Opinion Magazine
Number of visits: 9576538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટુકડે ટુકડે કટોકટી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|26 October 2019

નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ — આ બંનેનાં લખાણનો પરિચય બહુ મોડેથી થયો. ભણવામાં ‘દર્શક’ની નવલકથામાંથી કે નાટકમાંથી પાઠ આવતા હશે. પણ થોડાં વર્ષ પહેલાં તેમની સોક્રેટિસ અને લોકશાહી વિશેની પુસ્તિકા વાંચીને મનમાં ઘણા ચમકારા થયા. ત્યાર પછી તેમનાં એ પ્રકારનાં વધુ લખાણ વાંચ્યાં. સાથોસાથ, ‘વાગીશ્વરીનાં કર્ણફૂલ’માં તેમણે ક્લાસિક કૃતિઓનું જે રીતે (રસાસ્વાદલક્ષી) વિવેચન કર્યું, તેમાં પણ ‘દર્શક’ની સૂઝ, સ્પષ્ટતા, ઊંડાણ, ચોટદાર અભિવ્યક્તિ, સરળતા ઉપરાંત લોકશાહી અને નાગરિકધર્મ વિશેની નિસબત બહુ સ્પર્શ્યાં. એ વિષયોમાં ‘દર્શક’નાં કેટલાંક લખાણના પ્રકાશમાં આજની સ્થિતિની થોડી વાત કરવી છે.

થોડા સમય પહેલાં ક્યાંક વાંચવામાં આવ્યું : જુલિયસ સીઝર પર લોકશાહીની હત્યાનો આરોપ થયો, ત્યારે સિઝરે એ મતલબનું કહ્યું કે લોકશાહી મરેલી જ હતી. મેં તો તેનું મડદું બહાર ફેંક્યું છે. એટલે કે, એક અર્થમાં સારું થયું. લોકોને વાસ્તવિકતાની ખબર પડી કે હવે ખરેખર લોકશાહી નથી. વર્તમાન સરકારની કામગીરીનું પણ ઘણા લોકો આ ધોરણે મૂલ્યાંકન કરે છેઃ લોકશાહીનું અને બંધારણીય સંસ્થાઓનું ખૂન તો કૉંગ્રેસે કરી જ નાખેલું. એ આરોપ વર્તમાન સરકાર પર મૂકી શકાય તેમ નથી.

એ આરોપ છે તો સાચો. ન્યાયતંત્રથી માંડીને બીજી અનેક બંધારણીય સંસ્થાઓ કૉંગ્રેસના, ખાસ કરીને ઇંદિરા ગાંધીના રાજમાં કોમ્પ્રોમાઇઝ્‌ડ થઈ. લોકશાહીનું શીલ લૂંટાયું, સત્ત્વ ખંડિત થયું. ‘દર્શકે’ પણ ઇંદિરા ગાંધીને ‘ખરાં મેકિયાવેલિયન’ ગણાવીને લખ્યું હતું, ‘મેકિયાવેલી કહે છે, જે પ્રજા માટે રાજ્ય કામ કરે છે તે પ્રજા હકીકતમાં ભોળી અને બીકણ છે, તો બીજી બાજુ લોભી અને લાલચુ છે. તેને તત્કાળ સુખની ઝંખના છે. એટલે તેને કોઈ સિદ્ધાંતો જ નથી કે નથી કોઈ આદર્શની ભાવના. અરે, તમે લાંબા ગાળે કોઈ નંદનવન ઊભું કરવાની યોજના કરો તેની પણ કંઈ પડી નથી. તો તત્કાળ ખરેખર કંઈ આપી દો તેવું પણ નથી. હા, તેમને તત્કાળ કંઈક મળી ગયું તેવો ભ્રમ થવો જોઈએ … લોકોને કશું દઈ દેવું અનિવાર્ય નથી. સત્તા માટે કંઈ પણ કરવું તે ખોટું પણ નથી. પ્રજાને વચનો-દેખાવ દ્વારા જીતી લો. લોકોને મંદિરમાં જવાનું-શ્રદ્ધા રાખવાનું ગમે છે. તો તમે પણ મંદિરમાં જાવ. તમને શ્રદ્ધા છે તેવો દેખાવ કરો …આપણાં ઇન્દિરાજી ખરાં મેકિયાવેલિયન જ હતાં. તેમણે એ રીતે જ વહીવટ ચલાવ્યો અને બરાબર ચૂંટાયાં.’ (સોક્રેટિસથી માર્ક્સ, ૨૦૧૮, પૃ. ૭૭)

આ વાત આગળ કરીને ઘણા એવું સૂચવે છે કે ’ઇંદિરા ગાંધીએ જે કર્યું, તે વધારે અસરકારક રીતે નરેન્દ્ર મોદી કરે છે. તેમાં આભ તૂટી પડ્યું હોય એવો કકળાટ શાનો?’ અને સોશિયલ મીડિયા કે ટીવી ચેનલો પર એવા નોકરિયાત કે ફ્રીલાન્સર પ્રશ્નકર્તાઓ પણ મળી રહેવાના કે ’ઇંદિરા ગાંધી આ બધું કરતાં હતાં ત્યારે તમે બધા ક્યાં હતા?’

આપણે વાત ‘દર્શક’ નિમિત્તે લોકશાહીની અને વર્તમાન સ્થિતિની કરવાની છે. એટલે આવા સવાલના જવાબ આપવા પણ પડે. તો, બીજા સવાલનો જવાબ પહેલોઃ તમે ક્યાં હતા? મારું તો જાણે સમજ્યા — ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે હું બાળમંદિરમાં હતો — પણ પ્રકાશભાઈ જેવા મોટા ભાગના લોકો હોવા જોઈએ ત્યાં જ હતા — જેલમાં. ટૂંકમાં, જે અત્યારે આ સરકારની બિનલોકશાહી રીતરસમનો વિરોધ કરે છે, તેમાંના ઘણા ખરા ઇંદિરા ગાંધીની બિનલોકશાહી રીતરસમોના પણ વિરોધી હતા અથવા ધીમે ધીમે બન્યા હતા.

હવે પહેલો સવાલઃ તો આભ તૂટી પડ્યું હોય એવું કેમ લાગે છે?

કારણ કે, ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી દેખીતી હતી. એટલે તેની સામેની લડાઈ સહિયારી અને એકજૂથ બની. અત્યારની કટોકટી દેખીતી નથી. કોઈ દલીલ કરી શકે, ‘તમે આટલું બોલી શકો છો, એ જ દેશની ધબકતી લોકશાહીનો પુરાવો નથી? ’

પણ જેમ ચૂંટણીઓ યોજી દેવી ને મત આપી દેવો એ જ લોકશાહી નથી, તેમ આટલું બોલી શકાય છે એટલા માત્રથી લોકશાહીને ધબકતી જાહેર કરી દેવાય નહીં. કેમ કે, વર્તમાન શાસકોનો અભિગમ જુદો છે. તેમનો જ પ્રિય શબ્દપ્રયોગ વાપરીને કહું તો, તે ટુકડે ટુકડે કટોકટી આણી રહ્યા છે. ના, આણી ચૂક્યા છે. દેશની એકેએક બંધારણીય સંસ્થાઓ પહેલાં ક્યારે ય નહીં એટલી ભાંગેલી (કોમ્પ્રોમાઇઝ્‌ડ) અથવા નિર્વીર્ય બની છે. ન્યાયતંત્ર પ્રત્યેનો આદર જાળવી રાખવા માટે અપવાદો સામે જોવું પડે એવી સ્થિતિ છે. ઘણા વખતથી એકંદરે ઠેકાણાસરની કામગીરી કરતું ઇલેક્શન કમિશન હવે સત્તાધારી પક્ષના મેળાપીપણામાં ચાલતું ને નિર્ણયો લેતું હોય એવા આરોપ થાય છે.

દેશની નીતિ જેના આધારે ઘડવામાં આવે છે અને દેશની પરિસ્થિતિનો ચિતાર જેની પરથી મળે છે, એ છે સરકારી આંકડા. પણ આંકડા જાહેર કરતી સંસ્થાઓનો એવો ઘડોલાડવો કરી નાખવામાં આવ્યો છે કે ત્યાંથી આંકડા આવતા જ બંધ થઈ ગયા. કોઈ પત્રકાર તેનો ધર્મ અદા કરીને આંકડા લીક કરે, તો લીક કરનારને નૈતિકતાના ઉપદેશ આપવાના, પણ સાચા આંકડા પોતે બેઠક તળે દબાવીને બેસી ગયા છે, એવું નહીં કહેવાનું. લીક થયેલા આંકડા જૂઠા જાહેર કરવાના. પોતાને અનુકૂળ આંકડા ન આવે, તો ગણતરીની રીત બદલી નાખવાની.

’કેગ’ના અહેવાલની શી દશા હતી, એ પણ રાફેલના વિવાદ વખતે જોયું. એ વખતે ’ધ હિંદુ’ અખબારના એન. રામ એવી વિસ્ફોટક નોંધો લઈ આવ્યા, જેમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું નથી એવા સંકેત હતા. પછી શું થયું? કંઈ નહીં. ચૂંટણી જીત્યા એટલે બધી ચર્ચા પૂરી. એવો એક શ્લોક હતો કે સર્વે ગુણાઃ કાન્ચનમાશ્રયન્તિ. બધા ગુણો સોનામાં સમાઈ જાય છે. એવું જ, ચૂંટણી જીત્યા એટલે બધું સાચું થઈ ગયું. હવે રાફેલનો સોદો યાદ કરો, ત્યારે રાફેલ વિમાન કેટલું સારું છે એની વાતો થાય. અલ્યા ભાઈ, એમ તો બોફર્સની તોપ ક્યાં ખોટી હતી? કારગીલ પાછું મેળવવામાં તેનો કેટલો મોટો ફાળો હતો, પૂછો કોઈ જાણકારને. એટલે તેમાં થયેલી કટકી ભૂલી જવાની?

વાત ચાલતી હતી ટુકડે ટુકડે આવી ગયેલી કટોકટીની. અત્યારે મુદ્દા એવી રીતે ઊભા કરવામાં આવે છે, જેથી વિરોધ કરનારા એકજૂથ ન થાય. સરકારને તેની બહુ ફાવટ છે. એટલે જેમને ’લિબરલ’ની ગાળ પડે છે એવા લોકો પણ વહેંચાયેલા રહે છે. કેમ કે, તે પ્રશ્ન આધારિત વિચારે છે ને એકબીજા સાથે મતભેદમાં ઊતરે છે, પણ બધા પ્રશ્નોને જોડતી અને તેના મૂળ જેવી વ્યાપક કટોકટીને તે જોઈ શકતા નથી. લોકો ગ્લોબલ વૉર્મિંગને લીધે ઓગળતી બરફની ચાદરોની વાત કરે છે. એ તો ખેર બહુ અગત્યની છે, પણ ઘરઆંગણે ટુકડે ટુકડે કરીને લોકશાહીની ચાદર ઓગળી રહી છે ને આપણને ખબર પડતી નથી. આપણે એક ટુકડો જોઈએ છીએ, પણ તે ટુકડો કઈ ચાદરનો ભાગ છે અને એ આખી ચાદરમાં શું થઈ રહ્યું છે ને કેટલું બાકી રહ્યું છે, તે આપણે જોતા નથી.

લોકશાહીની એ ચાદરને ઇંદિરા ગાંધીએ ઘણું નુકસાન પહોંચાડ્યું. પણ ત્યાર પછીના ગાળામાં એ ચાદરે પોતાનું પોત ઠીક ઠીક પ્રમાણમાં પાછું મેળવ્યું હતું. આ ચાદરની એ ખૂબી છેઃ તે નષ્ટ થાય, તેમ ફરી બને પણ ખરી. ઉદાહરણ તરીકે, ટી.એન. શેષન ઇંદિરા ગાંધી પછીના યુગમાં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા અને તેમણે ચૂંટણી પંચના બંધારણીય દાંતનહોરનો લોકોને પરચો આપ્યો. એવી જ રીતે, કેગની સક્રિયતા કે સી.વી.સી. જેવી બંધારણીય સંસ્થાની સક્રિયતા પણ ઇંદિરા ગાંધીએ લોકશાહીની ચાદર છિન્નભિન્ન કર્યા પછીની છે.

વર્તમાન સરકારે આ બધું એક સાથે નહીં, એક એક કરીને, ટુકડે ટુકડે ખતમ કર્યું છે. સરકારની સમાંતરે ચાલીને લોકશાહીને તંદુરસ્ત બનાવવામાં કે તેની બિમારી ઘટાડવામાં બંધારણીય સંસ્થાઓ મદદરૂપ બનતી હતી. વર્તમાન સરકારે તે બધી પર બિનસત્તાવાર કબજો કરી લીધો છે. રીઝર્વ બેન્કમાં પણ કેવા ખેલ ચાલ્યા હશે ને સરકારના નીમેલા ગવર્નરોએ પણ કેમ રાજીનામાં આપવા પડ્યાં હશે, તે ધારી શકાય એવું છે.

આમ, એક તરફ ટુકડે ટુકડે લોકશાહી ખતમ કરવાનો કાર્યક્રમ પૂરબહારમાં છે, ત્યારે નાગરિકોનું ધ્યાન બીજે ભટકાવવા માટેની તરકીબો પણ ચાલુ છે. હાથચાલાકીનો એ તો જૂનો નિયમ છે. ડાબા હાથમાંથી કશું ગાયબ કરવું હોય તો જમણા હાથે એવું કંઈક કરવાનું કે લોકોનું ધ્યાન જમણા હાથ પર કેન્દ્રિત થઈ જાય. સરકાર એ ખેલમાં બહુ પાવરધી છે. એટલે વડાપ્રધાન ટિ્‌વટર પર અમથા અમથા સક્રિય હોય, પણ તેમની સરકારની નીચે રેલો આણનારો મુદ્દો આવે એટલે તે ચૂપ થઈ જાય. વડાપ્રધાન અમેરિકા જઈને ’હાઉડી’ કરી આવે, પણ ઘેર માનીતા (પાળીતા) પત્રકારો અને ઇન્ટરવ્યુકારો સિવાય બીજા કોઈ સાથે વાત ન કરે. ગાંધીજીને સ્વચ્છતાની બાટલીમાં પૂરી દે ને ઉપરથી બૂચ બંધ. હવે તો ગાંધીજીને પ્લાસ્ટિકની થેલીઓ સામેના વિરોધ ખાતે ખતવી દે. અને બુદ્ધિશાળી લોકો પણ આ પગલાની કુટિલતા સમજવાને બદલે ભોળપણથી કહે, ‘સ્વચ્છતા ઝુંબેશ તો સરસ જ છે. તેમાં ખોટું શું કર્યું?’

વર્તમાન રાજમાં નાગરિક સંગઠનોનું સ્થાન સાયબર સેલ અને સોશિયલ મીડિયા પરના ટ્રોલે લીધું છે. એટલે, સરકાર ટુકડે ટુકડે કટોકટી આણી શકી છે, અને હજુ નાગરિકોમાં તેનો અહેસાસ નથી. તે દર્શાવે છે કે સૌથી મોટી કટોકટી નાગરિકતાની છે.

*   *   *

નાગરિકોના ઘડતર વિશે ’દર્શક’ના વિચારોમાં જતાં પહેલાં થોડી વાત ભારતીય સંસ્કૃતિની પણ કરી લઈએ. રાફેલના પૈડા નીચે નીચે લીંબુ કે ચંદ્રયાન-૨ની પ્રતિકૃતિ તિરુપતિના મંદિરમાં — એ ભારતીય સંસ્કૃતિ નથી. એ વ્યક્તિગત શ્રદ્ધાના કે માન્યતાના મામલા છે. તે ધર્મ કે સંસ્કૃતિ, કશું જ નથી. પરદેશમાં ફૂલેલાફાલેલા ફિરકા ને 

સંપ્રદાયો એન.આર.આઈ.ઓ માટે ભારતીય સંસ્કૃતિના સમાનાર્થી છે. પ્રાચીન ભારતમાંથી સાચું ગૌરવ લેવા જેવું એટલું બધું છે કે ગણેશની પ્લાસ્ટિક સર્જરી જેવાં તકલાદી ગૌરવ લેવાની જરૂર નથી. તેનાથી તો ઊલટું સાચી સિદ્ધિઓને ઝાંખપ લાગે છે.

ભારતની ખરેખરી સંસ્કૃતિ કેવી હતી? તેમાં લોકશાહી, રાજાપ્રજાના સંબંધો અને વૈચારિક સ્વતંત્રતા કેવાં હતાં? તેના વિશે ’આપણો વૈભવ અને વારસો’માં ’દર્શકે’ સરસ અજવાળું કર્યું છે. ’મહાભારતના યુદ્ધ પછીના ઉપનિષદ યુગમાં ઋષિઓ પાછા અરણ્યમાં ચાલ્યા ગયા … તેમણે જીવનના ગૂઢ પ્રશ્નો વિશે જે ચર્ચાઓ કરી, અનુમાનો બાંધ્યાં, જે કાચા-પાકા, કામચલાઉ કે સ્થિર નિયમો તારવ્યા તેની નોંધ તે ઉપનિષદ છે. તેમાં એક વસ્તુ સર્વમાન્ય છે. જીવનના મર્મને ઉકેલવાની તીવ્ર જિજ્ઞાસા. જુદા જુદા મુનિઓ જુદી જુદી દિશામાં ચાલ્યા ને પોતાની મર્યાદા આવતાં અટકી પડ્યા.’ આટલું લખીને ’દર્શકે’ હિંદુ ધર્મને બંધિયાર કરવા ઉત્સુક લોકો માટે સ્પષ્ટતાથી નોંધ્યું છે, ’એ કાળે વિચારનું કેટલું મોટું સ્વાતંત્ર્ય હશે એનો એ પુરાવો છે. જે લોકો એકમત હતા તેમનું જ લખાણ સચવાયું નથી. યજ્ઞનો મહિમા ગાનારા, યજ્ઞ વિશે ઉપેક્ષા સેવનારા, યજ્ઞને ઓછું મહત્ત્વ આપવાવાળા સૌ એમાં છે.’ (’આપણો વૈભવ અને વારસો’, ૧૯૮૯, પૃ. ૬૮-૬૯)

આપણી સંસ્કૃતિનાં સૌથી ઉજ્જવળ પાસાંમાંનો એક અને વર્તમાનમાં સૌથી લાગુ પડે એવો ભાગ શાસક તથા શાસિત વચ્ચેના સંબંધનો હતો. એ વખતે લોકશાહી તો ક્યાં હતી? છતાં, રાજાશાહીમાં લોકોનો દરજ્જો ’બિચારી રૈયત’નો ન હતો. ’આપણા પૂર્વજોના મતે રાજા, એ પ્રજાએ પસંદ કરેલ સેવક હતો. એને રક્ષણ ઉપરાંત બીજાં કર્તવ્યો સોંપાયાં હતાં. ને જો એ નિષ્ફળ જાય તો પ્રજા એને પદભ્રષ્ટ કરવાને અધિકારી હતી. સાદી ભાષામાં કહીએ તો પ્રજા અને રાજા વચ્ચે એક કરાર થતો અને એ કરારના પાલન પેટે એને ઉત્પન્નનો છઠ્ઠો ભાગ મળતો હતો. શાસ્ત્રમાં આ ભાગને સ્પષ્ટપણે ’વેતન’ એવું નામ આપ્યું છે.’ (’આપણો વૈભવ અને વારસો’, પૃ. ૧૬૬)

સિંહાસને બેસતાં પહેલાં રાજાને કહેવામાં આવતું કે ’રાષ્ટ્ર તમને સોંપાય છે – ખેતી માટે, વિકાસ માટે, કલ્યાણ માટે, સમૃદ્ધિ માટે. એટલે આ રાજ્ય તમારું નથી. તમને ચોક્કસ હેતુ સર સોંપાતું ન્યાસ (ટ્રસ્ટ) છે. અને ઐતરેય બ્રાહ્મણમાં જણાવ્યા પ્રમાણે રાજાએ પ્રતિજ્ઞા લેવી પડતી, હું જો તમને પીડું તો મારું સઘળું પુણ્ય, મારું સ્વર્ગ, મારું આયુષ્ય ને મારી સંતતિ નષ્ટ થાઓ.’ તેમ છતાં અને વારેવારે અપાતા રાજધર્મના ઉપદેશ છતાં, રાજા ફરજ પાળશે એવું આપણા પૂર્વજો માની લેતા ન હતા. એટલે, ’દર્શકે’નોંધ્યું છે કે ’એમણે વેદકાળમાં સમિતિ-સભાની રચના કરી હતી. તે છેક બુદ્ધકાળ સુધી જુદા જુદા સ્વરૂપે ચાલુ રહી. છતાં, જે રાજા પોતાનો ધર્મ ચૂકતો તેને માટે સ્પષ્ટ હતું – મૃત્યુ. (શ્લોક) હું તમારું રક્ષણ કરીશ એમ બોલીને જે રાજા રક્ષણ કરે નહીં, તેનો હડકાયા કૂતરાની જેમ તત્કાળ સૌએ વધ કરવો.’ (’આપણો વૈભવ અને વારસો’, પૃ.૧૬૭)

ભારતનાં ગણરાજ્યોની પરંપરાના અભ્યાસ પરથી ’દર્શકે’ તારણ કાઢ્યું કે ’શક્તિ એ મુક્તિની દાસી થવી જોઈએ આ વાત ગણરાજ્યોના પ્રજાજનોને ધાવણમાં શીખવાતી હતી … આપણા આજ સુધીના ઇતિહાસના શ્રેષ્ઠ પુરુષો કહેવાય એવા ત્રણ – શ્રીકૃષ્ણ, બુદ્ધ ને મહાવીર – ગણરાજ્યોમાં જન્મ્યા ને ઉછર્યા હતા. (’આપણો વૈભવ અને વારસો’, પૃ. ૧૭૪-૫) ભારતીય પરંપરાની જિજ્ઞાસા અને મોકળાશ વિશે ખાસ ધ્યાન દોરતાં ’દર્શકે’ લખ્યું કે તેના લીધે જ ’પુરોહિતધર્મનું ઉન્મૂલન કરનાર બુદ્ધને કે ઈશ્વરના અસ્તિત્વનો જ ઇન્કાર કરનાર સાંખ્યવાદીઓને એમના વિરોધી સમૂહે ન તો પહાણા માર્યા કે ન તો સોક્રેટિસની માફક એમને ઝેર પીવાની ફરજ પાડી.’ (’આપણો વૈભવ અને વારસો’, પૃ. ૧૭૭)

વૈદિક યુગથી બૌદ્ધ યુગ સુધી રાજાપ્રજા વચ્ચે કરાર હતો. પછી બ્રાહ્મણ પુરોહિતોએ રાજનીતિ વિશેના ગ્રંથ લખવાનું શરૂ કર્યું. તેમાં ગણરાજ્યોનો વિરોધ, એકચક્રી રાજ્યની તરફેણ અને રાજા દેવાંશી છે તેવા વિચારની સ્થાપના કરવામાં આવી અને ધીમે ધીમે બ્રાહ્મણોની સર્વોપરિતા સ્થપાઈ. (’આપણો વૈભવ અને વારસો’, પૃ. ૧૯૯)

* * *

ભારતની સંસ્કૃતિમાં દર્શકે જેમ રાજાપ્રજાના સંબંધો પર અને તેના લોકશાહી મિજાજ પર પ્રકાશ પાડ્યો, તેમ ગ્રીસની અને સોક્રેટિસની વાતમાં પણ તેમણે વર્તમાન લોકશાહીની વાતનો સંદર્ભ જાળવી રાખ્યો. ’સોક્રેટિસથી માર્ક્સ’માં તેમણે એથેન્સની લોકશાહી વિશે પેરિક્લીઝનું નિવેદન આપ્યું છે કે ’આપણે ત્યાં જે નાગરિક જાહેર પ્રશ્નોમાં રસ લેતો નથી તે નિરુપદ્રવી નહીં, પણ નકામો ગણાય છે.’ દર્શકે લખ્યું હતું, ‘સોક્રેટિસ ઇચ્છતો હતો કે લોકશાહીનું ટોળાંશાહીમાં, ઘેટાંશાહીમાં, લાંચરુશ્વતથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તન ન થાય અને તે માટે જીવનભર મથ્યો … બીજી રીતે વિચારીએ તો સોક્રેટિસે જિંદગી આખી લોકોને તેમના અધિકારોની સુરક્ષા કરી શકે તે માટે જ્ઞાન-ડહાપણ આપવાની કોશિશ કરી … તેણે સતત લોકોને ચેતવ્યા કર્યા, સમજાવ્યા જ કર્યા કે ભાઈ તમે ખોટે રસ્તે છો. આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’ (’સોક્રેટિસથી માર્ક્સ’, પૃ. ૩૫)

શું સોક્રેટિસનો જમાનો કે શું અત્યારનો, લોકોને ખોટે રસ્તે ચડાવવામાં બુદ્ધિશાળી – પ્રભાવશાળી વક્તાઓની પણ ભૂમિકા હતી. સોક્રેટિસના જમાનામાં તે ’સોફિસ્ટ’ કહેવાતા. અત્યારના જમાનામાં ચિંતક કે વક્તા તરીકેની ઓળખ ધરાવતા ઘણા નમૂના આપણને આંખ સામે દેખાય. એવા લોકો સાથે ચર્ચા કર્યા પછી સોક્રેટિસે તેમને (દર્શકના ગુજરાતીમાં) ‘બુદ્ધિની વારવનિતાઓ’ ગણાવ્યા હતા અને તેમની ટૂંકી ઓળખ બુદ્ધિની મદદથી સારાને ખરાબ અને ખરાબને સારું દેખાડી શકે તે સોફિસ્ટ. ‘લોકોના મત મેળવવા માટે ચાતુરી જોઈએ, આકર્ષણ ઊભું થવું જોઈએ, દલીલો જોઈએ, છટા જોઈએ, લોકોને આંજી નાખવા માટેની કળા જોઈએ — આ બધું સોફિસ્ટો પૈસા લઈને ઉચ્ચ વર્ગના લોકોને શીખવતા હતા. તેમણે શીખવાડ્યું કે સામાજિક કાયદા તો માણસે પોતાની સગવડ માટે કર્યા છે. સગવડ હોય ત્યારે પાળવા ને ન હોય ત્યારે નહીં. તેમાં કશું સનાતન સત્ય જેવું ન હોય.’ આટલું કહીને દર્શકે લખ્યું હતું, ’લોકશાહીમાં સોફિસ્ટો તો હોવાના જ, પણ સોક્રેટિસ નથી હોતા એની ચિંતા છે.’ (સોક્રેટિસઃ લોકશાહીના સંદર્ભમાં, ૧૯૮૨, પૃ.૨૨-૨૩)

સત્તાનું વિકેન્દ્રીકરણ બહુ જાણીતો પ્રયોગ છે, પણ દર્શકે તેને વધારે સ્પષ્ટતાથી અને જુદી રીતે સમજાવ્યો હતો, ’લોકશાહી પોલીસેન્ટર્ડ સોસાયટી (બહુકેન્દ્રી સમાજ) છે. લોકશાહીમાં સત્તાનાં વિવિધ કેન્દ્રો હોય છે. મજૂરોનું એક કેન્દ્ર હોય છે, માલિકોનું બીજું, ખેડૂતોનું ત્રીજું. આ ભાતભાતનાં જુદાં જુદાં સત્તાનાં — બળનાં કેન્દ્રો, વિચારનાં કેન્દ્રો, અનુભવનાં કેન્દ્રો, તે બધાં જ્યારે અનુભવોની અભિવ્યક્તિ કરે છે ત્યારે તેમાંથી એક સરવાળો નીકળે છે કે આ કરો તો લગભગ સર્વને માન્ય રહેશે. જે રાજ્યપદ્ધતિની અંદર આ પોલીસેન્ટર્ડ સોસાયટીનો ખયાલ જ ન હોય અને એકકેન્દ્રી (અત્યારની પરિભાષામાં કહીએ તો, સમરસ) સમાજ મનમાં હોય તે લોકશાહીની ગમે તેટલી વાતો કરતા હોય તો પણ ખરેખર એ લોકશાહીમાં માનતા નથી. રાજ્યનો અંકુશ એક વસ્તુ અને રાજ્ય સિવાય બીજાં સત્તાકેન્દ્રો જ ન હોય એ બીજી વસ્તુ છે … આવું થતાં આગળ જતાં મતદારોનો પણ એકડો નીકળી જવાનો.’ (સદીનું સરવૈયું, ૧૯૮૩, પૃ. ૯૦-૯૧)

લોકશાહીમાં યેનકેન પ્રકારેણ, મતદારોને બહેકાવીને અથવા તેમને અવળા પાટે દોરીને ચૂંટણીઓ જીતી જનારા નેતાઓ પછી જનતાજનાર્દનનો મહિમા કરતા જોવા મળે છે. એ સ્થિતિ નવી નથી. તેના વિશે દર્શકનાં તપાસ અને નિદાન સ્પષ્ટ હતાં. એક તો, તેમણે કહ્યું કે ટોળાંશાહીના નામે લોકશાહીને ખપાવી દેવાનું જે રાજકારણીઓ કરી રહ્યા છે, તેઓ લોકશાહીના મોટામાં મોટા ઘાતકો છે. બીજું, તેમણે કેટલીક પાયાની માન્યતાઓ સામે સવાલ ઉઠાવ્યા. આ માન્યતાઓ કઈ?

૧) મતદારો સર્વસામાન્ય હિત સમજી શકે છે. ૨) સમજી શકે છે એટલું જ નહીં, બીજી લાલચોને વશ થયા વિના સાચી રીતે મત આપી શકે છે. ૩) આવું કોઈમાં ન હોય તો સમજાવટથી તેનામાં આવી શકે છે. અને તેમણે લખ્યું કે, ’જે આવી સમજાવટ કરે નહીં, ઊલટું સમજશક્તિ નષ્ટ થાય તેવી લાલચો આપી, અંધ જૂથ કે સ્થાનિક અભિમાન ચગાવી મતો લેવાની કરામત કરે તેને લોકશાહીના ઘાતકો જ કહેવા જોઈએ ને?’ (સોક્રેટિસઃ લોકશાહીના સંદર્ભમાં, પૃ. ૮)

સોક્રેટિસ વિશે વાત કરતાં અને એ સિવાય પણ દર્શકે સૌથી વધુ ભાર મતદારોની કેળવણી પર મૂક્યો હતો. સોક્રેટિસને ટાંકીને તેમણે લખ્યું હતું, ’મૂલ્ય-પરિવર્તન કર્યા વિનાની લોકશાહી એ ભયજનક છે … લોકશાહીમાં મત એટલો જરૂરી નથી, પક્ષ એટલો જરૂરી નથી, બંધારણ પણ પછીના નંબરે આવે. પહેલી જરૂર મતદારોની કેળવણીની છે. એટલે જ હું રાજનીતિમાં પડ્યો નથી. મારે એક જ સત્તા જોઈએ છેઃ મતદારોને કેળવવાની. એ રાજકારણીઓને પસંદ પડતું નથી.’

દરેક સમયનો સવાલ હોય છે કે મતદારોને કેળવવા કેવી રીતે. ચારેક દાયકા પહેલાં ’દર્શકે’ લખ્યું હતું, ’કેળવવાની હિંમત નથી, કેળવવાની કોઈની ધીરજ નથી, કેળવવાની કોઈની તૈયારી નથી અને કેળવવા માટે જોઈતું સાતત્ય નથી.’ અને ’પ્રોપેગન્ડા એ કેળવણી નથી. એ તો જાગીરી પ્રચાર છે, સત્ય નહીં. આ ચાલે તો પછી મતદાર જેવી કોઈ ચીજ જ નહીં રહે. કારણ કે મતદારને આપણે તું વિચારીને મત આપ તેમ કહીએ છીએ. પ્રચારનાં માધ્યમો રાજ્યનાં છે. શિક્ષણનું તમે રાષ્ટ્રીયકરણ કરો એટલે પછી બધા એકસરખો વિચાર કરતા થઈ જશે. અભિપ્રાયો હશે, વિચાર નહીં હોય … જ્યારે તમે મતદારોને કેળવણી નથી આપતા ત્યારે તમારે મતદારોને કોઈ ને કોઈ રીતે રીઝવવા પડે છે … લોકશાહીમાં મતદારોને ન કેળવો તો એની સમજદારી વિશે આશા ન રાખવી અને તો આ બધી જ ગરબડો ચાલુ રહેવાની.’ (સદીનું સરવૈયું, પૃ. ૮૯-૯૦)

ચૂંટણીશાહી બનીને રહી ગયેલી લોકશાહીમાં એક સમજ એવી પણ બની છે કે લોકોને તેમને લાયક હોય એવા નેતાઓ મળે છે. પણ એ બાબતમાં દર્શકનું દર્શન જુદું હતું. તેમણે લખ્યું હતું, ’કોઈ પણ સમાજ ઉન્નત થાય તે પહેલાં તે સમાજના નેતાઓ તે પરિસ્થિતિ, તે પ્રજા ને તેમના પ્રશ્નો કરતાંયે ચાર આંગળ ઊંચાં આવે તે પ્રથમ જરૂરિયાત છે. સમગ્ર પ્રજાનો સ્તર ઊંચે આવતાં બહુ વાર લાગે છે. પણ તે છતાંયે તે સમાજની આગેવાની દીર્ઘદર્શી ને નિઃસ્વાર્થ હોય તો પ્રગતિ અટકતી નથી. ને નેતાઓ જ જ્યારે હીન કક્ષાએ ઊતરી પડે છે ત્યારે પ્રજા પરાજિત થાય તે વાતની ઇતિહાસે વારે વારે સાહેદી આપી છે.’ (વાગીશ્વરીનાં કર્ણફૂલ, ૧૯૬૩, પૃ. ૧૪૮)

’દર્શક’ની કમાલ એ છે કે તેમણે ઉત્તમ સાહિત્યનું જે વિવેચન કર્યું તેમાં પણ લોકશાહી માટેની અને નાગરિક ઘડતર માટેની તેમની નિસબત દેખાઈ આવે છે. ’વાગીશ્વરીનાં કર્ણફૂલ’માં તેમણે ’વૉર એન્ડ પીસ’ (ટોલ્સ્ટોય) અને ’ઘરેબાહિરે’ (ટાગોર) જેવી મહાન કૃતિઓનું વિવેચન કર્યું. વિવેચન કેટલું માર્મિક, રસાસ્વાદ કરાવનારું, વિશ્લેષણ કરનારું અને છતાં પરિભાષાથી મુક્ત, સરળ હોઈ શકે તેનો એ ઉત્તમ નમૂનો છે. સાથોસાથ, ’ઘરેબાહિરે’ના તેમના વિવેચનમાંથી તેમણે ટાંકેલા ફક્ત ત્રણ નમૂના આપું છું. તે પાત્રના સંવાદ છે, પણ તેમાં વ્યક્ત થતી રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશના લોકો વિશેની સમજને કારણે ટાગોરની સાથોસાથ ’દર્શક’ માટે પણ વિશેષ ભાવ થાય. બંગભંગની ચળવળ પછીના અરસામાં ’રાષ્ટ્રવાદ’ની ભરતી અને તેનાં ભયસ્થાનો ચીંધતાં નવલકથાનું એક પાત્ર કહે છે, ‘જ્યારે તમે દેશને દેવ તરીકે મનાવીને, અન્યાયને કર્તવ્ય તરીકે, અધર્મને પુણ્ય તરીકે ચલાવી દેવા ઇચ્છો છો ત્યારે મારા હૃદયને આઘાત લાગે છે.’ (’વાગીશ્વરીનાં કર્ણફૂલ’, પૃ. ૧૧૯) એ જ પાત્ર અન્ય પ્રસંગે કહે છે, ’દેશને માટે જુલમ કરવો એટલે દેશ ઉપર જ જુલમ કરવો’. (’વાગીશ્વરીનાં કર્ણફૂલ’, પૃ. ૧૨૫) અને લોકશાહી જ નહીં, સ્વતંત્રતાને વ્યાખ્યાયિત કરતો આ સંવાદ, ‘માણસે કેવાં કપડાં પહેરવાં, કઈ દુકાનેથી માલ ખરીદવો, શું ખાવું, કોની સાથે બેસીને ખાવું, એ પણ જો ભયના દોર વડે નક્કી કરવામાં આવે તો માણસની સ્વતંત્રતાનો ધરમૂળથી જ ઇનકાર કરવામાં આવે છે એમ કહેવાય.’ (’વાગીશ્વરીનાં કર્ણફૂલ’, પૃ. ૧૨૫)

છેલ્લે, તેમની પુસ્તિકા ‘આપણો સ્વરાજધર્મ’માંથી સૌના વિચાર માટે થોડા મુદ્દા ટાંકીને સમાપન કરું.

– લોકશાહીની સાચી કસોટી, પ્રતિકૂળ વિચારો કે યોજનાઓ સીધા કે આડકતરા દબાણ વિના પ્રગટ કરવાની મોકળાશમાં છે.

– સાચું સ્વરાજ થોડા માણસો સત્તા પ્રાપ્ત કરે તેમાંથી નહીં આવે, પણ સત્તાનો દુરુપયોગ થાય ત્યારે તેનો વિરોધ કરવાની સૌ શક્તિ મેળવે તેનાથી આવશે. (ગાંધીજી)

– અવતારવાદ ધાર્મિક ક્ષેત્રમાંથી આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં આવ્યો છે.

– નાગરિકને વામણો કરીને કદી મહાન ધ્યેય સિદ્ધ થઈ શકે નહીં.

• • •

(મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગરના ઉપક્રમે ૧૫ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ "ઓપિનિયન" પુરસ્કૃત ‘દર્શક વ્યાખ્યાનમાળા’ના ચોથા મણકામાં આપેલા પ્રવચનનો સંપાદિત પાઠ)                                     

Email : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 13-16

Loading

‘જસમા’ ભવાઈ વેશનું જાજરમાન સ્ત્રી પાત્ર

અરવિંદ વાઘેલા|Opinion - Literature|25 October 2019

(ગુજરાતનું લોક્નાટ્ય ભવાઈ – જસમા ઓડણના સંદર્ભે)

લોકજીવનની સહજ અભિવ્યક્તિરૂપ લોકબોલીનું સાહિત્ય તે લોકસાહિત્ય. લોકો દ્વારા સર્જાયેલું, લોકોનું, લોકો માટેનું, લોકમનોરંજન અને સંસ્કાર બોધના હેતુસર રચાયેલું આ સાહિત્ય લોક સંસ્કૃતિની સુવાસરૂપ, લોકહૃદયનો સહજ ઉદ્દગાર હોય છે. લોકસાહિત્ય એ આપણા શિષ્ટ સાહિત્યનું પુરોગામી સ્વરૂપ છે. જીવાતા જીવનનું યથાર્થ વર્ણન કરતું આ સાહિત્ય લોકોના ઇતિહાસને, દંતકથા, પુરાકથા, રંજનકથા કે લોકકથામાં આલેખે છે. સમાજદર્શનની સાથે સાથે ઉત્સવ મેળા, લગ્ન, વ્રત, તહેવાર તથા માનવ સહજ લાગણી વિચાર અને કલ્પનાને લોક ગીતમાં ગાય છે. લોક સમાજ પોતાની પ્રેમ કથાઓ, સાહસ કથાઓ, અને પરાક્રમ કથાઓને લોકો સુધી લઇ જવા માટે એના નાટ્ય પ્રયોગો કરે છે.

લોકસાહિત્યની જેમ લોકો દ્વારા થતા આ નાટ્યપ્રયોગો લોકનાટ્ય તરીકે માન્યતા પ્રાપ્ત કરતાં  'ભવાઈ' સ્વરૂપે સ્થાપિત થયા. ભવાઈ સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. ગુજરાતના સુવર્ણયુગસમા સોલંકીયુગમાં કળા અને સંસ્કૃતિની સમૃદ્ધિ સોળે કળાએ ખીલી હતી. સંસ્કૃત નાટકોનાં મંચન અહીં થતાં. પરંતુ કાલક્રમે નાટકોનું પતન થયું. પરંતુ લોકોની મનોરંજનની તેમ જ સાહિત્ય પ્રત્યેની પ્રીતિ તો એવી જ રહી હતી … એટલે વિકલ્પ સ્વરૂપે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં લોકનાટ્ય ભવાઈનું સ્વરૂપ ઉદ્ભવ્યું.

ભવાઈના ઉદ્દભવ સંદર્ભે એક કથા પ્રચલિત છે. નરસિંહ પૂર્વે થઇ ગયેલ અસાઈત ઠાકરની કથા. અસાઈતે ઊંઝામાં એક મુસ્લિમના સકંજામાંથી હેમાળા પટેલની પુત્રી ગંગાને છોડાવવા એને પોતાની પુત્રી તરીકે ઓળખાવી અને બ્રાહ્મણ હોવા છતાં પોતાના ધર્મની પરવા ન કરતાં પટેલની દીકરી સાથે એક ભાણે જમી, એને છોડાવી. આ પુણ્યકાર્યનો બદલો એના જ્ઞાતિબંધુઓએ એને નાત બહાર મુકીને આપ્યો કેમ કે બ્રાહ્મણ હોવા છતાં પટેલ સાથે એ જમ્યો હતો. નાત બહાર મુકાયેલ અસાઈત ઠાકરના ત્રણ ઘર 'તરગાળા' (ત્રણ ઘરવાળા) કહેવાયા. નાતના પ્રતિબંધને કારણે તેમણે જુદા જુદા વેશો દ્વારા લોકોનું મનોરંજન કરી પોતાનું ગુજરાન ચલાવ્યું. આ બ્રાહ્મણ પરિવારમાં તરગાળા, ભવાઈયા, નાયક, ભોજક વગેરેએ ભવાઈનો વ્યવસાય સ્વીકાર્યો. કહેવાય છે કે અસાઈતે ભવાઈના ૩૬૦ વેશો રચ્યા. ભવાઈની વધતી લોકપ્રિયતાથી પ્રેરાઈને સૌએ ભવાઈનાં સર્જન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું, અને સૌને સૂઝ્યા તેવા વેશ રચીને, સૌ ભજવવા લાગ્યા.

'આ ભવાઈ 'ભવ વહી' કે 'ભવ વાહી’ છે.'૧ (પૃ.૩૦૧ મધ્ય ક.સા.) ભવ એટલે જીવન વહી એટલે વહન કરનાર, સાથે લઈને  ચાલનાર, 'જીવનને સાથે લઈને ચાલનાર .નાનકડા દૃશ્યો દ્વારા સામાજિક અને જાતિગત વિલક્ષણતાઓને પ્રકટ કરનારી, હાસ્ય કટાક્ષયુક્ત પદ્યમય સંવાદો ને ગીતોવાળી સમાજના ખુલ્લા ચોકમાં ભજવવાની નાટ્યપ્રવૃત્તિ છે. એનું ખાસ સંગીત અને નૃત્ય છે. નવરાત્રીને અંતે માતાજી સમક્ષ ભવાઈયા ઘૂઘરા બાંધી ખેલે, તે 'માતાજીની જાતર'. તેઓ ગામેગામ મનોરંજન કરાવી છેલ્લે માતાજી આગળ ઘૂઘરા છોડે' ૨ (પૃ. ૩૦૧ મ.ક.સા.)

ભવાઈના વેશનું ખાસ આકર્ષણ રંગલો – રંગલી હોય છે. જે વિદુષકનું કામ કરે છે. ભવાઈમાં વૈવિધ્યપૂર્ણ સામાજિકતાના દર્શન થાય છે. ગણપતિ, મહાકાલી, મેનાગુર્જરી, ઝંડાઝૂલણ, જોશી, વાણિયો, વાઘરી, મિયાં, જેવા વેશ હોય છે. આ ઉપરાંત કેટલાક ઐતિહાસિક કે પૌરાણિક તેમ જ સામાજિક પ્રસંગો પણ વેશ બનીને આવે છે, વેશ એટલે નાના અંક કે દૃશ્ય જેવું નાનું નાટ્યરૂપ. મધ્ય કાળના ગુજરાતમાં આ એક માત્ર નાટ્ય હતું. પછીથી સસ્તું મનોરંજન અને આર્થિક ઉપાર્જનના હેતુસર ભવાઈના કલાકારોએ એમાં ગ્રામ્યતા અને અશ્લિલતાનું ઉમેરણ કર્યું. સમય જતાં ભવાઈ એના આ પ્રક્ષેપણને કારણે પોતાનું સામાજિક સ્થાન ગુમાવતી ગઈ .. અને પછી તો તે અમુક વર્ગ પૂરતી જ મર્યાદિત બની ગઈ. 'મિથ્યાભિમાન' નાટકની પ્રસ્તાવના આ બાબતની શાહેદી છે. -"આપણા દેશના ભવ્ય લોકો નાટક કરે છે તેમાં બીભત્સ શબ્દો બોલે છે. તેથી તે સારા માણસોને જોવા લાયક નથી.” (પૃ. ૭ મિથ્યાભિમાન) આજે ભવાઈ રેડિયો કે ટેલિવિઝન જેવા દૃશ્ય શ્રાવ્ય  માધ્યમોમાં સરકારી જાહેરાતો કરવાનું સાધન માત્ર બની ગઈ છે. ગુજરાતના લોકનાટ્યની આવી દુર્દશા દુ:ખ દાયક છે. પરંતુ સામાન્ય ગુજરાતીને એ વિષે કઈ ચિંતા નથી. ગુજરાતી સર્જક પણ એનાથી મુખ ફેરવી બેઠો છે. હા .. કેટલાક ભવાઈના હિતેચ્છુઓએ એની ચિંતા જરૂર કરી છે. ભવાઈ એ આજના નાટકનો મૂળ સ્ત્રોત છે. ભવાઈ એ ઉત્તમ અભિનેતાઓ આપ્યા છે, જયશંકર સુંદરી, પ્રાણસુખ નાયક એના ઉદાહરણો છે. આજના એકાંકી અને નાટકોમાં આવતા' લય, હાસ્ય, કટાક્ષ, ગીત, નૃત્ય મૂળ ભવાઈની દેણ છે.

રંગભૂમિ વિષયક આ અભ્યાસ નિમિત્તે આપણા આ લોકનાટ્ય ભવાઈ સંદર્ભે ફેર વિચારણા થાય, એના વિષે લોકજાગૃતિ આવે અને એને યોગ્ય સન્માન મળે, એ હેતુથી આ શોધપત્રમાં એક લોકપ્રિય અને સત્ત્વશીલ ભવાઈ વેશ – 'જસમા' વિષે ચર્ચાનો ઉપક્રમ રાખ્યો છે. ભવાઈનો આ વેશ 'જસમા' અસાઈતે લખ્યો કે કેમ ? એ વિષે અનેક વિવાદ છે. જસમાના વેશમાં આવતી આ પંક્તિઓ

            – 'કુંજલડી રે સંદેશો અમારો, જી વાલમને કહેજો જી રે,
              પાટણવાડામાં ઉણધેર ગામ છે, રચનાર મણિરામ નામ છે નાયક'

                                                                    (પૃ.૭ નિવેદન જસમા)

'જસમા'નો વેશ એક ઐતિહાસિક કથાનક પર આધારિત છે. એની કથાવસ્તુ પર એક નજર નાંખીએ તો – મધ્યકાલીન ગુજરાતમાં રાજા સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. પોતાના શાસનકાળ દરમિયાન, પાટણમાં આવેલા જૂના દુર્લભ સરોવરને સ્થાને નવું સહસ્ત્રલિંગ તળાવ બનાવવાનો વિચાર રાજા સિદ્ધરાજ જયસિંહને આવ્યો. એનાં પ્રમાણો 'સરસ્વતી પુરાણ', ‘પ્રબંધચિંતામણિ' અને સહસ્ત્રલિંગ સરોવર પ્રબંધ'માં મળે છે. દુર્ગાશંકર શાસ્ત્રી જેવા ઇતિહાસકાર એવું અનુમાન કરે છે કે સરસ્વતી નદીનો પ્રવાહ વાળીને ઈ.સ. ૧૧૩૪-૩૫માં આ નવું સરોવર બંધાવ્યું હશે.' (પૃ.૮ જસમા) આ સરોવર સંદર્ભે અનેક કથાઓ મળે છે. 'સમરા રાસુ' જેવા જૂની ગુજરાતીના કાવ્ય ઉપરાંત એક કથા 'જસમા' અંગેની પણ છે.

કથા કે દંતકથાઓ સામાજિક રીતે માન્યતા અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી લે ત્યારે તે ઇતિહાસના તથ્ય પર ભારે પડે છે, ઇતિહાસને દબાવી દે છે. કથા કહેનારનો ઉદ્દેશ જન મન રંજનનો હોય છે. ઇતિહાસ આલેખવાનો હોતો નથી. 'જસમા' વિષે ગહન અને શ્રદ્ધેય અભ્યાસ કરનાર ડૉ. કૃષ્ણકાંત કડકિયા પોતાના અભ્યાસ દરમિયાન પ્રાપ્ત તથ્યોને રજૂ કરતા  કહે છે કે – ઇતિહાસ…માં ક્યાં ય જસમા આવતી નથી.' પોતાની વાતના સમર્થનમાં ડૉ. કડકિયા, દુ.કે. શાસ્ત્રી અને ર.છો. પરીખના સંદર્ભો નોંધે છે. (ગુજરાતનો મ.કા. રાજપૂત ઇતિહાસ પૃ.૩૦૩ અને ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૪ પૃ. ૬૬) મધ્યયુગના પ્રબંધો અને ઐતિહાસિક આખ્યાયિકાઓમાં કોઈ જગ્યાએ જસમાનો ઉલ્લેખ નથી. આમ જસમાની વાત ઐતિહાસિક નથી પણ મહાન માણસો વિષે પાછળથી જોડી કાઢવામાં આવતી વાતોમાં તે આવે છે. આમ જસમા પ્રજા માનસની ઉપજ છે. ડૉ. કડકિયા નોંધે છે કે 'રાસમાળા'માં ફાર્બસ સાહેબે ભાટ ચારણોના ચોપડામાં સંગ્રહાયેલી કથાઓ નોધી છે. તેમાં તેની થોડી નોંધ મળે છે. પણ વિગતે કઈ નથી માત્ર તળાવને લગતી વાત સમાજમાં ગવાય અને કહેવાય છે. એટલે ‘રાસમાળા’માં નોંધી છે. 'જસમા ઓડણના રાસડા'નું એક નાનું તેમ જ અપૂર્ણ સંસ્કરણ ભાગ -૧ (આવૃત્તિ -૨) પૃ. ૧૫૯ -૧૬૧ની પાદટીપમાં આપેલું છે. ફાર્બસ સાહેબ એને ઐતિહાસિક ગણતા નથી. તેઓ તો પાદટીપમાં એટલું જ નોંધે છે. – 'આજ મિતિથી પૂર્વે પચાસ વર્ષ પર દીકરીઓના મુખેથી પંડિત જેષ્ટારામે ગવાતો સાંભળેલ હતો અને તેમનાં બહેન સુમારે ૬૦ વર્ષનાં છે. તેમને જેટલો સાંભરતો હતો તેટલો ઉતરાવી મંગાવતા પંડિત જેષ્ટારામ લખે છે કે – 'મારી સમજણમાં એમ આવે છે કે નીચે લખી દર્શાવેલ રાસડામાં અર્થની આનુપૂર્વી પર લક્ષ્ય રાખતાં કોઈ કોઈ ઠેકાણે આખી તુકોની ન્યૂનતા પડે છે. આ રાસડો બનાવનારનો ઉદ્દેશ ગાનારિયોને સતીત્વનો બોધ થાય અને પાતિવ્રત્ય પાસે રાજ વિભવ આદિ સઘળું તુચ્છ ભાસે છે, એમ ઐતિહાસિક વૃતાંતની જોડે સદુપદેશ મળે છે.' (પૃ. ૯ જસમા)

લોકકથાઓ – જન શ્રુતિઓને ઇતિહાસ સાથે ખાસ મેળ બેસતો હોતો નથી. પણ  તત્કાલીન સમાજજીવનની ઝાંખી તો કરાવે જ. સિદ્ધરાજ જયસિંહે પ્રજાકલ્યાણનાં જે કામ કર્યાં, તેમાંનું એક કામ 'સહસ્ત્રલિંગ સરોવરનું બાંધકામ' પૂરા રાજ્ગૌરવ સાથે શરૂ કરેલું આ કામ, રાજા માળવા પર આક્રમણ કરવાની તૈયારીમાં પડતાં મંદ પડ્યું. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી રાજાના વિરોધીઓએ રાજા વિરુદ્ધ દંત કથાઓ ઘડવા માંડી. બાકી મેરુતુન્ગાચાર્ય અને 'સહસ્ત્રલિંગ સરોવર પ્રબંધ'ના રચનાકારે તો જે કથાઓ આપી છે તે 'જસમા ઓડણ'થી  તદ્દન જુદા પ્રકારની છે. આવી લોકકથા, દંતકથા વગેરેમાં સત્ય અને કલ્પનાનું સમિશ્રણ રહેવાનું. ઇતિહાસ સાથે જસમાની કથા મેળ ખાતી નથી. છતાં ઇતિહાસ રસ કરતાં ચમત્કારિક અતિ રંજ્નાઓ તેમ સહજ કલ્પનાઓથી તે આચ્છાદિત છે તેથી ખૂબ લોકપ્રિય થઇ છે.’ (પૃ.૧૧) પણ એથી ઇતિહાસમાં અવકાશ દેખાય ત્યાં મન ફાવે તેમ ઉમેરણ કરી ન શકાય. છતાં માનવ સ્વભાવની પોતાની પ્રક્ષેપણની લાલચ રોકી શકતો નથી … અને આવી કથા, આવા વેશ સર્જાતા રહે છે.

'જસમા ઓડણ'ના મૂળ વેશની કથા જોઈએ તો … પ્રારંભે ગણપતિની પૂજા અર્ચના અને અંબે માતાની વંદના કરતાં રંગલો નૃત્ય કરે છે. જે આ વેશનો પરિચય આપે છે. અને સાથે સાથે જસમાના પૂર્વ જન્મની કથાનો પરિચય પણ આપી દે છે. જસમા પૂર્વ જન્મમાં અપ્સરા હતી પણ નારા ઋષિનો તપોભંગ કરાવતાં શાપગ્રસ્ત થઇ મનુષ્ય દેહે જન્મી હોવાનો પરિચય પ્રેક્ષકને મળે છે.

ભવાઈનું પદ્ય રચનાકાર અપ્સરા કામકુંડલાના સંવાદોમાં પ્રયોજી માણસની મન:સ્થિતિના દર્શન પણ કરાવે છે. –

            'તમને આવું શોભે કે મુનિરાજ ?
             તપસી શું લપસી પડો છો ?'    

અપ્સરા કામકુંડલા ઋષિ સામે રૂપનું અભિમાન કરે છે. ઋષિ ક્રોધે ભરાઈને શાપ આપે છે – 'જા પૃથ્વી પર જન્મ લે અને તારી રૂપાળીનો વાર કાળો કૂબડો થજો.' (પૃ. ૮) ઇન્દ્રના દરબારની અપ્સરા હોવાથી કામકુંડલા પણ પોતાના કાળા કૂબડા વર તરીકે સામા શાપમાં ઋષિને જ માંગી લે છે. આટલી પૂર્વ ભૂમિકા પછી રંગલો, નાયકને શાપના પરિણામ અંગે પૂછે છે. હવે શું થશે ? મુનિ અને અપ્સરા બંને મનુષ્યરૂપે પૃથ્વી પર જન્મ લે છે. નાયક, રંગલાને હવે આ વેશ જોવા કહે છે. જસમા ઓડણના આ વેશમાં, પ્રારંભે પૂર્વ જન્મના ઋષિ અને હાલના રૂડિયા અને પૂર્વ જન્મની અપ્સરા જે હાલ જસમા રૂપે છે બંનેના લગ્ન લેવાય છે. એ પૂર્વે સખીઓનાં વર્ણનમાં જસમાના રૂપસૌન્દર્યનું પ્રમાણ પ્રેક્ષકોને મળે છે.

             – 'જસમા જોબન વેશમાં થઇ વરસની સોળ,
               કાય કનકની પૂતળી ઘણ કંકુની લોળ '

                                                   (૧ પૃ.૩૧ જસમા -નૃત્ય નાટિકા. કેશુભાઈ પટેલ)

            – 'અંગે ઓઢી ઓઢણી ને પાલવ ટાંક્યા મોર ,
              ઉર ઘટામાં કોયલ ટહુકી મીઠો એનો શોર

                                                    (૨ જસમા -નૃત્ય નાટિકા. કેશુભાઈ પટેલ)

           – 'હૈયા કેરી તલાવડીમાં ફૂટ્યાં જોને ફૂલ,
              રહેજો સૈયર ઢંગમાં નીકર ભંવરો કરશે ભૂલ’

                                                     (૩ જસમા -નૃત્ય નાટિકા. કેશુભાઈ પટેલ)  

ગામડાં ગામમાં ભવાઈમાં હાસ્યરસનું પણ ઘણું મહત્ત્વ રહેતું. આથી રૂડિયાના પાત્ર નિમિત્તે આ તક ઉઠાવવામાં આવે છે. રૂડિયાને આખા શરીરે કાળો રંગ લગાડી, રીંછની માફક ચાલતો અને લાળ પાડતો બતાવી હાસ્ય નિષ્પન્ન કરવામાં આવે છે. મંદબુદ્ધિનો હોવાથી વરરાજા તરીકે કરાતી ભૂલો પણ પ્રેક્ષકો માટે હાસ્યનું નિમિત્ત બને છે. લગ્નની લેવડદેવડનો ઝઘડો પણ રસાત્મક રીતે ભજવાય છે.

રૂડિયાના રંગ ઢંગ જોઈ ઓડ જાનને પછી કાઢે છે, પણ એક વાર વાગ્દાન થયું હોઈ જસમા એને જ પરણવા હઠ લે છે. જસમાના જાજરમાન વ્યક્તિત્વનો પરિચય અહીંથી જ મળવો શરૂ થાય છે.

               – 'આશા કરીને આવીઓ, લઈને કંકુનો હાથ,
                 ઈને પાછો બોલાવો, મુને પરણાવો ઈની સાથ.'  (પૃ.૬૦ )

જસમા મનોમન એને પોતાનો ભરથાર માની લે છે. એની જીદ આગળ નમતું જોખી, ઓડ લોકો વેવાઈ – વેવાણ પાસે ખોળો પાથરી  જાન પાછી વાળવા વિનવે છે. પણ વેવાણ – 'ના રૂડિયો નહિ પરણે' કહી ને ઊભી રહે છે. પોતાની પૈઠણ નક્કી થતાં માની જતી વેવાણ લગ્નની તૈયારી કરે છે. પોખણું અને લગ્નનાં ગીતો ગવાય છે.

               – 'આય રે  વેવણ, આય રે  વેવણ, પુંખવા આય રે,
                 લાય રે વેવણ, લાય રે  વેવણ, તારો દીચરો વે'લો લાય રે' (પૃ.૧૧)

લગ્નનાં મંગળગીતો સાથે જસમા પરણીને સાસરિયે જાય છે. જસમા કાળા કૂબડા વાર પ્રત્યે પણ પ્રેમ વરસાવતાં – 'મારા રૂડિયાને પે'રાવું ફૂલડાંનો હાર કેવો શોભે મારો રૂડિયો' (પૃ. ૧૧)

નવી પરણેતર પતિ પાસે નવા નવા ઘરેણાની માંગણી ઓ મૂકે છે ..  બંનેના દામ્પત્યનું સુંદર દૃશ્ય અહીં છે. સામાન્ય રીતે સુંદરવરની કામના કરતી નારીઓ કરતાં જસમા મુઠ્ઠી ઊંચેરી બને છે.

ભવાઈનું દૃશ્ય બદલાય છે, અને મૂળ વેશનો ઉઘાડ પ્રેક્ષકો સામે થાય છે. કોઈક અજાણ્યો માણસ રસ્તો પૂછતો પ્રવેશે છે. અને પોતાની ઓળખ સિદ્ધરાજ જયસિંહના દસ્તૂરી બારોટ તરીકે આપે છે. જસમા સાથે રૂડિયાને જોઈ એને વાંદરા તરીકે સંબોધે છે .. આથી જસમા બારોટને ડારતાં કહે છે – ‘ખબરદાર, મારા ધણીને વાંદર કહ્યો તો ..' પણ જસમાના રૂપથી અંજાયેલો બારોટ ગુસ્તાખી કરતાં કહે છે. – 'સુંદરી આ વનચર સાથે રહીને તમે પણ કઠોર થઇ ગયાં છો. … રતન વીંટીએ શોભે ને સુંદરી રાજ દરબારે' (પૃ. ૧૧) પતિવ્રતા જસમા બારોટને ધમકાવતાં કાઢી મૂકે છે. બારોટ પણ અપમાનનો બદલો લેવાની ધમકી આપી, સીધો રાજાના દરબારમાં પહોંચે છે. અને જસમાની વાત કરે છે. અહીં ભવાઈમાં આવતા પદ્યનો વિનિયોગ સુંદર રીતે બારોટના વ્યક્તિત્વને તો દર્શાવે જ છે પણ સાથે સાથે જસમાના રૂપ સૌન્દર્યનું  અભૂતપૂર્વ કાવ્યાત્મક વર્ણન મળે છે.  જુઓ –

                  – 'એક પદ્મણી સ્ત્રી જોઈ
                  કેસ સોહે વાયસ રંગી, વેણી વસૂકી નાગ
                  માગ સમારી મોહિની, ત્રિવેણી ત્રિભાગ
                  મસ અણિયાળી અમી ભરી, કાજલ અંજિત આંખ
                  ભમરાલી ભામિણી તણી, પાંપણ ભમરા પાંખ
                  કોટ કપોત જેવી કહેત, શ્રવણ છીપ આકાર
                  કપોલ કમલથી કરમાં નાસકા તેલની ધાર
                 નાભી લખણવંત, ત્રવેલી ત્રયણી સમી
                 અતિ સુંદર ઓપત, ચાલ મદ ગજ ગામિની
                 પદમણી પુરણ પ્રાણ, સતી શિરોમણિ સાધવી
                 ચતુરા ચતુર સુજાણ, રાજવી તેને માણ'  (પૃ. ૧૨ )

આ સાંભળી રાજા એના વિશે પૃચ્છા કરે છે કે, આ સ્ત્રી કોઈ રાજકુમારી છે ? ના ઓડ … આ જવાબ સાંભળી રાજા બારોટોની અતિશયોક્તિપૂર્ણ વાતો કરવાની ટેવ તરફ અંગુલી નિર્દેશ કરે છે .. છતાં એના રૂપવર્ણનથી પ્રભાવિત થઇની વિગતે પૃચ્છા કરે છે. અને વિચારે છે – 'માટી ચૂંથનારને ત્યાં પદ્મિણી ?'

બારોટ આ તકનો ફાયદો ઉઠાવી પોતાના અપમાનનો બદલો લેવા રાજાને ઉશ્કેરે છે.       

           –  'તીખા તૂરી ન પલાણિયા, ખાંડા ખડગ ના લગ્ગાં
               તેનો જન્મારો એળે ગયો, આવી ગોરી કંઠે ન વળગાં' (૧૩)

ગમે તેમ કરી જસમાને રાજાના મહેલે લાવવા બારોટ પાટણમાં પાણી નથીનું બહાનું આગળ ધરી તળાવ ખોદાવવા ઓડ લોકોને બોલાવવા સૂચન કરે છે. રાજાની આજ્ઞા પ્રમાણે સહસ્ત્રલિંગ તળાવ ખોદવાનું કામ શરૂ થાય છે. ઓડ લોકો તળાવ ખોદવા આવે છે. જેમાં જસમા  અને એનો પતિ પણ છે. 

              – 'ખોદે ખોદે જશમા સેસ્ત્રલંગમાં
                ગોરી વાવડીએ વળગે ધૂળ' (૧૩)

કેશુભાઈ પટેલ પોતાની નૃત્ય નાટિકા 'જસમા'માં થોડી જુદી પરિસ્થિતિ નિર્માણ કરતાં કહે છે, સિદ્ધરાજ પાસેથી પસાર થતાં પવનથી જસમાનું ઓઢણું ખૂલી જતાં રાજા એના રૂપથી તાજ્જુબ થાય છે. – 'સરતાં શિરથી ઓઢણી જોયું અદ્દભુત રૂપ, ઝબકી જસમા વીજળી ઘાયલ થાતો ભૂપ.'        

જસમાના રૂપસૌન્દર્યથી અંજાયેલો રાજા તળાવમાં આવી જસમાને માટી ખોદવાનું પડતું મૂકી પોતાની રાણી બનવા પ્રસ્તાવ મૂકે છે. પરંતુ સ્વાભિમાની જસમા એને ઠોકર મારે છે. રાજા એને ભાવતાં ભોજન અને મેડી મહેલનાં પ્રલોભનો આપે છે. પણ મને વહાલી મારી માટી કહેતી જસમા પોતાની ઈશ્વરદત્ત પ્રકૃતિ અને પરિસ્થિતિમાં જ આનંદ માણે છે. અંતે હારી થાકીને રાજા જસમાના કદરૂપા વરની દુહાઈ આપે છે. આમ છતાં પતિવ્રતા સતી સ્ત્રી આ લોભ લાલચ કે પ્રલોભનોમાં ખેંચાયા વિના પાટણના પ્રતાપી રાજા સિદ્ધરાજને પણ રોકડું પરખાવી દે છે. – 'જેવો છે તેવો મારો ભરથાર બીજો મારે નવ જોઈએ રે.' (૧૩) રાજાના ઇન્દ્રના દરબાર જેવું સુખ આપવાના પ્રસ્તાવ પર ઠંડુ પાણી રેડતાં જસમા એને  યથાર્થ દર્શન કરાવે છે – 'અરે મૂઓ તારો પાટણ દેશ પાણી વિનાનો ટળવળે રે !' બારોટ જસમાની મક્કમતા જોઈ કાલાવાલા કરે છે .. અને રાજાને હીર ચીર અને સોનાના ઘરેણાંથી મનાવવા સૂચન કરે છે પરંતુ જસમા જેનું નામ, રાજાના હરેક દાવને ઊંધો પાડતાં પોતાનું હીર પ્રગટાવે છે.
                    – 'અરે સાંકળા ઘડાવો તમારી રાણીઓને …
                       અરે હીર ચીર આપો તમારી રાણીઓને ..
                       અમે ગરીબ ઓડની જાત … કેડો મારો મેલજો નકી' (પૃ.૧૪)                               

રાજાના સઘળા પ્રયત્નોને જસમા નિષ્ફળ બનાવે છે … જસમાના રૂપથી ઘવાઈને રાજા કહે છે …

                    – 'શ્વાસે પીધું રૂપ મદીલું લાગી અંતર લ્હાય,
                      અળગા રહી તડપાવો શાને ? તુજ વિણ નાં રહેવાય'

                                                                  (જસમા – કેશુભાઈ પટેલ) 

વાસનામાં અંધ બનેલો રાજા એને પોતાની પટરાણી બનાવવા તૈયાર થાય છે. પણ ભારતીય નારીનું ગૌરવ પ્રગટાવતી આ પતિવ્રતા નારી પોતાનો પતિવ્રતા ધર્મ નિભાવે છે .. એક સામાન્ય સ્ત્રીના નકારથી અપમાનિત થયેલો રાજા રાજધર્મ છોડી બળજબરી પર ઉતરી આવે છે. અને સૌ ઓડ -ઓડણોને મારી નાંખવાની ધમકી આપી, જસમાને સમજાવવા જણાવે  છે. ઓડ -ઓડણો જસમાને સમજાવવા પ્રયત્ન કરે છે, કે રાજા તારા પર મોહ્યા છે.  પણ જસમા પોતાના પતિને સહાય કરવા વિનવે છે. અને નિર્દોષ ઓડ – ઓડણો પર અત્યાચાર ન કરવા રાજાને વિનંતી કરે છે. 'ના રે મારો રાજા રાંક ને'.

હીર ચીર, સોનાં ચાંદીનાં ઘરેણાં, મેડીઓ ને મહેલ અને આખરે પટરાણી બનાવવાનું સિદ્ધરાજનું પ્રલોભન પણ પતિવ્રતા સતી સ્ત્રીને ડગાવી શકતું નથી. પતિ અને વતનનું સ્વાભિમાન પ્રગટાવતાં એ કહે છે. – 'સ્વર્ગથી સોહામણો ગરવો માલવ દેશ, જસમા જાતે ઓડણી 'ભલો' મારો ભાવ ઈશ' *( જસમા – નૃત્ય નાટિકામાં લે. કેશુભાઈ)              

જસમા રાજાને સ્પષ્ટ સુણાવી દે છે . – 'એ તો કદાપિ બનશે નહિ, રાજા. આ જીવ છે ત્યાં સુધી આ જાત કોઈને હાથ નહિ આવે.' (પૃ. ૧૫). એક ભવમાં બે ભવ ન કરવાની  ટેકવાળી જસમાના મુખમાં કેશુભાઈ આ પંક્તિઓ મૂકે છે.  

– 'મીંઢળ બાંધી ફેરા ફરતી નારી એક જ વાર
જીવતાં મરતાં માથે મારે ભલિયો છે ભરથાર' *

આ સાંભળી ભૂરાંટા થયેલ રાજાને, બારોટ ઉશ્કેરે છે. અને એના પતિની હત્યા કરવા સૂચવે છે. એક પક્ષીય પ્રેમમાં અંધ સિદ્ધરાજ, જસમાને પોતાની કરવાની લાહ્યમાં રૂડિયાની હત્યા કરે છે.  ઓડ -ઓડણોનો વિલાપ આખાયે વાતાવરણને ગમગીન બનાવી દે છે, ત્યારે જ જસમાના કોપાયમાન મુખમાંથી આગ ઓકતા શબ્દો શાપ રૂપે નીકળે છે.

                  – 'અરે રે કાંકણ ઉતાર્યા ચૂડલા મારો બેલીડો પહોડ્યો રે મસાણ
                     પાટણ થાશે રે પાયમાલ એક પીરાના રે પ્રતાપથી
                     એ … મહેલના ઠેકાણે મસીદ રે એક જસમાના શાપથી
                    એ …. મહેલ ઠેકાણે મસાણ સુણજે પાટણના ધણી.
                    અરે વારે વારે લઉં છું વા'લાનાં વધામણાં
                    અરે વારે વારે લઉં છું વા'લીડાનાં દુઃખડાં
                    કેમ રે સિધાવ્યા મોઝાર આવું છું તારી સાથમાં.' (પૃ. ૧૫)

ભવાઈના વેશમાં થતી આનુસંગિક ક્રિયાઓના ભાગરૂપે ખેલમાં ફકીરનો પ્રવેશ થાય છે. મક્કાથી આવેલા ફકીર સમક્ષ લોકો, ઓડ અને નાયક ખુદ રાજાના અત્યાચારોની ફરિયાદ કરે છે. ફકીર પણ ભવાઈનો છે, એટલે બંનેને સજીવન કરવાના સવા પાંચ રૂપિયા માંગે છે.  આ ઉઘરાણું નાયક સતીના નામ પર પ્રેક્ષકો પાસે માંગે છે. પરાપૂર્વથી ભવાઈના વેશમાં આ પ્રકારે લોકોને લાગણી પ્રવાહમાં ખેંચી નાણા એકત્ર કરવામાં આવે છે. ભવાઈના અંતે સજીવન થયેલ જસમા અને રૂડિયાના મસ્તી મજાક સાથે ભવાઈ વેશ પૂર્ણ થાય છે.

'જસમા ઓડણ'નો વેશ ભવાઈનો એક લોકપ્રિય વેશ છે. એક સામાન્ય મજૂર સ્ત્રીની ખુદ્દારી, ખુમારી અને પતિવ્રતાપણું પ્રેક્ષકોને પોતાનું લાગે છે. આજે પણ સ્થાપિત હિતો સામે કે સત્તા સામે સામાન્ય માણસ ટકરાય છે ત્યારે આ ગરીબ, શ્રમિક અને મજદૂર વર્ગ સામાન્યની સાથે અને સત્તાની સામે ઊભેલો જ દેખાય છે. પોતાના પ્રશ્નો, પોતાની સમસ્યાઓ, પોતાની વેદનાને વાચા આપનાર કોઈ પણ વ્યક્તિ ઊભો થાય તો એને સાથ સહકાર અને લોકપ્રિયતા જરૂર મળે છે. તત્કાલીન સમયમાં રાજા રજવાડાઓ અને સમાજના ભદ્ર વર્ગ દ્વારા દીન દલિત, કે સામાન્ય મજૂરવર્ગોનું જે શોષણ થતું રહ્યું છે. લાચાર અને મજબૂર લોકો પાસે એનો કોઈ ઉપાય હોતો નથી, એટલે આવી કથા વાર્તાઓ અને ભવાઈના વેશોમાં પ્રગટતી સંવેદનાઓને પોતીકી ગણી કાલ્પનિક આનંદ માણે છે. લાચાર અને હતાશ માણસનો વિદ્રોહ અને બદલાની ભાવના, પરંપરિત માન્યતાઓ અને સામ્રાજ્યો સામે વિધર્મીઓની મદદ લેતાં પણ અચકાતા નથી. આ બાબત આજે પણ એટલી જ સાચી લાગે છે. 'જસમા'નું આ કથાનક ઐતિહાસિક હોય કે ન હોય, લોકપ્રિય છે. લોકમાનસમાં આજે પણ જીવે છે. પોતાના રૂપસૌન્દર્ય કરતાં ખુમારી અને ખુદ્દારી તથા સતીત્વ જેવા ગુણો 'જસમા'ને જાજરમાન બનાવે છે.

* ('જસમા' નૃત્ય નાટિકામાં લે. કેશુભાઈ પટેલ જસમાના પતિ તરીકે ભલાને અને વતન માળવાને દર્શાવે છે. જ્યારે મૂળ વેશમાં પતિ કાળો કુબડો રુડિયો અને વતન સોરઠ દેશ દર્શાવાયું છે. આ લેખમાં ચર્ચા મૂળના સંદર્ભે કરી છે. કેશુભાઈની નૃત્યનાટિકાનો સંદર્ભ પૂરક તરીકે લીધો છે. )                                      

સંદર્ભ ગ્રંથ :

૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય

૨. મિથ્યાભિમાન – દલપતરામ

૩. જસમા – લોકનાટ્ય -પ્રયોગ – શિલ્પની દૃષ્ટિએ – ડૉ. કૃષ્ણકાંત કડકિયા

૪. રૂપકિત – ડૉ. કૃષ્ણકાંત કડકિયા

૫. જસમા – નૃત્યનાટિકા – કેશુભાઈ પટેલ (તાદાર્થ્ય – અંક ૫ ડિસેમ્બર ૧૯૯૩)     

સી.યુ. શાહ આર્ટસ કોલેજ ,અમદાવાદ 380 001  

Loading

બાપુ અને એમનું ભારત : સાત દાયકા પછી

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|25 October 2019

રોજની ટેવ પ્રમાણે એ સવારે પાંચ વાગે ઊઠી ગયા હતા. ગઈ કાલની રાત સારી નહોતી ગઈ; ખૂબ પડખાં ફર્યાં હતા. ગઈ કાલે બપોરની ટપાલમાં એક પોસ્ટકાર્ડ આવ્યું હતું અને એ વાંચી એમનું મન વ્યાકુળ થઈ ગયું હતું. સૂરજ હજુ ઊગ્યો નહોતો અને એ ધ્યાન ધરવા પલાંઠી માંડીને બેઠા.

પ્રદૂષણને કારણે હવામાં ખૂબ દુર્ગંધ હતી. આશ્રમવાસીઓ કહીકહીને થાક્યા કે હવે તો ઍર કન્ડિશન્ડ નંખાવો, પણ એમણે  ઘસીને ના પાડી હતી. જ્યાં સુધી પ્રત્યેક ભારતીય નાગરિક સ્વમાનતાપૂર્વક અને નિર્ભયપણે જીવન ગુજારી ન શકે, ત્યાં સુધી એ પોતે કોઈ પ્રકારની આરામદાયક સુવિધાનો ઉપયોગ નહીં કરે. જ્યાં સુધી કોઈ એમને સમજાવી ન શકે, કે ઍર કન્ડિશન્ડને લીધે વાતાવરણને હાનિ નહીં પહોંચે, ત્યાં સુધી એ ઍર કન્ડિશનનો ઉપયોગ નહીં કરે. એમને લોકોની ચિંતા તો ખરી જ, પણ વૃક્ષ, છોડ, વગડા, લીલોતરી, પશુઓ અને પૃથ્વી પ્રત્યે ભરપૂર લાગણી, કારણ કે આપણે ભલેને વૃક્ષોની ભાષા ન સમજીએ, પણ એનો અર્થ એવો તે થોડો છે કે આપણી ભૂલચૂક કે ક્ષતિને લીધે વૃક્ષની સમસ્યાને આપણે ભૂલી જવાની? વાતાવરણને હાનિ ન થાય એ તો આપણી ફરજ છે. વૃક્ષ કાપો તો પૃથ્વીનું સમતોલન ઢચુપચુ થાય. પશુઓ કે પક્ષીઓને હાનિ થાય તો પર્યાવરણને ઘા પહોંચે. અન્ન ઉત્પન્ન કરવામાં રસાયણો વાપરીએ, તો જમીન ઓછી ફળદ્રુપ થાય.

આ બધું એ સમજે અને એટલે જ એ વાપરે ઓછું અને વારંવાર વાપરે. કોઈએ વાપરેલી વસ્તુનો ફરીથી ઉપયોગ કરવામાં શરમ ન લાગે, અને પોતે વાપરેલી વસ્તુ બીજાને આપે. કોઈએ એમને ‘રિડ્યુસ, રિયુઝ, રિસાઇકલ’ કહેવાની જરૂર નહોતી.

એમને તો એક જ ધ્યેય – કે પ્રત્યેક ભારતીય નાગરિકની આંખે ઊમટેલું આંસુ લૂછવું. એ જ એમનું કર્મ અને એ માટે એ ચાલવા તૈયાર, કોઈ એમની સાથે ન આવે તો પણ એ તો નીકળી પડે એ પથ પર – એકલો જાને રે, પાછળ બીજા બધા આવશે – કવિવર એ વાત સમજી ગયા હતા.

અન્ય લોકો જ્યારે પોતાના ફોન પર ટૅક્સીઓ બોલાવે, ત્યારે એ હોય ચાલતા, પોતે બેસે થર્ડક્લાસ ડબામાં, જ્યારે બીજા બધા બુલેટટ્રેનનાં સ્વપ્ન જુએ. સરોજિની નાયડુએ એક વાર મજાકમાં કહેલું કે એમને ગરીબ રાખવામાં ખૂબ ખર્ચો થાય છે, ત્યારથી એમણે નક્કી કરેલું કે પ્રત્યેક પગલું વિચારીને લેવું; પ્રત્યેક કાર્યનાં પરિણામ હોય છે અને એની જવાબદારી કાર્ય કરનારની હોય છે. જો સર્વ પ્રજા પાસે કોઈ એક પગલું લેવડાવવું હોય, તો પોતે એ પગલું પહેલું લેવું જરૂરી છે. કોઈ પણ પગલું લેતાં પહેલાં તમે પોતાનો દૃષ્ટિકોણ બદલો અને ભારતની સૌથી દરિદ્ર વ્યક્તિની આંખોથી દુનિયા જુઓ અને એનુ દુઃખ દૂર કરવાનાં પગલાં લો – કઈ રીતે એનું જીવન સુખી કરાય? સત્ય, પ્રેમ, અહિંસા અને કરુણા – એને જ પગલે જીવન જિવાય. એમની વિચારસરણી સરળ હતી – પોતાની અંદરનો અવાજ સાંભળો, સૌથી શક્તિહીન વ્યક્તિની દ્વિધાનો વિચાર કરો અને એનું દુઃખ ઓછું કઈ રીતે થાય, સમસ્યા કઈ રીતે હલ થાય, એ પ્રશ્ન ઉકેલો અને તમારી બધી શંકાઓ દૂર થશે.

આ સિવાય બીજો રસ્તો ક્યાંથી હોય?

*

ભારતને આઝાદ થયે સિત્તેર વર્ષ થઈ ગયાં હતાં, પણ એ હવે આ આઝાદી ઓળખી નહોતા શક્યા. પણ પ્રજા ખુશ હતી, સ્વતંત્ર હતી – થોડી સ્વાર્થી પણ હતી – જ્યારે ખેડૂતો શહેરોમાં ન્યાયની માંગ લઈને મોરચો લાવતા કે જ્યારે દલિત વિદ્યાર્થી આત્મહત્યા કરે, ત્યારે સહેલાઈથી બારી બંધ કરી અવગણના કરી શકાતી હતી. આવે વખતે એ પોતાને યાદ કરાવતા – કે ૧૯૪૭ની કુલ વસ્તી કરતાં આજે ભારતમાં વધારે લોકો ગરીબ છે. આ સમૃદ્ધિ એક માયા છે. પણ આ બધું સમજવા એમને રિપોર્ટો વાંચવા પડતા નહોતા; એમની આંખો ખુલ્લી હતી, કાન સાફ હતા.

પણ એમને સાંભળવા હવે કોઈ તૈયાર નહોતું. હવે તો એમને બધાએ વયોવૃદ્ધ વડીલ બનાવી દીધા હતા. એ એમની ઓરડીમાં બેસે, પૂજાપાઠ કરવા હોય તો કરે અને બે વખત એમને જમવાની થાળી જાય. એમની જરૂરિયાત પણ ઓછી. હા, ઘરે પાછો કોઈ પ્રસંગ હોય, તો એમને બહાર બોલાવે, કારણ કે સંબંધીઓ આવ્યા હોય અને એમને નવદંપતીઓ માટે એમના આશીર્વાદની અપેક્ષા હોય કે કોઈને કોઈ કુટુંબીજનના નિધન પછી દિલાસાની, સાંતવન જરૂર હોય અને સગાંઓ એમને પગે પડે અને પોતાનાં પાપ ધોઈ નાખે.

એમને વંદન કરવા જાતજાતના લોકો આવી પડતા. અમુકના હાથે લોહીના ડાઘા હતા – એ ધાર્મિક વિધિની જેમ નમસ્તે કરી ગંગાસ્નાન કર્યું હોય એમ માની, મંત્રો બોલી, પાછા વળતા, આશા રાખીને કે લોકો હવે ભાગલપુર, નેલી, બાજિતપુર, બેલછી, દિલ્હી, કાનપુર, બોકારો, કુનાન પોશપોરા, નરોડા પાટિયા, અમદાવાદ, વડોદરા – લિસ્ટ તો લાંબું થતું ગયું અને નકશો લોહીથી ખરડાઈ ગયો – એટલો બધો લાલ-લાલ કે અહિંસક ચળવળ યાદ કરવા એમનું નામ રામનામની જેમ ઔપચારિક રીતે લેવાવા મંડાતું.

જ્યારે પણ એમને ચલણીનોટ જોવા મળે, ત્યારે એમનું મોં બગડતું – પૈસા હાથોનો મેલ છે, એ તો એ માનતા જ, પણ એમના નામે જાહેર થતી યોજનાઓનાં નામ સાંભળી એમને દુઃખ થતું. એ તો એમનું નસીબ કે જે નેતાઓ અને સાથીઓ એમને જાણતા હતા, એ હવે આપણી વચ્ચે હયાત નહોતા અને જે હતા એ જનસેવામાં ગળાડૂબ હતા – કેટલાક આદિવાસીઓ જોડે વન્યપ્રદેશમાં, તો કેટલાક વિચરતી પ્રજા જોડે દૂરદૂર; કેટલાક મુસ્લિમ પ્રજા સાથે એમને વાડે, તો કેટલાક દલિત લોકો જોડે એમના વિસ્તારમાં. લોકોની યાદદાસ્ત ઓછી થતી ગઈ અને સમય વીતતો ગયો તેમ મકાનો, સંસ્થાઓ, રસ્તા અને પુલનાં નામ નવનવીન નેતાઓને નામે બંધાતાં ગયાં; એમને તો આખરે છુટકારો મળ્યો!

તે છતાં નેતાઓ વારતહેવારે એમનું નામ લેતા – અને એમને નામે પોતાને ગમતી પ્રવૃત્તિનો પ્રચાર કરતા. એ નેતાઓ બોલે ખૂબ પણ સાંભળે ઓછું. એ ટેલિવિઝન પર આવે, એમની મુલાકાત અભિનેતાઓ કે જાહેરખબર લખવાવાળા પ્રચારકો લે – પત્રકાર ક્યારે ય નહીં – અને એ મુલાકાતો મોગલ સલ્તનતમાં કોઈ રાજદરબારમાં હજૂરિયાઓને શરમાવે એવી ઘૃણાસ્પદ હતી.  આજકાલના નેતા એમના જીવનનો સાર માત્ર ‘સ્વચ્છતા’ જેવા એકાદ શબ્દમાં સમાવી લેતા, પણ સંડાસની સફાઈ કરનાર લોકોના જીવનની ઉપેક્ષા કરતા હોય; સફાઈ-કર્મચારીના પગ ધૂએ, પણ એમના જીવનનો ઉદ્ધાર કરવા માટે એકે પગલું ન લે; એમનું કામ મશીનો આગળ કરાવી એમને નવી નોકરીની તક ન આપે; ગાય બચાવવાને નામે માણસોની હત્યા થતી જુએ પણ એ રોકવા જરા ય પ્રયત્ન ન કરે, જ્યારે  એ જ ગાય રસ્તે પ્લાસ્ટિકની કોથળીઓ વાગોળ્યા કરે; શાકાહારી હોવાના બહાને માંસાહારી પ્રજાને મનાવવાને બદલે એમને મકાનોમાંથી ખાલી કરાવે; અને બીજા ધર્મના અનુયાયીઓને કૉલોનીમાંથી તડીપાર થતા જુએ, ત્યારે એક અક્ષર ન બોલે.

ક્યારેક તો એમને થતું કે ઑગસ્ટ ૧૫, ૧૯૪૭ને દિવસે શું કેટલાક ઘઉંવર્ણા લોકો રાતોરાત ધોળા થઈ ગયા? હતોને પેલો લેખક, સલમાન રશ્દી, જેણે એ વિષે એક નવલકથા લખી હતી? એ પણ હતો એ મધરાતે જન્મેલો બાળક – એ રાત પછીના પ્રભાતે જાગવું એ તો આદર્શ ક્ષણ હતી, અને જો એ વખતે તમે યુવાન હોત તો તો સ્વર્ગ પણ આનાથી રૂડું ન લાગે! જવાહરે નહોતું કહ્યું કે એ મધરાત હતી ભારતની વિધાતા સાથેના મિલનની ક્ષણ! 

અને હવે? જે કાયદા હેઠળ એમની ધરપકડ થઈ હતી, જે કાળાકાયદાને કારણે એમણે વર્ષો અંગ્રેજ જેલમાં વિતાવ્યાં હતાં, એ જ કાયદાઓ આજની ભારત સરકાર વાપરવા માંડી હતી; અને માત્ર સરકાર નહીં, પણ કોઈ પણ નાગરિક જ્યારે કોઈ વ્યક્તિએ કંઈ કહ્યું-કર્યું હોય અને એને ન ગમે, તો એ જ રાજદ્રોહ કાયદાનો ઉપયોગ કરી એ વ્યક્તિ સામે મુકદ્દમો ચલાવવા માંડે, જાણે કે ભારતનું લશ્કર નબળું હોય અને એને આવા નાગરિકોની પોતાની સુરક્ષા માટે જરૂર હોય! જે ધારા હેઠળ એમને સજા થઈ હતી, આજે એ જ ધારા વપરાવા મંડાયા વિદ્યાર્થીઓ, વકીલો, પત્રકારો, કલાકારો, અને લેખકોની સામે.

અમદાવાદમાં જ્યારે અંગ્રેજ જજસાહેબે એમને સજા આપી, ત્યારે જજસાહેબની આંખમાં પાણી આવી ગયાં હતાં. એમને જજ પ્રત્યે કોઈ રંજ કે ગુસ્સો નહોતો. જજસાહેબ અને એ પોતે, બંને એકબીજાની માણસાઈ જોઈ રહ્યા હતા અને એટલે જ એમને પુષ્કળ દુઃખ થયું. જ્યારે એમણે જાણ્યું કે એક વિકલાંગ પ્રાધ્યાપક, જે વ્હીલચૅર વગર હરીફરી નથી શકતા, એમને પણ આવા કાયદા હેઠળ મુકદ્દમા વગર જેલમાં રાખ્યા છે; અને જ્યારે અસ્પતાલમાં ઑક્સિજનની અછત હતી ત્યારે બાળકોનો જાન બચાવવા એક ડોક્ટરે પોતાને હાથે એ કામ લઈ લીધું, જેથી સરકાર શરમિંદી થઈ, તેવી સરકારે એવા ડૉક્ટર સામે કાર્યવાહી શરૂ કરી હતી. અને જો તમે સરકારનો થોડો પણ વિરોધ કરો, તો સરકારના સમર્થકો, નવા દેશપ્રેમીઓ એટલા બધા ગુસ્સે થતા કે દેશરક્ષા માટે સ્વયંસેવક બની જઈ ‘દેશદ્રોહીઓ’ને પાઠ ભણાવવા તત્પર થઈ જતા – જનગણમન વાગે, ત્યારે એમને ઊભા થવાનો હુકમ કરે; બળજબરીથી એમની આગળ ‘જયશ્રી રામ’ બોલાવડાવે.

હે રામ!

એવું વર્તન જોઈ રામને શું થતું હશે? રામ, કૃષ્ણ, લક્ષ્મી, સરસ્વતી, મા કાલી – શું એ દેવદેવીઓને આવાં સંરક્ષકોની જરૂર હશે? આ દેવદેવીઓ તો આપણા હૃદયમાં રહે છે; એ તો આ દેવદેવીઓને, જિસસને, બુદ્ધને, મહાવીરને, અલ્લાહને, અહુરમઝ્‌દને – સૌને પ્રાર્થના કરતા. આ સૌ દેવદેવીઓ એમના દેશને આશિષ આપ્યા હતા. પણ આજકાલ તો લોકો એવું માનવા મંડ્યા કે માત્ર એમના દેવદેવી સૌથી ઊંચાં! પણ આ દેવદેવીને સાંભળવાની તકલીફ થતી હશે, નહીં તો મંદિર-મસ્જિદમાં આટલા માઇક્રોફોન શા માટે? દેવદેવીઓને હવે કદાચ દેખાતું પણ નહીં હોય, નહીં તો આટલાં લાંબાં સરઘસ શાનાં? અરે, એમણે આવા વિચાર પણ ન કરવા જોઈએ, નહીં તો ફરી પાછું કોઈ ફરિયાદ કરશે અને એમણે ફરીથી જેલયાત્રા કરવી પડશે. એમને જેલ જવાનો વાંધો નથી; જેલ તો એમનું બીજું ઘર છે, પણ એમણે હજુ ઘણાં યુદ્ધ લડવાનાં છે : એમણે તો દેશનો આત્મા પાછો મેળવવાનો છે. 

કેટલાક આશ્રમવાસીઓએ એમને કહ્યું હતું કે એમણે આધારનું ફૉર્મ ભરી આવવું. પ્રત્યેક નાગરિકે આધારકાર્ડ ફરજિયાત રાખવું પડે, એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પણ એ તો ના જ પાડતા હતા. એમણે દક્ષિણ આફ્રિકામાં આંગળાં આપ્યાં અને એ વખતે ત્યાંની ભારતીય પ્રજાએ એમનો ખૂબ વિરોધ પણ કર્યો હતો. પણ એમને સરકાર પર વિશ્વાસ હતો. પણ ત્યાંની સરકારે વચનભંગ કર્યો, ત્યારથી એ ચેતતા રહ્યા અને સમજી ગયા કે દસ્તાવેજો વ્યક્તિને કામના નથી, સરકારને કામના છે, એથી સગવડ સરકારને થાય છે, પ્રજાને નહીં. આપણે સૌ સ્વતંત્ર છીએ, સરકારને આપણા પર નિયંત્રણ લાદવું હોય છે. આપણા વ્યક્તિત્વના માલિક આપણે પોતે છીએ, સરકાર નથી. પણ હવે તો સરકારને આપણને એક આંકડો આપવો છે, જેથી એ આપણને ઓળખી શકે – અને જો આપણા દસ્તાવેજો સરકારને ન ગમે, તો મોકલી દે આપણને કૅમ્પમાં – કેવા કૅમ્પ? જેવા દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોએ બોઅર પ્રજા માટે બાંધેલા, જેવા જર્મન સરકારે યહૂદીઓ માટે બનાવેલા – આસામમાં આ કૅમ્પ શું કામ બંધાય છે?

કંઈ જ હવે સમજાતું નથી.

સરકારકની ફરજ તો છે પ્રજાને સુરક્ષિત રાખવી; પણ એને પ્રજા પર કોઈ હક હોતો નથી. આધારને કારણે સરકારને બધું ખબર પડશે – કે એ કઈ ટ્રેન ટિકિટ લેશે, ક્યાં રહેશે, ક્યાં જશે, શું ખરીદશે, એમના મિત્ર કોણ, કોને એ મળશે …

આજ કારણસર એ મોબાઇલફોન કે ઇન્ટરનેટ નહોતા વાપરતા. આધારને કારણે એમણે સરકારનો આધાર લેવો પડે – પણ સરકારે નાગરિકની સેવા કરવાની હોય છે, નાગરિકે સરકારની સેવા નથી કરવાની. દેશ અને સરકારમાં ફરક છે. માટે જ એ હાથે કાગળ લખતા; ઇ-મેઇલ નહોતા વાપરતા – એ જ એમના કાગડાની પાંખો જેવા, વાંચી ન શકાય એવા ગંદા અક્ષરમાં ….

પોસ્ટકાર્ડ આવ્યું હતું કાશ્મીરથી :

પૂ. બાપુ

સાત અઠવાડિયાંથી અમારે ઘેર ફોન નથી ચાલતો. રસ્તા શાંત છે. બસ નથી ચાલતી. હું  હૉસ્પિટલ નથી જઈ  શકી. મને ડાયાબિટીસ છે, હૃદયની બીમારી છે. મને દવા નથી મળી. મારો દીકરો મુંબઈ કામ કરે છે, પણ હું એનો સંપર્ક નથી કરી શકી. એણે મને ફોન કરવા ઘણા પ્રયત્ન કર્યા હશે, પણ એની સાથે વાત નથી થઈ. પડોશીનો દીકરો સંદેશા લઈ આવતો, એની પાસે ઘરે પેલું ટીવી જેવું મશીન પણ હતું, પણ એ પણ નથી દેખાતો. સૈનિકો એને લઈ ગયા હતા અને કોઈને ખબર નથી કે એ ક્યાં છે કે ક્યારે પાછો આવશે.

બાપુ, બજારમાં શાકભાજી નથી મળતાં. દુકાનદારોને પણ બીક લાગે છે અને દુકાનો પર તાળાં મારી દીધાં છે. ગલીઓમાં થોડા છોકરાઓ દેખાય છે અને એ લોકો ક્રિકેટ રમે છે, અને એમની બહેનો ઘરે છાનીમાની છુપાઈને  રહે છે. ઠેર ઠેર સૈનિકો ઊભા છે બંદૂક લઈને. ટીવી પર આવી ક્રિકેટમૅચો દેખાડે છે, અને તમારા ટીવીમાં કોઈ પણ વ્યક્તિ જરાક પણ અઘરા પ્રશ્ન પૂછે, તો તમારા પત્રકારો બરાડા પડી એમને ચૂપ કરી દે છે. અમારા રાજ્યમાં બધું શાંત છે, એવું દિલ્હીવાળાઓ કહે છે – બધું બરાબર રાબેતા મુજબ છે. નથી બાપુ, નથી – કશું ય રાબેતા મુજબ નથી.તમે કંઈ કરશો, બાપુ?

મહાદેવભાઈ એકીટશે એમને જોઈ રહ્યા હતા; એમણે જોયું કે એમના હોઠે સ્મિત ફરક્યું હતું.

“બાપુ, શું વિચાર છે?”

“આપણે દવાખાને જઈ મારી બહેન માટે દવાઓ લઈ આવીએ. આપણે શ્રીનગર જઈશું. આપણે ચાલતા જઈશું. મારે મારી બહેનને મળવા જવું છે.”

“અને પછી?”

“પછી લાલચોક જઈશું. ત્યાં હું બેસીશ પલાંઠી વાળીને અને ઉપવાસ કરીશ.”

“પણ શા માટે? આપને શું જોઈએ છે? ત્યાં તો ૧૪૪ કલમનો અમલ થયો છે – લશ્કરને  ખાસ અધિકારો અપાયા છે. એ તો તમારી તરત જ ધરપકડ કરશે અને લોકોને કહેશે કે તમને સુરક્ષિત રાખવા નજરકેદમાં રાખવામાં  આવ્યા  છે.”

“કરવા દો મારી ધરપકડ! જો કોઈ પ્રજાને આપણે આપણી કહીએ, તો એ પ્રજા સાથે આપણે એ લોકો આપણા પોતાના હોય એ રીતે વર્તવું જોઈએ. મારે એમનું દુઃખ અનુભવવું છે અને આપણે કરેલાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવું છે. આ મારી ક્ષમાયાચના છે.”

“પણ બાપુ, સરકારને વાંધો આવશે, એ લોકો ગુસ્સે થશે અને તમારી તબિયત …”

મોહનદાસે ડોકું ધુણાવ્યું અને કહ્યું : “એ લોકો માટે તો હું ઘણાં વર્ષ પહેલાં મરી ચૂક્યો છું – કોઈ ફરક નથી પડતો એમને. મારે તો ચાલવાનું છે.”                          

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 10-12

Loading

...102030...2,6402,6412,6422,643...2,6502,6602,670...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved