Opinion Magazine
Number of visits: 9738260
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કર્મ સમોવડ

ઉમાશંકર જોશી|Gandhiana|9 July 2025

ઉમાશંકર જોશી

ગાંધીજી મુખ્યત્વે કર્મના માણસ હતા, શબ્દના નહીં. એમનું ચાલે તો શબ્દ વગર જ ચલાવે. પછીથી અઠવાડિયે એક દિવસ મૌનને એમણે રાખ્યો પણ હતો. પણ પ્રવચન કરતાં અધેાળ આચરણ વધે એવી એમની શ્રદ્ધા. પણ એમણે જોયું કે શબ્દ પણ મોટી શક્તિ છે, કર્મને પ્રેરનારી શક્તિ છે. ક્યારેક શબ્દ કર્મ સમોવડ પણ નીવડે છે. એટલે એમણે શબ્દની શક્તિને પણ યોજી. ભરપૂર યોજી, સબળપણે–સફળપણે યોજી.

શરૂઆતમાં શબ્દ એમને વશ નથી એવું ઇંગ્લેંડમાં ભાષણ આપવા ઊભા થયા અને એક જ વાક્ય બે ત્રણ વાર બોલીને આગળ વધી ન શક્યા અને બેસી જવું પડયું એ જાતના દાખલા પરથી માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’નું ગુજરાતી જોઈને પણ કોઈને એવું લાગે. છતાં જરી બારીકાઈથી તપાસતાં, ગાંધીજીમાં ભલે વાગ્મિતા જોવા ન મળતી હોય, પણ એમનામાં કથનની સુરેખતા અને સરળતાનાં તો લગભગ સર્વત્ર દર્શન થશે. ‘ઇન્ડિયન ઓપિનિયન’માં બધાં લખાણો એવાં નથી, પણ જે ગાંધીજીના ખાતરીપૂર્વક છે, તેની ભાષા હૃદયસોંસરી ઊતરી જાય એવી જોવા મળે છે.

મોહનદાસ 19 વરસની વયે વિલાયત જવા ઊપડે છે ત્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જુલાઈ 4, 1888ના રોજ એમને વિદાયમાન આપવા થયેલા મેળાવડામાં ઉત્તર આપતા જે બોલેલા તેમાંનું એક વાક્ય ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના 12-7-1888ના અંકમાં છપાયેલા અહેવાલમાં સંઘરાયું છે. એ વાક્યમાં ગાંધીજીના વ્યક્તિત્વની આખી તાસીર પ્રગટ થાય છે :

“હું આશા રાખું છું કે બીજાઓ મારો દાખલો લેશે અને ઇંગ્લેન્ડથી પાછા આવ્યા બાદ હિંદુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં ખરા જિગરથી ગૂંથાશે.”

(1) સ્વભાવની અનાક્રમકતા અને વાત્સલ્ય ‘હું આશા રાખું છું”- એ ઋજુ વચનમાં નીતરે છે.

(2) એ ઉંમરે પણ પોતાનો પોતા વિશે ખ્યાલ એ છે કે બીજાઓએ પોતાનો દાખલો લેવાનો છે. નેતૃત્વ કરવાની ખાતરી છે. 

(3) આ કામ ઇંગ્લેંડ જઈ આવવાનું હતું એટલે એ કરવા દ્વારા મુખ્ય શું સાધવાનું હતું તેની તરત વાત કરે છે. 

(4) હિંદુસ્તાનમાં પાછા ફરીને ઇંગ્લેન્ડમાં મેળવેલી સજ્જતા વડે મોટાં કામો કરવાનાં છે. પોતાના અંગત ઉત્કર્ષ માટેનાં મોટાં કામો નહીં, પણ ‘સુધારા’નાં મોટાં કામે કરવાનાં છે. હાડે પોતે સુધારક (રિફોર્મર) છે તે ઉપર પૂરેપૂરો ભાર અહીં મુકાયો છે.

(5) ખરા જિગરથી સુધારાનાં કામો કરવાનાં છે. દેશના લોકો કેવા નગુણા કે નઠોર કે અપાત્ર છે એવી ટીકા કરતાં, બળાપા કાઢતાં કે કણસતાં સેવા કરવાની નથી. કોણ ફરજ પાડવા આવ્યું હતું ? પોતાને એના વિના ચેન પડતું નથી એ રીતે કરવાની છે. ખરા જિગરથી કરવાની છે.

આ બે શબ્દો આખા વાક્યોમાં આત્મત્યાગના અમૃતઘૂંટડા પીવાની લગનીને છતી કરી દેનારા છે. 

(6) સેવાનાં કામો હાથ ધર્યાં, પતાવ્યાં, હાશ છૂટ્યા!—એમ કહી હાથ ખંખેરી પછી મોજશોખમાં પડવાનું નથી. આ તો લગની લાગી તે લાગી. ગૂંથાઈ જવાનું છે, સમગ્ર જાત એમાં ડુબાવવાની (ટોટલ ઇન્વોલ્વમેન્ટની) આ વાત છે. ક્રિયાપદની પસંદગી ઉત્કૃષ્ટ છે. ગાંધીજી ક્રિયાના માણસ છે. એમનાં વાક્યો ટૂંકાં ટૂંકાં, કેવળ ક્રિયાપદના આધારે ઊભેલાં જણાશે.

એક આત્માના આખા ય અભિગમને એક વાક્યમાં આપણે પામી શકીએ છીએ. ગાંધીજીનો સૌથી પહેલો નોંધાયેલો આ ઉદ્ગાર હત્યાપૂર્વે કોઈએ હસ્તાક્ષર માગતાં એમણે ટપકાવી દીધો હોત તો તે વખતે પણ એમને ભાગ્યે જ એથી વધુ કહેવાનું હોત.

ગાંધીજી સવ્યસાચી હતા. અંગ્રેજી વધુ સુઘડ, બાઈબલની શૈલીની ઝાંયવાળું લખતા એમ પણ કોઈ કહે.

એડવર્ડ થોમ્પ્સન બીજી ગોળમેજી પરિષદ વખતે એમને ખરડાઓ તૈયાર કરી આપતા અને પછી જોતા કે ગાંધીજી કેટલુંક કાપી નાખે અને ક્યાંક એકાદ નામયોગી અવ્યય મૂકી દે. થોમ્પ્સન નોંધે છે કે ગાંધીજી અંગ્રેજી ભાષાની નામયોગી અવ્યયની શક્તિના ભારે પરખંદા હતા. 

ગાંધીજીના ગુજરાતી લખાણમાં સરળતા, ઘરેલુપણું, સોંસરાપણું અને અનુભવમાંથી નીતરતી વાણીમાં અવશ્ય પ્રગટ થતી સચ્ચાઈ અને ઉદારતા જોવા મળે છે. ‘મંગળ પ્રભાત’ના કોઈ પણ એક નિબંધની ભાષાશક્તિ તપાસી જુઓ. અરે, ‘આરોગ્યની ચાવી’ જેવી પુસ્તિકામાં પ્રગટ થતી ભાષાની શક્તિનું પૂરું બયાન કરવું હોય તો તેનું એ પુસ્તક કરતાં ક્યાં ય મોટા કદનું પુસ્તક મારે લખવું પડે.

ગાંધીજી ધ્યેયલક્ષી સાહિત્યકાર છે. લલિતવાઙમયના પ્રકારમાં આવી શકે એવું કાંઈ હોય તો તે ચરિત્રાત્મક લખાણો અને કોઈ-કોઈક જ-નિબંધો બલકે નિબંધકંડિકાઓ. એટલે સાહિત્યકાર કે એવાં ખાનાંઓમાં ગોઠવવા કરતાં એમની ભાષાની શક્તિનો તાગ મેળવવો એ જ મુખ્ય ઉપક્રમ રહે એ યોગ્ય છે.

(ડૉ. રમણ મોદીના પુસ્તક ‘ગાંધીજીનું સાહિત્ય’ના પ્રવેશકમાંથી)
09 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 358

Loading

ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 July 2025

ચંદુ મહેરિયા

સ્વચ્છ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીઓના આયોજન માટે ભારતના ચૂંટણી પંચનો દુનિયામાં ડંકો વાગે છે. પરંતુ આજકાલ તેની એ જ સાખ પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાર્લામેન્ટરી સ્પીચ, પ્રેસ કોન્ફરન્સ અને હવે આર્ટિકલ (MATCH-FIXING MAHARASHTRA) દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઈલેકશન કમિશનની ભૂમિકા સામે સવાલો ઊઠાવ્યા છે. કાઁગ્રેસ નેતાએ મહારાષ્ટ્રના ચૂંટણી વિજયને મતોની ચોરી ગણાવી, ચૂંટણી પૂર્વેના છ માસમાં મતદારોમાં થયેલા વધારાને અસાધારણ અને પંચની સત્તા પક્ષ સાથેની મિલીભગતથી થયેલો ગોટાળો કહ્યો છે. 

અઢાર લોકસભા અને સંખ્યાબંધ વિધાનસભાઓની ચૂંટણીઓનું મુશ્કેલ, પડકારજનક અને ગંજાવર કામ ચૂંટણી પંચે પાર પાડ્યું છે. બંધારણના અનુચ્છેદ ૩૨૪ પ્રમાણે બંધારણીય સંસ્થા તરીકે સ્થાપિત ચૂંટણી પંચનું કાર્ય મતદાર યાદી તૈયાર કરવાથી માંડીને ચૂંટણીનું પરિણામ જાહેર કરવા સુધીનું છે. ભારતની ભૌગોલિક, સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા વચ્ચે પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેનથી વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સરાહનીય કાર્ય કર્યું છે. દેશના દુર્ગમ વિસ્તારોના મતદાન મથકો પર ચૂંટણી અધિકારીઓ તથા કર્મચારીઓ અને ચૂંટણી સામગ્રીને પગપાળા, બોટ અને હાથી-ઊંટ સવારીથી પહોંચાડી ચૂંટણીઓ પાર પાડી છે. ચૂંટણી પંચની નિમણૂક સંપૂર્ણ સરકાર હસ્તક હોવા છતાં પંચની નિષ્પક્ષતા મુદ્દે ઝાઝા વિવાદો થયા નથી. 

જો કે છેલ્લા એકાદ દાયકાથી ચૂંટણી પંચ વિવાદોના ઘેરામાં છે. વિપક્ષો તેને નિષ્પક્ષ રેફરી કે એમ્પાયરને બદલે ખેલાડી (અને એ ય બારમો) તરીકે ઓળખે છે. ઈલેકશન કમિશન સરકારના કહ્યાગરા તરીકે વર્તતું હોવાની છાપ ઊભી થઈ રહી છે. સરકારી તંત્ર સાથેના મેળાપીપણાથી વિપક્ષોને વેઠવું પડે છે અને જીતની બાજી હારમાં પલટાઈ જાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં વિપક્ષી મહાયુતિ વિજય માટે આશાવાદી હોવા છતાં સત્તાધારી મહા અઘાડી ભારે બહુમતીથી પુન: સત્તામાં આવી ત્યારે વિરોધ પક્ષોના ગઠબંધને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ભારે શંકાઓ વ્યક્ત  કરી છે. 

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોકસભાની ચૂંટણી થઈ હતી. લોકસભા ચૂંટણીમાં સત્તાધારી બી.જે.પી. ગઠબંધન કરતાં વિરોધ પક્ષોના ગઠબંધનને વધુ લોકસભા બેઠકો પર જીત મળી હતી. તેના  છ જ મહિના પછી થયેલી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો થઈ ગયો હતો. જે લોકસભા બેઠક વિપક્ષ જીત્યો હતો તેના હેઠળની વિધાનસભા બેઠકોમાં પણ તેની હાર થવી તે ચિંતા અને વિવાદનો વિષય છે. આ કારણે ચૂંટણી પંચ પર સત્તા પક્ષના પક્ષધર અને કઠપૂતળી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. 

લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચેના માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં મતદારોમાં થયેલો આઠ થી દસ ટકાનો (ચાલીસ લાખ મતદારોનો) વધારો સૌથી મોટો વિવાદનો મુદ્દો છે. રાહુલ ગાંધીના દાવા પ્રમાણે મહારાષ્ટ્રમાં ૨૦૧૯ થી ૨૦૨૪ના પાંચ વરસોમાં બત્રીસ લાખ મતદારો વધ્યા હતા. પરંતુ વિધાનસભા ચૂંટણીના છેલ્લા છ જ માસમાં ચાળીસ લાખ મતદારો વધ્યા હતા. આ વૃદ્ધિ અભૂતપૂર્વ અને અસાધારણ તો છે જ , શંકા પણ જન્માવે છે. રાહુલ ગાંધીના આરોપ પ્રમાણે ભા.જ.પ. અને સાથી પક્ષો લોકસભા ચૂંટણીમાં જ્યાં નબળા હતા તે જ વિસ્તારોમાં મતદારોમાં અને છેલ્લા કલાકોમાં મતદાનમાં વૃદ્ધિ મતોની ચોરી માટે ઘડાયેલો પ્લાન છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસના મતક્ષેત્ર નાગપુરમાં પણ ત્રીસ હજાર મતદારો વધ્યાનું જણાવ્યું છે. 

ઈલેકશન કમિશન રાહુલ ગાંધીના આરોપના પ્રત્યુત્તરમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં તમામ રાજકીય પક્ષોની સામેલગીરી સાથેની પારદર્શી પ્રક્રિયાનું વિગતે વર્ણન કરે છે. મતદારોમાં થયેલ વધારા-ઘટાડા સામે કોઈએ જે તે સમયે કોઈ વાંધો ન લીધો હોવાનું ગાણું ગાયે રાખે છે. વિરોધપક્ષોની માંગ છે કે પંચ લોકસભા અને વિધાનસભા ઈલેકશનની ડિજિટલ મતદાર યાદીઓ પૂરી પાડે કે જાહેર કરે. જેથી તેમના આરોપના આધારો આપી શકાય. પરંતુ પંચ આ માટે તૈયાર નથી. 

વિપક્ષનો બીજો આરોપ તેથી પણ વધુ ગંભીર છે. મતદાનના છેલ્લા એક બે કલાકોમાં થયેલા આઠ ટકા જેટલા વધારાને તેઓ અપ્રત્યાશિત કહે છે. અને આ મતદાન વૃદ્ધિના પંચે જણાવેલાં કારણો તેમને પ્રતીતિકર લાગતા નથી કે સંતોષી શકતા નથી. એટલે તેઓ મતદાન કેન્દ્રના ફૂટેજ અને બીજા ઈલેકટ્રોનિક દસ્તાવેજોની માંગણી કરે છે. 

મતદાનના છેલ્લા કલાકોમાં મતદાનની ટકાવારીમાં થયેલા અસામાન્ય વધારાનાં વાજબી કારણો અને આધારો પૂરા પાડવાને બદલે ચૂંટણી પંચની ભલામણથી ભારત સરકારે ૧૯૬૧ના ચૂંટણી પ્રક્રિયા સંબંધી નિયમોના નિયમ ૯૩માં સુધારો કર્યો છે. આ સુધારા પ્રમાણે ઈલેકટ્રોનિક ડોક્યુમેન્ટસ (સી.સી.ટી.વી. ફૂટેજ, વેબ કાસ્ટિંગ ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગ) જાહેર કરવા કે જાહેર નિરીક્ષણ માટે આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. પંચ અને સરકારનું આ પગલું વિરોધપક્ષના આરોપોને સાચા ઠેરવવા લેવાયું હોવાનું પ્રથમ નજરે લાગે છે.

ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સ પરની બંધી પછી ઈલેકશન કમિશને દેશના તમામ ચૂંટણી અધિકારીઓને જો તેમના મતવિસ્તારની ચૂંટણીને અદાલતમાં પડકારવામાં આવી ન હોય તો પિસ્તાળીસ દિવસ પછી તમામ ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સનો નાશ કરવા જણાવ્યું છે. આ આદેશ પણ વિપક્ષના ચૂંટણી પંચની તટસ્થતા સામેના આરોપોને સાચા ઠેરવે છે. 

રાહુલ ગાંધી સહિતના ઘણાં વિપક્ષી નેતાઓ જ્યારે પંચની નિષ્પક્ષ ભૂમિકા સામે સવાલ કરે છે ત્યારે પંચનું વલણ તટસ્થતા દર્શાવવાનું કે સંવાદનું નથી પણ આક્રમક અને વિરોધનું છે. ઈલેકશન કમિશન માટે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો એક સમાન હોવા જોઈએ. તેને બદલે  જો પંચ ખુદ તેમને વિરોધી માને તો તે સ્વસ્થ લોકતંત્ર માટે સારી બાબત નથી.

ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ બાબતે સરકારના વલણ સંદર્ભે અદાલતી પડકાર અને રાજકીય વિવાદ થયા છે. એક વ્યક્તિના ચૂંટણી પંચને નવમી લોકસભા પૂર્વે, ૧૯૮૯માં,  તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ ત્રણ સભ્યોનું બનાવ્યું હતું. એનું દેખીતું કારણ તો એ સમયના ચૂંટણી કમિશનર આર.વી.એસ. પેરીશાસ્ત્રી પર સરકારી અંકુશનું હતું. રાજીવ ગાંધી પછીના વડા પ્રધાન વી.પી. સિંઘે એટલે જ તેને કમિશનમાંથી કમિશનરમાં ફેરવી નાંખી એક વ્યક્તિનું બનાવ્યું હતુ. ૧૯૯૩માં પી.વી. નરસિંહરાવે તેમના પ્રધાન મંત્રી કાળમાં ફરી તેને ત્રણ સભ્યોનું બનાવ્યું હતું. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી ૨૦૦૨ના ગોધરા, અનુગોધરાકાંડ પછી વિધાનસભાની જલદી ચૂંટણીઓ ઈચ્છતા હતા, પરંતુ તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર લિંગદોહ તેમાં સંમત નહોતા. એટલે ચૂંટણી સભાઓમાં મોદી જેમ્સ માઈકલ લિંગદોહના પૂરા નામ સાથે ચૂંટણી કમિશનર પર આક્ષેપો કરતા હતા. આ હકીકતો દર્શાવે છે કે ગઈકાલની અને આજની સરકારો ચૂંટણી પંચ તેમની મનમરજી મુજબ વર્તે તેવા પ્રયાસો કરે છે. 

ચૂંટણી પંચના સભ્યો અને તેમની સંખ્યા બાબતે કોઈ સ્પષ્ટ કાયદો ન હોવાથી ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે કાયદો ન ઘડાય ત્યાં સુધી વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સમિતિ પંચના સભ્યોની પસંદગી કરે તેવો આદેશ કર્યો હતો. હાલની સરકારને તે માફક આવે તેવો ન લાગ્યો એટલે તેણે વડા પ્રધાન, કેબિનેટ મિનિસ્ટર અને વિપક્ષી નેતાની પસંદગી સમિતિ બનાવી છે. એ રીતે તેણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બાદબાકી કરીને અને કેબિનેટ મિનિસ્ટરને સામેલ કરીને સમિતિમાં પોતાની બહુમતી ઊભી કરી દીધી છે. 

ટી.એન. શેષન અને જે.એમ. લિંગદોહ જેવા અપવાદોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ ચૂંટણી કમિશનર તેમની નિષ્પક્ષતા અને રાજકીય પક્ષો પર ધાકની કાયમી છાપ છોડી શક્યા છે. ભારત જેવા વિશાળ દેશમાં લોકતંત્રની આધારશિલા નિષ્પક્ષ, ન્યાયી અને સ્વતંત્ર ચૂંટણીઓ છે. તેના માટે ચૂંટણી પંચનું તટસ્થ હોવું અને તટસ્થ દેખાવું જરૂરી છે. 

રાહુલ ગાંધીએ એમના તાજેતરના લેખમાં ઈલેકશનની કમિશનની તટસ્થ ભૂમિકા હંમેશાં અને બધે જ નહીં પણ ઘણીવાર શંકા પેદા કરનારી હોવાનું જણાવ્યું છે. પંચે આ બાબતને વિપક્ષો હારે છે એટલે પંચ પર દોષનો ટોપલો ઢોળે છે, એ રીતે જોવાને બદલે હકારાત્મક ગણી વિરોધ પક્ષો સામે હલ્લાબોલની ભૂમિકાને બદલે સંવાદની ભૂમિકા રચી તેનો તટસ્થતા પુરવાર કરવાનો વર્તમાન કસોટી કાળ વધુ ન લંબાય તેમ કરવું જોઈએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|9 July 2025

હેમન્તકુમાર શાહ

શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન પ્રશ્ન પૂછે છે એટલે, સ્થિતપ્રજ્ઞ મનુષ્યનાં લક્ષણો અઢાર શ્લોકોમાં ગણાવે છે. મહાત્મા ગાંધીની રોજની સાંજની પ્રાર્થનામાં આ શ્લોકોનું પણ સ્થાન હતું.

કિશોરલાલ મશરૂવાળાએ ગીતાનો જે અદ્ભુત સમશ્લોકી અનુવાદ કર્યો છે તેમાં આ અઢાર શ્લોકોમાં લગભગ વચ્ચે આવતા બે શ્લોક આ પ્રમાણે છે :

“વિષયોમાં રહે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે, 

જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે.

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે,

સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.”

ગીતા પણ કહે છે કે છેવટે બુદ્ધિનો નાશ થાય ત્યારે જ આખરી વિનાશ થાય છે. આજકાલ રાજકીય ભક્તો સ્વયંનો બુદ્ધિનાશ કરી રહ્યા છે, તેઓ નરી આંખે દેશની જે વાસ્તવિકતા દેખાય છે તે જોવા પણ તૈયાર હોતા નથી. તેમની સ્મૃતિ બદલવામાં આવી રહી છે અને વિકૃત કરવામાં આવી રહી છે એટલે એમણે એમની ભક્તિમાં તર્કશક્તિ અને બુદ્ધિને કોરાણે મૂકી દીધાં છે. આ રાજકીય ભક્તોએ તેમની બુદ્ધિ તેમના એકમાત્ર નેતાને સોંપી દીધી છે કે જે વિષયોમાં આસક્ત છે, અને ભક્તોએ પોતે તેનું શરણું લઈ લીધું છે. 

પરિણામે તેઓ તેમનો બુદ્ધિનાશ કરી માત્ર તેમનો પોતાનો વિનાશ નોતરે છે એવું નથી, એ તો થાય પણ ખરો કે ન પણ થાય, તેઓ દેશનો પણ વિનાશ, ધીમી ગતિએ તો ધીમી ગતિએ, નોતરી રહ્યા છે. તેનું કારણ એ છે કે આ બુદ્ધિનાશ વ્યક્તિગત રહ્યો નથી પણ સામૂહિક સ્તરે પહોંચી ગયો છે.  

ગુજરાતની શાળાઓમાં ગીતાનો અભ્યાસ દાખલ કરવામાં આવ્યો છે. શું એમાં આ બુદ્ધિનાશ એટલે શું અને એ વિનાશને કેવી રીતે આમંત્રે તે ભણાવાશે?

ગણ્યા ગણ્યા નહીં અને વીણ્યા વીણ્યા નહીં એટલા બધા ધર્મોના કથાકારો કે પછી ભગવાધારી કે સંસારી મોટિવેશનલ સ્પીકરો આ બુદ્ધિનાશ વિશે અને તેનાથી થતા વિનાશ વિશે વાત કરશે? કથાકારોની સાથે જ જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, સંજય રાવલ, રમેશ તન્ના કે દીપક તેરૈયા જેવાઓ નાગરિકોના બુદ્ધિભ્રમ, બુદ્ધિભ્રષ્ટતા અને છેવટે બુદ્ધિનાશમાં કેટલો ફાળો આપી રહ્યા છે?

ગીતાના ચોથા અધ્યાયના ૩૮મા શ્લોકમાં એમ કહ્યું છે કે, “न हि ज्ञानेन सदृशम् पवित्रम् इह विद्यते.” એટલે કે ज्ञान જેટલી પવિત્ર વસ્તુ આ જગતમાં એકેય નથી. પણ બુદ્ધિને કોરાણે મૂકનારા ज्ञान કેવી રીતે પ્રાપ્ત કરી શકે? 

આ રાજકીય ભક્તો તો “मामेकं शरणं व्रज”માં શ્રદ્ધા ધરાવે છે. તેમનો નેતા કહે છે કે “માત્ર મારા શરણમાં આવી જા.” અને તેઓ તેમની બુદ્ધિનો નાશ કરીને નેતાની શરણમાં ગયેલા છે. 

તા.૦૯-૦૭-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...251252253254...260270280...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved