Opinion Magazine
Number of visits: 9576026
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીયોને મુસલમાનોએ હરાવ્યા અને અંગ્રેજોએ છેતર્યા અને લૂંટ્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2020

ભારતમાં પોર્ટુગીઝો સૌથી પહેલા આવ્યા. એ પછી બીજા યુરોપિયનો પણ આવ્યા અને અંગ્રેજો સૌથી છેલ્લા આવ્યા. કયો અંગ્રેજ સૌથી પહેલા ભારતમાં આવ્યો હતો તે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે, પણ એમ માનવામાં આવે છે કે થોમસ સ્ટીફેન્સ ભારતમાં પગ મૂકનાર પહેલો અંગ્રેજ મિશનરી હતો. તે સન ૧૫૭૯માં રહ્યો હતો અને ૪૦ વરસ ભારતમાં રહ્યો હતો. એ પછી મહારાણી એલિઝાબેથનો પત્ર લઈને ત્રણ અંગ્રેજ અકબરના દરબારમાં આવ્યા હતા અને ભારતમાં ધંધો કરવા દેવાની વિનંતી કરી હતી. સન ૧૬૦૦ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી અને જહાંગીરે ૧૬૦૮માં સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી આપી હતી. ચરોતર નજીક હોવાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રારંભનો ધંધો તમાકુનો હતો અને તે સુરતથી થતો હતો. હિંદી ભાષામાં તમાકુ માટે પ્રચલિત શબ્દ ‘સૂરતી’ છે એ આ કારણે.

પોર્ટુગીઝો અને અંગ્રેજોમાં ફરક એ હતો કે અંગ્રેજોએ મુખ્યત્વે ધ્યાન ધંધા પર કેન્દ્રિત કર્યું હતું અને ધર્માંતરણ અને ભારતના પ્રદેશો પર કબજો કરવામાં શરૂઆતના સમયમાં ખાસ કોઈ રસ નહોતો લીધો. બીજી બાજુ પોર્ટુગીઝો વધારે ધર્મઝનૂની હતા, આક્રમક હતા અને ભારતીય પ્રજા પર ધર્મને લઈને અત્યાચારો પણ કર્યા હતા. આ ઉપરાંત વ્યાપાર અને પ્રદેશો પર કબજો કરવાની બાબતમાં પણ એટલા જ ક્રૂર અને આક્રમક હતા. અંગ્રેજોના આવા સલુકાઇભર્યા વર્તનને કારણે તેમને પોતાની જગ્યા બનાવવામાં અનુકૂળતા મળી હતી. જેમ કે બંગાળના સૂબેદારનો એક અંગ્રેજ તબીબે ઈલાજ કર્યો એનાથી ખુશ થઈને સૂબેદારે અંગ્રેજોને હુગલીમાં કોઠી સ્થાપવાની મંજૂરી આપી હતી. ઈ.સ. ૧૬૯૦માં અંગ્રેજોએ કલકત્તામાં ફોર્ટ વિલિયમનો કિલ્લો બાંધ્યો હતો.

હવે, એટલે ૧૬મી સદી પૂરી થતા સુધીમાં અંગ્રેજોને એમ લાગવા માંડ્યું કે જો ચાલાકીપૂર્વક ડગલાં માંડવામાં આવે તો ભારતની ભૂમિ પર પણ કબજો કરી શકાય એમ છે અને જો એમ બને તો વેપારને નામે ભારતની પ્રજાનું શોષણ કરી શકાય. અંગ્રેજોના નસીબે તરત જ ૧૭૦૭ની સાલમાં ઔરંગઝેબનું મૃત્યુ થયું અને મુઘલ સલ્તનત કમજોર પડવા લાગી. આમ તો ઔરંગઝેબની હયાતીમાં જ મુઘલ સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું હતું અને તેનું કારણ એ હતું કે ઔરંગઝેબે તેના જીવનનાં છેલ્લા લગભગ ૨૫ વરસ દિલ્હીથી દૂર મરાઠાઓની પાછળ પડવામાં દક્ષિણમાં વિતાવ્યાં હતાં. કેન્દ્રીય શાસનના અભાવે અંદરથી ખોખલું થઈ ગયેલું મુઘલ સામ્રાજ્ય ઝડપથી પડી ભાંગવા લાગ્યું હતું.

સૂબાઓ સ્વતંત્ર થવા લાગ્યા હતા એથી કેન્દ્ર હજુ વધુ નબળું પડ્યું હતું, પણ એનો લાભ અંગ્રેજો લે એને હજુ વાર હતી. મુઘલ સામ્રાજ્યના પતનનો લાભ પૂનાના પેશ્વાઓએ લીધો હતો. ધીરેધીરે તેમણે સૂબાઓ પર આક્રમણ કરીને તેનો કબજો લીધો હતો અને ૧૭૫૦ સુધીમાં લગભગ અડધા કરતાં વધુ ભારત પર પૂનાના બ્રાહ્મણ પેશ્વાઓનો કબજો હતો. આ આશ્ચર્ય એ વાતનું છે કે તેમને રાજ કરતા આવડ્યું નહીં. જીતેલા પ્રદેશોમાં દરેક જગ્યાએ પેશ્વાઓ વાર્ષિક આવકનો ચોથો ભાગ લઈને પરાજીત સૂબાને રાજ કરવા દેતા હતા અથવા મરાઠા સરદારોને નવા સૂબા તરીકે બેસાડવામાં આવતા હતા. તેઓ બધા ટેકનિકલી પેશ્વાઓને અધીન હતા, પરંતુ વ્યવહારમાં સ્વતંત્ર હતા. આ વ્યવસ્થાને સરંજામશાહી તરીકે ઓળખવામાં આવે છે. જો પેશ્વાઓએ જીતેલા પ્રદેશોને ભેળવીને સામ્રાજ્ય વિસ્તાર્યું હોત અને એક જગ્યાએથી કેન્દ્રીય શાસન કર્યું હોત તો ભારતનો ઇતિહાસ જુદો હોત. આ સારો હોત કે નરસો એ જુદો પ્રશ્ન છે, પણ એટલું નક્કી કે અંગ્રેજો ભારત પર કબજો કરવામાં ફાવ્યા ન હોત અથવા તેમાં ખૂબ સમય લાગ્યો હોત.

‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ નામનાં પુસ્તકના લેખક રામધારી સિંહ દિનકરે એક મહત્ત્વનો સવાલ કર્યો છે. તેમણે કહ્યું છે કે ૧૨મી સદીમાં મુસ્લિમ આક્રમણકારોને સિંધુથી ઢાકા સુધીની ભારતની ભૂમિ પર કબજો કરતા એક દાયકો માંડ લાગ્યો હતો, જ્યારે અંગ્રેજોને ભારત પર કબજો કરવા માટે કુલ ૧૧૧ લડાઈઓ લડવી પડી હતી. આમ કેમ થયું તેનો તેમણે પોતે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ પ્રશ્ન રસપ્રદ છે. આનું મુખ્ય કારણ એ હતું કે ત્યારે અને એ પછી પણ અંગ્રેજો પાસે એવડું મોટું અંગ્રેજ લશ્કર નહોતું કે તે દાયકા-બે દાયકામાં આવડા મોટા ભારત દેશ પર કબજો કરી શકે. મુસ્લિમ આક્રમણકારો ભારતના નજીકના દેશોમાંથી આવતા હતા જયારે અંગ્રેજો પાંચ હજાર માઈલ્સ દૂરથી આવ્યા હતા. એ સમયે તેમની કુલ સંખ્યા ભારતમાં એકાદ હજાર માંડ હશે.

મહત્ત્વનું એ નથી કે અંગ્રેજોએ ભારત પર કબજો કરવા ૧૧૧ લડાઈઓ લડવી પડી હતી, મહત્ત્વનું એ છે કે પાંચ હજાર માઈલ્સ દૂરથી આવેલા એકાદ હજાર અંગ્રેજોએ થાક્યા વિના ૧૧૧ લડાઈઓ લડીને પણ ભારતનો કબજો કર્યો હતો અને એ પણ સો વરસમાં. આને માટે તેમણે ભારતીય શાસકોને આપસમાં લડાવ્યા હતા, કોઈ એકને મદદ કરી હતી, એ લડતના શિરપાવરૂપે ત્રીજા શાસક સામેની અંગ્રેજોની લડાઈમાં જેને મદદ કરી હતી તેની પાસેથી વળતી મદદ માગી હતી અને તેમણે ધીરે ધીરે ભારતીય પ્રજાનું અંગ્રેજ સૈન્ય તૈયાર કરવા માંડ્યું હતું વગેરે. ટૂંકમાં એકાદ હજાર વિદેશીઓએ ભારતીય સૈનિક અને ભારતીય શાસકોની મદદથી ભારત કબજે કર્યું હતું.

મહત્ત્વ એ વાતનું છે કે જેમ ૧૨મી અને ૧૩મી સદીમાં ભાગ્યે જ કોઈ હિંદુ શાસકને કે હિંદુ વિદ્વાનને પ્રશ્ન થયો હતો કે આટલા ઓછા સમયમાં, ચપટી વગાડતા મુસ્લિમ આક્રમણકારો ભારત કબજે કેમ કરી શક્યા; એમ જ ૧૮મી સદીમાં ભાગ્યે જ કોઈ ભારતીયે પ્રશ્ન કર્યો હતો કે, મુઠ્ઠીભર અંગ્રેજો, આટલે દૂરથી આવીને, આપણા જ લોકોની મદદથી, આપણે જ પૈસે, ભારતમાં કાયમી વસવાટ કર્યા વિના – ભલે ૧૧૧ લડાઈ લડવી પડી હોય – પણ કબજે કરી શક્યા એમ કેમ બન્યું? ૧૨મી સદીનું અને ૧૮મી સદીનું એમ બન્ને આશ્ચર્યો એક સરખાં છે!

અંગ્રેજોને સો વરસના સમયગાળામાં ૧૧૧ લડાઈઓ લડવી પડી એનું કારણ એ હતું કે ઔરંગઝેબના અવસાન પછી ભારતમાં ફ્રી ફૉર ઑલ જેવી સ્થિતિ હતી. દરેકને એમ લાગતું હતું કે પૂરી તાકાત લગાવીને વધુમાં વધુ પ્રદેશ કબજે કરી શકાય એમ છે. એમાં મરાઠાઓ હતા, મુઘલ સામ્રાજ્ય સામે બળવો કરનારા સૂબાઓ હતા અને વ્યવસાયી લૂંટારા પણ હતા. ભૂમિ કબજે કરવાની હોડ હતી જેમાં રાજકાજના ધોરણસરના કોઈ નિયમો જ નહોતા. રાષ્ટ્રીયતા અને વતન જેવી કોઈ ચીજ નહોતી. અરાજકતા એવી હતી કે કોઈ કોઈનું મિત્ર નહોતું અને કોઈનું દુશ્મન નહોતું. આની વચ્ચે અંગ્રેજોએ પોતાની જગ્યા બનાવવાની હતી અને મૈત્રી તેમ જ વિશ્વાસઘાતના માર્ગે ૧૧૧ લડાઈઓ લડીને ભારત કબજે કર્યું હતું. 

મુસ્લિમ આક્રમણકારો વિશેનો જે પ્રશ્ન આપણને ૧૨મી અને ૧૩મી સદીમાં થવો જોઈતો હતો અને અંગ્રેજોની સફળતા વિશેનો જે પ્રશ્ન આપણને ૧૮મી સદીમાં થવો જોઈતો હતો એ બન્ને પ્રશ્ન આપણને ૧૯મી સદીમાં થયા હતા. એ પણ અંગ્રેજો થકી. પહેલો પ્રશ્ન તેમણે લખેલા ઇતિહાસ દ્વારા અને બીજો પ્રશ્ન અંગ્રેજોએ ભારતીય પ્રજામાં આણેલી જાગૃતિ દ્વારા. હિંદુઓને મુસલમાનોએ હરાવ્યા અને ભારતીયોને અંગ્રેજોએ છેતર્યા અને લૂંટ્યા. આ બેમાંથી કયો ઘાવ મોટો અને દૂઝણો? દેખીતી રીતે અંગ્રેજોએ ખાસ પ્રકારે ઇતિહાસ લખીને પહેલો ઘાવ ખોતરીને દુઝતો કર્યો હતો કે જેથી બીજા ઘાવ તરફ નજર ન જાય. આજે પણ કહેવાતા રાષ્ટ્રવાદી દેશભક્તોમાં આ માનસિકતા કાયમ છે. મુસલમાનો સામેનો પરાજય તેમને વધારે ચચરે છે, અંગ્રેજોએ બેવકૂફ બનાવીને ગુલામ બનાવ્યા એનો તેઓ ચચરાટ અનુભવતા નથી. માટે તો તેમણે આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો.

એના બાપે તારા બાપને માર્યો હતો એમ કહીને અંગ્રેજોએ ભારત પર રાજ કર્યું હતું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જાન્યુઆરી 2020

Loading

ગાંધીનો ધરાસણા સત્યાગ્રહ અને નાગરિકતા કાનૂન વિરોધ-પ્રદર્શન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 January 2020

બાવીસ દેશોમાં અઢાર વર્ષના મારા રિપોર્ટિંગમાં મેં ધરાસણા જેવાં ભયાનક દૃશ્યો જોયાં નહોતાં. હિંસાની સામે હિંસા જોવા ટેવાયેલા પશ્ચિમના લોકો માટે એ અજબ અને ચક્કરમાં નાખે એવી વાત હતી કે લોકો ચૂપચાપ માર ખાતા હતા.

— અમેરિકન પત્રકાર વેબ મિલર

તમે આ લેખ સાથેની તસવીર ધ્યાનથી જુઓ. બહુ નાટ્યાત્મક છે. સામેથી ખાલી હાથે આવી રહેલા પ્રજાજનો છે અને તેમના અવરોધમાં લાકડીઓ પકડીને ઊભેલા પોલીસો છે. એક શાસિત છે, બીજા શાસક છે. એક નિ:સહાય છે, બીજા પાસે ડંડાનો સહારો છે. આજે આ બહુ પ્રતીકાત્મક તસવીર છે. દિલ્હી અને અન્ય શહેરોમાં નાગરિકતા કાનૂન સામે થયેલા વિરોધમાં અનેક સ્થળે દેખાવકારો અને પોલીસ વચ્ચે આવાં દૃશ્યો સર્જાયાં હતાં. અનેક સ્થળે દેખાવકારો ૧૪૪ની કલમનો ભંગ કરતા નજર આવ્યા હતા અને પોલીસે તેમને અટકાવ્યા હતા.

તમારામાંથી જેમણે રિચર્ડ એટિનબરોની ‘ગાંધી’ (૧૯૮૨) ફિલ્મ જોઈ હશે તેમને આ શક્તિશાળી દૃશ્ય યાદ હશે. ગાંધીજીએ અંગ્રેજો સામે જે અનેક નાગરિક વિરોધો કરેલા એમાં દાંડીનો સત્યાગ્રહ સૌથી પ્રભાવશાળી હતો. દાંડીકૂચ નામથી જાણીતા આ સત્યાગ્રહની શરૂઆત ગાંધીજીએ તેમના ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી ૧૨ માર્ચ, ૧૯૩૦ના કરી હતી જે ૬ એપ્રિલે નવસારી નજીક દરિયાકિનારાના દાંડી ગામે પૂરો થયો હતો. દાંડીમાં ગાંધીજી કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે ‘મૈંને નમક કા કાનૂન તોડા હૈ.’ એ પછી ભારતમાં ઠેરઠેર આવી રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો.

એ પછી ગાંધીજીએ મે મહિનામાં વલસાડ પાસેના ધરાસણામાં બ્રિટિશ તાબા હેઠળના મીઠાના અગરો પર જઈ અહિંસક આંદોલન જાહેર કર્યું હતું. ગાંધીજીની તત્કાળ ધરપકડ કરવામાં આવી હતી, પણ કૉન્ગ્રેસના નેતાઓએ કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. ધરાસણામાં સરોજિની નાયડુ અને મૌલાના અબુલ કલામ આઝાદના નેતૃત્વમાં કૂચ ચાલુ રહી. ૨૧ મેના દિવસે સત્યાગ્રહીઓએ મીઠાના અગરોને ઘેરતા કાંટાળા તારને ખેંચવાનો પ્રયાસ કર્યો અને પોલીસે તેમના પર ડંડા વરસાવ્યા. ‘ગાંધી’ ફિલ્મમાં બહુ તાકાતથી આ દૃશ્ય શૂટ કરવામાં આવ્યું હતું. તમે તસવીરને ફરી જોશો તો સત્યાગ્રહીઓમાં સૌથી આગળ મૌલાના આઝાદ દેખાશે, જે ભૂમિકા ટેલિવિઝનના ઍક્ટર વીરેન્દ્ર રાઝદાને કરી હતી.

આ ધરાસણા સત્યાગ્રહનું, અમેરિકાની સમાચાર સંસ્થા યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલના પત્રકાર વેબ મિલરે જબરદસ્ત રિપોર્ટિંગ કર્યું હતું. આ રિપોર્ટિંગના પ્રતાપે જે દુનિયાને ભારતમાં અંગ્રેજ પોલીસોના અત્યાચારની જાણ થઈ હતી અને એટલે જ ભારતને આઝાદી મળવી જોઈએ એવો વિશ્વ મત બન્યો હતો. મીઠાના સત્યાગ્રહની દુનિયાને જાણ થઈ એ પછી ભારતના કટ્ટર દુશ્મન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ બોલ્યા હતા, ‘એશિયાની જમીન પર પગ મૂક્યો એ પછી પહેલી વાર બ્રિટિશરોને આવું અપમાન અને અવજ્ઞા સહન કરવી પડી છે.’ મિલરનો આ અહેવાલ વિશ્વનાં ૧,૩૫૦ અખબારોમાં છપાયો હતો અને સેનેટર જૉન જે. બ્લેન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સની સેનેટના સત્તાવાર રેકૉર્ડમાં એને વાંચવામાં આવ્યો હતો. મિલર જ્યારે અહેવાલ તાર મારફત લંડન મોકલતો હતો ભારતના ટેલિગ્રાફ અધિકારીઓએ એનો અમુક ભાગ કાપી નાખ્યો હતો અને આ સેન્સરશિપને જાહેર કરવાની ધમકી આપી એ પછી જ અહેવાલ જવા દેવાયો હતો. વેબ મિલરે લખ્યું હતું :

‘એક પણ સત્યાગ્રહીએ લાઠીમારથી બચવા માટે હાથ સુધ્ધાં આડો ધર્યો નહોતો. જ્યાં હું ઊભો હતો ત્યાં મને ખુલ્લા માથા પર પડતી લાકડીના અવાજો આવી રહ્યા હતા. દરેક ફટકા પર આ સત્યાગ્રહ જોનારાઓની ભીડ સિસકારા કાઢતી હતી. સત્યાગ્રહીઓ છૂટાછવાયા, બેભાન બનીને પડ્યા હતા. તેમની ખોપરી ફૂટી હતી, ખભાથી તૂટ્યા હતા. બે કે ત્રણ મિનિટમાં જમીન પર તેમનાં શરીરોની રજાઈ પથરાઈ ગઈ. ઘાયલોને લઈ જવા માટે પૂરતાં સ્ટ્રેચર નહોતાં; મેં જોયું કે અઢાર ઈજાગ્રસ્તોને એકસાથે લઈ જવામાં આવતા હતા, જ્યારે બેતાળીસ હજી ઘવાયેલા જમીન પર લોહી વહેતા પડ્યા હતા. સ્ટ્રેચર્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલા ધાબળાઓ લોહીથી નીતરતા હતા. હું અસ્વસ્થ થઈ ગયો અને મારે મોઢું ફેરવી લેવું પડ્યું. મને બિનવિરોધ માર સહન કરનારા માટે વર્ણવી ન શકાય એવા નિ:સહાય ક્રોધની લાગણી થઈ અને નિઃસહાય લોકોને લાકડી મારનાર પોલીસ પર પણ એટલી જ ઘૃણાની લાગણીનો અનુભવ થયો. છેવટે બિનપ્રતિકારથી પોલીસ ગુસ્સે થઈ ગઈ અને બેઠેલા માણસોને તેમણે ક્રૂરતાપૂર્વક પેટમાં અને પગની વચ્ચે અંડકોષ પર લાત મારવાનું શરૂ કર્યું. ઈજાગ્રસ્ત માણસો યાતનાની પીડા હેઠળ ચીસો પાડવા લાગ્યા. તેથી પોલીસનો રોષ ભડક્યો. ત્યાર બાદ પોલીસે બેઠેલા માણસોને હાથ અથવા પગથી ખેંચીને ઘસડવા માંડ્યા, કેટલાકોને તેમણે સો ગજ સુધી ઘસડીને ખાડામાં ફેંકી દીધા. મેં હૉસ્પિટલમાં ૩૫૦ ઘાયલોને ગણ્યા હતા.’

રિચર્ડ એટિનબરોએ આ રિપોર્ટિંગના આધારે મુંબઈ પાસે આ દૃશ્ય શૂટ કર્યું હતું. ‘ગાંધી’ ફિલ્મમાં હૉલીવુડના જાણીતા ઍક્ટર માર્ટિન શીને આ ભૂમિકા કરી હતી (લેખમાં તેની તસવીર છે). એટિનબરો તેમના સંસ્મરણ ‘ઇન સર્ચ ઑફ ગાંધી’માં લખે છે, ‘વ્યવહારિક રીતે આ દૃશ્ય બહુ અઘરું હતું, કારણ કે બે ગામ વચ્ચેના એક જ રસ્તા પર શૂટિંગ કરવાનું હતું. વચ્ચે અમારે શૂટિંગ અટકાવવું પડતું, જેથી ગામલોકોની અવરજવર રોકાઈ ન જાય. આ દૃશ્ય બહુ દર્દનાક હતું અને માર્ટિન પર એની એટલી અસર થઈ હતી કે તેણે અમેરિકા પાછા જતાં પહેલાં તેની તમામ ફી દાનમાં આપી દીધી હતી.’

ધરાસણા સત્યાગ્રહને વિશ્વમાં જાણીતો બનાવી દેનાર વેબ મિલર એકમાત્ર પત્રકાર હતો જેણે એનું રિપોર્ટિંગ કર્યું હતું. તે યુદ્ધ-પત્રકાર હતો અને પ્રથમ મહાયુદ્ધ તથા સ્પૅનિશ યુદ્ધ સહિત ઘણા સંઘર્ષો અને લડાઈઓનું રિપોર્ટિંગ કર્યું હતું જે બદલ તેને પત્રકારત્વના નોબેલ કહેવાતા પુલિત્ઝર પારિતોષિકથી નવાજવામાં આવ્યો હતો. તેણે લખ્યું હતું, ‘બાવીસ દેશોમાં અઢાર વર્ષના મારા રિપોર્ટિંગમાં મેં ધરાસણા જેવાં ભયાનક દૃશ્યો જોયાં નહોતાં. એ હિંસા જોઈને હું સુન્ન થઈ ગયો હતો. હિંસાની સામે હિંસા જોવા ટેવાયેલા પશ્ચિમના લોકો માટે એ અજબ અને ચક્કરમાં નાખે એવી વાત હતી (કે લોકો ચૂપચાપ માર ખાતા હતા). મને ગૂંગા જાનવરને માર પડતો હોય એવી ઘૃણા થઈ હતી. થોડું અપમાન અને થોડો ક્રોધ મહેસૂસ થયો. ક્યારેક દૃશ્યો એટલાં પીડાદાયક હતાં કે હું થોડી વાર માટે નજર ફેરવી લેતો હતો.’

મિલર જ્યારે ૧૯૩૦માં ગાંધીજીને મળ્યો ત્યારે સાથે સિગારેટનો ડબ્બો રાખતો હતો. તેણે એના પર ઑટોગ્રાફ માગ્યા તો ગાંધીજી એવી શર્તે નામ લખ્યું હતું કે તે હવે પછી ડબ્બામાં સિગારેટ નહીં રાખે. મિલર માની ગયો હતો. એ પછી તેણે આખી જિંદગી એ ડબ્બો સાચવી રાખ્યો અને પછીનાં ૧૦ વર્ષ દરમિયાન તે જેટલા પણ સેલિબ્રિટી લોકોને મળ્યો એ સૌના ઑટોગ્રાફ એના પર લીધા હતા જેમાં ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિની, અમેરિકાના ૩૨મા રાષ્ટ્રપતિ ફ્રૅન્કલીન રુઝવેલ્ટ, બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ લૉયડ જ્યૉર્જ, જર્મનીના તાનાશાહ ઍડોલ્ફ હિટલર અને સ્પૅનિશ લેખક વિન્સેન્ટે બ્લાસ્કો ઇબ્નેઝનો સમાવેશ થતો હતો. ૭ મે, ૧૯૪૦માં લંડનની અન્ડરગ્રાઉન્ડ ટ્રેનમાંથી પડી જતાં તેનું મોત થઈ ગયું એ પછી તેના ઘરમાંથી ગાંધીના ઑટોગ્રાફવાળો એ ડબ્બો ચોરાઈ ગયો. તેનાં બાકીના કાગળો, સામયિકો અને અંગત વસ્તુઓ સાઉથવેસ્ટ મિશિગન કૉલેજના સંગ્રહાલયમાં છે.

વેબ મિલરના ધરાસણા સત્યાગ્રહના એ રિપોર્ટિંગના કારણે વિશ્વને પહેલી વાર અહિંસક વિરોધની વ્યાખ્યા ખબર પડી : પ્રતિરોધ એટલે સામો હુમલો નહીં, પણ પોતાની જાત પર હુમલો થવા દેવો પછી ભલે એમાં ઘાયલ થવાય કે મોત આવે. વર્ષો પછી અમેરિકન ગૃહયુદ્ધમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ શક્તિશાળી રાજકીય ઓજારનો ઉપયોગ કરવાના હતા. તમે ધરાસણા સત્યાગ્રહની એ તસવીર ફરીથી ધ્યાનથી જોશો તો દેખાશે કે એક તરફ હિંસાની તૈયારી છે અને બીજી તરફ એને ઝીલી લેવાનો નિર્ધાર છે.

સૌજન્ય : ‘બ્લોકબસ્ટર’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ ડે”, 11 જાન્યુઆરી 2020

Loading

ગુફરન (માફી)

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|11 January 2020

જો મારી કલમના શબ્દો
માફી માગી શકે
એ સૌ શબ્દો માટે
જેની ધારને ઝેરમાં ડૂબાડી ડૂબાડી
જીવલેણ કરી
ફંગોળ્યા છે
અમારામાંના જ કોઈએ તારી તરફ
તો કદાચ લખી શકું ફરી
હું કોઈ પ્રેમ કવિતા
જો આ કવિતા
થઈ આસું વહી જઈ શકે
તોડીને મારા હોવાના ઉંબરા
ધસી જઈ શકે 
તારા ઉજાડી નખાયેલા ઘરની અંદર
વેરવિખેર ઘરવખરી વચ્ચે 
તારી હથેળીમાં પડ્યા
તૂટેલા માટલીના ટુકડાના
છીછરા ગોળાપામાં સમાઈ
એ જો તારી તરસ છિપાવી શકે
તો કદાચ એ ફરી
મારા મોં એ ગણગણતી થઈ શકે
જો આ કાગળ
લઈ જઈ શકે સરહદોની પાર
કતલેઆમ પછી બેઘર થયેલાં
દેશવટો પામેલાં
તારાં ગભરુ નિસાસાઓને
શબ્દોની વચમાંની સાંકડી ગલીઓમાં થઈ
રંગોના ભેદભાવ ભૂંસી નાખતા
એક સુંવાળા, સફેદ અવકાશ ભણી
તો કદાચ  હું
આ કાગળની ચુપકીદીને 
હવે ખમી શકું.

 

Gufran (Forgiveness)

If these words that I pen
can seek forgiveness
for all those words
with sharp arrowheads
soaked in poison
that some of us
flung at you
mercilessly,
then perhaps someday
I can write about love.
If this poem
can flow like tears
breaking the thresholds
of my being
and rush into your 
vandalized homes
and fill a curved clay piece,
of a broken water pot
resting on your palm
and fill your thirst
as you lie amidst the rubble
then perhaps someday
I can hum it again
If this paper
can carry all those
terrified sighs
exiled from their homes
after the massacre
through the narrow lanes
between words
towards a soft, white plateau
of non-discriminatory space
then perhaps
I can tolerate
the silence 
of this sheet of paper.

સૌજન્ય : https://indianculturalforum.in/2020/01/09/gufran-forgiveness/

Loading

...102030...2,5702,5712,5722,573...2,5802,5902,600...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved