Opinion Magazine
Number of visits: 9574830
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (29)

સુમન શાહ|Opinion - Opinion|6 July 2020

= = = = આમ, distanceની સામે છે, nearness, સામીપ્ય. બધા પ્રકારના માનવીય બન્ધનું રસાયણ છે, સામીપ્ય. એમાંથી જન્મે છે સમ્બન્ધો અને સમ્બન્ધોની ખટમીઠી જાળ … = = = =

= = = = પ્રતિપ્રદા એટલે પડવો, એ પછી બીજનો ને પછી ત્રીજનો એમ ચન્દ્ર ક્રમે ક્રમે વિકસીને એક દિવસ પૂર્ણ થાય છે. ચન્દ્રકલા વિકસીને પૂર્ણિમા થાય છે. ગુરુ-શિષ્ય સમ્બન્ધનું પણ એમ જ છે = = = =

કોરોનાકાળમાં જરૂરી છે કે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય. વિજ્ઞાનીઓ, નિષ્ણાતો અને તેમને અનુસરતી સરકારો આ વાતનો એ કારણે આગ્રહ સેવે છે કે ચેપ ફેલાય નહીં ને કોરોનાને બને એટલો ડામી શકાય. આવા જ બીજા આગ્રહો છે, જેમ કે, કાર-ચાલકે બેલ્ટ બાંધવો, મોટરબાઇકરે હૅલ્મેટ પ્હૅરવો, રાહદારીએ ફૂટપાથ પર ચાલવું … આવા આગ્રહો પણ છે કે – જાહેરમાં ન થૂંકાય – એકી ન કરાય …

પણ પ્રજા એવા કશા આગ્રહોને વશ નથી થતી. વર્તમાનમાં ખાસ વાત એ છે કે સોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવતી. મુખ્ય દલીલ એ સાંભળવા મળે છે કે મારું શરીર છે, ચેપ મને લાગવાનો છે, તમારે શું છે ! સાંજ પડ્યે ૨૫-૩૦ જણા કૉમન પ્લૉટમાં ક્રિકેટ રમવા ભેગા થઈ જાય છે. કહે છે, ઘરની દીવાલો ખાવા ધાય છે, કંઈક ઍન્ટરટેઇન્મૅન્ટ તો જોઈએ કે નહીં? નજીકના પાર્કમાં પાનાં રમવા ૪-૬ જણા ભેળા થઈ જાય છે. એ લોકો એક જ ધૂન ગાતા હોય છે – જલસા કરો ને જૅન્તીલાલ ! બૂઢાઓ તેમને માટેના બાંકડે સાંકડે-માંકડે ગોઠવાઈ જાય છે – સરકારની આવડે એવી લગભગ કશા આધાર વિનાની ટીકાઓ કરવા. એ વાતમાં એમને ડિસ્ટન્સ નથી વરતાતું એટલે કહે છે – શું લઈને આવ્યા’તા ને શું લઈને જવાના? આ બધાઓએ દણ્ડની બીકે માસ્ક તો રાખ્યું હોય છે, પણ ગળે ખાલી લટકાવી રાખે છે. આ બધાઓ એક અર્થમાં મને કોરોના-વૉરિયર્સ લાગે છે. વૉર તેઓ જીતે તો સારી વાત છે, બાકી, હાર-સંભવ મોટો છે …

આનું મૂળ કારણ તો એ છે કે માણસ સામાજિક પ્રાણી છે. માણસને પોતાની વ્યક્તિતામાં જેટલો રસ છે એટલો જ સામાજિકતામાં પણ છે. વર્તુળ કે જૂથ ઊભું કરીને તેમ જ પક્ષ કે પાર્ટી બનાવીને જીવવાથી એને સારું લાગે છે. એકમેકના સંગાથમાં એને સર્વ વાતે સલામતી અનુભવાય છે. કશેક ટોળું બન્યું હોય તો ડોકિયું કરીને તેમાં સામેલ થયા વિના એનાથી રહેવાતું નથી. વર્તુળમાં સ્થિર ઊભો રહે છે ને વાટ જુએ છે કે ક્યારે મારો વારો આવે ને ગાંઠિયા-ભૂસું ને ખાખરા-સક્કરપારા લઈને ઘરભેગો થાઉં.

અને જુઓને, ગાયો ભેંશો ઘેટાં જેવાં પશુઓમાં જોવા મળતી ધણ-વૃ્ત્તિ – herd instinct – મનુષ્યજીવોમાં પણ હોય છે. નિત્શેના જરથુષ્ટ્રે જોયેલું કે લોક તો લોક છે, લોકડિયાં ! પરન્તુ એણે અને નિત્શેએ આશા સેવેલી કે એમાંથી જ સુપરમૅન નીપજી આવશે. સાર્ત્ર ભલે અન્યને – otherને – નર્ક કહેવા લગી ગયા, પણ એમને પાક્કી જાણ હતી કે એક માણસને બીજાની ઉપસ્થિતિમાં જ સ્વાતન્ત્ર્યનો અનુભવ થાય છે. બાકી, એ એકલો હોય છે. એકલતા અને સ્વતન્ત્રતા વચ્ચે પાકો ભેદ છે.

આ ભૂમિકાએ કશાં ડિસ્ટન્સ ન જળવાય તે એક સ્વાભાવિકતા છે. એથી સ્તો, ઊલટું, એ જુઓ કે આજકાલ એક જુદા જ સ્વરૂપની સહભાગીતા બલકે માનવીયતા આકાર લઈ રહી છે. પડોશીઓ એકમેકના ખબરઅંતર પૂછવામાં મૉડું નથી કરતા. પડોશણો નર્યા ભાવથી બોલતી હોય છે – એવું કંઈ હોય તો ક્હૅજો હૉં, તમારા ભાઈ દોડતા આવી જશે. લોકો કોરોનાવાઇરસના ફેલાવાની સાથે જ ઇન્ટરનેટના માધ્યમે કરીને મૉર ઍન્ડ મૉર કૉમ્યુનિકેટિવ થઈ ગયા છે. ઍપ્રિલમાં ‘ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ જણાવેલું કે વિડીઓ-ચૅટિન્ગમાં અભૂતપૂર્વ વધારો થઈ ગયો છે. +12.4% Google Duo (app). 73.3 % nextdoor.com (web). 79.4% Houseparty (app). એ વધારો નિત્યવર્ધમાન છે. અરે, ઘરઆંગણે જ જુઓને, જાણીતા લગભગ બધા જ વિદ્વાનો વિડીઓ પર આવી ગયા છે. અરે, બીજે-ત્રીજે દા’ડે એમાં કોઈ ને કોઈ ઉમેરાય છે. આયોજકો વેબિનારોથી સૅમિનારોની ખોટ પૂરવા મથી રહ્યા છે. ઑફ્ફલાઇન જે જે નથી થતું તે તે બધું ઑનલાઇન થઈ જશે, એ વાત હવે વિવાદથી પર લાગે છે.

ઈશ્વરને પણ થયેલું કે હું એક છું, બહુ થાઉં. એકલતા રમ્ય હોય છે પણ જીરવવી અતિ કઠિન છે. પ્રખર બુદ્ધિશાળી કે મહા બળશાળી વ્યક્તિ પણ બીજી વ્યક્તિનો સહવાસ ઝંખે છે. એકલ પુરુષ કે સ્ત્રી નિરન્તર સામીપ્ય ઇચ્છે છે.

આમ, distanceની સામે છે, nearness, સામીપ્ય. બધા પ્રકારના માનવીય બન્ધનું રસાયણ છે, સામીપ્ય. એમાંથી જન્મે છે સમ્બન્ધો અને સમ્બન્ધોની ખટમીઠી જાળ …

મને આ ક્ષણે ભારતીય કુટમ્બજાળ યાદ આવે છે : એમાં ભાભી છે, નણંદ છે, દીયર-દેરાણી છે, જેઠ-જેઠાણી છે, મામા-મામી અને માસા-માસી તેમ જ સાળા-બનેવી ને સાઢુ ને વળી સાળાવેલી પણ છે. સન્તાનને જન્મતાંવૅંત મા મળે છે, પિતા, ભાઈ-ભાંડુ, ને ક્રમે ક્રમે શેરીમાં દોસ્તદારો. સમ્બન્ધનો એના જીવનમાં બીજો પડાવ છે શાળા-કૉલેજ, યુનિવર્સિટી ખાતે. ત્યાં એને શિક્ષકો મળે છે. ત્યાં એને એનું ભાગ્ય હોય તો એના જીવનનો એક બહુ મોટો સમ્બન્ધ લાધે છે – ગુરુશિષ્ય સમ્બન્ધ.

ગઇ કાલે જ ગુરુપૂર્ણિમા હતી. મારું એવું મન્તવ્ય છે કે the guru-shishya sambndh is one of the great narratives offered to mankind by India. વિશિષ્ઠ વિશ્વામિત્ર સાંદીપની દ્રોણ શુક્રાચાર્ય જેવા મહાગુરુઓની વિવિધતાસભર કથાઓ વડે આ સમ્બન્ધ-વિચારનાં અનેક પરિમાણ અને પરિણામ પણ વિકસેલાં છે.

પણ કેટલો તો અર્થપૂર્ણ છે આ સમ્બન્ધ : પ્રતિપ્રદા એટલે પડવો, એ પછી બીજનો ને પછી ત્રીજનો એમ ચન્દ્ર ક્રમે ક્રમે વિકસીને એક દિવસ પૂર્ણ થાય છે. ચન્દ્રકલા વિકસીને પૂર્ણિમા થાય છે. ગુરુ-શિષ્ય સમ્બન્ધનું પણ એમ જ છે. શિષ્ય થવા ઝંખનારને એકદમ નહીં પણ ક્રમે ક્રમે સમજાય છે કે આ જ મારા ગુરુ છે અને એ જ રીતે ગુરુને પણ ધીમે ધીમે ખયાલ આવે છે આ જ મારો શિષ્ય છે. સમ્બન્ધનો સેતુ રચાય છે. એ સેતુ પર કોઈ ધન્ય ક્ષણે ગુરુ-શિષ્ય-મિલન સંભવે છે … એક લાક્ષણિક સહયાત્રા શરૂ થઈ જાય છે …

ગુરુનો પાર ન પામી શકાય કેમ કે એ સદા વિકસતો હોય, વળી, અખૂટ હોય. એવો હોય તે હંમેશાં કહે – મને લૂંટી લો. ગુરુને માન આપી શકાય. એની સાથે મતભેદ કરીને એ માનને દૃઢાવી શકાય. ગુરુની ખરી પૂજા એ હોય કે શિષ્ય કાયમ એની આંગળી પકડીને ચાલ્યા ન કરે કે એને ખભે બેસીને લ્હૅર ન કરે. એ જ ધોરણે, એ ગુરુના ટાંટિયા ન ખૅંચે. પરન્તુ ગુરુના વિચારને અનુસરે અને તે-તેને વિવિધ દિશાઓમાં લઈ જઈને પ્રસરાવે. ગુરુમન્ત્ર અગમનિગમ જેવો ન હોય, સરળ હોય. શિષ્યને એ ‘ઉત્તિષ્ઠ’ કહીને ઊભો કરે ને માત્ર દૃષ્ટિથી દર્શાવે કે – જો આ છે જીવન, સમજી લે. ગુરુ બાંધે નહીં, હંમેશાં મુક્ત રાખે. તેમ છતાં, ખરી વાત એ છે કે ગુરુ હોય તો જ શિષ્ય થવાય છે અને રહેવાય છે. અને એ જ રીતે, શિષ્ય મળ્યે ગુરુ થવાય છે અને રહેવાય છે – બાકી, રીટાયર્ડ થઈ જવાય છે …

આ કોરોનાકાળની ઝંઝાઝંઝટ વચ્ચે માનવીય સમ્બન્ધોની જાળ ટકી રહી છે તેને સદ્ભાગ્ય ગણી શકીએ, પણ ગુરુમન્ત્ર જેવું પેલું વચન ન ભૂલીએ કે -સ્ટે હોમ … સ્ટે સેફ …

= = =

(June 6, 2020: Ahmedabad)

Loading

ગુજરાતનો શિક્ષણ વિભાગ પેટ ચોળીને શૂળ ઊભું કરી રહ્યો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 July 2020

આ લખાય છે ત્યારે ગુરુપૂર્ણિમા છે. ગુરુનું માન ભર્યું સ્થાન એક કાળે હતું તેનું કારણ એ હતું કે ગુરુ  વિદ્યાનો વાહક હતો. તેની પાસે વિદ્યાર્થીઓને આપવાના આદર્શો હતા. ગુરુ જ્ઞાન આપતો ને વિદ્યાર્થી તે ગ્રહણ કરીને જીવનને સંસ્કારી ને સમાજોપયોગી બનાવતો. તે પછી તો મનુષ્યે અનેક પ્રકારની પ્રગતિ જ્ઞાન-વિજ્ઞાનને ક્ષેત્રે કરી, પણ ગુરુ અને વિદ્યાર્થીઓનું સ્થાન ઉત્તરોત્તર ઉતરતું ગયું છે. વિદ્યાર્થી વિદ્યાની ‘અર્થી’ ઉપાડી રહ્યો છે ને ગુરુ ‘માસ્તર’ થઈને રહી ગયો છે. બંનેમાં અપવાદો આજે પણ છે જ અને એના પર જ દુનિયા ટકેલી જણાય છે. એ ખરું કે સરકાર અને તંત્રો સુચારુ વ્યવસ્થા અને સંકલન માટે અસ્તિત્વમાં આવ્યાં, પણ થોડા અપવાદોને બાદ કરતાં પ્રજા કલ્યાણનાં કાર્યો ઘટતાં આવ્યાં છે ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર માટે જ સરકાર અને તંત્રો જાણે અસ્તિત્વ ધરાવે છે. એમાં જે ક્ષેત્ર ભ્રષ્ટ હોવું જ ન જોઈએ એ શિક્ષણનાં ક્ષેત્રમાં સૌથી વધુ ગેરવ્યવસ્થા ને ભ્રષ્ટતા જોવાં મળે છે.

આખા ય ભારતમાં સૌથી વધુ તુક્કાઓ ને તરંગો કોઈ શિક્ષણ વિભાગમાં ચાલતા હોય તો વિશ્વાસથી કહી શકાય કે તે ગુજરાતમાં ચાલે છે. કદાચ સૌથી વધુ નધણિયાતો વિભાગ શિક્ષણ વિભાગ છે અથવા તો એને કોઈ કહેનારું નથી કે પછી એની કોઈ જવાબદારી બનતી ન હોય એ રીતે તે વર્તે છે. તમામે તમામ વર્ગોને, સ્કૂલ કક્ષાએ ચાલી રહેલાં ઓનલાઈન શિક્ષણનો સખત વિરોધ છે, પણ આ વિરોધ બહેરા કાને અથડાઈને રહી ગયો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ૨૯-૩૦ જુલાઈએ શિક્ષણ વિભાગ તમામ ધોરણોની ૧ કલાકની પરીક્ષા લેવાનો છે ને આ પરીક્ષા બધી સ્કૂલો માટે ફરજિયાત છે. આની સામે યુનિવર્સિટીની પરીક્ષાઓ અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવામાં આવી છે. આખા શિક્ષણ વિભાગને કોઈ મનોવૈજ્ઞાનિક સારવારની જરૂર જણાય છે અથવા તો એમ માનવું પડે કે તે મનસ્વી રીતે વર્તવામાં જ પોતાની સાર્થકતા અનુભવે છે.

ધોરણ બારમાં કોઈક કારણસર પરીક્ષા ન આપી શકનાર કે નાપાસ થનાર વિદ્યાર્થીની વિજ્ઞાન વિભાગમાં પૂરક પરીક્ષા ફી લઈને લેવાય છે. એ સારો ઉપક્રમ છે. અહીં આશ્ચર્ય એ વાતે થાય કે સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા કેમ નથી લેવાતી? એ પરીક્ષા લેવડાવવા માટે વિદ્યાર્થી મંડળોએ ધરણા કરવા પડ્યા. શિક્ષણ વિભાગને કુટેવ પડી ગઈ છે કે વિરોધ ન થાય ત્યાં સુધી પોતાની સમજ વાપરીને કોઈ નિર્ણય લેવો જ નહીં.

આવો વિરોધ પ્રાથમિક શિક્ષકોએ કરવો પડે એવું કારણ શિક્ષણ વિભાગે ૪ જુલાઈએ આપ્યું છે ને સરકાર નહીં માને તો શિક્ષકો મોટું આંદોલન છેડશે એવું લાગી રહ્યું છે. આમ પણ શિક્ષકોની ભરતી કરવામાં સરકાર ને શાળા સંચાલકો અખાડા કરતા જ રહે છે. ધારો કે શિક્ષકોની ભરતી કરે તો શિક્ષકોને તેમનો હક કઈ રીતે ન મળે એનાં છીંડાં જ તંત્રો શોધતાં રહે છે.

પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૦ પછી જે શિક્ષકો ભરતી પામ્યા છે એમના પેટ પર પગ મૂકવાનું સરકારે નક્કી કર્યું છે. નવ વર્ષે મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણનો ગ્રેડ ૪,૨૦૦ રૂપિયા નક્કી થયેલો છે. તેનો એક પરિપત્ર દોઢેક વર્ષ પર કરીને, શિક્ષણ વિભાગે, ૪,૨૦૦નો ગ્રેડ ઘટાડીને ૨,૮૦૦ કરી નાખ્યો છે. આનો ત્યારે જ શિક્ષકોએ વિરોધ કરેલો. સરકારે ત્યારે એક સમિતિ રચેલી. એ સમિતિએ એઝ યુઝવલ કંઈ ન કર્યું ને વાત હવે વકરી છે ત્યારે પેલી સમિતિ ને સરકાર, બંને ચૂપ છે. નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો હોય ને તે યોગ્ય છે કે નહીં, તેની સ્પષ્ટતા વિભાગે પોતે કરવાની હોય, તેને બદલે સરકાર સમિતિ પાસેથી કામ લે છે. આ કામ લેવાનું ભાગ્યે જ ઉપકારક નીવડતું હોય છે. મોટે ભાગની સમિતિઓ હાજરી ને હોજરીનું જ ધ્યાન રાખતી હોય છે તે આટલા અનુભવો પરથી પણ સરકારને સમજાતું નથી તે દુખદ છે.

શિક્ષણ વિભાગે આવું કેમ કર્યું, તેનું કોઈ કારણ અપાયું નથી. બસ કર્યું એટલું જ શિક્ષકોએ સમજવાનું રહે. સરકારે સામે ચાલીને મધપૂડો છંછેડ્યો છે. દેખીતું છે કે શિક્ષકોને વાંધો પડે જ! લગભગ ૧૭,૦૦૦થી વધુ શિક્ષકોએ ઓનલાઈન અને ટ્વીટર પર વિરોધ કર્યો છે ને આમાં વધુ શિક્ષકો જોડાય તો નવાઈ નહીં. રાજ્યના ૬૦ હજારથી વધુ શિક્ષકો સરકારના આવા અણઘડ પરાક્રમથી દર મહિને અંદાજે ૧૦,૦૦૦થી વધુ રકમનું નુકસાન વેઠી રહ્યા છે.

ક્યાં ય પણ આર્થિક કાપ મૂકવાનો હોય તો સરકારની નજર પ્રાથમિક શિક્ષક પર પહેલાં બગડે છે. ઉચ્ચતર પગાર ધોરણનો મળવા પાત્ર ગ્રેડ જે તે શિક્ષકનો અધિકાર છે ને તે વિરોધ કે આંદોલન વગર મળે જ નહીં એ કેવું? આ કેવળ ને કેવળ શરમજનક છે. ઉચ્ચ અધિકારીઓ, વિધાન સભ્યો, સાંસદોને ન મળવા પાત્ર પણ ઘણું બધું મળતું હોય છે તો જેને મળવા પાત્ર ગ્રેડ છે તેના પર કાપ શું કામ?તઘલખને સારો કહેવડાવે એવા તુક્કા સરકારને આવે છે ને લાંબો વિચાર કર્યા વગર તે લાગુ પણ કરી દે છે.

૨૦૧૦ પહેલાં ભરતી થયેલા શિક્ષકને ૪,૨૦૦નો ગ્રેડ આજે મળે જ છે, પણ તે પછી ભરતી થયેલાને ૪,૨૦૦ને બદલે ૨,૮૦૦નો ગ્રેડ મળે (સીધો ૧,૪૦૦નો તફાવત). આ ભેદ શિક્ષકોમાં પણ ભેદભાવ રખાવશે. બે શિક્ષકો એક જ પ્રકારનું સરખું કામ કરતા હોય, પણ તેમના પગારમાં તફાવત રહે તો તેમની વચ્ચે સ્વસ્થતા નહીં રહે ને આ સ્થિતિ અનેક સમસ્યાઓને જન્મ આપશે. એક તરફ કોરોના મહામારીને કારણે અનેક લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય ને શિક્ષક પણ એમાંથી બાકાત ન હોય ત્યારે સરકાર કારણ વગરનો વિવાદ છેડે તે કોઈ રીતે યોગ્ય નથી.

અહીં શિક્ષકો કામ નથી કરતા કે તેઓ દુર્વ્યવ્હારોમાં સંડોવાયેલા છે એવો આરોપ આવી શકે ને તે સાવ ખોટું છે એવું ય નથી, પણ બધા શિક્ષકો એવા છે એવું કહી શકાય નહીં. જે પણ જવાબદાર છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેનો વાંધો નથી, પણ તેનો અર્થ એવો નથી કે શિક્ષકોને મળવા પાત્ર પગાર ગ્રેડમાં કાપ મૂકી દેવાય. બધે જ પગાર ધોરણો વધતાં હોય, સાંસદો ગમે ત્યારે પગાર વધારી લેતા હોય, એટલું જ નહીં, હક વગરનું પેન્શન પણ ગજવે ઘાલતા હોય તો શિક્ષકની ગરદન મારવાનો આખો ઉપક્રમ કોઈ ગુનાથી ઉતરતો નથી. સરકાર એક બહાનું જરૂર કાઢી શકે કે તેની પાસે પૈસા નથી. એ સાચું પણ છે, પણ એવા તો કેટલાં બધાં લોકો છે જેમને આવક મહિનાઓથી બંધ છે ને ખર્ચ તો ચાલુ જ છે. સરકાર તો દિવસો સુધી પેટ્રોલના ભાવ વધારીને ઉપરની આવક પણ કરી લે, પણ મધ્યમવર્ગ આવક વધારવા કોનો ભાવ વધારીને ઉપરની આવક મેળવે? એ ક્યાં જાય? પ્રાથમિક શિક્ષક મધ્યમવર્ગનું જ પ્રતિનિધિત્વ કરે છે, એવા ૬૦ હજારથી વધુ શિક્ષકોને મળવા પાત્ર ગ્રેડથી વંચિત રાખવાનું પાતક સરકાર શું કામ વહોરી રહી છે તે નથી સમજાતું.

પ્રાથમિક શિક્ષક, શિક્ષણ વિભાગનું ઓરમાયું સંતાન છે. ચૂંટણી આવી રહી છે? તો તેની કામગીરી સોંપો શિક્ષકને. વસતિ ગણતરી કરવાની છે? મોકલો ‘માસ્તર’ને! રસી, ટીકાનું કામ છે તો બોલાવો પ્રાથમિક શિક્ષકને, મંત્રી આવવાના છે ને વિદ્યાર્થીઓને ટાઢ તડકામાં ઊભા રાખવાના છે, તો એ કામ સોંપો શિક્ષકને, કોરોનાનો સરવે કરવાનો છે? તો માસ્તર ક્યારે કામ આવશે? આજનો જ દાખલો લઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળમાં જરૂરી વસ્તુઓ પહોંચાડવાની જવાબદારી શિક્ષકને નામે ચડાવાઈ છે. એવાં તો કેટલાં કામો છે જે શિક્ષકને માથે વર્ષોથી મરાતા આવ્યા છે ને શિક્ષકોએ તે મૂંગા મોઢે કર્યા પણ છે. તે તેનું શિક્ષણકાર્ય વફાદારીથી કરી જ ન શકે એ રીતે તેને બીજાં કામો નિયમિત રીતે સોંપાતા જ રહે છે. એમાં જો વર્ગનું પરિણામ નબળું આવ્યું તો આ જ વિભાગ શિક્ષકને માથે પસ્તાળ પાડે છે. તેને શિક્ષણકાર્ય કરવાની પૂરતી મોકળાશ જ ન હોય તો તેના વર્ગનું પરિણામ નબળું આવે તેમાં તેનો વાંક કાઢી શકાય નહીં. વિદ્યાર્થીઓનું પાયાનું શિક્ષણ એ જ કારણે કાચું રહી જાય છે એ સરકારથી માંડીને દરેક લાગતા વળગતાઓએ સમજી લેવાનું રહે. શિક્ષણ વિભાગે ‘માસ્તર’ અને મજૂર વચ્ચે ફરક કરવો જ પડશે. એ ફરક નહીં કરવામાં આવે તો નબળાં શિક્ષણનો દોષ શિક્ષકનો નહીં, પણ શિક્ષણ વિભાગનો જ ગણાય તે સમજી લેવાનું રહે.

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “ધબકાર”, 06 જુલાઈ 2020

Loading

ભારતમાં બેડરૂમથી લઇને બોર્ડરૂમ સુધી કાળી ચામડી પ્રત્યે ભેદભાવ એકદમ સ્પષ્ટ છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 July 2020

અશ્વેત અમેરિકન-આફ્રિકન જ્યોર્જ ફ્લોયડની હત્યા પછી, અમેરિકા અને યુરોપનાં અન્ય શહેરોમાં ફાટી નીકળેલા રંગભેદ વિરોધી ‘બ્લેક લાઈફ મેટર્સ’ (અશ્વેતો પણ માણસ છે) અંદોલનનાં પગલે, કન્ઝ્યુમર, મેડિકલ અને ફાર્માસ્યુટિકલ ચીજવસ્તુઓની માંધાતા કંપની જોહ્ન્સન એન્ડ જોહ્ન્સને ત્વચાને ગોરી બનાવતી તેની ધ ન્યુટ્રોજીન અને ક્લીન એન્ડ ક્લિયર પ્રોડક્ટને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેનાં પગલે ભારતમાં હિન્દુસ્તાન યુનિલીવરે તેની ૫૦ વર્ષ જૂની સૌથી લોકપ્રિય ક્રીમ ‘ફેયર એન્ડ લવલી’માંથી ‘ફેયર’ શબ્દ હટાવવાનો નિર્ણય કયો છે. કંપનીએ કહ્યું છે કે, “ફેયર, વ્હાઈટ અને લાઈટ જેવા શબ્દો એક જ પ્રકારની ખૂબસૂરતીની ગ્રંથિ પેદા કરે છે અને એ બરાબર નથી, અમે તેને સુધારી રહ્યા છીએ.

આમ તો આ નામ-ફેરનો પ્રતિકાત્મક બદલાવ જ છે, પરંતુ ભારત જેવા સમાજમાં, જ્યાં કાળી ત્વચા પ્રત્યે ભારોભાર પૂર્વગ્રહ પડેલા છે, ત્યાં આટલો ફેરફાર પણ સ્વાગતને પાત્ર છે. ભારતમાં ત્વચાના રંગના આધારે થતા ભેદભાવ સામે ૨૦૦૯માં શરૂ થયેલી ‘ડાર્ક ઇસ બ્યુટીફૂલ’ ઝુંબેશમાં ભાગ લેનારી એક્ટ્રેસ નંદિતા દાસ કહે છે, “ભારતમાં કોસ્મેટિક ઉદ્યોગ પણ વહેલાં કે મોડાં રંગભેદને પ્રોત્સાહન આપવા સામે સાવધ થવું પડશે. જો કે આ ભેદભાવ માટે ચીજવસ્તુઓ વેચતી કંપનીઓ જવાબદાર નથી. એ તો સમાજમાં પડેલા સદીઓ જૂના પૂર્વગ્રહનો લાભ લઈને પૈસા કમાવા માટે ક્રીમ વેચે છે. ગોરી ત્વચા માટે આપણામાં જે ભૂત સવાર છે, તેનો ઉપાય તો લોકોએ જ કરવો પડશે.”

‘ડાર્ક ઇસ બ્યુટીફૂલ’ની ઝુંબેશ શરૂ કરનાર કવિતા એમાન્યુઅલ કહે છે, “અમારા માટે તો આ મોટી સિદ્ધિ છે. લાગે છે કે લોકોનો સૂર બદલાયો છે. એ કેવો આકાર ધારણ કરે છે, તે તો હજુ ભવિષ્યમાં ખબર પડશે. ‘ફેયર’ શબ્દને પડતો મુકવો પૂરતો છે?” ના, નથી. ભારતીય સમાજમાં કાળી ત્વચા સામેની ઘૃણા અને ગોરી ત્વચા પ્રત્યેનો પ્રેમ બહુ ઊંડો છે, અને ભારતીય પરિવારોમાં ખુલ્લેઆમ તેનું પાલન થાય છે. ચાહે લગ્ન હોય કે વ્યવસાય, સિનેમા હોય કે ટી.વી., સુંદરતા, બૌદ્ધિકતા, પ્રતિભા અને ઉમદા હોવાના સર્વે ગુણો ‘ગોરા’ રંગ સાથે જોડાયેલા છે. જેનો રંગ શ્યામ છે, તે વ્યક્તિ બધી રીતે ઊતરતી છે.

૨૦૧૪માં, એડ્વર્ટાઇજ઼િંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ શ્યામ રંગને ઊતરતો બતાવતી જાહેર ખબરો પર પ્રતિબંધ ફરમાવ્યો હતો, પણ આ પ્રશ્ન પ્રોડકટ પૂરતો સીમિત નથી. તેનાં મૂળિયાં ભારતની ઊંચનીચની સમાજ વ્યવસ્થામાં છે. ૨૦૧૫માં ભા.જ.પ.ના કેન્દ્રીય મંત્રી ગિરિરાજ કિશોરે કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમની ત્વચાના રંગ માટે નિશાન બનાવ્યા હતા, એમાં નાઈઝીરિયન સરકાર નારાજ થઇ ગઈ હતી. ભારતીય સમાજ ત્વચાના રંગને કેટલું મહત્ત્વ આપે છે, તેની સાબિતી આપતા હોય તેમ, ગિરિરાજે ત્યારે ‘પ્રશ્ન’ પૂછ્યો હતો કે, “જો રાજીવ ગાંધીએ કોઈ નાઈઝીરિયન મહિલા સાથે લગ્ન કર્યા હોત, અને તેની ચામડી ગોરી ના હોત, તો શું કૉન્ગ્રેસ પાર્ટીએ તેનું નેતૃત્વ સ્વીકાર્યું હોત?”

ભારતમાં બેડરૂમથી લઇને બોર્ડરૂમ સુધી કાળી ચામડી પ્રત્યે ભેદભાવ એકદમ સ્પષ્ટ છે. શ્યામ રંગી છોકરીને લગ્ન માટે પસંદ નથી કરવામાં આવતી અને નોકરીમાં તેને ‘હોંશિયાર’ ગણવામાં નથી આવતી. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના બ્રાહ્મણવાદમાં પણ ગોરા-કાળાનો ભેદ સંપૂર્ણ છે. નંદિતા દાસ કહે છે, ‘આપણે ત્યાં કાળા રંગને લઇને હીણ ભાવના છે. હું પોતે શ્યામ છું અને બચપણથી જ મને એ અહેસાસ કરાવવામાં આવતો હતો કે મારા રંગમાં કંઇક કમી છે.'

આપણે ત્યાં ગોરો રંગ સુંદરતાનો પર્યાય છે. તમે સવારે છાપાં ખોલો, બ્યૂટી મેગેઝિન ઉથલાવો, ટી.વી .સિરિયલ જુઓ કે સિનેમા જોવા જાવ, એ લોકો કોઇ ને કોઇ રીતે સતત એનો અહેસાસ કરાવતા રહે છે કે તમે જેવા દેખાવ છો, તે પૂરતું નથી. બોલિવૂડની સચ્ચાઇ એ છે કે મિથુન ચક્રવર્તી હોય કે રેખા, કલાકારોને ગોરા બનાવીને પરદા પર પેશ કરવામાં આવે છે. માઇકલ જેક્શનની શોહરત જ બ્લેક મ્યુઝિકની દુનિયામાંથી આવી હતી, પણ એની પાસે સાંબેલાધાર પૈસા આવી ગયા એટલે એ દવાઓના સહારે ગોરો થઇ ગયો.

ભારતમાં કાળી ચામડીને ગોરી બનાવતી ફેરનેસ ક્રીમનો કારોબાર 2,200 કરોડનો છે. એક્ટર શાહરરૂખ ખાને પુરુષો માટેની ફેરનેસ ક્રીમ પણ લોન્ચ કરી હતી. એની પાછળ એ હકીકત છે કે સ્ત્રીઓ માટેની પ્રખ્યાત ક્રીમ ફેર એન્ડ લવલીના કુલ વેચાણમાંથી 30 પ્રતિશત પુરુષ ખરીદદાર છે. કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીનું પૂરું જોર સંસારની દરેક છોકરીને ગોરી અને સેક્સી બનાવવા ઉપર છે. તમે કોઇ એવી ક્રીમ જોઇ છે, જે ગોરી ચામડીને કાળી બનાવે અને એની જબ્બર ડિમાન્ડ હોય? એ એન્ડ એમ નામની પત્રિકાએ વર્ષો પહેલાં એક સર્વેમાં કહેલું કે ગોરી ક્રીમોની સૌથી વધુ ડિમાન્ડ દક્ષિણ ભારતમાં છે. થોડાં વર્ષ પહેલાં બજારમાં સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટને ગોરા બનાવવા માટેની ક્રીમ પણ આવી હતી.

દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રી જાનકી અબ્રાહમ કહે છે કે, ‘પારંપરિક જાતિવાદમાં ગોરી ત્વચાને ઊંચો દરજ્જો મળ્યો તેનું કારણ એ કે બ્રાહ્મણો ગોરા રંગના હતા. બ્રિટિશરો ભારતમાં આવ્યા, એટલે ગોરો રંગ સત્તા અને તાકાત સાથે જોડાઇ ગયો.’ સમાજવાદી રામમનોહર લોહિયા કહેતા હતા કે સૌંદર્યની વ્યાખ્યા વિકૃત રાજનીતિમાંથી આવી છે. ગોરી ચામડીવાળા યુરોપિયનો પાસે દુનિયાની જેટલી સત્તા અને સમૃદ્ધિ હતી એટલી શ્યામ રંગી પ્રજા પાસે રહી નથી. લોહિયા લખે છે, ‘અગર આફ્રિકાની નિગ્રો જાતિએ ગોરાઓની જેમ દુનિયા પર રાજ કર્યું હોત, તો સ્ત્રીઓની સુંદરતાની પરખ જુદી રીતે થઇ હોત.’

આપણે કૃષ્ણના શ્યામ રંગમાં ય બ્લૂ રંગ જોઇએ છીએ (કારણ કે ભૂરો રંગ દિવ્યતાનો, આકાશનો રંગ છે) તે શ્યામ રંગ પ્રત્યેનો આપણો ભેદભાવ છે. ઓરિસ્સાની પટ્ટાચિત્ર પેઇન્ટિંગ કળામાં કૃષ્ણ અને વિષ્ણુનો રંગ કાળો છે, પરંતુ બળરામ અને શિવને દોરતી વખતે સફેદ રંગ વપરાય છે. કૃષ્ણને શ્યામ રંગના કારણે હીણતાની ભાવના છે. રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં હિન્દી ભાષાના પ્રખર કવિ પંડિત નરેન્દ્ર શર્મા લખે છે, ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી, મૈં ક્યો કાલા?’ એ ગીતમાં મા યશોમતી કંઇ કેટલા ય ખુલાસા કરે છે પણ પેલાને ગળે નથી ઊતરતા. આવા સંજોગોમાં ફેયર અને લવલી ક્રીમનો પહેલો ખરીદદાર કદાચ કૃષ્ણ હોત!

કૃષ્ણ અને શ્યામનો સંજ્ઞા અને વ્યક્તિવાચી સંજ્ઞા તરીકે એક જ અર્થ થાય છે : કાળો. પરંતુ આપણે શ્યામને અપનાવવા માટે એમાં બ્લૂ કલર ઉમેરી દીધો અને કાળાને તિલાંજલિ આપી. આ કારણથી જ હિન્દુઓમાં વ્યક્તિવાચી સંજ્ઞા તરીકે શ્યામભાઇ (દાખલા તરીકે શ્યામ બેનેગલ) સ્વીકાર્ય છે પણ કાળુભાઇ નહીં. ‘શોલે’ ફિલ્મમાં ‘તેરા ક્યા હોગા, કાલિયા?’વાળો ડાકુ માત્ર નાકામ અને નાલાયક જ નહીં, ચામડીથી પણ કાળો છે. કોઇને વિચાર આવે ખરો કે ગબ્બર, જે સરદાર છે, સત્તામાં છે, તે ઊજળો છે અને ક્ષત્રિય છે?’

શ્યામવર્ણી શાબાના આઝમી નાની હતી ત્યારે એનામાંથી શ્યામ રંગની હીણતા દૂર કરવા પિતા કૈફી આઝમીએ તેને સોનેરી વાળ અને બ્લૂ આંખોવાળી ગુડિયાને બદલે કાળી ત્વચા અને આંખોવાળી ઢીંગલી સાથે રમતાં શીખવ્યું હતું. કૈફીએ ત્યારે શબાનાને કહેલું, ‘શ્યામ હોવું એ સારી વાત છે અને કાળા હોવું એ તો સુંદરતાની નિશાની છે.’

આવાં મા-બાપ ક્યાં મળે?

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 જુલાઈ 2020

Loading

...102030...2,2812,2822,2832,284...2,2902,3002,310...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved