Opinion Magazine
Number of visits: 9575430
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાયો-મૅડિકલ કચરાના નિકાલનો પ્રશ્ન અને સફાઈ કામદારો માટેનાં જોખમ

દિલીપ મંડલ|Opinion - Opinion|20 May 2020

કોરોના વાઇરસની પ્રકૃતિ ખૂબ જ ચેપી છે તેથી તેનાથી બચવા માટે માસ્ક, ગ્લોવ્ઝ, પી.પી.ઇ. કીટ વગેરેનો મોટા પાયે ઉપયોગ થાય છે. વપરાયા પછી તે ખૂબ જ ચેપી કચરો બની જાય છે. આવો કચરો મોટા પ્રમાણમાં હૉસ્પિટલો, પૅથોલોજિકલ લેબોરેટરીઝ અને ક્વૉરન્ટીન સેન્ટરોમાં પેદા થાય છે. વાઇરસના અધિક ફેલાવાના દિવસોમાં ચીનના વુહાનમાં બાયો-મૅડિકલ કચરાની માત્રા છ ગણી વધી ગઈ હતી. ભારતના સંદર્ભમાં હજુ આવું કોઈ અધ્યયન થયું નથી, પરંતુ ધારી શકાય છે કે અહીં પણ બાયો-મૅડિકલ વેસ્ટનું પ્રમાણ ખૂબ વધી ગયું હશે. એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે હૉસ્પિટલોનો કચરો — દવા, દવાનાં પૅકેટ, પાણીની બોટલ, કાગળ વગેરે અત્યાર સુધી બિનચેપી માનવામાં આવતાં હતાં. પરંતુ કોરોના વાઇરસ તેની ઉપર પણ જીવંત રહી શકે છે. એટલે હવે તેને પણ ચેપી કચરો ગણવાનો છે.

શું ભારત આટલા મોટા પ્રમાણમાં પેદા થઈ રહેલા બાયો-મૅડિકલ વેસ્ટના નિકાલ માટે સક્ષમ છે? ભારતમાં રોજ આવો ૬૦૮ ટન કચરો પેદા થાય છે. તેના નિકાલ માટે આપણી પાસે ૧૯૮ કૉમન બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટની સુવિધાઓ છે. તે ઉપરાંત ૨૨૫ હૉસ્પિટલોના પોતાના ઇન્સિનરેટરમાં કચરો સળગાવી દેવામાં આવે છે. આ સંખ્યા દેશમાં મોજુદ ૨.૬૦ લાખ હૅલ્થ કેર ફેસિલિટીના હિસાબે ઘણી જ ઓછી છે. એ પણ નોંધવું જોઈએ કે દેશનાં સાત રાજ્યોમાં કોઈ કૉમન વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી નથી! એટલે હંમેશાં દવાખાનાંનો ઘણો બધો કચરો ગમે ત્યાં ફેંકેલો કે મ્યુનિસિપાલિટીના કચરાના ઢગલામાં જોવા મળે છે. સામાન્ય દિવસોમાં પણ તે ખતરનાક ગણાય. પણ એ જોખમ દેશના ૪૦ લાખ બેહદ ગરીબ અને દલિત કચરો વીણનારા માટે હોય છે. એટલે નીતિનિર્ધારકોને તેમની કોઈ ચિંતા હોતી નથી.

પરંતુ કોવિડ-૧૯થી અલગ સ્થિતિ પેદા થઈ છે. સંશોધનો પરથી જણાય છે કે જાડા કાગળ કે પૂંઠા પર કોરોના વાઇરસ ૨૪ કલાક, ધાતુ તથા પ્લાસ્ટિક પર ૭૨ કલાક એટલે કે ત્રણ દિવસો સુધી સક્રિય રહે છે. ખૂબ જ ચેપી હોવાથી આ વાઇરસ તેના સંપર્કમાં આવતા લોકોને ચેપ લગાડે છે. અત્યાર સુધી કોરોનાના પ્રત્યેક દરદીઓની સારવાર નિર્ધારિત કોવિડ હૉસ્પિટલોમાં જ થતી હતી. તે સિવાયના સંભવિત દરદીઓને નિર્ધારિત ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવતા હતા. એટલે આ જગ્યાઓએ જે કચરો પેદા થતો હતો, તેની દેખરેખ અને સુરક્ષિત રીતે નિકાલ શક્ય હતાં જો કે આવું કેટલી હદે કરવામાં આવતું હતું, એ કહેવું મુશ્કેલ છે.

પરંતુ હવે લાખો લોકો શહેરોથી ગામો અને નગરો તરફ જઈ રહ્યા છે. તેમાંના ઘણાંને ક્વૉરન્ટીન કરવામાં આવશે. શક્ય છે કે તે પૈકીના ઘણાંને તેમના ઘરમાં જ અલગ રાખવામાં આવશે. તે સિવાયનાં મામૂલી લક્ષણો ધરાવતા કોવિડ-૧૯ દરદીઓની પણ ઘરે રહીને સારવાર કરવામાં આવશે. તે તમામ લોકોને, કમ સે કમ સૈદ્ધાંતિક રીતે, ચેપ ફેલાવવા માટે સક્ષમ માનવામાં આવશે. સવાલ એ છે કે આ લોકોના ઘરે જે કચરો પેદા થશે તેનું શું કરવામાં આવશે? શું તે અલગથી સંગ્રહીને પીળા રંગની ખાસ પોલિથીન બેગમાં રાખવામાં આવશે? શું પછી તેને એકઠો કરીને નિકાલ માટે નિર્ધારિત બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી સુધી પહોંચાડવામાં આવશે? શું તેને હૉસ્પિટલોના ઈન્સિનરેટરમાં સળગાવી દેવામાં આવશે? જો આમ નહીં થાય તો આ કચરો બીજા સામાન્ય કચરા ભેગો કચરાના ખડકલામાં પહોંચીને બીજા લોકોને સંક્રમિત નહીં કરે?

હવે એવું તો માની લેવાય નહીં કે ચેપ કચરાના સંપર્કમાં આવનાર સુધી જ સીમિત રહેશે અને એ તેનો વાહક નહીં બને. એટલે કે બીજાને ચેપ નહીં લગાડે અને તેનો ફેલાવો નહીં કરે. યાદ રહે, મહાનગરોના જે વિસ્તારોને રેડ ઝોન ઘોષિત કર્યા છે ત્યાં પણ ચોકીદાર અને સફાઈ કામદારને આવતા બંધ કરવામાં આવ્યા નથી. તે સિવાય સફાઈ કામદાર અને તેના પરિવારના સભ્યો ઘણીબધી જગ્યાએ જશે. એટલે જો સફાઈ કામદાર સંક્રમિત થાય તો આ બીમારી બહુ મોટી વસ્તીમાં પ્રસરી શકે છે, એટલું સમજી લેવું જોઈએ.

આ વાત આ રીતે એટલે કહેવામાં આવી રહી છે કે જો જોખમ માત્ર સફાઈ કામદારોના માથે જ હોત તો બાકીનો સમાજ તેમને મરવા દેત. પરંતુ આ વખતે ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગ માટે તે શક્ય નથી. સંક્રમણનું જોખમ એમને પણ છે. કોરોનાકાળમાં ‘પવિત્ર’ અને ‘અપવિત્ર’ લોકોનાં હિત બહુ વિચિત્ર રીતે એક થઈ ગયાં છે. જો સફાઈ કર્મચારીઓને મોટી સંખ્યામાં ચેપ લાગે તો એ પણ જોખમ છે. હાલમાં ઘણાંબધાં સફાઈ કામદારો સંક્રમણથી કોરોના પૉઝિટિવ બન્યા છે જ. તેમ છતાં તેમને કામ કરવા મજબૂર કરવામાં આવશે? શક્ય છે કે ઘણાંબધાં સફાઈ કામદારો તો જાણતા પણ નહીં હોય કે ચેપગ્રસ્ત કચરો પણ જીવલેણ નીવડી શકે છે. પરંતુ શક્ય છે કે હવે તેમને આ બાબતની ખબર પડે. બલકે જરૂરી તો એ છે કે તેમને આ જોખમથી વાકેફ કરવામાં આવે. જાન અને જહાનમાંથી — જિંદગી અને રોજગારમાંથી — જો સફાઈ કામદારો રોજગારને બદલે જિંદગીની પસંદગી કરશે તો પરિણામ શું આવશે? શું તેમને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી શકાશે? મોટા ભાગના સફાઈ કામદારો હંગામી અને રોજમદાર છે પગારના નામે તેમને મહિને દસેક હજાર રૂપિયા આપવામાં આવે છે આવા કામદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી કેટલી કારગત નીવડી શકે? ઘણાની જિંદગી તો કચરાના નિકાલ દરમિયાન તેમાંથી મળતી વસ્તુઓ પર જ નિર્ભર છે અને તેમને કોઈ જ પ્રકારનું વેતન મળતું નથી. આવા લોકોને આપણે કઈ નોકરીમાંથી કાઢી મુકીશું? શું આ લોકો પર એસેન્શિયલ સર્વિસ મેઇન્ટેનન્સ એકટ લગાવીને તેમને જેલમાં મોકલી શકાશે?

જો સફાઈ કામદારની કામગીરી આવશ્યક છે, તો તે બાબતને પ્રાથમિકતા આપીને તેમને યોગ્ય વેતન કેમ આપવામાં આવતું નથી? તેમને માસ્ક અને ગ્લોવ્ઝ વિના કામ કેમ કરવું પડે છે? તે જીવ જોખમમાં મુકીને કામ કરે છે, તો સરકાર તેમનો વીમો ઉતરાવી તેનું પ્રીમિયમ કેમ ભરતી નથી? ગટરમાં ઉતરનારા સફાઈ કામદાર વિશે માનવામાં આવે છે કે ત્યાં મોતનું જોખમ ભારત-પાકિસ્તાન સરહદ પર નોકરી કરતા સેનાના જવાન કરતાં પણ વધુ છે. તો પછી દેશ તેમનો યોગ્ય ખ્યાલ કેમ રાખતો નથી ?

આગામી સંકટથી બચવા માટે ઘણાં કામ કરવાં પડશે. સૌથી પહેલાં તો તમામ સફાઈ કામદારોને પ્રાથમિકતાના ધોરણે તમામ સુરક્ષા સાધનો આપવામાં આવે. તેમને આવાં જોખમી કામ માટે એટલો આકર્ષક પગાર આપવામાં આવે કે કોઈને કામ છોડીને જવાનું મન ના થાય. બધાં ક્વૉરન્ટીન સેન્ટર અને ઘરમાં ચેપી કચરો અલગ રાખવા બાબતે જાગૃતિ ફેલાવવામાં આવે. સામાન્ય રીતે વરસે દહાડે હૉસ્પિટલો, ક્લિનિક, પૅથોલોજિકલ લેબોરેટરી અને બાયો-મૅડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટીમાં કચરાના નિકાલ માટેની ગાઈડલાઈનનો ભંગ થવાના આશરે ૨૭,૦૦૦ કેસ જાહેર થાય છે. કોવિડ-૧૯ના સમયે તો આ લાપરવાહી જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે બધાને નિયમોથી માહિતગાર કરીને તેનો સખ્તાઈથી અમલ કરવાનું સુનિશ્ચિત કરવું પડશે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોવિડ-૧૯ના કચરાના નિકાલ અંગે વિસ્તૃત ગાઈડલાઈન પ્રગટ કરી છે. તેનો સઘન પ્રચાર આમજનતા સુધી કરવામાં આવે. કેમ કે હવે કોવિડ-૧૯ના દરદીઓ ઘરે પણ રહેશે. બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી અને ઈન્સિનરેટર બનાવવાનું રાતોરાત શક્ય નથી. પરંતુ કમ સે કમ દેશના પ્રત્યેક જિલ્લામાં આ પ્રકારની સુવિધા હોય તે દિશામાં આજથી જ કામ શરૂ કરી દેવું જોઈએ. એ ખરું કે આ લાંબા ગાળાનું કામ છે પરંતુ તે પૈકીનું કેટલું કામ જો કોરોનાકાળમાં થઈ શકતું હોય, તો તે માટે પ્રયત્નો કરવા જોઈએ.

અનુવાદ :ચંદુ મહેરિયા

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 મે 2020

Loading

ગિરીશ કર્નાડ : વૈશ્વિક કક્ષાના સર્જક અને કલાકાર

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 May 2020

ગિરીશ કર્નાડની આંખોને જોઇને મને કાયમ એવી અનુભૂતિ થઇ છે કે આ માણસ ખરાબ ન થઇ શકે. ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા અલબત્ત ભજવી છે ને તેને ય એક ગરિમા તેમણે બક્ષી છે. ત્યાં પણ આંખો તો સૌમ્ય ઉજાસ જ પાથરતી રહી છે. ભૂલતો ન હોઉં તો ‘સ્વામી’માં એક ખોટી વ્યક્તિ, ખરી વ્યક્તિ તરીકે  બંગાળી કુટુંબમાં ગોઠવાઈ જાય છે ને હેમા માલિનીના પતિ તરીકે પણ રહી પડે છે. ફિલ્મમાં પછી ખબર પડે છે કે એ આ ઘરનો સ્વામી નથી. એ તો ચાલ્યો જાય છે. પછી એને માથે માછલાં ધોવાય છે કે એણે શું શું કરી મૂક્યું હતું, ત્યાં એનો બચાવ એમ કહીને થાય છે કે એણે શું કર્યું તે ન જુઓ, એ શું કરી શક્યો હોત તે વિચારો. એ ઘરની વહુને સ્પર્શ્યો નથી. ને બધી સિમ્પથી ગિરીશ કર્નાડ તરફ વળી જાય છે. એવી જ એક ફિલ્મ હતી, ’સુબહ’ જબ્બાર પટેલની ફિલ્મ. સ્મિતા પાટિલ એની નાયિકા. એના પતિ ગિરીશ. પત્ની નોકરી અને કમિટમેન્ટને કારણે બહાર ને બહાર રહે છે ને રાહ જોઇને પતિ બીજી સ્ત્રી જોડે સંબંધ બાંધે છે. પત્નીને રહેવાનું કોઈ કારણ ન જણાતાં તે ઘર છોડી જાય છે. એમાં પણ ખોટું કરનાર પતિ તરીકેનો ગિરીશના ચહેરા પર પ્રગટ થતો સંકોચ ને ગુનાહિત ભાવ આંખોને કારણે નાજુક નકશીકામવાળો જ હતો.

આ ગિરીશ કર્નાડ હવે નથી. લાંબી માંદગી પછી એમનું ૮૧ વર્ષની ઉમરે અંગો કામ ન કરવાને કારણે બેંગલુરુમાં નિધન થયું. 19 મે તેમની જન્મતારીખ છે. તેઓ છેલ્લે ‘ટાઈગર જિન્દા હૈ ‘ફિલ્મમાં અભિનય કરતા જોવા મળ્યા હતા. આમ તો કન્નડ ફિલ્મ ’અપનાદેશ’ આખરી ફિલ્મ હતી.

ગિરીશનો જન્મ માથેરાનમાં ૧૯ મે, ૧૯૩૮માં. વિધવા માતા નર્સિંગનું ભણી. એ દરમિયાન ડો. રઘુનાથ કર્નાડ સાથે સંપર્ક વધ્યો. આર્ય સમાજમાં બંનેએ લગ્ન કર્યાં. એ લગ્નનું પરિણામ તે ગિરીશ ને એક દીકરી. ગિરીશને સ્કૂલથી જ થિયેટર જોડે લગાવ રહ્યો. શાળેય શિક્ષણ મરાઠીમાં થયું. તે પછી કર્ણાટક રહેવાનું થયું ને અહીંથી ગ્રેજ્યુએશન પણ કર્યું. ઇંગ્લેન્ડ પણ ભણવાનું થયું. ૧૭ વર્ષની ઉંમરે એક આઈરીશ લેખકનો સ્કેચ બનાવીને કર્નાડે મોકલ્યો. જવાબમાં એ લેખકે કહ્યું, આવામાં સમય બગાડવા કરતાં કંઈ એવું કર કે લોકો તારો ઓટોગ્રાફ માંગે. આ ટર્નિંગ પોઈન્ટ સિદ્ધ થયો. માતા-પિતાને નાટકમાં રસ હતો ને એ રસ ગિરીશમાં સંક્રમિત થયો. ગિરીશને યક્ષગાન શૈલીનું આકર્ષણ પણ રહ્યું ને તેનો તેમણે યથોચિત ઉપયોગ પણ કરી જાણ્યો.

સી. રાજ્ગોપાલાચારીનું ‘મહાભારત’ ગિરીશ પર ભારે પ્રભાવ પાડે છે ને એ સંસ્કાર ‘યયાતિ’ લખાવે છે. ચેન્નાઈના ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાં સાત વર્ષ કામ કર્યું, પણ કામમાં મન પરોવાયું નહીં. ત્યાં કર્નાડ રાજીનામું આપીને લેખન, થિયેટર તરફ વળ્યા. થોડો વખત યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર થયા પણ ત્યાં ય ફાવ્યું નહીં. ભારત આવ્યા ને અહીં જ અઠે દ્વારકા થયું.

૧૯૬૪માં ઐતિહાસિક નાટક ‘તુગલક’થી તેઓ ભાવકોમાં જાણીતા થાય છે. ’હયવદન’, ’નાગમંડલ’, ’’તલેડેન્ગા,’ ‘અગ્નિ અને વર્ષા,’ તેમના યશસ્વી નાટકો છે. કર્નાડનું અંગ્રેજી સારું હતું એટલે તેમણે જ કન્નડમાંથી નાટકો અંગ્રેજીમાં અનૂદિત કર્યાં ને તેમને વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત થઇ. ’હયવદન’નો ધ્વનિ અપૂર્ણતા જ જીવન છે ને પૂર્ણતા મૃત્યુ-નો છે. એ નાટક ગુજરાતીમાં સફળતા પૂર્વક જાણીતા નાટ્યકાર કપિલદેવે સૂરતમાં સફળતાપૂર્વક ભજવ્યું પણ હતું તે પણ નોંધવું જોઈએ.

ગિરીશ કર્નાડ ફિલ્મો સાથે પણ સંકળાયા. ૧૯૭૦માં પહેલી ફિલ્મ ‘સંસ્કાર’ આવી. તેમાં તેમણે ભૂમિકા પણ ભજવી. સ્ક્રિપ્ટીંગ પણ તેમણે જ કર્યું. ૧૯૭૧માં ‘વંશવૃક્ષ’ ફિલ્મ આવી. તેનું દિગ્દર્શન ગિરીશે પહેલીવાર કર્યું. આ ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. કન્નડ સિનેમાએ તેમને ‘પ્રેસિડેન્ટસ ગોલ્ડન લોટસ એવોર્ડ’ પણ આપ્યો.

‘ગોધૂલિ’, ‘ઉત્સવ’ તેમની દિગ્દર્શિત ફિલ્મો છે. ‘ગોધૂલિ’ તેમણે બી.વી. કારંથ સાથે દિગ્દર્શિત કરી. ’નિશાંત’, ‘મંથન’, ‘મેરી જંગ’, ’અપને પરાયે,’ ‘મનપસંદ’, ‘ઇકબાલ’, ’શંકરાભરણમ’, જેવી ફિલ્મોમાં ગિરીશે ભૂમિકાઓ અદા કરી. ’મંથન’ વિશિષ્ટ ફિલ્મ હતી. શ્યામ બેનેગલની આ ફિલ્મ ડેરી મંડળીની સ્થાપના પરની ફિલ્મ હતી. આણંદની અમુલ ડેરીના સ્થાપક કુરિયનના પ્રયત્નની એ ફિલ્મ હતી ને એ ભૂમિકા ગિરીશે ભજવી હતી. ગુજરાતના લગભગ પાંચ લાખ ખેડૂતોએ એ પ્રોડ્યુસ કરી હતી. દસ લાખ ખેડૂતોએ બે-બે રૂપિયાનો ફાળો આપ્યો હતો. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. સમાંતર સિનેમાની શરૂઆત આ ફિલ્મથી થઇ એમ પણ કહેવાય છે.

ગિરીશને ચારેક તો ફિલ્મફેર એવોર્ડ મળ્યા, તો દશેક રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા છે. આર.કે. નારાયણના પુસ્તક પર આધારિત ટી.વી. સિરિયલ ‘માલગુડી ડેઝ’માં પણ તેમણે સ્વામીના પિતાની ભૂમિકા કરી તે પણ ભૂલાય એવી નથી. તો, ૧૯૯૦માં વિજ્ઞાન આધારિત એક ટી.વી. કાર્યક્રમ ‘ટર્નિંગ પોઈન્ટ’માં કર્નાડે સંચાલકની ભૂમિકા પણ કરી. તેઓ પદ્મશ્રી, પદ્મવિભૂષણથી પણ વિભૂષિત છે. આ ઉપરાંત સંગીત નાટક અકાદમી, સાહિત્ય અકાદમી, જ્ઞાનપીઠ પુરસ્કાર જેવા સાહિત્યિક પુરસ્કારોથી પણ તેમને નવાજવામાં આવ્યા છે. એફ.ટી.ટી.આઈ., પૂણેના ડાયરેક્ટર તેઓ રહ્યા, તો સંગીત નાટક અકાદમી, નેશનલ અકાદમી ઓફ પેર્ફોર્મિંગ આટર્સનાં ચેરમેન પદે પણ રહ્યા.

ટૂંકમાં, ફિલ્મ અને નાટકના એક સકળ ને સફળ પુરુષની ખોટ સાલે છે ને આ ખોટ ખોટમાં જ રહેવાની છે.

e.mail : ravindra21111946@gmail.com

Loading

આશાવાદ નહીં, આયોજન અને સાવચેતી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|19 May 2020

લૉક ડાઉન ખૂલી ગયું તેની રાહત કોને ન હોય? સપ્તાહોથી ઘરમાં પુરાયેલાં અનેક લોકો પાછા આર્થિક પ્રવૃત્તિમાં જોડાઈને પોતાનું-પરિવારનું ક્ષેમકુશળ સાધવા મચી પડશે, તેનો આનંદ પણ ખરો. અમદાવાદ-સુરતના અમુક વિસ્તારો સિવાય રાજ્યભરમાં લૉક ડાઉન હળવું કરવાનો સરકારી નિર્ણય સમજી શકાય એવો છે. તેની પાછળ બે પ્રકારની મજબૂરી કારણભૂત હશેઃ ૧) લૉક ડાઉન રાખીને પણ આપણે કશું ઉકાળી શક્યા નથી. કોરોનાના કેસમાં વધારો જ થતો રહ્યો છે. ૨) આમ ને આમ લૉક ડાઉન ક્યાં સુધી લંબાવ્યા કરવું? હવે ઉઘાડું મૂકી જોઈએ.

કોરોનાનો પ્રકોપ હજુ જરા ય ઓસર્યો નથી અને એ નહીં પ્રસરે, એવું તો જરા ય કહી શકાય તેમ નથી. એવા સંજોગોમાં સરકારી નિર્ણય આંધળુકિયું પણ લાગે. સામે પક્ષે એવી દલીલ કરી શકાય કે, આવા સંજોગોમાં બીજું થઈ પણ શું શકે? એક વાર આર્થિક પ્રવૃત્તિ પહેલાંની જેમ ધમધમતી થઈ જાય, એટલે બધું બરાબર થઈ જશે, એવો આશાવાદ આવા સમયે મન પર સવાર થતો હોય છે. આવા બંને બાજુના વિચાર પછી પણ, ‘બધું ખોલી નાખવાનો નિર્ણય સવળો ન પડ્યો ને અવળો પડ્યો તો તેના માટે કોઈ ‘પ્લાન બી’ સરકાર પાસે હશે?’ એવો સવાલ ચોક્કસ થાય. પછી યાદ આવે કે આખી કોરોના-કટોકટીમાં જે સરકાર પાસે ‘પ્લાન-એ’ જ ન હતો, તેમની પાસેથી આવી અપેક્ષા શી રીતે રાખી શકાય? અને કોઈ પણ સરકાર પાસે જવાબદારી બીજા પર ઢોળી દેવાનો સનાતન ‘પ્લાન-બી’ તો હોય જ છે.

કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર, કોરોનાકાળમાં તેમનો વહીવટ પાઠ્યપુસ્તકોમાં સામેલ કરવો પડે એવો બની રહ્યો છે. અલબત્ત, એ પ્રકરણનું મથાળું હશેઃ ‘આયોજન કેવી રીતે ન કરવું’. કાર્નિવાલો ને મેળાવડા ને જગતના સૌથી લાંબા ચાલતા ડાન્સ ફૅસ્ટિવલ ને વાઇબ્રન્ટ ને પ્રવાસી ભારતીય દિવસથી માંડીને ‘નમસ્તે ટ્રમ્પ’ સુધી એવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો હતો કે બીજું ગમે તે હોય, આપણી સરકારો ને આપણા સાહેબોનું આયોજન એટલે કહેવું પડે. અમદાવાદ-ગાંધીનગર જેવા શહેરોમાં થતા એ તાયફાના જોશીલા પ્રચારની રંગતમાં એ તો ભૂલી જ જવાયું કે આમાનાં મોટા ભાગનાં આયોજનો સરકારનું કામ જ નથી. પ્રજાને મનોરંજનમાં ગુલતાન રાખીને મહત્ત્વના મુદ્દા ભૂલાવી દેવાનું મૉ઼ડેલ તો રોમનું હતું. એકવીસમી સદીમાં લોકશાહીમાં સરકારો એવું શી રીતે કરી શકે? અને એટલું ઓછું હોય તેમ, તેના આયોજન બદલ જશ પણ ઉઘરાવે? બીજી હકીકત એ કે શહેરી આયોજનોમાં કેટલા ચાલુ રૂટની એસ.ટી. બસો બંધ રાખીને, એ બસોને કાર્યક્રમની સફળતા માટે ફાળવાઈ અને એ રુટ પર તે દિવસે લોકોને વિના વાંકે કેટલી હાડમારી વેઠવી પડી, એ મિસમૅનેજમૅન્ટ કે અસંવેદનશીલતાનો હિસાબ માંડવાની સરકારને પરવા ન હતી અને ઘણા નાગરિકોને એ દેખાતો કે જોવો ન હતો.

કોરોના-કટોકટીએ સરકારની આયોજન-કુશળતાનો પ્રચારવાયુથી ફાટફાટ થતો ફુગ્ગો ફોડી નાખ્યો છે. વડાપ્રધાનથી માંડીને ગુજરાતના મુખ્ય મંત્રીએ પુરવાર કરી આપ્યું છે કે આટલાં વર્ષે પણ તેમને આયોજન કરતાં આવડતું નથી. એટલું જ નહીં, તેમને એની જરૂર પણ નથી લાગતી. કોમી ધ્રુવીકરણ-રાજકારણના કુટિલ કાવાદાવા – કોઈ પણ ભોગે પોતાના વાવટા ફરકાવવા સિવાયની બીજી બધી ક્ષમતાઓ તેમને મન ગૌણ લાગે છે અને પોતાનું રાજકીય હિત મુખ્ય. વડાપ્રધાન એ ખેલમાં સૌથી મોટા ખેલાડી છે. એટલે લોકરંજનીના ફૂટેજ ખાઈ લીધા પછી હવે જવાબદારી લેવાની આવી ત્યારે તેમણે હાથ ખંખેરી નાખ્યા છે. તેમને લાગે છે કે કોરોનાની ઐસીતૈસી, દિલ્હીના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારનું વીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવાથી ઇતિહાસમાં તેમનું નામ અમર થઈ જશે. એટલે, આર્થિક તંગીના આવા વસમા ગાળામાં પણ તેમના લાડકા પ્રોજેક્ટને આગળ વધવાની મંજૂરી મળી ગઈ છે. દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવી દીધા પછી પણ તેમને ધરવ થયો નથી. ઘણા સમય પહેલાં એક લેખમાં આ પદ્ધતિને મૅનેજમૅન્ટના ‘ડિઝનીલૅન્ડ મૉડેલ’ તરીકે ઓળખાવી હતી, જેમાં દર થોડા સમયે તમારે (કશું નક્કર નહીં કરવાની અવેજીમાં) નવી રાઇડ ઉમેરતા રહેવું પડે.

લૉક ડાઉનના બબ્બે મહિના થવા આવ્યા. છતાં સડકો પર ચાલતા ને વતન પાછા જવા માટે હિંસાનો આશરો લેતા શ્રમિકો આ સરકારોની ફક્ત નિષ્ફળતા જ નહીં, અસંવેદનશીલતાનું પણ પ્રતીક છે. આ મામલે સરકારી અસંવેદનશીલતાની ઊંચાઈ સરદારના પૂતળાને પણ આંબી ચૂકી છે. વડાપ્રધાનને એ વાતની હૈયાધારણ હશે કે ચૂંટણીઓ તો હજુ ચાર વર્ષ દૂર છે. ત્યાં સુધી આપણા ડિઝનીલૅન્ડમાં સર્જિકલ સ્ટ્રાઇક જેવી એકાદી એકાદ ‘એડવૅન્ચર રાઇડ’ આણી દઈશું એટલે થયું. તેમનો આવો આત્મવિશ્વાસ ખોટો પાડવાનું કામ કોઈ રાજકીય પક્ષ નહીં કરે. એ નાગરિકોએ જ કરવું પડશે.

દરમિયાન, માસ્ક ચુસ્ત રીતે પહેરવો, માસ્કના આગળના ભાગને હાથ અડાડવો નહીં, રોજ માસ્ક સાબુના પાણીથી ધોવો, હાથ પણ સાબુથી ધોતા રહેવું — આ બધી કોરોનાકાળના આરંભે અપાયેલી જાણકારીનો હજુ પણ ચુસ્તીપૂર્વક જ અમલ કરવાનો રહે છે. બહાર હરવાફરવાનું શરૂ કરી દેનારા સૌએ તો ખાસ — અને તે સરકારે કહ્યું છે માટે નહીં, પોતાની ગરજે, પોતાના પરિવાર માટે. કેમ કે, કોરોના વાઇરસને આપણે આશાવાદી હોઈએ કે નિરાશાવાદી, તેનાથી કશો ફરક પડતો નથી.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020

Loading

...102030...2,3682,3692,3702,371...2,3802,3902,400...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved