Opinion Magazine
Number of visits: 9576723
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આભને ઘડૂલે દીપે દીવડો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|3 October 2019

હૈયાને દરબાર

નવરાત્રિ આવે એટલે અવનવા ગરબાની કથા મંડાય. જૂનાં ને જાણીતાં ગરબા તો આપણને આવડે જ પણ કેટલાક ક્લાસિક ગીત-ગરબા વિશે વાત કરવી છે. પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરાંકિત એવી સ્તુતિ ‘આભને ઘડૂલે દીપે દીવડો’ સુમન કલ્યાણપુરના સ્વરમાં ગવાયેલી ઉત્તમ રચના છે.

"કવિ રમેશ જાની રેડિયો રૂપક કરતા હતા. એમને માટે સૌથી પહેલાં આ ગીત મેં સ્વરબદ્ધ કર્યું અને આનંદકુમાર સી. પાસે ગવડાવ્યું હતું. ત્યારબાદ એચ.એમ.વી.ને સુમન કલ્યાણપુરની એક ઈ.પી. બહાર પાડવી હતી તેથી એમણે મારો સંપર્ક કર્યો. આભને ઘડૂલે તાજું જ સ્વરાંકન હતું એ મેં સુમનજીને સંભળાવ્યું. આ ગીત એમને એટલું બધું ગમી ગયું કે એમણે પંડિત હરિપ્રસાદજીને પણ આ ગીતમાં ફ્લુટ વગાડવાનું ઈજન આપી દીધું. એ વખતે સુમન કલ્યાણપુર ખારમાં રહેતા હતાં અને એમના ઘરની ઉપરના માળે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા રહે. તેથી આ ગીત માટે હરિજી પણ તરત તૈયાર થઈ ગયા. પછી તો સુમન કલ્યાણપુરના અવાજમાં જ એ લોકપ્રિય થયું.” પુરુષોત્તમ ઉપાધ્યાય જૂની સ્મૃતિઓ તાજી કરતાં કહે છે.

ગુજરાતીઓ માટે માતાજીની સ્તુતિ, આરતી, ગરબા-રાસનું મહત્ત્વ ઘણું છે. લોકગીતોની મહત્ત્વની બે સરવાણી એટલે સંતવાણી અને રાસ-ગરબા.

રાસ-ગરબા એ લોકસંગીતનું અવિભાજ્ય અંગ છે. ગુર્જર ગરબો એ સંસ્કૃતિનું મંગલમય પ્રતીક છે. ગરબામાં વસ્તુ દૃષ્ટિએ વર્ણન, કથા, સંવાદો, સંદેશ, સ્તુતિ તથા સ્થાનનું અપાર વૈવિધ્ય જોવા મળે છે. અવિનાશ વ્યાસે અનેક ગરબા લોકપ્રિય કર્યા હતા. એ સિવાય મુંબઈનાં વીણા મહેતા, ‘વર્ણમ્‌’ તથા ‘કલાસંગમ’ના ગરબા એક સમયે ખૂબ પ્રચલિત થયાં હતાં. ૧૯૭૪માં ‘વર્ણમ્‌’ શરૂ થયું ત્યારે પહેલવહેલાં કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીનાં માતા લીલા ભણસાલી હતાં. ‘વર્ણમ્‌’ની વિશેષતા એટલે રાસ ગરબા અને પ્રયોગશીલ નૃત્ય, જ્યારે ‘કલાસંગમ’ના ગરબામાં શાસ્ત્રીયતા વધારે જોવા મળે. સંગીતકાર-ગીતકાર નિનુ મઝુમદારે ગરબામાં વિશિષ્ટ પ્રયોગો કર્યા હતા, જેમાં ‘ઋતુરંગ’ ‘નવરસ’ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમા ગરબાનો પ્રયોગ ઉલ્લેખનીય કહી શકાય.

કૌમુદી મુનશી આ ગરબા વિશે કહે છે, "નિનુ મઝુમદાર ગરબામાં જુદા જુદા વિષયો વણી લઈ ઘણા પ્રયોગો કરતા. ક્યારેક પારંપરિક ગરબાની પહેલી લાઈન યથાવત જાળવી રાખીને બાકીનો ગરબો પોતાની રીતે રચતા. નારી ગૌરવના ગરબા પણ એ લખતા. જેમ કે, ઝીણી ઝીણી ઘૂઘરીઓ ઘમકે, છમકે, ઝમકેમાં છેલ્લો અંતરો ખૂબ સરસ છે :

સર્જન બિંદુ માનું પ્રગટી ઘર ઘરમાં સોહાય,
દેવ રમે છે સઘળે જ્યાં જ્યાં નારીઓ પુજાય,
કે લક્ષ્મીરૂપ થઈને આવે માડી સૌને દ્વારે દ્વારે ..!

સ્ત્રીનું માન સાચવવાની આ વાત મને બહુ ગમી ગઈ હતી. સાહિત્યિક દૃષ્ટિએ એમના ગરબા સરસ હોય છે. ઓ માડી તારાં મંદિર ઝાકમઝોળ તથા કાળી દાંડીનો ડમરો … પણ લોકપ્રિય હતા.

ગરબો એ પર્ફોર્મિંગ આર્ટ છે. એટલે જ ઘણી વાર કેવળ શબ્દોના ઠાઠમાઠવાળી કૃતિઓ, સંગીતની ભભકવાળી કૃતિઓ એ સાચા અર્થમાં ગરબો નથી હોતો. ગરબે ઘૂમતી વખતે એમાં ભાગ લેનારા કલાકારોનો વ્યકિતગત આનંદ તો જ છે, પણ એમની કલાને જોનારાં-માણનારાં સહૃદયો સાથે હોય તો એમનો આનંદ બેવડાય.

ગરબો એ સ્ત્રી સાથે અને એનાં નાજુક સંવેદનો સાથે સંકળાયો છે. એટલે એની સાથે લાલિત્ય પણ હોય જ. ‘ગરબો’ શબ્દ મૂળ સંસ્કૃત ‘ગર્ભદીપ’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ગર્ભમાં એટલે મધ્યભાગમાં ‘દીપ’ એટલે દીવો. આજે પણ મધ્યભાગમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવામાં આવે છે. જેના મધ્યભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો. કાળક્રમે એમાંથી દીપ પદ છૂટી ગયું. અને ગર્ભમાંથી ગરબો આવ્યો.

ગરબામાં ૨૭ છિદ્રો પાડવા પાછળનું એક અનોખું મહત્ત્વ છે, કેમ કે આપણે ત્યાં ગ્રહો અને નક્ષત્રોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. આપણે ત્યાં ૨૭ નક્ષત્ર હોવાથી માતાજીને પ્રિય એવો ગરબો પધરાવવામાં આવે છે.

નવ રાત્રિ અને નવ સ્વરૂપનું માહાત્મ્ય

ગરબામાં શક્તિના નવ સ્વરૂપોની આરાધના એટલા માટે કરવામાં આવે છે કે ગરબાની જનેતા શક્તિસ્વરૂપ જ છે. જ્ઞાનને ગતિ આપનાર મા શક્તિનું જ સ્વરૂપ છે. પુરાણકથા મુજબ મા પાર્વતીએ શિવજીને પ્રસન્ન કરવા માટે સખીવૃંદ સાથે મળીને ગોળાકારે ઘૂમતાં લાસ્ય નૃત્ય કર્યું હતું માટે ગરબો પણ લાસ્ય છે જેમાં ભક્તિની સાથે લાવણ્ય છે. ગરબો નવ રાત્રિ એટલા માટે ચાલે છે કે નવ એ પૂર્ણ નવારંભનું પ્રતીક છે. વૈદિક ગણિત પ્રમાણે દશાંશ પદ્ધતિનો દસમો પૂર્ણાંક નવ છે. એમાં સંપૂર્ણ અંકન આવી જાય છે. માટે માતાજીના નવ સ્વરૂપમાં શક્તિના બધા જ સ્વરૂપ સમાવૃત્ત કરવાની પરંપરા ચાલી રહી છે.

નાગરજ્ઞાતિની બહેનોની બેઠા ગરબાની પરંપરા તથા ૧૦૦થી વધુ વર્ષ જૂનો ઇતિહાસ બેઠા ગરબા એ નાગરજ્ઞાતિમાં થાય છે. જેનો ઉદ્ભવ જૂનાગઢમાં થયો હોવાનું કહેવાય છે. ૧૦૦ વર્ષથી નાગરજ્ઞાતિમાં બેઠા ગરબાની પરંપરા છે. નવરાત્રિમાં અથવા સારા પ્રસંગોએ બેઠા ગરબા ગવાય છે. બેઠા ગરબા એક સ્ત્રી ગાય છે અને બાકીનાં ઝીલે છે. સામાન્ય રીતે ગુજરાતના ગરબા એ સૌંદર્યનું પ્રતીક છે. જે ઘૂમતો ગરબો હોય છે, જ્યારે બેઠા ગરબા એ માતાજીના સ્થાનક કે તેની છબી સામે બેસીને ગવાય છે. બેઠા ગરબા એ લોકગીત અને શાસ્ત્રીય સંગીત આધારિત હોઈ, રાજકોટના માઈ મંદિરમાં થતા બેઠા ગરબા એ સૌરાષ્ટ્ર-કચ્છમાં વખણાય છે. જૂનાગઢમાં ગિરનારા જ્ઞાતિનાં લોકો પણ બેઠા ગરબા કરે છે. મુંબઈમાં તો હવે ઘણાં પરાંમાં નાગરાણીઓ ભેગી થઈને બપોરે બેઠા ગરબા કરે છે. અંધેરી-વિલેપાર્લે-સાંતાક્રુઝ તો નાગરોનું મુખ્ય સ્થાન. હવે જો કે, બોરીવલી-કાંદિવલીમાં પણ બેઠા ગરબા પ્રચલિત થવા લાગ્યા છે.

ગરબા બેઠા હોય કે ફરતા, ગુજરાતી પ્રજાનો સૌથી ગમતો અને દેશ-વિદેશમાં ફેલાયેલો ઉત્સવ નવરાત્રિ છે. આજે જે ગરબાની વાત કરી એ આભના ઘડૂલામાં રહેલા દીવડાને લાંબા સમય સુધી ઝગમગતો રાખવો હોય તો જરૂર સાંભળજો. કવિ રમેશ જાની રચિત આ ગરબો ક્લાસિક ગરબાની કેટેગરીમાં જ મૂકવો પડે. સંગીતની મીઠાશમાં ઝબોળાઈ જવાની તૈયારી સહિત માણો આ રચનાને.

———————–

આભને ઘડૂલે દીપે દીવડો
માડી તારા તેજને અંબાર જો
લાખ લાખ તારલા ઝબૂકતા
માડી તારા રૂપ ને શણગાર જો
વાયા રે વાવલિયા માડી વ્હાલથી
વાયા વન વન મોઝાર જો
આવ્યા રે અમરાપરના દેશથી
આવ્યા ધરતીને દ્વાર જો…
નાના રે ઘડૂલા નાના દીવડા
ઝૂલતા ડૂલતા મઝદાર જો
તારા રે રખવાળાં માડી દોહ્યલાં
લાવો કાળને કિનાર જો…

•  કવિ : રમેશ જાની      •  સંગીતકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય      •  ગાયિકા : સુમન કલ્યાણપુર

https://www.youtube.com/watch?time_continue=10&v=4bjWMSYYmpA

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 03 ઑક્ટોબર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=589668 

Loading

બાપુની સાદગી કઈ રીતે સચવાય?

સુદર્શન આયંગાર|Gandhiana|2 October 2019

ગાંધી ૧૫૦ સમયે એક જુવાળ ઊભો થયો છે, જે સામાન્ય છે. સોડા બોટલ ફોડીએ તો ગૅસના પરપોટા ઉપર આવે અને પછી બધું શમી જાય. ગાંધી-શતાબ્દીમાં એવું થયું અને ગાંધી ૧૨૫માં પણ એવું જ  થયું, ગાંધી ૧૫૦માં એવું જ થવાનું. બાપુ લોકોના હૃદયમાં તો છે, પણ અંગત વ્યવહારમાં આત્મસાત્‌ નથી થતા. આ પ્રસંગે પણ કાર્યક્રમો ઘણા થશે. સરકારી કાર્યક્રમો પણ ભવ્ય હશે અને બીજી સંસ્થાઓ જે ગાંધીવિચારની સંસ્થાઓ કહેવાય છે, તે સમુદાય પણ પોતાની શ્રદ્ધા અને સંસાધનોની મર્યાદામાં કાર્યક્રમો ગોઠવશે.

ગાંધીજયંતી પસાર થઈ જશે અને પછી આપણે સૌ આપણે રાહે. એક વાતનો વસવસો રહી જાય છે. અમદાવાદ ગાંધીજીના આશ્રમ અને ગઢ રહ્યું હતું. કોચરબ આશ્રમ(૧૯૧૫)થી સાબરમતી આશ્રમ સંકુલ (૧૯૧૭), ગૂજરાત વિદ્યાપીઠ (૧૯૨૦), નવજીવન પ્રકાશન મંદિર, મજૂર મહાજન જેવી સંસ્થાઓ અને દેશભરમાં અને વિશેષ તો સેવાગ્રામ આશ્રમ અને વર્ધામાં બાપુના સમયની કેટકેટલી સંસ્થાઓ, આ બધાનું હીર, અલબત્ત ઝાંખું ઝાંખું, પણ ઝળકે તો છે. યુદ્ધિષ્ટરનો રથ તો ધરતીને અડકી ગયો છો (જો કે ગાંધી તો ધરતીના જ માણસ હતા). પણ આવા એક સમયે આ સઘળી સંસ્થાઓના કાર્યકરો નમતા સૂરજની સાખે બાપુના સાબરમતી આશ્રમમાં અથવા સેવાગ્રામ આશ્રમમાં મોટી સંખ્યામાં એકઠાં થઈ હાથમાં દીવો લઈ દેશને સંદેશો આપી શક્યા હોત કે ‘બધું બરાબર નથી’.

જે વ્યક્તિએ પ્રેમબળની મદદથી દેશના પ્રત્યેક વર્ણ, ધર્મ, ભાષાના લોકોને નજીક લાવવા સામી છાતીએ ગોળીઓ ઝીલી પ્રાણનું નૈવેદ્ય ચડાવ્યું, તે બાપુનો દેશ આજે ઘૃણા અને હિંસામાં નવેસરથી તરબોળ થઈ માનવતાને પીંખી રહ્યો છે. આવા સમયે વિકાસ અને સમૃદ્ધિના નામે થઈ રહેલા શરીરકેન્દ્રી આધુનિક 'સુ'ધારાની પહાડ જેવી ભૂલ તરફ પુન:નિર્દેશ સાથે ગ્રામ સમાજ અથવા વિકેન્દ્રિત સમાજ માટે અમે ઊભા છીએ, એવી વાત જનતા સામે મૂકી હોત, તો તે બાપુને ૧૫૦માં વર્ષે યોગ્ય શ્રદ્ધાંજલિ આપી કહેવાત. સાથે આવનાર સમયમાં ગાંધીદર્શન અને વ્યવહારના માનનાર વ્યક્તિઓ ઈમાનદારીપૂર્વક પોતાનાથી શરૂઆત કરી સમાજપરિવર્તન અંગેનો સંકલ્પ કરશે, ઉપરાંત સરકાર અને સમાજ બીજી દિશામાં જાય તો તેની સામે સત્યાગ્રહ કરવાનો નિર્ધાર કર્યો હોત તો બાપુને સાચી શ્રદ્ધાંજલિ કહી શકાત. મારી કોશિશ ચાલે છે અને ચાલતી રહેશે. અલબત્ત ગાંધી સાથે સહમત થઈને કે ‘મો સમ કૌન કુટિલ ખલ કામી …’

જાણીતા હિંદી ગઝલકાર દુષ્યંત યાદ આવે છે, ‘હો ગઈ હૈ પીર પર્વતસી, અબ પિઘલની ચાહિયે,’ પણ ગંગા અવતરણ થાય તેવો હિમાલય કયાં? સિત્તેર બોંત્તેર વરસથી હિંદુસ્તાનમાં આપણી જ સરકાર છે. પણ તેનું વલણ શું? તે તો ભવ્યતામાં પડી  જણાય છે, બધું ભવ્ય, ઝાકઝમાળવાળું. સેલફોનની ઘંટડીઓ રણકે છે, સામેથી પૂછાય છે કે 'સાબરમતી આશ્રમ વર્લ્ડક્લાસ સ્મારક બનવા જઈ રહ્યો છે? સરકાર બધી જમીનો લઈ લેવાની છે? વારસમાં મળેલા મકાનો અને નિશાનીઓ ધરાશાયી થઈ આધુનિક સ્મારકોનું નિર્માણ થવાના ભણકારા છે. તમારે શું કહેવું છે? તમે તો ગાંધીવાળા કહેવાઓ. હું શું કહું? પહેલાં તો એ કે રાજ્ય કે સરકાર ગાંધીજી જે સ્થાવર થાણાં મૂકી ગયા છે આપણા વારસામાં, તે અનામતને સાચવશે જ એવી સમજ અને અપેક્ષા પૂરેપૂરી છે. એમાં ક્યાંય સમજફેર હોય તો નમ્ર વિનંતિ કે એ વારસાને યથા સ્વરૂપે સાચવે કારણ કે આજે પણ લોકો હજારોની સંખ્યામાં આ મહાન આત્માના સ્થળેની તીર્થયાત્રા કરી માથું નમાવવા આવે છે. સુખદ આશ્ચર્ય અને સદ્બભાવનો પ્રસાદ લઈને જાય છે.

અલબત્ત, હવે સાબરમતી આશ્રમ સ્મારક જ રહી ગયો છે, જીવંત આશ્રમ નથી. ગાંધીજી બાદની પેઢીઓમાં કૌવત રહ્યું નહીં કે ગાંધીદર્શનના નમૂનાને જીવંત રાખી દુનિયા સમક્ષા રજૂ કઈ શકે. અગાઉ જણાવ્યા અનુસાર કોઈ સંસ્થા  આમ કરી શકી નથી. પરંતુ પ્રેરણા તો સ્મારકમાંથી પણ મળી શકશે. આશ્રમમાર્ગ પર સાત સિતારા હૉટેલ આવી ગયી છે. શરીરસુખ માણવાના દરેક કરણ-ઉપકરણ ઉપલબ્ધ છે. રોજે રોજ એક-બે બી.એમ.ડબલ્યુ. પણ પસાર થઈ જાય છે. આ માર્ગ બંધ થાય અને ગાંધીનો આ સાબરમતી આશ્રમ એક શાંત અને નિર્મળ સ્મારક સ્થળ બને, જ્યાં પ્રવાસી આવીને ગાંધીયુગની કલ્પના કરી શકે અને જરૂર લાગે તો ધ્યાન કરી શકે, સ્વને ઢઢોંળી શકે, ખોજ કરી શકે કે શું એ બાપુની વાતોની નજીક છે? આ અંગે કોઈ એક એક સંકલ્પ લઈને જઈ શકે. હાલ આ સંસ્થાઓના સંચાલકો (જેમાં હું સામેલ છું) આવું ભારપૂર્વક કહી અને કરી શક્યા નથી. પણ એ નિર્વિવાદ કે એવું થવું જરૂરી છે. આપણે નવેસરથી પ્રયાસ આદરવાની આવશ્યકતા છે. બને તો બાપુના સ્વપ્નના અહિંસા સમાજના નિર્માણ માટે જરૂરી રચનાત્મક કાર્યક્રમોને નવા સ્વરૂપે પુન: ચલાવવાનો પ્રયત્ન થવો જોઈએ.

પરંતુ ભવ્યતાના નામે તો ‘વર્લ્ડક્લાસ’ મેમોરિઅલ બનાવવાની કોઈ યોજના હોય અને જો ગાંધીજીના જીવન અને દર્શન અંગે શૂન્યવત્‌ સમજ ધરાવનારા સ્થપતિઓ, વિદ્વાનો અને કલાકારો પોતાના આગવા સૌંદર્યબોધ લઈ દુનિયાને આંજી નાખે એવું સ્મારક, મૂળ સ્થાવર વારસો રાખીને પણ, કરવાના હોય તો ભલે દૃષ્ટિ કોઈની પણ હોય, મારો નમ્ર પણ દ્રઢ વિરોધ નોંધાવું છું. બાપુના આ સ્મારકમાં કોઈ સ્થાવર બાંધકામ ઊમેરવાની જરૂર નથી. જે કંઈ કુરૂપતા અણસમજથી આવી ગઈ છે તે દૂર કરી, ગાંધીજીના સૌંદર્યબોધને પુષ્ટ કરનારી નવી સર્જનાત્મકતા ઉમેરાય તેવુ કરવું એ આપણી અંજલિ છે. તેમાં સાદાઈ, નિર્મળતા અને પ્રકૃતિ સાથે કોમળતાભર્યો વ્યવહાર હશે. સંગેમરમરનો તાજમહલ દુન્યવી અજાયબી ભલે હોય, પણ મારે તો સાહિર લુધિયાન્વીને યાદ કરવા પડે :

ताज तेरे लिये इक मज़हर-ए-उल्फ़त ही सही

तुझको इस वादी-ए-रंगीं से अक़ीदत ही सही


मेरी महबूब कहीं और मिला कर मुझ से!   

એવું જો થાય તો ગાંધીનું સ્મારક વર્લ્ડક્લાસ નહીં હોય, પણ શું તેને વર્લ્ડક્લાસ બનાવવાની જરૂર ખરી? 

e.mail : sudarshan54@gmail.com

Loading

માનવીય સમાજની રચનાને રાજકારણનો હિસ્સો બનાવનાર મહાપુરુષ

રમેશ ઓઝા|Gandhiana|2 October 2019

મારી જાણકારી મુજબ દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં મળીને ગાંધીજીની હત્યા કરવાના નવ પ્રયાસ કરવામાં આવ્યા હતા, અને દસમાં પ્રયાસમાં તેમને ગાંધીજીની હત્યા કરવામાં સફળતા મળી હતી. આ દસ પ્રયાસ ૧૯૦૮થી ૧૯૪૮ એમ ચાળીસ વરસમાં કરવામાં આવ્યા હતા. આ તો ગાંધીજીના દેહનું ખૂન કરવાની વાત થઈ. તેમના ચારિત્ર્યનું ખૂન કરવાના પ્રયાસોનો તો કોઈ આંકડો જ નથી. નનામા પત્રો, ખોટા નામે લખવામાં આવેલા લેખો, નનામાં ચોપાનિયાં અને ભીંતપત્રો તેમ જ ભીંતચિત્રોની સંખ્યા ગાંધીજીની હયાતીમાં જ હજારોમાં હતી. ઓછામાં ઓછા એકાદ હજાર નનામા પત્રો અને લેખોનો ઉલ્લેખ તો ગાંધીજીના અક્ષરદેહમાં મળે છે. આ ઉપરાંત ટ્રેનમાં, પાર્કમાં, કેન્ટીનમાં, શાળાના વર્ગમાં, પિકનિકમાં કે જ્યાં મોકો મળે ત્યાં ગાંધીજી વિશેની ખોટી વાત વહેતી કરવાની કોશિશો લાખોમાં હશે. સોશ્યલ મીડિયા આવ્યા પછી તો આવા આંકડા દસલક્ષ(મિલિયન્સ)માં પહોંચી ગયા છે.

હજુ અઠવાડિયા પહેલાં મારા એક મિત્રે વ્હોટ્સેપ પર પોસ્ટ મોકલી કે ગાંધીજી ખરેખર અહિંસામાં માનતા નહોતા, એ તો એમની રાજકીય ચાલ હતી. મેં એ મિત્રને પૂછ્યું કે આ વાત તમને ક્યાંથી જાણવા મળી, એ જાણવામાં મને રસ છે. એ ભાઈએ જે જવાબ આપ્યો એ બોલકો  છે. તેમણે મને કહ્યું કે ‘નહીં, વો તો મુજે અચ્છા લગા ઇસ લીએ ભેજ દિયા.’ મેં તેમને પૂછ્યું કે, ‘અચ્છા લગા ઇસ લીએ ભેજા કી સચ્ચા લગા ઇસ લીએ? કરના ક્યા ચાહીએ? આપકા ધર્મ આપકો ક્યા સિખાતા હૈ?’ એ ભાઈ અ… અ… અ… કરીને ગેંગેફેંફે કરવા લાગ્યા. મેં તેમને કહ્યું કે કોઈ ન ગમતા માણસની દીકરી ચારિત્ર્યહિન છે, એ સાંભળવું સારું લાગે એટલે ફોરવર્ડ કરવાનું? ટકોરાબંધ માણસ એને કહેવાય જે સાચું હોય તો પણ કોઈને આવી વાત ન કહે કે ન  ફોરવર્ડ ન કરે. સાધારણ માણસ એને કહેવાય જે વાત સાચી હોય તો જ કોઈને કહે. એ પણ ફોરવર્ડ તો ન જ કરે. માત્ર અધમ માણસ જ અચ્છા લગા એટલે ફોરવર્ડ કરે.  માત્ર ગાંધીજી સંબંધીત વાત નથી, કોઈ પણ વાત.

તમે કઈ પંક્તિમાં આવો છો એ વિચારી લો. અને હા, તમે ધારો તો પંક્તિ બદલીને ટકોરાબંધ માણસની પહેલી પંક્તિમાં બેસી શકો છો, પણ વળી પાછો એને માટે તમારે ગાંધીજીનો ઉપકાર માનવો પડશે.

સવાલ એ છે કે ગાંધીજી વિશેની સાવ ખોટી વાત ભારતીય નાગરિકને અચ્છી કેમ લાગવા માંડી? જે ‘અચ્છા લગા’ એ ‘સચ્ચા લગા’ કી નહીં એ જાણવાની આજે ભારતીય નાગરિક તસ્દી કેમ નથી લેતો? મારી નાખવા માટે એક બે નહીં દસ શારીરિક હુમલા, હાજારોની સંખ્યામાં નનામા પત્રો અને ચોપાનિયાં, લાખોની સંખ્યામાં જૂઠાણાં ફેલાવવાનો પ્રયાસ, કરોડોની સંખ્યામાં વ્હોટ્સેપ અને તેના જેવા અન્ય માધ્યમો પરના મેસેજિઝ અને અચ્છા લગા એટલે ફોરવર્ડ કરવાની માનસિકતા! આ બધા પાછળ જરૂર કોઈક કારણ હોવું જોઈએ. ગાંધીજી જરૂર પગમાં જેમ જોડો ડંખે એમ ડંખી રહ્યા છે. આ સિવાય આ શક્ય જ નથી. બીજું કોઈ કારણ હોઈ જ ન શકે. મોટા ભાગના ભારતીય નાગરિકોને ગાંધીજી સામે વાંધો હોવો જોઈએ. જો એ મરતો હોય અને રસ્તામાંથી ખસતો હોય તો અમે સચ્ચાઈની દરકાર પણ કર્યા વિના જૂઠાણાંને પ્રસારિત કરવા તૈયાર છીએ. આજે આખો દેશ ગાંધીજીની સામૂહિક હત્યા કરી રહ્યો છે. આ દેશમાં જો કોઈનું મૉબ લીન્ચિંગ થઈ રહ્યું હોય તો એ ગાંધીજીનું થઈ રહ્યું છે.

શા માટે? આનો જવાબ બીજા અંતિમેથી મળશે.

એવું એક અનુમાન છે કે ગાંધીજી વિષે જગતની વિવિધ ભાષાઓમાં એક લાખ (જી હાં, એક લાખ. કોઈ પણ ઐતિહાસિક પુરુષ વિષે લખાયાં છે તેનાં કરતાં વધુ) કરતાં વધુ પુસ્તકો લખાયાં  છે. જગતમાં છેલ્લાં સો વરસમાં જન્મેલો ભાગ્યે જ કોઈ સમાજશાસ્ત્રી કે વિચારક હશે જેણે ગાંધીજી વિષે સારો-નરસો પણ કોઈ અભિપ્રાય ન આપ્યો હોય. શોધો તો માંડ એકાદ કોઈ મળી આવે. વિશ્વની ૬૦૦ કરતાં વધુ વિશ્વવિદ્યાલયોમાં ગાંધી અને ગાંધીવિચાર ભણાવવામાં આવે છે. ગાંધીજીને તેમની હયાતીમાં જેટલા અનુયાયી મળ્યા હતા એટલા અનુયાયી ગાંધીજીની પહેલાં અને ગાંધીજીની પછી કોઈને મળ્યા નથી. એમાં વિજ્ઞાની, ઈજનેર, સાહિત્યકાર, કલાકાર, વિચારક, શાસ્ત્રજ્ઞ એમ દરેકનો સમાવેશ થાય છે. લોકપ્રિયતામાં ગાંધીજી જેટલી ઊંચાઈ ઇતિહાસમાં કોઈએ મેળવી નથી.

માનવજીવનનું અને સમાજજીવનનું ભાગ્યે જ કોઈ પાસું હશે જેને ગાંધીજીએ સ્પર્શ્યું ન હોય અને ગાંધીજીનો પ્રભાવ ન હોય. સંડાસની ડિઝાઈન અને ચૂલાની ડિઝાઈન પણ ગાંધીપ્રેરિત છે. ગાંધીજીને ઈશ્વરનો અવતાર માનનારા લોકો પણ મોટી સંખ્યામાં હતા અને જો ગાંધીજીએ લોકોને ન રોક્યા હોત, તો તેમનાં સેંકડો મંદિરો ભારતમાં હોત. એક અંગ્રેજ અધિકારીએ ગાંધીજીને લખ્યું હતું કે, ‘લખનૌમાં કેટલાક અંગ્રેજ અને ઍંગ્લો-ઇન્ડિયન સૈનિકો અમીનાબાદમાં આવેલા વેશ્યાઓના કોઠામાં જાય છે. તેમના નૈતિક પતનને રોકવા માટે તમારે અપીલ કરવી જોઈએ.’ (જુઓ ગાંધીજીનો અક્ષરદેહ ભાગ-૨૦મો, પૃષ્ઠ, ૪૮૫)

courtesy : "The Indian Express", 02 October 2019

એવો ભાગ્યે જ કોઈ કલાપ્રકાર હશે અને એવો ભાગ્યે જ કોઈ કલાનો આવિષ્કાર હશે જેનો વિષય ગાંધીજી ન બન્યા હોય. ફિલ્મો, નાટકો, ઓપેરા, નૃત્ય, બેલે, સંગીત, ચિત્ર, શિલ્પ, ઠઠ્ઠાચિત્રો (કાર્ટુન્સ), સિગરેટનું પાકીટ, દારૂની બોટલ, લાલબાગના ગણપતિ, પતંગ, નીકર, જાંગિયો બધું જ. કલાત્મક અભિવ્યક્તિનું એક પણ માધ્યમ એવું નથી જેણે ગાંધીનો સ્પર્શ ન કર્યો હોય. ભારતમાં ભાગ્યે જ કોઈ સંગીતકાર હશે જેણે ગાંધીજીનાં પ્રિય ભજનો ગાયાં ન હોય કે વગાડ્યાં ન હોય. ‘વૈષ્ણવ જન તો …’ આખા જગતનું માનવતાનું ગીત બની ગયું છે. સંગીતકારોએ ગાંધીનાં નામે રાગ રચ્યા છે અને ખગોળશાસ્ત્રીઓએ એક તારાને ગાંધીનું નામ આપ્યું છે.

જગતમાં ભાગ્યે જ કોઈ શહેર હશે જ્યાં ગાંધીજીનું પૂતળું, માર્ગ કે સ્મારક ન હોય. જગતમાં એવું કોઈ શહેર નહીં હોય જ્યાં પોતાને ગાંધીના અનુયાયી તરીકે ઓળખાવનારા મળી ન રહે. પચાસ-સો તો જગતના દરેક શહેરમાં મળશે. આખા વિશ્વમાં મુક્તિ માટેની લડત લડનારાઓ ગાંધીજીને પ્રેરણા-સ્વરૂપ ગણાવે છે. માર્ટીન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા, સુ કી, લેચ વાલેસા, એમ અનેક. આ જગતમાં ૧૯૦૮થી અત્યાર સુધીમાં હજારો અહિંસક આંદોલનો અને સત્યાગ્રહો ગાંધીજીને અનુસરીને થયા હશે. યુનાઈટેડ નેશન્સે ગાંધીજીના જન્મદિવસને વિશ્વ અહિંસા દિવસ જાહેર કર્યો છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને આપેલી અંજલિ તો જાણીતી છે.

અને હમણાંનો તાજો પ્રસંગ પણ ન ભૂલવો જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકામાં ભર મેદની વચ્ચે સ્વાગત કરતા અમેરિકન સેનેટરે કહ્યું હતું : “આઈ વેલકમ ધ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ફ્રોમ ધ લૅન્ડ ઑફ મહાત્મા ગાંધી એન્ડ જવાહરલાલ નેહરુ.” બોલો! નવા રાષ્ટ્રપિતાને જૂના રાષ્ટ્રપિતાની ભૂમિના હોવાની ઓળખ આપવામાં આવી.

courtesy : "The HIndu", 02 October 2019

હવે આ ગાંધીનું કરવું શું? સચ્ચા લગાની માનવીય જવાબદારી ફગાવી દઈને અચ્છા લગા એટલે કરોડોની સંખ્યામાં બદનામી કરનારી પોસ્ટ પ્રસારિત કરવા છતાં આ માણસ મરતો નથી. લાકડીથી માર્યો, ગડદા-પાટુથી માર્યો, છરાથી માર્યો, બોમ્બથી માર્યો, ગોળીથી માર્યો, ગાળોથી માર્યો, અફવાઓથી માર્યો, જૂઠાણાંઓથી માર્યો, કાનાફૂસી કરીને માર્યો અરે ગાંધીજીના પોસ્ટર પર ગોળી મારીને માર્યો; પણ એ માણસ મરતો જ નથી. અમેરિકામાં પરફેક્ટ ગોઠવેલા ઓરકેસ્ટ્રામાં એ માણસ અચાનક ટપકી પડ્યો. આ માણસનું કરવું શું?

મારી વાચકોને ત્રણ સલાહ છે. પહેલાં આપણે એ વિચારવું જોઈએ કે આપણે એ માણસને શું કામ મારવા માગીએ છીએ? કોઈક કારણ તો હોવું જ જોઈએ. બાકી ક્યાં તમારી એમની સાથે અંગત અદાવત છે. વિચારો. શા માટે તમે એને મારવા માગો છો? જો કારણ પણ ન જાણતા હોય અને છતાં મારવા માગતા હો તો તમારા કરતાં મોટો બેવકૂફ અને બેજવાબદાર માણસ આ જગતમાં બીજો એકે નથી.

મારી બીજી સલાહ એવી છે કે આપણે એ પણ વિચારવું જોઈએ કે આ માણસ મરતો કેમ નથી? કોણ જીવાડે છે એને? કોઈક તો એવું છે કે જે ગાંધીને મરવા દેતા નથી. ગાંધીને મારવાના કરોડો પ્રયાસ કેમ સફળ થતા નથી? મારણ કરતાં વારણ કેમ વધારે પ્રભાવી નીવડે છે? કોણ છે જે ગાંધીને જીવતો રાખે છે?

મારી ત્રીજી સલાહ એવી છે કે મારવા માગનારાઓના સ્વાર્થ અને જીવાડવા માગનારાઓના સ્વાર્થના સ્વરૂપમાં શું ફરક છે એ વિષે વિચારો. અંતે તો બે સ્વાર્થની લડાઈ છે જેમાં ગાંધી તો એક સાધનમાત્ર છે. ગાંધીજીને જીવાડવા માગનારાઓને એવું શું ગાંધીજી પાસેથી મળે છે જે તમને જોઈતું નથી? તમારો વાંધો ગાંધી સામેનો છે કે પછી ગાંધી જેનો હાથ પકડે છે તેની સામેનો છે? વિચારો. માણસ બનાવામાં એ કામ લાગશે. એવું તો નથી કે કોઈક તમને માણસ બનવા દેવા માગતું નથી? જો વિચારશો અને આ પ્રશ્નનો જવાબ મળશે તો તમે મુક્ત પણ થશો.

આ પ્રશ્નો વિષે વિચારવું જ પડશે અને તેનાથી તમે ભાગી નહીં શકો. જો નહીં વિચારો અને જો તથ્યોથી ભાગશો તો રોજ તમારે ‘અચ્છા લગા …’નો અપરાધ કરવો પડશે. માણસાઈના છેલ્લાં વસ્ત્રરૂપ લંગોટ ફગાવીને જીવવા કરતાં ઉપર જે ત્રણ સલાહો આપી છે એ વિષે વિચારો. જો ગાંધીને ધિક્કારવા માટે વજૂદવાળું કારણ મળે તો જરૂર ધિક્કારો. એ તમારો અધિકાર છે. આ જગતમાં કોઈને પણ ધિક્કારવા નહીં જોઈએ એવો બુદ્ધનો સંદેશો હું તમને નહીં આપું. ધિક્કારો, જરૂર ધિક્કારો; પણ નક્કર કારણ સાથે ધિક્કારો. પોતાની બુદ્ધિથી ધિક્કારો. પણ એના પહેલાં બીજી બે બાબતો વિષે વિચારવાનું ભૂલતા નહીં કે કોણ ગાંધીને જીવાડે છે અને ગાંધીને જીવાડનારાના સ્વાર્થમાં અને તમારા સ્વાર્થમાં શું ફરક છે?

તમે જો ગાંધીને મારવા માગતા હો તો શા માટે મારવા માગો છો એ વિચારવાનું કામ તમારું છે, જે ગાંધીને જીવતા રાખે છે એ કોણ છે અને શા માટે જીવતા રાખે છે એ જણાવી દઉં. એવું બને કે તમને તમારો વ્યાપક અને લાંબા ગાળાનો સ્વાર્થ તેમાં નજરે પડે અને તમે પણ વટલાઈને ગાંધીજીને જીવતા રાખનારા બની જાવ. ગાંધી આપણો સગો નથી, સ્વાર્થ સગો છે અને ગાંધીના હોવાપણામાં જો આપણો સ્વાર્થ સધાતો હોય તો વટલાવામાં શું વાંધો છે? આ દેશમાં હજારો લોકો બદલાયા છે. 

માણસે માણસ બનવું જોઈએ એવી શીખ તો વેદોથી લઈને વિવેકાનંદ સુધીના અનેક ગ્રંથો અને સંતોએ આપી છે. આવું માત્ર ભારતમાં જ નથી બન્યું, જગત આખામાં દરેક યુગમાં દરેક પ્રદેશમાં અને દરેક ધર્મમાં આવી સલાહ આપવામાં આપી છે. માણસ કેમ બનાય એનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. પણ ગાંધીજી જગતનો પહેલો મહાપુરુષ છે જેણે માનવીય સમાજની રચનાને રાજકારણનો હિસ્સો બનાવ્યું હતું. આ પહેલાં આવું ક્યારે ય નહોતું બન્યું. માનવીયતા અને રાજકારણને પરસ્પર પૃથક સમજવામાં આવતા હતા. માનવીયતાને સંતોનો પ્રદેશ સમજવામાં આવતો હતો અને રાજકારણને ધુર્તોનો. માનવીય સમાજની રચનાની આવશ્યકતા વિષે ટોલ્સટોય, રસ્કિન, થોરો જેવા વિચારકોએ વિચાર્યું હતું; પરંતુ તેને રાજકારણનો હિસ્સો બનાવનારા, પ્રજાને સંચારિત કરનારા અને લોકઆંદોલન કરનારા  ગાંધીજી જગતના પહેલા પ્રયોગવીર હતા.

આ જે સંભાવના છે તેનું જગતને આકર્ષણ છે. એવું નથી કે ગાંધીજી એમાં સફળ થયા હતા. ગાંધીજીને તો આપણે નિષ્ફળ બનાવ્યા હતા; પરંતુ ગાંધીજીએ સંભાવનાની કેડી કંડારી આપી હતી. એ કેડીને માનવતાવાદી લોકો ધોરી માર્ગમાં ફેરવવા માગે છે. દરેક પ્રકારની અસમાનતા, શોષણ, અન્યાય, હિંસા, ધાર્મિક-વાંશિક-જ્ઞાતિકીય પૂર્વગ્રહો, આક્રમક અસ્મિતાઓ, બહુમતી કોમની જોહુકમીવાળો રાષ્ટ્રવાદ, જરૂર કરતાં અનેકગણું વધારે ભોગવવું અને સંગ્રહવું, સુખની શોધમાં સુવિધાઓના ગુલામ બનવું, સુવિધાઓને વિકાસ કે પ્રગતિ તરીકે ઓળખાવવું, કષ્ટ ટાળવાની વૃત્તિ, રાજ્ય પર(એટલે કે શાસકો પર)ની નિર્ભરતા, સશર્ત સંગઠિત થવાનો અને રહેવાનો આગ્રહ અને કેટલાકને ધરાર બહાર રાખવાનો દુરાગ્રહ વગેરે બધાં માનવીય દૂષણો છે અને એનાં કરતાં સામાજિક દૂષણો વધારે છે.

આ બધાં દૂષણો યુગો જૂનાં છે અને ધર્મો અને મસીહાઓ લોકોને અત્યાર સુધી માણસ બનવાની એક જ સલાહ આપતા રહ્યા છે. ગાંધીજીએ માણસ બનવાની સલાહ આપવાથી આગળ જઈને માનવીય સમાજની રચના કરવાનું એક ડગલું વધારે ભરી બતાવ્યું. તેમણે બતાવી આપ્યું કે વ્યક્તિ જ નહીં, સમાજને સુધ્ધા માનવીયતાના પક્ષે સંચારિત અને આંદોલિત કરી શકાય છે. ધર્મ અને મસીહા પછી લોકોનો બીજો મદાર રાજ્ય પર હતો. સારો શાસક મળે તો સુખ મળે. સારી રાજ્યવ્યવસ્થા મળે તો સુખ મળે. સારી રાજકીય વિચારધારા મળે તો સુખ મળે. ટૂંકમાં નિર્ભરતા રાજ્ય અને શાસકો પરની હતી. ત્રીજો મદાર પ્રજાકીય હિંસક વિદ્રોહ પર હતો. પ્રજા જ્યારે ગળે આવી જાય ત્યારે હિંસક ક્રાંતિઓ થતી હોય છે. ક્રાંતિ તો કદાચ થાય, પણ એક રાજ્ય વ્યવસ્થાની જગ્યાએ બીજી આવે અને એમાં સડો પેસે પછી એને ત્યાં સુધી સહન કરવાની જ્યાં સુધી નવો શાસક, નવી વિચારધારા કે બીજી લોહિયાળ ક્રાંતિ ન થાય.

ગાંધીજીએ કહ્યું કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અને હંમેશાં અન્યાય અને શોષણ સામે લડી શકાય અને તેને દૂર કરી શકાય છે. એને માટે બે જરૂરિયાત છે. એક આપણે માણસ તરીકે સદાય જાગૃત રહીએ અને માત્ર માણસ તરીકે સંગઠિત થઈએ. જ્યારે પણ માણસને એમ લાગે કે મારું શોષણ થઈ રહ્યું છે કે ચોક્કસ સમૂહનું શોષણ થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે; ત્યારે સત્યને વફાદાર રહીને અવાજ ઉઠાવવો જોઈએ અને જોઈએ તો રસ્તા પર ઊતરીને આંદોલન કરવું જોઈએ. પ્લીઝ નોટ, સત્યને વફાદાર રહીને, અંગત કે વ્યક્તિના પોતાના સમૂહ(જ્ઞાતિ-ધર્મ-વંશ-ભાષા વગેરે)ને વફાદાર રહીને નહીં. આમાં ફાયદો એ છે કે તમે પોતે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે સતત વ્યવસ્થાને સુધારતા રહેશો. કોઈ મસીહાની, ભલા શાસકની કે ક્રાંતિની રાહ જોઇને બેસી નહીં રહેવું પડે.

આ આદર્શ કલ્પનાને ગાંધીજીએ એક સંભવના તરીકે સ્થાપી આપી. જગતના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું. માનવીએ સમાજ રચ્યો ત્યારથી અન્યાય, શોષણ અને હિંસાથી સમાજને મુક્તિ મળી નહોતી. પહેલીવાર ગાંધીજીએ બતાવી આપ્યું કે માણસ જો માણસ બની રહે અને માત્ર માણસ તરીકે સંગઠિત થાય તો કોઈની રાહ જોયા વિના એને એ જ સમયે ઈલાજ થઈ શકે છે.

જો કે શરત આકરી છે. માત્ર માનવી બની રહેવાની અને માણસ તરીકે સંગઠિત થવાની. બીજી કોઈ ઓળખ નહીં અને બીજો કોઈ વ્યક્તિગત કે સામૂહિક સ્વાર્થ નહીં. હવે સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે કોણ ગાંધીને મારવા માગે છે અને કોણ બચાવવા માગે છે. જે પોતાની ઓળખ, પોતાની સર્વોપરિતા, જોહુકમીપણું, પોતાનો સ્વાર્થ છોડવા નથી માગતા એ લોકો ગાંધીજીને મારવા માગે છે. તેમને સંખ્યાભાનમાંથી, પરંપરામાંથી, માફક આવે એવા ઇતિહાસમાંથી, ધર્મમાંથી, રિવાજોમાંથી તેમના અંગત કે સામૂહિક સ્વાર્થને ટકાવી રાખવા માટેનાં બહાનાં મળે છે. એ માત્ર સ્વાર્થ નથી; એ સ્વાર્થમાંથી અન્યાયી, શોષણ આધારિત અને હિંસક વ્યવસ્થા પેદા થઈ છે. ગાંધીજીને મારવા માગનારાઓ આને બચાવી લેવા માગે છે અને ગાંધીજી તેમાં વચ્ચે આવે છે.

બીજી બાજુ એવા લોકો છે જેમને ગાંધીજીએ બતાવી આપેલી પેલી સંભાવનામાં રસ છે. ભારતમાં એક માણસ થયો જેણે વિચ્છિન્ન માણસને આખો માણસ બનાવ્યો અને પાછો સંગઠિત પણ કર્યો. સંગઠિત તો કર્યો, પાછો આંદોલિત પણ કર્યો અને એ પણ જગતના સૌથી શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય સામે. વળી પાછું આ તેમણે ભારતમાં કરી બતાવ્યું જ્યાં માણસની ઓળખો અને અસ્મિતાઓનો કોઈ પાર નથી. વિભાજીત ભારતીયને સંગઠિત કર્યો અને એ પણ એવા દેશમાં જ્યાં સૌથી પ્રાચીન પરંપરા છે અને સૌથી જૂનો ઇતિહાસ છે. એ માણસે એવા માણસને જગાડ્યો અને પ્રાણ પૂર્યા જેને સભ્ય સમાજે જીવતા મરેલો જાહેર કર્યો હતો. માત્ર જગાડ્યો નહોતો અને પ્રાણ પૂર્યા નહોતા, તેણે તેને લડતો કર્યો હતો. ચંપારણનો સત્યાગ્રહ આનું ઉદાહરણ છે.

ધર્મ, રાજ્ય, શાસકો, વિચારધારાઓ અને વ્યવસ્થાના સદીઓ જૂના સંઘર્ષમાં ગાંધીજીએ અદના માનવીને પરિવર્તનના પ્રભાવી પરિબળ તરીકે સ્થાપી આપ્યો. એજન્ટ ઑફ ચેન્જ તરીકે જે આજ સુધી જગતમાં જોવા મળ્યું નહોતું. આ જે સંભાવનાનો રસ્તો ગાંધીજીએ ખોલી આપ્યો છે એમાં જગતને રસ છે. એ સંભાવનામાં જેનો સ્વાર્થ છે એ ગાંધીને જીવતો રાખે છે. જેનું શોષણ થઈ રહ્યું છે, જેની સાથે અન્યાય થઈ રહ્યો છે, જેને રાજ્ય દ્વારા ન્યાય નથી મળતો, જેને સમાજિક વ્યવસ્થા દ્વારા ન્યાય નથી મળતો, જેને માણસ ગણવામાં નથી આવતો, જેને ધર્મ અને બીજા નામે સતાવવામાં આવે છે, જેને વિકાસના નામે ઉખેડી નાખવામાં આવે છે, જે અતિ સમૃદ્ધિ અને અતિ ઉપભોગને કારણે શારીરિક રીતે પીડાય છે, જે બધું જ હોવા છતાં એકલતાથી પીડાય છે, જે સ્વાર્થી જગતમાં સતત અનિશ્ચિતતાઓથી ડરેલો છે, જે હૂંફ માટે તલસે છે, જેને રાજ્યના-સમાજના અને હવે તો કુદરતના કોપનો ડર લાગે છે એ બધા જ ગાંધીજીએ બતાવી આપેલી સંભાવના તરફ આતુરતાથી જોઈ રહ્યા છે.

તો વાત એમ છે કે જે લોકો ઉજ્વળ ભવિષ્ય તરફ નજર રાખે છે એ લોકો ગાંધીને મરવા નથી દેતા અને જે લોકો અતીત તરફ નજર રાખે છે અને અતીતનો ઉપયોગ કરીને પોતાના સ્વાર્થ અને ઓળખજન્ય પૂર્વગ્રહોથી મુક્ત થવા નથી માગતા એ ગાંધીને મારવા માગે છે. એ તો દેખીતી વાત છે કે અતીત તરફ નજર રાખીને જીવનારાઓ કરતાં ભવિષ્ય તરફ નજર રાખનારાઓ; વધારે બુદ્ધિશાળી, વધારે ઉર્જાવાન, વધારે પ્રયોગશીલ, વધારે ખુલ્લા, વધારે અનાગ્રહી અને વધારે હિંમતવાન હોવાના. તેમણે ગાંધીજીને ઊંચકી લીધા છે અને પેલી સંભાવનાને સાકર કરવા મથે છે. એક બાજુ ઉજ્વળ ભવિષ્ય માટેની મથામણ છે અને બીજી બાજુ ગોળી, ગાળ અને ચારિત્ર્યહનન છે.

માટે ગાંધીજી વિષે જગતભરમાં એક લાખ પુસ્તકો લખાયાં છે અને જગતનાં દરેક શહેરમાં તમને ગાંધીજી તરફ એક સંભવના તરીકે જોનારા પચાસ-સો માણસો મળી રહેશે, જે ઉજવળ ભવિષ્ય માટે મથામણ કરી રહ્યા છે. માટે ગોળી, ગાળ અને લાખો જૂઠાણાં નિષ્ફળ નીવડી રહ્યાં છે.

તમે તમારા સંતાનને કઈ જમાતમાં જોવા ઇચ્છશો? ઉજ્વળ ભવિષ્યની સંભાવના તપાસનારાઓની વચ્ચે કે ઇતિહાસને ઉલેચીને ગોળી, ગાળ અને જૂઠાણાંનો આશ્રય લેનારાઓની વચ્ચે? આજે જ નિર્ણય લઈ લો, મોડું થાય એ પહેલાં.

સૌજન્ય : ‘દર્પણ’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 02 ઑકટોબર 2019

Loading

...102030...2,6652,6662,6672,668...2,6802,6902,700...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved