Opinion Magazine
Number of visits: 9685000
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણ નીતિઃ કેટલી રાષ્ટ્રીય, કેટલી નવી?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 July 2019

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૧૯નો મુસદ્દો આજકાલ ચર્ચામાં છે. બી.જે.પી. સરકારે ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તાનું સુકાન સંભાળ્યું તે પછી તરત જ નવી શિક્ષણ નીતિ ઘડવાનું કામ હાથ ધર્યું હતું. દેશભરમાંથી જે ૨૯ હજાર સૂચનો મળ્યાં હતાં તેનો અભ્યાસ કરી શિક્ષણનીતિનો મુસદ્દો તૈયાર કરવા માટે સરકારે પૂર્વ કેબિનેટ સચિવ ટી.એસ.આર. સુબ્રમણ્યમ્‌ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ૨૦૧૬માં નવી શિક્ષણ નીતિનો મુસદ્દો સરકારને સોંપ્યો હતો, પરંતુ સરકારે તે જાહેર કરવાને બદલે ઈસરોના પૂર્વ ચેરમેન ડો. કે. કસ્તૂરીનંદનના અધ્યક્ષપદે સમિતિની રચના કરી અને તેને સુબ્રમણ્યમ્‌ સમિતિની ભલામણો ચકાસવા સહિત શિક્ષણનીતિનો મુસદ્દો નવેસરથી ઘડવાનું કામ સોંપ્યું હતું. જે હવે આપણી સામે છે.

૧૯૪૮માં યુનિવર્સિટી શિક્ષણ માટેના ડો.રાધાકૃષ્ણન્‌ પંચ અને ૧૯૫૨ના એલ. મુદલિયારના અધ્યક્ષપદ હેઠળના માધ્યમિક શિક્ષણ પંચ પછી ૧૯૬૪માં રચાયેલા કોઠારી કમિશનના રિપોર્ટ પરથી ૧૯૬૮માં સર્વગ્રાહી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અસ્તિત્વમાં આવી હતી. તેના પોણા બે દાયકા બાદ ૧૯૮૬માં નવી શિક્ષણનીતિ ઘડાઈ હતી. ૧૯૯૦માં આચાર્ય રામમૂર્તિ અને ૧૯૯૨માં યશપાલ સમિતિએ ૧૯૮૬ની શિક્ષણ નીતિની સમીક્ષા કરી હતી. તે પછીના સવા ત્રણ દાયકે હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવાનું હાથ પર લેવાયું છે.

અંગ્રેજોની શિક્ષણ નીતિનો ઉદ્દેશ ગુલામી ચાલુ રાખી કારકુનો પેદા કરવાનો હતો. ગાંધીજીની નઈ તાલીમનો ઉદ્દેશ આઝાદી સાથે હાથ અને હૈયાની કેળવણીનો હતો. સ્વાતંત્ર્યોત્તર ભારતના શૈક્ષણિક ઇતિહાસમાં મહત્ત્વના કદમસમી ૧૯૬૮ની શિક્ષણનીતિ, રાષ્ટ્રીય પ્રગતિ, સહિયારા નાગરિકત્વની ભાવના અને સંસ્કૃતિને વેગ આપવાનો તેમ જ રાષ્ટ્રીય ઐક્ય સુદૃઢ કરવાનો હેતુ ધરાવતી હતી. શિક્ષણના સાર્વત્રીકરણ કે સૌના માટે શિક્ષણનો હેતુ ધરાવતી ૧૯૮૬ની શિક્ષણનીતિ માનવમૂલ્યો અને સામાજિક ન્યાય પ્રત્યે દૃઢપણે વચનબદ્ધ થવાના ઉદ્દેશ સાથે નવા પડકારો અને સામાજિક જરૂરિયાતોના સંદર્ભને તાકતી હતી. ઈન્ટરનેટ ક્રાંતિ પછીની ૨૦૧૯ની હાલની શિક્ષણનીતિ ભારત કેન્દ્રિત શિક્ષણવ્યવસ્થાની કલ્પના કરે છે. આ શિક્ષણનીતિ ભારતને જ્ઞાનસમાજ (નોલેજ સોસાયટી) બનાવવાના ઉદ્દેશ સાથે ન્યાયસંગત અને નિષ્પક્ષ સમાજ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે.

ભારતની શિક્ષણનીતિ, માળખું અને પદ્ધતિમાં ધરખમ સુધારા સૂચવતો હિંદીમાં ૬૪૮ પૃષ્ઠોનો રાષ્ટ્રીય શિક્ષણનીતિનો વર્તમાન મુસદ્દો શાળેય શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, અન્ય મુખ્ય ફેક્સ ક્ષેત્ર અને શિક્ષણમાં પરિવર્તન એવા મુખ્ય ચાર ભાગમાં વહેંચાયેલો છે. પૂર્વેના કોઈ પણ એજ્યુકેશન કમિશન કરતાં આ કમિશને પ્રાથમિક શિક્ષણ પર સવિશેષ ભાર મૂક્યો છે. ૭+૪ અને ૧૦+૨ના માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માળખાને બદલે કસ્તૂરીનંદન સમિતિએ ૫+૩+૩+૪નું શિક્ષણ માળખું સૂચવ્યું છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણને તેણે શિક્ષણના મૂળભૂત માળખામાં સ્થાન અપાવ્યું છે. ૪થી ૮ વરસના બાળક માટે પ્રથમ તબક્કાનું પાયાનું શિક્ષણ, ૯થી ૧૧ વરસના બાળકનું ૩, ૪, ને ૫ ધોરણનું પ્રાથમિક શિક્ષણ, ૧૨થી ૧૪ વરસ માટે ૬, ૭, અને ૮ ધોરણનું ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ અને ૧૫થી ૧૮ વરસના કિશોરો માટે ૯થી ૧૨ ધોરણના માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણની ભલામણ કરી છે. નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર ૬થી ૧૪ વરસનાં બાળકોને અપાયેલો છે. તેનો વ્યાપ વધારીને સમિતિએ ૩થી ૧૮ વરસનાં બાળકોને શિક્ષણનો અધિકાર આપવા ભલામણ કરી છે. મધ્યાહ્ન ભોજન ઉપરાંત માધ્યમિક શાળાઓનાં ૧૨ કરોડ બાળકોને માટે સવારનો નાસ્તો આપવા સૂચવ્યું છે. ૩ વરસ પૂર્ણ કરનાર બાળકના પૂર્વ પ્રાથમિક શિક્ષણની જવાબદારી સરકારના શિરે મૂકી છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંપૂર્ણપણે પુસ્તકોથી મુક્ત અને તે પછીના પ્રાથમિક શિક્ષણમાં મૂળભૂત સાક્ષરતા એટલે ભાષા અને ગણનના જ્ઞાન પર ભાર મૂક્યો છે. ગોખણમાંથી મુક્તિ અપાવતી શિક્ષણ પદ્ધતિ અને તેને અનુરૂપ અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિનો આગ્રહ છે. બાળકોને ભણતર પ્રત્યે આકર્ષણ થાય તેવા આકર્ષક વર્ગખંડો અને શિક્ષકોની અપેક્ષા છે. બુનિયાદી સગવડોથી સજ્જ શાળા પરિસરો ઊભાં કરવાની ભલામણ કરી છે.

માત્ર શિક્ષણ નહીં પણ બાળકોમાં સર્જનાત્મકતા વિકસાવે તેવા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શિક્ષકોની નિમણૂક પદ્ધતિ વધુ કઠિન અને પારદર્શી બનાવવા ચાહ્યું છે. માધ્યમિક શિક્ષકો માટેનો બી.એડ.નો અભ્યાસક્રમ ચાર વરસનો કરવાની, શિક્ષકોની સતત તાલીમ અને પુસ્તકિયા શિક્ષણના વિકલ્પ સાથે વિષય પસંદગીના વિકલ્પો આપ્યા છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવા સાથે ત્રિભાષા ફેર્મ્યુલા લાગુ પાડવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણને વધુ ઉદાર, લિબરલ આર્ટ્સ અને વિષય પસંદગીમાં વિવિધતા આપવાની ભલામણ છે. સ્નાતક કક્ષાનું શિક્ષણ ૪ વરસનું અને વિકલ્પે ૨ કે ૩ વરસનું સૂચવ્યું છે. જય વિજ્ઞાન અને જય અનુસંધાનના મંત્રને સાકાર કરવા સંશોધન પર ખાસ ભાર મૂક્યો છે. રિસર્ચ માટે પૂરતી નાણાકીય જોગવાઈ સાથેના રાષ્ટ્રીય પંચની સ્થાપના કરવાની ભલામણ છે. વડા પ્રધાનના અધ્યક્ષસ્થાને નેશનલ એજ્યુકેશન કમિશનની રચના કરવાની ભલામણ કરાઈ છે. તેને કારણે શિક્ષણની સ્વાયત્તતા અને સ્વતંત્રતાને વણછો લાગવાની દહેશત રહે છે. શિક્ષણના વિકાસ માટે સરકારો પૂરતાં નાણાં ફળવતી નથી તે સૌથી મોટો અવરોધ છે. કોઠારી કમિશને છેક ૧૯૬૮માં જી.ડી.પી.નાં ૬ % નાણાં શિક્ષણ માટે ફાળવવા ભલામણ કરી હતી. કેન્દ્રની કોઈપણ પક્ષની સરકારે જી.ડી.પી.ના ૩ %થી વધુ નાણાં ફળવ્યાં નથી. હવે હાલની શિક્ષણ નીતિમાં પણ જી.ડી.પી.ના ૬ %ની ભલામણ કે હાલના કુલ ખર્ચના ૧૦ %ને આગામી દસ વરસોમાં ક્રમશઃ વધારીને ૨૦% કરવાની ભલામણ છેતરામણી છે. અપૂરતી નાણાકીય જોગવાઈથી અમલ શક્ય નથી. ૨૦૧૯ની રાષ્ટ્રીય શિક્ષણનીતિ આગામી દોઢ બે દાયકા સુધી અમલી રહેશે તેવો આશાવાદ સેવાય છે. સમિતિએ તેની ભલામણો માટે ૨૦૩૫ સુધીની ટાઈમલાઈન આપી છે. ૧૯૬૮, ‘૮૬ કે ‘૯૨ની શિક્ષણ નીતિની ભલામણોનો હજુયે અમલ થયો નથી ત્યારે શિક્ષણના અધિકારનો દાયરો વિસ્તારવા સહિતની ભલામણો લાગુ પાડવા ભારે બહુમતીની નહીં દૃઢ રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે. ત્રિભાષાના મુદ્દે સરકારે આરંભે જ પીછેહઠ કરી છે. શિક્ષણ સમવર્તી યાદીનો વિષય છે અને અમલ રાજ્ય સરકારોએ કરવાનો છે ત્યારે આ શિક્ષણનીતિ કેટલી રાષ્ટ્રીય બની રહેશે તે પણ સવાલ છે. બહુ કનડતી સેમેસ્ટર સિસ્ટમ ચાલુ રહેવાની હોય, શિક્ષણનું વ્યાપારીકરણ અટકવાનું ન હોય, વ્યાવસાયિક શિક્ષણના નામે કશું નવું થવાનું ન હોય, ગામડાં, ખેડૂતો અને ગરીબોને શિક્ષણનીતિમાં ઉચિત સ્થાન ન હોય તો તેનાથી ઝાઝો ફેર પડશે નહીં. અંગ્રેજોના જમાનાથી ચાલ્યો આવતો જૂન માસથી શૈક્ષણિક વરસનો આરંભ કેટલો ઉચિત છે તેનો કોઈ પંચ વિચાર સુધ્ધાં ન કરે તે કેવું ?

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 10 જુલાઈ 2019

Loading

દુર્ઘટના પછી મળતી રાહત, શાસનની નિષ્ફળતાને ઢાંકવા માટે હોય છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|11 July 2019

તમે એક વાત નોંધી? આજકાલ ભારતભરમાં કોઈ પણ જગ્યાએ દુર્ઘટના ઘટે એટલે શાસકો વિના વિલંબે મોટી રકમ રાહત તરીકે જાહેર કરી દે છે. મલાડમાં ભીંત તૂટવાની ઘટના ઘટવાની હોય, રત્નાગિરીમાં બંધ તૂટવાની ઘટના હોય, બિહારમાં મસ્તિષ્ક જ્વરમાં બાળકોનાં મરવાની ઘટના હોય કે એવી બીજી કોઈ પણ ઘટના હોય; શાસકો ઘટના બનતાની સાથે જ મોટી રકમની રાહતની જાહેરાત કરી દે છે. સરકાર ગમે તેની હોય, આ તત્પરતા તમને દેશભરમાં જોવા મળશે. તમને એમ લાગતું હોય કે શાસકો કૃપાળુ છે, દુર્ઘટના જોઈને તેમની આંતરડી કકળે છે, દુ:ખી પરિવારજનોને તાત્કાલિક મદદરૂપ થવા તેઓ દોડી જાય છે, તો તમે ખોટા છો.

આ રાહત દુર્ઘટનાગ્રસ્તોને મદદરૂપ થવા માટેની નથી, પરંતુ શાસનની નિષ્ફળતાનું વળતર છે. છે તો આ વળતર, જેને રાહત તરીકે જાહેર કરવામાં આવે છે અને ખરું પૂછો તો એ નથી વળતર કે નથી રાહત; પણ મૂંગા રહીને દુ:ખ સહન કરી લેવાની કિંમત છે. શાસનની નિષ્ફળતા સ્વીકારી લો અને પૈસા લઈને મૂંગા રહો. એક રીતે જુઓ તો ઘૂસ છે. પ્રજાને આ વાતની જાણ પણ નથી કે તેમની શાંતિ અને અપમાન પૈસા આપીને ખરીદવામાં આવે છે.

પહેલાં આવું નહોતું બનતું. પહેલાં દુર્ઘટનાની તપાસ કરવામાં આવતી હતી, બીજીવાર આવી ઘટના ન બને એ માટે ઉપાયો સૂચવવામાં આવતા હતા. જવાબદારોની સામે ખટલા માંડવામાં આવતા હતા અને સજા થતી હતી. અમલદારોની સર્વિસ બુકમાં શેરો મૂકવામાં આવતો હતો જેને કારણે બઢતીમાં મુશ્કેલી પડતી હતી. ઘટના જો કોઈ મોટી હોય તો તપાસપંચ બેસાડવામાં આવતાં. શાસનની નિષ્ફળતા એ શાસકો માટે ચિંતા ઉપજાવવનારી ઘટના હતી અને વિરોધ પક્ષો સક્રિયપણે શાસકોના કાન આમળતા હતા. સ્મરણને બે-ત્રણ દાયકા પાછળ લઈ જાઓ, આવા પણ દિવસો હતા એની યાદ આવશે. ઘણીવાર તો સગાંઓએ વળતર માટે અદાલતમાં જવું પડતું. સામેથી પહેલી તકે વળતર આપવામાં નહોતું આવતું.

એ દિવસોમાં રામરાજ્ય હતું એવું નથી. ભ્રષ્ટાચાર અને શાસનની નિષ્ફળતાની સમસ્યા ત્યારે પણ હતી. ફરક એ છે કે ત્યારે આવું અપવાદરૂપે બનતું હતું, અત્યારની જેમ છાશવારે નહોતું બનતું. આજે શાસકોને સમજાઈ ગયું છે કે શાસન તળિયે ગયું છે અને હવે તેની ગુણવત્તા સુધારવાનો કોઈ માર્ગ જ નથી બચ્યો. જ્યારે કાંઈ થઈ શકે એમ જ નથી ત્યારે ખોટાં નાટક કરવાની જગ્યાએ અને એ રીતે વધારે ઊંડા વમળમાં ફસાવાની જગ્યાએ દુર્ઘટનાગ્રસ્તોને પૈસા આપીને શાંતિ ખરીદવી શું ખોટી? બીજા શબ્દોમાં કહીએ તો શાસકોએ હાથ ઊંચા કરી દીધા છે. જે છે એ આવું શાસન છે, જો તેની તમારે કિંમત ચુકવવાની આવે તો પૈસા લઈ જાવ. આનાથી વધારે અમે કાંઈ કરી શકીએ એમ નથી.

મુંબઈની સડકો પર જેટલા પેવરબ્લોક બેસાડવામાં આવે છે એનો એક હિસ્સો મંત્રાલય સુધી જાય છે. જે તે કમિટીઓ ટેન્ડર પાસ કરે છે અને તેમાં વિરોધ પક્ષના સભ્યો પણ હોય છે. કેન્દ્ર સરકાર જેટલા મોટા પ્રોજેક્ટ હાથ ધરે છે તેમાં એક હિસ્સો દિલ્હી સુધી જાય છે. ત્યાં પણ પ્રોજેક્ટોને મંજૂર કરનારી અને ટેન્ડર પાસ કરનારી કમિટીઓમાં વિરોધ પક્ષો હોય છે. કામનું નિરીક્ષણ કરનારી સમિતિઓ એમ દરેક જગ્યાએ શાસક પક્ષ અને વિરોધ પક્ષના સભ્યો હોય છે અને તેઓ મળીને પૈસા ખાય છે. કોણ કોનો કાન આમળે જ્યારે બધા જ મળેલા હોય! એટલે તો વિધાનસભામાં કે સંસદમાં ઝીરો અવરમાં કોઈ દુર્ઘટનાની ભાગ્યે જ ચર્ચા થાય છે. તમને નજીકના ભવિષ્યમાં થયેલી કોઈ ચર્ચા યાદ છે? રાહત આપી દો એટલે પ્રજા ચૂપ રહેશે અને આપણે કમાતા રહીશું.

એક બીજું પરિવર્તન પણ નોંધવું રહ્યું. આજકાલ મોટાભાગના પ્રોજેક્ટો પ્રજાકીય જરૂરિયાતના ભાગરૂપે હાથ ધરવામાં નથી આવતા પણ કોન્ટ્રાક્ટરોના કહેવાથી તેમના તેમ જ શાસકવર્ગના લાભાર્થે હાથ ધરવામાં આવે છે. કોન્ટ્રક્ટરો પ્રોજેક્ટો શોધી કાઢે છે. જેમ કે બી.આર.ટી. (બસ રેપીડ ટ્રાન્ઝીટ) પ્રોજેક્ટ. ભારતનાં કેટલાંક શહેરોમાં સડકની વચ્ચોવચ્ચ સરકારી બસો માટે રીઝર્વ કૉરીડૉર રાખવામાં આવી છે. એ રીઝર્વ કૉરીડૉરમાં બીજાં વાહન ચાલી ન શકે. માત્ર બસ જ ચાલી શકે કે જેથી જાહેર પરિવહનનો ઉપયોગ કરનારાઓ વહેલાસર તેમના નિર્ધારિત સ્થળે પહોંચી શકે. દરેકને ઉપાય સરસ લાગ્યો અને મંજૂરી મળવા લાગી. એક પછી એક શહેરમાં બી.આર.ટી. કૉરીડૉર આવવા લાગી એ પછી ધ્યાનમાં આવ્યું છે કે કૉરીડૉર અંદરના ભાગમાં હોવાથી વૃદ્ધોને પહેલી કૉરીડૉર ઓળંગીને બસ સ્ટોપ સુધી જવામાં મુશ્કેલી પડે છે. 

આ અડચણ પહેલાં ધ્યાનમાં ન આવી હોય એવું બને? ન જ બને. માની લો કે ધ્યાનમાં નહોતું આવ્યું તો કોઈ એક સ્થળે પ્રયોગ કરીને પરિણામ જોઈ લેવું જોઈતું હતું. શા માટે ભારતનાં અનેક શહેરોમાં અને શહેર આખામાં આવી વ્યવસ્થા કરવામાં આવી છે? પૈસા કમાવા. કોન્ટ્રાક્ટરોએ આઈડિયા આપ્યો, શાસકોએ મંજૂર રાખ્યો, બધા પક્ષોએ મળીને પોતાનો હિસ્સો રાખીને કોન્ટ્રાક્ટરના ટેન્ડરને મંજૂરી આપી. યોજના વ્યવહારુ છે કે નહીં તેની ચકાસણી નહીં કરવામાં બીજો એક લાભ છે. અનુભવે અડચણ ધ્યાનમાં આવી એમ કહીને સડકને કિનારે બીજી કૉરીડૉરનો કોન્ટ્રાક્ટ આપી શકાય અને એ રીતે ફરી વાર કમાઈ શકાય. મુંબઈમાં બાંધવામાં આવેલા સ્કાય-વોક આવું બીજું ઉદાહરણ છે. લોકો-સ્કાય વોકનો ધારણા મુજબ ઉપયોગ કરતા નથી અને સ્ટેશનની નજીકના ભીડવાળા વિસ્તારોમાં ટ્રાફિકમાં અવરોધ પેદા કરે છે એટલે તેને તોડી નાખવામાં આવે. એક વાર બાંધીને કમાવાનું અને બીજી વાર તોડીને કમાવાનું.

દરેકે દરેક સેવા તૂટી પડી છે. શાસકો આ જાણે છે એટલે પહેલી તકે અને બને એટલી મોટી રકમ રાહત તરીકે આપી દેવામાં આવે છે. હકીકતમાં આ શાસનની નિષ્ફળતાનું વળતર છે. દેશમાં જે દુર્ઘટનાઓ બની રહી છે એ દુર્ઘટના કહેતા અકસ્માત નથી, પણ ખૂન છે. દર વર્ષે શાસકો અને કોન્ટ્રાક્ટરો મળીને વીસેક હજાર ભારતીય નાગરિકોનાં ખૂન કરે છે.

આપણને કોઈ ફરક પડતો નથી. ભારત વર્લ્ડ કપ જીતશે એટલે ભારત દેશ મુઠ્ઠી ઊંચેરો સાબિત થઈ જશે!

09 જુલાઈ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 જુલાઈ 2019

Loading

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને આ હાથ આખેઆખો બળે એમ પણ બને

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|11 July 2019

હૈયાને દરબાર

છે અજબ વાતાવરણ અને ગઝલની કુમાશ ઘેરી વળી છે. ગત છઠ્ઠી જુલાઈએ જેમનો જન્મદિવસ ગયો, એ મનોજ ખંડેરિયાનું સ્મરણ ઘેરાયેલાં વાદળોની વચ્ચે સહજ થઈ આવ્યું છે. કેટકેટલી સુંદર, અર્થગહન ગઝલો એમણે આપી છે! આધુનિક ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનું નામ બહુ જ આદરપૂર્વક લેવાય છે. એ ઋજુ અને કમનીય ગઝલકાર કહેવાયા છે. ‘પીછું’, ‘ક્ષણોને તોડવા બેસું’ તથા ‘રસ્તા વસંતના’ જેવી નખશિખ ગઝલો આ કવિને ગુજરાતી ભાષાના ઋજુ કવિઓમાં અગ્રિમ સ્થાને બેસાડે છે. મનોજ ખંડેરિયાને મુશાયરાઓમાં સાંભળવા એક લ્હાવો છે. જો કે એ પોતે મુશાયરાના માણસ નહોતા. સ્વસ્થપણે ગઝલ રજૂ કરતા મનોજ ખંડેરિયા લોકોની વાહ વાહ અને તાળીઓથી સહેલાઈથી દોરવાઈ જાય એવા નહોતા. એમણે પોતે જ ગઝલ વિશે જે લખ્યું છે એમાં વિશ્વ પ્રત્યેની પ્રીતિનો સંકેત છે.

જેને તું મારી ગઝલો માને છે
વિશ્વ પ્રત્યેનું વહાલ છે આ તો!

મનોજ ખંડેરિયાની ગઝલો માત્ર મનોરંજન માટે નથી. અપાર મનોમંથન પછી એમણે કાવ્યસંગ્રહ આપ્યાં છે. ગઝલ એ એવું સ્વરૂપ છે કે એને અનુભૂતિનો સ્પર્શ ન મળે તો ગઝલનું પોત પાતળું પડે છે. આવી અનુભૂતિ મનોજભાઈની ગઝલોમાં અનુભવાય છે. જેમ કે;

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

છઠ્ઠી જુલાઈએ, મનોજ ખંડેરિયાના જન્મદિવસે એ શાયર સાંભરે છે એટલે એમનાં ચિત્રકાર પત્ની પૂર્ણિમાબહેનને સીધો રાજકોટ ફોન જોડું છું.

"તમે નહીં માનો પણ આજે હજ્જાર વોટ્સ એપ મેસેજ અને ફોનકોલ્સ મને આવ્યા છે. લોકો, ખાસ કરીને યુવા પેઢી મનોજને એમનાં મૃત્યુના પંદર વર્ષ પછી ય યાદ કરે છે એ અમારા પરિવાર માટે બહુ મોટી ભાવનાત્મક મૂડી છે. પૂર્ણિમાબહેન વાતનો આરંભ કરે છે. "મનોજની પ્રકૃતિ પ્રમાણમાં શરમાળ અને અંતર્મુખી. પિતાજી જૂનાગઢમાં મહેસૂલી અધિકારી હોવાને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી. તેથી મનોજની મૈત્રી કોઈ સાથે લાંબી ટકે નહીં. પરિણામે પગ લાઈબ્રેરી તરફ મંડાય. એમ કરતાં વાચન અને કવિતાલેખનનો રસ કેળવાયો. પંદર વર્ષની વયથી જ તેમણે કવિતા લખવાની શરૂઆત કરી, પરંતુ, છપાવી ત્રીસમાં વર્ષે. કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની એમના ગુરુજી તખ્તસિંહજી પરમાર સાહેબની સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સૂરી, મણિલાલ દેસાઈ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર ૧૯૬૫માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દીવાલો’ શીર્ષકની રચના ફેબ્રુઆરી ૧૯૬૬ના ‘કુમાર’માં પ્રકાશન પામી. સાતત્યપૂર્ણ કાવ્યસર્જનના ફળરૂપે એમણે પછીથી અન્ય કાવ્યસંગ્રહો આપ્યા હતા.

એમના ગુરુએ છેવટે કહ્યું કે ભવિષ્યમાં મારે મનોજ અને રાજેન્દ્ર શુક્લની કવિતાઓ ભણાવવી પડશે એવું લાગે છે. ગિરનાર અને જૂનાગઢ પ્રત્યે અપાર લગાવ હોવાથી એમની ઘણી કવિતાઓમાં આ બંનેનો ઉલ્લેખ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આવે. પકડો કલમ પણ એ જ પ્રકારની ગઝલ હતી જેમાં વાત એવી છે કે નરસિંહ મહેતાએ રાસ જોતી વખતે હાથમાં મશાલ પકડી હતી. રાસમાં એ એવા તલ્લીન થઇ ગયા હતા કે મશાલ સળગતી સળગતી છેક નીચે હાથ સુધી આવી ગઈ તો ય એમને ભાન નહોતું રહ્યું. એ જ કલ્પનાને એમણે જુદી રીતે આ ગઝલમાં પ્રતિબિંબિત કરી છે. કાવ્યસર્જન અથવા તો કોઈપણ સર્જન, સર્જક માટે ઘણીવાર અત્યંત વ્યગ્રતાપૂર્ણ, પીડાજનક હોય છે, જે કરતાં હાથ આખેઆખો બળે એમ પણ બને. એ જ વાતને મનોજે જુદા જુદા શેરમાં ખૂબ સરસ રીતે વણી લીધી છે. જગજિત સિંહ અને અટલ બિહારી વાજપેયીજીએ પણ એમની ગઝલની સરાહના કરી હતી. છેલ્લે છેલ્લે તો માંદગીના બિછાનેથી એમણે સર્વોત્કૃષ્ટ ગઝલો લખી હતી. એમને શ્રમ ન પડે એટલે મારી બંને દીકરીઓ રૂચા અને વાણી એમના તકિયાની બાજુમાં કલમ, કાગળ અને ટોર્ચ મૂકી રાખતાં જેથી અડધી રાત્રે ઊંઘ ઊડે તો ય તેઓ શેર ટપકાવી શકે.

આવી શબ્દસમૃદ્ધ ગઝલ રાસબિહારી દેસાઈ, અમર ભટ્ટ તથા સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી છે. જેમની ગઝલગાયકીને ગુલામ અલી જેવા શ્રેષ્ઠ ગઝલગાયકે બિરદાવી છે એવા હિન્દી, ગુજરાતી અને ઉર્દૂ ગઝલોમાં નીવડેલા કલાકાર સોલી કાપડિયાએ શાસ્ત્રીય સંગીતની બારીકીઓથી લઈને સુગમ સંગીતની ઋજુતા અને પ્રાચીન ભક્તિગીતોની સુમધુર સરવાણી સુધીની યાત્રા ખેડી છે. તેઓ માને છે કે હૃદયમાંથી નીકળીને શ્રોતાઓના આત્માને સ્પર્શતું સંગીત એ જ સાચું અને સારું સંગીત કહેવાય. સ્પષ્ટ ઉચ્ચારોની પણ ઊંડી અસર પડે છે. એમની રચનાઓમાં ભાવનું પ્રાધાન્ય સૌથી વધારે હોય છે. સોલી કાપડિયા પકડો કલમ … ગઝલની સર્જન કથા આલેખતા કહે છે,

"સાલ ૧૯૮૯. ગુજરાતી સુગમસંગીત-સાહિત્યનું સંમેલન મુંબઈમાં યોજાયું હતું. આ અંગે જુલાઈ મહિનામાં ગ્રાન્ટ રોડની એક હોટલમાં ઊતારો મળ્યો હતો. હું અને મનોજ ખંડેરિયા એ જ હોટલમાં ભેગાં થઇ ગયા. હું એમને પહેલી વાર મળી રહ્યો હતો. સંમેલન સફળતાપૂર્વક પૂરું થયું એ જ રાત્રે મૂશળધાર વરસાદ! એટલો બધો કે હોટલની બહાર પગ ન મુકાય. આખા મુંબઈમાં પાણી ભરાઈ ગયાં’તાં. બે દિવસ સુધી આયોજકો જમવાનું હોટલ પહોંચાડે એની રાહ જોતાં અમે બેઠા હોઈએ. બીજું કોઈ કામ જ નહિ. મનોજભાઈ સાથે ખૂબ વાતો કરીએ. તેઓ એમનાં ગઝલ ગીત શેર કરે અને હું સાંભળતો જ રહું! બે દિવસો અત્યંત સુંદર કવિતામય અને સંગીતમય ગયા. વરસાદનું જોર ઓછું થયું એટલે છૂટા પડવાના દિવસે આ ગઝલ મને આપીને એ કહે: "સોલી, આ ગઝલ ખૂબ ચોટદાર છે. એને સ્વરબદ્ધ કરી ગાજે. મઝા આવશે. એમના અક્ષરે લખેલી એ ગઝલ ત્યારે તો મેં મારી ડાયરીમાં મૂકી દીધી. એક વર્ષ પછી મારું ‘પ્રેમ એટલે કે’ આલ્બમનું રેકોર્ડિંગ હતું ત્યારે એ ડાયરીમાંથી આલ્બમ માટે ગીતો નક્કી કરતો હતો ત્યાં એમના હાથે લખેલી એ ગઝલ જડી આવી.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
કે હાથ આખેઆખો બળે એમ પણ બને

સવાર ઉપરાંત રાત્રે પણ રોજ મોડે સુધી હું રિયાઝ કરતો. એ વખતે રાગ વાચસ્પતિએ મગજમાં જમાવટ કરેલી. રાત્રે બે વાગ્યે તીવ્ર, મધ્યમ અને કોમળ નિષાદ સાથે ઓડવ – સંપૂર્ણ જાતિમાં સ્વરાવલિઓ વહેતી હતી. એમાં આ ગઝલનો મત્લા સ્મરે છે અને ગઝલનું મુખડું કમ્પોઝ થઇ જાય છે. બાકાયદા શાસ્ત્રીય રાગની સીમાઓમાં બંધાયેલી આ બંદિશ બે ત્રણ દિવસ સુધી મગજમાં ચાલતી રહી. ત્રીજે દિવસે એનો પહેલો શેર અને પછી બીજા શેરો પણ સ્વરબદ્ધ થયા. અઠવાડિયામાં આ ગઝલનાં ચાર શેરોના ચારે અલગ અલગ મૂડ બન્યા. ગઝલમાં સામાન્ય રીતે બધા શેરોની સરખી જ ધૂન હોય પણ આ ગઝલમાં દરેક શેર અલગ મૂડમાં કમ્પોઝ થયા છે. ત્યાં એ શુદ્ધ વાચસ્પતિ ન રહે એ સ્વાભાવિક છે. દિવસો સુધી આ ગઝલ મઠારતો રહ્યો.

મુંબઈમાં એક કાર્યક્રમમાં આ ગઝલ પહેલી વાર ગાઈ ત્યારે સામે શ્રોતાગણમાં મનોજભાઈ પણ હતા. એમની ગઝલ એ દિવસે હિટ ગઈ. કવિની ખુશીનો પાર નહોતો. એ દિવસે મેં નક્કી કર્યું કે મારા આલ્બમ ‘પ્રેમ એટલે કે’માં આ રચના ચોક્કસ લઈશ. એટલું જ નહિ, આલ્બમ જ્યારે બહાર પડ્યું ત્યારે એની રચનાઓમાંથી આ અઘરામાં અઘરી રચના યુવાનવર્ગને ખૂબ પસંદ આવી! પેચીદા ચીજને સરળ રીતે પેશ કરી હતી એટલે એ કદાચ એમના હૃદય સુધી આસાનીથી પહોંચી પણ. દરેક કાર્યક્રમમાં ‘પકડો કલમ’ની ફરમાઈશ તો આવે જ. સ્વ. અજિત મર્ચન્ટની હાજરીમાં સ્વ. ઝરીન દારૂવાલા (સરોદ), પં. બાબુલાલ ગંધર્વ (બેલાબહાર), સ્વ. વિક્રમ પાટિલ (તબલા) અને ટોની વાઝ (બેઝ ગિટાર) સાથે આ ગઝલ સ્ટુડિયોમાં રેકોર્ડ થયેલી એ પળો હજુ અકબંધ યાદ છે. એચ.એમ.વી. દ્વારા રિલીઝ થયેલી આ કેસેટ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઇ, સાથે આ મારી પ્રિય રચના પણ બધેબધ પ્રસરી એનો વિશેષ આનંદ છે!

મનોજ ખંડેરિયા ગુજરાતી પ્રયોગશીલ કવિતાના અગ્રણી સર્જક હતા. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ નોંધપાત્ર છે.

મનોજ ખંડેરિયા વ્યવસાયે વકીલ. ૧૯૬૭માં એલ.એલ.બી. થયા અને ૧૯૬૮થી જૂનાગઢમાં જ વકીલાતનો આરંભ કર્યો હતો. ૧૯૮૪થી તેઓ પથ્થરની ખાણના ઉદ્યોગક્ષેત્રે સંકળાયા હતા. કવિ વિશેની સામાન્ય છાપ ફકીરીની હોય પરંતુ, મનોજ ખંડેરિયા ‘સમૃદ્ધ’ કવિ કહેવાતા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક-પ્રમુખપદની જવાબદારી પણ બજાવી હતી. સાયન્સના વિદ્યાર્થી હોવા છતાં એમનો જીવ તો કવિતાનો જ. ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં જેની ગણના થાય છે એ;

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

તથા,

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

એ બન્ને મારી પર્સનલ ફેવરિટ ગઝલો છે. શું અદ્ભુત શબ્દો છે આ બન્ને ગઝલના!

સુરેશ દલાલે ‘મશાલ અને દીવો’ શીર્ષક હેઠળ પકડો કલમ ગઝલનો સુંદર રસાસ્વાદ કરાવ્યો છે. તેઓ લખે છે, "કોરા કાગળનો મુકાબલો કરીએ અને કવિતા આવે જ એની બાંયધરી તો કોણ આપે? હાથમાં કલમ લઈએ અને કવિતાનો ઇલમ થાય એવું તો બને, અર્થાત્, ક્યારેક, ન પણ બને. કાગળ અને કલમની વચ્ચે કવિનો અશબ્દ શબ્દ છે. અથવા કવિનું મૌન છે. આ મૌન મૂર્ત પણ થાય અને એમાંથી કવિતાની મૂર્તિ પણ ઘડાય.

મનોજ ખંડેરિયા આપણા ઉત્તમ ગઝલકાર છે. એ લખે છે ઓછું, પણ લખે છે ત્યારે કશુંક નીપજે છે. પ્રારંભના શેરમાં એમણે કાવ્ય-સર્જન પ્રક્રિયાની વાત છેડી છે. કવિતા એમ ને એમ નથી લખાતી. નરસિંહ મહેતાના ગામ જૂનાગઢમાં રહેતો આ શાયર એમ કહે છે કે કલમ ને કાગળની વચ્ચે આખો હાથ નરસિંહની મશાલ થઈને બળવો જોઈએ. ગઝલના સ્વરૂપની મજા એ છે કે આપણે એક બાગમાં હોઈએ ને બાગમાં જુદાં જુદાં ઝાડ હોય ને પ્રત્યેક વૃક્ષને પોતીકું વ્યક્તિત્વ અને સૌંદર્ય હોય અને વળી પછી પ્રત્યેક વૃક્ષની છટાઘટા અને છાયામાયા જુદી હોય. બીજા શેરમાં કવિએ વેદનાની વાત છેડી છે. ક્યાંક પહોંચવાની ઝંખના વર્ષોથી હોય અને માનો કે આપણે ત્યાં પહોંચી પણ ગયા ને પહોંચ્યા પછી મનને પાછા વળવાનું મન થાય એવું પણ બને.

જરાક જુદા સંદર્ભમાં એક મરાઠી કવિના બાળગીતના ભાવની યાદ આવે છે. બનતા લગી આ બાળગીત વિંદા કરંદીકરનું છે. માએ છોકરાને એક દિવસ કહ્યું છે કે હું તને પૂના લઈ જઈશ. મુંબઈથી એક દિવસ મા ને દીકરો પૂના જવા માટે ટ્રેનમાં બેસે છે. થોડી વાર થાય છે. સ્ટેશન પર સ્ટેશન આવતાં જાય છે. પ્રત્યેક સ્ટેશને બાળક પૂછે છે, મા પૂના આવ્યું ? અને જ્યારે પૂના આવે છે ત્યારે મા કહે છે કે બેટા પૂના આવ્યું ને બાળક કહે છે કે હવે મુંબઈ ક્યારે જઈશું? ગઝલમાં આપણે ત્યાં આત્મનિરીક્ષણ અને એને પરિણામે ચિંતન કાવ્યમય રીતે પ્રગટે છે એટલે એનો ભાર લાગતો નથી. મનોજની ગઝલની આ લાક્ષણિકતા છે. મનુષ્યમાત્રનો સ્વભાવ છે કે પોતાનો દોષ બીજા પર ઢોળવો. આપણે ક્યાંક ખોટે રસ્તે વળી ગયા હોઈએ તો રસ્તાનો કે ભોમિયાનો વાંક કાઢીએ, પણ આપણને છળનારાં તત્ત્વો કેવળ બાહ્ય નથી, આપણું મન જ આપણા મનને છળતું હોય છે; પણ કવિએ આ વાતને બહુ સરસ રીતે મૂકી છે. આપણો એક પગ બીજા પગને છળતો જાય છે. કશું અશક્ય નથી. આપણી સ્થિતિ પણ કસ્તૂરીમૃગ જેવી છે. કેડે છોકરું ને ગામમાં શોધીએ એમ જે આપણા પગની તળે હોય એની જ આપણે તલાશ કરતા હોઈએ છીએ, અંતે મક્તામાં ગઝલનો મહિમા અને પ્રણયનો મહિમા બંનેને ગાયા છે. તાળીઓની વચ્ચે ગઝલ ભીંસાઈ જતી હતી ત્યારે મનોજ જેવા કવિએ ગઝલના દીવા પ્રગટાવ્યા છે.

કવિ સુરેશ દલાલના આ રસપ્રદ આસ્વાદ પછી કશું કહેવાનું રહેતું નથી. માત્ર આ પંક્તિઓ જ મનમાં રૂડો રાસ રમી રહી છે;

તું ઢાળ ઢોલિયો; હું ગઝલનો દીવો કરું!

——————————

એમ પણ બને!

પકડો  કલમ  ને  કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા  જ પાછું વળે, એમ પણ બને

એવું   છે  થોડું  છેતરે  રસ્તા   કે  ભોમિયા
એક પગ  બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં  જિંદગી  આખી  પસાર થાય
ને  એ જ  હોય  પગની તળે, એમ ૫ણ બને

તું  ઢાળ  ઢોલિયો,  હું  ગઝલનો  દીવો  કરું
અંધારું   ઘરને    ઘેરી   વળે, એમ પણ બને

                                      — મનોજ ખંડેરિયા

https://www.youtube.com/watch?v=tt0dclqKpu8

—————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 11 જુલાઈ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=532253

Loading

...102030...2,7862,7872,7882,789...2,8002,8102,820...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved