Opinion Magazine
Number of visits: 9577791
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી ભોં કેટલી ભાગી?

આનંદ માવળંકર|Opinion - Opinion|19 April 2019

પ્રજાસત્તાક ભારતની સોળમી લોકસભાનું મે ર૦૧૪માં ગઠન થયું, ત્યારે ભારતીય જનતા પક્ષના શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નૅશનલ ડેમોક્રેટિક એલાયન્સ(એન.ડી.એ.)ની સરકાર સત્તારૂઢ થઈ. આ એન.ડી.એ.ની બીજી સરકાર છે, એ પહેલાં અટલબિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ (૧૯૯૮-ર૦૦૪) એન.ડી.એ.-૧ સરકાર સત્તામાં હતી. ૧૯૮૪ની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસને મળેલી જંગી બહુમતી બાદ, ત્રીસ વર્ષના ગાળાને અંતે ભારતીય જનતા પક્ષને ર૮ર બેઠકો મળી. ર૦૧૪માં સામાન્ય ચૂંટણી વખતે અન્ય સાથી પક્ષો સાથે ચૂંટણી પૂર્વે જોડાણ સુધી એન.ડી.એ.-ર ને ૩૩૯ બેઠકો મળી. આ જબરદસ્ત જનાદેશ મળતાં એવી ધારણા બંધાયેલી કે ભારતીય જનતા પક્ષની રાહબરીમાં બનેલી સરકાર અન્ય ક્ષેત્રોની જેમ ભારતની વિદેશનીતિમાં પણ આમૂલ ફેરફાર લાવશે. ભા.જ.પ.ના ચૂંટણી ઢંઢેરા(ર૦૧૪)માં કુલ પર પાનાં પૈકી ત્રણ પાનાં ભારતના વિદેશી દેશો સાથેના સંબંધોમાં ફેરફારો અંગે ફાળવેલાં હતાં.

એન.ડી.એ. – ર સરકારનો કાર્યકાળ ૧૦મી માર્ચ (ર૦૧૯) ચૂંટણીપંચની લોકસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત સાથે પૂરો થયેલો ગણાય. એ રીતે કાર્યકાળનો કટ-ઑફ પોઈન્ટ ધારી લઈએ અને એ કાર્યકાળમાં ભારતની વિદેશનીતિનું સરવૈયું કાઢીએ. એ પ્રાદેશિક ખ્યાલને ધ્યાનમાં લઈ અહીં આ સરકારની વિદેશનીતિ અંગેના દેખાવ પર સરકારની ઉપલબ્ધિઓ અને કમીઓ વિશે થોડોક અંગુલિનિર્દેશ કરવો, એ આ લેખનો હેતુ છે. હમણાં જ આ સરકારનો કાર્યકાળ પૂરો થયો છે. સરકારની વિદેશનીતિનાં કેટલાંક પાસાં વિશે હજુ પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. વળી વિદેશનીતિના કેટલાંક નિર્ણયો અને વલણો અંગે વ્યાપક રીતે ચર્ચા કરવાનો અહીં અવકાશ નથી. એટલે કે, સરકારની વિદેશનીતિનું સરવૈયું કરતી વખતે બને તેટલી હેતુલક્ષિતા સાથે અને બિનપક્ષીય ધોરણે વિદેશનીતિનાં કેટલાંક પરિણામો અને પાસાંઓને ઉજાગર કરવાનો ઉપક્રમ રાખ્યો છે. આ લેખની મર્યાદાને ધ્યાનમાં રાખી કરેલો આ નાનકડો પ્રયાસ છે.

(૧)

એન.ડી.એ. – ર સરકારની વિદેશનીતિ અંગે ફોડ પાડીને વાત કરીએ, એ પહેલાં વિદેશનીતિના ઘડતરમાં અને એને કાર્યાન્વિત કરવામાં મુખ્ય અદાકારો વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને રક્ષા મંત્રી અરુણ જેટલી, મનોહર પરિકર અને નિર્મલા સીતારામન વગેરે હતાં. રાજકીય કારોબારીની કક્ષાએ એમનો દેખાવ મહત્ત્વપૂર્ણ રહ્યો. વડા પ્રધાન મોદી પાસે ગુજરાતના મુખ્યમંત્રી હોવાને નાતે ખાસ કરીને ચીન, જાપાન જેવા દેશોની સરકારો અને ત્યાંની કંપનીઓ સાથે વાટાઘાટ કરવાનો અનુભવ હતો. ગુજરાતમાં એ દેશોમાંથી વિદેશી પ્રત્યક્ષ રોકાણ લાવવા માટે ગુજરાત સરકારે ઔદ્યોગિક ક્ષેત્રે સફળ પ્રયત્નો કરેલા. પરંતુ વિદેશનીતિના નિર્ધારણ ને ઘડતરમાં કેન્દ્ર સરકારમાં તેમણે પહેલી વાર ભૂમિકા ભજવી. ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ શ્રી પ્રણવ મુખરજીએ એક ટીવી મુલાકાતમાં જણાવેલું કે, વડા પ્રધાન મોદીએ વિદેશી બાબતોમાં ટૂંકા ગાળામાં ‘ફાસ્ટ લર્નર’ તરીકેની પોતાની પ્રતિભાનો પરચો કરાવેલો. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અને પોતાની સંસદીય કારકિર્દીમાં વિદેશી બાબતોમાં જાણકારી મેળવવાનો મોકો મળેલો. રક્ષામંત્રી તરીકે સ્વ. મનોહર પરિકરે નવેમ્બર, ર૦૧પથી માર્ચ, ર૦૧૭ સુધી કામગીરી બજાવી હતી. એમણે સંરક્ષણ ક્ષેત્રે સેનાના આધુનિકીકરણ માટે પદ્ધતિસર પ્રયત્નો કરેલા, અને લશ્કરના કર્મીઓ માટે ‘વન રૅન્ક, વન પેન્શન’ મુદ્દે ઘણું ઉપયોગી કાર્ય કરેલું. પણ મે, ર૦૧૪માં એન.ડી.એ.-ર સરકાર સત્તારૂઢ થઈ ત્યારથી નવેમ્બર, ર૦૧૪ સુધી, એટલે કે છ મહિના સુધી, પૂરા સમયના સંરક્ષણપ્રધાન નિમાયા નહોતા. એટલું જ નહીં, પરંતુ પર્રિકર ગોવાના મુખ્યમંત્રી તરીકે પુનઃ બિરાજમાન થયા ત્યારે થોડા મહિનાઓ સુધી સંરક્ષણપ્રધાન નિમાયા નહોતા. પાછળથી નિર્મલા સીતારામન રક્ષામંત્રી તરીકે નિમાયેલાં. એટલે કે એન.ડી.એ. સરકાર સત્તારૂઢ થઈ ત્યારથી સરકારના કાર્યકાળના અંત લગી પૂરો સમય ધ્યાન આપી રક્ષા મંત્રાલયને જોમવંતુ કરે એવા રક્ષામંત્રી ન મળી શકવાને કારણે ભારતીય જનતા પક્ષના ઢંઢેરામાં વ્યક્ત થયેલી સેનાના આધુનિકીકરણને લગતા કાર્યક્રમોની વાતનો પૂરેપૂરો અને અસરકારક અમલ ન થઈ શક્યો. 

એન.ડી.એ. સરકારે દેશના સલામતી સલાહકાર તરીકે ઇન્ટેલિજન્સ બ્યુરોના ભૂતપૂર્વ વડા અજિત દોવાલની નિમણૂક કરી. આ સ્થાન/પદ માટે સામાન્ય રીતે વિદેશી બાબતોના મંત્રાલયના પીઢ અધિકારીની નિમણૂક થતી હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે વિદેશી બાબતોના મંત્રાલયમાં લાંબા ડિપ્લોમેટિક અનુભવને કારણે અને રક્ષા મંત્રાલયની બાબતો અંગે પણ એમને અધિકારીની ફરજ બજાવવામાં અનુભવ અને એક્સ્પર્ટાઈઝ સંચિત થતી હોય છે. જેમ કે અટલબિહારી વાજપેયીના વડપણ હેઠળની એન.ડી.એ.-૧ સરકારના રાષ્ટ્રીય સલામતી સલાહકાર તરીકે વિદેશખાતાના નિવૃત્ત વિદેશ સચિવ બ્રિજેશ મિશ્રાએ કામગીરી બજાવેલી. અજિત દોવાલની નિમણૂક પાછળ એમનો ક્ષેત્રીય અનુભવ તેમ જ એમની આક્રમક શૈલીની ખાસિયત કારણભૂત છે. ખાસ કરીને પાકિસ્તાન અને ચીન જેવાં હરીફ રાષ્ટ્રો સાથે કામ પાડવામાં એમની ભૂમિકા અસરકારક રહી છે, એવું કેટલાક નિષ્ણાતોનું માનવું છે. તે સાથે એવી પણ ટકોર થઈ છે કે વિદેશી બાબતોના મંત્રાલયની પૂર્વમાહિતીનો સદુપયોગ ન થવાને કારણે આપણી ચીન અને પાકિસ્તાન સાથેની નીતિમાં ડિપ્લોમસી બાબતે આપણે સ્પષ્ટ અને સચોટ પ્રત્યુત્તર આપી શક્યા નથી.

એન.ડી.એ. સરકારની વિદેશનીતિના ઘડતરમાં જે માળખું ઉપસ્યું, એમાં વડા પ્રધાનની કચેરીની ભૂમિકા આ સંદર્ભે સમજવી રહી. લાલબહાદુર શાસ્ત્રી વડા પ્રધાન થયા ત્યારે એમણે વડાપ્રધાનની કચેરી જેવી અલાયદી ઓફિસ ઊભી કરેલી. પ્રધાનમંડળના સચિવ પર કેન્દ્રિત થયેલી વ્યવસ્થાને બદલે પ્રધાનમંડળના સચિવની કચેરી ઉપરાંત પી.એમ.ઓ. ઊભું કરવાથી વડા પ્રધાનને સીધી સનદી સેવાનો લાભ મળે અને વડા પ્રધાનની ખાસ જરૂરિયાતો અને અગ્રતાઓને ધ્યાનમાં લઈ વહીવટ થઈ શકે. એન.ડી.એ.ની બીજી સરકારમાં પી.એમ.ઓ.માં સત્તાનું કેન્દ્રીકરણ થવાથી નિર્ણયોમાં વડા પ્રધાનની કચેરીના અમલદારો અને ખુદ વડા પ્રધાનની વિશિષ્ટ એવી પહેલનો વહીવટમાં આગળ પડતો પ્રભાવ જોવા મળે છે. વિદેશનીતિના ઘડતરમાં પી.એમ.ઓ.ની અતિ સક્રિય કામગીરીને કારણે વિદેશ મંત્રાલયની સંચિત સ્મૃતિનો લાભ ઘણીવાર ન મળે, એ નકારાત્મક પાસું નજરઅંદાજ કરી ન શકાય. ખાસ કરીને વિદેશનીતિના નાજુક મામલાઓમાં આની સીધી અસર જોઈ શકાય. આ દૃષ્ટિએ જોઈએ તો એન.ડી.એ.-ર સરકારની ભૂમિકા સરવાળે ઓછી થઈ કે એને માર્જિનલાઈઝ કરાઈ, આ ઊંડા સંશોધનનો વિષય છે. આ તબક્કે એથી વિશેષ કહેવું ઉચિત નથી. ભાવિ ઇતિહાસવિદ્દ આ બાબતે વધુ અધિકારપણે કંઈક કહી શકે.

એન.ડી.એ.-ર સરકારની વિદેશનીતિનાં વિવિધ કમ્પોનન્ટ્‌સ અને પરિમાણો અંગે વાત કરીએ, એ પહેલાં કેટલાક વ્યાપક પ્રશ્નો પરત્વે ધ્યાન ખેંચવું જરૂરી છે. પહેલું એ કે, શું એન.ડી.એ.-ર સરકાર હેઠળ આપણી વિદેશનીતિમાં કોઈ મોટા ફેરફારો થયા કે પછી અગાઉની સરકારોમાં વ્યક્ત થતી પોલિસી કોન્સેન્સ ફરીથી વ્યક્ત થઈ અને એને ધ્યાનમાં લઈ સરકારે નીતિઓ ઘડી અને વિદેશનીતિ અંગે જરૂરી નિર્ણયો લીધા? બીજું એ કે વિદેશનીતિના સરવૈયામાં સરકારે કઈ નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને કઈ કઈ સરકારનો દેખાવ બિનઅસરકારક રહ્યો અથવા ક્યાં ક્યાં વિદેશનીતિનાં ક્ષેત્રે એન.ડી.એ. સરકારની મર્યાદાઓ અને ત્રુટિઓ જોવા મળી? ત્રીજું એ કે વિદેશનીતિનાં કયા ક્ષેત્રોમાં એન.ડી.એ. સરકારે દેશના હિતને જરૂરી એવા gains પ્રાપ્ત કર્યા, અને કયા ક્ષેત્રોમાં એનો દેખાવ સંતોષજનક ન થયો? આ પ્રશ્નોનો ઉત્તર હવેના નીચેના વિભાગોમાં ક્યાંક ક્યાંક જોવા મળશે અથવા એ પ્રશ્નોનો જે તે વિદેશનીતિનાં ક્ષેત્રોમાં ઉલ્લેખ થશે.

(ર)

એન.ડી.એ.-ર સરકારની વિદેશનીતિનું સરવૈયું કાઢતી વખતે, ભારતના સવાઈ સત્તા અમેરિકા સાથેના સંબંધોને પ્રાધાન્ય આપ્યું છે, એમાં બેમત હોઈ શકે નહીં. મે ર૦૧૪માં ભાજપના નેતૃત્વ હેઠળ રચાયેલી એન.ડી.એ. સરકાર સત્તા પર આવી ત્યારે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ બારાક ઓબામાનું (ર૦૧૪-નવેમ્બર ર૦૧૬ સુધી) ઍડમિનિસ્ટ્રેશન હતું, અને તે પછી જાન્યુઆરી ર૦૧૭થી ર૦૧૯ સુધી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પનું ઍડમિનિસ્ટ્રેશન સત્તા પર છે. આમ બે રાષ્ટ્રપ્રમુખ સાથે એન.ડી.એ.-ર સરકારને કામ પાડવું જરૂરી થઈ પડ્યું. એ વિશે સહેજ વિગતે વાત કરતાં પહેલાં થોડીક પૂર્વભૂમિકા માંડીએ. ભારત ૧૯૪૭માં સ્વતંત્ર થયું અને જાન્યુઆરી ૧૯પ૦માં સાર્વભૌમ,લોકશાહીયુક્ત/લોકતાંત્રિક પ્રજાસત્તાક બન્યું ત્યારે ભારતની વિદેશનીતિમાં બિનજોડાણવાદની ફિલસૂફી અને વ્યૂહરચના કેન્દ્રમાં હતી. પંડિત જવાહરલાલ નેહરુએ બિનજોડાણવાદનો મંત્ર ભારતના વિદેશ સાથેના સંબંધોમાં ગૂંજતો કર્યો, તેની પાછળ બે મુખ્ય કારણ (reasons) હતાં. – (૧) બીજા વિશ્વયુદ્ધ પછીની યુદ્ધોત્તર વિશ્વવ્યવસ્થામાં અમેરિકા અને સોવિયેત યુનિયન, એ બે સવાઈ સત્તાઓ વચ્ચેના શીતયુદ્ધમાં કોઈ પણ લશ્કરી જોડાણમાં કોઈ એક સવાઈ સત્તાના સાથી દેશ તરીકે ભાગ લેવાનું ભારતે ટાળ્યું હતું કેમ કે એવા લશ્કરી જોડાણમાં સામેલ થવાથી ભારત યુદ્ધના ઓથાર નીચે આવી જાય અથવા કોઈ સશસ્ત્ર સંઘર્ષમાં સરકી પડે એવી શક્યતા વધી જતી હોય છે; અને (ર) શીતયુદ્ધમાં વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રશ્નો કે કોયડાઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અથવા પ્રાદેશિક કક્ષાએ, જે તે પ્રશ્નો અથવા કોયડાઓના ઉકેલ માટે ભારત સ્વતંત્ર વિદેશનીતિ અપનાવી ભારતના પ્રબુદ્ધ એવા રાષ્ટ્રીય હિતને આગળ કરી શકે. એટલે કે, જે તે પ્રશ્નો કે સમસ્યાઓને એની ગુણવત્તાને આધારે જોશે અને એનો ઉકેલ લાવવા તત્પર બનશે.

૧૯૮૯માં બે સવાઈ સત્તાઓ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવતાં પ્રવર્તમાન વિશ્વરાજકારણમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું કેમ કે ડિસેમ્બર, ૧૯૯૧માં તત્કાલીન સોવિયેત યુનિયનના વિઘટનને પગલે છૂટું પડી ગયેલું રશિયા (સોવિયત યુનિયનના બીજાં ચૌદ ગણરાજ્યો સ્વતંત્ર દેશ બની જતાં) કેવળ મહાસત્તા બની રહ્યું. તે પહેલાં, સોવિયેત યુનિયનના તે વખતના સર્વોચ્ચ વડા મિખાઈલ ગોર્બાચૉવે પોતાના દેશમાં પેરેસ્ત્રોઇકા અને ગ્લાસનોસ્તની નીતિઓ અપનાવી. પરિણામે રશિયામાં સામ્યવાદી પક્ષની સરમુખત્યારશાહી અસ્ત પામી અને બહુપક્ષીય લોકશાહીયુક્ત પ્રથા અસ્તિત્વમાં આવી. તે સાથે રશિયાએ કેન્દ્રસ્થ આયોજનની જગ્યાએ બજારનાં પરિબળોને અગ્રિમતા આપી. એટલે કે રશિયામાં લોકશાહીના ઉદય અને બજારપ્રેરિત મૂડીવાદના ઉદ્‌ગમને કારણે અમેરિકા અને રશિયા વચ્ચેનો વિચારધારાલક્ષી વિરોધ સમાપ્ત થયો. વળી, અમેરિકા એક માત્ર સવાઈ સત્તા રહી, એ સંદર્ભમાં ભારતની બિનજોડાણવાદની વિદેશનીતિ માટે પડકાર ઊભો થયો.

અહીં એ નોંધવું જોઈએ કે શીતયુદ્ધ દરમિયાન ભારત તત્કાલીન સોવિયેત યુનિયન સાથે લશ્કરી જોડાણમાં સામેલ નહોતું. પણ ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં અને એની સંરક્ષણને લગતી તૈયારીમાં સોવિયેત યુનિયન પાસેથી મળેલાં શસ્ત્રો, સરંજામ, ટેન્ક, વિમાન આદિ ઉપયોગી નીવડેલાં. બીજું એ કે, આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ભારતને વૈશ્વિક સ્તરે તેમ જ પ્રાદેશિક કક્ષાએ કાશ્મીર જેવા પ્રશ્નોમાં સોવિયેત યુનિયનનો ડિપ્લોમેટિક ટેકો મળતો રહેલો.

આ પૂર્વભૂમિકા બાંધતી વખતે ભારતની વિદેશનીતિમાં ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં આવેલું મહત્ત્વનું પરિવર્તન નોંધવું રહ્યું. જુલાઈ ૧૯૯૧માં કૉંગ્રેસના પી.વી. નરસિંહરાવના નેતૃત્વ હેઠળ સરકાર સત્તારૂઢ થઈ ત્યારે ભારતની આર્થિક નીતિમાં ઘરઆંગણે અને પરઆંગણે ગુણાત્મક પરિવર્તન આવ્યું. એ વખતે ભારતને વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરવો પડેલો. તે વખતની ભારતની એક્સ્ટર્નલ સેક્ટરની સ્થિતિ, વૈશ્વિક આર્થિક સંજોગો અને ચીનની વિકાસ તરફ હરણફાળ જોતાં ભારતે પોતાના અર્થતંત્રને liberalise કરવા માટે ઔદ્યોગિક ક્ષેત્રે અને નિકાસ-આયાત ક્ષેત્રે ધરખમ આર્થિક સુધારા કર્યા. વિદેશી મદદથી પોતાનો આર્થિક વહીવટ કરતી પાછલી સરકારોની નીતિઓને સ્થાને વેપારને પ્રાધાન્ય આપ્યું અને વિકાસની યાત્રામાં વેપારને પ્રમુખ એન્જિન તરીકે ગણવામાં આવ્યું.

આવા આર્થિક સુધારાઓને પરિણામે ભારતના અમેરિકા સાથેના સંબંધોમાં ગુણાત્મક ફેરફાર જોવા મળ્યો. ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણને કારણે બજારનાં પરિબળોને વધુ ઉત્તેજન મળ્યું અને ‘લાઇસન્સ-પરમિટ રાજ’ને દૂર કરવાની પ્રક્રિયા શરૂ થઈ. ભારતમાં વિદેશી મૂડીનું રોકાણ થાય એ માટેની વ્યવસ્થા ઊભી કરવા આયાત નિકાસમાં પણ છૂટછાટ મળી. ભારતનું બજાર વિદેશી કંપનીઓ માટે ખુલ્લું થયું અને વિદેશી મૂડીરોકાણ માટેના રસ્તા ખુલ્યા. અમેરિકન બહુરાષ્ટ્રીય કંપનીઓને આને લીધે મોટો ફાયદો થયો અને અમેરિકાની સરકારે ભારતના અર્થતંત્રમાં વધુ કરારો કરવાનો માર્ગ મોકળો થયો.

આ ઉપરાંત બીજી એક મહત્ત્વની ઘટના એટલે મે ૧૯૯૮માં ભારતે કરેલા અણુધડાકા. એને લઈને અમેરિકાની સરકારે ભારત પર પ્રતિબંધ મૂક્યા અને ટેકનૉલૉજી-ટ્રાન્સફર, સંરક્ષણનાં શસ્ત્રો આદિ ક્ષેત્રે ભારતની સામે સૅંક્શન્સ અમલી બન્યા. તે ઉઠાવી લેવા માટે વાજપેયીની એન.ડી.એ. સરકાર વખતે અમેરિકાની સરકાર સાથે ઘનિષ્ઠ ચર્ચાવિચારણાને અંતે ક્રમશઃ પાછા ખેંચાયા. ર૦૦૮ની સાલમાં ડૉ. મનમોહન સિંઘની સરકાર સત્તામાં હતી ત્યારે ઇન્ડો-યુએસ ન્યુક્લીઅર ડીલ થઈ, એમાં ભારતને અણુ ઊર્જા મળે એ માટે ન્યુક્લીઅર રીએક્ટર્સ અને એને લગતી ટૅકનૉલૉજી ભારતને મળી રહે એ માટે કરાર થયા.

આને લગતી કેટલીક બાબતો અંગે ઓબામા પ્રમુખપદ હેઠળ એન.ડી.એ.- રની સરકાર સાથે વાટાઘાટને પરિણામે ન્યુક્લીઅર એનર્જીને લગતા કરારમાં બાકી રહેલી બાબતો અંગે સમજૂતી થઈ. તે સાથે ભારત ન્યુક્લીઅર સપ્લાય ગ્રુપ(એન.એસ.જી.)નું સભ્ય બન્યું, એની પાછળ અમેરિકન સરકારનો ટેકો કારણભૂત હતો. એન.ડી.એ.-ર સરકારની આ ઉપલબ્ધિ ગણી શકાય. મોદી સરકાર પાછલી સરકારોએ કરેલા કરારને અને એણે કંડારેલી ટ્રેજેક્ટરીને વળગી રહ્યા.

ભારતીય જનતા પક્ષે ચૂંટણી ઢંઢેરા(ર૦૧૪)માં એ બાબતે ભાર મૂક્યો હતો કે ભારતની રાષ્ટ્રીય સલામતીની વ્યવસ્થાઓમાં સંપૂર્ણ ઓવરહોલ કરવામાં આવશે. બીજું એ કે આતંકવાદને ખાળવા ભારતીય લશ્કરના આધુનિકીકરણ માટે ખાસ કાર્યક્રમો બનાવશે અને ભારતના અણુ ડોક્ટ્રિનમાં રિવિઝન કરવામાં આવશે. આ ત્રણ પ્રાથમિકતાઓ પૈકી અમેરિકા સાથે સંરક્ષણને અને લોજિસ્ટિકને લગતી કેટલીક સમજૂતીઓ એન.ડી.એ.-ર સરકારે કરી, એ એન.ડી.એ.-ર સરકારનું જમા પાસું ગણાવી શકાય.

વળી, ભારતીય જનતા પક્ષના ચૂંટણી ઢંઢેરા(ર૦૧૪)માં એવો પણ સંકેત આપ્યો હતો કે, ભારત એવાં સાથી રાષ્ટ્રો સાથે પારસ્પરિક હિતોને મજબૂત કરવામાં ખાસ સંકલન સાધશે. એન.ડી.એ.-રની સરકારે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ઑસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશો સાથે સંરક્ષણને લગતાં સહકારનાં ક્ષેત્રો તૈયાર કર્યાં છે. ખાસ કરીને એશિયા-પેસિફિક ક્ષેત્રોમાં અને હિન્દી મહાસાગરના પ્રદેશમાં ચીનની હેજેમની સાથે વ્યાપક ધરી બનાવવા પાછળ આ ઉદ્દેશ્ય રહ્યો છે.

આ બાબતે ભારતની વિદેશનીતિમાં એ ફેર જોવા મળે છે કે ચીનની હેજેમની સામે આકાર પામી રહેલી અમેરિકન પિવટમાં ભારત જોડાયું. સપ્ટેમ્બર, ર૦૧૪માં ભારત અને અમેરિકાના વરિષ્ઠ નેતાઓએ બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં ઓબામા એડમિનિસ્ટ્રેશને જે ચીન-સંબંધિત વ્યૂહાત્મક દર્શન(સ્ટ્રેટેજિક વિઝન)નો ઉલ્લેખ હતો, એ એક્સ્પાન્શનિસ્ટ ચીનના તટ પર ઊભું કરવામાં આવેલું. એટલે કે, ભારત સરકારની ‘ઍક્ટ ઇસ્ટ’ નીતિનો અમલ કરતી વખતે અમેરિકાના વ્યૂહાત્મક દર્શન સાથે જોડવામાં સરકારને અમેરિકાના એશિયન પિવટ તરીકે ભારતને સંલગ્ન થવામાં કોઈ આપત્તિ નથી. ભારતની વિદેશનીતિમાં આવેલી આ શિફ્ટ ભારતની બિનજોડાણવાદની વ્યાપક ફિલસૂફી સાથે બંધ બેસતી નથી. વ્યૂહાત્મક દૃષ્ટિએ જોઈએ તો ભારતની અમેરિકા સાથેની આવી નજદીકી ભારતને એશિયા-પેસિફિક પ્રદેશમાં લાંબા ગાળે કારગર ન નીવડે એમ ધારણા કરી શકાય. ખાસ કરીને, દક્ષિણ ચીન સમુદ્રના ક્ષેત્રમાં ચીનને જે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે એ સમુદ્રમાં ટેરિટોરિયલ ડિસ્પુટ્‌સ છે, રાષ્ટ્રો સાથે ભારતના સંબંધોમાં છેલ્લા થોડા દાયકાઓથી સુધાર અને વૃદ્ધિ બંને જોવા મળે છે. તે વિસ્તારમાં ચીન સામે પડવાને બદલે ચીન સાથે કામ પાડવામાં ભારતની ડિપ્લોમેટિક ક્ષમતાઓની કસોટી થશે.

એન.ડી.એ.-ર સરકારના અમેરિકન રાષ્ટ્રપ્રુમખ ડૉનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશન સાથેના વ્યવહારમાં કેટલીક વિશિષ્ટ બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ. અમેરિકાની સરકારમાં ર૦૧૭થી ભારત પ્રત્યેના વલણમાં કેટલાક ફેરફારો જોવા મળે છે. પહેલું એ કે સંરક્ષણ-સલામતી બાબતોમાં કેટલીક સમજૂતીઓ થઈ છે, પણ વેપારની બાબતમાં અમેરિકાએ રાષ્ટ્રવાદી (નેશનાલિસ્ટ) વલણ દાખવ્યું છે. અમેરિકાથી વેપારની ખાધને ખ્યાલમાં લેતાં ભારતમાંથી આયાત થયેલી કેટલીક ચીજવસ્તુઓની આયાત ડ્યૂટી વધારે લઈ ભારતની અમેરિકાને મોકલાવતી નિકાસમાં ઘટાડો થયો છે. તે સાથે ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં વિદ્યાર્થી વિઝા તેમ જ ભારતીય નાગરિકોને મળતાં એચ-૧ વિઝામાં કડક અંકુશ મૂકવા માટે ટ્રમ્પ પ્રશાસન આતુર છે, એવા સંકેત મળી રહ્યા છે. આ અંગે આર્થિક નીતિનાં વિદેશી પાસાં અંગે વિગતે ચર્ચા કરવી અહીં શક્ય નથી. બીજું એ કે અમેરિકન સરકારની અફઘાનિસ્તાનમાં સામેલગીરી ખૂબ જ ઓછી થઈ જતાં હવે ત્યાંની સુરક્ષા સ્થિતિમાં ફેર થતાં, એનો પ્રભાવ ભારત પર પડશે. અફઘાનિસ્તાનમાં અમેરિકન સંરક્ષણ દળોનો ત્યાંના આતંકવાદ સામેનો મુકાબલો ક્રમશઃ ઓછો થવાને કારણે ત્યાંના આતંકવાદીઓ ભારતીય ઉપમહાખંડમાં પ્રવેશે એવી દહેશત સેવાઈ રહી છે. પોતાના કાર્યકાળનાં છેલ્લાં બે વર્ષમાં એન.ડી.એ.-ર સરકાર ટ્રમ્પ પ્રશાસન સાથે બરાબર સમીકરણો ગોઠવી શકી નથી, એનો અણસાર મળે છે.

(૩)

આ વિભાગમાં એન.ડી.એ.-ર સરકારના ભારતના પાડોશ સાથેના સંબંધોનો ટૂંકમાં ખ્યાલ મેળવી દેશની વિદેશનીતિનું સરવૈયું લઈએ. મે ર૦૧૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સરકાર રચાઈ, ત્યારે ભારતના પાડોશમાં આવેલા સાઉથ એશિયન એસોસિયેશન ફૉર રિજનલ કો-ઓપરેશન(સાર્ક)ના સભ્યો એવા પાકિસ્તાન, ભૂટાન, બાંગ્લાદેશ, ભારત, નેપાળ, શ્રીલંકા, માલદીવ અને અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નેતાઓને નવી સરકારના શપથવિધિ સમારોહમાં આમંત્રણ આપવામાં આવેલું. આ પહેલ પાછળનો તર્ક એ હતો કે, આ જેસ્ચર દ્વારા નવી સરકાર એ સંદેશો આપવા ઇચ્છતી હતી કે, ભારત આ તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ અને ઘનિષ્ઠ સંબંધો સ્થાપવા પ્રતિબદ્ધ છે. આ દેશો સાથે કનેક્ટિવિટી મળે અને એ દેશોના માળખાગત વિકાસમાં ભારત અગ્રેસર ભૂમિકા ભજવે. તે સાથે એ પણ સ્વીકારાયું કે, ભારત એ દેશો સાથે વધુ વેપાર-વણજ કરશે અને ભારતની કંપનીઓ એ દેશોમાં અધિક મૂડીરોકાણ કરશે.

સાર્ક દેશો સાથે વધુ મિત્રતાપૂર્ણ સંબંધો પાછળ આવો તર્ક રજૂ થયેલો. આ બાબતે એન.ડી.એ.-ર સરકારનો રેકોર્ડ કેવો રહ્યો, એ અંગે પૂરતી માહિતીને અભાવે આમાં સરવૈયું કાઢવું અત્યારે શક્ય નથી. પણ ભારતના પાડોશના દેશો સાથેના સંબંધોમાં કેટલાક દેશો સાથેનો એન.ડી.એ.-ર સરકારનો વ્યવહાર કેવો રહ્યો છે, એ વિશે કેટલીક બાબતોનો માત્ર ઉલ્લેખ જ કરીશ. નેપાળમાં ધરતીકંપ થયો ત્યારે એન.ડી.એ.-રની સરકારે નેપાળને અનેક રીતે મદદ કરેલી, પણ જ્યારે નેપાળમાં ચીજવસ્તુઓનો બ્લૉકેડ થયેલો, ત્યારે ભારત સરકારે નિર્ણાયક પગલાં લઈ બ્લૉકેડને દૂર કરવાનો સંનિષ્ઠ પ્રયાસ ન કર્યો, એની નોંધ નેપાળના અગ્રવર્ગે લીધી હતી.

શ્રીલંકા સાથેના સંબંધોમાં પણ ખાસ કરીને બંધારણીય કટોકટીના દિવસો દરમિયાન ભારત સરકારે ખાસ રસ દાખવ્યો નહોતો. માલદીવ સાથે પણ છેલ્લાં વર્ષોમાં ત્યાં થયેલી રાજકીય કટોકટીમાં ભારત પૂરાં દિલદિમાગથી માહિતગાર રહી ત્યાંની પરિસ્થિતિમાં કન્સર્ન્ડ પાર્ટનર તરીકે ભૂમિકા ભજવવામાં ભારત પાછું પડતું હોય એમ જાણકારોનું માનવું હતું.

એન.ડી.એ.-ર સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ બાંગ્લાદેશ સાથેના સુધરેલા સંબંધો અંગે ગણાવી શકાય. એન્ક્લેવ્ઝમાં નાગરિકતાના પ્રશ્નનો ઉકેલ લાવવા બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી આમાં મુખ્ય ગણાવી શકાય. બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારે જેહાદી અને આતંકવાદી તત્ત્વોને નાબૂદ કરવામાં અહમ ભૂમિકા ભજવી હતી. બંને દેશોની સરકાર વચ્ચે આવો સહકાર મળવો, એ એન.ડી.એ.-ર સરકારની વિદેશનીતિનું જમા પાસું ગણાવી શકાય.

ભારતની વિદેશનીતિની મુખ્ય કસોટી ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધોને કેવી રીતે ગોઠવવા એ અંગે રહી છે. ર૦૧૪ના ભા.જ.પ.ના ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એન.ડી.એ.-ર સરકાર સત્તા પર આવશે તો સીમાપાર આતંકનો જોરદાર મુકાબલો કરશે અને આતંકવાદીઓ અને જેહાદી તત્ત્વો સામે કડક પગલાં લેશે. એટલે કે, પાકિસ્તાન સાથેના સંબંધોમાં ભારત પોતાની સલામતી અને સુરક્ષા માટે અસરકારક વ્યૂહરચના અપનાવી દેશમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ ઊભું કરશે. આ ઉદ્દેશ્યને પાર પાડવા માટે એન.ડી.એ.-ર સરકારનો દેખાવ કેવો રહ્યો, એ અંગે કેટલીક જમીની વાસ્તવિકતાઓ અને ઘટનાઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

ડિસેમ્બર ર૦૧પમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને મળવા લાહોર પહોંચેલા. આ વ્યક્તિગત ડિપ્લોમેસીનો આશરો લઈ પાકિસ્તાન સાથે સંબંધ સુધારની દિશામાં કરાયેલું પ્રતીકાત્મક જેસ્ચર હતું. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં મૂલતઃ કોઈ સુધાર જોવા ન મળ્યો. આ મુલાકાત પાછળનો ઇરાદો શુભ હોવા છતાં પ્રશ્ન એ રહ્યો કે, આ મુલાકાતને સફળ બનાવવા માટે વિદેશી બાબતોના ભારત સરકારના મંત્રાલયને પહેલેથી માહિતગાર કરવામાં આવેલો કે નહીં? આ પ્રકારની બંને દેશોના વડાઓની મુલાકાતને વધુ સંગીન અને સફળ બનાવવા જરૂરી પૂર્વતૈયારી ભારત સરકાર તરફથી કરવામાં આવેલી? આ પ્રશ્નોનો જવાબ આ તબક્કે મળે એમ નથી. આવી બાબતનો વિગત વાર ખુલાસો ભાવિ ઇતિહાસકાર કરી શકે.

જાન્યુઆરી ર૦૧૬માં પઠાણકોટ ઍર-બેઝ પર થયેલા આતંકવાદી હુમલાએ દર્શાવ્યું કે, શરીફ-મોદી વચ્ચેની મુલાકાતને કદાચ પાકિસ્તાનની લશ્કરી હકૂમતનો ટેકો મળ્યો ન હોય એવું બને. આ હુમલાની તપાસ માટે ભારત સરકારે પાકિસ્તાન સાથે જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન કરી આપવાનું બીડું ઝડપ્યું, એ સૂચક છે.

એન.ડી.એ.-ર સરકારનાં બે વર્ષ પૂરાં થયાં પછી ર૦૧૬ની સાલમાં આતંકવાદને ખાળવા સરકાર સર્જિકલ સ્ટ્રાઈકનો આશરો લે છે, એમાં સૈન્યનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ ગણાય. આમાં સરકારની પ્રતિરોધની નીતિ જોવા મળી. રાષ્ટ્રીય સલામતીની દૃષ્ટિએ જોઈએ તો ભારત-પાકિસ્તાન સરહદે પાકિસ્તાન તરફથી સીઝફાયર વાયોલેશન્સ પાછલી સરકારની સરખામણીયે ઓછા થયા નથી, એવી પ્રતીતિ ભારતના સિક્યૉરિટી કમાન્ડ્‌સને થઈ હતી. એને લગતા સમાચાર દેશનાં અખબારોમાં પણ પ્રસિદ્ધ થયેલા.

બીજી બાજુ, પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો દ્વારા આતંકવાદી હુમલાઓની ફ્રિક્વન્સીમાં પણ ખાસ ઘટાડો થયો હોય, એવું જણાતું નહોતું. એટલે કે, સીમાપાર આતંકની ગતિવિધિમાં કોઈ નિર્ણાયક ફરક નોંધાયો નહોતો. વળી કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નહીં; ઊલટું, લશ્કરના તેમ જ અર્ધલશ્કરી દળોના જવાનોની જાનહાનિનો આંકડો વધતો ચાલ્યો. કાશ્મીરમાં નાગરિકો(સિવિલિયન્સ)ના મોતની સંખ્યા પણ ઘટતી નહોતી અને કાશ્મીર ખીણમાં ભારતવિરોધી વાતાવરણ પ્રબળ બન્યું. પી.ડી.પી. અને ભા.જ.પ.ની સંયુક્ત મિશ્ર સરકાર પડી ભાંગી અને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું. સરવાળે, આખી સલામતીની પરિસ્થિતિ વિકટ બનવા લાગી. આવા માહોલમાં એન.ડી.એ.-ર સરકાર અને પાકિસ્તાનની સરકાર સાથેના સંબંધોમાં ઓટ આવી.

દરમિયાન, ૧૪ ફેબ્રુઆરી ર૦૧૯ના દિવસે કાશ્મીરમાં પુલવામામાં સી.આર.પી.એફ.ના કાફલા પર આતંકવાદી હુમલો થયો, એમાં ચાળીસ જેટલા જવાનોની હત્યા થઈ. જૈશે મહંમદ આતંકવાદી જૂથના ઇશારે આ હુમલો થયો, એની જાણ થતાં સરકારને જવાબી કાર્યવાહી કરવા માટે ફરજ પડી. બાલાકોટમાં જૈશે મહંમદનો તાલીમ કૅમ્પ છે, એને ટાર્ગેટ બનાવવાનું નક્કી થયું. પાકિસ્તાનની સૈન્યની છાવણી કે ત્યાંના નાગરિકોને આંચ ન આવે, એ રીતે આ ટાર્ગેટની પસંદગી થઈ. આતંકવાદી હુમલા સામે પ્રમાણસરનો પ્રતિભાવ આપવા ભારતીય હવાઈદળનાં વિમાનોએ જૈશે મહંમદના તાલીમ કૅમ્પ પર હુમલો કર્યો. પાકિસ્તાની ભૂમિ પર આ રીતે થયેલો હુમલો એ ભારતની વ્યૂહરચનામાં આવેલો મહત્ત્વનો ફેરફાર દર્શાવે છે. આતંકવાદને સહન કરવાની હદ થઈ અને હવે પાકિસ્તાનને આ પ્રકારના હુમલા માટે પોતે મોટી કિંમત ચૂકવવી પડશે, એ સ્પષ્ટ વાત છે. પાકિસ્તાનના લશ્કર અને આઈ.એસ.આઈ.ને સ્પષ્ટ સંદેશો મળ્યો કે, ભારતની સરકાર આવો આતંકવાદી હુમલો થાય ત્યારે કેવળ ડિપ્લોમેટિક સાધનોને કામે લગાડવાની સાથે લશ્કરી કાર્યવાહી કરવામાં પાછી નહીં પડે.

તે સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે, એન.ડી.એ.-ર સરકાર આવા આતંકવાદી હુમલા પહેલાં, ઘણું કરીને મળતી ઇન્ટેલિજન્સને આધારે આતંકને રોકવા સફળ થઈ ન શકી. ર૦૧૪ની સામાન્ય ચૂંટણી પહેલાં ભા.જ.પ. દ્વારા અગાઉની સરકાર આતંકવાદી હુમલા રોકવામાં ઇન્ટેલિજન્સ ફેલ્યૉરને કારણે નિષ્ફળ નીવડેલી, એવો આરોપ હતો. પણ એન.ડી.એ.-ર સરકારના કાર્યકાળ દરમિયાન ઇન્ટેલિજન્સ ફેલ્યૉર, લશ્કરી થાણાને સુરક્ષા બક્ષવા જોઈતી તૈયારી, પોલીસ કામગીરીમાં કમીઓ, વગેરે ફૅક્ટર્સને કારણે આતંકવાદી હુમલાઓને ખાળી શક્યા નહીં, એ પણ એટલું જ સાચું છે. ભારતીય સેનાની ત્રણે પાંખોની સજ્જતાને વધુ કારગર બનાવવાની બાબતમાં આપણી સંરક્ષણ ક્ષમતાઓ(ડિફેન્સ કેપેબિલિટીઝ)ને અધિક દૃઢતર બનાવવામાં આપણી સિવિલિયન લીડરશિપ હજુ પૂરેપૂરી અસરકારક અને ભરોસાપાત્ર બની શકી નથી, એવો ઘાટ ઊપસે છે. આપણી વ્યૂહરચના અને ટેકટિકલ તૈયારીમાં આપણે ઊણા ઊતર્યા છીએ, એવું ચિત્ર નજરે ચડે છે. પાકિસ્તાન સાથે કામ પાડવામાં આપણી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાની સાથે કાશ્મીર જેવા પ્રશ્નમાં સ્થાનિક સ્ટેકહોલ્ડર્સ સાથે રાજકીય વાટાઘાટનો માર્ગ અપનાવી ત્યાં શાંતિ અને સલામતીનું વાતાવરણ ઊભું કરવામાં આપણી સંવાદ સાધવાની કાબેલિયત ક્યાંક કમજોર પડતી હોય એવું સમજાય છે. આપણે પાકિસ્તાન સાથેના સંબંધોમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ઉદ્દેશ્યોને આંબવા ચોક્કસ વ્યાપક દર્શન અને રોડમેપ કાર્યાન્વિત કરી શક્યા નથી.

હવે ભારતના ચીન સાથેના સંબંધો અને એ અંગે એન.ડી.એ.-ર સરકારની વિદેશનીતિનું ટૂંકમાં સરવૈયું લઈએ તો ચીન સાથેની સરહદને લગતો વિવાદ લાંબા ગાળાની વાટાઘાટો દ્વારા હલ થઈ શકે એમ છે, એટલે સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન ચીનની સરકાર સાથે વાટાઘાટો જારી રાખી છે. ડોકલામ એ બંને દેશો વચ્ચે વિવાદનું કેન્દ્ર બન્યું હતું. ડોકલામ પાસે ભારત, ભૂટાન અને ચીન આ ત્રણે દેશોની સરહદો એકબીજાને મળે છે. ભૌગોલિક રીતે જોઈએ તો ડોકલામ ભૂટાનમાં પડે છે. ચીને છેક અહીં સુધી પાક્કો રોડ બનાવવાની હિલચાલ કરી, એને અટકાવવા ભારતે ખુદ ડોકલામમાં સક્રિય બની ચીનનાં દળોને આગળ આવતાં રોક્યાં હતાં. ડોકલામ એ ભારતની સુરક્ષા માટે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે અને એ ચિકનહેડ જેવી છે, એટલે એમાં ચીનનો પગપેસારો ભારત સાંખી શકે નહીં. એટલા માટે એન.ડી.એ.-ર સરકારે એનો જોરદાર વિરોધ કર્યો અને ભૂટાન એ પ્રશ્ન અંગે ચીન સાથે વાટાઘાટથી સમસ્યાનું નિરાકરણ લાવે, એને બદલે ભારતે એમાં દરમિયાનગીરી કરવાનું મુનાસિબ માન્યું. ભારતની દૃષ્ટિએ એ સંવેદનશીલ વિસ્તાર છે અને ભારતના ઉત્તર-પૂર્વના ભાગ સાથે સંકળાયેલો છે, એટલે ભારતની સરકારે કડક અને અનકોમ્પ્રોમાઈઝિંગ વલણ અપનાવ્યું. એન.ડી.એ.-ર સરકારની આ ચોક્કસ ઉપલબ્ધિ કહી શકાય કેમ કે, ચીનની વિસ્તારવાદી દાનતની સામે ભારતે સંરક્ષણની દૃષ્ટિએ મજબૂત વલણ બતાવ્યું.

ડોકલામ ઘટના પછી બંને દેશોનાં લશ્કર વચ્ચે આદાનપ્રદાનની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. વળી રાજનયિક (ડિપ્લોમેટિક) ચેનલ્સ દ્વારા બંને સરકારોએ સંવાદ સાધવાની દિશામાં પગલાં ભર્યાં છે. ચીનના શહેર વુહાનમાં ચીનના પ્રમુખ શી જિન પિંગ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જે અનૌપચારિક શિખર મંત્રણા યોજાઈ, એનો ફાયદો એ થયો કે, બંને નેતાઓએ એકબીજા સાથે ૮-૧૦ કલાક મંત્રણાઓ કરી. બંને દેશો વચ્ચેના સંબંધોનાં અનેક પરિમાણો અને પ્રશ્નો અંગે પરસ્પર વાતચીત કરવાથી બંને દેશો વચ્ચે સંવાદની ભૂમિકા રચાઈ, જે હવે પછીની વાટાઘાટોમાં મદદરૂપ સાબિત થશે.

(૪)

એન.ડી.એ.-ર સરકારની વિદેશનીતિનું સરવૈયું કાઢતી વખતે કેટલાક મુખ્ય સંબંધોની વાત કરી. તે સાથે બીજા કેટલાક પ્રશ્નો અને મુદ્દાઓ વિશે વિગતવાર ચર્ચાઓ લેખમાં સમાવી શકાય એમ નથી. જેમ કે, પશ્ચિમ એશિયા અને ગલ્ફ દેશો સાથેના સંબંધોમાં એન.ડી.એ.-ર સરકારે મેળવેલી ઉપલબ્ધિ, સેન્ટ્રલ એશિયન દેશો સાથે એનર્જી સિક્યૉરિટી માટે કરાયેલી સમજૂતીઓ, જાપાન સાથે આર્થિક ક્ષેત્રે થયેલી સમજૂતીઓ, એક “સૉફ્ટ પાવર” તરીકે ભારતની સરકારે લીધેલાં પગલાં વગેરે ઘણી બાબતોનો ઉલ્લેખ કરી શકાય.

તે સાથે આ લેખમાં ભારતની ફોરેન ઇકોનૉમિક પોલિસી ક્ષેત્રે એન.ડી.એ.-ર સરકારની કામગીરી વિશે વિગતે માંડણી થઈ શકી નથી. તે ઉપરાંત જળવાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) અંગે પણ એન.ડી.એ.-ર સરકારની ઉપલબ્ધિ વિશે વિગતે વાત કરવી પડે.

Email : joymavalankar@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 15-19

Loading

દિલી અલ્વિદા?

ઉમાશંકર જોશી|Poetry|18 April 2019

 

અલ્વિદા, શાહજહાનાબાદ, આમ પ્રજાની દિલ્હી!
જામા મસ્જિદના ઊડવા કરતા નમણા મિનારા,
લાલ કિલ્લાના સ્વપ્નિલ કોટકાંગરા,
રાજઘાટ શાંતિવન વિજયઘાટની ઊની ઊની સ્મૃતિરાખ
– તે તો હૈયે સદાયે –
નિર્જીવ મૃત્યુદમામ અલ્વિદા!

અલ્વિદા, પુરાણા કિલ્લા! એક અસ્ત પામેલી દિલ્હી.
કાંકરે કાંકરે, અધઊભી ભીંત-કરાડે, કરાળ બખોલે,
મૃત્યુનાં જડબાંની નિશાની ભીષણ.
મહાનગરની વચ્ચે વચ્ચે અનેક
બાવળની કાંટ્યમાં સાંજુકી વેળા
જાગી ઊઠતી શિયાળવાંની લાળી,
જાણે મહાનગરની કરોડરજ્જુમાં કાળધ્રુજારી.

નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો –
ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.

ખેડુની – શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે
એને વધુ વાંકી વાળતી
દુનિયાની રાજધાનીઓ
રૂડી રૂડી વાતોને નામે.
સાતમી દિલ્હી, નીચે ઊતરી શકીશ,
જીવી જઈશ,
દિલ્હીપણાને કરી તારી – અને મારી પણ –
દિલી અલ્વિદા?

નવી દિલ્હી, 25 ઍપ્રિલ 1976

[વંચાયું તા. 08 જાન્યુઆરી 1977, અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદના કાવ્યસંમેલનમાં]

‘અલ્વિદા દિલ્હી, એ દીર્ઘ રચનાનો અંતિમ અંશ, શીર્ષકફેરે

(સાભાર : ‘સમગ્ર કવિતા’, દ્વિતીય આવૃત્તિ, ડિસેમ્બર, 1981)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 24

રસિકજનોને સારુ, આ દીર્ઘ કાવ્યની કડી સાદર :

https://opinionmagazine.co.uk/details/1273/અલ્વિદા-દિલ્હી

Loading

ર૦૧૪નાં ચૂંટણીવચનોથી આથમણે

પી. સાંઈનાથ|Opinion - Opinion|18 April 2019

વર્ષ ૨૦૧૪માં સ્વામિનાથન કમિશનના અહેવાલની ભલામણોનો આવતાની સાથે જ અમલ કરીશું એવા વચન સાથે મોદી સરકાર સત્તા પર આવી. આ વચન મુજબ સરકારે ખેડૂતોને ટેકાના ભાવ આપવાની સ્થિતિમાં પાકની પડતરમાં ઓછામાં ઓછા પચાસ ટકા પોતાના તરફથી ઉમેરીને આપવાના થાય. પણ થયું એનાથી તદ્દન ઊલટું. વર્ષ ૨૦૧૫માં સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી અને એક આર.ટી.આઈ.માં જવાબ આપ્યો કે આ શક્ય નથી કેમ કે તેનાથી બજારમાં ફુગાવો વધવા સંભવ છે. મતલબ કે સરકારને માર્કેટની પડી છે, ખેડૂતોની નહીં. આ મોદી સરકારની પ્રાથમિકતા છે, માત્ર નફો રળવો અને એ પણ જ્યાં સરકારનું વિશિષ્ટ હિત જળવાતું હોય એમના માટે.

અને તમે જુઓ, વર્ષ ૨૦૧૪થી જે શ્રેણીબંધ ને હડહડતાં જૂઠાણાં ચાલી રહ્યાં છે …. વર્ષ ૨૦૧૬માં કૃષિમંત્રી રાધા મોહન કહે છે કે આવાં કોઈ વચનો આપવામાં આવ્યા નથી. અને વર્ષ ૨૦૧૭માં મોદી સરકાર અને તેમના કેટલાક મંત્રીઓ, સાથે મધ્યપ્રદેશના ત્યારના મુખ્યમંત્રી પણ દૃઢતાપૂર્વક એમ કહેતા જણાય છે કે તેમણે ખેડૂતોને સ્વામિનાથન રિપોર્ટની ભલામણોથીયે કંઈ વધારે અને બહેતર આપવાની યોજનાનો અમલ શરૂ કરી દીધો છે. હકીકતે અત્યારે દેશમાં કૃષિ ક્ષેત્રે ભારે કટોકટી ચાલી રહી છે, અને એ એટલી ઘેરી છે કે તેને રાષ્ટ્રીય કટોકટી કહેવામાં ય અતિશયોક્તિ નથી. અને બીજી બાજુ મોદી સરકાર દેશ આખાને મૂર્ખ બનાવવા મચી પડી છે. લાજશરમ નેવે મુકીને જૂઠાણાં ચલાવી રહી છે. કૃષિ અને તેને સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં ખેડૂતો, બજાર, કંપની, સરકાર … આ બધાંની સ્થિતિ તરફ થોડી નજર ફેરવતા આ હકીકતનો વધારે ખ્યાલ આવશે.

ખેતી : ખેડૂતો નહીં,

કોર્પોરેટને લાભ કરાવવાનો સોદો

આપણા દેશમાં ઉદારીકરણ બાદ બીજ, ખાતર, કીટનાશક અને ખેતીનાં યંત્રોની કિંમત ઝડપથી વધી છે. ગત ત્રણ વર્ષમાં ખેતીની આવકમાં જબરજસ્ત ઘટાડો થયો છે અને તેની પડતર-કિંમત આસમાને પહોંચી છે. ૨૦૦૩માં વિદર્ભમાં એક એકરમાં સિંચાઈ વિનાની જમીન પર કપાસની ખેતી કરવાનો ખર્ચ અંદાજે રૂપિયા ચાર હજાર આવતો હતો, જ્યારે સિંચાઈની જમીનમાં તેનો ખર્ચ દસથી બાર હજારનો હતો. હવે તે ખર્ચ સિંચાઈ વિનાની જમીનમાં બારથી પંદર હજારનો થયો છે, જ્યારે સિંચાઈ આધારિત જમીનમાં તે ખર્ચ ચાળીસ હજાર રૂપિયે પહોંચ્યો છે! સરકારી આંકડા મુજબ પાંચ સભ્યોના ખેડૂત પરિવારની મહિનાની સરેરાશ આવક અંદાજે છ હજાર રૂપિયા સુધીની છે.

પોતાનાં જ ખેતરોમાં ખેડૂતો આજે મજૂર થઈને કામ કરી રહ્યા છે, આ બધું કામ કૉર્પોરેટને નફો કરાવવા માટે મજબૂર થઈને કરી રહ્યા છે. ખેતીની પડતર વધી છે, આવક ઘટી છે અને તેમ છતાં, સરકાર પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે. આ રીતે ખેતીને નુકસાનીનો સોદો બનાવી દેવામાં આવ્યો છે, જેથી ખેડૂતો ખેતી છોડી દે અને ત્યાર બાદ કૉર્પોરેટગૃહો માટે ખેતી બેસુમાર લાભ લેવાનો સોદો બની જાય.

માત્ર દેવાંમાફી પૂરતી નથી

આપણને લાખો ખેડૂતોને આપવામાં આવેલા ચાળીસ હજાર કરોડની ચિંતા થાય છે, પણ એકલદોકલ અદાણી જેવાઓને જ અરબો ડોલરની લહાણી થાય છે, તે વિશે કોઈ ચર્ચા થતી નથી. પરંતુ આ જ સરકારો દર વર્ષે લાખોકરોડો કૉર્પોરેટની લોન માફી કરે છે. ૨૦૧૫માં સરકારે ૭૮ હજાર કરોડનો કૉર્પોરેટ ટેક્સ માફ કર્યો હતો. સરકાર પાસે વિજય માલ્યાને આપવા માટે નવ હજાર કરોડ રૂપિયા છે. મતલબ કે સરકાર પાસે પૈસા તો છે, પણ તે કોને મળી રહ્યા છે તે પ્રશ્ન અગત્યનો છે! એ અલગ વાત છે કે દેવાંમાફી ખેડૂતોને રાહત આપે છે, પરંતુ એ સમસ્યાનો કાયમી ઉકેલ નથી.

૨૦૦૮માં યુ.પી.એ. સરકારે દેવાં માફીની જાહેરાત કરી હતી, પરંતુ તેનો લાભ ખેડૂતો સુધી ન પહોંચ્યો. મોટા ભાગના ખેડૂતોએ વ્યક્તિગત કે શાહુકારો પાસેથી લોન લીધી છે. આવા કિસ્સામાં દેવાંમાફીથી તેમને કોઈ લાભ થતો નથી. દેશમાં કોઈ રાજ્યમાં પ્રથમવાર ખેડૂતોનું દેવું માફ કરનારા ચૌધરી દેવીલાલ હતા, ત્યારે તેઓ હરિયાણાના મુખ્યમંત્રી હતા. ત્યાર બાદ ૨૦૦૮માં યુ.પી.એ. સરકારે ખેડૂતોના દેવાં માફ કર્યાં હતાં. જો ખરેખર દેવાંમાફી એ ઉપાય હોય તો એક વાર કોઈ ચોક્કસ રાજ્યમાં દેવું માફ કર્યા પછી કોઈ સરકારે દેવાં માફ કરવાની જરૂર ન પડી હોત, આ વર્ષે કૉંગ્રેસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂતોનાં દેવાં માફ કર્યાં, એ નોબત જ ન આવી હોત.

‘એન.સી.આર.બી.’ રિપોર્ટ અને સરકારની ભૂમિકા

ખેતીનો પડકાર ખરેખર તો સમાજનો અને આપણી સભ્યતાના અસ્તિત્વ સામેનો પડકાર છે. આ જ કારણે વિશ્વમાં નાના ખેડૂતો અને મજૂરોનો એક મોટો વર્ગ પોતાની આજીવિકા બચાવવા સંઘર્ષ કરી રહ્યો છે. ખેતીનું સંકટ હવે માત્ર જમીનના નુકસાન પૂરતું નથી; ન તો એ માત્ર માનવજીવન, રોજગારી કે ઉત્પાદનનું નુકસાન છે; પરંતુ તે આપણાં માનવીય મૂલ્યોનું નુકસાન છે. આપણી માનવતા સંકુચિત થઈ રહી છે. આપણે ચૂપ બેસીને, શોષિતોની મુશ્કેલીને એકીટસે જોઈ રહ્યા છીએ. પાછલા બે દાયકાની જ વાત કરીએ તો આ ગાળામાં ત્રણ લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ સ્થિતિને કેટલાક ‘અગ્રણી અર્થશાસ્ત્રી’ ગંભીર હોવાનું નકારે છે ને આ કોઈ સંકટ જ નથી, તેવું ય સ્થાપિત કરે છે!!

‘નૅશનલ ક્રાઈમ રેકોડ્‌ર્સ બ્યુરો’(એન.સી.આર.બી.)એ પાછલાં બે વર્ષમાં આત્મહત્યાનો ડેટા જાહેર કર્યો નથી. થોડાં વર્ષ પૂર્વે ઘણાં મોટાં રાજ્યોએ ખોટો ડેટા જાહેર કર્યો હતો. દાખલા તરીકે, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોએ પોતાના રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાનો ડેટા‘શૂન્ય’ દર્શાવ્યો હતો!! વર્ષ ૨૦૧૪-૧૫માં ‘એન.સી.આર.બી.’ રિપોર્ટની પ્રક્રિયાઓમાં ગંભીર ક્ષતિઓ રહી હતી, જેનો ઉદ્દેશ્ય આત્મહત્યાની ઓછામાં ઓછી સંખ્યા દર્શાવવાનો હતો. જો કે વાસ્તવિકતા તેનાથી વિપરીત હતી.

કેમ કે, આ દરમિયાન ખેડૂતો અને મજૂરોના વિરોધ પ્રદર્શન સતત વધ્યાં છે. ખેડૂતોની ગોળી મારીને હત્યા કરવાની ઘટનાઓ પણ વધી છે – જે મધ્યપ્રદેશમાં થયું. સરકાર સાથે સમજૂતીઓને લઈને ખેડૂતોની મજાક ઉડાવવામાં આવી રહી છે. તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે – જે મહારાષ્ટ્રમાં થયું. એ પછી નોટબંધીને કારણે આખા દેશમાં આક્રોશ અને અરાજકતા જોવા મળ્યાં. આમાં માત્ર ખેડૂતો નથી પિસાયા, બલકે મજૂરોની પણ બૂરી હાલત થઈ. આ જ કારણે માછીમારો, આદિવાસીઓ, કારીગર વર્ગ, આંગણવાડી કાર્યકર્તાઓનો આક્રોશ પણ બહાર આવી રહ્યો છે.

હવે એ માંગ કરવી જોઈએ કે આ સંકટ અને તેને સંલગ્ન મુદ્દાઓ પર ત્રણ અઠવાડિયાંનું વિશેષ સંસદનું સત્ર બોલાવવામાં આવે. સંસદનાં બંને ગૃહોનું એક સામાન્ય સત્ર થાય. સંસદનું આ સત્ર કયા સિદ્ધાંત પર આધારિત હશે? ભારતીય બંધારણ પર. વિશેષ રીતે તેના સૌથી મહત્ત્વના ભાગ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત પર. બંધારણનો આ અધ્યાય ‘આવકની અસમાનતા ઘટાડવામાં’ અને ‘રાજ્ય, પાયાની સુવિધાઓ અને તકની અસમાનતાને નાબૂદ કરવાનો પ્રયાસ’ની વાત કરે છે.

પાક વીમા યોજના : રાફેલથી પણ મોટું કૌભાંડ

વર્તમાન સરકારની નીતિ ખેડૂતવિરોધી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના જ એક મોટું કૌભાંડ છે, જેમાં ૬૫ હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. સરકારે અનેક ખાનગી કંપનીઓને પાક વીમા યોજના આપવાનું કામ સોંપ્યું છે. સરકારે આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રોમાં આ જાળ બિછાવવાની નવા પ્રકારે ગોઠવણ કરી છે. દાખલા તરીકે ચાર તાલુકા કોઈ એક કંપનીના હવાલે, અન્ય ચાર તાલુકા કોઈ અન્ય કંપનીના હવાલે … આ રીતે કંપનીઓને ગ્રામીણ ક્ષેત્ર મુજબ વહેંચણી કરી છે. આ પૂરી યોજનામાં ૧૮ કંપનીઓ સામેલ છે. તેમાં ચાર સરકારી વીમા કંપનીઓ છે, જે ‘ટ્રોજન હોર્સ’ છે. એટલે કે તેમને પ્રથમ વર્ષે વીમાનું ઘણું બધું કામ આપવામાં આવશે અને ત્યાર બાદ તેમની પાસેથી આ વીમા લઈને ખાનગી કંપનીના હવાલે કરવામાં આવશે. સરકારે એવા નિયમો બનાવ્યા કે કોઈ પણ તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં પાકને નુકસાન થાય તો જ વળતરનો દાવો માંડી શકાય. મહારાષ્ટ્રના એવાં ઘણાં ક્ષેત્ર હતાં જ્યાં કેટલાક ભાગોમાં જ દુકાળ પડ્યો છે. હવે કંપનીઓ એ વાતને સ્વીકારવા તૈયાર નથી કે આ ક્ષેત્ર દુકાળગ્રસ્ત છે! બીજું કે મહારાષ્ટ્રમાં રિલાયન્સની વીમા કંપનીએ ૧૭૩ કરોડ રૂપિયા પ્રીમિયમ તરીકે વસૂલ્યા જ્યારે તેમણે ખેડૂતોને માંડ ત્રીસ કરોડ જેટલું જ વળતર આપ્યું. રિલાયન્સે પાક વીમામાં ૧૪૩ કરોડનો જંગી નફો કર્યો છે. આ તો માત્ર એક જ દાખલો છે. આ વાત તાલુકે તાલુકે લાગુ પાડી શકીએ. અહીંયાં ખેડૂતોની વાત કરવા કોઈ તૈયાર નથી. પાક વીમા યોજનામાં કંપનીઓએ ખેડૂતોને જેટલું વળતર નથી આપ્યું તેનાથી અનેકગણું પ્રીમિયમ વસૂલવામાં આવ્યું છે.

દેશમાં ખેડૂતોની આ દયનીય સ્થિતિ જોતાં એવા તારણ પર આવ્યા સિવાય છૂટકો નથી કે પાક વીમા યોજના એ રાફેલથી પણ મોટું કૌભાંડ છે. રાફેલમાં છેવટે એક એ સાત્વંના તો ખરી કે હવાઈજહાજ તો મળે છે, પાક વીમા યોજનામાં તો ખેડૂતોને ગરમ લૂ સિવાય બીજું કશું મળ્યું નથી.

સ્વામિનાથન રિપોર્ટ લાગુ કરવામાં ગલ્લાંતલ્લાં

રાજકીય નેતાઓનો બહોળો વર્ગ ખેડૂતોની પરવા કરતો નથી અને તેમની સાથે દુશ્મન જેવો વ્યવહાર રાખે છે. ચૂંટણી અગાઉ કેવા વાયદા કરવામાં આવે છે, તે જરા જોઈએ.

‘ટેકાના ભાવ’ પર સ્વામિનાથન રિપોર્ટનો અમલ કરવા ખેડૂતોએ ભા.જ.પ.ને વોટ આપ્યા હતા. ૨૦૧૪માં ભા.જ.પે. આ રિપોર્ટને લાગુ કરવાનો વાયદો કર્યો હતો. તેમને સત્તા પર આવ્યા ત્યારે એક વર્ષ પણ નહોતું વીત્યું અને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું જમા કરાવ્યું અને આર.ટી.આઈ.નો જવાબ આપ્યો કે આ રિપોર્ટની ભલામણ લાગુ કરી શકાશે નહીં! સ્વામિનાથન રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી હતી કે ઉત્પાદનની પડતરથી ૫૦ ટકા વધુ ખેડૂતને આપવામાં આવે, જેને ‘સી૨’ કહેવામાં આવે છે. આર.ટી.આઈ.ના જવાબમાં સવાલ પૂછનારને સરકારે લખ્યું કે, સ્વામિનાથન રિપોર્ટના અમલથી બજારમાં અસંતુલન સર્જાશે. સરકારના આ વલણથી કરોડો ખેડૂતોની સ્થિતિ બદતર થઈ રહી છે, પણ હવે વર્તમાન સરકાર માટે તે પ્રશ્ન અસ્થાને છે.

૨૦૧૬માં કૃષિમંત્રી રાધામોહન સિંહે એવી જાહેરાત કરી હતી કે તેમણે આવું કોઈ વચન જ આપ્યું નહોતું. ૨૦૧૭માં તેમણે કહ્યું કે અમે સ્વામિનાથન રિપોર્ટથી ઘણા આગળ નીકળી ચૂક્યા છીએ અને મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચવાણના મૉડેલ પર આગળ વધી રહ્યા છીએ. બે જાણીતા અર્થશાસ્ત્રીઓને સામે લાવીને મધ્ય પ્રદેશના મૉડેલને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ પણ થવા લાગ્યો.

૨૦૧૮માં નાણાં મંત્રી અરુણ જેટલીએ પોતાના બજેટના વક્તવ્યમાં કહ્યું હતું કે હા. અમે વાયદો કર્યો હતો અને તેને લાગુ પણ કર્યો છે. ૨૦૧૮માં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું કે અમે બધા જ પ્રકારના વાયદા કર્યા હતા પણ અમને આશા નહોતી કે અમે ચૂંટણી જીતીશું!

૨૦૧૪, ’૧૫, ’૧૬, ’૧૭ અને ૨૦૧૮માં ભા.જ.પ.ની સરકારે આ મુદ્દે અલગ અલગ મત દર્શાવ્યા છે. અરુણ જેટલીએ કહ્યું છે કે આ રિપોર્ટની ભલામણ લાગુ કરી દેવામાં આવી છે. તે બિલકુલ જુઠ્ઠાણું છે. કારણ કે ‘ટેકાના ભાવ’ની ગણતરી અલગ અલગ રીતે કરવામાં આવે છે. તેઓ એ પ્રકારે ગણતરી કરે છે જે સ્વામિનાથન આયોગની ભલામણના આધારે કરવામાં આવેલી વાસ્તવિક ગણતરીથી ૪૦ ટકા ઓછી આવે છે.

‘એન.ડી.એ.’ના સો દિવસ : નિષ્ફળતાની ઉજવણી?

મોદી સરકારના સો દિવસની ઉજવણી મીડિયા દ્વારા કરવામાં આવી હતી. હું એ પૂછવા માંગુ છું કે આ સો દિવસમાં ગ્રામીણ ભારતમાં શું બદલાયું હતું? અને આ સો દિવસના સત્તાવાર જે આંકડા મોજૂદ છે અને તે તમને જણાવું. સો દિવસમાં ગ્રામીણ ભારતમાં ૪૦૦૬ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ચાળીસ હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વીસ હજાર લોકો આ સો દિવસમાં કાયમ માટે ખેતી છોડી ચૂક્યા હતા. આ રીતે ખેતી છોડવાનો સરેરાશ દિવસનો ક્રમ છેલ્લાં વીસ વર્ષથી ચાલ્યો આવે છે, જે આ સરકારમાં પણ બરકરાર રહ્યો છે. પૂર્ણકાલીન ખેડૂત તરીકે ઓછામાં ઓછા છ મહિના ખેતી કરવાનો નિયમ છે, જ્યારે તેનાથી ઓછા સમય ખેતી કરનારને સીમાંત ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતોની આ સંખ્યા સતત ઘટી રહી છે. ૧૯૯૧ સુધી આ સંખ્યા વધતી રહી હતી, પરંતુ ૧૯૯૧ની અને ૨૦૦૧ની વસતીગણતરીની સરખામણી કરીએ તો તેમાં ૭૨ લાખ ખેડૂતો ઘટ્યા છે અને એ જ રીતે ૨૦૦૧ અને ૨૦૧૧ની આ ઘટી રહેલાં ખેડૂતોની સંખ્યા જોઈએ તો તે વધીને ૭૭ લાખ સુધી પહોંચી છે. મતલબ કે છેલ્લા બે દાયકામાં દોઢ કરોડ ખેડૂતોએ હંમેશ માટે ખેતી છોડી દીધી છે! ભૂખમરા અને કુપોષણથી મૃત્યુ પામેલાં બાળકોના આંકડા પણ લાખોમાં છે.

આ સો દિવસમાં ગ્રામીણ ક્ષેત્રમાં જે બન્યું, તેની સામે એન.ડી.એ. સરકારે દેશના બે ટકા સૌથી માલેતુજારોને આપેલું ટેક્સમાં કન્સેશન ૧,૪૫,૭૫૩ કરોડ રૂપિયા હતું. આ તમામ આંકડા નેટ પર સરળતાથી ઉપલબ્ધ છે. આ જ રીતે છેલ્લાં છ વર્ષમાં શ્રીમંતોને ટેક્સમાંથી ઘણી માફી આપવામાં આવી રહી છે, આ માફી બજેટની ખાધ જેટલી કે તેથી વધુ રહી છે.

ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ – પશુધનની અવદશા

ગાયની હત્યા પરના પ્રતિબંધનું સામાજિક-રાજકીય ગણિત તો સૌ જાણે જ છે. પણ તેનું આર્થિક ગણિત શું છે તે વિશેષ રીતે તપાસવું જોઈએ. જે ન થયું. મહારાષ્ટ્રમાં અત્યારે ગાયની હત્યા પરનો પ્રતિબંધ વ્યાપક પ્રમાણમાં લાગુ કરવામાં આવ્યો છે, અને તેમાં માત્ર ગાયની જ હત્યાનો નહીં, બલકે તમામ ઢોરોની હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ખરેખર તો મુસ્લિમો પર આર્થિક હુમલો કરવા માટે મૂકવામાં આવ્યો છે. પણ તેની અસર દલિતો પર પણ ખૂબ થઈ. કોલ્હાપુર ચપ્પલ ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગી છે, તેનું કારણ આ પ્રતિબંધ જ છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં મહદંશે રોજગારી મેળવનારા દલિતો હતા. આ ગ્લોબલ બ્રાન્ડ હતી, આપણા વડા પ્રધાને ‘મેક ઇન ઇન્ડિયા’ શબ્દ કૉઈન કર્યો એના પરાપૂર્વથી! હવે આ ‘બ્રેક ઇન ઇન્ડિયા’ થઈ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ઢોરોનું આખું માર્કેટ પડી ભાંગ્યું છે. આ માર્કેટને કોણ ચલાવે છે? મોટા ભાગના મહારાષ્ટ્રિયન ઓ.બી.સી.. કોઈ પણ ખેડૂત હવે નવી ગાય-ભેંસ ખરીદવા તૈયાર નથી, કારણ કે જ્યારે તેનું કામ પૂરું થઈ જાય તે પછી તેનું કોઈ ખરીદનાર નથી. ઢોરોની કિંમત પણ અનેકગણી ઘટી ચૂકી છે. ગ્રામીણ ક્ષેત્રની આ ગંભીર સ્થિતિ છે. એવું કહેવાય છે કે જ્યારે ઢોરોની કિંમત ત્રીસ ટકા ઘટે ત્યારે તેને કૃષિ સંકટ ગણવામાં આવે છે. ઢોર એ ખેડૂત માટે ઇન્સ્યોરન્સ જેવું કામ કરે છે અને આ માત્ર વર્તમાન સરકારમાં જ નહીં, અગાઉ કૉંગ્રેસનું શાસન હતું ત્યારે પણ પશુધનની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો છે, વિશેષ રીતે દેશી પશુધનમાં. ગ્રામીણ અર્થતંત્રની તે કરોડરજ્જુ છે. આ દેશી ઢોર અતિજોખમી સ્થિતિમાં છે અને જે લોકો આ માટે જવાબદાર છે તેમને તમે ખરેખર દેશદ્રોહી કહી શકો છો.

લોકશાહી પ્રક્રિયામાંથી લાખો લોકોની બાદબાકી

ગત ત્રણ વર્ષમાં લાખો લોકોને લોકશાહી પ્રક્રિયામાંથી બે-દખલ કરી દેવામાં આવ્યાં છે; બે-દખલ થવાનું કારણ છે રાજસ્થાન અને હરિયાણામાં લાગુ થયેલો પંચાયત ચૂંટણી લડવા માટેનો વટહુકમ. આ વટહુકમની અસર વિશેષ કરીને ગરીબ, આદિવાસી, દલિત, લઘુમતી અને મહિલાઓ પર થઈ છે. ડિસેમ્બર, ૨૦૧૪માં રાજસ્થાન સરકારે અને ૨૦૧૫માં હરિયાણા સરકારે પંચાયતની ચૂંટણી માટે દાખલ કરેલી ન્યૂનતમ આવશ્યક શૈક્ષણિક લાયકાતની જોગવાઈ અંતર્ગત પંચાયતની ચૂંટણી લડવા માટે અલગ અલગ પદ માટે ધોરણ આઠથી દસ સુધીની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી બની રહેલ છે. આ વટહુકમ લોકશાહી પ્રક્રિયામાં નાગરિકોના પાયાના બે અધિકારો પર તરાપ મારે છે. એક, નાગરિકનો જાહેરજીવનમાં ઝંપલાવવાનો અધિકાર અને બીજો, લોકોનો પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર. દેશમાં જ્યારે ગરીબો, દલિતો અને આદિવાસીઓને શિક્ષણ મેળવવાની કોઈ નિશ્ચિત વ્યવસ્થા નથી ત્યારે આ પ્રકારનો વટહુકમ કેવી રીતે પસાર કરી શકાય? નૅશનલ કમિશન ફોર શિડ્‌યૂલ્ડ કાસ્ટ્‌સે પણ આ અંગે વિરોધ દર્શાવીને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે. આ વટહુકમ રાષ્ટ્ર અને બંધારણીય વિરોધી છે. આ જ વટહુકમ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં અમલમાં આવવા વકી છે. આ સિવાય પણ જ્યાં જ્યાં આ ‘દેશપ્રેમી’ લોકો છે ત્યાં આ લાગુ થનાર છે!

આમ, ર૦૧૪નાં ચૂંટણીવચનો નિભાવવામાં મોદીસરકાર બધાં જ ક્ષેત્રે નિષ્ફળ પુરવાર થઈ છે.

[છેલ્લાં પાંચ વર્ષમાં પી. સાંઈનાથે કરેલી લેખિત-મૌખિક અભિવ્યક્તિનું સંકલન-શબ્દાંકન : કિરણ કાપૂરે]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 12-14

Loading

...102030...2,8162,8172,8182,819...2,8302,8402,850...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved