એમ તો કેમ કહેવાય! ૨૦૧૩માં નરેન્દ્ર મોદી બી.જે.પી.ના વડા પ્રધાનપદના ઉમેદવાર બને તેનો અડવાણીએ વિરોધ કર્યો હતો, અને નરેન્દ્ર મોદી વિરોધીઓને દુ:શ્મનથી ઓછા ગણતા નથી એ હવે કોણ નથી જાણતું? જો લાલકૃષ્ણ અડવાણી રાજકીય પ્રતિસ્પર્ધીની જગ્યાએ દુ:શ્મન હોય તો રાહુલ ગાંધી અને બીજાઓ તો ઘણા દૂર છે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને યશવંત સિન્હાને માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા હતા, જેની પાંચ વરસમાં એક પણ બેઠક બોલાવવામાં આવી નહોતી. હવે તો અડવાણી-જોશીને લોકસભાની ટિકિટ પણ આપવામાં આવી નથી. આ જે બળાપો છે એ ઉપેક્ષા, અપમાન અને ટિકિટ નકારવાનો છે. ઉપર કહ્યું એમ આ રાંડ્યા પછીનું ડહાપણ છે.

એ વાત ખરી છે કે બી.જે.પી.ની અત્યારની સંસ્કૃતિમાં અને વાજપેયી-અડવાણી યુગની સંસ્કૃતિમાં ઘણો ફરક છે. અત્યારે સભ્યતા તળિયે પહોંચી ગઈ છે અને મદ અને આછકલાઈ તેની ચરમસીમાએ છે. જાણે કે એવરેસ્ટ પરથી ક્યારે ય પાછા ઊતરવાના જ ન હોય એ રીતે તેઓ વરતી રહ્યા છે. આમ છતાં સંઘપરિવારમાંથી કોઈ કહેતું નથી કે ભાઈ, મર્યાદાનું પાલન કરો. જરા વિવેક જાળવો. આ આપણને ન શોભે.

પણ ચર્ચાનો મુદ્દો એ નથી. ચર્ચાનો મુદ્દો એ છે કે લાલકૃષ્ણ અડવાણી કેટલા સભ્ય હતા? ચર્ચાનો બીજો મુદ્દો એ છે કે તેમના વખતમાં બી.જે.પી.એ તેમની કલ્પનાના રાષ્ટ્રવાદને ક્યારે શબ્દબદ્ધ કર્યો છે અને તેને ચર્ચાની એરણે આણ્યો છે? એ સમયે તેઓ સભ્ય હતા કારણ કે બી.જે.પી. લોકસભામાં ૧૮૬ બેઠકોથી આગળ ગઈ નહોતી અને તેમાં પણ મીથ ઓફ સિસિફસના સાપની સાથે બનતું હતું એમ માંડ ધકેલીને ઉપર ચડાવેલો પથ્થર નીચે ગબડી પડતો હતો. એ વખતે જે નમ્રતા હતી એ રાજકીય મજબૂરીનું પરિણામ હતું, સભ્યતા તો નહોતું જ.

જરા મેમરીઝને રિવાઈન્ડ કરો. એ દિવસો યાદ કરો જ્યારે ‘હિન્દુસ્તાન મેં રહના હો તો વન્દે માતરમ્ બોલના હોગા’, ‘તીન નહીં તીન હઝાર, રહેગી નહીં એક મઝાર’, ‘હર મુસલમાન બાબર કી ઔલાદ’ જેવા સૂત્રો લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં બોલવામાં આવતા હતા. મહાન સંસ્કૃતિ પુરુષ લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં સાધ્વી ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા કાનમાંથી કીડા ખરે એવી ભાષામાં બોલતાં હતાં. બાબરી મસ્જિદને હાથ લગાડવામાં નહીં આવે એવી સર્વોચ્ચ અદાલતમાં લેખિત બાંયધરી આપ્યા પછી મસ્જિદને જ્યારે તોડવામાં આવતી હતી ત્યારે અડવાણી, જોશી અને ઉમા ભારતીનાં મોઢાં ફૂલીને ચાંદ જેવડાં થઈ ગયાં હતાં એ તસ્વીર યાદ કરો. તેઓ હરખ છુપાવી નહોતા શકતા. રામના નામે રાજકારણ કરવામાં આવ્યું એમાં અત્યાર સુધીમાં દસેક હજાર લોકો કોમી હુલ્લડોના અને ગુજરાત અને ભાગલપુર જેવા નરસંહારમાં માર્યા ગયા છે, પણ અટલ બિહારી વાજપેયી સહિત કોઈ સંઘવાળાની આંખ ભીની થઈ હોય એવું આજ સુધી જોવા મળ્યું નથી. 

આમ શબ્દની મર્યાદા તો ત્યારે પણ સાચવવામાં નહોતી આવતી. ગરીબ માણસની જિંદગીની ત્યારે પણ ખેવના કરવામાં નહોતી આવતી. આયોજનબદ્ધ કરવામાં આવેલાં નરસંહારોનો શરમાવાની જગ્યાએ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે બહુ મીઠી વાણીમાં બોલવાનું ફાવતું નહોતું ત્યારે તેમાં પાવરધા અટલ બિહારી વાજપેયીની સેવા લેવામાં આવતી હતી. વાજપેયીએ પણ ખોંખારો ખાઈને કોઈની નિંદા કરી નથી, કોઈને મર્યાદા ઓળંગતા રોક્યા નથી કે કોઈનો કાન આમળ્યો નથી. સમસ્યા કૂવામાં છે, હવાડામાં નથી. શાખાના સંસ્કાર વડા પ્રધાન બન્યા પછી પણ છુપાવવા મુશ્કેલ બને છે. વાજપેયીમાં એ આવડત હતી અને માટે વાજપેયી લોકોનો આદર ધરાવતા હતા. બાકી લાલ કૃષ્ણ અડવાણીની મર્યાદા રાજકીય મજબૂરીનું પરિણામ હતું, જન્મજાત સંસ્કારનું નહોતું. તેમનું રાજકારણ અસભ્ય ભાષા અને લાશો ઉપર રચાયેલું હતું એ કોણ નકારી શકે?

બીજો મુદ્દો છે બી.જે.પી.ની (ખરું પૂછો તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની) કલ્પનાના રાષ્ટ્રવાદની. સંઘની સ્થાપના ૧૯૨૫માં થઈ હતી. આજે સંઘની ઉંમર ૯૪ વરસની થઈ. તેની કલ્પનાના રાષ્ટ્રની નિર્મિતિમાં ઉપયોગી થાય એ માટે ૧૯૫૧માં ભારતીય જનસંઘની અને ૧૯૮૦માં ભારતીય જનતા પક્ષ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. તેઓ હિંદુરાષ્ટ્રની સ્થાપના કરવા માગે છે એમ વારંવાર કહેવામાં આવે છે. કોઈ વાંધો નહીં, તેમનો તે અધિકાર છે. માત્ર તેમણે ફોડ પાડીને કહેવું જોઈએ કે તેમની કલ્પનાનું રાષ્ટ્ર કેવું હશે. અત્યારે બંધારણમાં અંકિત કરવામાં આવેલા ભારતીય રાષ્ટ્રમાંથી શું રાખવામાં આવશે અને શું દૂર કરવામાં આવશે એ દેશની જનતાને જણાવી દે. આ કોઈ અયોગ્ય માંગણી છે? જેના હિતમાં તમે જે રાષ્ટ્રની નિર્મિતિ કરવા માગો છો એ પ્રજાને જણાવવાનું પણ નહીં કે તમે તેને માટે શું કરવા માંગો છો? આટલો પણ ભોળી પ્રજાનો હક નહીં?

આજે ૯૫ વરસ પછી પણ ફોડ પાડીને કહેવામાં આવ્યું નથી કે તેમનું હિંદુ રાષ્ટ્ર કેવું હશે! અત્યારના ભારતીય રાષ્ટ્રમાનું શું હશે અને શું નહીં હોય. શું આ દેશ સાથે અને દેશ છોડો હિંદુ પ્રજા સાથે છેતરપિંડી નથી? આવું છદ્મ રાજકારણ કરવું એ અસભ્ય ભાષા કરતાં પણ વધુ અસભ્ય છે. લાલ કૃષ્ણ અડવાણી પોતાની જાતને જ પૂછી લે કે તેઓ સંઘમાં જોડાયા એ પછી તેમને જે સૌથી વહાલું છે તે હિંદુરાષ્ટ્ર વિષે કેટલી વાર સાચું બોલ્યા? અને પાછા અત્યારે એમ કહે છે કે, ‘અમારી રાષ્ટ્રની સંકલ્પના સાથે સંમત નહીં થનારાઓ સાથે અમે દુર્વ્યહાર નહોતા કરતા.’

કઈ સંકલ્પના એ જરા કહેશો ખરા? એસ.એચ. દેશપાંડે નામના એક રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારા કૃષિ અર્થશાસ્ત્રી હતા. તેઓ તેમના તરુણાવસ્થામાં સંઘમાં જોડાયા હતા. શાખામાં હિંદુરાષ્ટ્રની વાત કરવામાં તો આવતી હતી, પરંતુ તેના ચહેરા-મહોરા વિષે કોઈ ફોડ પાડવામાં નહોતો આવતો. એક દિવસ શાખામાં આવેલા સંઘના મોટેરા નેતાને તેમણે પૂછ્યું હતું કે આ હિંદુરાષ્ટ્રના કોઈ રૂપરંગ ખરા કે નહીં? કોઈકની કલ્પનાની કન્યા માટે મારે મારું અમૂલ્ય જીવન વેડફી નાખવાનું? તેમને ઉત્તર આપવામાં આવ્યો હતો કે યોગ્ય સમયે રૂપરંગ બતાવવામાં આવશે. ૧૯૪૫થી આ પ્રશ્ન પુછાઈ રહ્યો છે અને આ જ સુધી યોગ્ય સમય આવ્યો નથી.

માનનીય લાલજી, (તમારે માટે વપરાતું લાડનું સંબોધન વાપરું છું) આ જે લબાડી છે એ અસભ્ય ભાષા કરતાં પણ વધુ અસભ્ય છે. હિંદુરાષ્ટ્રને પરિભાષિત કરોને આપણે એક જ ડાળના બે પક્ષીની માફક ચર્ચા કરી લઈશું. જો તમારી કલ્પના યોગ્ય લાગશે તો અમે તમારી સાથે ઊડીએ પણ ખરા. બોલો તો ખરા કે તમે શું કરવા માગો છો? સંઘપરિવારમાં એક નેતા એક બોલે, તો બીજો નેતા એ જ સમયે સાવ તેનાથી વિપરીત બીજું બોલે. એવું પણ બને છે કે એનો એ જ નેતા બીજા પ્રસંગે બીજું બોલે. જાતી જિંદગીમાં સભ્યતાના ભેખધારી બની ગયેલા લાલકૃષ્ણ અડવાણીના સોએક જેટલા વિરોધાભાસી નિવેદનો ઇતિહાસ કે ઈન્ટરનેટ ફંફોળ્યા વિના ટાંકી શકું એમ છું. અડવાણીની ક્યાં વાત કરીએ, સંઘપરિવારના એક માત્ર મર્યાદાપુરુષ અટલ બિહારી વાજપેયીએ પણ વચનમાં સાતત્ય જાળવવાની મર્યાદા પાળી નથી.

હા, લાલકૃષ્ણ અડવાણી એટલું જરૂર કહી શકે કે પક્ષના આજના નેતાઓને કેમ બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું, ક્યાં અટકવું, ક્યારે ભાષા બદલવી, ક્યારે ગુલાંટ મારવી એનું ભાન નથી. બીજા શબ્દોમાં કહીએ તો પક્ષના આજના નેતાઓ સભ્યતા નથી છોડી રહ્યા, સંઘના સંસ્કારથી દૂર જઈ રહ્યા છે.

શું આ વાત ખોટી છે? 

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઍપ્રિલ 2019

Loading

સાહિત્ય આજે યુનિવર્સિટીઓમાં કેદ છે, ધુરીણ સાહિત્યકારોના મનઘડંત આદર્શવાદમાં અને સૅમિસ્ટર સિસ્ટમની જંજાળમાં સપડાયેલું છે

સુમન શાહ|Opinion - Literature|6 April 2019

'સંવિત્તિ' : એક સાર્થક સાહિત્ય-સેતુ

'સંવિત્તિ' ઝંખે છે કે એ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને એમની ખુદની સંવિત્તિની પ્રભા પ્રસરે, ચોપાસ નારીચેતના સ્વયં પ્રકાશે

ગુજરાતી સાહિત્યક્ષેત્રે હું એક નવપ્રસ્થાનની રાહ જોઇ રહ્યો છું. એક એવો પ્રભાવકારી બદલાવ -ઑપરેટિવ શિફ્ટ – એક ઍક્શન, એક ઍક્ટિવિટી, જે સાહિત્ય અને જનસામાન્યને જોડે. સાહિત્યને જિવાતા જીવનની વચ્ચોવચ લઈ જાય. શ્લોકને લોકમાં રમતો કરે. એકવચનીયને બહુવચનીય રૂપે ફેલાવે. શિષ્ટ-પ્રશિષ્ટને પ્રજાજનોમાં પ્રસરાવે. કહેવાનો મતલબ એ છે કે સાહિત્યકારને એના અતિઆત્મરતિથી લેપાયેલા ધૂંધળા ઓરડેથી છૂટો કરી નગરચૉકમાં લઈ આવે. સાહિત્યને યુનિવર્સિટીઓની જડસુ દીવાલોમાંથી બહાર કાઢીને નવપ્રાણિત કરે. ઉપકારક સાહિત્ય-સેતુ રૂપે સ્થિર થાય.

વાત એમ છે કે તાજેતરમાં મને એક સાર્થક સાહિત્ય-સેતુની ભાળ મળી છે. એ છે વડોદરાની સંસ્થા, 'સંવિત્તિ'. સંવિત્તિ એટલે, સંવેદના – સૂઝસમજ – અનુભૂત જ્ઞાન. 'સંવિત્તિ' મહિલાઓ માટે છે. એનો ધ્યાનમન્ત્ર છે : 'વીમેન લિવિન્ગ બાય લિટરેચર' – નારીજીવન સાહિત્યસંગે. સંસ્થાનો આશય શું છે? પીડિતા યુવતીઓને કિશોરીઓને અને આર્થિક કે સામાજિક રીતે અશક્ત કે માનસિક રીતે અસ્વસ્થ તેમ જ વિકલાંગ અનાથ સ્ત્રીઓને કે રોગગ્રસ્ત વૃદ્ધાઓને સાહિત્યની રીતેભાતે જીવન જીવવાને સમર્થ બનાવવી. 'સંવિત્તિ' પોતાના સાહિત્યિક કાર્યક્રમો લઈને પ્હૉંચી જાય છે વૃદ્ધાશ્રમોમાં કે જૅલમાં કૅદી હતાશ સ્ત્રીઓ પાસે. આદિવાસી કે ગ્રામીણ અરે પોલીસકર્મી બેનો પાસે કે ક્યારેક સ્લમનાં બાળકો પાસે પણ જઇ પ્હૉંચે છે. મને લાગે છે, હું કશા આવા જ નવપ્રસ્થાન વિશે કહી રહ્યો છું.

એની વિશેષતા એ છે કે એમાં સાહિત્યસર્જન એક ઈવેન્ટનું -ઘટનાનું – રૂપ પકડે છે; અ કાઈન્ડ ઑફ હૅપનિન્ગ. 'સંવિત્તિ'-કારોની રજૂઆત એવી તો પ્રભાવક હોય છે કે સામે બેઠેલાં સૌ સીધાં જ સાહિત્યપદાર્થ સાથે જોડાઇ જાય. સહભાગીતા શરૂ થાય અને એ દરેકની શક્તિમતિ અનુસારનાં અનુ-સર્જન થવા માંડે. જેમ કે, સુરેશ જોષીકૃત ટૂંકીવાર્તા 'થીગડું' વંચાતી ન હોય, કહેવાતી હોય. સાંભળનારાં સાવધચિત્ત થઇ સાંભળે. પછી પાત્ર બની જાય -'પ્રભાશંકર' 'પારવતી' કે 'મનુ'. સૌ એને ભજવે. ઝૂમી ઊઠે. અને એમ કથાને દિલોદિમાગથી જીવવાનો આનન્દ લૂંટે. સાહિત્ય અંતરમાં ઝિલાય. કલા ઉત્સવ બની જાય.

ઑપરેટિવ શિફ્ટની આ વાત નવી નથી. જુઓ, પેઈન્ટિન્ગમાં ઈન્સ્ટૉલેશન આર્ટનો પ્રવેશ થયો -મોટો શિફ્ટ. ચિત્રકૃતિઓના સદ્યોવેદી – પાલ્પેબલ – ભૌતિક અવતારો પ્રગટવા લાગ્યા. દૃશ્ય ચિત્રકલા શ્રાવ્ય સ્પર્શ્ય અને ચલચિત્રાત્મક બની. જુઓ, શિષ્ટ-પ્રશિષ્ટ નાટ્યપરમ્પરા હતી. ભવાઇ જાતરા નૌટંકી પ્રગટ્યાં. નાટક લોકજીવનનો હિસ્સો બની ગયું. નાનપણની એ વાત મને યાદ છે – રાત પડે ને અમે મોહન દરજીના ચૉગાનમાં ભવાઈ જોવા ધૂળમાં બેસી જઇએ !

સાહિત્ય, સંસ્કૃત પછી પ્રાકૃત / અપભ્રંશમાં અવતર્યું. તેમાં ય સરળ સેતુ માટેની સામાન્ય જનોની માંગનો ફાળો મોટો હતો. જુઓ, 'ભાગવત' 'રામાયણ' અને 'મહાભારત'-ને સુગમ રીતિ-પદ્ધતિના કથાકારો ન મળ્યા હોત તો વાત પોથીઓમાં ઢબુરાયલી રહી હોત. દર વર્ષે 'રામલીલા' જેવી હાસ્યરંજિત હળવાશભરી પ્રવૃત્તિ ન સંભવી હોત. 'ગામઠી ગીતા' ન રચાઈ હોત. ગાયન વાદન અને નર્તનના કલાધરો લોકમાં પ્હૉંચી જવા તલપાપડ હોય છે. એમની એ ધગશને કારણે પણ કબીર કે નરસિંહ-મીરાં જનહૃદયમાં વસ્યાં છે. સામાજિક દુરિતો પર કોલકાતાના કાલિઘાટ પેઈન્ટર્સ પોતાનાં ચિત્રો વડે પ્રહારો પણ કરતા. ગૃપમાં ચિત્રો કરતા – ઘણી વાર તો પરિવારનું દરેક સભ્ય ચિત્રને પૂરું કરે. એ ગૃપ-સર્જકતાને કારણે ચિત્રકૃતિ સરળ થઇ જતી પણ એથી એની સોશ્યલ અપીલ તીવ્ર થઈ જતી. જનમાનસમાં કાલિ અને દુર્ગા આદિ દેવીમાતાઓની ચિરંજીવી છબિઓ જે અંકાઈ છે તે એમની આ વિલક્ષણ પદ્ધતિનું પરિણામ છે.

'સંવિત્તિ'ની સ્થાપના થઇ છે, ૨૦૧૭-માં. બીજરૂપ વિચાર હતો સાહિત્યકાર, અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ગુજરાતી ભાષા-સાહિત્યનાં ઍસોસિએટ પ્રૉફેસર, ડૉ. દર્શિની દાદાવાલાનો. બીજ ફળ્યું છે. સંસ્થાનો આકાર બંધાયો છે. 'સંવિત્તિ ફાઉન્ડેશન' ટ્રસ્ટ અને સોસાયટીની સ્થાપના થઈ છે. દર્શિની મૅનેજિન્ગ ટ્રસ્ટી અને પ્રમુખ છે. રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ અને લૉર્ડ પ્રૉ. ભીખુ પારેખ પૅટ્રન છે. 'સંવિત્તિ'-ને સ્વામી બ્રહ્માત્માનન્દજીના શુભાશિષ સાંપડ્યા છે. વડોદરાની નામાંકિત વ્યક્તિઓ ટ્રસ્ટીમંડળમાં છે. ઍડવાઈઝર્સ અને વૅલવિશર્સ પણ સાંપડ્યાં છે. કાર્યક્રમનું સંકલન-સંયોજન કરનારી મહિલાઓને 'સંયોજક', કૃતિ રજૂ કરનારને 'સાહિત્યમિત્ર', રજૂઆતમાં સહયોગી થનારને 'સહયોગી' અને એ સૌને સામે બેસી સાંભળનાર-ઝીલનાર મહિલાઓને 'સહૃદય' જેવાં સૂચક પદ અપાયાં છે. આમ 'સંવિત્તિ' સુઆયોજિત સંગઠન રૂપે કાર્યરત છે અને પોતાના ધ્યેયને વિશે ચૉક્સાઈથી વિકસી રહ્યું છે.

પુરા કાળે કાવ્યનો પાઠ થતો. કથાનું કથન થતું. શબ્દ સાંભળવા માટે હતો. સર્જન એક કાર્ય -ઍક્શન – હતું. ભાવન પણ કાર્ય હતું. સર્જન કરનારાં અને શ્રવણ કરનારાં એકબીજાં સામે હાજર હતાં. પરન્તુ સાહિત્યનો શબ્દ આપણા જમાનામાં આવતાંવૅંત લેખન વાચન અને પ્રકાશનનો મામલો બની ગયો – જાણે ટાઢોહિમ પથરો ! સર્જક ગેરહાજર હોય ને છપાયેલા શબ્દ જોડે વાચકોએ માથાં ફોડવાનાં – એમ જ ક્હૅવાય ! ક્રમશ: સાહિત્ય યુનિવર્સિટીઓમાં ઢંગધડા વગરનાં લૅક્ચરો વડે ચર્ચાતું ને ટીચાતું ચાલ્યું. બેઢંગ પરિસંવાદોમાં એના બૂરા હાલ પણ થયા.

સરવાળે સાહિત્ય આજે યુનિવર્સિટીઓમાં કેદ છે. ધુરીણ સાહિત્યકારોના મનઘડંત આદર્શવાદમાં અને સૅમિસ્ટર સિસ્ટમની જંજાળમાં સપડાયેલું છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મૂંગાં-નાં-મૂંગાં રખાયાં છે. પ્રશ્નોત્તર નામનું ઈન્ટરઍક્શન છે જ નહીં. પાઠ્યપુસ્તકો વર્ગમાં કોઇ લાવતું નથી. ઘરે હશે? પરીક્ષાઓમાં ચોરીઓનો પાર નથી. લાગે કે ડિગ્રીઓની છૂટે હાથે લ્હાણી થઇ રહી છે. કરમની કઠણાઈ તો જુઓ, પ્રજા લગી સાહિત્ય પ્રસરી શકતું નથી ને પ્રજા સાહિત્યને અલાબલા સમજે છે ! મને તો સાહિત્યનો જયવારો આટલાંતેટલાંમાં નથી જ દેખાતો -સિવાય કે આપણામાં હૉંશ જાગે ને આપણે 'સંવિત્તિ' જેવા અનેક સાહિત્ય-સેતુઓ રચીએ …

નૉંધપાત્ર વાત એ છે કે અત્યારસુધીમાં 'સંવિત્તિ'-એ આશરે ૧૫૦ કાર્યક્રમો કર્યા છે. હાલ એમાં ટૂંકીવાર્તાઓનું કહો કે કથાસાહિત્યનું સાધન હાથ ધરાયું છે. જેસલ-તોરલ કે પંચતન્ત્રની વાર્તાઓ, 'લોહીની સગાઇ', 'થીગડું', 'ઍગામૅમ્નોન', 'મળેલા જીવ', 'લાસ્ટ લીફ', 'જૉનાથન લિવિન્ગ્સ્ટન સીગલ', 'સુદામાચરિત્ર', ટાગોરકૃત 'ભિખારીન્', 'અરેબિઅન નાઇટ્સ' વગેરે ૨૦૦ જેટલી રચનાઓનો વિનિયોગ થયો છે.

સાહિત્ય આજે અનુ-આધુનિકતાના પ્રસરણશીલ સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. પ્રસરીને એણે હાંસિયામાં સબડતાં મનુષ્યો લગી ખાસ પ્હૉંચવાનું છે. આ સમય છે નારીપીડા અને વંચિતોની વ્યથાઓને ઉકેલવાનો; એની પાછળ છુપાયેલાં સત્તાતન્ત્રોને આ પ્રકારનાં સુયોજિત ઍક્શન્સ વડે ઢંઢોળવાનો. નૉંધો કે 'સંવિત્તિ'-કારો નારીવાદનાં પરિભાષાબદ્ધ જડબાંતોડ વ્યાખ્યાનો નથી કરતાં; સ્ત્રી-સશક્તિકરણની ચાંપલી ચાંપલી વાતો નથી કરતાં; પરન્તુ દુખિયારી સ્ત્રીઓને સાહિત્યરસે ભીંજવે છે, એમનાં મનહૃદયને સંતર્પે છે, અને એમ એમના આત્મબળને જગાડે છે. 'સંવિત્તિ' ઝંખે છે કે મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને એમની ખુદની સંવિત્તિની પ્રભા પ્રસરે. ચોપાસ નારીચેતના સ્વયં પ્રકાશે.

પ્રાણસભર સાહિત્યનું પ્રસરણ નહીં થાય તો એ ગૉંધાઇને સડી જશે. સામે બેઠેલાંઓનાં આત્મામાં સાહિત્ય રોપાય છે ત્યારે એમની સર્જકતા પણ ખીલે છે. સર્જકતાથી સર્જકતા – વર્તુળ રચાય છે. સાહિત્યનું એક ભાવિ ભળાય છે. હું ઈચ્છું છું કે 'સંવિત્તિ'-નો પરિઘ વડોદરાથી વિસ્તરીને ગુજરાતભરમાં પ્રસરો. અભિનન્દન અને હાર્દિક શુભેચ્છાઓ.

= = =

[સૌજન્ય : શનિવાર તારીખ ૬/૪/૨૦૧૯ના રોજ ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ]

Loading

ચોકીદારોના નામની રાજકીય ઝુંબેશો સુરક્ષાકર્મીઓની દશા સુધારશે ? દેશની નીતિમત્તાની સુરક્ષા કરશે ?

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|5 April 2019

બુધવારના સમાચાર મુજબ અમદાવાદના સાયન્સ સિટી રોડ વિસ્તારમાં, ગોવિંદભાઈ વાઘેલા નામના 59 વર્ષના એક સાચુકલા ચોકીદારનું મોત થયું. બાંધકામ હેઠળના બંગલાનો ઝાંપો તેમની પર પડ્યો. બિલ્ડર સામે ચોકીદારનું બેદરકારીથી મૃત્યુ નિપજાવવા અને વારસદારોનું જ્ઞાતિગત અપમાન કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. ત્રેવીસમી ફેબ્રુઆરીએ અવસાન પામેલા ગોવિંદભાઈ દોઢ વર્ષથી તો એ બંગલાની ચોકી કરતા હતા. પણ અત્યારે દેશમાં ચાલી રહેલી ‘ચોકીદારી’ સાથે એને કંઈ લેવાદેવા ન હતી. રાહુલ ગાધીના ‘ચોકીદાર ચોર હૈ’ને પગલે નરેન્દ્ર મોદીની ‘મૈં ભી ચોકીદાર’ની – રેલવેની ચાના કપથી માંડીને અવકાશ સુધી ફેલાઈ ચૂકેલી – હુંસાતુંસી ચોકીદાર ગોવિંદભાઈનો જીવ ન બચાવી શકી. એમના જેવાનાં જીવતર સુધારવાનાં  કોઈ લખ્ખણ પણ એ ખેંચતાણમાં નથી. આખા દેશમાં બેઇમાની રોકવાની વાત તો સાવ દૂરની છે. એ ઝુંબેશ એટલે માત્ર ચૂંટણીની શોબાજી.

આવી શોબાજીમાં પ્રિયંકા ગાંધીએ વળી નવો નુસખો અજમાવ્યો. તેમણે ગંગા-યાત્રા અને ‘બોટ પે, ચર્ચા’ કરી. પણ નદીઓની અને ગંગાની શુદ્ધિ માટે અરધી સદીથી વધુ લડત ચલાવીને અંતે આમરણાંત ઉપવાસથી જાન આપી દેનારા કર્મશીલ જી.ડી. અગ્રવાલનો તેમણે ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો. નદીઓના આ ચોકીદારના પત્રોનો ભારતીય જનતા પક્ષ (ભા.જ.પ.) સરકારે ભાગ્યે જ સરખો જવાબ આપ્યો હતો. કૉન્ગ્રેસે અગ્રવાલજીને સાથ આપ્યો ન હતો. અત્યારે ચૂંટણી ટાણે કૉન્ગ્રેસને ગંગામૈયા યાદ આવ્યાં. 2014ની ચૂંટણી ઝુંબેશમાં ભા.જ.પ.ના આગેવાન નરેન્દ્ર મોદીને ચાવાળો યાદ આવ્યો. કૉન્ગ્રેસના મણિશંકર ઐયરે ચાવાળા મોદીના  દિવસોને યાદ કર્યા. એટલે ગુજરાતના મુખ્ય મંત્રીએ સિફતથી ચાયવાલા લેબલને તેમની વડા પ્રધાન પદ માટેની ઝુંબેશમાં ગોઠવી દીધું. તેનો ચૂંટણી જીતવામાં શું ફાળો એ ચોક્કસ કહી ન કહી શકાય. પણ એટલું સાફ દેખાય કે ચાવાળા અને એ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે લારી-ગલ્લા-પાથરણાંવાળાની હાલતમાં જવલ્લે જ ફરક પડ્યો. તે બધા મહેનતકશો શાસકોને મન શહેરના ગેરકાયદે દબાણ જ છે.

સત્તાધારીઓએ સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટ નામના લોકતરફી કાયદાની સાડાબારી રાખી નથી. ઑગસ્ટમાં તો અમદાવાદમાં પોલીસ અને મ્યુનિસિપાલિટીએ ચલાવેલી દબાણ હઠાવવાની ઝુંબેશને પરિણામે લારી-ગલ્લા-પાથરણાવાળાઓનું જીવવું ભારે થઈ પડ્યું. પણ ચાવાળાને નામે મતો માગી ચૂકેલા ભા.જ.પ.નાં પેટનું પાણી ય ન હાલ્યું. ચૂંટણી ગઈ ને ચાવાળો ય ગયો. તે પહેલાં ભા.જ.પે. દેશવાસીઓને ‘ઇન્ડિયા શાઇનિન્ગ’નાં સપનાં દેખાડ્યાં. પણ તે પૂરાં કરવા માટે તેમના હાથમાં સત્તા જ ન આવી. બે મહિના ઉપર વડા પ્રધાન મોદીએ સફાઈ કામદારોના પગ ધોયા. પણ પાંચ મિનિટના કૅમેરાના ઝગઝગાટ સિવાય કામદારોની જિંદગીમાં કોઈ ફેર ન પડ્યો. તેના દોઢેક મહિના પહેલાં જ મુંબઈ પાસેના પનવેલમાં ત્રણ સફાઈ કામદારો ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામ્યા. આ જ રીતનાં ત્રણ મોત હમણાં રવિવારે રાત્રે બાવળામાં નોંધાયાં. વડા પ્રધાને સફાઈ કામદારોનાં પગ ધોયાં તે પહેલાંનાં વર્ષોમાં તો આ કામદારોના પુનર્વસન તેમ જ  વિકાસ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ફાળવવામાં આવતા રાશિમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ 1971ની ચૂંટણીમાં ‘ગરીબી હટાઓ’ સૂત્ર આપ્યું. પણ આ દેશમાં ગરીબી હઠતી નથી, વિકાસના નામે ગરીબો જ હઠતાં રહે છે. ધોરી માર્ગો, બંધો, ઉદ્યોગો, ફેલાતાં શહેરો ગરીબોનો ભોગ લેતા જ રહે છે.

શહેર ગામડાંનાં વંચિત વર્ગના લોકોને જે અનેક કપરી નોકરીઓ અપાવે છે તેમાંની એક તે ચોકીદારીની છે. શહેરોમાં શૉપિન્ગ સેન્ટરો, કૉર્પોરેટ ઑફિસો, બૅન્કો, એ.ટી.એમ., એપાર્ટમેન્ટો, સોસાયટીઓ એમ બધે જ ગણવેશ પહેરેલાં ચોકીદારો દેખાય છે અને વધતા જાય છે. દેશમાં ખાનગી ચોકીદારોનો આંકડો પચાસથી નેવું લાખની વચ્ચે મૂકવામાં આવે છે. દરેક શહેરમાં તેમને નોકરીએ રાખનાર સિક્યોરિટી એજન્સીઝનો આંકડો પણ સરેરાશ દોઢસોએ પહોંચે છે. દસ કલાકથી વધુ સમયની નોકરી માટે મહિને વધુમાં વધુ વીસ હજારથી વધુ વેતન મેળવનાર આ ચોકીદારોનું લગભગ બધે જ શોષણ થાય છે. ‘પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રેગ્યુલેશન ઍક્ટ 2005’ નામના કાનૂનમાં ચોકીદારોના વેતન સહિતની જે જોગવાઈઓ કરવામાં આવી છે તેમનો લગભગ પૂરો  ભંગ  થાય છે. બહુ ઓછો પગાર, કામના પુષ્કળ કલાકો, પેશાબ-પાણી સહિતની દરેક બાબતમાં નહીંવત સગવડો, ઠંડી-વરસાદ-તડકામાં ય નજીવા આશરા નીચે ફરજ, જવાબદારી અને જોખમ, આરામ અને રજાનો અભાવ, ઉપેક્ષા અને અપમાનની વચ્ચે પણ દેશભરના ચોકીદારો મજબૂરીથી પોતાની ફરજ બજાવતા રહે છે. તેમના સંગઠનો ભાગ્યે જ થાય છે.

પણ ગુજરાત સરકારના પોતાનાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ(જી.આઈ.એસ.એફ.)ના જવાનોના સંગઠને તેમનાં શોષણની સામે ઑક્ટોબર 2011માં ગાંધીનગરમાં પંદરેક દિવસની ભૂખ હડતાળ કરી હતી. આ ત્રણેક હજાર ચોકીદારોમાંથી પોણા બસોની તબિયત લથડી હતી. સરકારે બંધો, વિદ્યુતમથકો, સરકારી કચેરીઓ, વિધાનસભા સહિત અનેક મહત્ત્વનાં સ્થળોએ ફરજ પર મૂકેલા જી.આઇ.એસ.એફ.ના સુરક્ષાકર્મીઓની સ્થિતિ આજે ય સારી નથી. પંદર-પંદર વર્ષથી કામ કરતા આ ચોકીદારોને પાંચથી દસ હજાર રૂપિયા જેટલો જ પગાર મળે છે. અત્યારે ‘મૈં ભી ચોકીદાર’માં જોડાયેલા મંત્રીઓ, ભા.જ.પ.ના  હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાની આજુબાજુ બધે જ જોવા મળતા ચોકીદારોની હાલતનો વિચાર કરવો જોઈએ. ચોકીદાર ચોર હૈ કહેનારાઓએ પોતાના ઘર પણ કાચના છે એ ધ્યાનમાં રાખવું જોઈએ.

ચોકીદાર ઝુંબેશમાં અભિપ્રેત શાસન અને જાહેર વહીવટનાં મૂલ્યોની રખેવાળી ગયાં પાંચ વર્ષમાં નહીંવત થઈ છે. જીવવાના અધિકારની ચોકી સરકાર કરી શકી નથી તે લિન્ચિન્ગના સંખ્યાબંધ બનાવોમાં અને રેશનાલિસ્ટોની હત્યાઓની તપાસની બાબતે દેખાયું છે. લોકશાહી અધિકારો અને સિદ્ધાન્તોની રક્ષા તો બાજુ પર રહી, સરકારે તેમની પર તરાપો મારી છે. તેણે નોટબંધીમાં રિઝર્વ બૅન્કની, રાકેશ અસ્થાના વિવાદમાં સી.બી.આઈ.ની, ચૂંટણીની તારીખો તેમ જ હવે મોદી પરની ફિલ્મની રિલિઝ બાબતે ચૂંટણી પંચની અને વાઇસ-ચાન્સલરોની નિમણૂકોમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સ્વાયત્તતાને નબળી પાડી દીધી છે. વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કલાકારો, બૌદ્ધિકોના વાણી-વિચાર-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના રખોપાં પણ શાસકો કરી શક્યા નથી. આ યાદી લાંબી થઈ શકે.

જાણીતા દલિત બૌદ્ધિક કાન્ચા ઇલૈયાએ ‘મૈ નહીં ચૌકીદાર’ એવા મથાળાથી અંગ્રેજી લેખ  લખ્યો છે. સુરક્ષાકર્મીઓનાં ક્લાસ અને કાસ્ટના દૃષ્ટિકોણથી લખાયેલા આ લેખમાં ઇલૈયા ચોકીદારોની ગરીબી, નિરક્ષરતા, તેમનો દલિત વર્ગ, મોદી દ્વારા ચાયવાલા લેબલનો ઉપયોગ જેવા મુદ્દા કરે છે. અંતે તે કહે છે : ‘આ ભૂમિકા સાથે મને વડા પ્રધાનની ‘મૈં ભી ચૌકીદાર’ ઝુંબેશ વખોડવા જેવી લાગે છે. કોઈપણ સ્વમાની ચોકીદાર ભારતમાં આ નોકરી પસંદ ન કરે. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ ઝુંબેશ ચલાવવા માગતો હોય તો એણે પહેલાં પોતાના સભ્યોને ઉદ્યોગપતિઓ અને ધંધાવાળાઓને બારણે ચોકીદાર તરીકેની નોકરી અપાવવી જોઈએ …. હું ચોકીદાર બનવા નથી માગતો કારણ કે એમાં માનવ ગૌરવ અને સ્વમાનને કોઈ અવકાશ નથી. એ નોકરીને જ દૂર કરી નાખવી જોઈએ. કારણ કે તે સામાજિક, નૈતિક, ચૈતસિક અને આર્થિક રીતે માનવીય રોજગારીની વિરોધમાં છે. આપણે બધાએ બૂમ પાડીને કહેવું  જોઈએ : ‘અમારે ચોકીદાર નથી બનવું.’

*********

10 એપ્રિલ 2019

સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 05 ઍપ્રિલ 2019

Loading

...102030...2,8262,8272,8282,829...2,8402,8502,860...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved