Opinion Magazine
Number of visits: 9680884
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્ષમા! ક્ષમા!

હિમાંશી શેલત|Opinion - Opinion|15 August 2020

તિર્યકી

ઃ બધું પછી, પહેલાં તારી નિષ્ક્રિયતાનું શું, તે કહે!

ચોમરથી પડઘા પડ્યા પ્રશ્નના. ભય સ્વાભાવિક. પ્રભુ પધારેલા પાંચ ઑગસ્ટે, એટલે એ વિચાર પહેલો. અમારી કઈ નિષ્ક્રિયતા એમણે પકડી પાડી? અમે એટલે મૂર્તિમંત સક્રિયતા! સતત ઝંપલાવનારાં, કૂદી પડાનારાં, ટેકા લઈ દોડનારાં, તે ક્યાં પાછાં પડ્યાં હોઈશું? સમજાયું નહીં. સામે સવાલ પૂછવા જેટલું સાહસ અમારી પાસે ક્યાં? ઊભાં રહ્યાં નતમસ્તક.

ઃ આમ તો બહુ બોલે છે લોક સામે, આજે મૌન! તને પૂછી રહ્યો છું, સંભળાય છે?

હક્કાબક્કા અમે આગળપાછળ જોવા લાગ્યાં, વાંકમાં આવેલા અપરાધી પેઠે.

ઃ અઢાર કરોડ જેવી અધધ રકમ આપી તેનું કંઈ નહીં, પણ તે ઘડીએ ધગધગતા રસ્તે માથે સૂરજ લઈને ભૂખ્યાં-તરસ્યાં વતન ભણી દોડતાં શ્રમજીવીઓ યાદ ન આવ્યાં? ત્યારે કેમ દાતાઓ પાસે હાથ ન લંબાવ્યો તેં, કે બીજાં કોઈએ પણ? કેવી અસહ્ય હતી એ સ્થિતિ, ભાન ન પડ્યું?

ઃ એમાં તો એવું થયું, કે જાણે એમ કે, એટલે કે …

ઃ ચૂપ! એકદમ ચૂપ! બચાવ રહેવા દેજે! રગેરગ જાણું તમારી જમાતને. સંવેદનાના સોગંદ ખાઈને, આંખે આંસુનાં તોરણ બાંધીને, માણસાઈ કાજે મરી પડવાની વાતો કરનારાં તમે જ, કે કોઈ બીજાં? ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવાની લાયકાત પણ ગુમાવી બેઠાં તમે લોક! સાવ લખી વાળેલાં!

ઃ અમે એમાં નહીં. અમને તો અઢાર કરોડનાં મીંડાં ગણતાં પણ નથી આવડતું. ગોથા ખાઈએ. અમારી પાસે તો રોકડ હતી જ ક્યાં, તે દાન કરીએ! ને બસોપાંચસોમાં શું આપવું?

ઃ તમે નહીં, ને તમારાં યાર દોસ્તો, ઓળખીતાંઓ, તમારી જનમભૂમિના ભામાશાઓ, શરમ આવી જરાયે? જીવતું લોક નકામું, અને અમારે નામે ધનના ઢગલા? આવડી નફ્ફટાઈ શોભે ખરી ? આવડો મહેરામણ અટવાતો જોઈને મારી આંખ ભીની થઈ ગઈ તે તમને ના સૂઝયું દાનધરમની હાકલ કરવાનું? અત્યારે વ્હાલેશરી થવા દોડી નીકળ્યા ખુશામતિયા, નર્યા બોદા અને …

ઃ ક્ષમા! ક્ષમા! અમે તો આપના દર્શને નથી આવતાં વરસોથી, આપે જ્યારથી અમને કહ્યું, કે આપે નિવાસસ્થાન બદલ્યું છે ત્યારથી …

ઃ જવા દે એ અપ્રિય બાબત. તારી નિષ્ક્રિયતાનું શું, એ બોલ! તું નહીં ને તારી આસપાસનાં દોડીદોડીને હાથ જોડતાં રહ્યાં, બધાં પર્વોમાં આગલી હરોળમાં બેસી થાળી, ના થાળી નહીં, તાળી વગાડતાં રહ્યાં, દેશપરદેશ ભમ્યાં પારકે પૈસે, અને કૃપા ભેટો ઉઘરાવી, લાંબી લેખણે આ બધું ચીતરી માર્યું અને શું પરાક્રમ કરી નાંખ્યું હોય એમ જયકાર કર્યો, પડ્યો વચ્ચે ક્યારે ય? આ તો પેલી મૃત માતાના શરીરની ચાદર ખેંચતું બાળ જોયું તેની પીડા. થયો હાથ લાંબો તારો, એક વાર પણ?

ઃ એવું તો કોને પૂછું જ્ઞાનીને, કે દાનીને? અમે તો અદના નાસ્તિકમાં ખપીએ, કરડી ખાય ભક્તો અમને! ટૂંપી ખાય!

ઃ તો તારો દંડ સાંભળ. શ્રમજીવીના એક પરિવારને પાંખમાં લેવો પડશે, રસ્તે જેટલાં મૂઆં એમનાં છૈયાં છોકરાંને છાંયડી કરવા દાન ઉઘરાવવું પડશે, ને યજમાનોએ કંઈ સિક્કા-બિક્કા આપ્યા હોય તેમાંથી … થશે આમાંનું એકાદ પણ?

ઃ ક્ષમા ! ક્ષમા ! અમે રંક તો કેવળ બધ્ધહસ્ત ઊભાં રહેવાનું જાણીએ, ફાવે અમને મહિમાગાન અને બહુ બહુ તો …

ઃ તો જા, ભોગ તારા, એવો તો હતાશ છું તારાથી કે … શાપ દેવાનું યે મન નથી થતું ! એમાંયે લાયકાત જોઈએ.

ઃ પણ કો’કે કર્યું છે સારું કામ, અમે નહીં જો કે, પણ કો’કે …

ઃ ઠીક, પણ તારી નિષ્ક્રિયતાનું શું ? બોલ તો ખરો !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2020; પૃ. 16

Loading

‘ખેલ’

દુર્ગેશ ઓઝા|Opinion - Short Stories|15 August 2020

રામજી નામધારી નટ-બજાણિયાનો ખેલ શરૂ થયો. જમીન પર ટેકવેલા વાંસડાના સથવારે એક યુવાન ઉપર ચડવા લાગ્યો. આજના ખેલની નવીનતા કે વિશેષતા … જે ગણો તે આ દેખાવડો, તંદુરસ્ત યુવાન હતો; જેને આ પહેલાંના ખેલોમાં કોઈએ ક્યારે ય નહોતો દીઠો. મોટા ભાગે તો રામજીની પત્ની ગંગા ઢોલ કે એવું વાંજિત્ર વગાડતીને રામજી અને એનો દીકરો મોહન ખેલ કરતાં. એને બદલે આજે રામજી બીજા પાસે ખેલ કરાવીને ‘નવો ખેલ’ કરતો હતો ! એ નવોસવો યુવાન દોરડા પર ચાલવાનો જોખમી ખેલ પાર પાડવા જઈ રહ્યો હતો. એ દોરડાને દોરડું કહેવું ય મુશ્કેલ બને એટલી હદે એના વળ વીંખાઈ ગયાં હતાં. હા, એને પાતળી દોરડીનું નામ આપી શકાય. જો કે રામજી માટે તો આ દોરી જીવાદોરી સમ હતી ને વાંસ હતો એનો શ્વાસ. વંશપરંપરાગત ચાલી આવતા આ ખેલને રામજી નિષ્ઠાપૂર્વક વળગી રહ્યો હતો.

વાંસડાના ઉપલા ભાગમાં એ યુવાન સમતુલા જાળવી બેસી ગયો ને પછી કમરે ભેરવેલી બંસરીને હોઠ પર મૂકીને એણે છેડી. ચોતરફ સૂરનું પૂર ફરી વળ્યું, જેને લીધે છટકી જવા માંગતાં કેટલાંક દર્શકો જડવત્ ખોડાઈને આ ચેતનરૂપ સ્વરોને બસ સાંભળી જ રહ્યાં ! ને કેટલાંક નવા માણસો પણ ભીડમાં દાખલ થયા, જેમાં મધ્યમ તેમ જ ઉચ્ચ ધનિક વર્ગનો પણ સમાવેશ થતો હતો. ખેલમાં બંસરીનો પ્રયોગ સૌ પ્રથમ વાર થઈ રહ્યો હતો. તેણે સારું આકર્ષણ જમાવ્યું. યુવાનની પ્રયોગશીલતા સૌ આનંદભેર માણી રહ્યાં, જેમાં કુતૂહલ પણ ભળ્યું હતું.

થોડીવાર પછી બંસરીના સૂર થંભ્યા અને યુવાનના પગ નર્તન કરી રહ્યાં. હા, હવે તેણે દોરડા પર ચાલવાનું શરૂ કર્યું હતું. જો એ જરા પણ સમતુલા ગુમાવે તો ખેલ ખલાસ … ભૂલેચૂકે ય જો એ ‘નીચે’ પડી જાય તો ‘ઉપર’ પહોંચી જાય એવો ખેલ ભજવાઈ રહ્યો હતો. લોકો વિવિધ અભિપ્રાય વ્યક્ત કરવા લાગ્યા, ‘આ યુવાનને તો ખેલમાં પહેલી જ વાર જોયો હોં ! અપ-ટુ-ડેટ છે. લાગે છે તો ભણેલગણેલ. ઓફિસની ખુરશીને લાયક નથી લાગતો ? વખાનો માર્યો લાગે છે. પેટ કરાવે વેઠ. આજકાલ નોકરી ક્યાં મળે છે ? જે હોય તે. બાકી જુવાન છે તો ભારી રૂપકડો. ખાનદાન કુટુંબનો લાગે છે. બોલો લાગી શરત ….?’ ત્યાં વળી નવું કૌતુક સર્જાયું. દોરડા પર ચાલતા ચાલતા રામજી કે મોહન ક્યારે ય કશું બોલતા નહીં. બોલવા લાગે તો પગ ડોલવા માંડે. હા, નીચે ઢોલ કે એવું વાજિંત્ર વાગતું. જ્યારે અહીં તો આ યુવાન સ્વસ્થપણે બોલીને લોકોના હૃદયને ડોલાવી રહ્યો હતો : ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન, સે ઇન્ડિયા ઇઝ ગ્રેટ. રાધર વ્હોલ વર્લ્ડ ઇઝ ગ્રેટ. વી ઓલ આર ફ્રેન્ડ્સ. આપણા સૌમાં પ્રેમની જ્યોતિ અખંડપણે પ્રકાશતી રહે. તમને સૌને મારી શુભેચ્છા. બેસ્ટ લક તો યુ ઓલ … સૌને રામરામ, સલામ ….!’

અને યુવાનની આવી લહેકાદાર, લાગણીભરી વાક્ધારાથી ઉચ્ચ વર્ગના કાન સૌ પહેલાં ચમક્યા : ‘માળો ! આ તો અંગ્રેજીમાં બોલે છે ! ગોખ્યું લાગે છે … ને ગુજરાતી પણ કેવું સુંદર ! માણસ મુશ્કેલીમાં લાગે છે. આપણે યથાશક્તિ મદદ કરવી જોઈએ …..’ સૌ હ્રદયની ભાષામાં એકબીજા સાથે, પોતાની સાથે વાતચીત કરી રહ્યાં. બધા ધર્મને સાંકળી લેતા વાક્યોની પ્રેમસભર રજૂઆત વડે યુવાને લોકોનું મન જીતી લીધું. બોલે તેના બોર વેચાય તે આનું નામ. ફરી એણે સૂરો વહેતા કર્યા ને લોકો ભાવવિભોર થઇ ઊઠ્યાં. થોડી ક્ષણો પછી એ સડસડાટ નીચે ઊતરી ગયો ને તાળીઓનો ગડગડાટ વરસી રહ્યો. એની સમતોલનકળા ચોમેર પ્રસંશાને પાત્ર બની. પોર્ટફોલીઓ લઈને એ યુવાન લોકો વચ્ચે ફરી રહ્યો …. ‘હેલ્લો. વીલ યુ પ્લીઝ હેલ્પ ?’ એવી અંગ્રેજી ભાષા અને ‘આપશો’ એવું ગુજરાતી એ બોલી રહ્યો અને એ પણ એવી વિવેકપૂર્ણ રીતે, સસ્મિત વદને, સંસ્કારી ભાષામાં … કે એના પ્રભાવ હેઠળ આવી ગયેલા કોઈએ એનો બોલ ઉથાપવાની ચેષ્ટા સુધ્ધાં ન કરી. પૈસા માંગતી વેળા અણગમો દાખવવો, મોં ફેરવી નાસી છૂટવું, એવા રોજિંદા દ્શ્યોથી ટેવાઈ ગયેલા રામજીને આજે સાનંદાશ્ચર્ય થયું. ઊલટું, લોકોએ યુવાનની પીઠ થાબડી તેને નોકરીની ઓફર પણ કરી રહ્યા હતાં ! એ યુવાન આભાર વ્યક્ત કરતો કરતો આગળ વધતો ગયો.

અંતે ભીડ વિખરાવા લાગી. નટ રામજી તરફ પેલા યુવાને ડગ માંડ્યાં, ત્યાં જ એક અંગ્રેજ મેડમે સાદ પાડી તેને પોતાની પાસે બોલાવ્યો. યુવાને રામજીને પણ સાથે લીધો.

યુવતી પ્રશંસાના સૂરમાં બોલી ઊઠી : ‘વન્ડરફુલ મ્યુઝિક એન્ડ યોર પ્લે … મને થોડું થોડું ગુજરાતી ફાવડે છે.’

‘બે’ન, ફાવડે નહીં, ફાવે છે કે આવડે છે એમ કહેવાય ….’ રામજી બોલી ઊઠ્યો. યુવાને રામજીને વાતને અંગ્રેજીમાં સ્પષ્ટ કરીને તરત જ મુક્ત ત્રિકોણી હાસ્ય સર્જાયું. ‘ઓ.કે. ઓ.કે.’ કહી મેડમે સો રૂપિયાની નોટ યુવાનને આપતાં પૂછ્યું : ‘ડુ યુ વોન્ટ એનિ જોબ ? કમ વિથ મી. આઈ વિલ ગિવ યુ સમ વર્ક. યુ વિલ ગેટ મોર મનિ.’

‘થેંક યુ મેડમ … બટ …’ નટ તરફ એક ઈશારો કરી યુવાને કશુંક સમજાવ્યું. મેડમ ખડખડાટ હસી પડી અને પછી મદદનું વચન તેમ જ સરનામું આપી મોટરકારમાં ચાલી ગઈ …

… ને નટ રામજીએ ગાલ પર ચૂંટી ખણી ….. આ સપનું તો નથી ને ? આટલા બધા પૈસા જિંદગીમાં આ પહેલાં ક્યારે ય નહોતાં ભાળ્યાં. ખેલ પત્યા પછી મળેલા ઓછા પૈસા નિરાશ વદને ગણ્યા વગર ગજવામાં મૂકી દેવાના અગણિત કિસ્સા બન્યાં હતાં. અને આજે તો ખેલ થવાની શક્યતા જ ક્યાં હતી ? એણે બદલે આ તો સાવ ઊલટું !! રામજી પૈસા ગણવા લાગ્યો, પણ એને ‘ફાવ્યું’ નહીં, એટલે યુવાન મદદે આવ્યો. યુવાને કહેલો આંકડો ફાંકડો હતો, સાંકડો નહીં. અધધધ …. ત્રણસો ને ત્રીસ રૂપિયા …! રામજીનું આશ્ચર્ય શમે એ પહેલાં યુવાને સો-સો-ની બીજી બે નોટ પોતાના તરફથી ઉમેરતા કહ્યું, ‘હવે ઝટ વતન જવાની તૈયારી કરો. આટલા પૈસા થઇ રહેશે ને ? કે પછી વધારે આપું ?’ બિમાર મોહનનો ખ્યાલ આવતાં તેણે ઉમેર્યું, ‘તારા દીકરાની સારવાર જલદી અને સારી કરાવજે એટલે એ ફરી દોરડા પર ચાલવાનો ખેલ કરી શકે. નવું દોરડું લઇ લેજે ….. ને હા, પેલી મેડમ પાસે જજે. તને સારું કામ મળી જશે, સમજ્યો ?’

‘સાહેબ, તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. તમે આવડા મોટા સાહેબ થઈને દોરડા ઉપર આવો ખેલ ….. સાહેબ મને માફ ….’

‘અરે એમાં શું ? ને હવે વાતોનાં વડાં ન કર. ચાલ આવજે. તું રાજી એમાં હું ય રાજી, બરાબરને ?’

અને લશ્કરના આ જવાન અફસરે નટની પીઠ થાબડી અને રજામાં વતનમાં આવતા વેંત જ એક સારું કામ કર્યાનો સંતોષ અનુભવી તેણે જોશભેર પોતાના પગ ઘર ભણી ઉપડ્યા. રાષ્ટ્રની સુરક્ષા માટે જીવસટોસટનાં અનેક સાહસો ખેડનારા આ અફસર માટે નટનો ખેલ ડાબા હાથનો ખેલ હતો. ઉપરી-અધિકારીની રજા લઈ ઘણાં વર્ષો બાદ પોતે વતનમાં આવ્યો હોઈ લગભગ કોઈ તેને ઓળખી નહોતું શક્યું અને જે એક-બે મિત્રોએ તેને ઓળખી કાઢ્યો હતો તેમને ખેલ દરમિયાન જ તેણે ચૂપ રહેવાનો સંકેત આપી દીધો હતો.

પણ નટ રામજીને તો આ યુવાનની ખરી ઓળખ મળી ચૂકી હતી. રામજી નજર પહોંચે ત્યાં સુધી આ ભલા યુવાનને કૃતજ્ઞતાપૂર્વક જોઈ જ રહ્યો … બસ જોઈ જ રહ્યો……                                            

નેવી, આર્મી, વાયુદળ .. દેશની  સુરક્ષા કરતા તમામ જવાનો, સૈનિકોને સલામ સાથે મારી ટૂંકી વાર્તા *'ખેલ'* સાદર છે – લેખક : દુર્ગેશ ઓઝા. (આ કૃતિ અગાઉ ‘કુમાર’ સામાયિક ઓગસ્ટ-1996માં અને મારા 'ખેલ' વાર્તાસંગ્રહમાં પ્રકાશિત થઈ ચૂકી છે.)

e.mail : artoza13@gmail.com

Loading

આ મુશ્કેલ સમયમાં (34)

સુમન શાહ|Opinion - Opinion|14 August 2020

કોરોના-વિભીષિકા પ્રચણ્ડ વેગે પ્રસરી રહી છે. તેથી એક સાર્વત્રિક ચિન્તા પણ પ્રસરી રહી છે. ખાસ ચિન્તા તો એ છે કે શિક્ષણનું અને કેળવણીનું શું થશે – યુવા પેઢીને શી રીતે શું આપી શકાય એમ છે? સર્જકો, કેળવણીકારો, બુદ્ધિમાનો અને ભાવનાશીલ વ્યક્તિવિશેષો એ દિશામાં પોતાથી થાય એ બધા જ પ્રયાસો કરી રહ્યા છે …

એ જોઈને મને થાય છે કે માનવ્ય એના મૂળ સૂરમાં ગુંજી રહ્યું છે …

આવી જ કશી માનસિકતા વચ્ચે મેં ગઈ કાલે ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પીએચ.ડી. સ્ટુડન્ટ્સના ઑનલાઇન ક્લાસમાં સંશોધનપરક એક વ્યાખ્યાન આપ્યું.

અહીં એનું લેખ-સ્વરૂપ સાહિત્યના સૌ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને સમર્પિત કરું છું :

•••

મારા સંશોધનકાર્ય વિશેના મારા અનુભવો / સુમન શાહ

વિભાગના અધ્યક્ષ પ્રિય મહેન્દ્રસિંહ અને સૌ વિદ્યાર્થીમિત્રો :

નમસ્કાર.

સંશોધન વિશે બોલવું અને સંશોધન કરવું – એ બે વાતોમાં, બોલવું સહેલું છે. સંશોધન કરવું જ મુશ્કેલ છે. તમે બધાં એ મુશ્કેલ કાર્યમાં લાગી ગયાં છો એ સારી વાત છે, એમાં સફળતા માટે તમને સૌને આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું.

મારે તમને એ જણાવવું છે કે મુશ્કેલ સંશોધન સમ્પન્ન થાય છે ત્યારે જગ જીત્યાનો સંતોષ થાય છે. એ સંતોષ બેજોડ હોય છે.

મારે તમને એ પણ જણાવવું છે કે સાહિત્યિક સંશોધનની સફળતાના મૂળ આધાર શું છે.

પીએચ.ડી. પદવી માટેના મારા સંશોધનનો વિષય હતો : ‘સુરેશ જોષી, તેમનું સાહિત્ય અને તેનો આધુનિક ગુજરાતી સાહિત્ય પરનો પ્રભાવ – એક અધ્યયન’ : ૧૯૭૮માં એનું ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ગ્રન્થ રૂપે પ્રકાશન થયું છે. ૨૦૦૦માં એની બીજી આવૃત્તિ થઈ છે.

તમે જાણો છો કે મેં ‘સાહિત્યિક સંશોધન’ પુસ્તિકા પણ લખી છે. પણ નૉંધો કે તે પહેલાં મેં આ સંશોધનકાર્ય કર્યું છે – પહેલાં અનુભવ અને પછી શાસ્ત્ર.

મારા આ વ્યાખ્યાનનું આજે એ મધ્યબિન્દુ છે – પહેલાં અનુભવ, પછી શાસ્ત્ર.

મને ચાર વર્ષ લાગેલાં – ૧૯૭૩થી ૧૯૭૭. ત્યારે હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ હતો. મારી ઉમ્મર ૩૪-૩૫ હતી.

રોજ રાતના ૮થી ૨ લગી બધો ઉદ્યમ ૬ કલાક લગી ચાલતો. જમ્યા પછી પાણી વધારે પી લેતો જેથી એ ૬ કલાક દરમ્યાન બ્રેક લેવાનું અનિવાર્ય થઈ પડે. મારા જિગરી દોસ્ત રાધેશ્યામ શર્માએ મને એક ટૅબ્લેટ બતાવેલી – નામ ભૂલી ગયો છું – એ લેવાથી ઉજાગરાને સુખદ રાખી શકાતો’તો, ઊંઘ ન્હૉતી આવતી. જમીને તરત લઈ લેતો.

જુઓ, સંશોધનનું લેખનકાર્ય પૂરું થાય તે દિવસે બહુ જ સારું લાગે. એ પછી ટાઇપ કરાવવાનું – આવડતું હોય તો જાતે કરવાનું. મારા ટાઇપિસ્ટને મેં પૂછેલું – બે લાઇન વચ્ચે આટલી મોટી સ્પેસની શી જરૂર છે? તો કહે – સાહેબ, થીસિસમાં એટલી તો જોઈએ જ. એણે બારસોથી વધારે પેજ કરેલાં. એની પાંચ નકલો બાઇન્ડ થઈને આવી ત્યારે એ મહા ગ્રન્થના વજનનો અંદાજ આવ્યો. દરેક નકલ ઓછામાં ઓછા ત્રણ કિલોની હશે. પણ એને યુનિવર્સિટીમાં સબ્મીટ કરીને ઘેર પાછો ફર્યો ત્યારે જે હાશ થઈ, એ અવર્ણનીય છે.

એ સમયગાળા દરમ્યાન નવનિર્માણ આંદોલન શરૂ થયેલું. ત્યારે બન્ને દીકરાઓને સારી શાળામાં ભણવા મળે એ હેતુથી વડોદરામાં ઘર શરૂ કરેલું. હું બોડેલીથી વડોદરા શનિ-રવિ જ જઈ શકતો. સ્વજનોથી વિયોગ સ્વીકારી લીધેલો.

સંશોધન પ્રકાશિત થાય છે, પુસ્તક રૂપે, ત્યારે સંતોષ એ ગ્રન્થના અર્પણમાં ઠરતો હોય છે – જાણે, માતાના ખૉળામાં નવજાત બાળક ! હું હંમેશાં મારાં પુસ્તકોનાં અર્પણ લખતી વખતે પ્રસન્ન હોઉં છું. જો કે જેને અર્પણ કર્યું હોય એ ભાઈ કે બે’ન મને ભાગ્યે જ કશો પ્રતિભાવ પાઠવે છે. પુસ્તક ભેટ આપું ત્યારે ય મને શંકા બલકે ખાતરી હોય કે નહીં વાંચે, વાંચશે તો કશું પણ કહેશે નહીં. મારા લેખોનાં ‘બહુ સરસ છે’, ‘ખૂબ જ મજા આવી’ જેવાં મૌખિક વખાણ બહુ જ સાંભળવા મળે છે, કેટલાં તો મને ‘લાઇક્સ’ મળે છે, પણ મને ખબર હોય છે કે વાતમાં કેટલો માલ છે. પણ તમને કહું? કશું જ ન બોલતા પેલા અઠંગ દમ્ભી મુનિઓ કરતાં આ બધાં વખાણકારો ને ‘લાઇક’વાળાં ઘણાં સારાં – ટહુકો કરી હાજરી તો પુરાવે છે …

એટલે પહેલી આવૃત્તિના અર્પણમાં લખ્યું છે : સ્વજનો : રશ્મીતા, પૂર્વરાગ, મદીરને – જેમણે એ કાળા દિવસો અને સફેદ રાતો દરમ્યાન ઊછળતા-ઊછરતા વિયોગ-અશ્વને ઝાલ્યો, પડકાર્યો : સાહિત્યજન યશવન્ત શુક્લને અર્પણ કરતાં લખ્યું છે – જેમણે મારામાંના ‘વિદ્વાન’ને એની નાની વયે જ જાણ્યો અને જણાવ્યો : ૧૯૬૧માં હું જુનિયર બી.એ.માં હતો ત્યારે યશવન્તભાઈએ પ્રિન્સિપાલ ભાઈલાલભાઈ કોઠારીને કહેલું કે તમારે ત્યાં એક વિદ્વાન ઊછરી રહ્યો છે, એનું ધ્યાન રાખજો.

બીજી આવૃત્તિનું અર્પણ મેં મારાં સૌ વિદ્યાર્થીઓને કર્યું છે. લખ્યું છે : જેમણે મને વર્ગમાં સાંભળ્યો અને વર્ગચૈતન્યના મારા મૉંઘા અનુભવને નિરન્તર સમૃદ્ધ કર્યો : મેં તપાસ નથી કરી પણ લોકો એમ કહે છે કે છેલ્લા પાંચ-છ દાયકામાં પીએચ.ડી.ના કોઈ સંશોધન-ગ્રન્થની બીજી આવૃ્ત્તિ થઈ હોય તો તે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’-ની …

આમ, મુશ્કેલ સંશોધનને અન્તે સંતોષનું આવું અનેરું સુખ સાંપડે છે. આ હકીકતને દરેક સંશોધકે મનમાં રાખવી અને ખૂબ જ શ્રમ લઈને સંશોધનકાર્યમાં મચ્યા રહેવું. એથી જીવન એટલો સમય તો ખૂબ જ અર્થપૂર્ણ લાગશે.

જુઓ, સંશોધનની સર્વસામાન્ય મૅથડોલૉજીનું મહત્ત્વ જરૂર છે. એને આપણે સાયન્ટિફિક મૅથડ ઑફ ઇન્ક્વાયરી કહીએ છીએ.

પરન્તુ આ વાત બરાબર સમજી લેવી જોઈશે કે દરેક સંશોધનકારે પોતાના વિષયને ન્યાય મળે એવી આગવી પદ્ધતિ જાતે ઉપજાવવી પડે છે. એ તૈયાર નથી મળતી. એ મળે છે વિષય સાથેના પ્રગાઢ સમ્બન્ધ અને અનુબન્ધથી.

મારી પદ્ધતિની થોડીક વાત કરું : હું સુરેશ જોષીને એક પણ શબ્દ ચૂક્યા વિના ક્લોઝલિ વાંચી જતો. એમના દરેક મન્તવ્યને પૂરા ધ્યાનથી સમજતો. એમની દરેક સર્જનાત્મક વસ્તુને મન-હૃદયમાં એવી તો ઠરવા દેતો જેથી મને રસાનુભવ થાય. એ પ્રકારના અભિગમનું પરિણામ એ આવેલું કે એમની સૃષ્ટિ વિશે મારો પોતાનો આગવો સ્વકીય પ્રતિભાવ બંધાવા લાગેલો. અને એટલે, સ્વાભાવિકપણે, સુરેશ જોષી વિશેના અન્યોના પ્રતિભાવો પણ મને ફટાફટ દેખાવા લાગેલા. એક જાતના સરવાળા-બાદબાકી ચાલેલાં.

આ મુદ્દા માટે મારે એમ કહેવું છે કે આ પ્રકારના સ્વકીય તેમ જ અન્યોના પ્રતિભાવોનું સંશોધનમાં પાયાનું મહત્ત્વ છે.

તમે સાંભળ્યું જ હશે કે કોઈ પણ સંશોધકે સૌ પહેલાં સામગ્રીચયન કરવાનું હોય છે – ડેટા કલેક્શન. એ સામગ્રી પર કામ કરવાનું અને તો જ એ પર સંશોધનની ઇમારત ચણી શકાય.

જુઓ, શુદ્ધ વિજ્ઞાનોની – પ્યૉર સાયન્સિસની અને પ્રાકૃતિક વિજ્ઞાનોની – નેચરલ સાયન્સિસની સામગ્રી પ્રકૃતિ કે ભૌતિક પદાર્થો છે, વિચારસંરચનાઓ કે આંકડાઓ પાછળના નિયમો છે. એ સામગ્રી નકરા રૂપે મળે છે ને તે પર સીધું જ કામ શરૂ કરી દેવાય છે. પણ સમાજવિજ્ઞાનોની સામગ્રી જુદી છે. મોટો ફર્ક એ છે કે સમાજવિજ્ઞાનોમાં તેમ જ માનવવિદ્યાઓમાં, અને તેમાંયે સાહિત્યકલામાં, બધું માનવ સાથે જોડાયેલું હોય છે. સાહિત્યનો સર્જક માનવ, ભાવક માનવ, સમીક્ષક માનવ અને સંશોધક પણ માનવ.

એ મુખ્ય કારણે, સામગ્રી મેળવવાનું સરળ નથી હોતું. કેમ કે બધું મનુષ્યના ચિત્ત અને હૃદય સાથે ગૂંથાયેલું બલકે ગૂંચવાયેલું હોય છે. જુઓ ને, ગણિતવિષયક સંશોધન સીધેસીધું પોતાના લક્ષ્ય પ્રતિ આગળ ધપતું હોય છે પણ સાહિત્યવિષયક સંશોધન અટકતું ને ક્યારેક તો ખોડંગાતું ચાલતું હોય છે. સાહિત્યિક સંશોધનની આ સામગ્રીપરક વિલક્ષણતા ઘણી નિર્ણાયક વસ્તુ છે. એને નજરઅંદાજ કરીએ તો પરિણામો સારાં ન આવે બલકે સંશોધક વિપથગામી બની ગયો હોય, અવળા માર્ગે ચડી ગયો હોય, છતાં એને તો એમ જ લાગે કે પોતે ઉચિત માર્ગે જઈ રહ્યો છે.

મોટો સવાલ એ છે કે સાહિત્યિક સંશોધનમાં સામગ્રીચયન શી રીતે થાય છે. સામગ્રી શું છે ને તેને ક્યાં શોધવી?

ધારો કે આપણે મુનશીની નવલકથાઓ વિશે સંશોધન હાથ ધર્યું છે, તો શું એમની ‘ગુજરાતનો નાથ’ વગેરે તમામ નવલકથાઓના ઢગલાને સામગ્રી ગણવી? ‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ એમ ત્રણ ત્રણ પુસ્તકમાં એમણે આપેલી એમના જીવનની ઝીણીમોટી વીગતોને સામગ્રી ગણવી? અને એ બધી નવલકથાઓના ટૂંકસારને સામગ્રી ગણવી? આપણે ત્યાં સામાન્ય સંશોધકો એમ જ કરતા હોય છે. એક ભાગમાં ‘જીવન’ ને બીજામાં ‘કવન’. એક જમાનામાં એવાં બે અડધિયાંથી બંધાયેલા પુસ્તકને સંશોધન ક્હૅવાતું'તું !

એવો સંશોધક મુનશીએ સરજેલી શબ્દસૃષ્ટિને પોતાની રીતેભાતે કાપીકૂપીને નવેસરથી રજૂ કરતો હોય – એટલે કે, સુગરીના માળાના તન્તુ તન્તુને, તરણાં તરણાંને, આવડે એવી રીતે છૂટાં પાડતો હોય, ને પછી, આવડે એવી રીતે જોડી દેતો હોય. એ પ્રકારે મૂળનું માત્ર રીનોવેશન કે રીફર્બિશમૅન્ટ કરી નાખવું તે સંશોધન નથી, ડિગ્રી મેળવી લેવાનો સસ્તો કીમિયો છે.

એમાં, આપણે એવું કશું જ ભાળી શકતા નથી જેને શોધન કે સંશોધન કહી શકાય. એટલું જ નહીં, એ જેવી કંઈ પદ્ધતિ પર ઊભું હોય છે – જો એને પદ્ધતિ કહી શકાતી હોય તો – તેને કદી આપણે રીસર્ચ મૅથડોલૉજી નથી કહી શકતા. એ સાન્ટિફિક મૅથડ ઑફ ઇન્કવાયરી નથી હોતી.

એનું મુખ્ય કારણ એ કે એના પાયામાં ડેટા નથી હોતો. ડેટાના મૂળમાં રહેલી રસાનુભૂતિ હોતી નથી. રસાનુભૂતિના મૂળમાં રહેલું ભાવન નથી હોતું. ભાવનના મૂળમાં રહેલું સઘન વાચન નથી હોતું. જો વાચન, ભાવન અને રસાનુભૂતિ નહીં હશે તો પ્રતિભાવ બંધાશે નહીં. અને પ્રતિભાવ બંધાશે નહીં તો જેના પર કામ કરી શકાય એ ડેટા કે એ સામગ્રી હાથ આવશે નહીં.

વિષય સાથેના સમ્બન્ધ અને અનુબન્ધનું ફળ તે આ રીતેભાતે મેળવાયેલી સામગ્રી. એને હું સાહિત્યિક સંશોધનનો મૂળાધાર ગણું છું, એથી સંશોધનનો શુભારમ્ભ થાય છે.

અને એવા શુભારમ્ભ પછી હું સુરેશ જોષી પરના મારા શોધકાર્યમાં આગળ ધપતો હતો. મારી એ આગળની પદ્ધતિ કેવી હતી તેની પણ થોડી વાત કરું :

જુઓ, સાયન્ટિફિક મૅથડ ઑફ ઇન્ક્વાયરીને આપણે જ્ઞાન-સમ્પાદનની વિવિધ પદ્ધતિઓમાં શ્રેષ્ઠ ગણીએ છીએ. કેમ કે સાયન્ટિફિક મૅથડ સંશોધકને મનઘડંત તરીકાઓથી છૂટો કરે છે ને એને તર્કપૂત શોધમાં દોરી જાય છે. એટલે એથી મળેલા જ્ઞાનને સામો માણસ પોતાની તર્કબુદ્ધિથી ચકાસી શકે છે ને તેથી કરીને તેનો સ્વીકાર કરી શકે છે.

બાકી, વ્યક્તિને રીવિલેશનથી પણ જ્ઞાન તો થાય જ છે – એકાએક જાદુ જેવું થાય ને પ્રકાશ થાય ને જ્ઞાન પ્રગટે કે વસ્તુ આમ છે. બાબા વાક્યમ્ પ્રમાણમ્-ની રીતે પણ જ્ઞાન મેળવાય જ છે. જેમ કે, ગુરુ અને વડીલો પાસેથી એટલે કે આપ્તજનો પાસેથી વ્યક્તિ જ્ઞાન મેળવી શકે છે. વ્યક્તિને સહજસ્ફુરણા પણ થતી હોય છે – ઇન્ટ્યુઇશન, હૈયાસૂઝ, એથી પણ જ્ઞાન થાય. એ કહે કે સાંજ સુધીમાં પોતાને તાવ આવશે ને તાવ આવે ! માણસ કૉમન સૅન્સથી પણ ઘણું શીખતો હોય છે. બારીએથી એ ભૂસકો નથી મારતો. અંગારાની મૂઠી નથી ભરતો. કેમ કે એ તો કૉમન સૅન્સની વાત હોય છે. એટલી અક્કલ તો સામાન્ય છે. એ માટે એણે જ્ઞાની બનવું જરૂરી નથી.

પરન્તુ, આમાંની એક પણ રીત સંશોધનમાં ન ચાલે. દાખલા તરીકે, કૉમન સૅન્સ ખરી પણ એનો માલિક કોણ તે નથી જાણી શકાતું. તમે કોની કૉમન સૅન્સમાં વિશ્વાસ કરો? જ્ઞાન-સમ્પાદનની એ દરેક રીતમાં મારે માની લેવું પડે છે કે જે સમજાય છે એ બરાબર છે. એ એકેયમાં દલીલ તેમ જ તર્કથી કરી શકાતી ચકાસણીને સ્થાન જ નથી બલકે એટલે લગી પ્હૉંચવું જ અશક્ય હોય છે. પાણી પર ફૂંક મારીને રોગ મટાડવાનો દાવો કરતા પાખણ્ડી બાબાને પ્હૉંચી વળવાનું અશક્ય જ છે.

સાહિત્યિક સંશોધનોએ સંપડાવેલાં સત્યોને ૧+૧=૨ એમ પુરવાર નથી કરી શકાતાં એ ખરું પણ વિજ્ઞાનીય પદ્ધતિ-મતિએ સત્યોને અનેક લોકો સ્વીકારી શકે એવી બહુસમ્મતિ લગી વિકસાવવાનું હંમેશાં શક્ય હોય છે.

હું પ્રતિભાવો પર કામ કરતો હતો ત્યારે, મને જે અને જેવું સૂઝે તેને ખરું જ ગણીને ન્હૉતો ચાલતો. કોઈ મોટા વિવેચકે સુરેશભાઈની પ્રશંસા કે ટીકા કરી હોય તેના પર હું આંધળો વિશ્વાસ ન્હૉતો જ મૂકતો. સુરેશભાઈની કોઇપણ સર્જનાત્મક ગુણવત્તા બાબતે હું સહજસ્ફુરણાથી ન્હૉતો જ દોરવાતો. વાચન દરમ્યાન, સાથે સાથે, હું નિરીક્ષણપૂર્વક કાળજીભરી નૉંધો કરતો’તો. ધીમે ધીમે સરખે સરખા મુદ્દા ધરાવતી નૉંધોનાં હું વર્ગીકરણ કરવા લાગેલો. પછી એ પર વિચાર-મનન ચાલે, વિભાવનાઓ બંધાય, અર્થઘટન શરૂ થાય. અને છેવટે મને સારરૂપ કશોક સર્વસામાન્ય વિશેષ જડી આવે.

સુરેશ જોષીરચિત ટૂંકીવાર્તામાં ‘સન્નિધીકરણ’-નો વિશેષ મને એ રીતે જ જડી આવેલો. સુરશ જોષી ‘કલ્પનનિષ્ઠ’ સાહિત્યકાર છે એ સાર પર પણ હું એ રીતે જ પ્હૉંચેલો. આ બન્ને શોધ-વસ્તુઓ પર મારો વાચક તર્કપુર:સર વિચારે તો એમાં એને કશું ન સ્વીકારવા જેવું નહીં લાગે, બલકે એ એને વધાવી લેશે, ને એ પ્રકારે સુરેશ જોષીની સર્જકતાને વિશેનું એ જ્ઞાન પ્રસરશે. હા, ત્યારે એ ભાઈ મારું નામ ન લે અને બધું પોતે શોધી કાઢ્યું છે એમ ઠઠાડે, તો એમ થવાનો પૂરો સંભવ છે. રાજકોટની એક સભામાં એમ બનેલું. સુરેશ જોષી વિશે એ વક્તાશ્રી મારું જ બધું, લગભગ મારા જ શબ્દોમાં, બોલ્યે જતા’તા, એમને ખબર ન્હૉતી કે સભામાં હું હાજર હતો.

પણ આજે હું ખુશીથી એમ ઉમેરું છું કે જ્ઞાન તો પોતાના સતને પ્રતાપે પ્રસર્યા જ કરે છે, ભલે ને ચોરો એને ચોરી જતા …

મારે તમને એ જણાવવું છે કે આટલું અંકે કરીએ : રસાનુભૂતિ લગી લઈ જાય એવું સઘન વાચન કરીએ : પ્રતિભાવસ્વરૂપ સામગ્રી પર કામ કરવા તર્કપૂત શોધમાં દોરી જનારી સાયન્ટિફિક મૅથડને અપનાવીએ કેમ કે એનું પણ પાયાનું મહત્ત્વ છે, એ પણ મૂળાધાર છે.

પેલા સંતોષ સાથે જોડાયેલા બે પ્રસંગો કહું :

આપણે થીસિસ યુનિવર્સિટીમાં સબ્મીટ કરી દઈએ પછી ચિન્તા રહે કે તપાસવા માટે કયા પરીક્ષકને મોકલશે. વાયવા લેવા કોણ આવશે. આજકાલ એ ચિન્તાસંભવ ટળ્યો હશે કેમ કે કહે છે કે પરીક્ષકો જાતે જ પોતાનું નામ ફોડી દેતા હોય છે. મારા ગામમાં એક સી.આઈ.ડી. હતો, એ સૌને કહેતો ફરે કે – જોજો હાં, હું સી.આઈ.ડી. છું …

બનેલું એવું કે મારા આ સંશોધનકાર્યના પરીક્ષણ માટે કોઈ વિદ્વાન મળતો ન્હૉતો. એક પ્રથિતયશ વિવેચકે કહેલું કે એમની આંખો નબળી પડી છે, પાણી પડે છે. એ પછી બીજા બેત્રણ જણે સુરેશભાઈનું નામ જોઈને જ ના પાડેલી. ચં.ચી. મહેતા મારા વાઇવામાં આવેલા. એમણે થીસિસ વાંચ્યો જ હોય પણ મને કહે : અમે તો સુરેશને એવો કંઈ મોટો નથી માનતા : મારે શું કહેવું? પળભર મૂંઝાયેલો, પણ તરત કહેલું : મોટા-નાનાનો સવાલ અસ્થાને છે, એઓ જે અને જેવા છે તે મેં બરાબર દર્શાવ્યા છે. તો કહે – ઠીક; પણ આ ભદ્ર બુટાલા ક્યાંનો લેખક છે જેનું નામ તમે ટાંક્યું છે? મેં કહ્યું એ લેખક નથી પણ સુરેશભાઈનાં પુસ્તકોનો પ્રકાશક છે; એનું નામ મારા થિસિસના ઔપચારિક નિવેદન-માં છે, નહીં કે થીસિસની મેઇન ટૅક્સ્ટમાં. તો કહે – ઠીક … હું તો સુરેશભાઇવિષયક વિચારોથી ધમધમતો હતો, પણ મારો વાઇવા, આમ, એમના ઠીક ઠીકથી પતેલો … જો કે મને સંતોષ અને આનન્દ એ વાતનો હતો કે મારા સમુચિત ઉત્તરોને પ્રતાપે એમને ઠીક ઠીક સિવાયનું કશું જ સૂઝ્યું ન્હૉતું …

હું ૧૯૭૭માં ભાષાભવનમાં જોડાયો. એના ઇન્ટર્વ્યૂ વખતે થીસિસ પ્રકાશિત નહીં થયેલો. ઇન્ટરવ્યૂ-કમિટિમાં બેઠેલા એક વિદ્વાન મને કહે – ભાઈ, તમારો થીસિસ પ્રકાશિત નથી અમારે શું માનવું? મેં કહેલું : તમે મને પ્રશ્ન પૂછી શકો છો, કોઈપણ પ્રશ્ન : એમના ચિત્તમાં પ્રશ્ન જન્મે એ પહેલાં જ વાઇસ ચાન્સેલર ઈશ્વરભાઇ પટેલે એમને એ સંકટમાંથી બચાવી લીધેલા; કહેલું : એનો થીસિસ પ્રગટ છે એમ માનીને તમે એને બીજું જે પૂછવું હોય એ પૂછો : મને સંતોષ અને આનન્દ એ વાતે થયેલો કે હું ભાષાભવનમાં નિમાયેલો અને તે કારણે ત્યાં મારી કારકિર્દીનાં સર્વાધિક વર્ષો સુખે વીતેલાં – પૂરાં ૨૭.

આ સંતોષ અને આનન્દના વિકાસ માટે છેલ્લી વાત કરું : દરેક સંશોધકે પોતાના સંશોધનના વિષયક્ષેત્રમાં કારકિર્દી દરમ્યાન એ જ દિશામાં પણ કામ કર્યા કરવું જોઈએ. એથી સંતોષનો વિકાસ થશે, સંતોષમાં વૃદ્ધિ થશે. એટલું જ નહીં, એ વિષય પર એ સંશોધકની માસ્ટરી આવશે, એના નામનો એક હોલમાર્ક અથવા સ્ટામ્પ ઊભો થશે. વ્યક્તિ ‘પ્રૉફેસર ઑફ ગુજરાતી’ નહીં પણ ‘પ્રૉફેસર ઑફ ધ સુરેશ જોષી’સ જનાન્તિકે’ કહેવાશે. એને હું સંશોધનની ચરમ સિદ્ધિ ગણું છું.

સૌનો આભાર and please take care …

= = =

(August 14, 2020: Ahmedabad)

Loading

...102030...2,2622,2632,2642,265...2,2702,2802,290...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved