Opinion Magazine
Number of visits: 9576925
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોશ્યલ મીડિયા : આયનો-કમ-અફીણ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|26 May 2019

એક સમય હતો, જ્યારે ચૂંટણીપ્રચાર શમી ગયા પછી, ગરમાગરમી અને હુંસાતુંસીનો અંત આવતો. હવે તો પરિણામો આવી ગયા પછી પણ પ્રચારનું વાતાવરણ ઓસરતું નથી. ચઢાવેલી બાંયો જાણે કદી ઉતરતી જ નથી. તેના માટે ટી.વી. ચેનલો કરતાં પણ અનેકગણું વધુ જવાબદાર છે સોશ્યલ મીડિયા.

પક્ષોની પેઇડ-અનપેઇડ સાયબર સેનાઓ ચૂંટણી વખતે ઓવરટાઇમ કરતી હશે, પણ સામાન્ય દિવસોમાં તે લાંબી તાણીને સૂઈ નથી જતી. સતત જૂઠાણાં અને અર્ધસત્યો દ્વારા, પોતાના પક્ષ વિશે હકારાત્મક અને સામેના પક્ષ વિશે નકારાત્મક ચીજોનો મારો તે ચાલુ રાખે છે. તેમના વ્યૂહકારો માને છે (અને તેમાં તથ્ય પણ છે કે) પ્રજાની સ્મરણશક્તિ ટૂંકી જ હતી, પણ સોશ્યલ મીડિયા પર વધારે ટૂંકી થઈ છે. સૌથી ટોચના નેતાથી માંડીને પાયદળના સભ્યો સુધીના સૌ જાણે છે કે લોકોને સહેજ રેઢા મૂક્યા, તો તેમનું ધ્યાન બીજું કોઈ વાળી (કે હાંકી) જશે. શરૂઆતમાં જેટલી માત્રાના ડોઝથી કીક આવતી હતી, એટલો જથ્થો પછી પૂરતો થતો નથી. ધીમે ધીમે માત્રા વધારવી પડે છે અને કક્ષા ઉતારવી પડે છે.

ફ્લ્મિો માટે પહેલેથી પૂછાતો રહ્યો છે, એવો સવાલ સોશ્યલ મીડિયા માટે પણ ઊભો છેઃ તે પ્રજાના અભિપ્રાયોનું પ્રતિબિંબ પાડતો અરીસો છે? કે પછી પ્રજાને ઘેનગાફેલ કરવામાં મદદરૂપ થઈને અફીણનું કામ કરે છે?  ‘જાની, ઇસ સે ખેલા નહીં કરતે. લગ જાએ તો ખૂન નિકલ આતા હૈ.’ એવી ચેતવણી સોશ્યલ મીડિયા માટે અપાતી નથી હોતી. પણ તેની જરૂર ઘણી લાગે છે. કારણ કે મોટી સંખ્યામાં લોકોએ સોશ્યલ મીડિયા પર ઝંપલાવી દીધું. પરંતુ માધ્યમની સમજ, તેની પર મુકાતી સામગ્રીની અંગતતા, માધ્યમની તાકાત અને તેનાં કાયદાકીય પાસાં વગેરે બાબતો વિશે વિચારવાની તેમને જરૂર લાગતી નથી.

ઘણા લોકો સોશ્યલ મીડિયાને પોતાના ઘરના દીવાનખાનામાં મુકેલો આયનો સમજે છે. ઘરમાં કોઈ ન હોય ત્યારે બાળક આયના સામે જોઈને જાતજાતના ચાળા કરે અને પોતાની આવડત પર પોરસાય. એવું જ સોશ્યલ મીડિયા પર તમામ ઉંમરનાં બાળકોનું થઈ શકે છે. મોટો ફરક એટલો કે સોશ્યલ મીડિયા દીવાનખાનામાં નહીં, જાહેર ચોકમાં મુકાયેલો અરીસો છે, જેમાં દેખાડાબાજી પકડાતાં વાર નથી લાગતી. સવાલ માત્ર દેખાડા પૂરતો હોત, તો વાંધો ન હતો. પણ સોશ્યલ મીડિયા માણસમાં રહેલાં અનિષ્ટ તત્ત્વોને જાણે આસુરી આહ્વાન આપતું હોય એવું લાગે છે. આ શબ્દો કે સરખામણી જરા ભારે લાગે તો વિચારી જોજોઃ સોશ્યલ મીડિયા પર પહેલી તકે અસભ્ય કે અનિષ્ટ વર્તન કરનારા ઘણા લોકો વાસ્તવિક જીવનમાં એટલા અસભ્ય કે અનિષ્ટ હોય તે જરૂરી નથી.

લગભગ બધા માણસોના મનમાં અનેક પ્રવાહો વહેતા હોય છે, અનેક તત્ત્વો ઓછેવત્તે અંશે મોજુદ હોય છે. પણ બધામાં તે પૂરતી માત્રામાં હોતાં નથી. પરમાણુશક્તિમાં ‘ક્રિટીકલ માસ’(આવશ્યક જથ્થા)નું મહત્ત્વ હોય છે. એટલો જથ્થો થાય તો જ આપમેળે ચાલ્યા કરતું ‘ચેઇન રીએક્શન’ શરૂ થઈ શકે. એવું જ માણસના મનનું પણ ખરું. સારાં-નરસાં, દૈવી-આસુરી એમ બધા પ્રકારનાં તત્ત્વો માણસના મનમાં હોય. પણ તેમાંથી કેટલાકનો જથ્થો એટલો પૂરતો હોય કે તે વ્યક્તિની મુખ્ય અને જાહેર પ્રકૃતિ બને. બાકીનાં તત્ત્વો વેરવિખેર સ્વરૂપે રહે અને અપવાદરૂપ સંજોગો સિવાય કદી માથું ઊંચકે નહીં કે બહાર દેખાય પણ નહીં. એમાં કશો દંભ પણ ન હોય. સભ્યતાનું અને મૂળભૂત વિવેકનું ગુરુત્વાકર્ષણ તે તોડી શકે નહીં અને મનમાં જ ધરબાયેલાં રહે. માણસ નશો કરતો હોય ત્યારે, અર્ધભાન અવસ્થામાં, ગુરુત્વાકર્ષણનાં બંધનો તૂટી જાય ત્યારે એ તત્ત્વો એટલા પૂરતા બહાર નીકળવાની સંભાવના રહે. એ વખતે પણ માણસ પાસે એટલો બચાવ તો રહે જ કે ‘નશામાં મારાથી ગમે તેમ બોલાઈ ગયું કે મને ભાન ન રહ્યું.’

સોશ્યલ મીડિયાના આગમન અને રાક્ષસી પ્રસાર પછી આ પરિસ્થિતિ સદંતર બદલાઈ છે અને ખરાબ થઈ છે. શરૂઆતમાં આ માધ્યમ જાહેર છે કે અંગત, એ સમજવામાં સમય નીકળી ગયો. ઘણાને લાગતું કે આ તો મર્યાદિત માધ્યમ છે. ઘરનો બાથરૂમ છે. તેમાં આપણાથી બધું થાય ને આપણને કોઈથી કહેવાય નહીં. પછી સમજાવા લાગ્યું કે આ તો ગામનો ચોક છે અને ત્યાં બધું ન થાય. પરંતુ ત્યાં સુધીમાં લોકશાહીનાં નામે બેફામ-બેજવાબદાર અભિવ્યક્તિ અને તેમાંથી મળતા ઓળખના આનંદનો નશો એટલો ચઢવા લાગ્યો કે સોશ્યલ મીડિયા પર લખવાને કારણે ધરપકડો થવા છતાં, લોકોના બેફામપણામાં ફરક પડયો નહીં.

મનમાં રહેલા વિવેક અને સભ્યતાના ગુરુત્વાકર્ષણની પકડ સાવ ઢીલી પડી ગઈ અને છૂટાછવાયા પ્રચ્છન્ન તત્ત્વો કૂદકા મારીને સપાટી પર આવી જવા લાગ્યાં. એ તેમની મૂળભૂત પ્રકૃતિ ન હતાં. પણ સોશ્યલ મીડિયાએ પૂરો પાડેલો નશો અને બેફમપણાને મળેલો રાજકીય આશ્રય – આ જુગલબંદીએ ઘણા લોકોને સોશ્યલ મીડિયા પર અસભ્યતાથી ખદબદતા અને તેનું ગૌરવ અનુભવતા કરી દીધા.

મનમાં જે આવે તે લખીને ‘એન્ટર’નું બટન દબાવી દેવાનું – એ પદ્ધતિને કારણે અને મોટા ભાગના અજાણ્યા લોકો વચ્ચેનો સંપર્ક સોશ્યલ મીડિયા પૂરતો મર્યાદિત હોવાને કારણે, ચોતરફ મુખ્ય પ્રકૃતિને બદલે મનમાં રહેલાં છૂટાછવાયાં આસુરી તત્ત્વોની બોલબાલા વર્તાવા લાગી. પહેલી તકે લોકો અસભ્યતા પર ઉતરી જવા લાગ્યા.  બિનસત્તાવાર ધિક્કારમંડળો રચાઈ ગયાં. તે ફ્ક્ત તેમને ગમતું (એટલે કે ન ગમતું) જ વાંચે, એટલું જ યાદ રાખે અને અસભ્યતા આચરવા બેસી જાય. ન કોઈ પરિચય, ન કોઈ ઊંડાણ, ન બીજું કશું જાણવાની ઇચ્છા કે તૈયારી. અચ્છાખાસા લોકો ટ્રોલની (વિરોધી મત ધરાવનારની રીતસર પાછળ પડીને બેફામ લખવાની) માનસિકતા ધરાવતા થઈ ગયા અને તેમાં ધર્મયોદ્ધા જેવું ગૌરવ અનુભવવા લાગ્યા. કમ સે કમ, ગુજરાતનો-ભારતનો અનુભવ તો મુખ્યત્વે આવો જ રહ્યો છે.

સારા મિત્રો, સારું વાચન, કળા વગેરેનું કામ માણસમાં રહેલાં બધાં તત્ત્વોમાંથી ઉમદા તત્ત્વો ઘટ્ટ બનાવવાનું અને તેમને બહાર આણવાનું હોય છે. સોશ્યલ મીડિયાએ મહદ્ અંશે તેનાથી સાવ અવળું કામ જાણેઅજાણે કર્યું છે. હવે તે બાટલીમાંથી બહાર નીકળી ગયેલો જીન છે. તેને પાછો પૂરી શકાય એમ નથી. તેના ધિક્કારપ્રેરક-અસ્વસ્થતા જગાડનારા નશાથી બચવું કે નહીં, તે સૌએ જાતે નક્કી કરવાનું છે. એટલું ખરું કે પોતાની અસભ્ય વર્તણૂક માટે સોશ્યલ મીડિયાને દોષ દઈને છટકી નહીં શકાય.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 મે 2019

Loading

ગણિકાને ગુરુ બનાવવાનું ફ્ળ્યું!

દીપક સોલિયા|Opinion - Opinion|26 May 2019

જેને શીખવું છે તે ગમે ત્યાંથી શીખી શકે છે. ગુરુ દત્તાત્રેયે જે ૨૪ ગુરુ બનાવેલા એમાં દરિયો, પૃથ્વી, સૂર્ય જેવા ભવ્ય ગુરુઓ ઉપરાંત કબૂતર, પતંગિયું અને હરણ જેવાં (ક્ષુલ્લક લાગી શકે તેવાં) વન્ય ગુરુઓ પણ હતાં.

આ વાત યાદ આવવાનું કારણ છે એક તાજું પુસ્તક, જેનું શીર્ષક છેઃ એન ઇકોનોમિસ્ટ વોક્સ ઇન્ટુ અ બ્રોથલ (જ્યારે એક અર્થશાસ્ત્રીએ ગણિકાલયની મુલાકાત લીધી).

આ પુસ્તકના અર્થશાસ્ત્રી-કમ-પત્રકાર એવાં લેખિકા એલિસન શ્રેગરે જીવનમાં (ખાસ તો આર્થિક બાબતોમાં) ક્યારે અને કેટલું જોખમ કઈ રીતે લેવું એ સમજવા માટે થોથાપંડિત અર્થશાસ્ત્રીઓને મળવાને બદલે ગણિકાઓ, જુગારીઓ, જાદુગરો, ફ્લ્મિનિર્માતાઓ, ઘોડાના બ્રીડરો અને ફૈજીઓની મુલાકાત લીધી. આ બધાં લોકો ઓછામાં ઓછા જોખમે વધુમાં વધુ વળતર મેળવવા શું કરે છે એ વિશે એલિસને એમની સાથે વાતો કરી.

આઇડિયા અચ્છા હૈ. જોખમ વિશે જાણવું હોય તો જે ખરેખર જોખમો ખેડે છે એમને પૂછવા જેવું ખરું. માત્ર પુસ્તકો અને થિયરીમાં રચ્યાપચ્યા રહેતા અર્થશાસ્ત્રીઓ કરતાં રિયલ લાઈફ સાથે રિયલ પનારો પાડતા રિયલ લોકો પાસેથી રિયલ સામગ્રી મળી શકે એ તો સ્વીકારવું જ રહ્યું.

તો, લેખિકાએ ભળતાં-સળતાં લોકોને મળીને જોખમો ખેડવા વિશે જે મુખ્ય પાંચ પદાર્થ-પાઠ તારવ્યા છે તે આ પ્રમાણે છે.

૧) લેખિકાને સર્ફર્સ (ઊંચા દરિયાઈ મોજાંમાં પાટિયા પર સરકતા બહાદુરો) સાથેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે એમાંના મોટા ભાગના સર્ફર્સ હેપી-ગો-લકી (હળવાં ફૂલ, મોજમસ્તી પ્રેમી, સાહસ શોખીનો) નહોતા, બલકે કંટ્રોલ ફ્રિક હતા, બધું પ્રોપર્લી થવું જોઈએ, પરિસ્થિતિ પર અમારો શક્ય તેટલો અંકુશ હોવો જોઈએ … આવો આગ્રહ રાખનારા હતા. સર્ફર ગંભીર માણસ હોય એ જરૂરી છે, કારણ કે સર્ફિંગમાં જરા પણ બેદરકાર રહેનાર મરી પણ શકે છે. તો આ સર્ફર્સને ગુરુ બનાવીને આપણે પણ અઠ્ઠેગઠ્ઠે, આડેધડ જોખમ ન ખેડવાંનો પાઠ શીખવો જોઈએ. માણસ ક્યારેક બેચેનીથી દોરવાઈને, જીવનને હચમચાવી નાખવાના ઇરાદા સાથે બસ એમ જ મોટું જોખમ ખેડી નાખે છે તેની સામે ચેતવતાં લેખિકા કહે છે કે જોખમ ખેડતી વખતે સૌથી પહેલાં એ સ્પષ્ટતા તો હોવી જ જોઈએ કે આમાંથી મને શું મળવાનું છે.

૨) હું બહેકી જાઉં છું એની ખબર હોવી… પોકર(પત્તાંની એક રમત)નો જુગાર રમનારા લોકો પાસેથી લેખિકાએ જાણ્યું કે ઘડાયેલો, મંજાયેલો, પ્રોફેશનલ પ્લેયર બધેબધી બાજી નથી ખેલતો. તેને જે બાજી મળે છે એમાંથી એ સરેરાશ બાર ટકા બાજીઓ જ ખેલે છે, કારણ કે અગાઉ (ખાસ તો જુવાનીમાં) જે બાજી હાથમાં આવે તે ખેલી નાખવાને લીધે ખાધેલા માર બાદ તેઓ શીખે છે કે મારે બહેકી ન જવું જોઈએ … બહેકી જવાના મારા સ્વભાવ વિશે મારે સભાન રહેવું જોઈએ.

૩) વધારે પડતું જોખમ ન જ ખેડવું. બધા પૈસા એક જ ઇન્વેસ્ટમેન્ટમાં ન લગાડી દેવા. લેખિકાના શબ્દોમાં: જરૂર કરતાં વધારે રિસ્ક સરવાળે ઓછું વળતર અપાવે છે.

૪) વીમો પહેલો … કંઈક આસમાની-સુલતાની થઈ ગઈ અને પડી જવાય ત્યારે વાગે નહીં એ માટે વીમાની સુરક્ષા-જાળીની ગોઠવણ સૌથી પહેલી કરવી. જોખમ ખેડવું હોય ત્યારે બેસ્ટ પોલિસી આ છેઃ ડાઉનસાઈડ પ્રોટેક્શન વિથ અનલિમિટેડ અપસાઈડ (પડીએ તો વાગે નહીં એવી રીતે આભને આંબવા મથવું).

૫) અણધાર્યું તો થવાનું જ. તમે ગમે તેટલી ગણતરી કરીને આગળ વધો તો પણ અણધારી ઘટનાઓ ઘટવાની જ અને જીવનમાં માર તો પડવાનો જ. માટે, મારની તૈયારી રાખવી. લેખિકા આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરવા ઇઝરાયલી કર્નલ મીર ફ્ક્નિલનું અવતરણ ટાંકે છેઃ યુદ્ધના મેદાનમાં સૌથી મહત્ત્વનો ગુણ અણધાર્યા ફ્ટકા પછી જલદી બેઠા થઇ શકવું તે છે.

અલબત્ત, આ બધી કોમન સેન્સની વાતો છે, પરંતુ લેખિકા એલિસન શ્રેગરના પુસ્તકને મળેલો પ્રતિસાદ કોમન – સામાન્ય નથી. લગભગ તમામ સમીક્ષકોએ પુસ્તકને ખૂબ જ ઉમળકા સાથે વધાવ્યું છે. બુકલિસ્ટ નામના એક પ્રકાશને આ પુસ્તક વિશે લખ્યું છે, રિસ્ક મેનેજમેન્ટ વિશે આટલું રસપ્રદ પુસ્તક અગાઉ ક્યારે ય નથી લખાયું.

આ પુસ્તક તો મેં નથી વાંચ્યું, પરંતુ એમાંની સામગ્રી વિશે જે કંઈ જાણવા મળ્યું એ ખરેખર રસપ્રદ છે. જેમ કે, લેખિકા એલિસને જ્યારે અમેરિકાના નેવાડા પ્રાંતનાં સત્તાવાર (લાયસન્સધારી) ગણિકાલયની મુલાકાત લીધી, ત્યારે તેમને જાણવા મળ્યું કે ગેરકાયદે કોઠા કરતાં લિગલ બ્રોથલ(સત્તાવાર ગણિકાલય)માં એકસરખા કામના (દિવસમાં સરખેસરખી સંખ્યામાં ગ્રાહક એટેન્ડ કરવામાં) ઘણી વાર તો ફ્ક્ત ૫૦ જ ટકા કમાણી થતી હોવા છતાં ગણિકાઓ લિગલ બ્રોથલ વધુ પસંદ કરે છે. આવું કેમ? આવા ‘ખોટના સોદા’નું કારણ સમજાવતાં ગણિકાઓએ લેખિકાને કહ્યું કે લિગલ બ્રોથલમાં સિક્યુરિટી ગાર્ડ્સ રાખવાનું ફરજિયાત હોવાને લીધે અહીં ગણિકાઓ સુરક્ષિત હોવાનું અનુભવે છે. વળી, દરેક કમરામાં પેનિક બટન પણ હોય છે. કસ્ટમર બહુ વિચિત્ર અને માથાફરેલ હોય તો પેલું બટન દબાવીને મદદ માગી શકાય છે. ઇવન ગ્રાહકોને પણ લિગલ બ્રોથલ ઓછું જોખમી લાગે છે.

મહત્તમ કમાણી વિશે ગણિકાઓએ લેખિકાને માહિતી આપી કે સૌથી વધુ કમાણી મધ્યમ વયની ગણિકા મેળવી શકે છે, કારણ કે તેમની સાથે ગ્રાહક વધુ કર્મ્ફ્ટ અને ઇન્ટિમસી (રાહત અને નિકટતા) મહેસૂસ કરી શકે છે. અચ્છા, અમેરિકાના આવા સત્તાવાર ગણિકાલયમાં વિવિધ સેવાના પેકેજિસ પણ હોય છે અને એમાંથી “પ્રેમિકા જેવો અનુભવ”(ગર્લફ્રેન્ડ એક્સપીરિયન્સ)ની સેવા પૂરી પાડનારી ગણિકાને મહત્તમ વળતર મળે છે. ગણિકાઓએ લેખિકાને સમજાવ્યું કે મોટા ભાગના પુરુષો એકલતાથી પીડાતા હોવાને કારણે હૂંફ મેળવવા અમારી પાસે આવે છે. એમાંના કેટલાક તો શરીરસુખ માણ્યા વિના, ફ્ક્ત હૂંફ માણીને જતા રહે છે. આવી બધી માહિતી મેળવ્યા પછી તેમાંથી જોખમ વિશેની થિયરીઓ અને પદાર્થપાઠો તારવીને રસપ્રદ ઢબે રજૂ કરીને લેખિકા તો ખાસ્સી સફ્ળતા મેળવી રહ્યાં છે, પરંતુ આપણે સૌ, આ પુસ્તક વાંચ્યા વિના પણ આખી વાતમાંથી જે શીખી શકીએ તેમ છીએ તે એ છે કે નજર ખુલ્લી રાખીએ તો, ગુરુ દત્તાત્રેયની જેમ અને આ લેખિકા એલિસન શ્રેગરની જેમ, ભલભલી જગ્યાએથી જીવનના પાઠ શીખી શકીએ તેમ છીએ.

એ માટે જોઈએ, ઊંચેરી શિષ્ય-વૃત્તિ (શીખવાની ભાવના) …

facebook .com / dipaksoliyal

સૌજન્ય :  ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 મે 2019

Loading

પ્રાચીન કરતાં અર્વાચીન યુગમાં ગીતા વધુ પ્રાસંગિક છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|26 May 2019

ગયા લેખમાં મેં પ્રશ્ન કર્યો હતો કે ભગવદ્ ગીતા લખાઈ, એ પછીથી અંદાજે હજાર-બારસો વરસ સુધી કેમ એના વિષે કોઈ વાત નથી થતી? આઠમી સદીમાં શંકરાચાર્યે ગીતા પર ભાષ્ય લખ્યું એ  ગીતા પરનો પહેલો ઉપલબ્ધ ગ્રંથ છે. મધ્યકાલીન સંતોએ પણ ગીતા વિષે ભાગ્યે જ વાત કરી છે. ખરું પૂછો તો મધ્યકાલીન સંતો ગીતા શું, કોઈ ગ્રંથોને અડ્યા નથી; કારણ કે ત્યાં સુધીમાં દર્શન ગ્રંથો ધર્મ ગ્રંથ બની ગયા હતા અને સામાજિક ભેદભાવયુક્ત કર્મકાંડી રૂઢ ધર્મ માટે ખપમાં લેવામાં આવતા થયા હતા. આ રીતે મૂળ દર્શનગ્રંથોને ધર્મગ્રંથ બનાવીને સામાજિક વિખવાદ પેદા કરવામાં આવતા હતા, જ્યારે મધ્યકાલીન સંતોનો ઉદ્દેશ સમાજને જોડવાનો હતો.

બીજી બાજુ એવું શું બન્યું કે આધુનિક યુગમાં ગીતા અત્યંત લોકપ્રિય બની ગઈ. આજે બીજા કોઈ પણ દાર્શનિક ગ્રંથ કરતાં ગીતા સૌથી વધ લોકપ્રિય છે. કોઈ હિંદુ ઘર એવું નહીં હોય જ્યાં ગીતા ન હોય, કોઈ સાધુ નહીં હોય જેણે ગીતા પર ભાષણ કે લેખન ન કર્યું હોય અને ૧૯મી અને વીસમી સદીમાં કોઈ લોકસેવક નહીં હોય જેણે ગીતાનો સામાજિક જાગરણ માટે ઉપયોગ ન કર્યો હોય. શા માટે? શું આધુનિક યુગમાં ગીતા વધુ પ્રાસંગિક છે? જ્યારે કોઈ વ્યક્તિ, વિચાર કે ગ્રંથની બહુ વાત થતી હોય ત્યારે તેને સમજવાની કોશિશ કરવી જોઈએ. ગાંધી અને ગીતા તમને અવારનવાર રસ્તામાં ભેટ્યા કરશે અને રસ્તો ચાતરીને જવાનો કોઈ માર્ગ નથી. સમજી લો એક વાર કે ગીતા શું કહે છે અને એમાં અત્યારના યુગમાં પ્રાસંગિક હોય એવું શું જડે છે? આખરે એમાં કાંઈક તો એવું હશે જ જેને કારણે ગીતા બીજા બધા દાર્શનિક ગ્રંથો કરતાં વધારે ખપની બની ગઈ છે.

મારી દૃષ્ટિએ બે તત્ત્વો ગીતાને આજના યુગમાં પ્રાસંગિક બનાવે છે અને એ બે તત્ત્વો છે : જીવનશોધન અને વીર્યશોધન. પરાયાના પરિચયમાં આવ્યા પછી આપઓળખની મથામણ શરુ થઈ. આ ઉપરાંત સંગઠિત ધર્મનો પણ પરિચય થયો; જેમાં એક ગ્રંથ હોય, એક પયગંબર હોય, એક ઈશ્વર હોય અને ધર્મનું પિરામીડ જેવું માળખું હોય. હિંદુઓ માટે આ બધું નવું હતું. હિંદુઓ માટે ધર્મ એ જીવનરીતિ (way of life) હતો અને ધર્મનો અર્થ સ્વભાવ અથવા ફરજ કરવામાં આવતો હતો. અંગ્રેજીમાં જેને religion કહેવાય તેનાથી આપણે સાવ અપરિચિત હતા. અજાણી સભ્યતા અને આપણા કરતા અલગ પ્રકારની ધાર્મિકતાનો પરિચય થયો અને આપઓળખના પ્રશ્નો જાગ્યા. આમાંથી જીવનશોધન અને વીર્યશોધનનો પ્રારંભ થયો. આધુનિક યુગમાં ગીતાની પ્રાસંગિકતા વધવા લાગી તેનાં આ બે કારણ મને દેખાય છે.

આજની ચર્ચા સાથે સીધો સંબધ નથી, છતાં પાશ્ચાત્ય ધર્મ(religion)ના પ્રભાવનો એક દાખલો આપું. ગુરુ નાનક બીજા સંતો જેવા જ એક સંત હતા. તેમને પણ બીજા સંતોની માફક સંગઠિત ધર્મ, ધર્મગ્રંથ, કર્મકાંડ વગેરેનો ખપ નહોતો. તેમના પર કબીરનો મોટો પ્રભાવ હતો. નાનકના ગયા પછી વરસો સુધી નાનકની પરંપરા અને નાનકની ગાદી ચાલી આવતી હતી. નાનકના ગયા પછી લગભગ દોઢસો વરસે ગુરુ ગોવિંદ સિંહને લાગ્યું હતું કે નાનકની પરંપરાને ટકાવી રાખવી હોય તો તેને ઢાંચાબદ્ધ કરવી જોઈએ. પશ્ચિમના ધર્મનું ટકાઉપણું તેમને માળખાબદ્ધ સ્વરૂપમાં નજરે પડ્યું હતું. તેમણે નાનકની પરંપરાને ખાલસા ધર્મમાં પરિવર્તિત કરી હતી, જેમાં એક સગુણ નિરાકાર પરમતત્ત્વ હોય, એક પયગંબર હોય, એક ધર્મગ્રંથ હોય, ઓળખના અલાયદા બાહ્ય ચિન્હો હોય. આ પાશ્ચાત્ય ધર્મનો પ્રભાવ હતો. ૧૯૮૦ના દાયકામાં ભારતથી અલગ થવા ખાલીસ્તાન માટેનું અંદોલન થયું એ એનું પરિણામ હતું.

પશ્ચિમના પ્રભાવમાં ગીતામાંથી પુરુષત્વ શોધવાના પ્રયાસ બીજા લોકોએ પણ કર્યા છે. આમ એક બાજુ તાકાત એકઠી કરવા માટે ગીતાનો ખપ હતો તો બીજી બાજુ જીવનશોધન માટે પણ ગીતાનો ખપ હતો. યુદ્ધના મેદાનમાં પણ હ્રદયની કુમાશ સાથે, લાગણીથી દ્રવી જઇને સારાસાર વિવેક વિષે વાત થાય એવું તો ભારતમાં જ બને. એમ પણ કહી શકાય કે મહાભારત જેવા મહાકાવ્યમાં જ બને જેના રચયિતા વ્યાસ હોય. યુદ્ધમાં કાં તો માણસ ડરીને નર્વસ થઈ જાય અને કાં દ્વેષયુક્ત તામસિકતાથી ભડકો થઈ જાય. અર્જુન નથી ડરેલો કે નથી કોઈને છોડીશ નહીં એવું કહેનારો તાપેલો. એ વિષાદગ્રસ્ત છે. તેને પ્રશ્ન થાય છે કે વેર લેવાની ક્ષુદ્ર વૃત્તિથી પ્રેરાઈને કે પછી રાજ્ય અથવા વિજય મેળવવાની સ્થૂળ કામનાથી લલચાઈને હું મારો ધર્મ તો નથી ચૂકતો? ચિંતા ધર્મ સાચવવાની છે અર્થાત્ શું યોગ્ય અને શું અયોગ્ય એનો વિવેક કરવાની છે; બાકીનું બધું ગૌણ છે.

મનુભાઈ પંચોળીએ એક સરસ નિરીક્ષણ કર્યું છે. અર્જુનની માફક જ સામે પક્ષે દુર્યોધન છે જે કૌરવસેનામાં થોડો આગળ આવીને ગીતાના પહેલા અધ્યાયના બીજા શ્લોકથી લઈને દસમા  શ્લોક સુધી ગુરુ દ્રોણને પોતાની સેનાનો પરિચય આપે છે. દુર્યોધન પાંડવોના પક્ષે લડનારાઓનો પણ પરિચય આપે છે અને તેમના શૌર્યનો સ્વીકાર કરે છે. આમ કરતી વખતે તે તાકાતનું આકલન કરે છે, બળાબળની તુલના કરે છે, લડવા માટે અને વિજયી થવા માટે પાનો ચડાવે છે, એ પછીના શ્લોકમાં રણનીતિની વાત પણ કરે છે; પરંતુ ક્યાં ય કોઈ જગ્યાએ સગાંને કે વડીલોને મારવાની ગ્લાની નથી. ઊલટું તે તો કહે છે કે આ બધા લડવૈયાઓ મારા ખાતર મરવા આવ્યા છે. દુર્યોધને ધર્માધર્મનો વિવેક કરવાનો નથી. તેની એટલી ગતિ જ નથી. બાકી દુર્યોધનના આપ્તજનો પણ ક્યાં રણમેદાનમાં નહોતા? 

વિવેક અર્જુન કરવા માગે છે માટે તે દુઃખી થઈ જાય છે, સાશંક થઈ જાય છે, સાચા કે ખોટા તત્ત્વજ્ઞાનનો આશ્રય લે છે ભગવાન કૃષ્ણના કથનને પડકારે છે, વગેરે. આમ કરતી વખતે તે કડવાશ ભરેલો પારિવારિક ઇતિહાસ સાવ ભૂલી ગયો હતો એવું નથી, પણ તેને ચિંતા એ વાતની હતી કે રખે મારા હાથે અધર્મ તો નથી થઈ રહ્યો! આગળ કહ્યું એમ ભરયુદ્ધમાં આવું માત્ર ભરતમાં બને.

આવા પ્રસંગની અને પ્રસંગને લઈને કહેવાયેલા તત્ત્વજ્ઞાનની આધુનિક યુગમાં વિવેક કરવા  માટે ખપ ન હોય એવું કદાપી બને ખરું? આધુનિક યુગના ઘણા ચિંતકોને એમ લાગ્યું હતું કે પશ્ચિમની સભ્યતા કદાચ વીર્યવાન હશે, પણ તેમાં વિવેકનો અભાવ છે. ચિત્તની જાગૃતિ અને દિલની કુમાશ માટેનાં પદાર્થ ગીતામાંથી મળી રહે એમ છે. પશ્ચિમને આપણે નકારીએ નહીં, આંખ વિંચીને કોઈ સભ્યતાને નકારવી એ તો વળી અવિવેક કહેવાય, પરંતુ પશ્ચિમ પાસેથી શું અપનાવવું, કેટલું અપનાવવું, આપણું શું અને કેટલું છોડવું અને શું કોઈ પણ સંજોગોમાં છોડવું નહીં અને પકડી રાખવું એનો વિવેક શીખવા માટે ભગવદ્ ગીતા ઉપયોગી હતી. આ હતી તેની પ્રાસંગિકતા.

દરેક જરૂરિયાત અને દરેક પ્રશ્નનો ઉત્તર ગીતામાંથી મળે છે, કારણ કે ગીતામાં તમામ દર્શનપ્રવાહો સમાહિત થઈ જાય છે. એમાં વેદો અને ઉપનિષદોનું દોહન છે. એમાં સાંખ્ય અને યોગ છે. એમાં શ્રમણદર્શન પણ છે. અભિગમોની વાત કરીએ તો એમાં કર્મ, જ્ઞાન, ભક્તિ અને ઉપાસનાની વાત આવે છે. ગાંધીજીએ ભગવદ્ ગીતાને અધ્યાત્મિક નિદાનગ્રંથ તરીકે ઓળખાવી છે. મૂંઝવણ હોય તો ગીતા પાસે જાવ, નિદાન કરી આપશે અને ઈલાજ શોધી આપશે. તેમણે કહ્યું છે; “ધર્મવેદના, ધર્મસંકટ, હ્રદયમંથન સહુ જિજ્ઞાસુને (જીવનમાં) એક વખત થાય જ છે.”

આ યુગ સંક્રમણનો અને મંથનનો છે એટલે આજના યુગમાં ગીતા વધુ પ્રાસંગિક છે.

23 મે 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 મે 2019

Loading

...102030...2,7812,7822,7832,784...2,7902,8002,810...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved