Opinion Magazine
Number of visits: 9683807
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાર્ટૂનિસ્ટોની નજરે ડો. બાબાસાહેબ આંબેડકર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 December 2019

અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પના એક વિવાદિત કાર્ટૂન પછી આ વરસથી નીડર અને સ્વતંત્ર અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ને રાજકીય કાર્ટૂન નહીં છાપવાનો નિર્ણય કરવો પડયો છે. એ જ દિવસોમાં દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના પ્રમુખ સંવિધાન નિર્માતા. ડો. બાબાસાહેબ આંબેડકર પરના કાર્ટૂન્સની કિતાબ પ્રગટ થઈ અને તેનું સર્વત્ર સ્વાગત થયું. આ માટે ડો. આંબેડકરના ચાહકોની હિંમત અને સંયમને દાદ દેવી પડે.

લાગણી દુભામણીના કારણે થતા વિરોધથી આંબેડકરનાં કાર્ટૂન્સ પણ મુક્ત નહોતાં. ૨૦૧૨ના વરસમાં સી.બી.એસ.સી.ના ધોરણ ૧૧ના સમાજવિજ્ઞાનના પાઠયપુસ્તકમાં ડો.આંબેડકરના એક કાર્ટૂનનો વિવાદ થયો હતો અને કેન્દ્રની તત્કાલીન યુ.પી.એ. સરકારે તેને અભ્યાસક્રમમાંથી દૂર કરવું પડયું હતું. છેક ૧૯૪૯માં પ્રગટ કે. શંકર પિલ્લઈના એ કાર્ટૂનમાં બંધારણના ઘડતરની ધીમી ગતિને વાચા આપવામાં આવી હતી. આ કાર્ટૂનમાં ડો. આંબેડકરને બંધારણ રૂપી ગોકળગાય પર બેઠેલા અને તેને વડાપ્રધાન પંડિત નહેરુ ચાબુક ફ્ટકારતા ચિતરવામાં આવ્યા હતા. આંબેડકરના અનુયાયીઓને તે બાબાસાહેબનું અપમાન લાગ્યું હતું એટલે સંસદથી સડક સુધી તે કાર્ટૂનનો ભારે વિરોધ થયો હતો. આ સ્થિતિમાં ડો. આંબેડકરના કાર્ટૂનનું પુસ્તક દલિત સંશોધક અને દલિત પ્રકાશક થકી કશા વિરોધ વિના પ્રકાશિત થાય તે આનંદપ્રદ ઘટના છે.

ડો. આંબેડકરના કાર્ટૂનનો ગ્રંથ ‘નો લાફ્ગિં મેટર (ધ આંબેડકર કાર્ટૂન્સ ૧૯૩૨-૧૯૫૬)’ આંબેડકરી સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરણ છે. ૨૦૧૨માં થયેલા આંબેડકર કાર્ટૂન વિવાદ પછી રચાયેલી તત્કાલીન યુ.જી.સી. ચેરપર્સન સુખદેવ થોરાટ સમિતિ સમક્ષ રજૂ કરવાના આશયે ઉન્નામતિ શ્યામ સુંદર નામના સંશોધકે બાબાસાહેબ આંબેડકરના કાર્ટૂનની શોધ આદરી. ચાર વરસની ભારે જહેમત અને અનેક ખાંખાખોળા પછી તેમને હાથ લાગેલા અને અંગ્રેજી મીડિયામાં છપાયેલાં ૧૨૪ કાર્ટૂન પુસ્તકમાં સંગૃહીત છે. ૯ અંગ્રેજી અખબારો – સામયિકોમાં પ્રગટ દેશના જાણીતા ૧૧ કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન આ પુસ્તકમાં છે. આ કાર્ટૂનિસ્ટો છે, કે. શંકર પિલ્લઈ, આર.કે. લક્ષ્મણ, અબુ અબ્રાહમ, અનવર અહમદ, વાસુ, ઓમેન, બિરેશ્વર, આર. બેનરજી, ઈરાન, રવીન્દ્ર અને કુટ્ટીનાં ૧૨૪ કાર્ટૂન અહીં સાત કાળખંડમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. ૧૯૩૨થી ૧૯૩૬ અને ૧૯૪૨-૪૩ના પહેલાં બે તથા ૧૯૫૩થી ૫૬ના સાતમા કાળખંડનાં ૧૧-૧૧ કાર્ટૂન છે. ૧૯૪૪થી ૪૬ના વર્ષના ૧૨, ૧૯૪૭-૪૮નાં ૧૬, ૧૯૪૯-૫૦નાં ૨૭ અને ૧૯૫૧-૫૨નાં ૩૬ કાર્ટૂન છે. ડો. આંબેડકરના રાજકીય જીવનનાં મહત્ત્વનાં વર્ષો અને ઘટનાઓ આ કાર્ટૂનમાં આલેખાયાં છે. અડધોઅડધ (૬૩) કાર્ટૂન ૧૯૪૯થી ૧૯૫૨નાં ચાર વરસોનાં છે. એ જ રીતે કુલ કાર્ટૂનના અડધા કરતાં વધુ કાર્ટૂન શંકરનાં છે. ૧૯૩૨ના કોમી ચુકાદા અગેના શંકરના ‘ટેન્સ મોમેન્ટ્સ'(તણાવની ક્ષણો)થી આરંભાતી અને ૧૯૫૬ના ધર્મપરિવર્તન અંગેના ‘ભિખ્ખુ ભીમરાવ’થી સમાપ્ત થતી આ કાર્ટૂનકિતાબ ડો. આંબેડકરની રાજકીય જીવનયાત્રા પણ આલેખે છે. વિસ્તૃત સંપાદકીય અને પ્રત્યેક કાર્ટૂન સાથે ડો. આંબેડકરના જીવનનો સમયસંદર્ભ સ્પષ્ટ કરતી સંપાદકીયનોંધ આ પુસ્તકને માતબર બનાવે છે.

પત્રકારત્વ અને કલાના મિશ્રણસમા કાર્ટૂનમાં સાંપ્રત ઘટનાઓ અંગેની આલોચના હોય છે. એ રીતે કાર્ટૂન વૈકલ્પિક ઇતિહાસનો દસ્તાવેજ બની શકે છે, પરંતુ તે ત્યારે જ શક્ય બને જ્યારે તે વ્યક્તિને વ્યક્તિવિશેષને બદલે વિષયવસ્તુ કે વ્યક્તિ તરીકે વ્યક્ત કરે.

સત્તાનશીનોને જમીન અને જનમાનસનું સત્ય બતાવવાની તાકાત પણ કાર્ટૂનમાં હોય છે. આ માપદંડે ચકાસીએ તો કાર્ટૂનમાં આલેખિત ડો. આંબેડકરનું કેવું ચિત્ર એ સમયના અંગ્રેજી મીડિયાએ ઉપસાવ્યું હતું તે જાણવું રસપ્રદ છે. કાર્ટૂનિસ્ટો નેતાઓના ઠઠ્ઠાચિત્રમાં તેમના શારીરિક દેખાવની કેટલીક ખૂબીઓ (જેમ કે અડવાણીની મૂછો, રાજીવ ગાંધીનું નાક, નરસિંહરાવનો લબડતો હોઠ) ઉપસાવીને તે દ્વારા નેતાનું વ્યક્તિત્વ ઉપસાવે છે. કાર્ટૂનમાં ડો. આંબેડકરનું વ્યક્તિત્વ નાનું કે ઠીંગણું કદ દર્શાવીને ઉપસાવ્યું છે. એ સમયના મોટા ભાગના કાર્ટૂનિસ્ટોએ તેમને નકારાત્મક ભાવના સાથે વ્યક્ત કર્યાં છે. એટલે તેમના કાર્ટૂનમાં બાબાસાહેબને બેઢંગ, કાર્ટૂનફ્રેમના ખૂણામાં જમીન પર બેઠેલા, રોતલ બાળક, સાડી પહેરેલી મહિલા તરીકે એમ સરવાળે સ્વાર્થી અને આત્મમુગ્ધ દર્શાવ્યા છે. કાર્ટૂનિસ્ટોએ તેમને અપમાનિત કરવામાં કોઈ કસર છોડી નથી તેમ ભારોભાર ઉપેક્ષા પણ કરી છે. ડો. આંબેડકરનું જાહેરજીવન આરંભાયાના દોઢ બે દાયકા બાદ જ્યારે ૧૯૩૨ના પૂનાકરાર વખતે તેઓ ગાંધીજીના વિરોધી તરીકે જાણીતા થયા તે પછી જ તે કાર્ટૂનનો વિષય બન્યા હતા, તે હકીકત આંબેડકર પ્રત્યેની તત્કાલીન માધ્યમોની ઉપેક્ષા અને અનુદાર વલણ દર્શાવે છે.

૩૦મી જુલાઈ, ૧૯૩૨નું શંકરનું કાર્ટૂન અલગ મતદારમંડળ સંબંધી કોમી ચુકાદો ઝંખતા નેતાઓની તણાવની ક્ષણો વ્યક્ત કરે છે. કાર્ટૂનમાં બ્રિટિશ મંત્રી સેમ્યુઅલ હોરેને કોમ્યુનલ એવાર્ડ રૂપી મરઘી પર બેઠેલા બતાવી તેના ઇંડાની પ્રતીક્ષા કરતા આંબેડકર સહિતના મુસ્લિમ, શીખ અને અન્ય નેતાઓને ઓશિયાળા ચહેરે જમીન પર બેસાડયા છે. યેવલા પરિષદમાં ધર્મપરિવર્તનની જાહેરાત પછી પૂના કરારનો અમલ ડો. આંબેડકરના પૂનાકરાર રૂપી ફેડયા વિનાના ઇંડાથી ઓમલેટ પકવતી વ્યક્તિ તરીકેના મર્માળા કાર્ટૂનમાં વ્યક્ત થયો છે. ડો. આંબેડકરનાં ચૂંટણી જોડાણોને તકવાદ તરીકે આલેખતાં એકાધિક કાર્ટૂન અહીં છે. બાબાસાહેબને સાડી પહેરાવી પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી તરીકે દર્શાવ્યા છે તો એક અન્ય કાર્ટૂનમાં તેમને કોંગ્રેસી આખલાને ભગાડતા ચિતર્યા છે. બંધારણના ઘડતરમાં તેમના પ્રદાન સંદર્ભે ૧૯૪૯માં પ્રગટ ‘ધ મોર્ડન મનુ’ અને ‘મનુ મીટ્સ મનુ’ કાર્ટૂન માણવાલાયક છે. હિંદુ કોડ બિલ સંદર્ભે તે સમયે જાગેલા વિરોધને વ્યક્ત કરતાં કાર્ટૂનમાં ૧૨ ફેબ્રુઆરી, ૧૯૫૧માં પ્રગટ થયેલું રવીન્દ્રનું અને ૧૯ સપ્ટેમ્બર, ૧૯૫૧નું બિરેશ્વરનું કાર્ટૂન ધ્યાનપાત્ર છે. આંબેડકરના કાર્ટૂનિસ્ટોએ માત્ર તેમને નકારાત્મક જ ચિતર્યા નથી. ૧૯૩૩ના એક કાર્ટૂનમાં શંકર વર્ણાશ્રમ પર હથોડાથી પ્રહાર કરતા આંબેડકર અને વર્ણાશ્રમની દેવીના મોં પર કાળો કુચડો ફેરવતા પેરિયારને તથા વર્ણાશ્રમને બચાવવાનો પ્રયાસ કરતા અને વર્ણાશ્રમની દેવીના મોં પરથી કાળો રંગ ભૂંસી તેને ઉજળા કરતાં મહાત્મા ગાંધીને પણ આબાદ દર્શાવે છે!!

નિર્વાણ પછી પણ બાબાસાહેબ આંબેડકર કાર્ટૂનનો વિષય બનતા રહ્યા છે. વી.પી. સિંઘ વડાપ્રધાન હોય અને દેવીલાલ નાયબ વડાપ્રધાન હોય તે સરકાર તેમને ભારતરત્નથી નવાજે તો કાર્ટૂનિસ્ટને કટાક્ષ કરવાનું સુઝે જ અને તે દેવીલાલને ‘મહાભારતરત્ન’ ગણાવે છે! કાયમ ગરીબીમાં જીવેલા આંબેડકર કેશલેસ માટે ભીમ એપ બને તો તે પણ કાર્ટૂનિસ્ટને કાર્ટૂનના વિષય તરીકે આકર્ષિત કરે જ. છઠ્ઠી ડિસેમ્બરના આગામી આંબેડકર નિર્વાણ દિને બાબાસાહેબના સૌ ચાહકો માટે આંબેડકરનાં કાર્ટૂન્સ હસવાનો, હસી કાઢવાનો કે લાગણી દુભાવાનો નહીં ગંભીર અભ્યાસનો વિષય બનવો જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 04 ડિસેમ્બર 2019

Loading

સરકાદમી અંગે વધુ. …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 December 2019

‘નિરીક્ષક’નાં સોળમી નવેમ્બરના અંકમાં ‘રે, સરકાદમી !’ વિભાગમાં (આવો વિભાગ પણ ‘નિરીક્ષક’ પાડી શકે) ગુજરાત સાહિત્ય અકાદમી(અને હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી સાહિત્ય અકાદમી)ના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ સહુને પાઠવેલી નવાં વર્ષની શુભેછા અને ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પાઠવેલી પ્રતિ-શુભેચ્છા વાંચવા મળી .સુમન શાહે ગુજરાતી સાહિત્યજગતનાં ‘અણસરખાં વાતાવરણ’માં પ્રવેશેલા ‘મૂંગારા’ની ચિન્તા કરી. તેમણે અકાદમીની સ્વાયત્તતા માટેનો મુદ્દો હવે મન્દપ્રાણ બની ગયો હોવાની જિકર કરી. પણ નિષ્પ્રાણ, નિર્લેપ, નિર્સ્તિત્વ (પ્રકાશ ન. શાહના સરકારી + અકાદમી = સરકાદમી શબ્દની માફક નિઃ + અસ્તિત્વ માટે નિર્સ્તિત્વ શબ્દ સંપાદકશ્રી મંજૂર રાખે ?) હોવા કરતાં મન્દપ્રાણ હોવું ગનીમત ગણી શકાય. સુમનભાઈએ ‘હાલ અકાદમીમાં બે જ છે – મહામાત્ર અને અધ્યક્ષ !’ એવી પણ ટિપ્પણી કરી છે. સુમનભાઈએ આ હોદ્દેદારોના  નામ નહીં લખીને વ્યક્તિનિરપેક્ષ, તટસ્થ વગેરે રહેવાનું પસંદ કર્યું છે, ભલે. અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણ છે અને અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા છે. ‘નિરીક્ષક’નો અંક ૧૮-૧૯ તારીખે હાથમાં આવ્યો તે વખતે એક યોગાનુયોગ એ હતો કે અંકમાં પણ વિષ્ણુ પંડ્યા હતા અને ઝવેરચંદ મેઘાણી નિમિત્તે મારી નજરમાં પણ વિષ્ણુ પંડ્યા હતા.

વાત એમ હતી કે એ દિવસોમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ જયંત મેઘાણીના અભૂતપૂર્વ સંપાદન હેઠળ પ્રસિદ્ધ કરેલાં ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ના પંદર ગ્રંથોના પાનાં ફેરવવાનો (વાંચવાનું તો શું ગજું ?) મોટો આનંદ માણી રહ્યો હતો. અકાદમીએ સમગ્ર મેઘાણી સાહિત્યનાં કુલ ૭,૬૭૪ પાનાંના પંદર પુસ્તકો માત્ર રૂ.૨,૦૭૦/- રૂપિયામાં પ્રસિદ્ધ કર્યા છે. ગ્રંથ સંપાદનની દૃષ્ટિએ આ ગ્રંથો ગુજરાતી સંપાદનકાર્યનું એક સર્વોચ્ચ શિખર છે.

એ ગ્રંથોમાં વાંધાજનક બાબત એ છે કે તેમાંથી સાત ગ્રંથોમાં ‘અધ્યક્ષસ્થાનેથી’ એવાં મથાળા હેઠળ ગુજરાત સાહિત્ય અકાદમી(અને હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી સાહિત્ય અકાદમી)ના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાનું પોતાનું, ખુદના હસ્તાક્ષરવાળી સહીથી આપેલું નિવેદન છે. તે મોટે ભાગે ઉઘડતાં જમણાં પાનાંમાંથી એક પાને ખાસ નજરે ચઢે એ રીતે મૂકાયું છે. વિરોધાભાસે સંપાદક જયંત મેઘાણીનું નિવેદન અચૂકપણે ડાબી બાજુના પાને ઓછું નજરે પડે એ રીતે મૂકાયું છે. એ કદાચ જયંતભાઈની લાક્ષણિક નમ્રતાભરી પસંદગી હોઈ શકે. અધ્યક્ષનું નિવેદન અધ્યક્ષની પોતાની પસંદગી જ નહીં, પણ એમનો આગ્રહ અને નિગ્રહ પણ જણાય છે. વિષ્ણુભાઈ પહેલાંના અકાદમીના કોઈ અધ્યક્ષે અકાદમીના કોઈ પ્રકાશનમાં આ રીતે નિવેદન લખ્યું નથી. દરેક ગ્રંથનું નિવેદન વિષયોચિત હોય તો પણ તેમાંથી મેઘાણી માટેના આદર કરતાં પ્રકાશન પર સત્તાની મહોર મારવાની વૃત્તિ વધુ જણાય છે.

અહીં પ્રસ્તુત આડ-વાત તરીકે યાદ આવે છે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ ભાવનાબહેન દવે. તેમને બોર્ડનાં પ્રકાશનોમાં પોતાના ફોટા સાથે નિવેદન મૂકવાની આદત છે. અનેક વિદ્વાન લેખકોના પુસ્તકોમાં પણ પુસ્તક ઉઘાડતાંની સાથે વાચકને પહેલો ઉપાધ્યક્ષનો ફોટો દેખાય, તેની સાથે તેમનું નિવેદન હોય અને પછી પુસ્તકનાં નામ અને લેખકના નામનું પાનું આવે. સર્જકતા કે જ્ઞાન કરતાં સત્તાને પહેલાં રાખવાની આ મનોવૃત્તિને – ઓછામાં ઓછું કહીએ તો ય – જાહેરજીવનના સંદર્ભે વાંધાજનક તો કહેવી જ પડે.

જયંત મેઘાણીનાં સંપાદનકાર્ય તરફ નજર કરતાં સ્વાભાવિક રીતે જ ગુજરાત સાહિત્ય અકાદમીએ અને અન્ય પ્રકાશકોએ બહાર પાડેલાં સંપાદનો યાદ આવ્યાં. અકાદમીએ વીતેલાં વર્ષોમાં, અને તાજેતરમાં પણ, જાણીતા સાહિત્યકારોનાં સમગ્ર કે ચૂંટેલાં સાહિત્યનાં ગ્રંથોના સંપાદનો પર નજર કરી. એ સંપાદનોની જયંતભાઈનાં મેઘાણી-સંપાદનો સાથે સહજ વિદ્યાકીય વૃત્તિથી સરખામણી થઈ ગઈ. કેટલાક સંપાદિત ગ્રંથો પર ગ્રંથાલયમાં નજર  ફેરવી. તેમાં ધ્યાનમાં આવ્યું કે એમાંથી બધાં નહીં તો ય ઘણાં સપાદનોમાં ઘણું ઓછું કામ થયું છે. એ સંપાદકોમાંથી લગભગ બધા, જે તે સમયના, અને અત્યારના સમયના પણ, અગ્રણી સાક્ષરો છે. તેમણે સંપાદનનો અર્થ જ બહુ સંકુચિત કરી નાખ્યો હોવાની છાપ ઉપજે છે. આ સંપાદકોમાં મોટા ભાગના ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપકો પણ છે. કેટલાંકે તો સાહિત્યને લગતાં વિદ્યાકીય કાર્યોમાં (અને કેટલાંકે જાહેર જીવનમાં પણ) પ્રામાણિકતા, નિષ્ઠા અને ઊંચા ધોરણો વિષે વ્યાખ્યાનો તેમ જ લખાણોમાં ઊંચી અપેક્ષાઓ પણ વ્યક્ત કરી છે. તો પછી અકાદમીનાં સંપાદનોમાં  કેમ આવું ? ઇતિ અલમ્‌ !

૨૮ નવેમ્બર, ૨૦૧૯ 

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 13-14 

Loading

સર્વત્ર સદ્‌બુદ્ધિ પ્રવર્તો

ચંદ્રકાંત ટોપીવાળા|Opinion - Opinion|3 December 2019

‘નિરીક્ષક’(૧૬ નવેમ્બર, ૨૦૧૯)માં છપાયેલા સુમન શાહના પત્ર અંગે નુક્તેચીની કરતો એ જ અંકમાં આપનો પ્રત્યુત્તર પણ છપાયો એ યોગ્ય થયું છે. તમે મોઘમમાં પણ ઘણું ખુલ્લું કરી આપ્યું છે, તેમ છતાં બે-ત્રણ મુદ્દાઓ એવા છે, જે ખૂલીને પ્રગટ થવા જોઈએ અને એ જ કારણે હું આપને લખવા પ્રેરાયો છું :

૧. પહેલી વાત તો સુમન શાહે આશ્ચર્યજનક રીતે પોતાની ભૂમિકા બદલી છે. સાહિત્ય સાહિત્ય-૨ મુદ્દે પણ એમણે જાહેર કરેલું કે ‘હું એમ નથી માનતો કે ચૂંટણી હોય તો જ સ્વાયત્ત થવાય’ અને પછી ત્યાં સુધી ઉચ્ચારેલું કે ‘સરકાર મનઘડંત કરશે એમ માની લેવું પણ દુરાશય કહેવાય’ આ એમનું બચાવ-ઉચ્ચારણ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’માં એમણે સ્વીકારેલી એમની સક્રિય ભૂમિકામાંથી આવ્યું હતું. આજે કોઈ કારણસર, ગુજરાત સાહિત્ય અકાદમીથી પોતે ફારેગ થયા પછી અકાદમી પર હલ્લો કરાવવા તેઓ ઉત્સાહિત થયા છે, એ અત્યંત દુઃખદ બાબત છે.

૨. એમનો બીજો આક્ષેપ છે કે પરિષદના ‘પહેલા બે ય બે પ્રમુખ સહિતના વર્તમાન પ્રમુખ ચૂપ છે. બને કે એમનો હૃદયાભાવ કરમાઈ ગયો હોય’. આ બાબતમાં તત્કાલીન પ્રમુખનો ‘પરબ’નો ‘સ્વાયત્તતા’ અંક જોઈ જવા એમને વિનંતી છે. એમાં પૂરી કામગીરીનો નકશો અપાયો છે. આ નિરાધાર વિધાન છે.

૩. આ જ પત્રમાં એમણે નિર્દેશ્યું છે કે ‘મેં એક-દોઢ વર્ષ પહેલાં પરિષદ પ્રતિ આ જ કૉલમમાં લખેલું કે લડત ચાલુ રાખો પણ ફતવો પાછો ખેંચી લો. અકાદમીને લખેલું કે કાર્યવાહક અને માર્ગદર્શક બંને સમિતિઓની નવરચના કરો, નહીં તો આપખુદ લાગશો.’ અહીં સ્વાયત્તતાની કોઈ પણ ભૂમિકાનો સ્વીકાર કર્યા વગર સુમન શાહે બે બાજુ થાપ લગાવવાનો પ્રયત્ન કરી સ્વાયત્તતાને હાંસીપાત્ર બનાવી છે. ખરી વાત તો એ છે કે પરિષદે જાહેર કરેલો એ ‘ફતવો’ નહોતો. કોઈ પણ સ્વમાની અને સંવેદનશીલ ગુજરાતી લેખકની સહજ પ્રતિક્રિયાનો એ સંભવિત આલેખ હતો.

જાનફેસાની માટેનો આ જ સર્વોત્તમ સમય નથી, પણ જે ક્ષણે ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ કોરાણે મુકાયું, ત્યારે જ સુમન શાહ અકાદમી પક્ષે પ્રવૃત્ત થવાને બદલે અન્યથા પ્રવૃત્ત થયા હોત અને એમની જોડે અન્યો પણ જોડાયા હોત, તો ચિત્ર કાંઈક જુદું હોત, ખેર, હજી પણ સુમન શાહ લોકોને સક્રિય થવાની હાકલ કરવા સાથે પોતે પણ સક્રિય થાય અને એમના જેવા બીજા પણ સક્રિય થાય તો સાહિત્યજગતની સરકાર તરફથી થયેલી આ માનહાનિમાંથી જલદી ઊગરી શકાશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 13

Loading

...102030...2,6412,6422,6432,644...2,6502,6602,670...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved