Opinion Magazine
Number of visits: 9683244
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજકાલ જે ચાલે છે તે અંગે તેમણે શું કહ્યું હતું (અને શું નહોતું કહ્યું)

સુધીર ચંદ્ર|Opinion - Opinion|16 March 2020

ગાંધી વિરુદ્ધ ગાંધીઃ

[સુધીર ચંદ્ર ઘણા પુસ્તકોમાંથી, છેલ્લે હિન્દીમાં ‘ગાંધી : એક અસંભવ સંભાવના’ માટે જાણીતા છે.]

નાગરિકતા સુધારા કાયદો લાવીને ગાંધીજીના વિચારોને અમલમાં મૂક્યા હોવાના મોદી સરકારના દાવાને સમર્થન આપવાની અવળચંડાઈ કરતા ગાંધી પરિવારના જ લોકોથી ગાંધીનો આપણે બચાવ કરવો પડે એ ભારે શરમની વાત છે. આ લોકો ગાંધીને કહેવા માગે છે કે, તેમણે શું વિચારવું જોઈતું હતું, કહેવું જોઈતું હતું અને કરવું જોઈતું હતું.

મહાત્મા ગાંધીના છેલ્લા ૧૫ મહિના કોમી દાવાનળ વચ્ચે શાંતિ અને સમજૂતી આણવા માટે એક જગ્યાએથી દોડીને બીજી જગ્યાએ દોડવામાં ગયા. સિત્યોતેર વર્ષના ગાંધીની દોડધામ નવેમ્બર ૧૯૪૬માં શરૂ થઈ જ્યારે તેઓ નોઆખલી ધસી ગયા, જ્યાં મુસ્લિમોનાં ટોળાંઓ હિન્દુઓ પર જુલમ ગુજારી રહ્યાં હતાં. તેઓ જ્યારે મુસ્લિમ બહુમતી વિસ્તાર નોઆખલીમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા – જેનો અર્થ તેમના માટે એમ હતો કે “હિન્દુ અને મુસ્લિમોનાં હૈયાં નજીક લાવવાં” – ત્યારે નોઆખલીનો બદલો લેવા બિહારમાં આગ ફાટી નીકળી.

તેનાથી ગાંધીના શાંતિલક્ષી પ્રયત્નોને ભારે ફટકો પડ્યો. તેઓ નોઆખલીમાં પ્રયત્ન કરી રહ્યા હતા આખા ભારત માટે દાખલો બેસાડવાનો. ઊલટું, તેમના પોતાના કૉંગ્રેસ પક્ષના શાસન હેઠળના પ્રાન્તમાં કોમી હિંસા થઈ હતી. આ સંજોગોમાં કૉંગ્રેસ કાર્યકરોની ભૂમિકા અંગે ગાંધીની ચિંતા બાજુ પર મૂકીએ, તો પણ બિહારના કારણે તેમના નોઆખલીના કામ પર અવળી અસર પડી રહી હતી. ત્યાં મુસ્લિમો તેમને મોંઢે કહેવા લાગ્યા કે તેઓ હિન્દુ હોવાથી, બિહાર જઈને મુસ્લિમો બચાવવાના બદલે, અહીં રહ્યા હતા.

ગાંધી એ વાક્પ્રહારો ગળી ગયા અને એમ દલીલ કરતા રહ્યા કે નોઆખલીમાં શાંતિ સ્થપાશે તો બીજા બધે પણ શાંતિ થશે. એટલું જ નહિ, પણ તેમને શ્રદ્ધા હતી કે બિહારની કૉંગ્રેસ સરકાર નિર્ણયાત્મક થઈને કામ કરશે અને પરિસ્થિતિ જલદી કાબૂમાં લાવશે.

પણ એવું બન્યું નહિ. ઊલટું, થોડાં કૉંગ્રેસીઓ પણ હિંસામાં સામેલ હતા. અંતે, કૉંગ્રેસના જ વિકાસ પ્રધાન ડૉ. સૈયદ મહમૂદે ગાંધીને તાકીદનો સંદેશો પાઠવ્યો અને જણાવ્યું કે માત્ર તેઓ જ મુસ્લિમોને બચાવી શકશે. ગાંધીએ હવે દોડીને બિહાર પહોંચવું પડ્યું, હવે એ આશાએ કે બિહારમાં શાંતિ થશે તો પછી બીજે બધે શાંતિ થશે. ૧૯૪૭નો લગભગ આખો માર્ચ – તેમની જિંદગીનો છેલ્લો માર્ચ – તેમણે હિંસાગ્રસ્ત ગામડાં અને નગરોમાં ગાળ્યો. દરેક જગ્યાએ તેઓ પોતાનું હ્રદય ઠાલવતા, અને પરસ્પર ઘૃણા દૂર કરવા પોતાની નૈતિક મૂડી વાપરતા.

નોઆખલી અને બિહારની ઘટનાઓ દેશના વિભાજન અને આઝાદીના થોડા મહિના પહેલાં બની. સ્વતંત્ર ભારતમાં તેમને જે સાડાપાંચ મહિના ગાળવા મળ્યા તેમાં ગાંધીની સ્થિતિ એવી જ રહી. તેઓ સ્વાતંત્ર્યપર્વની પૂર્વસંધ્યાએ જઈ રહ્યા હતા નોઆખલી (જે હવે પાકિસ્તાનનો ભાગ બની રહ્યું હતું), ત્યારે કલકત્તામાં થઈ રહેલી હિંસાના કારણે તેમણે ત્યાં જ રોકાવું પડ્યું. કલકત્તામાં શાંતિ સ્થપાઈ તો તેઓ (બીજી વિભાજિત પાંખ) પંજાબ તરફ આગળ વધ્યા, પણ દિલ્હીની હિંસાએ તેમને રોકી લીધા. કલકત્તા અને દિલ્હી, બંને શહેરોમાં તેમણે સત્યાગ્રહીના આખરી શસ્ત્ર – આમરણ ઉપવાસનો આશરો લેવો પડ્યો, કારણ કે બીજું કશું કારગત નીવડ્યું નહિ.

દિલ્હીમાં તેમના આમરણ ઉપવાસનું પણ ખોટું અર્થઘટન થયું. તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારતના મુસ્લિમો માટે થઈને તો ઉપવાસ પર બેઠા નથીને. આ સવાલ પાછળ જે આક્ષેપ હતો તે એક માનસિકતા બતાવતો હતો જે એ પછીના ગાળામાં ઊંડી અને બહોળી થતી ગઈ છે. ગાંધીએ સ્વીકાર્યું કે તેમનો ઉપવાસ ભારતમાંના પીડિત મુસ્લિમો માટે હતો. પરંતુ તેમણે ઉમેર્યું કે ઉપવાસ પાકિસ્તાનમાંના પીડિત હિન્દુઓ અને શીખો માટે પણ હતો.

એક બીજો પણ સવાલ હતો, જે દર્શાવતો હતો કે ગાંધીજીના બોધપાઠ જીવનમાં ઉતારવાના તો દૂર રહ્યા, તેને સમજવામાં પણ લોકો કેવા નિષ્ફળ ગયા હતા. તેમને પૂછવામાં આવ્યું :

“તમે સંયુક્ત રાષ્ટ્ર (યુ.એન.) સુરક્ષા પરિષદની બેઠકની પૂર્વસંધ્યાએ અને કરાચીના હુલ્લડો તેમ જ પાકિસ્તાનના ગુજરાત પ્રદેશના જનસંહારની તરત પછી ઉપવાસ આદર્યા છે. કરાચી-ગુજરાતની ઘટનાઓને આંતરરાષ્ટ્રીય અખબારોમાં કેટલી પ્રસિદ્ધિ મળી તે તો ખબર નથી, પણ એમાં કોઈ શંકા નથી કે તમારા ઉપવાસે બીજી બધી ઘટનાઓને કોરાણે મૂકી દીધી છે. (યુ.એન.ની બેઠકમાં) પાકિસ્તાનના પ્રતિનિધિઓ પણ એ વાત ઉછાળશે કે હિન્દુઓ ભારતમાંના મુસ્લિમોનો જાન લેવા બેઠા છે અને મહાત્માએ તેમને સમજાવવા ઉપવાસ કરવા પડે છે. સાચી વાતની દુનિયાભરમાં જાણ થતાં વાર લાગે છે, પણ તે દરમિયાન તમારા ઉપવાસના કારણે યુ.એન. સમક્ષ આપણો કેસ નબળો પડી શકે છે.”

ગાંધીની જો કે એવી અપેક્ષા પણ નહોતી પણ પાકિસ્તાનના પહેલા વિદેશપ્રધાન સર મુહમ્મદ ઝફરુલ્લા ખાને સુરક્ષા પરિષદમાં કાશ્મીર વિશે બોલતાં કહેલું કે ગાંધીના “ઉપવાસના પ્રતિસાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીની ભાવના અને તમન્નાની નવી અને ભારે લહેર ઉપખંડમાં ફેલાઈ રહી છે.”

ગાંધીએ એક વાર તેમના પ્રિય મિત્ર ચાર્લી(‘દીનબન્ધુ’ એન્ડ્રુઝ)ને પૂછ્યું હતું, “શું માણસ જીવનથી વિશેષ કશાની કુરબાની કરી શકે?” આપણે પૂછવું જોઈએ કે એ પીડાજનક સાડાપાંચ મહિનામાં એવું શું હતું જેણે ગાંધીને તેમની જિંદગી દાવ પર લગાવવા મજબૂર કર્યા. એનો જવાબ આપણા વિશેની આ અત્યંત હતાશાભરી ટિપ્પણીમાં છે. તેમણે કહ્યું, “હમારે મેં શાયદ હ્રદય નહીં હૈ.”

રોજેરોજ ગાંધી લોકોને સમત્વથી અને માનવતાથી કામ લેવાનું સમજાવતા રહ્યા. તેની કોઈ અસર પડી નહિ, અને તેમણે તેમની જિંદગી દાવ પર મૂકી.

ઉપવાસ સફળ તો થયો, પણ તેમની સામે જે સવાલો ઊભા કરવામાં આવ્યા તેમાં ગાંધીની પ્રજા અને દેશ પરત્વેની અપેક્ષાઓ અંગે કેવી ઊંડી ના-સમજ પ્રવર્તતી હતી તે બહાર આવતું હતું. પણ આ વૃદ્ધ માનવીએ છેલ્લા પંદર મહિનામાં એનાથી ય કપરાં વીતકો સહન કરવાનાં હતાં. કદાચ માનવામાં ન આવે, પણ નોઆખલીમાં તેમણે એક જાહેર નિવેદન આપ્યું હતું તે બિહારમાં મુસ્લિમો સામે હિંસા ફેલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું.

ગાંધીને ગાંધીની વિરુદ્ધમાં મૂકવામાં આવ્યા.

ત્યારે જે બિહારમાં થયેલું તે આજે ભારતભરમાં કરવામાં આવી રહ્યું છે. આ વખતે એ કામ પાછળ કોઈ બેનામી તોફાની તત્ત્વો નથી, પણ દેશની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારના સર્વોચ્ચ પદાધિકારીઓ, સહી સાથે લેખો લખતા લોકો અને પોતાની કોલમોમાં શાંતિ અને અહિંસાના દૂતને આઘાતજનક રીતે વેતરી નાખતાં દેશનાં અગ્રણી અખબારો છે.

રાજમોહન ગાંધી અને રામચંદ્ર ગુહા જેવા આપણા શ્રેષ્ઠ ગાંધી-અભ્યાસુઓએ નવા નાગરિક કાયદાથી ગાંધીનાં સપનાં સાકાર થવાના સરકારી દાવાની પોકળતા ખુલ્લી પાડેલી છે. સરકાર જાણે છે કે આવા દાવા કરવામાં કોઈ પુરાવા આપવાની જરૂર છે નહિ અને સરકારનું કહ્યું માનવા માટે તત્પર પ્રજાજનો તેને સરળતાથી ગળે ઉતારી લેતા હોય છે. છતાં અમુક ઉત્સાહી લોકો હિંમતભેર પુરાવા આપવા દોડે છે, ભલે પુરાવા હોય જ નહિ.

આવા એક ઉત્સાહી ભાઈએ ‘મિસરિડિંગ ધ મહાત્મા’ શીર્ષક હેઠળ લેખ લખ્યો છે, જેનું ઉપશીર્ષક છે, “જે લોકો સી.એ.એ.-એન.આર.સી.નો વિરોધ કરે છે તેઓ ગાંધીજીની વિશ્વવિચારણા પર અપકાર કરે છે”. ‘ઈન્ડિયન, એક્સપ્રેસમાં ૨૦મી ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયેલા આ લેખના લેખક છે શ્રીકૃષ્ણ કુલકર્ણી. (ગાંધીજીના પુત્ર રામદાસનાં પુત્રી સુમિત્રા કુલકર્ણીના પુત્ર.) તેઓ ગાંધી-અભ્યાસથી અપરિચિત છે. તેમને સંબંધિત સાહિત્યનો પણ પરિચય નથી. પણ તેમણે પોતાની વાતને પૂરા અધિકારથી રજૂ કરી છે. કદાચ પોતે જૈવિક અર્થમાં ગાંધીના પ્રપૌત્ર છે એટલે. એ રીતે તો તેઓ રાજમોહન ગાંધીના ભાણેજ પણ થાય.

આના પરથી મને મારો ભત્રીજો યાદ આવ્યો, જેણે મને એક વાર સંભળાવી દીધું હતું, “તાઉજી, તમને ઇતિહાસની સમજ જ નથી. આ મુસ્લિમો છે ને …”

પણ મારી કંપનીમાં બીજા પણ મહાપુરુષો છે. અમારા બધાની ઉપર તો છે ગાંધી. દોસ્તોયેવ્સ્કીની મહાનવલ ‘ધ બ્રધર્સ કારમાઝોવ’ના વિખ્યાત પ્રસંગમાં જેમ ગ્રાન્ડ ઇંક્વિઝિટર ઈસુ ખ્રિસ્તને જ ખ્રિસ્તી ધર્મ સમજાવે છે, તેમ આપણા ભત્રીજાઓ, આપણા શાસકના ચાળે, ગાંધીજીને પણ કહી શકે છે કે તેમણે ખરેખર શું વિચાર્યું હશે, શું કહ્યું હશે અને શું કર્યું હશે. તેઓ તેમને તે કહેશે, જે કુલકર્ણી આપણને કહી રહ્યા છેઃ

“વિભાજન પછી પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની યાતનાઓ વિશે અને પાકિસ્તાન પાસેથી ન્યાય મેળવવા વિશે ગાંધીજીએ ઘણું કહેવાનું હતું.”

તેઓ ગાંધીને ક્વૉટ કરશે, જેમ કુલકર્ણી પણ કરે છે. ૨૫મી સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ ગાંધીજીએ કહ્યું હતું કે, “પાકિસ્તાનમાંના હિન્દુઓ અને શીખોની સલામતીની ખાતરી કરવી તે હિંદી સરકારની ફરજ છે. પરંતુ સરકાર એ ફરજ અદા કરી શકે તેટલા ખાતર તેને જે કંઈ કરવું ઘટે તે કરવાની પૂરી સ્વતંત્રતા આપવી જોઈએ અને તેને એકેએક હિન્દીનો સાચા દિલનો પૂરેપૂરો સહકાર મળવો જોઈએ.” વધુમાં, ૨૬મી સપ્ટેમ્બરે તેમણે કહ્યું હતું, “પાકિસ્તાન પોતાની સાબિત થયેલી ભૂલ સ્વીકારવાનો ઈનકાર કરવાનું ચાલુ રાખે ને તેને નજીવી દેખાડવાની કોશિશ કર્યા કરે તો હિન્દી રાજ્યસંઘની સરકારનો તેની સામે યુદ્ધ કર્યા વિના છૂટકો નહિ થાય.”

અવતરણ ચિહ્નો અને મૂળ સ્રોતના પાન ક્રમાંકનો દેખાડો ભલે કર્યો હોય, પણ કુલકર્ણીના દાવામાં કોઈ વજૂદ નથી, અને તેમનાં અવતરણો એવાં મારી મચડીને રજૂ કરાયાં છે કે તેની અસર ગાંધીની ભાવના અને અર્થ કરતાં – હકીકતમાં તેઓ જે સારુ જીવ્યા અને જે સારુ તેમણે કુરબાની આપી તેના કરતાં – બિલકુલ વિપરીત જ છે. જેમ કે, ૨૬મી સપ્ટેમ્બરનો દાખલો લઈએ. આ અવતરણ એ દિવસની સાંજના તેમના પ્રાર્થના પ્રવચનમાંથી છે.

પ્રવચનની શરૂઆતમાં જ ભારે વિષાદગ્રસ્ત નિવેદન છેઃ “આજે ચાલી રહેલી હેવાનિયત ભરેલી કતલ શીખ ધર્મથી વિરુદ્ધ છે બલકે કોઈ પણ ધર્મની સાથે એવી કરણીનો મેળ નથી.”

તેમાં તમામ સમુદાયો માટે અને ભારત-પાકિસ્તાન બંને માટે ચેતવણી પણ છે, અને વિનંતી પણ છે. ગાંધી ઉપર જે બોલ્યા તે આ સંદર્ભમાં, સૌથી ખરાબ સંજોગોની કાલ્પનિક પરિસ્થિતિ વિશે બોલ્યા.

“મેં કહ્યું કે જો આપણે માનીએ કે, જો એ વાત પૂરેપૂરી સાબિત કરી આપવામાં આવે કે, પાકિસ્તાન સરકાર પાસેથી આપણે ન્યાય મેળવી શકીશું જ નહિ – જો તેઓ સ્વીકારે જ નહિ કે તેમણે કશું ખોટું કર્યું છે – જો તમે તેમની સમક્ષ ખુલાસો ન કરી શકો, તો પછી તમારી કેબિનેટ છે, એ મોટી કેબિનેટ છે, તેમાં જવાહરલાલ છે, તેમાં સરદાર પટેલ છે, બીજા પણ સારા માણસો છે, જો તેઓ પણ પાકિસ્તાનને સમજાવી ના શકે, તો અંતે આપણે લડવું પડે. (પણ) આપણે મૈત્રીપૂર્ણ રીતે સમાધાન લાવવું જોઈએ. આપણે એમ કેમ ન કરી શકીએ?”

ગાંધીને ગાંધીના જ પોતાના માણસોની અવળચંડાઈથી – એ જ શબ્દ સાચો છે (વેન્ડલાઈઝ) – બચાવવામાં માથું શરમથી ઝૂકી જાય છે.

મૂળભૂત સત્ય એ છે કે ગાંધીએ કદી ભારત અને પાકિસ્તાન વચ્ચે ભેદ કર્યો નહોતોઃ “હું ભારત અને પાકિસ્તાનને બે જુદા દેશો તરીકે વિચારતો નથી.”

તેઓ બેમાંથી એકેને બીજાથી અલગ કે બીજાના ભોગે વિચારી શકતા નહોતા. તેમની ચેતવણી હતી કે, બેમાંથી એકેય સ્વર્ગ નહિ બની શકે જો બીજું નરક બનીને ઊભું રહેશે. જ્યાં સુધી પાકિસ્તાન પર યુદ્ધ કરવાનો સવાલ છે, તેઓ ભારપૂર્વક કહેતા રહ્યા કે ભારત-પાકિસ્તાનનું ભલું અવિભાજ્ય છે. પરસ્પર વેરભાવથી તો પરસ્પરનું નિકંદન વળી જશે. યુદ્ધમાં બંને ખુવાર થઈ જશે.

ગાંધીને પાકિસ્તાનમાંની હિન્દુ અને શીખ લઘુમતીની ચિંતા હતી. પણ તેમને ભારતમાંની મુસ્લિમ લઘુમતીની પણ ચિંતા હતી. તેમને ખબર હતી કે બંને દેશો પોતાની લઘુમતીને ત્રાસ આપવામાં એકબીજાથી આગળ જઈ રહ્યા હતા.

૧૯મી નવેમ્બર ૧૯૪૭ના રોજ તેમણે કહ્યું કે, “આજે આ આક્ષેપ તમામ હિન્દુ અને શીખ પર લાગુ પડે છે, એવી જ રીતે તમામ મુસ્લિમોને પણ લાગુ પડે છે.” જેનું હ્રદય જેટલું નોઆખલીમાં એટલું જ બિહારમાં ઘવાયું હતું, તે માણસ એવું જ જુએ, એવું જ વિચારે, એવું જ બોલે. કોમ – દેશનાં ડાબલાં પહેર્યાં વિના.

ગાંધીએ ૨૫-૨૬મી સપ્ટેમ્બરે જે કહ્યું હોવાનું કહેવાય છે, તેને થોડા દિવસ પહેલાંના, ૧૭મી સપ્ટેમ્બરના આ પ્રાર્થના પ્રવચન સાથે સરખાવી જુઓઃ

“પાકિસ્તાનમાં ત્યાંની લઘુમતીની વસ્તી એટલે કે હિંદુ ને શીખો સાથે ખરાબ વર્તન રાખવામાં આવ્યું છે એ વાત સાચી છે તો પૂર્વ પંજાબે પણ પોતાની લઘુમતી વસ્તી એટલે કે મુસલમાનોની સાથે એવું જ વર્તન રાખ્યું છે એ વાત પણ એટલી જ સાચી છે. ગુનાની જવાબદારી કોની કેટલી એ કાંઈ સોનાને કાંટે તોળવાનું ન હોય. બંને પક્ષે કોનો કેટલો વાંક છે તેની તુલના કરવાનો મારી પાસે કશો હકીકતોનો આધાર નથી. પરંતુ બંને પક્ષોના હાથે ગુનો થયો છે એટલું જાણી લઈએ તો આપણા માટે પૂરતું છે. આને અંગે યોગ્ય મેળ બેસાડવાનો રસ્તો એ છે કે બંને રાજ્યો બંને પક્ષોએ કરેલા ગુનાનો નિખાલસ એકરાર કરે, પછી સમજૂતીની શરતો મુકરર કરે અને સમજૂતી પર ન આવી શકાય તો સામાન્યપણે હંમેશ થાય છે તેમ લવાદી દ્વારા ફેંસલો મેળવવાનો રસ્તો લે. એ સિવાય બીજો અણઘડ ને જંગલી ઈલાજ યુદ્ધે ચડવાનો છે. એના વિચારમાત્રથી મને સૂગ ચડે છે.”

આ વૃદ્ધ માનવી શું સમજાવી રહ્યો છે? શું તે આપણને એવું કંઈક નથી કહી રહ્યો જે આપણે આજે લક્ષ પર લેવું જોઈએ?

અનુવાદકની પૂરક નોંધ

(૧) ગાંધીજી દસમી સપ્ટેમ્બરે દિલ્હી આવ્યા અને બિરલા હાઉસ રોજ સાંજની પ્રાર્થનામાં તેમ જ ક્યારેક અન્યત્ર નવાસવા આઝાદ અને નવાસવા વિભાજિત દેશોની પ્રજાના હિંસક ઉન્માદ પર રોજ ટિપ્પણી કરતા રહ્યા. પ્રવચનો પહેલા દિવસથી જ આકાશવાણી પરથી પ્રસારિત થવા લાગ્યા. તે થોડા દિવસના અંતરે તેમનાં સામયિકોમાં શબ્દશઃ નહિ પણ અહેવાલ સ્વરૂપે પ્રસિદ્ધ થતા. તે સંગ્રહિત સ્વરૂપે ‘દિલ્હી ડાયરી’ (નવજીવન, ૧૯૪૮) નામે પ્રસિદ્ધ થયાં. પ્રથમ પુરુષ એકવચનમાં મૂળ પાઠ હિન્દીમાં ‘પ્રાર્થના પ્રવચન’ નામે સંગ્રહિત થયો. કુલકર્ણીએ તેમના લેખમાં ‘દિલ્હી ડાયરી’નો આધાર લીધો છે અને “ગાંધીજીના પોતાના શબ્દોમાં” એવો દાવો કર્યો છે, જે અવતરણની અંદર જ ખોટો પડી જાય છે. તેમણે આપેલો પાન ક્રમાંક પણ ખોટો છે, એવું કહેવું બાલિશ કહેવાય પણ તેમણે જે “ગાંધીજીએ પોતે કહ્યું છે, જુઓ મારી પાસે પુરાવો છે” એવો ભાવ રાખ્યો છે ત્યારે તેમની પુરાવાની ભૂલ ચીંધવી રહી. અહીં સુધીર ચંદ્રના લેખના ગુજરાતી અનુવાદમાં ગાંધી અવતરણોનો સ્રોત, એક અપવાદ સિવાય, ‘દિલ્હી ડાયરી’ છે.

(૨) ગાંધીજીએ પાકિસ્તાન પર યુદ્ધ કરવાની હાકલ કરી હોય તેવી છાપ ઊભી કરતાં અવતરણ રજૂ કરવામાં કુલકર્ણી જે ભૂલ કરી રહ્યા છે, તે નવી નથી. એ વખતે રોઈટર સમાચાર સંસ્થાએ એવો જ અહેવાલ લખેલો, જે ‘લંડનના ટાઈમ્સ’માં છપાયો, અને તે વાંચીને નોબેલ સમિતિએ ગાંધીને શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય રદ્દ કરેલો. એ વાત હવે ખુલ્લા મુકાયેલા નોબેલ આર્કાઈવ્ઝમાંથી બહાર આવી છે. ગાંધીજીએ જો કે ૩૦મી સપ્ટેમ્બરે યુદ્ધના સંદર્ભ અંગે લાંબો ખુલાસો આપેલો. જે આ અવતરણ બાબતે ગાંધીજી પોતે સ્પષ્ટતા કરી ચૂક્યા છે, તેને અવગણીને પણ કુલકર્ણી તેમના મોઢામાં એ શબ્દો ફરી પાછા ઓરી રહ્યા છે.

(૩) નાગરિકતા અંગે ગાંધીના વિચારો બાબતે આટલી અર્થઘટનની કવાયતો કરવાના બદલે એમના પોતાના શબ્દોમાં ટિપ્પણી જોઈતી હોય તો, નવેમ્બર ૧૯૩૧માં ગોળમેજી પરિષદમાં વાઈસરૉય સાથે (ભારતનું બંધારણ ઘડવામાં જે ધ્યાન પર લેવાયો તે) મોતીલાલ નહેરુ રિપોર્ટની ચર્ચા કરતાં ગાંધીજીએ કહ્યું હતું કે “નાગરિકત્વ બાબતે (ભારત, કૉંગ્રેસ અને તેઓ પોતે) સ્પષ્ટ છે કે તેમાં રેશિયલ ડિસ્ક્રિમિનેશન (વંશીય ભેદભાવ) હોવું જોઈએ જ નહિ.” વધુમાં, કુલકર્ણી જે ‘દિલ્હી ડાયરી’નો આધાર લે છે, તેમાં ૨૪મી ઑક્ટોબરના પ્રવચનમાં ગાંધીજી કહે છેઃ “હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી અને બીજા સૌ સરખી રીતે હિંદ માતાનાં સંતાન છે અને તે સૌને હિંદી રાજ્યના નાગરિકપણાનો સરખો અધિકાર છે. મારા બચપણથી હું આ આદર્શ મારી નજર આગળ રાખીને ચાલતો આવ્યો છું. પરંતુ સ્વતંત્રતાની સિદ્ધિ પછી એ આદર્શ જાણે કે ઓગળી જવા બેઠો છે!”

[સૌજન્યઃ “ધ વાયર વેબસાઈટ”,  અનુવાદઃ આશિષ ઉપેન્દ્ર મહેતા]

E-mail: ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 08-10

Loading

ઇન્ફોડેમિકઃ કોરોનાનું વાઈરલ (અ)જ્ઞાન અને આપણો ગભરાટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 March 2020

એકવીસમી સદીની વ્યાખ્યા કરવી હોય તો તેને એક એવો સિક્કો કહી શકાય, જેની એક બાજુ વર્ચ્યુઅલ દુનિયા છે અને બીજી બાજુ નક્કર દુનિયા છે. આ બંને દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે. અત્યાર સુધી આપણને આ જોડિયાપણાની આપસી અસર કેવી પડે છે તેનો અંદાજ ન હતો, પરંતુ છેલ્લા બે મહિનાથી કોરોના વાઇરસે જે રીતે વૈશ્વિક ઉચાટ ફેલાવી દીધો છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાના ટાંટિયા ધ્રુજાવી દીધા છે, તેના પરથી એક અંદાજ આવી શકે છે કે એકવીસમી સદીમાં આપણી દુનિયા જેટલી સમૃદ્ધ હશે, તેટલી જ બરડ પણ હશે.

કોરોના વાઇરસ એકવીસમી સદીનો પહેલો રોગ છે, જેણે બેજિંગથી બેંગલુરુ સુધી અને ન્યૂયોર્કથી નેધરલેન્ડ સુધી વર્ચ્યુઅલ દુનિયાના માધ્યમથી લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. દુનિયાની આંકડાકીય માહિતીઓ આપતી વેબસાઈટ, વર્લ્ડ ઓમીટરના અપડેટ પ્રમાણે, દુનિયામાં કોરોના વાઈરસના ૯૮,૮૭૫ કેસ નોંધાયા છે, અને ૩,૩૯૦ મોત થયાં છે (તમે આ વાંચશો, ત્યારે સંખ્યા બદલાઈ ગઈ હશે). આ પહેલો રોગ છે, જેનાં મિનિટ-ટુ-મિનિટ અપડેટ આખી દુનિયાના લોકો તેમના ફોનમાં લઇ રહ્યા છે.

ગયા અઠવાડિયે વાઇરસ અમેરિકા, યુરોપ અને મધ્યપૂર્વમાં પહોંચ્યો, ત્યારે વૈશ્વિક બજારોમાં કડાકો આવ્યો, અને હવે આખી દુનિયામાં મંદી તોળાઈ રહી છે. અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાં વેચાણ અને ઉત્પાદનને અસર થઇ છે. આયાત-નિકાસ કમજોર પડી છે. ફર્માસ્યુટિકલ ચીજોની અછત થવા લાગી છે. વૈશ્વિકીકરણના કારણે દુનિયાના દેશો એકબીજા સાથે ઘનિષ્ઠતાપૂર્વક જોડાયેલા છે, અને એટલે કોરોના વાઇરસનું ચેઈન-રિએક્શન આવ્યું છે. વિકિપીડિયા પર તો કોરોના વાઇરસની સામાજિક-આર્થિક અસરો પર એક સમૃદ્ધ પેજ પણ છે, જેમાં તમને દુનિયાભરના દેશોમાં શું અસર પડી રહી છે, તેની માહિતી મળશે.

અહીં કોરોના વાઇરસની ગંભીરતાને ઓછી આંકવાનો જરા ય આશય નથી, પરંતુ અમેરિકામાં મોસમી ફ્લૂમાં એક વર્ષમાં ૧૦,૦૦૦ લોકોનાં મોત થયાં છે. તેની સરખામણીમાં કોરોના વાઈરસ(જે એક પ્રકારનો ફ્લૂ જ છે)માં એક વ્યક્તિના મોતના સમાચાર જીવ ઊંચો કરી દે છે. તેનું કારણ આપણી આ જોડિયા દુનિયા છે. આંગળીના ટેરવે આપણી પાસે અપડેટ્સ અને ફેક ન્યૂઝ આવે છે. એક જગ્યાએ બેઠો હતો તો ઘરના લોકો દક્ષિણ કોરિયાના ‘સમાચાર’ની વાતો કરતા હતા કે કેવી રીતે સરકારે વાઈરસગ્રસ્ત એક માણસને ગોળી મારી દીધી, જેથી તે ફેલાય નહીં.

સાધારણ ફ્લૂ અને કોરોના વાઇરસમાં ફર્ક એટલો જ છે કે સાધારણ ફ્લૂ સાથે આપણો સંબંધ ચિરપરિચિત છે, અને આપણને ખબર છે કે ફ્લૂ શું છે. તેની આપણી માતાને અને દાદીને ખબર હતી અને પડોશમાં માસીને પણ જાણ હતી. કોરોના વાઇરસ વિશે આપણને કશી ખબર નથી. અથવા એવું કહો કે કોરોના વાઇરસ વર્ચ્યુઅલ જગતનો મહેમાન છે, અને શબ્દશઃ હવામાંથી આવ્યો છે. કોરોના વાઇરસ વિશે તમે જે કંઈ જાણો છો, તે ઇન્ટરનેટમાં ક્યાંકથી ઊડીને આવેલી માહિતી છે. ‘કોરોના વાઈરસની કોઈ દવા નથી’ આ જ્ઞાન દુનિયાના તમામ લોકોને માત્ર બે જ મહિનામાં થઇ ગયું છે. તમે પૂછો કે, કેવી રીતે? તમારા ઘરમાં કોઈને અનુભવ થયો છે? તો જવાબ હશે, ના, પણ અમે તો ક્યાંક વાંચ્યું હતું.

એ વાત સાચી કે તેની દવા નથી (એ વાત પણ સાચી છે કે તેની દવા શોધવા ફર્માસ્યુટિકલ કંપનીઓ ઓવરટાઈમ કરી રહી છે), પરંતુ કોરોના વાઇરસનું તમામ જ્ઞાન ઉછીનું છે અને એમાં સૂકા ભેગું લીલું બળે, તે ન્યાયે ગપગોળા, અફ્વા, ફેક ન્યૂઝ અને ગોસિપ પણ જ્ઞાન બનીને આપણને ગભરાવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (હુ – WHO), જે દુનિયામાં રોગચાળા અને સ્વાસ્થ્ય સંબંધી બાબતો પર નજર રાખે છે, આજકાલ કોરોના વાઇરસના નામે અફ્વાઓના વાઇરસને રોકવા પણ ઝઝૂમી રહ્યું છે. સંગઠને તેને એપેડેમિક પરથી, ઇન્ફેડેમિક નામ આપ્યું છે. (એપેડેમિક એટલે દેશવ્યાપી રોગચાળો). તેણે ફેસબુક અને ગૂગલ જેવી ટેક કંપનીઓ સાથે સહયોગ સાધીને ગેરમાર્ગે દોરતી માહિતીઓ સામે લાલબત્તી ધરવાનું શરૂ કર્યું છે.

ભૂતકાળમાં રાજકારણીઓને ફેક ન્યૂઝનો મારો કરવાનો અવસર પૂરો પાડવા બદલ બદનામ થયેલા ફેસબુકે વિશ્વ આરોગ્ય સંગઠન અને અન્ય સંસ્થાઓની એવી જાહેરખબરો નિઃશુલ્ક પોસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં કોરોના વાઇરસ અને તેની સારવારને લઈને સાચી સમજણ આપતી માહિતી હોય. તેના સી.ઈ.ઓ. માર્ક ઝકરબર્ગે તેની વોલ પર પોસ્ટમાં લખ્યું હતું કે તેની કંપની જૂઠા દાવાઓ કરતી, લોકોને ગભરાવતી અને સ્થિતિનો ફયદો ઉઠાવવા માગતી માહિતીઓ સામે પગલાં ભરી રહી છે.

એપલનો એપ સ્ટોર, તેની સાઈટ પરથી કોરોના વાઇરસ સંબંધી એવી એપ્લિકેશન્સને રદ્દ કરી રહ્યો છે, જે જે સરકાર કે સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવી ન હોય. એપ ડેવલપરોના કહેવા પ્રમાણે એપલ એવી જ એપ્લિકેશન સ્વીકારે છે, જે અધિકૃત સંસ્થાઓ તરફ્થી આવી હોય. ગૂગલ પ્લે ‘વાઈરસ’ નામથી તમામ સર્ચને બ્લોક કરી રહ્યું છે. તેણે ‘કોરોના વાઇરસઃ સ્ટે ઇન્ફોર્મ્ડ’ નામની એક વેબસાઈટ બનાવી છે, જેમાં રેડ ક્રોસ, સેન્ટર ફેર ડિસીઝ કંટ્રોલ, સમાચાર સંસ્થાઓ અને ટ્વિટરની ઉપયોગી અને ભરોસાપાત્ર એપ્લિકેશન્સની યાદી પણ છે.

ગયા મહિને ઓનલાઈન રિટેલના બાદશાહ એમેઝોને તેના પ્લેટફેર્મ પરથી વેચાતાં ૧૦ લાખ ઉત્પાદનોને રોકી દીધાં હતાં, કારણ કે તેમણે કોરોના વાઇરસથી બચવાના ખોટા દાવા કર્યા હતા.

તેણે એવા હજારો સોદાઓ પણ ફોક કર્યા હતા, જેમાં વેપારીઓ સ્થિતિનો ફયદો ઉઠાવીને માલ-સામાનને ઊંચા ભાવે વેચતા હતા.

વેબ ન્યૂઝની સચ્ચાઈ અને પારર્દિશતા માટેનું કામ ન્યૂઝગાર્ડ નામની એક વેબસાઈટે તાજેતરમાં ‘કોરોના વાઇરસ મિસઇન્ફોર્મેશન ટ્રેકિંગ સેન્ટર’ શરૂ કર્યું છે, જે કોરોના વાઈરસ અને સાર્સને લગતી ગેરમાહિતીઓ આપતી વેબસાઈટ પર નજર રાખે છે. તેની શરૂઆત થઇ ત્યારે તેના વેબ પેજ પર અમેરિકા અને યુરોપની આવી ૩૧ સાઈટ્સ હતી, જે વધીને હવે ૧૦૬ થઇ છે.

ગંભીર બીમારીની સ્થિતિમાં પણ ઓનલાઈન કંપનીઓ અફ્વાઓ અને ફેક ન્યૂઝ કેમ ફેલાવતી હશે? કારણ કે માણસનું મગજ નકારાત્મક સમાચારોને વધુ વિશ્વસનીય ગણે છે, અને આવા સમાચારોથી વેબસાઈટ પર લોકોનો ટ્રાફિક વધુ આવે છે, જેથી સાઈટને જાહેરખબરો વધુ મળે. દાખલા તરીકે વિશ્વ આરોગ્ય સંગઠન કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ જેવી અધિકૃત સેવાઓની વેબસાઈટ પર લોકોની હાજરી નજીવી છે, પણ ભળતી-સળતી સાઈટ્સ પર લાખોની સંખ્યામાં લોકો કોરોના વાઇરસની સામગ્રીઓ વાંચી રહ્યા છે અને ફોરવર્ડ કરી રહ્યા છે.

આ ચોરની અને ભૂતની વાતો જેવું છે. ગામડામાં લોકો જમી-પરવારીને રાત્રે ભેગા થાય, પછી ચોર અને ભૂતની વાતો એવી નીકળે કે એમાં દરેક માણસ પોતાનું ‘જ્ઞાન’ ઉમેરીને તેને રસપ્રદ બનાવે. એમાં કોઈ કાચા-પોચા મનનો માણસ હોય, તો મોડી રાત્રે ઘરે જઈને બિહામણાં સપનાંનો ભોગ બનતો. અમેરિકા અને યુરોપના સ્વાસ્થ્ય નિષ્ણાતો ચેતવણી ઉચ્ચારી રહ્યા છે કે કોરોના વાઈરસને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ઝડપથી અફવાઓ અને ગેરમાહિતીઓ ફેલાઈ રહી છે, તેનાથી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, ડિપ્રેશન અને વ્યગ્રતા(એન્ગ્ઝાઇટી)ના દર્દીઓની માનસિક સ્થિતિ વધુ નાજુક થઇ રહી છે. મોઢા પર માસ્ક પહેરેલા લોકોને આપણે હોલિવૂડની ફિલ્મો કે સસ્પેન્સ નવલકથાઓમાં જોતા હતા. હવે આપણે તેને રોજ સમાચારો અને બહાર સડકો પર જોઈએ છીએ અને એટલે અફ્વાને પણ સાચી માનવા સિવાય કોઈ રસ્તો નથી રહ્યો.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 માર્ચ 2020 

Loading

કોરોના વાઇરસઃ મેડિસિન ક્ષેત્રે લાખો ખર્ચાય છે પણ વાઇરસને નાથવો સરળ નથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 March 2020

આ પેન્ડેમિક કરતાં વધુ ગંભીર છે ‘ઇન્ફોડેમિક’ – એટલે કે સદંતર ખોટી માહિતીઓથી ગભરાઇ જવું, એ ફેલાવવી અને સતત માહિતી મેળવીને પછી ડરથી ફફડતા રહેવું.

WHOએ કોરોના વાઇરસને પેન્ડેમિક એટલે કે વૈશ્વિક કટોકટીનાં સ્તરનો રોગ – મહામારી જાહેર કરી દીધો છે. જાહેર સ્થળોએ કાયમ કરતાં થોડી ઓછી ભીડ જોવા મળે છે જો કે જેને ચિંતા છે એ લોકો માસ્ક ચઢાવીને સેનિટાઇઝર વાપરતાં જાય છે અને સતત હાથ ધોતા જાય છે. દેશ હાથ ધોતાં શીખ્યો છે તો આખી દુનિયા નમસ્તે કરતા શીખી ગઇ છે. માળું છીંક, ખાંસી અને તાવ આટલા ડરામણા થઇ જશે એ તો ક્યારે ય નહોતું વિચાર્યું અને માટે જ અધધધ રૂપિયા જેમાં નખાય છે તેવા લાઇફ સાયન્સિઝ, ફાર્મા કંપનીઓનાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં સંશોધનો આ વાઇરસની સામે અવાચક થઇ ગયા છે.  જો કે આજથી દસ વર્ષ પહેલાં હેલ્થકેર કે મેડિકલ સાયન્સિઝનાં સંશોધનોમાં જેટલો ખર્ચો થતો હતો તેના કરતાં કંઇ ગણો વધારે આજે થાય છે.

દેશમાં દુનિયામાં શું છે ફાર્માસ્યુટિકલ્સ અને ડ્રગ માર્કેટની સ્થિતિ?

ભારતમાં લાઇફ સાયન્સિઝ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો છેલ્લા ત્રણ દાયકામાં આ ક્ષેત્રે સંશોધનો વધ્યાં છે અને નવાં ઉત્પાદનોથી માંડીને પેટન્ટ ફાઇલ કરવામાં પણ વધારો થયો છે. વિદેશમાં પણ આ ક્ષેત્રનો વિસ્તાર થયો છે, જેનું મૂળ કારણ મોટે ભાગે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જ હોય છે. વૈશ્વિક સ્તરે ભારત કુલ માગનાં ૫૦ ટકાથી વધુ વેક્સિન્સ સપ્લાય કરે છે. જનરિક ડ્રગની  વૈશ્વિક માગનાં ૪૦ ટકા યુ.એસ.એ.માં અને યુ.કે.માં ૨૫ ટકા તથા બાકી વિશ્વનો ૨૦ ટકા સપ્લાય ભારતમાંથી થાય છે. ફાઇનાન્શિયલ વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતીય ફાર્માસ્યુટિકલ નિકાસનો આંકડો ૬.૭ બિલિયન યુ.એસ. ડૉલર્સ રહ્યો. ભારતમાં હેલ્થકેર સેક્ટર સૌથી વધુ ઝડપતી વધી રહેલું ક્ષેત્ર છે અને ૨૦૨૨ સુધીમાં તેનો આંકડો ૧૩૩ બિલિયન યુ.એસ. ડૉલર્સ સુધી પહોંચવાની વકી છે તથા નિકાસનો આંકડો ૨૦૨૦ દરમિયાન ૨૦ બિલિયન યુ.એસ. ડૉલર્સે પહોંચી શકે છે. વળી મેડિકલ ડિવાઇસિઝનું માર્કેટ પણ નાનું નથી અને તે પણ ૨૦૨૦ દરમિયાન ૫૫ બિલિયન યુ.એસ. ડૉલર્સ જેટલું થવાની શક્યતાઓ છે. ધી એસોસિયેશન ઑફ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અનુસાર ૨૦૦૭થી ૨૦૧૬ દરમિયાન ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં અંદાજે ૧.૩૬ ટ્રિલિયન ડૉલર્સનું રોકાણ થયું છે અને ૨૦૨૨ સુધીમાં આ રોકાણ ૧૮૧ બિલિયન ડૉલર્સ થઇ શકે છે. યુ.એસ.એ.માં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સૌથી વધુ રોકાણ-ખર્ચ કરાય છે અને યુરોપમાં યુ.કે. આમાં અગ્રણી છે. આ આંકડાઓ નેશનલ ટ્રેડને આધારે છે જેમાં અધિકૃત સ્ટેટેસ્ટિક્સ નથી દર્શાવાયા.

કેવા વાઇરસોએ આપણને ડરાવ્યા છે?

વાઇરસ સામે લડવા અનેક સંશોધનો થઇ રહ્યાં છે પણ નવી ડ્રગ બનાવવામાં વર્ષો લાગી શકે છે અને ત્યા સુધીમાં આ મહામારી પોતે જ મરી ગઇ હોય અને કોઇ નવું જોખમ માથે નાચતું હોય. આપણી લડાઇઓ કંઇક આવી રહી છે – ૨૦૦૧માં એન્થ્રેક્સ સામે, ૨૦૦૨માં વેસ્ટ નાઇલ વાઇરસ, ૨૦૦૩માં એસ.એ.આર.એસ., ૨૦૦૫માં બર્ડ ફ્લુ, ૨૦૦૬માં ઇકોલી, ૨૦૦૯માં સ્વાઇન ફ્લુ, ૨૦૧૪માં ઇબોલા, ૨૦૧૬માં ઝિકા, ૨૦૧૮માં નિપા વાઇરસ. દર વખતે દુનિયા હવે પૂરી થઇ જશેનો હાહાકાર હતો, પણ હું અને તમે બંન્ને સાબૂત છીએ અને રહીશું. કોરોના વાઇરસ વિષે તો ૨૦૧૭માં એસ્ટ્રીક કોમિક્સમાં ય વાત હતી જેમાં આ નામનો એક સારથી હતો. કોરોના વાઇરસ તો પહેલેથી હતો જ પણ વુહાનમાંથી આ વાઇરસે પોતાનું જોર બતાડવાની કોઇ નબળી કડી શોધીને પ્રકોપ ફેલાવ્યો. જો કે આ પેન્ડેમિક કરતાં વધુ ગંભીર છે ‘ઇન્ફોડેમિક’ – એટલે કે સદંતર ખોટી માહિતીઓથી ગભરાઇ જવું, એ ફેલાવવી અને સતત માહિતી મેળવીને પછી ડરથી ફફડતા રહેવું. વાઇરસ કરતાં વધુ ઝડપથી આ ખોટી માહિતીઓ અને ડર ફેલાય છે.

અમેરિકા જેવી મહાસત્તા, જ્યાં ફાર્મા તથા લાઇફ સાયન્સિઝમાં સૌથી વધુ રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય છે ત્યાં કોરોના વાઇરસનાં ૧,૨૬૭ કેસિઝ નોંધાઇ ચુક્યા છે અને અત્યાર સુધીમાં અમેરિકામાં ૩૮ દર્દીઓ કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે. આખા વિશ્વનાં અત્યારના આંકડા પર વાત કરીએ તો કુલ ૧ લાખ ૨૬ હજાર અને ૧૦૦ લોકોમાં આ વાઇરસ જોવા મળ્યો છે અને લગભગ ૪,૬૦૦ જેટલા લોકો તેમાં મૃત્યુ પામ્યા છે. આ લેખ વંચાતો હોય ત્યાં સુધીમાં આ આંકડામાં વધારો ન થયો હોય તેની પ્રાર્થના જ અત્યારે તો કરવી પડે તેમ છે.

અઢળક રૂપિયા ખર્ચાતા હોવા છતાં છેલ્લા દસ વર્ષમાં આપણે જાતભાતનાં વાઇરસનાં જોખમો વેઠ્યાં છે. અત્યારે પણ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાઇરસ – કોવિડ-૧૯ની દવા શોધવા માટે જાત ભાતની ડ્રગ્ઝ પર પ્રયોગો વિશ્વભરમાં થઇ રહ્યાં છે. આ વાઇરસ સિઝનલ ફ્લુ કરતાં ૧૦ ગણો જોખમી છે તેવું વિધાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝનાં ડિરેક્ટરે તાજેતરમાં કર્યું હતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીએ તો આ સુક્ષ્મ વાઇરસ આજે આધુનિકતાનાં નવા આયામો સર કરનારી માનવજાત સામેનાં સૌથી મોટાં જોખમો છે. અગણિત સંશોધન પછી પણ આધુનિક મેડિસિનની મદદથી આપણે હજી સુધી માત્ર એક જ વાઇરસને સંપૂર્ણપણે દૂર કરી ચૂક્યા છે અને તે છે સ્મોલપૉક્સ જેને માટે પણ દાયકા સુધીના વેક્સિનેશનની જરૂર પડી હતી.

અત્યારે જે વાઇરસ વિશ્વને ભરડામાં લઇ રહ્યો છે તે કઇ રીતે માણસનાં શરીર પર હુમલો કરે છે તે સંશોધકોએ સમજી લીધું છે અને તેને નજીક આવતો રોકવાના રસ્તા પણ તેઓ શોધી શક્યા છે. પરંતુ આ વાઇરસ અંગે થઇ રહેલા રિસર્ચની મદદથી તેના વિસ્તારને આપણે એકદમથી રોકી શકીશું કે કેમ?

વાઇરસ સામેની લડાઇ અઘરી કેમ?

વાઇરસ બહુ જ વિચિત્ર જીવાણુ હોય છે જે જરાક અમસ્તા અણુ-પરમાણુનો ઉપયોગ કરીને મનફાવે તેવા આકારમાં એક સાથે ગોઠવાઇ જાય છે અને સહેજ અમસ્તી હલન-ચલનની મોકળાશ મળે તો તે આખા તંત્રને – ઇકોસિસ્ટમને હચમચાવી શકે છે. હવા, પાણી, જમીન અને નાનકડાં છાંટામાં તે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી શકે છે, તેમનામાં ફેરફાર પણ બહુ જ ઝડપથી આવે છે. આ વાઇરસ આકાશથી માંડીને દરિયાના તળ સુધી ક્યાં ય પણ હોઇ શકે છે. વાઇરસિઝ તો બીજા જીવાણુઓને ય માંદા પાડી શકે છે પણ તે એટલા સરળતાથી બંધારણનું રૂપ લેતા હોય છે કે વૈજ્ઞાનિકો તેમને સજીવ તરીકે ગણવાનું ય જરૂરી નથી માનતા. તમે માનશો કે કોવિડ-૧૯ની પાછળ જે એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૨ વાઇરસ રહેલો છે તેનું કદ માત્ર ૧૨૦ નેનોમિટર્સ છે અને માનવ શરીરનાં રક્તકણ આનાથી ૬૪ ગણા મોટા હોય છે. માણસનાં શરીરને ૨૦,૦૦૦ પ્રકારનાં પ્રોટીનની જરૂર હોય છે, આ એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૨ માત્ર ૩૩ પ્રકારનાં પ્રોટીન વાપરે છે પણ માણસનાં નાકમાં દમ કરી શકે છે અને જીવ સુદ્ધાં લઇ શકે છે.

બેક્ટેરિયા અને વાઇરસમાં શું ફેર?

બેક્ટેરિયા અને વાઇરસમાં એક બહુ મોટો તફાવત હોવાથી તેમની સામેનાં યુદ્ધ પણ અલગ હોય છે. જેમ કે, બેક્ટેરિયામાં જે અણુઓ હોય તે અંદર બનતા રહે અને તેને કારણે જ બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે ટકી નથી શકતા, આ અણુઓ બેક્ટેરિયાને નબળા બનાવે છે, માનવ કોષને નહીં. પરંતુ એન્ટિબાયોટિક્સ વાઇરસિઝ પર અસર નથી કરતી કારણ કે વાઇરસ પોતાના જેવા બીજા વાઇરસ ઉત્પન્ન નથી કરતાં બલકે તેઓ માનવીય કોષો પર હુમલો કરે છે અને પોતાના યજમાન કોષનો જ ઉપયોગ કરીને પોતાના જેવા બીજા ક્લૉન્સ પેદા કરે છે માનવ કોષમાં વાઇરસની નકલ પેદા થતી રહે છે અને એ કારણે તે માટેની દવા શોધવી મુશ્કેલ બને છે. પ્રાણીજન્ય વાઇરસની દવા શોધવી તો બહુ જ મુશ્કેલ છે, એક સમયે ઇન્ફ્લુએન્ઝા, પ્લેગ, મેલેરિયામાં ગામો ઉજ્જડ થઇ જતાં પણ આ તમામ પણ સમયાંતરે નાબૂદ થયાં, ઓછા થયાં કે પછી તેમની દવાઓ શોધાઇ. આ અંગેની દવાઓ કે વેક્સિન શોધવામાં પણ વર્ષો પસાર થયા હતાં અને કેટલાકને જડથી નાબૂદ કરે તેવી દવાઓ આજે પણ ઉપલબ્ધ નથી.

હાલમાં વાઇરસ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે સંશોધકો બે જ રસ્તા અપનાવે છે. કાં તો તેઓ વાઇરસથી થતા નુકસાનને ધીમું પાડે છે અને શરીરની પ્રતિકારક શક્તિને ઝડપી તથા મજબૂત બનાવે છે. એન્ટિવાઇરલ ડ્રગ્ઝ પણ એક રસ્તો છે જેનાથી વાઇરસની પ્રજોત્પત્તિ માનવીય કોષોને નુકસાન ન થાય તે રીતે અટકાવી શકાય છે. 

જો કે વાઇરસને નાથવાનો સૌથી અસરકારક રસ્તો છે ઇન્ફેકશન્સ અટકાવવું અને તે ક્વૉરેન્ટાઇન્સ અને સામાજિક અંતરો વધારવાથી જ થઇ શકે છે, અને હા વીસ સેકન્ડ સુધી હાથ ધોતા રહેવાથી પણ!

બાય ધી વેઃ 

જેમ જેમ માણસો વધુ આધુનિક સંશોધનોમાં સિદ્ધિ મેળવતા જાય છે તેમ તેમ કુદરત વધુ સંકુલ સમસ્યાઓ ખડી કરીને જાણે આખા ચક્રને સંતુલિત કરવાનો પ્રયત્ન કરતી હોય એમ લાગે છે. લાંબા લેખમાં વિજ્ઞાનની વાત કર્યા પછી પણ મને એમ કહેવું યોગ્ય લાગે છે કે અંતે તો કુદરત માણસને વખત આવ્યે તેનું સ્થાન બતાડી જ દે છે, કે ભાઇ તારે જેટલા ફાંકા રાખવા હોય એ રાખ પણ એક નહીં દેખાતા વાઇરસથી હું તને ડરને માર્યે ધ્રુજાવી શકું છું. જો આપણે તો ભારતમાં રહીએ છીએ. ગંદકી અને ઉકરડાની આપણને ટેવ છે એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘણી મજબૂત છે. ૨૦૦૩માં એસ.એ.આર.એસ. ૨૯ દેશોમાં હતો અને ૧,૦૦૦ જણા મૃત્યુ પામ્યા હતા જ્યારે આપણે ત્યાં ૩ મૃત્યુ થયા હતા. વુહાનમાંથી ભારત લવાયેલા ૩૨૭ જણાને કોઇ ઇન્ફેક્શન નહોતું. અમેરિકામાં ૨૦૧૦થી ગયા વર્ષ સુધીમાં ફ્લુને કારણે વર્ષે લગભગ ૩,૭૪૪ લોકો મૃત્યુ પામ્યા છે અને આપણે ત્યાં દસ વર્ષમાં આ આંકડો ૧,૧૦૩ છે, આ સાબિતી છે કે આપણે અન્ય દેશોની સરખામણીએ મજબૂત છીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 માર્ચ 2020

Loading

...102030...2,5512,5522,5532,554...2,5602,5702,580...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved