Opinion Magazine
Number of visits: 9575675
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં કોરોનાનું ટેસ્ટિંગ : આંકડાની માયાજાળ

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|18 May 2020

ભારત સરકારે 9મી મેના રોજ કોવિડ-19 માટે ટેસ્ટિંગની નવી માર્ગદર્શિકા જાહેર કરી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (ICMR) તરફથી ‘રિવાઇઝ્ડ પેશન્ટ ડિસ્ચાર્જ પૉલિસી’ની જાહેરાત કરીને કોવિડ-19ની સારવારમાં અનેક મોટા ફેરફારો લાગુ કર્યા છે. ટેસ્ટ અંગેની આ નવી માર્ગદર્શિકા શું છે, તે સૌથી પહેલાં આપણે જાણીએ

નવી માર્ગદર્શિકા

અત્યાર સુધી કોરોના-સંક્રમિત દરદીઓને ઓછામાં ઓછા બે વાર, 24 કલાકના સમયાંતરે રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે જ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવતી હતી. પરંતુ નવી માર્ગદર્શિકા મુજબ કોરોનાનાં લક્ષણો ન ધરાવતા કે નજીવાં લક્ષણો ધરાવતા દરદીને દસ દિવસની સારવાર બાદ છેલ્લા ત્રણ દિવસમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદ ના હોય, શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના હોય કે કોઇ સપોર્ટ વગર ઑક્સિજન લઈ શકે તેવી સામાન્ય સ્થિતિ જણાય તો તેવા દરદીને પણ દસ દિવસ પછી, RT- PCRનો ટેસ્ટ કર્યા વગર જ રજા આપવામાં આવશે. માત્ર એચ.આઇ.વી. પૉઝિટિવ, ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય તેવા દરદી કે કૅન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા દરદીને જ RT-PCRનો ટેસ્ટ કરીને રજા આપવામાં આવશે.

નવી માર્ગદર્શિકાનાં જોખમો

ખુદ ICMRએ સ્વીકાર્યું છે કે ભારતમાં 80 ટકા કોરોના દરદીઓ લક્ષણો વિનાના છે. એવા સમયમાં કોરોનાનો ફેલાવો રોકવા માટે દરદીઓની ઓળખ અનિવાર્ય છે. જો આપણે સંક્રમિત વ્યક્તિની ઓળખ ન કરવાના હોઈએ, ટેસ્ટ કર્યા વગર જ ઉપરની શરતોનું પાલન કરીને દરદીને હૉસ્પિટલમાંથી રજા આપવાના હોઈએ, તો કોરોનાનો ફેલાવો આપણે કેવી રીતે રોકી શકીશું? ટેસ્ટ વગર જ કોરોનામુક્ત જાહેર કરાયેલી વ્યક્તિ સાઇલેન્ટ કૅરિયર (છૂપી વાહક) બનીને અનેક લોકોને સંક્રમિત કરી શકે છે. દેશના નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે કે ભારતમાં જૂન સુધીમાં સ્થિતિ ઓર ભયજનક બની શકે છે. એવા સમયે સંક્રમિત વ્યક્તિઓની ઓળખ કરવા ટેસ્ટિંગ સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી. ત્યારે નવી માર્ગદર્શિકા અતાર્કિક, તબીબી નૈતિકતાની વિરોધી અને લોકોનાં જીવનને જોખમમાં મૂકનારી સાબિત નહીં થાય?

વિશ્વથી વિપરીત ભારતની ગતિ:

કોરોના વાઇરસના ઉદ્દભવસ્થાન તરીકે ચીનના વુહાન શહેરને ગણવામાં આવે છે. ત્યાં ત્રીજી એપ્રિલ સુધી એક પણ નવો કેસ આવ્યો નહોતો. ચીનનું આ શહેરમાં સતત 11 અઠવાડિયા સુધી લૉક ડાઉનમાં હતું. 8મી એપ્રિલે આ લૉક ડાઉન ઉઠાવવામાં આવ્યું. ત્યાર પછી ચીનમાં છ નવા કેસ નોંધાયા છે. એટલે પછીના દસ દિવસમાં ચીનના તંત્રે વુહાન શહેરની ૧.૧ કરોડની વસતિનું ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો. તેમાં પણ ઉંમરલાયક વ્યક્તિઓ અને ગીચ વસતિ ધરાવતા વિસ્તારોને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી. અલબત્ત, ચીનથી આવતી માહિતીની વિશ્વસનીયતાના પ્રશ્નો હંમેશાં હોય છે. એટલે, થોડી વાત બીજા દેશોની કરીએ.

ભારતથી નજીક આવેલો નાનકડો દેશ સિંગાપુર 1 જૂન સુધી લૉક ડાઉન હેઠળ છે. સિંગાપુરના આરોગ્યમંત્રી કોરોનાનો ફેલાવો અટકાવવા માટે 3,23,000 સ્થળાંતરિત મજૂરોનું ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો. બ્રિટન, ફ્રાન્સ અને સ્પેનમાં કોરોનાસંક્રમિત દરદીઓની સંખ્યા અને તેમનાં મૃત્યુની સંખ્યા ઘણી વધુ છે. સ્પેનમાં નવમી મે સુધીમાં 2,72,646 જેટલા સંક્રમિત દરદીઓ નોંધાયા હતા, જેમાંથી 27,321 દરદીઓ મૃત્યુ પામ્યાં. સ્પેનમાં મૃત્યુનો આટલો ઊંચો દર હોવા છતાં ત્યાં કોરોનાનો ફેલાવો નિયંત્રણ તરફ આગળ વધી રહ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ મોટા પ્રમાણમાં કરાયેલું ટેસ્ટિંગ છે. સ્પેને દર દસ લાખ લોકોએ 52,781 ટેસ્ટ કર્યા છે. દુનિયામાં સૌથી વધુ ટેસ્ટિંગ કરનાર દેશ પોર્ટુગલ છે. તેની વસતિ 1.02 કરોડ છે. પોર્ટુગલમાં કુલ ટેસ્ટિંગની સંખ્યા 5,66,000 છે. એટલે કે આ નાનકડા દેશે પોતાની દસ લાખની વસતિએ કુલ 55,500 જેટલા ટેસ્ટ કર્યા છે. પેરુ ભારતથી 206મા ભાગનો દેશ છે. તેની ટેસ્ટિંગની સંખ્યા દર દસ લાખે 16,413 છે. દર દસ લાખની વસતિએ કતારે 48,290 ટેસ્ટ, તુર્કીએ 17,477 ટેસ્ટ, તો ચિલીએ 16,091 ટેસ્ટ કર્યા છે ત્યારે વિશ્વની મહાસત્તા બનવાની સ્પર્ધામાં સૌથી આગળ હોવાનો અને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનું લક્ષ્યાંક રાખવાનો દાવો કરનાર ભારતમાં દર દસ લાખ લોકોએ 1,411નું ટેસ્ટિંગ કરાયું છે. (સ્રોત www.statists.com)

ભારતમાં કોરોનાનો પ્રથમ પૉઝિટિવ કેસ ૩૦મી જાન્યુઆરીએ કેરળમાં નોંધાયો હતો, જ્યારે દક્ષિણ કોરિયામાં પ્રથમ કેસ 20મી જાન્યુઆરીએ નોંધાયો હતો. 13મી માર્ચ સુધી આપણે દર દસ લાખ લોકોએ માત્ર પાંચ (બરાબર પાંચ જ) ટેસ્ટ કર્યા હતા. આમ 13મી માર્ચ સુધી આપણા દેશમાં માત્ર 6,000 ટેસ્ટ થયા હતા, જ્યારે એ જ સમયે દક્ષિણ કોરિયામાં દર દસ લાખ લોકોએ 4,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. (સ્રોત: Scroll, 18/03/20)

અમેરિકામાં કોરોના વાઇરસનો ભય ખૂબ જ વધારે છે. સંક્રમિત દરદીઓની સંખ્યા અને તેમના મૃત્યુમાં અમેરિકા સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. હંમેશાં અમેરિકાના માર્ગે ચાલવાનું પસંદ કરનાર ભારતે એ વાત નોંધવી જોઈએ કે વ્હાઇટ હાઉસના અહેવાલો અનુસાર અમેરિકામાં રોજના ૩ લાખ ટેસ્ટ થઈ રહ્યા છે. (સ્રોત: The Guardian, 12/05/20) જો કે વ્હાઇટ હાઉસ દ્વારા થતા પ્રેસ બ્રિફિંગ ઉપર ખુદ અમેરિકાનાં માધ્યમોને કે નાગરિકોનો ભરોસો નથી. ટ્રમ્પ તંત્ર દ્વારા ‘સૅન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ને ગણતરીની પદ્ધતિ બદલીને કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા ઓછી બતાવવા દબાણ કરાઈ રહ્યું છે. અમેરિકાની સૌથી વિશ્વસનીય વ્યક્તિઓમાંના એક અને કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના સભ્ય એવા એન્થની ફૉસીએ પણ આ વાત સૅનેટ કમિટી આગળ ખુલ્લી પાડી છે. અલબત્ત, ભારત ટેસ્ટિંગની બાબતમાં અમેરિકાને અનુસરે કે ના અનુસરે, પણ આંકડા છુપાવવાની બાબતમાં અમેરિકાના તંત્રને અનુસરતું હોય તેવું લાગી રહ્યું છે.

WHOએ છેક માર્ચના મધ્યમાં જ કહ્યું હતું કે કોરોનાને ફેલાતો અટકાવવા માટે ટેસ્ટ, ટેસ્ટ અને માત્ર ટેસ્ટ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ (હકીકતમાં શબ્દો હોવો જોઈએ ‘ફિઝિકલ  ડિસ્ટન્સિંગ’) અને પરિવહન પર પ્રતિબંધ એક માત્ર ઉકેલ હોઈ શકે નહીં. કારણ કે કોરોનાનાં લક્ષણો વિનાના દરદીઓ કોરોનાનો ફેલાવો ઝડપથી કરવા માટે જવાબદાર બની શકે છે.

આમ, સમગ્ર દુનિયા કોરોનાને અટકાવવા માટે, સંક્રમિત દરદીઓને ઓળખવા મોડે મોડેથી પણ ટેસ્ટિંગને મહત્ત્વ આપી રહી છે, એવા સમયે ભારતમાં ટેસ્ટિંગને અવગણવાની વાત જોખમરૂપ સાબિત થઈ શકે છે.

ટેસ્ટિંગ ન કરવા પાછળનું કારણ શું હોઈ શકે?

આમ તો ટેસ્ટિંગ ન કરવા પાછળ કોઈ પણ પ્રકારના વાજબી કારણનું અસ્તિત્વ હોય તેવું લાગતું નથી. પરંતુ શરૂઆતથી જ આંકડા અને કોરોનાને લગતી સરકારના વિવિધ વિભાગો દ્વારા અપાયેલી માહિતીમાં ગરબડો જોવા મળી છે. નવી માર્ગદર્શિકા પછી હૉસ્પિટલમાંથી રજા મેળવનાર દરદીઓની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે. તેના પરિણામે દેશમાં અને રાજ્યમાં રોજેરોજ કોરોના-સંક્રમિત દરદીઓના કેસ વધતા હોવા છતાં, દરદીઓના સાજા થવાનું પ્રમાણ અચાનક વધી ગયેલું જણાય છે. આમ, નવી માર્ગદર્શિકા આવતાં પહેલાંના એક અઠવાડિયામાં દેશનો રિકવરી રેટ જે 26.59 ટકા હતો, તે આ નવી માર્ગદર્શિકા અમલમાં આવતાની સાથે જ 31.14 ટકા થઈ ગયો છે. આમ, આપણે સારવારની નીતિ બદલીને આંકડાકીય રીતે વિશ્વમાં આપણી છબી પણ ઉન્નત કરી દીધી અને લોકોને સાચુંખોટું એક આશ્વાસન પણ આપી દીધું કે વધુ ને વધુ દરદીઓ સાજા થઈ રહ્યા છે.

ગુજરાત એક 'મૉડેલ સ્ટેટ’ હોવાથી આપણે તો હંમેશાં આ પ્રકારની માર્ગદર્શિકાઓના અમલમાં અતિ ઉતાવળા હોઈએ છીએ. રાજ્યમાં રોજેરોજ કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં પણ  ટેસ્ટિંગનું પ્રમાણ સતત ઘટાડાઈ રહ્યું છે. આપણા રાજ્યમાં 3 મેના રોજ,  374 પૉઝિટિવ કેસ નોંધાયા હતા, તેની સામે 5,944 ટેસ્ટ થયા હતા. 10 દિવસ બાદ રાજ્યમાં 13મી તારીખે નોંધાયેલા પૉઝિટિવ કેસની સંખ્યા 364 છે, જ્યારે તેની સામે થયેલા ટેસ્ટની સંખ્યા માત્ર 2,760 છે. (સ્રોત: નવગુજરાત સમય, 14/05/20) આમ, રાજ્યમાં કે અમદાવાદ શહેરમાં કોરોના પૉઝિટિવ દરદીઓની સંખ્યા કે તેમનાં મૃત્યુનો આંકડો ઓછો નથી થયો. તેમ છતાં રાજ્યમાં આ નવી માર્ગદર્શિકાના આધારે રિકવરી રેટ વધી રહ્યો છે. એક સમયે જ્યાં દેશનો સૌથી ઓછો રિકવરી રેટ હતો, આજે એ જ રાજ્ય દેશના સરેરાશ રિકવરી રેટ કરતાં પણ આગળ છે. આજ રોજ રાજ્યમાં સાજા થનાર દરદીઓનું પ્રમાણ  38.4 ટકાએ પહોંચ્યું છે. આમ તંત્ર આંકડાઓની માયાજાળ રચીને લોકોને વાસ્તવિકતાથી દૂર રાખવાનું જોખમી પગલું ભરી રહ્યું છે.

લોકો લૉક ડાઉનમાં છે. પોતે કોઈપણ નીતિ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કરી શકે કે વિરોધ નોંધાવી શકે તેવી સ્થિતિમાં નથી. એવા સમયે આ પ્રકારનાં જોખમી પગલાં સરકાર પક્ષે અસંવેદનશીલતા દર્શાવે  છે. પોલીસની લાઠી, મજૂરોની હાલાકી, અબજો રૂપિયાનાં આર્થિક પૅકેજ, તેમ છતાં તંત્રના તમામ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ એ હકીકત છે. તેનાથી કોરોના અટકશે નહીં. કોરોનાને અટકાવવાનો એકમાત્ર ઉપાય વધુ ને વધુ ટેસ્ટિંગ છે. આંકડાઓ સાથે રમત રમીને કદાચ આપણે દુનિયામાં દેશની છબી આંકડાકીય રીતે ઉજ્જવળ કરી શકીશું. પરંતુ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી જોખમી નીવડે એવી છે.

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 મે 2020

Loading

કામદારો માટે કોરોના કરતાં લૉક ડાઉન બદતર છે

અરુણા રોય નિખિલ ડે, અરુણા રોય નિખિલ ડે|Opinion - Opinion|18 May 2020

લાખો સ્થળાંતરિત મજૂરો અને વંચિતો માત્ર ત્રણ અઠવાડિયાના ટૂંકા સમયગાળામાં આજીવિકા, આવકની સલામતી અને પોતાનું સ્વમાન એમ ત્રણેય વાત ગુમાવી બેઠા છે.  તેમને વાઇરસના ખતરાનો અહેસાસ છે, પરંતુ તેમના માટે આ દેશ વ્યાપી લૉક ડાઉન કોરોનાની બીમારી કરતાં પણ બદતર છે.

દરેક વ્યક્તિનું જીવન અમૂલ્ય હોવાની વાત કરતા વડાપ્રધાને લોકો પાસે એક પછી એક લૉક ડાઉનમાં શિસ્ત અને બલિદાનની માગણી કરી. આ પ્રકારના આકરા આદેશો વખતે, મીઠા મીઠા શબ્દો બોલીને દેશ માટે બલિદાનની માગણી કરવાની એક કાયમી પદ્ધતિ જ થઈ ગઈ છે. સરકારના બીજા નીતિ ઘડનારાઓની જેમ પોતાના વક્તવ્યમાં વડાપ્રધાને પણ માત્ર રોગના ફેલાવવાની જ ગણતરી માંડી. લૉક ડાઉનના કારણે જે ભૂખ અને અસલામતીની પરિસ્થિતિ સર્જાઈ, તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. લાખો પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને તેમાં પણ ખાસ કરીને દેશભરમાં ગીચ વસ્તીઓમાં ફસાયેલાં અને પોતાની આજીવિકા ગુમાવનાર સ્થળાંતરિત મજૂરો માટે લેવાયેલ કોઈ નક્કર પગલાં વડાપ્રધાનના ભાષણમાં ન હતાં.

વડાપ્રધાને આપણને સાત સૂત્રોનું પાલન કરવા કહ્યું. પહેલું, તેમણે કહ્યું ઘરડાં લોકોની વિશેષ કાળજી લો. પરંતુ વડાપ્રધાને પોતાનાં છ વર્ષના કાર્યકાળમાં વૃદ્ધોની માગણીઓ કયારે ય સાંભળી નથી. કેન્દ્ર સરકાર દ્વારા દેશના એક તૃતિયાંશ વૃદ્ધોને સામાજિક સુરક્ષા હેઠળ દર મહિને રૂ. 200નું વૃદ્ધાવસ્થા પેન્શન આપવામાં આવે છે, જે તેમની ક્રૂર હાંસી નહીં તો બીજું શું છે? આ રકમમાં વર્ષ ૨૦૦૭થી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ યોજના અંતર્ગત વધારાના રૂ. 1,000 બે મહિના માટે ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એવી આશા છે કે વૃદ્ધ માણસો બે મહિના સુધી, મહિને વધારાના રૂ. 500ની મદદથી આ સમસ્યાનો સામનો કરે, જ્યારે બાકીના મોટી સંખ્યાના ‘વરિષ્ઠ નાગરિકો’એ આ નજીવી રકમમાં સંતોષ માનવાનો છે. જો રાજ્ય તેમને સહાય નહીં કરે તો તેઓ ભૂખ્યા અને નિરાધાર બની રહેશે.

બીજું, વડાપ્રધાને લૉક ડાઉનની ‘લક્ષ્મણરેખા’ને ચોકસાઈથી વળગી રહેવા અને ‘સામાજિક અંતર’ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કહ્યું. શહેરી ગરીબ વર્ગ માટે તો ‘સામાજિક અંતર’ અને ‘લક્ષ્મણરેખા’ ક્રૂર મજાક છે. તે તો ખૂબ જ નાની અને અતિશય ખરાબ જગ્યામાં રહે છે. તેમને માટે મોકળાશવાળી જગ્યાનો પહેલાંથી જ અભાવ છે, તે જાણીતું છે. નોકરીમાંથી છૂટા થતાં અને પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે રૂપિયા ન હોવાના કારણે તે ઘરે જવાની માગ કરી રહ્યા છે, જ્યાં તેઓ સ્વમાન સાથે જીવી શકે અને બચી પણ શકે.

ત્રીજુ, વડાપ્રધાને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુષ મંત્રાલયના આપેલા દિશાનિર્દેશોનું પાલન કરવા કહ્યું છે. પોતાના ભાષણમાં મહામારીને ફેલાતી અટકાવવા માટે કરાતાં પરીક્ષણ તથા આરોગ્યસંબંધી સરકારની વ્યૂહરચનાનો ભાગ્યે જ કશો ઉલ્લેખ કર્યો. તેના બદલે તે આપણને આયુષ મંત્રાલયે તૈયાર કરેલાં પગલાં તરફ લઈ ગયા. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 16 સુવિખ્યાત વૈદ્યો દ્વારા તૈયાર કરાયેલી આ ગાઇડલાઇનમાં દિનચર્યા અને ઋતુચર્યાની વાત કરાઈ છે. 11 મુદ્દાની આ ગાઇડલાઇનમાં વિવિધ પ્રકારની ઔષધિઓ અને મસાલાના ઉપયોગનું કહેવાયું છે, જે ભારતમાં ઘણા લોકોએ ભાગ્યે જ જોયા હશે અને તેમની ખરીદવાની ક્ષમતા પણ નથી. આખો દિવસ ગરમ પાણી પીવાની, ઉપરાંત દરરોજ અડધા કલાક માટે યોગ-પ્રાણાયામ અને ધ્યાન કરવાની સલાહ અપાઈ છે. છેલ્લે આયુષ મંત્રાલય, જાહેર કરેલી વાતનો નકાર કરતાં લખે છે કે આ સલાહ કોવિડ-19ની સારવાર માટે હોવાનો દાવો કરતી નથી. ચોથું, વડાપ્રધાને કોરોનાથી બચવા માટે તમામ લોકોને મોબાઇલમાં ‘આરોગ્યસેતુ એપ’ ડાઉનલોડ કરવાની અને તેનો ઉપયોગ કરવાની સલાહ આપી.  કેટલા શહેરી અને ગ્રામીણ ગરીબો પાસે સ્માર્ટ ફોનની સુવિધા છે? તેમને કેવી રીતે સમજાશે કે તેઓ મોબાઈલ એપ દ્વારા કોવિડ-19થી સુરક્ષિત રહી શકે? આ એપની પ્રાઈવસી અને ડેટાની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એપ ત્યારે જ અસરકાર રીતે કામ કરે, જ્યારે અંદાજે  50 ટકા ભારતીય પ્રજા તેને ડાઉનલોડ કરે.

પાંચમું, વડાપ્રધાન ઇચ્છે છે કે લોકો પોતાને ત્યાં કામ કરતાં લોકો પ્રત્યે કરુણા દાખવે. તેમણે કહ્યું કે કામદારોને નોકરીમાંથી કાઢી મૂકશો નહીં તેમ જ તેમનો પગાર કાપશો નહીં. સાથે સાથે શ્રમ અને રોજગાર મંત્રાલયે માલિકોને આદેશ આપ્યો કે લૉક ડાઉન દરમિયાન કામદારોને નોકરીમાંથી કાઢી ન મૂકે અને પૂરતો પગાર ચૂકવે. પરંતુ સરકાર પોતે રોજગાર બાંહેધરી આપતી મનરેગા યોજના ચલાવે છે. તેમાં સરકાર સૌથી વધુ કામદારોને લાભ આપી શકે તેમ છે. સરકારે આ યોજનામાં 24 માર્ચથી શરૂ કરીને 20 એપ્રિલ સુધી લોકોના પગાર આપવાની ના કહી દીધી! ઉલ્લેખનીય છે કે મનરેગાને લૉક ડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી ન હતી. ખરાબ સ્થિતિમાં મૂકાયા હોવા છતાં ખાનગી ક્ષેત્રના લોકોએ આ નિર્દેશોનો કેટલાંક અંશે પાલન કર્યું હોય તેવા દાખલા છે. તેમનો રેકોર્ડ સરકારે મનરેગાના કામદારો સાથે જે કર્યું, તેના કરતાં તો સારો જ છે.

છઠ્ઠું, કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે લીધેલાં કડક પગલાંને કારણે જેમની પર સૌથી વધુ અસર થઈ છે તેવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું વડાપ્રધાને કહ્યું. જો સરકારે પોતે તેનો અમલ કર્યો હોત તો પરિણામ ઘણાં સારાં આવ્યાં હોત. દુર્ભાગ્યે સરકારે આ અંગે માત્ર શાબ્દિક ચર્ચાઓ જ કરી. જે ઝડપથી ભૂખમરો, ગરીબી અને નિરાશા ફેલાઈ રહ્યાં છે, તે જોતાં સરકારે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા પડશે. આપણી સમક્ષ કેટલીક રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવાયેલાં સક્રિય કામગીરીના નોંધપાત્ર ઉદાહરણો છે. ભારત સરકાર પાસે સ્થિતિને કાબૂમાં લાવવા માટેના યોગ્ય ઉપાયો હોવા છતાં આ વિકટ પરિસ્થિતિમાં શ્રમિકો અને નબળા વર્ગો પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવામાં તે નિષ્ફળ રહી છે. સરકારે લૉક ડાઉન જાહેર કર્યું તે પહેલાંથી ગોડાઉનો અનાજથી છલકાઈ રહ્યાં હતાં. ભૂખ અને પૂરતો ખોરાક ન મળવાના ભય સામે લડવાના મહત્ત્વના ટાણે સરકાર પી.ડી.એસ. સિસ્ટમને સાર્વત્રિક બનાવી શકી નહીં, તેના કારણો સમજાતાં નથી. જ્યારે કામદારોની આજીવિકા સૌથી વધુ જોખમમાં મુકાઈ ત્યારે જ બરાબર મનરેગાના વિકલ્પને દૂર કરવામાં આવ્યો. આવા વિશ્વાસઘાતી પગલાં પછીનો ઉપદેશ ઠાલો અને નકામો છે.

સાતમું, વડાપ્રધાને આપણને ડૉક્ટરો સહિત કોરોના સામે લડી રહેલા લડવૈયાઓના કામને બિરદાવવા કહ્યું. પરંતુ જો ગરીબોને ડૉક્ટર અને નર્સની સેવાઓ સહેલાઈથી મળી જાય તો એ તેમની પૂજા કરશે. ભાંગી પડેલી જાહેર આરોગ્ય વ્યવસ્થાનું મહત્ત્વ પહેલાં ક્યારે ય આપણને સમજાયું નથી. આરોગ્યતંત્ર અને કર્મચારીઓ યુદ્ધનાં ધોરણે કામ કરી રહ્યાં છે, જે સરાહનીય છે. પણ તેની સાથે સાથે દેશના તમામ નાગરિકોને આરોગ્યની એકસમાન સેવા મળે તેની ખાતરી પણ થવી જોઈએ. આરોગ્યસેવા સાથે જોડાયેલ લોકો અને સ્વતંત્ર નાગરિક સંગઠનો ઘણા સમયથી આરોગ્યક્ષેત્રમાં જાહેર રોકાણ વધારવા અને હૅલ્થ કૅરની સુવિધાઓની ક્ષમતા વધારવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમ છતાં આપણા વડાપ્રધાન અને તેમની સરકાર માને છે કે નબળી પડેલી જાહેર આરોગ્ય વ્યવસ્થાની કમજોરી છુપાવવા તાત્કાલિક ધોરણે, તાળીઓ પાડવા જેવા જાહેર કાર્યક્રમ યોજવા જરૂરી છે.

મહામારી સામે લડવા માટે રાજકીય કુશળતા (સ્ટેટ્સમૅનશિપ) જોઈએ. આવી વિકટ પરિસ્થિતિમાં લોકોને સાથે રાખીને અને લોકોની તકલીફ અને જરૂરિયાતને નિવારવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. ઉપરાંત તમામ લોકોની વિકટ સ્થિતિ અને જરૂરિયાત માટે સહાનુભૂતિપૂર્વક કામ લેવું પડે. જ્યારે ખોરાક, આરોગ્ય અને રોજગારની સુરક્ષાને નકારવામાં આવે ત્યારે આશા પણ મરી પરવારે છે.

આ સંકટ કલ્પનાશીલ અને મહત્ત્વાકાંક્ષી એવા રાજ્ય તેમ જ નાગરિકોની ભાગીદારી માટે આહ્વાન કરે છે. ખોરાકનો અધિકાર, લઘુતમ વેતન સાથે કામ કરવાનો અધિકાર અને તમામને સ્વાસ્થ્ય સુવિધાની સમાન તક પ્રાપ્ત થાય, તેવા મૂળભૂત અધિકારો સૌને આપવાની તક રાજ્યે ઝડપી લેવી જોઈએ. આ અધિકાર આપવાથી ગરીબી ઘટાડવામાં મદદ મળશે, આપણે રોગચાળાનો વધુ આત્મવિશ્વાસપૂર્વક અને સહકારની વ્યૂહરચના સાથે સામનો કરી શકીશું, ખાદ્ય સુરક્ષા અધિનિયમનના અસરકારક અમલથી અનાજ અને દાળ સાર્વત્રિક રીતે પહોંચાડી શકીશું. પ્રાથમિક રોજગારીના મુદ્દાને ઍમ્પ્લોયમેન્ટ ગેરંટી ઍક્ટના વિસ્તારથી અને નવસંસ્કરણ દ્વારા અમલ કરી શકીશું. જાહેર અને ખાનગી સેવાઓ સાથે મળીને કામ કરે તે આજના સમયની માંગ છે.

આંબેડકર જયંતીના દિવસે વડાપ્રધાને બંધારણના આમુખને યાદ કરતા કહ્યું ”WE, THE PEOPLE OF India” (આપણે, ભારતના લોકો). જેમાં ભારતના બંધારણથી લોકશાહી વિકાસની વાત વણાયેલી છે. અત્યારે આપણે આપખુદશાહી-પિતૃસત્તાક વ્યવસ્થા અને સ્વાતંત્ર્ય, બંધુત્વ અને સમાનતાનો અધિકાર આપતાં લોકતંત્રમાંથી એકની પસંદગી કરવાની છે. આપણે વ્યક્તિના ગૌરવને સુનિશ્ચિત કરી શકીશું, ત્યારે જ આપણે એકતાની સાચી ભાવનાને આ લોકશાહી રાજ્યમાં સુરક્ષિત કરી શકીશું. બંધુત્વવાદના ખ્યાલને આપણા આમુખમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો આ સિદ્ધાંતોનો ઉપયોગ મહાવિકટ પરિસ્થિતિનો સામનો કરવા કરવો જોઈએ.

અનુવાદઃ રક્ષિત શાહ

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 મે 2020

Loading

જીવતા રહીશું તો ફરી આવીશું, સાહેબ*

કૌશિક અમીન|Opinion - Opinion|17 May 2020

જીવતા રહીશું તો ફરી આવીશું, સાહેબ,
તમારા શહેરોને આબાદ કરવા.

ત્યાં જ મળીશું ગગનચૂંબી ઈમારતો પછીતે,
પ્લાસ્ટિક છાજલીથી ઢાંકેલી ઝૂંપડપટ્ટીઓમાં.

ચાર રસ્તે ઓજારોના થેલા સાથે,
કારખાનાઓના ઓકતા કાળા ધુમાડા જેવી હોટલો ને ઢાબા પર ખાવાનું પકાવતા.

વાસણ માંજતાં, કપડાં ધોતાં,
ગલી ગલી ને ચોકમાં ફેરી કરતા,
સાયકલ રિક્ષા ખેંચતા.

ઓટો રિક્ષા ચલાવતા,
પરસેવે રેબઝેબ થતા,
તમને તમારા મુકામે પહોંચાડતા.

ક્યાંક ને ક્યાંક તો ફરી મળીશું તમને,
પાણી પીવડાવતા કે
સાંચામાં શેરડીના સાંઠા પિલતા.

કપડાં ધોતાં, ઈસ્ત્રી કરતા,
શેઠની ભાડે લીધેલી રેંકડી પર
સમોસાં તરતાં કે પાણીપૂરી વેચતા.
ઈંટવાડા પર ધૂળિયા વેશે,
કે તેજાબથી ઘરેણાં ચમકાવતા,
સ્ટીલનાં વાસણોને બફ પોલિશ કરતા.

મોરાદાબાદના પિત્તળનાં કારખાનાથી લઈને,
ફિરોજાબાદની બંગડી સુધી.

પંજાબના લહેરાતા ખેતરોથી લઈ,
ગોવિંદ ગઢની લોહભઠ્ઠીઓ સુધી,
પૂર્વના ચાના બગીચાઓથી લઈને અલંગના જહાજવાડાઓ સુધી.
અનાજ મંડીઓમાં ગુણો ઊંચકતા ઠેર ઠેર હોઈશું અમે.

બસ ફક્ત એક મહેરબાની અમારી પર કરજો, સાહેબ,
આટલી વાર અમને અમારા ઘેર પહોંચાડી દો.

ઘરે બુઢ્ઢી મા છે, બાપ છે, જવાન બહેન છે.
મહામારીની ખબરો સાંભળી,
તે સહુ બહુ પરેશાન છે.
ભેગા મળી એ સહુ,
કાકા, કાકી, માસા, માસી
વાટ જુએ છે અમારી.

ના રોકશો હવે અમને,
બસ અમને જવા દો,
તૂટી ચૂક્યો વિશ્વાસ તમ શહેરીઓથી,
એ ફરી જતાવવા અમને થોડો સમય આપો.

અમે ય માણસ છીએ તમારી જેમ જ,
એ વાત અલગ છે અમારા શરીરે છે,
પરસેવે ગંધાતા પહેરેલાં જૂનાં કપડાં,
તમારા જેવાં ચમકતાં કપડાં નથી.

સાહેબ, ચિંતા ન કરો,
વિશ્વાસ ફરી જો પડશે
તો ફરી પાછા આવીશું.
જીવતા રહીશું
તો ફરી પાછા ચોક્કસ આવીશું.

આમ તો જીવવાની આશા નહિવત્ જ છે,
અને મરી ગયા તો ……
અમને આટલો હક તો હવે આપો,
અમને અમારા વતનની ધૂળમાં સમાઈ જવા દો.

આપે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
ખવડાવ્યું તેનો દિલથી આભાર.
અમારા ઝોળામાં ફૂડપેકેટ બનાવી બનાવીને નાંખ્યા
એનો પણ આભાર.
આખરે તમે ય ક્યાં સુધી અમને ખવડાવશો?
સમયે તમને પણ લાવી દીધા અમારી બરોબર
પછી અમને કેમ જમાડશો?

તો પછી કેમ નથી જવા દેતા અમને અમારે ઘર, અમારે ગામ.
તમને મુબારક છે આ ચકાચોંધ ભર્યું શહેર તમારું.
અમને અમારા જીવથી વહાલું
ભોળું ભલું ગામ અમારું.

[ઘર તરફ ઉચાળા ભરી રહેલા શ્રમિકોના દિલમાં પડઘાતો અવાજ સંભ્રમિત શહેરીઓને સમર્પિત.]

મૂળ હિંદી અજ્ઞાત સર્જકની રચનાનો ભાવાનુવાદ.

 યુ.એસ.એ.

e.mail : Kaushikamin@hotmail.com

Loading

...102030...2,3762,3772,3782,379...2,3902,4002,410...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved