Opinion Magazine
Number of visits: 9683268
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસની ગંધ

નીલેશ કાથડ, નીલેશ કાથડ|Poetry|17 April 2020

પ્રિય,
કોરોના વાઇરસ
નામ તારું કોરોના
ને,
જાત તારી વાઇરસ છે
એવું માનું છું.
કેમ કે,
અમે જાતપાતના માણસ ખરાંને !
એમ પણ માની લઉં
કે, તારે આંખ, કાન નાક અને જીભ હશે,
તેં વેરેલી તારાજીને
પહોંચી વળવા
એકબીજા દૂર રહેવું
જેને, અમે સોશિયલ ડિસ્ટન્સ નામ આપ્યું છે.
ત્યારે
ઘાંઘા થયેલાં માણસની વાતો સાંભળી
તું પણ
હસી હસીને બેવડ વળી ગયો હઈશ.
તારા નાશ માટે વૅક્સિન શોધવી બાકી છે.
પણ અમને કહેવામાં આવ્યું
કે, હાલ
તાળી પાડો
થાળી વગાડો
દીવા પેટાવો
બત્તી કરો
આ બધું તું સૂક્ષ્મ આંખે જોતો હઈશ
જો તું બોલી શકતો હોત તો શું કહેત ?
માણસજાતને.
કે,
ભોગવો તમારું પેલા ભવનું પાપ.
જે રીતે અહીં કેટલાંક
તારા આવ્યાં પહેલાં
ભોગવતાં રહ્યાં
કહેવાતા પેલા ભવનું,
માણસસર્જિત પાપ.
જો કે, અમે
સ્વર્ગ-નરક, પાપ-પુણ્યમાં માનનારાં માણસ
એટલે તો તને કોરોનાદેવ
કોરોનામાતાજી સમજી બેઠાં.
અરે, તારા કેરથી બચવા
ભૂવાએ દાણા પણ જોઈ નાખ્યા.
ત્યારે તારા પૂર્વજો મને યાદ આવી ગયા.
તું તો નવી પેઢીનો વાઇરસ
તને કયાંથી સાંભરે !
તારા પૂર્વજો શીતળા માતા
અને બળિયા દેવ.
આમ જ અમે
ઝાલર વગાડી
ધૂપદીવા કરી
પૂજા કરી, માનતા રાખતા.
પણ,
ના રીઝ્યા તે ના જ રીઝ્યા
ને, અમે મરતાં રહ્યાં
એના કોપથી.
આટલા દિ’ પછી
તને, માણસની ગંધ આવતી હશે!
સોશિયલ ડિસ્ટન્સ ના હોત તો 
તું, અમને ખતમ કરી નાખત.
ને અમે
મંદિર, મસ્જિદ અને ગિરજાઘરમાં
હાથ જોડી ઊભાં હોત.
તારાથી છૂટકારો પામવા
પણ,
પથ્થરના ભગવાન
દરવાજાની અંદર
સદીઓથી મૌન ધારણ કરી
જડવત્ બેઠા છે ત્યારે,
હવે તું જ કહે,
માણસની ગંધ
કેવી લાગી તને ?

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 ઍપ્રિલ 2020

Loading

લૉકડાઉન-જંતર

ઉમેશ સોલંકી|Poetry|17 April 2020

નગર
ડગર
રણથી લગીર ઉપરની ચાદર પથરાઈ ડગર પર
પાંદડાં પડે, આથડે
ગેડ પડે, ખૂણો વળે
ન ખલલ, બસ લય ફરે
વળે દૂર
દૂ…ર પછવાડે શું હશે? ભૂત?
ભૂખ
હાથમાં ફરતું અટકી-અટકી ખંજર
પાછળ-પાછળ ખોડંગાતો ભય.
લથબથ-લથબથ ઘાયલ લય
રેલો નીકળ્યો, વધ્યો, છબછબ- છબછબ ભય
ઊછળ્યાં છાંટા-છાંટી
નીકળ્યાં રેલા-રેલી
પડ્યાં, ઘૂસ્યાં અંદર : શેરી ચાલી ગલી વાંકીચૂકી.
બહાર
શેરી-ચાલી-ગલીનો સંસાર
સાગર ભુલાય માંડ
ભરતી ભીતર
તત્પર-તત્પર
શું તણાશે? આખેઆખું તંતર?
કે ચાલશે જંતરડાનું જંતર?

e.mail : umlomjs@gmail.com

Loading

ઇમ્યૂનિટી બૂસ્ટિંગઃ આધી હકીકત, આધા ફસાના

દીપક સોલિયા|Opinion - Opinion|17 April 2020

રોગપ્રતિકારક શક્તિ વધારવા વિશેનાં જે સૂચનો ચર્ચાઈ રહ્યા છે તેને વિજ્ઞાનનો કેટલો ટેકો છે?

દોરા-ધાગા-તાવીજ-માદળિયાં-તંત્ર-મંત્રની વાત જવા દો, આજે વાત કરવી છે ‘વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા’ની કૅટેગરીમાં મૂકી શકાય એવી કેટલીક બાબતોની. જેમ કે, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ એવું માને છે કે હાઈડ્રોક્સિ-ક્લોરોક્વિન વડે કોરોનાનો મુકાબલો થઈ શકે છે. પૂરતા વૈજ્ઞાનિક પુરાવા વિનાની આ દૃઢ અને જોશીલી માન્યતાના જોરે ટ્રમ્પે ભારત પર એટલું બધું દબાણ કર્યું કે ભારતે ઝૂકીને એક જ દિવસમાં હાઈડ્રોક્સિ-ક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવો પડ્યો.

વિશ્વમાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોનો ભોગ લેનાર સ્પેનિશ ફ્લૂનો રોગચાળો આજથી એક સદી પહેલાં જ્યારે જોરમાં હતો ત્યારે એક જાણીતા મલમની જાહેરાતમાં એવો દાવો કરવામાં આવતો કે આ ત્રણ બાબતો વડે તમે સ્પેનિશ ફ્લૂથી બચી શકશોઃ ૧) મૌન સેવો. ૨) કબજિયાત ન થવા દો. ૩) અમારું વેપોરબ ગળા-છાતી પર ઘસો. આ વેપોરબ ઉપરાંત સાપના તેલથી માંડીને મધ અને ફુદીનાને લગતી કેટલીક પ્રોડક્ટ્સ પણ ફ્લૂ મટાડી શકતી હોવાના દાવા કરતી જાહેરાતો એ વખતે (૧૯૧૮-૧૯નાં છાપાંઓમાં) મોટા પ્રમાણમાં જોવા મળતી.

એ વાતને સદી વીતી ગઈ. હવે માનવજાત કોરોનામાં સપડાઈ છે. અને ફરી એક વખત, અગાઉની જેમ જ, કોરોનાથી બચવાના જાતજાતના ‘ઇલાજો’ સૂચવાઈ રહ્યા છે. એ બધેબધા ઇલાજોમાં ન પડતાં, અહીં ફક્ત રોગપ્રતિકારક શક્તિમાં સીધો વધારો (ઇમ્યૂનિટી બૂસ્ટ) કરવાને લગતી કેટલીક ‘વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા’ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ.

રોગના પ્રતિકારનું મિકેનિઝમ પહેલાં તો સમજીએ. ત્વચા, શ્વાસનળી તથા મ્યુકસ મેમ્બ્રેન જેવા પહેલી હરોળના સૈનિકોને હરાવીને જીવાણુ-વિષાણુ જો શરીરની અંદર લોહી સુધી પહોંચી જાય તો પછી શરીરનું કુદરતી, જન્મજાત રોગપ્રતિકારક મિકેનિઝમ કામે લાગે. એ મિકેનિઝમ પણ અપૂરતું લાગે તો શરીર દ્વારા વિકસાવાયેલી ઇમ્યૂન સિસ્ટમ ચોક્કસ રોગો સામે લડવા ચોક્કસ સૈનિક-કોષો પેદા કરે (એમાં થોડો સમય લાગે). જેમ કે, કોરોનાના વાઇરસ સામે લડવા માટે શરીરમાં જે ટી-સેલ્સ બને, તે અન્ય બેક્ટેરિયા કે વાઇરસ સામે ન લડે. એ કહી દે કે અમારું કામ ફક્ત કોરોના સામે લડવાનું જ છે.

આ બધા ઉપરાંત, રોગના પ્રતિકારનું એક અત્યંત મહત્ત્વનું બાહ્ય સાધન છે રસી. રસી જીવતાં કે મરેલાં રોગજંતુ કે તેના કેટલાક હિસ્સાની બનેલી હોય છે. રસી એટલે ‘ડમી દુશ્મન’. શરીર આ ડમી દુશ્મન સામે લડવાની પ્રેક્ટિસ બાદ અસલી દુશ્મન સામે સારી રીતે લડી શકે છે. રોગપ્રતિકારક શક્તિને વધારવાનો-ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવાનો સૌથી સચોટ, નક્કર અને વૈજ્ઞાનિક રસ્તો આ જ છેઃ રસી. ઇમ્યૂનિટી મુખ્યત્વે રસીથી જ બૂસ્ટ થાય.

ટેક્નિકલી, ઇમ્યૂનિટી બૂસ્ટ થાય ત્યારે રોગ વખતે શરીર જે પ્રતિક્રિયા આપે તે પ્રતિક્રિયાઓ ઉત્તેજિત થાય. જો કે એ પ્રતિક્રિયાઓ સુખદ નથી હોતી. સાદો દાખલો લઈએ. શરદી થાય ત્યારે નાકમાંથી પ્રવાહી વહે, શરીરમાં કળતર થાય અને તાવ આવે. આ ત્રણેય ત્રાસમાં વાઇરસનો પોતાનો સીધો કોઈ હાથ નથી હોતો. આ લક્ષણો શરીર પોતે જ, પોતાના લાભ ખાતર પેદા કરે છે. શરદી વખતે શરીર જે પ્રવાહી પેદા કરે છે તે રોગજંતુને શરીરમાંથી બહાર ફગાવવામાં મદદ કરે છે. એ જ રીતે તાવને લીધે શરીરની ગરમી વધી જવાથી રોગજંતુને પોતાની વસતિ વધારવામાં મુશ્કેલી પડે છે. અને પેલું કળતર. એ કળતર અમુક રસાયણોને લીધે અનુભવાય છે. એ રસાયણો ત્રાસજનક હોવા છતાં ઉપયોગી એ રીતે છે કે રોગપ્રતિકારક કોષોએ શરીરના ક્યા ભાગમાં જઈને શું કરવાનું છે તે વિશેની દોરવણી આપવાનું એટલે કે માર્ગદર્શકનું કામ આ કળતર પેદા કરનારા રસાયણો કરે છે. અને હા, કળતર પેદા કરતાં રસાયણો આપણને એમ પણ કહે છે કે ભઈલા, ચૂપચાપ છાનોમાનો પડ્યો રહે, આરામ કર.

ટૂંકમાં, બે ઘડી માની લો કે ગ્રીન ટી પીવાથી જો ઇમ્યૂનિટી બૂસ્ટ થતી હોત તો ગ્રીન ટીના સેવનથી ચહેરા પર ચમક ન આવતી હોત, બલકે નાક રેલાવા લાગતું હોત, કારણ કે અસલી ઇમ્યૂનિટી બૂસ્ટિંગ આ છે, જેમાં શરીરનું પ્રતિકારતંત્ર જાગી ઊઠે, સક્રિય બને અને કદાચ તાવ-બાવ લાવી દે.

માન્યું કે મોટા ભાગના લોકો જ્યારે રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટ કરવાની વાતો કરતાં હોય છે ત્યારે તે ઉપર નોંધી છે તેવી ટેક્નિકલ પ્રક્રિયાઓને સીધેસીધી એક્ટિવેટ કરવાની વાત નથી કરતા હોતા. તેઓ ‘ઇન જનરલ’ પ્રતિકારક શક્તિ અને આરોગ્ય વધારવાની વાત કરતાં હોય છે. આવાં જે સૂચનો-કીમિયા-નુસખા-સલાહો માર્કેટમાં આજકાલ બહુ જોવા મળી રહ્યાં છે તેના પર નજર કરી જોઈએ. ૧) વિટામિન સી. ૨) લીમડો. ૩) આદુ. ૪) પ્રોબાયોટિક્સ (શરીરને ઉપયોગી એવા જીવાણુ ધરાવતા પદાર્થો-દવાઓ). ૫) હળદર. ૬) આ માન્યતા ભારતમાં ઓછી છે, પણ પશ્ચિમના દેશોમાં એવું તૂત ચાલ્યું છે કે માસ્ટરબેશનનું પ્રમાણ વધારવાથી ઇમ્યૂનિટી બૂસ્ટ થાય. ના, આમાં વાત ફક્ત એટલી જ છે કે અન્ય શરીરના સંપર્કને ટાળીને જાતે જાતીય સુખ મેળવવાથી અન્યના ચેપથી બચી શકાય છે. ૭) લીલી ચા. ૮) ગરમ પાણી પીવું. ૯) એન્ટિઑક્સિડન્ટ્સની ટીકડીઓ. આ યાદી તમે લંબાવી શકો છો …

અલબત્ત, આ બધા ‘ઉપચારો’ કંઈ વિલન નથી. ઇન ફેક્ટ, જો તેમનો અતિરેક ન કરવામાં આવે તો આમાંના ઘણા ‘નિર્દોષ ઉપચારો’ આરોગ્ય માટે લાભદાયી નીવડી જ શકે, પરંતુ સમજવા જેવું એ છે કે આ નિર્દોષ નુસખાને લીધે જો માણસમાં એવો આત્મવિશ્વાસ પ્રગટે કે બૉસ, હું તો વિટામિન સીની ટીકડી લઉં છું અને આદુ-અજમો-હળદર લઉં છું, એટલે કોરોના મારું કશું બગાડી શકશે નહીં, તો લોચો. આવો ખોટો આત્મવિશ્વાસ માણસને સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવા બાબતે બેદરકાર બનાવીને પાર્ટીઓ કરવા પ્રેરી શકે. આ જોખમ મોટું ખરું.

બાકી, કોરાના સામે લડવાની શક્તિ ખરેખર વધારે એવી જે બાબતોને વિજ્ઞાનનો પૂરેપૂરો ટેકો છે, જેની નક્કર-સજ્જડ સાબિતીઓ છે તેટલી બાબતો તો આ જ છેઃ

1. સૌથી બાહ્ય રોગપ્રતિકારક સૈનિક એટલે કે ત્વચાને જ કોરોના-મુક્ત રાખવા માટે ઘરમાં રહેવું, ચહેરાને બહુ ન અડવું અને હાથ ધોવા.

2. ઉજાગરા ન કરવા. અપૂરતી ઊંઘ પ્રતિકારક તંત્ર પર ઘણી ખરાબ અસર પાડે છે.

3. માપસરનો વ્યાયામ. એ શરીરને કાર્યક્ષમ બનાવે છે.

4. વિશ્વના અંદાજે એક અબજ લોકો વિટામિન ડીની ઉણપથી પીડાતા હોવાનું તારણ કેટલાક અભ્યાસો પરથી તારવવામાં આવ્યું છે અને આ વિટામિન ડી રોગપ્રતિકારક તંત્રનો એક મહત્ત્વનો હિસ્સો છે. એટલે જો વિટામિન ડીની ઉણપ હોય તો (તો જ) તે માટેની દવા લેવી.

5. સ્ટ્રેસ-તણાવ-ચિંતાથી બચવું. મગજ પરનો ભાર ઇમ્યૂનિટીની વાટ લગાડે છે તેવું સ્પષ્ટપણે પૂરવાર થઈ ચૂક્યું છે.

6. એ પ્રકારનો વૈવિધ્યપૂર્ણ ખોરાક લેવો જેથી શરીરને જરૂરી એવાં તમામ પોષક તત્ત્વો મળી રહે.

7. સૌથી છેલ્લો, સૌથી મહત્ત્વનો અને સૌથી સ્પષ્ટપણે સાબિત થઈ ચૂકેલો રોગપ્રતિકારક ઇલાજ છે, રસી. પણ અફસોસ, કોરોનાની રસી હજુ સુધી શોધી શકાઈ નથી.

એટલે અત્યારે તો આ સાતમા ઇલાજને બાદ કરતાં બાકીની છ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ છ બાબતો ઇમ્યૂનિટીના મિકેનિઝમમાં સ્પષ્ટપણે મદદરૂપ થતી હોવા વિશે વિજ્ઞાનને સહેજ પણ શંકા નથી.

e.mail : dipaksoliya@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 ઍપ્રિલ 2020

Loading

...102030...2,5052,5062,5072,508...2,5202,5302,540...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved