Opinion Magazine
Number of visits: 9683807
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાગલ ફિલસૂફ નિત્શે

સુમન શાહ|Opinion - Opinion|29 November 2019

આ લેખ-શ્રેણીમાં ૨૨ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ નિત્શેની 'વિલ ટુ પાવર' – ‘સત્તૈષણા' – વિભાવના વિશેનો એક મણકો રજૂ કરેલો. ૨૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ એમની 'ઍપોલોનિયન-ડાયોનિસિયન' વિભાવના વિશેનો મણકો રજૂ કરેલો. આજે નિત્શેકૃત “જરથુષ્ટ્ર ઍણી પૅરે બોલ્યા” વિશે તેમ જ એમની 'ઓવરમૅન'ની વિભાવના વિશેનો એક ઑર મણકો રજૂ કરું છું :

=== જરથુષ્ટ્ર સૂચવે છે કે ઓવરમૅનને જન્માવી શકાય, એ પ્રગટે, એ હજી શક્ય છે. માનવ-તા ભીરુથી ભીરુ બની રહી છે, પાલતુ. બને કે ઓવરમૅન છેલ્લા માણસનેય ઉછેરી શકે ===

જાણીતું છે કે જગવિખ્યાત ક્રાન્તિકારી જર્મન ફિલસૂફ ફ્રૅડ્રિક નિત્શેએ એક ફિલોસૉફિકલ નૉવેલ લખેલી – ચિન્તનપ્રવણ નવલકથા, “Thus Spoke Zarathustra”. એને એમણે “A Book for All and None” કહી છે. હું એ સર્વ-જન અને ન-કોઇને માટેની નવલકથાને “ઍણી પૅરે બોલ્યા જરથુષ્ટ્ર” શીર્ષકથી ઓળખાવું છું. આમાં નવલકથા કેટલી, ચિન્તન કેટલું એની ચિન્તા ન કરવી. કેમ કે નિત્શેએ પણ એવી કશી ભાંજગડ નથી કરી.

સમગ્રમાં ત્રણ વાતો વણાઈને ખૂલી છે ને પછી વિસ્તરી છે : eternal recurrence of the same, એ – ને – એનું અન્તહીન પુનરાવર્તન : death of God. ઈશ્વરનું મૃત્યુ – એ રીતે જાણીતી થયેલી નિત્શેકૃત બોધકથા : અને, Overman અથવા Superman – એ નામે જાણીતી થયેલી એમની એક આગવી વિભાવના. આ ત્રણેય વાતો એમના અન્ય ગ્રન્થોમાં પણ ચર્ચાઈ છે.

હું સતત 'ઓવરમૅન' કહીશ કેમ કે 'સુપરમૅન' એટલે પેલો કૉમિક બુકવાળો – એવું ભળતું સમજી લેવાની ભૂલ થાય, થાય જ. લેખન દરમ્યાન કદાચ ક્રમે ક્રમે એનો ગુજરાતી પર્યાય પણ મળી આવશે.

ચાર ભાગમાં લખાયેલી આ કૃતિ 1883-થી 1885-માં સમ્પન્ન થયેલી અને 1883-થી 1891 દરમ્યાન પ્રગટ થયેલી. નિત્શેનો સમય છે, 1844 – 1900. ૫૬ વર્ષનું આયુષ્ય.

નિત્શેનો ઓવરમૅન :

જરથુષ્ટ્રને નવલનું મુખ્ય પાત્ર કહેવાયું છે. જરથુષ્ટ્ર ૩૦ વર્ષની ઉમ્મરે એકાન્તમાં ચાલી ગયા હોય છે. પર્વતની ગુફામાં આત્માને અને એકાન્તને માણતા હોય છે. ૧૦ વર્ષ વીતી જાય છે. એમને થાય છે – હવે મારે લોકોની વચ્ચે જવું જોઈએ. એમને મારે મારા ભર્યાભર્યા ડહાપણના સહભાગી બનાવવા જોઈએ. સાથે એમને મારે એ પણ દર્શાવવું જોઈએ કે ઓવરમૅન કેવો હોય.

લોક કને પ્હૉંચી જવા જરથુષ્ટ્ર અસ્ત પામતા સૂર્યની માફક પર્વત પરથી ‘છેક નીચે’ ઊતરતા જાય છે. રસ્તામાં એમને એક વૃદ્ધ વનવાસી સન્તનો ભેટો થાય છે. સન્ત જરથુષ્ટ્રને કહે છે કે – નીચે તો માણસોને એવા સહાયકની જરૂર છે જે એમનો જીવનબોજ હળવો કરી આપે. મેં એમને ઘણી બક્ષિશો આપી પણ એમને માફક ન આવી. એમને તો ભિક્ષા કે દાનદક્ષિણા ખપે છે. સન્ત કહે – હું માણસોને બહુ ચાહતો’તો પણ એમની મર્યાદાઓ જોઈને થાકી ગયો. હવે માત્ર ગૉડને, ઈશ્વરને, ચાહું છું.

સન્તથી છૂટા પડ્યા બાદ જરથુષ્ટ્રને થાય છે, આ ડોસાજીને સમાચાર મળ્યા નથી કે, ગૉડ ઇઝ ડેડ – ઈશ્વરનું તો મૃત્યુ થયું છે …

અવતરણ : ભાવાનુવાદ:

નિત્શે કહે છે : મૃત્યુ પામ્યા છે સર્વ ઈશ્વરો. જીવવાને હવે ઓવરમૅનની જરૂરત છે આપણને …

મોટ્રિલ કાઉ નામના ગામમાં જઈને જરથુષ્ટ્ર ઘોષણા કરે છે કે પૃથ્વીનો કશો પણ અર્થ હોય, તો તે છે ઓવરમૅન. માણસ તો પશુ અને ઓવરમૅન વચ્ચેનું દોરડું છે. એને હટાવવું જરૂરી છે. માનવસમાજે ઘડેલી નીતિમત્તા અને સર્વ ગ્રહો – પૂર્વગ્રહોથી મુક્ત જણ ઓવરમૅન છે. એ જણ પોતે જ પોતાના હેતુ રચે છે અને મૂલ્ય પણ આગવાં ઘડે છે.

એમણે કહ્યું – આગળનો માર્ગ ભયાનક છે પણ પરલોકની – સ્વર્ગની – લાલસાને કારણે એને છોડી ન દેવાય. લોકને કહ્યું કે – તમે આ જગતને અને આ જીવનને વફાદાર રહો. કહ્યું કે – તમારી જે નરી સાંસારિક સુખાકારી છે તેને ધિક્કારો. તર્કબુદ્ધિ ગુણવત્તાઓ ન્યાય અને દયાળુતાનો પણ તુચ્છકાર કરો. એથી ઓવરમેનનો માર્ગ મૉકળો થઈ જશે અને એ જ આ પૃથ્વીનો મહા અર્થ લેખાશે.

જરથુષ્ટ્ર સૂચવે છે કે ઓવરમૅનને જન્માવી શકાય, એ પ્રગટે, એ હજી શક્ય છે. માનવ-તા ભીરુથી ભીરુ બની રહી છે, પાલતુ. બને કે ઓવરમૅન છેલ્લા માણસને ય ઉછેરી શકે. જો કે છેલ્લા માણસો ય એવા જ હશે, ટોળામાંનાં પ્રાણીઓ. એ લોકો પણ સામાન્ય પ્રકારની મજાઓમાં અને વામણાઈમાં જ રાચતા હશે. દુનિયાની કોઈપણ વસ્તુ એઓને અતિશય કે ભયાનક લાગતી હશે.

જરથુષ્ટ્રને આવું બધું બોલતા ભાળીને લોકો હસવા માંડ્યા. કેમ કે લોક એટલે પ્રાણીઓનું ટોળું.

લોકોને ન તો જરથુષ્ટ્ર સમજાયા, ન તો એમને એમના ઓવરમૅનમાં રસ પડ્યો. એક માણસ અપવાદ હતો. નટદોર પર ચાલતો’તો. ચાલતાં ચાલતાં પડી ગયેલો. પણ પછી મરી ગયેલો. ત્યારે માર્કેટમાં ભેગા થઈ ગયેલા herdને – લોકટોળાને – જરથુષ્ટ્ર ખસેડી શકતા નથી. પોતાની એવી કમજોરીની વાતે દિલગીર થઈ જાય છે.

જરથુષ્ટ્રના પહેલા દિવસની સાંજ એમ જ પસાર થઈ ગઈ. સંકલ્પ કર્યો કે – હું ટોળાંઓને બદલવાની કોશિશ નહીં કરું. પણ એમાંથી જાતે રસપૂર્વક નીકળીને જે-જે વ્યક્તિઓ બહાર આવશે એમની જોડે બોલીશ, વાતો કરીશ.

(‘ઓવરમૅન’ વિશે વધુ હવે પછી)

= = =

(27 Nov 2019 : USA)

Loading

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|29 November 2019

હૈયાને દરબાર

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે

છેકાછેકી કરતાં પૂરો થઈ ગયો કાગળ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં

તો ય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

•  કવિ : મેઘબિન્દુ    •  સ્વરકાર : માલવ દીવેટિયા    •  ગાયિકા : કલ્યાણી કોઠાળકર

———————–

સંવેદનશીલ કૃતિ આપણને કેમ સ્પર્શી જાય છે? કારણ કે એનું સીધું જોડાણ હૃદય સાથે હોય છે. એ કૃતિમાં ભારે ભરખમ શબ્દો નથી હોતા, કોઈ ચમત્કૃતિ નથી હોતી કે નથી હોતાં કોઈ ઉપમા-અલંકારો. સરળ શબ્દો અને ચોટદાર અભિવ્યક્તિ. કવિ મેઘબિન્દુ (મેઘજી ડોડેચા) સંવેદનાના કવિ છે. હૃદયનો ઉમળકો હોય કે દિલનું દર્દ, કલમ દ્વારા એ વહી જાય છે. સંબંધો વિશેનાં ગીતોમાં એમની કલમ હૃદયગાન થઈને નિખરે છે એટલે જ કન્યાવિદાયનું એમનું ગીત હોય કે નવી પરણેલી પુત્રવધૂને આવકારતી રચના હોય, પતિ-પત્નીના જીવનની કથા હોય કે પ્રેમી યુગલના પ્રણયભંગની ખંડિત લાગણીની વાત હોય, હૃદયના ભાવ મેઘબિંદુનાં ગીતોમાં કેન્દ્રસ્થાને હોય છે.

કવિ મેઘબિંદુએ શાળાજીવનથી જ કવિતા લખવાનો પ્રારંભ કર્યો હતો. શબ્દની ઉપાસના આટલાં વર્ષોથી કરતાં હોવા છતાં એમણે પોતાના કર્તૃત્વના ક્યારે ય ઢોલ-નગારાં પીટ્યાં નથી. મૂક રહીને મહદ્અંશે કવિતા-ગીત-ગઝલ રચવાનો નમ્ર પ્રયાસ કર્યા કરે એ વ્યક્તિ એટલે મેઘબિંદુ. એમની કવિતામાં સંબંધોનું વિશ્વ આનંદ અને અવસાદના રંગો પ્રતિબિંબિત કરતું રહે છે. મુઠ્ઠીભર શબ્દોથી સંબંધોના અંગત-બિન અંગત વિશ્વને ઉજાગર કરતા રહી એ પોતાની અનુભૂતિને આપણા સુધી પહોંચાડે છે.

આજના મુખ્ય ગીતની વાત કરીએ એ પહેલાં યુવા ગાયિકા નિકિતા વાઘેલાના કંઠે સાંભળેલી મેઘબિંદુની એક ગઝલ વિશે વાત કરવી છે. ગઝલના શબ્દો છે :

બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?

આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?

સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?

પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું?

પહેલી વાર આ ગઝલ સાંભળીને સ્તબ્ધ થઈ જવાયું હતું. ગીતના શબ્દો અને સ્વરાંકન બંને અદ્ભુત. ટહુકાના છળવા અને લાગણી ભડકે બળવાની વાત રૂંવાડા ઊભા કરી દે એવી છે. એક એક પંક્તિમાંથી સરેઆમ સંવેદના પ્રગટે છે. આશિત દેસાઈએ સંગીતબદ્ધ કરેલા આ ગીતને મૂળ હેમા દેસાઈએ ગાયું છે પરંતુ હેમા દેસાઇની શિષ્યા નિકિતા વાઘેલા પાસે પહેલી વાર સાંભળ્યું ત્યારે જાણે એણે હૃદય ઠાલવીને ગાયું હોય એવું લાગ્યું હતું. નિકિતા આ વિશે કહે છે કે, "કોઈને નવાઈ લાગે પણ ગુજરાતી ગીતો સ્ટેજ પર પરફોર્મ કરવાં એ મારું ડ્રીમ હતું. પાંચ વર્ષ પહેલાં હેમા દેસાઈ જેવાં ગુરુ મળતાં એ પરિપૂર્ણ થયું. ગુજરાતી ગીતો ખૂબ સરસ છે. એમાં ઘણું વૈવિધ્ય છે. બાગમાં ટહુકો ગઝલ મારી પ્રિય ગઝલ છે. સ્વરસખીના એન્યુઅલ ફંકશનમાં મને એ રજૂ કરવાનો મોકો મળ્યો એ મારું સદ્ભાગ્ય. બાકી, હું ફિલ્મી ગીતો પણ ગાઉં છું પરંતુ, આપણી પોતાની ભાષામાં ગાવાની મજા જ અલગ છે.

એક યુવા ગાયિકા પાસેથી ગુજરાતી ગીતોના વૈભવની વાત સાંભળવા મળે ત્યારે થાય કે માતૃભાષાને કંઈ આંચ આવવાની નથી.

ઉપર ડાબેથી કવિ મેઘબિન્દુ, નિકીતા વાઘેલા, નીચે ડાબેથી કલ્યાણી કોઠાળકર, માલવ દીવેટિયા

કવિ મેઘબિંદુ આ ગીત વિશે કહે છે, "લગભગ ૨૦ વર્ષ પહેલાં લખાયેલું આ ગીત એટલું બધું લોકપ્રિય થયું છે કે થોડાં વર્ષો પહેલાં રાજકોટમાં યોજાયેલી સુગમ સંગીત સ્પર્ધામાં આ એક જ ગીત આઠ સ્પર્ધકોએ પસંદ કર્યું હતું. શબ્દો અનુરૂપ જ સંગીત હોવાથી વધુ લોકચાહના પામ્યું છે. આશિત દેસાઈએ એમના ગઝલ આલબમ રેકોર્ડિંગ વખતે મને પૂછ્યું કે કવિ, નાની બહેરની કોઈ ગઝલ હોય તો આપો. મેં તાત્કાલિક લખી આપી. એમણે એ જ વખતે કમ્પોઝ કરી દીધી હતી અને તરત જ હેમાંગિની દેસાઇના અવાજમાં રેકોર્ડ થઈ ગઈ હતી. બીજી અનેક ગાયિકાઓએ પણ એ ગાઈ છે.

હવે વાત કરીએ નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ … ગીત વિશે. "મારાં પત્નીનું અવસાન ૧૯૯૪માં થયું ત્યારે હું ભાંગી પડ્યો હતો. હીરાબહેન પાઠકના ’પરલોકે પત્ર’ પુસ્તક વિશે મેં સાંભળ્યું હતું. મને થયું કે કવિતા તો હું લખું જ છું તો હવે થોડું ગદ્ય લખું. ’પરલોકે પત્ર’ની જેમ પત્ર સાહિત્ય ગદ્ય સ્વરૂપે લખવાનું નક્કી કર્યું. પરંતુ, જીવ કવિતાનો એટલે પત્નીને પત્ર લખવા બેઠો ને કવિતા રચાવા માંડી. પત્નીના મૃત્યુના તેરમા દિવસે આ ગીત લખાયું; નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ …! કવિ સુરેશ દલાલને સંભળાવ્યું તો એમને બહુ ગમ્યું અને એમણે ‘કવિતા’ માસિકમાં એનો રસાસ્વાદ પણ કરાવ્યો. ઉલ્લેખનીય છે કે આ ગીતના દસથી વધુ જુદાં જુદાં સ્વરાંકન થયાં છે. એમાં માલવ દીવેટિયા તથા પુરુષોત્તમ ઉપાધ્યાયનાં સ્વરાંકન વધુ લોકપ્રિય થયાં. હંસા દવે અને કલ્યાણી કોઠાળકરે આ ગીતને ભાવપૂર્ણ રજૂ કર્યું છે. સુખ-દુ:ખ જીવનમાં વણાયેલા હોય છે.

કવિ જ એની અભિ-વ્યકિત યથા-યોગ્ય કરી શકે છે. મનુષ્યની નિયતિ એવી છે કે એની આંખોમાં સ્મિતની પાછળ આંસુ છુપાયેલા હોય છે. શેક્સપિયર ભલે કહી ગયા હોય કે વોટ ઈઝ ધેર ઇન અ નેઇમ? પરંતુ, નામ એ જ જીવન પર્યંત આપણી ઓળખ બની રહે છે. એમાં ય પ્રિય પાત્રનું નામ તો ક્યારેક સુખનો દીપક બનીને ઝગમગે તો ક્યારેક આંખમાં ઝળઝળિયાં લાવે. એટલે જ લેખક પ્રકાશ મહેતાએ આ ગીત વિશે લખ્યું છે કે, "વિરહી પ્રેમી હજુ તો કોરા કાગળ પર પ્રિયજનનું નામ લખવા માંડે છે ને ‘ત્યાં આંસુ આવ્યા આગળ.’ પહેલી પંક્તિનો લય જુઓ. પ્રેમીને મન સૌથી મહત્ત્વનું નામ કોનું હોય? પોતાના પ્રિયજનનું જ સ્તો! એટલે જ નામ તમારું એ શબ્દોમાં લયનો ભાર ’તમારું’ પર મુકાયું છે. આમ તો કેટલાય નામોને સંબોધીને પત્ર લખું છું પણ જેવું તમારું નામ લખ્યું રડવું આવી જાય છે. આમ તો સ્મિતનું મહોરું પહેરીને આપણે જીવીએ છીએ પણ વિયોગની તીવ્ર વ્યથાનો અનુભવ થતાં એ મહોરું સરી પડે છે અને પાછળ છુપાયેલા આંસુ આગળ આવી જાય છે.

સુરેશ દલાલે આ ગીતના રસાસ્વાદમાં લખ્યું છે, ‘મેઘબિન્દુ’ની કવિતાનું મૂળ અંગત સંવેદનામાં છે. કાગળમાં ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય પણ છતાંયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું એની વિમાસણ હોય છે. અહીં કવિ કાગળ પર પ્રિય વ્યકિતનું નામ હજી લખે ન લખે ત્યાં તો એમની આંખમાં આંસુ આવે છે અને આંસુના પડદા પાછળથી પ્રિય વ્યકિતનું નામ જોવાનું રહે છે. આ ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે કાગળ લખવો તો છે, પણ લખાતો નથી. અને કોરા કાગળને કોઈ અર્થ નથી. આપણું જીવન સામાન્ય રીતે સુખ અને દુ:ખના બે મોટા હાંસિયા વચ્ચે વહેંચાઈ જતું હોય છે. કયારેક થાય છે કે લખાય છે એ પૂરેપૂરું પ્રગટ થયું નથી. હું છેકભૂંસ કર્યા કરું છું. આખો કાગળ છેકાછેકી કરતાં કરતાં માંડ માંડ પૂરો થાય છે. પૂરો થાય છે એ તો કહેવાની એક રીત છે. બાકી જગતમાં કોઈ કાગળ કયારે ય પૂરો થતો નથી. કાગળમાં આખું હૃદય પાથરવું છે. ભાવને પૂરેપૂરો પ્રગટ કરવો છે. હૈયે છે એ હોઠે આવતું નથી. હોઠે આવે છે તે કાગળ ઉપર પ્રગટતું નથી.

પ્રિય વ્યકિત માટે લાખલાખ ઉમળકાઓ અને અરમાનોને ઉમંગથી શણગાર્યા હોય. પ્રિય વ્યકિતનાં સપનાંઓ માટે ગાઢ અંધકારમાં પણ અજવાળા પાથર્યાં હોય. ગમે એટલું કરીએ તો પણ પોતાના મનને કશુંક ઓછું જ લાગવાનું. પ્રિય વ્યકિતને માટે જમીન-આસમાન એક કરી નાખવા મન તલપાપડ થતું હોય છે. આપણી અપેક્ષાના અશ્વ હણહણતાં હોય છે. પણ પ્રિય વ્યક્તિની ઈરછાઓ, વેગ અને આવેશ પવનથી પણ વિશેષ જોરદાર આગળ ને આગળ ફૂંકાતા હોય છે. આમ જે કંઈ લખવું છે તે લખાતું નથી. પ્રિય વ્યકિત માટે જે કંઈ કરવું છે તે કરાતું નથી. અને અધૂરપની મધુરપ સાથે જેટલું જિવાય એટલું જીવી લેવું છે.

સુરેશ દલાલની આવી સુંદર અભિવ્યક્તિ પછી ગીત વિશે વધુ શું કહેવું? હા, ગીતના સંગીતની વાત તો કરવી જ પડે. ક્ષેમુ દીવેટિયાનો સમૃદ્ધ સંગીત વારસો મેળવ-નાર એમના પુત્ર માલવ દીવેટિયાએ આ ગીતનું હૃદયસ્પર્શી સ્વરાંકન કર્યું છે. સંગીત ક્ષેત્રે પિતા કરતાં ઓછું કામ કરતાં માલવભાઈ ગીત સંગીતબદ્ધ કરે ત્યારે પૂરી નિષ્ઠાથી કરે. તેઓ કહે છે, "વીસેક વર્ષ પહેલાં અમદાવાદમાં અમે ‘આરોહી’ ગ્રુપ ચલાવતાં હતાં. એ વખતે સૌથી પહેલું સ્વરાંકન આ ગીતનું મેં કર્યું હતું અને અમારા જ ગ્રુપની યુવા ગાયિકા કલ્યાણી કોઠાળકર પાસે મેં ગવડાવ્યું. મેઘબિંદુએ એમનો કાવ્યસંગ્રહ મને ભેટ આપ્યો હતો જેમાં પહેલું જ ગીત આ હતું, જે મને એટલું બધું ગમી ગયું કે એ પછીનાં ગીતો મેં વાંચ્યાં જ નહીં અને આ ગીત કમ્પોઝ કરી દીધું. ગીતની એરેન્જમેન્ટ કરનાર સૌમિલ મુન્શી કહે છે, "ગીતનું હાર્મની સ્ટ્રક્ચર એવું સરસ છે કે કવિ-સંગીતકાર અને ગાયક જાણે એકબીજાનાં પૂરક હોય એવું જ લાગે. કલમની સ્યાહીમાંથી સ્મરણ ઢોળાય, આંસુ છલકાય અને નામનું સંબોધન કરતાં જ અટકી જવાય. કાગળ તો રણ જેવો કોરોકટ પણ પ્રિયજનના નામનો પહેલો અક્ષર પડતાં જ ઝરણ બની જાય. રાગ મધુવંતીની છાંટ ધરાવતા આ ગીતમાં તીવ્ર મધ્યમ, કોમળ ગાંધાર સાથે શુદ્ધ ગાંધારનો એકમાત્ર કોર્ડ ચમત્કૃતિ સર્જે છે. એ એટલો સહજતાથી આવે છે કે એ સ્વરાંકનની કમાલ બની રહે છે. ગીતનો મ્યુઝિકલ ગ્રાફ સરસ છે.

આ બન્ને ગીતો યુટ્યુબ પર સાંભળી શકશો. ગીત ભલે વિષાદનાં હોય પરંતુ, એ સાંભળીને જરૂર હળવાશ અનુભવશો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 28 નવેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=604653

Loading

અથ (મહા)રાષ્ટ્રકથા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 November 2019

શરૂઆત આપણે, નમૂના દાખલ, બે ઉદ્‌ગારોથી કરીશું : તાજેતરનાં વરસોમાં શિવસેનાના વલણવ્યૂહના વ્યાખ્યાકાર તરીકે ઉભરેલા સંજય રાઉતે કહ્યું છે કે હવે અમારું સૂર્ય યાન દિલ્હીમાં પણ ઉતરાણ કરી શકે છે. બીજા એક શિવસેના પ્રવક્તાએ કહ્યું છે કે ‘અમે’ યુતિ સરકારમાં ભા.જ.પ.ના જે નિર્ણયો સાથે નહોતા એવા પ્રોજેક્ટ પડતા મૂકીશું. સેના વર્તુળો આ સંદર્ભમાં તરત બે દૃષ્ટાંત આપે છે. હમણાં જ આરે કોલોની પ્રકરણમાં જે રીતે બેરહમ બેસુમાર વૃક્ષ કપાયાં તે; અને બીજું, દેશવ્યાપી વિક્ષોભ જગવે તેવું દૃષ્ટાંત એ કે વ્યર્થનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પડતો મૂકાશે. જ્યાં સુધી સંજય રાઉત ચિંતવ્યા સૂર્ય યાનના દિલ્હી ઉતરાણનો સવાલ છે, એની હર્ષોદ્રેકી અને અતિરંજની તાસીર સાફ છે. તેમ છતાં, એની પૂંઠે એક સંકેત ખસૂસ પડેલો છે કે વિપક્ષને હારણ મનોદશાની કળ વળી રહી છે. જ્યાં સુધી પ્રોજેક્ટો પડતા મૂકવાની વાત છે, એમાં એક અગ્રતાવિવેકનો ટંકાર સ્પષ્ટ રહેલો છે. મોટા-દઈત-દાખડા-વાદની એક મેગેલોમેનિયાક માનસિકતા આજે દેશમાં શીર્ષસ્થાને આરૂઢ છે ત્યારે બુલેટ ટ્રેન જેવા વ્યર્થ ઉધામાને આમ આદમીની આણ અને આમન્યાનો સાક્ષાત્કાર કરાવવો એ ધર્મ્ય બની રહે છે. કહેવું હોય તો કહી શકાય કે ‘નો બી.જે.પી.’ના કથિત નકારાત્મક વ્યૂહમાં કશોક સકારાત્મક અગ્રતાક્રમ પણ છે.

આ મુખડો તો બાંધ્યો, બેલાશક બાંધ્યો, પણ છેવટે તો દૂધદાઝ્‌યા છાશફૂંક જમાત માંહેલા છીએ એટલે એટલું અવશ્ય સમજીને ચાલવું રહે કે ભા.જ.પ.ની સાથે સત્તાભાગી રહી પ્રતિસ્પર્ધી હિંદુત્વની રાજનીતિ કરનાર એક પક્ષ સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસ મળીને સરકાર રચી રહ્યાં છે એનો માર્ગ જેટલો સામેવાળાને કારણે એટલો જ એકબીજા થકી કંટાકાકીર્ણ હોઈ શકે છે. નહીં કે ભેગાં મળવાનું લૉજિક નહોતું; પણ એના પ્રશ્નો તો છે.

કબૂલ કે બેઉ બાજુએ ‘ત્રયાણાં ધૂર્તાનામ્‌’નો મામલો હોઈ શકે છે. પણ ભા.જ.પ. અને પી.ડી.પી. સાથે મળીને સરકાર રચી શકતાં હોય, હજુ બે-ત્રણ દિવસ પર ભા.જ.પ.-એન.સી.પી. (અજીત પવાર) નવી દિલ્હીની મિનિટોમિનિટ લીલી ઝંડી સાથે ગાંધર્વલગ્ન કરી શકતાં હોય તો સેના અને બેઉ કૉંગ્રેસ પણ મૂર્તિમંત હ્યુબ્રિસ ઘટના સામે શા સારુ એક ન થઈ શકે. પણ દાવપેચની હેરતઅંગ્રેજ ચિત્રણાથી માંડી રાષ્ટ્રીય તખતે પવારની પુનઃપ્રતિષ્ઠા સહિતનાં વાનાં લગરીક વીસારે પાડીને જરી લાંબે પને વિચારવા જેવો ઘટનાક્રમ આ ખરેખર તો છે.

ઇતિહાસમાં પાછે પગલે જઈએ તો સંયુક્ત વિધાયક દળ(૧૯૬૭)ના દોરમાં બિહારમાં બનેલી સરકારના પ્રધાનમંડળમાં જનસંઘ અને સામ્યવાદી પક્ષ બેઉ અંગભૂત હતા. મોરારજી દેસાઈ અને જનતા પક્ષનો દોર પણ, આમ તો, જનસંઘ સહિતના પક્ષોની મિશ્ર સરકારનો હતો. પણ ત્યાં નહીં અટકતાં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર સંભારીએ તો એને ભા.જ.પ. અને સી.પી.એમ. બેઉનો બહારી ટેકો હતો. દેવે ગૌડાની સંયુક્ત મોરચા સરકાર પણ અહીં સંભારી શકીએ. મહારાષ્ટ્રમાં નવી રચાયેલી સરકારમાં જે બે વિધાયક વાનાં (ભલે, ‘નીવડ્યે વખાણ’ છતાં) છે તે અહીં નોંધવાં જોઈએ. શિવ સેનાના વડા (ઉધ્ધવ ઠાકરે) રિમોટ કંટ્રોલની કુશાંદે સગવડ છોડી વાસ્તવિક સત્તાદાયિત્વમાં ભાગિયા બને છે. કૉંગ્રેસની તાસીર બહારીના ટેકાની અને પહેલી તકે ટેકાખેંચની રહી છે. પણ શરદ પવારના પ્રયાસવશ કે અન્યથા અહીં તે પ્રત્યક્ષ સત્તાભાગી છે. જે લાંબો સમય મહાઆઘાડીએ લીધો એમાં જેમ સત્તાના સમીકરણની ભાંજઘડ હતી તેમ કૉમન મિનિમમ પ્રોગ્રામનીયે ઘડભાંજ હશે સ્તો. બુલેટ ટ્રેન, એ આ હિમશિલાનું એકદશાંશમું ટોચકું હોય તો હોય.

હમણાં લાંબે પને જોવાની જે જિકર કરી એના સંદર્ભમાં શિવસેનાનો ઉદય અને ભા.જ.પ.ની ને એની પરસ્પરસ્પર્ધી હિંદુત્વ યુતિ તપાસવા જોગ છે. મરાઠી માણૂસની રોજમર્રાની જિંદગીમાં બધી મુશ્કેલીઓ ‘બહારના લોકો’થી છે એ એનું ઉદયબિંદુ. એમાં લુમ્પન તત્ત્વોને મળી રહેલો અવકાશ (હપતા ઉઘરાણી) એ એનો એક વિશેષ. પણ કાર્યક્રમ અને વિચારધારા વગર ન ચાલે તે સમજાયાથી કંઈક નામ કે વાસ્તે, કંઈક ખરેખાત, એ માટેની કોશિશમાં ખાડીલકરકૃપાએ વચગાળામાં સામ્યવાદી વેશ તો શિવાજીની સગવડિયા જયમાં રહેલી હિંદુત્વ સુવિધાનું મનોવૈજ્ઞાનિક શોષણ. (એટલે એ બુલેટ ટ્રેન છોડી શકશે પણ શિવાજીનું દરિયે ખોડ્યું આભે પૂગતું બાવલું નહીં છોડી શકે.)

એન.સી.પી.ના નવાબ મલિકે અમારું આ જોડાણ છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને અનુસરશે એમ કહ્યું એમાં જેમ શિવ સેના સાથે સંધાનની તેમ શિવાજીના સમુદાર અર્થઘટનની પણ ગુંજાશ છે. અહીં સહજ જે બે દૃષ્ટાંત સાંભરે છે તે આ સંદર્ભમાં ટાંકું છું. ઓગણીસમી સદી ઊતરતે અને વીસમી સદી બેસતે હિંદુ અને મુસ્લિમ એ બે જે નવી પોલિટિકલ કન્સ્ટ્રક્ટ આપણી સામે આવી એમાં બાળ ઠાકરેને અભિમત શિવાજી હિંદુત્વ રાજનીતિની પ્રેરણા-અને-પર્યાય-પ્રતિમા બની ગયા. તે સિવાય, શિવાજીનું એક પ્રતિકારપુરુષ (રેઝિસ્ટન્સ લીડર) તરીકે અને મુસ્લિમ સાથીઓએ શોભી શકતા રાજપુરુષનું ચિત્ર એકંદરે ઇતિહાસસમ્મત હતું. ‘શિવરાયાચે આઠવાવે પ્રતાપ’ (સમર્થ રામદાસ) એમ કહેવાયું ખરું, પણ એ આજના રાજકીય હિંદુ નહોતા. એમના સરદારોમાં (પુષ્પા ભાવેએ સમજાવ્યું છે એમ) ઓ.બી.સી. અગુઆઈ હતી. આજે જેમની પુણ્યતિથિ છે તે ફુલેએ ‘અમારા શુદ્રોના રાજા’ એમ કહી એમનો મહિમા કર્યો છે. આ અભિગમમાં હિંદુસમાજમાં નાતજાતગત ઊંચનીચનો મુદ્દો કે ‘ધ અધર’શી શત્રુખોજનો મુદ્દો સ્વાભાવિક જ પાછળ રહી જાય છે. ઝનૂની તત્ત્વોનો ભોગ બનેલા પાનસરેનો એક વિશેષ શિવચરિત્રના ઉદાર ઉર્થઘટનનો હતો જે હિંદુત્વ રાજનીતિના અંતિમવાદી ફિરકાને રાસ નહોતો આવ્યો. મુદ્દે, હિંદુત્વ પોતે થઈને સૌને એકત્ર રાખવામાં ઊણું પડે છે જેમ મુસ્લિમ રાજકીય ઓળખ એકલી કરાચી અને ઢાકાને સાથે ન રાખી શકી.

હમણાં ઓ.બી.સી. પરિબળોનો ઉલ્લેખ કર્યો એ કંઈક વધુ ચર્ચા માગી લે છે. શિવાજીથી આરંભાયેલી રાજવટ પેશવાઈમાં એટલે કે બ્રાહ્મણ આધિપત્યવાળી રાજવટમાં પરિણમી ત્યારથી માંડી આજ લગી મહારાષ્ટ્રના રાજકારણમાં બ્રાહ્મણ-બ્રાહ્મણેતર સંઘર્ષની એક ધારા રહી છે. ગાંધીહત્યા વખતે મહારાષ્ટ્રમાં હિંસક ઉદ્રેક પાછળ આ જ ધારા વિશેષરૂપે હતી. તિલક મહારાજની અરથીને ગાંધીએ ખભો આપ્યો અને નેતૃત્વે કરવટ બદલી એ સાથે બ્રાહ્મણવાદી રાજનીતિ માટે અસુખનો એક દોર શરૂ થયો. ભા.જ.પ., તાજેતરનાં વરસોમાં સૌને પહોંચવાની એની કોશિશ છતાં હજુ હિંદુસમાજની એવી સર્વસમાવેશી તાસીરનું રાજકારણ કશીક ગળથૂથીગત મર્યાદાને કારણે વિકસાવી શકેલ નથી. એની ‘બિગ બ્રધર’ મૂરત સામે શિવસેનાનું અસુખ સમજી શકાય છે. એમાં વળી એ વાસ્તવિકતા પણ કામ કરે છે કે ૧૯૮૯થી ૨૦૧૪ સુધી સેના-ભા.જ.પ. સહકારમાં સેના મોટો પક્ષ હતો. મે ૨૦૧૪ પછીના રાષ્ટ્રીય ચિત્રે મહારાષ્ટ્રમાં સેનાની આ સરસાઈ ખોવડાવી. એટલે અસુખને (અને આકાંક્ષાને) એક ઓર આમળો ચડ્યો. બીજી પાસ, યશવંતરાવ ચવાણ અને શરદ પવારે મરાઠા વંચિતતાને ખાસી હૂંફ આપેલી છે. જે રીતે ખેડૂતોના પ્રશ્ને દાઝ જાણીને શરદ પવાર જઈ રહ્યા છે એથી એ ગ્રામીણ મહારાષ્ટ્રને પોતીકા લાગે છે. શિવ સેના પણ સત્તાભાગિતા સાથે જેટલી ગ્રામીણ મહારાષ્ટ્રને સેવશે એટલો એનો વ્યાપ ને સ્વીકૃતિ વધશે. જે તે પ્રોજેક્ટના નામે ને બહાને કોર્પોરેટ તાલમેલ સાથે ભૂમિ-અધિગ્રહણ એ હાલની સરકારોનો સહજ રવૈયો રહ્યો છે. નવી સરકારે એમાં પુનર્વિચારનો વિવેક દાખવવો રહેશે.

ભા.જ.પ. રાષ્ટ્રીય તખતે પહોંચ્યો એમાં લુમ્પન અને હાલ જેને ફ્રિન્જ તત્ત્વ (જેમ કે પ્રજ્ઞા ઠાકુર) તરીકે ઓળખાય છે એનો ખાસો ફાળો રહેલો છે. ઇંદિરા ગાંધીની સંજય બ્રિગેડ પણ એવું જ એક ઉદાહરણ હતું. શિવસેનામાં પણ તમે આ તત્ત્વો જોઈ શકો. નવજોડાણ પછી તે જો ખરેખર પોતાને ‘નવી’ કરી શકે તો તે તેના અને વિકલ્પની રાજનીતિના હિતમાં હશે.

સ્થાનિક, પ્રાદેશિક ઓળખોનો વાજબી સ્વીકાર અને એમાંથી ઊગતું પણ વ્યાપક નાગરિક ઓળખ ભણી ઢળતું રાજકારણ આપણા સમયની માંગ છે. ભા.જ.પ. કનેથી દેશનું સૌથી ધનાઢ્ય અને જિ.ડિ.પી.માં સિંહફાળો આપતું રાજ્ય જેમની પાસે આવ્યું છે એમણે આ દાયિત્વ અને ઉત્તરદાયિત્વ બેઉ નભાવવાં રહેશે. કાશ, તે ‘કૉન્સેન્સ્યુઅલ પૉલિટિક્સ’ની રગ કેળવી શકો.

નવેમ્બર ૨૮, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 01-02

Loading

...102030...2,6492,6502,6512,652...2,6602,6702,680...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved