Opinion Magazine
Number of visits: 9683981
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અથ (મહા)રાષ્ટ્રકથા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 November 2019

શરૂઆત આપણે, નમૂના દાખલ, બે ઉદ્‌ગારોથી કરીશું : તાજેતરનાં વરસોમાં શિવસેનાના વલણવ્યૂહના વ્યાખ્યાકાર તરીકે ઉભરેલા સંજય રાઉતે કહ્યું છે કે હવે અમારું સૂર્ય યાન દિલ્હીમાં પણ ઉતરાણ કરી શકે છે. બીજા એક શિવસેના પ્રવક્તાએ કહ્યું છે કે ‘અમે’ યુતિ સરકારમાં ભા.જ.પ.ના જે નિર્ણયો સાથે નહોતા એવા પ્રોજેક્ટ પડતા મૂકીશું. સેના વર્તુળો આ સંદર્ભમાં તરત બે દૃષ્ટાંત આપે છે. હમણાં જ આરે કોલોની પ્રકરણમાં જે રીતે બેરહમ બેસુમાર વૃક્ષ કપાયાં તે; અને બીજું, દેશવ્યાપી વિક્ષોભ જગવે તેવું દૃષ્ટાંત એ કે વ્યર્થનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પડતો મૂકાશે. જ્યાં સુધી સંજય રાઉત ચિંતવ્યા સૂર્ય યાનના દિલ્હી ઉતરાણનો સવાલ છે, એની હર્ષોદ્રેકી અને અતિરંજની તાસીર સાફ છે. તેમ છતાં, એની પૂંઠે એક સંકેત ખસૂસ પડેલો છે કે વિપક્ષને હારણ મનોદશાની કળ વળી રહી છે. જ્યાં સુધી પ્રોજેક્ટો પડતા મૂકવાની વાત છે, એમાં એક અગ્રતાવિવેકનો ટંકાર સ્પષ્ટ રહેલો છે. મોટા-દઈત-દાખડા-વાદની એક મેગેલોમેનિયાક માનસિકતા આજે દેશમાં શીર્ષસ્થાને આરૂઢ છે ત્યારે બુલેટ ટ્રેન જેવા વ્યર્થ ઉધામાને આમ આદમીની આણ અને આમન્યાનો સાક્ષાત્કાર કરાવવો એ ધર્મ્ય બની રહે છે. કહેવું હોય તો કહી શકાય કે ‘નો બી.જે.પી.’ના કથિત નકારાત્મક વ્યૂહમાં કશોક સકારાત્મક અગ્રતાક્રમ પણ છે.

આ મુખડો તો બાંધ્યો, બેલાશક બાંધ્યો, પણ છેવટે તો દૂધદાઝ્‌યા છાશફૂંક જમાત માંહેલા છીએ એટલે એટલું અવશ્ય સમજીને ચાલવું રહે કે ભા.જ.પ.ની સાથે સત્તાભાગી રહી પ્રતિસ્પર્ધી હિંદુત્વની રાજનીતિ કરનાર એક પક્ષ સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસ મળીને સરકાર રચી રહ્યાં છે એનો માર્ગ જેટલો સામેવાળાને કારણે એટલો જ એકબીજા થકી કંટાકાકીર્ણ હોઈ શકે છે. નહીં કે ભેગાં મળવાનું લૉજિક નહોતું; પણ એના પ્રશ્નો તો છે.

કબૂલ કે બેઉ બાજુએ ‘ત્રયાણાં ધૂર્તાનામ્‌’નો મામલો હોઈ શકે છે. પણ ભા.જ.પ. અને પી.ડી.પી. સાથે મળીને સરકાર રચી શકતાં હોય, હજુ બે-ત્રણ દિવસ પર ભા.જ.પ.-એન.સી.પી. (અજીત પવાર) નવી દિલ્હીની મિનિટોમિનિટ લીલી ઝંડી સાથે ગાંધર્વલગ્ન કરી શકતાં હોય તો સેના અને બેઉ કૉંગ્રેસ પણ મૂર્તિમંત હ્યુબ્રિસ ઘટના સામે શા સારુ એક ન થઈ શકે. પણ દાવપેચની હેરતઅંગ્રેજ ચિત્રણાથી માંડી રાષ્ટ્રીય તખતે પવારની પુનઃપ્રતિષ્ઠા સહિતનાં વાનાં લગરીક વીસારે પાડીને જરી લાંબે પને વિચારવા જેવો ઘટનાક્રમ આ ખરેખર તો છે.

ઇતિહાસમાં પાછે પગલે જઈએ તો સંયુક્ત વિધાયક દળ(૧૯૬૭)ના દોરમાં બિહારમાં બનેલી સરકારના પ્રધાનમંડળમાં જનસંઘ અને સામ્યવાદી પક્ષ બેઉ અંગભૂત હતા. મોરારજી દેસાઈ અને જનતા પક્ષનો દોર પણ, આમ તો, જનસંઘ સહિતના પક્ષોની મિશ્ર સરકારનો હતો. પણ ત્યાં નહીં અટકતાં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર સંભારીએ તો એને ભા.જ.પ. અને સી.પી.એમ. બેઉનો બહારી ટેકો હતો. દેવે ગૌડાની સંયુક્ત મોરચા સરકાર પણ અહીં સંભારી શકીએ. મહારાષ્ટ્રમાં નવી રચાયેલી સરકારમાં જે બે વિધાયક વાનાં (ભલે, ‘નીવડ્યે વખાણ’ છતાં) છે તે અહીં નોંધવાં જોઈએ. શિવ સેનાના વડા (ઉધ્ધવ ઠાકરે) રિમોટ કંટ્રોલની કુશાંદે સગવડ છોડી વાસ્તવિક સત્તાદાયિત્વમાં ભાગિયા બને છે. કૉંગ્રેસની તાસીર બહારીના ટેકાની અને પહેલી તકે ટેકાખેંચની રહી છે. પણ શરદ પવારના પ્રયાસવશ કે અન્યથા અહીં તે પ્રત્યક્ષ સત્તાભાગી છે. જે લાંબો સમય મહાઆઘાડીએ લીધો એમાં જેમ સત્તાના સમીકરણની ભાંજઘડ હતી તેમ કૉમન મિનિમમ પ્રોગ્રામનીયે ઘડભાંજ હશે સ્તો. બુલેટ ટ્રેન, એ આ હિમશિલાનું એકદશાંશમું ટોચકું હોય તો હોય.

હમણાં લાંબે પને જોવાની જે જિકર કરી એના સંદર્ભમાં શિવસેનાનો ઉદય અને ભા.જ.પ.ની ને એની પરસ્પરસ્પર્ધી હિંદુત્વ યુતિ તપાસવા જોગ છે. મરાઠી માણૂસની રોજમર્રાની જિંદગીમાં બધી મુશ્કેલીઓ ‘બહારના લોકો’થી છે એ એનું ઉદયબિંદુ. એમાં લુમ્પન તત્ત્વોને મળી રહેલો અવકાશ (હપતા ઉઘરાણી) એ એનો એક વિશેષ. પણ કાર્યક્રમ અને વિચારધારા વગર ન ચાલે તે સમજાયાથી કંઈક નામ કે વાસ્તે, કંઈક ખરેખાત, એ માટેની કોશિશમાં ખાડીલકરકૃપાએ વચગાળામાં સામ્યવાદી વેશ તો શિવાજીની સગવડિયા જયમાં રહેલી હિંદુત્વ સુવિધાનું મનોવૈજ્ઞાનિક શોષણ. (એટલે એ બુલેટ ટ્રેન છોડી શકશે પણ શિવાજીનું દરિયે ખોડ્યું આભે પૂગતું બાવલું નહીં છોડી શકે.)

એન.સી.પી.ના નવાબ મલિકે અમારું આ જોડાણ છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને અનુસરશે એમ કહ્યું એમાં જેમ શિવ સેના સાથે સંધાનની તેમ શિવાજીના સમુદાર અર્થઘટનની પણ ગુંજાશ છે. અહીં સહજ જે બે દૃષ્ટાંત સાંભરે છે તે આ સંદર્ભમાં ટાંકું છું. ઓગણીસમી સદી ઊતરતે અને વીસમી સદી બેસતે હિંદુ અને મુસ્લિમ એ બે જે નવી પોલિટિકલ કન્સ્ટ્રક્ટ આપણી સામે આવી એમાં બાળ ઠાકરેને અભિમત શિવાજી હિંદુત્વ રાજનીતિની પ્રેરણા-અને-પર્યાય-પ્રતિમા બની ગયા. તે સિવાય, શિવાજીનું એક પ્રતિકારપુરુષ (રેઝિસ્ટન્સ લીડર) તરીકે અને મુસ્લિમ સાથીઓએ શોભી શકતા રાજપુરુષનું ચિત્ર એકંદરે ઇતિહાસસમ્મત હતું. ‘શિવરાયાચે આઠવાવે પ્રતાપ’ (સમર્થ રામદાસ) એમ કહેવાયું ખરું, પણ એ આજના રાજકીય હિંદુ નહોતા. એમના સરદારોમાં (પુષ્પા ભાવેએ સમજાવ્યું છે એમ) ઓ.બી.સી. અગુઆઈ હતી. આજે જેમની પુણ્યતિથિ છે તે ફુલેએ ‘અમારા શુદ્રોના રાજા’ એમ કહી એમનો મહિમા કર્યો છે. આ અભિગમમાં હિંદુસમાજમાં નાતજાતગત ઊંચનીચનો મુદ્દો કે ‘ધ અધર’શી શત્રુખોજનો મુદ્દો સ્વાભાવિક જ પાછળ રહી જાય છે. ઝનૂની તત્ત્વોનો ભોગ બનેલા પાનસરેનો એક વિશેષ શિવચરિત્રના ઉદાર ઉર્થઘટનનો હતો જે હિંદુત્વ રાજનીતિના અંતિમવાદી ફિરકાને રાસ નહોતો આવ્યો. મુદ્દે, હિંદુત્વ પોતે થઈને સૌને એકત્ર રાખવામાં ઊણું પડે છે જેમ મુસ્લિમ રાજકીય ઓળખ એકલી કરાચી અને ઢાકાને સાથે ન રાખી શકી.

હમણાં ઓ.બી.સી. પરિબળોનો ઉલ્લેખ કર્યો એ કંઈક વધુ ચર્ચા માગી લે છે. શિવાજીથી આરંભાયેલી રાજવટ પેશવાઈમાં એટલે કે બ્રાહ્મણ આધિપત્યવાળી રાજવટમાં પરિણમી ત્યારથી માંડી આજ લગી મહારાષ્ટ્રના રાજકારણમાં બ્રાહ્મણ-બ્રાહ્મણેતર સંઘર્ષની એક ધારા રહી છે. ગાંધીહત્યા વખતે મહારાષ્ટ્રમાં હિંસક ઉદ્રેક પાછળ આ જ ધારા વિશેષરૂપે હતી. તિલક મહારાજની અરથીને ગાંધીએ ખભો આપ્યો અને નેતૃત્વે કરવટ બદલી એ સાથે બ્રાહ્મણવાદી રાજનીતિ માટે અસુખનો એક દોર શરૂ થયો. ભા.જ.પ., તાજેતરનાં વરસોમાં સૌને પહોંચવાની એની કોશિશ છતાં હજુ હિંદુસમાજની એવી સર્વસમાવેશી તાસીરનું રાજકારણ કશીક ગળથૂથીગત મર્યાદાને કારણે વિકસાવી શકેલ નથી. એની ‘બિગ બ્રધર’ મૂરત સામે શિવસેનાનું અસુખ સમજી શકાય છે. એમાં વળી એ વાસ્તવિકતા પણ કામ કરે છે કે ૧૯૮૯થી ૨૦૧૪ સુધી સેના-ભા.જ.પ. સહકારમાં સેના મોટો પક્ષ હતો. મે ૨૦૧૪ પછીના રાષ્ટ્રીય ચિત્રે મહારાષ્ટ્રમાં સેનાની આ સરસાઈ ખોવડાવી. એટલે અસુખને (અને આકાંક્ષાને) એક ઓર આમળો ચડ્યો. બીજી પાસ, યશવંતરાવ ચવાણ અને શરદ પવારે મરાઠા વંચિતતાને ખાસી હૂંફ આપેલી છે. જે રીતે ખેડૂતોના પ્રશ્ને દાઝ જાણીને શરદ પવાર જઈ રહ્યા છે એથી એ ગ્રામીણ મહારાષ્ટ્રને પોતીકા લાગે છે. શિવ સેના પણ સત્તાભાગિતા સાથે જેટલી ગ્રામીણ મહારાષ્ટ્રને સેવશે એટલો એનો વ્યાપ ને સ્વીકૃતિ વધશે. જે તે પ્રોજેક્ટના નામે ને બહાને કોર્પોરેટ તાલમેલ સાથે ભૂમિ-અધિગ્રહણ એ હાલની સરકારોનો સહજ રવૈયો રહ્યો છે. નવી સરકારે એમાં પુનર્વિચારનો વિવેક દાખવવો રહેશે.

ભા.જ.પ. રાષ્ટ્રીય તખતે પહોંચ્યો એમાં લુમ્પન અને હાલ જેને ફ્રિન્જ તત્ત્વ (જેમ કે પ્રજ્ઞા ઠાકુર) તરીકે ઓળખાય છે એનો ખાસો ફાળો રહેલો છે. ઇંદિરા ગાંધીની સંજય બ્રિગેડ પણ એવું જ એક ઉદાહરણ હતું. શિવસેનામાં પણ તમે આ તત્ત્વો જોઈ શકો. નવજોડાણ પછી તે જો ખરેખર પોતાને ‘નવી’ કરી શકે તો તે તેના અને વિકલ્પની રાજનીતિના હિતમાં હશે.

સ્થાનિક, પ્રાદેશિક ઓળખોનો વાજબી સ્વીકાર અને એમાંથી ઊગતું પણ વ્યાપક નાગરિક ઓળખ ભણી ઢળતું રાજકારણ આપણા સમયની માંગ છે. ભા.જ.પ. કનેથી દેશનું સૌથી ધનાઢ્ય અને જિ.ડિ.પી.માં સિંહફાળો આપતું રાજ્ય જેમની પાસે આવ્યું છે એમણે આ દાયિત્વ અને ઉત્તરદાયિત્વ બેઉ નભાવવાં રહેશે. કાશ, તે ‘કૉન્સેન્સ્યુઅલ પૉલિટિક્સ’ની રગ કેળવી શકો.

નવેમ્બર ૨૮, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 01-02

Loading

ડિસેમ્બર ૧૯૯૨, ડિસેમ્બર ૨૦૧૯

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|28 November 2019

ડિસેમ્બર ૧૯૯૨, છઠ્ઠી તારીખ. એ વખતે હું સિંગાપોરના એક અંગ્રેજી છાપામાં ખબરપત્રી હતો. અમારી કચેરીમાં હું એક લેખ લખી રહ્યો હતો, જ્યારે મારી મમ્મીનો મુંબઈથી ફોન આવ્યો.

“ટીવી જોયું? જરા જો તો ખરો!”

મારું ધ્યાન ટીવી પર નહોતું. અમારા ન્યૂઝરૂમમાં એક ટીવી હતું, પણ એમાં કોઈ બીજા સમાચાર આવતા હતા. મેં ટીકરટેપ પર રૉઇટરનું પ્રસારણ વાંચ્યું – બાબરી મસ્જિદનો પહેલો ગુમ્બજ તૂટી ગયો હતો; બીજા પર કહેવાતા ‘કારસેવકો’ ચડી બેઠા હતા અને એને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

“આપણે ફરીથી આજે ગાંધીની હત્યા કરી હોય એવું લાગે છે,” મમ્મીએ મને કહ્યું.  

બે-ત્રણ કલાક પછી મસ્જિદનું નામનિશાન રહ્યું નહોતું.

એ વખતના વડાપ્રધાન નરસિંહ રાવે મસ્જિદ ફરીથી બાંધવાનું વચન તો આપ્યું, પણ ‘પ્રાણ જાયે પર વચન ન જાયે,’ એ પ્રથા તો રઘુકુળમાં ચાલે, આપણા કલિયુગમાં નહીં. મસ્જિદ તોડનાર નેતાઓની ધરપકડ તો થઈ, પણ થોડાં વર્ષો પછી એક તો બન્યા ભારતના નાયબ વડાપ્રધાન; બીજાને મહત્ત્વની કૅબિનેટ મિનિસ્ટ્રી મળી; અને એક મહાશય, જેમણે આગલે દિવસે – પાંચમીએ – એક ભાષણ આપ્યું હતું કે જેમાં એમણે એ ‘કારસેવકો’ને પ્રોત્સાહન આપ્યું હતું, એ તો વળી વડાપ્રધાન પણ બની ચૂક્યા, અને જ્યારે એમનું અવસાન થયું ત્યારે ભુલકણા વિશ્લેષકોએ એમને મહાન રાજનીતિજ્ઞ ગણ્યા હતા.

સમય જતાં લોકો મસ્જિદ ભૂલવા મંડ્યા વિખ્યાત લેખક વી.એસ. નાયપૌલે તો મસ્જિદના વિનાશને એક હિન્દુ સ્વાભિમાનના અપમાનનો ‘અનિવાર્ય બદલો’ કહી યોગ્ય ઠરાવ્યો હતો. એક વખત એ જ જગ્યાએ મંદિર હતું, એવી માન્યતાને દૃઢ માની, એને તોડીને જ મસ્જિદ બંધાઈ છે, એવી લોકવાયકાને હકીકત સમજી, ત્યાં જ મંદિર બાંધવું અને એ બાંધતાં પહેલાં મસ્જિદ તોડવી, એ મનોવૃત્તિ મજબૂત બનતી ગઈ. ઘણા હિન્દુ આ માન્યતાને એક ઐતિહાસિક વાસ્તવિકતા માનવા મંડ્યા, પણ એવું કહેવું અશક્ય છે કે મોટા ભાગના હિંદુઓ આમ માનતા, કારણ કે કોઈએ એનો કોઈ સર્વે નહોતો કર્યો. વળી પાછું ભારતમાં તો કરોડોની પ્રજા પણ નાની લઘુમતીની ગણાય. આખો વિવાદ માન્યતા વિશે હતો; મેં તો માન્યું કે અંતે તર્ક અને સમજદારી પ્રવર્તશે.

સર્વોચ્ચ ન્યાયાલયના અજાયબ ચુકાદા પછી ઘણા પ્રશ્નો પેદા થયા છે, પણ એ પ્રશ્નોનો ઉત્તર આ ચુકાદામાં નથી મળવાનો. જે લોકો રાજકારણ વ્યાવહારિક રીતે જુએ છે, એમને કદાચ આ ચુકાદો પસંદ પડશે, કારણ કે ચુકાદાની નજરે કાયદા કરતાં લોક-લાગણી વધારે મહત્ત્વની ગણાઈ છે; પણ જે લોકો ન્યાયને વધારે મહત્ત્વ આપે છે, એમને માટે પણ આ ચુકાદો ઐતિહાસિક છે, કારણ કે આ ચુકાદાએ જે રીતે તાર્કિક છલાંગો મારી છે, એ ન્યાયાધીશોનું નૈપુણ્ય બતાવે છે. માનનીય ન્યાયાધીશોએ એમ નથી કહ્યું કે રામ એક ઐતિહાસિક વ્યક્તિ છે; એમણે માત્ર એટલું જ કહ્યું છે કે કાનૂનની નજરે રામ એક juridical વ્યક્તિ છે – કમ્પનીઓ પણ કાનૂનની નજરે વ્યક્તિ ગણાય છે, પણ juridical વ્યક્તિઓના હક વાસ્તવિક વ્યક્તિઓ કરતાં મર્યાદિત હોય છે.

પુરાતત્ત્વ વિભાગે એવું તો કહ્યું કે મસ્જિદની નીચે કોઈ બીજું મકાન કે માળખું હતું, પણ એ વિભાગે એમ ન કહ્યું કે એ એક મસ્જિદ હતી. સર્વોચ્ચ ન્યાયાલયે આ અભિપ્રાયનો સ્વીકાર તો કર્યો, પણ એમ ન કહ્યું કે એ મકાન હિન્દુ મન્દિર હતું, અને એમ પણ ન કહ્યું કે એ મકાન – કે માળખું – કોઈએ તોડી પાડેલું. મસ્જિદ તોડનારાઓની મુખ્ય દલીલ હતી કે ત્યાં એક મંદિર હતું, જે ૧૫૨૮માં બાબરે તોડ્યું હતું – એ વાત તો હવે ખોટી નીકળી, એક દંતકથા થઈ. એટલે જે ‘અન્યાય’ માટે એમણે ન્યાય માંગ્યો હતો, એ અન્યાય હતો જ નહીં.

હવે કરી જુઓ વિચાર : ત્યાં શું હતું એ કોઈને ખબર નથી, આપણને એ પણ ખબર નથી કે એ મકાન કોઈએ તોડ્યું હતું અને એ પછી ત્યાં મસ્જિદ બનાવાઈ હતી. કંઈક હતું અને ત્યાં મસ્જિદ બંધાઈ, પણ બાંધવાવાળાએ જે કંઈ હતું તે તોડ્યું હતું, એવો કોઈ પુરાવો નથી, અને જે હતું તે મંદિર હતું, એમ પણ કોઈ કહી નથી શકતું. વળી પાછું કોર્ટે એમ પણ કહ્યું કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, અને ઉમેર્યું – ન્યાયનો આદેશ કરતી વખતે લોકોની ધાર્મિક માન્યતા અગત્યની નથી, પણ લોકોની શ્રદ્ધા આપણે સમજવી જોઈએ – આ બે સિદ્ધાંતનો અર્થ શું, અને એ બંનેની વચ્ચે કઈ રીતે સમાધાન કરાવાય, એ મને તો સમજાતું નથી.

તદુપરાંત સર્વોચ્ચ ન્યાયાલયે એમ પણ કહ્યું કે બાબરી મસ્જિદમાં રામની મૂર્તિ મુકાવાઈ એ વાત બરાબર નહોતી. બિનસાંપ્રદાયિક દેશ હોવાથી એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન જ ચલાવાય. કોર્ટે એમ પણ કહ્યું કે મસ્જિદમાં નમાજ ન પઢાઈ હોય, તો એનો અર્થ એમ નથી થતો કે એ જગ્યાને હવે મસ્જિદ ન ગણાય. કોર્ટે નોંધ્યું કે હિન્દુ અને મુસ્લિમ બન્ને પ્રજાએ ત્યાં પ્રાર્થના કરી છે અથવા નમાજ પઢી છે.

આવા વિશ્લેષણ પછી કોર્ટ પાસે એક સોનેરી તક હતી કે કોઈક મૌલિક, વિશિષ્ટ પ્રકારનો ચુકાદો આપે – દાખલા તરીકે, ઇસ્તંબુલમાં હેગિયા સોફિયા નામની ઇમારત છે, જે એક વખત ગ્રીક ઑર્થોડોક્સ ચર્ચ હતું, પછી મસ્જિદ બન્યું, અને હવે સંગ્રહસ્થાન છે. કોર્ટે કોર્દોબાના વિખ્યાત મસ્જિદ-ગિરજાઘરની પણ નોંધ લીધી હોત – મૂળ ત્યાં દેવળ હતું, તે મસ્જિદ બન્યું, અને હવે પાછું દેવળ છે, અને ત્યાં મુસ્લિમ પ્રજા નમાજ પઢવાની પરવાનગી માંગે છે, પણ સરકારે ઈન્કાર કર્યો છે. કોઈ ધમકી નથી આપતું અને છેલ્લાં સો વર્ષમાં ત્યાં કોઈ હિંસક બનાવ નથી બન્યો. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, સર્વધર્મસમભાવ – એ સિદ્ધાંત ભારતના મૂળભૂત સિદ્ધાંત હતા અને જેને કારણે ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓએ દેશ માટે એક બિનસાંપ્રદાયિક સંવિધાન રચ્યું હતું અને જેનો ઉલ્લેખ ન્યાયાધીશોએ કર્યો હતો.  પણ આ કાળજીપૂર્વક રચાયેલ મંતવ્યનો તાર્કિક આધાર હતો ૧૯૯૨નો બનાવ – ત્યારે મસ્જિદને જાણીજોઈને ઇરાદાપૂર્વક તોડી પડાઈ હતી – જે કૃત્યને મારી મમ્મીએ ગાંધીની બીજી હત્યા સાથે સરખાવી હતી – એ ઘટના ન તો ભૂલી શકાય અને કોર્ટથી પણ એની અવગણના ન કરાય. ચુકાદામાં ન્યાયાધીશોએ કહ્યું કે એ ઘટના એક ગુનો છે. પણ એ કાર્યવાહી હજુ ચાલ્યા કરે છે, અને એને તાબડતોડ પતાવવાની ન્યાયાધીશોને કોઈ જરૂર લાગી નહીં.

અને એ પછી તાર્કિક છલાંગ – ન્યાયાધીશોએ સર્વાનુમતે કહ્યું કે આ જમીન તો થઈ હિન્દુઓની – અને સંભાવનાઓનું સંતુલન કર્યા પછી નિર્ણય લીધો કે એ ૨.૭૭ એકરની જમીન સરકારે લઈ લેવી અને સરકાર બિનસાંપ્રદાયિક છે તે છતાં સરકારને કહેવું કે ત્યાં એક મંદિર બનાવવું. અને મુસ્લિમ પ્રજાને માઠું ન લાગે એટલે ૫ એકરની ઉચિત જમીન એમને દાનમાં આપવી, જ્યાં નવી મસ્જિદ ચણાવવી – પણ કોણે ચણવી અને એનો ખર્ચ કોણ આપશે, એ વિશે કોઈ વિશેષ સૂચના નહોતી.

વિચાર કરી જુઓ – એક માને બે દીકરા – મોટો હઠીલો, નાનો શાંત – મોટો નાનાને હંમેશાં હંમેશાં કરે અને એનું મનગમતું રમકડું લઈ લે. મા નાનાને એક ગોળપાપડીનો ટુકડો આપીને કહે કે, બેટા, તું જા, તું બહાર બીજી જગ્યાએ રમ, જ્યારે મોટો નાનાનું રમકડું લઈ રમવા માંડે એવો થયો ન્યાય.

સર્વોચ્ચ ન્યાયાલય પાસે બીજા રસ્તા હતા – કોર્ટ એમ કહી શકત કે જ્યાં સુધી ૧૯૯૨ના ‘પરાક્રમ’નો નિર્ણય ન આવે, ત્યાં સુધી એ જમીન કોની, એ વિષય પર ચુકાદો નહીં આપે. કોર્ટ ટર્કીના મ્યુઝિયમનો દાખલો ધ્યાનમાં લઈ બન્ને ધર્મ ત્યાં જઈ શકે અને સંગ્રહસ્થાન પણ સ્થપાય, એવું પણ કહી શકત. ત્યાં એક સ્મૃતિસ્થળ સ્થાપિત કરાત, જ્યાં આઝાદી પછી થયેલા પ્રત્યેક કોમી રમખાણ અને અત્યાચારના પીડિતોની યાદગીરી હોય – અમદાવાદ ૧૯૬૯, નેલી ૧૯૮૩, ઉત્તર ભારત ૧૯૮૪, ગુજરાત ૨૦૦૨.

પણ એવા વિચાર અભિવ્યક્ત કરી શકાય એવા ભારતની હત્યા ૧૯૯૨માં થઈ હતી; થોડા દિવસ પહેલાં આપણે એના અંતિમ સંસ્કાર થતા જોયા.                                                       

લંડન/ ન્યૂયોર્ક

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 04-05

Loading

હું ત્યાં નથી

જયન્ત પંડ્યા|Poetry|27 November 2019

 

જરી ન રડશો અહીં મુજ સમાધિ પાસે ઊભી,
નથી હું અવ ત્યાં કશે, નવ રહ્યો વળી હું ઊંઘી,
સહસ્ર મરુતો તણો ઘૂઘવતો છું ફુત્કાર હું,
અને ચમકતી દ્યુતિ, બરફ પે, હું હીરા સમી.
પીળા કણસલે ફૂટે સૂરજતેજની સેર હું,
વળી શરદકાલનાં મૃદુલ વર્ષણો તે ય હું.
તમારું ઊઠવું થશે રવહીણા પ્રભાતે યદિ
તદા ત્વરિત વેગની ગતિવિધિ ઊંચાઈ તણી
વિહંગવલયે રચી, અરવ પાંખની, એ ય હું.
હું છું મસૃણ તારકો ટમકતેજ, રાત્રિ તણા.
સમાધિ સમીપે ઊભી વિલપશો લગીરે નહીં,
નથી જ નથી હું તહીં, મરણ મારું ક્યાં છે થયું ?

(વરસો પહેલાં, લંડનમાં, 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ના એક જાહેર અવસરે, અહીં નીચે મૂકાયું અંગ્રેજી કાવ્ય પેશ કરીને તત્ક્ષણ અનુવાદ કરવાનો પ્રસંગ ઊભો કરેલો. તે અવસરે ગુજરાતીના એક અવ્વલ સાહિત્યકાર અને મિત્ર દિવંગત જયન્ત મ. પંડ્યાએ આ ઉપર આપ્યો અનુવાદ કરેલો. અબીહાલ, તે કવિના 'આમ્રમંજરી' નામક કાવ્યસંગ્રહમાં સામેલ છે. − વિ.ક.)

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning's hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

                                      − Mary Elizabeth Frye

Loading

...102030...2,6502,6512,6522,653...2,6602,6702,680...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved