
હેમંતકુમાર શાહ
આજકાલ કોઈ પણ સમારંભ કે સભા હોય ત્યારે ઉદ્ઘોષક વ્યક્તિ એટલે કે કાર્યક્રમનું સંચાલન કરનાર વ્યક્તિ સતત સભામાં બેઠેલા લોકોને વાત વાતમાં કહ્યા કરે છે કે તાળીઓ પાડો. પાછા એ એકાદ વાર ન કહે પણ વારંવાર કહ્યા જ કરે. એકાદ કલાકના કાર્યક્રમમાં કદાચ પાંચેક વાર આવું બને. પણ બને!
હિન્દી કવિઓ, અને તેમાં ય ખાસ કરીને હાસ્ય કવિ સંમેલનમાં કવિઓ, સામેથી શ્રોતાઓની દાદ માગતા હોય એવું દેખાતું રહ્યું છે. પણ હવે આ રોગચાળો ગુજરાતમાં બધે ફેલાઈ ગયો લાગે છે. કેટલાક જાણીતા ઉદ્ઘોષકો પણ આવું કરતા નજરે પડ્યા છે.
સભામાં આવેલા લોકો પણ તાળીઓ માગવામાં આવે ત્યારે તાળીઓ પાડવા માટે તૈયાર જ હોય છે!
પરિસંવાદો જેવા ગંભીર પ્રસંગોમાં, કે જેમાં ગંભીર વિષયોની ચર્ચાઓ થવાની હોય એમાં પણ, જે ઉદ્ઘોષક વ્યક્તિ હોય છે તે શ્રોતાઓ પાસે તાળીઓ પડાવે છે. કદાચ, વક્તાઓને પણ એમાં મઝા આવતી હોય છે અને તેઓ તો ઘણી વાર બે હાથ જોડીને કે પછી જાતે તાળી પાડીને સભામાં બેઠેલા લોકોનું અભિવાદન કરે છે. ઉદ્ઘોષકોને એની કંઈ ખબર છે ખરી કે, શ્રોતાઓ, દર્શકો અને ભાવકોમાં ફેર હોય છે?
છેલ્લાં કેટલાંક વર્ષોથી આ તાળીઓ પડાવવાનો જે રિવાજ ઉત્પન્ન થયો છે તે એક પ્રકારની આત્મશ્લાઘા જ છે. જાતે જાતે દાદ માગવી એ કેવું વિચિત્ર કહેવાય. લોકોને કશું બહુ ગમશે તો તેઓ જાતે જ તાળીઓ પાડશે. તમે તાળી માગો છો શું કરવા? તાળી પાડવાનું લોકો પર ન છોડી દેવું જોઈએ?
શું ઉદ્ઘોષક કોઈ દિવસ સભામાં શ્રોતાઓને એમ કહે છે ખરા કે હવે હસો? લોકો જાતે જ હસે છે ને? એમ જ લોકોને તાળીઓ પાડવા દો ને.
સૌથી ભદ્દી અને ખરાબ બાબત તો હવે એ બની ગઈ છે કે કોઈક સભામાં આરંભે પ્રાર્થના થાય તો એ પતે એટલે પણ લોકો તાળીઓ પાડે છે! ઈશ્વરની પ્રાર્થનામાં શી તાળીઓ પાડવાની હોય એ ખરેખર સહેજે સમજાતું નથી. એ પ્રાર્થના શાને માટે હોય છે? ઈશ્વરને યાદ કરીને એ સમારંભ સારી રીતે પતે તેને માટે જ ને! અથવા ઈશ્વરને યાદ કરવાનું એ સમારંભ એક બહાનું હોય છે. પણ એમાં તાળીઓ શાની પાડવાની?
કેટલીક વાર તો સભામાં કેટલાક લોકો પોતે તાળી પાડીને બીજાની સામે જોઈને ઇશારા પણ કરે કે મેં તાળી પાડી એટલે હવે તમે પણ પાડો. કેટલાકને કોઈ નાટક કે અન્ય કાર્યક્રમ પૂરો થયા પછી ઊભા થઈને તાળી પાડવાનું પણ ગમે. કાર્યક્રમ બહુ જ સારો ગયો હોય તો એવું થાય પણ ખરું. પરંતુ એ બધું દેખાદેખીથી શા માટે? કેટલાક ઊભા થઈને તાળી પાડે, એટલે બીજાએ ઊભા થઈને તાળી પાડવી અનિવાર્ય નથી. તમને એ કાર્યક્રમ અત્યંત સારો લાગ્યો હોય તો ઊભા થઈને માન આપવા તાળી પાડો, વાંધો નહીં.
બસ, આ વાંચીને તાળી પાડશો નહીં …
તા.૧૭-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર