Opinion Magazine
Number of visits: 9684731
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણને કેવું ભારત જોઈએ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|23 June 2019

વન નેશન વન ઈલેકશનની માગણી આમ તો બહુ જૂની છે. આમાં જનસંઘ/બી.જે.પી. અગ્રેસર છે અને તેનું કારણ એ છે કે સમવાય ભારતમાં સમવાય ભારતના પ્રશ્નો હોય છે અને તે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓને પ્રભાવિત કરતા હોય છે, જે બી.જે.પી. સામે રાજકીય પ્રતિકૂળતા પેદા કરે છે. જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને વિશેષ સ્થાન મળવું જોઈએ, કે સરકારી અથવા ખાનગી કંપનીઓમાં કર્મચારીઓની ભરતીમાં મરાઠીઓને પ્રાથમિકતા આપવી જોઈએ, કે રાજ્યના પછાત વિસ્તારોનો ઝડપી વિકાસ કરવા વિકાસ બોર્ડ મળવાં જોઈએ, કે શેરડી ઉત્પાદન માટે ખાંડ કારખાનાઓ વિશેની નીતિ બદલવી જોઈએ, કે પછી મરાઠાઓને કે બીજી કોમોને મળવી જોઈતી કે ન મળવી જોઈતી અનામતની જોગવાઈ વગેરે પ્રશ્નો ખાસ મહારાષ્ટ્રના છે અને મહારાષ્ટ્રના રાજકારણને પ્રભાવિત કરે છે. આવું જ અન્ય રાજ્યોનું છે. દરેક રાજ્યોનાં પોતાના ખાસ પ્રકારના પ્રશ્નો હોય છે અને તે જે તે રાજ્યનાં સંસદીય રાજકારણને પ્રભાવિત કરે છે.

કેટલાક રાજકીય પક્ષો તો રાજ્યના પ્રશ્નો હાથ ધરવા માટે જ રચાયા છે. એનો અર્થ એવો નથી કે પ્રાદેશિક પક્ષો રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવતા જ નથી. કેટલાક ધરાવે છે તો કેટલાક નથી પણ ધરાવતા. પાછળથી આવા પ્રાદેશિક પક્ષો બાપીકી જાગીર જેવા બની ગયા છે એ વાત પણ સાચી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગમતો શબ્દપ્રયોગ વાપરીએ તો તેમના વહાલા ફેડરલ ઇન્ડિયામાં ફેડરલ ઈશ્યુઝ છે અને તેને વાચા આપવા માટે ફેડરલ ઇન્ડિયામાં પ્રાદેશિક પક્ષો છે, જેને તમે ફેડરલ પાર્ટીઝ પણ કહી શકો. હવે બોલો, તમને એક સુજ્ઞ નાગરિક તરીકે આની સામે વાંધો છે? વાંધો હોવો જોઈએ? અભિપ્રાય બનાવતા પહેલાં નીરક્ષીર વિવેક કરજો.

આની સામે હિન્દુત્વવાદીઓને વાંધો છે કારણ કે તેઓ દેશભક્તિ, રાષ્ટ્રવાદ, હિંદુઓને ન્યાય કે અન્યાયનું રાજકારણ કરે છે અને તેમાં પ્રાદેશિક પ્રશ્નો આડા આવે છે. યાદ રહે, પ્રાદેશિક પ્રશ્નો આડા આવે છે, પ્રાદેશિક પક્ષો તો તેનું પરિણામ માત્ર છે. પ્રાદેશિક અસ્મિતાભાવ અને પ્રાદેશિક પ્રશ્નોને કારણે બી.જે.પી.ને દક્ષિણ ભારતમાં પ્રવેશવા મળતું નથી. પૂર્વ ભારતમાં પણ જોઈએ એવો પ્રવેશ મળતો નથી અને જ્યાં પ્રવેશ મળ્યો છે ત્યાં કોને ખબર ક્યારે પ્રાદેશિક પ્રશ્ન હાવી થઈ જાય અને હિંદુ રાષ્ટ્રવાદને ખો મળે! ગુજરાત જેવાં બે-ચાર રાજ્યો છોડી દો તો ભારતમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક અસ્મિતા પ્રબળ છે અને ત્યાંના કેટલાક સ્થાનિક પ્રાદેશિક પ્રશ્નો છે જે રાજ્યના રાજકારણને પ્રભાવિત કરે છે. મહારાષ્ટ્ર હિન્દુત્વનું જન્મદાતા છે, પણ ગુજરાત તેનું પોષણકર્તા (હિન્દુત્વની લેબોરેટરી) છે એનું કારણ જ એ છે કે ગુજરાતમાં પ્રાદેશિક અસ્મિતાભાવ નહીંવત્‌ છે. હિંદુ રાષ્ટ્રવાદને ખો દેનારાં પ્રાદેશિક પરિબળો ગુજરાતમાં નથી, પણ મહારાષ્ટ્રમાં છે જ્યાં હિંદુરાષ્ટ્રની કલ્પનાનો જન્મ થયો છે.

પ્રણવ બર્ધન નામના એક વિદ્વાન અર્થશાસ્ત્રીએ સરસ નિરીક્ષણ કર્યું છે કે ૨૦૧૪માં વડા પ્રધાને દેશની જનતાને વચન આપ્યું હતું કે તેઓ વિકાસનું ગુજરાત મોડેલ ભારતમાં લાગુ કરશે. તેઓ સત્તામાં આવ્યા પછી તેમણે ગુજરાતનું વિકાસનું મોડેલ તો લાગુ કર્યું નહીં, પરંતુ ગુજરાતનું તિરસ્કારનું મોડેલ દેશભરમાં લાગુ કર્યું. દરેક માણસ પાસે તિરસ્કાર કરવા માટે બીજો એક માણસ હોવો જોઈએ. એટલા બધા અણગમા પેદા કરો કે પ્રાદેશિક અસ્મિતાઓ, એષણાઓ અને માગણીઓ, સંઘર્ષો અને તેનું રાજકારણ ઢબુરાઈ જાય. એટલે તો પ્રસિદ્ધ ‘ટાઈમ’ મેગેઝીને તેના કવર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ડિવાઈડર ઇન ચીફ’ તરીકે ઓળખાવ્યા હતા.

૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ભારતના બહુમતી મતદાતાઓએ તિરસ્કારના ગુજરાત મોડેલને માન્યતાની મહોર માર્યા પછી વન નેશન વન ઈલેકશન એ બીજો દાવ છે. યાદ રહે, ભારતના કુલ ૯૦ કરોડ મતદાતાઓમાંથી ૬૭ ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું એટલે કે અંદાજે ૬૦ કરોડ મતદાતાઓએ મત આપ્યા હતા. એમાંથી ૩૭.૪ ટકા મત બી.જે.પી.ને મળ્યા છે એનો અર્થ એ થયો કે અંદાજે ૨૦ કરોડ મતદાતાઓએ બી.જે.પી.ને મત આપ્યા હતા. આનો બીજો અર્થ એ થયો કે ૭૦ કરોડ મતદાતા સુધી હજુ પહોંચવાનું બાકી છે. હવે જો પ્રાદેશિક અસ્મિતાઓ, અસ્મિતાજન્ય એષણાઓ, પ્રાદેશિક સંઘર્ષો, માગણીઓ, માગણીઓ આધારિત પ્રાદેશિક રાજકારણ એમને એમ અકબંધ ચાલુ રહે તો ૭૦ કરોડ મતદાતાઓ સુધી પહોંચવું કેવી રીતે? એ સ્થિતિમાં રાષ્ટ્રવાદનો દીપક બુઝાઈ ન જાય એ માટે તેની રખેવાળી કરવાનું અને કમસે કમ એક દુ:શ્મન પાળવાનું રાષ્ટ્રીય રાજકારણ વિકસી ન શકે. ભારતના ૭૦ કરોડ નાગરિક હજુ છેટા છે જેને રાષ્ટ્રના રખેવાળ બનાવવાના છે અને કમસેકમ દેશના એક દુ:શ્મનને પાળતા કરવાના છે. 

ભારતના નાગરિક તરીકે આપણે નક્કી કરવાનું છે કે પ્રાદેશિક અસ્મિતાઓ, અસ્મિતાજન્ય એષણાઓ, ફરિયાદો, પ્રાદેશિક સંઘર્ષો, માગણીઓ, માગણીઓ આધારિત પ્રાદેશિક રાજકારણ જળવાઈ રહેવાં જોઈએ કે તેને કહેવાતા રાષ્ટ્રવાદની વેદીમાં હોમી દેવાં જોઈએ? રાષ્ટ્રવાદ એટલે હિંદુ રાષ્ટ્રવાદ એ ન ભૂલતા. તમને ફેડરલ ડિવાઈડ જોઈએ છે કે પછી સધર્મી-વિધર્મીના, આર્ય-અનાર્યના, દેશપ્રેમી-દેશદ્રોહીના નેશનલ ડિવાઈડ જોઈએ છે? વિચારી જુઓ તમારાં સંતાનોનું હિત કેવા ભારતમાં હશે. વિચારવાની શક્તિ ઓછી હોય તો કોઈ નીરક્ષીર વિવેક કરી શકનારાને પૂછી જુઓ કે કેવા પ્રકારનાં ભારતમાં તમારાં સંતાનોનું હિત જળવાવાનું છે? તમારે કેવું ભારત મૂકીને જવું જોઈએ? સમવાયી સંઘર્ષરત ભારત કે ધર્મના નામે આંતરિક સંઘર્ષ કરનારું ભારત?

બીજું, ફેડરલ ડિવાઈડ મોટા ભાગે હકીકતજન્ય હોય છે અને તેનો રાજકીય ઉપયોગ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠવાડા પછાત છે તો તેનાં ભૌગોલિક-રાજકીય નક્કર કારણો છે. મહારાષ્ટ્રમાં ખાંડનું કે ગુજરાતમાં મગફળીનાતેલનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે તો તેનાં નક્કર કારણો છે. દક્ષિણનાં રાજ્યોને હિન્દી ભાષા સામે વાંધો છે અને તેને તે આર્ય સંસ્કૃતિના આક્રમણ તરીકે જોઈ રહ્યા છે તો તેની પાછળ નક્કર કારણો છે. જમ્મુ અને કાશ્મીરમાં ડોગરાઓ અને કાશ્મીરીઓ વચ્ચેના પ્રશ્નો છે તો તેની પાછળનાં ભૌગોલિક-ઐતિહાસિક નક્કર કારણો છે. આખા દેશ પર નજર કરી જુઓ, ભારતનાં દરેક રાજ્યોને ભૌગોલિક-ઐતિહાસિક-સામાજિક પ્રશ્નોનો વારસો મળ્યો છે. આ સોળ આના જેવી નક્કર વાસ્તવિકતાઓ છે. આની સામે દેશપ્રેમ, દેશનો રખેવાળ, દેશનો દુ:શ્મન, રાષ્ટ્રવાદ વગેરે શુદ્ધ ભાવનીક કલ્પનાઓ છે. પાકિસ્તાન સામે ભારત મેચ જીતે ત્યારે દેશપ્રેમનો ઉભરો આવે અને બિહારમાં દોઢસો બાળક મરે ત્યારે શરમનો છાંટો ન અનુભવે એવો આ પેદા કરવામાં આવેલો કૃત્રિમ દેશપ્રેમ છે.

તો એક બાજુ નક્કર પ્રાદેશિક વાસ્તવિકતાઓ છે, તેના પ્રશ્નો છે, તેની આસપાસના સંઘર્ષો છે, તેનું રાજકારણ છે અને બીજી બાજુ ખાસ પેદા કરવામાં આવેલ ભય, અસલામતી લાગણી, દુ:શ્મની, રખેવાળી, શૌર્યભાવ વગેરે છે. પહેલા પ્રકારના નક્કર પ્રાદેશિક રાજકીય પ્રશ્નો હિંદુરાષ્ટ્રવાદની વચ્ચે આવે છે. 

અહીં સવાલ ઉપસ્થિત થવો જોઈએ કે બંધારણ ઘડવાવાળાઓએ ફેડરલ ઇન્ડિયાને કેમ આટલી બધી મોકળાશ આપી? શું તેઓ ઓછા દેશપ્રેમી હતા? તેઓ રાષ્ટ્રવાદી નહોતા? તેમને રાષ્ટ્રની ચિંતા નહોતી? કોઈ એવો સવાલ ઉપસ્થિત કરે કે વન નેશન વન ઈલેકશન કઈ રીતે રાજ્યોના પ્રશ્નોને ગૂંગળાવનારા છે? અન્ય રાજકીય પક્ષો કે પ્રાદેશિક પક્ષો પ્રાદેશિક પ્રશ્ને ચૂંટણી લડી શકે છે. તેમને કોઈ રોકવાનું નથી. આમ વિચારવું એ નાગરિકોનું ભોળપણ છે. બંધારણ ઘડનારા વડીલોના શાણપણ વિષે અને નાગરિકોના ભોળપણ વિષે વધુ ચર્ચા આવતા અઠવાડિયે.

20 જૂન 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2019

Loading

જેલ વિશેષ

કિરણ કાપૂરે|Gandhiana|22 June 2019

સ્વાતંત્ર્ય-ચળવળની પૃષ્ઠભૂમિમાં જઈએ તો જેલ એક મહત્ત્વનું ઠેકાણું બનીને ઊભરે છે. તે વખતના મોટાભાગના રાજકીય નેતાઓ અને ક્રાંતિકારીઓએ તેમના જીવનનો ખાસ્સો એવો સમય જેલમાં ગાળ્યો છે. અલબત્ત, ક્રાંતિકારીઓનો જેલવાસ રાજદ્વારી કેદીઓના જેલવાસની સરખામણીએ કપરો રહ્યો હતો. રાજદ્વારી કેદીઓનો જેલવાસ પ્રમાણમાં સહજ રહ્યો છે. ગાંધીજી, નેહરુ, સરદાર જેવા નેતાઓ તો જ્યારે જ્યારે જેલમાં ગયા છે, ત્યારે ત્યારે તેઓએ બહારના કોલાહલભર્યા વાતાવરણથી મુક્ત થયાનો અનુભવ કર્યો છે અને તેમણે પોતાના એ અનુભવને લખાણ દ્વારા વર્ણવ્યો પણ છે. માર્ચ, ૧૯૨૨માં ગાંધીજીને હિંદુસ્તાનમાં પ્રથમ વાર જેલ જવાનું થયું ત્યારે તેમણે ભાણેજ મથુરાદાસ ત્રિકમજીને એક પત્રમાં લખ્યું છે કે, “મારી શાંતિનો પાર નથી. અહીં તો ઘર જ છે. હજુ તો જેલ જેવું કંઈ લાગતું જ નથી. પણ જ્યારે મળનારા આવતા બંધ થશે ને જેલનો કંઈક દાબ પણ આવશે ત્યારે હું વધારે શાંતિ ભોગવવાનો, એ તો ખચીત માનજો.” અન્ય એક મિત્ર રેવાશંકર ઝવેરીને પણ ગાંધીજીએ જેલમાંથી લખેલા પત્રના શબ્દો છે : “હું તો ભારે શાંતિ ભોગવી રહ્યો છું”. આ જ ગાળામાં મહાદેવ દેસાઈ સહિત અન્ય પરિચિત લોકોને લખેલાં પત્રોમાં પણ જેલ વિશેનો સૂર કંઈક આવો જ ઝિલાયો છે. હિંદુસ્તાનમાં ગાંધીજીને થયેલો કારાવાસનો આ પ્રથમ અનુભવ તેમના જીવનનો પહેલો જેલવાસ ન હતો. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ દરમિયાન તેઓ અનેક વખત જેલમાં જઈ આવ્યા હતા અને ખાસ્સો લાંબો સમય ત્યાં વિતાવ્યો હતો. પાછળથી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના તેમના કારાવાસના અનુભવોનું વર્ણન કરીને 'ઇંડિયન ઓપિનિયન’માં સમયાંતરે લખ્યું હતું; જે લખાણો 'મારો જેલનો અનુભવ’ નામે પુસ્તક સ્વરૂપે પ્રગટ થયાં હતાં.

યરવડા જલે , જ્યાં ગાંધીજીએ કારાવાસ નો સૌથી વધુ સમય ગાળ્યો

સાબરમતી જેલના પ્રથમ કારાવાસ બાદ ગાંધીજીની અનેક વખત ધરપકડ થઈ અને તેમને અવારનવાર કારાવાસમાં જવાનું બન્યું. સ્વાતંત્ર્ય-ચળવળ દરમિયાન ગાંધીજી સૌથી લાંબો સમય પૂનાની યરવડા જેલમાં રહ્યા. આ જેલવાસના અનુભવો વિશે પણ તેમણે 'યંગ ઇન્ડિયા’ અને 'નવજીવન’માં વિગતે લખ્યું હતું, જે 'યેરવડાના અનુભવ’ નામે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું છે. ગાંધીજીના કારાવાસના અનુભવોનો અંતિમ અધ્યાય સુશીલા નય્યરે 'બાપુના કારાવાસની કહાણી'ના નામે લખ્યો છે. બ્રિટિશ હકૂમતની સામે લડતના છેવટના સંગ્રામમાં ૧૯૪૨ના ઑગસ્ટ માસની આઠમી તારીખથી ૧૯૪૪ની છઠ્ઠી મે સુધી તેમને આગાખાન મહેલમાં અટકમાં રાખવામાં આવ્યા હતા. આ એકવીસ માસ ગાંધીજીના જીવનનું તેમ જ હિંદની મુક્તિની લડતનું એક વિરલ પ્રકરણ છે. સુશીલા નય્યરના આ પુસ્તકમાંથી આપણને ગાંધીજીના જેલજીવનની સાથે-સાથે કસ્તૂરબા ગાંધી, સુશીલા નય્યર, સરોજિની નાયડુ, પ્યારેલાલ, મહાદેવભાઈ દેસાઈના જેલજીવનના રોજિંદા ક્રમની વિગતો મળી રહે છે. પ્રસ્તુત પુસ્તકમાંથી 'જેલમાં બાપુની પહેલી વરસગાંઠ' નામનું એક પ્રકરણ મૂક્યું છે.

આમ, ગાંધીજીના જીવનમાં કારાવાસના અનુભવની લાંબી કહાણી છે, જેને ગાંધીજીએ પોતે જ શબ્દબદ્ધ કરી છે. જો કે આ સિવાય પણ ગાંધીજીનું જેલમાંથી સર્જાયેલું સાહિત્ય અને પત્રવ્યવહાર વિપુલ છે, જેનો ક્યાસ કાઢવો એ સંશોધનનો વિષય છે. ગાંધીજીની માફક આઝાદીના અન્ય લડવૈયાઓએ પણ પોતાના જેલવાસના અનુભવો પોતાના લખાણમાં ઉતાર્યાં છે. કાકાસાહેબ કાલેલકરે તો સાબરમતી જેલના નિસર્ગને શબ્દબદ્ધ કરીને 'ઓતરાતી દીવાલો' નામનું ઉમદા પુસ્તક આપ્યું છે. આઝાદીની લડતના અગ્રણી અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જેલજીવનના હિસ્સાને આત્મકથામાં મહત્ત્વ આપીને સમાવ્યો છે.

ગાંધીજીની જેમ જવાહરલાલ નેહરુ અને મહાદેવભાઈ દેસાઈએ પણ તેમના જેલવાસ દરમિયાન ઘણુંબધું લખ્યું અને વાંચ્યું છે. તેમના એ અનુભવો વાંચ્યા બાદ તો એક વેળા મન એ સ્વીકારવા સુધી પણ લલચાય છે કે વ્યક્તિના જીવનનો સૌથી ઉત્તમ તબક્કો તેની જાત સાથેના આવા એકાંતનો જ હશે! જવાહરલાલ નેહરુએ આત્મકથા કારાવાસમાં જ લખી છે, જેની પ્રસ્તાવનામાં તેઓ નોંધે છે : "આ પુસ્તક લખવાનો મૂળ હેતુ એ હતો કે જેલજીવનના એકાંતના લાંબા સમયમાં અતિશય આવશ્યક એવું કાંઈક નિશ્ચિત કાર્ય ઉપાડી લઈને મારો સમય ભરી દેવો." નારાયણભાઈ દેસાઈએ તો પિતાના જીવનવૃત્તાંત 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'માં મહાદેવભાઈ દેસાઈના કારાવાસ કાળના પ્રકરણને 'સત્યાગ્રહીનું સાધના-સ્થળ : કારાવાસ’ એવું રૂપાળું નામ પણ આપ્યું છે, જેમાંથી પણ અહીં કેટલાક અંશ ટાંક્યા છે.

પોતાની જેલયાત્રા દરમિયાન સાહિત્યસર્જન કરનારા સત્યાગ્રહીઓમાં એક નામ સરદાર પટેલનું પણ આવે છે. પત્રો સિવાય ભાગ્યે જ કશું લખનારા સરદાર પટેલે સાબરમતી જેલમાં તેમના દોઢ મહિનાના કારાવાસ દરમિયાન ડાયરી લખી છે. આ લખાણ આજે 'સરદારની જેલ-ડાયરી' નામે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે.

જેલસાહિત્યમાં આ સિવાય પણ તે કાળની અને તે પહેલાંના-પછીના કાળની અનેક વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે છે, પણ અહીંયાં આપણે ઉપર આપેલાં પુસ્તકોનાં પસંદગીનાં પ્રકરણો સમાવ્યાં છે.

જેલ અને નવજીવનનો અનુબંધ ગાંધી સાર્ધશતાબ્દી વર્ષમાં વધુ ગાઢ થયો છે તે કારણે પણ જેલ વિશેનો એક સ્વતંત્ર અંક કરવાનું વિચારાયું હતું. સાબરમતી મધ્યસ્થ જેલ સાથે નવજીવનના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, જેમાં બંદીવાનો દ્વારા દોરાયેલાં ચિત્રોની પ્રદર્શની, બંદીવાનો દ્વારા ગણપતિની મૂર્તિઓનું નિર્માણ, મહિલા બંદીવાનો માટે સેનિટેશન પેડનાં ઉત્પાદનના સાધનમાં સહાય, ગાંધી અને સરદાર કથા, બંદીવાનો અર્થે જેલમાં જ ચાલી રહેલો પ્રૂફરીડિંગ અને પત્રકારત્વનો કોર્સ અને સાથે સાથે કર્મ કાફે પર બંદીવાનો દ્વારા થતાં ગાંધીભજન. નવજીવન અને સાબરમતી મધ્યસ્થ જેલનો આ અનુબંધ વધુ મજબૂત બની રહ્યો છે. આને જ અનુલક્ષીને સ્વાતંત્ર્ય-સેનાનીઓના જેલ-અનુભવ અંગેનો અંક તૈયાર કર્યો છે. આશા છે કે આપણા આગેવાનોના જેલના અનુભવ સૌને વાંચવા ગમશે.

(સંપાદકીય)

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 147-149

Loading

લોકપ્રતિનિધિઓ પાસેથી ગાંધીજીની અપેક્ષા

ગાંધીજી|Opinion - Opinion|22 June 2019

સત્તરમી લોકસભાનાં પરિણામ આવી ચૂક્યાં છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની આવનારાં પાંચ વર્ષ સુધી શી ભૂમિકા રહેશે, તે ટૂંક સમયમાં નિશ્ચિત થશે. દેશની અંદાજિત એકસો પાંત્રીસ કરોડની વસ્તી સામે સંસદમાં ૫૪૫ સભ્યો ચૂંટાઈને આવે છે. આ સભ્યો પર દેશની સ્થિતિ અને પાંચ વર્ષનો સમય જોતાં જંગી કાર્યબોજ હોય છે. આ કાર્યબોજને પહોંચી વળવા માટે જ સંસદસભ્યોને વિશેષ અધિકારો અને સવલતો મળે છે. જો કે, જનપ્રતિનિધિઓને જમીની સ્તરે જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે તેઓ તેમાં મહદંશે ઊણા ઊતરે છે, અને તેમાં અપવાદ કહી શકાય તેવા સંસદસભ્યોનો આંકડો ત્રણ ડિજિટ સુધી ય પહોંચતો નથી! સંસદસભ્યોના પક્ષે થઈ રહેલી પ્રજાનાં કાર્યોની સતત ઉપેક્ષાને પ્રજાની અપેક્ષા સુધી પહોંચાડવી હોય તો ગાંધીજીનાં કેટલાંક લખાણો ઉપયોગી થાય એમ છે. આ લખાણ હરિપ્રસાદ વ્યાસે સંપાદિત કરેલાં પુસ્તક 'ગાંધીજીની અપેક્ષા'[લોકપ્રતિનિધિઓ પાસે રાષ્ટ્રપિતાએ રાખેલી અપેક્ષા]માં ક્રમવાર જોવા મળે છે. આ પુસ્તક હાલ ગુજરાતીમાં તો ઉપલબ્ધ નથી [હિન્દીમાં गांधीजी की अपेक्षा અને અંગ્રેજીમાં Gandhiji’s Expectationsના નામે ઉપલબ્ધ છે] પણ તેમાંથી કેટલાંક સંપાદિત થયેલાં લખાણ આજે ય પ્રસ્તુત છે. કેટલીક વાતો તો પ્રજાના પ્રતિનિધિઓ માટે દીવાદાંડી સમાન બને એમ છે. …

•••

આપણે લાંબા વખતથી એમ માનવાને ટેવાયા છીએ કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હું આપણી એક ગંભીર ભૂલ માનતો આવ્યો છું. એ ભ્રમનું કારણ કાં તો આપણી જડતા છે, કાં તો અંગ્રેજોના રીતરિવાજોએ આપણા પર જે ભૂરકી નાખી છે તે છે. બ્રિટિશ લોકોના ઇતિહાસના ઉપરચોટિંયા અભ્યાસ પરથી આપણે એવું સમજ્યા છીએ કે, રાજ્યતંત્રની ટોચે આવેલી પાર્લમેન્ટોમાંથી સત્તા ઝમીને પ્રજાની અંદર ઊતરે છે. સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે, લોકોની હોય છે, અને લોકો પોતાના પ્રતિનિધિઓ તરીકે વખતોવખત જેમને પસંદ કરે છે તેમને તેટલા વખત પૂરતી તેની સોંપણ કરે છે. અરે, લોકોથી સ્વતંત્ર એવી પાર્લમેન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી. છેલ્લાં એકવીસથીયે વધારે વર્ષોથી આટલી સીધીસાદી વાત લોકોને ગળે ઉતારવાને હું મથ્યા કરું છું. સત્તાનો અસલ ભંડાર તો સત્યાગ્રહ અથવા સવિનયભંગની તાકાત છે. એક આખી પ્રજા પોતાની ધારાસભાના કાયદાઓ પ્રમાણે ચાલવાનો ઇનકાર કરે છે, અને એવા સવિનયભંગનાં પરિણામો વેઠવાને તૈયાર થાય તો શું થાય તેની કલ્પના કરો! એવી પ્રજા સરકારના ધારાસભાના ને વહીવટી તંત્રને આખું ને આખું થંભાવી દેશે. સરકારનું પોલીસનું ને લશ્કરનું બળ, ગમે તેવી જબરી હોય તો પણ લઘુમતીને દબાવવા પૂરતું જ કામ આવે છે. પણ આવી પડે તે બધું સહન કરવાને જે આખી પ્રજા તૈયાર હોય તેના દૃઢ સંકલ્પને નમાવવા કોઈ પોલીસની કે લશ્કરની જબરજસ્તી કામ આવતી નથી.

°

… ધારાસભાઓમાં બેસનારા સભ્યોને મળતો પગાર અને ભથ્થાં, તે લોકો દેશનું જે કામ કરે છે, તેના પ્રમાણમાં અત્યંત વધારે પડતાં છે. જે દેશ દુનિયામાં સૌથી ગરીબ છે, તેની સામાન્ય આવક સાથે જરાયે મેેળ ન ખાય એવા પગારો ને ભથ્થાંના એ દર અંગ્રેજી નમૂનાને ધોરણે મુકરર થયેલા છે. તેથી … હું એવું સૂચવું છું કે, પ્રધાનોએ પોતપોતાની ધારાસભાની સંમતિ મેળવી, જરૂરિયાતો નજરમાં રાખી, એ બધા દર ઉતારી નાખવા, અને દરમિયાન સભ્યે, પોતે જે પક્ષનો હોય તેને પોતાને મળતી આખી રકમ આપી દઈ પક્ષ જે ઠરાવી આપે તેટલું જ લેવાનું રાખવું; અને એમ ન બની શકે, તો પોતાનું અંતઃકરણ કહે તે મુજબ કેવળ પોતાને માટે તેમ જ પોતાના કુટુંબને માટે વાજબી લાગે તેટલું જ રાખી, બાકીની રકમ રચનાત્મક કાર્યક્રમના એકાદ અંગના અમલમાં અથવા એવી જ કોઈ જાહેર સેવાની પ્રવૃત્તિમાં વાપરવી. જે પગાર અને ભથ્થાંની રકમ લેવાની છૂટ છે, તે લેવી જ પડે એવી સ્થિતિ હોય એ ખરું, પણ તેથી જરૂર હોય તેથી વધારે વાપરી ખાવાની જબરજસ્તી થોડી જ છે? સાધ્ય સારું હોય તો ગમે તેવું સાધન ચાલે, એ મુદ્દો આમાં ક્યાંયે આવતો નથી.

°

સાદાઈ આ પ્રધાનો તેમના પ્રાંતોના વહીવટમાં દાખલ કરે એવી આશા રાષ્ટ્ર એમની પાસેથી રાખશે. એ સાદાઈની એમને શરમ ન આવવી જોઈએ, તેઓ એમાં ગૌરવ માને. આપણે જગતની ગરીબમાં ગરીબ પ્રજા છીએ, અને આપણે ત્યાં કરોડો માણસો અડધો ભૂખમરો વેઠે છે. એવા દેશના પ્રતિનિધિઓએ પોતાને ચૂંટનાર મતદારોના જીવનની જોડે જેનો કશો જ મેળ ન હોય એવી ઢબે ને એવી રહેણીએ રહેવાય જ નહીં. વિજેતા અને રાજ્યકર્તા તરીકે આવનાર અંગ્રેજોએ જે રહેણીનું ધોરણ દાખલ કર્યું તેમાં જિતાયેલા અસહાય લોકોનો બિલકુલ વિચાર કર્યો નહોતો.

°

પ્રધાનો જો તેમને ૧૯૨૦થી વારસામાં મળેલી સાદાઈ અને કરકસર કાયમ રાખશે તો તેઓ હજારો રૂપિયા બચાવશે, ગરીબોનાં દિલમાં આશા પેદા કરશે, અને સંભવ છે કે સરકારી નોકરોની ઢબછબ પણ બદલાવશે. મારે એ તો બતાવવાની જરૂર ભાગ્યે જ હોય કે સાદાઈનો અર્થ એ નથી કે મેલાઘેલા રહેવું. સાદાઈમાં જે સુંદરતા ને કળા રહેલી છે તે ઊડીને આંખે વળગે એવી હોય છે. સ્વચ્છ, સુઘડ ને ગૌરવશીલ રહેવાને સારુ પૈસા બેસતા નથી. આડંબર તથા દબદબો અને અશિષ્ટતા એ ઘણી વાર એક જ અર્થના શબ્દો થઈ પડે છે.

°

પ્રધાનપદ એ કેવળ સેવાનાં દ્વાર છે, અને જેમને એ કામ સોંપવામાં આવે તેમણે તે પ્રસન્નતાપૂર્વક અને પોતાની બનતી બધી શક્તિ વાપરીને એ સેવા કરવી જોઈએ. એટલે આ હોદ્દાઓને વિશે પડાપડી તો કદી કરાય જ નહીં. અનેક માણસોના સ્વાર્થોને સંતોષવાને સારુ પ્રધાનોની જગાઓ ઊભી કરવી એ તો તદ્દન ગેરવાજબી ગણાય. હું મુખ્ય પ્રધાન હોઉં અને મને આવી માગણી કરનારાઓ આવીને પજવ્યા કરે તો મને ચૂંટનારાઓને કહી દઉં કે તમે બીજો આગેવાન ચૂંટી લો. આ હોદ્દાઓ તો ગમે ત્યારે છોડી દેવા પડે એમ માનીને રાખવાના છે; એને બાથ ભીડીને બેસી જવાનું નથી. એ તો કાંટાના મુગટ હોવા જોઈએ, કીર્તિના કદી નહીં. એ હોદ્દા આપણે લીધા છે તે તો એટલા માટે કે એનાથી આપણા ધ્યેય પ્રત્યે વધારે વેગથી કૂચ કરવાની શક્તિ આપણને મળે છે કે નહીં એ આપણે જોવું છે. જો સ્વાર્થી લોકો અથવા અવળે રસ્તે દોરાયેલા અતિ ઉત્સાહી માણસો મુખ્ય પ્રધાનો પર જબરદસ્તી કરીને ચડી બેસે એવું બનવા દઈએ તો એ મહા ખેદજનક વસ્તુ થઈ જાય. જેઓને આખરે પ્રધાનોના હાથમાં સત્તા સોંપવાનો અધિકાર છે એમની પાસેથી ખોળાધરી લેવી જો આવશ્યક હતી, તો આપણા પક્ષના માણસો પાસેથી સમજ, અડગ, વફાદારી ને ઐચ્છિક નિયમપાલનની ખોળાધરી લેવી બમણી આવશ્યક છે.

°

સૌથી સચોટ કસોટી તો એ છે કે જે પક્ષે મુખ્ય પ્રધાનોની ચૂંટણી કરી છે તે પક્ષના સભ્યોને પ્રધાનોની થયેલી પસંદગી ગમવી જોઈએ. કોઈ પણ મુખ્ય પ્રધાન પોતાની પસંદગીના પુરુષ કે સ્ત્રીનો પક્ષની પાસે પરાણે સ્વીકાર કરાવી ન શકે. એ આગેવાન એટલા માટે છે કે શક્તિ, માણસો વિશેનું જ્ઞાન, અને નેતાપદને માટે આવશ્યક બીજા ગુણો એનામાં છે એવો એના પક્ષનો એના પર પૂરેપૂરો વિશ્વાસ છે.

°

પ્રધાનો સાદાઈથી રહે ને સખત કામ કરે એટલું બસ નથી. તેઓ જે ખાતાં પર કાબૂ ધરાવે છે તે પણ એવી વૃત્તિમાં સામેલ થાય એ એમણે જોવાનું રહ્યું છે. એટલે ન્યાય સસ્તો થવો જોઈએ ને જલદી મળવો જોઈએ. આજે તો એ ધનવાનોના શોખની ને જુગારીની મોજની વસ્તુ છે. પોલીસો પ્રજાને ડરાવનારા નહીં પણ પ્રજાના મિત્ર હોવા જોઈએ. કેળવણીમાં ધરમૂળથી એવો પલટો થવો જોઈએ કે જેથી દેશને ચૂસનાર સામ્રાજ્યવાદીની નહીં પણ ગરીબમાં ગરીબ ગ્રામવાસીની જરૂરિયાત પૂરી પાડે.

°

… પ્રધાનોને સિવિલ સર્વિસની સંગઠિત કાર્યશક્તિનો ઉપયોગ તેમની નીતિનો અમલ કરવા માટે મળવો જ જોઈએ. ગમે તેવા મનસ્વી ગવર્નરો અને વાઇસરોયે ઠરાવેલી રાજ્યનીતિને અમલમાં ઉતારવાનું સરકારી નોકરવર્ગ શીખેલો છે. પ્રધાનો ઠીક ઠીક વિચાર કરીને ઘડેલી પણ નિશ્ચિત રાજ્યનીતિ નક્કી કરે, અને સરકારી નોકરવર્ગ તેના વતી અપાયેલાં વચનો પણ સાચાં પાડે ને જે લૂણ ખાય છે તેને વફાદાર નીવડે.

°

વ્યક્તિ તરીકે પ્રધાન મુખ્યત્વે પોતાને ચૂંટનાર મતદારોને જવાબદાર છે. જો તેની ખાતરી થાય કે પોતે એ મતદારોનો વિશ્વાસ ગુમાવી બેઠો છે અથવા તો પોતે જે વિચારોને સારુ ચૂંટાયેલો તે વિચારો પોતે બદલ્યા છે, તો તે રાજીનામું આપે. પ્રધાનો મંડળ તરીકે ધારાસભાના સભ્યોની બહુમતીને જવાબદાર છે, અને એ સભ્યો એમના પર અવિશ્વાસનો ઠરાવ પસાર કરીને કે એવી બીજી રીતે પ્રધાનોને હોદ્દા પરથી ખસેડી શકે છે.

°

પ્રધાનોએ લોકોને મળવું જ જોઈએ. તેમના સદ્દભાવ ઉપર જ તેમની હસ્તીનો આધાર છે. હળવી તેમ જ ગંભીર બધી ફરિયાદો તેમણે સાંભળવી જ જોઈએ. પરંતુ બધાનું અથવા તેમને મળેલા પત્રોનું અથવા તો તેમણે આપેલા નિર્ણયોનું પણ તેઓ દફ્તર ન રાખે તો ચાલે. પોતાની સ્મૃતિને તાજી કરવા પૂરતું તથા નક્કી કરેલી પ્રથાને ચાલુ રાખવા પૂરતું જરૂરી દફ્તર જ તેઓ રાખે. ખાતાની રૂએ ચાલતો ઘણોખરો પત્રવ્યવહાર બંધ થવો જોઈએ …. તેઓ તો આ દેશમાં વસતા પોતાના કરોડો શેઠના ગુમાસ્તા છે.

°

પ્રધાનો અને પ્રાંતિક ધારાસભાના સભ્યો પ્રજાના સાચા સેવક હોવા જોઈએ, મુખી કે શેઠ નહીં. જો તેઓ પગારનું સરકારી ધોરણ સ્વીકારે તો તેઓ ખુએ. અમુક પગાર બધાને મળી શકે છે માટે તે બધાએ લેવો જ જોઈએ એમ નથી. પગારનું ધોરણ મર્યાદા બાંધવા પૂરતું જ છે. કોઈ શ્રીમંત માણસ પૂરો પગાર અથવા તો તેનો અંશમાત્ર પણ લે તો તે હાસ્યાસ્પદ ગણાય. જે વગર પગારે સેવા નથી આપી શકતા તેને માટે પગાર છે. દુનિયામાં ગરીબમાં ગરીબ પ્રજાના તેઓ પ્રતિનિધિ છે. ગરીબોના પૈસામાંથી તેમનો પગાર નીકળે છે. આ મુખ્ય વસ્તુ ધ્યાનમાં રાખીને તેઓએ જીવવાનું છે ને રાજતંત્ર ચલાવવાનું છે.

°

પ્રધાનોના દિલમાં અસ્પૃશ્યતાના, નાતજાતના કે મારું તારું એવો ભેદભાવ ન હોય. કોઈની જરા પણ લાગવગ ક્યાં ય ન ચાલવી જોઈએ. સત્તાધારીને મન પોતાનો સગો ભાઈ, કે એક સામાન્ય ગણાતો શહેરી, કારીગર, મજૂર, બધા જ સરખા હોવા જોઈએ.

°

અંતરનાદને વશ વર્તીને ચાલનાર પ્રધાનને માનપત્રો અને બીજાં માનપાન લેવાનો કે અતિશયોક્તિવાળી કે યોગ્ય સ્તુતિવાળાં ભાષણ કરવાનો વખત હોય જ નહીં. અથવા જે મુલાકાતીઓને પોતે બોલાવ્યા ન હોય કે જેઓ પોતાના કામમાં મદદ કરે એમ લાગતું ન હોય તેવાઓ જોડે વાતો કરવા બેસવાનો વખત હોય નહીં. સિદ્ધાંતની દૃષ્ટિએ જોતાં તો લોકશાહીનો આગેવાન હંમેશાં પ્રજાનો બોલાવ્યો તેમને મળવા કે ગમે ત્યાં જવા તત્પર રહેશે. એ એમ કરે એ યોગ્ય જ છે. પણ પ્રજાએ એને માથે મૂકેલા કર્તવ્યમાં ક્ષતિ આપવા દઈને તેમ કરવાની ધૃષ્ટતા તે ન કરે. પ્રધાનોને જે કામ સોંપાયેલું છે તેમાં જો તેઓ પારંગત નહીં થાય કે પ્રજા તેમને પારંગત નહીં થવા દે તો પ્રધાનોની ફજેતી થશે.

°

કાયમના અમલદારો પ્રધાનોની આગળ જે કાગળો મૂકે તે વાંચવા ને સહી કરવી એટલું જ કામ જો પ્રધાનો પાસે હોત તો એ તો સહેલ વાત હતી. પણ દરેક કાગળનો અભ્યાસ કરવો અને નવી-નવી કાર્યપ્રણાલી વિચારી કાઢવી ને તેને અમલમાં ઉતારવી એ સહેલું કામ નથી. પ્રધાનોએ સાદાઈ ધારણ કરી એ આરંભ તરીકે આવશ્યક હતું. છતાં જો તેઓ આવશ્યક ઉદ્યોગ, શક્તિ, પ્રામાણિકતા, નિષ્પક્ષપણું અને વિગતો ઉપર કાબૂ મેળવવાની અગાધ શક્તિ નહીં બતાવે તો એકલી સાદાઈ એમને કંઈ કામ આવવાની નથી.

°

પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાના દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી સંમતિથી થતું હિંદુસ્તાનનું શાસન એટલે સ્વરાજ.

આધુનિક જમાનાના સંપૂર્ણ હકવાળી પાર્લમેન્ટથી હિંદુસ્તાનનું રાજ્યતંત્ર ચાલે એને હું સ્વરાજ કહું છું.

આજે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિંદુસ્તાનની પ્રજાની ઇચ્છા પ્રમાણેનું પાર્લમેન્ટરી ઢબનું સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી.

એવી પાર્લમેન્ટ આપણને ન મળે તો આપણે અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ થઈ જઈએ. …

###

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 181-184

Loading

...102030...2,7982,7992,8002,801...2,8102,8202,830...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved