Opinion Magazine
Number of visits: 9576790
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મશીનને માણસ બનાવનાર અલેન ટુરિંગના નામે હવે સિક્કા એટલે કે પાઉન્ડ પડશે…

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2019

બ્રિટિશ પાઉન્ડની ૫૦ની નોટ પર ગણિતજ્ઞ અલેન ટુરિંગની તસ્વીર છપાશે. કોમ્પ્યુટર સાયન્સ અને કૃત્રિમ બુદ્ધિ(આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ)નો જનક તરીકે ટુરિંગ ઓળખાય છે. આ જાણવા જેવો માણસ છે. વિશેષ તો, ટુરિંગનો ભારત સાથે નાતો પણ છે. તે વાત પછી. પહેલાં બ્રિટિશ બેંક નોટની વાત.

નવી નોટ પર કોની તસ્વીર જારી કરવી, તે માટે બેંક ઓફ ઇંગ્લેન્ડે નવેમ્બર મહિનામાં સાર્વજનિક નોમિનેશન મંગાવ્યાં હતાં. બૅન્કને એક લાખ 14 હજાર પ્રસ્તાવો મળ્યા છે, જેમાં એક નામ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનું પણ હતું. અન્ય નામોમાં સ્ટીફન હૉકિંગ, ઍલેકઝાન્ડર ગ્રૅહામ બૅલ, પૅટ્રિક હતા. નોમિનેશનની શરત એ હતી કે એ વૈજ્ઞાનિક હયાત ના હોવો જોઈએ અને તેણે બ્રિટનને વૈજ્ઞાનિક પ્રગતિમાં આગળ રહેવામાં મદદ કરી હોવી જોઈએ.

યુરોપમાં 50 પાઉન્ડની લગભગ 3.3 કરોડ નોટો ચલણમાં છે. આ નોટોનો વધુ પડતો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ માટે થતો હોવાના અહેવાલોનાં પગલે સરકારે નવી નોટ છાપવાની જાહેરાત કરી, જે પ્લાસ્ટિકની હશે. હાલમાં 50 પાઉન્ડની નોટ પર જૅમ્સ વૉટ અને મૅથ્યુ બૉલ્ટનની તસવીરો છે. જૅમ્સ વૉટે સૌ પહેલાં વરાળની શક્તિ પારખી હતી અને તેના થકી એન્જિન બનાવ્યું હતું, મૅથ્યુ બૉલ્ટન તેનો બિઝનેસ પાર્ટનર હતો.

ભારતમાં જે પરંપરા છે તેનાથી વિપરીત, બ્રિટનમાં બેન્ક નોટ પર ઇંગ્લિશ સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનારા લોકોની તસ્વીરો છપાય છે.

ભારતમાં માત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જ તસ્વીર પ્રકાશિત થાય છે. બ્રિટિશ નોટ પર મહાકવિ વિલિયમ શેક્સપિયર, વૈજ્ઞાનિક આઈઝેક ન્યુટન, પ્રધાન મંત્રી વિન્સટન ચર્ચિલ, સમાજ સેવિકા ફ્લોરેન્સ નાઈન્ટીનગેલ, લેખક ચાર્લ્સ ડિકન્સ, માઈકલ ફરાડે, અર્થશાસ્ત્રી આદમ સ્મિથ અને અનેક ઉમરાવો આવી ચુક્યા છે.

નવું નામ અલેન ટુરિંગનું છે. આ શખ્સિયતને ઓળખવા જેવી છે.

નાઝીઓની નાલાયકીથી ત્રાસીને અમેરિકામાં સ્થાયી થયેલા, બુડાપેસ્ટના ગણિતજ્ઞ જ્હોન વોન ન્યુમેને ૧૯૪૫માં એક વાર રાત્રે ઊંઘમાંથી ઊઠીને એની પત્ની ક્લેરીને કહેલું, “અમે અત્યારે એવા રાક્ષસનું સર્જન કરી રહ્યા છીએ, જે ઇતિહાસને બદલી નાખશે, બશર્તે કે ઇતિહાસ જેવું કંઈ બચ્યું હોય.” અમેરિકન સૈન્યએ યુરોપથી ભાગીને આવેલા વિજ્ઞાનીઓને ન્યુક્લિયર હથિયાર બનાવવાનું કામ સોપ્યું હતું, અને વોન ન્યુમેન ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિયેબલ ઓટોમેટિક કમ્પ્યુટર (ઇડવેક) પર કામ કરી રહ્યા હતા. સ્ટોર મેમરીનો આ પ્રથમ ખ્યાલ હતો, જે કેલક્યુલેટર કરતાં એક-બે કદમ આગળ જતો હતો. ન્યુમેનની પત્ની ક્લેરી પાછળથી કહેવાની હતી કે ન્યુમેનને (ન્યુક્લિયર હથિયારનો નહીં) કમ્પ્યુટરનો ખ્યાલ રાક્ષસી લાગતો હતો.

ન્યુમેને એ ખ્યાલ ૧૦૧ પાનાં પર ઉતારેલો, પણ એ અધૂરો અને અધકચરો હતો. ઓટોમેટિક કમ્પ્યુટિંગ એન્જિનનો સંપૂર્ણ ખ્યાલ એ પછી વર્ષ ૧૯૪૬માં ૧૯ ફેબ્રુઆરીએ આવ્યો, જ્યારે અલેન ટુરિંગ નામના ઇંગ્લિશ ગણિતજ્ઞ અને ક્રિપ્ટાનાલિસ્ટે સ્ટોર પ્રોગ્રામ કમ્પ્યુટરની ડિઝાઇન રજૂ કરી અને ન્યુમેનની ભાષામાં, ઇતિહાસના બદલાવની એ શરૂઆત હતી. આધુનિક કમ્પ્યુટરના પુરોગામી ટુરિંગ મશીનના જનક એવા અલેન ટુરિંગ કમ્પ્યુટર સાયન્સ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ(કૃત્રિમ બુદ્ધિ)ના પિતામહ ગણાય છે.

ટુરિંગનો જન્મ લંડનમાં થયો હતો, પરંતુ એનો પિંડ ભારતની ભૂમિ પર બંધાયો હતો. અલેનનો પિતા જુલિયસ મેથિસન, ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે મદ્રાસ પ્રેસિડેન્સીમાં કામ કરતો હતો અને એ વખતે જ ભટકાયેલી ઇર્થલ સારા સ્ટોની નામની છોકરીને પરણ્યો હતો. ઈર્થલ મદ્રાસ રેલવેના મુખ્ય ઇજનેરની પુત્રી હતી. લગ્ન પછી બન્ને ઓરિસ્સાના છત્રાપુર શહેરમાં હતાં, જ્યાં ઇર્થલ પેટથી રહી હતી, અને ટુરિંગને જન્મ આપવા લંડન ગઈ હતી.

પિતા જુલિયસ ૧૯૨૬માં ભારતમાં નિવૃત્ત થયો, ત્યાં સુધી અલેન અને એનો ભાઈ જ્હોન સંબંધી ઇંગ્લિશ પરિવારો વચ્ચે ભટકીને મોટા થયેલા. અલેનને સ્કૂલમાં હતો ત્યારથી જ સાયન્સમાં રસ પડેલો અને એની માને એવો ડર હતો કે અલેન જો વિજ્ઞાનના ચાળે ચઢી જશે તો એને સરકારી સ્કૂલમાં એડમિશન નહીં મળે. એડમિશન (શેરબોર્ન સ્કૂલમાં) તો મળ્યું, પણ એના હેડમાસ્ટરે બહુ ઝડપથી ભવિષ્ય ભાખ્યું, “આ બાબાને જો સાયન્ટિફિક સ્પેશિયાલિસ્ટ બનવું હોય, તો સરકારી સ્કૂલમાં ટાઇમ વેસ્ટ કરે છે.’’ આ તદ્દન સાચું હતું.

સ્કૂલમાં એનાથી એક વર્ષ આગળ ક્રિસ્ટોફર મોરકોમ એનો ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઇડ બન્યો. ક્રિસ્ટોફર બહુ તેજસ્વી હતો. ૧૯૩૦માં આ દોસ્તનું અચાનક અવસાન થઈ ગયું ત્યારથી ત્રણ વર્ષ સુધી ક્રિસ્ટોફરની મા સાથે અલેને પત્રવ્યવહાર કર્યો. એ પત્રવ્યવહારનો વિષય હતો: માણસનું મગજ, વિશેષ કરીને ક્રિસ્ટોફરનું મગજ. મેટર એટલે કે પદાર્થમાં કેવી રીતે આકાર લે અને મૃત્યુ થાય ત્યારે એ મગજ પદાર્થમાંથી છૂટું પડે? આ સવાલ અલેન ટુરિંગને ભૌતિકશાસ્ત્રની દુનિયામાં માઇન્ડ એન્ડ મેટરની પારંપારિક પઝલ તરફ લઈ જવાનો હતો.

કોલેજ પૂરી (૧૯૩૫) થઈ ત્યાં સુધીમાં તો ટુરિંગના મનમાં ‘માણસના મગજની જેમ કામ કરતાં મશીન’નો ખ્યાલ રોપાઈ ગયો હતો. જેને આપણે આજે અલગોરિધમ કહીએ છીએ એવી તર્કશાસ્ત્ર, મગજ અને મશીન આધારિત મેથડ ટુરિંગે ત્યારે વિકસાવેલી, જેના પાયા પર એનું ટુરિંગ મશીન આવ્યું, જે કોમ્યુટેશન અને કોમ્યુટિબિલિટીની આધુનિક પદ્ધતિનો આધાર બન્યું.

ટુરિંગ મશીન, જેને સાદી ભાષામાં જગતનું પ્રથમ સાદું કમ્પ્યુટર (કાગળ પર) કહી શકાય, તેને બનાવતાં પહેલાં ટુરિંગે ૧૯૫૦માં એક માપદંડ તૈયાર કરેલો કે શું મશીન (માણસની જેમ) વિચાર કરી શકે? અને જો કોઈ મશીનમાં વિચાર કરવાની ક્ષમતા હોય તો એ આપણને કેવી રીતે ખબર પડે? ટુરિંગનો જવાબ સરળ હતો: જેવી રીતે કોઈ મનુષ્ય કે પશુ સાથેના ઇન્ટરકનેક્શન દ્વારા આપણને ખબર પડે છે કે એ વિચારી શકે છે, એ જ વાત મશીનને લાગુ પડશે. એટલે કે જો કોઈ માણસ કોઈ એક મશીન અને કોઈ એક માણસ સાથે સંપર્ક કરે, અને એ નક્કી ન કરી શકે એની સાથે ઇન્ટરકનેક્શન કરનાર મશીન છે કે માણસ, તો એનો પ્રેક્ટિકલ મતલબ એ થયો કે મશીન પણ વિચારી શકે છે!

ટુરિંગ મશીનના આ ખ્યાલમાંથી ‘સ્ટોર પ્રોગ્રામ’ની મેથડવાળા કમ્પ્યુટરનો જન્મ થયો હતો. ૧૯૩૬માં ‘યુનિવર્સલ મશીન’ અને ૧૯૪૪માં ‘મગજ બનાવવા’નો ટુરિંગનો ખ્યાલ આજના કમ્પ્યુટર અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો જનક છે. ઉપર જેની વાત કરી, એ ગણિતજ્ઞ જ્હોન ન્યુમેનને મગજની જેમ યાદદાસ્તવાળા ટુરિંગના મશીનની ખબર હતી અને હિટલર બોમ્બ બનાવે છે એવી ‘અફવા’માંથી અમેરિકાનો બોમ્બ બનાવવાનો જે ‘મેનહટ્ટન પ્રોજેક્ટ’ શરૂ થયેલો, એમાં ન્યુમેને આ મશીન પર કામ કર્યું અને ૧૯૪૮ના જૂન માસમાં ટુરિંગના કમ્પ્યુટર પ્રિન્સિપલનું પ્રેક્ટિકલ નિર્દેશન થયું.

અલેન ટુરિંગના અંતિમ દિવસો દર્દનાક હતા. તેનામાં સમલૈંગિક વૃત્તિ હતી અને ત્યારના બ્રિટનમાં એ અપરાધ ગણાતી હતી. તેની સજા રૂપે અલેનનું 'કેમિકલ ખસીકરણ' કરવામાં આવ્યું હતું. તેની અસર હતી કે પછી અલેને ખુદ ઝેર ઘોળ્યું હતું, તે તો સ્પષ્ટ નથી, પણ તે કમોતે માર્યો હતો. બેન્ક નોટો પર દિગ્ગજોને સન્માનતા બ્રિટને, તેમને જીવતે જીવ કેટલા અન્યાય કર્યા હતા, તેને જાહેર કરવાની અને તેના પ્રાયશ્ચિતની પણ કોઈક વિધિ હોવી જોઈએ.

બહરહાલ, આ લેખ લખાય છે, છપાય છે અને વંચાય છે, તે પૂરી પ્રક્રિયામાં એ કમ્પ્યુટર સામેલ છે, જે કમ્પ્યુટર અલેન ટુરિંગના દિમાગની પેદાશ છે. ૧૯૪૩માં એણે કહેલું, “ના, મને કોઈ શક્તિશાળી મગજ બનાવવામાં રસ નથી. મારે તો અમેરિકા ટેલિફોન એન્ડ ટેલિગ્રાફ (એટી એન્ડ ટી)ના પ્રેસિડેન્ટનું છે, એવું ફાલતુ મગજ બનાવવું છે.”

‘ફાલતુ મગજ’ બનાવવાનું વિચારનારનું મગજ કેવું અફલાતૂન હશે, એ વિચારી જુઓ.

https://www.facebook.com/permalink.php?story_fbid=2330432527284793&id=1379939932334062&__tn__=K-R

Loading

‘વંદેમાતરમ્‌’

જનકભાઈ બી. શાહ અને મદનમોહન વૈષ્ણવ|Opinion - Opinion|30 July 2019

મારા સસરા સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર, ચુસ્ત ગાંધીવાદી હતા. તેમના અવસાનને ૧૦ વર્ષ વીતી ગયા. આઝાદીના સંગ્રામ સમયથી (લગભગ સિત્તેરેક વર્ષ પહેલાંથી) જૂનાં પેમ્ફલેટોની પાછળની કોરી બાજુમાં લખેલ, જર્જરિત કાગળમાં, નોટબૂક્માં, એન્વેલપ ફાડીને તેની કોરી બાજુમાં નોંધેલ લખાણો, તેમની ડાયરીના કેટલાક અંશો અને સંસ્મરણો અરુણભાઈ (મારા સાળા) તથા રીટાબહેન (મારાં નાનાં સાળી) પાસે સચવાયેલાં હતાં. તેનું સંકલન કરવાનું ભગીરથ કામ અમે બન્નેએ (ભારતીબહેન – જનકભાઈ શાહ) હાથ પર લીધું. આ કામ સરળ ન હતું, બધું જર્જરિત સાહિત્ય વાંચતાં લીંબડીની ઊંડી શેરીના ત્રણ મજલાના ઘરના ત્રીજા માળે, ખાટ પર હીંચતા હીંચતા લખતા, ટેબલ પર લખતા અને તેમના રૂમમાં આંટા મારતા સ્વર્ગસ્થ રસિકભાઈની આકૃતિ સ્મૃતિપટ પર સજીવન થવા લાગી, અને ત્યારે જ ભારતીને વિચાર આવ્યો કે ભાઈનું બધું જ સાહિત્ય સંપાદન કરીએ તો એક પ્રેરણાદાયી સાહિત્યની, આજના યુગની પેઢીને ભેટ મળશે તેમ જ રસિકભાઈ શબ્દ-દેહે સજીવ થઈ શકે. તે વિચારને અમલમાં મૂક્યો અને બેએક વર્ષના ગાળામાં ઈશ્વરકૃપાએ તે કાર્ય પૂરું થઈ શક્યું.

ગાંધીબાપુની ૧૫૦મી જ્યંતી સમગ્ર દેશ અને દુનિયા ઊજવી રહી  છે, ત્યારે રસિકભાઈએ જ લીંબડીમાં સ્થાપેલ ‘મધુબન સાહિત્ય સંધે સ્વ. રસિકભાઈ શાહ(મારવાડી)નાં સાહિત્યને પ્રકાશિત કરવાની તક ઝડપી લઈ, ‘વંદે માતરમ્‌’ પુસ્તક અને ‘રસિક રહસ્ય કથાઓ’ (શ્રેણી – ૧, ૨, ૩, ૪, ૫)ના પુસ્તકોનું લોકાર્પણ કરેલ છે.

આ પુસ્તકો અંગે પુસ્તકોના આમુખ, પ્રસ્તાવના, બે બોલ વગેરે આધારે લખેલ લેખ ૧૫મી ઓગસ્ટના અનુસંધાને, ‘ઓપિનિયન’માં પ્રકાશિત કરવાના હેતુથી મોકલું છું.

— જનકભાઈ બી. શાહ

*****

जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।

 

सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है

देखना है ज़ोर कितना बाज़ू-ए-क़ातिल में है   

                                            — बिस्मिल अज़िमाबादी        

કોઈ પણ રાષ્ટ્રના ઘડતરમાં તેના સ્વાતંત્ર્યસંગ્રામનું સ્વરૂપ ઘણું મહત્ત્વનું હોય છે. આઝાદી પછીની પેઢીને સ્વતંત્રતા પહેલાંના જીવનનો ખૂબ ઓછો ખ્યાલ હોય છે. રાષ્ટ્રની સ્વતંત્રતા માટે પોતાના પૂર્વજોએ કેવી યાતનાઓ સહન કરી છે, અને કેવા કડવા અનુભવો વચ્ચેથી તેમને પસાર થવું પડેલું, તેનો ખ્યાલ સ્વાતંત્ર્યોત્તર સમયમાં જન્મેલી વ્યક્તિઓને ખૂબ ઓછો હોય છે. તેથી જે-તે દેશની પ્રજાએ વેઠેલી મુશ્કેલીઓ, અનુભવેલી યાતાનાઓ, આઝાદીની લડતની પ્રક્રિયાઓ તથા ગતિવિધિઓની સ્મૃતિઓ કોઈ પણ રાષ્ટ્રની પ્રજા લાંબા સમય સુધી વાગોળતી રહે, અને તેના ઇતિહાસથી પરિચિત થાય તેની જવાબદારી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયલા લોકોની બની રહે છે.

સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓની આછી-પાતળી માહિતીથી તો ઘણા લોકો પરિચિત હોય છે, પરંતુ આ ઘટનાઓના ઊંડાણથી કે તેના કાર્યકારી પરિબળો તથા પાયાના કાર્યકરોના યોગદાન વિશે લોકો ખૂબ ઓછી જાણકારી ધરાવતા હોય છે. ઇતિહાસ અને સાહિત્યિક કૃતિઓ દ્વારા તે સંગ્રામની યાદો જીવંત રહી છે. તેમાંની કેટલીક કૃતિઓનાં નામ અસ્થાને નહીં લેખાય જેમ કે ‘ફ્રીડમ એટ મીડ નાઇટ’, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’, ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’, ‘તમસ’, ‘ભારેલો અગ્નિ’, ‘પ્રલય’, ‘બંધન અને મુક્તિ’, ‘બંદીઘર’, ‘દીપનિર્વાણ’ વગેરે. સમય સાથે પ્રબળ બનતી જતી સ્વતંત્રતાની ચળવળ અને સામાજિક ન્યાયની ભાવનાને ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ્‌, સ્નેહરશ્મિ, સુંદરજી બેટાઇ વગેરેની કવિતાઓમાં જોઈ શકાય છે. તેમાં તત્કાલીન સામાજિક સંરચના, સ્વતંત્રતાની ચળવળ અને મહાત્મા ગાંધી જેવા વિષયો કેન્દ્રમાં હતા. પદ્ય ક્ષેત્રે કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશ્ચંદ્ર ભટ્ટ અને મનસુખલાલ ઝવેરી જેવાઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. નવલકથા ક્ષેત્રે રમણલાલ વ. દેસાઈ, પન્નાલાલ પટેલ, મનુભાઈ પંચોળી, ઇશ્વર પેટલીકર વગેરેએ આ યુગનાં મૂલ્યો આ સાહિત્ય પ્રકારમાં પ્રચલિત કર્યાં હતા.

ઈ.સ. ૧૮૫૭ થી ઈ.સ. ૧૯૪૭ સુધીનો સમય એ ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં અગત્યનો ગણવામાં આવે છે. ભારત પર જ્યારે બ્રિટિશ સામ્રાજ્યનો સત્તારૂપી કાળો પડછાયો હતો, ત્યારે તેને દૂર કરવા ભારતની પ્રજાએ જે રીતે આંદોલનો અને લડતો ચલાવી હતી તે માત્ર ભારતના ઇતિહાસમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ઇતિહાસનું વિશિષ્ટ પ્રકરણ છે. મહાત્મા ગાંધીજી પ્રેરિત આ લડતની વિશિષ્ટતા એ હતી કે, જ્યારે વિશ્વ અણુપ્રયોગ કરી રહ્યું હતું, ત્યારે ભારત જેવા વિશાળ દેશના અને તેમાં ય અભણ, અજ્ઞાન તથા ગ્રામ્ય કક્ષાનાં લોકોને સાથે લઈ અહિંસક લડત ચલાવી, જે આઝાદીની લડતનો વિશ્વ કક્ષાએ પ્રથમ પ્રયોગ હતો. સમગ્ર વિશ્વને આ યુદ્ધ અને સાત્ત્વિક લડતે અન્યાય તથા અત્યાચાર સામે પ્રતિકાર કરવા સત્ય અને અહિંસારૂપી બે અભિગમ અપનાવવાની અપીલ કરી. ગાંધીજીની રાહબરી હેઠળ થયેલા હિંદના સ્વાધીન સંગ્રામની અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય સૈનિકોએ પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું, ત્યારે આઝાદીના લડવૈયાઓએ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે લડત ચલાવીને આઝાદી આપવા બ્રિટિશરોને મજબૂર કરી દીધા હતા. આ નામી-અનામી સત્યાગ્રહીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ ચાલી સભા-સરઘસો, પત્રિકા પ્રવૃત્તિ, પિકેટીંગ, ભૂગર્ભ પ્રવૃત્તિ, ભાંગફોડ પ્રવૃત્તિ, અસહકારના આંદોલન દ્વારા તેમ જ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ આગેવાની લઈ, જેલવાસ ભોગવી, પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરીને કોઈ પણ ભોગે આઝાદી મેળવવાનાં સ્વપ્નને સાકાર કર્યું હતું.

માણસને જન્મથી જ ત્રણ માતાઓની ભેટ ઇશ્વર તરફથી મળે છે. એક જન્મ દેનારી મા, બીજી ધરતી માતા યાને માતૃભૂમિ અને ત્રીજી માતૃભાષા. ‘જનની જન્મભૂમિ સ્વર્ગાંદપિ ગરિયસી’ યાને જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. જન્મ દેનારી માતા આપણને જન્મ આપી ઉછેરીને મોટા કરે છે તેનો ઉપકાર ક્યારે ય ભૂલી ન શકાય તેવો છે પણ જે ભૂમિ પર આપણે જન્મ લીધો તેનું ઋણ તો સાત જન્મે ય ચૂકવી ન શકાય. આવી એક માતૃભૂમિ એટલે લીંબડી અને લીંબડી એટલે ……

કવિ નાનચંદ્રજી મહારાજની જનસેવાથી સુવાસિત બનેલ ભૂમિ.

સ્વામી વિવેકાનંદજીની અનન્ય દેશભક્તિથી હરીભરી બનેલ ભૂમિ.

શંકર જગન્નાથતીર્થ સ્વામીની યોગસાધનાથી અભિષિક્ત ભૂમિ.

શ્રીમન્ન નથુરામ શર્માની ધર્મને સુલભ બનાવનાર સાહિત્ય સાધનાથી પાવન થયેલ ભૂમિ.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર, વિનોબાજી અને સ્વામી આનંદનાં પુનિત ચરણથી પવિત્ર થયેલ ભૂમિ.

અમદાવાદના ભડકી ઊઠેલ કોમી દાવાનળને ઠારવામાં શહીદી વહોરનાર વીર રજબઅલીની ભૂમિ.

સરદારસિંહ રાણા તેમ જ અનેક સ્વાતંત્ર્ય સેનાની અને અનેક સત્યાગ્રહીની દેશભક્તિનું પાન કરેલ ભૂમિ.

શાસ્ત્રીય ઢબે, કાવ્યશાસ્ત્ર – છંદશાસ્ત્રની મર્યાદામાં રહીને ઉત્તમ રચનાઓની સમાજને ભેટ આપનાર મોટા ગજાના રાજ્ય કવિ શંકરદાનજી દેથાની કર્મભૂમિ.

આવી આ લીંબડી કે જેનું નામ રાષ્ટ્રીય ફ્લક પર આઝાદીની લડતના સમયે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ જેવા ટોચના નેતાઓના સ્મૃતિ પટ પર પણ અંકાયેલું હતું, તે વાતની પ્રતીતિ વર્ષો પહેલાં બહાર પડેલ પુસ્તિકા ’લીંબડીની લડત’ વાંચીએ તો ખ્યાલ આવશે. દેશને આઝાદ કરવામાં ભારતના સર્વે ભાગમાં એક એવી જ્વાળા પ્રગટી હતી કે કોઈ તેને રોકી ન શકે. તો પછી લીંબડી સવિશેષ પોતાનું યોગદાન દેવામાંથી કેવી રીતે બાકાત રહી શકે ? 

આવી આ લીંબડીને પોતાની કર્મભૂમિ બનાવેલ એક આમ આદમીનું નામ કદાચ આ યાદીમાં ઉમેરીએ તો શક્ય છે ઉપરોક્ત નામોની તોલે તે ન પણ આવે છતાં તેમણે આ ભૂમિ માટે ગુજારેલી જિંદગીને નજરઅંદાજ નહીં જ કરી શકાય. જેમણે પોતાની શક્તિ પ્રમાણે દેશ ખાતર જિંદગીને હોડમાં મૂકી આ ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં બરડાફાડ લાઠીઓ ખાધી હતી અને જેલની યાતનાઓ ભોગવી હતી, તેમનું નામ ઉમેરવાનો અમારો નમ્ર પ્રયાસ અહીંયા અસ્થાને નહીં ગણાય. એ હતા મહાત્મા ગાંધીજીની હરિજન કલ્યાણની તમામ પ્રવૃતિઓમાં નાણાકીય લાભની પરવા કર્યા વગર અવિરત સેવા બજાવી બાળપણથી જ સત્ય માટે સામનો કરનાર, સામાજિક અન્યાયનો સામનો કરી જીવનભર ઝઝૂમનાર તેમ જ વર્ષો સુધી  ‘જન્મભૂમિ’, ‘ફૂલછાબ’, ‘ગુજરાત સમાચાર’, અને ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના સાચા, શૂરવીર, પ્રામાણિક, કાર્યદક્ષ અનેે નિષ્ઠાવાન ખબરપત્રી તરીકે નોંધપાત્ર કામગીરી કરનાર, લીંબડીના મે. પે. સાર્વજનિક છાત્રાલયના ગૃહપતિ તરીકેની ફરજ બજાવનાર લીંબડીના વતની એવા રસિકલાલ શિવલાલ શાહ (મારવાડી)(જન્મ-૨૫/૧૨/૧૯૧૬) જેમની સ્વાતંત્ર્ય સેનાની તરીકેની કદર કરીને રાજકોટ મુકામે ૧૫ ઓગસ્ટ, ૧૯૯૮ના આઝાદીના પર્વે તે સમયના ગુજરાત રાજ્યના નાણાપ્રધાન વજુભાઇ વાળાના હસ્તે ચાંદીનો સીક્કો આપી તેમ જ શાલ ઓઢાડી  વિશિષ્ઠ સન્માન કરવામાં આવેલું હતું.

વર્ષો પહેલાં, આઝાદીની લડતમાં ભાગ લેનારને પેન્શન વગેરે લાભ આપવાનું જાહેર થયું ત્યારે તેમણે તેમનાં સ્મરણોમાં નોંધેલી વાત રજૂ કરીશું તો ખ્યાલ આવશે કે તેઓની લડતમાં કોઈ બદલો મેળવવા માટે ભાગ લીધો ન હતો. તે એક એવો જુવાળ હતો કે સૌ કોઇ બ્રિટિશરોની ગુલામીમાંથી  મુક્ત થવા કોઈપણ પ્રકારની અપેક્ષા વગર ભાગ લીધો હતો.

પેન્શન લેવાનું અયોગ્ય લાગ્યું

ફ્રીડમ ફ્રાઇટરને પેન્શન અને બીજા લાભો આપવાનું સરકારે જાહેર કર્યું. શ્રી રસિકભાઈ પરીખે (તે સમયે ગુજરાતના ગૃહપ્રધાન હતા.) મને પેન્શન મેળવવાના ફોર્મ ઉપર સહી કરવાનું કહ્યું. બાકીનું પોતે સંભાળી લેશે તેમ જણાયું.

તે વખતે મારા બાળકો હજુ અભ્યાસ કરતા હતા. મારી આવક માસિક રૂા. ૧૫૦/-ની.

મેં મુ. શ્રી રસિકભાઈને કહ્યું, “મારે શા માટે પેન્શન લેવું ?”

તેમણે કહ્યું, “તું જેલમાં ગયેલો. તારી પાછળ દસેક મહિના વૉરન્ટ હતું. તેં માર પણ ખાધેલો. સિદ્ધાંત ખાતર સ્કૂલ પણ છોડેલી. વળી આ જ સુધી તું રચનાત્મક પ્રવૃત્તિને વળગી રહ્યો છે. બીજાઓ તો ખૂબ કમાય છે તેઓ પણ પેન્શન લે છે.”

મેં કહ્યું, “તેમની વાત જુદી છે. હું તો માનું છું કે મેં જે કાંઈ કર્યું હતું અને કરું છું તે માત્ર મારી ફરજ સમજીને, નહીં કે બદલો લેવા માટે. વળી પેન્શન માટે અરજી કરવી તેનો અર્થ ભીખ માંગવી તેમ હું કહું છું. ખરી વાત તો એ છે કે જેમણે દેશ માટે ભોગ આપ્યો હોય અને તેને કારણે આજે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા હોય તેવાને શોધી કાઢી સામે ચાલીને વગર અરજીએ સરકારે સહાય આપવી જોઈએ, અલબત્ત તેમનું ગૌરવ જળવાય તે રીતે.”

મુ. શ્રી રસિભાઈએ મને ઘણો સમજાવ્યો. પણ હું મારી વાતમાં સ્પષ્ટ હતો અને મક્કમ રહ્યો.

ઘણા મિત્રો આ માટે આજે પણ મને મૂર્ખ કહે છે. હું તે વાતને હસી કાઢી શકું છું તેટલી ઈશ્વરની મહેરબાની માનું છું.

આમ લીંબડી ગામના આમ આદમી  રસિકભાઈએ અસંખ્ય કષ્ટો સહન કરીને એક સમયે જીવનને હોડમાં મૂક્યું હતું. ‘સ્વાતંત્ર્ય સેનાની’ તરીકેનાં માનપાન, તામ્રપત્ર, સરકારી રાહતો અને પેન્શનને પણ ઠોકરે મારી એક શહેનશાહની ખુમારીથી તેઓ જીવ્યા હતા. સાદાઈ, સંતોષ અને સેવામાં એમને કર્તવ્યની સાર્થકતા સમજાઈ હતી. જે જમાનામાં દેશી રજવાડાઓમાં સ્વાતંત્ર્ય માટે રાજકીય પ્રવૃતિઓ કરવી એટલે કેસરિયા કરીને અથવા શિર પર કફન બાંધીને યાહોમ કરીને પડયા જેવું કામ હતું, એ જમાનામાં તેમણે નોંધપાત્ર મર્દાનગીભરી દેશસેવા કરી હતી. નિડરતાથી કોઇની શેહ શરમમાં આવ્યા વગર સાદું, સત્યનિષ્ઠ, નિયમિત જીવન જીવ્યા હતા. તેમના પિતા શિવલાલ ગુલાબચંદ શાહે તેમના વિચારો અને સિદ્ધાંતોને સદા ય ઉત્તેજન આપ્યું હતું. તેઓ તેમની પાસેથી આત્મગૌરવના પાઠો શીખ્યા હતા. તેમના માતા પ્રસન્નબહેન શિવલાલ શાહના સરળ, પ્રેમાળ અને ઉદાર સ્વભાવે તેમનામાં સમતાભાવના ગુણનું બીજ રોપ્યું હતું. તેઓ હંમેશાં તેમના ગુરુ એવા બે મહાનુભાવોને ભૂલ્યા ન હતા. (૧) મૂળશંકરભાઈ મો. ભટ્ટ (૨) અમૃતલાલ યાજ્ઞિક.  મૂળશંકરભાઈએ તેમનામાં જે કાંઈ સદ્‌ગુણો હતા તેને વિકસાવવા માટે તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને અમૃતલાલ યાજ્ઞિકના પ્રેમે તેમને તેમાંના સિદ્ધાંતોમાં ટકી રહેવાનું બળ પૂરું પાડયું હતું.

“મુંબઇ સમાચાર” સાપ્તાહિકના નિવૃત્ત તંત્રી તેમ જ તેમના વ્યવસાયબંધુ એવા શાન્તિકુમાર જ. ભટ્ટે ‘એક સત્યાગ્રહી કાર્યકરનાં સંસ્મરણો’ની પ્રસ્તાવનામાં તેમના વિશે જણાવ્યું હતું કે :

“ખરેખર મહાન બનવા માટે આગેવાન બનવાની નહીં પણ સાચા, શૂરવીર, પ્રમાણિક, કાર્યદક્ષ અને નિષ્ઠાવાન સત્યાગ્રહી કાર્યકર બનવાનું આવશ્યક છે. આગેવાનોની મર્યાદાઓ અને અપૂર્ણતાઓ લોકોમાં ચર્ચાનો વિષય બને છે. આ મર્યાદા અને અપૂર્ણતા સોના જેવા શુદ્ધ સત્યાગ્રહી અને કાર્યકરને નડતી નથી. પત્રકારત્વના પાયારૂપ વૃત્તાંત નિવેદક તરીકે ‘જન્મભૂમિ’ અને ‘ફૂલછાબ’માં સમાચારો મોકલવા માટે એમણે અસંખ્ય મુશ્કેલીઓનો જાનને જોખમે દાયકાઓથી સામનો કરવાની એમની લડાયક વૃત્તિ જાગી અને પછી વિકસતી ગઈ. સમાજિક અન્યાયોનો સામનો કરવા તેઓ જીવનભર ઝઝૂમ્યા. એક તો જૈન કોમની વેપારી કોઠાસૂઝ, વળી કર્મનિષ્ઠા, જો તેઓએ ધાર્યું હોત તો આજે સમાજમાં તેઓ કોઈ શાહ સોદાગર કે ઉદ્યોગપતિ બની શક્યા હોત. રાજકીય પક્ષનું દોરડું પકડીને આકાશને આંબી શક્યા હોત પણ આદર્શવાદી, સ્વદેશપ્રેમી અને સમાજપ્રેમી કાર્યકર માટે એ શક્ય જ નથી.”

દેવિકાબહેન ધ્રુવે તેમના બ્લોગ ‘શબ્દોને પાલવડે’માં (૫ત્ર શ્રેણી – ૫; ૩૦ જાન્યુઆરી, ૨૦૧૬) એક ખૂબ સરસ વાત કરી છે. “કોઇપણ ભાષા એ વ્યક્તિની અભિવ્યક્તિનું એક માધ્યમ છે. સાહિત્ય ક્યાં જીવનથી જુદું છે ?  એમ તો દ્રઢપણે માનું છું કે, સાહિત્ય એ બીજું કંઈ જ નથી પણ આ જોવાતું જગત છે અને જીવાતું જીવન છે. સાહિત્ય તેનું જ પ્રતિબિંબ છે. અંગ્રેજીમાં પણ કહેવાયું છેઃ ‘Literature is the reflection of life.’  અને … તેમણે જોયેલ જગત અને જીવેલા જગતનું ૧૦ વર્ષથી અપ્રકાશિત અવસ્થામાં પડેલું રસિકભાઈનું કલ્પનામાં પણ ન આવે તેવું સાહિત્ય અમને સાંપડ્યું અને તેમના યુગનો એક સ્પષ્ટ ચિતાર આંખ સમક્ષ ખડો થઈ ગયો. તેની અનુભૂતિ કરવામાં આપ સૌ કેમ બાકાત રહી જાવ?

William Shakespeare ના ‘As You Like It’માં પ્રસ્તુત કરેલ કાવ્ય ‘All the world's a stage’ કાવ્યની છેલ્લી પંક્તિ યાદ આવે છે : ‘Last scene of all, …. That ends this strange eventful history ,…’ માણસ જીવીને જાય છે એટલે કે મૃત્યુ પામે છે ત્યારે ખ્યાલ આવે છે કે કેટલા મહત્ત્વશીલ બનોવોથી ભરપૂર ઇતિહાસનો અંત આવ્યો છે. રસિકભાઈનું સમગ્ર સાહિત્ય તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે, અને દેવિકાબહેને કહેલ વાતને ‘સાહિત્ય એ બીજું કંઈ જ નથી પણ આ જોવાતું જગત છે અને જીવાતું જીવન છે.’ તેની સાબિતી આપે છે.

વર્ષો પહેલાં વિદ્યાર્થીઓને સરોજિની નાયડુનાં SLEEP, O my little ones, sleep,… કાવ્યના કરાવેલ રસદર્શન અને ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય ‘શિવાજીનું હાલરડા’ની કેટલીક પંક્તિઓ યાદ આવી જાય છે. બન્ને કાવ્યોનો સંદર્ભ આઝાદી પહેલાંના બાળકો માટે સૂચિત કરાયેલ શાંતિભરી નિંદર માણી લેવાનો છે. બન્નેમાં બાળકને નિંદર માણી લેવાનું શા માટે કહેવાય છે ?

સરોજિની નાયડુ તેમના ‘SLEEP, O my little ones, sleep’ કાવ્યમાં આઝાદીના સોનેરી સમણાંની કેવી સરસ વાત અભિવ્યક્ત કરે છે ! તેઓ સોનેરી આવતીકાલનાં સમણાંમાં પરોઢ (આઝાદી મળે) થાય ત્યાં સુધી બાળકને સૂઈ રહેવાનું કહે છે કારણ કે હજી તે જાગે ત્યાં સુધીમાં તેમને તેમનો પાક તૈયાર કરવાનો છે (આઝાદી મેળવવાની છે) જેને દાતરડાથી લણી લેવાનો છે. તે પાક પણ ક્યો ? તે સૂતો હતો ત્યારે (ગુલામીના સમય ગાળા દરમિયાન) તે પાક. તેમની આશા અને વેદનાઓથી પોષાયેલ હતો અને તેમના આંસુઓથી તેમણે તેને સમૃદ્ધ કરેલો હતો. મેઘાણી પણ ‘શિવાજીનું હાલરડા’માં બાળકને પોઢી લેવાનું કહે છે કારણ કે બાળકને જાગશે ત્યારે આઝાદી મેળવવા યુદ્ધ ખેલવું પડશે અને તલવાર પણ ચલાવવી પડશે અને કેવો સંગ્રામ ખેડીને આઝાદી મળશે તેની તો તે સમયે કલ્પના જ કરવાની હતી. આવી આઝાદી મેળવવા ખેડેલા સંઘર્ષોની કથાઓ અનેક પુસ્તકોમાં અભિવ્યકત થયેલ જોવા મળે છે. આપણને આ આઝાદી અનેક દેશપ્રેમી જનોનાં બલિદાનો પછી પ્રાપ્ત થઈ હતી તેની અનુભૂતિ આવી કથાઓ વાંચીને થાય છે.

આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી ખ્યાલ આવશે કે મેઘાણીએ અને સરોજિની નાયુડુએ લખેલ સાહિત્યનો યુગ રસિકભાઇનો યુગ પણ હતો. તેમના જીવનના વિવિધ તબક્કામાં આઝાદીના સંગ્રામ વખતે તેમણે ખેડેલ સંઘર્ષમાંથી રચાયેલું તેમનું સાહિત્ય તેમની ભૂમિકાને સ્પષ્ટ કરે છે અને તેમના જીવનને પણ પ્રતિબિંબિત કરે છે. આ પ્રતિબિંબ તેમનાં કાવ્યો, સંસ્મરણો અને રોજનીશીના કેટલાંક અંશોમાં પ્રસ્તુત થયાં છે. તમે કલ્પના કરી શકો કે દેશદાઝને ખાતર શાળા છોડવી પડે તેની પણ તમા કર્યા વગર આજે કોઈ તેમના જેવી હિંમત દર્શાવી શકે ખરા? વાત છે તે ૧૯૩૬ની સાલની. તેઓ પોતાના સંસ્મરણોમાં નોંધે છે –

રસ્ટિકેટ થયો

૧૯૩૬માં મેટ્રિકમાં હતો ત્યારે એક બીજો બનાવ બન્યો અને મારે સ્કૂલ છોડવી પડી. ૧૯૩૬માં વાઇસરૉય લોર્ડ વિલિંગ્ડન અને લેડી વિલિંગ્ડન નવા પૂલના ઉદ્‌ઘાટન માટે લીંબડી આવ્યાં. અમને તેમનું સ્વાગત કરવા સ્ટેશને જવાનું ફરમાન થયું. બ્રાહ્મણ બોર્ડિંગના વિદ્યાર્થી રવીન્દ્રનાથ અને મેં સ્વાગત કરવા જવાની ના પાડી. રાજ્યની પ્રજા તરીકે. રાજ્યના મહેમાનોનું સ્વાગત કરવાની ફરજ છે તેમ સમજાવવામાં આવ્યું. જવાબમાં અમે જણાવ્યું,“રાજ્યના મહેમાનનું રાજ્ય વતી સ્વાગત કરવાનું હોય તો યુનિયન જેકને બદલે રાજ્યનો ધ્વજ લઈને અને ખાદીની ટોપી પહેરીને જવામાં વાંધો નથી. છેવટે અમને રસ્ટિકેટ કરવામાં આવ્યા. પંડ્યા સાહેબે મને બોલાવી કહ્યું, “તમારી ભાવના હું સમજું છું, પણ રાજ્યના હુકમ પાસે લાચાર છું.” તેમની અમારા તરફની સાચા હૃદયની લાગણી હું જોઈ શક્યો, પણ બીજો કોઈ રસ્તો ન હતો અને સ્કૂલ છોડી.

આજના યુગના કેટલાં વિદ્યાર્થી હેડમાસ્તર પાસે આવી નિડરતા બતાવશે ? પોતે રસ્ટિકેટ થતા, સર્ટિફિકેટમાં ‘રસ્ટિકેટ’ લખવામાં આવતા હેડમાસ્તર સામે જ તે સર્ટિફિકેટને ફાડી નાખવાની હિંમત દાખવવી તે કાંઈ નાની-સૂની દેશ-દાઝ ન કહેવાય ! એ જ વાત વિગતે તેમણે તેમની ડાયરીમાં પણ પ્રસ્તુત કરી હતી. બચપણથી અન્યાય સામે લડવાની તેમની વૃત્તિ તેમનાં સંસ્મરણો, ડાયરી તેમ જ કાવ્યમાં પ્રતિબિંબિત થઈ છે. સત્યાગ્રહની લડતમાં ચલાવેલી ચળવળના ઘણા બધા કિસ્સાઓમાં તેમની નિડરતા અને સત્યનિષ્ઠાના દર્શન થયાં વગર રહેતાં નથી.

આંધળીમાના કાગળના રાગમાં લખાયેલ કાવ્ય ‘કેદીનું જીવન’ અને ‘રાત્રે પજવતાં તીડડાંને’ કાવ્યો આબેહૂબ જેલ જીવનનો ચિતાર ખડો કરે છે અને સાથે સાથે ખ્યાલ પણ આવે છે કે દેશ ખાતર જેલમાં ગયેલા કેદીએ કેવી વેદના સહી હશે. આજના જેલના કેદીના જીવનને આ ચિતાર સાથે સરખાવશો તો કદાચ આજનું જેલ જીવન વધું સુખ સાહેબીવાળું લાગશે.

ઘણી વાર ન્હાઇને ફક્ત ટૂવાલ વિંટાળીને ખુલ્લા ડિલે પોતે રચેલ ગુજરાતીમાં ભાવાનુવાદ કરેલ ભક્તાંમરનું રટણ કરતા તેમની પીઠ પર લાકડીના મારના સળને જોયા હતા તે વાત આ કાવ્ય વાંચીને યાદ આવી જાય છે. પણ તેમણે કદી આ મારની કે પોતે વેઠેલા દુઃખની વાત કહી ન હતી કોઇ પૂછે તો તેઓ કહેતા –

દુઃખ શું ?

મને કોણ જાણે કેમ પણ દુઃખ મનની કલ્પના છે તેમ લાગ્યા કર્યું છે. મુશ્કેલી આવે તેને સહજભાવે અવગણીએ તો મુશ્કેલી લાગે નહીં. પર્વત ઉપર ચઢવામાં કેટલાક આનંદ અનુભવે છે અને તે કાર્ય વેઠ ગણીને કરનારને તેમાં ભારે મુસીબત લાગે છે. મને કેટલાક મિત્રો જ્યારે કહે છે, “તમે ઘણું સહન કર્યું છે.” ત્યારે હું પૂછું છું, “મેં શું સહન કર્યું છે? તે તમે મને કહો તો ખબર પડે, બાકી મેં સહન કર્યું છે તેવું મને તો ક્યારે ય લાગ્યું નથી. એક કામ તે ગમે તેવું મહેનતનું હોય પણ તે હોંશથી કરીએ તો તેમાં આનંદ આવે છે – કાંઈક કર્યાંનો સંતોષ મળે છે, પણ પણ તે જ કાર્ય જો વેઠ સમજી રોદણાં રોતાં કરીએ તો તેમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે. કરવાનું જ છે તો ગૌરવભેર હસતાં મોંઢે શા માટે ન કરવું? તે મને તો કદી સમજાયું નથી.

સમાજનાં દૂષણોને અને સમાજની માન્યતાઓને પણ તેઓ એ તેમના કાવ્યમાં ખૂબ સરસ રીતે અભિવ્યક્ત કરી છે. સમાજમાં જીવતી પાપી સ્ત્રીને શિક્ષા કરવાનો અધિકાર કોને છે તે વાતને પથ્થર દ્વારા જ છંદોબદ્ધ પંકિતઓમાં પ્રસ્તુત કરીને હૃદયસ્પર્શી બનાવી દીધી છે.

ધાર્મિક કથાઓના પ્રસંગને પણ ખૂબ સરસ રીતે પ્રસ્તુત કર્યા છે તે વાત તેમના કાવ્ય ‘રામ-રાવણની ખેલદિલી’ દ્વારા સાબિત થાય છે. રાવણ રામનો દુશ્મન હોવા છતાં લંકા જવા માટે સેતુ બાંધવાના મુહૂર્તને રાવણ કાઢી આપે તે વાત આપણને માન્યામાં ન આવે. પણ છંદોબદ્ધ રચનામાં તે વાત પ્રસ્તુત કરીને આપણને તે વિચારતા કરી દે છે.

કર્તવ્યનિષ્ઠ પણ મગરૂર માનવીનું અંગ્રેજી કાવ્ય ‘મીલર ઑફ ધી ડી’ આપણે સૌ ભણી ગયા છીએ. તેનો ભાવાનુવાદ કરીને પોતાના વિચારોને પ્રસ્તુત કરવા જાતે તેમાં ઉમેરો કરીને પોતાની સૂઝને અભિવ્યક્ત કરીને તેમણે નિડરતાના એક સાચા પ્રશંસક તરીકેની છાપ અંકિત કરી છે.

વસંત-રજબની કોમી એકતા અને કૂરબાનીની વાત આપણે સૌ જાણીએ છીએ. અમદાવાદના તે સમયે ભડકેલા કોમી દાવાનળની વાતને આબેહૂબ વર્ણવતી પંકિતઓ તેમને એક નીવડેલ અને પ્રવીણ કવિ જીવ તરીકે પ્રસ્થાપિત કરે છે. તે કાવ્ય દ્વારા માનવીય સંવેદનાને પણ હચમચાવી દીધી છે અને સત્ય હકીકતને શબ્દદેહે પ્રસ્તુત કરવામાં તેમણે કોઈ મણા રાખી નથી.

કાવ્ય સંગ્રહને જોતાં એમ લાગે છે કે તેમના પર ઇન્દુલાલ ગાંધીના કાવ્ય ‘આંધળી માના કાગળ’ની અસર ઘણી પડી હશે, અથવા તેમને તે કાવ્યો ખૂબ જ ગમ્યાં હશે. કેટલાંક કાવ્યો તેમણે તે ઢાળમાં રચ્યાં છે તેમ જ તે કાવ્યના જવાબમાં પ્રતિકાવ્ય પણ રચ્યાં છે. કાવ્યની પંકિતોઓ અંગે તેવો ખ્યાલ પણ છે કે આવી રચના બીજા કેટલાક કવિઓએ તે સમય દરમિયાન કરી હતી. તેમની પુસ્તિકા ‘એક સત્યાગ્રહી કાર્યકરનાં સંસ્મરણો’માં તેમની હયાતી દરમિયાન સમાવિષ્ટ કરાયેલ આ કાવ્યોને જોઈને શ્રદ્ધા બેસે છે કે આ કાવ્યો તેમણે જાતે જ રચ્યાં હશે. આ ઉપરાંત તેમણે લખેલ કાવ્યોની તારીખ પરથી ખ્યાલ આવે છે કે તે સમયના ગાળામાં તેઓની મનોસ્થિતિ કેવી હશે.

ઘરમાં બનતી ગતિ-વિધિ તેમની નજર બહાર ન જતી તેનું એક સરસ ઉદાહરણ મળી આવે છે. સૌથી નાની દીકરી રીટાને રોટલી વણતી જોઈને તેમનાં મનમાં જાગેલા પ્રશ્નોને અને નારીની મનોદશા શું હોઈ શકે તે વાત સાથે નાતને અને વાદના નાદને વણી લઈ સરસ મજાના પ્રાસ મેળવી રચેલ આ કાવ્યની પંકિતઓ હૃદયને સ્પર્શી જાય છે. ટૂંકી વાર્તાઓના સંદર્ભે જોઇએ તો તેમની વાર્તાઓમાં પ્રમાણિકતા, સત્યનિષ્ઠા, ચારિત્ર્યશીલતા, નીડરતા, વહેમને દૂર કરવાના વિષય-વસ્તુઓને આવરી લેવામાં આવ્યા છે.

રસિકભાઈ શાહ (મારવાડી) આ ‘લીંબડી’ના એક એવા હિતચિંતક અને એવા એક સત્યાગ્રહી હતા જેમણે બરડા ફાડ લાઠીઓ ખાઈ, જેલવાસ ભોગવી આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. ‘આઝાદીની ચળવળ’ના સમયે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કર્યો હતો, તેનો ચિતાર તેમણે આલેખેલાં તેમનાં હૃદયસ્પર્શી સંસ્મરણોમાં અભિવ્યકત થાય છે તે વાંચીને લાગે છે કે આજના યુગના યુવાને અચૂક વાંચવા જ જોઇએ. તે સમયમાં બ્રિટિશ હકૂમત સામે વિદ્યાર્થી તરીકે અવાજ ઊઠાવનાર યુવાન રસ્ટિકેટ થતાં આચાર્ય સામે જ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફાડી નાખી પોતાની શાળા છોડી દેવાની હિંમત કરે, તેની આજના યુવાનોને કલ્પના નહિ આવે. તો વળી જેને ઊંઘમાંથી ઊઠાડવાની હિંમત ન કરી શકનાર વહાણ પગી જેવા ખુંખાર આદમીને રાત્રે મળવાની હિંમત કરે તેવો નિર્ભય આદમી એ જમાનામાં મળવો સહેલો ન હતો અને તેવી હિંમત કેળવવી પણ સહેલી નથી. નદીના પટમાં સૂકાયેલી શ્વેત ચાદરોના હલન ચલન અંધકારમાં ‘ભૂત સભા’નો આભાસ ઊભો કરી માનવીના વાસ્તવિક મનોવલણને કેવી સરસ રીતે વ્યકત કરે છે, તે જાણવા માટે ‘ભ્રમણાની ભૂત સૃષ્ટિ’ કથા વાંચવી જ જોઇએ. એકોએક કથામાં કાંઇકને કાંઇક નીતિબોધ છૂપાયેલ રહે તે તેમની કલમની ખૂબી છે. લંકા જવા સેતુ બાંધવાનું ખાત મુહૂર્ત રામે રાવણ પાસે કઢાવીને તેના હાથે પ્રાણ-પ્રતિષ્ઠાની પૂજન વિધિ કરાવવાનું આબેહૂબ દ્રશ્ય ૦૯-૦૯-૧૯૬૦ના રોજ લખાયેલા ‘રામ-રાવણની ખેલદિલી’ કાવ્યમાં સરળ પંક્તિઓમાં અદ્‌ભુતરીતે આલેખાયેલું છે. કાવ્યની અંતિમ પંક્તિઓ જોઇએ તો …

(અનુષ્ટુપ)

કરી પ્રાણ-પ્રતિષ્ઠાની પૂજા રાવણ બ્રાહ્મણે,
દક્ષિણા રામ આપે ને આશિષ રાવણને મળે.
“મનનો સંકલ્પ તારો જે પરિપૂર્ણ બનો અને
“શુભ થાઓ સદા તારું, શત્રુઓ નિર્મૂળ બને.”
અહોહો ! ભવ્ય આ કેવું અલૌકિક જ દૃશ્ય એ ?
મહાશત્રુ નક્કી તોયે ખેલદિલી અપાર છે.

આમ રસિકભાઈ શાહ(મારવાડી)ના સમગ્ર સાહિત્ય વિશે લખવા જઇએ તો બીજું પુસ્તક બની જાય. પરંતુ જીવનકાળ દરમિયાન તેમણે જે કાંઈ સર્જન કર્યું તે નોંધપાત્ર અને મૂલ્યવાન છે. જીવન આખું ગાંધીમૂલ્યોને આત્મસાત્‌ કરીને જીવ્યા અને તેનું પ્રતિબિંબ તેમના સાહિત્યમાં પડયા વગર રહેતું નથી.

મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગે લડત ઉપાડી હતી અને તેમનો વિશાળ સમર્થક વર્ગ હતો. અનેક નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડત લડાઈ હતી અને અનેક સમર્થકોએ જેલવાસ ભોગવ્યો હતો. પરંતુ રાષ્ટ્રની આઝાદી માટે કોઈ પણ જાતની અપેક્ષા વિના રાષ્ટ્રના મોટા ભાગના સમર્થકોએ વેદના સહન કરીને પણ રાષ્ટ્રીયતાને વંદના કરી છે. આ સમર્થકોમાં રસિકભાઇ શાહ(મારવાડી)ની રાષ્ટૃવંદના કેમ ભૂલાય ? રસિકભાઇ શાહે ઇ.સ. ૧૯૩૫થી જેલવાસ દરમિયાન અને પછી જીવન પર્યંત ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે.

જેમને હૈયે ભારતમાતાની કૃપા હોય અને રગેરગમાં કેવળ ભારતમાતાનાં રાષ્ટ્ર પ્રેમના ગીતો ગુંજતાં હોય, પ્રત્યેકના હૃદયમાં માનવતા જ ડોકાતી હોય, કેવળ નૈતિકતાથી તે ભરેલાં હોય, મમત્વની દ્રષ્ટિથી જ સૌને નીહાળતા હોય, સંકટમાં મુકાયેલાઓને મદદરૂપ થતા હોય, બીજા માટે ઘસાઈ છૂટવાની વૃત્તિ ધરાવતા હોય તેવા યોગીઓને વંદન કરવા રહ્યાં. કાઠા મન અને વિશાળ હૈયા અને ક્રિયા તત્પર હાથ તેઓની પાસે હતા. અધિકાર સ્થાનોએથી ફેંકાયેલા ટૂકડાંમાં તેમને કદી રસ ન જ હોય. કેવળ તેમની સંક્લ્પ શક્તિ અને ઇજ્જ્ત એ તેમનું ભાથું હતું. આ મહાનુભાવોને બીરદાવવા એ જ આપણું કર્તવ્ય બને છે. ભાવનાશાળીઓના સહકારથી જ આપણું ‘ભારતની મહાનતાના દર્શન’નું સ્વપ્ન સાકાર થશે. અખંડ ભારત એ આપણા સૌનું સ્વપ્ન છે અને મને શ્રદ્ધા છે કે તે સાકાર થશે.

લગભગ સિત્તેરેક વર્ષ પહેલાં જૂના પેમ્ફલેટોની પાછળની કોરી બાજુમાં લખેલ, જર્જરિત કાગળમાં, નોટબૂકમાં, એન્વેલપ તોડીને તેની કોરી બાજુમાં નોંધેલ લખાણો તેમની ડાયરીના કેટલાંક અંશો અને સંસ્મરણો અરુણભાઈ તથા રીટાબહેનન પાસે રસિકભાઈના અવસાનનને દસ વર્ષ થયાં હોવા છતાં સચવાયેલાં હતાં. તેનું સંકલન કરવાનું મિશન ભારતીબહેને તથા જનકભાઈએ ઝડપી લીધું. આ કામ સરળ ન હતું. આ બધું જર્જરિત સાહિત્ય વાંચતા લીંબડીની ઊંડી શેરીના ત્રણ મજલાના ઘરના ત્રીજા માળે ખાટ પર હીંચતા હીંચતા લખતા, ટેબલ પર લખતા અને તેમના રૂમમાં આંટા મારતા મારતા ગાતા રસિકભાઇની આકૃતિ સ્મૃતિ પટ પર સજીવન થવા લાગી અને ત્યારે જ અમને (ભારતી) વિચાર આવ્યો કે આ બધાં જ સાહિત્યનું સંપાદન અને સંકલન કરીએ તો એક પ્રેરણાદાયી સાહિત્યની આજના યુગની જનરેશનને ભેટ મળ તેેમ જ રસિકભાઈ શબ્દ-દેહે સજીવ થઇ શકે. આ કાર્યને પૂરું થતાં બે વર્ષ લાગ્યાં પણ ઇશ્વરકૃપાએ પૂરું થયું.

ગાંધીબાપુની ૧૫૦મી જ્યંતી સમગ્ર દેશ અને દુનિયા ઉજવી રહી છે ત્યારે રસિકભાઈનાં સુપુત્રી ભારતીબહેન તથા તેમના જમાઈ જનકભાઈ શાહ દ્વારા સંપાદિત અને રસિકભાઈએ જ સ્થાપેલ સંસ્થા ‘મધુબન સાહિત્ય સંઘે’ રસિકભાઇ શાહ(મારવાડી)ના સાહિત્યને પ્રકાશિત કરવાની તક ઝડપી લઈ ‘વંદે માતરમ્‌’ પુસ્તક અને ‘રસિક રહસ્ય કથાઓ – શ્રેણી – ૧, ૨, ૩, ૪, ૫’નાં પુસ્તકોનું લોકાર્પણ કરે છે, ત્યારે લીંબડીના ‘મધુબન સાિહત્ય સંઘ’ને અંતરથી ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છા. અમને આશા છે કે આ દેશની યુવા પેઢી આ પુસ્તકો જરૂરથી વાંચશે અને વંચાવશે. શિક્ષકો, શિક્ષણ પ્રેમીઓ અને સાહિત્ય રસિકો સમગ્ર વિદ્યાર્થી જગતને રસિકભાઇ શાહ (મારવાડી)ના આ ‘ભાવ જગત’થી પરિચિત કરશે, તેવી આ તકે અમારી નમ્ર અભ્યર્થના છે. ગુજરાત અને ભારતભરમાં આ પુસ્તકો દરેક શાળા-કોલેજનાં પુસ્તકાલયોમાં વસાવવા અનિવાર્ય બને અને નવી પેઢી આ સ્વાતંત્ર્ય સેનાનીના ‘ભાવ જગત’ને ઉમળકાભેર વધાવી લે તેવી શુભ આકાંક્ષા.

જય હિંદ.

[ભારતીબેન શાહ (પરામર્શક – ‘વિચાર વિજ્ઞાન’);  ડૉ. જનકભાઇ  શાહ, ટ્રસ્ટી ‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ અને સહતંત્રી ‘વિચાર વિજ્ઞાન’, અમદાવાદ]        

[પ્રો. મદનમોહન વૈષ્ણવ, માનાર્હ મંત્રી, ‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ અને સહતંત્રી ‘વિચાર વિજ્ઞાન’, અમદાવાદ

Loading

માહિતી અધિકાર, ઈસ હમામ મેં …

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 July 2019

આછીઅમથી પણ આસાએશ એ વાતે હતી કે રાજ્યસભામાં હજુ ભા.જ.પ. પાસે નિર્ણાયક બહુમતી નથી : માહિતી અધિકાર અંગેના સુધાર ખરડા સહિત જે બીજા અનેક ખરડા હવે ઘડિયાં લગન પેઠે ઉઘલાવવાની ઘાઈમાં કેન્દ્ર સરકાર હાલ માલૂમ પડે છે એમાં એથી કંઈક રૂકાવટ જરૂર આવી શકત. અલબત્ત, એથી સવાલ છેવટનો હલ નથી થતો તે નથી થતો; કેમ કે રાજ્યસભા ખરડો પાછો મોકલી શકી હોત, પણ લોકસભા જો પુનર્વિચાર બહાલ ન રાખે તો છેવટનો હક તો બંધારણીય રાહે એની (લોકસભાની) કને જ હોવાનો છે.

સામાન્યપણે ‘રુકાવટ કે લિયે ખેદ હૈ’ એ નાના પડદા પરની આપણી પરિચિત તકલીફ છે. પણ આ રુકાવટને રાજ્યસભાની ક્યારેક હોઈ શકતી રુકાવટ સાથે ગોટવી દેવાની જરૂર નથી. કારણ, એ ‘રુક જાવ’ વસ્તુતઃ એક એવો સર્જનાત્મક તનાવ પેદા કરી શકે છે જે સંભવ છે કે ફેરવિચાર અને ક્ષતિપૂર્તિનો અવસર પૂરો પાડી શકે.

બાકી ખરડા છાંડી આ ક્ષણે માહિતી અધિકાર સુધાર ખરડા વિશે જ મુખ્યત્વે વાત કરવાનો ખયાલ છે. નમો શાસન આગમચ જે એક દાયકો મનમોહન શાસનને મળ્યો એની મહદ્‌ ઉપલબ્ધિઓ પૈકી આ કાનૂન છે. એના લાભની અને એના મૂળગત મહત્ત્વની ચર્ચામાં આપણે નહીં ઊતરીએ; કેમકે તે જગજાહેર છે. યુ.પી.એ.નાં વડાં સોનિયા ગાંધીની રાષ્ટ્રીય સલાહકાર સમિતિ પર અગ્રકામગીરી બજાવનારાં અરુણા રોય આદિની મહેનતથી સંભવિત બનેલ એ લોકશાહી નવાજેશ છે.

ખરું જોતા આજના સત્તાપક્ષને એ ખયાલ હોવો જોઈએ કે કટોકટીના અનુભવે આપણને જાણકારીના અધિકાર અને અભિવ્યક્તિના અધિકારની જે ભૂમિકા છે એનો અચ્છો અહેસાસ કરાવેલો છે. આ અહેસાસ સાથે ધીરે ધીરે ભળેલી સમજ એ છે કે કોઈ એક વ્યક્તિના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય (કે જાણવાના અધિકાર) પર રોક આવે તે માત્ર જે તે વ્યક્તિ પૂરતો સવાલ નથી. કારણ, એ માહિતી અગર મંતવ્યથી પેલી રોકને કારણે બીજું શતસહસ્ર લોક પણ વંચિત રહે છે. અને વાત માત્ર આટલી જ નથી. સરકાર અને બીજાં જાહેર સંસ્થાનો એમાં કામ કરનારાઓ અને એમની સાથે કામ પાડનારાઓ જોડે ઓઝલપડદાનો નાતો રાખે એ લોકશાહી સુવાણની દૃષ્ટિએ પથ્ય પણ નથી. પણ રાજ, કેમ કે તે રાજ છે, ‘સ્ટેટ સીક્રેટ’ને નામે પોતાની અને નાગરિકની વચ્ચે ચીનની દીવાલ ખડી કર્યા વગર એને સોરવાતું નથી. ‘અપનોં સે પર્દા ક્યોં’ એ સવાલ હુકમરાનોને મન પેમલા-પેમલીનો હશે તો હશે, પ્રજાતંત્રનો નથી તે નથી.

૧૯૭૭ના કથિત બીજા સ્વરાજ પછી નવજાગ્રત સભાનતા અને નવપ્રાપ્ત સમજને ધોરણે દેશજનતાએ જે કદમ સંસદીય રાહે એક પછી એક ભર્યાં કે ભરાવ્યાં એમાં માહિતી અધિકાર તરત આગળ તરી આવે છે. જે સવાલ હતો અને છે તે આ દિશામાં મનમોહન સરકારે કરેલી કારવાઈને આગળ લઈ જવાનો હતો અને છે. દાખલા તરીકે, મનમોહન સરકારની બીજી મુદ્દતના પ્રારંભે રાષ્ટ્રપતિના અભિભાષણમાં આપણને સૌને ગમે એવી એક હોંશ પ્રગટ કરાઈ હતી કે અત્યારે તમને માગ્યાથી માહિતી મળે છે એને બદલે વણમાગ્યે કોઈ પણ સત્તાવાર નિર્ણય અને કારવાઈ અંગેની વિગતમાહિતી યથાક્રમ વેબસાઈટ પર મૂકવામાં આવે એ દિશામાં વિચારાઈ રહ્યું છે.

માહિતી અધિકાર જેવી અચ્છી નવાજેશની પહેલી મુદ્દત પછી બીજી મુદ્દતનું સૂચિત કદમ જરૂર રોજિંદી લોકશાહીની દૃષ્ટિએ બુનિયાદી એવી મૂલ્યવર્ધિત ઘટના બની રહી હોત. પણ જેમ માહિતી અધિકાર બની આવ્યો તેમ આ અગ્રચરણ સ્થગિત રહ્યું એ પણ એક દુર્દૈવ વાસ્તવ છે. જે બીજો એક મુદ્દો ‘ઈસ હમામ મેં સબ નંગે હૈ’ની તરજ પર છે તે પણ આ સાથે યાદ કરી લેવો જોઈએ. અને તે એ કે આપણા રાજકીય પક્ષો (ભા.જ.પ. અને કૉંગ્રેસ બેઉની એકહમામીને શોભે તેમ) પોતાની કામગીરીને માહિતી કાનૂનથી પર રાખવાના આગ્રહી છે. કૉંગ્રેસને તો માનો કે સ્વરાજનો મેદ અને કાટ ચડ્યો, પણ નવલોહિયા ‘પાર્ટી વિથ અ ડિફરન્સ’ પણ આ મુદ્દે મૂંગી મંતર ને ધરાર છૂ મંતર જ પેશ આવે છે.

હમણાં જે બે વાનાંની જિકર કરી તે તો સમજો કે બાકી ખેંચાતાં પૈકી છે. પણ અન્યથા આવકાર્ય એવા માહિતી અધિકાર કાનૂનમાં સુધારાની ભા.જ.પી. હિલચાલ જે પણ હાંસલ થયેલું છે એને કમજોર કરવાની દિશામાં છે. નમૂના દાખલ, માહિતી કમિશનરની નિમણૂક અને એને ફારેગ કરવાનો (‘હાયર ઍન્ડ ફાયર’નો) અધિકાર સુવાંગ સરકાર હસ્તક રાખવાની વાત છે. જો કમિશન અને કમિશનર યથાર્થમાં સ્વાયત્ત ન હોય અને કેમ જાણે સરકારની બપૌતી હોય તો-એની મુદ્દત અને પગાર સરકારની મુનસફી પર હોય તો – તે મુક્ત ધોરણે કામગીરી કેવી રીતે બજાવી શકે? આ અંગે ચાલેલી ચર્ચાઓમાં કોઈકે ભરીબંદૂક પંક્તિઓ ટાંકી છે કે,

‘ગાલિબ વજીફખ્વાર હો, દો શાહ કો દુઆ
વોહ દિન ગયે કહતે થે નૌકર નહીં હૂં મૈં.’

વાત એમ છે કે ૨૦૦૪-૨૦૦૯ની સંસદમાં (મનમોહનની પહેલી મુદ્દતમાં) જ્યારે માહિતી અધિકાર બિલ મુકાયું ત્યારે તે સર્વાનુમતે, રિપીટ, સર્વાનુમતે પસાર થયું હતું. હાલના સત્તાપક્ષે જેમાં પોતાની સંપૂર્ણ સંમતિ હતી તે જોગવાઈને આગળ લઈ જવાની હોય કે પાછી પાડવાની હોય, એ સવાલ લાખ રૂપિયાનો છે. રાજકીય પક્ષોની અસલિયત સમજવાની દૃષ્ટિએ શરૂમાં ઉપસ્થિત કર્યાં એ વાનાં ઉપરાંત આ પણ સમજવાની જરૂર છે.

અને હા, એક સુધારો વિપળના પણ વિલંબ વગર સમજી લેવા જેવો છે. ધારો કે કોઈ પ્રશ્ન પરત્વે તપાસ ચાલી રહી હોય પણ તે પ્રશ્ન પૂછનાર (માહિતી માગનાર) ચાલુ તપાસે મૃત્યુ પામે તો એ તપાસ પણ પરબારી ખડી પડશે (‘લૅપ્સ’ થઈ જશે). આ સુધારાની પડછે જે ભયાવહ સંભાવના રહેલી છે એ, આપણે ઇચ્છીએ કે, ખોટી પડે. પણ કોઈકે પોતાને અંગેની તપાસ રોકાવવી હોય તો માહિતી માગનારને સર્વ આધિ વ્યાધિઉપાધિથી મુક્ત કરવાનો તરણોપાય આ જોગવાઈ સૂચવે છે એવું તો નથી ને. પશ્ચાદ્‌વર્તી ધોરણે દાખલો આપું તો અમિત જેઠવાની હત્યા સાથે ગુનાઈત તત્ત્વો તપાસમુક્ત થઈ ગયાં હોત એમ કલ્પી શકીએ. ખરેખર તો જેમને ‘વ્હિસલ બ્લોઅર્સ’ કહેવાય છે એમની સુરક્ષાની ચુસ્તદુરુસ્ત જોગવાઈની દિશામાં વિચારવું જોઈએ, પણ હજુ તો એ પ્રક્રિયા લબડે છે.

સરકારને સુધારાની આટલી ઘાઈ શા વાસ્તે હશે, એ સમજાતું નથી. લોકસભાની ખડી સમિતિમાં ચર્ચાવિચારણાની તક ઝડપી શકાઈ હોત એને બદલે આવો હર રચનાત્મક ટપ્પો બારોબાર ઠેકી જવાનો સત્તારવૈયો તપાસના દાયરામાં હતો, છે અને રહેશે. ચર્ચા, વધુ ચર્ચા, પૂરી ચર્ચા, એનો ન કોઈ વિકલ્પ હતો, ન તો છે. વિપક્ષના મોટા હિસ્સાએ સુધ્ધાં રાજ્યસભામાં આ બધું ચુકાવ્યું ને ગુપચાવ્યું, એ એક કમનસીબ કારુણિકા છે.

અલબત્ત, એક રસ્તો હજુ છે. રાષ્ટ્રપતિ પાસે આ સહી માટે જાય ત્યારે એમને પુનર્વિચારની નાગરિક વિનંતી ચોક્કસ થઈ શકે. રાષ્ટ્રપતિ જ્યારે માનનીય સાંસદ હતા ત્યારે (મનમોહન સરકારે આ પ્રશસ્ય પગલું ભર્યું ત્યારે) એમણે બોલી બતાવેલી કેટલીક મર્યાદાઓના ઉજાસમાં એમની કને આપણી આટલી અપેક્ષા તો બને છે.

છેલ્લી, પણ કદાચ સૌથી અગત્યની વાત. સર્વોચ્ચ અદાલતે એના એકાધિક ફેંસલામાં માહિતી અધિકારને એક મૂળભૂત અધિકાર રૂપે જોયો છે. હજુ મહિનો માસ પૂર્વે સત્તાપક્ષે ૨૬મી જૂનના ‘કાળા દિવસ’ વિશે ખાસો ઊહાપોહ કર્યો ત્યારે સ્વાભાવિક જ બાથ ટબમાંથી સહી કરતા રાષ્ટ્રપતિનું અબુચીતર્યું કાર્ટૂન વ્યાપકપણે સંભારાયું હતું. વર્તમાન રાષ્ટ્રપતિએ કાર્ટૂનિસ્ટોને આવો કોઈ કૅચ નહીં આપવાની આ એક ઉજળી તક જરૂર છે.

જુલાઈ ૨૭, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 01-02

Loading

...102030...2,7302,7312,7322,733...2,7402,7502,760...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved