Opinion Magazine
Number of visits: 9664416
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમરસ ગ્રામ પંચાયત લોકશાહી વિરોધી : સમરસ લોકસભા અને સમરસ વિધાનસભા આવશે? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|1 June 2025

હેમંતકુમાર શાહ

ગુજરાતમાં આશરે ૯,૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. તે સમયે ગુજરાત સરકારે સમરસ ગ્રામ પંચાયત નામની એક યોજના જાહેર કરેલી છે. આ યોજના નરેન્દ્ર મોદીએ ૨૦૦૧માં જાહેર કરેલી હતી. તે હાલ પણ ચાલુ છે. એમ કહેવામાં આવે છે કે ગામોમાં વાદવિવાદ ન થાય અને ઝઘડા કે વિખવાદ ન થાય માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને પંચાયતના સભ્યોની ચૂંટણી થાય જ નહિ અને બધા સર્વાનુમતે ચૂંટાય તો રાજ્ય સરકાર એવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે અને તેને વિકાસનાં કામો માટે નાણાં આપે છે. વરસોવરસ આ યોજના હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટની રકમ વધારવામાં આવી છે. અને સતત બે વખત કે ત્રણ વખત સમરસ ગ્રામ પંચાયત સમરસ થાય તો ગ્રાન્ટની રકમ વધતી જાય છે. આ આખી યોજના જ લોકશાહી વિરોધી યોજના છે. કેટલાક મુદ્દા જોઈએ : 

(૧) ગુજરાતનાં ગામોમાં સામાજિક સમરસતા છે ક્યાં? દરેક ગામમાં દરેક જ્ઞાતિના વાસ જુદા જુદા હોય છે. અને દલિત વાસ તો મોટે ભાગે ગામની બહાર હોય. આખું ગામ જાણે કે જુદા જુદા દેશો જેવું હોય છે! એમાં રાજકીય નેતૃત્વમાં સમરસતા કેવી રીતે આવે?

(૨) સામાન્ય રીતે સમરસ ચૂંટણી કરવાને નામે જેઓ ચૂંટણી લડવા ઉમેદવારી કરવા માગે છે તેમને ધાકધમકી આપીને બેસાડી દેવામાં આવે છે. જે હિંસા દેખાતી નથી એવી હિંસા થાય છે જ. જેઓ ગરીબો કે સામાજિક રીતે નબળા વર્ગના છે એવા દલિતો વગેરેને જાહેરમાં બોલવા દેવામાં આવતા નથી અને ચૂંટણી ન થાય તો લોકશાહીમાં જે મતાધિકાર મળ્યો છે તેનો પણ તેઓ ઉપયોગ કરી શકતા નથી.

(૩) બધા ભેગા થઈને ઉમેદવાર નક્કી કરે અને ચૂંટણી ન થાય તો વાદવિવાદ ન થાય એવી ધારણા આ યોજના પાછળ છે. બોગસ વાત છે આ. એક ગ્રામ પંચાયતમાં વસ્તી ૧૦૦૦ની હોય તો પણ ૭૦૦ મતદારો તો હોય જ. વધુ વસ્તી ત્યાં વધુ મતદારો. એ બધા ભેગા ક્યારે, ક્યાં થાય અને કરે કોણ. અને એમાં સર્વાનુમતે ઉમેદવાર નક્કી થાય કેવી રીતે? કોઈ પણ ગ્રામ પંચાયતમાં આવું બન્યું જ નથી એમ અભ્યાસો કહે છે. એટલે ધાકધમકીથી જ ઉમેદવાર બનવા માગતા નાગરિકોને બેસાડી દેવામાં આવે છે એ એક હકીકત છે. એટલે આમ જુઓ તો, ઘણી વાર ગામમાં જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય તે પોતાની રીતે સામ, દામ, દંડ અને ભેદ વાપરીને દાદાગીરી કરીને સમરસ ઉમેદવાર નક્કી કરી નાખે છે. એમાં નથી બહુમતી હોતી કે નથી સર્વાનુમતિ. લોકશાહીનું ખૂન કરીને સામાજિક અને રાજકીય ‘દાદા’ઓને હવાલે પંચાયત કરવાનો આ ખેલ છે.

(૪) ચૂંટણી દ્વારા સત્તા પર આવેલી સરકાર પોતે જ ચૂંટણી ન થાય તેને માટે નાણાકીય પ્રોત્સાહન આપે તે કેવું? એ સરકાર સરમુખત્યારશાહીને પોષે છે એમ જ ન કહેવાય? 

(૫) ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા તો થાય જ અને છતાં ચૂંટણી ન થાય એવી આ યોજના છે. એટલે ભ્રામક સર્વસંમતિ ઊભી થઈ હોય તેવી ગ્રામ પંચાયત માટે પણ ચૂંટણી પંચની બધી કાર્યવાહી તો થાય જ, જાહેરનામું બહાર પડે, ઉમેદવારી પત્રક ભરાય વગેરે વગેરે. એટલે ચૂંટણી થાય છે એવો આભાસ તો ઊભો કરવાનો જ. સાવ NONSENSE વાત છે આ.

(૬) સરકાર આ કહેવાતી સમરસ ગ્રામ પંચાયતને વિકાસ માટે નાણાં આપે છે. એટલે એવો ભ્રમ પણ ઊભો થાય છે કે ચૂંટણીઓ થાય છે એટલે વિકાસ નથી થતો અને ચૂંટણી ન થાય તો વિકાસ થાય છે. કેટલી ખતરનાક બાબત છે આ! 

(૭) હદ તો ત્યાં થાય છે કે નેતાઓના આદેશથી કલેક્ટર, મામલતદાર, ટી.ડી.ઓ., ડી.ડી.ઓ. અને એવા બધા અધિકારીઓની ફોજ ગામડાંમાં સરકારી ખર્ચે નીકળી પડે છે સમરસ ગ્રામ પંચાયત ઊભી કરવા! સરકારી યોજનાને સફળ થયેલી તો દેખાડવી જ પડે. આ સરકારી અધિકારીઓનું કામ છે? 

(૮) આ સમરસ ચૂંટણીનો ચાળો થોડા સમય પહેલાં ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં લાગેલો, જો યાદ હોય તો. અરે, ભલા માણસ, પ્રોફેસરોમાં સમરસતા આવે કેવી રીતે? પણ આવેલી! ભાગબટાઈ નક્કી કરીને. આવું જ ગ્રામ પંચાયતોમાં થાય છે!

(૯) મોદી છે આ તો, કાલે મોદી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે પણ સમરસ યોજના જાહેર કરીને એમ કહી પણ દે કે જ્યાં સમરસ થશે ત્યાં અનુક્રમે ૫૦૦ કરોડ ₹ અને ૫,૦૦૦ કરોડ ₹ નો વિકાસ માટે ખર્ચ થશે. મોદી હૈ તો મુમકિન હૈ! પણ આ નેહરુ, સરદાર, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, ક.મા. મુનશી વગેરે દ્વારા ઘડાયેલું બંધારણ જ વચ્ચે આવે છે! બાકી મોદીને તો દેશનો વિકાસ કરવો જ છે. લોકશાહી જાય જહન્નમાં! સમરસ યોજના એ તો સ્થાનિક લોકશાહીને ખતમ કરવાનું એક રૂડુંરૂપાળું નામ છે.

તા. ૩૧-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ટ્રમ્પની તુમાખીઃ “અમેરિકન ડ્રીમ”ને રફેદફે કરનારા આ પ્રમુખ પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરાય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 June 2025

ટ્રમ્પ જાણે એમ કહેવા માગે છે કે જો તમે અમેરિકન નથી તો તમારા પોતાના વતનને, તમારા દેશની અર્થ વ્યવસ્થાને અમેરિકાને પૈસે ટેકો આપવા માટે તમારે પ્રીમિયમ ચૂકવવું પડશે.

ચિરંતના ભટ્ટ

યુ.એસ.એ.ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે નવી નીતિઓ ઘડવામાં કાં તો આંધળુકિયા કરે છે કાં તો લોકોમાં કંઇ અજીબ પ્રકારનો ખોફ ફેલાવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરે છે એમ લાગે. ઇમિગ્રેશન અને આર્થિક નીતિને મામલે જેટલી આક્રમકતા વધી છે એટલી જ અસ્પષ્ટતા પણ વધી છે. એમણે બે એવી બાબતો પર મંજૂરીની મહોર મારી છે કે ભારત અને ભારતીયો જે ત્યાં વસ્યા છે અથવા તો જે ત્યાં ભણવા ગયા છે – જવાના છે તેમને માથે ખતરાની ઘંટડીઓ વાગવા માંડી છે. એક છે યુનિવર્સિટીમાં પ્રવેશ આપવા અંગેના આકરા નિયમોનો ફટકો – જેની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓના ‘અમેરિકન ડ્રીમ’ પર પડે છે તો બીજો મુદ્દો છે ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ – જેમાં સમ ખાવા પૂરતું ય કંઇ બ્યુટીફુલ નથી કારણ કે અમેરિકન સરકારની નજર સીધી તમારા ગજવા પર છે. પહેલાં વાર્તાઓમાં પરદેશ ગયેલો દીકરો મા-બાપને પૈસા મોકલતો – એ પાત્ર આજની વાર્તાઓમાં જ્યારે ઘરે પૈસા મોકલે ત્યારે તેની પર તગડો કર લાદવામાં આવશે.

આ માત્ર વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ પર કે ભારતીય સપનાં પર યુ.એસ.એ.ની લગામ નથી પણ અબજો ડૉલર્સના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પર એક મોટો બોજ છે. ટ્રમ્પના ટ્રમ્પેટના આ સૂર બેસૂરા અને બે ધારી તલવાર જેવા છે. 

વિદેશ મંત્ર્યાલય અનુસાર  2023 સુધીમાં 1.8 મિલિયનથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ આંકડામાંથી 21 ટકા વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં ભણવા જનારા છે. પણ હવે 2025માં ઓવલ ઑફિસમાં પાછા ફરેલા ટ્રમ્પે નીતિઓમાં જે ફેરફાર કર્યા છે તેને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અમેરિકન યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું અને ત્યાં ટકી રહેવું દોહ્યલું બન્યું છે. આ પરિવર્તનમાં અંતરંગી નિયમો પણ સામેલ છે. કોઈ નાના ઉલ્લંઘનો, કૉલેજમાં હાજરી અને કેમ્પસની બહારના કામ સહિત કોઈપણ નાની બાબતે વિદ્યાર્થીનો વિઝા રદ્દ થઈ શકે છે. OPT – એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિસ ટ્રેઇનિંગ – જે ભણતર પછીની રોજગારીને અસર કરતી બાબત છે તેની પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. યુનિવર્સિટીઝ પર પણ દબાણ કરાયું છે કે ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિના ધ્યેયોને કેન્દ્ર સ્થાને રાખી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રાધાન્ય ન આપી વધુ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા. 

એક અહેવાલ મુજબ 2024માં યુ.એસ.એ.માં ભણવા જનારા ભારતીય વિદ્યાર્થીઓની નોંધણીમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. ઘણાં વિદ્યાર્થીઓ હવે જર્મની, ન્યુઝીલેન્ડ અને ફ્રાન્સને પસંદ કરી રહ્યા છે કારણ કે અહીં વિઝાને મામલે નીતિઓ આકરી નથી, ભણતર પછી કામની તકો સારી છે ફીઝ પણ ઓછી છે. 

આ નીતિગત ફેરફાર ઓછા હોય તેમ વાણી-વિલાસને મામલે ટ્રમ્પ કોઈની સાડાબારી રાખતા નથી. તાજેતરમાં તેમના એક વાયરલ સંબોધનમાં તેમણે વિદેશીઓ, અમેરિકન કૉલેજોમાં જગ્યા લઇ રહ્યા હોવાની બાબતની ટીકા કરી અને લટકામાં ઉમેર્યું કે આ વિદેશી વિદ્યાર્થીઓ અહીં ભણીને તંત્ર સાથે રોજગારી માટે રમત કરી રહ્યાં છે. 

આ સંજોગો ભારત અને અમેરિકા બન્ને માટે નુકસાનકારક છે. ભારતીય વિદ્યાર્થીઓ માત્ર ‘અમેરિકન ડ્રીમ’ લઈને ત્યાં પહોંચે છે એમ નથી. NAFSA (એસોસિએશન ઑફ ઇન્ટરનેશલન એજ્યુકેટર્સ) અનુસાર 2002માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ યુ.એસ.એ.ના અર્થતંત્રમાં 40.1 બિલિયન ડૉલર્સનું યોગદાન આપ્યું હતું જેમાં 7.6 બિલિયન ડૉલર્સ હિસ્સો ભારતીય વિદ્યાર્થીઓનો હતો. ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાથી માત્ર યુનિવર્સિટીઝને અસર થશે એમ નથી (ઘણાં શૈક્ષણિક સંસ્થાનો રિસર્ચ અને ફેકલ્ટીઝ માટે આંતરરાષ્ટ્રીય ટ્યુશન ફંડ પર આધાર રાખે છે) પણ તેનો પ્રભાવ દ્વિપક્ષીય સંબંધો પર પણ પડશે. શિક્ષણ એક સોફ્ટ પાવર ટૂલ પણ છે. ભારતના શ્રેષ્ઠ, ધારદાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આ સંજોગોમાં એવા રાષ્ટ્રો તરફ વળશે જેની સાથે ભારતને ભૌગોલિક રાજકારણની દૃષ્ટિએ બહેતર સંબધો હોય.

‘વન બિગ બ્યુટીફુલ બિલ’ની વાત કરીએ તો રેમિટન્સ ટેક્સ બોમ્બ બહુ મોટો વિસ્ફોટ છે. ટ્રમ્પે જેને સમર્થન આપવાની વાત કરી છે તે કાયદો જો પસાર થાય તો યુ.એસ.એ.માં કમાઈને પોતાના વતનમાં પૈસા મોકલનારા પર 3.5 ટકા કરવેરો ઝીંકાશે. તેની અસર ગ્રીન કાર્ડ હોલ્ડર્સ, H1-B કામદારો અને અન્ય પ્રકારના વિઝા ધારકો પર થાય – સ્વાભાવિક છે તેમાં મોટા ભાગના NRIનો સમાવેશ થાય છે. 

વર્લ્ડ બૅંકના મતે 2023માં ભારતને 125 બિલિયન ડૉલર્સથી વધુ રેમિટન્સ – ભરણાં મળ્યા હતા તેમાંથી 28 બિલિયન ડૉલર્સ માત્ર યુ.એસ.એ.માંથી આવ્યા હતા. આ કારણે યુ.એસ.એ. વિદેશી ચલણનો એક મોટો સ્રોત બન્યો. આ કર લદાય તો એમ ગણિત બેસે કે તમે જેટલા પૈસા તમારા વતનમાં મોકલો છે તેમાં પ્રતિ 1,000 ડૉલર પર NRI તરીકે તમે 35 ડૉલર્સનો કર ભરવાનો આવે. જે પરિવારો સ્વાસ્થ્ય કે શિક્ષણ જેવી જરૂરિયાત માટે આ વિદેશથી આવતા નાણાં પર, રેમિટન્સ પર આધાર રાખતા હોય તેમને માટે આ બહુ મોટો ફટકો સાબિત થાય. ઉપરછલ્લી રીતે નાણીએ તો આ બિલ આમ તો યુ.એસ.એ.ની સરકાર માટે રેવન્યુ જનરેશન એટલે કે આવક ઊભી કરવાનું સાધન છે. પરંતુ જરા ઊંડા ઉતરીએ તો સમજાય કે આ એક વૈચારિક ફેરફાર છે. ટ્રમ્પને બહુ પહેલેથી જ વિદેશી કર્મચારીઓ અને રેમિટન્સ સામે જાતભાતના વાંધા અને વહેમ છે.  ટ્રમ્પને એમ જ લાગે છે  કે યુ.એસ.એ.ની કમાણી ખર્ચાય છે બીજા દેશમાં એટલે પોતાના દેશને લાભ નથી મળતો. ટ્રમ્પને ત્યારે જ શાંતિ થશે જ્યારે યુ.એસ.એ.ની કમાણી યુ.એસ.એ.માં સમાણીનો ઘાટ ઘડાશે. ટૂંકમાં ટ્રમ્પ જાણે એમ કહેવા માગે છે કે જો તમે અમેરિકન નથી તો તમારા પોતાના વતનને, તમારા દેશની અર્થ વ્યવસ્થાને અમેરિકાને પૈસે ટેકો આપવા માટે તમારે પ્રીમિયમ ચૂકવવું પડશે. 

ભારતીય-અમેરિકન સંગઠનોએ આ બિલને નબળું પાડવા માટેનું લોબિંગ તો શરૂ કરી જ દીધું છે. તેમની દલીલ એ છે કે કાયદાકીય રીતે અમેરિકન નાગરિક તરીકે રહેનારાઓ અને પ્રોફેશનલ્સને આ બિલની અસંતુલિત અને અપ્રમાણસર રીતે અસર થશે. કેટલાક NRI હવે આ નવા કરથી બચવા માટે ક્રિપ્ટો કરન્સી, બ્લોકચેન વૉલેટ્સ અથવા યુ.એસ.એ.ની બહાર હોય એવા થર્ડ પાર્ટી ફિન-ટૅક એપ્લિકેશન્સ (ફાઇનાન્શિયલ ટૅક્નોલૉજી) જેવા વૈકલ્પિક બૅંકિગના રસ્તા પણ શોધી રહ્યા છે. એક અન્ય વર્ગ કેનેડા અને UAE જેવા દેશોમાં રોકાણ કરવા અથવા સ્થળાંતર કરવાની દિશામાં વિચારી રહ્યા છે, જ્યાં રેમિટન્સ નીતિઓ હજી સુધી પ્રતિકૂળ નથી બની. 

પણ અહીં એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે અમેરિકા જો કોઈ પગલું ભરે, આ બિલ ધારો કે પાસ થઈ જાય તો બીજા દેશો પણ એ પગલે ચાલવામાં કંઇ બહુ વાર નહીં કરે. ઐતિહાસિક રીતે અમેરિકા ઈમિગ્રેશન અને આર્થિક નીતિઓને મામલે ચીલો ચાતરનારો દેશ રહ્યો છે, એક ટ્રેન્ડ સેટરની માફક અમેરિકા જે કરે તેનું અનુકરણ અન્ય દેશો કરી જ શકે છે. જો ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ પસાર થાય તો બીજા દેશો પણ પોતાના દેશના સ્વાર્થ માટે આ બ્યુટી શોધવાના રસ્તા અપનાવી શકે છે. ઉદાહરણ તરીકે યુનાઇટેડ કિંગ્ડમ તો અત્યારથી જ તેમના ઓવરસીઝ રેમિટન્સ બિલની સમીક્ષા કરે છે તો ઑસ્ટ્રેલિયાએ આઉટબાઉન્ડ ઇકોનોમિક વેલ્યુ ટેક્સ પર ચર્ચાપત્ર રજૂ કર્યું છે. 

જો આવી પહેલ સામાન્ય બનશે તો રેમિટન્સ પર આધાર રાખતા ભારત, ફિલિપાઇન્સ અને નાઈજિરિયા જેવા દેશોમાં વિદેશી નાણાંકીય પ્રવાહ પર નોંધપાત્ર અને નાટ્યાત્મક ઘટાડો વર્તાશે એ ચોકક્સ. ભારત માટે, જ્યાં રેમિટન્સ એ વિદેશી હૂંડિયામણનો એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે (લગભગ કુલ FDI પ્રવાહ જેટલો જ), આ બેલેન્સ ઑફ પેમેન્ટ એટલે કે ચુકવણીના સંતુલન પર દબાણ મૂકશે અને રૂપિયો નબળો પડશે. 

સમસ્યા સામે હોય ત્યારે સમાધાન પણ શોધવું પડે. વિદ્યાર્થીઓએ યુરોપ અને એશિયાની યુનિવર્સિટીઓ તરફ નજર દોડાવવી પડશે. OPTના બદલાતા નિયમો પર ધ્યાન આપો, આ ઉપરાંત વિઝાના નિયમો અંગે અપડેટેડ રહો એટલે અચાનક જ કોઈ વિકટ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. ભારતીય અને વિદેશી યુનિવર્સિટીઝમાં ચાલતા હાઇબ્રીડ કોર્સિઝની તપાસ કરો. વ્યવસાયી સફળતા હંમેશાં બહુ ધાંસુ સંસ્થાનો પર આધાર રાખે છે એવું નથી હોતું. તમારી આવડત તમને કોઈ સાદી યુનિવર્સિટીમાંથી પણ સફળતાના શીખરે લઈ જઈ શકે છે. NRIઓએ શું કરવું? ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ તમારી કમાણીમાંથી બ્યુટી છીનવી ન લે તે માટે ટેક્સ એડવાઇઝર્સ અને કાયદાના નિષ્ણાતની સલાહ લો. ફિન-ટૅક પ્લેટફોર્મ વાપરો જે ગેરકાયદે ન હોય અને તે કરન્સી એક્સચેન્જ રેટ્સનું શ્રેષ્ઠ વળતર આપતા હોય અને જેના થકી નાણાંની ટ્રાન્સફરનો ખર્ચ ઓછો થતો હોય. પારિવારીક રોકાણો અથવા જોઇન્ટ એકાઉન્ટની દિશામાં વિચારો જેથી વારંવાર ટ્રાન્સફર કરવાની ભાંજગડ ન કરવી પડે. 

ભારતે શૈક્ષણિક લેવડ-દેવડને મામલે રાજદ્વારી રસ્તાઓ મજબૂત બનાવવા પડશે. વિદેશી યુનિવર્સિટીઝ માટે ભારતમાં પોતાના કેમ્પસ અને સ્થાનિક યુનિવર્સિટીઝ સાથે જોડાણ કરવાના માર્ગ મોકળા કરવા જોઈએ. RBIને સાથે રાખીને રેમિટન્સ બફર નીતિ ઘડવાનો વખત પાક્યો છે જેથી વિદેશી હૂંડિયામણમાં આવનારા દેખીતા ઘટાડા માટે તૈયાર થઈ શકાય. ટ્રમ્પ અને તેના યુ.એસ.એ.ને માથે ચડાવવાને બદલે આપણે ચતુરાઈ પૂર્વક આ સંજોગોમાંથી રસ્તો કાઢવો પડે તે સ્વાભાવિક છે. ટ્રમ્પનું અમેરિકા ઇમિગ્રન્ટ્સ માટે તો અઘરું હતું જ પણ હવે તો વૈશ્વિક સ્તરે એકબીજા પર નિર્ભર રહેવાના આખા વિચારને ટ્રમ્પ બારીમાંથી બહાર ફગાવી દેવા માગે છે. ટ્રમ્પનો આ વહેવાર ટૂંકા ગાળાની જીતનું સાધન છે પણ આર્થિક હિત અને આતંરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને મામલે ટ્રમ્પ અને યુ.એસ.એ. પર મોટું જોખમ છે.

બાય ધી વેઃ 

આપણે ટ્રમ્પના તિતાલી અભિગમ સામે ટકવા માટે નીતિગત પરિવર્તન કરવું પડશે. કોઈપણ એક દેશ પર વધુ પડતો આધાર રાખવાનો ગેરફાયદો શું હોઈ શકે તે આપણે સમજી શકીએ છીએ. ભારત અને અમેરિકાના સંબંધો આમ તો વ્યૂહાત્મક છે પણ છતાં ય તે નાગરિકોના સ્તરનું જોડાણ, વિદ્યાર્થીઓ, ટૅક્નોલૉજી પ્રોફેશનલ્સ અને પરિવારો જેવાં પાસાઓ પર ઘડાયેલો સંબંધ પણ છે. ટ્રમ્પની આ બન્ને નીતિ ઊંડા આઘાતજનક ઘા જેવી સાબિત થાય એમ છે. વડા પ્રધાન મોદીએ અત્યાર સુધી તો લેખાં-જોખાંને ધ્યાનમાં રાખીને સાવચેતી ભર્યો અભિગમ રાખ્યો છે, તે જાહેરમાં ટ્રમ્પની ટીકા નથી કરતા પણ ભારતીય અમેરિકન કાયદાના વિશેષજ્ઞો સાથેની ચર્ચામાં તેમણે ભવિષ્યમાં બદલાઈ શકે એવા સંજોગોની ચિંતા ચોક્કસ વ્યક્ત કરી છે.  આપણા વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીઓ અને વ્યવસાયીઓ માટે નાણાંકીય વ્યવહારો અને ઇમિગ્રેશનને લગતી બાબતોમાં સાવધાની અને જાગૃતિ રાખવા સલાહ આપી છે. ટ્રમ્પની તુમાખી અને મનસ્વી વહેવારને કારણે વાતચીત કે વાટાઘાટોની શક્યતાઓ પાંખી પડી રહી છે. જો ભારત નક્કી કરશે કે તે સામે કર તગડા કરશે અથવા રોકાણને મામલે આકરા નિયમો લાદશે તો નાના પાયાનું આર્થિક નીતિઓનું યુદ્ધ છેડાવાનાં કારણો પેદા થશે. આપણે આગળ વધું હોય ત્યારે અવરોધો તો વેઠવા પડે પણ આપણને એક દેશ તરીકે બહુ બધા મોરચે એક સાથે ખડા રહેવાનું આવે તો તે સહેલું નહીં હોય. વળી હાર્વડ નહીં અને ઑક્સફોર્ડ વિચારીએ એવું માનતા હો તો ખરેખર તો એમાં ય બહુ ભલીવાર નથી. વિદેશમાં ભણવું એટલે ગજવામાં કાણાં કરી, ઠંડુ ખાઈને અઠવાડિયે લોન્ડ્રી કરવાના દિવસો જેનું પરિણામ તગડી કમાણી હંમેશાં તો નથી જ હોતું. ધારો કે તમે કમાઇ પણ લો તો ય પેલું વન બિગ બ્યુટીફુલ બિલ કોઈ બીજા નામે, બીજા દેશમાં તમારા પાકીટને હળવું કરવા ખડું જ હશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 જૂન 2025

Loading

મધમીઠો મલકાટ

અશોક નાયક|Opinion - Short Stories|1 June 2025

છેલ્લા બેચાર દિવસોથી નાનકડો કનિયો કશું સમજી નહોતો શકતો. બાપા અને વાસના બીજા મરદો સાંજ પડે ભેગા બેસીને ઘુસપુસ કર્યા કરતા. માડી અને બીજી બાયડીઓ પણ ભેગી થઈને કકળાટ કરતી અને જાણે મરદોને વારવા મથતી. એને સમજાતું નહોતું કે શું ચાલી રહ્યું છે! કનિયો ગુંચવાય એટલે એ સીધો મનિયા પાસે ઉપડતો. મનિયો એનાથી બે-એક વર્ષ મોટો. એના ઘરમાં ધીમે અવાજે ને છાનીછપની થતી વાતોમાંથી એને જે અડધુંપડધું સંભળાયું એનાથી મનિયાને એટલી સમજ પડેલી કે ગામના મુખીબાપાના છોકરાએ એમના વાસની રૂડીરૂપાળી પતંગિયા જેવી મંછીમાસીને પીંખી નાખેલી. આ ‘પીંખી નાખેલી’ એટલે શું એની તો મનિયાને પણ ખબર નહોતી. વાસના મરદો એ છોકરાને થોડો મેથીપાક ચખાડવા માગતા હતા. બાયડીઓ મેથીપાક આપ્યા પછી જે થશે એના વિચારથી બીતી હતી. મરદોને વારતી હતી. 

તે દા’ડે રાતે કનિયો સૂ સૂ કરવા જાગી ગયો ત્યારે બાપા અંધારામાં લાકડી લઈને ક્યાંક જવા તૈયાર બેઠા હોય એવું લાગ્યું. માડી ગભરાયેલી હતી. ઘરની બહારથી ધીમો ખોંખારો સંભળાયો ને બાપા નીકળી ગયા. બાપા છાનામાના પાછા આવીને સૂઈ ગયા ત્યાં સુધી માડી એક બાજુ કનિયાને અને બીજી બાજુ એની મોટી બહેનાને બાથમાં લઈને બેઠી રહી. એને લાગ્યું કે માડી ધ્રૂજતી હતી. એને માડીને કંઈક પૂછવું હતું. બીકના માર્યા એનો અવાજ નીકળતો ન હતો. એને એમ જ નીંદર આવી ગઈ. બાપાએ એને ઉંચકીને ખભે નાખ્યો ને એ જાગી ગયો. બાપા એને લઈને ભાગ્યા. સાથે જ ચીસો પાડતી માડી અને એની મોટી બહેન પણ ભાગ્યાં. થોડી વારમાં તો આખો વાસ રાડારાડ કરતો ભાગતો દેખાયો. આઘેથી ગામના મોટેરાઓ લાકડીઓ ને તલવારો ને સળગતા કાકડાઓ લઈને રાડો પાડતા દોડતા આવતા દેખાયા. બધાથી આગળ હતા હાથમાં સળગતી મશાલ સાથે મુખી બાપા. ટોળાએ વાસને બાળી મુક્યો. ભેગા નહીં ભાગી શકેલા બધા જંતુઓ પણ બળી મૂઆ. માનવજંતુઓ સહિત. ભાગેલા માનવજંતુઓ પોલીસ થાણે જઈ ભરાયા. આખો દિવસ ખાવા-પીવા તો કાંઈ ના મળ્યું પણ એમનાં જીવ બચ્યાં. કનિયો રડતો રડતો ભૂખ્યો જ ઊંઘી ગયો. તે રાતે સપનામાં એને મુખી બાપા રાક્ષસ બનીને દોડતા આવતા દેખાયા.

કનિયાને કે મનિયાને પણ કાંઈ ઝાઝું સમજાયું તો નહીં. વખત વીત્યો. એ લોકો પાછા બળી ગયેલા વાસની જગાએ નવા ઝૂંપડાઓ બનાવી રહેવા આવી ગયા. આગ તો બાપડી અકસ્માતે લાગેલી. થોડાક બળી ગયેલાં જંતુઓને બાદ કરતાં, બધું પહેલા હતું તેવું થઈ ગયું. 

વળી પાછા બીજા એક દિવસે કનિયાને ગુંચવાવાનો વારો આવ્યો. માડીને ગાળો દેતા અને ઝૂડી નાખતા બાપાને તો એણે ઘણી વાર જોયેલા. વાસમાં આવી ઘટનાઓ તો લગભગ ઘરેઘરે વારે વારે થતી. બાપા ગામની શેરીઓ વાળવા જતા, ત્યાંથી ઘણી વાર માર ખાઈને આવતા ને પછી માડીનું આવી બનતું. ગામના મોટેરાઓએ જે ગુસ્સો બાપા ઉપર ઠાલવ્યો હોય તે બધ્ધો બાપા માડી ઉપર બમણો કરીને ઠાલવતા. બાપા વિફર્યા હોય ને માડીને ફટકારતા હોય ત્યારે વાસના લોક જોયા કરતા, પણ કોઈ માડીને છોડાવવા વચ્ચે પડતું નહીં. પણ તે દિવસે નવાઈની વાત થયેલી. કો’ક ધોળાં કપડાંવાળી બાયડી માડીના ને બાપાના ઝગડામાં વચ્ચે પડેલી. એનાં કહેવાથી વાસના બે જણાએ બાપાને થાંભલે બાંધીને માથે ઘડો ભરીને પાણી પણ રેડી દીધેલું. ને પાછા જતાં જતાં એ બાયડી કહેતી ગયેલી કે તે દિ’થી વાસની બધી બાયુંને અને છોડિયુંને એણે પોતાની બેન્યું ને દીકરીયું માની લીધી છે. જો કોઈપણ એની બેન્યું-દીકરીયું ઉપર હાથ ઉપાડશે તો એ હાથ ઉપાડનારાને છ છ મહિના મામાને ઘેર રહેવા મોકલાવી દેશે. કનિયાને થયેલું કે લાવને હું ય મારી મોટી બેનાને ફટકારું. છ મહિના મામાને ઘેર રહેવા મળે તો તો મઝા જ મઝા પડી જાય. મામા-મામી એને કેટલું વહાલ કરતાં! આખ્ખો વખત ભનુભઈ ભનુભાઈ કર્યા કરતાં. મામી પોતાને માટે ખાવાનું પણ કેવું જાતજાતનું ને ભાતભાતનું બનાવતાં. ત્યાંથી કપડાં પણ નવ્વા મળી જતાં. ત્યાં તો પાછું કનિયાને થયેલું કે હું બહેનાને મારવા જાઉં ને બહેના જ ઊલટાની એને ધોકાવી નાખે તો?! વળી, પછી તો બહેના વહાલ કરે છે ને પોતાના ભાગમાંથી ખાવાનું આપે છે તે તો ભૂલી જ જવું પડે ને? કનિયો ગુંચવાયેલો …

… અને ગુંચવાયેલો એટલે ઉપડેલો મનિયા પાસે. મનિયાએ તે દિવસે એને સમજાવેલું કે એ ધોળાં કપડાંવાળી બાયડી તો બહુ મોટા માણસની ઘરવાળી હતી. ગાંધીબાપુની ચેલકી હતી. ગાંધીબાપુનું કહ્યું બધ્ધા માને. આનાથી વધારે તો મનિયો પણ કંઈ નહોતો જાણતો. અને હા, બહેનાને તો મરાય જ નહીં. પાપ લાગે.

બે-ચાર દા’ડા પછી પેલી ધોળાં કપડાંવાળી બાયડી પાછી આવેલી. જોડે બે-ચાર જુવાનિયાઓ ને જુવાનડીઓ પણ હતા. વાસના જે જે છોકરા-છોકરીઓને એમના મા-બાપ નિશાળે નહોતાં મોકલતાં તે બધાંને ભેગા કરી ને ગામની નિશાળે લઈ ગયેલી. બધાંના નામ શાળામાં દાખલ કરાવી દીધેલાં. પાટી-પેન અને સુખડીની દાબડીઓ ઈનામમાં આપેલી. 

તે દિવસે રાતે ઊંઘમાં એ ધોળાં કપડાંવાળી બાયડી દયાની દેવી બનીને કનિયાના સપનામાં આવેલી … અને એમ કનિયા-મનિયાનું ભણતર શરૂ થયેલું. સમયના વહેણે વાસને ઝૂંપડપટ્ટીમાં, ફળિયાઓને ફ્લૅટોમાં ને ખેતરોને ગામથી દૂર ધકેલી દઈને ફાર્મ-હાઉસોમાં પલટી નાખ્યાં. ગામને શહેર ગળી ગયું. કનિયો પ્રાથમિક શાળાનો હેડ માસ્તર, કનુભાઈ સોલંકી થઈ ગયો. મનિયો ક્રિમિનલ લૉયર મનુભાઈ મકવાણા થઈ ગયો. અને મુખીબાપા જંગી બહુમતીથી ચૂંટાયેલા ધારાસભ્ય.

કનિયામાંથી કનુભાઈ થવાની સફર દરમ્યાન એક ગડમથલ કનુભાઈના મનમાં કાયમ ચાલ્યા કરતી. શું કરવું જોઈએ …. રાક્ષસરૂપે દોડતા આવતા અનેક મુખી બાપાઓ સામે શિંગડા ભરાવવા કે ધોળી સાડીવાળી પેલી દયાની દેવીની ટોળીઓમાં ભળી જવું? મન-ઘડિયાળનું લોલક ક્યારેક શિંગડા ભરાવવા તરફે ઢળતું તો ક્યારેક દયાની દેવીઓની ટોળીઓમાં ભળવા તરફ ઢળતું.

આજે કનુભાઈનું મન શિંગડા ભરાવવા તરફે ઢળતું જતું હતું. થયેલું એવું કે બે જ મહિનાથી હંગામી ધોરણે શિક્ષિકાની નોકરી પર લાગેલી સુજાતા ત્રિવેદી આજે કનુભાઈના ટેબલ ઉપર રાજીનામું ફેંકીને જતી રહેલી. હસમુખી, મિલનસાર અને હોંશિયાર સુજાતા બે મહિનાના ટૂંકા ગાળામાં પણ અન્ય શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો આદર કમાઈ ચુકેલી. અધુરામાં પુરું એના કુટુંબની અત્યંત નબળી આર્થિક સ્થિતિ પણ એને બધાની સહાનુભૂતિ રળી આપતી. 

બે દિવસ પહેલાં થયેલું એવું કે સુજાતાએ તખુભા જાડેજાના દીકરાને રામા ગામિતની દીકરીના વાળ ખેંચવા બદલ વીસ વખત ‘હવે આવું નહીં કરું’ લખવાની સજા કરેલી. તખુભા જિલ્લા શિક્ષણ અધિકારીના ડ્રાઈવર. દીકરાએ વાતને વધારી-ચગાવીને તખુભાને અને તખુભાએ વધારે મીઠું-મરચું ભભરાવીને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી. કનુભાઈને આજે એ બાબતે જિ.શિ.અ. સાહેબ પાસેથી ઠપકો સાંભળવો પડેલો અને એમણે એ ઠપકાનું પડીકું સુજાતાને પકડાવી દીધેલું. એ દિવસે સુજાતા ચોક્કસ જ કોઈ ખરાબ મૂડમાં હોવી જોઈએ. એણે રાજીનામું ધરી દીધું. સુજાતા શાંતિથી રાજીનામું આપીને જતી રહી હોત તો તો કદાચ બહુ તકલીફ ના થાત, પણ એણે રાજીનામું પાંચ જણાની વચ્ચે કનુભાઈના ટેબલ ઉપર ફેંકેલું, ચપટી વગાડીને ફેંકેલું. અને જતાં જતાં તીખા તમતમતાં અવાજે બોલેલી : ‘શાળાના હેડમાસ્તર પાસે આવી અપેક્ષા ના હોય. ખોટી વાતનો પક્ષ લો છો, મિ. સોલંકી!’ 

કાયમ ‘સાહેબ’સાંભળવા ટેવાયેલા કાન ‘મિ. સોલંકી’ પચાવી ના શક્યા. સુજાતાએ વગાડેલી ચપટી કનુભાઈના કાનમાં બોમ્બ ફૂટ્યાના ધડાકા જેવી ગુંજતી રહી. એમનું સમગ્ર અસ્તિત્વ અવમાનથી જન્મેલા ક્રોધાવેશમાં કંપી રહ્યું. સુજાતાના અણધાર્યા પ્રતિભાવથી એમનું મગજ સુન્ન થઈ ગયું. યુગોથી ઉચ્ચ કહેવતા લોકો દ્વારા પછાતો ઉપર કરાયેલા અત્યાચારો એમના મનોચક્ષુ સમક્ષ ભૂતાવળની જેમ નાચવા માંડ્યા. મન-પંખી ઉડતું ઉડતું શંબૂક વધના સમયગાળા સુધી પહોંચી ગયું. અપમાન અને ક્રોધથી અંધ બનેલી એમની આંખે ગરીબડી ગાય જેવી સુજાતા, માતેલા આખલા જેવી દેખાવા લાગી. શું કરવું શું ના કરવું ના મન હિંડોળામાં કનુભાઈ અટવાયા. એવામાં એમના ફોનની ઘંટડી વાગી. કોનો ફોન છે તે જોયા વગર જ એમણે ચીડાઈને ફોન બંધ કરી દીધો. થોડી વાર પછી ફરીથી ઘંટડી વાગી. કનુભાઈએ ફરીથી ફોન બંધ કરી દીધો. ક્યાં ય સુધી હારેલા સેનાપતિની જેમ ખુરશી પર ખોડાઈ રહ્યા. છેવટે સુજાતાનું રાજીનામું ગજવામાં નાખી પોતાના સંકટમોચન લંગોટિયા મિત્ર, મનિયા-મનુભાઈના શરણે જવા ખુરશીમાંથી જાતને ઊભી કરી. મનુભાઈના ઘર તરફ ધકેલી.

મનુભાઈ ચબરાક અને ધાર્યા નિશાન પાડનારા વકીલ તરીકે સારી એવી નામના કમાઈ ચુકેલા. સ્વભાવ ઉગ્ર. લોકો એમને ડર મિશ્રિત આદરથી જોતા. એ જરૂર સુજાતાએ કરેલાં ઘા પર મલમપટો કરવાનો ઉપાય બતાવશે એ વિચારે કનુભાઈના ટાંટિયામાં જોર આવ્યું.

મનુભાઈના ઘરે પહોંચેલા કનુભાઈએ રોજ કરતાં જુદો જ માહોલ જોયો. ઘરના બધા જ જણ અને બીજા બેચાર વધારાના લોકો પણ ઘરની સાફસફાઈમાં લાગેલા હતા. સઘળું ફર્નિચર ચકચકાટ સાફ થઈ રહ્યું હતું. નવા પડદા ટીંગાડાતા હતા. તોરણો લટકાવાતાં હતાં. રંગોળી પૂરાતી હતી. કોઈ ખુશીના પ્રસંગની ધમધોકાર તૈયારીઓ ચાલી રહી હતી. મનુભાઈ જાતે ઊભા રહીને ઉત્સાહભેર સૂચનાઓ આપતા હતા.

કનુભાઈને જોઈને દોડતા આવીને મનુભાઈ ભેટી જ પડ્યા. શ્વાસભેર બોલવા માંડ્યા : “તું આટલી જલદી કેવી રીતે આવી પહોંચ્યો? સવારનો ફોન કરું છું. તારો ફોન પણ તારા જેવો જ છે. દશેરાને દહાડે જ ટટ્ટુ દોડતું નથી. મનીષ સાયકલ લઈને બહાર નીકળતો હતો. તેને મેં હજુ હમણાં તો કહ્યું કે જતાં જતાં કાકાને કહેતો જા કે તરત બોલાવ્યા છે. એ તો હજી તારી સ્કૂલે પહોંચ્યો પણ નહીં હોય … તું કેવી રીતે આટલો જલ્દી આવી પહોંચ્યો? તને કોણે સમાચાર આપ્યા?”

મનુભાઈનો ઉત્સાહ એમના રોમેરોમમાં ઉભરાતો હતો. એના જોશના ધોધમાં વહી રહેલા કનુભાઈને સમજ નહોતી પડતી કે પોતે જે કમઠાણની વાત લઈને આવ્યા છે તે કરવી કે નહીં. માંડ માંડ આટલું બોલી શક્યા : “મને કાંઈ જ ખબર નથી. શું થયુ છે તે તો કહે.”

“હ્ત્તારીની! મેં તો આંધળે બહેરું કૂટ્યું. ચાલ ચાલ, તને નિરાંતે માંડીને વાત કરું.” કહી મનુભાઈએ કનુભાઈનો હાથ પોતાના હાથમાં લીધો. બન્ને મિત્રો ચાલતા ચાલતા ચાલીની બહાર આવ્યા. રફીક મિયાંના ગલ્લે બે કડક મીઠીનો ઓર્ડર આપ્યો. ખાલી થયેલા રંગના ઊંધા ગોઠવેલા ડબ્બાઓ ઉપર સામસામે ગોઠવાયા. મનુભાઈએ શરૂ કર્યું.

થયું એવું કનિયા, કે આજે મારે કંઈ કામ નહોતું એટલે હું કોર્ટમાં જવાનો ન હતો. ઘરે આવેલા એક અસીલ સાથે લમણાઝીંક પતાવીને હું સહેજ આડો પડેલો જ હતો કે એક અજાણ્યા નંબર પરથી મારા મોબાઈલ પર રિંગ આવી. પહેલી વાર તો વાગવા દીધી. ફોન લીધો પણ નહીં. થોડી વાર પછી એ જ નંબર ઉપરથી ફરી રિંગ વાગી. મેં તો જરાક ખીજવાયેલા અવાજે જ પૂછ્યું : ‘કોણ છે’વ?’મને તો ખબર નહીં પણ સામે છેડે તો સિવિલ જજ દીવાનસાહેબ હતા.

મને કહે : ‘સૉરી મનુભાઈ! જરા ખોટા સમયે ફોન થઈ ગયો લાગે છે. મન્મથ દીવાન બોલું છું. આપ વકીલ છો એટલે મને જાણતા જ હશો. હાલમાં હું અંહી સિવિલ જજ છું. થોડી અગત્યની વાત કરવી હતી. ક્યારે ફોન કરું તો આપને વાત કરવાનું અનુકૂળ રહેશે?’

તું નહી માને કનિયા,પણ હું તો જવાબ આપતા તતફફ તતફફ થઈ ગયો. સિવિલ જજ દીવાન સાહેબ મારા જેવા સાધારણ વકીલને સામેથી પોતે જાતે શું કામ ફોન કરે? મારાથી તો સરખી રીતે બોલાતું પણ નહોતું. હું તો માંડ માંડ બોલી શક્યો : ‘સૉ… સૉ… સૉ… સૉ… સૉરી  સાહેબ. ફોન ઉપર આપ હશો એવો ખ્યાલ ન હતો. ફ… ફ… ફ… ફરમાવો. શ… શ… શ…શીદ યાદ કર્યો?’

દીવાન સાહેબ કહે : આપને મનીષભાઈએ વાત નથી કરી લાગતી. સમજી શકું છું. વાત એમ છે મનુભાઈ, કે આપના દીકરા મનીષભાઈના અને મારી દીકરી મલ્લિકાના મન મળી ગયાં છે. આપને તો ખ્યાલ નહીં હોય પણ અમારા બન્ને ભાઈઓ વચ્ચે ….. દીકરો ગણો કે દીકરી … એક જ સંતાન છે. જો આપને મંજૂર હોય તો આ અંગે વધુ વાત કરવા હું, મારા પત્ની રોહિણી અને મારા ભાઈ-ભાભી આવતીકાલે આપને ત્યાં આવવા માંગીએ છીયે. 

કનુડા, મેં કહ્યું : સાહેબ આપ શા માટે … અમે આપને ત્યાં …” તો મને અધવચ્ચે અટકાવીને દીવાન સાહેબ કહે, આપે હવે મને હવે ‘સાહેબ’ નહીં કહેવાનું …. મન્મથ તમે … બહુ બહુ તો મન્મથભાઈ તમે … કહેવાનું. અને જુઓ આપને વિચારવા માટે વધારે સમય જોઈતો હોય તો આપ કહો તેટલા દિવસો પછી ફોન કરું. આ તો મલ્લિકાએ ખુશખબર આપી ત્યારથી હરખના માર્યાં મારા ને રોહિણીના મન ઝાલ્યા નો’તાં રહેતાં એટલે તરત પહેલાં મારા ભાઈ-ભાભીને ફોન કર્યો અને પછી આપને કર્યો છે. આપને ઠીક લાગે ત્યારે આપ મને જણાવજો. અમે આવી જાશું. મલ્લિકા કહેતી હતી કે આપ આ સાંભળીને ખૂબ જ રાજી થશો. એટલે મારાથી આપને ત્યાં આવવાની વાત કરવામાં થોડી ઉતાવળ થઈ ગઈ. આપને વિચારવાનો સમય મારે આપવો જોઈતો હતો. માફ કરજો.

અબે સાલ્લા કનિયા, મને તો સમજ જ નહોતી પડતી કે શું કહેવું. મારું તો મગજ જ બહેર મારી ગયું હતું. હું શું બોલતો હતો એનું પણ મને ભાન નહોતું રહેતું. જેમ તેમ ગોટાવાળીને ફોન પર વાત પતાવી. માંડ માંડ ‘સાહેબ થોડી વાર પછી ફોન કરું’ કહીને ફોન મૂક્યો. મનીષિયાને બોલાવીને ખુલાસો પૂછ્યો ત્યારે બધી વાતની ગડ બેઠી. સાલ્લો મનીષિયો …. છુપો રૂસ્તમ નીકળ્યો. હવે તું જ કહે કનુડા, આપણે તો શું વિચારવાનું?

મેં તો મનષિયાની માને અડધી પડધી વાત કરી, ના કરી …. ત્યાં એની મા ફટ્ટ દેતીને મને કહે : ‘એમને એમની છોડીમાં વશવાસ સે ને તમુંને તમારા છોરામાં વશવાસ નથ? છોરાને ખુલાસો પૂછવા હું બેઠા? ને મને મુઈને પુછવા હું બેઠા? ઝટ સાયેબને ફોન જોડો ને બોલાવી લો કાલને કાલ આપડે ઘેર. એવડો ઈ છોડીનો બાપ સીં. પછી ફોન કરું કઈને તમે ઈ બચ્ચાડા જીવને કેટલી ચંત્યામાં મેલી દીધો એનો વશાર આવે સીં?’

મેં ફોન જોડ્યો તો સાહેબ કહે; ‘હવે આપે હા પાડી છે એટલે કાલે અમે ચોક્કસ જ આવીશું. સાંજના ચારેક વાગે પહોંચીએ તો ચાલે? કનિયા, કાલે ચાર પહેલાં તું ને ભાભી આવી પહોંચજો.’

મનુભાઈ તો લગભગ એક શ્વાસે બધું બોલી ગયા. કેમ ના બોલી જાય? કનુભાઈ હતપ્રભ. અવાચક …!

ઘરે કોઈ આવ્યું ને મનીષ બોલાવવા આવ્યો એટલે કાલે મોડા ના પડતા કહી મનુભાઈ તો વિદાય થયા. કનુભાઈ ત્યાં જ બેઠા બેઠા મન-હિંડોળે ચઢ્યા. અત્યારે એમને દયાની દેવીઓની ટોળીમાં ભળવું જોઈએ એવું લાગવા માંડ્યુ હતું. રફીક મિયાં કનુભાઈને સૂનમૂન બેઠેલા જોઈને સામે આવી બેઠા. ‘ક્યાં ખોવાઈ ગયા હેડમાસ્તર સાહેબ? એમણે બેસતાં બેસતાં પૂછ્યું. 

‘ક્યાંયે નહીં. અહીં જ તો છું, રફીક્ભાઈ. જરા ગોટે ચડી ગયો હતો. શું કરવું જોઈએ? રાક્ષસ મુખીને ચૂંટનાર જંગી બહુમતી સામે લડવું જોઈએ કે પછી દયાની દેવીની ટોળીમાં ભળી જવું જોઈએ?’ કહીને કનુભાઈએ પોતાનો છેક બાળપણથી પીછો ન છોડતો સવાલ ટૂંકમાં કહી બતાવ્યો. 

રફીક મિયાં બોલ્યા, “તમને જવાબ એટલે નથી મળતો, સાહેબ, કે તમે જવાબ બહાર શોધો છો. મારા જેવાઓ પાસે … મનુભાઈ જેવાઓ પાસે … છાપાઓમાં …. પુસ્તકોમાં …. ટી.વી. જેવા માધ્યમોમાં …. સંતો-વિદ્વાનોના … પ્રવચનોમાં …. ત્યાં ના મળે આનો જવાબ, સાહેબ. આનો જવાબ તો તમારે તમારી અંદર જ શોધવાનો હોય.”

કપમાં થોડી બાકી રહી ગયેલી રફીક મિયાંની ચા પીતાં પીતાં જ સાંભળેલી આ વાતે કનુભાઈના મનમાં વીજળીની જેમ ઝબકારો કરી દીધો. રફીક મિયાંએ જાણે અંધારી ગુફાના માર્ગે આગળ વધવા મશાલ પ્રગટાવી આપી. એમને થયું વાત તો ખરી છે રફીક મિયાંની. જવાબ જાત પાસેથી મેળવવો પડશે. રફીક મિયાંને પૈસા આપી કનુભાઈએ ચાલવા માંડ્યું. સાથે સાથે મગજ પણ ચાલવા માંડ્યું.

જગતમાં તો જેમ દેવો છે તેમ દાનવો પણ છે. ક્યારેક ઝગડાઓ અને યુદ્ધો તો ક્યારેક શાંતિ અને સુમેળ. આ તો સતત ચાલતું આવેલું અને ચાલતું રહેવાનું કાળચક્ર છે. કોઈ પણ યુદ્ધ ભલે ન્યાય અને શાંતિ માટે શરૂ કર્યું હોય, એનું પરિણામ થોડે ઘણે અંશે અન્યાય અને હિંસા જન્માવતું જ હોય છે. મારી મૂળભૂત પ્રકૃતિ શું છે? મારે એને ઓળખવાની છે, એને અનુસરવાની છે અને એને વફાદાર રહેવા મથવાનું છે. સમય અને સંજોગો પ્રમાણે મૂડ તો બદલાયા કરે, પ્રકૃતિ નહીં. જેટલા પ્રકૃતિને વફાદાર રહેવાશે તેટલા સ્વસ્થ અને શાંત રહી શકાશે. ગોટે નહીં ચડાય. વર્ષોથી ચાલી આવતી પેલી શિંગડા ભરાવવા કે દયાની દેવી તરફ ઢળવું વાળી વાત વચ્ચે ચાલતા દ્વંદ્વનો આખરે અંત આવ્યો. આ સ્પષ્ટતાએ કનુભાઈના પગને નવી દિશા આપી.

સુજાતાએ બારણું ખોલ્યું ને સામે કનુભાઈને ઊભેલા જોયા. એ હતપ્રભ થઈ ગઈ. એક અક્ષર પણ બોલ્યા વગર કનુભાઈએ ગજવામાંથી સુજાતાના રાજીનામાનો કાગળ કાઢ્યો. એના ચાર ટુકડા કરી સુજાતાના હાથમા મૂક્યા. શું થઈ રહ્યું છે એ હજી સુજાતા પૂરું સમજી ન શકી. બે હાથ જોડી લાગણીભીના ગળગળા અવાજે કનુભાઈએ એની માફી માંગી ત્યારે જ એને ઘટી રહેલી ઘટનાનો પૂરો તાગ આવ્યો. માફી માગી રહેલા કનુભાઈની સાત્ત્વિક ઊંચાઈનો અંદાજ આવતાં તે આદરપૂર્વક હેડમાસ્તર સાહેબને નમન કરી ઘરમાં આવકારતી પાછી હઠી. 

ઘરના અંદરના ઓરડામાં, આગળના ઓરડામાં ચાલી રહેલી ઘટનાઓથી અજાણ, સુજાતાના પતિએ રેડિયો ચાલુ કર્યો. ઘર બિસ્મિલ્લાખાનની શરણાઈના સૂરોથી મહેકી ઉઠ્યું. દીવાલ પર ટાંગેલી ગાંધી-આંબેડકરની છબીઓના ચહેરાઓ પર મધ મીઠો મલકાટ પ્રસરી રહ્યો. 

[શબ્દ સંખ્યા: ૨૪૫૩]
ઈ/૮, સ્ટર્લિંગ રો હાઉસ, સુભાષ ચોક, ગુરુકૂળ રોડ, મેમનગર, અમદાવાદ, ૩૮૦ ૦૫૨
e.mail : naik_ashok2001@yahoo.com

Loading

...102030...264265266267...270280290...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved