Opinion Magazine
Number of visits: 9965978
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—58

દીપક મહેતા|Opinion - Opinion|23 August 2020

પાંચ સાંસ્કૃતિક પરંપરાનો સમન્વય કરતું નાટક 

કન્યા વિદાય વગરનો ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’

નાટકની ભાષા ઉર્દૂ, પણ લિપિ ગુજરાતી!

નાહી સિર પર ફિર ભંવરે રે,
કમલ સમઝ નહીં નાદાન મોહે … નાહી
મોહે સંગ આવત, કાહે સતાવત,
પીછે ન આ તુ ગુમાની રે.
લટ છટકા કે દૂર કરુંગી,
સિસ ન ઘુમ હમરે … કમલ સમઝ
સખીઅન આવો, મોહે છુડાવો,
ભવરે ને કર દી દીવાની રે.
બરજોરી એ તો મોહે કરત હયે,
મોરે બાલ છુટત સગરે … કમલ સમઝ

પીલુ રાગમાં ગવાતી આ ઠુમરી ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસીમાં મુંબઈ શહેરમાં ભજવાયેલા અને પુસ્તિકા રૂપે છપાયેલા નાટકમાં એક સ્ત્રીપાત્ર ગાય છે. આ સ્ત્રીપાત્ર કોણ હશે? પ્રિય વાચક, ગમે તેટલું માથું ખંજવાળીએ તો પણ મોટે ભાગે જવાબ ન મળે. એ નાટકનું નામ છે: ’શકુંતલાનો ઊરદુ ઓપેરા: તમામ ગાયન રૂપી ખેલ, ઊરદુ રાગ રાગનીમાં.’ એટલે કે આ ઠુમરી ગાય છે શકુંતલા. આ નાટકના બનાવનાર કહેતાં લેખક છે નસરવાનજી મેરવાનજી ખાનસાહેબ.

આ નાટક વિષે આજે થોડી વાત કરવી છે  કારણ ૧૯મી સદીના મુંબઈની તાસીર તેમાં જોવા મળે છે. એક જમાનામાં અમેરિકાને દુનિયાનું મેલ્ટિંગ પોટ કહેવામાં આવતું. ૧૯મી સદીના હિન્દુસ્તાનનું મેલ્ટિંગ પોટ હતું મુંબઈ. દેશના અને દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવીને અહીં લોકો વસ્યા હતા. તેમનાં ‘વતન’, ભાષા, ધર્મ, જીવન જુદાં જુદાં હતાં. ક્યારેક તેને કારણે સંઘર્ષ પણ થતો, જેને એ જમાનામાં ‘હુલ્લડ’ કે ‘દંગલ’ કહેવાનો રિવાજ હતો. પણ એકંદરે આ બધા લોકો હળીમળીને, સંપીને રહેતા. એટલું જ નહિ તેમની વચ્ચે ભાષા, સાહિત્ય, રંગભૂમિ, નાટક, સંગીત વગેરેમાં લેવડદેવડ થતી રહેતી.

ભજવાઈ રહેલું એક પારસી-ગુજરાતી નાટક

આ નાટક આવી લેવડદેવડનો એક મજેનો દાખલો છે. તેમાં પાંચ સાંસ્કૃતિક પરંપરાનો સુમેળ સધાયો છે. આ નાટકનાં કથાનક, પાત્રો કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુન્તલ નાટકનાં છે. અને તેનાં મૂળ મહાભારતના આદિપર્વમાં છે, એટલે કે સંસ્કૃત સાહિત્યની પરંપરાનાં છે. એની ભાષા હિન્દુસ્તાની – આજે આપણે જેને ઉર્દૂ કહીએ છીએ – છે. પણ એ ભાષા છપાઈ છે ગુજરાતી લિપિમાં. એના લેખક ખાનસાહેબ પારસી છે. અને નાટકનું સ્વરૂપ પશ્ચિમના ઓપેરાનું છે. અને આ નાટક એ જમાનામાં છપાયું છે એટલું જ નહિ, ભજવાયું છે, સફળતાથી ભજવાયું છે. આજે કોઈને સવાલ થાય કે દુષ્યંત શકુંતલા જેવાં પાત્રો ઉર્દૂ બોલે એ કેવું લાગે? પ્રેક્ષકો એ અપનાવી શકે? પીટર બ્રુક્સના નાટકમાં મહાભારતનાં પાત્રો અંગ્રેજીમાં બોલે એ આજે આપણે જેમ સ્વીકારીએ છીએ તેમ એ વખતનો પ્રેક્ષક પણ આવી વાત સ્વીકારી લેતો.

આજે મુંબઈની રંગભૂમિ ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, વગેરેમાં વહેંચાઈ ગઈ છે. નાટક લખનારા અને ભજવનારાઓ વચ્ચે થોડી લેવડદેવડ થતી રહે, પણ એ દરેકનો પ્રેક્ષક વર્ગ અલગ અલગ છે. એ વખતે એવું નહોતું. પારસીઓ ભજવે તે નાટક જોવા બિન-પારસીઓ પણ જતા. મરાઠી નાટકો બીજી ભાષા બોલતા લોકો પણ જોતા. આ નાટક જેવાં હિન્દુસ્તાની નાટક જોવા ગુજરાતી, પારસી, મરાઠી, ઉર્દૂભાષી અને બીજા લોકો પણ જતા. ૧૯મી સદીનાં છેલ્લા ૨૫ વરસમાં અને ૨૦મી સદીની પહેલી પચ્ચીસી દરમ્યાન આ સ્થિતિ હતી. અને આવું કાંઈ નાટકની બાબતમાં જ થતું એવું નહોતું. શિક્ષણ, સમાજ સુધારો, સાહિત્ય, પત્રકારત્વ, નાટક ઉપરાંત બીજી કલાઓ, બધાં ક્ષેત્રોમાં જુદા જુદા વર્ગના લોકો ભેગા મળીને કામ કરતા. એ જમાનાનું મુંબઈ સાચા અર્થમાં ‘કોસ્મોપોલિટન’ શહેર હતું.

ખેર, આપણે ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા નાટક’ તરફ પાછા વળીએ. છે તો છાપેલાં ૨૬ પાનાંનું નાટક પણ અહીં બધું જ પદ્યમાં, ગીતમાં કહેવાયું છે. એટલે આ ૨૬ પાનાં ભજવતાં સહેજે ચાર-પાંચ કલાક તો લાગતા હશે. કારણ અહીં બાર જેટલાં નાનાં-મોટાં પાત્રો છે. ભૈરવી, ઝિંઝોટી, પીલુ, જોગિયા, બિહાગ, ખમાજ, કાફી, જેવા શાસ્ત્રીય સંગીતના રાગોમાં ગવાતાં ગીતો છે.  એક ગીત ‘લ્યુસી નીલ’ નામના અંગ્રેજી ગીતની ચાલ પ્રમાણે પણ ગાવાનું છે! (એ વખતનાં ઘણાં પારસી-ગુજરાતી નાટકોમાં આવાં અંગ્રેજી ચાલનાં ગીતો મૂકવામાં આવતાં.) નાટકમાં ઠુમરી, હોરી, ગઝલ, દાદરા, તરાના, પદ, લાવણી, મરસિયા(!), જેવા ગેય પ્રકારો છે. આખા નાટકને બે જ ‘બાબ’(અંક)માં સમાવ્યું છે, બંને અંકમાં છ-છ ‘પરદા’ (દૃશ્યો) છે. એ વખતના રિવાજ પ્રમાણે અહીં એક આખું દૃષ્ય ‘કોમેડી’ કે ‘ફારસ’નું પણ છે. આવું કોઈ દૃષ્ય કાલિદાસના શાકુન્તલ નાટકમાં નથી. ખાનસાહેબ એ ક્યાંથી લઈ આવ્યા એ જાણી શકાયું નથી. તો બીજી બાજુ કાલિદાસના શાકુન્તાલનો સૌથી વધુ જાણીતો અને હૃદયસ્પર્શી એવો કન્યાવિદાયનો પ્રસંગ અહીં છે જ નહિ! પુસ્તક કોટ વિસ્તારની પારસી બજાર સ્ટ્રીટમાં આવેલ ‘જહાંગીર બેજનજી કરાણી ચોપડી વેચનારે’ પ્રગટ કર્યું છે.

શકુંતલા અને બે સખીઓ – રાજા રવિ વર્માનું ચિત્ર

પણ આ ખાનસાહેબ હતા કોણ? પારસીઓ વિશેના એનસાઈકલોપીડિયા જેવા ‘પારસી પ્રકાશ’માં એક નાનકડો ફકરો જોવા મળે છે. એ પ્રમાણે ૧૮૮૨ના માર્ચની ૨૦મી તારીખે માત્ર ૨૯ વર્ષની ઉંમરે તેઓ બેહસ્તનશીન થયા. એટલે કે તેમનો જન્મ ૧૮૫૩માં થયો હોય. પિતાનું નામ જમશેદજી રતનજી બેલગામવાલા. ખાનસાહેબ વનસ્પતિ શાસ્ત્ર(બોટની)ના અને હિન્દુસ્તાની ભાષાના જાણકાર હતા. ‘આરામ’ ઉપનામથી તેમણે હિન્દુસ્તાની નાટકો લખ્યાં છે. ઉપરાંત પારસી ગુજરાતીમાં તેમણે ‘મેહર મસ્તની મુસાફરી’ નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. જે સર્વાન્ટિસની જગવિખ્યાત નવલકથા ‘દોન કિહોટે’નું પારસી પાત્રો અને સુરતની ભૂમિકા ધરાવતું રૂપાંતર હતું. ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ વાંચ્યા પછી આપણે કહી શકીએ કે તેઓ હિન્દુસ્તાની ઉપરાંત સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, ભાષા-સાહિત્યના તથા આપણા શાસ્ત્રીય સંગીતના અચ્છા જાણકાર હોવા જોઈએ.

દુષ્યંતને પત્ર લખતી શકુંતલા — ટપાલ ટિકિટ પર

વધુ ખાંખાખોળાં કરતાં બીજી કેટલીક હકીકતો પણ જાણવા મળે છે. ખાનસાહેબનાં બે પ્રકારનાં નાટક જોવા મળે છે. એદલજી ખોરીએ પહેલાં પારસી ગુજરાતીમાં લખેલાં નાટકોના હિન્દુસ્તાની ભાષામાં કરેલા અનુવાદ. આવાં નાટકોમાં સોને કે મોલ કી ખુરશેદ (૧૮૭૧), નૂરજહાં, જહાંગીર, મજહબે ઇશ્ક, બકાવલી-તાજૂલમલૂક, ગુલબકાવલી, હાતિમ (બધાં ૧૮૭૨), જાલમજોર (૧૮૭૬)નો સમાવેશ થય છે. આ નાટકો ભજવાતાં પણ બંને ભાષામાં. તેમનાં મૌલિક હિન્દુસ્તાની નાટકોની પ્રકાશન સાલ મળતી નથી પણ તેમાં આ નાટકોનો સમાવેશ થાય છે: ગુલવાસવનોવર, છેલબટાઉ મોહનારાની, પદમાવત, લાલો ગૌહર, ચંદ્રાવલી, વગેરે. શકુંતલા ઉપરાંત ખાનસાહેબે બીજાં ઓપેરા પ્રકારનાં નાટકો લખ્યાં છે. બદરેમનીર-બેનઝીર તેમનું પહેલું ઓપેરા. બીજું ઓપેરા જહાંગીરશાહ-ગૌહર જે ૧૮૭૪માં પ્રગટ થયું. અને ત્રીજું આ શકુંતલા, જેની ભજવણીની કે પ્રકાશનની સાલ હજી સુધી મળી નથી. પારસી નાટક મંડળીએ પૂનામાં ભજવેલ ‘ઇન્દ્રસભા’ નાટક જોયા પછી અન્નાસાહેબ કિર્લોસ્કરને મરાઠીમાં સંગીત નાટક લખવાનો વિચાર આવ્યો. ૧૮૮૦માં ભજવાયેલું તેમનું ‘સંગીત શાકુન્તલ’ મરાઠીનું પહેલું સંગીત નાટક. પછી તો વર્ષો જતાં એ પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ. પણ મોટે ભાગે તેમના ‘સંગીત શાકુન્તલ’ પહેલાં ખાનસાહેબનું ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ નાટક લખાયું અને ભજવાયું. કારણ ૧૮૭૬ પછી લખાયેલું તેમનું કોઈ નાટક મળતું નથી. અને ૧૮૮૨માં તો તેમનું અવસાન થયું છે.

ખાનસાહેબે જેમનાં ગુજરાતી નાટકોના હિન્દુસ્તાની અનુવાદ કર્યા તે એદલજી જમશેદજી ખોરીનો જન્મ ૧૮૪૭માં. હજી ભણવાનું ચાલુ હતું ત્યારે બીજા બે પારસી મિત્રો સાથે મળીને ‘અરેબિયન નાઈટસ’નો ગુજરાતી અનુવાદ બે દળદાર ભાગોમાં ૧૮૬૫માં પ્રગટ કરેલો. ૧૮૬૯માં વિક્ટોરિયા નાટક મંડળીએ નાટક માટે હરીફાઈ જાહેર કરી ત્યારે ૩૦૦ રૂપિયાનું પહેલું ઇનામ ખોરીના ‘રુસ્તમ અને સોહરાબ’ નાટકને મળેલું અને તેથી એ મંડળીએ ભજવેલું, અને ૧૮૭૦માં એ મંડળીએ જ છાપીને પ્રગટ કરેલું. ખોરીનું આ પહેલું નાટક. ‘ખોદાબક્સ’ ૧૮૭૧માં ઝોરાસ્ટ્રિયન નાટક મંડળીએ ભજવેલું અને ખોરીએ પોતે પ્રગટ કરેલું. એ જ વર્ષે વિક્ટોરિયા નાટક મંડળી માટે તેમણે ‘સોનાનાં મુલની ખોરશેદ’ લખ્યું જેનો હિન્દુસ્તાની અનુવાદ બેહરામજી ફરદુનજી મર્ઝબાને કરેલો તે વિક્ટોરિયાએ ભજવેલો અને પ્રગટ કરેલો. હિન્દુસ્તાની (ઉર્દૂ) ભાષામાં ભજવાયેલું આ પહેલવહેલું નાટક. આ ઉપરાંત તેમણે બીજાં ત્રણ-ચાર નાટક લખ્યાં જેના હિન્દુસ્તાની અનુવાદ ખાનસાહેબે કર્યા અને ભજવાયાં. પણ પછી ખોરીની કારકિર્દીએ અણધાર્યો વળાંક લીધો. તેઓ કાયદાના અભ્યાસ માટે ઇન્ગ્લંડ ગયા અને ૧૮૮૨માં બેરિસ્ટર બન્યા. પહેલાં સિંગાપુરમાં અને પછી ઇન્ગ્લંડમાં પ્રેક્ટિસ કરી, પણ નાટક સાથેનો સંબંધ સદંતર તૂટી ગયો. ૧૯૧૭ના જૂનની ૧૦મી તારીખે ઇન્ગ્લંડમાં જ તેઓ બેહસ્તનશીન થયા.

પારસી નાટક મંડળીઓ પારસી ગુજરાતી નાટકો ભજવતી હતી, ક્યારેક ‘શુદ્ધ’ ગુજરાતી નાટક અને અંગ્રેજી નાટક પણ ભજવી લેતી. પણ તેમણે હિન્દુસ્તાની નાટકો ભજવવાનું કેમ શરૂ કર્યું? બે મુખ્ય કારણ. એક તો મુંબઈમાં પ્રેક્ષકોના વધુ મોટા સમૂહ સુધી પહોંચવા માટે. મુસ્લિમો ઉપરાંત એ જમાનામાં ઘણા પારસીઓ અને હિંદુઓ પણ ઊર્દૂ ભાષા જાણતા હતા. પોર્ટુગીઝો અને અંગ્રેજોના આગમન પહેલાં દેશના ઘણા મોટા ભાગની દરબારી અને કાનૂની ભાષા હિન્દુસ્તાની હતી. એટલે ઘણા લોકો માટે ભલે થોડી ઘણી, પણ આ ભાષા જાણવાનું જરૂરી હતું. આવા લોકો ગુજરાતી કે અંગ્રેજી ઉપરાંત હિન્દુસ્તાની નાટકો જોવા પણ આવે તો પ્રેક્ષકો વધે. બીજું, ઘણી પારસી નાટક મંડળીઓ દર વર્ષે મુંબઈની બહાર, ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતમાં, નાટકો ભજવવા માટે પ્રવાસે જતી. વિક્ટોરિયા અને બીજી એક-બે મંડળી તો  પરદેશના પ્રવાસે પણ જતી. આવા પ્રવાસો દરમ્યાન માત્ર ગુજરાતી નાટકો ભજવવાને બદલે સાથે હિન્દુસ્તાની નાટકો પણ ભજવ્યાં હોય તો વધુ આર્થિક લાભ થાય. બીજું કારણ એ કે હિન્દુસ્તાની નાટકોમાં વિવિધ પ્રકારનાં સંગીત અને નૃત્યને વધુ અવકાશ હતો અને તેનાથી આકર્ષાઈને પણ પ્રેક્ષકો આવી શકે. એટલે વિક્ટોરિયા નાટક મંડળી પછી બીજી પારસી મંડળીઓ પણ હિન્દુસ્તાની નાટક ભજવવા લાગી.

આ લખનારે મિત્ર ધર્મેશ ભટ્ટના સૌજન્યથી આવાં હિન્દુસ્તાની નાટકોનાં લગભગ પચાસ પુસ્તક મેળવ્યાં છે. તેમાંનું એકેએક ગુજરાતી લિપિમાં છપાયું છે. તેમાંનાં ઘણાં પુસ્તકોનાં પૂંઠા અને ટાઈટલ પેજ પર છપાયું હોય છે : ‘ઝબાને ઊર્દૂ બ હર્ફે ગુજરાતી’. એટલે કે ભાષા ઉર્દૂ, પણ લિપિ ગુજરાતી. આમ કેમ? ઉર્દૂ જે લિપિમાં લખાય છે તેમાં જોડાક્ષર મળીને લગભગ ૨૦ હજાર જેટલા અક્ષરો વપરાય છે. એટલે ૧૯૮૧ પહેલાં ઉર્દૂ છાપવા માટેના ટાઈપ (ફોન્ટ) જ બની શક્યા નહોતા. એટલે ત્યાં સુધી લિથોગ્રાફ (શિલાછાપ) પદ્ધતિથી ઉર્દૂ લખાણ છાપવું પડતું. આ માટે પહેલાં પુસ્તકનું એક એક પાનું લહિયા પાસે ખાસ જાતના પોચા પથ્થર પર લખાવવું પડતું અને પછી તેના વડે છાપકામ કરવું પડતું. આ આખી પ્રક્રિયા ખર્ચાળ અને વધુ સમય માગી લે તેવી હતી. વળી એવા પણ ઘણા લોકો હતા જે હિન્દુસ્તાની ભાષા જાણતા, પણ તેની લિપિ નહિ. મુવેબલ ટાઈપ વાપરીને ગુજરાતી છાપકામની શરૂઆત મુંબઈમાં તો છેક ૧૮મી સદીના છેલ્લા દાયકામાં થઈ ગઈ હતી, અને પારસીઓ તેમાં અગ્રણી હતા. એટલે, હાજર સો હથિયાર કરીને તેમણે આ નાટકો ગુજરાતી લિપિમાં છાપ્યાં. 

સંસ્કૃત સાહિત્યમાંથી કથાનક લઈને ઉર્દૂમાં લખાયેલું આ એકમાત્ર નાટક નથી. એવું બીજું એક નાટક પણ જોવા મળ્યું છે, પણ એની વાત હવે પછી. અત્યારે તો નાટકને અંતે શકુંતલા દુષ્યંતને જે શબ્દો કહે છે એ જ શબ્દો પ્રિય વાચક, તમને પણ કહેવાના:

બાતે એહ સારી છોડ દો, હસી ખુશી મેં હિ રહો.

e.ail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 22 ઑગસ્ટ 2020

Loading

આ મુશ્કેલ સમયમાં (35)

સુમન શાહ|Opinion - Opinion|23 August 2020

‘મહાભારત’ યુદ્ધ પછી વ્યક્તિઓ અને આખું લોકતન્ત્ર અસારત્વમાં તણાવા લાગેલું. એના સર્જક વ્યાસનું વચન સાંભળવાજોગ છે : યથા યથા વિપર્યતે લોકતન્ત્રમ્ અસારત્વ, તથા તથા વિરાગો અત્ર જાયતે, ન તત્ર સંશય … વ્યાસ પોતે એ અસાર અને દુ:ખદાયી મનુષ્યજીવનને બચાવી લેવા માગતા’તા. ‘મહાભારત’ની રચના પાછળનો એમનો એ ઉદ્દેશ એટલો બધો બહાર નથી આવ્યો, પણ ખૂબ જ ધ્યાન આપવા યોગ્ય છે. કેમ કે એમાં મને જીવન અને સર્જન વચ્ચેનો એક ગર્ભિત સમ્બન્ધ છતો થતો અનુભવાય છે – સર્જક ખરેખર તો મનુષ્યનાં દુ:ખોને નીરખે છે, અનુભવે છે, ને પછી પોતાની સર્જકતાએ કરીને તેનું નિરસન કરે છે. જીવન જો પીડા છે, તો સાહિત્ય અને કલાઓનાં સર્જન તેનાં રસિકડાં નિવારણ છે.

આ કોરોના કાળે પણ મૃત્યુએ પ્રગટાવેલા અસારત્વનો અને એથી જનમેલી વ્યથાઓનો પાર નથી. મને વધારે સતાવે છે તે એ કે મૃતકનાં પરિવારજનોનું શું થયું હશે. પતિ વિનાની પત્ની કે પત્ની વિનાના પતિનું અને સન્તાન વિનાનાં માબાપનું કે મા અથવા બાપ ગુમાવી બેઠેલી દીકરી કે દીકરો કેમ કરી બેઠાં થયાં હશે ને પછી કેમની રીતે સરખાં થયાં હશે. સાચ્ચો અને સખત પ્રેમ જીવનારાં પ્રેમીઓનું શું થયું હશે? એ પ્રિયા કે એ પ્રિયનાં મન-હૃદય શી રીતે સાતા પામ્યાં હશે? સાતા પછીની એ એકલતાએ કેવુંક સ્વરૂપ પકડ્યું હશે? એમના ઘા રુઝાયા હશે? શી રીતે?

વ્યક્તિઓ અને સમગ્ર સંસારતન્ત્ર અસારત્વનો અનુભવ કરી રહ્યું છે. બધું જ મિથ્યા ભાસે છે. એક જાતનો વૈરાગ્ય ભાવ જાગે છે. ચિત્તમાં બેચૅની અને અણગમતી શાન્તતા છવાઈ જાય છે.

તેમ છતાં, જીવન તો જિવાય જ છે. એટલું જ નહીં, મૉજથી જિવાય છે. લોકો સારું સારું ખાય છે, પીએ છે. આજે ગણેશચતુર્થી છે. દેશમાં ઠૅર ઠૅર ગણેશ-સ્થાપન થયું છે. વિજ્ઞાનીઓએ ચેપથી બચવા જાતજાતનાં સૂચનો કર્યાં છે, પણ લોકો તો કશી સાડીબારી વિના ગણેશ-વિસર્જન સુધી આ ઉત્સવને ભક્તિભાવથી અને રંગેચંગે મનાવવાના જ. ઘણા તો એવા મિજાજથી કે -કોરોનાની ઍસી કે તૅસી ! લાડુ આમ તો બ્રાહ્મણોના ગણાય પણ આજે એ સૌના અને સૌને માટે મોદ-ક.

આમ, જોવા જઈએ તો, ઉત્સવો આપણા ઉત્સાહને જગવે છે, ખીલવે છે. એટલો સમય કોઈપણ જાતના સંસારી હેતુ વિના જીવી લેવાય છે. કહેવું તો એમ જોઈએ કે ઉત્સવો પેલા અસારત્વનો નાશ કરે છે …

મને આ ક્ષણે કવિ કાલિદાસનાં બે વચન યાદ આવે છે : એક એમણે એ કહ્યું છે કે ઉત્સવપ્રિયા જના: -લો કો ઉત્સવપ્રિય છે. સાચું છે, આગળ-પાછળના સંજોગો ભલે ને વિપરીત હોય, માણસમાત્રને ગાવું-નાચવું ને હસવું-કૂદવું ગમે છે. બીજું એમણે એ કહ્યું છે કે લોકોની રુચિ ભિન્ન ભિન્ન હોય છે. એટલે ગાવા-નાચવાનું તેમ જ હસવા-કૂદવાનું પણ પ્રજાએ પ્રજાએ ભિન્ન હોય છે.

આપણને એવું લાગે કે આપણો ભારત દેશ જ ઉત્સવો ઊજવે છે. ગણેશ ચતુર્થી પહેલાં જન્માષ્ટમી તે પહેલાં રામનવમી તે પહેલાં મકરસન્ક્રાન્તિ ને તે પહેલાં દીપોત્સવી એમ ઉત્સવોનું એક નિશ્ચિત ચક્ર સદીઓથી દેશવાસીઓના મન-હૃદયમાં ગોઠવાઈ ગયેલું છે. પણ એવું નથી, વિશ્વની બધી પ્રજાઓ ઉત્સવો ઊજવે છે. હા, આપણા ઘણા ઉત્સવો દેવો સાથે જોડાયેલા છે, એટલા બીજી પ્રજાઓના નથી …

યુરપના ધ નેધરલૅન્ડ્સના મોસ્ટ પૉપ્યુલર સિટી આમસ્ટર્ડામમાં હું અવારનવાર રહ્યો છું. ૧૬૫થી પણ વધુ કનાલ્સનું આ સિટી એની નાઇટ-લાઇફ માટે જગમશહૂર છે – સારીનરસી બન્ને દૃષ્ટિએ. એ વાત ફરી ક્યારેક. પણ ત્યાં દસથી વધુ મ્યુઝિક ફેસ્ટિવલ યોજાય છે. ખૂબ લોકપ્રિય છે, ‘આમ્સ્ટર્ડામ ડાન્સ ઇવેન્ટ’. પાંચ દિવસની કૉન્ફરન્સ ને પાંચ લાખ જેટલા લોકો ધસી આવ્યા હોય છે. પ્રકાશ અને ગાયન-વાદન-નર્તન સાથે ઉલ્લાસની રેલમછેલ ઊડતી હોય છે. આ ઉત્સવને behemoth નામ અપાયું છે – કોઈ પ્રચણ્ડકાય પ્રાણી …

વર્ષમાં એક એવો ઉત્સવ છે, જેમાં ઠેકઠેકાણેથી લાખ્ખો લોકો આમ્સ્ટર્ડામમાં ભેગા થાય છે. તે દિવસે તમામ દુકાનો અને ધંધા બંધ રખાય છે. પણ નવી નવી કામચલાઉ દુકાનો રાતોરાત ઊભી કરાય છે. કેટલીક તો એવી જેમાં ચીજવસ્તુઓ, નાખી દેવાના ભાવે વેચાય છે. તમે પણ તમારી વસ્તુઓ વેચી શકો. એમાં જૂની-નવી કે વાપરેલી – ન વાપરેલીનો ભેદ જોવાતો નથી. આમ તો બાર્ગેઈન કદી થાય નહીં પણ તે દિવસે ખાસ્સી રકઝક કરી શકાય છે. વિખ્યાત ડીજે-કલાકારો સાઉન્ડ ટ્રૅકિન્ગ અને નાચગાન વડે આખા શહેરને ગજવે છે, કાનમાં ઇયર-બટ્સ નાખવાં જ પડે. લોકો – લગભગ બધા – બીયર પીએ છે. ડબલાં જેમ ફાવે એમ ફગાવી દે છે. જો કે, બીજી સાંજ સુધીમાં આમ્સ્ટર્ડામને હમ્મેશ હોય છે એવું ને એટલું સ્વચ્છ કરી લેવાય છે.

એક ઉત્સવ એવો છે, જેમાં કલાકાર વ્યક્તિ પોતાના ઘરે સ્વરચિત કે અન્યોએ રચેલાં ચિત્રોનું પ્રદર્શન ગોઠવે છે. ઘરની બહાર વાવટો ફરકાવીને લોકોને ઇન્વાઈટ કરે છે. લોકો આવે, જુએ, અભિપ્રાય આપે, ચર્ચા-ચર્ચી કરે, લખે, ફોટા પાડે, પડાવે. એક વાર એવું ઍક્ઝિબિશન અમે અમારે ત્યાં પણ યોજેલું … સ્વાગત માટે ચૉકલેટ્સ રાખવાની, જેને ખાવી હોય એ જાતે લઈ લે …

ભરપૂર ભયાનક ઍબ્સર્ડિટી વચ્ચે, વિસંગતિ વચ્ચે, એટલી જ મહાન અને શામક સંગતિ રચી લેનારા માણસના આ સ્વ-ભાવને કેવોક કહેવો? આવી ગાંડિયા જેવી પણ રીઢી મનુષ્યપ્રકૃતિને કેમ વર્ણવવી? એનો ઉત્તર એ છે કે માણસ વિસંગતિને સંગતિમાં રૂપાન્તરિત કરી જાણે છે. રડે છે પણ હસી ય શકે છે …

= = =

(August 22, 2020: Ahmedabad)

ADE : Amsterdam Dance Event.

Loading

ગુજરાતમાં ૭૦ માળની ઇમારતો સંદર્ભે ચિંતન અને ચિંતા …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 August 2020

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ૫૦ અને ૭૦ માળનાં સ્કાયસ્ક્રેપર્સ, ગુજરાતનાં ૫ મહાનગરો ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બાંધવાની વિધિવત જાહેરાત કરી છે એ સાથે જ બિલ્ડર લોબીમાં ઘણે વખતે સળવળાટ વ્યાપી ગયો છે. એ સારી વાત છે કે ગુજરાતનાં આ પાંચ મહાનગરો ઊંચી ઇમારતોથી દુબઈ, સિંગાપોરની જેમ ગુજરાતભરમાં ઝળહળે. આ બધું જ કાગળો પર વ્યવસ્થિત રીતે પાર પડાયું છે ને કાગળો પર તો બધું નિયમો અનુસાર થયું છે ને થશે. આમ કરવા પાછળનાં ધારાધોરણો અને હેતુઓ પણ જાહેર થયાં છે ને એ મુજબ થાય તો ગુજરાતનાં આ શહેરો  વિશ્વકક્ષાના આધુનિક શહેરોની જેમ ઝગમગતાં થશે એ નક્કી છે.

છેલ્લાં ચારેક વર્ષમાં રાજ્ય સરકારે ૨૦૦ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કિમ્સ મંજૂર કરી દીધી છે. એ માટે કોમન જી.ડી.સી.આર.-૨૦૧૭માં જરૂરી સુધારા પણ કર્યા છે. આ પાંચ શહેરો આ યોજનામાં જાહેર કરવાનું એક કારણ એ પણ ખરું કે આ શહેરોનો રાજ્યના વિકાસમાં અને જી.ડી.પી.માં મહત્તમ ફાળો છે. બીજું કારણ એ કે આ શહેરોમાં રોજગારીની તકો વધુ છે અને ગ્રામ વિસ્તારોમાંથી રોજગારી માટે વધુ ને વધુ લોકો આ મહાનગરોમાં આવે છે. એમને રહેવાની સગવડો આ સ્કાયસ્ક્રેપર્સ પૂરી પાડશે. હકીકત એ છે કે એટલી જમીન નથી કે બધાંને તે પૂરી પડે. એ જોતાં વર્ટિકલ ડેવલપમેન્ટ એ જ એક ઉપાય બચે છે. હવે રહેવા દૂર નહીં, પણ ઊંચે જવું પડે એ સ્થિતિ છે. બીજું જમીન સાથેનાં મકાનો હવે સામાન્ય માણસને પરવડે એમ પણ નથી. એ સ્થિતિમાં પણ સ્કાયસ્ક્રેપર્સ એક સારો ઉકેલ છે. એવું પણ કહેવાય છે કે બિલ્ડિંગો ઊંચી જશે તો મકાનોમાં ઘૂસી જતી જમીન ખેતી માટે બચશે.

આઇકોનિક સ્ટ્રક્ચરનાં નિર્માણથી મંદી દૂર થવાની આશા પણ જન્મી છે. જો કે બાંધકામ મોંઘું થશે. સરકાર દ્વારા હાલ પેઈડ એફ.એસ.આઈ. જંત્રીના ૪૦% વસૂલવામાં આવે છે તે ૭૦ માળનાં નિર્માણ માટે જંત્રીના ૫૦% થશે. આને કારણે પ્રોજેક્ટ કોસ્ટ અને મેઈન્ટેનન્સ કોસ્ટ પણ વધશે. એટલે સામાન્ય માણસને એ કેટલું પરવડશે એ સવાલ તો ઊભો જ રહે છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે સ્પર્ધા વધતાં ક્વોલિટી બાંધકામ વધશે ને ફરતે ખુલ્લી જમીન મળશે એવું કહેવાય છે, પણ વર્ટિકલ ડેવલપમેન્ટ માટે જવું જ એટલે પડ્યું છે, કારણ આસપાસ જમીનની ખેંચ ઊભી થઈ છે એટલે ખુલ્લી જમીન કેટલીક મળશે તે પ્રશ્ન જ છે. આ એફ.એસ.આઈ.નો લાભ ૩૦ મીટર પહોળા રસ્તાને જ મળશે. ૫૦ માળની ઈમારત માટે ૨,૫૦૦ ચો.મી.નો અને ૭૦ માળની ઇમારત માટે ૩,૫૦૦ ચો.મી.નો પ્લોટ હોવો જરૂરી છે. મુંબઈ-દિલ્હી શહેરોનાં મકાનોના નિયમોનો અભ્યાસ કરીને આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ફાયર સેફટી, બિલ્ડિંગ સેફટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન વગેરે બાબતો અંગે પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે, ઔડા, સુડા એમ ગમે તેમાં ઊંચી બિલ્ડિંગો બાંધી શકાશે, પણ આ બધું કાગળ પર છે. એમાં કાગળ પર સમિતિઓ પણ રચાશે ને ચકાસણીઓ પણ થશે, પણ વ્યવહારમાં કેટલી ગરબડો હોય છે તે મંત્રીથી માંડીને મુફલિસ સુધીના બધાં જ જાણે છે.

હજી તો ૧૯મી તારીખે ઇમારતો બાંધવાનું નોટિફિકેશન બહાર જ પડ્યું છે ત્યાં સુરતમાં એરપોર્ટ ન ખસે તો સિત્તેર તો શું, ૫૦ માળની ઇમારત બાંધવાનું પણ શક્ય નથી, એ વાત બહાર આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નોકાસ પ્લાન પ્રમાણે સુરતમાં ૭૦ માળની ઈમારતો બાંધવાનું મુશ્કેલ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા બાંધકામને ધ્યાનમાં રાખીને એક નકશો તૈયાર કરવામાં આવે છે. એ મુજબ ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ ડેવલપ કરવામાં આવે છે તે નોકાસ પ્લાન તરીકે જાણીતી છે.તે દ્વારા એન.ઓ.સી. આપવામાં છે. આ નોકાસ પ્લાન મુજબ ૧૦૯ મીટરથી વધુ ઊંચાઈનું બાંધકામ શહેરમાં ક્યાં ય પણ શક્ય બને એમ નથી. એ હિસાબે ૩૫ માળથી વધુ ઊંચાઈની ઈમારત સુરતમાં શક્ય જ નથી, સિવાય કે એરપોર્ટ બીજે ખસે. એટલે એવું બને કે ક્યાં તો એરપોર્ટ અથવા તો ૭૦ મજલી ઈમારત-માંથી કોઈ એકથી જ સુરતે ચલાવવાનું આવે.

આમ દરેક વખતે સરકારની ટીકા કરવાનું યોગ્ય નથી, પણ ટૂંકી દૃષ્ટિને કારણે સરકાર મતલબી પુરવાર થતી આવી છે. તે આગળ પાછળનું વિચારીને વર્તે તો તેનાં દૂરગામી પરિણામો મળે, પણ કમભાગ્યે તેવું ખાસ થતું નથી. સુરતમાં ૭૦ માળની ઇમારતો બાંધવાની જાહેરાત કરતાં પહેલાં સુરત એરપોર્ટના નોકાસ પ્લાનનો સરકારે વિચાર કર્યો લાગતો નથી અથવા તો એરપોર્ટ ઓથોરિટીએ ક્યાંક કાચું કાપ્યું હોય એમ બને. આ અંગે ખુલાસો થવો જોઈએ.

૭૦ માળનું નોટિફિકેશન બીજા પણ પ્રશ્નો ઊભા કરે છે. ઊંચાઈએ રહેવાનું થાય તો આજુબાજુની જમીન બચે એ વાતમાં તથ્ય હશે, પણ ૫૦ માળ માટે ૨,૫૦૦ ને ૭૦ માળ માટે ૩,૫૦૦ ચો.મી.નો પ્લોટ જોઈએ. એમાં આજુબાજુની જમીન નથી જ જતી એવું નથી. ખેતીલાયક જમીન બચે એ વાત પણ ગળે ઓછી જ ઊતરે છે. ૩૦ મીટરનો રોડ હોય ત્યાં જ આવી ઇમારતો બંધાવાની હોય તો એટલો મોટો રોડ ખેતરમાં શું કામ હોય? એટલે ઇમારતો માટે તો એન.એ. થયેલી જમીનો જ ખપમાં આવવાની. ત્યાં ખેતીની જમીન બચવાની વાત સમજાતી નથી. શક્યતા તો એવી વધારે છે કે કરામતો કરીને ખેતીલાયક જમીન એન.એ.માં બદલવામાં આવે ને પરિણામ ખેતી માટેની જમીન ઘટવામાં આવે.

એક વાત આ પણ વિચારવા જેવી છે. થોડા મહિનાઓ પર સુરતમાં એક ક્લાસમાં આગ લાગેલી ને કેટલાંક છોકરાંઓ એ આગમાં બળી મરેલાં ને કેટલાકે જીવ બચાવવા ચોથા માળેથી પડતું મૂકેલું ને એમ પણ મોત જ વહાલું થયેલું. એ પછી આખા રાજ્યમાં ફાયર સેફટીની ચળવળ ચાલેલી ને ઘણા ક્લાસો ફાયર સેફટી ન હોવાને કારણે બંધ રહેલા. પૂરતાં સાધનો વસાવાયાં પછી જ ક્લાસો ફરી શરૂ થયેલા. એ તબક્કે તો એવું લાગેલું કે આખું ગુજરાત ફાયર સેફટીને મામલે એકદમ સજ્જ ને સજાગ થઈ ગયું છે. એ માન્યતા ખોટી પડી. કોરોનાના ૮ દરદીઓ અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાને કારણે થોડા દિવસ પર જ ગુજરી ગયા. એનો અર્થ એ થયો કે પેલી ફાયર સેફટી ઝુંબેશ પોકળ હતી અથવા એમ માનવું પડે કે એ ક્લાસની ફાયર સેફટી પૂરતી જ સીમિત હતી ને એમાંથી હોસ્પિટલો બાકાત હતી, તે એટલે કે એમાં તો કદી આગ લાગતી જ નથી એવું કદાચ હેલ્થ વિભાગ માનતો હતો. બને કે બીજી બિલ્ડિંગો એ કારણે ફાયર સેફટી મામલે કંઈ નહીં કરે, કારણ તેમની  બિલ્ડિંગો કંઈ હોસ્પિટલ થોડી જ છે?

કોઈનું અહિત ઇચ્છવાનો અહીં રજમાત્ર પણ આશય નથી, પણ આવી માનસિકતા ૭૦ માળની બિલ્ડિંગની હોય ને ન કરે નારાયણ ને આગ ૭૦મેં માળે લાગે તો ફાયર સેફટીને મામલે એ સજ્જ હોય એવું લાગે છે? પવનમાં દીવો હોલવાઈ જાય તેમ ૭૦મેં માળે પવન જ એટલો હોય કે આગ હોલવાઈને જ રહે એવું માનનારાઓ નહીં જ હોય એમ માનવાને કારણ નથી. ચોથા માળે લાગેલી આગ જો બંબાવાળા ન હોલવી શક્યા હોય ને વિદ્યાર્થીઓનો અગ્નિસંસ્કાર ક્લાસમાં જ થઈ ગયો હોય તો ૭૦મે માળે ગુજરાતનાં બંબાખાનાં પહોંચે એમ લાગે છે? આવું જરા પણ ઈચ્છવા જેવું નથી, પણ આપણા ભ્રષ્ટ તંત્રો ૭૦ માળની પરમિશન મળતાં રાતોરાત બદલાઈને પ્રમાણિક થઈ જાય એવું સ્વપ્નમાં બને તો બને, બાકી ચાન્સ તો ભ્રષ્ટતાના ને અપ્રમાણિકતાના જ વધારે છે. જો આવી સ્થિતિ હોય તો ૭૦ માળની બિલ્ડિંગો કેટલી સલામત હશે તે ગુજ્જુઓએ વિચારી લેવાનું રહે. આપણે આરંભે શૂરા છીએ જ, પણ જ્યાં ફોલો અપની વાત આવે છે કે આપણે ભાગ્યે જ સફળ થઈએ છીએ. ફોલો અપમાં આખો દેશ બહુ ગરીબ છે.

આમ તો આ ભેંશ ભાગોળે ને છાશ છાગોળે જેવું છે, પણ સિત્તેરમે માળેથી સ્વર્ગ નજીક પડતું હોય તો પણ બીજાની બેવકૂફીનો ભોગ આપણે ન બનવું પડે એટલે આટલી આગોતરી ચિંતા કરી છે. આમાં ખોટા પડવાનું થાય તો તેનો આનંદ જ થશે. અસ્તુ !

૦

e.mail : ravindra21111946@gmail.com

સૌજન્ય : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઑગસ્ટ 2020

Loading

...102030...2,3282,3292,3302,331...2,3402,3502,360...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved