Opinion Magazine
Number of visits: 9576312
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુનિવર્સિટીના કર્ણધારોને ખરેખર શું નડ્યું હશે?

હરિકૃષ્ણ પાઠક|Opinion - Opinion|2 March 2020

તા. ૧૬-૨-૨૦૨૦ના ‘નિરીક્ષક’માં શ્રી ભરત મહેતાનો લેખ વાંચ્યો ત્યારે જ મને સમાચાર મળ્યા કે કવિશ્રી નર્મદના નામ સાથે જોડાયેલી સુરતની યુનિવર્સિટીના ગુજરાતીના પાઠ્યપુસ્તક લેખે ગુજરાત સાહિત્ય અકાદમીએ મને સોંપેલ કવિશ્રી કલાપીનાં કાવ્યોનું ચયનસંપાદન ‘આપની યાદી’ પાઠ્યપુસ્તકમાં હતું તે રદ્દ કરવામાં આવ્યું છે. લેખમાં જણાવ્યા પ્રમાણે ‘કારણ એ કે કલાપીમાં પ્રેમ … પ્રેમ … પ્રેમ સિવાય બીજું છે શું?’

તા. ૨૬-૧-૧૯૯૯ એ કલાપીની જન્મ શતાબ્દીનો દિવસ અને તે દિવસે ઉક્ત પુસ્તક પ્રગટ થયું છે. છ માસમાં જ બધી નકલો ખપી કે ખૂટી ગઈ તેથી જુલાઈ ૧૯૯૯માં બીજી સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરવામાં આવી. કલાપીની કવિતામાં પ્રેમ સહિત બીજુ ઘણું બધું છે તેનો નિર્દેશ મારી પ્રસ્તાવનાના આરંભે મૂકેલ કંડિકામાં સચવાયો છે.

‘મુગ્ધ સૌંદર્યમાં પૂરા, વૈરાગીની રાજવી કવિ,
અલ્પ આયુષ્યના યાત્રી દોરે કારુણ્યની છવિ’

પ્રકૃતિનો પ્રેમ, ભક્તિ-અધ્યાય, ચિંતનશીલતા, કલાનું ગૌરવ, અલગારીપણું ને એવું ઘણું બધું છે. કવિની પ્રખ્યાત કૃતિ ‘આપની યાદી’ તો ઊંચી આધ્યાત્મિક ભૂમિકાએથી થયેલું અવતરણ છે જેનું ગૌરવ અને મહિમા કરતાં કવિશ્રી ઉમાશંકરે નોંધ્યું છે : ‘બુદ્ધિપૂર્વક ગોઠવીને પંચમહાભૂતોની (કવિએ) વાત કરી નથી. કવિના દર્શનમાં સુચારુરૂપે આવીને તે ગોઠવાઈ ગયાં છે. એનાં ચિત્રો એટલાં બધાં અકૃત્રિમ છે, દિવ્ય સ્ફૂર્તિભર્યાં છે કે ગુજરાતી ભાષાના ખજાનામાં હંમેશ ઝળહળતાં રહેશે.’

પૂર્તિરૂપે ઉમેરું તો કલાપીની અન્ય સુખ્યાત કૃતિ ‘ગ્રામ્યમાતા’- કાવ્યમાં તો કવિને એક રાજવી લેખે પ્રજા પ્રત્યેના કર્તવ્ય રૂપે જે રાજધર્મ સમજાયો તેનો બોધ પણ પડેલો છે. યુનિવર્સિટીના કર્ણધારોને ખરેખર શું નડ્યું હશે ? સાહિત્યપ્રવૃત્તિ ને રસ-રુચિના કારણે જેમની સાથે મારો સ્નેહ સંબંધ લાંબા સમયથી રહ્યો છે તેવા કવિ/કવયિત્રી શ્રી નીતિન વડગામા અને શ્રી ઉષાબહેન ઉપાધ્યાય કદાચ થોડો પ્રકાશ પાડી શકે!   

ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 12

Loading

ચૂંટણી – વચનો, પ્રવચનો અને બજરંગ બલી

જગત જતનકર|Opinion - Opinion|2 March 2020

દિલ્હીની વિધાનસભાની ચૂંટણી દરમિયાન એમ હતું કે ભારે દુઃસાહસરૂપ ઝેરી પ્રચારની ગરમાગરમીમાં ક્યાંક કોમી હુલ્લડ ફાટી તો નહીં નીકળે ને! પણ ગમે તેવી અને ગમે તેટલી ઉશ્કેરણી પછી પણ ‘ટોળાં’ઓએ સંયમ રાખ્યો અને બધું સમું સૂતરું પાર ઊતર્યું ! અલબત્ત, પરિણામોના બીજે જ દિવસે એક ચૂંટાયેલા પ્રતિનિધિ પર થયેલ ગોળીબાર સમેત આ ચૂંટણી નિમિત્તે કમસે કમ ત્રણ જણે તો ગોળીબાર કર્યા. તેનાથી બે ઘવાયા અને એકે જાન ગુમાવ્યો. ઓછામાં પત્યું કે આ ય ઘણું કહેવાય ? રાહતનો દમ તો એ વાતનો ય છે કે ઇ.વી.એમ. સાથે ચેડાં થતાં હોવાનો આક્ષેપ આ વખતે પુરવાર કરી શકાય તેમ નથી.

કેન્દ્રના સત્તાધારી પક્ષ પાસે ગૃહમંત્રાલય દિલ્હીની પોલીસ અને અઢળક નાણાં સમેત શું નહોતું? કહેવાય છે કે કેન્દ્ર સરકારની સમગ્ર કૅબિનેટ, ૨૫૦થી વધુ જેટલા સાંસદો, પાંચ-પાંચ વગદાર મુખ્યમંત્રીઓએ સાથે મળી જીતવાનો પડકાર ઉપાડ્યો હતો. દેશભરમાંથી ઊતરી હતી કાર્યકર્તાઓની ફોજ ! એ બધું ઓછું હોય તેમ હડહડતાં જૂઠાણાંનો ઉપયોગ કરીને બનાવેલી વીડિયોએ ક્લિપો દ્વારા વૉટ્‌સએપ એજ્યુકેશન થતું હતું. છાપાંના અહેવાલ મુજબ ભા.જ.પે. આશરે પાંચ હજાર ચૂંટણીરેલીઓ યોજી. મોદીએ બે, અમિત શાહે ૩૬, નડ્ડાએ ૬૩, રાજનાથે ૧૨ રેલીઓ સંબોધી. દિલ્હીના મતદારને ‘ટુકડે ટુકડે ગેંગ’, ‘આવી રહેલા મોગલરાજ’, ‘ભારત-પાકિસ્તાન મૅચ’ અને ‘અભડાઈ જનારાં મંદિર’ જેવા અસ્તિત્વ વિનાના સાવ જ કલ્પનિક ભૂતોનો ભય લાગ્યો જ નહીં. કોઈ ‘ઘેર-ઘેર આવીને મહિલાઓ ઉપર બળાત્કાર’ કરી જવાનું નહોતું તેની પાકી ખબર હોવાથી એવી વાતો કરવાવાળાની મુરાદ વિશે દિલ્હીવાસીઓને કોઈ શંકા નહોતી. તેમને તેની પણ ખાતરી હતી કે, ‘ગદ્દારોને ગોળી મારો’ના નારા બોલાવનાર પારકાનાં સંતાનોને જ કુરબાન કરવા માંડે છે.

‘શાહીનબાગ’ના તકસાધુઓ મતદાતાઓ ઉપર કોઈ ભૂરકી નાંખી શક્યા નહીં, ઊલટું મતદાતાઓએ જ ભારે ‘કરંટ’ લગાડી દીધો. યાદ રહે, આ બધા શબ્દપ્રયોગ બીજું કોઈ નહિ, પણ ‘રાષ્ટ્રવાદી’ સરકારના સાંસદો અને મંત્રીઓ કરતા હતા. તેમને એમ હતું કે ‘ધિક્કારની ખેતી’ કરીને ‘સત્તાનો પાક’ લણાશે. પણ આખરે જે વાવ્યું તે જ લણાશે! ગૃહમંત્રીઓ કરકતા હતા. તેમને એમ હતું કે ‘ધિક્કારની ખેતી’ કરીને ‘સત્તાનો પાક લણાશે. પણ આખરે જે વાવ્યું તે જ લણ્યું! ગૃહમંત્રીએ ‘ગોળી મારો જેવાં ભડકાઉ નિવેદનો ન કરવાં જોઈએ’, એવી ટકોર હાર્યા પછી કરી તેને બદલે ચૂંટણીપ્રચાર વખતે જ કરી હોત, તો લોકશાહી થોડી મજબૂત જણાત. શું ચૂંટણી જીતી ગયા હોત, તો આવી કબૂલાત કરી હોત? અલગ મત ધરાવનારાને ગોળીઓ મારવી એ લોકશાહીનું નહીં પણ સરમુખત્યારશાહીનું લક્ષણ છે. ઇટાલીમાં ફાસીવાદી મુસોલિનીનું વલણ હતું કે, ‘જેઓ અમારી સાથે સંમત ન થાય તેમની સાથે અમે દલીલ નથી કરતાં, અમે તેમનો નાશ કરીએ છીએ.’ શું ‘રાષ્ટ્રવાદ’ એટલે સરમુખત્યારશાહી?

ગોળી મારવાનું કામ હિન્દુ મહાસભાનો એક એકમ દર ૩૦મી જાન્યુઆરીએ અચૂક કરે છે. ચૂંટણી-પ્રવચનોમાં ઓકાતા રહેતા ઝેરનું બીજું નામ શું ‘રાષ્ટ્રવાદ’ છે? ‘રાષ્ટ્રવાદ’ અને ‘દેશના હિતમાં’ જેવા શબ્દોની વ્યાખ્યા બદલાતી હોય, તો ‘ગદ્દાર’, ‘આંતકવાદી’, ‘દેશવિરોધી’ અને ‘રાષ્ટ્રદ્રોહી’ની વ્યાખ્યા પણ બદલવી જોઈએ. આખરે દિલ્હીની પ્રજાએ ‘આતંકવાદી’માં જ વિશ્વાસ રાખીને આ શબ્દની નવી વ્યાખ્યા નેતાઓએ શિખવાડી છે. નેતાઓ કરતાં નાગરિકો વધુ શાણા અને પુખ્ત પુરવાર થયા છે. આ વખતે સૌથી મોટી જીત મેળવી છે નાગરિકે અને તેની આગવી કોઠાસૂઝે ! ચાર દાયકા પહેલાંની કટોકટીની કાળરાત્રી પછી આ જ કોઠાસૂઝે મદમસ્ત સત્તાધારીઓને પાઠ ભણાવેલો. સામાન્ય નાગરિકને સૌહાર્દપૂર્વકના અને વિશ્વાસપૂર્વકના તાણાવાણાથી રચાયેલ સમાજજીવનમાં રસ છે. તેને તો પોતાના રોજિંદા જીવન માટે સુખેથી મળતા રોજગાર અને રોટલામાં રસ છે. તેને શિક્ષણ, પાણી, ગટર અને સ્વાસ્થ્યસેવાઓ જેવી સારી નાગરિક સેવાઓ જોઈએ છે. તેને પોતા ભરેલા કરનો ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક વહીવટ જોઈએ છે. તેને બંધારણે આપેલા અધિકારો જોઈએ છે. ભિન્ન મત રજૂ કરવાની આઝાદી આપણને – એટલે કે નાગરિકને કે સરકારને – ખપે છે ખરી?

ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચ અને ન્યાયાલયોની જવાબદારી પણ ઓછી નથી. જ્યારે ચૂંટણીપંચે એક જ નેતાને બબ્બે વાર પ્રતિબંધિત કરે, ત્યારે રાહત લાગે પણ મુખ્યમંત્રીને ‘આતંકવાદી’ કહેનારા એક નેતાને સજા અને બીજા નેતા પર કોઈ પગલાં ન ભરાય, ત્યારે સંવેદનશીલ નાગરિકોને ચિંતા પણ થાય. ‘ચૂંટણીપંચે આ નેતાઓ સામે એફ.આઈ.આર. કેમ દાખલ ન કરી,’ એવો ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી-કમિશ્નરનો સવાલ અસ્થાને નથી. દેશના ન્યાયતંત્રે આ મુદ્દે સુઓ મોેટો પગલાં કેમ ન ભર્યાં? શું દિલ્હીના પોલીસતંત્રે એ સાબિત કરવાનું બાકી છે કે પોતાને સાધન તરીકે વાપરી શકાય છે? ઇન્દિરા ગાંધીએ આ સંસ્થાઓના કરેલ દુરુપયોગનું શું પુનરાવર્તન (અઘોષિત કટોકટી રૂપે જ સ્તો) થઈ રહ્યું છે? શાહબાનુ કેસ કેમ ભુલાય?

આપ પણ કંઈ દૂધે ધોયું તો નથી જ. તેના જન્મ પહેલાંના અભિયાનમાં જોડાયેલા મહત્ત્વના પ્રજાનિષ્ઠ નેતાઓ અને બૌદ્ધિકો કેમ આઘા થઈ ગયાં? દિલ્હીના નિવાસી અને સ્વરાજ ઇન્ડિયાના યોગેન્દ્ર યાદવ લખે છે, “આમ આદમીપાર્ટી આ દેશમાં રાજનીતિના માળખાને બદલવા આવી હતી, પરંતુ ચૂંટણીમેદાનમાં ઊતરતાં જ આમ આદમીપાર્ટીએ એ બધા જ ગુણ-અવગુણ શીખી લીધા. જે વર્તમાન રાજનીતિના ઉપયોગમાં આવે છે. આંદોલનમાં આદર્શવાદી કાર્યકર્તાઓના સ્થાને સ્થાપિત રાજનીતિના ચાલુ કાર્યકર્તાઓને સ્થાન આપવું, બોલવું કંઈ અને કરવું કંઈ, પોતાનાં નિવેદનોમાં પલટી મારી જવી, વ્યક્તિપૂજાની સંસ્કૃતિ અને હાઈ કમાન્ડની નજીકના લોકોના સામ્રાજ્ય જેવી તમામ બીમારીઓ આમ આદમી પાર્ટીમાં પ્રવેશી ગઈ છે.”

આપ સરકારની સફળતાના દાવા સાચા હોઈ શકે છે, પણ ચિંતા એ વાતની ય છે, ચૂંટણી પહેલાંના ત્રણ મહિના દરમિયાન ‘મફત’ સેવાઓ શરૂ કરવાની જરૂર આપ સરકારને કેમ પડી ? આજના નેતાઓ મતદાતાને બજારમાં વેચાતી કોઈ ચીજ ગણે, ત્યારે નાગરિક તરીકે આપણને તેની શરમ નથી આવતી? યોગેન્દ્ર યાદવના મત પ્રમાણે “વીજળીબીલ ઘટાડીને ગરીબવર્ગને રાહત કરી આપી છે, પરંતુ પાણીની સ્થિતિ યથાવત્‌ છે, શાળાની ઇમારતો સુધરી છે, પણ શિક્ષણ સુધર્યું નથી. ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને પરિવહન જેવા સવાલોની સ્થિતિ અગાઉ કરતાં બગડી છે, પરંતુ પ્રચારતંત્રથી ઢાંકી દેવાઈ છે.” તેઓ લખે છે, “મીડિયા ભા.જ.પ.ની પડખે હતું, એટલે ‘આપે’ સરકારી પૈસા અને રાજકીય ઊર્જાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે.

હવે કેજરીવાલ પણ ‘મંગળ’વારે બજરંગ બલીને યાદ કરે છે! જીત્યા પછી બજરંગ બલીના દર્શને જતી વખતે પકડેલ ધજા ઉપર લખ્યું છે, ‘જય શ્રીરામ’. શાબ્બાશ, તેમનેય આવડી ગયું!! તેમની આ ધજા મતદારોને રાજી કરવા હોઈ શકે અથવા ભગવાન રામના ઠેકેદારોને કોઈ પ્રકારનો સંદેશો આપવા હોઈ શકે. આ બધા ઉધામા ‘સંયોગ’ હોય કે ‘પ્રયોગ’, ચિંતાજનક તો છે જ!

આઇન્સ્ટાઇન જેમનાં પુસ્તકોના કવરપેજ માટે અવતરણો લખી આપતા તેવા અમેરિકન દગોનિક દરૉબર્ટ રુન્સનું એક વાક્ય નોંધપાત્ર છે, ‘સરમુખત્યારોએ લાંબા સમયથી શોધી કાઢ્યું છે કે વ્યાપક પ્રેમ કરતાં વ્યાપક ધિક્કાર વડે પ્રજાને સંગઠિત કરવી સહેલી છે.’ શું આપણે આ વાતનું એક વધુ પ્રમાણ રજૂ કરવું છે ? ભારતનો નાગરિક કોમ અને ધર્મના નામે ફેલાવાતા ધિક્કારની, ‘મફત’ યોજનાઓની લાલચમાંથી અને ‘રાષ્ટ્રવાદ’ અને ‘દેશના હિતમાં’ નામની ચૉકલેટથી ક્યારે ઓચાશે? અર્થશાસ્ત્રનો તુષ્ટિગુણનો નિયમ રાજકારણમાં પણ લાગુ પડે તો સારું! પેલી વાર્તા મુજબ ખૂબ કઢી પી-પીને કોઈ સાધુ ‘કઢીપ્રેમ’માંથી મુક્ત થઈ શકતો હોય અને અસ્વાદની સાધના કરી શકતો હોય, તો હવે ભારતમાં નાગરિકે પણ આ મીઠાઈઓ પ્રત્યે અસ્વાદ કેળવવાની ઘડી આવી ગઈ હોય, તેવું નથી લાગતું?

ખેર! ભૂતકાળનો સદુપયોગ તેને વાગોળવાથી નહીં, તેમાંથી બોધપાઠ લઈને નવી ભૂલો ન કરવામાં છે! હવે પછીની ચૂંટણીઓ દરમિયાન પ્રજાને વાગોળવા, રમાડવા, રંજાડવા કે ખરેખર જાગૃત કરવા શું અપાય છે, તે જોવાનું રહ્યું! ભારતમાતાનાં ફરજંદોએ ધર્મ અને કોમને નામે માતાને વિભાજિત કરવી છે? પક્ષ અને સત્તા મહત્ત્વના છે કે દેશ? નાગરિકધર્મથી મોટો બીજો કયો ધર્મ હોય? લાલચમાં કે ઝનૂનમાં ફસાયા વગર દૂરંદેશી રાખીને જાગૃતિપૂર્વક મત આપનાર નાગરિક એ લોકશાહીની બુનિયાદ છે, તે વાત ન ભૂલીએ. લોકશાહીમાં ‘યથા પ્રજા તથા રાજા.’ મજલ લાંબી છે.

E-mail : jatantrust@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 07 તેમ જ 10

Loading

દસમું સદ્‌ભાવના પર્વ : સાંપ્રતની સાથે

ડંકેશ ઓઝા|Opinion - Opinion|2 March 2020

સદ્‌ભાવનાના વિસ્તારની પ્રવૃત્તિ એક દાયકા કરતાં વધુ સમયથી હાથ પર લીધી છે. તે પ્રમાણે વર્ષભરના કાર્યક્રમોને અંતે કાર્યકરોને વૈચારિક ભાથું મળતું રહે તે માટે પર્વનું આયોજન થાય છે. મોરારિ બાપુ ભલે રામકથા સાથે જોડાયેલા રહ્યા, પરંતુ સામાજિક સદ્‌ભાવનાનું કાર્ય પણ તેમના હૈયે પહેલેથી વસેલું છે. પ્રતિવર્ષ પર્વનું આયોજન મહુવા ખાતેના કૈલાસધામ ગુરુકુળમાં જ થાય, પોતે તેના યજમાન બને, એમાં તેમણે સદા ય ગૌરવનો અનુભવ કર્યો. પર્વના વિષય, વક્તા અને પુરસ્કૃત થનાર વ્યક્તિની પસંદગીમાં ક્યાં ય આડકતરો ઇશારો કે સૂચન દસ વર્ષમાં કદી પણ તેમણે ન કર્યાં. આવા યજમાને નિર્ણય કરી નાખ્યો કે તેમને ત્યાં થતાં બધાં જ પર્વો હવે સ્થગિત! જાણ્યું ત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયેલા. અમારે તો આયોજન ચાલુ જ રાખવું હતું, પણ પેલી સંસ્કૃત સૂક્તિમાં કહ્યું છે તેમ યોજક દુર્લભ હતા. છેલ્લા થોડાં વર્ષોથી લોકનિકેતન, રતનપુરમાં ‘વિશ્વગ્રામ’ની ઘણી શિબિરો ત્યાંના સંચાલક કિરણ ચાવડાના સહકારથી યોજાતી રહેતી હતી. તેમણે યજમાન થવાની ત્વરિત તૈયારી દર્શાવી. પરિણામે સદ્‌ભાવના પ ર્વ- દસ એ ૧૨-૧૩-૧૪ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન ત્યાં યોજાયું. નક્કી કર્યું હતું કે ગાંધી-કસ્તૂરબાનાં જન્મના ૧૫૦ વર્ષ ઊજવાઈ રહ્યાં છે, ત્યારે શાશ્વતગાંધી – સાંપ્રતગાંધી એ થીમની આસપાસ બધાં વક્તવ્યો ગોઠવવાં, રાષ્ટ્રીય કક્ષાના વક્તાઓની પસંદગી પ્રતિવર્ષ કરતા રહ્યા છીએ તે રીતે, આ વર્ષે પણ કરવામાં આવી.

પ્રથમ દિવસની પહેલી બેઠકના વક્તા હતા અર્થશાસ્ત્રના અભ્યાસી અને વિદ્વાન પ્રાધ્યાપક રોહિત શુક્લ. રોહિતભાઈએ વિષય પસંદ કર્યો હતો : ‘ગાંધીવિચાર : ગ્રાહકત્વ, માણસત્વ અને નાગરિકત્વ’. મૂડીવાદના પાયામાં ગ્રાહક રહેલો છે. મૂડીવાદ ફૂલેફાલે છે ગ્રાહકને કારણે. નવું ખરીદો અને જૂનું ફેંકી દો એ નિયમથી જ આજે વૈવિધ્યસભર ઉત્પાદનો થઈ રહ્યાં છે. આપણી જૂની માનસિકતા ઓછી ચીજવસ્તુઓથી ચલાવવાની હતી. વળી, આપણે ચીજો રિપૅર કરાવીને પણ વાપરતા હતા. રૂપાંતર કરીને પણ તેનો ઉપયોગ કરતા. હવેનું સૂત્ર છે : યુઝ ઍન્ડ થ્રો. વળી વધુ વાપરો અને કરકસર ન કરો એવું પણ કહેવાય છે. આ મૂડીવાદ ક્યાં લઈ જશે એ કોઈ જાણતું નથી. વક્તાએ ગાંધીવિચારને જોડીને કહ્યું કે જો પાયામાંથી ગ્રાહક જ હટી જાય, તો મૂડીવાદનું માળખું ધ્વસ્ત થઈ જાય ! આપણે ગ્રાહક બની રહેવાનું નથી. વિવેકપુરઃસરના ઉપયોગકર્તા બની રહેવાનું છે. બીજા સોપાને મનુષ્યત્વની વાત આવી. ધાર્મિક માણસ પણ દયાભાવ જતાવે છે, પણ સામેવાળાના મનુષ્યના સ્વમાનને હાનિ ન પહોંચે તે રીતે તેનો મદદે જવાનું છે તેના બહુ ખ્યાલ રખાતો નથી. સામાજિક ન્યાયની રીતે મનુષ્યત્વની ખિલવણી કરવાની છે. ત્રીજા તબક્કે નાગરિકતાની વાત છે. માણસ અને નાગરિકમાં ફેર છે. નાગરિક કાયદાથી અને અધિકાર-ફરજ એમ બંનેથી સભાન હોય છે. એ સંકુચિત વાડાઓથી પર હોય છે. પ્રશ્નોત્તરીમાં ઘણાને એ ન સમજાયું કે માણસ બીજા ક્રમે અને નાગરિક તેથી ઉપલા ક્રમે કેમ ? વક્તાએ ઘણા સમભાવથી આ પ્રકારના પ્રશ્નોના જવાબમાં સમજણ વિસ્તરે તેવાં ઉદાહરણો પણ આપ્યાં, પણ હજુ આખા દેશને આ નાગરિકતાવાળી ઉચ્ચ વાત પકડાતી નથી, તેવું સભામંડપમાં પણ બન્યું !

રોહિતભાઈના વક્તવ્યપૂર્વે સંજયે સદ્‌ભાવના પર્વની ભૂમિકા વિગતે રજૂ કરી. પોરબંદરથી દાંડીની સદ્‌ભાવના-યાત્રા, તેમાં થતાં વક્તવ્યો અને તે સાથે ભજવાતું એકાંકી નામે ‘લકીરે મિટાયેં હમ’ની વાત કરી. કાશ્મિરયાત્રા ચાલી રહી છે અને થવાની છે, તેની પણ વાત કરી.

બપોરની બેઠક દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક અપૂર્વાનંદની હતી, જેમનો વિષય હતો, ‘સત્યાગ્રહ અને ગાંધી’. સદ્‌ભાવના એક તપસ્યા છે અને એ બિનશરતી હોય છે, પૂર્વગ્રહવિહીન હોય છે એ સમજણ આપી. આ વાત કરતી વખતે તેમણે ગાંધીવિચારને જોડ્યો. ગાંધીની એ વાત યાદ કરી કે હિન્દુ-મુસ્લિમ એકતાના ભોગે ગાંધીને સ્વતંત્રતા ખપતી ન હતી. આજે જે નાગરિકતાનો પ્રશ્ન ઊભો થયો છે, એવો જ પ્રશ્ન દક્ષિણ આફ્રિકામાં હતો. ગાંધીએ પ્રજામાં ભેદભાવ ઊભો કરતા કાયદાનો વિરોધ કર્યો હતો. કાયદા સમક્ષ બધા નાગરિકોની સમાનતા હોવાનો આગ્રહ સેવ્યો હતો. આ બાબત તે સમયની સરકારે પણ સ્વીકારી ન હતી. તેથી ગાંધીને સત્યાગ્રહ કરવો પડ્યો હતો. સાંપ્રત ઘટનાઓ સંદર્ભે પ્રશ્નોત્તરી પણ ઘણી રસપ્રદ અને ઉત્તેજક રહી. વ્યાપક નાગરિકતાની કેટલીક વાતો અસ્વીકાર્ય બનતી હોય, એમ પણ જોવા મળ્યું!

રાત્રિબેઠકમાં પાલનપુરના જાણીતા સંવેદનશીલ ગઝલકાર મુસાફિર પાલનપુરીએ પ્રસંગને અનુરૂપ કેટલીક ગઝલોની રજૂઆત કરીને શ્રોતાઓને કવિતાની રસલહાણિ કરાવી હતી. તે પછી યાત્રા દરમિયાન અનેક સ્થળે ભજવાતું રહેલું એકાંકી ‘આવો લકીરે મિટાયેં’ની ૫૮મી પ્રસ્તુતિ થઈ હતી. એકાંકીમાં સફાઈકામદારનું મૃત્યુ, દલિતોને મકાન મેળવામાં પડતી મુશ્કેલી, બાળકોની એકતા વિરુદ્ધ વડીલોની ભેદભાવભરી દૃષ્ટિ અને યુદ્ધવિરોધી બાબતોને સરસ રીતે વણી લેવામાં આવી છે. એકાંકી સર્વત્ર ઘણું અસરકારક રહ્યું હતું. સંદેશ લોકોમાં બરાબર ઝિલાતો હતો.

બીજા દિવસની પ્રથમ બેઠકમાં વક્તા હતા સુભાષ ભટ્ટ, જેઓ ‘નવનીત સમર્પણ’ સામયિકમાં ઊઘડતા પાને ‘અનહદ બાની’ નામે અધ્યાત્મની રજૂઆત કરતા રહ્યા છે. તેમનો વિષય હતો : ‘ગાંધી અને અધ્યાત્મ’. બીજી બેઠકનો વિષય હતો ગાંધી અને અહિંસા. વક્તા હતા દિલ્હીની અશોક યુનિવર્સિટીના પ્રાધ્યાપક દિલીપ સિમિયન. વિજ્ઞાન અને ટેક્‌નોલૉજી આપણા નૈતિક પ્રશ્નોના જવાબ ન આપી શકે. વિચારવિમર્શ અને વિવેક તે માટે જરૂરી છે. ધર્મની બાબતે વધુ વિવેક અને દૃઢતાની જરૂરત છે. પોતે યુવાવયે કેવી રીતે ભાવુકતાને કારણે નક્સલવાદી આંદોલનમાં ગયા અને કેવી રીતે તેમને હિંસાની નિરર્થકતાનો અનુભવ થયો તેના ઉદાહરણ દ્વારા તેમણે અહિંસાના મહત્ત્વની વાત વધુ સ્પષ્ટપણે મૂકી આપી. બપોરની બેઠક ગાંધીજી અને સર્વધર્મ સમભાવ વિશે હતી અને વક્તા હતા મૂલ્યનિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા, એમણે કોમી વિખવાદ અને ભારતના ભાગલાનો ઇતિહાસ બહુ શરૂઆતથી સમજાવ્યો. ગાંધીજીને બિનજરૂરી રીતે વિભાજન માટે જવાબદાર ઠેરવામાં આવે છે, એની વિગતો આપી. ગાંધીનો ધર્મ તરફનો દૃષ્ટિકોણ કેવો હતો, એનાં ઉદાહરણો પણ આપ્યાં.

બીજા દિવસની બેઠકોને અંતે રાત્રિબેઠકમાં કાશ્મીરયાત્રાના અનુભવો રજૂ થયા. આપણને માત્ર કાશ્મીરમાં નહિ. પણ કાશ્મીરની પ્રજામાં રસ હોવો જોઈએ, તેમની ચિંતા હોવી જોઈએ એ વાત સંજયે મૂકી. છેલ્લા દિવસે સવારમાં ૫૭ દિવસની પદયાત્રાના અનુભવોની રજૂઆત થઈ. તે અંગેની નાનકડી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી. કોઈ પણ સમૂહ કોઈ પણ સંદેશ લઈને પગપાળા નીકળે છે. તો લોક તેને કેવી ઉષ્માથી જુએ છે, તેને કેવો સહકાર સાંપડે છે, તેના અનુભવો ઉત્સાહ વધારનારા હતા. તે પછી ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ના કુમાર પ્રશાંતે ગાંધી અને સાધનશુદ્ધિ વિશે રજૂઆત કરી. કુમાર પ્રશાંત દેશ-વિદેશમાં ગાંધીવિચારને રજૂ કરી રહ્યા છે. જયપ્રકાશ નારાયણ સાથે તેમણે સંપૂર્ણ ક્રાંતિ અંગે કામ કર્યું છે. ખોટાં સાધનોથી અથવા ખોટા માર્ગે જઈને સાચું ધ્યેય હાંસલ ન થઈ શકે તેથી જ ગાંધીનો આગ્રહ સાધનશુદ્ધિ માટે હતો એમ તેમણે કહ્યું. સહકારની શક્તિ કરતાં લોકશક્તિ વધુ વળવાન છે. લોકો સરકારને પરવાનો આપે છે, તેથી સરકારના પરવાના બાબતે લોકોએ ડરવાની જરૂર નથી. દેશ આખરે સરકારથી નથી બનતો, પણ સંસ્કૃતિથી બને છે. સંસ્કૃતિના પાયામાં લોકો જ હોય છે. લોકતંત્રથી મોટો બીજો કોઈ ધર્મ ન હોઈ શકે. એમ તેમણે જણાવ્યું.

છેલ્લી વિશેષ બેઠક પ્રોફેસર ભીખુ પારેખ સાથે હતી. તેમણે ગાંધીજીની અન્યાય સામેની લડત તેમ જ તેમાં પ્રયોજેલા સત્યાગ્રહ અને અહિંસાની મીમાંસા કરી. કોઈ પણ ઠેકાણેથી ઉપયોગી વસ્તુ લેવામાં ગાંધીને વાંધો નથી. રાજકીય નેતૃત્વ કેવું હોવું જોઈએ તેનું ગાંધી ઉત્તમ ઉદાહરણ છે. ગાંધીના વિચારોને આજના સંદર્ભમાં સાથે જોડીને નવી દૃષ્ટિ અપનાવીને ગાંધીને પુનઃજીવીત કરી શકાય એવું તેમનું તારણ હતું. પ્રશ્નોત્તરી પણ ઉત્તેજક રહી. એક પ્રશ્નના જવાબમાં ભીખુભાઈએ જણાવ્યું કે ગાંધીનો વિરોધ ગુલામી સામે હતો, અંગ્રેજો સામે નહિ. આજે પણ ભારતના લોકો ઇંગ્લૅન્ડમાં ધંધા-રોજગાર કરી શકે છે અને કોઈ ભારતીય મહિલા ત્યાં મંત્રીમંડળ સુધી પહોંચી શકે છે. એના પાયામાં ગાંધી છે.

આજે દેશમાં ઘણી બધી બાબતોએ હોબાળાની પરિસ્થિતિ છે. યુવાવર્ગ આંદોલનમાં અગ્રહરોળમાં છે. રાજકારણ અને રાષ્ટ્રભાવના એવી રજૂઆત પામે છે કે સામાન્ય માણસ ભ્રમિત થઈ જાય છે, મૂંઝાઈ જાય છે. લોકશાહીમાં બહુમતીવાદને સ્થાન નથી, પરંપરાને વળગી રહેવાને બદલે બંધારણના આદર્શો મુજબ લોકોમાં નાગરિકતા વિકસે, એના સઘન પ્રયાસોની જરૂરત છે. પર્વમાં યુવાવર્ગે ભાગ લીધો, પ્રશ્નો પૂછ્યા અને જાણકારી પ્રાપ્ત કરી. એ રીતે પર્વ સંતર્પક રહ્યું.

અડાલજ

E-mail : dankesh.oza20@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 11-12

Loading

...102030...2,5242,5252,5262,527...2,5302,5402,550...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved