Opinion Magazine
Number of visits: 9575604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાસ્થ્યનો વ્યાપક અનુબંધ

ઇલા ભટ્ટ|Opinion - Opinion|16 May 2020

મોટા-નાના, ગરીબ-તવંગર, વિકસિત-વિકાસશીલ આ તમામ દેશો માટે કોવિડ-૧૯ ખતરાનો ઘંટારવ બનીને આવ્યો છે. તેણે આરોગ્ય સેવાઓની નબળાઈઓ, આર્થિક માળખાંની અસ્થિરતા, વધતા કોમી દ્વેષ અને એકંદરે સમાજની નિર્બળતા વિશે આપણી આંખો ખોલી નાખી છે. વર્તમાન આફતનો મુકાબલો કેટલી સારી રીતે કરી શકીશું તેનો આધાર આપણો ફક્ત વૈશ્વિક નહીં, સ્થાનિક પ્રતિભાવ પણ કેવો છે, તેની પર રહેશે. ઉપરાંત, આ કટોકટીમાંથી આપણે કેટલી સારી રીતે બહાર આવી શકીશું તેનો આધાર પુનઃરચના કરતી વખતે આપણે પ્રાથમિકતાઓને નવેસરથી ગોઠવી શકીએ છીએ કે નહીં, તેની પર રહેશે.

અત્યંત ચેપી વાઇરસની સામે સક્રિય બનવાની તાતી જરૂરિયાત છે. તેમ છતાં, જ્યાં શહેરી ગરીબો સડકોના કિનારે, ઝૂંપડાંમાં કે ભીંસંભીંસા થઈને એક-બે ઓરડાનાં ખોરડાંમાં રહે છે, જ્યાં પાણી મર્યાદિત પ્રમાણમાં અને એ પણ જાહેર નળેથી ભરી લાવવું પડે છે, જ્યાં અનેક લોકો વચ્ચે ગણ્યાંગાંઠ્યાં શૌચાલયો છે, એવા ભારતમાં ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ (કેવો વક્રતાપૂર્ણ પ્રયોગ !), વારે ઘડીએ હાથ ધોતા રહેવાનું અને સાવચેતીપૂર્વક ચેપમુક્ત રહેવાનું લગભગ અશક્ય છે.

એવી જ રીતે, લાખો રોજમદારો, સ્થળાંતરિત કામદારો અને સ્વરોજગારી ધરાવતા કામદારો માટે ઘરે રહેવું એ પણ વિકલ્પ નથી. કામ વગર રહેવાનો મતલબ છે રોટલા વગર રહેવું. રોજમદારો પાસે એવી બચત પણ નથી હોતી કે જેના ટેકે ટકી જવાય. માટે, તેમણે ઉધારી કરવી પડે. ઉધારીનો સમયગાળો જેમ લંબાતો જાય, તેમ કરજ ચૂકવવાની સંભાવનાઓ ઓસરતી જાય. દેવામાં ડૂબેલો વિશાળ નિર્બળ જનસમુદાય શી રીતે તંદુરસ્ત અર્થતંત્ર ઊભું કરી શકે? એ તો બબ્બે મહામારીનો શિકાર છેઃ શરીરતંત્રની મહામારી અને અર્થતંત્રની મહામારી.

આપણા કામદારો પાસે અપૂરતી અને બિનઅસરકારક જોગવાઈઓ છે, તેની આપણને જાણ ન હતી? એક દેશ તરીકે આપણે મોટા પાયે પરિણામો સિદ્ધ કરવાનાં બાકી છે અને તેમને ટેકો પૂરો પાડે એવાં માળખાં તથા વ્યવસ્થાઓ માટે કમર કસીને પ્રયત્ન કરવાનો બાકી છે. માટે, અગાઉથી જ મોજૂદ ગરીબીએ મહામારીનો પ્રભાવ વધારી મૂક્યો છે અને આપણા પનારો પાડવા માટેની સમસ્યાઓ પણ વકરાવી દીધી છે. તો હવે આગળ જવા માટે જુદા રસ્તે અને વધારાનું શું કરવું જોઈએ? આર્થિક, શારીરિક અને સાર્વત્રિક પાયમાલી સામે ઝીંક ઝીલવાની ગુંજાશ ધરાવતો સમાજ શી રીતે બનાવી શકાય?

શરૂઆત ત્રણ પ્રાથમિક બાબતોમાં રોકાણથી કરવી પડેઃ અન્ન, પાણી અને મકાન. ત્રણ પ્રાથમિક સેવાઓ પૂરી પાડવી પડેઃ આરોગ્ય, શિક્ષણ અને બૅન્કિંગ. કોઈ પણ સમાજના ક્ષેમકુશળ માટે આ જરૂરી છે. આ છ બાબતો-સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે કોરોનાકાળ પછીના સમાજને ટકાઉ અને ન્યાયપૂર્ણ બનાવી શકીશું.

કોઈ પણ ડૉક્ટર કહેશે કે તંદુરસ્તીની ચાવી છે પૌષ્ટિક ભોજન, ચોખ્ખું પાણી, તાજી હવા અને શારીરિક-માનસિક કવાયત. ટૂંકમાં, મહામારી પછીના સમયમાં આપણે સાજાસમા લોકોની કાળજી અને પાલનપોષણ માટેનાં — કશું થયા પછી કરવા પડે એવા નહીં, પણ કશું થાય નહીં તે માટેના —પ્રયાસોમાં ઘણું રોકાણ કરવું પડશે. સ્થાનિક સ્તરે અન્નનું માળખું ઊભું કરવું પડશે, જે તાજું, સ્થાનિક ધાન, દૂધ અને શાકભાજી છેવાડાના માણસને ઉપલબ્ધ બનાવે અને તે પણ પોસાય એવા ભાવે. કેમ કે, અન્ન આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. શહેરી અને ગામડાંના લોકોને ચોખ્ખું પાણી પૂરું પાડવા માટે ટાંકીઓ બાંધવાની, વરસાદનું પાણી સંઘરવાની તળાવો ખોદવાની અને હાલનાં જળાશયોને સ્વચ્છ કરવાની જરૂર પડશે. કેમ કે, પાણી પણ આરોગ્યનો હિસ્સો છે. આ તકનો લાભ લઈને પર્યાવરણ પર ધ્યાન આપવું પડશે, તે માટે શૌચાલયો બાંધવાં પડશે, ઔદ્યોગિક કચરાનું રિસાયકલિંગ કરવું પડશે, જૈવિક કચરાને ખાતરમાં ફેરવવો પડશે, અબજો વૃક્ષો વાવવાં પડશે અને ઊર્જાની જરૂરિયાતો માટે સૌર તેમ જ અન્ય વૈકલ્પિક ઊર્જાસ્રોત વાપરવા પડશે. કેમ કે, ખુલ્લી હવા પણ આરોગ્યનો જ ભાગ છે. દરેક કામને સન્માનજનક બનાવવું પડશે, જેમાંથી સારી આવક થઈ શકે, વીમો અને ઇજાના સંજોગોમાં વળતર જેવી જોગવાઈઓ હોવી જોઈશે, જે કામદારોને — ખાસ કરીને સ્થળાંતરિત કામદારોને, તેમના પરિવારને અને તેમના સમાજને — ટેકારૂપ બની રહે. કેમ કે, કામ પણ આરોગ્યનો જ મામલો છે.

સ્વરોજગારમાં પરોવાયેલા જુવાન અને નવાસવા-ડગુમગુ લોકોને સ્થાનિક બજાર, ક્ષમતાઓ, તાલીમ, સાતત્યપૂર્વકનું મૂડીભંડોળ અને ત્વરિત લોન પૂરી પાડી શકાય, જેથી તે દેવામાં અને હતાશામાં ડૂબી ન જાય. એ રીતે, બૅન્કિંગ પણ આરોગ્ય સાથે સંકળાયેલો જ મુદ્દો છે. શાળાની અંદર અને બહાર શિક્ષણ મળતું રહે, અક્ષરજ્ઞાનનો પ્રસાર થાય, અનુભવથી મળતા શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં આવે અને તનમનની સુખાકારી આપે એવા કૌશલ્યવિકાસને પણ પોષવામાં આવે. આ દૃષ્ટિએ શિક્ષણ પણ આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.

છેલ્લે, મહામારી આપણને જે બોધપાઠ શીખવી રહી છે, તે ફરી તાજા કરી લઈએ. પરિવારનો એક સભ્ય બીમાર પડે તો તેની અસર આખા કુટુંબ પર, સમાજ પર, દેશ પર અને પછી બીજા દેશના સમાજ પર થાય છે. દુનિયાના આ છેડે રહેતી એક વ્યક્તિના ક્ષેમકુશળની અસર દુનિયાના બીજા છેડે રહેતા લોકો પર થાય છે. આપણા દરેક કાર્યને એ હકીકત લાગુ પડે છે. આપણે જે ખાઈએ, ખરીદીએ ને વિચારીએ એ બધાની અસરો ને પ્રત્યાઘાતો સમસ્ત પૃથ્વીની જીવસૃષ્ટિ પર પડે છે. આ અનુબંધને લીધે જ પૃથ્વી પર જીવન ટકી રહ્યું છે. આપણે જોવા ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પણ આપણે સૌ એકમેકની સાથે છીએ અને સંકળાયેલાં છીએ.

[સૌજન્યઃ  ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, અનુવાદઃ ઉર્વીશ કોઠારી]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 16 મે 2020

Loading

ભેટ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|16 May 2020

કોઈ સ્વપ્ન સુંદરી જેવી મોહક, ચમચમાટ કરતી, નવી-નક્કોર ગાડીને હાથ લગાડતાં હાર્દિકને રોમાંચ થઈ આવ્યો. આ ગાડી એણે ખરીદી લીધી છે, એની પોતાની થઈ ગઈ છે, એ હકીકત હોવા છતાં; એને ગળે વાત નહોતી ઊતરતી. ફરી ફરીને ગાડી પર હાથ ફેરવી રહેલા આ ગ્રાહકને જોઈને, તરવરિયો સેલ્સમેન એની પાસે આવ્યો,

‘સર, આ ગાડીના માલિક બનીને કેવું અનુભવો છો?’

‘અદ્ભુત, આ ઘડીએ હું શું અનુભવી રહ્યો છું એ હું શબ્દમાં વર્ણવી શકું એમ નથી.’

‘એની વે, કોંગ્રેચ્યુલેશન્સ, સર; પણ શું હું પૂછી શકું કે, આ ગાડી તમે કોઈને ગિફ્ટ કરવાના છો? જો એવું હોય તો અમે અમારા તરફથી સુંદર બૂકે અને કેક આપવા માગીએ છીએ.’

‘ગિફ્ટ? હા … એટલે કે ના, એવી કંઈ જરૂર નથી. ઈટ્સ ઓ.કે.’

હાર્દિક ઈલેક્ટ્રીસિટી કંપનીમાં એક સામાન્ય ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. હવે રિટાયર થવાને આરે પહોંચ્યો ત્યારે, એ કાર લેવાનું પોતાનું સપનું સાકાર કરી શક્યો હતો. એ આનંદની સાથે સાથે, અત્યારે ગાડી ચલાવતાં ચલાવતાં, એ ઘરે પહોંચ્યા પછીની પરિસ્થિતિ વિશે વિચારી રહ્યો હતો.

આટલાં વર્ષોમાં પોતાની પત્ની હેતલને, એ કદી જન્મદિન કે લગ્નદિનની ભેટ નહોતો આપી શક્યો. જો કે, એણે ક્યારે ય માંગણી પણ નહોતી કરી. તે છતાં એની ઉદાસ આંખોમાં અપેક્ષા ડોકિયાં કરતી દેખાતી. આજે ગાડી જોઈને હેતલ નવાઈ પામીને કહેશે :

‘કોઈને પૂછ્યા-ગાછ્યા વિના નવી ગાડી લઈ લીધી? શું જરીર હતી? જિંદગીની અડધી બચત આમાં ખર્ચી નાખી! તમારું કામ તો સ્કૂટરથી ય ચાલી જાત.’

એની વાત સાવ સાચી; પણ આ ગાડી તો એણે વર્ષો પહેલાં, પોતાની જાતને આપેલું વચન પૂરું કરવા લીધી હતી. આજે પણ એ દિવસ એની સ્મૃતિમાં એવો ને એવો અકબંધ હતો.

પોતે કદાચ બારેક વર્ષનો હતો. સાંજના સમયે શાળામાંથી આપેલું લેસન કરી રહ્યો હતો.

પપ્પા પણ મીલમાંથી આવી ગયા હતા. મમ્મી સાંજની રસોઈની તૈયારી કરી રહી હતી ને અચાનક જ પસીનાથી લથબથ થઈ, બહાર આવી મમ્મી સોફા પર ફસડાઈ પડેલી.

‘મને બહુ ગભરામણ થાય છે. સહન નથી થતું. જલદી કંઈક કરો …’ બહુ કષ્ટપૂર્વક એ બોલી હતી. પપ્પા આકળ-વિકળ થઈ ગયા હતા.

‘હાર્દિક, આ તો હાર્ટ એટેક લાગે છે. મમ્મીને તાબડતોબ હૉસ્પિટલ લઈ જવી પડશે. તું દોડ. સામેના બંગલામાં રહેતા ખન્ના સાહેબ પાસે મોટર છે. એમને વિનંતી કર કે તારી મમ્મીને લઈ જવા મોટર આપે.’

ત્યારે તો ઘરે ઘરે ફોન પણ નહોતા ને આજની જેમ સહેલાઈથી એમ્બ્યુલન્સ પણ ન મળી શકતી. બાવરો બાવરો એ પહોંચ્યો, ત્યારે ખન્ના સાહેબ ગાડીમાં બેસવા જતા હતા. આંખોમાં આંસુ સાથે એણે વાત કરી. એ સાંભળીને એમણે કહેલું,

‘વેરી સૉરી, આય એમ ગેટીંગ લેટ. મારે અગત્યની મિટિંગ છે.’ પછી ગાડીનું બારણું જોરથી પછાડતાં ડ્રાઈવરને કહેલું, ‘ગાડી એમ.જી. રોડ પર લઈ લે.’ પછી ધીમેથી બબડેલા, ‘ભીખારી સાલ્લા …!’

એમના છેલ્લા શબ્દો તિક્ષ્ણ કટારીની માફક એનાં હૈયામાં ખૂંપી ગયા હતા. ઘરે પહોંચ્યો ત્યારે તરફડતી મમ્મી પાસે લાચાર થઈને બેઠેલા પપ્પાના ચહેરા સામે જોઈને એણે મનોમન ગાંઠ વાળી હતી – ‘હું એક દિવસ ગાડી લઈશ, પપ્પા, તમારે માટે.

પછી તો પપ્પાના મનમાં, કશું ન કરી શક્યાનો વસવસો મૂકીને મમ્મી જતી રહી હતી. હાર્દિક વારંવાર પોતાની જાતને યાદ દેવડાવ્યા કરતો હતો – ‘ગાડી લેવી છે, પપ્પા હયાત છે ત્યાં સુધીમાં .. ગાડી લેવી છે.’

આજે ગાડી ભલે લેવાઈ હોય; પણ એ જાણતો હતો કે ઘણું મોડું થઈ ગયું છે. હેતલની એમના પ્રત્યેની ગમે તેટલી લાગણી અને કાળજી છતાં; પપ્પા પોતાની ઉદાસીમાંથી બહાર નહોતા આવી શક્યા. પહેલેથી જ ઓછાબોલા પપ્પાને, પેરેલિસીસનો એટેક આવ્યા પછી, હવે એ બિલકુલ બોલી નહોતા શકતા. ઈશારાથી કામ ચલાવતા અને પોતાના રૂમમાંથી ભાગ્યે જ બહાર નીકળતા.

પપ્પાને પાછલી સીટ પર બેસાડીને, પોતે પાછળ બેસતાં હેતલે પૂછ્યું,

‘તમને ગાડી ચલાવવી ફાવશે? પ્રેક્ટિસ નથી તે …’

ડ્રાઈવીંગ લાયસંસ કાઢીને બતાવતાં એણે કહ્યું,

‘ગાડી લેવાની ઈચ્છા અને લાયસન્સ – બન્નેને મેં સતત જીવંત રાખ્યાં છે. ડ્રાઈવીંગ કરવામાં જરા ય વાંધો નહીં આવે. તું ચિંતા કર્યા વગર બેસી જા.’

હેતલને હતું કે એ સૌથી પહેલાં મંદિર તરફ ગાડી લેશે; પણ એણે તો જૂના ઘરના રસ્તે થઈને, ખન્ના સાહેબના બંગલા સામે ગાડી ઊભી રાખી! બંગલો હવે સાવ ખંડેર થઈ ગયો હતો. એમાં કોઈ રહેતું હશે કે નહીં, કોણ જાણે? એણે પપ્પા સામે નજર કરીને પૂછ્યું, 

‘પપ્પા, આપણે ક્યાં આવ્યાં, ખ્યાલ આવે છે? આ આપણી જૂની ચાલી ને આ સામે દેખાય છે એ પેલા ખન્ના સાહેબનો બંગલો. યાદ આવે છે?’

પણ એમની આંખોમાં ઓળખાણનો કોઈ અણસાર ન દેખાયો. જરાક નિરાશ થવા છતાં; હાર્દિકે પેન ડ્રાઈવ નાખીને ટેપ રેકોર્ડર ઑન કર્યું. પપ્પાને ખૂબ ગમતું ગીત ગૂંજી ઊઠ્યું :

‘ઈતની શક્તિ હમે દેના દાતા, મનકા વિશ્વાસ કમજોર હો ના;

હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના.’

એકાએક એની નજર ગઈ તો એણે જોયું કે, પપ્પાની આંગળીઓ ગીત પર તાલ દેવાની કોશિશમાં ધીમું ધીમું હલી રહી છે. એની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં. એણે હેતલને કહ્યું,

‘હેતલ, હવેથી રોજ હું ઑફિસેથી આવું, પછી આપણે પપ્પાને લઈને ફરવા નીકળીશું અને ગાડીમાં એમને મનગમતાં ગીતો સંભળાવીશું.’ પછી એ સ્વગત બોલ્યો, ‘ના ના, બહુ મોડું નથી થયું, ગાડી લેવાનું લેખે લાગ્યું છે.’

(‘સતરૂપા સિંહા રૉય’ની અંગ્રેજી વાર્તાને આધારે)  

(તા. 01-11-2019ના ‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાં છેલ્લે પાને પ્રકાશિત થયેલી આ વાર્તા, લેખિકાબહેનની અનુમતિથી સાભાર .. .. ઉ. મ..)

સર્જક–સમ્પર્ક :

બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર, વલસાડ- 396 001

eMail : avs_50@yahoo.com

સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 455 –June 21, 2020

Loading

હાથ ધોઈને જિંદગી બચાવવાની તબીબી સલાહ આપવા બદલ માનસિક સંતુલનથી અને આખરે જિંદગીથી હાથ ધોઈ બેઠેલા ડૉ. સેમેલ્વિસ

દીપક જોશી, દીપક જોશી|Opinion - Opinion|15 May 2020

કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા અને અન્યને બચાવવા સમગ્ર વિશ્વને લાગુ પડતી સલાહ શું છે? માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને સૌથી અગત્યનું, સેનિટાઈઝરથી ૨૦ સેકન્ડ સુધી ઘસીને હાથ ધુઓ. હા, ઘસીને દિવસમાં વારંવાર હાથ ધોવાના છે. અમેરિકાના સૅન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલની સલાહ પ્રમાણે તો દિવસમાં સામાન્યતઃ ૧૦ વખત હાથ ધોવાના છે. ‘વૉશ યૉર હેન્ડ્ઝ’ હાલ એક મંત્ર સમાન છે. કોવિડ-૧૯ વિષાણુ સામે કોઈ રસી હજુ શોધાઈ નથી, તેથી સ્પર્શ-સંસર્ગથી વિષાણુ શરીરમાં પ્રવેશ કરે તે પહેલાં જ સેનિટાઈઝરથી તેનો નાશ કરવાનો ઉપાય હાથવગો રહ્યો છે.

સામાન્ય સંજોગોમાં તો એ જાણવામાં કદાચ રસ ન પડે, પણ અત્યારે એ જાણવા જેવું છે કે વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૧૫ ઑક્ટોબરનો દિવસ વિશ્વભરમાં ‘વર્લ્ડ હૅન્ડ વૉશિંગ ડે’ તરીકે ઉજવાય છે. કોરોનાથી પહેલાં પણ હાથ ધોવાનું આટલું બધું મહત્ત્વ શી રીતે ઊભું થયું, તેની પાછળ વિજ્ઞાનની રસિક અને કરુણ કથા રહેલી છે. જીવાણુઓનાં કારણે વિવિધ પ્રકારના રોગ થાય છે તેવા મતલબની ‘જર્મ થિયરી’ની ઘોષણા કરનાર લૂઈ પાશ્ચર કે જીવાણુઓના નાશ માટેની એન્ટીસેપ્ટિકની પ્રક્રિયાના પ્રર્વતક જોસેફ લિસ્ટર હજુ પોતાના અભ્યાસો-સંશોધનોનાં પરિણામોને ચકાસતા હતા. કોઈ એક ચોક્કસ જીવાણુ અને તેના કારણે ફેલાતા ચોક્કસ રોગ અંગેનો રોબર્ટ કોખનો સિદ્ધાંત ૪૦ વર્ષ પછી પુરવાર થવાનો હતો. જીવાણુથી થતા રોગનો સામનો કરતી પહેલી એન્ટિબાયોટિક પેનિસિલિનના શોધક એલેકઝાન્ડર ફ્લેમિંગનો જન્મ થયો ન હતો. પાઉલ એહરલિકની જીવાણુને શોધી શોધી મારી શકે તેવી જાદુઈ ગોળી (મૅજિક બુલેટ) ‘સાલવરસન’ના આગમન માટે વિશ્વને ૭૦ વર્ષ રાહ જોવાની હતી. વિષાણુ ઉર્ફે વાઇરસની ઓળખ ઘણી દૂર હતી.

ત્યારે ૧૫ મે, ૧૮૫૦ ની સાંજે વિયેનાની મૅડિકલ સોસાયટીના ભવ્ય પ્રવચન ખંડના મંચ પરથી એક યુવાન સ્ત્રીરોગશાસ્ત્રી ડૉ. ઈગ્નાઝ ફિલિપ સેમેલ્વિસે તબીબો સમક્ષ દરદીઓને બચાવવા માટે ઘસીને હાથ ધોવાનું સૂચન કરતું પ્રવચન કર્યું. શહેરની જનરલ હૉસ્પિટલમાં રોગોનું સંક્રમણ અટકાવવાના પોતાના અનુભવ અને ક્લોરિનેટેડ લાઈમના દ્રાવણથી હાથ ધોવાના ફાયદા સેમેલ્વિસે જણાવ્યા. તબીબી ક્ષેત્રની કેટલીક મહાન શોધોની જાહેરાતના સાક્ષી બની ચૂકેલા તે ખંડમાં સેમેલ્વિસના વિદ્યાર્થીઓ અને સાથીઓ ઉપરાંત ઓસ્ટ્રિયાના નામાંકિત તબીબો-સ્ત્રીરોગ નિષ્ણાતો પણ હાજર હતાં. તેમના પ્રવચનના અહેવાલો પણ ઑસ્ટ્રિયાનાં સમાચારપત્રોમાં પ્રસિદ્ધ થયા. પરંતુ કેટલાક દાયકા સુધી તબીબી આલમે સેમેલ્વિસની શોધને ગંભીરતાથી લીધી નહીં.

યુરોપના દાક્તરોએ દરદીઓને તપાસતાં પહેલાં અને પછી, દરદીઓની વાઢકાપ કરતાં પહેલાં અને પછી તથા લેબર રૂમમાં પ્રસૂતિ કરાવ્યા પહેલાં અને પછી હાથ ધોવાની-સ્વચ્છતા જાળવવાની ટેવ અપનાવી ન હતી. ત્યારે, વર્ષ ૧૮૪૭ના અરસામાં ૨૯ વર્ષના સેમેલ્વિસ વિયેનાની જનરલ હૉસ્પિટલના પ્રસૂતિગૃહમાં મદદનીશ તબીબ તરીકે નીમાયા. બે ભાગમાં વહેંચાયેલા હૉસ્પિટલનું પ્રસૂતિગૃહમાં સેમેલ્વિસે ફર્સ્ટ ક્લિનિકમાં હૉસ્પિટલના પ્રૉફેસર જોન ક્લેનના હાથ નીચે કામ કરવાનું હતું અને વિદ્યાર્થીઓને તાલીમ આપવાની હતી, જ્યારે સૅકન્ડ ક્લિનિકમાં દાયણો દ્વારા પ્રસૂતિ કરાવાતી હતી.

યુરોપ-અમેરિકાની શ્રેષ્ઠ ગણાતી હૉસ્પિટલોમાં વર્ષ ૧૮૫૦ પહેલાં તબીબો દ્વારા કરાવાતી પ્રસૂતિ દરમિયાન માતાના મૃત્યુનો દર, દાયણો દ્વારા ઘરે કરાવાતી પ્રસૂતિ વખતના મૃત્યુદર કરતાં ઘણો વધારે રહેતો હતો. બાળકના જન્મના ર૪ કલાકમાં જ પ્રસૂતાના મૃત્યુની કોઈ નવાઈ ન હતી. આ પરિસ્થિતિનું કારણ પ્રસૂતાઓને લાગતી ચાઇલ્ડ ફીવર નામની બીમારી હતી. તે દિવસોમાં યુરોપમાં મોટા ભાગની સ્ત્રીઓ ઘરે રહીને પ્રસૂતિ માટે દાયણોની સેવાઓ લેવાનું પસંદ કરતી હતી. પરંતુ અનૈતિક સંબંધો, નાજુક સ્વાસ્થ્ય અને મોટે ભાગે ગરીબીને કારણે ઘણી સ્ત્રીઓને પ્રસૂતિ માટે સરકારી દવાખાનાનો આશરો લેવો પડતો. કમનસીબે હૉસ્પિટલમાં થતી પ્રસૂતિઓને કારણે માતાઓનાં મરણનું પ્રમાણ રપ-૩૦ ટકા સુધી પહોંચી જતું હતું. કેટલાક લોકોના મતે દવાખાનાંની ગીચતા, અપૂરતાં હવા-ઉજાસ કે પ્રસૂતામાં ધાવણની શરૂઆત જેવાં કારણો આવાં મૃત્યુ માટે જવાબદાર હતાં. કેટલાક જીવલેણ-અસાધ્ય રોગો પણ કારણભૂત હોવાનો ત્યારના અગ્રણી તબીબોનો મત હતો.

સેમેલ્વિસ શરૂઆતથી જ માતાઓનાં મૃત્યુ અંગેનાં તથાકથિત કારણો સાથે સહમત ન હતા. તેમણે પોતાના વિભાગીય વડાના વિરોધ છતાં સાચાં કારણ શોધવાનું નક્કી કર્યું. તેમણે જોયું કે ફર્સ્ટ ક્લિનિકમાં દાખલ થતી ગર્ભવતી સ્ત્રીઓ ક્લિનિકમાંથી રજા લઈ પ્રસૂતિ માટે ઘરે જવાનો આગ્રહ કરતી હતી, પરંતુ સૅકન્ડ ક્લિનિકમાં દાખલ કરાતી સ્ત્રીઓને આવી કોઈ ફરિયાદ ન હતી. થોડા મહિનામાં સેમેલ્વિસના ધ્યાને એક આશ્ચર્યકારક હકીક્ત આવીઃ સૅકન્ડ ક્લિનિક કરતાં ફર્સ્ટ ક્લિનિકમાં માતાઓનો મૃત્યુદર લગભગ ત્રણ ગણો વધારે હતો.

ડૉ. સેમેલ્વિસે બંને ક્લિનિકમાં દાખલ થયેલાં દરદીઓ, તેમને તપાસનારાં, દરદીઓનાં સ્વાસ્થ્યની સ્થિતિ અને સારવાર તથા મૃત્યુ કે પ્રસૂતિ બાદ રજા આપ્યાની વિગતો સહિતની વિસ્તૃત માહિતી તૈયાર કરી. સાથેસાથે બન્ને ક્લિનિકની વ્યવસ્થા-સગવડો અને દાયણો તથા તબીબી વિદ્યાર્થીઓની કાર્યશૈલીની પણ ઝીણવટભરી નોંધો તૈયાર કરી. સેમેલ્વિસનું પ્રાથમિક તારણ એ હતું કે તબીબોની હાજરીવાળા વોર્ડમાં પ્રસૂતાઓના વધુ મૃત્યુનું કારણ તબીબો સાથે સંકળાયેલું હોવું જોઈએ. તેમના બારીક નિરીક્ષણે એ બાબત નોંધી કે સામાન્ય રીતે તબીબી વિદ્યાર્થીઓ પહેલાં દવાખાનાના શબઘરમાં મૃતદેહોની ઑટોપ્સી કરતા હતા અને ત્યાર બાદ હાથ સાફ કર્યા વિના ફર્સ્ટ ક્લિનિકમાં જતા હતા, જ્યારે દાયણોને શબઘરમાં કશું કામ ન હોવાથી તે ત્યાંથી દૂર રહેતાં હતાં. સેમેલ્વિસે વિચાર્યું કે ઑટોપ્સી દરમિયાન મૃતદેહોમાંથી કોઈ પ્રકારનું ઝેર તબીબો દ્વારા પ્રસૂતિગૃહમાં સંક્રમિત થતું હોવું જોઈએ. આ દરમિયાન ચાઇલ્ડ ફીવરની બીમારીથી અવસાન પામનાર એક સ્ત્રીની પ્રસૂતિ કરાવતાં લાગેલા ઘામાં ચેપ લાગતાં એક સાથી તબીબનું અવસાન થયું. તબીબ અને મૃત પ્રસૂતાની બીમારીનાં લક્ષણોમાં સામ્ય જોવા મળતાં સેમેલ્વિસની ધારણાને બળ મળ્યું. કેટલાક અખતરા બાદ સેમેલ્વિસે તમામ દાક્તરોને ઘસીને હાથ ધોવાની સલાહ આપી. શરૂઆતના તબક્કે સાબુનાં પાણીનો ઉપયોગ સફળ ન થતાં ક્લોરિનેટેડ લાઈમનાં દ્વાવણનો ઉપયોગ કરવાની સૂચનાઓ કરી અને તમામ તબીબી કામગીરી દરમ્યાન ફરજિયાતપણે હાથ ધોતા રહેવાની નીતિ અખત્યાર કરાવી. પરિણામે ફર્સ્ટ ક્લિનિકમાં પ્રસૂતા સ્ત્રીઓનાં મૃત્યુની ટકાવારી  ૧૮.૨૮ ટકાથી ઘટીને ૧.૨૭ ટકા થઈ ગઈ. ૧૮૪૮ના ઑગષ્ટ મહિનાથી સેમેલ્વિસના ફર્સ્ટ ક્લિનિકમાં ચાઇલ્ડ ફીવરને કારણે થતાં પ્રસૂતાનાં મૃત્યુ અટકી ગયાં.

સેમેલ્વિસને ચાઇલ્ડ ફીવરના સંક્રમણ અને ઉદ્દભવ માટે જવાબદાર જીવાણુનો તે સમયે ખ્યાલ કે વિચાર આવ્યો ન હતો. વિયેનાના યુવાન તબીબોને સેમેલ્વિસની શોધનું મહત્ત્વ સમજાયું હતું. પરંતુ અનુભવી અને ઉપરી તબીબો સેમેલ્વિસને સમજી શક્યા ન હોવાથી તેમની ટીકા કરતા હતા. ચાઇલ્ડ ફીવરનું કારણ માત્ર સ્વચ્છતાનો અભાવ હોઈ શકે. તેવી સેમેલ્વિસની ધારણાની હાંસી ઊડાવવામાં આવી. કેટલાકને વારંવાર હાથ ધોવાની કાર્યપદ્ધતિની અગવડ પસંદ ન હતી. એટલું જ નહીં, ઘણા તબીબોએ સેમેલ્વિસનાં સૂચનો અને ઘસીને હાથ ધોવાની પદ્ધતિને અવગણ્યાં. ઇતિહાસકારો નોંધે છે કે પોતાના ઉપરી તબીબો દ્વારા હાથ ધોવાની પદ્ધતિની અસરકારકતાનો ખાતરીબદ્ધ પુરાવા સેમેલ્વિસ આપી શક્યા ન હતા. પ્રસૂતાઓનાં મૃત્યુ માટે ખરાબ હવા જવાબદાર છે, તેવી માન્યતામાં ઉપરી તબીબો શ્રદ્ધા ધરાવતા હતા. તબીબી વ્યવસાય દૈવી ગણાતો હોવાથી તબીબો પોતે જ કોઈ રોગ માટે જવાબદાર હોય, તેવી સેમેલ્વિસની ધારણા તેમને સદંતર અસ્વીકાર્ય હતી.

સૈદ્ધાંતિક અને વૈચારિક ઘર્ષણના પરિણામે વિયેનાની જનરલ હૉસ્પિટલમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકેની સેમેલ્વિસની નિમણૂંક રિન્યૂ કરવામાં ન આવી. તેથી સેમેલ્વિસ નિરાશ થઈ વિયેના છોડી હંગેરીમાં પોતાના વતન બુડાપેસ્ટ ગયા. ૧૮૫૧માં તેઓ સેન્ટ રોકસ હૉસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગના વડા નીમાયા. ત્યાં તેમણે દાક્તરો અને નર્સોને સંક્રમણ અટકાવવા ક્લોરિનેટેડ લાઈમના દ્રાવણથી હાથ ધોવાની પ્રણાલીમાં જોડ્યાં અને તે હૉસ્પિટલનો માતાઓનો મૃત્યુદર ઘટાડવામાં સફળ થયા. એટલું જ નહીં, સેમેલ્વિસે આ પ્રણાલીનો ઉપયોગ તબીબી તપાસ, વાઢકાપ અને પ્રસૂતિમાં વપરાતાં તમામ સાધન-ઓજારોનાં નિજંતુકરણ માટે કરવાનું પણ શરૂ કર્યું. દવાખાનાંઓની આંતરિક વ્યવસ્થાઓમાં હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા, વૉશ બેઝિન, સાબુ અને ચોખ્ખા રૂમાલની સગવડોનો પણ ઉમેરો કર્યો. દરદીઓની સારવાર માટેની કાર્યપદ્ધતિમાં મહત્ત્વના ફેરફાર સૂચવ્યા. તેમ છતાં સેમેલ્વિસની શોધને સાર્વત્રિક આવકાર ક્યારે ય ન મળ્યો. બુડાપેસ્ટના અન્ય સ્ત્રીરોગ નિષ્ણાતોએ સેમેલ્વિસના વિચારોને સ્વીકાર્યા ન હતા.

ક્લોરિનેટેડ લાઈમનું દ્રાવણ હકીકતમાં ચાઇલ્ડ ફીવર માટે જવાબદાર જીવાણુઓનો નાશ કરે છે અને આ જીવાણુઓ સડેલા મૃતદેહો કે અન્ય પદાર્થોમાંથી સંક્રમિત થતા હોવાનો તાર્કિક સંબંધ સેમેલ્વિસ સમજાવી શક્યા ન હતા. જો કે પ્રોફેસર બર્લીના અવસાન બાદ વર્ષ ૧૮૫૫ માં સેમેલ્વિસ પેસ્ટ યુનિવર્સિટીમાં પ્રોફેસર બની શક્યા હતા. ત્યાં સુધી ક્લોરિનેટેડ લાઈમના દ્રાવણના જીવાણુનાશક તરીકેના ઉપયોગની તેમની શોધ અને તેનાં પરિણામ તેમણે પ્રસિદ્ધ કર્યાં ન હતાં. આખરે વર્ષ ૧૮૬૧માં તેમણે પોતાનું સંશોધન પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરી ચાઇલ્ડ ફીવરના સંક્રમણની પદ્ધતિ સમજાવી અને તેના નિવારણ માટે ઘસીને હાથ ધોવાની કાર્યપદ્ધતિની અસરકારકતાનાં પરિણામો રજૂ કર્યાં. એ જ પુસ્તકમાં તેમણે પોતાના ટીકાકારોની ખૂબ આકરા શબ્દોમાં ટીકા પણ કરી હતી.

સેમેલ્વિસના વ્યક્તિત્વને સમજવું અને તેમના સાથે કામ પાર પાડવાનું અઘરું હતું. અભ્યાસીઓના મતે તેમનું વ્યક્તિત્વ પણ એક રીતે તેમની શોધના અસ્વીકારનું એક કારણ બની ગયેલું. મિત્રોના આગ્રહ છતાં તેમણે ૧૩ વર્ષ સુધી પોતાના સંશોધનને પ્રસિદ્ધ કરવાનો ઈનકાર કર્યા હતો. તે માનતા હતા કે લાઈમ વોટરના દ્વાવણથી હાથ સાફ કરવાની શોધને કોઈ પુરાવાની જરૂર નથી. કહેવાય છે કે તે ઉદ્ધત અને અહંકારી પણ હતા. પોતાની શોધના અસ્વીકારના કારણે વ્યાપેલી હતાશાને કારણે તેઓ ક્રોધાવેશમાં સૌથી શક્તિશાળી અને ઉપરી તબીબોનું ખરાબ રીતે અપમાન કરતા હતા. તબીબી ક્ષેત્રના વ્યવસાયિકોની પોતાના તરફની ઉદાસીનતાથી સેમેલ્વિસ અકળાઈ ગયા હતા અને યુરોપના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાતોને તેમણે તીખી ભાષામાં જાહેર પત્રો લખવાનું શરૂ કર્યું હતું. અપમાન સહન નહીં કરવાના કારણે તેમના વર્તનમાં આવેલ પરિવર્તન અને આક્રોશને કારણે તેમનાં પત્ની મારિયા અને મિત્રોએ માન્યું કે સેમેલ્વિસે માનસિક સ્થિરતા ગુમાવી છે. વર્ષ ૧૮૬૫માં તેમને અસ્થિર મગજના લોકોની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં પખવાડિયા બાદ તેમનું મૃત્યુ થયું. હૉસ્પિટલમાંથી ભાગવા જતાં હૉસ્પિટલના ચોકીદારોના મારથી તેમનું મૃત્યુ થયાની ધારણા છે.

ઉપરની તસવીરોમાં ડૉ. સેમેલ્વિસના પ્રદાન પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે જર્મની, ઑસ્ટ્રિયા અને હંગેરીએ જુદા જુદા સમયે પ્રગટ કરેલી ટપાલટિકિટો

નવી શોધ કે નવા પુરાવાની અવગણના કરવાના વલણને વિજ્ઞાનના ઇતિહાસકારો સેમેલ્વિસે રીફ્લૅક્સ તરીકે ઓળખાવે છે. સ્થાપિત ધોરણો અને માન્યતાઓથી વિરુદ્ધની નવી શોધો જ્યારે જૂના વિચારો માટે પડકારજનક સાબિત થાય છે, ત્યારે તેમના શોધકો સેમેલ્વિસની જેમ અવગણનાનો ભોગ બનતા હોય છે. તબીબી વિજ્ઞાનના ઇતિહાસકારો સેમેલ્વિસને યોગ્ય રીતે જ ‘સંક્રમણનિયંત્રણના પિતા‘ અને ‘માતાઓના ઉદ્ધારક‘ તરીકે ઓળખાવે છે. તે જ્યાં અધ્યાપક હતા તે બુડાપેસ્ટની મેડિકલ સ્કૂલનું નામ તેમની સ્મૃતિમાં ‘સેમેલ્વિસ યુનિવર્સિટી ઓફ મેડિસિન‘ રાખવામાં આવ્યું છે.

ઈંગ્લેન્ડના સર્જન જોસેફ લિસ્ટરે વર્ષ ૧૮૬૫માં જ એક અસરકારક જીવાણુનાશક —એન્ટીસેપ્ટિક એજન્ટ તરીકે કાર્બોલિક એસિડ(ફિનોલ)ની શોધ પ્રસિદ્ધ કરી, જેનો વ્યાપકપણે સ્વીકાર થયો. સેમેલ્વિસની શોધ અને સંઘર્ષથી અજાણ લિસ્ટર પછીથી તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનું ચૂક્યા ન હતા.

વર્ષ ૧૮૫૦માં ચાઇલ્ડ ફીવરને રોકવા કે તેનો સામનો કરવા કોઈ દવા કે રસી શોધાઈ ન હતી, તેમ કોવિડ-૧૯ના પ્રતિકાર માટે પણ આજે કોઈ ઉપાય ઉપલબ્ધ નથી. તેથી ૧૫ મે, ૧૮૫૦ પછી બરાબર ૧૭૦ વર્ષ પછી ૧૫ મે, ૨૦૨૦ના દિવસે પણ એક જુદા જ રોગનુ સંક્રમણ રોકવા ડૉ. સેમેલ્વિસની ‘વૉશ યૉર હૅન્ડ્ઝ ટુ સેવ લાઇવ્ઝ’ની સલાહ વર્તમાન વિશ્વ માટે એટલી જ સાચી છે.

e.mail : dipakjoshi3057@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 15 મે 2020

Loading

...102030...2,3822,3832,3842,385...2,3902,4002,410...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved