Opinion Magazine
Number of visits: 9576614
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાચો દેશપ્રેમી એ કહેવાય જે દેશને ઓળખવાનો પ્રયાસ કરે

રમેશ ઓઝા|Opinion - Opinion|3 November 2019

રવીન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રવાદ પર ભાષણ આપ્યું એની શરૂઆત જ આ શબ્દોમાં કરી હતી. Our real problem is not political. It is social. This is a condition not only prevailing in India, but among all nations. અને એ પછી આગળ કહે છે, Nationalism is a great menace. It is the particular thing which for years has been at the bottom of India’s troubles. રવીન્દ્રનાથ કહે છે કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે અને આવી સ્થિતિ એકલાં ભારતમાં નથી પણ બાકીના દેશોમાં પણ છે. રાષ્ટ્રવાદ એક અભિશાપ છે અને ભારતની સમસ્યાઓનું એ કેન્દ્રવર્તી કારણ છે.

ભક્તોએ અહીં થોડી ધીર ધરવી જરૂરી છે. આ કથન નોબેલ પારિતોષિક વિજેતા કવિ રવીન્દ્રનાથ ટાગોરનું છે. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ત્રણ વ્યક્તિ થકી જગત ભારતને ઓળખતું હતું. એક સ્વામી વિવેકાનંદ, બીજા મહાત્મા ગાંધી અને ત્રીજા રવીન્દ્રનાથ. જે કાલખંડમાં બબ્બે વિશ્વયુદ્ધ થયાં અને રાષ્ટ્રો એકબીજાનાં અસ્તિત્વ મિટાવી દેવા આતુર હતાં ત્યારે ભારતમાંથી વિવેકનો અવાજ પેદા થયો હતો. એ પણ એક નહીં ત્રણ અવાજ. એ ત્રણેય અવાજ વૈશ્વિકતાના હતા. માણસ માણસની સાથે જીવતા નહીં શીખે તો મારતા તો તેને આવડે જ છે. આને માટે કશું જ શીખવાનું નથી. માનવીયતા પ્રયત્ને પ્રાપ્ત કરવાની ચીજ છે, પશુતા તો અંદર પડેલી જ છે. એ યુગમાં વિવેકીજનોએ કાન દઈને જો કોઈને સાંભળ્યા હોય તો આ ત્રણ જણને. વિવેકાનંદ ભલે સદેહે હયાત નહોતા પણ વૈશ્વિક જાગરણની ભારતીય ત્રિપુટીમાં તેઓ હયાત હતા.

આ એ સમયનું કથન છે જ્યારે ભારતે હજુ આઝાદી મેળવવાની બાકી હતી અને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા રાષ્ટ્રવાદનો ખપ હતો. જેમ લોકમાન્ય તિલકને લાગ્યું હતું, જેમ અન્ય નેતાઓને લાગ્યું હતું, જેમ કંઈક અંશે ગાંધીજીને પણ લાગ્યું હતું એમ રવીન્દ્રનાથને પણ લાગવું જોઈતું હતું કે પ્રજાકીય જાગરણ માટે રાષ્ટ્રીય ચેતના જરૂરી છે અને તેને માટે રાષ્ટ્રવાદ સશક્ત  માધ્યમ બની શકે એમ છે. મેધામાં રવીન્દ્રનાથ, વિવેકાનંદ અને ગાંધીથી ચડે એમ હતા અને તેમની દેશભક્તિ બીજા કોઈ પણ કરતાં ઓછી નહોતી. રવીન્દ્રનાથે દેશને બેઠો કરી દેનારા ગાંધીજીની પીઠ થપથપાવવી જોઈતી હતી અને એની જગ્યાએ કાન આમળે છે. એ બે મહાનુભાવો વચ્ચે સંબંધ કેટલો હાર્દિક હતો અને જીવનપર્યંત રહ્યો હતો તેની વિગતો આપવાની અહીં જરૂર નથી.

આ એ સમયનું કથન છે જ્યારે રૉલેટ ઍક્ટ તરીકે ઓળખાતો કાળો કાયદો ભારતમાં લાગુ કરવામાં આવ્યો હતો અને તેનો વિરોધ કરી રહેલા નિ:શસ્ત્ર લોકો પર અમૃતસરમાં જાલિયાંવાલા બાગમાં નિર્મમ ગોળીબાર કરીને ૩૭૯ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. ગાંધીજીએ અસહકારની ચળવળ શરૂ કરી હતી અને દેશ બેઠો થઈ ગયો હતો. ભારતમાં હવે વધારે સમય રાજ કરવું શક્ય નથી એવું અંગ્રેજોને લાગવા માંડ્યું હતું, તે ત્યાં સુધી કે ૧૮મી માર્ચ ૧૯૨૨ના રોજ લંડનમાં આમની સભામાં બ્રિટિશ વડા પ્રધાને નિવેદન કરીને બ્રિટિશ પ્રજાને સધિયારો આપવો પડ્યો હતો કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સલામત છે અને રહેશે.

તો પછી ઘરણ ટાણે સાપ કાઢવાની રવીન્દ્રનાથને શી જરૂર પડી? ખરા ટાણે અપશુકન કરવાનું તેમને કોણે કહ્યું હતું? શા માટે રંગમાં ભંગ પાડવા તેઓ બહાર આવ્યા? કદાચ દેશદ્રોહી હશે નહીં? ભક્તો ખિસ્સામાંથી લેબલ કાઢવાની પેરવી કરતા હોય તો જરા થોભી જાય. આ એ માણસ છે જેણે જાલિયાંવાલા બાગની ઘટના પછી તેમને આપવામાં આવેલો સરકારી ઈલ્કાબ પાછો આપી દીધો હતો. આ એ માણસ છે જે તેમના વિચારોને કારણે તેઓ તેમના પોતાના શાંતિનિકેતન પરિવારમાં લઘુમતીમાં મૂકાઈ ગયા હતા. તેમના સગા મોટાભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથનો વિરોધ કરીને ગાંધીજીને ટેકો આપતા હતા. આમ છતાં ય રવીન્દ્રનાથ પોતાની વાત પર કાયમ રહ્યા હતા. તો શા માટે ખરા ટાણે તેમણે ચેતવણીનો ઘંટ વગાડ્યો? કારણ કે તેઓ આર્ષદૃષ્ટા કવિ હતા અને કવિનો એ ધર્મ હતો.

હવે પ્રારંભમાં જે રવીન્દ્રનાથનું અવતરણ ટાંકવામાં આવ્યું છે એ ફરી વાંચો. એ કવિની પોચટ વાણી નથી. એ એક દૃષ્ટાનું કથન છે અને એવા સમયનું કથન છે જ્યારે દેશને અને દુનિયાને એની જરૂર હતી. ઈતિહાસમાં ક્યારે ય નહોતી એટલી જરૂર હતી. ચેતવણીનો ઘંટ એ વગાડી શકે જે કાન ફાડી નાખતા અવાજોની વચ્ચે નોખો અવાજ કાઢવા જેટલી પ્રામાણિકતા અને હિંમત ધરાવતા હોય. આની પાછળનું પરમ તત્ત્વ કારુણ્ય છે. જાતવફાઈ છે. આ બાબતે રવીન્દ્રનાથ ગાંધીજીથી એક તસુ પણ પાછળ નહોતા. ભક્તોએ કરાવવામાં આવી રહેલા ઘંટારવની વચ્ચે નોખા અવાજને સાંભળવાની ટેવ પાડવી જોઈએ જો ઘેટાંમાં ન ખપવું હોય તો!

રવીન્દ્રનાથ રાષ્ટ્રવાદને અભિશાપ તરીકે ઓળખાવે છે. માત્ર ભારત માટે નહીં, આખા જગત માટે; પણ ભારત માટે વિશેષ. ભારત માટે વિશેષ એટલા માટે કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે. આમ તો આખા જગતની મુખ્ય સમસ્યા સામાજિક જ હોય છે, પણ ભારતની સમસ્યા સામાજિક વિશેષ છે. રવીન્દ્રનાથે આમ કેમ કહ્યું? કયા અર્થમાં સામાજિક છે? સામાજિક અને રાજકીયમાં શો ફેર? આ વિષે સાંગોપાંગ વિચારો. ભારતના સામાજિક સ્વરૂપ વિષે વિચારશો તો જવાબ મળી રહેશે. સાચો દેશપ્રેમી એ કહેવાય જે દેશને ઓળખવાનો પ્રયાસ કરે. બાકી સમજ્યા વિચાર્યા વિના કોઈની જાનમાં નાચવા લાગે તેને જાનૈયા કહેવાય.

એક સપ્તાહ તમારી પાસે છે. એ દરમ્યાન તમે ઈચ્છો તો રવીન્દ્રનાથના રાષ્ટ્રવાદ વિશેના ત્રણ પ્રવચનોનો ડૉ. ત્રિદીપ સુહ્રદે ગુજરાતીમાં કરેલો અનુવાદ જોઈ જઈ શકો છો. નવજીવન પ્રકાશન મંદિરે તેનું પ્રકાશન કર્યું છે. એમાં પશ્ચિમનો રાષ્ટ્રવાદ અને જપાનના રાષ્ટ્રવાદ એમ બે નિબંધો વધુ વાંચવા મળશે. નાનકડું પુસ્તક છે એટલે એક અઠવાડિયામાં વાંચી જઈ શકશો. જો અંગ્રેજી વાંચતા હો તો એસ. ઈરફાન હબીબ દ્વારા સંપાદિત ‘ઈન્ડિયન્સ નેશનાલિઝમ’ પુસ્તક પણ જોઈ શકો છો. એમાં મહાદેવ ગોવિંદ રાનડે, સુરેન્દ્રનાથ બેનર્જી, બાળ ગંગાધર ટિળક, લાલા લજપત રાય, બિપીન ચન્દ્ર પાલ, શ્રી અરવિંદો, મૌલાના હુસેન અહમદ મદની, અલ્લામા ઇકબાલ, સરોજિની નાયડુ, પ્રફુલ્લ ચન્દ્ર રાય, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, ડૉ. બી.આર. આંબેડકર, સી. રાજગોપાલાચારી, સુભાષ ચન્દ્ર બોઝ, ભગત સિંહ, માનવેન્દ્રનાથ રોય, મૌલાના અબુલ કલામ આઝાદ, ખાન અબ્દુલ ગફાર ખાન, ખ્વાજા અહમદ અબ્બાસ, જયપ્રકાશ નારાયણ અને રવીન્દ્રનાથ ટાગોરનો ઉપરનો નિબંધ એમ કુલ ૨૩ મહાનુભાવોના રાષ્ટ્રવાદ વિશેના વિચારો એક જ સ્થળે મળી રહેશે.

હું અપેક્ષા રાખું છું કે આ બધા લોકોને તમે તમારા કરતાં વધુ નહીં તો પણ તમારા જેટલા બુદ્ધિશાળી અને દેશપ્રેમી તો માનતા જ હશો. પછી તો ભગવાન જાણે! આ શૂરવીરોનો યુગ છે એટલે કાંઈ કહી ન શકાય. આ પુસ્તક વાંચશો તો અલગ અલગ વિચારધારા અને વલણના લોકો રાષ્ટ્રવાદ વિષે શું વિચારે છે એની જાણ થશે. આમાંના કેટલાક એકબીજાની સામે બાખડ્યા પણ હતા.

આ ૨૩ મહાનુભાવોનાં તારામંડળ(ગૅલેક્સી)ને એકંદરે રાષ્ટ્રવાદ વિષે અને મુખ્યત્વે ભારતીય રાષ્ટ્રવાદ વિષે શું કહેવાનું છે એ જોઈ લીધા પછી તમે મેઝિની, બેનિટો મુસ્સોલિની, એડોલ્ફ હિટલર, વિનાયક દામોદર સાવરકર અને એમ.એસ. ગોલવલકરને ખુશીથી વાંચી શકો છો. આનાથી પોતાની સગી બુદ્ધિએ નીરક્ષીર વિવેક કરવાનો મોકો મળશે. આંખ ઊઘડે એ કાંઈ ખોટનો સોદો તો નથી જ!

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 નવેમ્બર 2019

Loading

આવા અણસરખા વાતાવરણમાં વિવાદો, મતમતાન્તરો, આવેશો કે પક્ષાપક્ષી સંભવે જ શી રીતે?

સુમન શાહ|Opinion - Literature|2 November 2019

નિષ્ઠાવાન અધ્યાપકો જૂજ છે ખરા પરન્તુ તેઓ પોતાના કશા જ વાંકગુના વિના ડીમૉરાલાઈઝ્ડ થઈ રહ્યા છે…

આપણે ત્યાં ગુજરાતીમાં આધુનિકતાવાદી સાહિત્ય રચાયું અને તેનો વાંકો વિસ્તાર થયો એ છઠ્ઠા અને સાતમા દાયકાનો સમયગાળો યાદ આવે છે. સાહિત્યપરક મતમતાન્તરો સિદ્ધ કરવા માટેની કડવી-મીઠી તકરારોનો સમય હતો. પક્ષાપક્ષી અને તડાતડીભરી પત્રચર્ચાઓથી વાતાવરણ ગરમ રહેતું. જો કે વિચારો ચોખ્ખા થતા. સ્વમતના આગ્રહને કારણે અને તેના પ્રસારની પુષ્ટિ માટે ખાસ્સી જકાજકી થતી. તેની પાછળ ઊભેલી અહમ્-અહમિકાને કારણે ક્યારેક ગાળાગાળીના બનાવો બનેલા. કોઈના નામ પર ભરી-સભામાં થૂંકવાની ઘટના બનેલી. ક્યારેક રીતસરની મારામારી પણ થયેલી. એક વાર મુમ્બઈમાં મારું વ્યાખ્યાન ચાલતું’તું એ દરમ્યાન હૉલની નીચે મૅદાનમાં મિત્રોએ કેટલાક લેખકોનાં નકામાં પુસ્તકોની હોળી કરેલી. જૂઠી સાહિત્યિક સ્થાપનાઓની બરાબરની ખબર લેવાતી. જીર્ણ પરમ્પરાઓ સામે ખાનગીમાં જે રોષ ભભૂકતો, ન પૂછો-ની વાત. દમ્ભી પોતડીદાસોની પોતડી ખૅંચી કાઢવા માટેની યુક્તિઓ વિચારાયેલી. સાહિત્ય માટે આધુનિકો જાનફિશાની કરતા – જાણે પ્રાણ આપી દેવાને થનગનતા હતા.

એ પૂર્વેના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ દર્શાવે છે કે અનેક મુદ્દાઓ માટે જબરજસ્ત ઝઘડા થયેલા. જેમ કે, કાવ્ય ગાવાની વસ્તુ છે કે પાઠ કરવાની? કવિતા ઊર્મિપ્રધાન હોવી જોઈએ કે અર્થપ્રધાન? ‘સરસ્વતીચંદ્ર’-માં આકારનો પ્રશ્ન છે કે કેમ? કાવ્યમાં છન્દ અનિવાર્ય છે કે નહીં? નાટક ભજવવા માટે છે કે વાંચવા માટે? લગ્નસ્નેહ યોગ્ય કહેવાય કે સ્નેહલગ્ન? એક મજાનો વિવાદ સ્મરણીય છે. મધ્યકાલીન કવિ પ્રેમાનંદે તો આખ્યાનો જ લખેલાં. પણ દલીલો સાથે કહેવાયેલું કે પ્રેમાનંદે નાટકો પણ લખ્યાં છે. ખટલો કહી શકાય એટલી હદે વિવાદ વકરેલો. ચુકાદો એ આવેલો કે ના, પ્રેમાનંદે નાટકો નથી જ લખ્યાં …

આધુનિક સાહિત્યમાં, બે પ્રશ્ન જાગેલા : સર્જનમાં રૂપ – ફૉર્મ – અનિવાર્ય છે કે કેમ? ટૂંકીવાર્તામાં ઘટનાને ઘટાડી નાખવી તે ઉપકારક છે કે કેમ? વાતને ત્રણ-ચાર દાયકા થઈ ગયા. બન્ને પ્રશ્નો માટે તાત્ત્વિક ચર્ચાઓ ચાલેલી. પરન્તુ એ પછી કોઈ મુદ્દા માટે એમ બન્યું હોય એવું મેં તો નથી જાણ્યું.

આમ તો ‘સાહિત્ય સાહિત્ય’-માં હું આ વિષય ન છેડત પણ ‘ગાર્ડિયને’ એક લેખ મોકલ્યો, જેમાં વિદેશી સાહિત્યકારો વચ્ચે થયેલા ૨૫ ઝઘડાઓના વીગતે અહેવાલ આપ્યા છે. જેમની વચ્ચે થયા તેમાં મુખ્ય તો વિશ્વખ્યાત સાહિત્યકારો છે : હૅમિન્ગ્વે અને વિલિયમ ફૉકનર. હૅમિન્ગ્વે અને ફિત્ઝરાલ્ડ. કીટ્સ અને બાયરન. જૉહ્ન અપ્ડાઈક અને સલમાન રશદી. ડૅરેક વૉલ્પોલ અને વી.ઍસ. નાયપોલ. સાર્ત્ર અને કામૂ. માર્ક્વેઝ અને મારિયો વર્ગાસ લૉસા. એ ઝઘડાઓ સાહિત્યકલાને માટેની ઊંડી નિસબત, ખેવના અને સંવેદનશીલતા સૂચવે છે. કીટ્સનું ટીબીને કારણે ૨૫-ની વયે અવસાન થયેલું. શૅલિ અને એના બીજા મિત્રોએ કહેલું – કીટ્સના અવસાનનું કારણ એની કૃતિઓનાં નકારાત્મક અવલોકનો પણ છે. વગેરે. મારે બધી વીગતોમાં નથી ઊતરવું. ઘર બળતું હોય ત્યારે પારકી પંચાત કેટલી કરવી …

વર્તમાનમાં આપણે કશી સાહિત્યિક બાબતે ગાળાગાળી નથી જ કરતા, મારામારી તો નહીં જ. સૌ શાણા થઈ ગયા છીએ. એને કહેવાય, એકબીજાનું ચલાવી લેવાની માંહોમાંહ્ય હમજી રાખેલી હમજણ. જેવા છીએ બરાબર છીએ, બધું જેમ છે બરાબર છે, પ્રકારની ઠાવકાઈ. મૂંગારો સૌને કોઠે પડી ગયો છે. આમ તો એક-બે મુદ્દા માટે નહીં, આજકાલના આખેઆખા સાહિત્યિક પરિદૃશ્ય માટે લડી લેવું પડે એમ છે. પણ આ નુક્તેચિની એટલા માટે કરું છું કે થોડું જે સારું છે એ જળવાય ને વિકસે …

એક મહત્તાપૂર્ણ મુદ્દો આપણી પાસે હતો અને હજી છે. એ કે સાહિત્યિક સંસ્થાઓ સ્વાયત્ત હોવી જોઈએ અને તે લોકશાહીય પદ્ધતિથી ચાલવી જોઈએ. બહુ જ મૉડાં, અચાનક, ગુજરાતી સાહિત્ય પરિષદને એમ જોવા મળ્યું કે ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત નથી; હોવી જોઈએ. મથામણ ખાસ્સી થઈ પણ નીવેડો ન આવ્યો. જો કે એ મુદ્દો હવે મન્દપ્રાણ થઈ ગયો છે. એ કાજે કોઈ સાહિત્યકારે ધરણાં ન કર્યાં. કેટલાક અંદરનાઓએ જ અસહકારના ફતવાને ફગાવી દીધો. પહેલાંના બેયે બે પ્રમુખ સહિતના વર્તમાન પ્રમુખ ચૂપ છે. બને કે એમનો હૃદયભાવ કરમાઈ ગયો હોય …

પરન્તુ અકાદમી તો લ્હૅરમાં છે. ત્યાં રીતિનીતિનું નિયમન કરનારી કાર્યવાહક સમિતિ છે જ નહીં. માર્ગદર્શક સમિતિમાં કેટલા બચ્યા છે એ સવાલ છે. અને જો અમુક છે તો તેમની સાથે કઈ મીટિન્ગમાં કેવુંક માર્ગદર્શન મેળવાયેલું તે ઝટ જડે એવું નથી. હાલ અકાદમીમાં બે જ છે – મહામાત્ર અને અધ્યક્ષ ! બન્નેની સહિયારી મતિથી બધું હાલે છે. મબલક પૈસા સાહિત્ય માટે ખરચાય છે એ સારી વાત છે પણ કયા નિષ્ણાતોની રાહબરી હેઠળ? નિ ર્ણાયક બુદ્ધિમતિ કોની? ધોરણો કયાં? સમ્મતિ કોની? આ આપખુદી ન કહેવાય તો શું કહેવાય?

મેં એક-દોઢ વર્ષ પહેલાં પરિષદ પ્રતિ આ જ કૉલમમાં લખેલું કે લડત ચાલુ રાખો પણ ફતવો પાછો ખૅંચી લો. અકાદમીને લખેલું કે કાર્યવાહક અને માર્ગદર્શક બન્ને સમિતિઓની નવરચના કરો, નહીં તો આપખુદ લાગશો. આજે તો, લાગી જ રહ્યા છે ! આમાં કઈ લોકશાહી છે ને કયું બંધારણ? આ હકીકતની મુખ્યમન્ત્રીશ્રીને ખબર છે ખરી? સરકારને પ્રજાજીવનના સૅંકડો પ્રશ્નો ઉકેલવામાં રસ છે, તો આ ગમ્ભીર અને અત્યન્ત સંવેદનશીલ બાબતે તે અક્રિય કેમ છે? શું માતૃભાષાના સાહિત્યકારોની વેદનાની કોઇ જ વિસાત નથી?

આવા અણસરખા વાતાવરણમાં વિવાદો, મતમતાન્તરો, આવેશો કે પક્ષાપક્ષી સંભવે જ શી રીતે? આમાં, કયા આગ્રહ-દુરાગ્રહ માટે ઝઘડો કરવાનું જોમ આવે? આજે સરજાતું સારું સાહિત્ય સ્વલ્પ છે, એની સમુપકારક ટીકાને માટેનો અવાજ જાગે શી રીતે? સાહિત્યસિદ્ધાન્તોનો પરામર્શ બચ્યો જ નથી; શું થવાનું? કઈ પીઠિકાએ સાહિત્યપદાર્થનાં લેખાંજોખાં કરીશું? ગુજરાતી સાહિત્ય કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. એ પરમ આશા-સ્થાન છે. પણ એના વર્ગોમાં શું ચાલે છે? એ વર્ગને મેં વીસેક વર્ષ પૂર્વે ‘માંદો’ કહેલો. કહેલું ‘અવર ક્લાસરૂમ ઇઝ સીક’. ત્યાં નિયત પુસ્તકો કોઈ લાવતું જ ન્હૉતું ને માત્ર નૉટો ઉતરાવાતી’તી. આજે તો, અપવાદો બાદ કરતાં, એના હાલ એથી પણ બૂરા છે. વર્ગ મરણશરણ છે. વિદ્યાર્થીઓ દિગ્ભ્રાન્ત છે. વિદ્યાવૃત્તિ ધોવાઈ ગઈ છે. રસવૃત્તિવાળું કોઇ મળે તો મળે. અમુકો તો વર્ગમાં આવીને અધ્યાપકનું મૉં જોતા બેસી રહે છે ! અધીત ઑસરતું ચાલ્યું છે. નિષ્ઠાવાન અધ્યાપકો જૂજ છે ખરા, પરન્તુ તેઓ પોતાના કશા જ વાંકગુના વિના ડીમૉરાલાઈઝ્ડ થઈ રહ્યા છે …

અમુક સાહિત્યકારો અકાદમીને, અમુક પરિષદને, તો કેટલાક બન્નેને, સહકાર આપે છે. પણ સ્વાયત્તતાની વાતે સર્વસામાન્યપણે સૌ દુ:ખી છે. નીવડેલા સાહિત્યકારો કારકિર્દીને માંડ સહીસલામત રાખી રહ્યા છે. ‘યુવા સાહિત્યકાર’-થી પુરસ્કૃત નવલોહિયાઓ નિરાશવદન છે. કેટલાક સારું કાવ્ય કે સારી વાર્તા લખીને મનને ખુશ રાખી રહ્યા છે. પણ સવાલોનો સવાલ એ છે કે વાચકો છે ખરા. સવાલ લાજવાબ છે.

જોવા જઈએ તો જાનફિશાની માટેનો આ સર્વોત્તમ સમય છે, પણ કોઈ તૈયાર નથી. હા, તો પછી આગળ શું કહેવું? ઇતિશ્રી !

= = =

[૦૨/૧૧/૨૦૧૯ના રોજ “નવગુજરાત સમય”માં, ‘સાહિત્ય સાહિત્ય’ કટારમાં, પ્રકાશિત લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે]

Loading

બોણીની લાગણી એટલે મહેનતકશો માટે આદર અને આભાર, સહુ માટે પ્રેમ અને પ્રસન્નતા, પોતાના માટે આનંદ અને અજવાસ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|1 November 2019

ઉજળા સમાજ માટે બોણી પાછળની લાગણી એ તહેવાર નિમિત્તે શ્રમજીવીની કદર અને મહેનતકશની મદદ એવી હોવી જોઈએ. હાથ મેળવીને, ખુશી સાથે ‘સાલ મુબારક’ બોલીને, મીઠાઈના પડીકા સાથે બોણી આપવાનો હરખ માણવા જેવો હોય છે.

‘લો, આમને પાછી બોણી આપવાની’ – મધ્યમ અને શ્રીમંત વર્ગના લોકોમાંથી ઘણાં કંઈક આવી લાગણી સાથે નવાં વર્ષની બોણી આપતા હોય છે. ખરેખર તો, ઉજળા સમાજ માટે બોણી પાછળની લાગણી એ તહેવાર નિમિત્તે શ્રમજીવીની કદર અને મહેનતકશની મદદ એવી હોવી જોઈએ. તેમાં દયા કે અહેસાનના ભાવને સ્થાન ન હોય. બોણી ખુશીથી અપાય તો જ આપનારને પક્ષે એનો કોઈ મતલબ છે. લેનારના છેડે તો નાખુશીથી આપવામાં આવતી બોણીનો ય મતલબ હોય છે કારણ કે તેની આવક ઓછી છે, મહેનત વધુ છે અને મોંઘવારી તો કરતાં ય વધુ છે. એટલે બોણી વધારે અને પૂરાં દિલથી આપવી. હાથ મેળવીને, ખુશી સાથે ‘સાલ મુબારક’ બોલીને, મોં મીઠું કરાવીને, મીઠાઈના પડીકા સાથે રૂપિયાઓની નવી કોરી નોટો આપવાનો હરખ માણવા જેવો હોય, સામા માણસના ચહેરા પરના ભાવ વાંચવા જેવા હોય છે.

બોણી આપીને આપણે જેમના આભાર માનવાના છે એવા શ્રમજીવીઓની કદર અને નિસબતથી બનાવેલી યાદી મોટી થાય. શરૂઆત થાય તે ઘર, રહેણાંક-વિસ્તાર અને કામની જગ્યાએ ગટર-જાજરુ-બાથરૂમથી લઈને આખો પરિસર સાફ રાખતા સફાઈ કર્મચારીઓ તેમ જ કચરો અને કાટમાળ ટ્રૅક્ટરોમાં ભરીને લઈ જનારા કામદારોથી. ઘરે કચરા-પોતાં-કપડાં-વાસણ કરનારાં ઉપરાંત ઇસ્ત્રીવાળા ને દૂધવાળા ભૂલાય નહીં. ધોધમાર વરસાદમાં કે કડકડતી ઠંડીમાં વહેલી સવારે દરરોજ આપણા માટે અનિવાર્ય અખબાર લઈને આવનાર ભાઈ દિવસ દરમિયાન આપણને સામે મળે તો આપણે એમને ઓળખી ન શકીએ, આપણે એને જોયેલા જ નથી હોતા, કારણ કે એના દિવસનો એક હિસ્સો જ્યારે પૂરો થાય છે ત્યારે આપણો દિવસ માંડ ચાલુ થાય છે! ઝાંપા, સિક્યુરિટી અને સી.સી.ટી.વી. કૅમેરાના દિવસોમાં, જે સોસાયટીઓ કે એપાર્ટમેન્ટોમાં આવવા દેતા હોય ત્યાં, ફેરિયા કેટલા બધા આવે છે ! શાકભાજી, નાસ્તા, પ્લાસ્ટિકની વસ્તુઓ, ચાદરો, સાવરણાં વગેરે વેચનારા, પસ્તીવાળા, ધાર કાઢનારા, પ્લમ્બર, સુથાર, બૂટ-ચપ્પલ રિપેર કરનારા અને બીજા પણ ઘણાં. બળબળતી બપોરે કુરિયરવાળા સાયકલ પર આવે છે. સિક્યુરિટીવાળા ઠેરઠેર રાતદિવસ રખોપાં કરે છે. પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ ભરનારાં ભાઈઓ (અને કેટલીક જગ્યાએ બહેનો પણ) કેટલા કલાક ઊભા રહેતાં હોય છે ?

હવા પૂરનારા કે કચરાં-પોતાં કરનારનાં ઢીંચણો અને કેડોનું શું થતું હશે ? છૂટક મજૂરી કરનાર સ્ત્રી-પુરુષો આપણે ત્યાં વરસ દરમિયાન આવીને નાનાં-મોટાં કામ કરી જતાં હોય છે. આવા કંઈ કેટલાં શ્રમજીવી સ્ત્રી-પુરુષો બોણીનાં સાચાં હકદાર છે. એમાંથી દરેક જણ ચોવીસ કલાકમાંથી કેટલા કલાક કેવી રીતે મજૂરી કરીને બે છેડા ભેગા કરે છે તે વિચારવું રહ્યું. તેમના માટે રહેવાની-સૂવાની જગ્યા કઈ? ફૂટપાથ, ચાલી ખોલી, ઝૂંપડું-તાડપત્રી-છાપરું, રેનબસેરા, કેબિન, શેડ? તેઓ જાજરુ જવા, નહાવા, કપડાં ધોવાં ક્યાં જાય છે? તેમને કેટલા ટંક, ક્યાં અને કેવું ખાવાનું મળે છે? ધંધા-રોજગાર પર જવાં માટેનાં તેમનાં ‘સાધનો’ કયાં? પગ, સાયકલ, પગરિક્ષા, લારી, છકડા, મુકાદમનો ટેમ્પો, એ.એમ.ટી.એસ.-બી.આર.ટી.એસ., બાઇક? આ સાધનોમાં અવરજવર કઈ કિંમતે કયા જોખમે ? આ બધાં માંદા પડે ત્યારે ક્યાં જાય ? કપાતી રોજીએ પડ્યા રહે ? મેડિકલની દુકાનેથી ગોળી લાવે ? જાહેર દવાખાનાંમાં તેમને ક્યારે-કેવી સારવાર મળે ? નહીં તો વતન પાછાં જાય ? આ બધાં કામ પર હોય ત્યારે તેમનાં બાળકોનું શું થાય ? બાજુમાં ઝોળીમાં સૂએ, માટીમાં રમ્યાં કરે, મજૂરીમાં જોડાય, મ્યુનિસિપાલિટીની શાળાએ જાય ? એમનાં મા-બાપને સામે શું મળે?

કુશળ કારીગરને આઠ-દસ કલાકના વધુમાં વધુ હજાર, બીજાંઓને પાંચસોથી સાતસો. સામે શરીરનું વૈતરું કેટલું? આ વૈતરાં માટે તેમને પૈસા આપતાં ભદ્રજનો શુગર અને વજન ઘટાડવા સવાર-સાંજ ટ્રૅક સૂટમાં ચાલતાં-ચાલતાં બળેલી કૅલરિ મોબાઈલ ઍપમાં માપતાં હોય છે. વૉક કરનારા એ લોકો આખો દિવસ પરસેવો કરતાં કોઈ પણ સ્ત્રી-પુરુષનાં શરીરે એક કલાક ઍપ લગાવીને જુએ. તેમને કદાચ ખબર પડે કે મજૂરના શરીરેની અંદરથી બળેલી એ કૅલરી માટે કલાકના પચાસ કે સાઠ જ રૂપિયા મળે ત્યારે જીવ કેવો બળતો હશે ! એ જ રીતે સંપન્ન વર્ગોએ પોતાની અને શ્રમજીવીઓની આખી ય જીવનશૈલી સરખાવવા જેવી છે. તેમાંથી ખ્યાલ આવશે  કે આપણને પીવાનાં પાણીથી માંડીને આનંદ-પ્રમોદ સુધીની જે બાબતો જેટલી અતિ સુલભ છે તેમાંથી દરેક શ્રમજીવીઓ માટે ખૂબ દુષ્કર અથવા અસાધ્ય છે. અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો ભારતનાં મોટા ભાગની રોજગારી અસંગઠિત ક્ષેત્ર એટલે કે અનઑર્ગનાઇઝડ સેક્ટરની છે. જેમાં વેતનનાં દર, કામના કલાક, કર્મચારીના અધિકાર અને નોકરીની સલામતી જેવી બાબતો જાણે હોતી જ નથી.

બોણી આપવા માટેના અણગમાનું એક કારણ ઑર્ગનાઇઝડ સેક્ટર એટલે કે સંગઠિત, સલામત, પગારદાર સરકારી કે અર્ધસરકારી નોકરિયાતોના વર્ગમાંથી કેટલાકને આપવી પડતી બક્ષિસ એ છે. ટપાલી કે ટેલિફોન કર્મચારીને, કારકૂન કે પટાવાળાને બોણી આપવાનું ઘણાંને ગમતું નથી. કેટલાકને એવું પણ હોય છે કે આ કર્મચારીઓને ધોરણસરના પગાર મળે છે, તેઓ ખરી જરૂર હોય કામ કરતા હોતા નથી, ક્યારેક અપમાન પણ કરે છે. કેટલાક કામચોરી પણ કરતા હોવાની છાપ છે. આ બાબતો અનુભવ આધારિત અને વ્યક્તિસાપેક્ષ હોય છે.

કેટલાક લોકો એવું પણ માને છે કે બોણી માગનારને વગર મહેનતે કમાવાની આદત, માગીને ખાવાની દાનત હોય છે, લાયકાત કે મહેનત કરતાં વધારે મેળવવાનો લોભ હોય છે. એ રીતે જોઈએ તો, બોણીની વાત હોય કે ન હોય, પણ આપણા સમાજનો એક નોંધપાત્ર હિસ્સો આ વલણથી નથી ચાલતો શું? આપણી સરકારો પાસે આપણા સમાજના મોટા ભાગના લોકો કેટકેટલાં લાભ અને લ્હાણીની, સવલતો અને સગવડો, રજાઓ અને જોગવાઈઓ માગે છે ? શું એ માગણી અને આપણે દેશ માટે જે કરીએ છીએ એનો મેળ બેસે છે ? સામે પક્ષે સરકારો આપણી પાસે કેટકેટલા કરવેરા, કેટકેટલી માહિતી અને શરણભાવ સાથેની કેવી સંપૂર્ણ વફાદારીની અપેક્ષા રાખે છે? એ મેળવવાની યોગ્યતા આપણા શાસકોની ધરાવે છે ખરા ? બજાર આપણાં કુદરતી સંસાધનો અને વ્યક્તિગત આવકમાંથી કેટલું ઉલેચે છે, પોતે કેટલું કમાય છે અને અપણને કેટલું પાછું આપે છે એ હિસાબ માંડવા જેવા છે. આપણાં કેટલાં ય ધર્મસ્થાનોને ભાવિકો રોજેરોજ કરોડોની બોણી આપે છે ? એમાંથી સમાજને શું પાછું મળે છે ? ઠાલી ધાર્મિકતા અને અંધશ્રદ્ધા ?

શ્રમજીવીને બોણી આપવામાં કદર કરવાનો અને કદર પામવાનો સંતોષ છે. બોણી આપીને વર્ષમાં એક વખત સારું કામ કરવાની પ્રતીકાત્મકતા પણ લાગે. બોણી કે બક્ષીસ આપવાના વધુ પ્રસંગો ઊભા કરવા એ આપણી કદરદાની પર આધાર રાખે છે. ખરેખર તો બોણી કે બક્ષીસ સમાનતાવાદી સમાજમાં ઇચ્છનીય નથી. પણ આપણે એવા સમાજથી જોજનો દૂર છીએ. એટલે બોણી વિશેના એકતરફી કઠોર વિચારોમાં સૂકા ભેગું લીલું ય બળી ન જાય એ વિચારવાનું છે. બોણી એ શ્રમજીવીઓ તરફની આપણી કૃતજ્ઞતાનું એક પ્રતીક માત્ર છે. એ કૃતજ્ઞતા પ્રતીક ન રહેતા સ્થાયી કૃતિશીલતા બને એવી નવા વર્ષની શુભકામના.

*******

31 ઑક્ટોબર 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 01 નવેમ્બર 2019 

Loading

...102030...2,6352,6362,6372,638...2,6502,6602,670...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved