Opinion Magazine
Number of visits: 9681087
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તાપી : મારે રૂંવે રૂંવે છે વ્યાપી

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 June 2020

તાપીના જન્મદિવસ નિમિત્તે

એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે કે ગંગાનું પુણ્ય તેમાં સ્નાન કરવાથી ને યમુનાનું પુણ્ય તેનું પાન કરવાથી મળે છે અને મઝાની વાત એ છે કે એટલું જ પુણ્ય નર્મદાનાં દર્શન માત્રથી મળે છે, પણ તાપીનો મહિમા અધિક છે, એનાં તો સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

આમ પણ સંસ્કૃતિઓ નદીકાંઠે વિકસી છે. નદી, સંસ્કૃતિની સદી છે. સદી જ નહીં, સદીઓ. તેમાં તાપી એટલે તો સંજીવની. આખી તાપ્તી રેલવે લાઈન નદીના ખીણ પ્રદેશને સૂચવે છે. સૂરત, સોનાની મૂરત તાપીને કારણે છે. નર્મદ, નંદશંકર, નવલરામ – ત્રણે તાપીનું વરદાન. અર્વાચીનોમાં આદ્ય નર્મદ તો હોડીમાં બેસીને સામે પાર ભણાવવા પણ જતો. તાપી કાંઠે જ બળેવનો ત્રણ દિવસનો મેળો ભરાતો. પછી એ તહેવાર બે દિવસનો થયો કારણ ૧૯૩૮માં હોડી ઊંધી વળી ગયેલી ને ઘણાનાં મરણ થયેલાં. નાનપરા બાગના કાંઠેથી હોડી હજી તો થોડે દૂર જ ગઈ હતી ને ૮૦ જીવોએ જળસમાધિ લઇ લીધી હતી. એ ગોઝારી ઘટના પછી ઉજવણી એક દિવસ ઘટી … પછી તો બે દિવસની ઉજવણી પણ ગઈ ને આજે તો એ ટ્રાફિકથી ધમધમતો ચોકનો વિસ્તાર છે, ગમ્મતમાં એમ પણ કહેવાય કે અહીંની ચહેલપહેલ બારે માસ ઉજવાતા તહેવાર જેવી હોય છે. સૂરતમાં તો તહેવાર એ જ વહેવાર છે.

એક કાળે અહીં ચોર્યાસી બંદરના વાવટા ફરકતા. હજ યાત્રીઓ અહીંના મકાઈ પુલથી હજ પઢવા જતા ને એને જ કાંઠે ખુદાવંદ ખાને  કિલ્લો ૧૫૪૦-૪૧માં બનાવ્યો. કિલ્લાની ફરતે ૬૦ ફૂટ પહોળી ખાઈ હતી. બાંધકામ એવું મજબૂત કે ફિરંગીઓ પણ તેને ભેદી ન શક્યા. એમાં જે પથ્થરો હતા તેને લોખંડના પાટાથી જડેલા હતા ને તેની સાંધમાં સીસું પૂરેલું હતું. ને હવે નવા રૂપે રંગે તાપી કાંઠે એ જ કિલ્લો ફરી અડીખમ ઊભો છે.

તાપીનો જન્મદિવસ અષાઢ સુદ સાતમ છે. આખું નગર તે દિવસે તાપીને ચૂંદડી ઓઢાડીને તેનું નારીત્વ પૂજે છે. તાપીનું મૂળ નામ તપતી છે. તે સૂર્યની પુત્રી છે. આ સૂર્યપુત્રી સૂર્યદેહા, પયોષ્ણા, સત્યા, શ્યામા, કપિલા, સાવિત્રી, અમૃતસ્યન્દીની, તિગ્મા જેવા બાવીસ નામે ઓળખાય છે. સૂર્યને બે પત્ની હતી, સંજ્ઞા અને છાયા. સંજ્ઞાના સંતાનો તે યમ અને યમુના, તો છાયાના સંતાનો તે સાવર્ણીમનુ, શનિશ્વર અને તપતી.

યમુના ને તપતી વચ્ચે એક વખત વિવાદ થયો ને બંને એ એકબીજાને પૃથ્વી પર પડવાનો શાપ દીધો બસ! ત્યારથી બંને ધરતી પર વહે છે. તાપીનું લગ્ન સંવરણ રાજા સાથે થયું, તે વારિતાપ્યમાં. ના સમજાયું? અરે ભઈ, આજનું વરિયાવ તે જ વારિતાપ્ય! કહેવાય છે કે તાપીના લગ્ન થયાં તે ચોરી પણ હજી છે. સંવરણનું મંદિર પણ છે, સંવરણના સમયનું સૂર્યપૂર તે સૂરત. સંજ્ઞાનું નામ રાંદલ પણ છે ને રન્નાદે પણ. આ રન્નાદે પરથી રાંદેર થયું. અણબનાવ પતિ પત્ની વચ્ચે ન થાય તો એ પતિ-પત્ની જ નહીં! સૂર્ય અને રન્નાદે વચ્ચે પણ અણબનાવ થયો. વાત એમ હતી કે રન્નાદેથી પતિનો તાપ જીરવાતો ન હતો. કઈ પત્નીથી જીરવાયો છે? જ્યારે આ તો સૂર્ય! જીરવાય? રન્નાએ પોતાને બદલે પોતાની પ્રતિકૃતિ મૂકી ને પછી પિયર ચાલી ગઈ. પણ છલના અલ્પજીવી હોય છે. સૂર્યનારાયણ તો પ્રચંડ પ્રકાશ! છળ પકડાઈ ગયું. રન્નાદેએ ક્ષમા માંગી. પણ સૂર્યને જ છાયા નથી, ત્યાં ‘છાયા’ ટકે તો પણ કેટલુંક? સૂર્યે શાપ દીધો – તારો જન્મ પશુ યોનિમાં થાવ! શાપ દેતા તો દેવાઈ ગયો, પછી સૂર્યને પસ્તાવો થયો. પણ રન્નાદે જન્મી ઘોડી તરીકે ને સૂર્યે પણ પ્રાયશ્ચિતરૂપે અશ્વ બનવાનું સ્વીકાર્યું. એના પુત્રો તે અશ્વિનીકુમારો. અશ્વિનીકુમાર તે આજનું તાપી તટનું પવિત્ર તીર્થ.

પુરાણમાં ડોકિયું કરીએ તો એમ કહેવાય છે કે તાપી હિમાલયના આક્રમણ કાળે પ્રગટી. એ સાચું હોય તો તાપી જન્મી તેના યુગો પછી ગંગા, સરસ્વતી પ્રગટ થઇ. એ હિસાબે તો તાપી ગંગા નર્મદા પહેલાંની નદી ગણાય. એ વાત સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પણ માલપ્રદેશની વાત સ્વીકારવી પડે એમ છે. મધ્યપ્રાન્તનાં બૈતલ પરગણામાં મુલતઈ એ તાપીનું ઉદ્ભવ સ્થાન છે. ત્યાં એ ઝરણા રૂપે ઊછળે છે. મધ્યપ્રાંત ૧૫૦ માઈલનો છે. એમાં થઈને તાપી વહે છે. એની એક બાજુએ વરાડ છે ને બીજી બાજુએ છે બુરહાનપુર. ત્યાંથી નીચે એ પાન દેશમાં પ્રવેશે છે અહીં એને વાઘર ને બીજી નદી મળે છે. ત્યાંથી લગભગ ૨૩૦ માઈલ ડુંગરોમાંથી વહીને તાપી ગુજરાતમાં પ્રવેશે છે. તાપીની વિશેષતા એ છે કે તેના મૂળ પ્રદેશમાં નહીં, પણ મુખ પ્રદેશમાં સંસ્કૃતિ વિકસી છે. એનું કારણ પણ છે. મૂળ પ્રદેશમાં એટલી પર્વતમાળાઓ ને અરણ્યો છે કે ત્યાં માનવ વસવાટ મુશ્કેલ હતો. જો પ્રાગૈતિહાસિક કાળની વાત કરીએ તો મૂલતઈની ઉત્તરે ખાંડવવન હતું. એમાં હૈહેયનામની આક્રમક જાતિ હતી. હવે એનો સામનો કરવો ને અરણ્ય ને પર્વતો વચ્ચે વસવું સહેલું ન જ હોય … બન્યું એવું કે તાપીના મુખપ્રદેશમાં બંદરો વિકસ્યાંને બહારની આક્રમક જાતિએ અધિકાર જમાવવા આદિવાસી જાતિઓને મૂળ તરફ ધકેલી. હવે સમજાય છે કે આદિવાસીઓ અરણ્યોમાં જ કેમ વિકસ્યા?

તાપીના મૂળપ્રદેશમાં સૌથી આદિ સંસ્કૃતિ દસ્યુઓની હતી. આર્યો તો તે પછી આવ્યા. મૂળપ્રદેશમાં નાગપૂજા, લિંગપૂજા અને શક્તિપૂજા થતી રહી. ભૈરવ, કામાપુરી, માંડવી, બહુધન અને તથમ્બુર જેવાં ૧૦૮ જેટલાં તીર્થસ્થાનો તાપી ધરાવે છે. કામાપુરી એટલે કામરેજ ને તથમ્બુર એટલે આજનું બગુમરા.

તાપી ડુમસના દરિયામાં મળે છે. જો કે દરિયો તો ડુમસમાં ગ્લોબલ વોર્મિંગને કારણે ઊંચો આવતો જાય છે. થોડાં વર્ષો પર દરિયો ઘરોમાં ને કબ્રસ્તાનમાંયે ઘૂસી આવેલો. એક સમય હતો કે ભરતી દરિયાથી ૩૨ માઈલ દૂર વાઘેચા સુધી જતી. ને ડુમસની તો વાત જ જવા દો, જૂના કાળમાં તો નદી વરિયાવમાં જ સમુદ્રને મળતી હતી. વરિયાવના પાણી તે વખતે ખારાં જ રહ્યાં હશે. વરિયાવ આગળ બહુ તાણ ન હોય તો લોકો પગે ચાલીને પણ તાપી પાર જતાં. પણ તાપી બંને કાંઠે વહી છે તે યાદ રાખવું ઘટે. એટલે તો હોપપુલ બંધાયો. એ ‘હોપ’નું પરિણામ છે. એની લંબાઈ ૧,૭૦૦ ફૂટ હતી ને એને જનતા માટે ૧૮૭૭માં ખુલ્લો મુકાયો ને આજે ય ‘ખુલ્લો’મૂકાયા જેવું જ છે.

તાપીની વાત કરીએ તો કંતારેશ્વર મહાદેવને ન ભૂલાય. એ બહુ પ્રાચીન મંદિર છે. ૧૯૭૬માં એનો જીર્ણોદ્ધાર થયો. એમાં સાત અશ્વોવાળા રથ પર પદ્માસનમાં આરૂઢ સૂર્યનું શિલ્પ પણ છે. પૌરાણિક કાળમાં આ સ્થળ ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતું. અહીં કપિલમુનિએ આકરું તપ કરીને સૂર્યને પ્રસન્ન કર્યા ને તેમની પાસેથી વરદાન માંગ્યું : આપ સહકુટુંબ આવી અહીં વસવાટ કરો. એને પરિણામે સૂર્ય ને તાપી અહીં છે. એમ કહેવાય છે કે તાપીનો પ્રવાહ એક કાળે મંદિરની બંને બાજુએથી વહેતો હતો. તાપીની ખાસિયત એ રહી છે કે તે કાંઠા બદલતી રહી છે. રાંદેર તરફની જમીન ડુબાણમાં ગઈ કારણ તેનો પશ્ચિમ તરફનો ઘસારો વધ્યો. એ જ કારણ છે કે ઉમરકાંઠાનું રામનાથ ઘેલાનું મંદિર પણ માંડ બચ્યું છે.

સૂરતની તવારીખ ૧૨મી સદીના ઉત્તરાર્ધથી. વિસ્તાર ત્યારે ૨૫ ચોરસ કિલોમીટર. એ તો કિલ્લો બંધાયો ને સૂરત વિકસ્યું. ૧૮૫૨માં સુધરાઈની સ્થાપના થઇ. રેલવે આવી તે પહેલાં મુંબઈ માટે જળમાર્ગ જ હતો. એ જમાનાના  સૂરતના ભાવ જાણવા છે? ૧૮૩૧માં ઘી ૧૬ રૂપિયે મણ હતું. આજે કોઈ ઘી બતાવવાના ૧૬ રૂપિયા લે તો નવાઈ નહીં. સૂરત રેલ, આગ ને લૂંટને કારણે પાયમાલ થયું. સૂરત સોનાની મૂરત મટીને રોતી સૂરત થયું. પણ એ લહેરી તો આજે ય છે. આજે તો સૂરત મિની ભારતની ગરજ સારે છે. સૂરત મોજીલું છે ને કોઈ પણ પ્રજાને આવકારતું આવ્યું છે. તે સિલ્કસિટી, ડાયમંડસિટી અને ટેક્સટાઈલસિટી તરીકે વિશ્વમાં જાણીતું છે. ૧ ઓક્ટોબર, ૧૯૬૬થી નગરપાલિકા, મહાનગરપાલિકા થઇ છે. તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મળ્યું છે. આજે તેની હદ ૧૫૦ ચો.કિ.મી.થી વધી છે. જમણ તો સૂરતનું જ – એ વાત આજે ય જૂની નથી થઇ. આજે તો એટલા ઓવરબ્રિજ છે કે તે ઓવરબ્રિજનું મહાનગર પણ કહેવાય છે. વિયર કમ કોઝ વે, બંધ ને નહેરના લાભો સૂરતને મળ્યા છે, તો ગુનાખોરી પણ વધી છે. તાપીનું જળ પ્રદૂષિત થયું છે. કારખાનાઓનું ને ઉદ્યોગોનું ગંદુ પાણી તાપી પીએ છે ને આપણે ઈચ્છીએ છીએ કે તે આપણને શુદ્ધ પાણી આપે. છે ને કમાલ! તે અણુકચરા ને સાયનાઈડનું જોખમ વહોરીને જીવે છે. વિકાસને નામે વિનાશની દિશા પણ આપણે પકડી છે. ૨૦૦૬ની મહાવિનાશક રેલે સૂરતને ખતમ કરી નાખ્યું હતું. પણ સૂરતીઓ રાખમાંથી પાંખ બનાવીને ઉડવાનો મિજાજ ધરાવે છે.

તાપીને રેલની નવાઈ નથી. ૧૮૮૩, ૨૦૦૬ને એવી તો ઘણી સાલ તાપીએ સૂરતીઓને આંગણે આવીને ધમકાવ્યા છે. ૧૯૩૮માં હોડી ડૂબાડી શકે એટલું પાણી હતું ને આજે હોડી ફરી શકે એટલું પાણી ય જડતું નથી. આપણે સૂરતને શાંઘાઈ ને સિંગાપોર ને વર્લ્ડ ક્લાસ સિટી કરવા જઈ રહ્યા છીએ, બીજી તરફ તાપીના પટમાંથી રેતી ઉલેચવાનું બંધ થતું નથી. વિચારીએ કે તાપી વગરનું સૂરત ચાલવાનું છે?સાબરમતી કોરી હતી તેને છલકાતી કરી ને તાપી છલકાતી હતી તે કોરી થઇ રહી છે એની ચિંતા નથી. આ બરાબર નથી. આપણે યાદ રાખવું જોઈએ કે પ્રકૃતિ મનુષ્ય માટે છે, મનુષ્ય પ્રકૃતિ માટે નથી. પ્રકૃતિનો દુરુપયોગ થશે તો મનુષ્યનો સદુપયોગ નહીં થાય. એટલું ધ્યાન રાખીએ કે પર્વતો પાસે એટલો બરફ તો છે જ કે … વિનાશ માટે અણુબોમ્બ સુધી જવાની ય જરૂર નહીં રહે. સુનામીને તેડીશું તો નનામીઓ જ વધશે. જળ જીવન છે, તો જળ મૃત્યુ પણ છે. તાપીને રૂંવે રૂંવેથી તોડવાં કરતાં તાપીને રૂંવે રૂંવે આત્મસાત કરીએ. અસ્તુ.   

e.mail : ravindra21111946@gmail.com

Loading

જિંદગી એક બાર ફિર મિલના, ઇસ દફા તુજ કો પ્યાર કર ના સકે તેરા દામન ખુશી સે ભર ના સકે, તુજ કો કહ ભી ના સકે હમ અપના

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 June 2020

કેટલાંક ગીતો ફિલ્મોનું અવિભાજ્ય અંગ હોય છે. એને ફિલ્મમાંથી દૂર કરો, તો ખૂન નીકળી આવે! કલ્પના કરો કે ઋષિકેશ મુખર્જીએ બનાવેલી રાજેશ ખન્નાની 'આનંદ' (૧૯૭૧) ફિલ્મમાંથી 'કહી દૂર જબ દિન ઢલ જાયે, સાંજ કી દુલ્હન બદન ચુરાયે …' કાઢી નાખીએ તો? કલ્પના અઘરી છે. આ ગીત 'આનંદ' ફિલ્મ અને રાજેશ ખન્નાના પાત્ર બંનેનો આત્મા છે. લીમ્ફોસરકોમા ઓફ ઇન્ટેસ્ટિનથી પીડાતા અને દર એક દિવસે મૃત્યુની નજક જતા નટખટ અને નખરાળા આનંદની હસતાં-હસતાં મરવાની જે દુવિધા છે, તે આ ગીતમાં ઝીલાઈ છે. કેન્સર જેવા ગંભીર અને હતાશ વિષય પર બનેલી 'આનંદ' સ્નેહ અને ઉમ્મીદની ફિલ્મ હતી, અને ગયા સપ્તાહે જેમનું ૭૭ વર્ષે અવસાન થયું, તે ગીતકાર યોગેશે બખૂબી એ ભાવને આ ગીતમાં ઢાળ્યો હતો. રાજેશ ખન્નાને એકવાર તેના ગમતાં ગીત વિષે પૂછવામાં આવેલું, ત્યારે તેણે મુકેશે સ્વરબદ્ધ કરેલા આ ગીતને યાદ કર્યું હતું.

ફિલ્મમાં આમ ખુશમિજાજી આનંદ અંદરથી ભયભીત છે અને અધૂરી ઉમ્મીદોથી નાસીપાસ છે, તે આ ગીતમાં પ્રગટ થાય છે. ફિલ્મમાં જેમ ડો. ભાસ્કર બેનર્જી(અમિતાભ બચ્ચન)ને આનંદની સકારાત્મકતા પર ચીડ ચઢે છે, તેમ દર્શકોને પણ સતત એવું લાગે છે કે આનંદ સુખી હોવાનો ઢોંગ કરી રહ્યો છે, અને તે નકલી ભાવ એટલો કઠે છે કે આનંદ જ્યારે 'કહી દૂર જબ દિન ઢલ જાયે …' ગાય છે, ત્યારે દર્શક તરીકે આપણને પણ એક પરિચિત દુઃખને અનુભવીને 'હાશકારો' થાય છે.

યોગેશ ગૌડ ૧૬ વર્ષની ઉંમરે લખનૌથી મુંબઈ નસીબ અજમાવવા આવેલા. તેમના પિતા ધાન સિંહ ગૌડ એન્જીનિયર હતા. યોગેશ કોલેજમાં હતા, ત્યારે જ પિતાનું અવસાન થઇ ગયું, અને ઘર ચલાવાની જવાબદારી યોગેશ પર આવી ગઈ. તેમનો એક કાકા-ભાઈ બજેન્દ્ર ગૌડ મુંબઈમાં પટકથા લેખક હતો, તેની તેમણે મદદ માગી, પણ એમાં ઉપેક્ષા થઇ એટલે યોગેશે જાતે જ કામ શોધવાનું ચાલુ કર્યું. તેમને કવિતાઓ લખવાનો શોખ હતો, અને એમાં તેમની મુલાકાત સંગીત નિર્દેશક રોબિન બેનર્જી સાથે થઇ, અને એક વર્ષ આંટાફેરા માર્યા પછી, ૧૯૬૨માં રોબિનજીની એક ફિલ્મ 'સખી રોબિન'માં તેમણે છ ગીતો લખ્યાં. તેનું એક ગીત 'તુમ જો આઓ તો પ્યાર આ જાયે' મન્નાડેના અવાજમાં લોકપ્રિય થયું. આ ફિલ્મમાં એક ગીતના ૨૫ રૂપિયા લેખે તેમને ૨૫૦ રૂપિયા મળ્યા હતા.

એ પછી છ-સાત વર્ષ સુધી યોગેશ નાની-નાની ફિલ્મોમાં ગીતો લખતા રહ્યા, પણ એમાં ખાસ ગજ ના વાગ્યો. તેમના ભાગ્યનું પાંદડું ફર્યું 'આનંદ' ફિલ્મથી. તેઓ ગાયક કલાકાર સવિતા બેનર્જી મારફતે સુપ્રસિદ્ધ સંગીતકાર સલિલ ચૌધરીના સંપર્કમાં આવ્યા (પાછળથી સવિતા અને સલિલ'દા પતિ-પત્ની બન્યાં હતાં). કવિ શૈલેન્દ્રનું અવસાન થયું હતું એટલે સલિલ ચૌધરી નવા ગીતકારની તલાશમાં હતા. તેમણે યોગેશ પાસે ગીતો લખાવ્યાં અને તેમને તે પસંદ આવ્યાં.

સલિલ'દાએ તે વખતે બાસુ ભટ્ટાચાર્યની એક ફિલ્મ માટે યોગેશ પાસે ત્રણ ગીતો લખાવ્યાં હતાં અને મુકેશના સ્વરમાં રેકોર્ડ કર્યા હતાં. બદનસીબે એ ફિલ્મ ના બની અને એલ.બી. લક્ષ્મણ નામના ફિલ્મ નિર્દેશકે (અનાડી, અસલી-નકલી, બુઢ્ઢા મિલ ગયા) એ ત્રણે ગીતો ખરીદી લીધાં. યોગેશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “દાદા(સલિલ ચૌધરી)એ મને એમના ઘરે બોલાવીને એક ધૂન આપી, અને કહ્યું કે ગીત બનાવ, અને પોતે ચાલવા જતા રહ્યા. એમાં હું ધૂન ભૂલી ગયો. હવે લખું કેવી રીતે? ડરનો માર્યો હું ત્યાંથી ભાગી છૂટ્યો અને બસ પકડવા જતો હતો કે મને ધૂન યાદ આવી. હું પાછો દાદાના ઘરે આવ્યો અને ગીત લખ્યું. દાદાને એ ગમી ગયું.”

ઋષિકેશ મુખર્જી ત્યારે 'આનંદ' ફિલ્મ બનાવી રહ્યા હતા અને તેમણે જ્યારે આ ગીતો સાંભળ્યા તે બે ગીતોથી બહુ પ્રભાવિત થયા. તેમને લાગ્યું કે આ ગીતોના બોલ, મુકેશનો અવાજ તેમના 'આનંદ' માટે એકદમ બંધબેસતો છે. તેમણે એલ.બી. લક્ષ્મણને કહ્યું કે મને આ બે ગીતો આપી દો. લક્ષ્મણે કહ્યું કે બે ના મળે! કોઈ એક પસંદ કરો. ઋષિકેશે એમાંથી જે ગીત પસંદ કર્યું તે 'કહી દૂર જબ દિન ઢલ જાયે …' બીજું ગીત લક્ષ્મણે જયા ભાદુરી-અનિલ ધવનની ફિલ્મ 'અન્નદાતા' (૧૯૭૨) લીધું; નૈના હમારે સાંજ સકારે, દેખેં લાખો સપને … સચ યે કહીં હોગે યા નહીં, કોઈ જાને ના યહાં

'કહી દૂર જબ દિન ઢલ જાયે …' ગીત યોગેશ માટે હુકમનો એક્કો સાબિત થયું. આમ બહુ સાધારણ ગીત હતું, પરંતુ 'આનંદ'ની અસાધારણ કહાનીના કારણે એમાં ચાર ચાંદ લાગી ગયા. પૂરા ગીતમાં હિરો આનંદ માત્ર એટલો જ ભાવ વ્યક્ત કરે છે કે તે કોઈકને ખૂબ જ યાદ કરી રહ્યો છે. કોને? ખબર નથી. છતાં વિરહનો એ ભાવ આ ગીતમાં સુંદર રીતે વ્યક્ત થાય છે; 'તભી મચલ કે, પ્યાર કે ચલ કે, છુએ કોઈ મુજે પર નજર ના આયે' અને 'કહીં તો યે, દિલ કભી, મિલ નહીં પાતે, કહીં સે નિકલ આયે, જનમો કે નાતે.'

મજાની વાત એ છે કે આ ફિલ્મ હિરોઈન વગરની છે. રાજેશ ખન્ના, જે સૌથી મોટો રોમેન્ટિક સુપરસ્ટાર હતો, તેની જે સળંગ ૧૭ હીટ ફિલ્મો આવી હતી, તેમાં 'આનંદ' તદ્દન બિન-રોમેન્ટિક હતી, અને છતાં તે બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ તેમ જ બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એકટર, બેસ્ટ સપોર્ટીંગ એકટર, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ એડિટીંગ અને બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર એવોર્ડ જીતી ગઈ હતી. રાજેશ ખન્ના તોતિંગ સ્ટાર તો હતો જ, પણ એક્ટરે ય ઉત્તમ હતો. એ ઋષિ'દા જેવા મધ્યમ-કક્ષાની, પણ અત્યંત સંવેદનશીલ ફિલ્મોના સર્જકો સાથે તેનું સ્ટારડમ પડતું મૂકીને ફિલ્મો કરતો હતો. ‘આનંદ’ ફિલ્મ તેણે માત્ર ૭ લાખમાં કરી હતી, જ્યારે તેની ફી પચીસેક લાખની આસપાસ હતી. એ જ કારણ હતું કે તેનો પસંદીદા ગાયક કિશોર કુમાર હતો, પણ ઋષિ'દાના કહેવાથી જ તેણે મુકેશનું આ ગીત ફિલ્મમાં લેવા દીધું હતું. આ એક ગીતમાં આનંદની વ્યથાની સાથે બાકીના પાત્રોના ભાવનાત્મક સંબંધનું ઊંડાણ છતું થઇ ગયું.

“જો દેખતા થા, જો જીતા થા, વોહી લિખા હૈ,” યોગેશે બે વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે …’ વ્યથાનું ગીત હતું અને યોગેશ તેમના ઘરની બાલ્કનીમાં બેસીને સૂર્યાસ્ત જોતા હતા, તેના અનુભવમાંથી તે આવ્યું હતું. એમણે કહ્યું હતું, “હું હંમેશાં મારી આજુબાજુના લોકો પર ગીતો લખતો હતો. એમનાથી દૂર જઈને કેવી રીતે લખું?” ‘આનંદ’માં તેમનું બીજું એક ગીત પણ મશહૂર થયું હતું, જે અત્યંત સરળ રીતે લખાયું હતું : જિંદગી કૈસી હૈં પહેલી, હાય .. કભી તો હંસાએ, કભી યે રુલાયે.

આ ગીત ફિલ્મની કહાનીનો હિસ્સો ન હતું. ઋષિ’દા તેને ફિલ્મના ટાઈટલ પડે, ત્યારે થીમ-સોંગ તરીકે બેકગ્રાઉન્ડમાં રાખવા માંગતા હતા. રાજેશ ખન્નાએ તે સાંભળ્યું, તો તેને એ બહુ ગમી ગયું અને તેણે ઋષિકેશ મુખર્જીને વિનંતી કરી કે આ ગીત માટે કહાનીમાં કોઈક પ્રસંગ ઊભો કરો, એટલા સરસ ગીતને આવી રીતે વેડફી ના દેવાય. તે વખતે ફિલ્મનો હિસ્સો ના હોય, તેવાં ગીતો રેડીઓ પર વાગતાં ન હતાં, એટલે રાજેશના હૈયામાં ફિલ્મની લોકપ્રિયતાની હિત પણ વસેલું હતું. એ સૂચનના આધારે ઋષિ’દાએ પ્રસંગ રચ્યો, જેમાં આનંદ દરિયા કિનારે મસ્તફકીરની જેમ ચાલે છે, આકાશમાં બલૂન ઊડે છે અને પાછળ આ ગીત વાગે છે : જિન્હોને સજાયે યહાં મેલે, સુખ-દુઃખ સંગ ઝેલે … વો હી ચુનકર ખામોશી, યું ચલ ગયે અકેલે, કહાં? ફિલ્મનો જે ભાવ હતો, તે આ ગીતમાં પણ ઝીલાયો હતો. ફિલ્મમાં જોની વોકરનું પાત્ર મુરારી લાલ ઉર્ફે ઈસાભાઈ સુરતવાલા કહે છે, “મરતે મરતે ચેલા ગુરુ કો જીના સીખા ગયા. દુઃખ અપને લિયે રખ, આનંદ સબ કે લિયે.”

ઋષિકેશ મુખર્જીએ એક જાપાનીસ ફિલ્મ જોઈ હતી અને તેમને તેની વિષયવસ્તુ એટલી પસંદ આવી કે તેમણે તેના આધારે ‘આનંદ’ જ નહીં, જયા ભાદુરીને કેન્દ્રમાં રાખીને ૧૯૭૫માં ‘મિલી’ બનાવી હતી. ‘મિલી’માં પણ યોગેશ સર્વકાલીન મધુર ગીત લઈને આવ્યા, જેમાં હીરો શેખર દયાલ(અમિતાભ બચ્ચન)ની એકલતા અને ખુદનું જ અજાણ્યાપણું છલોછલ બહાર આવ્યું હતું : બડી સુની સુની હૈ, જિંદગી યેહ જિંદગી, મેં ખુદ સે યહાં, અજનબી અજનબી. તેને યોગાનુયોગ કહેવાય કે શું કહેવાય તે ખબર નથી, પણ બંને ફિલ્મોમાં ભાવનાત્મક રીતે ચકનાચૂર થઇ ગયેલા અમિતાભને આનંદ અને મિલી ઠંડક પહોંચાડે છે. અમિતાભની એ અતિસંવેદનશીલતા જ તેને સુપરસ્ટારડમ તરફ લઇ ગઈ.

યોગેશનાં શ્રેષ્ઠ દસ ગીતોની યાદી બને, તો ઉપર જે વાતો કરી, તે ત્રણ ગીતો પહેલા ત્રણ નંબરે આવે. બાકીનાં સાત આ પ્રમાણે છે :

૪. રિમ ઝિમ ગીરે સાવન, સુલગ સુલગ જાયે મન … ભીગે આજ ઇસ મૌસમ મેં, લાગી કૈસી એ અગન (મંઝિલ)

૫. રજનીગંધા ફૂલ તુમ્હારે, મહેકે યુહી જીવન મેં … જૈસે મહેકે પ્રિત પિયા કી, મેરે અનુરાગી મન મેં (રજનીગંધા)

૬. જાનેમન જાનેમન તેરે દો નયન, ચોરી ચોરી લેકે ગયે દેખો મેરા મન (છોટી સી બાત)

૭. ન બોલે તુમ, ન મૈને કુછ કહા, મગર ન જાને એસા કયું લગા (બાતો બાતો મેં)

૮. મૈને કહા ફૂલો સે, હંસો તો વો ખિલ ખિલા કે હંસ દિયે (મિલી)

૯. ઊઠે સબ કે કદમ, તરા રમ-પમ-પમ, અજી એસે ગીત ગાયા કરો (બાતો બાતો મેં)

૧૦. કોઈ રોકો ના, દીવાને કો, મન મચલ રહ, કુછ ગાને કો (પ્રિયતમા)

… અને છેલ્લે યોગેશના એક બિન–ફિલ્મી ગીતના શબ્દો, જે કદાચ તેમની સંઘર્ષપૂર્ણ ફિલ્મ કારકિર્દીનું પ્રતિક છે :

જિંદગી એક બાર ફિર મિલના, ઇસ દફા તુજ કો પ્યાર કર ના સકે

તેરા દામન ખુશી સે ભર ના સકે, તુજ કો કહ ભી ના સકે હમ અપના

પ્રગટ : ‘બ્લોકબસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 જૂન 2020

Loading

કડવીબેનનું ગીત

રાધિકા પટેલ|Poetry|26 June 2020

'કડવી' તે લીમડાની ડાળ;
સાચ-સાચ બોલવાની જીદે મૂકી છે કડવીની જીભે જંજાળ,
'કડવી' તે લીમડાની ડાળ …

સીધા ઉતારીને લાવી છે ઝાડથી, તાજાં છે 'કડવી'નાં વેણ;
ના ચાખ્યા, ના જોખ્યા, ના બાંધ્યા, ના સાંધ્યા કે 'કડવી'ને આવડે ન રેણ.
ઊંડું હોય પાતર તો ઝીલી પણ લે, એક છીછોરાએ દઈ દીધી ગાળ,
'કડવી' તે લીમડાની ડાળ …

'કડવી'ના બોલને મોહરાં, મુખોટાં, ના પહેરાવ્યાં કોઇદી'યે વાઘા;
છતરાયા ચાલે છે પળકોરાં કડવીથી, ખીદમતિયાં આઘા ને આઘા.
'કડવી' તો સાવેય ઊઘાડો અરીસો કે શાણાંઓ રાખે સંભાળ,
'કડવી' તે લીમડાની ડાળ ..

ઠળયાવી ચોકલેટું વેચી-વેચીને,આજ તગડાં થયા છે કંદોઈ;
પડઘામાં પથરાં લઇ પાછી ફરી છે આ 'કડવી' છે કરમી કળોઈ.
'કડવી'ની કથનીનો આવે ના પાર, એની જીભે બેઠો છે વેતાળ,
'કડવી' તે લીમડાની ડાળ ..

e.mail radhikapatel1976@yahoo.com

Loading

...102030...2,3312,3322,3332,334...2,3402,3502,360...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved