શંખ ફૂંકે છે સમય લખતા રહો.
જો ધબકતું હો હૃદય, લખતા રહો.
લેખિની સાચે જ છે સંજીવની
ખોફ કોનો? કેવો ભય? લખતા રહો.
શીશ ના કોઈ સિકંદરને નેમ –
એ જ સાચો દિગ્વિજ, લખતા રહો.
શબ્દરૂપે ઉર્મિઓનું અવતરણ-
શ્વાસેશ્વાસે સૂર્યોદય, લખતા રહો.
પાણી પાણી તાય પાષણો તમામ
ઝૂમે એકેએક શય, લખતા રહો.
પ્રેમ કેવળ પ્રેમ, બીજું કંઈ નહીં
એજ શાશ્વત વિષય, લખતા રહો.
શબ્દ ખકડાવ્યે કશું વળશે નહીં –
દિલ નિચોવી, દર્દમય, લખતા રહો.
જે મુસાફિર ગેબમાં ગૂંજી રહી-
જાળવીને એ જ લય, લખતા રહો.
શય = ચીજ, વસ્તુ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 19
![]()


જો વાચક માતા-પિતા, શિક્ષક કે વિદ્યાર્થી હોય, તો તેણે ફરજિયાત આ ફિલ્મ જોવાની જરૂર છે. તેમાં પણ જો પિતા નીચેના મધ્યમવર્ગના કે ગરીબ હોય કે વિદ્યાર્થી વંચિત હોય અને હોંશિયાર હોય પણ બહુ જ ઓછો આત્મવિશ્વાસ ધરાવતો હોય, તો તો તેણે જોવી જ.
એક મિશનરી વ્યક્તિ કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે કહેવાતો સંસ્કારી અને સભ્યસમાજ અને તેના નેતાઓ તેને મદદ કરવાને બદલે તેને કેટલા હેરાન કરે છે, તેનું નક્કર ઉદાહરણ આ ફિલ્મ આપે છે. સમાજની વિચિત્રતા એ છે કે તે હંમેશ ઇચ્છે છે સંતો અને સજ્જનો અને સમાજસેવકો, પણ જેવા તે આવે છે, તેવો સમાજ તેને હેરાન કરવાનું શરૂ કરી દે છે. સ્થાપિત હિતો અને રાજકીય નેતાઓ સમાજને કેટલા નુકસાનકારક છે, તે આ ફિલ્મ કહે છે. વાતો મોટી-મોટી કરે છે, પણ ખરે સમયે હટી જાય છે અને તેના બદલે બીજું કોઈ સારું કામ કરે, તો તેને નુકસાન કરે છે. તેઓ માફિયા ઊભા કરે છે, પોતાના ફાયદા માટે અને આ માફિયાઓને કોઈ આડા આવે – એ તેમના માન્યતા હોય છે – કે તરત હેરાનગતિ શરૂ!