Opinion Magazine
Number of visits: 9577083
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પથિક તારે વિસામાના દૂર દૂર આરા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 April 2019

અગિયારમી એપ્રિલ. આજે મતદાનનો પહેલો તબક્કો. આ લખતે લખતે ફેસબુક પોસ્ટ્‌સ જોઉં છું તો વિસ્તાસ્પ હોડીવાલાએ મૂકેલી ગૌરી લંકેશની છબી સામે આવે છે : તમે જ્યારે મત આપો ત્યારે મને યાદ કરશો. બહુ જ સમુચિતપણે વિસ્તાસ્પે શીર્ષપંક્તિ બાંધી છે કે ભારતની આરપારની (ફાઈનલ) પરીક્ષા આજે શરૂ થાય છે.

મતદાનની નાજુક નિર્ણાયક ક્ષણે કોને યાદ કરવા મારે, એની આ કંઈ પહેલી નસીહત તો નથી. પહેલા તબક્કા માટેની પ્રચારછૂટ પૂરી થવામાં હતી એ કલાકોમાં વડા પ્રધાને પણ આવી જ એક અપીલ ‘ને-યાદ-કરજો’ની તરજ પર આપી તો હતી. એમણે અપીલ કરી હતી, જિંદગીનું પહેલ પ્રથમ મતદાન કરનાર યુવજન જોગ કે પુલવામાના શહીદ સૈનિકો અને બાલાકોટની ઍરસ્ટ્રાઈકના સુભટોને નામ આપનો મત પડજો.

કદાચ, આ બે અપીલોની સહોપસ્થિતિ આપણને એક વૈકલ્પિક પશોપેશની પકડમાં એવી તો મૂકી આપે છે કે તે પૈકી આખરી (અને આકરી) પસંદગી સાથે આપણું પણ એક માપ આવી રહે. રાજીવ ગાંધીના કાળમાં અઢારમે મતાધિકારનો જે સિલસિલો શરૂ થયો, તે મુજબનો એક નિર્ણાયક પ્રમાણમાં હોઈ શકતો યુવા મતદાર જથ્થો ઓણ હોવાનો છે. યુ.પી.એ.-ર અને એન.ડી.એ.-રનાં આઠદસ વરસ એના કિશોર અને પૌગંડ તબક્કાનાં હશે. એને સામાન્યપણે એવી અપીલ શા વાસ્તે ન ગમે કે તું પુલવામાને અને બાલાકોટને યાદ કરીને મત આપજે. કુરબાની અને જાનફેસાની પોતે કરીને આર્ત અપીલકારી બીના નથી એમ તો કહી શકાતું નથી. અને આવી ભાવનાત્મક તાણ વખતે પુલવામા-બાલાકોટની દુહાઈ કમલના બટન પર દાબ મૂકવા સારુ છે એવા પેંતરાને સમજવાની સોઈ પણ બધાને બધો વખત નયે હોય.

પ્રશ્ન આ છે, તમે જેને સુરક્ષા કહો છો તે શું છે. આપણે ચોમેરચોફેરથી ઘેરાયેલ છીએ અને સૈનિકી સુરક્ષાને કારણે જ જીવિત છીએ, એવું વાયુમંડળ જો એક વાત છે તો સુરક્ષિત જિંદગી ઘરઆંગણે બસર કરવી તે શું એ બીજી વાત છે. દેશજનતા ચેનનો શ્વાસ લેવા જરૂર ઇચ્છે છે. પણ, જો એને પોતાની વાત કહેવા-સમજવાની આસાએશ અને ગુંજાશ-મોકળાશ ન હોય તો એ શ્વાસ એક વિચારશીલ લોકતંત્રમાં હોય તો પણ શું અને ન હોય તો પણ શું.

ગૌરી લંકેશનો ગુનો એ હતો કે તે એક ભિન્નમત ધરાવતી શખ્સિયત હતાં. અહીં ભિન્નમતનો જે વિશેષ સંદર્ભ અભિપ્રેત છે તે સમજી લેવો જોઈએ. વડી રાજ્યસત્તાને સારુ સંમાન્ય એવી પહેલા ખોળાની જે વિચારધારા, એનાથી જુદા પાડતો ભિન્નમત. આ ભિન્નમત, કેમ કે તે પ્રસ્થાપિત સત્તામતથી જુદો છે, સ્વાભાવિક જ એમાં રાજદ્રોહ (બલકે દેશદ્રોહ) સમાયેલો છે. આ સંજોગોમાં રમતના નિયમો સાફ છે. લોકમતની કેળવણી કરતી ખુલ્લી બહસ નહીં પણ આતતાયી વધ, એ આ નિયમોની બુનિયાદમાં પડેલી વાત છે.

ગૌરી લંકેશ આતતાયી હતાં, જેમ દાભોલકર અને પાનસરે પણ હતા. બેસતે સ્વરાજે ગાંધીથી આતતાયીવધનો આ સિલસિલો જારી છે. જેમણે ગૌરીને હણ્યાં એમને પોતાનું વીરકર્મ પુલવામાનો બદલો લેતા બાલાકોટ સુભટોની હેડીનું લાગે છે. સમાજમાં જુદા અને નવા વિચારોને નહીં સાંખી લેવાની આ અસહિષ્ણુ મનોવૃત્તિમાં એમને કશુંક વીરવ્રત શું અનુભવાય છે. પ્રજાસત્તાક સ્વરાજમાં આ રસ્તે અને આ રીતે જે આવે તેમાં બરકત ન હોય (બલકે તે વિપરીત-પરિણામી જ હોય) એવો એક સીધોસાદો મુદ્દો, પછી, એમને પકડાતો જ નથી.

૧૯૭પ-૭૭ જેમ એક જળથાળ સમયગાળો હતો, કટોકટીવાદને મુદ્દે; તેમ આ પણ એક જળથાળ કાળ છે, અને તે ખાસો લાંબો અને લંબાતો હોવાનો છે. વ્યક્તિગત સત્તાના એકાધિકારનો વિરોધ જો લાજિમ હતો તો એકાધિકાર ઉપર વિચારધારાકીય વળ અને આમળા ચઢાવતી સત્તાધારાનો વિરોધ એથીયે કંઈકેટલો વધુ લાજિમ છે.

વિચારધારાકીય આમળાથી માંડીને અફીણ લગીની જે સગવડ હાલની સત્તામંડળી કને છે એ હમણાં ભા.જ.પ.ના સંકલ્પપત્રમાં ખાસું ઊહાપોહભેર કહેવાયું તેમ ‘નૅશન ફર્સ્ટ’ છે. અહીં અભિપ્રેત વિગત, રાષ્ટ્ર એ પક્ષથી ઉપર છે એટલી સરળસપાટ નથી. રાષ્ટ્ર એ સર્વોચ્ચ બલકે એકમાત્ર, કહો કે ધ મૂલ્ય છે. ઈશ્વરની અનેક વિભૂતિઓ પૈકી રાષ્ટ્ર પણ એક હોઈ શકે એમ નહીં, એકમાત્ર – ધ વિભૂતિ તે ધ વિભૂતિ. અને એમાં પણ, આ તો ‘ખાસ’ અર્થમાં.

લોકશાહી જો મનુષ્યજાતિની એક મુક્તિયાત્રા હોય તો રાષ્ટ્રની આવી સર્વોપરિતા, આવી એકમાત્રતા અને અફીણી અપીલ એ આ યાત્રામાં અવરોધક છે. સહજ દેશપ્રેમ એક વાત છે અને દેશભક્તિનો સંપ્રદાય તે બીજી વાત છે. ગૌરી લંકેશની શહાદતને વશ વર્તતી અપીલ પહેલા ખાનામાં પડે છે જ્યારે નમોની પ્રથમ મતદાનવાળી અપીલ બીજા ખાનામાં પડે છે.

જલિયાંવાલાને સોએ વરસે બ્રિટનના વડા પ્રધાન એને ‘અ શેઈમફુલ સ્કાર’ તરીકે વર્ણવે છે ત્યારે હાઉસ ઑફ કૉમન્સમાં સાંસદોના ખાસા હિસ્સાને એમ લાગે છે કે ધોરણસરની ક્ષમાપ્રાર્થનામાં હજુ કાંક કશુંક ખૂટે છે. શું આ હિસ્સાને આપણે ઇંગ્લંડના સંદર્ભમાં દેશદ્રોહી/રાજદ્રોહી કહીશું કે અંતરાત્માના રખેવાળ તરીકે જોઈશું? પોતાનો દોષ અને મર્યાદા જોઈ શકવાં એ એક એવી દેશવત્સલ માનવતા છે જે નવી ને ન્યાયી દુનિયાનું ધરુવાડિયું બની શકે. મતદાનની નાજુકનિર્ણાયક પળે જો હું ગૌરી લંકેશને સ્મરી શકું તો એ આ ધરુવાડિયા ભણી લઈ જતી, ભલે સેતુબંધની ખીસકોલી શી ચેષ્ટા હશે. એક વાર આ ફલક પર જોઈએ તો મતદાન બેત્રણપાંચ પક્ષો વચ્ચેની પસંદગીની સાંકડી સમજને ક્યાં ય ઓળાંડી જઈ નવી દુનિયા અને પ્રતિગામી વલણો વચ્ચેની પસંદગી બની રહે છે. આ નવી દુનિયાની, દેશવત્સલ માનવતાની જે ખોજ તે સ્વાતંત્ર્યસંગ્રામમાં ઊભરેલાં મૂલ્યોની ધારામાં છે.

અહીં લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે આ પૂર્વે કદી નહીં એ હદે એક વૈકલ્પિક વિમર્શ સત્તાનશીન થયો છે. હમણાં ‘નૅશન ફર્સ્ટ’ની જે જિકર કરી તે આ વિમર્શને સમજવા વાસ્તે હિમદુર્ગનું ટોચકું માત્ર છે.

નહીં કે ભાજપ સિવાયનાં બળોને આ બધી સમજ છે અને આપણને એવી પતીજ છે. બીજાં બળોને ઠમઠોરતાં રહેવાની પ્રજાની જવાબદારી અલબત્ત હતી, છે અને રહેશે. પણ પસંદગી સાફ છે : તમારે નવી દુનિયા તરફ જવું છે, કે પ્રતિગામી વલણો તરફ.

આ અંકમાંની સામગ્રી નાગરિક સમાજને નાતે સહિયારી નિસબત અને સહચિંતનને ધોરણે યથાસંભવ બની આવે તે માટેની કોશિશનો આટલો સંદર્ભ : દિલ્હીને અલ્વિદા કહેતાં દિલી અલ્વિદાનો જે સવાલ ઉમાશંકરે ઉપસ્થિત કર્યો છે, રાજધાનીઓ ને અગ્રવર્ગો શ્રમિક-કૃષક પર ચડી વાગે છે (આ સિલસિલાને કથિત સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ઓર ન્યાય્ય પણ ઠરાવી શકે) એ તરફ ધ્યાન દોરી વિરમું છું.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 02 અને 20

Loading

લોકશાહી, નાગરિક સમાજ અને શાસન

ઘનશ્યામ શાહ|Opinion - Opinion|17 April 2019

લોકશાહી સમાજપરિવર્તનનું સાધન અને સાધ્ય છે. લોકશાહી પ્રક્રિયા દ્વારા અસમાનતા કેન્દ્રિત સાંસ્કૃતિક મૂલ્યો, વ્યવહાર, અને કોટિક્રમ જન્મ આધારિત સામાજિક વ્યવસ્થા ક્ષીણ થાય. કાળક્રમે સમાનતા, સ્વતંત્રતા કેન્દ્રિત અને વૈશ્વિક દૃષ્ટિ આધારિત સમાજવ્યવસ્થાની રચના થાય. આ મિશનને હાંસલ કરવાની જવાબદારી બંધારણે રાજ્યને સોંપી છે. આ માટે રાજ્ય જરૂરી આયોજન, નીતિ અને તેનો અમલ કરે તે અપેક્ષિત છે. પણ સાઠના દાયકાથી સમાનતા કેન્દ્રિત સમાજ રચનાના લક્ષ્યને રાજ્યે તિલાંજલિ આપી છે. બધા જ પક્ષો કોઈ પણ હિસાબે સત્તા મેળવવા તડજોડ કરે છે. તેઓ નિયો-લિબરલ મૂડીવાદી આર્થિક નીતિને અનુસરે છે. આ નીતિમાં સમાનતાના  ધ્યેયને સ્થાન નથી. વિચિત્રતા તો એ છે કે આ પક્ષો અને તેમના નિષ્ણાતો માને છે કે આ મૂડીવાદી વ્યવસ્થા સિવાય સમાજના વિકાસ માટે બીજો કોઈ વિકલ્પ નથી. આ પંથ ભારતના ભાગ્યમાં લખાયેલો છે. આ વિચારસરણી ઉપરાંત ૨૦૧૪થી નરેન્દ્ર મોદીની ભા.જ.પ. સરકાર સાંસ્કૃતિક રાષ્ટ્રીયતા એટલે કે હિંદુ રાષ્ટ્રના સિદ્ધાંતને વરેલી છે જેમાં ભારતના લોકોના રોજ-બ-રોજનાં જીવનમાં જે વિવિધ ધાર્મિક અને દુન્યવી સાંસ્કૃતિક ભિન્નતા પરંપરાગત રીતે વણાયેલી છે તેનો છેદ ઉડાડવામાં આવે છે.

આ પરિસ્થિતિમાં નાગરિક સમાજ(સિવિલ સોસાયટી)ની ભૂમિકા મહત્ત્વની છે. નાગરિક સમાજ એટલે રાજ્ય અને સમાજ વચ્ચેની કાલ્પનિક જગ્યા (સ્પેસ). તે રાજ્યનું અંગ નથી અને સમાજના નિજી/આર્થિક કે સામાજિક સમુદાય કે સંપ્રદાય આધારિત સંસ્થા નથી. સૈદ્ધાન્તિક રીતે રાજ્ય અને નાગરિક સમાજ સૌનું વ્યાપક હિત જુએ છે. નાગરિક સમાજનું કાર્ય સમાનતા, બિનસાંપ્રદાયિકતા અને વૈશ્વિક મૂલ્યો કેળવાય તે પ્રકારની નૈતિકતા, સંસ્થાઓ અને કાર્યક્રમો માટે રાજ્ય નીતિ ઘડે, તેમ જ તે રીતે શાસન ચાલે તે માટે રાજ્ય પર દબાણ લાવવાનું અને જરૂર પડે તો રાજ્ય સામે સંઘર્ષ કરવાનું, તેમ જ સાથે સાથે આ મૂલ્યોને સાકાર કરવા જનમત કેળવવાનું છે. જ્યારે જયારે બંધારણનાં મૂલ્યોનો હ્રાસ થાય ત્યારે ત્યારે નાગરિક સમાજ અવાજ ઉઠાવે, જનમત તૈયાર કરે અને સંઘર્ષ કરે. જાહેર સંભાષણ (ડિસ્કોર્સ), વિચાર-વિમર્શ, બૌદ્ધિકો, બિનસાંપ્રદાયિક અને બિનસરકારી સંસ્થાઓ અને સામાજિક આંદોલનો નાગરિક સમાજનાં અંગો છે.

આ સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં નાગરિક સમાજ વાસ્તવિક રીતે ભારત અને ગુજરાતમાં કેવી રીતે કામ કરે છે તે સમજવાનો મારો પ્રયત્ન પુસ્તક (Democracy, Civil society and Governance, 2019)માં છે. નાગરિક સમાજ બધે જ અને દરેક સમયે એક જ પ્રકારનો હોતો નથી. સમાજનાં સામાજિક વિભાજનો નાગરિક સમાજમાં જોવા મળે તે સ્વાભાવિક છે. વળી, નાગરિક સમાજના બધા જ એકમોમાં એક જ પ્રકારની દૃષ્ટિ, વિચારસરણી અને વાસ્તવિકતાને જોવાનો અભિગમ ન હોય તે સ્વાભાવિક છે. બધાની કામ કરવાની રીત અને પ્રશ્નોની પ્રાથમિકતા અલગ હોય છે. વળી જુદા જુદા સમયે નાગરિક સમાજનો ફલક અને વ્યાપ બદલાતાં રહે છે. સરળતા ખાતર અને મારા સમાજ પરિવર્તનના ખ્યાલના સંદર્ભમાં નાગરિક સમાજને હું બે ભાગમાં વહેંચું છું. એક હેગેમોનિક નાગરિક સમાજ (હવે પછી સરળતા ખાતર ‘હેનાસ’ કહીશું) જે વૈચારિક અને સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા પ્રભુત્વ ધરાવે છે અને બીજો, ગરીબ તરફી-પ્રમાણમાં ઉદ્દામવાદી નાગરિક સમાજ (હવે પછી ‘ઉનાસ’ કહીશું). વ્યાપમાં ‘હેનાસ' મોટો છે અને તેને મુખ્ય ધારાનો કહી શકાય. આજે ‘ઉનાસ’ નાનો અને નાગરિક સમાજના હાંસિયામાં છે. ‘હેનાસ’ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થાનાં નૈતિક-સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન કરે છે અને નિયો-લિબરલ રાજકીય-આર્થિક નીતિને અનુમોદન આપે છે. આ મૂલ્યો સમાજમાં સ્વીકૃતિ પામે તે માટે પ્રયત્ન કરે છે. તે પ્રર્વતમાન રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગોની વિચારસરણી અને મૂલ્યોના પ્રચાર -પ્રસાર, સંવર્ધનના તંત્ર તરીકે કામ કરે છે. ‘ઉનાસ’ નિયો લિબરલ-મૂડીવાદી વિચારસરણી અને જ્ઞાતિ, લિંગ, ધર્મ, પ્રદેશ કેન્દ્રિત વિભાજિત કરતાં મૂલ્યોને પડકારી સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતાનાં મૂલ્યોને વરેલ છે. તે માટે તે રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગોને અવારનવાર પડકારે છે. જરૂર પડે તેમની સામે સંઘર્ષ કરે છે. વંચિતોના પડખે ઊભો રહે છે. નાગરિક સમાજના બંને એકમો તદ્દન સ્પષ્ટ રીતે વૉટર-ટાઈટ ભાગોમાં વહેંચાયેલા નથી. ફ્‌લુઈડ-પ્રવાહી છે. જુદા જુદા પ્રશ્નો – બાબતે કેટલીક વખત એક મંચ પર કામ પણ કરે છે. વૈચારિક મતભેદો હોવા છતાં તે લોકશાહીમાં શ્રદ્ધા ધરાવે છે, અને જ્યારે લોકશાહી સંસ્થાઓ ભયમાં આવે ત્યારે ‘હેનાસ’ના કેટલાક (ઉદારમતવાદી) અને ‘ઉનાસ’ સાથે મળી કામ કરે છે. બંને વચ્ચે ફરક એ છે કે ‘હેનાસ’ લોકશાહીના ઔપચારિક માળખા માટે વધારે આગ્રહી છે, જ્યારે ‘ઉનાસ’ લોકશાહી માળખાની સાથે તેના મૂળભૂત મૂલ્યો માટે આગ્રહી છે.

ભારતનો આજનો આધુનિક નાગરિક સમાજ બ્રિટિશ શિક્ષણ અને શાસનની દેન છે. આ શિક્ષણની પહેલી  પેઢીના ભદ્ર વર્ગે પોતાની સ્વ-અનુભવી વિશ્વ કેન્દ્રિત  દૃષ્ટિથી વ્યક્તિ અને સમાજ, વ્યક્તિ અને રાજ્યના સંબંધો, રેશનાલિટી, વિજ્ઞાન, ધર્મ વગેરે અંગે સંભાષણ, વિચાર-વિમર્શ શરૂ કર્યાં, મંડળ સંસ્થાઓ રચ્યાં. પશ્ચિમી શિક્ષણનો પ્રચાર-પ્રસાર કર્યો, સામાજિક સુધારા (રીતરિવાજો) માટે ઝુંબેશ ચલાવી. આ પ્રવૃત્તિઓ મોટે ભાગે શહેરી હતી. આઝાદીની લડત વ્યાપક થતાં ગ્રામીણ વિસ્તારના ખેડૂત જ્ઞાતિના આગેવાનો જોડાયા. તેમ થતાં નાગરિક સમાજનો વ્યાપ વિસ્તર્યો. આઝાદી પછી ઔદ્યોગિકીકરણ અને શિક્ષણના વ્યાપ સાથે નાગરિક સમાજનો ફલક વધ્યો. આ વૃદ્ધિ સમાન સામાજિક સ્તરમાં વધુ થઈ, નીચલા સ્તરની વ્યક્તિઓ જૂજ પ્રમાણમાં જોડાઈ શકી. જે જોડાયા તેનો મોટા ભાગ ‘ઉનાસ’માં. લૈંગિક સમાનતા સંઘર્ષ કરતી થોડીક મહિલા પણ નાગરિક સમાજમાં કામ કરતી જોવા મળે છે; જો કે મોટે ભાગે સવર્ણ.

સમગ્ર રીતે એવું કહી શકાય કે નાગરિક સમાજ, ખાસ કરીને ગુજરાતમાં સવર્ણ (ભદ્ર/ઉપલી જ્ઞાતિ) વર્ગનાં મૂલ્યો અને જીવનશૈલીના પ્રભુત્વનું નવસર્જન કરે છે. અલબત્ત, પ્રભુત્વ ધરાવતાં મૂલ્યો મોનોલિથિક અને એક જ પરિમાણમાં નથી હોતા. આઝાદીની ચળવળ વખતના જ્ઞાતિના કોટિક્રમનાં મૂલ્યોનો પ્રચાર-પ્રસાર હતો તેનું આઝાદી પછી પુનરાવર્તન થયું. આમાં વંચિત શોષિત માટે કરુણા ખરી પણ એમ્પથી (વંચિતની દૃષ્ટિ) અને સહોદરભાવનો અભાવ. તે સાથે આધુનિકતાનાં પરિબળો, મૂડીવાદી અર્થવ્યવસ્થા પ્રેરિત હરીફાઈ, સ્વલાયકાત અને કૌશલ્ય આધારિત સિદ્ધિના ખ્યાલો જે પણ ઉપલા વર્ગની તરફેણ કરે તે બધા પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ સાથે સંકળાયા. જન્મ આધારિત કોટિક્રમ અને મુક્ત બજાર કેન્દ્રિત મૂલ્યો વચ્ચે અવારનવાર સંઘર્ષ જોવા મળે છે અને નવાં સમીકરણો ઊભાં થાય છે. આપણી બૌદ્ધિક, શૈક્ષણિક વ્યવસ્થા, સાહિત્ય, સંચાર માધ્યમો વગેરે પ્રભાવી મૂલ્યોને પ્રતિપાદિત કરે છે. આધુનિક પરિબળોને કારણે, સ્વાનુભાવો અને આકાંક્ષાઓ દ્વારા સર્જાયેલ જાગૃતિથી વંચિતો અસમાનતાના અનુભવોને પડકારે છે. સ્વમાન અને સમાનતા ઝંખે છે. ‘ઉનાસ’નો મોટો ભાગ (ડાબેરીઓ સહિત) મહદંશે પ્રભાવી મૂલ્યોની માનસિકતામાંથી મુક્ત નથી કારણ કે તેઓ સવર્ણ સ્તરમાંથી આવે છે, આત્મદર્શન(આત્મનિરીક્ષણ)થી પર છે અને ફક્ત આર્થિક માળખાને પ્રાધાન્ય આપે છે. વળી, તેઓ વંચિત સમુદાય-ની સંસ્કૃતિ-નાં પાસાંની અવગણના કરે છે. આમ છતાં જ્યારે રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગો લોકશાહીનાં મૂલ્યો પર પ્રહાર કરે છે ત્યારે તેઓ અવાજ ઉઠાવે છે અને રાજ્યને પડકારે છે. સંખ્યાબળમાં ‘ઉનાસ’ નાનો છે અને રાજ્ય તેમની પર સતત નિગરાની રાખે છે. અંકુશ રાખવાનો, ડરાવવાનો પ્રયન કરે છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને કોર્પોરેટ હાઉસીસના આર્થિક અનુદાનથી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ.) પોતાને અરાજકીય તરીકે ઓળખાવી, ‘વિકાસ’નાં કામોમાં કુશળ વહીવટ (ગુડ ગવર્નન્સ) માટે કામ કરે છે. તેઓ માને છે કે પ્રોફેશનલ આવડત, વહીવટનું ઉત્તરદાયિત્વ અને પારદર્શકતા અને લાભાર્થીઓની ભાગીદારી ‘વિકાસ’નો રાજમાર્ગ છે, તેઓ જુદા જુદા સ્તરે અને જુદા જુદા કાર્યક્રમો જેવા કે આંતરમાળખાકીય સવલતો, ધિરાણ, શિક્ષણ, આરોગ્ય, સેનિટેશન વગેરેમાં કાર્યરત છે. આ કુશળ વહીવટના માપદંડોનો અમલ જૂજ કેસમાં, જ્યાં ઉપલા મધ્યમ વર્ગના લોકો સહભાગી (લાભાર્થી) હોય છે ત્યાં થાય છે; પણ વંચિત ગરીબ સ્તરના લાભાર્થીઓની ભાગીદારીની વાત ફકત કાગળ પર જોવા મળે છે.

ગરીબોને મદદ કરતા, રાહત આપતા સરકારી અને બિનસરકારી કલ્યાણકારી કાર્યક્રમો ઘણા ‘હેનાસ’ અને ‘ઉનાસ’ના એન.જી.ઓ. કરે છે. આમાંનાં કેટલાક તો નિયો-લિબરલ મૂડીવાદી વ્યવસ્થાના ટીકાકાર છે. તેમનો ઉદ્દેશ ગરીબોની આવક વધારવાનો છે. કેટલાક એન.જી.ઓ. આ કાર્યક્રમોને સશક્તિકરણના કાર્યક્રમો પણ કહે છે. આ કાર્યક્રમો ગરીબોને જીવન ટકાવી રાખવામાં જરૂર મદદ કરે છે. રાહત આપે છે. સાથે સાથે ઘણી વખત ગરીબોમાં એમની ગરીબાઈ માટે, એમની બજાર માટેની જરૂરી આવડતની ઊણપ માટે લઘુતાગ્રંથિનો ભાવ ઊભો કરે છે. આ રીતે ઘણાં સંગઠનો જાણે-અજાણે ગરીબોમાં અરાજકીયતા અને બજારુવૃત્તિનાં મૂલ્યો કેળવે છે. એક દિવસ તેઓ પણ કરોડપતિ થઈ જશે તેવાં સ્વપ્ન દેખાડે છે. મૂડીવાદી સંસ્કૃતિ અને નિયો-લિબરલ આર્થિક વ્યવસ્થાને અંગે સમાજમાં સ્વીકૃતિ (legitimacy) ફેલાવવાનું કાર્ય  કરે છે. બીજી બાજુ એ થોડાંક સંગઠનો માનવીય હક્કોના ખ્યાલ સાથે આ કાર્યકમો દ્વારા વંચિતોમાં પોતાના નાગરિક તરીકેના હક્ક માટે, અધિકાર માટે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ સ્થાનિક નેતાગીરી તૈયાર કરે છે જેઓ આત્મવિશ્વાસ સાથે રાજકીય પક્ષો અને અમલદારો સાથે જાતે જ વાતચીત કરે છે. આ ગ્રાસરૂટ કર્મશીલો સ્થાનિક લોકોને તેમના પ્રશ્નોના ઉકેલ માટે સંઘર્ષ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આવા સંઘર્ષથી કોઈક જગ્યાએ પાયાની સુવિધાઓ સ્વમાનભેર પ્રાપ્ત થતી જોવા મળે છે તેમ જ આવી લડતો ગરીબોમાં આત્મવિશ્વાસ પણ કેળવે છે. છતાં ય એમ કહેવું રહ્યું કે શોષણ આધારિત રાજકીય આર્થિક વ્યવસ્થા અંગેના સવાલો ખૂબ જ ઓછા કર્મશીલો ઊભા કરે છે.

કુદરતી સંસાધનોના રક્ષણ માટે, જમીનમાલિકના અધિકાર માટે, વેતન વધારવા માટે, અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ વંચિતોના ઘણાં ગ્રાસરૂટ ક્ષેત્રે આંદોલનો થાય છે. ઉનાસ આવા આંદોલનોને ટેકો આપે છે. આવાં આંદોલનોની કેટલીક વખત સંચાર માધ્યમો અને સત્તાધારીઓ નોંધ લે છે. ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. આવાં આંદોલનોથી થોડાઘણા ફાયદા જરૂર દેખાય છે. પણ જો સંઘર્ષ સતત ન ચાલે તો આની અસર માર્યાદિત ક્ષેત્રે અને ટૂંકા સમય માટે રહે છે. આ આંદોલનો કોઈક વખત શોષણ આધારિત માળખાને બદલાવવાની આશા જન્માવે છે. પણ આ આંદોલનો એકબીજાથી અલિપ્ત અને  મુદ્દા/પ્રશ્ન આધારિત હોય છે. તેમાં મોટે ભાગે રાજકીય આર્થિક સામાજિક વ્યવસ્થા અંગે દૃષ્ટિકોણ હોતો નથી.  પ્રસ્થાપિત વ્યવસ્થા અંગે સવાલો પણ ભાગ્યે જ જોવા મળે છે. એટલે આ આંદોલનો  લાંબાગાળા સુધી ટકી શકતા નથી.

જાહેર પ્રશ્નોને બારીકાઇથી લાંબાગાળાની દૃષ્ટિએ જોવાની, છણાવટ અને તર્કબદ્ધ પૃથક્કરણ કરવાની શક્તિ ઉનાસમાં  હેનાસ કરતાં વધારે છે. રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગ દ્વારા જાહેર નીતિમત્તાના ઉલ્લંઘન, ગરીબોને અન્યાય, વ્યક્તિ સ્વતંત્રતા પર થતા પ્રહાર વગેરે મુદ્દા પર ઉનાસ અવારનવાર અવાજ ઉઠાવે છે. નાનામોટા સંઘર્ષ કરે છે. આને કારણે તેઓ જાહેર જીવનમાં છવાયેલા રહે છે. રાજ્ય તેમને વારંવાર અવગણી નથી શકતું. પણ મોટાપાયે લોકોને એકત્ર કરવાની ક્ષમતા આ સંગઠનોમાં મર્યાદિત છે. આવાં સંગઠનોની સંખ્યા આંગળીને વેઢે ગણાય તેટલી છે, તેમનાં સાધનો ખૂબ જ મર્યાદિત છે, પણ નિયોલિબરલ અર્થવ્યવસ્થાના વિરોધાભાસો અને લોકોમાં વધતાં જતાં અજંપાને કારણે આ સંગઠનોનો પરિઘ વ્યાપક થાય છે.

સમાજમાં સત્તાની વહેંચણી, રાજ્ય અને રાજકીય વર્ગોનું લક્ષણ, રાજકીય આર્થિક વ્યવસ્થા, ઉપરાંત  ભારતની પરંપરાગત સંસ્કૃતિ અને સમાજ પરિવર્તનના ખ્યાલ અંગે ‘ઉનાસ’નાં સંગઠનો અને કર્મશીલોમાં એક મત નથી. આમ છતાં, આજે ક્ષીણ થતી લોકશાહી સ્પેસમાં શોષણ, વંચિતતા, નાગરિક અધિકારોના ઉલ્લંઘન વગેરે મુદ્દા પર તેઓ સાથે કામ કરે છે. બદલાતા સામાજિક પ્રવાહોને સમજવામાં પોતાની વૈચારિક ભૂમિકાની મર્યાદાઓ આ કર્મશીલો ધીમે ધીમે અનુભવી રહ્યા છે. પણ એ સાથે પોતાના મર્યાદિત માનવસંખ્યાબળમાં ઘણી બધી પ્રવૃત્તિઓમાં વ્યસ્તતાને કારણે, અથવા પોતાના વૈચારિક માળખા અંગે ફરી વિચાર કરવા માટે અરુચિને કારણે મોટા ભાગના કર્મશીલો પોતાના અનુભવો અને આત્મદર્શન કરી નવી રીતે વિચારવા માટે તૈયાર નથી અથવા તેમની પાસે ધીરજ નથી. આજે વધતાં જતાં કોમવાદી સંકુચિત પરિબળો, વધતી જતી અસમાનતા અને અસલામતી અને સરમુખત્યારી શાસનથી ઊભા થતાં પડકારો સામે લાંબાગાળાની દૃષ્ટિ અને આત્મખોજ જરૂરી છે.

***

હિન્દુત્વ વિચારધારાના મુત્સદ્દીઓએ ૧૯૬૦થી ગુજરાતના તત્કાલીન નાગરિક સમાજમાં પગપેસારાની શરૂઆત કરી. સિત્તેર અને એંશીના દાયકામાં નાગરિક સમાજ પર તે છવાઈ ગયા. અને છેલ્લા બે દાયકામાં ‘હેનાસ’ અને હિન્દુત્વ રાજકર્તા વચ્ચેની ભેદરેખા ખૂબ જ ક્ષીણ થઇ ગઈ છે. આ દરમિયાન રાજ્યે ઘણા એવા એન.જી.ઓ.ને સ્પોન્સર કર્યા જે હિન્દુત્વ વિચારધારાના પુરસ્કર્તા હોય. આ સંગઠનો કલ્યાણકારી યોજનાઓ – ખાસ કરીને રાહતનાં કામો, આરોગ્ય, શિક્ષણ, સેનિટેશન, ધિરાણ વગેરેનાં કામો કરે છે. તો કોઈ તો પોતાને માનવ અધિકાર સંગઠન તરીકે પણ ઓળખાવે છે.

બીજી બાજુએ ઘણાં ‘ઉનાસ’ સંગઠનોની સરકારી સહાયમાંથી બાદબાકી થઇ. કેટલાકના કાર્યક્રમો પર તવાઈ આવી, અડચણો ઊભી કરાઈ. કોઈક પર આરોપ મૂકવામાં આવ્યો કે તે ધર્મ વટલાવવાનું કામ કરે છે. કેટલાક પર વિદેશી મદદની પરવાનગી રદ્દ કરી અને જાહેર કરવામાં આવ્યું કે આ સંગઠનો રાષ્ટ્રવિરોધી કામ કરે છે. આ સંગઠનો દેશની ચેરિટેબલ સંસ્થાઓમાંથી મદદ ન મેળવે તે માટે મદદ આપતી સંસ્થાઓ પર રાજ્યે સીધું કે આડકતરું દબાણ કર્યું. એટલે ‘ઉનાસ'નાં સંગઠનોમાં ભય અને અસલામતી ફેલાઈ છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીનો પ્રાણવાયુ છે. બંધારણે એને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો છે. પણ આઝાદી પછી દરેક સરકારે – નેહરુ સહિત – આ અધિકારને મર્યાદિત કરવાના, અંકુશ મૂકવાના પ્રયત્નો કર્યા છે. નાગરિક સમાજ એનો પ્રતિકાર કરે છે. લડતો આપે છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં અને હવે દેશમાં આ અધિકારની સ્પેસ વધુ ને વધુ ક્ષીણ થતી ચાલી છે. ચિંતાનો વિષય એ છે કે ‘હેનાસ'ના ઘણા વ્યક્તિ સ્વતંત્રતાના વિરોધી થયા છે અને રાજ્યને દમનકારી કાયદા કરવામાં ટેકો આપે છે અથવા ચૂપ રહે છે. રાજ્યના વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વંચિતો પર વારંવાર થતાં દમનને અનુમોદન આપે છે. બીજી બાજુએ દેશમાં અસંતોષ અને અજંપો વધતાં ચાલ્યાં છે.

‘ઉનાસ’ના સંઘર્ષથી મેળવેલ પ્રમાણમાં અધકચરા હક્કો જેવા કે માહિતી મેળવવાનો, રોજગારી મેળવવાનો (મનરેગા), શિક્ષણ, અન્ન સુરક્ષા સાથે સાથે ન્યાયી પુનઃવસવાટ, અને તે માટે અસરગ્રસ્તોની સંમતિની કાયદામાં જોગવાઈ, આદિવાસીને જંગલ જમીનના અધિકાર વગેરે છેલ્લાં પાંચ વર્ષમાં અને ગુજરાતમાં તો ત્યાર પહેલાંથી બોદા બનાવી દેવાયા છે. વળી, આ હક્કોના અમલ માટે સંઘર્ષ કરતાં કર્મશીલોની હેરાનગતિ વધી ગઈ. થોડાકે તો જાન ગુમાવ્યા. આ બધા ઉપરાંત વર્ચસ્વ અને પ્રભુત્વ ધરાવતાં સવર્ણ વર્ગના લોકો પોતાનું રાજ્ય આવી ગયું છે એમ માની વધુમાં વધુ કાયદો હાથમાં લેતા થઇ ગયા છે. દલિતો, આદિવાસીઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારનો ગ્રાફ ઉપર ગયો છે.      

આ પરિસ્થિતિમાં બંધારણ અંકિત મૂલ્યો આધારિત માનનાર ‘ઉનાસ’ સામે અનેક પડકારો છે. એનું કદ અને વ્યાપ આજે નાના છે. આમ છતાં ય, આ પડકારોે એને સામનો કરવો જ રહ્યો. એણે રાજ્ય, વર્ચસ્વ ધરાવતા વર્ગો અને સાથે સાથે હેગેમોનિક સંસ્કૃતિ સામે ઝઝૂમવાનું છે, આ ધીરજ માગી લેતું અને લાંબા સમયનું કામ છે.

Email : ghanshyam.shah2008@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 03-05

Loading

‘ચાયવાલા પ્રધાનમંત્રી’થી ‘ચોકીદાર પ્રધાનમંત્રી’નું શાસન

અરુણ શૌરિ, અરુણ શૌરિ|Opinion - Opinion|17 April 2019

ચોક્કસ, તમે મારાથી નારાજ હશો. મેં કદાચ તમને ગેરમાર્ગે દોર્યા હોવાનો અહેસાસ થતો હશે. મારા પર ગુસ્સો પણ આવતો હશે. હું એ જ વ્યક્તિ છું, જેણે વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલીન ‘ચાયવાલા મુખ્યમંત્રી’ અને ‘વર્તમાન ચોકીદાર’ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે ભા.જ.પ.ને મત આપવા લોકોને અપીલ કરી હતી. પણ મારે કબૂલ કરવું જોઈએ કે, એ મારા જીવનની બીજી સૌથી મોટી ભૂલ હતી. મેં સૌ પ્રથમ મોટી ભૂલ મંડલ-કમંડલના પ્રણેતા અને દેશને જ્ઞાતિજાતિના રાજકારણના અવળા માર્ગે દોરનાર વી.પી. સિંહને ટેકો આપીને કરી હતી. એ સમયે મને મારા મિત્ર અને ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરે ચેતવણી આપી હતી. તેમણે મને સમજાવ્યો હતો કે આ માણસ દેશ માટે કશું સારું નહીં કરે, એનો એકમાત્ર આશય કૉંગ્રેસને હરાવવાનો અને તમને સીડી બનાવીને પ્રધાનમંત્રી બની જવાનો છે. પણ મને વી.પી. સિંહમાં આશાનું કિરણ દેખાયું હતું અને મારા સહિત તેમને સમર્થન આપનાર બધાને ધોબીપછાડ મળી હતી. વી.પી. સિંહે સત્તામાં આવીને જે કર્યું એ બધું અમારી અપેક્ષાથી વિપરીત હતું અને અમે અવાક થઈ ગયા હતા.

મારી બીજી સૌથી મોટી ભૂલ – તમે એને ‘હિમાલય જેવી મોટી ભૂલ’ પણ કહી શકો – નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની હતી. અમે બધા યુ.પી.એ.-૨ સરકારની નીતિઓથી એટલા બધા નારાજ થઈ ગયા હતા કે એના વિકલ્પરૂપે કોની સાથે ઊભા હતા, એનું વિશ્લેષણ જ કર્યું નહોતું. મેં ગુજરાત મૉડેલને બરાબર વાંચ્યું-સમજ્યું જ નહીં, પ્રોપેગેન્ડામાં જ વહી ગયો. હું એકરાર કરું છું કે મેં અર્થતંત્ર અને સરકારી તંત્રને ફેસ વેલ્યુ તરીકે લીધા હતા. અમે ગુજરાતના વિકાસથી અંજાઈ ગયા હતા અને અંગ્રેજી અખબારો જે કહેતાં હતાં એને જ સાચું માનતા હતા. પણ મોદી પ્રધાનમંત્રી બન્યા પછી એમની કાર્યશૈલી પરથી સમજાયું છે કે, એજન્સીઓ અને સંસ્થાઓનો દુરુપયોગ કરવો એ જ સાચું ગુજરાત મૉડેલ હતું. સંસદ કામ જ કરતી નથી અને મોટા બિલને એમ જ મની બિલ કહીને મંજૂર કરવામાં આવે છે. એ જ તો ગુજરાત મૉડેલ હતું. છેલ્લાં પાંચ વર્ષ આપણે જોયું છે કે, મોદી સરકારે બધી બંધારણીય સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી છે. આ શાસનમાં ‘અઘોષિત કટોકટી’ જેવું વાતાવરણ ઊભું થયું છે. સરકારે તમામ સંસ્થાઓને ટટ્ટુ બનાવી દીધી છે, અને વિરોધપક્ષોને મૂળિયાં સહિત ઊખાડી ફેંકવાની વાત કરે છે. એ જ તો ગુજરાત મૉડેલ હતું, જે આપણે કોઈએ બરાબર રીતે ચકાસ્યું જ નહીં. હકીકતમાં વિરોધ પક્ષ જ લોકશાહીનું હાર્દ છે. જો એ ન રહે તો … આ હવે તમારે વિચારવાનું છે.

અહીં મારે ભારતની લોકશાહી સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને એના પર મોદી સરકાર વિશે વાત કરવી છે. ભક્તજનો (અત્યારે તો ભક્તજનો કહો એટલે મોદીભક્તો જ માનવામાં આવે છે) મારા પર આરોપ મૂકે છે કે મને સરકારમાં મંત્રી બનાવવામાં ન આવ્યો એટલે હું મોદી અને મોદી સરકારની ટીકા કરું છું. ચાલો, એમનો આરોપ સાચો માની લઈએ તો પણ જે હકીકત છે એ કંઈ થોડી બદલાઈ જાય છે?!

આપણે મોદી સરકારની કામગીરીના કાર્યકાળને ત્રણ ખંડમાં વહેંચી શકીએ : એક, વર્ષ ૨૦૧૪થી નવેમ્બર ૨૦૧૬ એટલે કે સત્તામાં આવ્યા ત્યારથી નોટબંધી જાહેર થઈ ત્યાં સુધી. બે, નોટબંધીથી રાફેલ કૌભાંડના પર્દાફાશ સુધી અને ત્રણ, રાફેલ કૌભાંડના પર્દાફાશથી સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યાં સુધી.

વાતની શરૂઆત મે, ૨૦૧૪માં દિલ્હીની ગાદી પર નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેકથી કરીએ. લોકસભાની ચૂંટણીમાં પ્રજાએ ભા.જ.પ.ને સંપૂર્ણ બહુમતી એટલે ૨૮૨ બેઠકો આપી હતી. તમે વિચારો કે એની પાછળનું કારણ શું હતું? એક, યુ.પી.એ.-૨ સરકારના ભ્રષ્ટાચારો અને ગોટાળાથી મુક્ત પારદર્શક અને લોકપાલની નિમણૂક કરે એવી સરકારને સત્તાનશીન કરવી. બે, યુ.પી.એ. સરકારે સી.બી.આઈ. જેવી બંધારણીય સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી હતી. આ સંસ્થાઓને ફરી સ્વતંત્ર અને નિષ્પક્ષ બનાવી શકે એવી સરકારને દિલ્હીમાં લાવવી, જેથી આ સંસ્થાઓ તટસ્થ રહીને રાષ્ટ્રહિત માટે કામ કરી શકે. ત્રણ, યુ.પી.એ. સરકારના છેલ્લાં બે વર્ષમાં નીતિગત નિષ્ક્રિયતા આવી ગઈ હતી, જેના પરિણામે દેશના આર્થિક વિકાસની ગાડી ઊંધા પાડે ચઢી ગઈ હતી, જેને સીધા પાટે ચઢાવી દેશને ફરી આર્થિક વૃદ્ધિના માર્ગે અગ્રેસર કરે એવી વ્યક્તિને દેશનું સુકાન સોંપવું. ચોથું, યુ.પી.એ.-૨ સરકારના ગાળામાં કૉંગ્રેસને સત્તાનો મદ આવી ગયો હતો. એટલે કૉંગ્રેસને લોકશાહીનું મહત્ત્વ સમજાવવું અને લોકશાહી પુનઃસ્થાપિત કરી બધાને સાથે લઈને ચાલી શકે એવા વાજપેયી જેવી કાર્યશૈલી ધરાવતું નેતૃત્વ પુનઃસ્થાપિત કરવું. પાંચ, યુ.પી.એ.-૨માં દેશમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી અને યુવા પેઢી સહિત તમામ વર્ગોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. એટલે દેશમાં આશાનો સંચાર કરે એવી સરકાર માટે જનતાએ પોતાનો પવિત્ર અને કિંમતી મત આપ્યો હતો.

હવે તમે જ વિચારો કે મોદી વડા પ્રધાન બન્યા પછી ખરેખર જનતાએ જે આશા સાથે ભા.જ.પ.ને મતોની લહાણી કરી હતી એમાંથી એક પણ આશા ફળીભૂત થઈ છે? મોદી સરકારે સુકાન સંભાળ્યા પછી નોટબંધી સુધી આ સરકારે બે કામ કર્યાં : એક, કટ્ટર હિંદુત્વને મજબૂત કર્યું અને બે, મોદીએ શક્ય હોય એટલા દેશોનો પ્રવાસ કર્યો. ઇમેજ મૅનેજિંગ અને હેડલાઇન મૅનેજ કરતી આ સરકાર શરૂઆતના ગાળામાં ‘કૉંગ્રેસ વત્તા ગાય’ માત્ર બની ગઈ હતી. ઉત્તરનાં રાજ્યોમાં ગૌમાંસના ફાલતુ મુદ્દાઓ ઉઠાવીને ભા.જ.પ. હિંદુઓની સરકાર છે એવી ઇમેજ ઊભી કરી. બીજી તરફ, મોદીએ ચીન, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, જાપાન જેવા દેશોનો પ્રવાસ કર્યો.

અહીં સવાલ હિંદુ કે મુસ્લિમનો નહોતો. સવાલ ફક્ત ઇમેજ બિલ્ડિંગનો હતો. ઉત્તરપ્રદેશની ચૂંટણી વર્ષ ૨૦૧૭માં આવતી હતી અને એને ધ્યાનમાં રાખીને હિંદુત્વનો જુવાળ ઊભો કરવામાં આવ્યો હતો. એ સમયે પ્રધાનમંત્રી તરીકે મોદી પાસે અપેક્ષા હતી કે તેઓ તેમના કાર્યકર્તાઓને નિયંત્રણમાં રાખે અને દેશની છાપ ન ખરડાય એ માટે સમયસર કાર્યવાહી કરે. પણ સેલિબ્રિટીઓને જન્મદિવસે ટિ્‌વટર પર કાળજીપૂર્વક શુભેચ્છા પાઠવતાં પ્રધાનમંત્રી પાસે ગૌરક્ષકોને સલાહ આપવાનો સમય નહોતો. ‘મન કી બાત’માં ભારતની સંસ્કૃતિની વાત કરતાં પ્રધાનમંત્રી ગૌમાંસ પર દરરોજ થઈ રહેલી હિંસા પર એક હરફ પણ ઉચ્ચારતા નહોતા. તમે જુઓ, જ્યારે પણ મોડે મોડે એમણે વાત કરી ત્યારે શું કહ્યું? ‘ગાંધીજી પણ ગૌહત્યાના વિરોધી હતા.’ આમ કહીએ તો, તેમણે પરોક્ષરૂપે ગૌરક્ષકોની પીઠ થાબડી હતી.

મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી તરત જ વિદેશપ્રવાસોનો અનંત સિલસિલો શરૂ કરી દીધો હતો. શરૂઆતમાં મને મોદીના પ્રવાસથી આશા જન્મી હતી અને તેમની વિદેશનીતિ ઉચિત લાગતી હતી. મને લાગ્યું હતું કે ભારતીય ઉપખંડના પડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત થવાથી આર્થિક, સાંસ્કૃતિક, સામાજિક સંબંધો વધારે ગાઢ બનશે અને તેનાં સારાં પરિણામો મળશે. નરસિંહરાવે પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધો સ્થાપિત કરવાની નીતિની શરૂઆત કરી હતી અને મોદી એને આગળ વધારી રહ્યા હતા. ચીન હિંદ મહાસાગરમાં પોતાનું પ્રભુત્વ જમાવવા પ્રયાસ કરી રહ્યું છે અને મોદી તેની સામે આક્રમક નીતિ અપનાવી રહ્યા છે એવું મને લાગતું હતું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, એક વર્ષ પછી વિદેશ મંત્રાલયના એક ટોચના અધિકારી સાથે મારી વાત થઈ હતી. તેમણે મને જે કહ્યું એનાથી મને બહુ મોટો આંચકો લાગ્યો હતો. તેમણે મને નિરાશા સાથે કહ્યું હતું કે, “આપણી વિદેશનીતિ હવે ‘સેલ્ફી ઇવેન્ટ’ બની ગઈ છે. વિદેશમાં ચક્કર મારો અને ફોટા પડાવો. આજે તમે પાકિસ્તાનને ગળે મળો. એના ઘરમાં જઈ ખાઓ-પીઓ, બીજે દિવસે કહો કે આપણી લડાઈ ઓર તેજ થશે. પછી આ ફોટા અને વીડિયો ભારતના ‘બિકાઉ અને પકાઉ’ મીડિયામાં વહેંચો અને ઘરઆંગણે મજબૂત નેતા હોવાની છાપ ઊભી કરો. એનાથી વિશેષ કશું જ નથી.” હકીકતમાં મોદી જે દેશોમાં જતા અને ત્યાં જે સમજૂતીઓ અને કરારો થતાં એનું ફોલો અપ લેવાતું જ નથી. મોદીએ શ્રીલંકા સાથે સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, પણ શ્રીલંકાને એનું જ એક બંદર ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવામાં ભારત સરકાર સદંતર નિષ્ફળ નીવડી. ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે ગુજરાતમાં ઝૂલા ઝૂલ્યા અને પછી ચીને દોકલામમાં પગપેસરો કરી લીધો. તમે પ્રવીણ સ્વામી જેવા સુરક્ષા નિષ્ણાતોને વાંચો. તમને સમજાશે કે દોકલામમાં તમામ અધિકારો ચીને પડાવી લીધા છે. મીડિયા ભારતમાં એવી છાપ ઊભું કરી રહ્યું છે કે દોકલામમાં ચીનને રોકવામાં મોદી સફળ રહ્યા, પણ હકીકત એ છે કે ચીને દોકલામ સુધી પહોંચવાના બે હાઈવેનું નિર્માણ કર્યું છે, બૅરકો બનાવી દીધી છે. દુનિયાના દેશો પણ સમજી ગયા છે કે મોદીનો વિદેશપ્રવાસ એક ઇવેન્ટથી વિશેષ કશું જ નથી. આપણી વિદેશનીતિ હવે સેલ્ફી ઇવેન્ટના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. મને આપણા પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પણ જણાવ્યું છે કે મોદી સરકારનાં પાંચ વર્ષના શાસનકાળની વિદેશનીતિનું પરિણામ એક લાઇનમાં કહેવું હોય તો – દુનિયાનો કોઈ દેશ હવે ભારતને ગંભીરતાપૂર્વક લેતો નથી.

આ જ કાળખંડમાં મોદી સરકારે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. અહીં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે મેં ક્યારે ય સર્જિકલ સ્ટ્રાઇક પર શંકા કરી નહોતી. મારો પ્રશ્ન એ હતો અને અત્યારે પણ છે કે તમારે સર્જિકલ સ્ટ્રાઇકને ‘ફર્જિકલ સ્ટ્રાઇક’ બનાવવાની શું જરૂર હતી? આવી સ્ટ્રાઇક તો અગાઉની સરકારોએ પણ કરી હતી. જ્યારે અટલજીના નેતૃત્વમાં જશવંત સિંહ અને જ્યોર્જ ફર્નાન્ડિસ સંરક્ષણ મંત્રીઓ હતા, ત્યારે પણ થઈ હતી. પણ કોઈએ ૫૬ ઈંચની છાતી હોવાનો દેખાડો કર્યો નહોતો કે એના પુરાવા જાહેર કર્યા નહોતા. સરકારે પુરાવા જાહેર કરીને પોતે જ એ બતાવી આપ્યું કે દેશની જનતાને તેમની વાતોમાં ભરોસો નથી. તમે વિચારો કે મોદી અને મોદી સરકાર પોતે પોતાની વિશ્વસનીયતા પર કેવો અભિગમ ધરાવે છે. વાજપેયીને પુરાવા જાહેર કરવાની જરૂર નહોતી પડી. સૌને તેમની કાર્યશૈલીમાં ભરોસો હતો.

જ્યારે વિપક્ષે આ તમામ મુદ્દા ગંભીરતાપૂર્વક ઉઠાવ્યા અને મોદી સરકારને સૂટબૂટની સરકાર પણ ગણાવી ત્યારે મોદી સરકાર બીજા જ એજન્ડા પર કામ કરતી હતી. આ બીજો એજન્ડા એટલે મોદી સરકારનો બીજો ખંડ : નોટબંધી, ઉત્તરપ્રદેશની ચૂંટણી અને જી.એસ.ટી.ના નિર્ણયોનો. સૌપ્રથમ વાત નોટબંધીથી કરીએ. દેશની જનતાને આજે પણ નોટબંધી પાછળનું સાચું કારણ ખબર નથી. કેટલાક પત્રકારો એને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતવા માટેનો માસ્ટરસ્ટ્રોક ગણે છે. પણ હું આ વાત માનવા તૈયાર નથી. ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસ મૃતપ્રાયઃ સ્થિતિમાં હતી, સમાજવાદી પક્ષનું શાસન હતું એટલે સરકારવિરોધી લહેર હતી અને બહુજન સમાજવાદી પાર્ટીનાં માયાવતી અગાઉ જેટલાં મજબૂત રહ્યાં નહોતાં. એટલે ત્યાં તો મોદીલહેર અને સર્જિકલ સ્ટ્રાઇક જ કાફી હતી. મોદીએ નોટબંધીને શરૂઆતમાં કાળાં નાણાં પરની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ ગણાવી હતી. પણ તમે જ વિચારો કે, આખા દેશને બૅંકની બહાર લાઇનમાં ઊભો રાખીને કેટલું કાળું નાણું બહાર આવ્યું?

રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયાના આંકડા જ બયાન કરે છે કે, જે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવાનો રાતોરાત નિર્ણય લેવાયો એમાંથી ૯૯ ટકા નોટો તો બૅંકમાં પરત આવી ગઈ. તો સરકારનાં કાળાં નાણાં પરની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ના દાવામાં કેટલો દમ છે? મારું દૃઢપણે માનવું છે કે, નોટબંધી હકીકતમાં દેશમાં ‘બ્લેક મની’ને ‘વ્હાઇટ મની’ કરવાનું આયોજનબદ્ધ ષડ્‌યંત્ર હતું. આઝાદ ભારતનાં છેલ્લાં ૭૦ વર્ષમાં નોટબંધી આર્થિક ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ હતું. આ કૌભાંડમાં ભારતીય રિઝર્વ બૅંકનાં તત્કાલીન ગર્વનરે નાણાં મંત્રાલયના અન્ડર સેક્રેટરીની જેમ કામ કર્યું હતું. સરકારે નોટબંધીથી ભ્રષ્ટાચારમાં મોટો ઘટાડો થયો હોવાનો દાવો કર્યો છે. પણ હકીકત એવી છે જ નહીં. જે લોકો પાસે કાળું નાણું હોય છે તેઓ રોકડમાં રાખતા નથી. ફિલ્મોમાં બતાવે છે તેમ તેમના પલંગમાં ગાદલાં નીચે રૂપિયાની થપ્પીઓ હોતી નથી. આવી થપ્પીઓ નાના ચોર કરે છે. મોટા ચોરોનું કાળું નાણું રિયલ એસ્ટેટ, જ્વેલરી વગેરે સ્વરૂપે હોય છે. નોટબંધી અર્થતંત્રને ‘તઘલખી તમાચો’ હતો. એનાથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક ક્ષેત્ર (એમ.એસ.એમ.ઈ.)ને મરણતોલ ફટકો પડ્યો છે. આ ઉદ્યોગો આજે પણ તેમાંથી બહાર આવવા માટે મથામણ કરી રહ્યા છે. ગ્રામીણ અર્થતંત્ર વેરવિખેર થઈ ગયું છે. એનાથી ચીજવસ્તુઓની માગમાં ઘટાડો થયો છે અને ઉપભોક્તા ક્ષેત્ર હજુ પણ બેઠું થઈ શક્યું નથી. કન્સ્ટ્રક્શન અને ટેક્સટાઇલ ક્ષેત્રની કમર તૂટી ગઈ છે. મોદીએ શરૂઆતમાં એને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું, પણ મારે કહેવું છે કે આત્મહત્યા કરવી એ પણ ક્રાંતિકારી પગલું જ છે. જો કે મોદીને તેમની અત્યાર સુધીની રાજકીય કારકિર્દીની સૌથી મોટી ભૂલ ‘નોટબંધી’ સમજાઈ તો હશે, પણ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવાનો શું અર્થ!

આ જ ખંડમાં ભારતીય વેપારીઓ નોટબંધીથી પેદા થયેલી સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા એવામાં મોદીએ ઉતાવળમાં જી.એસ.ટી.નો અમલ આખા દેશ પર લાદી દીધો. તમે કલ્પના કરો કે જી.એસ.ટી.નો અમલ કેટલી ઉતાવળથી કરવામાં આવ્યો. શું ઉતાવળથી જી.એસ.ટી.નો નિર્ણય લઈને સરકાર નોટબંધીના મુદ્દાને ભૂલાવવા ઇચ્છતી હતી? જી.એસ.ટી.ના અમલના ત્રણ મહિનાની અંદર જ એમાં સાત વાર ફેરફાર કરવામાં આવ્યા. કેટલી વાર? સાત વાર. એ પછી પણ જી.એસ.ટી.માં સુધારા ચાલુ જ છે. ચોક્કસ, કોઈ પણ આર્થિક સુધારા લાગુ કરવામાં આવે પછી એમાં સુધારાવધારા થાય. પણ આટલી ઝડપથી! એનો અર્થ એ છે કે તમે જી.એસ.ટી.નો અમલ લાંબા ગાળાનો વિચાર કર્યા વિના કર્યો હતો અને ‘જેવા પડશે એવા દેવાશે’ એવી નીતિ અપનાવી હતી. 

આ દરમિયાન મોદીના શાસનકાળનો અંતિમ ત્રીજો તબક્કો શરૂ થયો, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો રહ્યો રાફેલકાંડ. દેશનાં સૈન્ય દળોને સક્ષમ બનાવવા માટેનો દાવો કરવાની આડમાં થયેલો આ સોદો મોદીની એડવર્ટાઇઝિંગ એજન્સીઓએ કુશળતાપૂર્વક ઊભી કરેલી પ્રામાણિક હોવાની છાપ ભૂંસવા માટે પૂરતો છે. તમે જુઓ, છેલ્લાં એકથી દોઢ વર્ષથી આ સોદાએ મોદીને પહેલીવાર બૅકફૂટ પર લાવી દીધા છે. શરૂઆતમાં રાફેલના સોદામાં કૉંગ્રેસના આક્ષેપોમાં કોઈ દમ લાગતો નહોતો. પણ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદેના ખુલાસાથી મોદી સરકારનાં કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો છે. જ્યારથી સુપ્રીમ કોર્ટમાં આ કેસ ગયો છે ત્યારથી સરકાર દર અઠવાડિયે નવાં જૂઠ્ઠાણાં ફેલાવી રહી છે, અને બીજા જ દિવસે એને પોતાનાં જૂઠ્ઠાણાંમાં પંક્ચર પાડવાની ફરજ પડે છે. આ કૌભાંડમાં તમારે ફક્ત તમારી ‘કૉમનસેન્સ’નો જ ઉપયોગ કરવાનો છે. હું જાણું છું કૉમનસેન્સ કૉમન નથી એવું આઇન્સ્ટાઇન કહેતા હતા. પણ ચાલો હું તમારી કૉમનસેન્સને બહાર લાવવા મદદ કરું. તમે નાનામાં નાનો ધંધો કરવાનું વિચારશો, તો પણ તમારા ભાગીદાર તરીકે અનુભવી હોય એને પસંદ કરશો કે બિનઅનુભવીને? અત્યંત ઓછી સમજણ ધરાવતી વ્યક્તિ પણ કહેશે કે અનુભવીને જ પસંદ કરીશું. તો પછી વર્ષોથી યુદ્ધ માટેના વિમાન બનાવતી ફ્રાંસની કંપની દ્‌સૉલ્ટે અનિલ અંબાણીને પાર્ટનર તરીકે શા માટે પસંદ કર્યા? અનિલ અંબાણી પાસે તો રમકડાંનાં પ્લેન બનાવવાનો પણ અનુભવ નથી. અહીં ઓલાંદેની વાત આપણે સાચી માનવી પડશે કે ભારત સરકારે ઑફસેટ પાર્ટનર તરીકે એક જ માણસને રજૂ કર્યો હતો અને અમારી પાસે એની સાથે જોડાણ કર્યા વિના કોઈ વિકલ્પ નહોતો. બીજી વાત, અનિલ અંબાણીના ગ્રૂપ પર રૂ. ૧,૨૧,૦૦૦ કરોડનું દેવું છે. તો શું દ્‌સૉલ્ટ જેવી કંપની આટલું મોટું દેવું ધરાવતી કંપનીને પાર્ટનર તરીકે પસંદ કરે? તો પછી અનિલ અંબાણીને પાર્ટનર બનાવવા માટે દ્‌સૉલ્ટ પર દબાણ કોણે કર્યું હતું?

અને, રાફેલ સોદામાં નિર્મળા સીતારામન્‌ પણ ખોટું બોલી રહ્યાં છે. યુ.પી.એ. સરકારે ૧૨૬ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો, જેને ઘટાડીને મોદી સરકારે ૩૬ વિમાન ખરીદવાનો સોદો કર્યો છે. આ માટે સીતારામન્‌ કહે છે કે ઍરફોર્સ પાસે આટલી મોટી સંખ્યામાં વિમાનનું નિર્માણ કરવા માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. મારે તેમને પૂછવું છે કે જે સરકાર અમદાવાદથી મુંબઈ વચ્ચે રૂ. ૧,૨૦,૦૦૦ કરોડના ખર્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે કામ કરી શકે, જે સરકાર સરદાર પટેલની મૂર્તિ બનાવવા માટે રૂ. ૩,૫૦૦ કરોડનો ખર્ચ કરી શકે છે, જે પ્રધાનમંત્રી પોતાની જાહેરાતો પાછળ રૂ. ૪,૦૦૦ કરોડનો ખર્ચ કરી શકે, એ જ સરકાર દેશની સુરક્ષાને મજબૂત કરવા પાંચથી છ વર્ષમાં ઍરફોર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું ન કરી શકે? આ અંગે મારે, તમારે અને આપણે સૌ ભારતવાસીઓએ વિચારવાનું છે.

છેલ્લે, મારે એટલું જ કહેવું છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે સી.બી.આ.ઈ, ચૂંટણીપંચ, સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ જેવી સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી છે. શ્રીમતી [ઇન્દિરા] ગાંધીએ પણ પાકિસ્તાન સામેનું યુદ્ધ જીત્યા પછી લોકશાહી સંસ્થાઓને દગો દેવાનું શરૂ કર્યું હતું. તેઓ સહન નહોતાં કરી શકતાં કે એમના ઉપર કોઈ હોય એટલે જેમાં પણ એ પાયો દેખતાં એને કાપતાં. મેં એ સમયે પણ લખ્યું હતું, “અંતમાં કોઈની પાસે એટલી શક્તિ નહીં હોય કે તમને નુકસાન પહોંચાડી શકે, તો કોઈની પાસે એટલી તાકાત પણ નહીં હોય કે તમારી મદદ કરી શકે.” અત્યારે શું બની રહ્યું છે?!  તમામ સંસ્થાઓ સરકારના ઇશારે નાચી રહી છે. વિરોધીઓને નિશાન બનાવી રહી છે. એટલું જ નહીં આ સરકારનો વિરોધ કરતાં નાગરિકો, સામાજિક કાર્યકર્તાઓને ઠેકાણે પાડવા માટે પણ ટ્રોલસેના બનાવવામાં આવી છે, જે તમને માનસિક રીતે હતાશ કરવા ગમે એટલા નીચા સ્તરે ઊતરવા તૈયાર છે. મીડિયા તો સરકારી જાહેરાતો મેળવવાની લાલચમાં ધૃતરાષ્ટ્ર બની ગયું છે, સરકારના ટટ્ટુની જેમ કામ કરી રહ્યું છે. તમે સંસદમાં હોય તો તમારું આચરણ કેવું હોય? પ્રધાનમંત્રી કે મંત્રી કોઈ ખોટી વાત કહે તો એનું પરિણામ શું આવે? જુઓને, ઇંગ્લૅન્ડમાં ગૃહમંત્રીએ એક નાની ખોટી વાત કહી અને એમણે સંસદમાંથી રાજીનામું આપવું પડ્યું. અને આપણે ત્યાં રોજ જે મનમાં આવે તે કહી દે છે! બાકી રહ્યું હતું તો આપણા દેશની ન્યાયિક વ્યવસ્થાની સ્વતંત્રતા પણ જોખમમાં મુકાઈ છે એની ચેતવણી સર્વોચ્ચ ન્યાયાલયના ચાર ન્યાયાધીશોએ આપી દીધી છે. એટલે મને સામાન્ય નાગરિકની સ્વતંત્રતા અને તેમના મૂળભૂત અધિકારો પર હવે જોખમ તોળાઈ રહ્યું હોય એવું પ્રતીત થાય છે. પણ મારે જતાં જતાં ‘ચોકીદાર’ મોદીને એક સંદેશ આપવો છે :

તુમ સે પહેલે વો જો ઇક શખ્સ યહાં તખ્ત-નશીં થા,
ઉસ કો ભી અપને ખુદા હોને પે ઇતના હી યકીં થા; …
અબ વો ફિરતે હૈ ઇસી શહર મેં તન્હા લિયે દિલ કો,
ઇક જમાને મેં મિજાજ ઉન કા સર-એ-અર્શ-એ-બરીં થા

                                                                           (હબીબ જાલિબ)

[છેલ્લાં પાંચ વર્ષમાં અરુણ શૌરિએ કરેલી લેખિત-મૌખિક અભિવ્યક્તિનું સંકલન-શબ્દાંકન : કેયૂર કોટક]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 06-09

Loading

...102030...2,8192,8202,8212,822...2,8302,8402,850...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved