Opinion Magazine
Number of visits: 9683807
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|7 November 2019

હૈયાને દરબાર

દર બેસતા વર્ષે, વહેલી સવારે, મારી મનગમતી સી.ડી.ઝમાંથી એટલિસ્ટ એક સી.ડી. તો સાંભળવી જ એવો નિત્યક્રમ છે. આ ગમતી સી.ડી.ઝમાંની એક એટલે ‘જય જય શ્રીનાથજી’. સવારની ભક્તિમય શરૂઆત ચિત્ત શાંત કરે. એમાં ય સુરેશ દલાલનાં ગીતો, આશિત દેસાઈનું સ્વરાંકન અને સર્વોચ્ચ ગાયકોએ ગાયેલાં સર્વોત્તમ ભજનો હોય પછી પૂછવું જ શું?

નૂતન વર્ષની શુભ સવારે આહિર ભૈરવના સૂર છેડાય અને આશિત દેસાઈના ઘેરા અવાજમાં જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો … ભક્તિ રચના શરૂ થાય પછી ભક્તિભાવનો જે કેફ ચડે એ અવર્ણનીય. આ જ આલ્બમની જ અન્ય બે ગમતી કૃતિઓ એ સાંજ પહેલાંની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો તથા મોરપીંછની રજાઇ ઓઢી તમે સૂઓને શ્યામ ..! પણ લાજવાબ છે. અમુક ગીતો સદા સર્વદા તાજાં જ લાગે. આજે વાત કરવી છે એવા જ આપણા સૌના માનીતા ભક્તિગીત, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ગીત તથા પુષ્ટિમાર્ગીય સંગીત વિશે. ભક્તિગીત અને ભજન તલ્લીન થઈને ગાવામાં આવે તો પારલૌકિક અનુભૂતિ થયા વિના રહે નહીં. પાર્શ્ર્વગાયિકા અનુરાધા પૌડવાલે એક વખત આ ભક્તિ રચનાનો ખાસ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મારું સૌથી પ્રિય ભજન છે. આ ગીતમાં એક વૈષ્ણવની કૃષ્ણભક્તિ સરળ-સહજ અને ભાવપૂર્ણ રીતે વ્યક્ત થઈ છે.

રાજસ્થાનના નાથદ્વારા સ્થિત મંદિરમાં શ્રીનાથજીનાં વસ્ત્ર અને અલંકાર તિથિ અનુસાર જુદાં જુદાં હોય છે. પ્રત્યેક તિથિ અનુસાર તેમનાં વસ્ત્રો અને અલંકારનો શણગાર કેવા પ્રકારનો હોવો જોઈએ એ વાત નક્કી જ હોય છે. સમગ્ર વર્ષના ૩૬૫ દિવસ માટે તે જુદો જુદો હોય છે.

૫૦૦ વર્ષો પહેલાં શ્રી વલ્લભાચાર્યજીએ પાડેલી પ્રથા અનુસાર શ્રીનાથજીનો પ્રત્યેક તિથિ અનુસાર કરવામાં આવતો વિશિષ્ટતાપૂર્ણ શણગાર અને જુદા જુદા સ્વરૂપે શ્રીનાથજીને જોવા એ પણ અદ્ભુત લહાવો. શ્રીનાથજીના મોરપીંછથી માંડીને ચરણ સુધીના અલંકાર પ્રતિદિન જુદા હોય છે. તેમના પૂજન દરમ્યાન કરવામાં આવતા સંગીત ઉપચારોમાં ગાવામાં આવતાં ભજનો પણ તિથિ અનુસાર જુદી જુદી રાગદારીમાં હોય છે. શૃંગાર કરતી વેળાએ ઋતુ અનુસાર અલંકાર પહેરાવવામાં આવે છે, જેમ કે ગ્રીષ્મઋતુમાં મોતીના દાગીના, ફાગણ માસમાં સોનાના, જ્યારે અન્ય મહિનાઓમાં રત્નજડિત દાગીના પહેરાવવામાં આવે છે.

નાથદ્વારા એ વૈષ્ણવોનું ખૂબ જ પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ છે. ત્યાં શ્રીનાથજી પ્રભુની ઝાંખી (દર્શન) કરો એટલે મન શાંત થઇ જાય, હૃદયમાં એક પ્રસન્નતા છવાઈ જાય. શ્રીનાથજી બધાને પ્રિય છે. શ્રીનાથજીના મંગલા, શણગાર, ગ્વાલ, રાજભોગ ઉત્થાપન ભોગ, શયન મનને આનંદ આનંદ આપે છે. નાથદ્વારામાં આખું વર્ષ ઉત્સવો ઉજવાય છે. એમાં પીછવાઈ અને પુષ્ટિ કીર્તનનું અનેરું મહત્ત્વ છે.  ગુંસાઈજીએ શૃંગાર, કીર્તન સંગીતનો અનન્ય લાભ આપ્યો છે. આ પ્રણાલિકા આજે પુષ્ટિમાર્ગમાં પ્રચલિત છે.

૧૬મી સદી પછી નરસિંહ-મીરાંના ભક્તિમાર્ગમાં વૈષ્ણવધારાનો એક વિશિષ્ટ પ્રવાહ ભળ્યો. એ છે પુષ્ટિ સંપ્રદાયનો સંગીત પ્રવાહ. આ સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી અને તેમના પછી પુત્ર વિઠ્ઠલનાથજીએ ધર્મોપદેશ માટે જ્યાં રોકાણો કર્યાં એ સ્થળો ‘બેઠક’ તરીકે ઓળખાયાં. ભારતમાં આવી લગભગ ૮૪ બેઠકો છે.

પુષ્ટિમાર્ગની સ્થાપના સાથે અષ્ટસખાઓનાં પદ પણ લોકપ્રિય થયાં. એમાંય સુરદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદદાસજી, કુંભનદાસજી ઈત્યાદિનાં કીર્તનો ખૂબ ગવાતાં. કહેવાય છે કે સુરદાસજીએ તો કૃષ્ણની બાળલીલાથી હિંડોળા સુધી સવા લાખથી વધારે કીર્તન લખ્યાં છે. આ બધાં કીર્તન રાગ અને ઋતુ પ્રમાણે લખાયાં છે. તન્મય થઈને ગાતાં આ કીર્તનકારોને સાંભળીએ તો પ્રભુભક્તિમાં લીન થઈ જવાય એવાં સુંદર છે. પુષ્ટિ સંપ્રદાયની કીર્તન પદ્ધતિને આકાશવાણી પરથી રજૂ કરવાના આરંભે ચં.ચી. મહેતાએ ‘હવેલી સંગીત’ સંજ્ઞા આપી હતી. આ હવેલી સંગીત ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યું છે. જોકે, પંડિત શ્રી ભગવતીપ્રસાદજી ભટ્ટે સ્વરલિપિમાં ‘પુષ્ટિ સંગીત પ્રકાશ’ નામના ગ્રંથનું નિર્માણ કર્યું છે જેમાં ૮૦ રાગોમાં ૧૩૭ પદ સ્વરલિપિબદ્ધ સ્વરૂપે ઉપલબ્ધ છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સ્નેહલ મુઝુમદારે કર્યો છે. મુંબઈમાં વિલેપાર્લેમાં રહેતા કુંજવિહારી લીમડી પાસે કીર્તન પરંપરાની ઘણી માહિતી છે. કૃષ્ણ ભક્તિનાં અનોખાં આલ્બમ્સમાં કવિ અવિનાશ પારેખનાં ગીત પંચમી, ગીત ગમતીલાં અને ગીત સુરીલાંનો સમાવેશ કરવો જ પડે. કૃષ્ણભક્તિ પ્રણય-ભક્તિ સ્વરૂપે એમાં જુદી રીતે બહાર આવી છે. રૂપા ‘બાવરી’એ પણ શ્રીનાથજીનાં સુંદર પદ રચ્યાં છે. ‘બાવરી કે શ્રીનાથજી’ સચિત્ર પુસ્તકમાં એમણે શ્રીનાથજીનાં અદ્ભુત પેઇન્ટિંગ બનાવી સામે એને અનુરૂપ પદ લખ્યાં છે. ભક્તિ ચરમસીમાએ પહોંચે ત્યારે ભક્ત શરીરથી આત્મા સુધી પોતાનું સર્વસ્વ શ્રીનાથજીને ચરણે ધરી દે છે. રૂપા બાવરી આવાં સમર્પિત કૃષ્ણપ્રિયા છે. એમનું આ પદ વાંચો :

આતમ હવેલી મેં બિરાજો શ્રીનાથજી
અબ કહીં ઔર ન જાજો શ્રીનાથજી
આતમ હવેલી મેં ના કોઈ દ્વાર
ના ખિડકી ના દીવાર
નિર્મલ શુદ્ધ તેજપુંજ પ્રકાશિત
રૂપ તેરા સાકાર. …!

આતમને અજવાળવાની કેવી સરસ વાત છે આ પદમાં. આવાં તો અનેક વૈવિધ્યસભર પદ વાંચવા અને પુસ્તક સાથેની સી.ડી.માં સાંભળવા મળી શકે છે.

આ ઉપરાંત, દેવદિવાળીએ તુલસી વિવાહ નિમિત્તે ગવાતાં પદો, અન્નકૂટનાં પદો અને વસંતોત્સવ દરમ્યાન ધમાર શૈલીમાં ગવાતાં વાસંતી પદો શબ્દ અને સંગીતની રીતે ઉત્કૃષ્ટ ગણાય છે. એ જ રીતે વૈષ્ણવ પરંપરામાં ‘રસિયા’ બહુ લોકપ્રિય થયા હતા. કૃષ્ણ હોળી – ફાગ ખેલે તે વખતે ગવાતો ‘રસિયા’ પ્રકાર સંગીતની એક વિશિષ્ટ શૈલી ગણાય છે. દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ‘રસિયા’ આજે ય લોકો સાંભળવાનું પસંદ કરે છે. આજનું આ ગીત ફક્ત વૈષ્ણવો જ નહીં, દરેક ગુજરાતીનું માનીતું ગીત છે. અનેક કલાકારોએ ગાયેલું આ ગીત અંગતપણે આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં વધુ ગમે છે. સ્વાભાવિકપણે ‘જય જય શ્રીનાથજી’ સી.ડી.માં પણ એનો સમાવેશ થયો જ છે. ભારતના સર્વ ધાર્મિક સંપ્રદાયોમાં સંગીતકલાને સન્માનિત સ્થાન આપવામાં આવ્યું છે. એમાં વલ્લભ સંપ્રદાયનું સ્થાન પ્રથમ છે. પ્રભુ સેવામાં એવો કોઇ ક્રમ નથી જેમાં સેવાક્રમ સાથે સંગીતની સુરાવલિઓ ન હોય.

આ મીઠું મધુરું ભક્તિ ગીત તમને મનહર ઉધાસથી લઈને રૂપા બાવરી સહિત અનેક કલાકારોને કંઠે સાંભળવા મળી શકે છે. નૂતન વર્ષે શ્રીનાથજીને સ્મરીને એમનાં આશીર્વાદ સૌ કોઈ પામે એવી શુભેચ્છાઓ.

—————————

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

શ્રીયમુનાજી શ્રીમહાપ્રભુજી
મારું મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન … મારા ઘટમાં

મારા આતમના આંગણિયામાં શ્રીબાલકૃષ્ણજી
મારી આંખો વાંચે ગિરધારી રે ધારી
મારું તન મન ગયું છે જેને વારી રે વારી
મારા શ્યામ મોરારી … મારા ઘટમાં

મને પ્રાણ થકી મારા વૈષ્ણવો વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભપ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન … મારા ઘટમાં

હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું
હું તો આઠે સમા એની ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ થયું … મારા ઘટમાં

મને ભક્તિ મારગ કેરો રંગ રે લાગ્યો
મેં તો પુષ્ટિમાર્ગ કેરો સંગ રે સાંધ્યો
હીરલો હાથમાં આવ્યો … મારા ઘટમાં

મારી અંત સમયની સુણો રે અરજી
લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી
મારા નાથ તેડાવે … મારા ઘટમાં

ગાયક કલાકાર : આશિત-હેમા દેસાઇ

https://www.youtube.com/watch?v=dLJntMBSHFw

—————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 07 નવેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=602760  

Loading

ચરિત્રહીન સ્ત્રીઓ!

हिन्दी : कृष्ण आनंद चौधरी / ભાવાનુવાદ : બકુલા ઘાસવાલા|Opinion - Opinion|7 November 2019

આ હિન્દી કવિતા કોઈ અજ્ઞાત કવિની રચના છે, તેમ આરંભે લાગ્યું. મને અલ્પમ્ દેસાઈ- ભટ્ટની વોલ પરથી એ જડી. આભાર, અલ્પમ્. મને કૃતિ ગમી એટલે અનુવાદ કર્યા વગર ન રહેવાયું. મનીષી જાની અને ગજેન્દ્રકુમાર દ્વારા જાણવા મળ્યું કે આ કાવ્યરચના કૃષ્ણ આનંદ ચૌધરીજીની છે.
 

ચરિત્રહીન સ્ત્રીઓ!

હા,
મને પણ ચારિત્ર્ય વગરની સ્ત્રીઓ ગમે છે …..
તેઓ બેહદ … બેહદ … ખૂબસૂરત હોય છે …..
બેફિકર, ઘૂમટા વગરની, સ્વતંત્ર અને મનસ્વિની …..
કારણ કે એમનું કોઈ ચારિત્ર્ય નથી હોતું.
ફક્ત ચારિત્ર્યહીન સ્ત્રીઓ જ ખૂબસૂરત હોય છે.
પિંજરામાં પુરાયેલી ચકલી ગમે એટલી રંગીન હોય તો પણ
સુંદર લાગતી નથી.
ભલેને કોઈ એમના પર ગમે એટલી કવિતાઓ લખે ..
ચારિત્ર્ય એટલે શું ….?
ચારિત્ર્ય એટલે ગુલામી, એક બંધન …
એ તો શરતોને આધીન હોય છે.
ચારિત્ર્ય અકુદરતી છે.
પ્રકૃતિવિરોધી …
કોઈ વાસ્તવ પર થોપી દીધેલી શરતો … કદાચ.
સહજતા એ ચારિત્ર્ય છે …
હવાનું ચારિત્ર્ય( ગુણ) શું છે?
શાંત, ધીમું, તેજનું તોફાન …
પાણીનું ચારિત્ર્ય (ગુણ) શું છે?
શીત, ઉષ્ણ કે હિમ ….
અને માટીનું ચારિત્ર્ય?
મૂર્તિ કે ઈંટ …
દમિત સ્ત્રીઓ નિસંદેહ સુંદર નથી હોતી,
પરંતુ સ્વતંત્ર ચરિત્રહીન સ્ત્રીઓ ખૂબસૂરત જ હોય છે …..
ક્યારેક વિચારજો …,
જ્યારે તમે પુરુષને સમર્પિત થયાં …
ત્યારે જો એ સમર્પણ ફક્ત પુરુષ માટે હતું
તો જ તમે ગુણિયલ હતાં …
પરંતુ જો એ મનમરજીનું હતું
તો એમાં છે ચરિત્ર્યહીનતા …
પોતાને માટે, પોતાનાં તનમન માટે મુક્ત થઈ
જીવતી સ્ત્રીઓ સુંદર લાગે છે …..
આપણે તો એમને ચારિત્ર્યહીન જ કહીશું
જે ચારિત્ર્યહીન હોય છે તે જ સુંદર હોય છે …
આઝાદ લોકો જ ખૂબસૂરત હોય છે …..
કોણ સુંદર છે …?
પોતાની ઈચ્છાઓનું દમન કરીને ખૂણે બેઠેલી
એ મૂંગી ચારિત્ર્યવાન કઠપૂતળીઓ …..
કે
ક્યાંક મોકળાશમાં પોતાના મનથી મુક્ત હાસ્ય વેરતી
ચારિત્ર્યહીન સ્ત્રીઓ?
બાળકો ચારિત્ર્યહીન હોય છે …
એમનું બધું જ નફકરું …
તેઓ મુક્ત હોય છે,
મન ભરીને હસે છે ને રડે છે,
સુખદુ:ખ, હરખશોક …
બધું સ્પષ્ટપણે સામે રાખી દે છે.
તેઓ પોતાનું દમન કરતાં નથી.
પરંતુ આપણે ચારિત્ર્ય દમન કરીએ છીએ
પહેલાં પોતાનું પછી પોતાનાંનું ને
પોતાના સમાજનું …
ધ્યાનથી જોજો,
જે જેટલો ચારિત્ર્યવાન હોય છે
તે તેટલો જ દમિત હોય છે,
પછી એટલો જ મોટો દમનકારી હોય છે.
હા, ચારિત્ર્યહીન સ્ત્રીઓ ખૂબસૂરત હોય છે ..
તેઓ, ઈચ્છા હશે ત્યારે મનગમતા પુરુષને
સમર્પિત થઈ પ્રગાઢ આલિંગન આપશે …
તેઓ મન થશે ત્યારે રોટલા ઘડતાં ઘડતાં
પણ નાચી ઊઠશે ..
ને બુલંદ અવાજે ગાઈ ઊઠશે …
અને ખડખડાટ હાસ્ય લહેરાવશે.
તે ઈચ્છે તો પ્રિયપાત્રને ખોળે પણ બેસી જશે …
તે નિરાવરણ પણ થશે …
ને ઇચ્છશે તો વસ્ત્રાવરિત પણ થશે.
તે ઇચ્છશે તો બાળકને સ્તનપાન કરાવશે અને લાડ કરશે.
પ્રસવ સમયે તો એ દર્દનાક ચીસો પાડે
એમાં પણ ચારિત્ર્યહીનતા છે …
આજુબાજુની સ્ત્રીઓ એને ચૂપ કરે છે.
અવાજ ન કરવાની સલાહ આપતી હોય છે …..
ચુપચાપ પીડા પચાવી લેવા કહેતી હોય છે …..
ચારિત્ર્યનું આ બંધન કબૂલ ન કરવું જોઈએ.
પ્રસવપીડા …
તકલીફ છે,
સૃજનતાની તકલીફ …
તો એનાથી ધરતી ગૂંજવી જોઈએ.
પોતાના પુરુષ સાથેના મુક્ત મનના સાહચર્યની
ઈચ્છાનું દમન પણ અકુદરતી છે.
એ પણ મુક્ત હોવું જોઈએ,
એમાં પણ ચારિત્ર્યહીનતા જ હોવી જોઈએ …..
પોતાના આનંદચર્યની ચરમસીમાએ
ગાઈ ઊઠતી સ્ત્રી વિશે કોઈ દિવસ સાંભળ્યું છે ?
પોતાના ભાવવિશ્વને એ કેમ મુખર કરી શકતી નથી?
કારણ કે એનાથી એ ચારિત્ર્યહીન કહેવાય છે ……
પરંતુ એ સ્ત્રીઓ લાગે છે તો ખૂબસૂરત …..
આ ધરા પરની દરેક બાબતનું સુખ માણતી
પોતાની ભીતર અને બહાર,
દરેક ચીજ માટે મુક્ત મને રાજી રહેતી ….
આકંઠ પ્રેમમાં ડૂબેલી મુક્ત મનસ્વિની ….
હા, એ ચારિત્ર્યહીન સ્ત્રીથી ખૂબસૂરત કાંઈ જ નથી.
હા, મને પણ એ સ્ત્રીઓ ગમે છે.
બસ, તેઓ જ સુંદર હોય છે ….
પિંજરે પુરાયેલી, કુંઠિત, બંદિની ચારિત્ર્યવાન
સ્ત્રીઓ તો કુરુપ હોય છે,
બેહદ, બદસૂરત અને બનાવટી …
મને પ્રકૃતિ પસંદ છે
એનાથી ચારિત્ર્યહીન બીજું કાંઈ નથી,
કારણ કે એનું કોઈ ચારિત્ર્ય નથી.
ચારિત્ર્યના અર્થમાં અભિપ્રેત બંધન
જે મને તો નાપસંદ ……..

અલ્પમ્ દેસાઈ – ભટ્ટની વોલ પરથી : ૭/૧૧/૨૦૧૯

************

चरित्रहीन औरतें !
हां
मुझे भी चरित्रहीन औरतें पसंद हैं…
बेहद… बेहद.. खूबसूरत होतीं है वो..
बेबाक, बेपर्दा, स्वतंत्र और उन्मुक्त…
कि उनका कोई चरित्र नहीं होता।
केवल चरित्रहीन औरतें ही खूबसूरत होती हैं।
पिंजरे में कैद चिड़िया कितनी भी रंगीन हो,
सुन्दर नहीं लगतीं…
चाहे कोई कितनी भी कविताएं लिख ले उनपर..
क्या होता है चरित्र…?
चरित्र गुलामी है, एक बंधन…
वो शर्तों से तय होता है।
चरित्र गैर कुदरती है…
प्रकृति विरोधी…
अप्राकृतिक
चरित्र है…
किसी तथ्य पर थोपीं गई शर्तें..
शायद
हवा का चरित्र क्या है ?
शांत, धीमे, तेज कि आंधी …
पानी का चरित्र क्या है…?
गर्म, ठंडा या बर्फ..
और
मिट्टी का चरित्र ?
मूरत या ईंट…
जो चरित्रहीन होते हैं, सुंदर वही होते हैं…
आजाद लोग ही खूबसूरत होते हैं….
कौन सुंदर है…?
कोने में अपनी ही कुंठाओं में दबी खामोश औरत
चरित्रवान औरत….
या
किसी खुले में अपने मन से ठहाके लगाकर हंसती
चरित्रहीन औरत ?.
कौन है सुंदर ?
वो जो चाहे तो आगे बढ़कर चूम ले…
बोल दे कि प्यार करती हूँ…..
या वो….
जो बस सोचती रहे असमंजस में
और अपने मन का दमन किए रहे…
दमित औरतें निसंदेह सुंदर नहीं होती,
पर स्वतंत्र चरित्रहीन औरतें होती हैं खूबसूरत…
सोचना कभी ….,
जब अपनी टांगे फैलाई तुमने अपने पुरुष के सामने…
अगर वो केवल पुरुष के लिए था
तो ही वो चरित्र है….
लेकिन वो तुम्हारे अपने लिए था
तो चरित्रहीनता….
अपने लिए, अपने तन और मन के लिए
खुल कर जीती औरते सुन्दर लगती है….
हम उसे चरित्रहीन ही पुकारेगें
बच्चे चरित्रहीन होते हैं…
उनका सबकुछ बेबाक…
आजाद होता है।
वो हंसते हैं खुलकर, रोते हैं खुलकर,
दुख सुख, खुशी गम…
सब साफ सामने रख देते हैं।
वो दमन नहीं करते अपना।
चरित्र दमन है…
पहले अपना,
फिर अपनों का,
फिर
अपने समाज का….
गौर करना….
जो जितना चरित्रवान होता है,
वो उतना ही दमित होता है,
और फिर उतना ही बड़ा दमनकारी होता है।
हां, चरित्रहीन औरते सुंदर होती हैं..
वो, जिसका मन हो तो अपने पुरुष की हथेली
अपने स्तनों तक खींच ले….
वो, जिसका मन हो तो वो अपने पुरुष को
अपनी बांहों में जोर से भींच ले….
वो, जिसका मन करे तो रोटियां बेलते, नाच उठे…
वो जिसका मन करे तो जोर से गा उठे….
वो, जो चाहे तो खिलखिलाकर हंस सके।
वो जो चाहे तो अपने प्रिये की गोद में धंस सके।
वो, जो चाहे तो अपने सारे आवरण उतार फेंके।
वो, जो चाहे तो सारे कपड़े लपेट ले।
वो, जो चाहे तो अपने बच्चे को स्वतंत्रता से अपना
स्तन खोल दूध पिला सके, उसे दुलरा सके।
बच्चे को जन्म देते जब वो दर्द में चीखती है
तो वो चरित्रहीनता है…
आसपास की औरतें उसे चुप करातीं हैं।
आवाज नहीं निकलाने की सलाह देती हैं….
सारा दर्द खामोशी से सहने को कहती है…
चरित्र का ये बंधन कबूल नहीं होना चाहिए।
प्रसव पीड़ा…
तकलीफ है,
सृजन की तकलीफ…
तो उससे धरती गूंजनी चाहिए।
अपने पुरुष के साथ
उसके मदमस्त खेल का दमन भी गैर-कुरदती है।
इसे भी मुक्त होना चाहिए,
उसे भी चरित्रहीनता होना चाहिए……
सुना है कभी किसी औरत को अपने परमानंद के क्षणों में एकदम खुलकर गाते ?
क्यों नहीं ,बोल पाती वो, अपने भावों को स्वरों में ?
क्योंकि ये उसे चरित्रहीन साबित करेगा…
पर ऐसी औरतें ही सुन्दर लगती हैं….
धरती की हर चीज का सुख लेते,
अपने भीतर और बाहर
हर चीज से खुलकर खुश होते….
प्यार में डूब सबकुछ से प्यार करती आजाद औरत।
हां, उस चरित्रहीन औरत से खूबसूरत कुछ भी नहीं।
हां मुझे भी चरित्रहीन औरतें सुंदर लगती हैं.
बस वही सुंदर होती हैं…
कुंठित, गिरहबंद, बंद चरित्रवान
औरतें तो कुरूप होती है,
बेहद बदसूरत, बनावटी।
मुझे कुदरत पसंद हैं
और उससे चरित्रहीन कुछ भी नहीं,
उसका कोई चरित्र नहींl
चरित्र के मायने बंधा हुआ कैद
जो मुझे नापसंद……

— कृष्ण आनंद चौधरी  

Loading

દિવાળી આવી અને ગઈ, પણ અંધશ્રદ્ધાનાં અંધારાં ઠેરના ઠેર !

મનીષી જાની|Opinion - Opinion|6 November 2019

દિવાળીમાં ઘર આંગણે દીવડાં એટલે પ્રગટાવીએ છીએ કે અંધારાં દૂર થાય. દીવડાંનાં અજવાળે આશા, ઉમંગ અને ખુશીનો માહોલ ઊભો થાય.

પરંતુ અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકારે ખુદ ચાર લાખ દીવડાં દીવાળીની રાત્રે પ્રગટાવ્યા. દરેક કોડિયે તેલ-દીવેટના હિસાબે તેનો કુલ ખર્ચો આવ્યો, એક કરોડ ને તેત્રીસ લાખ રૂપિયા ! એટલે કે એક દીવડાનો ખર્ચ 33.25 રૂપિયા !

વાર તહેવારે ઈલેક્ટ્રીક રોશનીઓ કરવામાં આપણા દેશની તમામ સરકારો કોન્ટ્રાકટરોને ઘી કેળાં કરાવતી જ રહે છે, પણ આટલાં બધાં તેલ અને રૂનો બગાડ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનાં મગજમાં ઉતરે એવો છે ખરો ?

અયોધ્યાની આ દિવાળીની ઝગમગતી રાત પૂરી થઈ. છાપાંઓમાં તેનાં ફોટા છપાયા, ટી.વી. ચેનલો પર તેના વીડિયોએ અજવાળું – અજવાળું કરી નાખ્યું પણ આ દીવા બુઝાતા હતા તેની સાથે સાથે જ તે રાતનાં જે દૃશ્યો સોશ્યલ મીડિયા પર દેખાયાં કર્યાં, તે સૌ કોઈ સંવેદનશીલ દર્શકના મનને ઉચાટમાં મૂકનારા બની ગયાં!

આ દૃશ્યોમાં એક વેધક દૃશ્ય એવું દેખાયું જેમાં એક બાળકી આ બુઝાયેલા કોડિયાંઓમાં વધેલું તેલ એક પછી એક કોડિયા હાથમાં લઈ બોટલમાં ભરી રહી છે.

દૃશ્ય જોઈ દિવાળીની ઉજવણીમાં અજવાળાં માટે પ્રગટેલા દીવડાંનું વધેલું તેલ કેટકેટલાં ભૂખ્યા પેટમાં ખોરાકના ભાગ તરીકે ઉપયોગમાં લેવાશે એવો વિચાર તો આપણને સૌને આવે જ. અસ્વચ્છ કોડિયાંઓમાં વધેલું – બળેલું, ખુલ્લામાં પડી રહેલું અને એ ય મોટે ભાગે ભેળસેળયુક્ત આવું દુષિત તેલ પેટની કેટલી ભૂખ ભાંગશે કે આરોગ્ય સાથે ચેડાં કરશે એવો પૂરક વિચાર પણ સૌને આવે તે ય સ્વાભાવિક છે.

સરકાર પોતે જ ખાદ્યતેલના બગાડમાં સામેલ થાય ત્યારે કોણ કોને ફરિયાદ કરે ? – એ ય સવાલ નોંધવો ઘટે.

આ ખાદ્યતેલનો બગાડ તો અક્ષમ્ય કહેવાય જ પણ તેના કરતાં ય વધુ તો આપણા ગુજરાતમાં રાજધાની ગાંધીનગરથી નજીક જ આવેલા રૂપાલ ગામમાં દર વર્ષે નવરાત્રી બાદની રાત્રે લાખો કિલો ઘી-કાદવની નદીઓ ગામની ગલીઓમાં વહેતી જોવા મળે છે.

રૂપાલની પલ્લી દર વર્ષે નીકળે છે. જેમાં ગામના લોકો વિવિધ જાતિ-જ્ઞાતિના ધોરણે પરંપરાગત રીતે નક્કી કરાયેલાં કામો સાથે પલ્લી તૈયાર કરે છે. અને આખા ગામમાં ફરતી માતાજીની આ પલ્લી ગામના દરેક ચાર રસ્તે ઊભી રહે છે જ્યાં લોકો પોતાની માનતા ને શક્તિ મુજબ ઘી તેનાં પર રેડે છે. કોડિયામાં સમાય એટલું ઘી નહીં, પણ આ વર્ષે જ છાપાંઓમાં છપાયેલા અહેવાલો મુજબ 20 કરોડ રૂપિયાનું ઘી પલ્લી પર ચઢાવાયું. મોટા મોટા ટાંકાઓમાં આ ઘી લવાય છે અને કહેવાય છે કે આ ભેળસેળમુક્ત ચોખ્ખું ઘી હોય છે.

આ વર્ષે તો ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન ખાતા દ્વારા ચોખ્ખા ઘીની તપાસ માટે ત્યાં વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. અને ઘી ના નમૂના ચકાસી જે ભેળસેળ વાળું ઘી હતું તેને પલ્લી ના અભિષેક માં થી નાપાસ જાહેર કરવામાં આવ્યું હતું !

રૂપાલની પલ્લી પર અભિષેક થઈ ઢોળાતું ઘી નીચે રસ્તામાં પડે. રસ્તાઓ પર ઘીની ધૂળ, ગંદવાડ સાથેની નદીઓ વહે તે સ્વાભાવિક છે. આ ઘીભર્યા રસ્તે ચાલવું મુશ્કેલ બની જાય એટલે આ અશુદ્ધ ઘીને ભેગું કરી સફાઈ કરવી એ કામ તો છેવટે ગામના સફાઈ કામદારો, વાલ્મીકિ સમાજના પરિવારોને માથે જ રહે છે.

જેવી માતાજીની પલ્લી રસ્તાઓ પરથી પસાર થાય કે તરત ગામના વાલ્મીકિ સમાજના પરિવારો પોતાના વાસણો, ડબ્બા, ડોલ, પીપ લઈ આ ધૂળ સાથે રગડો બની ગયેલા ઘીને ઉસરડીને ભેગું કરે છે. અને આ ઘીને પોતાના ઘરે લઈ જઈ ચૂલા પર ઉકાળે છે અને ગાળીને ફરીથી તેને ખાવા માટે ઉપયોગ કરે છે યા તો બજારમાં વેચી દઈ, પોતાની ઘીમય મજૂરીનાં નાણાં કમાય છે.

અતિ હાસ્યાસ્પદ વાત એ લાગે છે કે સરકારી ખાતું પલ્લીના અભિષેક માટેનું ઘી શુદ્ધ છે કે નહીં તેની તપાસ કરે છે પણ એ જ ઘી રસ્તે ઢોળાય છે, ગંદું થાય છે ને જે ઘી ખાવા યોગ્ય નથી, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે ઘીના નિકાલ માટેનો કોઈ રસ્તો વિચારતું નથી !

આ વાતને આપણે કેવી રીતે જોઈશું ? સરકાર પણ શ્રદ્ધા – અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનું કામ જ કરે છે અને તે શ્રદ્ધા – અંધશ્રદ્ધાના રસ્તે અખાદ્ય બની ગયેલા, લોકોનાં સ્વાસ્થ્ય માટે જોખમી શકે તેવા ઘીના નિકાલ માટે ચૂપ રહેવાનું અને વર્ષોથી જે ચીલે ગામને લોકો ચાલ્યા કરે છે તેવા, વર્ણવ્યવસ્થાને મજબૂત કરતા વિધિ વિધાનોને પ્રોત્સાહન આપવાનું કામ જ કરે છે.

હજારો કિલો ઘી ઢોળી નાખવાને લઈ લોકોમાં ક્યારે ય ક્યારે ય ઊહાપોહ અને કાનૂની લડતો થઈ છે પણ વર્ષોથી કોઈ પણ સરકાર આ ઢોળાઇ જતાં, વેડફાતા મોંઘાદાટ ઘીને લઈ કોઈ પગલાં લેતાં જોવા મળી નથી અને સંવેદનહીન બની ચૂપ રહી છે એ ય વાસ્તવિકતા છે.

રૂપાલ ગામના લોકો ઘીનો અભિષેક કરી ઘી ઢોળે છે એમ દીવાળીની આગલી રાત્રે એટલે કે કાળી ચૌદશે ઘરનો કકળાટ કાઢવાના નામે, ઘરમાંથી ભૂત-પલિત કાઢવાના નામે ચાર રસ્તે પાણીનાં કુંડાળા કરી અડદની દાળનાં વડાં અને અન્ય ખાદ્ય પદાર્થો નાંખે છે. આ કોઈ એકલ દોકલ ઘટના નથી પરંતુ ગુજરાતના મોટાભાગના શહેર, નગર, ગામોમાં આ પ્રકારની વિધિઓ થતી, રસ્તાઓમાં વડાં મૂકતાં જોવામાં આવે છે.

ભોજનની વાનગી,ખાવા માટે બનાવેલી વસ્તુઓ કોઈનાં પેટમાં ના જાય અને રસ્તા પર નાખી દેવાનું કામ કરવું એને તે આપણે કેવી ધાર્મિક વિધિ ગણીશું ?

દિવાળી પહેલાં આપણે ઘરની સાફસૂફી કરીએ, વાસણો ચમકાવીએ અને દીવાલો ધોળાવીએ, આંગણાં ચોખ્ખાં કરી રંગોળીઓ કરીએ અને ખાવાની વસ્તુને શેરીની, સોસાયટીની બહાર, ચાર રસ્તે નાખીને ગંદકી ફેલાવીએ,ઉકરડા ઊભા કરીએ; એ તે આપણા સ્વચ્છતાના કેવા ખ્યાલ ?

છેવટે સફાઈ કામદારોનું, શેરી-સોસાયટી વાળનારાઓનું જ કામ આપણે વધારીએ છીએ ને ?

વળી મહત્ત્વની વાત તો એ જ છે કે કહેનારા કહે કે 'ફ્ક્ત ચાર પાંચ વડાં ધાર્મિક વિધિમાં રસ્તે મૂકવામાં શું મોટા વાંધા પડે છે ?'

આમ જોવા જઈએ તો એ મોટી વાત નથી પરંતુ આખા ગુજરાતના શહેર, નગર, ગામોમાં, ઘણાં ઘરોમાંથી રસ્તે ફેંકાતા વડાંનો હિસાબ કરવા જઈએ તો કેટલા હજાર કિલો દાળનાં આ વડાં થાય ? કેટલા હજાર લીટર ખાદ્યતેલ એ વડાં તળવા માટે વપરાતું હશે ? આવા હિસાબનો આંકડો તો ચોંકાવી જ દે. અડદની દાળ તો પૌષ્ટિક છે. જેમાંથી મોટા પ્રમાણમાં પ્રોટીન તો મળે જ છે અને અડદની દાળની કિંમત આજની તારીખે કેટલી ? સાઈઠ – સિત્તેર રૂપિયાના ભાવે વેચાતી દાળમાંથી બનાવેલી હજારો કિલો ખાદ્ય વાનગી ધૂળમાં, ગંદવાડમાં ફેંકી દેવાની ?

પક્ષીઓને ચણ નાખવું કે ગાય-કૂતરાને ભોજન આપવું એ તો ખોરાક કોઈનાં જવાની વાત થઈ પરંતુ ખાદ્ય વાનગીને ધૂળ ભેગી કરવી એ તે કેવી વાત ?

આવાં ધાર્મિક વિધિ વિધાનોને દીમાગના દરવાજા બંધ કરીને અંધશ્રદ્ધાનાં બારી બારણાં ખૂલ્લાં કરીને કરવામાં આવતાં કામ જ ગણવા પડે !

કોઈ કહેશે કે તહેવારોની ખુશાલી-ઉજવણીની પરંપરા છે તેમાં અંધશ્રદ્ધાના નામે પંકચર ના પાડો ! અંધશ્રદ્ધાનાં નામે તહેવારોની વિધિઓ બંધ કરવાની નકારાત્મક વાતો નહીં કરવી જોઈએ .. આવા નકારાત્મક અભિગમને વિચારો ઉત્સવો-તહેવારોના આનંદ-ઉલ્લાસ, મઝાને ખતમ કરી નાંખે છે.

તહેવારોની ઉજવણી-આનંદ-ખુશીને ખતમ કરવા કે તેના પર પ્રતિબંધ મૂકવા માટેના મુદ્દા તરીકે આ વાત હું નથી કરતો.

તહેવારો – ઉત્સવો તો ઉજવાવા જ જોઈએ. એ પછી ધાર્મિક હોય, સામાજિક હોય કે પારિવારિક. ઉત્સવો-તહેવારોની પરંપરા તો સમાજના શ્વાસ-ઉચ્છવાસ જેવા હોય છે. આ તહેવારો જ માણસને સહિયારો આનંદ લૂંટવાનો, મુક્ત મને નાચવા, કૂદવા અને ગાવાનો-અભિવ્યક્તિનો ઉત્સાહજનક ઉમળકો પૂરો પાડે છે.

પણ આપણા જેવા ગરીબ દેશમાં જ્યાં દસ કરોડ જેટલા લોકોને બે ટંક પૂરતું ખાવાનું જ ના મળતું હોય ત્યાં આવો દાળ, ઘી, ખાદ્યતેલ, રૂ-કપાસનો વેડફાટ કેટલો યોગ્ય ને ન્યાયી કહેવાય ?

અત્યારે પાંચ વર્ષથી નીચેનાં બાળકોનાં કુપોષણનો સવાલ દેશ માટે ગંભીર પડકાર રૂપ છે. આપણે પાકિસ્તાન સાથે, આતંકવાદીઓ સામે રોજેરોજ યુદ્ધની વાતો છેડી, સીમા પર લાખો જવાનોને ખડેપગે રાખી, કરોડો-અબજો રૂપિયા ખર્ચી દેશને સલામત રાખવાની વાતો કરીએ છીએ, નેતાઓ આ અંગે રોજેરોજ શૂરાતન ભર્યા ભાષણો કરતાં રહે છે, પરંતુ દેશમાં ભીષણ કુપોષણથી પીડાતાં કરોડો બાળકો છે, સગર્ભા સ્ત્રીઓ છે; તે કુપોષણ સામે યુદ્ધ છેડવાની વાત ઊંચા અવાજે, મોટાપાયે આપણી સરકારો નથી કરી રહી તે ચિંતા નો વિષય છે. અને તેવા સમયે આ ખાદ્યાન્ન ને ખાદ્યતેલ-ઘીનો વેડફાટ જાણે કે એક ભારે સામાજિક ગુનો બની રહે છે એવું સૌ કોઈ ને લાગવું જોઈએ.

ભૂખથી પીડાતા લોકોમાં આપણા દેશનો નંબર સૌથી આગળના દેશોમાં છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશો આપણાથી આ બાબતે પાછળ છે.

અને કુપોષિત બાળકો એટલે કે જેમનું વજન, ઊંચાઈ, શારીરિક બાંધો ઉમ્મરના પ્રમાણમાં નબળાં છે. જેને લઈ પોતાના બાળપણની મજા એટલે કે નાચવું, કૂદવું, હસવું, દોડવું, ભણવું, ગાવું એવી બધી પ્રવૃત્તિઓમાં ઉતરી શકે એમ છે અને પ્રતિકાર શક્તિ નબળી હોવાને લઇ જાતભાતના રોગોનો ઝડપથી શિકાર બની શકે એમ છે અને પાંચમી વર્ષગાંઠ ઉજવે એ પહેલાં જ મૃત્યુ પામવાની સંભાવના ધરાવે છે.

આવાં બાળકો માટે ગામેગામ ચાલતી આંગણવાડીઓમાં બાળકોને પોષક આહાર મળે, સગર્ભા સ્ત્રીઓને પોષક આહાર ને પ્રાથમિક શાળાનાં મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક ખોરાક પૂરતાં પ્રમાણમાં મળી રહે તેની તાતી જરૂર છે.

પણ આપણે તો એમાં ય ધાર્મિક લાગણીઓ દુભવવાની વાત કરી, વિવાદ કરી નફરતનું રાજકારણ ખેલવામાં શૂરા છીએ !

હમણાં મધ્યપ્રદેશમાં ફરીથી નિર્ણય લેવાયો કે આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાનાં બાળકોને મધ્યાહન ભોજનમાં ઈંડા અપાશે.

દુનિયાભરમાં એ સર્વસ્વીકૃત બાબત છે કે ઈંડાં એ પ્રોટીનથી ભરપૂર છે અને તે બાળકો માટે પોષક આહાર છે.

આપણા દેશમાં મોટાભાગના લોકોના ખોરાકમાં ઈંડાં ખવાતાં રહ્યાં છે.

મધ્યપ્રદેશમાં પાંચ વર્ષથી નીચેના કુપોષિત બાળકોનું પ્રમાણ 43% જેટલું ઊંચું છે. થોડાં વર્ષો પૂર્વે જ્યારે ત્યાં ભા.જ.પ.ની સરકાર હતી ત્યારે બાળકોને આંગણવાડી અને શાળાનાં મધ્યાહન ભોજનમાં ઈંડા આપવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ ઈંડાં બિનશાકાહારી છે એવો ધાર્મિક વિવાદ ઊભો કરી તે નિર્ણય પર બંધી મૂકાયેલી.

હમણાં ત્યાં કોંગ્રેસની સરકાર આવતાં આ નિર્ણય ફરી લેવાયો છે. પરંતુ વિપક્ષમાં બેઠેલા બી.જે.પી.ના નેતાઓએ તેની સામે હોહા મચાવી છે. બી.જે.પી.ના એક અગ્રણી નેતા અને ભૂતપૂર્વ પ્રધાને તો હમણાં ચાર દિવસ પહેલાં એવું કહી નાખ્યું કે "આજે સરકાર બાળકોને ઈંડાં ખવડાવશે ,કાલે મરઘાં – માંસ ખવડાવશે! અને છેવટે તેને લઈ બાળકો માનવભક્ષી – માણસખાઉં બની જશે ..!"

દેશમાં જ્યારે સિત્તેર ટકાથી વધુ લોકો ઈંડાં, માંસ ,મચ્છી ખાતાં હોય ત્યાં ધાર્મિક લાગણીના નામે માણસખાઉં બની જવાની અંધશ્રદ્ધા ફેલાવનારા રાજકીય નેતાઓને આપણે શું કહીશું ?

દેશની આમજનતાને રોજીરોટી – રોજગારી પૂરી નહીં પાડવી એને સરકારનો મોટો ગુનો ગણવો જોઈએ. દરેક હાથને કામ આપણી સરકારો આપી શકતી નથી એટલે મોટા ભાગની જનતા ગરીબ રહે છે, કુપોષિત રહે છે.

આવી સરકારી નીતિને આપણે 'માણસખાઉં ' ગણીશું કે પછી ઈંડાં ખાનારા ને ?

આ બધાં વિશે વિગતે વિચારવાનો સમય હવે પાકી ગયો છે.

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 06 નવેમ્બર 2019

Loading

...102030...2,6692,6702,6712,672...2,6802,6902,700...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved