Opinion Magazine
Number of visits: 9684625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફિલ્મ અભી બાકી હૈ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 September 2019

ચૂંટણી-સન્મુખ ઝારખંડની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નમોએ રાંચીથી રણટંકાર કર્યો છે કે ભલા ચમરબંધીની શેહમાં આવ્યા વગર કાયદો કાયદાનું કામ કરશે. કોઈ પણ વ્યક્તિ આ દેશમાં પોતાને કાયદાથી ઉપર માનતી હશે તો તે ચલાવી લેવામાં નહીં આવે. દેખીતી રીતે જ, એમના ચિત્તમાં ચિદમ્બરમ્‌ પ્રકરણ હશે. બીજું પણ હશે. આક્રમક આશ્વસ્તતાથી એમણે ઉમેર્યું છે કે આ તો ટ્રેલર છે. ફિલ્મ હજુ બાકી છે.

નાગરિક છેડેથી આ ટ્રેલરનો ખરો ને પૂરો અહેસાસ અલબત્ત પેલા રણટંકારની મૂર્છા ને મોહનીને અતિક્રમીને મેળવવો રહે છે. આ જ ઝારખંડમાં, આ જ દિવસોમાં તરબેઝ અનસારીના સંભવિત હત્યારાઓ સામેના આરોપો જે ખરું જોતાં કળી જેવા હતા અને પોલીસ તપાસે જેની પાંખડીઓ ખૂલવી અપેક્ષિત હતી તે બચાડા પાકટ પાન પેઠે ખરી (ખડી) પડ્યા છે. એને જીવતો છોડવાનો નથી, એવો ચોખ્ખો સાદ સંભળાતો હોવાનું સાક્ષીએ કહ્યું છે. માથા પરની પ્રાણઘાતક બની શકતી ઈજા પણ નોંધાયેલી છે, પણ … અને પહેલુખાન તો ચર્ચામાં છે જ. પોલીસે એના હત્યારાઓ પરની ગુનાકલમોમાં અને કારવાઈમાં એવી કમાલ કરી કે પૂર્વે જેસિકા કેસ પર આબાદ ટિપ્પણી જે ફિલ્મ-શીર્ષક રૂપે આવી હતી તે સાચી પડીને રહી કે નો બડી કિલ્ડ જેસિકા. નો બડી કિલ્ડ પહેલુખાન.

ટ્રેલર કદાચ ફિલ્મ કરતાં લાંબું છે. ઉમાશંકરની લગરીક બેઅદબી લાગે તો પણ ‘માઈલોના માઈલ મારી અંદર’ તેમ ‘ફિલ્મોની ફિલ્મો મારી અંદર’ એવું કવિત ક્યારેક કોઈ ટ્રેલર લલકારવા લાગે તો નવાઈ નહીં. રાજસ્થાનમાં ભા.જ.પ. સરકાર હસ્તક પોલીસે નોંધેલ પહલુ કેસનો ચુકાદો કૉંગ્રેસ સરકારના વારામાં આવ્યો. ફરી તપાસ, ધોરણસર ને નવેસર, અલબત્ત અઘરી હોય જ. યસ, નો બડી કિલ્ડ જેસિકા.

પર્સનને લગભગ અનપર્સન, વ્યક્તિ ને લગભગ નહીંવ્યક્તિ કરવાની હદે જઈ શકતી રાજ્યસંસ્થા સામે લડવું તે પરચક્રમાં જ નહીં સ્વચક્રમાં પણ અનિવાર્ય બની રહે છે. સ્વરાજના ગાદીપતિઓ પણ સાંસ્થાનિક માનસ ધરાવતા હોય છે. આ સામ્રાજ્યશાહી સાંસ્થાનિક માનસના પ્રતિકાર અને સંસ્કરણના પ્રયાસો ભા.જ..પપૂર્વ ભારતમાં પણ થતા રહ્યા છે. કથિત નવો વિમર્શ અને નવું શાસન આ પ્રતિકાર અને સંસ્કરણની વારસાઈ આગે બઢાવવા અને કાલવવાને બદલે સામ્રાજ્યશાહી સાંસ્થાનિક માનસના દૃઢીકરણ અને વાજબીપણાનો વ્યાયામ કરતાં માલૂમ પડે છે.

આસામ મોરચે એન.આર.સી. જુઓ. કેટલી બધી સ્ત્રીઓ, કેમ કે એમની પાસે પિતૃપરંપરાનો રેકર્ડ નથી, આજની તારીખે અનપરસન સરખી અનવસ્થામાં છે. ૧૯૫૧ના રજિસ્ટરમાં એમનાં માતાપિતા નોંધાયેલાં હોય તો પણ અપેક્ષિત દસ્તાવેજોને અભાવે ૨૦૧૮-૧૯માં એ બચાડી માતાપિતા વગરની અને એથી ચોપડા બહાર હોઈ શકતી નકો નકો જિંદગી બસર કરવાને બંધાયેલી છે. એક રીતે, આ કિસ્સો નાગરિક ધોરણે એમનાં વણમર્યા મૃત્યુનો છે.

તંત્રમાં, શીર્ષ નેતૃત્વની કૃપાએ, આ બાબતે ખાસી કશી સંવેદના બલકે સમસંવેદના છે કે કેમ તે મર્યાદામાં રહીને કહીએ તો આપણે જાણતા નથી. પતીજ જ પડતી નથી. બે આઈ.એ.એસ. અધિકારીઓનાં રાજીનામાં વિકર્ણ પેઠે પડ્યા તેની સાનંદ, સાભાર નોંધ લઈએ. પણ આ રાજીનામાં જે છે તે કરતાં જે નથી એની આકરી ને અકારી ચમચમાટી જગવે છે. અહીં આ પૂર્વે અરુણ શૌરિની એક તીખી ટિપ્પણી સંભારવાનું બન્યું છે. કટોકટીરાજ વિશે જે.સી. શાહ પંચે જે વિક્રમ હેવાલ આપ્યો તે પછી શૌરિએ કહ્યું હતું કે આપણા આઈ.એ.એસ. અધિકારીઓની ક્લબનુમા મંડળીઓને આની ચર્ચા કરવાનું (અને અધિકારી તરીકે આપણે કેવા ‘રુલ ઑફ લૉ’થી ચાતરી ગયા હતા તે અંગે આત્મનિરીક્ષણ કરવાનું) કેમ સૂઝતું નથી. ખરું પૂછો તો ખરીદવેચાણ ભેલાણને ધોરણે વિશ્વાસમત ગુમાવતી અગર વિશ્વાસમત મેળવતી એમ જતીઆવતી સરકારો કરતાં નાગરિકના અવાજને જ્યાં સ્થાન નથી એવા તંત્ર સામે બે અધિકારીઓએ અંતરાત્માના સ્વાતંત્ર્યપૂર્વક ધરી દીધેલાં રાજીનામાં વધુ ભરીબંદૂક છે.

જે સામ્રાજ્યશાહી સાંસ્થાનિક માનસિકતા, ક્યાં ક્યાં દેખાય છે એ! પોતે જેને કબજે કરવાજોગ માને છે એ જે.એન.યુ.માં સરકારનીમ્યા દંડનાયક જેવા ચીઠ્ઠીચાકર વીસી પેલાં રોમિલા થાપર ને પ્રભાત પટનાયકની હેડીના એમરિટસ પ્રાધ્યાપકો પાસે એમના સી.વી. (શૈક્ષણિક સિદ્ધિઓની વહી) માગે છે. નિવૃત્ત થયે વરસોનાં વરસો વીતી ગયાં છે, તમારા નોકરિયાત નથી, એથી શું. વાત સાચી કે રોમિલા થાપરનાં કે પ્રભાત પટનાયકનાં અભ્યાસયુક્તો નિરીક્ષણો ને તારણો હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સોરવાતાં નથી. (એમણે અગાઉના સત્તા-પ્રતિષ્ઠાન સામે પ્રશ્નો ઉઠાવવામાં સંકોચ નહોતો કર્યો એ વિગતની વી.સી.ને અને એમની પાછળનાં પરિબળોને ખબર હોવી જરૂરી નથી.) ધારો કે આ આરૂઢ અભ્યાસીઓના કેટલાંક અવલોકન આપણને ગ્રાહ્ય નથી, કેટલાંક નવા અભ્યાસો પછી કાળગ્રસ્ત માલૂમ પડે છે તો એ તો વિદ્યાસમાજમાં ધોરણસરની ખુલ્લી બહસ વાટે બહાર આણી શકાય છે. પણ તમે રોમિલા  કે પ્રભાતને અનપરસન ન કરી શકો ત્યારે પણ તેઓને પરસોના નોન ગ્રાટા કરીને શું સૂચવવા માંગો છો, એ સવાલ મિલિયન ડૉલરનો છે.

ગુજરાત હાઇકોર્ટમાંથી જસ્ટિસ કુરેશીને અન્ય રાજ્યમાં વડા ન્યાયમૂર્તિ તરીકે નહીં ખસેડવાની કે મદ્રાસ હાઇકોર્ટના વડા ન્યાયમૂર્તિ ટહેલરામાણીને મેઘાલયની નાની હાઈકોર્ટમાં ખસેડવાની ચેષ્ટાઓમાં કૉલેજિયમ ઉપરાંતનાં પરિબળો કામ નહીં કરતાં હોય એવું કહેવા માટેની નિશ્ચિંત પરિસ્થિતિ નથી તે નથી. આ ન્યાયમૂર્તિઓએ વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાનને નહીં સોરવાતા ચુકાદાઓ આપ્યા છે એ કટુ એટલું જ કમનસીબ સત્ય છે.

પરસનને અનપરસન કરતી વ્યવસ્થા વેળાએ જો ન્યાયતંત્ર પરત્વે આશાભરી મીંટ નહીં માંડીએ તો ક્યાં માંડીશું. એ અમૂઝણને અકબંધ રાખી એકંદર અનવસ્થા સબબ એક પાયાનું નિરીક્ષણ (ખરું પૂછો તો આ સ્થાનેથી દોહરાવીને) રજૂ કરવું અનિવાર્ય અનુભવાય છે. શાસકીય નેતૃત્વને, સત્તાપક્ષને અને ભક્ત ભીડ અગર ટોળાને આ બધી વાતે કોઈ ખટકો જ કદાચ નથી. ન કરવાનું કરતી સરકારો પૂર્વે પણ હતી, પણ ત્યારે એમની પાસે આજની પેઠે વિચારધારાનું સૅન્ક્‌શન નહોતું. ‘સૈંયા ભયે કોતવાલ’ એ કહેતી જતીઆવતી સરકારોને પ્રતાપે સદાબહાર છે. પણ એમાં જ્યારે વિચારધારાકીય સૅન્ક્‌શન થકી નવલાં ને અદકાં ખાતરપાણી સિંચાય ત્યારે આખો મામલો બાગેબહાર પરિમાણ ધારણ કરે છે. ફિલ્મગર્ભા, ‘ફિલ્મોની ફિલ્મો મારી અંદર’ એવી ટ્રેલરકહાણી વચાળે જ્યાં વ્યક્તિ નહીંવ્યક્તિ બની શકે ત્યાં નાગરિકનો તો ક્લાસ જ ક્યાંથી હોવાનો હતો.

સપ્ટેમ્બર ૧૨, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 01-02

પ્ર.ન. શાહનું આ રેખાંકન અશોક અદેપાળને નામે જમે બોલે છે.

Loading

સંકડાતા ને સંકોચાતા દેશમાં

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|14 September 2019

ત્રણ દાયકા પહેલાં આસામમાં જ્યારે પરદેશીઓ સામે ચળવળ પૂરજોશમાં ચાલતી હતી, ત્યારે એ ચળવળનો મુખ્ય હેતુ એક હતો – આસામી પ્રજા ‘પર’દેશીઓની – ‘ઘૂસણખોરી’થી ત્રાસી ગઈ હતી. આસામી જનતાની અસ્વસ્થતા સ્વાર્થી કે ગેરવ્યાજબી નહોતી. એક તો પૂર્વ પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશ અને બીજી બાજુ બંગાળના ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં આસામમાં રહેવા માંડ્યા હતા – એમાંના કેટલાક નિર્વાસિત હતા, જ્યારે કેટલાક પૈસા કમાવા આવ્યા હતા – એમાંનાં ઘણા ભારતીય હતા, અને ઘણા બાંગ્લાદેશી કે બર્મીઝ પણ હોઈ શકે. પણ એને કારણે આસામી પ્રજાને ચિંતા થઈ હતી, કે પોતાના જ રાજ્યમાં પોતે લઘુમતી બની જાય. કોઈને ગતાગમ કે ખબર નહોતી કે કેટલા પરદેશીઓ આસામ આવ્યા હતા, અને એને જ કારણે સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો કે નાગરિકોની એક રાષ્ટ્રીય રજિસ્ટ્રી બનાવવી. પણ માણસોની ગણના કરવી એ એક વાત છે; પણ ગણ્યા અને ભાગલા પડ્યા પછી શું કરવું, એ બીજો જ પ્રશ્ન છે.

રજિસ્ટ્રીનું કામ હવે પૂરું થયું છે અને ઓગણીસ લાખ લોકો પાસે એવા પૂરા દસ્તાવેજ નથી જેથી એ લોકો પુરવાર કરી શકે કે એ લોકો ભારતીય છે. આ આંકડો ધાર્યા કરતાં ઘણો નાનો નીકળ્યો. પહેલા તો અંદાજ હતો કે કદાચ એકાદ કરોડ લોકો પાસે દસ્તાવેજ નહીં હોય, અને આને લીધે સાંપ્રદાયિક તત્ત્વોને તો ઘી-કેળાં મળ્યાં! આવા પરિણામને લીધે આસામી પ્રજાને હૈયે કદાચ થોડી શાંતિ પડવી જોઈએ, પણ એનો અર્થ એમ નથી થતો કે લોકોની ચિંતા ઘટે કે દૂર થાય, કારણ કે સાંપ્રદાયિક તત્ત્વો તો ઢોલનગારા વગાડવા તત્પર તૈયાર છે.

ભારતીય જનતા પક્ષ માટે તો આસામની ચળવળ એક સુવર્ણી તક હતી, જેથી એ પોતાનું હિન્દુત્વ અભિયાન પૂર્વ ભારતમાં પ્રસરાવી શકે. પણ આખા રાજ્યમાં ત્રીસ ટકાને બદલે માત્ર છ-સાત ટકા લોકો જ દસ્તાવેજ વગરના નીકળ્યા. અને એમાંના ઘણા બધા તો હિન્દુ નીકળ્યા! સરકારી નિર્ણય સામે અપીલ તો થવાની જ, અને એ પછી કદાચ આ સંખ્યા હજુ ઘટવાની – તો આ બધા નાટકની શું ખરેખર જરૂર હતી?

આ દ્વિધાનું મૂળ કારણ છે કે જે ઉદ્દેશ આસામી પ્રજાનો છે અને ભા.જ.પા.નો છે, એ વચ્ચે ઘણો મહત્વનો ફરક છે. આસામની ચળવળનો પાયો ધાર્મિક નહોતો; ભાષા અને પ્રાંતના વ્યક્તિત્વ જાળવવા વિષે હતો. ન્યૂ યોર્ક રહીશ લેખક સુકેતુ મહેતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું : “આસામની ચળવળનો ઉદ્દેશ આર્થિક અને સાંસ્કૃતિક છે અને એ વાત આપણે સમજવી જરૂરી છે. પણ એનો અર્થ એમ નથી કે ભારતની મુસ્લિમ પ્રજાને આપણે અલગ કરવી કે જુદી રીતે જોવી. જો ભારતની મુસ્લિમ પ્રજાને જુદી ગણીશું તો એ માંદગીમાંથી આપણે ક્યારે ય સાજા નહીં થઈએ.”

અગત્યની વાત તો એ છે, કે રજિસ્ટ્રી પ્રમાએ જે લોકો ‘પર’દેશી ગણાશે, એમનું ભવિષ્ય શું એ વિશે કોઈએ કંઈ પણ વિચાર નથી કર્યો. હદ પાર કરો એમને, એવું કેટલાક લોકોએ કહ્યું – પણ ક્યાં? કે એમને ભારતમાં જ જેલમાં રાખીશું? હદ પાર કરે તો પણ ક્યાં? બાંગ્લાદેશ શું એમને પોતાના દેશમાં આવવા દેશે? શું કામ? એ લોકો બાંગ્લાદેશી છે એનો શું પુરાવો? અને આવાં મોટાં પગલાંની અસર ભારતના બાંગલાદેશ જોડેના સંબંધ પર શું થશે, એનો કોઈએ પણ વિચાર કર્યો હતો?

એથી પણ મૂળભૂત પ્રશ્ન એ છે કે નાગરિકતાનો અર્થ શું? એ કઈ રીતે પૂરવાર કરી શકાય? કોઈ હિમાચલ પ્રદેશની મહિલા આસામ રહેતી હોય, એ કઈ રીતે પુરવાર કરી શકે એ ભારતીય છે? ક્યાંથી લાવે એ પુરાવા અને કઈ રીતે એ બતાવી આપે કે એ ભારતીય છે? એ દસ્તાવેજો મેળવવા જો એને હિમાચલ પ્રદેશ જવું પડે, તો એનો ખર્ચો કોણ આપશે? રજિસ્ટ્રીને કારણે આપણે જ એકબીજાને શંકાસ્પદ વ્યક્તિ સમજવા માંડ્યા છીએ, અને રજિસ્ટ્રી આપણા અસ્તિત્વની સાબિતી આપણી પાસે માંગે છે. આ તે કેવી રાજનીતિ? પ્રા. ચિન્મય તુમ્બેના નવા પુસ્તક(India Moving : A History of Migration)માં બતાવ્યું છે કે કરોડો લોકો એક રાજ્ય છોડી બીજા રાજ્યમાં રહેવા જતા હોય છે. આ નવી વાત નથી; વર્ષોથી એવું ચાલતું રહ્યું છે. એ સંખ્યા કદાચ અઢાર કરોડ જેવડી મોટી હોય. હવે તો દરેક રાજ્યને રજિસ્ટ્રી બનાવવી છે. એટલા બધા લોકો પુરાવા ક્યાંથી લાવશે?

હવે વિચાર કરો કોને માટે આ પ્રશ્ન અઘરો છે – ગરીબ, પીડિત, આશ્ચર્યચક્તિ અને ભયભીત પ્રજા માટે, જે લોકોને સત્તાધારી નેતાઓ, પોલીસ અને અધિકારીઓનો ડર હોય છે. એમાંના ઘણા હોય છે નિરક્ષર, ઘણા પાસે નથી હોતા દસ્તાવેજો. રજિસ્ટ્રીમાં ભરપૂર ખામીઓ છે. કેટલાક કુટુંબમાં અમુક કુટુંબીજનોને રજિસ્ટ્રીએ સ્વીકાર્યા છે, અને અમુકને નથી સ્વીકાર્યા થોડા એવા પણ કિસ્સા દેખાયા છે, જ્યાં ગભરાયેલી વ્યક્તિએ હતાશ થઈ આત્મહત્યા કરી હોય. કેટલાક લોકો તો અધિકારીઓથી એટલા બીતા હોય છે કે એમણે સરકારી પત્રવ્યવહારની અવગણના કરી છે, કારણ કે સરકારી અમલદારી ભાષામાં લખાયેલા પત્રો એમને નથી સમજાતા, અને એમના પૂરગ્રસ્ત નાના ગામડેથી ગુવાહાટી જવું, એનો ન એમને ખર્ચો પોસાય, ન એમને રસ્તો ખબર હોય.

આજકાલ ઘણાને રાષ્ટ્રવાદનું ઝનૂન ચડ્યું છે, પણ એનો અર્થ એવો તો નથી થતો ને કે દરિદ્ર પ્રજા દેશની સુરક્ષાને જોખમમાં મૂકે છે. તો ય આ રજિસ્ટ્રીના બલિ બન્યા છે દરિદ્ર લોકો. એમને આમજનતાથી જુદા રાખી સુરક્ષાને નામે વિભિન્ન ગણ્યા છે. એથી પ્રજા વ્યાકુળ થાય છે. ભા.જ.પા.ના નેતાઓ તો ઉપરાંત એમ કહે છે કે આ ઓગણીસ લાખમાં જે હિન્દુ હોય એમણે ચિંતા કરવાની જરૂર નથી. એનો અર્થ કે જે મુસ્લિમ હોય, તેમણે વ્યથિત રહેવું. એનો અર્થ એમ પણ થયો કે ભારતીય એટલે હિન્દુ અને હિન્દુ એટલે ભારતીય.

ભા.જ.પ.ના નેતાઓએ એમ પણ કહ્યું છે કે આપણા પાડોશના દેશમાંથી શીખ, જૈન, બૌદ્ધ અને હિન્દુ લોકો જો ભારત આવીને આશરો માંગશે તો એમનો તરત સ્વીકાર થશે. એટલે કે મુસ્લિમ નિર્વાસિતોને તાબડતોડ આશ્રય નહીં મળે. ભારતના બે નજીકના પાડોશી દેશ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમ પ્રજાની બહુમત છે. ત્યાંના વિકૃત રાજકારણને લીધે સરકારે બલુચી, અહમદી, અને શિયા પ્રજા (પાકિસ્તાનમાં) પર અથવા નાસ્તિક કે સમલૈંગિક લોકો (બાંગલાદેશમાં) પર ઘણા અત્યાચાર કર્યા છે. પણ એ લોકોને આશ્રય ન પણ મળે, કારણ કે ૨૦૧૪ પછી ભારતે પોતાની શરણાર્થી નીતિ બદલી છે.

આઝાદી વખતે દેશના ભાગલા તો પડ્યા, પણ ‘ટુ-નૅશન થીઅરી’ તો પાકિસ્તાનની નેતાઓએ ગજાવી હતી; ભારતના નેતાઓએ એનો સૈદ્ધાંતિક દૃષ્ટિએ વિરોધ કર્યો હતો, પણ વાસ્તવિકતા સ્વીકારી હતી. પણ આ બે દેશ કંઈ મુસ્લિમ પાકિસ્તાન અને હિન્દુ ભારત નહોતા; પણ મુસ્લિમ પાકિસ્તાન અને બિનસાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ ભારત હતા. ધાર્મિક ભેદભાવ તો મુસ્લિમ લીગનું ધ્યેય હતું.

ભારત તો એક મોટો દેશ હતો – માત્ર ક્ષેત્રફળની દૃષ્ટિએ નહીં. એ તો પ્રત્યેક વ્યક્તિ, જે પોતાને ભારતીય સમજે, એમનું નિવાસસ્થાન હતું. બાકી ભલેને જે હોય એનો ધર્મ, ભાષા, જાતિ કે જ્ઞાતિ, જો રજિસ્ટ્રી દેશભરમાં પ્રસરાવાઈ તો તો પાકિસ્તાનની વિચારસરણીનું ભારતમાં સમર્થન થયું કહેવાય, કે જ્યાં કોણે ક્યાં રહેવું, એ એક નાગરિકનો હક નથી, પણ સરકારે આપેલો વિશેષાધિકાર બની જાય છે.

શું હવે ભારતીય પ્રજાએ એવા તૂટેલા, ભાંગેલા, સાંકડા અને સંકોચાયેલા દેશમાં રહેવાનું છે?

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 04-05

Loading

એન.આર.સી. : છીંડે ચડ્યો તે ચોર!

પંક્તિ જોગ|Opinion - Opinion|14 September 2019

નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એન.આર.સી.) છેલ્લા કેટલાક દિવસોથી દેશ માટે ચર્ચાનો વિષય છે, પણ ૧૯ લાખ લોકો, જેમનું નામ છેલ્લા લિસ્ટમાં ન આવ્યું, તેમના માટે તો જાણે તે મૃત્યુનો ઘંટ છે. આસામમાં બાંગ્લાદેશી લોકોની ઘૂસણખોરી અનેક દાયકાઓથી પડતર પડેલો મુદ્દો છે. બહારના લોકોની વધતી જતી સંખ્યા અને પ્રભુત્વ સ્થાનિક લોકો માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. તેમના કહેવા મુજબ તેમનાં કુદરતી સંસાધનો, મર્યાદિત નોકરીની તકો, નાનામોટા ધંધા વગેરેમાં બહારથી આવેલા લોકોએ જોતજોતામાં કબજો જમાવેલ છે. સ્થાનિક મૂળનિવાસી ‘ઓહં’ સમુદાય હવે લઘુમતીમાં છે. તેથી તેમની વર્ષોથી માંગણી રહી છે, કે બહારના લોકોને બહાર કાઢો અને લોકોનો રોષ દિવસે દિવસે વધતો જાય છે.

એન.આર.સી. એટલે, નાગરિકોની નોંધણી કરવા માટેનું એક રજિસ્ટર, અને જેઓ તેમાં તેમની નોંધણી ન કરી શકે તે ‘ભારતનો નાગરિક’ નહીં ગણાય. ભારતના બંધારણમાં નાગરિકત્વની કોઈ વ્યાખ્યા નથી, પણ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ જે લોકો ભારતમાં પાંચ વર્ષથી રહેતા હતા, તેમણે ભારતના નાગરિક માનવામાં આવ્યા. ૧૯૫૫ના નાગરિક્ત્વ ધારા મુજબ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ૧ જુલાઈ, ૧૯૮૭ સુધી જે લોકો ભારતમાં જન્મ્યા તેઓ ભારતના નાગરિક છે. ત્યાર બાદ ૧ જુલાઈ, ૧૯૮૭થી ૩ ડિસેમ્બર ૨૦૦૪ સુધી જેઓ ભારતમાં જન્મ્યા અને તેમના એક કોઈ વાલી ભારતીય નાગરિક હોય, તો તેઓને ભારતના નાગરિક ગણવામાં આવશે. વર્ષ ૨૦૦૪ બાદ જેઓનો જન્મ થયેલ છે, તેમનાં બંને વાલીઓ નાગરિક હોય અથવા એક વાલી ભારતના નાગરિક હોય અને બીજા ગેરકાયદેસર રીતે આવેલ ન હોય, તો તેઓને પણ ભારતના નાગરિક માનવામાં આવશે. પણ આસામ માટે આ કટ ઑફ ડેટ ૨૫ માર્ચ, ૧૯૭૧ છે. આસામની પ્રક્રિયા માટે લોકોએ નીચે મુજબનાં ડૉક્મેન્ટ્‌સ રજૂ કરવાનાં હતાં.

• ૧૯૫૧માં NRCમાં નોંધણી

• ૨૪ માર્ચ, ૧૯૭૧ના રોજ અથવા પહેલા મતદાર તરીકેની નોંધણી

• જમીનના દસ્તાવેજો

• નાગરિક હોવાનો દાખલો

• કાયમી રહેવાસીનો દાખલો

• રેફ્‌યુજી તરીકેનો દાખલો

• પાસપોર્ટ

• એલ.આઈ.સી.

• સરકાર દ્વારા અપાયેલ લાઇસન્સ

• સરકારી કર્મચારી હોવાનો દાખલો

• બૅંક એકાઉન્ટ, પોસ્ટ-ઑફિસમાં ઍકાઉન્ટ

• જન્મનું પ્રમાણપત્ર

• બૉર્ડ યુનિવર્સિટી

• કોર્ટનો રેકૉર્ડ

જો ઉપરનાં ડૉક્યુમૅન્ટ્‌ અરજદારના પોતાના ન હોય અને તેમના પરિવાર જનમાંથી કોઈનાં હોય, તો તેમણે વધારાનો નીચે મુજબનો કોઈ પણ ડૉક્યુમૅન્ટ રજૂ કરવાનો રહેશે કે જેથી કરીને તેઓ ઉપરના દસ્તાવેજ ધરાવતી વ્યક્તિ સાથે તેમનો સંબંધ પ્રસ્થાપિત કરી શકે.

• જન્મનો દાખલો

• જમીનનો દસ્તાવેજ

• બૉર્ડ/યુનિવર્સિટીનું પ્રમાણપત્ર

• બૅંક/એલ.આઇ.સી./પોસ્ટ-ઑફિસમાં ખાતું

• લગ્નનો પંચાયતનો દાખલો

• મતદારયાદી

• રાશનકાર્ડ 

આસામમાં જે પ્રક્રિયા ચાલી તેમાં ૩૦ લાખ ઉપરાંત લોકો ઉપર્યુક્ત કોઈ ડૉક્યુમૅન્ટ રજૂ કરી શક્યા નહીં. અને તેઓ ‘ઘૂસણખોરો’ અથવા ગેરકાયદેસર રીતે આવેલ વ્યક્તિઓ ગણાયા.

૮ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ લોકસભાએ નાગરિકત્વધારામાં સુધારો કર્યો કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલ હિન્દુ, શીખ, બુદ્ધ, ક્રિશ્ચિયન, પારસી, જૈન આ લઘુમતી કોમના લોકોને ગેરકાયદેસર રીતે આવેલા તરીકે ગણવામાં નહીં આવે અને તેઓ નાગરિક બની શકે છે.

પરિણામે મુસ્લિમ વગરના બધાને નાગરિક બનવાનો એક મોકો મળ્યો અને લગભગ ૧૯ લાખ ઉપરાંત મુસ્લિમ લોકો ‘બાંગ્લાદેશી’ તરીકે જાહેર કરાયા. આ લોકોમાં ઘણા બિહાર અને પશ્ચિમ બંગાળના’ પણ છે. અને હવે તેમનું ભારતીય તરીકેનું અસ્તિત્વ મટી ગયું. તેમને સાંભળવાની, તેમની વાત રજૂ કરવા માટેની કોઈ તક કે મોકો સરકારે આપ્યો નથી. જે મોકો આપ્યો તે એક ધર્મને બાદ કરીને આપ્યો, એટલે તદ્દન ગેરન્યાયીક છે. હવે આ ૧૯ લાખ લોકો ભારતીય નાગરિક નથી, મતદાર નથી, નોકરી માટે હકદાર નથી. જમીનમિલકત વસાવી શકવાના નથી. તેમના નાગરિક તરીકેના અને કદાચ માનવ તરીકેના પણ કોઈ હક્ક રહ્યા નથી.

ગૃહમંત્રી તેમણે બાંગ્લાદેશ મોકલવાની જાહેરાત કરી ચૂક્યા છે, પણ ભારત સરકારે બાંગ્લાદેશ સરકાર સાથે સત્તાવાર રીતે કોઈ વાતચીત શરૂ કર્યાના કોઈ સમાચાર નથી. પરંતુ ‘ડિટેન્શન કૅમ્પ’ બનાવવા માટેનું કેન્દ્ર સરકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાખો લોકો આવા ડિટેન્શન કૅમ્પોમાં રહેશે. તેમાં નાનાં બાળકો, સગર્ભા મહિલાઓ, કિશોરીઓની સલામતી, અન્ન સુરક્ષાની સ્થિતિ શું હશે. તેની કલ્પના પણ નહીં કરી શકે.

આસામના લોકોને બહારના લોકો માટે ગુસ્સો હતો, છે, પણ તેમાં મુસ્લિમ ધર્મ તરીકે જુદા પાડીને તેમને આવી રીતે ખદેડવાની માંગ ન હતી. સરકારે બહારના લોકો પ્રત્યેની દ્વેષની લાગણીનો ફાયદો ઉઠાવી એક કાંકરે ઘણાં બધાં પક્ષીઓ માર્યાં તેમ કહી શકાય.

પડતર પ્રશ્નનો હલ લાવ્યા, હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સપનાં તરફ ડગલું માંડ્યું અન્ય રાજ્યોમાં રહેતાં મુસ્લિમ સમાજમાં ભયની લાગણી ફેલાવી મુસ્લિમ પ્રત્યેની નફરતની ભાવનાને ખાતર નાખ્યું અને હિન્દુ બહુમતીના દિલમાંથી હાલમાં ચાલતી બેરોજગારી, મોંઘવારી જેવા સળગતા મુદ્દાઓને ભૂંસી નાખ્યા.

સરકાર માટે એન.આર.સી. અને સી.એ.બી. બહુવિધ ફાયદાઓથી ભરપૂર એક યોજના છે, અને આવનારા દિવસોમાં રાજ્યોની ચૂંટણીઓમાં તેનો ઉપયોગ અન્ય રાજ્યોમાં પણ કરાશે. ગુજરાતમાં વિચરતા સમુદાયના ડફેર ઉપરાંત મિયાણાં, સંધિ, જુમ્મા, રાજા જેવા અનેક ધર્મે મુસ્લિમ કોમ છે. વિચરતા અને વિમુક્ત સમુદાયોના લાખો લોકો પાસે ઉપર કહ્યા મુજબનો એક પણ ડૉક્યુમૅન્ટ નથી. તેઓ ગામથી દૂર સરકારી ખરાબાની જમીનમાં અથવા દરિયાકિનારે ઝૂંપડામાં રહે છે. હાલમાં સરકારની આવાસ, રાશન, પેન્શન, આંગણવાડી જેવી પાયાની સેવાઓ, કાર્યક્રમોથી પણ આ લોકો વંચિત છે. તેઓ ક્યાંક મીઠું પકવે છે, ખેતરખેપું કરે છે અથવા દરિયો ખેડે છે. તેઓની પાસે ક્યાંથી જમીનના દસ્તાવેજો, પાસપોર્ટ, લાઇસન્સ હોવાનાં? આધારકાર્ડ અથવા મતદારકાર્ડ પણ માન્ય નથી. અત્યાર સુધી મતદારો બનાવીને તેમનો વોટિંગ માટે ફાયદો પક્ષોએ ઉઠાવ્યો, પણ મતદારકાર્ડ તેમણે નાગરિક્ત્વ આપી શકવાનું નથી.

એન.આર.સી. લાગુ કરવાની આ પ્રક્રિયા અમાનવીય અને ગેરબંધારણીય હોવા છતાં તેની સામે દેશ કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ વિરોધ થયો નહીં. બજાર તરીકે ભારત સાથેના સંબંધો હાલ કોઈ બગાડવા માંગતા નથી. ડિટેન્શન-કૅમ્પમાં લાખો લોકો હોય તો તે પણ કંપનીઓ માટે બજાર છે. તેને ધર્મ, લાગતો નથી, કોઈનું નાગરિકત્વ મટી જાય તેનાથી ફરક પડતો નથી. મૂડી ને જમીનો જોઈએ, સસ્તા મજૂરો જોઈએ, પાણી જોઈએ, જે આજની સરકાર તેમને આપવા તૈયાર છે.

તેવા સંજોગોમાં ભારતના નાગરિકો આ અંગે સરકારને સવાલ કરે તેવી અપેક્ષા છે. તે તેમને ગમશે નહીં. જે બોલશે તે મુસ્લિમોના પક્ષવાળા, એટલે પાકિસ્તાનના મસીહા, એટલે દેશદ્રોહી આવાં સમીકરણો લગાડી અનેક અવાજ દબાવવામાં આવશે. ઘૂસણખોરી એક સમસ્યા છે પણ તેને રોકવા સરકારે અપનાવેલો ઉપાય મુસ્લિમ કોમને ખતમ કરવાનો કારસો છે.      

E-mail : jogpankti@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 06 તેમ જ 05

Loading

...102030...2,7262,7272,7282,729...2,7402,7502,760...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved