Opinion Magazine
Number of visits: 9682459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘શિખાબંધનમ્’ના સ્તરે અટવાયેલી સરકારી યોજનાઓ

બીરેન કોઠારી|Opinion - Opinion|26 April 2020

ઘણી બાળકથાઓ ને બોધકથાઓ એવી હોય છે કે વિવિધ પરિસ્થિતિઓમાં તે નવાં નવાં અર્થઘટન સાથે પ્રસ્તુત બની રહે. આવી જ એક કથા છે બાદશાહ અને તેના દીવાનની. એક વાર બાદશાહના દરબારમાં આવતાં દીવાનને મોડું થાય છે. બાદશાહ તેનું કારણ પૂછે છે. દીવાન હોઠે ચડ્યું એ કારણ જણાવતાં કહે છે, ‘સંધ્યા કરવા રોકાયો એટલે આવતાં મોડું થઈ ગયું.’ બાદશાહ વિધર્મી હોવાથી તેને માટે આ શબ્દ નવો હોય છે. એટલે તે પૂછે છે, ‘સંધ્યા કરવી એટલે શું?’ દીવાન માંડીને આખી વિધિ બાદશાહને સમજાવે છે. એ સાંભળીને બાદશાહને ધૂન ઉપડે છે, ‘મારેય સંધ્યા કરતાં શીખવું છે.’ દીવાનની સ્થિતિ કફોડી બની જાય છે. વિધર્મી બાદશાહથી કંઈ સનાતન ધર્મની વિધિ થાય? સાથે એ પણ મૂંઝવણ કે બાદશાહને સીધી ના શી રીતે પડાય? થોડું વિચારીને તે બાદશાહને બીજા દિવસે નદીએ આવવા જણાવે છે. નક્કી કરેલા સમયે બાદશાહ નદીએ પહોંચે છે. દીવાન અને બાદશાહ નદીનાં પાણીમાં ઊતરે છે. દીવાન સંધ્યાની શરૂઆત કરતાં પોતાના વાળની ચોટલી બાંધે છે અને બોલે છે : ‘શિખા બંધનમ્.’ બાદશાહ આશ્ચર્યથી પૂછે છે, ‘આ શું?’ દીવાન કહે, ‘શિખા બાંધો.’ મૂંઝાયેલો બાદશાહ કહે છે, ‘પણ મારે માથે શિખા નથી.’ દીવાન કહે છે, ‘તો કરાવો. માથાના વાળ ઉતારાવડાવો.’ બસ, પછી શું! માથું બોડાવવાના ખ્યાલે બાદશાહ ભડકી ઊઠે છે અને કહી દે છે, ‘નથી શીખવી મારે સંધ્યા.’ બાદશાહને સંધ્યા કરતાં શિખવવાનો મામલો સીધેસીધી ના પાડવાને બદલે દીવાન સિફતપૂર્વક ટાળી દે છે.

કોવિડ-૧૯ને કારણે ઘોષિત દેશવ્યાપી લૉકડાઉનને કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ. અલબત્ત, આવા અભૂતપૂર્વ સંજોગો અગાઉ કદી સર્જાયા નથી, એટલે કેટલીક મુસીબતો અનપેક્ષિત હોય એ સમજી શકાય એવું છે. આમ છતાં, આવા રાષ્ટ્રીય કટોકટીકાળમાં પણ ધ્રુવીકરણ, જૂઠાણાં, વરવું રાજકારણ અને નફરતના ખેલ ખેલાવાનું ચાલુ છે. ધ્રુવીકરણ કોમનું થાય એથી પણ વધુ આભાસી અને વાસ્તવિક જગતમાં રહેતા લોકોનું થઈ ગયું છે એ વર્તમાન યુગની વાસ્તવિકતા છે. એક તરફ ઈન્ટરનેટને કારણે સુલભ બનેલાં સામાજિક નેટવર્કિંગનાં અનેક માધ્યમો અને કિલ્લા ફરતે ઘેરો ઘાલીને પડ્યાપાથર્યા રહેતા કોઈ સૈન્યના સૈનિકો જેવા તેના ઉપભોક્તાઓ છે. બીજી તરફ આ માધ્યમના અસ્તિત્ત્વ વિશે જાણ સુદ્ધાં ન હોય એવા લોકો છે. આભાસી માધ્યમના સૈનિકો જેવા લોકો પોતાની અંગતમાં અંગત બાબતો આ માધ્યમ પર જાહેર કરે છે, અને સમસુખિયાઓ સાથે તે વહેંચે છે. આવા કપરા સમયમાં તેમને પોતાને ઘેર રહેવાનો વૈભવ પ્રાપ્ત થયો છે. પરિણામે આ સમય કંટાળ્યા વિના, બને એટલો આનંદદાયક રીતે કેમ પસાર કરવો તેના નુસખા તેઓ આ માધ્યમે વહેંચતા રહે છે. તેમની આર્થિક-સામાજિક સ્થિતિ જોતાં એમાં કશું ખોટું નથી.

બીજી તરફ એવો મોટો વર્ગ છે કે જેની સ્થિતિ આ વાતાવરણમાં કફોડી બની છે. ગયા સપ્તાહે સુરતમાં અસંખ્ય શ્રમિકો રસ્તા પર ઊતરી આવ્યા અને તમામ પ્રતિબંધ અને સાવચેતીને અવગણીને પોતાને વતન મોકલી દેવાની માગણી સાથે અશાંતિ પણ સર્જી. આ ઘટના એકલદોકલ છે, પણ તેને અવગણવાને બદલે સંકેત તરીકે જોવી જોઈએ.

દિલ્હીસ્થિત બિનસરકારી સંગઠન ‘જનસાહસ’ દ્વારા ૨૭ માર્ચથી ૨૯ માર્ચ દરમિયાન એક સર્વેક્ષણ હાથ ધરાયું. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને ‘બિલ્ડીંગ એન્ડ  અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ (બી.ઓ.સી.ડબલ્યુ.) વૅલફેર બૉર્ડ’ દ્વારા એકત્ર કરાયેલા ઉપકરનાં નાણાં સીધા શ્રમિકોના ખાતામાં જમા કરાવવાની સૂચના આપવામાં આવી હતી. સર્વેક્ષણમાં માલૂમ પડ્યું કે ૯૪ ટકા, એટલે કે મોટા ભાગના શ્રમિકો બી.ઓ.સી.ડબલ્યુ. કાર્ડ ધરાવતા નથી. પરિણામે નાણાં મેળવવા માટે તેઓ ગેરલાયક ઠરે છે. આ સર્વેક્ષણમાં ઉત્તર અને મધ્ય ભારતના બાંધકામ ક્ષેત્રના ૩,૧૯૬ સ્થળાંતરિત શ્રમિકો પાસેથી આ વિગત મેળવાયેલી હતી. સર્વેક્ષણના આ પ્રમાણને સમગ્ર દેશ માટે લાગુ પાડવામાં આવે તો કહી શકાય કે બાંધકામ ક્ષેત્રે દેશભરમાં સાડા પાંચ કરોડ જેટલા શ્રમિકો છે, તેમાંથી પાંચ કરોડ અને દસ લાખ શ્રમિકો સુધી આ નાણાં પહોંચશે નહીં.

લેખના આરંભે જણાવેલી વાર્તામાં આવે છે એમ, દીવાને બાદશાહને સંધ્યા શિખવવાની તૈયારી બતાવી, પણ એમ કરવા માટે ‘શિખાબંધનમ્’ની શરત પૂરી થવી અનિવાર્ય હતી. શાસન કોઈ પણ હોય, મોટા ભાગની સરકારી યોજનાઓ અને તેની વાસ્તવિકતા મોટે ભાગે ‘શિખા બંધનમ્’ના સ્તરે જ અટવાયેલી રહે છે. વધુમાં ૧૪ ટકા શ્રમિકો પાસે રેશન કાર્ડ નથી અને ૧૭ ટકા પાસે બૅન્કનું ખાતું નથી. ઉલ્લેખનીય છે કે બાંધકામ ક્ષેત્રનું દેશના કુલ સ્થાનિક ઉત્પાદન(જી.ડી.પી.)માં તેનું આશરે ૯ ટકા જેટલું પ્રદાન છે. આ ક્ષેત્રે સૌથી વધુ સંખ્યામાં સ્થળાંતરિત શ્રમિકો રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. આમાંના ૫૧ ટકા શ્રમિકોને માથે દેવું હતું, જે રોજગાર વિના ભરપાઈ થાય એમ નહોતું. વણનોંધાયેલા શ્રમિકોની સંખ્યા અલગ.

માત્ર બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની આ સ્થિતિ છે. તેની પરથી અન્ય અનેક ક્ષેત્રોના શ્રમિકોની સ્થિતિની કલ્પના કરવી રહી. આવી અભૂતપૂર્વ કટોકટીની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનાં પગલાં લેવામાં વિલંબ થઈ શકે એ સમજી શકાય. પણ આટલા દિવસોમાં એમ કરવા માટેનો ઈરાદો અને એ દિશામાં લેવાતા નિર્ણય કંઈક સંકેત આપે એ જરૂરી છે. ખાસ તો, ગતકડાં જેવા નિરર્થક, છતાં યુદ્ધમાં વિજેતા બની ગયા હોવાનું સૂચવતા આદેશો નિયમિત ધોરણે અપાતા હોય અને તેનું પાલન પણ ભારે ઉત્સાહભેર થતું જોવા મળતું હોય, ત્યારે આ દિશામાં કંઈક નક્કર કામ થાય એવી અપેક્ષા કેમ ન રખાય?

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020

Loading

સરકારની ટીકા એ નકારાત્મકતા નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 April 2020

બંધારણના ઘડવૈયાઓએ ‘વી ધ પીપલ’ને બંધારણમાં મૂળભૂત અધિકારો આપ્યા હતા. પરંતુ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને લોકશાહી અને નાગરિક અધિકારો અભરાઈ પર ચઢાવી દીધા હતા. ૧૯૭૬માં કટોકટી દરમિયાન થયેલા બેતાળીસમા બંધારણ સુધારા દ્વારા, જેમ આમુખમાં ધર્મનિરપેક્ષતા અને સમાજવાદી શબ્દ ઉમેરાયા હતા તેમ નાગરિકની મૂળભૂત ફરજો પણ ઉમેરાઈ હતી. ૨૦૧૫માં બંધારણના પ્રમુખ ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સવાસોમા જન્મ જયંતી વરસથી વર્તમાન વડાપ્રધાને ૨૬મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે રાષ્ટ્રીય ધોરણે મનાવવાનું શરૂ કર્યું છે.

નરેન્દ્ર મોદી ગાંધીનહેરુ કુટુંબના અન્ય નેતાઓની જેટલી ટીકાઓ કરે છે તેટલી ઇન્દિરા ગાંધીની કરતા નથી. નાગરિક અધિકારોના અમલ બાબતે ઉજળા ન જણાતા નરેન્દ્ર મોદીને ઇન્દિરાના કુખ્યાત બંધારણસુધારા દ્વારા અસ્તિત્વમાં આવેલી નાગરિક ફરજો બહુ પ્રિય છે. ૨૦૧૯માં જ્યારે સંસદના સેન્ટ્રલ હૉલમાં વિપક્ષની ગેરહાજરીમાં બંધારણનાં ૭૦ વરસની ઉજવણી થઈ, ત્યારે પણ તેમણે નાગરિકોની ફરજોની જ વાત સવિશેષ કરી હતી. એ વરસે શાળા-મહાશાળાઓમાં, સરકારી કચેરીઓમાં અને સંસદથી સડક સુધી સરકારે બંધારણ દિવસની ઉજવણીમાં બંધારણના અમુખનું નહીં, પણ નાગરિક ફરજોનું પઠન કરવાનો આદેશ કર્યો હતો !

આજે નાગરિક ફરજો યાદ આવવાનું નિમિત્ત અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાનો એક વીડિયો સંદેશ છે. અમદાવાદના નાગરિકોને શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના સંદેશની અપેક્ષા હોય, પણ આ મહામારીમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘરમાં ભરાઈ રહેવાનું અને શાસન આખું વહીવટી તંત્ર કે અધિકારીઓને સોંપી દેવાનું પસંદ કર્યું છે. આ વરસ તો પાછું મહાનગરપાલિકાઓની ચૂંટણીનું છે છતાં રાજકીય નેતાઓ ઘરમાં છે અને મતદારો અધિકારીઓના ભરોસે છે. અમદાવાદમાં કોવિડ-૧૯ની કામગીરી અંગે કેટલાક નાગરિકોના અસંતોષ વ્યક્ત કરતા વીડિયો શું વહેતા થયા કે શ્રીમાન નહેરા પોતાનો પક્ષ નહીં, પણ દુ:ખ વ્યક્ત કરવા ઉપસ્થિત થયા. સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા દરદીઓ ક્રિકેટ રમતા હતા તે વીડિયોનો ઉલ્લેખ કરી કમિશનરે તરત જ સમરસ હોસ્ટેલના ગંદકી અને અન્ય સમસ્યાઓના વીડિયોનો ઉલ્લેખ કર્યો અને નાગરિકોને તેમની ફરજો સમજાવી.

કમિશનરસાહેબને પોતાના કર્મચારી એવા એક મૅડિકલ ઓફિસર બહેનને સારવારમાં રહેલી ઢીલ અને કચાશના વીડિયો અંગે પણ દુ:ખ વ્યક્ત છે. તે કહે છે કે સમગ્ર તંત્ર જ્યારે કોરોના સામે યુદ્ધ લડે છે ત્યારે આવા વીડિયો યુદ્ધ લડતા સૈનિકના બૂટને પોલીશ નથી કરી કે શર્ટનું એકાદ બટન ખુલ્લું છે — તેવા છે. આમ જણાવી તે આવા કૃત્યને ‘નકારાત્મક’ ગણાવે છે. આ જ વીડિયો મેસેજમાં કમિશનર  એમ પણ કહે છે કે આ વીડિયોને કારણે આખો દિવસ મારું તંત્ર દોડતું રહ્યું છે. જો નાગરિકોની ફરિયાદો સૈનિકોના બૂટની પોલીશ કે શર્ટનાં બટન જેવી ક્ષુલ્લક હતી કે તેમાં કોઈ દમ ન હતો કે માત્ર નકારાત્મકતા જ હતી, તો તંત્ર આખો દિવસ દોડતું શા માટે રહ્યું? સરકારની કે તંત્રની ટીકા એ નકારાત્મકતા નથી. એ તો લોકતંત્રની પાયાની બાબત છે, લોકશાહીનો પ્રાણ છે. મિસ્ટર નહેરાને કોણ સમજાવે કે કટોકટી વખતે નગર અમદાવાદના લોકસભા સભ્ય પુરુષોત્તમ માવળંકરે લોકસભામાં કટોકટી વિરોધી જે પ્રવચનો આપેલાં, તેના પુસ્તકનું નામ જ “નો, સર“ છે !

નાગરિકોને તેમની ફરજો યાદ કરાવતા અને પોતાની જવાબદારીઓ ભૂલી જતા કમિશનરસાહેબ, કોવિડ કેર સેન્ટર જે વિસ્તારોમાં શરૂ થાય છે તેની આસપાસના નાગરિકો તેનો વિરોધ કરે છે તેની પણ જિકર કરે છે. અને નાગરિકોને સહકાર આપવા, સંવેદનશીલ બનવા, નકારાત્મકતા છોડવા જણાવે છે. આપણે પૂછી શકીએ કે નાગરિકોને આ સ્થિતિમાં કે આવા ભયમાં મુકવા માટે જવાબદાર કોણ છે? સરકાર, તેના અધિકારીઓ અને તંત્રએ કોવિડ-૧૯ વિશે કરેલો પ્રચાર તો નથી ને? અમદાવાદના નાગરિકોને તેમનું કર્તવ્ય યાદ કરાવતા અધિકારીસાહેબે એ વાતનો પણ જવાબ આપવો જોઈતો હતો કે શહેરની મ્યુનિસિપલ હૉસ્પિટલોના, ખાસ તો એલ.જી. હૉસ્પિટલનાં ડૉક્ટરો અને સફાઈ કામદાર સહિતના આરોગ્યકર્મીઓએ તેમને સુરક્ષા ઉપકરણો નથી મળી રહ્યાં, તે માટે જાહેરમાં ધરણા દેખાવો કેમ કરવા પડ્યા છે? શું આ જ છે આપણી તૈયારી?

સરકારની ટીકા એટલે નકારાત્મકતા અને નાગરિકે મહામારીના સમયે ચૂપચાપ સરકારને સહકાર જ આપવાનો, કોઈ ટીકા નહીં કરવાની — એવું વલણ કદાચ નાગરિકફરજપ્રિય રાજકારણીનું હોઈ શકે. વરિષ્ઠ સનદી અધિકારીને તો એ ન જ શોભે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020

Loading

મધ્યમ વર્ગના મોદી-સમર્થકોનાં બેવડાં ધોરણ

કિરણ ત્રિવેદી|Opinion - Opinion|25 April 2020

મધ્યમ વર્ગનાં બેવડા ધોરણ લૉક ડાઉનમાં પણ ઊડીને આંખે વળગે છે.

સોશિયલ મીડિયામાં કૂદી કૂદીને વડાપ્રધાનના લૉક ડાઉનનો બચાવ કરનારા, તેમના ઘણા મધ્યમ વર્ગીય પ્રેમીઓ, પોતાની સોસાઇટીમાં અમલી લૉક ડાઉનનો એવો જ વિરોધ કરતા જોવા મળે છે. બહારથી આવનાર કોઈ પણ સર્વિસ પ્રોવાઇડરને રોકવામાં આવે ત્યારે તેની સામે કકળાટ મચાવતાં તેમને જરા ય ખચકાટ થતો નથી. તેમને પોતે બહાર નથી નીકળવું, પણ સોસાઇટીના સફાઈ કામદારોએ તો "રોજ આવવું જ પડે ને, નહીં તો રોગચાળો ફેલાય". એમના ઘરકામ, રસોઈ, નર્સિંગ સંભાળતાં "કામવાળાંઓને તો આવવા દો. અમે અમારું બધું સેનિટાઈઝેશન જાળવીશું.” (કામવાળાંઓનું જે થવું હોય તે થાય.) ગેસ ખલાસ થાય, ટી.વી./વૉટર ફિલ્ટર/કમ્પ્યૂટર બગડી જાય તો "આ લોકડાઉનમાં તો આ બધું ઇસેન્શિયલ છે, રિપેર કરનારને તો બોલાવવા જ પડે ને!" પાછા વાત એવી કરે કે ગરીબો, કામદારો, સર્વિસિસ ક્લાસને તો કમાવું જરૂરી છે, "નહીં તો બિચારાં ભૂખે મરી જશે.” (કારણ કે અમે એ લોકોને જો કામ નહીં કરે તો પગારો પણ નથી આપવાના! પણ અમારા પગારો માટે સરકાર/કંપનીઓ જવાબદાર છે).

સ્વાર્થી સંવેદનહીનતા જે મોદી સરકારના લગભગ દરેક પગલાંમાં દેખાય છે, એ જ આ મધ્યમ વર્ગના મોદીસમર્થકોમાં પણ દેખાય છે. મોદીના લૉકડાઉનને ઉછળી ઉછળીને ટેકો, પણ પોતાની સોસાયટીના લૉક ડાઉનનો જોરદાર વિરોધ. આ છે તેમની પ્રતિબદ્ધતા.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020

Loading

...102030...2,4782,4792,4802,481...2,4902,5002,510...

Search by

Opinion

  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …
  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved