કોરોનાની મહામારીમાં આજે સંપૂર્ણ વિશ્વ મોતના ઓછાયા હેઠળ છે. અગાઉ ક્યારે ય બન્યું ના હોય તેમ સમગ્ર વિશ્વમાં આજે ડર વ્યાપેલો છે. આ મહામારીને ખાળવા આપણી સરકાર તૈયાર ન હતી. તેમ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લૉક ડાઉનની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે લોકોએ તમામ આદેશોનું એક પાલનકર્તા નાગરિક તરીકે અનુસરણ કર્યું. અલબત્ત લોકોને અકલ્પનીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમ છતાં તેમણે સાથ સહકાર આપ્યો. તેમ જ આ મહામારીને નિયંત્રિત કરવા સોશિયલ ડિસ્ટન્સિન્ગનું પાલન કર્યું.
તાજેતરમાં લૉક ડાઉનનો એક મહિનો પૂર્ણ થયો છે. આ એક મહિનામાં અમે અનેક હૃદયવિદારક ઘટનાઓના સાક્ષી બન્યા છીએ. કોરોનાથી મૃત્યુ ઉપરાંત કામદારોનું સ્થળાંતર અને તેમના પ્રત્યે થયેલ અમાનવીય વર્તને દેશભરના લોકોને આઘાત આપ્યો. તેનો સત્તાધીશોને કોઈ પસ્તાવો નહોતો! એક મહિનાના લૉક ડાઉન બાદ વાઇરસ સામેની લડતમાં સરકારની તૈયારીઓની પોલ ખૂલી ગઈ છે.
પહેલાં તો ટેસ્ટ થતા જ ન હતા. ડોક્ટર-નર્સ વગેરેને સુરક્ષાના સાધનો આપવામાં આવ્યાં ન હતાં. લૉક ડાઉનનો અમલ પોલીસ અને ડ્રોનના ભયથી કરાવવામાં આવ્યો. જ્યારે આઇ.સી.એમ.આર. કહે છે કે કોરોના વાઇરસના ૮૦ ટકા સંક્રમિત દરદીઓમાં લક્ષણો દેખાઈ રહ્યાં નથી. એવા સમયે સંક્રમિત દરદીને શોધવા માટે તેમ જ સંક્રમિત દરદીને શોધીને કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા માટે ટેસ્ટ સિવાય અન્ય કોઈ ઉકેલ જ નથી. ત્યારે સંક્રમિત દરદીઓનો આંકડો ઓછો કરવા તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં આવી કે જે એક ગુનાહિત બેદરકારી સમાન છે. તે લોકોને તેમની જાણ બહાર મૃત્યુ તરફ ધકેલશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ પ્રકારના અનૌપચરિક સર્ક્યુલર, ડોક્ટર નર્સ પેરામૅડિકલ સ્ટાફ અને કોર્પોરેશનના અન્ય કર્મચારીઓને આપવામાં આવી રહ્યા છે. પરિણામે સ્થિતિ એવી ઊભી થઈ છે કે મૅડિકલ-પેરામૅડિકલ અને અન્ય સભ્યો પોતે સંક્રમિત થવાના ભયથી પીડાઈ રહ્યા છે. દિવસ રાત કોઈ પણ પ્રકારનાં સુરક્ષા સાધનો વગર કામ કરતા આપણા રક્ષકો હાલમાં હતાશા અને નિરાશામાં ગરકાવ છે. અલબત્ત કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તેમ છતાં છેલ્લા દસ દિવસમાં સંક્રમિત દરદીઓની સંખ્યા બમણી થઇ છે. તેમ જ રાજ્યમાં સાજા થવાનું પ્રમાણ ખૂબ જ નીચું એટલે કે ૯.૧૬ ટકા છે, જે પણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. એક બાજુ લોકોને મૃત્યુનો ભય છે, તો બીજી બાજુ આપણી પોલીસ અને તંત્રની શિક્ષાત્મક કાર્યવાહીનો. કાયદાના પાલનકર્તા નાગરિકોની કાયદાનો ભંગ કરવા બદલ, કાયદાની વિવિધ કલમો લગાવીને ધરપકડ કરવામાં આવી રહી છે તેમ જ દંડ પણ કરવામાં આવી રહ્યો છે.
આશ્ચર્ય સાથે કહેવું પડે છે કે કોરોના મહામારીનું પણ કોમવાદીકરણ કરાયું છે. માનવીય સંવેદનાઓ કોમવાદી વલણોમાં ફેરવાઈ ગઈ છે. માત્ર કોમવાદી જ નહીં પરંતુ તેનું રાજકીયકરણ ઉપરાંત તેમાં અમીર અને ગરીબનો ભેદ પણ દેખાઇ રહ્યો છે. આમ કોરોના વાઇરસ કે જેનાથી એક આંતરરાષ્ટ્રીય ઐકય ઊભુ થવું જોઈતું હતું, તેના બદલે વધુને વધુ સંકુચિતતા પેદા થઈ રહી છે. હવે કોરોના વાઇરસની મહામારીને નાથવાના બદલે વ્યાપાર અને અર્થનીતિને વધુ મહત્ત્વ અપાઇ રહ્યું છે. કોરોના મહામારીને એક મહામારી કરતાં અન્ય દેશો પર આર્થિક અગ્રતા પેદા કરવાની તકની જેમ લેવાઈ રહી છે. મનુષ્યજીવનની રક્ષા એકમાત્ર ધ્યેય હોવો જોઈએ. તેના બદલે અર્થનીતિને વેગવંતી બનાવવી એ મુખ્ય ધ્યેય બની ગયો છે. હાલમાં અમે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિસિપાલિટી, પોલીસ અને લાઠી સાથેની સત્તાથી ઘેરાયેલા છીએ. આ સત્તાથી પરિસ્થિતિમાં અવ્યવસ્થા અને અરાજકતા સર્જાઈ છે. તંત્રના આ બહુઆયામોથી વહીવટીય શૂન્યાવકાશ સર્જાયો છે. તેથી એવું લાગે છે કે ભારતમાં પણ યુ.એસ.ની જેમ મોટી સંખ્યામાં મૃત્યુ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પણ આ વાત સ્વીકારી હતી કે માત્ર અમદાવાદમાં જ ૩૧મી મે સુધી કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૮ લાખથી ઉપર હશે.
લૉક ડાઉનના કારણે અમે વિચિત્ર પ્રકારની અસંવાદની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. કૅલેમિટિ એક્ટ ૧૮૯૬ અને નેશનલ એક્ટ ૨૦૦૬ લાગુ કરવાના કારણે આજે કટોકટી કરતાં પણ વધુ ગંભીર સ્થિતિ છે. આ સંજોગોમાં સોશિયલ મીડિયા થકી જોડાયેલા રહીને સરકાર સમક્ષ અમારી નિસબતને રજૂ કરવી અનિવાર્ય છે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે નિસબત ધરાવતા નાગરિકો આપના સુધી ઇ-મેલ, વોટ્સપ, ફેક્સ, ટિ્વટર થકી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી કરીને સરકાર અને નાગરિકો વચ્ચે મહામારીના આ સમયમાં એક તંદુરસ્ત સંવાદ જળવાયેલો રહે. અમારી માગણીઓઃ
૧. લૉક ડાઉન બાદનો રોડમેપ જાહેર કરવામાં આવે.
૨. ડોક્ટર, નર્સ, પેરામૅડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, પોલીસ અને અન્ય તમામને સુરક્ષાના જરૂરી સાધનો પૂરતી માત્રામાં આપવામાં આવે.
૩. ટેસ્ટીંગની સંખ્યા વધુને વધુ કરવામાં આવે.
૪. હોસ્પિટલ અને કોરોના કેર સેન્ટરમાં તમામ દરદીઓને જરૂરી તમામ સુવિધાઓ આપવામાં આવે.
૫. સરકાર તમામ ખાનગી હોસ્પિટલો અને હોટલોને પોતાને હસ્તક લે. કોરોનાથી સંક્રમિત તમામને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે.
૬. લોકો ઓછા હેરાન પરેશાન થાય તે રીતે તેમ જ સોશિલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે તમામને ખોરાક, રાશન, કેશ ડૉલ અને જીવન જરૂરિયાતની અન્ય ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે.
૭. કોરોના મહામારીના કોમવાદીકરણ પર નિયંત્રણ લાદવામાં આવે. અને કોમવાદી સ્થિતિ ઊભી કરનાર તમામ તત્ત્વો સામે કડક પગલાં લેવામાં આવે. ઉપરાંત તમામ મંત્રીઓ અને વહીવટી અધિકારીઓને કોમવાદી નિવેદનોથી દૂર રહેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવે.
૮. આ મહામારીને ખાળવા રાજ્યસ્તરીય ટાસ્કફોર્સની રચના કરવામાં આવે.
૯. વિરોધ પક્ષો, વિવિધ સંગઠનો, નિસબત ધરાવતા નાગરિકોને વિશ્વાસમાં લઈને તેમની વચ્ચે સંકલન સાધવામાં આવે તેમ જ આ તમામ વચ્ચે સંવાદ સાધી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલ.
૧૦. ઉપરોક્ત તમામ બાબતો પર નાગરિકોની દેખરેખ રહે તે માટે તાત્કાલિક ધોરણે એક માળખું બનાવવામાં આવે.
[ઇ-મેઇલ તેમ જ ટિ્વટર દ્વારા મોકલાયેલા આ પત્રમાં આશરે ૮૩ નાગરિકોએ સહી કરી હતી, જેમાં કર્મશીલો, પ્રોફેસરો, મહિલા કર્મશીલો, વિદ્યાર્થી કર્મશીલો, વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના પ્રતિનિધિઓ વગેરેનો સમાવેશ થાય છે.]
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020
![]()


જડ સમાજવ્યવસ્થા અને તેની રુઢિઓ સામે બંડખોર ફુલે દંપતી ભારોભાર કરુણા અને માનવીય સંવેદનાથી સભર હતું. ૧૮૯૦માં મહાત્મા ફુલેના અવસાન પછી તેમણે સ્થાપેલ “સત્યશોધક સમાજ” મારફત સાવિત્રી ફુલેએ તેમના સમાજસુધારણાના કાર્યોને આગળ વધાર્યા હતા. ૧૮૯૭માં મુંબઈ અને પુણેમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. અનેક લોકો તેમાં ટપોટપ મરવા માંડયાં હતાં. સાવિત્રીબાઈ ફુલેએ પ્લેગગ્રસ્તોની સારવાર અને સેવાનું કામ આરંભ્યું. તેમના ડોકટર દીકરા યશવંતે પુણેમાં દવાખાનું શરૂ કરી મરકીના ચેપગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા છતાં પ્લેગગ્રસ્તોને શોધી શોધીને સાવિત્રીબાઈ તેમને પુત્રના દવાખાને લઈ આવતાં હતાં. તેમની સેવાશુશ્રૂષાથી દરદી સાજા પણ થતાં હતાં. પુણેની સડક પર પડેલા એક પ્લેગગ્રસ્ત અસ્પૃશ્ય બાળકનો ઈલાજ કરવો તો દૂર, કોઈ તેની નજીક પણ ફરકતું નહોતું. સાવિત્રીબાઈને તેની ભાળ મળતાં તેઓ તે બાળકને ખભે ઊંચકી દવાખાને લાવ્યા. ઘણા વખતથી મરકીગ્રસ્તોની સેવા કરતાં સાવિત્રીબાઈને આખરે ચેપ લાગ્યો અને ૧૦મી માર્ચ ૧૮૯૭ના રોજ પ્લેગને કારણે તેમનું અવસાન થયું હતું. તે પછી સેનામાં ડોકટર તરીકે જોડાયેલા યશવંત ફુલેએ ૧૯૦૫ના પ્લેગ વખતે પુણે આવી ફરી પ્લેગગ્રસ્તોની સારવાર કરી હતી. એક દિવસ તેમને પણ ચેપ લાગ્યો અને મૃત્યુ પામ્યા. આજના કોરોના વોરિયર્સના સમયમાં ફુલે માતા-પુત્રનું આ બલિદાન પણ સંભારવાની જરૂર છે.
ગાંધીજીના જીવનમાં આવેલા મરકીના મુકાબલાના એકાધિક પ્રસંગો પણ આજે પ્રાસંગિક છે. વિલાયતમાં બેરિસ્ટર થઈ સ્વદેશ આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીનું પ્રામાણિકતાથી સત્યની વકીલાત કરવાનું વલણ રોટલા રળી આપે તેવું નહોતું. એ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી દાદા અબ્દુલાનું કહેણ આવ્યું એટલે તે દક્ષિણ આફિકા ગયા. ત્યાં કુલીપણાનો અનુભવ થયો, તો ગિરમીટિયાની સમસ્યા સમજાઈ, તેની વિરુદ્ધમાં સત્યાગ્રહ કર્યો અને સફળતા મેળવી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ન માત્ર વકીલ રહ્યા, જાહેર કામ કરતા પણ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ગિરમીટમુક્ત હિંદીઓને ત્યાંના લોકો ‘કુલી’ તરીકે ઓળખતા અને તેમને શહેરોમાં નોખા રાખવામાં આવતા હતા. આવી જગ્યા “કુલી લોકેશન” કહેવાતી હતી. જોહાનિસબર્ગના હિદીઓ નવ્વાણું વરસના જમીનના ભાડાપટ્ટે ગંદકી અને ગીચતાથી ભરેલા કુલી લોકેશનમાં રહેતા હતા. એ વસાહતમાં ન સડક હતી, ન વીજળી હતી અને ગંદકીથી ભરેલાં પાયખાનાં હતાં. આ વસાહતમાં ગંદકી અને ખરાબી વધી તો સ્થાનિક મ્યુનિસિપાલિટીએ તેનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી. બેરિસ્ટર મોહનદાસ ગાંધી તેમાં વસતા હિંદીઓનો માલિકી હક અને વળતરનો કેસ “હાર થાય કે જીત, પટ્ટાદીઠ દસ પાઉન્ડ”ના હિસાબે લડ્યા અને જીત્યા.