Opinion Magazine
Number of visits: 9575692
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (27)

સુમન શાહ|Opinion - Opinion|28 June 2020

= = = = બીજા વિશ્વયુદ્ધ પછી લગભગ આવી જ ભાષિક કટોકટી જન્મી હતી. દાખલા તરીકે, ફિફ્ટીઝનું પૅરીસ : ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી યુદ્ધોત્તર ઘટનાઓના વહીવંચા લખાયા. એમાં દર્શાવાયું કે અણુપ્રયોગ પછીનું વિશ્વ કેટલું તો ભયાવહ હતું જેમાં મૃતકોનાં સ્વજનોને આ દુનિયા સાવ પરાઈ લાગતી હતી. કશું કાયમી નથી બધું ખાલી છે પ્રકારની નિરાશાનું ઘનઘોર વાતાવરણ છવાઈ ગયેલું = = = =

= = = = આપણા રોજિંદા જીવનમાં આજકાલ દરેક મનુષ્યના મગજમાં ૪ શબ્દો આકાશેથી નીચે ઊતરવા કરતી સમડીની જેમ ચકરાયા કરે છે : કોરોના. પૉઝિટિવ. લૉકડાઉન. ક્વૉરન્ટાઈન = = = =

આજકાલ આપણે ફોન જોડીએ કે તરત આપણને જે સલાહ-સૂચના અપાય છે તેમાં એક વાક્ય આમ પણ હોય છે : ઓછામાં ઓછું બે ગજનું અન્તર રાખો : મારા પડોશીના દીકરાએ મને પૂછ્યું : અન્કલ, આ ગજ શું છે? : મેં એને સમજાવ્યું કે લંબાઈ માપવા માટેનું સાધન.

આપણા રોજિંદા જીવનમાં આજકાલ દરેક મનુષ્યના મગજમાં ૪ શબ્દો આકાશેથી નીચે ઊતરવા કરતી સમડીની જેમ ચકરાયા કરે છે : કોરોના. પૉઝિટિવ. લૉકડાઉન. ક્વૉરન્ટાઈન : આ ચારેય અંગ્રેજીની વચ્ચે આ દેશી ‘ગજ’ ક્યાંથી આવી ચડ્યો? એ તો કેટલાંયે વરસોથી ચાલી ગયો છે …

આવા તો કેટલાયે શબ્દો ચાલી ગયા છે : ખાવા-પીવા બાબતે અછતગ્રસ્તને ભૂખડીબારસ કહેતા. કો’કને ચાંપલી, કો’કને છછૂંદરી કહેતા. કો’કને ઉછાંછળો કહેતા, અડબંગ કહેતા. કોઈ એવાને કાછડીછૂટો કહેતા. છાપાવાળા હમેશાં લખતા : તે સાંજે થયેલું યુવતીનું શિયળભંગ. તે છોકરાઓએ કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. કોઈ એકદમ બેબાક ને નિરંકુશ વર્તન કરતો હોય તો કહેવાતું – એને આજકાલ બહુ બકરકૂદી ચડી છે. કોઈ ચાળાનખરા કરે તો કહેતા – ચામોદિયાં બહુ કરે છે. હવે કોઈ ભાગ્યે જ બોલે છે – મને બહુ ઑતાડું પડી જાય. હવે કોઈ અઠીગણ લેતું કે મૂકતું નથી. જેમ ગજ નથી સમજાતો તેમ આ બધા પ્રયોગો પણ નહીં સમજાય.

આપણી પાસે ગજ નથી તેથી ગજ શબ્દ પણ નથી ને તેથી ગજ શબ્દનો કશો અર્થ થતો નથી. માપને માટે આપણે ઇન્ચ ફૂટ યાર્ડ, સાથોસાથ, મિલિમીટર સૅન્ટિમીટર મીટર પણ પ્રયોજીએ છીએ. પણ મજા તો એ છે કે કેટલાયે તળવાસીઓ ગજ શું છે એ જાણે છે. આમ, કોઈ આ જાણે છે, કોઈ તે જાણે છે. ઘણા માપને કશાથી માપતા પણ નથી. એ લોકો ભાષામાં નહીં, કાર્યમાં – ઍક્શનમાં – સમજે છે. વ્હૅંત મૂકીને કહી દે છે, કમર દૉઢ વ્હૅંતની છે … આ વ્હૅંત પાછો વ્યક્તિએ વ્યક્તિએ બદલાતો હોય – કાં નાનો અથવા મોટો …

કોરોનાગ્રસ્ત વાસ્તવિકતાઓ વચ્ચે, ચેપ અને થોડાક દિવસોમાં જ મૉત વચ્ચે, દુનિયા ફસાઈ છે. એની સામે માનવીય જિજીવિષા ટક્કર લઈને ઝઝૂમી રહી છે. પરિણામે, આજકાલ અનેક પ્રકારની કટોકટીઓ અનુભવાય છે. તેમાં, ભાષાને વિશેની કટોકટી પણ છે, જેની આપણને સીધી ખબર નથી પડતી. કટોકટી એ છે કે ભાષા કામયાબ નથી અનુભવાતી. કોરોનાવિષયક માહિતીની ગાણિતક ભાષામાં વિશ્વાસ નથી પડતો. દવા શોધાઈ છે કે રસી શોધાઈ રહી છે એ સમાચાર આપતાં વૈજ્ઞાનિક પદ્ધતિનાં વાક્યોને માણસ તાકતો રહી જાય છે. કોરોના ઘટી રહ્યો છે એમ કોઈ કહે તો એમ બોલનારના મુખારવિન્દને આપણે મૂંગે મોઢે જોયા કરીએ છીએ …

આનો અર્થ ભાષા મરી ગઈ એમ નથી કરવાનો, સમજવાનું એ છે કે ભાષા પરિવર્તનશીલ છે. વધારે સમજવાનું એ છે કે જે પરિવર્તનશીલ છે એના પર કેટલો ભરોસો કરવો 

બીજા વિશ્વયુદ્ધ પછી લગભગ આવી જ ભાષિક કટોકટી જન્મી હતી. દાખલા તરીકે, ફિફ્ટીઝનું પૅરીસ : ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી યુદ્ધોત્તર ઘટનાઓના વહીવંચા લખાયા. એમાં દર્શાવાયું કે અણુપ્રયોગ પછીનું વિશ્વ કેટલું તો ભયાવહ હતું જેમાં મૃતકોનાં સ્વજનોને આ દુનિયા સાવ પરાઈ લાગતી હતી. કશું કાયમી નથી બધું ખાલી છે પ્રકારની નિરાશાનું ઘનઘોર વાતાવરણ છવાઈ ગયેલું. એવા સમયે ભલભલા ભાષાસ્વામી સાહિત્યકારોનાં ભાષાબળ ડગડગી ગયેલાં. એમને સમજાઈ ગયેલું કે ભાષા કેટલી તકલાદી છે. ભાષા અર્થ નહીં પણ કેટલો વ્યર્થ સરજ્યા કરતી હોય છે. એવી તીવ્ર અનુભૂતિ સૅમ્યુઅલ બૅકેટને થયેલી.

એક વાર તેઓ પૅરીસથી ડબ્લિન જતા હતા. દરમ્યાન એમને એવા વિચારો આવે છે કે હવેથી મારે દુનિયાને વિશે ખાસ જાણવાની અને તેને શબ્દોમાં સારવ્યા કરવાની જરૂર નથી. મારે મારા સાહિત્યિક રસને હવે ઠારવા જોઈશે. એટલે કે બૅકેટની એ લાગણી એ હતી કે ગમી ગયેલા પૂર્વસૂરિ જેમ્સ જોય્યસના વારસાથી મુક્ત થવું. હવે એમને આગવી પરિશોધ આદરવી હતી. એ પરિશોધ શરૂ થઈ અને ભાષાને સ્થાને મૌન કે શાન્તતાને પ્રયોજવાના વિચારે જોર પકડ્યું. અંગ્રેજી અને ફ્રૅન્ચમાં પ્રભાવક સર્જન કરતા બૅકેટને સમજાઇ ગયું કે ભાષાનું સાધન અંદરથી કંગાલ છે, દોદળું છે, અવિશ્વસનીય છે. એમણે જણાવેલું કે ભાષા જે કંઈ કહે છે તે અંદાજે કહે છે, આશરે કહે છે, કહેલું કે હું ભાષા ન છૂટકે વાપરું છું.

એમની અપ્રકાશિત પહેલી નવલકથા ‘Mercier et Camier’-માં જાણ્યે-અજાણ્યે આ પરિશોધનો પ્રારમ્ભ છે અને નવલત્રયી ‘Molly, Malone merut અને l’innammable’-માં વિકાસ છે. ક્રમે ક્રમે બૅકેટની એ પરિશોધ એમને નાટક તરફ દોરી જાય છે. એક નાટકનું નામ જ સૂચક રાખ્યું છે, ‘Act withiout Words’. દરમ્યાન એમને એમ પણ સમજાય છે કે ભાષાવિષયક અશ્રદ્ધામાંથી ભાષાક્રીડા – લૅન્ગ્વેજગેમ – અને તેથી હાસ્ય પણ પ્રગટી શકે છે. ‘Waiting for Godot’-માં ટ્રેજિકને એમણે કૉમિકમાં કદાચ એ પરિશોધના સર્જનાત્મક ધક્કાથી જ એકરસ રસ કરી દીધું.

બૅકેટ વિશેની એ અને એવી વાતો હવે પછી …

= = =

(June 29, 2020: Ahmedabad)

Loading

ખોવાયેલો વખત …..

Shivkumar Batalvis : અંગ્રેજી • બકુલા ઘાસવાલા : ગુજરાતી|Opinion - Opinion|28 June 2020

આ કાવ્ય મને ક્યાંથી મળ્યું તે યાદ નથી, પરંતુ ગમ્યું એટલે ભાવાનુવાદ / મુક્તાનુવાદ કર્યો છે. શિવકુમાર બટલવીસ[Shivkumar Batalvis]ની અંગ્રેજી કૃતિ છે. કદાચ નજરે ચડે અને સર્જકની પરવાનગી મળશે તેવી આશા છે. જો એમને પસંદ ન પડે તો હું ડિલીટ કરીશ..

ખોવાયેલો વખત …..

એક અંધકાર યુગમાં પ્રવેશી ગઈ છે દુનિયા
એવો ઝંઝાવાત ફેલાઈ રહ્યો છે કે
જાણે કોઈ કોઈનું રહ્યું નથી.
પડછાયો પણ રિસાણો હોય એવું લાગે છે.
હા, મારું લોહીમાંસ પણ દુ:ખ અને પીડાથી ત્રસ્ત થઈ ગયું છે :
ચોતરફ બસ,
તાણ અને ડર જ ડરનું વાવાઝોડું ફૂંકાતું નજરે ચડે છે …..
કે પછી પીડાદાયક અટ્ટહાસ્યોનું સામ્રાજ્ય !
એક એવી યાત્રા શરૂ થઈ છે
જ્યાં ઘેરાં અને મીંઢા મૌનનું રણ વિસ્તરી ગયું છે.
રહી ગયો છે અપમાન અને બદનામીનો ખોફ!
ખાલીખમ અવકાશમાં ક્ષિતિજે હતો સૂર્ય
અથવા કાંઈ હતું કે ન હતું.
પરંતુ રેતીમાં પદચિહ્નો તો હતાં જ.
જે આ સઘળું જોઈ ચૂક્યાં છે.
પછી રહેશે મન ઠંડુંગાર
ને દઝાડતાં રણ જેવી
દુ:ખનાં પોટલાં ઊંચકતી
ક્યાંક છાંયડાની આશે મીટ માંડતી
એ જિંદગી !
પણ મારી નજરે
એક મૃગજળ જેવું ઝાડનું ઠૂંઠું પણ નો’તું દીસતું …
ને પછી ડૂમો છૂટ્યો અને મૂકી એક ગગનપોક
મારા હોવા ન હોવા પર !
પછી ભટકતો રહ્યો દર દર,
એક ઘેરાં મૌનના સહારે
અને ઢાંકી દીધો ચહેરો,
અમાવસ્યાના ચંદ્રના પડળે અને
કલ્પનાઓની રેતમાં
પ્રગાઢ નિંદરને ખોળે હું લપાઈ રહ્યો.
એ બધું મેં મૌનનાં સથવારે જોયું અને
અનુભવ્યું કે મૌન પણ બોલકું અને ગાતું હોય છે.
મૌન રડે છે ને વિલસે પણ છે
વળી મુખર પણ બનતું રહે છે.
મૌન થકી એક સુંદર અભિવ્યક્તિ
વહી આવે છે રેતાળ ધરાથી.
ખોવાયેલી ચાંદનીમાં પ્રેમપત્રો લખી શકું
એવી એ અભિવ્યક્તિ શીખી રહ્યો છું.

•

Shiv kumar Batalvis      

Gumnaam Din/Missing Days

My days of gloom have come again
The days of notoriety are here
It was not for people to be with me
Even my shadows have left me.
Yes, even my blood is sorrowful now.
Yes, even my flesh is sorrowful now.
Every direction was filled with gloomy thoughts
or the humiliating laughter of  friends.
There was a journey…
there was sand, there was silence
there was humiliation, there was dread, there was disgrace
there was emptiness, there was horizon, there was the sun
or there was nothing but
the trail of my footprints.
Seeing all of this,
a mind can only grow cold.
A life
that traversed the hot desert of age
carrying the burden of sorrow
and yearned for a sip of shade.
But in my sight,
there was not even an trace of a tree
I cry a lot
on my murder
I wander around
with a cursed silence
and I cover my face
under the gloomy sheets of moonlight
in the sands of imaginations
I sleep deep.
I have seen this in the journey of silence
that silence sings
silence cries, silence wails
and  silence speaks
a beautiful language.
From the silence of desert sand,
I am learning the language
To the lost moonlight,
I write letters in sand.

૨૭/૬/૨૦૨૦

Loading

ચલ મન મુંબઈ નગરી—50

દીપક મહેતા|Opinion - Opinion|28 June 2020

હરિશ્ચન્દ્ર નાટક : સંસ્કૃતથી તમિળથી અંગ્રેજીથી ગુજરાતીનો પ્રવાસ

રણછોડભાઈ અને કાબરાજીના નાટકના ૧૧૦૦ પ્રયોગ

કાબરાજી : શેઠ, અમે કાંઈ મદારી નથી કે કોઈને ઘરે જઈને ખેલ કરીએ

શું આપણા દેશમાં કે શું દુનિયાના બીજા દેશોમાં, નાટક, સાહિત્ય, ચિત્ર, શિલ્પ અને બીજી કલાઓ પર આજ સુધી જે-તે દેશની માઈથોલોજીની જબરી અસર રહી છે. આપણે ત્યાં રામાયણ-મહાભારત અને પુરાણોનાં પાત્રો અને પ્રસંગોને આધારે અનેક કૃતિઓ દરેક ભાષામાં રચાઈ છે. આવી એક કથા તે રાજા હરિશ્ચન્દ્રની વાત. નરસિંહ મહેતાથી કવિ દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન, કથા-વાર્તા વગેરેમાં આ કથા જોવા મળે છે. ભવાઈ ભજવાનારાઓ માટે પણ રાજા હરિશ્ચન્દ્રની કથા હાથવગી હતી. આનું એક કારણ એ કે સામાન્ય માણસ પોતાના જીવનમાં જે કરી ન શકે એવું કરનારાઓ પ્રત્યે તેને હંમેશાં અહોભાવ અને આકર્ષણ રહે છે. ગાંધીજીએ ભલે લખ્યું કે ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ પણ વ્યવહારમાં એ શક્ય નથી જ. અને એટલે આમ જનતાને હરિશ્ચન્દ્રની કથાનું આકર્ષણ રહે.

રણછોડભાઈ ઉદયરામ

આપણે ત્યાં અર્વાચીન ગુજરાતી રંગભૂમિની શરૂઆત પારસીઓએ કરી અને શરૂઆતમાં પારસીઓમાં વધુ પ્રચલિત એવી કેટલીક કથાઓને લઈને નાટકો લખ્યાં અને ભજવ્યાં. પણ પછી ચતુર પારસીઓના ધ્યાનમાં એ વાત આવી ગઈ કે પ્રેક્ષકોના વધુ મોટા સમૂહ સુધી પહોંચવું હોય તો હિંદુ ગુજરાતી પ્રેક્ષકોને આકર્ષ્યા વિના નહિ ચાલે. એટલે તેમણે હિંદુ પુરાણકથાઓ પર આધારિત નાટકો ભજવવાનું શરૂ કર્યું. આ દિશામાં પહેલ કરી કેખુશરૂ કાબરાજી અને તેમની નાટક ઉત્તેજક મંડળીએ. ૧૮૬૮ના મે મહિનાની ૧૬મી તારીખે બીજા ચાર મિત્રોને સાથે રાખીને કાબરાજીએ ‘વિક્ટોરિયા નાટક મંડળી‘ શરૂ કરી હતી. તેણે મુખ્યત્વે પારસી ગુજરાતી નાટકો સફળતાથી રજૂ કર્યાં હતાં. આ મંડળીએ પોતાનાં નાટકો રજૂ કરવા માટે ૧૮૭૦માં ‘વિક્ટોરિયા નાટક શાળા’ (થિયેટર) બંધાવી હતી. પણ પછી બીજા ભાગીદારો સાથે મતભેદ થતાં કાબરાજી આ મંડળીમાંથી છૂટા થયા અને પોતાની નવી ‘નાટક ઉત્તેજક મંડળી’ શરૂ કરી. તેણે પહેલું નાટક ભજવ્યું તે કાબરાજીનું જ લખેલું ‘સૂડી વચ્ચે સોપારી.’ પણ તે ઝાઝું ચાલ્યું નહિ. કાબરાજીએ નક્કી કર્યું કે હવે પારસી નહિ પણ હિંદુ નાટક ભજવવું. એ જમાનાના જાણીતા નાટકકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો. એટલે કાબરાજીએ તેમની પાસે આવા એક નાટકની માગણી કરી. અને ૧૮૭૧માં પ્રગટ થયેલું પોતાનું ‘હરિશ્ચન્દ્ર નાટક’ રણછોડભાઈએ તેમને આપ્યું.

મુથ્થુ કુમારસ્વામી

રણછોડભાઈના આ નાટકનો પણ ભલે નાનકડો, તો ય ઇતિહાસ છે. દુનિયા માત્ર આજે જ નાની થઈ ગઈ છે, જુદાં જુદાં દેશો, લોકો, ભાષાઓ વચ્ચેની લેવડદેવડ ગૂગલ દેવના આગમન પછી જ વધી છે એવું નથી. ૧૯મી સદીમાં પણ એવી લેવડદેવડ થતી. માર્કંડેય પુરાણમાંની રાજા હરિશ્ચન્દ્રની કથા પરથી દક્ષિણ ભારતના એક મધ્યકાલીન લેખકે તમિળ ભાષામાં નાટક લખ્યું. સિલોન કહેતાં શ્રીલંકાના રહેવાસી તમિળભાષી મુથ્થુ કુમારસ્વામી(૧૮૩૪-૧૮૭૯)એ તેનો અંગ્રેજી અનુવાદ કર્યો. આ મુથ્થુ કુમારસ્વામી એટલે આખા એશિયા ખંડમાં પહેલવહેલો  ‘સર’નો ઈલ્કાબ મેળવનાર. તેઓ વિલાયત જઈ બેરિસ્ટર થયેલા અને શ્રીલંકાની લેજિસ્લેટીવ કાઉન્સીલના સભ્ય નિયુક્ત થયા હતા. ૧૮૬૨માં ગ્રેટ બ્રિટનની પ્રખ્યાત ‘લિકન્સ ઇન’ના તેમને સભ્ય બનાવવામાં આવ્યા હતા. કોઈ બિન-ખ્રિસ્તી અને બિન-જ્યુને આવું માન ત્યારે પહેલી જ વાર મળ્યું હતું.  તેમણે એ તમિળ નાટકનો અંગ્રેજી અનુવાદ કરી વિલાયતમાં જ ૧૮૬૩માં પ્રગટ કર્યો. આ જ વર્ષના ડિસેમ્બરની આઠમી તારીખે  આ નાટક રાણી વિક્ટોરિયા સમક્ષ ભજવાયું ત્યારે તેમાં રાજા હરિશ્ચન્દ્રની ભૂમિકા મુથ્થુ કુમારસ્વામીએ પોતે ભજવી હતી. આમ, હરિશ્ચંદ્રનું નાટક મુંબઈના પ્રેક્ષકો પહેલાં રાણી વિક્ટોરિયાએ જોયું હતું. મુથ્થુસ્વામી લેટિન, ગ્રીક, હિબ્રુ, પાલિ, અરબી, સંસ્કૃત સહિત કુલ ૧૨ ભાષા જાણતા હતા. પ્રખ્યાત કલામીમાંસક આનંદ કુમારસ્વામી તેમના દીકરા. પોતાના અનુવાદની એક નકલ તેમણે મુંબઈના કોઈ મિત્રને મોકલી. એ નકલ રણછોડભાઈના જોવામાં આવી. એ વખતે તેઓ હરિશ્ચન્દ્ર વિષે નાટક લખવાનો વિચાર કરતા જ હતા, પણ આ અંગ્રેજી અનુવાદ તેમને એટલો તો ગમી ગયો કે તેમણે મૌલિક નાટક લખવાને બદલે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. મૂળ તમિળ નાટકમાં ગદ્ય અને પદ્ય બંને હતાં, પણ અંગ્રેજી અનુવાદ કેવળ ગદ્યમાં હતો. પણ તેમાંના કેટલાક ભાગનો અનુવાદ રણછોડભાઈએ પદ્યમાં કર્યો.

કેખુશરો કાબરાજી

પોતાના આ અનુવાદની ૧૮૭૧માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની નકલ રણછોડભાઈએ કાબરાજીને આપી. કાબરાજીને નાટક તો ઘણું ગમ્યું પણ તે ભજવતાં પહેલાં કેટલાક ફેરફાર કરવાનું જરૂરી હતું. પહેલું તો એ કે ૧૦૮ છાપેલાં પાનાંનું આ નાટક લાંબાં નાટકોના એ જમાનામાં પણ ટૂંકાવ્યા વગર ભજવી શકાય નહિ. બીજું એ વખતે ભજવાતાં નાટકમાં નાચ-ગાયન તો હોવાં જ જોઈએ એવો ચાલ. રણછોડભાઈના અનુવાદમાં પદ્ય હતું, પણ ગીતો નહોતાં. આ ફેરફારો માટે રણછોડભાઈએ સંમતિ આપી એટલે કાબરાજીએ પહેલાં તો નાટકમાં કાપકૂપ કરી. ત્રણેક ગીતો રણછોડભાઈએ લખી આપ્યાં. કવીશ્વર દલપતરામનું એક પદ અને એક ગરબી ઉમેર્યાં, અને એક પદ કવિ નર્મદનું ઉમેર્યું. બાકીનાં ગાયનો કાબરાજીએ પોતે લખ્યાં. ખમાજ રાગની ઠુમરી પર અને પીલુ રાગમાં ગવાતી ગરબી પર નાચની તક ઊભી કરી. ભજવણી માટે તૈયાર થયેલી આ સ્ક્રિપ્ટ તેમણે ૧૮૭૬ના એપ્રિલમાં પુસ્તકાકારે પણ પ્રગટ કરી. તેની એક નકલ આ લખનારના અંગત સંગ્રહમાં છે, પણ કમનસીબે તેના ટાઈટલ પેજનો નીચેનો ભાગ ફાટી ગયો છે. પણ કાબરાજીએ લખેલી પ્રસ્તાવનાની નીચે ‘એપ્રેલ ૧૮૭૬’ છાપ્યું છે. એટલે આ પુસ્તક ૧૮૭૬માં પ્રગટ થયું હતું.

આમ, નાટક તો તૈયાર થઈ ગયું, પણ શરૂઆતમાં નાટક ઉત્તેજક મંડળીના બીજા ભાગીદારોએ આવું નાટક ભજવવા સામે વિરોધ કર્યો. મુખ્ય કારણ એ કે પારસી નટો હિંદુ પાત્રો ભજવે તે ન તો પારસી પ્રેક્ષકો સ્વીકારશે, કે ન તો હિંદુ પ્રેક્ષકો સ્વીકારશે એવી તેમને બીક હતી. બીજું, પારસી એક્ટરોને ‘શુદ્ધ’ ગુજરાતી ભાષા બોલવાનું ફાવશે નહિ અને તેઓ હાંસીપાત્ર થશે એમ પણ લાગતું હતું. વિક્ટોરિયા અને નાટક ઉત્તેજક, બંને મંડળીઓમાં કાબરાજીના ખાસ સાથી એવા ફરામજી ગુસ્તાદજી દલાલ ‘ઇન મેમોરિયમ : કેખુશરો નવરોજી કાબરાજી’ (૧૯૦૪) નામના સ્મૃતિ ગ્રંથમાંના લેખમાં જણાવે છે કે એ વખતે કાબરાજીએ કહ્યું કે પહેલાં આ નાટક હું તમને વાંચી સંભળાવું. પછી નક્કી કરજો કે એ ભજવવું કે નહિ. તેમણે લગભગ અડધું નાટક વાંચ્યું ત્યાં જ બધા ભાગીદારોએ કહ્યું કે આ નાટક તો આપણે ભજવવું જ જોઈએ. અને કાબરાજીએ ‘હરિશ્ચન્દ્ર’નાં રિહર્લસર શરૂ કર્યાં. એક બાજુથી ‘શુદ્ધ’ ગુજરાતી ગાવા-બોલવાની તાલીમ આપતા જાય, બીજી બાજુથી વેશભૂષા, પડદા, સાધન-સામગ્રી એકઠી કરતા જાય. એટલું જ નહિ, એ બધાંનો ઉપયોગ કરવાની પારસી એક્ટરોને ટેવ પણ પાડતા જાય.

રણછોડભાઈ અને કાબરાજીનું હરિશ્ચન્દ્ર નાટક

કાબરાજી અને રણછોડભાઈએ નક્કી કર્યું હતું કે નાટકનો પહેલો પ્રયોગ માત્ર આમંત્રિત મહેમાનો માટે જ કરવો. તેમની ‘હા’ હોય તો જ જાહેર પ્રયોગ કરવા. આવો ખાસ પ્રયોગ આમંત્રિત પ્રેક્ષકોને બેહદ પસંદ પડ્યો. પણ નાટક એવી જગ્યાએ રજૂ કરવું જોઈએ કે હિંદુ અને પારસી, બંને પ્રેક્ષકોને તે પાસે પડે. કાબરાજી અને રણછોડભાઈએ ઘણી મહેનત કરીને ધોબી તળાવ પરની ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટની જગ્યા આખા એક વર્ષ માટે ભાડેથી મેળવી અને ૧૮૭૪માં ખેલ શરૂ કર્યા. ખેલ વખતે દર્શકોની એટલી ભીડ થતી કે એ ઈમારતના દરવાજા ખેલ શરૂ થતાં પહેલાં અડધા કલાકે બંધ કરી દેવા પડતા. અને એ જમાનામાં તેના કેટલા પ્રયોગ થયા હશે? પૂરા અગિયાર સો. આ નાટકમાંથી ‘નાટક ઉત્તેજક મંડળી’ને એટલી તો આવક થઈ કે તેમાંથી તેણે ખાસ પોતાનાં નાટક ભજવવા માટે ક્રાફર્ડ માર્કેટ પાસે નવું થિયેટર બંધાવ્યું.

તેમાં પહેલું નાટક ભજવાયું તે રણછોડભાઈ ઉદયરામનું ‘નળ-દમયન્તી નાટક.' આ નાટક જોવા માટે હિંદુ સ્ત્રીઓ બહુ મોટી સંખ્યામાં આવવા લાગી. પણ સાથે આવેલાં બાળકો રડતાં ત્યારે એક્ટરોને અને બીજા પ્રેક્ષકોને ખલેલ પડતી. એટલે કેટલાક ભાગીદારો કહે કે સાથે બાળકોને લાવવાની મનાઈ ફરમાવીએ. પણ કાબરાજીએ જુદો રસ્તો લીધો. પહેલું તો બપોરે ખાસ ‘જનાના ખેલ'’શરૂ કર્યો અને એ વખતે પણ થિયેટરની લોબીમાં ઘોડિયાં મૂકાવ્યાં અને તેમાં સૂતેલાં બાળકોનું ધ્યાન રાખવા ખાસ માણસો રાખ્યા. તે પછી તો આ નાટકની લોકપ્રિયતા બેહદ વધી ગઈ. એટલે ત્રણ મહિના સુધી રોજે રોજ આ નાટક ભજવવું પડ્યું. ત્યાર બાદ આ જ થિયેટરમાં કાબરાજીએ કવિ નર્મદનું ‘રામજાનકીદર્શન’ નામનું નાટક કેટલાક ફેરફાર અને ઉમેરા સાથે ‘સીતાહરણ’ નામથી ૧૮૭૮માં ભજવવાનું શરૂ કર્યું. એ ખેલ વખતે ઘણા હિંદુ પ્રેક્ષકો ઊભા થઈને રામ-સીતાનાં પાત્રો ભજવનાર નટોને નમન કરતા. નાટકોને સફળ બનાવવા કાબરાજી જાતજાતના નુસખા અજમાવતા. ક્યારેક જીવણજી મહારાજ કે પંડિત ગટ્ટુલાલ ધ્રુવને નાટકની શરૂઆતમાં ભાષણ કરવા આમંત્રણ આપતા. તો બીજી બાજુ પોતાનાં નાટકો જોવા તેમણે મુંબઈના ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલ, ઓનરેબલ મિસ્ટર એશબર્નર, ઓનરેબલ મિસ્ટર ગિબ્સ, મ્યુનિસિપાલિટીના કાઉન્સીલરો, લશ્કરી અફસરો અને નામાંકિત વેપારીઓને પણ બોલાવ્યા હતા. ગ્રેટ બ્રિટનના રાષ્ટ્રગીતનો સમગેય તરજુમો કાબરાજીએ પોતે કર્યો હતો અને બધા નટોને મૂળ ચાલમાં તે ગાતાં શીખવાડ્યો હતો. જ્યારે ખેલમાં ગવર્નર કે બીજા કોઈ બ્રિટિશ મહેમાન આવે ત્યારે નાટકને અંતે બધા નટો સ્ટેજ પરથી બ્રિટિશ રાષ્ટ્રગીત ગાતા.

તો બીજી બાજુ પોતાના, નટોના, અને પોતાની નાટક કંપનીના સ્વમાનનો પણ તેઓ પૂરો ખ્યાલ રાખતા. એક વખત એક અમીરે પોતાના બંગલામાં નાટક ભજવવા આમંત્રણ આપ્યું. બધા ખર્ચ ઉપરાંત માત્ર એક ખેલ માટે એક હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ) આપવાની ઓફર કરી. બીજા ભાગીદારો તૈયાર હતા, પણ કાબરાજીએ કહ્યું કે આપણે કાંઈ મદારી નથી કે કોઈને ઘરે જઈને ખેલ કરીએ. આવું કરીએ તો ‘જેન્ટલમેન’ ખેલાડીઓની મંડળીને અને તેની મોભાદાર કમિટીને નીચાજોણું થાય. એટલે તેમણે વિનયપૂર્વક એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. થોડા વખત પછી વધુ મોટી મુશ્કેલી. નાટક ઉત્તેજક મંડળીની કમિટીના એક સભ્યને ઘરે લગ્નપ્રસંગે નાટક ભજવવા એ સભ્યે જણાવ્યું અને તે માટે ૫૦૦ રૂપિયા આપવાની તૈયારી બતાવી. બીજા સભ્યોને થયું કે હવે કાબરાજી બરાબરના ફસાયા છે. પણ કાબરાજીએ દલીલો કરીને બીજા સભ્યોને પોતાની સાથે લઈ લીધા અને આ આમંત્રણ પણ સ્વીકાર્યું નહિ.

પોતાનાં નાટકો લઈ કાબરાજી મુંબઈ બહાર પણ અવારનવાર જતા. એ વખતના ઘણાખરા નાટક-લેખકોની જેમ રણછોડભાઈ ધંધાદારી નાટયકાર નહોતા. વ્યવસાયે તેઓ ગુજરાત-સૌરાષ્ટ્રનાં કેટલાંક દેશી રાજ્યોના મુંબઈ ખાતેના એજન્ટ તરીકે કામ કરતા. એટલે તેમની ઓળખાણોનો લાભ લઈને કાબરાજી ‘હરિશ્ચન્દ્ર’ નાટક લઈને ૧૮૭૬-૧૮૭૭ના અરસામાં ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હોય તે શક્ય છે. અને એ પ્રવાસ દરમ્યાન આ નાટક રાજકોટમાં ભજવ્યું હોય. એટલે સાત-આઠ વરસની ઉંમરે ગાંધીજીએ જે નાટક જોયેલું તે રણછોડભાઈ અને કાબરાજીનું આ નાટક હોઈ શકે.

બે થિયેટર બતાવતો ૧૮૯૩માં છપાયેલો મુંબઈનો નકશો

૧૮૭૦માં વિક્ટોરિયા નાટક મંડળીએ વિક્ટોરિયા નામનું જે થિયેટર બંધાવેલું તે ક્યાં આવ્યું હતું? આ લખનારના અંગત સંગ્રહમાં ૧૮૯૩માં છપાયેલો મુંબઈ શહેરનો એક નકશો છે (કોન્સટેબલ્સ હેન્ડ એટલાસ ઓફ ઇન્ડિયા, પાનું ૪૦) તેમાં ખેતવાડી બેક રોડ અને ફોકલેન્ડ રોડની વચ્ચેની એક ગલીમાં આ થિયેટરનું લોકેશન બતાવ્યું છે. ૧૮૫૩ના અરસામાં જગન્નાથ શંકરશેટે બંધાવેલા ‘ગ્રાન્ટ રોડ થિયેટર’નું લોકેશન પણ તેમાં બતાવ્યું છે. વી.ટી. સ્ટેશનના ઉત્તર દિશાના છેડાની સામે (આજે જ્યાં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની ઈમારત છે ત્યાં) પણ એક થિયેટરનું લોકેશન બતાવ્યું છે પણ તેનું નામ આપ્યું નથી. અને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની ઓફિસનું લોકેશન એલ્ફિન્સ્ટન (આજનું હોર્નિમેન) સર્કલ પર આજે જ્યાં ‘મુંબઈ સમાચાર’નું મકાન છે ત્યાં બતાવ્યું છે.

રાજા હરિશ્ચન્દ્રના નાટક વિષેની આજની વાત એ જમાનાના નાટકોની જેમ લાંબી થઇ ગઈ. હવે આવતે શનિવારે તેમના પર બનેલી ફિલ્લમની વાત. અને હા, શહેનશાહ પાંચમા જ્યોર્જ અને રાજા હરિશ્ચન્દ્ર વચ્ચેના સંબંધની વાત પણ બાકી છે. પણ ગમે તેવો માંધાતા ભૂપ પણ અમરપટો લખાવીને સિંહાસન પર નથી બેસતો. ‘હરિશ્ચન્દ્ર’ નાટકની ગરબીની પહેલી પંક્તિઓ યાદ આવે છે:

થીર ઠરીને કોઈ આ ઠામ રે નથી રહેવાનું,
કરી લો કાંઈ રૂડું કામ, રહેશે કહેવાનું

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 27 જૂન 2020

Loading

...102030...2,2912,2922,2932,294...2,3002,3102,320...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved