Opinion Magazine
Number of visits: 9576047
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ભગતસિંહ અને સુભાષ હિન્દુ-મુસ્લિમ એકતા મુદ્દે ગાંધી સાથે હતા’

ઉર્વીશ કોઠારી - આત્મન્‌ શાહ|Opinion - Opinion|18 February 2020

‘જેમ ઉત્ક્રાંતિવાદનો ઉલ્લેખ કર્યા વિના ડાર્વિનની વાત ન થઈ શકે, સાપેક્ષવાદનું નામ લીધા વિના આઈન્સ્ટાઈનની વાત ન થઈ શકે. એવી જ હિંદુ-મુસલમાન સુમેળનો મુદ્દો લાવ્યા વિના ગાંધીજીની વાત ન થઈ શકે. પણ આપણા વડાપ્રધાન હિંદુ-મુસલમાન સુમેળની સદંતર બાદબાકી કરીને ગાંધીજી વિશે ભાષણો પર ભાષણો ઠપકારે છે – આ ટિપ્પણી છે જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની. જાહેર બાબતોમાં સક્રિયપણે સામેલ થતા ગુહાએ ‘ઉલગુલન’ સંસ્થાના ઉપક્રમે ગાંધી અને આજના ભારત વિશે અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં વક્તવ્ય આપ્યું. જાણીતા ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક અને મિત્રો દ્વારા સંચાલિત ‘ઉલગુલન’નો અર્થ છે અવિરત સંઘર્ષ. (આ પંજાબી ભાષાનો શબ્દ છે, એવું જાણવા મળ્યું.)

સાંજે છ વાગ્યાનો કાર્યક્રમ હતો, પરંતુ સવા પાંચ-સાડા પાંચથી જ હોલ પર ગીરદી થવા લાગી હતી. ધોળાં માથાં ઓછાં ને કાળાં માથાં ઘણાં વધારે હતાં. પોલીસ દેખાય એવી સંખ્યામાં હતી અને આયોજકોએ ગુહાની સલામતી માટે પણ પૂરતી અને આગોતરી કાળજી લીધી હોય, એવું બાઉન્સરોની હાજરી પરથી જણાતું હતું. શરૂઆતમાં યજમાન આનંદ યાજ્ઞિકે ભૂમિકા બાંધી અને યુવા અભ્યાસી શારીક લાલીવાલાએ ગુહાની કામગીરી તથા સિદ્ધિઓનો ખ્યાલ આપીને માહોલ બાંધ્યો, ત્યારે લગભગ સાતસો બેઠકોની ક્ષમતા ધરાવતો આખો હૉલ ભરાઈ ગયો હતો. (બેઠકોની સંખ્યામાં થોડી ભૂલચૂક લેવીદેવી). ગાંધીઆશ્રમની બહાર યોજાયેલા સી.એ.એ. વિરોધી પ્રદર્શનની જેમ હૉલમાં પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હતા.

રામચંદ્ર ગુહાએ તેમની લાક્ષણિક શૈલીમાં, વક્તવ્ય કળાને બદલે વિષય પર ધ્યાન આપીને, અવાજના અનિયમિત ચઢાવઉતાર સાથે, લગભગ વાતચિત કરતા હોય એવા અંદાજમાં પોણો કલાક રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. ત્યાર પછી શારીક લાલીવાલાએ શ્રોતાઓ તથા ગુહા વચ્ચે સેતુ બનીને, અભ્યાસ ઉપરાંત રમૂજના ચમકારા સાથે, ચાળીસેક મિનિટમાં સવાલજવાબનો દૌર ચલાવ્યો. રામચંદ્ર ગુહાના વક્તવ્ય અને તેમની સાથેના સવાલજવાબમાં આવેલા કેટલાક મહત્ત્વના મુદ્દાનો સાર :

ગુહાએ વ્યાખ્યાનમાં ગાંધીજીના વિચારો અને આજની વર્તમાન પરિસ્થિતિમાં તેને કેવી રીતે વિચારવા અને જીવવા તે વિશે વાત કરી હતી. તેમણે ગાંધીજીના મતે સ્વરાજની ઇમારત મુખ્ય ચાર પાયા છે તેમ જણાવ્યું હતું : પ્રથમ પાયો એટલે અસ્પૃશ્યતા નિવારણ, અત્યારના સંદર્ભમાં સામાજિક ન્યાય. એટલે કે સમાજની અંદર લોકો વચ્ચે સુમેળ હોય તેવી સ્થિતિ. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીમાં સામાજિક ન્યાયની સભાનતા તેમને આફ્રિકાના પ્રવાસ દરમ્યાન થઈ હતી કે જ્યાં તેઓ વિવિધ ધર્મના લોકોને મળ્યા. આમ, ગાંધીજી જન્મતાની સાથે જ બધી જ સમસ્યાઓ વિષે સભાન હતાં તેવું ન હતું, પરંતુ સમય અને વિવિધ લોકો સાથેના સંવાદે તેમના વિચારો વિકસાવવામાં મદદ કરી હતી. વર્તમાન ભારતમાં સામાજિક ન્યાય તો જાણે નેવે જ મૂકાઈ ગયો હોય તેમ લાગે છે.

બીજો પાયો છે હિન્દુ-મુસ્લિમ એકતા. ગાંધીજીએ હંમેશાં દેશની અંદર વિવિધ ધર્મો વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ રહે તેનો પ્રયત્ન કર્યો હતો. તેઓ કદી પણ દેશના ભાગલા પાડવાની તરફેણમાં ન હતા. દેશમાં આજે સત્તા પક્ષ દ્વારા કોઈકને કોઈક રીતે કોઈ એક ચોક્કસ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવામા આવે છે અથવા તો તેમના દેશ પ્રેમ ઉપર શંકા ઊભી કરવામાં આવે છે. તેમની વિરુદ્ધ સતત લોકોના મનમાં ઘૃણા ઊભી કરવામાં આવી રહી છે, અને કૈંક અંશે સત્તા પક્ષ તેમાં સફળ પણ થયો છે. જ્યાં સુધી આપણે ધર્મ અને જાતિના વાડાઓમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી જુદાં જુદાં પ્રકારે હિંસા થતી જ રહેશે. યુરોપમાં જે રાષ્ટ્રવાદ આવ્યો તેમાં એક દેશ, એક ભાષા અને એક ધર્મની વાત પ્રચલિત થઈ હતી, પરંતુ ભારતમાં તેવા પ્રકારના રાષ્ટ્રવાદને કોઈ જ સ્થાન નથી. ગુહાએ સમજાવ્યું કે ફ્રાંસના રાષ્ટ્રવાદમાં ઇંગ્લૅંડ સામેની નફરત અને ઈગ્લેંડમાં રાષ્ટ્રવાદી બનવા માટે ફ્રાંસને નફરત કરવી જરૂરી હતી. શું આપણે ભારતમાં આ પ્રકારનો રાષ્ટ્રવાદ જોઈએ છે? શું આપણે આપણાં દેશને પ્રેમ કરવા માટે બીજા દેશને કે પછી ત્યાંનાં લોકોને નફરત કરવી જરૂરી છે? અને જો આપણે એવું કરીએ તો પછી આપણી સંસ્કૃતિ કે જે વસુધૈવ કુટુંબકમ્‌ની વાત કરે છે, તેનું શું થશે?

ગાંધીજીના વિચારનો ત્રીજો પાયો છે અહિંસા. અહિંસા ઉપર વાત કરતાં ગુહાએ જણાવ્યુ કે ગાંધીજી માટે હિંસા એટલે માત્ર કોઈને મારવા કે કોઈને હાનિ પહોંચાડવા એટલાં પૂરતું સીમિત ન હતું પરંતુ વિચારોમાં પણ હિંસા ન હોય તે તેમના માટે મહત્ત્વનું હતું. વર્તમાન ભારતમાં દેશના ચૂંટાયેલા પ્રધાનો દ્વારા જે ભાષા બોલવામાં આવે છે તે ચોક્કસ હિંસાનું જ પ્રતીક છે તેમ કહેવાય.

ચોથો પાયો છે આર્થિક સ્વાવલંબન. ગુહાએ આ વાત સમજાવતા પર્યાવરણ અને વૈશ્વિક તાપમાનના મુદ્દાને પણ ધ્યાનમાં લીધો હતો અને જણાવ્યું હતું કે જો આર્થિક વૃદ્ધિના મોડલની પસંદગીઓ વિચારપૂર્વક કરી હોત તો આજે દેશમાં પર્યાવરણના પ્રશ્નો ઓછાં હોત. આજે વિવિધ સરકારો દ્વારા વ્યાવસાયિક તાલીમ માટેનાં કેન્દ્રો ઊભાં કરવામાં આવે છે અને બજેટમાંથી તેની પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે ત્યારે એક પ્રશ્ન ચોક્કસ ઊભો થાય કે શું આ તાલીમ શાળા શિક્ષણ કે પછી કૉલેજ શિક્ષણનો જ ભાગ ન હોવો જોઈએ?

સી.એ.એ. અતાર્કિક, અનૈતિક અને કસમયનો છે

હિંદુ-મુસલમાન સુમેળની વાત કરતાં પહેલાં તેમણે અત્યારના સૌથી ચર્ચાસ્પદ એવા સી.એ.એ.ની વાત કરી અને તેના માટે ત્રણ વિશેષણ વાપર્યાં : ઇલલોજિકલ, ઇમમોરલ ઍન્ડ ઇલટાઇમ્ડ. ‘ઇલલોજિકલ’ કારણ કે તેમાં શ્રીલંકાના (હિંદુ અને ખ્રિસ્તી) તમિલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ‘ઇમમોરલ’ કારણ કે તેમાં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે. અને સી.એ.એ.ને અમિત શાહ જેની વારેઘડીએ ધમકી આપ્યા કરે છે તે એન.આર.સી. સાથે મૂકવામાં આવે, તો તે ભારતભરના મુસ્લિમોને ભયજનક તથા અસલામતી પ્રેરક લાગી શકે. ‘કસમય’નો એટલે કે દેશમાં આર્થિક સહિતની બીજી અનેક સમસ્યાઓ વધારે મહત્ત્વની છે. ઇશાન ભારતનાં રાજ્યોનું ગાડું માંડ ચીલે ચડ્યું હતું. તે આ સરકારની નીતિઓથી ફરી ઠેરનું ઠેર આવી ઊભું છે.

એ સવાલોમાં એક સવાલ એવો આવ્યો કે તમે એને અત્યારે કસમયનો ગણાવતા હો, તો તેના માટે કોઈ યોગ્ય સમય હોઈ શકે? ગુહાનો જવાબ હતો કે કસમયનો કહેવા પાછળનો આશય એ હતો કે ધારો કે એ તાર્કિક અને નૈતિક હોત તો પણ તેનો સમય બરાબર ન હતો. તેમણે કહ્યું કે ગાંધીજી ન હોત તો પણ, કોઈ પણ ઠેકાણાસરનો, ઉન્નત નાગરિક સી.એ.એ.નો વિરોધ કરત. ગુહાએ ભારપૂર્વક કહ્યું કે સર્વોચ્ચ અદાલત આવા અન્યાયી કાયદાને કોઈ કારણસર બહાલી આપે તો પણ નાગરિકોએ તેનો અહિંસક વિરોધ ચાલુ રાખવો જોઈએ.

આઝાદ ભારતના ઇતિહાસમાં ચોથી આફત

ગુહાએ કહ્યું કે ઇતિહાસકાર તરીકે મને ‘બધું રસાતાળ જશે’ (અપોકેલીપ્સ) અને ‘અહીં જ સ્વર્ગ ઊતરી આવશે’ (યુટોપિઆ) – એવા બંને દાવા તરફ શંકાની નજરે જોવાનું મને શીખવવામાં આવ્યું છે. એટલે વર્તમાન સ્થિતિને હું અભૂતપૂર્વ આફત ગણતો નથી. અગાઉ ત્રણ વાર દેશ આવા ગંભીર સંકટમાંથી પસાર થઈ ચૂક્યો છે. (૧) ૧૯૬૦ના દાયકામાં પૂર્વાર્ધમાં ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે (૨) ૧૯૭૫ની કટોકટી વખતે (૩) ૧૯૮૦ના અંત અને ૧૯૯૦ની શરૂઆતમાં ઠેકઠેકાણે થયેલાં કોમી તોફાનો વખતે. ગુહાના કહેવા પ્રમાણે, આ ચોથો પ્રસંગ છે અને લોકો લોકશાહીની વૈવિધ્યની તાકાત વડે તેમાંથી પણ પાર ઉતરશે.

વાંધો એ નથી કે આર.એસ.એસ.એ આઝાદીની લડાઈમાં ભાગ ન લીધો

આર.એસ.એસ.એ આઝાદીની લડાઈમાં કેવો ને કેટલો ભાગ લીધો હતો? એવા સવાલનો ગુહાએ આપેલો જવાબ હતો, લગભગ નહીંવત્‌. ઓલમોસ્ટ ઝીરો. એટલે તો તેમને ઓલ્ટરનેટિવ આઇકોનોગ્રાફી – સમાંતર નેતાગીરી ઉછીની લાવવી પડે છે. ગાંધીજી સાથે મતભેદ ધરાવતા ભગત સિંહ અને સુભાષચંદ્ર બોઝને તે લઈ આવે છે. એ બંને નેતાઓ ગાંધીજી સાથે હિંસા-અહિંસાના મુદ્દે અસંમત હતા, પણ હિંદુ-મુસલમાન સુમેળ બાબતે સુભાષચંદ્ર બોઝ, ભગત સિંહ અને ગાંધીજી સરખા વિચાર ધરાવતા હતા. (એ વાત આર.એસ.એસ. ભૂલાવી દે છે) તેમણે કહ્યું કે આર.એસ.એસ.ને આઝાદીની લડતમાં ભાગ ન લીધો, એ મુદ્દે હું તેની ટીકા કરતો નથી. (I don’t hold it against RSS). એમ તો આંબેડકરે પણ આઝાદીની લડતમાં ભાગ લીધો ન હતો, પરંતુ તેમની વેલ્યુ સીસ્ટમ શી હતી ને આર.એસ.એસ.ની શી છે? આફતના સમયે આર.એસ.એસ.ની સેવાપ્રવૃત્તિઓ અંગે પુછાયેલા સવાલના જવાબમાં ગુહાએ કહ્યું કે એ તેમાં સાચાં સેવાભાવી માણસો હશે ને સેવા પણ સાચી, પરંતુ આવી સેવા તો ઇઝરાયેલમાં ‘હમાસ’ પણ કરે છે અને બીજાં આ પ્રકારનાં સંગઠનો પણ કરે છે. એનાથી તેમની વિચારધારા યોગ્ય ગણાવી ન શકાય.

ઇઝરાયેલને તેમણે અન્ય એક પ્રસંગની પણ યાદ કરીને કહ્યું કે ભારત ઇઝરાયેલમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે. તેનો કેસ જુદો છે. તે નાનો દેશ છે અને યહૂદીઓને ઐતિહાસિક રીતે અભૂતપૂર્વ ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. છતાં, ભારતે ઇઝરાયેલમાંથી શીખવું જ હોય તો ત્યાં સર્વોચ્ચ અદાલતને કે યુનિવર્સિટીઓને કે પ્રસાર માધ્યમોને મળેલી સ્વતંત્રતામાંથી ઘડો લેવા જેવો છે. ત્યાં સરકાર યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલરો નક્કી કરતી નથી.

ગાંધી-આંબેડકર સાથે આવ્યાનો આનંદ

ગાંધીજીનું વિગતવાર જીવનચરિત્ર લખનાર ગુહાએ ડૉ. આંબેડકર વિશે પણ યથા યોગ્ય ભાવ પ્રગટ કર્યો. કેરળના દલિત સુધારક નારાયણગુરુને અને મહારાષ્ટ્રના જોતિબા ફુલેને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે શરૂઆતનાં વર્ષોમાં ગાંધીજી જ્ઞાતિના મુદ્દે ધીમેથી આગળ વધ્યા હતા. તેમના પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં સ્વરાજના ચારમાંથી બે પાયા-અહિંસા અને હિંદુ-મુસલમાન એકતા વિશે વિગતે લખાણ છે. પણ અસ્પૃશ્યતા અને દલિત પ્રશ્નની વાત તેમાં મળતી નથી. ‘હિંદ સ્વરાજ’ને પવિત્ર ગ્રંથ સમકક્ષ ન ગણવું જોઈએ, એમ કહીને તેમણે ડૉક્ટરો વિશેના ગાંધીજીના નકારાત્મક અભિપ્રાયો અને તેમને મળેલા આધુનિક તબીબી સુવિધાઓના લાભની અછડતો ઉલ્લેખ કર્યો હતો.

ગાંધીજી અને ડૉ. આંબેડકર વચ્ચે દેખીતા મતભેદ છતાં, આપણને તે બંનેનો ખપ છે એ વાત ગુહાએ ભારપૂર્વક કહી. તેમણે કહ્યું કે દલિતોના મુદ્દે ગાંધીજીની ભૂમિકામાં આવેલા ક્રમિક પરિવર્તનમાં આંબેડકરનો મહત્ત્વનો ફાળો હતો. એવી જ રીતે, આટલા રૂઢિચુસ્ત સમાજમાં ડૉ. આંબેડકર જે કંઈ કરી શક્યા અને તેમને અમુક રીતે સાંખી લેવામાં આવ્યા, એવું વાતાવરણ  સર્જવામાં ગાંધીજીની મહત્ત્વની ભૂમિકા હતી. ગુહાએ કહ્યું કે આંબેડકરને ગાંધીવાદીઓએ ઘણા વખત સુધી ખરાબ ચીતર્યે રાખ્યા. છેક ૧૯૯૦ના દાયકા સુધી. અરુણ શૌરીએ આંબેડકર વિશેનું એક શોચનીય / Lamentable પુસ્તક લખ્યું હતું. ઘણાં આંબેડકરવાદીઓ ગાંધીજીના વિચારોમાં આવેલું પરિવર્તન ધ્યાનમાં લેતા નથી.

સી.એ.એ. વિરોધી પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓ ગાંધી અને આંબેડકરને સાથે લઈ આવ્યા, એ બહુ મોટું કામ થયું.

ગાંધીજીની વાત કેવી રીતે આગળ લઈ જવાય?

યંત્રવત્‌ રીતે કે આંખ મીંચીને (મિકેનીકલી કે બ્લાઇન્ડલી) ? ગાંધીજીનું અનુકરણ ન થાય. ગુહાએ કહ્યું કે આજની ઘણી બાબતો વિશે ગાંધીજીએ તેમના સમયે વિચાર્યું નહીં હોય. એટલે ગાંધીજી મહાન ખરા, પણ એ એકલા જ મહાન, એવું નહીં. ગાંધીજીએ આપણને નૈતિક માળખું ચીંધી આપ્યું. તેને સાકાર કરવા માટે આપણે ગાંધીજી ઉપરાંત બીજા લોકોના વિચાર પણ લેવા જોઈએ. એવી જ રીતે, જેન્ડર (લિંગભેદ) અને કાસ્ટ (જ્ઞાતિભેદ) જેવા મુદ્દે ગાંધીજીનું મૂલ્યાંકન કરતી વખતે તેમના સમયને પણ ધ્યાનમાં લેવો પડે. તેમના સમયમાં તેમનું મૂલ્યાંકન કરવું પડે. એક વિદેશી અભ્યાસની ટીપ્પણી ગુહાએ યાદ કરી, ‘તમને ગાંધી બહુ સસ્તામાં મળી ગયા છે. એટલે તમને એમની કિંમત નથી.’

એકાદ વર્ષ પહેલાં રામચંદ્ર ગુહા અમદાવાદ યુનિવર્સિટીના ગાંધી સ્ટડીઝનો અભ્યાસક્રમ ભણાવવા આવે, એવા પૂરા સંજોગો હતા. પણ રાજકીય (સરકારી) દોરીસંચારના પગલે એ આયોજનની કસુવાવડ થઈ. એ બાબતે સવાલ પૂછાવા છતાં, તેને અંગત ગણાવીને ગુહાએ કશી ટીપ્પણી ન કરી. ઉપરથી સરકારી દબાણો ધરાવતી સંસ્થાઓની સ્થિતિ વિશે સહાનુભૂતિ વ્યક્ત કરીને કહ્યું કે તમે અમદાવાદ યુનિવર્સિટીને ટેકો આપજો.

ગાંધીઆશ્રમ – ગૂજરાત વિદ્યાપીઠ નિષ્ક્રિય છે એવી કાર્યક્રમના આરંભે જ આનંદ યાજ્ઞિકે કરેલી ટીપ્પણી અંગે સવાલજવાબના સમયમાં સાબરમતી આશ્રમના સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ સ્પષ્ટતા કરી. તેમનો મુદ્દો હતો કે બધી સંસ્થાઓની નક્કી કરેલી અને જુદી જુદી ભૂમિકા છે. માટે, વ્યક્તિગત ધોરણે ટ્રસ્ટીઓ અભિપ્રાય રજૂ કરી શકે, પણ ‘ગાંધી આશ્રમ’ તરીકે એટલે કે ગાંધીજીના વિચારના પ્રતિનિધિ તરીકે કોઈ કશી પ્રતિક્રિયા ન આપી શકે. (એમ કરવું એ ધૃષ્ટતા ગણાય.) કાર્તિકેયભાઈએ કહ્યું કે એ અર્થમાં હું, તમે, આપણે બધા ગાંધીઆશ્રમ છીએ. ભૂતકાળમાં Collected Works of Mahatma Gandhiનાં સો ખંડોમાં કેવાં ચેડાં થયાં હતાં, અને દીનાબહેન પટેલે તેને સુધારવાનું કામ કર્યું. તેનો પણ ટૂંકો ઉલ્લેખ કર્યો. રામચંદ્ર ગુહાએ તેમની દલીલ માન્ય રાખી અને કહ્યું કે કામ સરસ જ છે, પણ તમારે સૌએ વડાપ્રધાનને (આશ્રમથી) જરા છેટા (At arms length) રાખવા જેવા હતા. તેમણે પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવવામાં ગાંધીનો બહુ ઉપયોગ કરી લીધો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ સી.એ.એ.-વિરોધી પતંગ ચગાવ્યા, તેમાં પોલીસ આવી પડી, તેની પણ ગુહાએ ટીકા કરી.

ગુહાનાં પત્ની કુંવારા હતાં અને એન.આઈ.ડી.માં ભણતાં હતાં, ત્યારે ગુહા તેમને મળવા અવારનવાર અમદાવાદ આવતા. (૧૯૭૯ આસપાસ) ત્યારનાં માણેક ચોકનાં, એલિસબ્રીજનાં, નળ સરોવરનાં સંસ્મરણો તાજાં કરીને ગુહાએ કહ્યું કે મોદી શાહ પહેલાં પણ ગુજરાત હતું ને તેમના પછી પણ રહેવાનું છે. એ આપણે યાદ રાખવું જોઈએ.

અમદાવાદ યુનિવર્સિટીમાં નિમણૂકમાં નિમણૂકવાળી ઘટના પછી, સી.એ.એ. વિરોધી પ્રદર્શનોમાં બૅંગ્લોરની સડક પર એક પાટિયું લઈને ઊભેલા ગુહાની પોલીસે થોડા સમય માટે ધરપકડ કરી, તેની વીડિયોથી ઘણી ટીકા થઈ હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઇતિહાસકારનું શાંતિપૂર્ણ-અહિંસક વિરોધ પ્રદર્શન ખમી ન શકે, એ તે કેવી સરકાર? છતાં, તમામ પ્રકારની સંભાવનાઓ ધ્યાનમાં રાખીને અમદાવાદના કાર્યક્રમને આયોજકોએ અર્ધજાહેર રાખ્યો હતો. સામાન્ય રીતે કરવામાં આવે એવા સોશિયલ મીડિયા સહિતના વ્યાપક પ્રચારપ્રસારથી દૂર રહીને, મીડિયાને પણ સલામત અંતરે (કે બાકાત) રાખીને, પાસ થકી જ એન્ટ્રી મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરંતુ શ્રોતાઓની હાજરી પર તેની જરા ય અસર ન વરતાઈ. બે કલાકનો આખો કાર્યક્રમ સરસ રીતે પાર પડ્યો અને શ્રોતાઓને ચર્ચા-વિચારણાના ઘણા મુદ્દા મળ્યા. એ તેની મોટી સફળતા ગણાય.

E-mail : uakothari@gmail.com,

E-mail : atman.shah@sxca.edu.in

સૌજન્ય : “નિરીક્ષક” 16 ફેબ્રુઆરી 2020; પૃ. 08 – 10

Loading

ગાંધી વિચાર – આજના યુગમાં પ્રસ્તુત છે કે કાળબાહ્ય?

આશા બૂચ|Gandhiana|18 February 2020

યુગે યુગે દુનિયામાં મહાનુભાવો જન્મ લેતા રહ્યા છે અને પ્રજાને ઉત્કૃષ્ટ જીવન જીવવા માટે સન્માર્ગે દોરતા રહ્યા છે. ગાંધીજી અને તેમના પુરોગામી મહાત્માઓમાં એક તફાવત નોંધી શકાય, અને તે એ છે કે અન્ય મહાપુરુષોએ ધર્મ અને અધ્યાત્મની વાતો કરી અને પોતે એક આદર્શ જીવન જીવી ગયા; એટલું જ નહીં, તેમના શિષ્યો પણ ઉદાહરણરૂપ જીવન જીવ્યા, પરંતુ એ આદર્શો અને સિદ્ધાંતો સમાજજીવન અને રાજકીય જીવનમાં એક વ્યવહારુ જીવન પદ્ધતિ તરીકે મૂળિયાં ન નાખી શક્યા; જ્યારે ગાંધીજી પોતે જે કઇં વિચારતા તેનો અમલ કરતા અને એમની આચાર સંહિતા જ એમનો ઉપદેશ બની રહી. તેમના આચાર-વિચારોનો વિનિયોગ સામાન્યમાં સામાન્ય માણસ પોતાના અંગત તેમ જ જાહેર જીવનમાં કેટલો સહજતાથી કરી શકે તે તેમણે જીવીને બતાવ્યું. 

વીસમી સદીમાં પોરબંદરમાં વણિક પરિવારમાં જન્મેલા મોહને એક સાધારણ બાળક તરીકે જીવનની શરૂઆત કરી. તેમના જીવનનું ઘડતર અને કર્મો બધાં વીસમી સદીમાં થયાં, તો આજે એકવીસમી સદીમાં એ વિષે આટલી ચર્ચા વિચારણા શાને કાજે? મારે મન ગાંધીજી એક મહાત્મા હતા કેમ કે તેઓ એક વિશ્વમાનવ હતા. માનવ જીવનનું એક પણ પાસું એવું નથી જેમાં તેમના વિચારો અને આચારનું પ્રદાન ન હોય. ભારતવાસીઓ મહદ્દ અંશે તેમના વિચારોને અમલમાં નથી મૂકી શક્યા અને એટલે જ કદાચ પોતાને પ્રશ્ન પૂછી રહ્યા છે, ‘ગાંધી વિચાર આજના યુગમાં પ્રસ્તુત છે કે કાળબાહ્ય થયો ગણવો?’

ગુલામી પ્રથાની નાબૂદી અને સંસ્થાનવાદના અંત બાદ દુનિયા આખી એક મેલજોલ ભર્યા સંસારના નિર્માણમાં વ્યસ્ત થઇ ગયેલી જણાઈ. થોડા ઉદારમતવાદીઓની અસર તળે અન્યાયો અને ભેદભાવો મિટાવવાની ઘણી હિલચાલો શરૂ થઇ. પરંતુ છેલ્લા બે-ત્રણ દાયકાથી જાણે માનવ જાત ફરી પોતાના નાના કુંડાળામાં બંધ થતી જતી દેખાય છે. યથા પિંડે તથા બ્રહ્માંડેના નિયમાનુસાર જે પરિસ્થિતિ ભારતમાં અનુભવાય છે તે સારાય વિશ્વમાં પણ પરખાય છે, અથવા કહો કે વિશ્વ પ્રવાહોની બૂરી અસરોથી ભારત પણ બચી નથી શક્યું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચાર મુખ્ય સમસ્યાઓ પોતાનું વિકરાળ મુખ ફેલાવી સારી ય માનવજાત પર ભરડો લઇ રહી છે; અને તે છે : વિભિન્ન ધર્મી પ્રજાઓ વચ્ચે વધતું વૈમનસ્ય અને તેના ફળસ્વરૂપ વધતી જતી હિંસા, જ્ઞાતિ અને જાતિ આધારિત વધતો ભેદભાવ (ભારતનો આ વિશેષ પ્રશ્ન છે જે અન્ય દેશોમાં વર્ગ વિગ્રહના રૂપમાં વિદ્યમાન છે), ગરીબ-તવંગર વચ્ચે વધતી જતી ખાઈ જેના ફળસ્વરૂપ વધતી ગુનાખોરી અને વધુ પડતા યંત્રીકરણ અને ઉપભોકતાવાદને પરિણામે પર્યાવરણ પર ઊભું થતું સંકટ. હવે આ સમસ્યાઓના હલ માટે અનેક પ્રયાસો થતા રહ્યા છે, પરંતુ પ્રજાના હિતમાં આવે તેવા ફળની હજુ રાહ જોવાઈ રહી છે.

ઉપર ઉલ્લેખ કર્યો એ સમસ્યાઓનું અસરકારક નિવારણ હજુ સુધી કોઈને સાંપડ્યું નથી, તો હવે જેમણે એકાદ સદી પહેલાં એક માર્ગ ચીંધેલો તે જોઈએ. ગાંધીજી ઔદ્યોગીકરણને પગલે રચાયેલ સુધારા વાળી સંસ્કૃતિ આખર માનવ જાતનું કલ્યાણ નહીં કરી શકે તેવી દ્રઢ માન્યતા ધરાવતા હતા અને તેથી જ તો ‘હિન્દ સ્વરાજ’માં તેની વૈકલ્પિક એવી સંસ્કૃતિનો નિર્દેશ કરેલો. એ વિકલ્પના પરસ્પર આધારિત પાંચ આયામો હતા; રાજકીય, સામાજિક, આર્થિક, યાંત્રિક અને સાંસ્કૃતિક. આજે આપણે આ પાંચેય દિશાએથી વિકાસની આડ પેદાશ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. એમ ધારેલું કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના આગમન સાથે ન્યાય મેળવવો સુલભ થશે, સહુ માટે સ્વતંત્રતાના રસ્તા ખુલશે, દરેકના સ્વમાનની જાળવણી થશે એટલું જ નહીં, એક એવો ટકાઉ વિકાસ સાધી શકાશે જે પર્યાવરણને પણ હાનિકર્તા નહીં હોય. જુઓ, શું થયું આપણા સમાજનું, પર્યાવરણનું અને સંસ્કૃતિનું? જે સુધારાઓ બેકારી, ગરીબી અને અછતને દૂર કરવા લાવેલા તેનાથી એ જ પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી. કેમ ભલા?

આધુનિક રાજ્ય તંત્ર અને અર્થ વ્યવસ્થા થકી પેદા થયેલ સ્થિતિ મહત્તમ પ્રજાનું કલ્યાણ કરનારી નથી તે હવે સાબિત થઇ ચૂક્યું છે, તો શું ગાંધી વિચાર અને આચાર સંહિતા ભારતના આંતરિક પ્રશ્નો ઉકેલવામાં રાહ બતાવી શકે? વૈશ્ચિક સમસ્યાઓને ગાંધી વિચારને અનુસરીને ઉકેલી શકાય? એ વિચારોને સમજનારા મુઠ્ઠીભર લોકોને તો એ વિષે જરા પણ સંશય નથી, પરંતુ સવાલ છે નવી પેઢીને એ વિચારો પ્રસ્તુત છે એવી પ્રતીતિ કેમ કરાવવી અને તેનો અમલ કરવા શી રીતે સજ્જ કરવા. આ ચારે ય સમસ્યાઓને ગાંધી ચિંધ્યા માર્ગે કેમ ઉકેલી શકાય તે જોઈએ.

વિભિન્ન ધર્મી પ્રજાઓ વચ્ચે વધતું વૈમનસ્ય અને તેના ફળસ્વરૂપ વધતી જતી હિંસા:

Ebrahamic Faiths તરીકે ઓળખાતા ધાર્મિક સમૂહો – જ્યુડાઇઝમ, ક્રીશ્ચિયાનિટી અને ઇસ્લામ વચ્ચે તેમની માન્યતાઓ અને અધિપત્યના સવાલને લઈને પરાપૂર્વથી પરસ્પર હિંસા પ્રવર્તતી રહી છે. હિન્દુ – મુસ્લિમ વચ્ચેના નકારાત્મક અભિગમનાં મૂળ મુસ્લિમ રાજાઓના આક્રમણ અને ખાસ કરીને બ્રિટિશ સામ્રાજ્યની ભાગલા પાડો અને રાજ્ય કરોની નીતિમાં પડેલાં છે. કારણ ગમે તે હો, પરિણામ આવ્યાં છે ‘ઈસ્લામોફોબિયા’માં, શિયા-સુન્ની વચ્ચે ખેલાતા સંહારમાં, જુઇશ અને મુસ્લિમ પ્રજા પોતપોતાના દેશની સીમાઓનો ઐતિહાસિક માન્યતાઓને આધારે હક-દાવો માંડે અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે સતત લડાઈઓ થતી રહે તેમાં અને ભારતના કેટલાક હિન્દુ લોકો દ્વારા પોતાના જ દેશના નાગરિકો તરફ તેમના અલગ ધર્મ હોવાને નાતે ફેલાવાતી નફરતમાં. 

ધર્મમાં રાજકારણ આવી ગયું તેનું આ પરિણામ છે. હવે ગાંધીજીએ કહેલું તેમ રાજકારણમાં ધર્મ – એટલે કે નીતિમય ફરજ લાવવાથી જ આ ઝેર દૂર થશે. તેમણે કહેલું કે આજના યુગમાં દરેક ધર્મનો ‘મિત્રવત’ (અહીં નોંધ લેવી રહે, શબ્દ  છે ‘મિત્રવત’ નહીં કે ‘ટીકાત્મક’) અભ્યાસ કરવાથી જ લોકો વચ્ચે કરુણા અને સહિષ્ણુતા જન્મશે.  

વીસમી સદીની શરૂઆતમાં વિદેશી શાસનની નાગચૂડમાંથી મુક્ત થવું અને કોમી એખલાસ સાધવો એમ એકી સાથે બે પડકારો ભારતની પ્રજા સામે આવી પડેલા, તે સમયે ગાંધીજી બરાબર સમજી ગયેલા કે વિદેશી શાસનમાંથી મુક્તિ જરૂર મળી શકે, પણ કોમી સંવાદિતા તો ત્યાર બાદ પણ કોઈ પણ રાષ્ટ્રના અસ્તિત્વના નિભાવ માટે એક અનિવાર્ય શરત બની રહે છે અને એથી જ તો તેમણે હિન્દુ-મુસ્લિમ વચ્ચે મન મેળ રહે તે માટે આમરણાંત પ્રયાસો કર્યા. 

આજે સ્વતંત્ર ભારતનો આયનો ઠેકઠેકાણે તૂટેલો નજરે પડે છે. ગમે તેટલો કહેવાતો આર્થિક ‘વિકાસ’ થશે, પણ એક દેશ તરીકેની અસ્મિતા જાળવવી હશે તો ભારત ભૂમિ પર વસતી તમામ કોમ વચ્ચે સંવાદિતા સાધવી અને જાળવવી અત્યંત જરૂરી બની રહેશે. મુઠ્ઠીભર વ્યક્તિઓ અને સંગઠનો ભારતની તમામ કોમ વચ્ચેની ભાવનાત્મક એકતા ટકાવવા ભરપૂર પ્રયત્નો કરે છે, કેમ કે તેમના દિલમાં ગાંધીના વિચારો ઊંડા ઉતર્યા છે. પરંતુ સરકાર કે કેટલાક આત્યંતિક વિચારસરણી ધરાવનાર સંગઠનો ભારતને હિન્દુ કોમનું અલગ રાષ્ટ્ર બનાવવા અવિચારી પગલાંઓ ભરી રહ્યાં છે એ આપણા દેશ માટે એક આત્મઘાતી પગલું સાબિત થશે. જો ભારતને દુનિયાના નકશા પર ટકવું હશે તો વીસમી સદીમાં લેવાયેલ કોમી એખલાસ માટેનાં પગલાં લીધા સિવાય કોઈ ચારો નથી.

જ્ઞાતિ અને જાતિ આધારિત વધતો ભેદભાવ:

ભારતે એક તરફ લોકશાહી મૂલ્યો અને મૂડીવાદને અપનાવ્યા, જેને કારણે જ્ઞાતિના બંધનો ઢીલાં પડવાં લાગ્યાં તો બીજી બાજુ રાજકીય અને આર્થિક લાભો મેળવવા જ્ઞાતિપ્રથા અઢારમી કે ઓગણીસમી સદીમાં હતી તેવી ચુસ્ત બનતી જાય છે. શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે આ પ્રકારનાં કૂપમંડૂક વલણો વિદાય લેશે એ આશા ઠગારી નીવડી, તેનું કારણ આપણી શિક્ષણ પદ્ધતિ અને સામાજિક માન્યતાઓ વચ્ચેના અનુબંધના અભાવનું છે. ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સમાંતર જ રચનાત્મક કાર્યક્રમોનો દેશવ્યાપી અમલ કર્યો, કેમ કે તેઓ જાણતા હતા કે સામાજિક અન્યાયમાં ખરડાયેલા સમાજમાં લોકશાહી તો શું, નાગરિકોની સલામતી પણ ન ટકી શકે. રાજકીય નેતાઓ સ્વ હિતને ખાતર જ્ઞાતિ ભેદના અગ્નિને હવા નાખતા રહ્યા અને પ્રજાને તેના પર પોતાનો રોટલો શેકવામાં જ ફાયદો જણાયો. 

અનામતનો મુદ્દો હોય કે અનુસૂચિત જાતિઓ પ્રત્યે આચરાતા અન્યાયોની વાત હોય, મૂળ વાત છે શ્રમનું મૂલ્ય વધારવાની અને માનવ અધિકારનું રક્ષણ કરવાની. ગાંધીજીએ 18 રચનાત્મક કાર્યોની સૂચિ સ્વાતંત્ર્ય સેનાનીઓને ધરેલી ત્યારે ઘણા લોકોને સવાલ થયેલો, અસ્પૃશ્યતા નિવારણ અને આઝાદીને શું સગાઇ? આજે જુઓ, લોકશાહી ભયમાં છે એમ કહેનારા જાણે છે કે ધર્મ, પંથ, જ્ઞાતિ અને જાતિ આધારિત તમામ પ્રકારની લઘુમતી કોમ પ્રત્યેના ભેદભાવ ભર્યાં વલણને પરિણામે સમાજ છિન્નભિન્ન થતો જાય છે અને દેશ રમખાણો અને હિંસાની જ્વાળામાં સળગવા માંડ્યો છે. ચાહે ભારતનો અનામતનો કે મુસ્લિમ વિરોધી વલણનો પ્રશ્ન હો કે ચાહે વિદેશોમાં શિયા-સુન્ની કે મુસ્લિમ-ક્રિશ્ચિયનો વચ્ચેના વેર-ઝેરનો સવાલ હોય. ઉપાય માત્ર એક છે. માનવતાવાદી માનવોનું ઘડતર શરૂ કરવાનું. સાપના મોઢામાંથી ઝેરની દાબડી કાઢી લો, સાપ અને માણસ બંને સલામત. એવી જ રીતે બાળક માત્રના દિલો દિમાગમાંથી પરાયાપણાંની અને ભેદભાવની દાબડી કાઢી લો, દુનિયા આખી સલામત. ગાંધીજીએ પોતાના લોકોની ત્રિજ્યા એટલી મોટી કરી નાખેલી કે તેમાં સર્વ ધર્મ, પંથ, જાતિ, રંગના તમામ લોકોનો સમાવેશ થઇ ગયેલો, અરે, જેને પોતાના વિરોધી અથવા કહોને કે ‘દુશમન’ માનવા જોઈએ તેવા વિદેશી શાસકોનો પણ ‘પોતાના મિત્ર પરિવાર’માં સમાવેશ થઇ ગયેલો. પરિણામ શું આવ્યું? ગાંધીજીએ કહેલું તેમ તેઓએ જીસસના એક આદેશનું પાલન ન કર્યું : ‘તમારા દુશમનને પ્રેમ કરો’ કેમ કે તેમને કોઈ દુશમન હતા જ નહીં. જેને ‘પોતાના’ ગણીએ તેમને તો પ્રેમ અને આદરથી જ સન્માનીએ ને? એક એક પરિવાર જો આવા નિર્દંશ નાગરિકો સમાજને ભેટ ધરશે તો દેશ આખો એકસૂત્રે બંધાઈ પ્રગતિ કરશે, જેનો માર્ગ આપણને ગાંધીજીએ બતાવેલો, સવાલ માત્ર તેના પર ચાલવાનો છે.

ગરીબ-તવંગર વચ્ચે વધતી જતી ખાઈ અને તેના ફળસ્વરૂપ વધતી ગુનાખોરી :

ઔદ્યોગિક ક્રાંતિના પગરણ થતાંની સાથે મૂડીવાદી અર્થવ્યવસ્થાએ જગતના મોટા ભાગના દેશો પર આધિપત્ય જમાવ્યું. શરૂ શરૂમાં મશીનોથી તથા mass production – જથ્થાબંધ માલ ઉત્પાદનને કારણે ઘણા લોકોને રોજી મળી તેનો રાજીપો હતો. વર્ષો જતાં જેમની આજીવિકાનાં સાધનો એ યંત્રીકરણે છીનવી લીધાં તેમને પ્રતીત થયું કે જથ્થાબંધ માલ પેદા કરવાને સ્થાને production by masses – મોટી સંખ્યાના માનવ સમુદાય દ્વારા માલનું ઉત્પાદન કરવું એ સાચો માનવ વિકાસ હોઈ શકે. ચંદ ઉદ્યોગપતિઓ અને વેપારીઓના હાથમાં ઉત્પાદન અને વ્યાપારની ચાવી પહોંચી ગઈ અને ભારતની મોટા ભાગની પ્રજા તેમના ગણોતિયા કે મજૂરો તરીકે લઘુતમ કે તેથી થોડી વધુ આવક પર નિભાવ કરવા મજબૂર બન્યા. જે લોકો જમીનના કે વસ્તુઓના ઉત્પાદનના માલિક હતા તેઓ કોઈ કંપનીના પગારદાર બન્યા જેની અસર તેમનાં સ્વમાન, પ્રામાણિકતા અને માનસિક સ્વાસ્થ્ય પર પડવા લાગી. દુનિયાના બીજા દેશોને પણ હવે સાંપ્રત અર્થકારણના અનર્થની અનુભૂતિ થવા લાગી છે. ‘હિન્દ સ્વરાજ’માં ભારતની જ માત્ર નહીં, સારાયે વિશ્વની પરિસ્થિતિને મધ્ય નજરમાં રાખીને જે વાત કરવામાં આવી હતી, તેના વિષે ઊંડું ચિંતન કરીને આજના યુગના સંદર્ભમાં તેનો કઈ રીતે અમલ કરી શકાય તે વિચારવા આંતરરાષ્ટ્રીય સમિતિ રચાય તે જરૂરી બનતું જાય છે કેમ કે હવે વધુને વધુ દેશો પરસ્પરાવલંબી બનતા ગયા અને લાભની જેમ હાનિના પણ ભાગીદાર થતા ગયા. 

આજે હવે સહુને પ્રતીત થાય છે કે માત્ર ભૌતિક સુખ-સગવડના સાધનોથી વિકાસ નથી સાધી શકાતો, તેનાથી તો માત્ર વર્ગ સંઘર્ષ વધે છે. મૂડીવાદ એટલો મારકણો બન્યો છે કે હરીફાઈ આધારિત બજાર પર આપણું અર્થતંત્ર નભે છે. ખરેખર તો તમામ માનવોની મૂળભૂત જરૂરિયાતોને સંતોષે તેવા વ્યવસાયો અને વ્યાપાર સહકારી ધોરણે ચાલવા જોઈતા હતા. આ જ ગાંધી ચીંધ્યો માર્ગ હતો, તેના પર ચાલ્યા હોત તો બેકાબૂ બનેલ બેકારી, માનવીનું સ્વમાન ઝુંટવી લેતી ગરીબાઈ અને કુદરતી સ્રોતોની અછતનો ભોગ ન બનવું પડ્યું હોત.

જે.સી. કુમારપ્પાજીએ ગાંધીજીના વિચારોને ખૂબ પચાવેલા. તેમના મતે વિકાસ અને સંસ્કૃતિના કેન્દ્રસ્થાને અહિંસક સમાજ રચના કરવાની ધારણા હોવી જોઈએ. તે માટે જરૂરી આર્થિક વ્યવસ્થાના નૈતિક પાંચ તબક્કા તેમણે સૂચવેલા : પહેલો, તે પરોપજીવી તબક્કો, જેમાં બીજાના ભોગે એકનો વિકાસ થાય જેના સાધનો હિંસા અને નિર્દય શોષણ રહેવાના. બીજો તબક્કો, શિકારી કે લૂંટારા વૃત્તિનો, જેમાં છેતરપિંડી અને ચોરી શામેલ હોય કે જેનાથી એક સમૂહ કે વર્ગ પાસેથી છીનવેલી મિલકતથી બીજો વર્ગ સમૃદ્ધ બને. ત્રીજો તબક્કો છે ઉદ્યોગ અને સાહસનો, જે આધુનિક યુગનો અને કઇંક અંશે થોડો વધુ માનવીય માર્ગ છે જેમાં બીજા વર્ગને નિર્ધન કરવા મજબૂર નથી કરવામાં આવતો. ચોથો તબક્કો, સામૂહિક સંપદાનો છે જેમાં દરેક વ્યક્તિ મધમાખીની માફક સમૂહના હિત માટે કામ કરે છે (સામ્યવાદ કે ઇઝરાયેલના કિબુત્ઝ પાછળ આ વિચાર રહેલો) અને પાંચમો તબક્કો સેવા આધારિત અર્થતંત્ર. આજે ભારત સહિત દુનિયા આખીના દેશો પ્રથમ ત્રણ તબક્કાઓમાં જ રાચે છે અને તેથી જ તો અન્યાય અને ગરીબી પોતાનો ભરડો નથી છોડતી. 

સમાજમાં વધતી ગુનાખોરીને અર્થતંત્ર અને સમાજ વ્યવસ્થા સાથે ઘણો ગાઢો સંબંધ છે. જ્યાં સુધી આ તમામ પ્રશ્નોનાં મૂળમાં જઈને તેના ઉકેલ શોધવામાં નહીં આવે ત્યાં સુધી ભ્રષ્ટાચાર અને લાંચ-રુશ્વતથી માંડીને સરકારી પગલાંઓ સામે હિંસક હુમલાઓ અને વ્યક્તિગત તથા સામૂહિક હિંસાના બનાવો વધતા રહેવાની સંભાવના રહેવાની. સમય આવી ગયો છે કે હવે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાને અપનાવીને ‘સર્વોદય’ મૂલક માનવ વિકાસ તરફ કૂચ કરીએ.

વધુ પડતા યંત્રીકરણ અને ઉપભોકતાવાદને પરિણામે પર્યાવરણ પર ઊભું થતું સંકટ :

એકવીસમી સદીમાં આર્થિક અસમાનતામાં થતો વધારો, પર્યાવરણમાં પ્રદૂષણ અને કુદરતી સ્રોતના ઘટાડાનું વધતું જોખમ અને સામાન્ય જનતાનાં વ્યક્તિ સ્વાતંત્ર્યની થતી હાનિ એ સમસ્યાઓ માત્ર ભારત જ નહીં, મોટા ભાગના દેશોને સતાવે છે અને એ તમામ સમસ્યાઓના મૂળ બેકાબૂ બનેલ યંત્રીકરણ અને ઉપભોકતાવાદ છે. ગાંધીજી અને તેમના સામાજિક-આર્થિક સિદ્ધાંતોને અનુસરનારા જે.સી. કુમારપ્પાજીએ વિકાસને માત્ર ટેક્નોલોજીમાં પ્રગતિ કે સગવડતાઓની ઉપલબ્ધિમાં જ નહોતો જોયો. તેની જોડાજોડ સમાજનું નૈતિક ઘડતર પણ થવું જોઈતું હતું, જે આપણે તદ્દન ચૂકી ગયા. વિનોબાજીએ કહેલું તેમ વિજ્ઞાન પેટ્રોલ છે, તો અધ્યાત્મ સ્ટિયરિંગ વ્હીલ છે. આપણે પણ પશ્ચિમના દેશોની માફક સાધન-સગવડો ઊભા કરીને વિકાસનો ઢોલ પીટ્યો, પણ દિશાભાન ગુમાવ્યું અને સાધન શુદ્ધિને છેક વિસારે પાડી.  

વિકાસની કૂચમાં આપણે એટલા આગળ નીકળી ચુક્યા છીએ કે હવે પાછા ફરાય તેમ નથી. યંત્રો અને ઉર્જાશક્તિ ઉપર આધારિત ન રહેવું પોસાય તેમ નથી, તો હવે જીવન પદ્ધતિ બદલીને પોતાની લોભવૃત્તિ પર લગામ મુકવી રહી. જરૂરિયાતો અને લોભ વચ્ચેની ભેદરેખા સમજવાનો સમય પાકી ગયો છે. માત્ર ચલણી નાણાંના નફાને અને વ્યક્તિગત ધનરાશિ વધારવાની મહત્ત્વાકાંક્ષાને કેન્દ્રમાં રાખીને ઊભી કરાયેલ અર્થ વ્યવસ્થા અને તેને પોષતી તેના જેવી જ સત્તા કેન્દ્રી રાજ્ય વ્યવસ્થાએ ઠેર ઠેર હિંસા પ્રજ્વાળી છે. આને શી રીતે સુધારો કે સંસ્કૃતિ કહી શકાય? પશ્ચિમના દેશોની પ્રગતિ સાથે હોડમાં ઊતરવા ભારતે પણ એ જ આર્થિક-રાજકીય માળખું પસંદ કર્યું. જોવાનું એ છે કે ‘હિન્દ સ્વરાજ’માં દર્શાવેલ ઉકેલો માત્ર ભારત નહીં, બીજા દેશો માટે પણ એટલા જ ઉપયુક્ત સાબિત થઇ શકે તેમ છે. ભારત એ બાબતમાં પહેલ કરી શક્યું હોત, તેને બદલે પશ્ચિમનું આંધળું અનુકરણ કરી હંસની ચાલે ચાલવા જતા કાગડાની જેમ મોતને ભેટી રહ્યું છે. 

એક એવી ભ્રમિત માન્યતા છે કે ગાંધીજી અને તેમના સાથીદારો યંત્રો અને વિકાસની વિરુદ્ધમાં હતા. તેમણે તો ઊલટાનું કરોડો લોકોને નરક જેવી ગરીબીમાંથી ઊગારવા મજબૂત એવી વિકાસ યોજનાની વાત કરેલી કે જે સહુને ઊંચા લાવે અને કાયમ ટકી રહે તેવું અર્થ તંત્ર ઊભું કરે જેમાં વસ્તુઓ ટકી રહે તેવી બને, નહીં કે એક વખત વાપરીને ફેંકી દેવાની હોય. આવા અર્થતંત્રમાં માનવ કે કુદરત સામે હિંસા આચરવાની સંભાવના નથી હોતી. એ તો તો જ શક્ય બને જો મૂડી અને ઉર્જાકેન્દ્રી ઉત્પાદનને સ્થાને શ્રમકેન્દ્રી ઉદ્યોગો વિકસે.

કેટલાક લોકો ગાંધીજીના વિચારો અને આચારોને કાળબાહ્ય ગણે છે. માની લઈએ કે વીસમી સદીના એ કર્મવીરની વાતો આજે સુસંગત નથી. તો આજની ભારતની અને ખરું જોતાં સારાય વિશ્વની સમસ્યાઓનો હલ શોધવાનો પડકાર ઝીલી લેવો રહ્યો કે જેમાં તમામ માનવોનું હિત સધાય. જો એ ઉપાય હાથ ન જડે તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા જેટલી નમ્રતા અને સમજણ દાખવવી જોઈશે. આજે હવે એક નવા ધર્મ – ‘પર્યાવરણ ધર્મ’ની ઉદ્દઘોષણા કરવાની જરૂર ઊભી થઇ છે, જેમાં પૃથ્વી અને કુદરતી સ્રોતો પ્રત્યે પવિત્રતાની ભાવના હોય. માનવી અને પ્રાકૃતિક સંસાધનો પ્રત્યે હિંસા અને અસમાનતા દૂર કરવા ફરી ગાંધી ચિંધ્યા રચનાત્મક કાર્યો કરવા તરફ કૂચ આદરવી પડશે, તેવું પ્રતીત થાય છે. 

ગાંધી શાશ્વત વિચારોના આચરનારા હતા, તેથી જ તો તેઓ હંમેશ પ્રસ્તુત રહેશે એવી શ્રદ્ધા છે.   

e.mail : 71abuch@gmail.com

Loading

‘કથા જ્યોતિ કી હૈ અન્ધો કે માધ્યમ સે’

આશિષ ઉપેન્દ્ર મહેતા|Opinion - Opinion|17 February 2020

અમદાવાદમાં ઉત્તમ કોટિનાં નાટકો ઓછાં મળે, માટે જે મળે તે દશકાઓ સુધી યાદ રહે. ૧૯૮૬-૮૭ના અરસામાં અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરના ઉપક્રમે ધર્મવીર ભારતી લિખિત ‘અન્ધા યુગ’(મૂળ હિન્દી)નું દસેક દિવસ સુધી મંચન થયું હતું. નિર્દેશક હતા યોગેશ ઠક્કર અને કિરણ જોષી. આજે જ્યાં હુસૈન-દોશી ગુફા કે કનોરિયા સેન્ટર ફોર આટ્‌ર્સ છે તે પરિસરની ઝાડીઓ કુરુક્ષેત્ર બની હતી, અને મહાભારતના યુદ્ધના છેલ્લી સાંજ-રાતની ઘટનાઓ ફરી ઘટી હતી.

આઝાદી પછીના ભારતનાં ચાર-પાંચ શ્રેષ્ઠ નાટકોમાંનું આ એક છે. ભારતી ‘ધર્મયુગ’ના સંપાદક તરીકે પત્રકાર તો પહેલી હરોળના હતા જ, ઉપરાંત નવલકથા (‘સૂરજ કા સાતવાં ઘોડા’), કવિતા અને નાટકમાં પણ તેમણે ભારે પ્રદાન કર્યું. આ નાટક મહાભારતના યુદ્ધના અંતિમ સાંજે-રાત્રે – જ્યારે દ્વાપરયુગ પૂરો થયો અને કલિયુગ શરૂ થયો તે વિલક્ષણ ઘડીએ – બનતી ઘટનાઓ રજૂ કરે છે. તેમણે ૧૯૫૪માં લખેલી આ કૃતિ પર વિભાજનના લોહિયાળ પડછાયાઓ સુસ્પષ્ટ છે. સપાટી પર તો યુદ્ધની વિભીષિકાની વાત છે, કૌરવ-પાંડવ બંને પક્ષે શું કિંમત ચૂકવી તે દર્શાવ્યું છે. પણ ઊંડે ઊંડે કલિયુગી સમાજના સમસ્યાઓ ચીતરી છે. મુખ્ય પાત્રોમાં અશ્વત્થામા અને ગાંધારી છે, એટલે કૌરવના દૃષ્ટિકોણથી મહાભારત જોવાનો પ્રયાસ એમ પણ લાગે, પરંતુ આ બે પાત્રો જે પ્રશ્નો સાથે ઝઝૂમી રહ્યા છે તે પ્રશ્નો સૌના છે. સત્ય ક્યાં પૂરું થાય છે અને ક્યાંથી નરો-વા-કુંજરો-વા-ના અર્ધસત્યની સીમા શરૂ થાય છે? કૌરવ હોવા છતાં પાંડવ પક્ષે યુદ્ધ લડીને, ધર્મ સાથે ઊભા રહીને યુયુત્સુએ અંદરોઅંદર ખલાસ થઈ જવામાંથી જાતને બચાવી, પણ જ્યારે માતાના મોંઢે અભિશાપ સાંભળવા પડ્યા ત્યારે એને દોષભાવ કનડે છે. બધાં પાત્રો એક પલ્લામાં ક્રોધ-ઘૃણા અને બીજામાં ક્ષમા-અહિંસા વચ્ચે સંતુલન સાધવા મથે છે, પણ હજુ રણભૂમિમાં મૃતદેહો પડ્યા છે, અને એક પલ્લું બહુ ભારે છે.

સૂત્રધાર તરીકે અરવિંદ વૈદ્ય અને ગાંધારીની ભૂમિકામાં ડાયના રાવલનું કામ આજે પણ એટલું જ તાજું છે. પણ વૃદ્ધ યાચક તરીકે કિરણ જોષી અને અર્ધસત્યથી મરાયેલા પિતાના પ્રતિશોધની આગમાં બળતા અશ્વત્થામાની મુખ્ય ભૂમિકામાં યોગેશ ઠક્કરે એટલી ઊંચાઈ હાંસલ કરી બતાવેલી જે આ મહાન નાટકના કોઈ પણ મંચનમાં કદાચ કોઈએ અતિક્રમી નહિ હોય. આજે પટકથાલેખક તરીકે વિખ્યાત અભિજાત જોષી એ વખતે વિદ્યાર્થી અવસ્થામાં આ પરફૉર્મન્સથી એવા અભિભૂત હતા કે, વિજયનગર ઘરેથી સાયકલ સવારી શરૂ થાય અને સ્કૂલ ઑફ આર્કિટેક્ચર કેમ્પસમાં હઠીસિંહ સેન્ટર સુધી પહોંચે ત્યાં સુધી ‘અન્ધા યુગ’ પહેલા પાનાથી શરૂ કરીને મુક્ત કંઠે એ બોલતા કે ગાતા જાયઃ

જિસ યુગ કા વર્ણન ઈસ કૃતિ મેં હૈં
ઉસકે વિષય મેં વિષ્ણુ-પુરાણમેં કહા હૈઃ
ઉસ ભવિષ્ય મેં
ધર્મ-અર્થ હ્રાસોન્મુખ હોંગે
ક્ષય હોગા ધીરે ધીરે સારી ધરતી કા.
સત્તા હોગી ઉનકી
જિનકી પૂંજી હોગી.
જિનકે નકલી ચહરે હોંગે
કેવલ ઉન્હે મહત્ત્વ મિલેગા.
રાજશક્તિયાં લોલુપ હોગી,
જનતા ઉનસે પીડિત હોકર,
ગહન ગુફાઓમેં છિપ છિપ કર દિન કાટેંગી
(ગહન ગુફાએં – વે સચમુચ કી યા અપને કુંઠિત અંતર કી)
યુદ્ધોપરાન્ત,
યહ અન્ધા યુગ અવતરિત હુઆ
જિસમે સ્થિતિયાં, મનોવૃત્તિયાં, આત્માએ સબ વિકૃત હૈ
હૈ એક બહુત પતલી ડોરી મર્યાદા કી
પર વહ ભી ઉલઝી હુઈ હૈ દોનોં હી પક્ષોં મેં
સિર્ફ કૃષ્ણમેં સાહસ હૈ સુલઝાને કા
વહ હૈ ભવિષ્ય કા રક્ષક, વહ હૈ અનાસક્ત
પર શેષ અધિકતર હૈ અન્ધે
પથભ્રષ્ટ, આત્મહારા, વિગલિત
અપને અન્તર કી અન્ધગુફાઓં કે વાસી
યહ કથા ઉન્હી અન્ધો કી હૈ
યા કથા જ્યોતિ કી હૈ અન્ધો કે માધ્યમ સે.

પછી તો ફરી આ નાટકનાં દર્શન છેક ૨૦૧૧માં થયા. દિલ્હીમાં શીલા દીક્ષિતે કલા-સંસ્કૃતિ વિભાગને ઘણો ધમધમતો રાખેલો, તેમાં જયપુરના ભાનુ ભારતીએ આ નાટક રજૂ કરેલું. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય(નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, એન.એસ.ડી.)ના ખેરખાંઓ તેમાં ભાગ ભજવે. ગાંધારી આકાશ ભણી જોઈને પોતાના પુત્રોની હત્યા માટે કૃષ્ણ પર પોતાનો ગુસ્સો ઠાલવે છે, શાપ આપે છે, પણ જ્યારે કૃષ્ણ શાપ માથે ચડાવે છે, ત્યારે પસ્તાઈને કહે છે કે તેં મારા શાપનો અસ્વીકાર કેમ ન કર્યો. કૃષ્ણ મૃદુ સ્વરે (આકાશવાણીથી, નેપથ્યમાંથી) ઉત્તર આપે છે :

ઐસા મત કહો માતા!
જબ તક મૈં જીવિત હું
પુત્રહીના નહિ હો તુમ
પ્રભુ હૂં યા પરાત્પર
પર પુત્ર હું તુમ્હારા
તુમ માતા હો

આ સંવાદ ઓમ પુરીના અવાજમાં સાંભળ્યાને યાદ કરતાં આજે પણ આંખમાં પાણી આવી જાય. ગોવિન્દ નામદેવ, ઝાકીર હુસૈન વગેરે સાથે તિકમ જોષી પણ બળુકો અભિનેતા છે, પણ એક વાર યોગેશ ઠક્કરને અશ્વાત્થામા તરીકે જોયા પછી, બીજા કોઈ બેસે નહિ (એ વ્યવસાયે ત્યારે પણ અને અત્યારે વકીલ છે એ જાણીએ ત્યારે અશ્વત્થામા વકીલની ભૂમિકામાં કેવા દેખાતા હશે એમ વિચાર આવે). તિકમ જોષી વળી હાઈટ-બોડીમાં પણ જરા અશ્વત્થામાની પોકેટ એડિશન જેવા લાગે. છતાં, મુખ્ય વાત હતી એ કે, ભાનુ ભારતીએ મંચન માટે ફિરોઝશાહ કોટલાના વેરાન, સૂમસામ ખંડેરો પસંદ કરેલા. એક તરફ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ અને બીજી તરફ જૂના ઈન્ડિયન એક્સપ્રેસ-જનસત્તાથી શરૂ થઈને પ્રેસ સ્ટ્રીટ, પાછળ કબ્રસ્તાન અને ખાંચમાંથી આવે સલ્તનત કાળની આ જગ્યા, જ્યાં લોકો આજે પણ એ જિનને પૂજવા દીવાબત્તી કરે છે જે જિને દિલ્લીને અનેકવાર પડતી થયા પછી પણ ઇતિહાસમાં ગુમ થવા દીધું નથી.

ફિરોઝશાહ કોટલાની પસંદગીનો પણ ઈતિહાસ છે. એન.એસ.ડી.ના પિતામહ જેવા ઈબ્રાહિમ અલ્કાઝીએ ૧૯૬૩માં પુરાણા કિલ્લા અને કોટલા પર ખૂલ્લામાં કુરુક્ષેત્ર ઊભું કરેલું.તે ભારતીય રંગમંચની તવારીખમાં વિશિષ્ટ ઘટના તરીકે યાદ કરાય છે. ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ એ મંચન જોવા આવ્યા હતા. અલ્કાઝીને ખુલ્લા મંચનો વિચાર ક્યાંથી આવ્યો હશે? ધર્મવીર ભારતીએ લેખકની નોંધમાં જ લખેલું કે, “મંચનું વિધાન થોડું બદલીને આને ખુલ્લા મંચ પર લોકનાટ્યમાં પણ પરિવર્તિત કરી શકાય છે.” અલ્કાઝીની પહેલાં એ જ પંગતના મહારથી સત્યદેવ દુબેએ પણ આ નાટક ભજવેલું, પણ ક્યાં અને કેવી રીતે તેની માહિતી નથી. અમદાવાદમાં પણ ઠક્કર-જોષીએ ખુલ્લા મંચની પ્રણાલિ ચાલુ રાખી.

આ નાટકની ત્રીજી આવૃત્તિ હમણાં જોવા મળી – ગુજરાતીમાં. એન.એસ.ડી. દર વર્ષે ‘ભારત રંગ મહોત્સવ’નું આયોજન કરે છે, તે નાટકો માટે દેશનો સૌથી વધુ સમ્માનિત કાર્યક્રમ ગણાય છે. આ વર્ષે પહેલીથી ૨૧મી ફેબ્રુઆરી દરમિયાન સંખ્યાબંધ ભાષાઓના અનેક નાટકોમાં ગુજરાતીમાં બે છેઃ ‘અન્ધા યુગ’ સાતમીએ ભજવાયું અને ‘બંજારા (ભવાઈ)’ ૧૪મીએ. ખુલ્લામાં નહિ, પણ શ્રીરામ કલા કેન્દ્રના નાટ્યગૃહમાં. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નાટ્યકલા વિભાગે તેની રજૂઆત કરી. સુધીર કુલકર્ણીના ગુજરાતી રૂપાન્તર પરથી નિર્દેશન ચવાણ પ્રમોદ આર.નું હતું. તેમણે ભાષા બદલવાની સાથેસાથે ઘણું બદલ્યું છે, અને ક્યાંક ગુજરાતી પરિવેશ તો ક્યાંક આંતરરાષ્ટ્રીય કે સમકાલીન સંદર્ભો ઉમેર્યા છે. અમુક રીતે અનુઆધુનિક (પોસ્ટમૉડર્ન) સ્પર્શ પણ છે. રંગકલાના મહારથીઓએ જે કૃતિને પ્રણાલિગત ઢબે જ રજૂ કરી છે, તેમાં ખાસ્સા ધરમૂળના ફેરફાર કરીને રજૂ કરવાના અભિગમ માટે પ્રમોદને દાદ આપવી પડે. તેમાં કૃતિ સાથે છેડછાડનો સવાલ નથી, બલકે, તેમાં મૂળ પાઠનાં ઓછા ઉજાગર થયેલાં પાસાં સારી પેઠે ઉપસીને બહાર પણ આવે છે. ધર્મવીર ભારતીએ તો આવી રચનાત્મક છેડછાડને સામેથી આમંત્રણ આપેલું જ હતું, જેમ કે, ‘અધિક કલ્પનાશીલ નિર્દેશક ઈસકે રંગમંચ કો પ્રતીકાત્મક ભી બના સકતે હૈ.’

ફેરફારોનું એક પાસું ભાષાના સ્તરે છે. એકસમાન કાવ્ય શૈલીમાં સંસ્કૃતપ્રચુર સંવાદોના સ્થાને ગુજરાતીમાં વિવિધ બોલીઓ આવે છે, બે સ્થળે અંગ્રેજી અમેરિકી લઢણ સાથે પણ આવે છે. તેમાં ગામઠી બોલી બોલતાં પાત્રો વચ્ચે ‘સહિષ્ણુતા’ જેવા શબ્દો વાપરે ત્યારે ખૂંચે પણ ખરું, પણ એકંદરે ભાષાની મજા આવે. બીજો ફેરફાર વેશભૂષામાં, ડગલાથી લઈને ટ્રેકસુટ સુધીના. ત્રીજો ફરક પાત્રોમાં, વૃંદમાં રંગલો-રંગલી દેખા દે, અને મૂળ નાટકમાં જે લોકનાટ્યનો ભાવ હતો તે બહાર લાવે. ચોથો ફરક સંગીતમાં, જેમાં વાંસળીના સૂરની સાથે ક્યારેક પાશ્ચાત્ય અસરની લોકપ્રિય શૈલી પણ સંભળાય. અંધત્વના સંકેત માટે કાળાં ચશ્માં, વ્હીલચેર, ચીચૂડો ઈત્યાદિ સામગ્રી મહાભારતના યુદ્ધની અઢારમી રાતને લંબાવીને આપણા સમય સુધી લઈ આવે છે. અશ્વત્થામા ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર ફેંકે છે ત્યારે વ્યાસ કહે છે, ‘યહ ક્યા કિયા? અશ્વત્થામા, નરાધમ! યહ ક્યા કિયા?’ તેના સ્થાને સંયુક્ત રાષ્ટ્રનું ચિહ્ન લઈને આવેલા સુટબુટધારી અધિકારીઓ પૂછે છે, ‘વોટ હેવ યુ ડન, અશ્વાત્થામા?’ તેમાં આજની મહાસત્તાઓનાં વિશ્વનિકંદન કરી શકતાં શસ્ત્રો ઈંગિત છે. નૃત્યનાટિકાનો પણ ભાવ છે, ગુજરાતી ગરબા (‘ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર …’) અને હેલા સાથે. મૂળ નાટકનું સૌથી વધુ નોંધપાત્ર પાસું છે સંવાદો, જે અહીં મોટા ભાગે સંગીત અને નૃત્ય નીચે દબાઈ જાય છે.

આમ તો આ નાટકની અન્ય આવૃત્તિઓ જોયા પછી આવાં પરિવર્તનો ખૂંચે, અને પ્રેક્ષકનો અનુભવ ઘણો ડિસઓરિએન્ટિંગ રહે. પણ ઘણા ઠેકાણે પ્રયોગના ફાયદા પણ છે. ગાંધારીની ભૂમિકા ભજવતી પાંચ સ્ત્રીઓ દેહથી કપાયેલાં બબ્બે માથાં લઈને ત્રણચાર મિનિટ સુધી બીજું કાંઈ નહિ ને માત્ર ઊંચે જતા સૂરે ચિચિયારીઓ કરતી રહે છે, તે દૃશ્ય કોઈ પણ પ્રેક્ષકને હચમચાવીને યુદ્ધની કારુણિકાનું ભાન કરાવી રહે છે. શબ્દોની ભાષાનો અનુવાદ રંગો, પ્રકાશ, માનવદેહ અને નૃત્યના શબ્દાવલિથી કરવાનો પ્રયાસ ઘણે અંશે સફળ થાય છે. નાટકનું નામ જાણ્યા વગર, એટલે કે ધર્મવીર ભારતીની કાલજયી કૃતિ હોવા અંગેની પૂર્વધારણાઓ બાજુએ મૂકીને અને નવીન રચના તરીકે જ, આ ‘અન્ધા યુગ’ જુઓ, તો અનેક સ્તરે આનંદનો અનુભવ છે.

નિર્દેશકની નોંધમાં પણ એવા જ અભિગમનો ઈશારો છે. પ્રમોદ લખે છે, “આ મંચન પ્રણાલિગત માળખાને વળગી રહેવાના બદલે માત્ર નાટકના થિમેટિક કન્ટેન્ટ પર જ ફોકસ કરે છે. તે સ્થળ-કાળની મર્યાદાઓ ઓળંગીને આગળ જોવાનો પ્રયાસ કરે છે … અહીં ઉપસ્થિત થતા પ્રશ્નો છે માનવીની સહનશક્તિ અને યુદ્ધની યાતના વિશે છે, જેનો ભોગ સ્ત્રીઓ, બાળકો અને યુવાનો બનતા હોય છે. ‘ક્યારે વિશ્વમાં શાંતિ થશે’ તે શોધ છે.” એ પછી જરા ભાર આપીને ઉમેર્યું છે કે, “વિવિધ સિસ્ટમો એક પ્રદેશને અને તેના રહેવાસીઓને કેવી રીતે અશાંતિ અને રાજકીય ધમાચકડી તરફ ખેંચી જાય છે – જેમાં માત્ર સામાન્ય પ્રજાનો જ ભોગ લેવાતો હોય છે – તે અંગેની મારી સમજ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.” એ દિશામાં વધુ સ્પષ્ટ સંકેતો પણ ઉમેરી શકાયા હોત, જ્યારે દિલ્હીની સડકોના મંચ પર એ જ મુદ્દાઓ ભજવાઈ રહ્યા છે, પણ એ તો વધુ અર્થઘટનની વાત થઈ. સમજદાર માટે પ્રમોદનો આટલો ઈશારો પણ કાફી છે.

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ ફેબ્રુઆરી 2020; પૃ. 12 – 13

Loading

...102030...2,5372,5382,5392,540...2,5502,5602,570...

Search by

Opinion

  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved