મેં જોયું છે
જેમ દીવો ઝુંમર સામે ઝાંખો પડે,
એમ મોટા માણસનાં જૂઠ સામે
નાના માણસનું સત્ય ઝંખવાઈ જતું હોય છે.
એમનું જૂઠ
જૂઠ હોતું જ નથી,
એક હળવી મજાક હોય છે,
અથવા એવો વ્યંગ,
જેમાં રહેલું સત્ય
આપણા જેવા મૂર્ખ-પામર
એમની ઊંચાઈ માટે દ્વેષ રાખનારને સમજાતું નથી,
બાકી એમનું જૂઠ
સત્યથી અનેકગણું પ્રભાવશાળી હોય છે,
અને એક રીતે
સત્યનું પર્યાયવાચી હોય છે
એમનું જૂઠ.
શબ્દસ્વામી
ભલીભાંતી જાણતા હોય છે
એ ખજાના સુધી પહોંચવાનો માર્ગ,
જ્યાં સત્ય અડવાણે પગે ચાલે છે,
અને જૂઠ હવા સાથે વાતો કરતું
જતું હોય છે સાત ઘોડાનો રથ લઇ,
જૂઠ જરૂરી સાધન છે ઉચ્ચતમ શિખરો સુધી પહોંચવા માટેનું
અનેક બંદૂકોમાં ભરેલી ગોળીઓ
શોધતી હોય છે સત્યનું સરનામું.
મોટા માણસોનું જૂઠ
એમના દેહવિલય પછી જ
ખોલે છે એમના અનુયાયીઓ
અને એ ભલે સત્ય લાગે
પણ હકીકતે
છીપમાનાં મોતી જેમ
એમાં પાંગરતું હોય છે એક મોટું જૂઠ,
જેને હાથ કરવા અનેક મોટા માણસો વચ્ચે લાગે છે હોડ.
સત્યમેવ જયતેની ખરી હકીકત
રાજભવનોના કાર્યકલાપ
અને કોર્ટની ભીડમાં જોઈ શકાય છે,
જો તમારી આંખ આડે
કોઈ મોટા માણસે
ન લટકાવી દીધાં હોય
બનાવટી સત્યનાં તોરણ.
મોટા માણસોનું જૂઠ …..
(ઉમાશંકર જોશીના જન્મદિવસે, સ્વાયત્તતાદિવસની ઉજવણી સ્વરૂપે)
ભોપાલ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2020; પૃ. 15
![]()


કેટલાં બધાં વયજૂથના, કેટલા બધા મિત્રો મળ્યા! મેં કહ્યું કે આમ જુઓ, તો આ તો ઉંમરની કરામત થઈ. એમાં હું નિરુપાય છું, ઉંમર પણ નિરુપાય … ને જમાનો પણ નિરુપાય. પણ થોડી થોડી મૈત્રી અને થોડું થોડું મિત્રમંડળ, થોડી થોડી પ્રવૃત્તિ એમ જે બધું બનતું ગયું. એમાંથી ઘડતર પણ કાંક કાંક થતું ગયું.
જે વિચારો અને પ્રવૃત્તિઓમાં હું ઉત્તરોત્તર ઠરતો ગયો, મારા ગ્રૅજ્યુએશનની વાત તો કરી, બીજનિક્ષેપનો વિચાર કરતાં પાછળ ફરીને જોઉં છું તો ૧૯૫૫ના સાબરમતી આશ્રમની એ વિચારશિબિરનું સ્મરણ થાય છે, જેમાં દાદા ધર્માધિકારીનાં સળંગ વ્યાખ્યાનો થયાં હતાં. શ્રોતાઓમાં પંડિત સુખલાલજી, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી, વજુભાઈ શાહ, નારાયણ દેસાઈ, પ્રબોધ ચોકસી સહિતની એક આખી નક્ષત્રમાળા હતી. પંડિતજીએ પાછળથી એક વાર કહેલું કે જેના શ્રવણે કરીને આપણે શ્રાવક થઈએ એવાં વ્યાખ્યાનો એ હતાં. શાસન અને સમાજના સંદર્ભે નવવિધાનની ચર્ચા કરતાં, ક્રાન્તિ-આરોહણલક્ષી વ્યાખ્યાનો એ હતાં. દાદાએ જે મુખડો બાંધ્યો હતો, એ આ લખતી વખતે કાનમાં ગુંજે છે. એમણે બે ઉપનિષદ્-વચનો સંભારીને સહજીવનની માનવમથામણ વિષયક વિવિધ અભિગમોની ચર્ચામાં જવું પસંદ કર્યું હતું. પહેલું વચન હતું કે एकाकी न रमते, એકલા ગોઠતું નથી. અને બીજું વચન હતું કે द्वितीयात् भयम्, જ્યાં બીજું જણ ફૂટી નીકળે ત્યાં કમઠાણ, કમબખ્તી ! (સાર્ત્રબાવા કહેશે કે આ ‘અધર’ તે ‘હે’લ’ છે.) તો, સાથે રહેવાની, સહવાસ – સહવિકાસની મનુષ્યજાતિની મથામણ, પારસ્પર્યની કોશિશ, એ માટે સંસ્થાબાંધણી, એમાં વળી વિચારધારાની રમઝટ એવી એક સમગ્ર ચર્ચા આવતી કાલને અનુલક્ષીને એમાં હતી. માનવસભ્યતા સમસ્તનો મોટો ફલક હતો. બ્રિટિશ તંત્રી અને રાજપુરુષ રિચર્ડ ક્રૉસમેનની ‘ગર્વમેન્ટ ઍન્ડ ગવર્ન્ડ’ જેમ વિવિધ રાજકીય વિચારો અને સંસ્થાઓની નાગરિક પ્રવેશિકા જેવો સીમિત નહીં. એકલા ગોઠે નહીં અને બેકલા, અનેકલા અરસપરસ જામે નહીં. તો, આ જે પારસ્પર્ય, એ માટે તમને કેવું શાસન જોઈએ, કેવો સમાજ જોઈએ. દર્શકે, જૂનાં ભજનો નગદનાણું છે એમ કહીને મજાનો દાખલો આપ્યો છે. ગંગાસતીએ પુત્રવધૂ (છેલ્લા સંશોધન પ્રમાણે વડારણ) પાનબાઈને કહ્યું કે રમવાને આવો મેદાનમાં, તમને બતાવું નવલા દેશ. અને આ ‘નવલ’ની વ્યાખ્યા ? તો કહે, – નહીં વરણ, નહીં વેશ. અધ્યાત્મની વાત નથી આ. દિલીપ ચિત્રેના તુકારામ કહે તેમ યાંચી દેહી યાંચી ડોળં.
આ અભ્યાસલેખમાં જે ગ્રંથ વિષે વાત કરવામાં આવી છે, તેના લેખક કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણિયા) જુદી માટીના માનવી છે. પ્રવાસને તેમણે હેતુલક્ષીપ્રવૃત્તિ બનાવી છે. તેમના પ્રવાસો પાછળ કોઈ ચોક્કસ હેતુ રહેલો છે. – 'પ્રવાસ જેવી કોઈ હાલતી ચાલતી વિદ્યાપીઠ નથી. ઘરનો ઉંબરો છોડવો એનો અર્થ એ થયો કે પરિચિત વાતાવરણ છોડીને અપરિચિત વિશ્વમાં પહોંચવું. નવા ચહેરા, નવી ભાષા, નવો પ્રદેશ … આ બધાનો સ્થૂળથી માંડીને સૂક્ષ્મસ્તર પર અનુભવ પામવો. પ્રવાસ માટે બાળકની મુગ્ધતા અને ઠરેલ માણસની પરિપક્વતા હોવી જોઈએ. બાહ્ય અવલોકન અને આંતર નિરીક્ષણનો એક સંવાદ રચાતો હોય છે.’ (ઝલક – ૧૭ ) શાસ્ત્રીજીમાં આ તમામ લક્ષણો મોજુદ હતા. શાસ્ત્રીજીના આ પ્રવાસ વર્ણનો જોયા પછી એમ કહી શકાય કે ખરેખર એક સારસ્વતના પ્રવાસો કેટકેટલું આપી જાય છે.