Opinion Magazine
Number of visits: 9681090
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કયા આધારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ભારત બાયોટેકને 15મી ઑગસ્ટ સુધીમાં રસી તૈયાર કરી આપવાની ડેડલાઈન આપી હશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|9 July 2020

આજે બુધવારે આ લેખ લખી રહ્યો છું ત્યારે જગતમાં કુલ મળીને ૧,૧૯,૪૨,૧૧૮ કોરોનાકેસ નોંધાયા છે જેમાંથી ૫,૪૫,૬૫૫ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૪૫,૫૧,૪૮૬ એક્ટીવ કેસ છે. મંગળવારે ૨,૦૮,૦૮૭ ઉમેરાયા હતા અને રોજ સરેરાશ એક લાખ ૯૦ હજાર નવા કેસ ઉમેરાય છે. દુનિયામાં કુલ જેટલા કેસ છે, એની સામે સાજા થનારા દરદીઓનું પ્રમાણ ૬૦ ટકા છે. જગતની દર દસ લાખની વસ્તીએ ૧,૫૩૨ જણ કોરોનાગ્રસ્ત છે અને દર દસ લાખે ૭૦ કોરોનાગ્રસ્ત દરદીઓ મરે છે. યુનોમાં નોંધાયેલા અને નહીં નોંધયેલા જગતના ૧૨૫ દેશો અને ટાપુઓમાં એવો એક પણ દેશ કે ટાપુ નથી જ્યાં કોરોનાનો દરદી ન હોય.

ભારતની વાત કરીએ તો ભારતે રશિયાને પાછળ છોડીને કોરોનાના કેસોમાં ત્રીજો ક્રમાંક મેળવી લીધો છે. મંગળવારે ૨૩,૧૩૫ નવા કેસ ઉમેરાયા હતા અને ૪૭૯ મૃત્યુ થયા હતા. ભારતમાં કુલ ૭,૪૩,૪૮૧ કેસ છે, ૨,૬૫,૭૭૦ એક્ટીવ કેસ છે અને કુલ ૨૦,૬૫૩ મૃત્યુ થયાં છે. ભારતમાં દર દસ લાખ લોકોએ કોરોનાગ્રસ્તોનું પ્રમાણ ૫૩૯નું છે. જગતની સરેરાશ કરતાં એમ કહી શકાય કે ત્રીજા ભાગના. ભારતમાં મૃત્યુનું પ્રમાણ દસ લાખે ૧૫નું છે. વિશ્વની સરેરાશ કરતાં ઘણું ઓછું.

આં ઉપરાંત કોવીડ-૧૯એ જગતના અર્થતંત્રની કમર તોડી નાખી છે અને આટલું ઓછું હોય એમ વિશ્વમાં લશ્કરી યુદ્ધ અને સુરક્ષાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે. ચીન જગતની કોરોના મજબૂરીનો લાભ લઈ રહ્યું છે. કોરોનાને કારણે ચીન સામે યુદ્ધ કે વિશ્વયુદ્ધ થાય તો પણ આશ્ચર્ય નહીં. એટલે તો ‘ધ લેન્સિટ’ નામના વિશ્વપ્રસિદ્ધ આરોગ્ય સામયિકે તંત્રીલેખમાં ભલામણ કરી છે કે આવા પ્રચંડ અને અભૂતપૂર્વ જાગતિક સંકટ વેળાએ યુનોએ સભ્ય રાષ્ટ્રોનું ખાસ અધિવેશન બોલાવવું જોઈએ. યુનોએ ૧૯૪૮થી અત્યાર સુધીમાં જે તે સંકટને પહોંચી વળવા દસ વખત ખાસ બેઠક બોલાવી છે, જેમાં ૧૯૫૬ની સુએઝ નહેરનું સંકટ, ૧૯૬૭નું છ દિવસીય યુદ્ધ, ૧૯૭૯માં સોવિયેત રશિયાનું અફઘાનિસ્તાન પરનું આક્રમણ વગેરે.

એ દરેક સંકટ લશ્કરી હતાં અને મોટા ભાગે બે દેશ વચ્ચેનાં અથવા પશ્ચિમ એશિયા પૂરતાં પ્રાદેશિક હતાં. એ સંકટનો અંત લાવવા દબાવ પેદા કરીને કે બીજા ઈલાજ શોધીને સૈનિકોને સરહદેથી પાછા ખેંચી શકાતા હતા અને એમ બન્યું પણ હતું. આ આરોગ્યનું સંકટ છે જે જાગતિક છે અને પાછો કોરોના વાઈરસ સીમાડાઓને કે માણસની જાત-ધર્મ-વંશને ઓળખતો નથી. અત્યાર સુધી તો તેના પર કોઈનો અંકુશ નથી અને કેટલાક દેશો અંકુશરહિત કોરોનાનો આર્થિક અને લશ્કરી લાભ લઈ રહ્યા છે અને બીજા લેવાની તાકમાં છે. કોનું ગ્રહણ પહેલાં છૂટે એના પર બધો આધાર છે. ટૂંકમાં કોરોનાસંકટે દુનિયાભરના દેશોમાં વહીવટીતંત્રને અને અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી નાખ્યાં છે જેનો કેટલાક દેશો લાભ ઊઠાવી રહ્યા છે. માટે ‘લેન્સિટ’ કહે છે કે દુનિયામાં અનેકવિધ અરાજકતા સર્જાય એ પહેલાં યુનોએ સામાન્ય સભાની બેઠક બેલાવીને દરેક દેશ માટે આચારસંહિતા બનાવવી જોઈએ. યુનોના ઠરાવનું જે નૈતિક દબાણ આવે તે!

હવે કલ્પના કરો કે કોરોનાનું સંકટ જ્યારે જાગતિક હોય, તેના પર કોઈનો અંકુશ ન હોય અને તે એક સાથે આરોગ્યસંકટ, આર્થિકસંકટ અને લશ્કરીસંકટ પેદા કરવા જેટલી ક્ષમતા ધરાવતું હોય, દુનિયા ભયગ્રસ્ત હોય ત્યારે જગત આખું કોરોનાને અટકાવવા માટેની રસીની અને તેને મટાડવા માટેની દવાની કેવી રાહ જોતું હશે! જગત ઈલાજ માટે તરફડિયાં મારે છે અને રસી તેમ જ દવા વિકસાવનારાઓ પર સહરાની તરસથી જોઈ રહ્યા છે. આ સિવાય ફાર્મા કંપનીઓ પણ સંકટનો લાભ લઈને પૈસા કમાવા માગે છે. રસી અને દવા વિકસાવનારી મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટસ્ અને ફાર્મા કંપનીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને તેની ઉપર જગત ચાંપતી નજર રાખી રહ્યું છે.

છઠ્ઠી જુલાઈના ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’માં રસીના મોરચે થઈ રહેલા સંશોધનની રજેરજ વિગત આપવામાં આવી છે. અખબારના કહેવા મુજબ લગભગ દોઢસો કંપનીઓ અને સંસ્થાઓ રસી વિકસાવવા માટે કામ કરી છે. એમાંથી ૧૨૫ કંપનીઓ કે સંસ્થાઓ પ્રિ-ક્લિનીકલ ફેઝમાં છે. આનો અર્થ એ થયો કે તે હજુ માનવદરદી ઉપર ચકાસણી કરવાની સ્થિતિમાં નથી. ૧૪ કંપનીઓ કે સંસ્થાઓ ફેઝ વનમાં છે જેમાં સુરક્ષિત ડોઝ નક્કી કરવામાં આવે છે અને ઉંદર કે એવાં પ્રાણીઓને આપવામાં આવે છે. ૧૦ કંપનીઓ ફેઝ ટુમાં છે જેમાં ડોઝ નક્કી થઈ ગયો છે અને એકદમ પ્રાથમિક સ્તરે ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. ચાર કંપનીઓ કે સંસ્થાઓ ફેઝ થ્રીમાં છે જેને પ્રમાણમાં મોટી સંખ્યામાં લોકો પર ચકાસણી કરવાની રજા આપવામાં આવી છે. માત્ર એક કંપનીની રસીને મર્યાદિત પ્રમાણમાં વાપરવાની મંજૂરી આપવામાં આવી છે.

‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ના જણાવવા મુજબ કુલ ૧૫૪ કંપનીઓ કે સંસ્થાઓ રસી બનાવવાના કામમાં લાગેલી છે અને એમાંથી ૨૧ કંપનીઓ કે સંસ્થાઓ ફેઝ ટુ અને થ્રીમાં છે જે માનવી ઉપર ચકાસણી કરી રહી છે. આ ૨૧ દાવેદારો ઉપર આખી દુનિયાની નજર છે. અત્યારે કેન-સીનો બાયોલોજિક નામની ચીની કંપનીએ બનાવેલી રસીને ચીનની સરકારે ફક્ત લશ્કરી જવાનો માટે વાપરવાની મંજૂરી આપી છે અને એ પણ ડોકટરોની ચાંપતી નજર હેઠળ. ઓક્સફર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રા ઝેનેકા ફેઝ થ્રીમાં અગ્રેસર છે અને એ તે કદાચ ઓક્ટોબર મહિનામાં મંજૂરી મેળવશે અને વરસના અંતમાં બજારમાં આવશે. ભારતની ઝાયડસ અને ભારત બાયોટેક હજુ અનુક્રમે પહેલા અને બીજા ફેઝમાં છે. અત્યારે એમ માનવામાં આવે છે કે ઓક્સફર્ડ કદાચ મેદાન મારી જશે.

હવે અહીં સવાલ થવો જોઈએ કે જ્યારે કેન-સીનો બાયોલોજિક અને ઓક્સફર્ડ ઓગસ્ટમાં બજારમાં આવવાનો દાવો નથી કરતી તો જેનું સ્થાન પંદરમાં ક્રમે પાછળ છે એ ભારતની બે કંપનીઓ કઈ રીતે ઓગસ્ટ મહિનામાં રસી બજારમાં મૂકી શકે? એક ફેઝમાંથી બીજા ફેઝમાં જતા બબ્બે મહિના લાગતા હોય છે. મંજૂરી મળ્યા પછી મહિનાઓ સુધી ટ્રાયલ ચાલતી હોય છે અને એમાં ઘણીવાર રસી નાપાસ પણ થાય છે. તો પછી આપણે ત્યાં કયા આધારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ભારત બાયોટેકને ૧૫મી ઓગસ્ટ સુધીમાં રસી તૈયાર કરી આપવાની ડેડલાઈન આપી હશે?

કારણ દેખીતું છે. ૧૫મી ઓગસ્ટે, આઝાદી દિને આપણા વડા પ્રધાન ભારતે રસી વિકસાવી છે એવી જાહેરાત કરીને ઇવેન્ટ યોજવા માગે છે. એ પછી ગોદી મીડિયા અને ભક્તો ઝાલર અને કાંસા લઈને નીકળી પડશે. માટે મેડિકલ કાઉન્સિલને કહેવામાં આવ્યું હશે કે ઝાયડસ અને ભારત બાયોટેકને જણાવી દો કે ૧૫મી ઓગસ્ટ સુધીમાં રિઝલ્ટ બતાવે. તેમને શું એ વાતની જાણ નથી કે ઝાયડસ અને ભારત બાયોટેક કરતાં ક્યાં ય આગળ છે એ કંપનીઓ અને સંસ્થાઓ ૨૦૨૦ની સાલ સુધીમાં રસી મુકવાની ખાતરી નથી ધરાવતા ત્યાં એ બે કંપનીઓ કઈ રીતે ઓગસ્ટમાં રસી આપી શકે?

આપણે બધા જ ઈચ્છીએ છીએ કે કોરોનાની રસી બનાવવાનો શ્રેય કોઈ ભારતીયને મળે. એમાં પણ જો કોઈ દલિત સ્ત્રી, આદિવાસી સ્ત્રી કે મુસ્લિમ સ્ત્રી વિજ્ઞાનીને શ્રેય મળે તો ગાંધીજીની ભાષામાં હું નાચું. વડા પ્રધાને પણ નાચવું જોઈએ. પણ ટકોરાબંધ યોગ્ય પરીક્ષણ પછી. કાચી જાહેરાત કરો અને પછી ચાર-છ મહિને જગત એ રસીને રિજેક્ટ કરે અથવા વિશ્વ આરોગ્ય સંસ્થા માન્યતા ન આપે તો શું આબરૂ રહે? વડા પ્રધાનની ભૂતકાળની અનેક જાહેરાતોને આજે લોકો ભૂલી ગયા છે અથવા યાદ કરીને હાંસી ઉડાવે છે. એવું તે કેવું ઇવેન્ટોનું અને હેડલાઈનોમાં કે પ્રાઈમ-ટાઈમમાં છવાઈ જવાનું વળગણ કે સરવાળે થતા નુકસાનનું પણ ધ્યાન ન રહે!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09  જુલાઈ 2020

Loading

તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|9 July 2020

હૈયાને દરબાર

ક્ષમા કરી દે !

તોફાનને સમર્પી અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે!
હોડીનું એક રમકડું તૂટ્યું તો થઇ ગયું શું?
મોજાની બાળહઠ છે સાગર ક્ષમા કરી દે!

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ
પળ પળની યાતનાઓ, પળ પળની વેદનાઓ;
તારું દીધેલું જીવન મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઈશ્વર ક્ષમા કરી દે!

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની
અર્થાત્ જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે !

કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું, પરંતુ
મારા જ સ્થાન પર છે નિશ્ચિંત જગતનાં મૂલ્યો
એથી જ ઓ ગુમાની! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે !

•   શાયર : ‘શૂન્ય’ પાલનપુરી    •   સંગીતકાર: ગૌરાંગ વ્યાસ   •   ગાયક : રૂપકુમાર રાઠોડ

https://www.youtube.com/watch?v=fStGP1bi1kQ

‘મુંબઈ સમાચાર’ 199માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે આ અખબાર સાથે 20 વર્ષ સુધી સંકળાયેલા એક ઉત્તમ ગઝલકાર આજે યાદ આવે છે. આ અખબાર સાથે લાંબી ઈનિંગ રમેલા ‘શૂન્ય’ પાલનપુરી ઉત્તમ ગઝલકાર. ઉર્દૂ, અંગ્રેજી ભાષા પર ઘણું પ્રભુત્વ. ઉમ્મર ખૈયામની રુબાઈઓનો એમણે એવો ગુજરાતી અનુવાદ કર્યો છે કે એમ જ લાગે કે એ ગુજરાતીમાં લખાઈ છે.

ગુજરાતી ગઝલ સાહિત્યના ઇતિહાસને તપાસતાં બાલાશંકર કંથારિયાથી શરૂ થયેલી ગઝલ શયદા સાહેબના હાથે નખશિખ ગુજરાતીપણું સિદ્ધ કરે છે અને શયદાસાહેબથી શરૂ થયેલા ગુજરાતી ગઝલના બીજા તબક્કામાં અનેક સમર્થ ગઝલકારોના સર્જનથી ગુજરાતી ગઝલની મોસમ ખિલતી જોવા મળે છે.

ગઝલના છંદશાસ્ત્રના જ્ઞાતા, લાજવાબ તરન્નુમના અધિકારી અને રજૂઆતની આગવી શૈલી ધરાવતા અલીખાન બલોચ યાને કિ ‘શૂન્ય’ પાલનપુરી અનેક રીતે વિશિષ્ટ ગઝલકાર હતા. પાલનપુરના અલીખાન ઉસ્માન બલોચ ‘શૂન્ય’ એ પાજોદના દરબાર સમક્ષ ઉર્દૂ ગઝલો પેશ કરી ત્યારે અમૃત ઘાયલસાહેબે એમને કહ્યું કે તમારી ગઝલોને ગુજરાતી ભાષાની વધારે જરૂર છે. ઘાયલસાહેબના સૂચનથી જ અલીખાન બલોચે ગુજરાતી ગઝલ લખવાની શરૂ કરી અને ‘શૂન્ય’ જેવું વિરાટ તખલ્લુસ ઘાયલ સાહેબે જ આપ્યું હતું.

અલીખાન ‘શૂન્ય’નું જીવન સંઘર્ષમય હતું. જાંબાઝ બલૂચાણીનાં લક્ષણો ધરાવતી વિધવા માતાએ કપડાં સીવી, બીડીઓ વાળીને પોતાનાં બે દીકરાઓનું જતન કર્યું હતું. કિશોર અલીખાન પાન વેચીને વિધવા માને મદદરૂપ થતો. મૂળે ફારસી ભાષાના શિક્ષક અલીખાન ‘શૂન્ય’ પછીથી મુંબઈ સ્થાયી થયા હતા અને ‘મુંબઈ સમાચાર’ દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયા હતા. ‘મુંબઈ સમાચાર’માં તંત્રી લેખો એ જ લખતા. ‘શૂન્ય’ભાઈના ‘મુંબઈ સમાચાર’ના કાર્યકાળ દરમિયાન એક પણ દીપોત્સવી અંક કે વસંત અંક એવો બહાર નથી પડ્યો કે જેમાં એમની રચના પ્રથમ પાને સચિત્ર પ્રગટ ન થઈ હોય. તેઓ નીડર પત્રકાર અને કડક આલોચક હતા.

‘શૂન્ય’ની સર્જન પ્રવૃત્તિનો આરંભ ૧૯૩૮માં ઉર્દૂથી થયો હતો. પછી એમણે ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. આપણા શાયરોની સરખામણી કરવામાં આવે એની સામે તેમને નક્કર વાંધો હતો. ‘ગઝલના ભીષ્મ પિતામહ’ કે ‘ગુજરાતના ગાલિબ’ જેવા વિધાનોને એ રદિયો આપતા. ૧૯૪૪માં પૂર્ણપણે શરૂ થયેલી એમની ગઝલયાત્રા પૂરા પચાસ વર્ષ સુધી અવિરત ચાલી.

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અમોલાં અમોલાં કવન વેચવાં છે, અમો પ્રેમીઓના જીવનમાં વસી છે, પાગલ છે જમાનો ફૂલોનો જેવી એમની ગઝલો ઘણી પ્રખ્યાત છે, પરંતુ આજે જે ગઝલ વિશે વાત કરવી છે એ છે;

તોફાનને સમર્પી અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે …!

ગઝલમાં કેવી ગજબની વાત કરી છે ‘શૂન્ય’ભાઈએ! એ કહે છે કે અણછાજતી મહત્તા તોફાનને સમર્પી, તું વાતનું વતેસર ના કર અને ક્ષમા કરી દે. દરિયો તો કેવો વિરાટ અને વિશાળ હ્રદયનો છે. એનાં તોફાની મોજાંની બાળહઠને લીધે હોડીનું એક રમકડું તૂટ્યું તો શું થઈ ગયું? સાગર, તું ક્ષમા કરી દે. વાત મનુષ્ય જીવનની ધૃષ્ટતાની છે. કુદરતે સુંદર જિંદગી આપી છે, પરંતુ નાની નાની ક્ષુલ્લક વાતોને અગત્યતા આપીને માણસ જીવનની મહત્ત્વની પળોને વેડફે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, સ્પર્ધા, બદલો, વેર-ઝેર દ્વારા માણસજાત હર શ્વાસે મુસીબત ઊભી કરે છે અને હર શ્વાસ વિમાસણમાં જાય છે. એટલે જ શાયર કહે છે કે તારું દીધેલું જીવન મૃત્યુ સમું ગણું તો મારી એ ધૃષ્ટતાને હે ઈશ્વર તું ક્ષમા કરી દે. માણસ બુદ્ધિના વજનથી લાગણીને તોલે છે. મિત્રના દિલનો પણ તોલ કરે એને શું કહેવું? છતાં, ઈશ્વર બહુ ઉદાર છે. એ આપણી બધી ભૂલોને માફ કરી દે છે. જો કે, વાત હદ બહાર જાય ત્યારે કોરોના કાળ મોકલીને સબક પણ શિખવાડે છે એ જુદી વાત છે. શૂન્યની શૂન્યતામાં સંતાયેલા સામર્થ્યની આટલી સુંદર પીછાણ ‘શૂન્ય’ સિવાય બીજું વળી કોણ આપી શકે!

અર્થપૂર્ણ શબ્દો ધરાવતી આ ગઝલ ક્ષમા કરી દે … રૂપકુમાર રાઠોડે ખૂબ સરસ ગાઈ છે. ‘શૂન્ય’ને પોતાને ગમતી ગઝલોમાંની આ એક છે.

શબ્દો તો સરસ છે જ, પરંતુ આ ગઝલનું સ્વરાંકન મને ખૂબ સ્પર્શી ગયું. રૂપકુમારજીએ નક્કર ઠહરાવ સાથે ગઝલ સરસ ગાઈ છે. ગૌરાંગ વ્યાસ જેવા સંગીતકારનું સ્વરાંકન હોય પછી પૂછવું જ શું? ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે એક સરખું પ્રદાન હોય એવા કદાચ આ એક માત્ર સંગીતકાર છે. ગૌરાંગભાઈએ ૮૦૦થી વધુ ફિલ્મી ગીતો અને લગભગ એટલાં જ સુગમ સંગીતનાં ગીત-ગઝલો સ્વરબદ્ધ કર્યાં છે. અનેક ગુજરાતી ફિલ્મોમાં ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ સંગીત નિર્દેશકના એવૉર્ડ્સ મેળવી ચૂક્યા છે.

ગૌરાંગ વ્યાસ આ ગઝલ વિશે કહે છે કે, "મારી પાસે ‘શૂન્ય’નો કાવ્યસંગ્રહ હતો. એમાં મને આ ગઝલ ગમી ગઈ. પચીસેક વર્ષ પહેલાં એક કાર્યક્રમ માટે મેં એ કમ્પોઝ કરી અને આનંદકુમાર સી.ના કંઠે એ ગવાઈ હતી. એ વખતે જ લોકપ્રિય થઈ હોવાથી પછી તો પાર્થિવ ગોહિલ, પ્રહર વોરા તથા અન્ય કલાકારોએ પણ ગાઈ છે, પરંતુ મારાં ગીતોની સી.ડી. ‘સાત સૂરોના સરનામે’માં આ ગઝલ મેં રૂપકુમાર રાઠોડ પાસે ગવડાવી. એમણે બહુ જ સરસ ગાઈ. ગીતમાં ક્ષમા કરી દે .. પંક્તિ કોરસમાં છે, કારણ કે એમાં સામૂહિક ચેતના પ્રદર્શિત થાય તો એની ઈમ્પેક્ટ વધારે લાગે. ‘શૂન્ય’ પોતે એ પ્રોગ્રામમાં હાજર હતા. એમને કમ્પોઝિશન તો ગમ્યું જ, પરંતુ આશ્ચર્ય થયું કે આટલી લાંબી બહેરની ગઝલ આટલી સરસ કઈ રીતે કમ્પોઝ થઈ! તેઓ ખુશ થઈ ગયા હતા.

‘શૂન્ય’ સાથે કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ સંકળાયેલા છે. તેમને રમતગમતમાં પણ એટલો જ રસ હતો. તેઓ બહુ સારા બેટ્સમેન અમે વિકેટકીપર હતા. તેમ જ પાલનપુરના નવાબ સાથે ક્રિકેટ રમતા હતા, સાથે જ તેમને કેરમ, ચેસ અને ફૂટબોલમાં પણ મઝા પડતી. સુપ્રસિદ્ધ સેક્સોલોજીસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીના અગ્રીમ શાયરો સાથેના અંગત સંબંધો એમના મિત્ર વર્તુળમાં પ્રખ્યાત છે. પ્રકાશભાઈ ‘શૂન્ય’ પાલનપુરીની વાત કરતાં કહે છે કે, "એ માણસ ખુમારી અને ખુદ્દારીનો માણસ હતો. મૂળે એ બલુચિસ્તાની પઠાણ એટલે પઠાણનાં બધાં લક્ષણો એમનામાં હતાં. શરાબના જબરા શોખીન, પરંતુ કોઈ દિવસ નશામાં ધૂત ન થાય એટલે જ એમણે રૂબાઈ લખી છે કે

જો સૂરા પીવી જ હોય તો શાનની સાથે પીઓ,
કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ,
ખૂબ પી ચકચૂર થઈ જગતનો તમાશો ના બનો,
કમ પીઓ છાની પીઓ પણ ભાનની સાથે પીઓ…!

‘શૂન્ય' કોઈની સાડાબારી રાખે નહીં, કોઈને માટે વેચાય નહીં. એમની આર્થિક સ્થિતિ અને તબિયત બન્ને નબળાં એટલે હું એમને શરાબ પીવાની ના પાડું તો મને કહે કે ‘દોસ્ત, હું શરાબ કેમ પીઉં છું ખબર છે? હું જે ઘરમાં રહું છું એમાં વીસ બાકોરાં છે. વરસાદ પડે ત્યારે હું જ્યાં સૂતો હોઉં ત્યાં પાણી પડે તો પથારી ઊંચકીને બીજે ખૂણે જવાનું. પત્ની જીવલેણ બીમારીમાં પટકાયેલી છે, એક દીકરો સ્કીઝોફ્રેનિક છે અને ‘મુંબઈ સમાચાર’માં રોજ રાત્રે તંત્રી લેખ માટે દારૂવાલા સાહેબની ઉઘરાણી તો હોય જ એટલે આ બધી વિટંબણામાં મારું મન સ્થિર રહે એ માટે બીજું હું શું કરી શકું?’ મારી પાસે આનો કોઈ જવાબ નહોતો. શેરો-શાયરી અને લખાણમાં એ લાજવાબ હતા. એનો એક કિસ્સો કહું. એ જમાનામાં એકબીજા સામે શાયરીની ફટકાબાજી ખૂબ ચાલે. ‘ઘાયલ’ને શરાબનો નશો ઝડપથી ચડે જ્યારે ‘શૂન્ય'ની કેપેસિટી જબરજસ્ત અને નશો જરા ય નહીં. એક ઘૂંટમાં આખો પેગ ગટગટાવી જાય. ‘ઘાયલે’ આ સંદર્ભે પોતાને અનુલક્ષીને એક શેર લખ્યો; તને પીતાં નથી આવડતું ઓ મૂર્ખ મન મારા, બાકી પદાર્થ એવો કયો છે જે શરાબ નથી. મેં ‘શૂન્ય’ને કહ્યું કે આનાથી ઉપર કોઈએ લખ્યું નથી એટલે ‘ઘાયલ’ના શેરના જવાબમાં ‘શૂન્યે’, જો સૂરા પીવી જ હોય… જેવો લાજવાબ શેર આપ્યો. ‘મરીઝ’ ખૂબ ધીમે, ગ્લાસને રમાડતાં રમાડતાં પીએ. તેથી ‘શૂન્ય’ના શેરની સામે ‘મરીઝે’ બીજો આ શેર ફટકાર્યો હતો; જૂનો શરાબી છું એટલે જામ સાથે ખેલું છું, નવા પીનારાઓ તો ગટગટાવી જાય છે! આવી અફડાતફડી ઘણી ચાલતી, પરંતુ ‘શૂન્ય’ની એક ખૂબીની વાત કરું જે કદાચ કોઈને ખબર નથી. એમની કેટલી ય ગઝલોમાં એમની પ્રિયતમાનું નામ આવ્યું છે છતાં કોઈ વિવેચક, કવિને એની જાણ સુધ્ધાં નથી થઈ. એ શબ્દના સ્વામી હતા. ‘મરીઝ’ના જ શેરને સહેજ બદલીને કહું તો, જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યાં, ગઝલમાં તો આવ્યાં ને નામે ય આવ્યાં. છતાં દુનિયાથી પરદાનશીન રહી શક્યાં. "ડૉ. પ્રકાશ કોઠારી આ રાઝ ખોલીને વાત પૂરી કરે છે. નામ શોધી કાઢવાનું કામ હવે તમારું.

‘શૂન્ય’ પાલનપુરીએ ઉમ્મર ખૈયામની રૂબાઈઓને સંપૂર્ણ વફાદાર રહીને અદ્ભુત અનુવાદ કર્યો છે. એમાં ગહન તત્ત્વચિંતન સમાયેલું છે. ખૈયામની સઘન ફિલસૂફી ગુજરાતી ભાષામાં કેવળ ‘શૂન્ય’ પાસેથી જ મળે. આવા પ્રતિભાશાળી શાયરની આ ગઝલ ઈન્ટરનેટ પર સાંભળવા મળશે જ. અર્થસભર આ ગઝલ માણીએ અને ‘શૂન્ય’ના સર્જનને યાદ કરી સ્મરણાંજલિ આપીએ.

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 જુલાઈ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=631544  

Loading

મજૂર વર્ગ : ગાંધીયુગમાં અને વર્તમાનમાં

કિરણ કાપૂરે|Gandhiana|9 July 2020

મજૂર વર્ગનો ઇતિહાસ તપાસીએ તો સમજાય કે વર્તમાન સમયે તેમના ભાગે આવેલી બદહાલી તેમની કાયમી સ્થિતિ રહી છે. કામના નિયત કરતાં વધુ કલાકો, ન્યૂનતમ દર, સ્થાયી લાભ અને સુરક્ષાનો અભાવ, કાળી મજૂરી અને આકરાં જોખમો મજૂર વર્ગને સતત પીડતાં રહ્યાં છે. શોષણનો ભોગ બનવું એ તેમનું સ્થાયી દુર્ભાગ્ય બની ચૂક્યું છે. એમાં ય વર્તમાન સમયે સર્જાઈ છે તેવી કટોકટી સર્જાય ત્યારે તો તેઓની બદહાલીમાં ઓર વધારો થાય છે. લાખોની સંખ્યામાં હોવા છતાં અને સમાજ તથા અર્થવ્યવસ્થાનો પાયો હોવા છતાં તેઓને આવા કપરા કાળમાં કારમી રઝળપાટ કરવી પડે છે. પૂરા બે મહિનાના લાંબા લોકડાઉનમાં પહેલાં તેમની પાસેથી મજૂરી-કામ છીનવાયું, પછી માઈલો દૂર ઘર-વતન તરફ પગપાળા કૂચ શરૂ થઈ, ભૂખ-તરસ, ગરમી સામે જીવલેણ સંઘર્ષ શરૂ થયો. હજુ આ સંઘર્ષનો અંત નથી આવ્યો. કોરોના વાઇરસની સામાજિક અસરો વિશે જ્યારે પણ લખાશે, ત્યારે મજૂરોનો આ સંઘર્ષ તેમના તરફ સદીઓથી સેવાતી આપણી અસંવેદનશીલતાના પુરાવા તરીકે રજૂ થશે.

મજૂર વર્ગની આ સ્થિતિમાં પરિવર્તન આણવા, તેમના અધિકારો અને કામસંબંધી કાયદાઓ ઘડવા માટે અનેક વખત આંદોલન થયાં છે. પહેલી મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિન’ પણ આવી જ એક ઘટનાની સ્મૃતિમાં ઊજવાય છે. 1886ના વર્ષમાં આ દિવસે અમેરિકાના શિકાગો શહેરમાં મજૂર વર્ગ દિવસના મહત્તમ આઠ કલાક કામની માંગણી સાથે પ્રદર્શન કરી રહ્યો હતો. આ પ્રદર્શન પર અજાણી વ્યક્તિએ બૉમ્બ ફેંક્યો. અફરાતફરી થઈ અને મજૂરો પર ગોળીઓ વરસી. સાત મજૂરોના જાન ગયા. ‘હેયમાર્કેટ ઘટના’થી જાણીતો આ બનાવ પછી મજૂર વર્ગ પર થતા અત્યાચારનો પ્રતીક બની ગયો. તેને અનુલક્ષીને 1889માં પૅરિસમાં આંતરરાષ્ટ્રીય મહાસભામાં ‘આંતરરાષ્ટ્રીય મજૂર દિન’નો પ્રસ્તાવ મુકાયો અને એંશી દેશોની સંમતિથી તે સ્વીકારાયો.

વર્તમાન સમયે મજૂર વર્ગ પોતાના અધિકાર પ્રત્યે જાગ્રત થયો હોવા છતાં અલગ-અલગ સ્વરૂપે તેમનું શોષણ થતું રહે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોએ મજૂરો તરફી કાયદામાં ઢીલ આપી દીધી છે, અને તેમાં એક પ્રાવધાન મજૂરો-કામદારો પાસે બાર કલાક સુધી કામ કરાવવાનું પણ છે. અગાઉ નિયમ આઠ કલાકનો હતો. આ પગલે અન્ય રાજ્યો પણ ચાલશે તેમાં કોઈ બેમત નથી. કોરોના મહામારીથી ઉદ્યોગોને થયેલાં નુકસાનની કિંમત આખરે મજૂર વર્ગ પાસેથી જ વસૂલવામાં આવશે.

હિન્દુસ્તાનના મજૂર વર્ગના અતીત તરફ નજર કરીએ તો અંગ્રેજોના શાસન દરમિયાન મજૂર-કામદાર વર્ગના અધિકાર પ્રત્યે કોઈ જાગૃતિ નહોતી. અંગ્રેજોનું શાસન અને મજૂરહિત કાયદાની ગેરહાજરીથી મજૂરોને બેવડો માર સહેવો પડ્યો હતો. ઓગણીસમી સદીના અંતમાં ક્યાંક-ક્યાંક તેનો પણ વિરોધ જાગ્યો. રાજકીય આગેવાનો દ્વારા તેની રજૂઆત થઈ. 1915માં જ્યારે ગાંધીજીનું હિન્દુસ્તાનમાં આગમન થયું ત્યારે તેમની દૃષ્ટિ મજૂર-ખેડૂત અને કામદાર વર્ગ તરફ વિશેષ રહી. તેમના આવતાવેંત 1917માં ચંપારણમાં તીનકઠિયા પદ્ધતિ દ્વારા થતા ખેડૂતોના શોષણ સામે બંડ પોકાર્યુ. આ પદ્ધતિ અનુસાર ખેડૂતોને 3/20 ભાગની જમીનમાં જમીનદારોની મરજી મુજબ પાક ઉગાડવાનો હતો. તેમાં ગળીનો પાક મુખ્ય હતો, જેનું વળતર ખેડૂતોને નજીવું મળતું. આ શોષણનો અંત ગાંધીજીની આગેવાનીમાં થયેલા સત્યાગ્રહથી આવ્યો. તેમના જ શબ્દોમાં ઉતારીએ તો “સૈકાઓનો સડો છ માસમાં નાબૂદ થયો.”

હિન્દુસ્તાનમાં મજૂર-કામદાર વર્ગની સમસ્યા સમજવા અને તેને દૂર કરવા અર્થે જે લડત ચલાવવાની આવી તેમાં ગાંધીજીને જરાસરખી પણ વાર ન લાગી. તેનું મુખ્ય કારણ દક્ષિણ આફ્રિકામાં હિંદી ગિરમીટિયાઓની લાંબી લડતનો અનુભવ હતો. 1893માં દક્ષિણ આફ્રિકાની ધરતી પર બારિસ્ટર તરીકે પગ મૂક્યા બાદ રંગદ્વેષનો અનુભવ તો ખુદ ગાંધીજીને થયો હતો. પરંતુ વધુ દયનીય સ્થિતિ ગિરમીટિયા મજૂરોની હતી. દક્ષિણ આફ્રિકાના હિંદી મજૂરોનો આ ઇતિહાસ ઈ. સ. 1860ના નવેમ્બરની 16 તારીખે શરૂ થયો. આ તારીખે હિંદી મજૂરોને લઈને પ્રથમ આગબોટ નાતાલ સંસ્થાનમાં પહોંચી હતી.2 “આ મજૂરો ઍગ્રીમેન્ટમાં ગયેલા મજૂરોને નામે નાતાલમાં ઓળખાય છે તે ઉપરથી મજૂરો પોતાને ગિરમીટિયા તરીકે ગણાવવા લાગ્યા.”3

દક્ષિણ આફ્રિકાના હિંદી મજૂરો પર કાયદાની આકરી કલમો હતી. તેમની સ્થિતિ ગુલામો જેવી હતી. આગળ જતાં આ કાયદા વધુ આકરા થયા. તેમાં ક્યાંક હિંદી વેપાર પર અંકુશ મુકાયો તો વળી ક્યાંક હિંદીઓના પ્રવેશ પર. ગાંધીજી લખે છે તેમ જે વર્ષે તેઓ દક્ષિણ આફ્રિકા પહોંચ્યા ત્યારે “હિંદી પ્રજાને સારુ ઝૂઝી શકે એવા સ્વતંત્ર અને ઠીક કેળવાયેલા ગણી શકાય એવા હિંદી થોડા જ હતા.” એક વર્ષમાં જે કેસ અર્થે યુવાન ગાંધી ત્યાં ગયા હતા તેનું કામ પૂર્ણ થયું. પાછું હિંદુસ્તાન આવવાનું હતું અને તે વેળાએ જ દક્ષિણ આફ્રિકાના હિંદીઓએ તેમને રોક્યા. પોતાના અધિકાર અંગે લડત આપવાની જવાબદારી ગાંધીજીના હાથમાં સોંપી. આમ, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના મજૂર વર્ગના સંબંધમાં આવવાનું થયું. તે પછી તો દક્ષિણ આફ્રિકાની લડત લાંબી ચાલી. આ લડતનો મહત્ત્વનો પડાવ 1906માં આવ્યો. આ લડત આઠ વર્ષ સુધી ચાલી. સમાધાનીથી લડતનો અંત હિંદી મજૂરોની તરફેણમાં આવ્યો. દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન મજૂરો સંબંધિત એક વાત નોંધવી રહી કે અહીં ચીનના અને અશ્વેત મજૂરો પ્રત્યે પણ ગાંધીજી વખત આવ્યે અવાજ ઉઠાવતા રહ્યા હતા.

આ અનુભવ હિંદુસ્તાનમાં આવતાં ચંપારણમાં કામે લાગ્યો. ત્યાર બાદ અમદાવાદમાં મિલમજૂરો માટે 1917માં લડત આરંભાઈ. મિલમાલિકો અને મજૂર વર્ગ વચ્ચે આ ગજગ્રાહ એટલો ખેંચાયો કે ચંપારણમાં અનસૂયાબહેનનો કાગળ તેમને મળ્યો. ઝડપભેર અમદાવાદ પહોંચ્યા. અહીં આવીને અમદાવાદ મિલમજૂરોની લડત ઉપાડી. અમદાવાદ મિલમજૂરોનો મુદ્દો પગારવધારાનો હતો. મિલમાલિકોની સાથે મસલતોથી કોઈ ઉકેલ ન આવ્યો. હડતાળ થઈ; ગાંધીજીએ ઉપવાસ કર્યા અને મિલમાલિકો પંચ નીમવા તૈયાર થયા. સમાધાની થઈ અને પંચનો નિર્ણય માન્ય રખાયો. ત્યાર બાદ તુરંત ખેડાના ખેડૂતોના જમીનમહેસૂલ મોકૂફ રાખવા સંબંધે સરકાર સામે લડવાનું થયું. ખેડાના ખેડૂતોની પીડા 1917ની સાલમાં ચોમાસામાં થયેલી અતિવૃષ્ટિ હતી, જે કારણે જિલ્લાનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો હતો. તેમ છતાં સરકારે મહેસૂલનું ઉઘરાણું યથાવત્ રાખ્યું. ગાંધીજીએ જિલ્લાની હકીકત મેળવી. ખેડૂતોની માંગણી વાજબી લાગી અને 1918, માર્ચમાં સત્યાગ્રહની હાક નાંખી. ખેડાનાં અનેક ગામડાંઓની મુલાકાત લીધી અને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. જૂન મહિનામાં આખરે સરકાર તરફથી સમાધાનીનું કહેણ આવ્યું અને ખેડૂતોની માંગ સંતોષાઈ. લડત પૂર્ણ થઈ. ચંપારણના કિસાનો, અમદાવાદ મિલમજૂરો અને ખેડાના ખેડૂતોના આ સત્યાગ્રહ સ્થાનિક હતા. ટૂંકા ગાળામાં જ ગાંધીજીને હિંદુસ્તાનના આ વર્ગનો સારી પેઠે પરિચય થયો.

આ સત્યાગ્રહો નિશ્ચિત માંગણી-સમાધાની સાથે પૂર્ણ થયા. આ અનુસંધાને મજૂર વર્ગ માટે લાંબા ગાળાના કાર્યક્રમ ઘડવાનો શિરસ્તો શરૂ થયો. તેનો અમલ થયો અમદાવાદના મિલમજૂરોથી. મિલમજૂરોના જીવનમાં પાયાના સુધારા આવે તે તરફ સર્વાંગી ધ્યાન અપાયું. તત્કાલીન માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ શહેરમાં મજૂરોની સંખ્યા નોંધપાત્ર હતી અને તેઓની સુવિધા અર્થે હૉસ્પિટલ, શાળાઓ, મનોરંજન કેન્દ્રો, કેળવણી કેન્દ્રો નિર્માણ કરવામાં આવ્યાં. મજૂર વર્ગને અધિકારો તરફ જાગ્રત કરીને તેમની ફરજો તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું. માલિક-મજૂરોના સંબંધોની વ્યાખ્યા ફરીથી લખાઈ. મજૂરોની સુરક્ષાને અગ્રિમતા આપવામાં આવી. મજૂર વર્ગને પણ દિવસમાં કામ ઉપરાંતનો સમય પોતાની જાત માટે મળી રહે તે માટે વિચારાયું. મિલો ધમધમતી રહી ત્યાં સુધી આ ટકી રહ્યું. પછીથી મિલોના બંધ થવાનો દોર આવ્યો અને મિલમજૂરો માટેની આ વ્યવસ્થા અદ્દશ્ય થઈ.

અમદાવાદમાં મિલમજૂરોનું જે દૃષ્ટાંત ઊભું થયું, તેનો અમલ અન્ય ઠેકાણે એ હદે થઈ ન શક્યો. પણ મજૂરો પ્રત્યેની નિસબતનો અમલ થાય તો તેનાથી મજૂર વર્ગને કેવો લાભ થાય તે એ કાળે જોઈ શકાયું. મજૂરોની ઉન્નતિ અને સાચો રાહ દાખવવાનું તેમનાથી બન્યું તે અંગે 1920માં આપેલાં ભાષણના અંશ જોઈ જવા જેવા છે. અહીંયાં તેઓ કહે છે : “આજકાલ દુનિયામાં બધે હડતાળોનો પવન ચાલ્યો છે. નજીવા કારણસર મજૂરો હડતાળ પાડે છે. છેલ્લા છ મહિનામાં મારો અનુભવ એવો છે કે ઘણી હડતાળોથી મજૂરોને લાભ થવાને બદલે હાનિ થઈ છે. મુંબઈની હડતાળો, તાતાનગરમાં લોખંડનાં કારખાનાંની હડતાળો, અને પંજાબના રેલવે કામદારોની પ્રખ્યાત હડતાળમાં મેં શક્ય એટલો અભ્યાસ કર્યો છે. આ ચારે હડતાળોમાં હું વત્તેઓછે અંશે મજૂરોના સંસર્ગમાં રહ્યો હતો.” ‘અભ્યાસ કર્યો’ અને ‘મજૂરોના સંસર્ગમાં રહ્યો’ આ બંને બાબતોનું અનુસંધાન આજના સમયે શોધ્યે જડતું નથી.

મજૂર વર્ગના પ્રશ્નો સંબંધમાં તેઓને અવારનવાર આવવાનું બન્યું અને તે વિશે તેમણે ખૂબ લખ્યું છે. 1921માં આસામના ચાના બગીચામાં મજૂરોએ પાડેલી હડતાળ અંગે नवजीवनમાં લખ્યું છે, જેમાં આ હડતાળનો પૂરો ચિતાર આપવામાં આવ્યો છે અને ગાંધીજીના સાથી દીનબંધુ એન્ડ્રુઝ મજૂરોની પીડાને સમાવવા કેવી રીતે દિવસ-રાત એક કરી રહ્યાં છે તે અંગે પણ લખ્યું છે.4 મજૂરો સાથેની આ મહત્ત્વની તવારીખોમાં 1927માં કોલંબોમાં મજૂર મહાજનના સંબોધનના અંશો જોઈ જવા જેવા છે. અહીં તેઓ કહે છે : “1904થી હું પોતે મારી શક્તિ મુજબ મજૂર તરીકે રહેવાનો પ્રયત્ન કરતો આવ્યો છું. પણ એ સમયથી પણ ઘણો વહેલો હું શ્રમનું ગૌરવ સમજવા લાગ્યો હતો અને તેની કદર કરવા લાગ્યો હતો. અને સાથે સાથે એ સમયથી પણ લાંબો સમય પહેલાં મને એ વાત સમજાવા લાગી હતી કે મજૂરોને પોતાનો યોગ્ય હિસ્સો મળતો નથી.”5 આવો જ એક ઉલ્લેખ ‘ભોળા મજૂરો’ નામના લેખમાં नवजीवनમાં ગાંધીજી કરે છે. પંચમહાલમાં આવેલા કાગળનો અનુસંધાન આપીને ગાંધીજી અહીં લખે છે : “નીતિહીન અને પૈસાના લાલચુ દલાલો આસામના ચાના બગીચાને સારુ ભોળા રજપૂતો વગેરેને ફોસલાવીને લઈ જાય છે. આ પ્રમાણે બાર મજૂરો વિશેનાં સોગનનામાં મારી પાસે આવ્યાં છે.”6 આ ઘટનાની નોંધ વિગતે ગાંધીજી લે છે. ગુલઝારીલાલ નંદાએ કહ્યું છે ને કે, ગાંધીજી મજૂર વર્ગ સાથે થતા અન્યાયની સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબતો પણ ખોળી કાઢતા. 

1929 આવતાં-આવતાં ગાંધીજીનો રાજકીય કાર્યક્રમ અતિવ્યસ્ત થઈ ચૂક્યો હતો. આ કાળમાં પણ મજૂરપ્રશ્ન અંગે દોરવણી આપવાનું કાર્ય તેઓ કરી શક્યા છે. આ વર્ષે મજૂર સંઘના મુખપત્ર मजूर संदेश માટે આપેલા સંદેશામાં તેઓ લખે છે : “ગુજરાત જિનિંગ મિલની હડતાળ વિશે એટલું જ હાલ તો કહું કે મજૂરોએ મંત્રીઓ કહે, પૂજ્ય અનસૂયાબહેન અને ભાઈ શંકરલાલ બૅંકર કહે તેમ કર્યે જવાનું છે.”7 આ ગાળામાં यंग इन्डियाના એક વાચક ગાંધીજીને પત્ર લખીને વડોદરા રાજ્યમાં કારખાનામાં મજૂરો પાસેથી વધારે કલાક લેવાતાં કામ વિશે જણાવે છે. ગાંધીજી તેની નોંધ લઈને તે અંગે ટિપ્પણી કરે છે. મજૂરોની પ્રાથમિકતા ગાંધીજી અનેકવાર બોલી-લખીને અભિવ્યક્ત કરતા રહ્યા છે. 1931ની સાલમાં પરેલમાં મજૂરોની એક સભામાં તેમણે કહ્યું છે તે ખાસ જાણવા જેવું છે. તેઓ કહે છે : “અહીં હાજર રહેલા યુવાન સામ્યવાદીઓમાંથી કોઈનો જન્મ પણ થયો નહોતો તેના ઘણા સમય પહેલાં મેં મજૂરોના સવાલને ઉપાડી લીધો છે. દક્ષિણ આફ્રિકાના મારા નિવાસનો શ્રેષ્ઠ કાળ મેં એમનું જ કામ કરવામાં ગાળ્યો છે.”8

રેલવે સાથે ગાંધીજીનો નાતો આજીવન રહ્યો. રેલવેના પ્રશ્નો પરત્વે પણ તેમની દૃષ્ટિ પહોંચી હતી. આમાં એક મુદ્દો રેલવેના મજૂરોનો પણ હતો. 1933માં બિલાસપુરમાં બી.એન. રેલવે મજૂરોના સંઘ સમક્ષ ગાંધીજીએ ભાષણ આપ્યું હતું, અહીંયાં મજૂરો પ્રત્યેનો પોતાનો નાતો કેવો ગાઢ રહ્યો છે તે અંગે વાત કરી છે.9 ભાવનગરમાં યુવાનો સાથે ચર્ચા કરતી વેળાએ ગાંધીજીને આ સંબંધે સવાલ પુછાયો કે, “વેઠથી વિરુદ્ધ હો તો એને ટાળવા કયા ઉપાય લેવા?” જવાબમાં ગાંધીજી કહે છે : “પ્રથમ ઘરમાંથી, પછી દક્ષિણ આફ્રિકામાં, ને હમણાં દેશમાં એમ બધેથી વેઠ કાઢવાના કામમાં જ મારું જીવન વીત્યું છે.”10 આયખાના છ દાયકા પછીનું આ તેમનું નિવેદન છે.

મજૂર વર્ગ પોતાના પ્રશ્ન અંગે ગાંધીજી સામે કેવી રીતે મીટ માંડીને બેસતાં તે માટે 1934ના જૂન મહિનામાં રેલવેનો પ્રસંગ તેનું યોગ્ય ઉદાહરણ છે. નાગપુરના મિલમજૂરો હડતાળ પર હતા. ગાંધીજી આવી રહ્યા છે તેવી માહિતી મળતા મજૂરો રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા. સંખ્યાબંધ મજૂરોએ તેમને આવકાર આપ્યો. ભેગા થયેલા મજૂરોને સંબોધતાં તેમણે કહ્યું : “મજૂરોના આગેવાનોને આવતી કાલે મળવા માટે વર્ધા બોલાવ્યા છે અને ત્યારે હું તેમની પાસેથી પરિસ્થિતિ જાણી લઈશ અને પછી સલાહ આપીશ.” મજૂર વર્ગને તેઓ હરેક વેળાએ એવો વિશ્વાસ અપાવી શકતા કે તેઓ પણ એક મજૂર જ છે. અહીંયાં તેઓ કહે છે : “તમે તો આજના મજૂરો છો પણ હું તો છેલ્લાં 20 વર્ષથી મજૂર છું. હું કરતો વકીલાત પણ રહેતો હતો મજૂરોની સાથે અને તેમની પેઠે.”11 મજૂર પ્રત્યેની ઉત્કટતા આ વર્ષે જ મુંબઈ શહેરના પ્રવાસ દરમિયાન દેખા દે છે. જૂન, 16 જ્યારે આઝાદ મેદાનમાં તેમની જાહેર સભા હતી, ત્યારે આખો દિવસ પુષ્કળ વરસાદ વરસ્યો. તેમ છતાં ગાંધીજી જાહેર સભામાં આવ્યા. અહીં મિલમજૂરોની હડતાળ ચાલી રહી હતી. ગાંધીજી સભામાં કહે છે : “હું પોતાને મજૂર કહેવરાવું છું, અને દક્ષિણ આફ્રિકામાં હતો ત્યારથી મારો મજૂરજીવન જીવવાનો ઠીક ઠીક સફળ પ્રયત્ન ચાલુ છે”12 1935ના વર્ષમાં મજૂરીનું સમાન ધોરણ ઠરાવવા અર્થે પણ ગાંધીજી ખાસ્સા પ્રવૃત્ત દેખાય છે. બૅંગ્લોરમાં મ્યુનિસિપલ કૉલોનીમાં આપેલાં ભાષણમાં ગાંધીજી મજૂરોનાં રહેઠાણ અંગે ચર્ચા છેડે છે. તેઓ કહે છે : “થોડા દિવસ પર કોલરની સોનાની ખાણોમાં કામ કરતા મજૂરોનાં ઝૂંપડાં જોવાને મને લઈ ગયા હતા. ત્યાં મારે કહેવું પડ્યું કે આ ઝૂંપડાં માણસના વસવાટને લાયક નથી. … જે મજૂરો તેમને નફો મેળવી આપે છે તેમને કંપનીએ આવા અંધારા ધોલકામાં રાખ્યા છે એમા મને નિર્દયતા જ દેખાય છે.”13

રાજકીય ગતિવિધિઓમાં સમય સતત વધતો હોવા છતાં મજૂરો સાથેનો નાતો આગળ વધતો જ ચાલ્યો છે. हरिजनबंधुમાં તેઓ 'મિલ વિ. રેંટિયો' એવા લેખમાં લખે છે : “આપણા દેશમાં મજૂરીરૂપી ધનનો ભંડાર પડેલો છે તેનો ઉપયોગ કરી લેવા ચૂકનારું કોઈ પણ સંયોજન અસ્થાને ગણાશે.”14 આ સમયમાં પણ તેઓએ અમદાવાદ મજૂરમહાજન સંઘના 25મા વાર્ષિક દિને મજૂરમહાજન સંઘના મંત્રી ગુલઝારીલાલ નંદાને સાડત્રીસ શબ્દોમાં પત્ર લખ્યો હતો, તે પત્ર : “હું પૂર્વે કહી ગયો છું તેમ જો મજૂરમહાજન એમ સમજે કે તેમની મજૂરીની કિંમત રૂપિયા કરતાં હમેશાં વધારે છે અને જો તે બધા મજૂર ભેળા થાય તો કોઈનો વાળ વાંકો કર્યા વિના મજૂર પોતાનું ઊંચું સ્થાન મેળવે.”15 1946માં દેશમાં રાજકીય માહોલ તંગ હતો ત્યારે પણ તેઓને મદ્રાસમાં મજૂર વર્ગની સભામાં હિસ્સો લેવાનું બને છે. અહીંયાં તેઓ ત્યાં સુધી કહે છે કે : “એક મજૂર કૉંગ્રેસના અધ્યક્ષ બને તેમાં કોઈ અસામાન્ય વાત નથી.” ગાંધીજીનું આ સપનું આજ દિન સુધી પૂરું થયું નથી. એક મજૂરને રાજકીય પક્ષમાં ઉપરના પાયદાન પર આવવું તે કાળે જેટલું મુશ્કેલ હતું તેટલું જ આજે છે. અહીં વક્તવ્યમાં તેઓ આગળ કહે છે : “હું જ્યારથી દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો છું  ત્યારથી મજૂરોની સેવા કરી રહ્યો છું. અમદાવાદ મજૂર સંઘ, જેની સ્થાપના મેં જ કરી છે. અન્ય લોકો માટે આદર્શ છે. હું એમ નથી કહેતો કે ત્યાં મજૂરો મિલમાલિક બની ગયા છે. પણ એવું જરૂર અનુભવું છું કે જો મજૂર વધુ અનુશાસનથી વર્તે અને સમજ કેળવે તો તો તેઓ જે મિલો અને ફૅક્ટરીઓમાં કામ કરે છે ત્યાં તેઓ માલિક બની શકે છે.”16

આઝાદી મળ્યાના ચાર મહિના અગાઉ જ પટનામાં 18 એપ્રિલ, 1947ના રોજ ખેડૂત અને મજૂર નેતાઓ સાથે ગાંધીજીએ સંવાદ સાધ્યો હતો. અહીંયાં તેઓ જમીનદારો અને મજૂર વર્ગ વચ્ચે થયેલાં ઘર્ષણને શાંત પાડવા પહોંચ્યા હતા. એ દિવસે પ્રાર્થના સભામાં ગાંધીજીએ જમીનદારો અને મજૂર વર્ગનો જ મુદ્દો ચર્ચ્યો હતો. આ સભામાં તેમણે મજૂર વર્ગને શીખ આપી હતી તેમ માલિકોને પણ પોતાની ફરજ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. મજૂર વર્ગનો નાતો રાજકીય કટોકટીકાળમાં પણ જીવંત રહ્યો આ ઘટના તેનો પુરાવો છે. દેશના સ્વતંત્રતાના દસ દિવસ બાદ કલકત્તાના ક્લાઇવ જૂટ મિલ મેદાનમાં થયેલી પ્રાર્થના સભામાં સામેલ થનારા મહદંશે મજૂરો હતા. અહીંયા પ્રશ્ન હિંદુ-મુસ્લિમ મજૂરો વચ્ચે થયેલા ઝઘડાનો હતો. ગાંધીજી કહે છે : “હિંદુ અને મુસ્લિમ મજૂરોમાં કશો ભેદ નથી. તમે સૌ મજૂર છો. જો તમારામાં કોમવાદી ઝેર ફેલાશે તો તમે બંને શ્રમને, પોતાને અને દેશને નબળો બનાવશો. શ્રમ તમામ ભેદભાવને દૂર કરીને સૌને એકસમાન બનાવનારું ખૂબ મોટું સાધન છે.”17

ગાંધીજીના મજૂર અંગેના વિચારો અને તેમની સાથે સંકળાયેલી ઘટનાઓનો ચિતાર આપવાનો ઉદ્દેશ એટલો જ કે આઝાદી મેળવવાની ગંજાવર પ્રવૃત્તિ સાથે પણ તે કાળે મજૂર વર્ગના ઉદ્ધાર માટે કેટકેટલું કાર્ય થયું અને તત્કાલીન આગેવાનો મજૂર પક્ષે રહીને કેવી રીતે વિચારો મૂકી શકતાં. ગાંધીયુગના મહદંશ આગેવાનોની કથની-કરણીમાં મજૂરોની પ્રાથમિકતા સર્વોપરી રહી છે. ગુલઝારીલાલ નંદા, શંકરલાલ બૅંકર, અનસૂયાબહેન તો શ્રમિક વર્ગ સાથે આજીવન સંકળાયેલાં રહ્યાં. તેઓએ વિવિધ સમયે મજૂરો સંબંધિત અલગ-અલગ પાસાં વિશે લખેલા લેખોને અહીં સમાવ્યા છે. ગુલઝારીલાલ નંદાએ તો ગાંધીજી અને મજૂર ચળવળની વિસ્તૃત વિગત આપી છે. નંદાજીના લેખમાં તે વખતે મજૂર વર્ગ વચ્ચે થયેલાં કાર્યનો વિગતવાર ક્યાસ કાઢી શકાય. શંકરલાલ બૅંકરે મજૂરોના કાર્યના કલાકો વિશે ચર્ચા કરી છે. અનસૂયાબહેને મજૂર સ્ત્રીઓના પ્રશ્નો અને મળવાપાત્ર સુવિધાની વાત કરી છે. વિનોબા ભાવે, કાકાસાહેબ કાલેલકર અને અન્ય સમાવિષ્ટ લેખોમાં મજૂર વર્ગ પ્રત્યેની તેમની વિશેષ દૃષ્ટિ દેખા દે છે, આજે જેનો સદંતર અભાવ દેખાય છે. આ ઉપરાંત मजूर संदेश સાથે અઢી દાયકા સુધી સંકળાયેલા મણિલાલ એમ. પટેલ દ્વારા મજૂર મહાજન સંઘના અતીત-વર્તમાનનો ઓવરવ્યૂ અપાયો છે. વર્તમાન મજૂર વર્ગનો ચિતાર મળી રહે તે માટે આજીવન મજૂર બહેનો માટે સેવાકાર્ય કરનારા ઇલાબહેન ભટ્ટનો લેખ પણ સમાવ્યો છે. આશા છે મજૂર વર્ગ વિશેના માહિતી-વિચાર રજૂ કરતો આ અંક આપને વર્તમાન સદંર્ભે પ્રસ્તુત લાગશે.

સંદર્ભ :

1. ગાંધી, મોહનદાસ. 2010. દ.આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, પ્રાસ્તાવિક

2. એજન પૃ. 21

3. એજન પૃ. 22

4. ગાંધીજીનો અક્ષરદેહ 20 પૃ. 211

5. ગાંધીજીનો અક્ષરદેહ 35 પૃ. 231

6. ગાંધીજીનો અક્ષરદેહ 37 પૃ. 357

7. ગાંધીજીનો અક્ષરદેહ 38 પૃ. 397

8. ગાંધીજીનો અક્ષરદેહ 45 પૃ. 321

9. ગાંધીજીનો અક્ષરદેહ 56 પૃ. 294

10. ગાંધીજીનો અક્ષરદેહ 58 પૃ. 127

11. એજન પૃ. 68

12. એજન પૃ. 82

13. ગાંધીજીનો અક્ષરદેહ 63 પૃ. 1

14. ગાંધીજીનો અક્ષરદેહ 70 પૃ. 77

15. ગાંધીજીનો અક્ષરદેહ 75 પૃ. 127

16. सम्पूर्ण गांघी वाड्मय 83 पृ. 83-84

17. सम्पूर्ण गांघी वाड्मय 89 पृ. 110

[સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ” : એપ્રિલ-મે, 2020માંથી; છબિ અને લેખ બન્ને]

Loading

...102030...2,3132,3142,3152,316...2,3202,3302,340...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved