Opinion Magazine
Number of visits: 9576415
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી અને ઓસામા બિન લાદેન બન્ને વચ્ચે શું સંવાદ શક્ય છે?

બકુલા દેસાઈ - ઘાસવાલા|Opinion - Opinion|1 January 2020

લેખન – પ્રા. ભીખુ પારેખ : ભાવાનુવાદ – બિપીન શ્રોફ

ગાંધીજી અને લાદેન વચ્ચે સંવાદ શક્ય છે કે કેમ એવો પ્રશ્ન થાય ત્યારે પહેલો વિચાર એ આવે કે એવો પ્રશ્ન ઉદ્દભવ્યો જ કેવી રીતે ! જો કે જેઓ ગાંધી વિચાર, જીવન અને કવન બાબતે અભ્યાસુ છે તેમને માટે આવો વિચાર સહજ છે. પ્રા.ભીખુભાઈ પારેખ ગાંધી વિચાર – આચારનું તટસ્થ વિશ્લેષણ કરી તેને પ્રસ્તુત કરવા માટે અધિકૃત વ્યક્તિ છે. આ પુસ્તિકા જે પ્રકરણ સંબંધે લખાઈ છે તે વિશે અગાઉ પણ વાંચેલું કે સાંભળેલું. જો કે મૂળ પુસ્તક Debating  India મેં વાંચ્યું નથી, એટલા પૂરતી હું અજાણ કહેવાઉં. તેથી પણ હું આ ભાવાનુવાદિત પુસ્તિકાને ધ્યાનમાં રાખીને જ અહીં મારા પર શું છાપ ઊભી થઈ તે લખીશ.

શરૂઆત પુસ્તિકાના મુખપૃષ્ઠથી કરવી જોઈએ. પોતાની લાક્ષણિક મુદ્રામાં લેખનમગ્ન બાપુને નીરખી રહેલા લાદેનની આ તસવીર પરથી બન્નેના વ્યક્તિત્વ વિશે મને જે વિચાર આવ્યો તે એ કે બાપુ માટે દરેક કાર્ય ધ્યાનયોગ છે. લેખનમગ્ન ગાંધીજીને આસપાસ કોણ છે તેની સાથે નિસબત નથી, પોતે જે કામ કરી રહ્યા છે તેમાં તેઓ ગળાડૂબ છે. વજ્રાસન એમને સિદ્ધ હોય તેવું લાગે કારણ કે બેસવાની એમની આ સહજ પદ્ધતિ છે. વસ્ત્રપરિધાનમાં સાદાઈ સ્વીકાર્યા પછીના ગાંધીજી આ સંવાદની પરિકલ્પના માટે ઉપયુક્ત લાગ્યા છે. સફેદ ફેંટો (પાઘડી પહેરી હોઈ તેવું લાગતું નથી.) અને સફેદ ઝભ્ભો પહેરેલા લાદેનની તસવીરથી આપણે પરિચિત છીએ. આમ તો સફેદ રંગ શાંતિનો ગણાય છે! અહીં લાદેનની આંખો અને એના ભાવ તરત ધ્યાનાકર્ષક બને છે. મને લાદેનની આંખોમાં કુતૂહલ, જિજ્ઞાસા, જેને જોઈ રહ્યો છે તેને માટેની પરિચિતતાનો અણસાર અને કંઈક ઉપહાસની લકીર ખેંચાયેલી હોઈ એવું લાગ્યું. ગાંધીજી વયોવૃદ્ધ અને લાદેન યુવાપ્રૌઢ લાગે. બન્નેનું તીક્ષ્ણ અણિયાણું નાક પણ ધ્યાન ખેંચે. બાપુમાં નમ્રતાનો અતિરેક અને લાદેન ગર્વિષ્ઠ! કોઈક કારણસર તસવીરમાં લાદેનની નિર્મમ હિંસાવૃત્તિ કે હિંસક ચહેરો દેખાતો નથી! અલબત્ત, ગાંધીજીને જે માયાળુ ભાવ સહજ છે તેની તો વાત જ અલગ છે. અંતિમ પૃષ્ઠ પર તો ફક્ત અદ્રશ્ય થતા હોઈ એવા ગાંધીજીને જ દર્શાવ્યા છે એનો અર્થ એવો કરવો કે ગાંધી વિચાર હવે શક્ય નથી? અહીં લાદેન નથી. જો કે અંતિમ પૃષ્ઠ પર લખેલું સૂત્ર છે,’ वादे वादे ज़ायते तत्त्वबोध’,’ સત્યની શોધ ચર્ચા અને સંવાદને આભારી છે’. અહીં લાદેનને સત્યદર્શન થયું કે કેમ તે મૂંઝવણ તો છે જ. વળી સત્ય કોનું? કારણ કે દરેક ઘટના, વિચાર અને વ્યક્તિનું સત્ય પોતીકી સમજનું જ હોઈ છે.

તો પણ અહીં હિંસા અને અહિંસાની બે અંતિમ છેડેની વૃત્તિ અને વ્યક્તિઓ વચ્ચે સંવાદની પરિકલ્પના કરવી એ વિચાર જ રોચક બને છે. જ્યારે બન્ને વ્યક્તિ હયાત નથી પરંતુ એમના અનુયાયીઓ કે એમની વિચારસરણીમાં વિશ્વાસ રાખનારાઓ તો હયાત  છે જ ત્યારે આ પ્રશ્ન આશા જગાડનારો છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં વિચારવિમર્શ અને સંવાદની પરંપરા વૈદિક અને શ્રુતિ- સ્મૃતિકાળથી છે. આ પુસ્તિકા ભીખુભાઈના પુસ્તક ‘Debating India’ના એક પ્રકરણનો બિપિનભાઈ શ્રોફે કરેલો ભાવાનુવાદ છે. આમ તો કહી જ શકાય કે બે અંતિમ છેડાની વ્યક્તિઓ સંવાદ દ્વારા વિવાદ ઉકેલી શકે તો આ દુનિયા જીવવા માટે બહેતર બની રહે. એ કેટલું શક્ય છે તેની ચર્ચા ચોપન પાનાંમાં વિસ્તરેલી છે. આમ તો આ કાલ્પનિક સંવાદ થયો એટલે ઓસામાનો પત્ર હોય કે ગાંધીજીનો એનાં મૂળ તો ભીખુભાઈના માનસ-પ્રદેશમાં છે. એમ પણ કહી શકાય કે ગાંધીજી અને લાદેનની વિચારસરણી અને મનોસ્થિતિનો ક્યાસ કાઢ્યા પછી એક સંવેદનશીલ વિચારકનો મનોદ્વંદ્વ અહીં પ્રગટ્યો છે.

લાદેન પોતાની વિચારસરણીને હિંસા દ્વારા દ્રશ્યમાન કરવામાં માને છે. એને મન ઇસ્લામ જ પૃથ્વી પર માનવજાતિને માટે આશીર્વાદ રૂપ છે. અમેરિકા અને ઈરાન તેમ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ઉદાહરણ દ્વારા શોષક અને શોષિતની માનસિકતા, શોષણનું સ્વરૂપ અને પ્રક્રિયા, પ્રતિક્રિયા અને અંતિમ વાસ્તવિકતાની સુપેરે વિશદ છણાવટ લાદેન – ગાંધીના પત્રવ્યવહારમાં વ્યક્ત થઈ છે. જ્યારે લાદેનની અભિવ્યક્તિમાંથી પસાર થઈએ ત્યારે અમેરિકન અને ઈઝરાયલી શાસકોની કૂટનીતિનો ખ્યાલ તો આવે સાથે પ્રજાની જે હાલાકી થઈ તેના કારણે એમની પ્રતિક્રિયા લાદેનની હિંસાત્મક રીતિનીતિના સ્વીકાર સાથે પ્રગટી એવું માની લેવાના તર્ક છે એટલી હદે વાચક તરીકે સંમત થઈ જઈએ ત્યાં તો ગાંધીજીની અહિંસાની વિભાવના, લાદેનનું માની લીધેલું સત્ય કેટલું અસંગત છે, જે કડવી વાસ્તવિકતાનો સામનો સામાન્ય ઈસ્લામિક પ્રજાએ કરવાનો આવે છે અને દુનિયાભરમાં કેટલી નકારાત્મકતા છવાઈ ગઈ છે, તેનું વળી તર્કબદ્ધ વિવરણ વાચક તરીકે સંમત કરી દે છે. અમેરિકાનું મોટાભાઈના રૂપે મોટાભાભા કે દાદા થઈ જગતકાજી બની રહેવાનું વલણ ખરેખર તો કેટલું સ્વકેન્દ્રી છે, હું – મારું – મારાંનું હિત છેવટે સ્વાર્થ, ભોગવાદ, છળકપટની કેવી આભાસી દુનિયા ખડી કરે છે તેની સામે હિંસક પ્રતિકાર સિવાય કોઈ આરોઓવારો નથી એવી વિવશતા કેમ પ્રગટી તેનો ક્યાસ લાદેનના મનમાં જઈને કઢાયો હોય એટલી હદે લાદેનનું સત્ય પ્રગટ્યું છે. તો ગાંધીજીનું સત્ય તો જાણે આપણી ગળથૂથીના અનુભવનું પણ સત્ય હોય તેટલું પોતીકું લાગે. આમ લાદેન અને ગાંધીજી બન્નેને મસ્તિષ્કમાં સ્થિત થઈને પત્રરૂપે વાચા આપવામાં તો લેખક સફળ થયા જ છે. તીવ્ર મનોમંથન પછી પણ જાણે બન્નેનું સત્ય સમાંતર પ્રવાહે વહી કોઈ એક માઈલ સ્ટોન પર અટકી જતું લાગે. સંવાદ શક્ય છે, ફળની આશા વગર કર્મ કર અને કરતા રહેવું પર વાત અટકી ગઈ હોઈ એવું લાગે. મને જે સત્યદર્શન થયું તે એ કે સંવાદ શક્ય છે મનવાંચ્છિત ફળશ્રુતિ નહીં!

આ પુસ્તિકા દુનિયાભરમાં ફેલાયેલા આતંકિત વાતાવરણની કલુષિતતા પ્રગટ કરે છે,  એના ઓછાયામાં પ્રગટતી હતાશાનો નિર્દેશ પણ કરે છે. તો પણ એ ઊચ્ચસ્તરીય કાવાદાવા પર પ્રકાશ પાડીને રહી જાઈ છે. છેવાડાના માનવીઓ, સ્ત્રીઓ, બાળકોનો ઉલ્લેખ છે ખરો પરંતુ અહિંસાને સાધ્ય અને સાધન તરીકે અપનાવવા માટે એમની ભૂમિકાનો અહીં ખાસ નકશો કે દિશા જડી છે એવું મને લાગ્યું નહીં.

સંવાદની શક્યતાની આશાની દીવાદાંડીએ ક્યા નકશે કદમ પર અહિંસક રીતે કેવી રીતે પહોંચવું એની દ્વિધા કે દુવિધા તો રહી જ જાઈ છે. લાદેનના પરિવેશમાં તો યેનકેનપ્રકારેણ સત્તાના હસ્તાંતરણ સિવાય કોઈનું સ્થાન હોઈ શકે તેવું લાગે જ નહીં. સ્ત્રીઓ તો ઠીક છે એવા ભાવે પોતાના સાથીઓ કે અનુયાયીઓ ‘બાયલા’ નથી એમ કહી એમની મર્દાનગીને મુખર કરી એમને ઊંચાં ગણાવવાની શૈલી (પાનું : ૧૭), ગાંધીજીની અહિંસક લડતને નિસ્તેજ ઉદાસીન, નિષ્ક્રિય, સ્ત્રીઓ જેવી અને બિનઅસરકારક (પાનું : ૩૫) કહેવાની ચેષ્ટા સ્ત્રીવિરોધી માનસ પ્રગટ કરે છે. ગાંધીજી પણ સ્ત્રીઓને રાજનીતિમાં પુરુષ સમોવડી (પાનું : ૪૫) બનાવવા માટે સશક્તિકરણની વાત કહે છે. એમાં પણ પુરુષ પ્રધાનતાને મહત્ત્વ અપાયું છે. ટૂંકમાં અહીં જે માનસ પ્રગટ થયું છે તે સમયગાળામાં સ્ત્રીઓ પ્રત્યે સમાજની દ્રષ્ટિ આવી હતી એમ કહી શકાય પરંતુ અહીં તો લેખકનું માનસ પ્રગટ થાય છે! છતાં ગાંધીજીની વિચારધારામાં સ્ત્રીઓના ઘરની બહાર પ્રવેશી કાર્યરત થવાના દરવાજા તો ખૂલે જ છે.

વાત શિખરમંત્રણા અને મોટાઈની છે પણ ખુરદો તો સામાન્ય માણસનો જ નીકળે. અમેરિકા અને બ્રિટનની નાડ ભીખુભાઈના પાત્રો બરાબર પારખે છે એટલે કે ભીખુભાઈ પોતે પારખે છે! અણુબોંબ જેવા શસ્ત્ર પર આધિપત્ય, વૈશ્વિક બજાર પર હાવી રહેવું અને જનસમાજની નબળાઈ, લાચારી, ધાર્મિક ભીરુતાનો સંગઠિત કે ટોળાંશાહી દુરુપયોગ એવી રાજકીય ચાલાકી, બદમાશી, લુચ્ચાઈને દ્રશ્યમાન કરવામાં લેખક સફળ થયા છે તો ગાંધીજીની સામી વ્યક્તિમાં રહેલી સારપ, ગુણાનુવાદનો ભાવ અને અહિંસક વિભાવનાને મુખર કરવામાં પણ સફળ થયા જ છે.

મને આ પુસ્તિકા વાંચતાં સતત વિચાર આવતો હતો કે જરૂરી ફેરફાર સાથે આનું નાટ્યરૂપાંતર કે ટેલિડ્રામા બનાવી શકાય કે કેમ? એમ કરી શકાય તો એ વધારે અસરકારક બને. જો એ શક્ય બને તો બાપુની ૧૫૦-૧૫૧મી જન્મ જયંતીની સાચી ઉજવણી કહેવાશે. હાલ તો ભીખુભાઈની  આશાપ્રેરક કલ્પનાને ભાવાનુવાદ થકી ગુજરાતીમાં પ્રસ્તુત કરવા બદલ બિપિનભાઈનો આભાર અને પુસ્તિકાને આવકાર.

પ્રકાશક : બિપિન શ્રોફ , ૧૮૧૦/ લુહારવાડ, મહેમદાવાદ-૩૮૭ ૧૩૦. ઇ.મૈલ : shroffbipin@gmail.com મૂલ્ય : ₹. ૨૦/૦૦

Loading

‘રામ’ વગરના શ્રીરામ લાગૂ : ચાલો, ઈશ્વરને નિવૃત્ત કરીએ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 December 2019

“હું ઈશ્વરમાં માનતો નથી, અને મને લાગે છે કે ઈશ્વરને હવે નિવૃત્ત કરી દેવો જોઈએ. ઈશ્વરનો વિચાર એ કવિની સુંદર કલ્પના છે, અને માનવ સભ્યતાની શરૂઆતમાં એની ઉપયોગિતા હતી, પણ હવે સમય આવ્યો છે આપણે સંપૂર્ણ તાર્કિક અભિગમ સાથે દુનિયાનો સામનો કરવો જોઈએ. છેલ્લા પાંચ હજાર વર્ષથી, ઈશ્વરના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી મળ્યો, અને જેને વૈજ્ઞાનિક રીતે પુરવાર ના કરી શકાય, તેવી ઘટનાઓમાં વિશ્વાસ એ અંધશ્રદ્ધાથી વિશેષ કશું નથી. ‘ઈશ્વર’ના નામે ઘણાં અમાનવીય વ્યવહારો, અત્યાચારો અને યુદ્ધો થયાં છે. ઈશ્વરની ધારણાને રદ્દ કરવાની માત્ર જરૂર જ નહીં, આપણી ફરજ પણ છે, કારણ કે તે માનવતા સામેનો બહુ મોટો અન્યાય છે. માત્ર તાર્કિક વિચારશક્તિ પાસે જ લોકોને તમામ ચીજોથી ઉપર મુકવાની ક્ષમતા છે, પણ તમે જ્યારે ઈશ્વરમાં માનો છો, ત્યારે તમે તે ક્ષમતાને જતી કરો છો, અને જે કહેવામાં આવ્યું હોય, તેને આંખો બંધ કરીને સ્વીકારો છો. તમે તમારી બુદ્ધિને નિષ્ક્રીય બનાવી દો છો, અને પછી તમારામાં અને જાનવરમાં કોઈ તફાવત રહેતો નથી.”

ગઈ ૧૮મી તારીખે, ૯૨ વર્ષની ઉમરે, અવસાન પામેલા ડો. શ્રીરામ લાગૂને આપણે રંગમંચ અને સિનેમાના કલાકાર તરીકે ઓળખીએ છીએ, પણ એ એમ.બી.બી.એસ., એમ.એસ. ડિગ્રી સાથે આંખ-નાક-ગળાના ડોક્ટર અને રેશનાલિસ્ટ વ્યક્તિ હતા, અને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય તેમ જ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, તે માટે સક્રિય હતા. ઉપર જે વિધાનો છે, તે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અન્વયે તેમના એક બહુ પ્રચલિત વક્તવ્યનો હિસ્સો છે. આ સમિતિની રચના ડોક્ટર, સમાજ સેવક અને રેશનાલિસ્ટ નરેન્દ્ર દાભોલકરે કરી હતી, જેમની ૨૦૧૩માં આ પ્રવૃત્તિના કારણે જ હત્યા કરવામાં આવી હતી. શ્રીરામ લાગૂ અને દાભોલકર બંને પુણેવાસી હતા.

મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દર મહિને ‘વિવેક જાગરણ’ શીર્ષક હેઠળ ડો. લાગૂનું એક વક્તવ્ય ગોઠવે, જેનો વિષય હોય ‘ઈશ્વરને નિવૃત્ત કરીએ.’ તેમને સંભાળવા માટે બહુ લોકો એકઠા થાય અને અનેક સંસ્થાઓ-સંગઠનો આ વક્તવ્ય ગોઠવવા માટે પડાપડી કરે. શ્રીરામ લાગૂએ આ જ વિષય પર લેખ પણ પ્રકાશિત કરેલો, અને તેનો બહુ વિરોધ-વિવાદ થયો હતો. એમાં લાગૂને ધમકીઓ પણ આપવામાં આવેલી અને કાર્યક્રમોમાં તોફાન પણ કરવામાં આવેલાં, છતાં તેઓ વિચલિત થયા વગર તેમનું કામ ચાલુ રાખતા. વિરોધ કરવાવાળાએ તેમને કહેલું કે તેઓ ‘શ્રીરામ’ નામ બદલી નાખે, કારણ કે નાસ્તિક માણસનું નામ શ્રીરામ ના હોય.

ડો. લાગૂએ તેની પાછળનો તર્ક અને ભાવના સમજવતાં કહ્યું હતું, “એક બાળક તરીકે મારી એ સ્થિતિ ન હતી કે, હું મારા પેરન્ટ્સને કહું કે મને ઈશ્વરનું નામ ન આપે. તેઓ બહુ જ શ્રદ્ધાળુ પેરન્ટ્સ હતાં, અને એ પ્રેમના કારણે ઈશ્વરનું નામ આપ્યું હશે. મને તો તેમણે પ્રેમ અને સ્નેહનાં કારણે આ નામ આપ્યું હતું (એટલે મેં રાખ્યું છે).”

ડો. દાભોલકરના દીકરા હમીદ દાભોલકર એક સમાચારપત્રમાં પ્રકશિત લેખમાં લખે છે કે, ૮૦ના દાયકામાં સમાજ સેવા માટે કોઈ સહાયતા ન હતી અને બિન-સરકારી સંગઠનો પણ ન હતાં, ત્યારે ડો. લાગૂ અને એક્ટર રામ આપ્ટેએ સમાજ સેવકોને આર્થિક મદદ મળે, તે માટે ‘સામાજિક કૃત્યદ્યાનતા નિધિ’ સ્થાપી હતી, જે સમાજ સેવકોને દર મહિને જીવન જરૂરી ચીજો માટે પૈસા આપતી હતી. લાગૂએ થિયેટર અને સિનેમાના એકટરો પાસે દાન માટે અપીલ કરાવી હતી. તેમણે નીતુ ફૂલે, રીમા લાગૂ સુધીર જોશીના નાટક ‘લગ્નાચી બેડી’ને આખા મહારાષ્ટ્રમાં ભજવ્યું હતું.

નાટક પૂરું થાય તે પછી ડો. લાગૂ ઝોળો લઈને પ્રેક્ષકોમાં ફરે અને દાન ઉઘરાવે. નાના-નાના ગામડાંઓમાં, જ્યાં રહેવાની સારી જગ્યા પણ ના હોય, ત્યાં લાગૂ આ નાટક કરે અને લોકો પાસેથી દાન ઉઘરાવે. સામાજિક સેવા પ્રત્યે તેમની આ પ્રતિબદ્ધતા હતી. થિયેટર પ્રત્યેનો તેમનો પ્રેમ પણ આ સામાજિક પ્રતિબદ્ધતામાંથી જ આવેલો. મહારાષ્ટ્રની રંગમચ પરંપરા સામાજિક સુધારણા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે. લાગૂ તેમની ચાલીસી સુધી તો ધંધાદારી સિનેમામાં આવ્યા પણ હતા. એ કેન્યામાં એક હોસ્પિટલમાં સર્જન તરીકે કામ કરતા હતા, અને ૧૯૬૯માં ૪૨ વર્ષની વયે ભારત પરત આવીને પૂર્ણસમય માટે થિયેટરમાં જોડાઈ ગયા હતા. તે દરમિયાન વસંત કાનેટકરની એક ફિલ્મમાં શિવાજી મહારાજના પુત્ર સંભાજીની ભૂમિકા મળી, ત્યાંથી મરાઠી સિનેમાઓ શરૂ થઇ હતી.

ડો. લાગૂ કહે છે, “હું એક જમાનામાં સર્જન હતો. નાક-કાન-ગળાનો ડોક્ટર હતો. જે વર્ષે હું મેડિકલ કોલેજમાં ગયો, એ જ વર્ષે મેં થિયેટર શરૂ કર્યું હતું. બસ, થિયેટરનો જ શોખ હતો. જ્યારે હું હિન્દી સિનેમામાં વ્યસ્ત થઇ ગયો, તો એક સમય એવો હતો કે હું થિયેટર બિલકુલ કરી શકતો ન હતો. ત્યારે મને લાગ્યું કે મારા જીવનમાં આ બહુ ખોટું રહ્યું છે. થિયેટર તો મારું જીવન છે. પછી હું પાછો થિયેટર તરફ ગયો, અને દર રવિવારે થિયેટર કરતો, બાકી છ દિવસ ફિલ્મો કરતો.”

સતારામાં ૧૯૨૭માં જન્મેલા શ્રીરામ લાગૂ તેમની ભાવે સ્કૂલમાંથી જ થિયેટર કરતા હતા. ભાવે સ્કૂલ રંગમંચને બહુ પ્રોત્સાહન આપતી હતી. અહીંથી જ સ્મિતા પાટીલ, રોહિણી હતંગડી અને સોનાલી કુલકર્ણીને એક્ટિંગનો રંગ લાગેલો. આ જ સ્કૂલના એક નાટકમાં લાગૂએ સ્વતંત્ર્ય સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેની ભૂમિકા કરી હતી. વર્ષો પછી રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં લાગૂ એ જ ભૂમિકા કરવાના હતા.

“મને બહુ ઝડપથી ખબર પડી ગઈ હતી કે,” તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “મારા વિલંબથી આવવાના કારણે અને મારા ચોક્કસ દેખાવને કારણે હિન્દી ફિલ્મોમાં મને પિતા અને કાકાની જ ભૂમિકાઓ મળવાની છે. મેં જો કે ૧૫૦થી વધુ હિન્દી ફિલ્મો કરી હતી, છતાં ‘ઘરોંદા,’ ‘કિનારા,’ ‘ઇન્કાર,’ ‘સાજન બિન સુહાગન,’ ‘ઇન્સાફ કા તરાજુ,’ ‘એક પલ’ અને ‘એક દિન અચાનક’ જેવી અમુક જ ફિલ્મો યાદગાર હતી.

શ્રીરામ લાગૂને જેના માટે યાદ રાખવામાં આવે છે, તે મરાઠી નાટ્યકાર વિષ્ણુ વામન શિવર્ડકર ઉર્ફે કુસુમાગ્રજના પ્રતિષ્ઠિત ‘નટસમ્રાટ’માં તેમણે શ્રેષ્ઠતાના શિખર પરથી ગબડીને કનિષ્ઠતાની ખીણમાં પટકાતા અભિનેતા ગણપત બેલવલકરની દુઃખદાયક યાત્રા ભજવી હતી. કુસુમાગ્રજ શેક્સપિયરના મહાન નાટક ‘કિંગ લિયર’ને મરાઠીમાં કરવા માંગતા હતા, અને અચાનક તેમને એક એવા ઉંમરવાન એક્ટરનું પાત્ર મગજમાં આવ્યું, જે શેક્સપિયરના નાટકો કરતો હોય, અને રંગમંચથી નિવૃત્ત થઈને પરિવારના નાટકમાં ફસાઈ જતો હોય. ગણપત બેલવલકરનું એ પાત્ર એટલું ગહન હતું કે તે સમયે શ્રીરામ લાગૂના હાર્ટ-એટેક માટે કારણભૂત બન્યું હતું. તેમના પછી જેટલા રંગકર્મીઓએ તે ભૂમિકા કરી, તેમના સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી હતી.

તેને યાદ કરીને ડો. લાગૂએ કહ્યું હતું, “તેનું કારણ એ છે કે એ ભૂમિકા અસાધારણ મહેનત માગી લે તેવી હતી. બીજું શું કે મોટા ભાગના આપણા એકટરો ચુસ્ત નથી. ડોકટર તરીકે મને ખબર હતી કે હું પણ ચુસ્ત ન હતો. એ જમાનામાં અમને કશી ખબર ન હતી. શું કરવું અને શું ના કરવું તથા કેટલું કરવું અને કેટલું ના કરવું, તેની સલાહ-સમજણ આપવાવાળું પણ કોઈ ન હતું. અમે તબિયતની, ખાવા-પીવાને કસરતની કોઈ દરકાર વગર એક્ટિંગમાં ડૂબી જતા હતા. એ નુકશાનકારક છે.”

૨૦૧૬માં મહેશ માંજરેકરે ‘નટસમ્રાટ’ નામથી તેની મરાઠી ફિલ્મ બનાવી હતી, જેમાં નાના પાટેકરે ગણપત બેલવલકરની ભૂમિકા કરી હતી. ૨૦૧૮માં ડિરેક્ટર જયંત ગિલાટરે સિદ્ધાર્થ રાંદેરિયા, દીપિકા ચીખલિયા અને મનોજ જોશીને લઈને ‘નટસમ્રાટ’ને ગુજરાતીમાં બનાવી હતી. નાના પાટેકરે આ ભૂમિકા માટે શ્રીરામ લાગૂની સલાહ લીધી હતી. એક ઇન્ટરવ્યુમાં લાગૂએ કહ્યું હતું, “એ ભૂમિકા કોઈ રીતે સહેલી ન હતી. એમાં પાત્રની ખિન્નતામાં ડૂબી જઈને પ્રેક્ષકો સુધી પહોંચવાનું હતું. લોકો આજે પણ ગણપત બેલવલકરના અવાજ અને હાવભાવને યાદ કરીને મને તેનું રહસ્ય પૂછે છે, તો મારા મોઢા પર હાસ્ય આવી જાય છે.”

એંસી વર્ષના આ પડાવ પર આવીને તમે પાછળ વળીને જુવો, તો તમને કશું જુદી રીતે કરવાનું મન થાય? શ્રીરામ લાગૂને એક ઇન્ટરવ્યુમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું, “ઘણું બધું. હું આમ તો અભિનેતા જ બનું, પણ હું મારો અહંકાર છોડવાનું પસંદ કરું. હું શ્રેષ્ઠ છું, એવી ભાવના જરા વધારે પડતી છે.”

સૌજન્ય : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 29 ડિસેમ્બર 2019

Loading

સ્વ. હરનિશ જાની સ્મૃતિ ‘હાસ્યરચના-સ્પર્ધા’

——, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|31 December 2019

સાહિત્ય સંસદ, સાન્તાક્રુઝ, સાહિત્ય સંસદ, નોર્થ અમેરિકા અને ગુજરાતી સાહિત્ય અકાદમી(ચુ.કે.)ના સંયુક્ત ઉપક્રમે

શ્રી રાહુલ શુક્લના સૌજન્યથી આયોજિત

સ્વ. હરનિશ જાની સ્મૃતિ ‘હાસ્યરચના-સ્પર્ધા’

નિયમો

૧ : આ સ્પર્ધા ગુજરાતી ભાષામાં જ આયોજિત કરવામાં આવી છે; પરંતુ માત્ર ગુજરાતીભાષીઓ પૂરતી મર્યાદિત નથી. ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતી કોઈ પણ વ્યક્તિ આમાં ભાગ લઈ શકશે.

૨ :  સ્પર્ધક લેખકે પોતાની મૌલિક અને અપ્રગટ કૃતિ જ મોકલવાની રહેશે. એટલે કે અનુવાદિત કે પ્રગટ થયેલી કૃતિઓ સ્વીકાર્ય બનશે નહીં.

3 ; હાસ્યરચનામાં હાસ્યવાર્તા, હાસ્યનિબંધ કે હાસ્ય એકાંકી – આ ત્રણ સાહિત્યસ્વરૂપો પૂરતી જ આ સ્પર્ધા મર્યાદિત છે. હાસ્યનવલકથા કે હાસ્યકવિતા સ્વીકાર્ય બનશે નહીં. શબ્દસંખ્યા વધારેમાં વધારે ૩૦૦૦.

૪ ; સ્પર્ધકે એક જ કૃતિ મોકલવાની રહેશે. હસ્તલિખિત પ્રત સુવાચ્ય અક્ષરોમાં કાગળની એક બાજુ લખેલ હોવી જરૂરી. હસ્તલિખિત અથવા ટાઈપ કરેલ કૃતિઓની ત્રણ ત્રણ નકલો કુરીઅર અથવા પોસ્ટથી મોકલવાની રહેશે. પી.ડી.એફ. અથવા વર્ડમાં તૈયાર કૃતિ ઈ.મેઈલથી મોકલી શકાશે. વર્ડમાં તૈયાર કરેલ કૃતિઓ યુનિવર્સલ ફોન્ટમાં મોકલવી. તેવું શક્ય ન હોય તો જે ફોન્ટમાં તૈયાર કરી હોય તે (ડાઉનલોડ કરી શકાય તેવા) ફોન્ટ એટેચ કરી મોકલવા જરૂરી. કોમ્પ્યુટરમાં તે નહીં ખૂલે તો કૃતિ અસ્વીકાર્ય ગણાશે.

૫ ; સ્પર્ધકે કૃતિની સાથે એક જુદા કાગળ પર પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર અને પોતાના વિષે ટૂંક માહિતી સાથે બે પાસપોર્ટ સાઈઝ ફોટાઓ મોકલવાના રહેશે. કૃતિના કોઈ પણ પાના પર કે કૃતિમાં સ્પર્ધકનું નામ આવવું ન જોઈએ તે ખૂબ જ અગત્યની અને અનિવાર્ય શરત છે. એવું થવાથી સ્પર્ધકની કૃતિને સ્પર્ધામાંથી રદ્દ કરવામાં આવશે.

૬ ; સ્પર્ધકની કૃતિ મૌલિક, સ્વલિખિત અને અપ્રકાશિત છે તેવી બાંહેધરી આપતો પત્ર કૃતિ સાથે સંમિલિત કરવાનો રહેશે. આવી બાંહેધરી ઈ મેઈલથી મોકલવામાં આવે તો તે ઈ.મેઈલ સ્પર્ધકે પોતાની આઇ.ડી. પરથી જ મોકલવાનો રહેશે.

૭ ; કૃતિના હક્ક કર્તાના પોતાના જ રહેશે.

સાહિત્ય સંસદ સંસ્થા ઇનામી કે અન્ય કૃતિઓ પ્રગટ કરવા ઈચ્છે તો સર્જકના હક્ક અબાધિત રાખી સર્જકની અનુમતિથી પ્રગટ કરી શકશે. સ્પર્ધા માટે મોકલેલી કૃતિ સ્પર્ધાનું પરિણામ ન આવે ત્યાં સુધી સર્જક અન્યત્ર પ્રગટ કરશે નહીં.

૮ ; સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એ રીતે ત્રણ કૃતિઓને નિર્ણાયકોના નિર્ણય મુજબ અનુક્રમે  રૂ. ૧૫,૦૦૦/=, રૂ. ૧૦,૦૦૦/= અને રૂ.૫,૦૦૦/=ના પુરસ્કાર આપવામાં આવશે.

૯ ; નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને સર્વ સ્પર્ધકો માટે તેમ જ સંસ્થા માટે પણ બંધનકર્તા રહેશે.

૧૦ ; હાસ્ય માટેના શ્રેષ્ઠ સાહિત્યની અપેક્ષાથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કૃતિ આધારિત આ સ્પર્ધામાં પ્રતિષ્ઠિત કે નવોદિત જેવા કૃત્રિમ વિભાગો કરવામાં આવ્યા નથી. સંસ્થાના પ્રમુખ અને નિર્ણાયકો સિવાય બધાં જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. નિર્ણાયકો કોણ છે તેની માહિતી મેળવવા કોશિશ કે પૃચ્છા કરવી નહીં. સંસ્થાના સભ્યો અને હોદ્દેદારોને પણ તે વિદિત કરવામાં નહીં આવે.

૧૦ ; કુરીઅર કે પોસ્ટથી કૃતિ મોકલનારા સ્પર્ધકે સંસ્થાના સરનામા પર મોડામાં મોડી ૨૯મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પહોંચતી કરવાની રહેશે. એ પછી આવેલી કૃતિઓ સ્વીકારવામાં આવશે નહીં. ઈ.મેઈલ દ્વારા કૃતિ મોકલનાર સ્પર્ધકને વિનંતી કે તેઓ કૃતિ બે દિવસ પહેલાં મોકલે જેથી તેનાં પ્રિન્ટઆઉટ અને નકલો થઈ શકે. 

સંસ્થાનું સરનામું :

સાહિત્ય સંસદ, સાન્તાક્રુઝ, c/o કનુભાઈ સૂચક, 3 વિવેક, વિદ્યા વિનય વિવેક સોસાયટી, ૧૮૫, એસ.વિ. રોડ, વિલેપાર્લે (પશ્ચિમ) મુંબઈ ૪૦૦ ૦૫૬

સંપર્ક: ૦૨૨ ૨૬૭૧૦૮૦૮ / ૦૯૮૭૦૦૦૭૩૭૧ (India); 001 732 856 4093 (USA)

kanubhai.suchak@gmail.com,                      vijaythakkar55@gmail.com,

kaushikamin@hotmail.com,                          vipoolkalyani.opinion@btinternet.com

Loading

...102030...2,5832,5842,5852,586...2,5902,6002,610...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved