Opinion Magazine
Number of visits: 9574987
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઉટલાઈન પરીક્ષાઓ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 August 2020

પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે
જો કે એમ.બી.બી.એસ.ની એક્ઝામ બંધ છે
પણ નવથી બારની ચાલુ છે
એમ.બી.બી.એસ. કરતાં 
એ વધારે ઈમ્પોર્ટન્ટ છે
ઇમ્પોટન્ટ નહીં ,સ્ટુપિડ, ઈમ્પોર્ટન્ટ!
આમ તો આ ફેમિલી એક્ઝામ છે
એમાં આખું કુટુંબ જોડાઈ શકે છે
એનું સુખ એ છે કે એના જવાબો
ફુરસદે આપવાના છે
જવાબ લખતાં થાય કે બાથરૂમ જવું છે
તો જઈ આવવાનું
પણ કાપલાં જોવા બાથરૂમ જવાનું નથી
ખરેખર તો કાપલાં બનાવવાની જ જરૂર નથી
પપ્પાને પૂછો, દાદાને પૂછો
બધાં મદદ કરી શકશે
મમ્મીને ના પૂછો તો ચાલશે
એ જવાબ આપવા બેસશે 
તો એ કયા સવાલનો જવાબ છે
તેની ખબર નહીં પડે
હવે આ પ્રશ્નનો જવાબ આપો:
ઇતિહાસમાં સૌથી તરંગી કોણ હતું?
દાદાજી?
ગલત જવાબ
મંત્રીશ્રી?
આજનું નથી પૂછ્યું,ઇતિહાસનું પૂછ્યું છે
નથી આવડતું?
મને ય નથી આવડતું!
આ સવાલ છે, માણસને કાન કેટલા હોય છે?
નથી ખબર?
સારું, બીજાના કાન પકડીને ગણી લો
ના, ના. એ ચોરી નથી.
મમ્મી જમવા બોલાવે છે?
જાવ, હમણાં જ બધું લખવું જરૂરી નથી
દસમી ઓગસ્ટ સુધીમાં જવાબો આપવાના
શું? પરીક્ષા જ નથી આપવી?
જેવી તમારી મરજી!
અરે, 1200 સ્કૂલોએ પરીક્ષા નથી આપી
તો એનું શું ઉખાડી લીધું?
આ તો બોર્ડને ચળ ઉપડે તો પરીક્ષા લે
તમારે આપવી હોય તો આપો
ના આપવી હોય તો તમારી મરજી!
ખાતાં આપો, પીતાં આપો
નો પ્રોબ્લેમ!
હેલો, ભણાવવાનું શું એમ?
કેવી વાત કરો છો, ભણાવીને તે પરીક્ષા લેવાય?
હવે તો પહેલાં પરીક્ષા, પછી ભણવાનું!
કોમનસેન્સ છે કે નહીં?
સર્ટિફિકેટ પરીક્ષાનું કામ લાગે છે,
ઓનલાઈન કેટલું ભણ્યા તે કોણ જુએ છે?
હવે તો એવી પ્રગતિ થવાની છે 
કે પરીક્ષા આપ્યા વગર જ
સર્ટિફિકેટ ઘરે આવી જાય
ફી, ડોનેશન આપો કે સર્ટિફિકેટ હાજર!
બોર્ડમાં ફર્સ્ટ આવવું છે?
અવાયને!
એનો ભાવ જરા વધારે છે.
એક નંબર પર આવવા હજારેક તૈયાર છે
કાલે હરાજી થશે
એમાં જે ઊંચા ભાવ આપશે તે ઉપર જશે
ને જે નહીં આપે તે ય 'ઉપર' તો જશે જ …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 05 ઑગસ્ટ 2020

Loading

અંતર

સાહિલ પરમાર|Opinion - Opinion|4 August 2020

મને ખળભળતા જીવનનાં ઝરણથી દૂર રાખ્યો છે
અને શાંતિથી સ્વાભાવિક મરણથી દૂર રાખ્યો છે

મેં વાવ્યાં છે, ઉછેર્યાં છે વજીફા વાડી ને વૃક્ષો
મને એના જ છાંયાથી ને ફળથી દૂર રાખ્યો છે

મંદિર ઘડી મૂર્તિ ગર્ભગૃહ મેં શિખર ગુંબજ
મને એનાં પગથિયાંના શરણથી દૂર રાખ્યો છે

ગટરનાં નીતર્યા પાણી મેં પીધાં છે, પચાવ્યાં છે
હવે જળના ઠરણથી ને ઝમણથી દૂર રાખ્યો છે

મળેલા જીવને નોખા જનમની છાપથી કીધા
છૂટા પાડી જીસમથી ને જિગરથી દૂર રાખ્યો છે.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 14

Loading

આર.ઓ. ફિલ્ટર : નિશ્ચિંત થવાનું નહીં, ચિંતા કરવાનું કારણ

બીરેન કોઠારી|Opinion - Opinion|4 August 2020

“અમે પાણીનો જરા ય વેડફાટ કરતા નથી. તેને એકદમ જાળવીને, આર.ઓ. ફિલ્ટર વડે શુદ્ધ કરીને જ વાપરીએ છીએ.” આમ કહેનાર, માનનાર અને અમલ કરનાર વર્ગ મોટો હશે. દરેક જણ ઈચ્છે કે તેમને શુદ્ધ પાણી પીવા મળે. અલબત્ત, આપણા દેશમાં ઘણો મોટો વર્ગ એવો છે કે જેને પાણી મળે એ જ બહુ મોટી વાત લાગે છે. નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી સ્થાનિક સત્તાતંત્રની જવાબદારીમાં આવે છે. પણ સતત વિકસતી જતી આવાસયોજનાઓ અને તેની સાથે તાલ ન મિલાવી શકવાની તંત્રની મર્યાદાને કારણે પાણીની સુલભતા, શુદ્ધતા, દબાણ વગેરે સમસ્યાઓ સતત ચાલતી રહે છે. તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી આપણા ઘરના નળ સુધી પહોંચે એ જ મોટું આશ્વાસન હોય ત્યાં પાણીની ગુણવત્તા વિશે વિચાર કરવાનો ક્યાંથી આવે!

આર.ઓ. ફિલ્ટરઃ શુદ્ધતા કે મોભો?

પામતા-પહોંચતા વર્ગમાં છેલ્લા બેએક દાયકાઓમાં ઘરમાં પાણીનું ફિલ્ટર મૂકાવવાનું ચલણ શરૂ થયું. કંપનીના સેલ્સમેન તેમને ફિલ્ટર મૂકાવવાના લાભ ગણાવી દે એ પૂરતું નથી. આસપાસના મોટા ભાગના રહીશોએ ફિલ્ટર મુકાવી દીધું છે અને પોતાનાં કુટુંબીજનોનાં સ્વાસ્થ્ય માટે બેદરકાર હોય તે જ ફિલ્ટર ન મૂકાવે – આવા લાગણીસભર દબાણને કારણે પણ લોકો ફિલ્ટર મુકાવવા માટે પ્રેરાતા હોય છે. ઘણા કિસ્સામાં પાણીનું ફિલ્ટર મૂકાવવા પાછળ સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્ત્વનો મુદ્દો સ્ટેટસ – મોભાનો હોય છે. કેટલાક લોકો બહાર જાય ત્યારે પોતાના ઘરમાં લગાવેલા ફિલ્ટરના પાણીની શીશીઓ સાથે રાખતા જોવા મળે છે અને ‘સાદા’ પાણીને બદલે ‘પોતાનું’ પાણી જ પીવે છે. તેમની આ ચેષ્ટા જાગૃતિ બતાવે છે, સાવચેતી બતાવે છે કે ચડિયાતાપણાની ભાવના સૂચવે છે એ સમજવું ઘણી વાર મુશ્કેલ બની રહે છે.  

શુદ્ધતાનું વિજ્ઞાન

આવી સામાજિક પરિસ્થિતિમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એન.જી.ટી.) દ્વારા ગયા વરસના મે મહિનામાં પર્યાવરણ મંત્રાલયને સૂચના આપવામાં આવી હતી કે જે વિસ્તારોમાં પાણીના ટી.ડી.એસ.(ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સ-કુલ દ્રાવ્ય ઘનપદાર્થો)નું પ્રમાણ પ્રતિ લિટરે 500 મિ.ગ્રા. કરતાં ઓછું હોય ત્યાં આર.ઓ. પદ્ધતિવાળાં પાણીનાં ફિલ્ટરને પ્રતિબંધિત કરવાં.

આવી સૂચના માટેનાં નક્કર કારણો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુ.એચ.ઓ.)ના એક અભ્યાસ અનુસાર પ્રતિ લિટરે 300 મિ.ગ્રા.થી ઓછા ટી.ડી.એસ. એકદમ યોગ્ય ગણાય, પ્રતિ લિટરે 900 મિ.ગ્રા. ટી.ડી.એસ. બરાબર ન કહેવાય, જ્યારે પ્રતિ લિટરે 1200 મિ.ગ્રા. ટી.ડી.એસ. અસ્વીકાર્ય ગણાય. આમ, જે વિસ્તારમાં પૂરા પાડવામાં આવતા પાણીમાં ટી.ડી.એસ. 500 મિ.ગ્રા. પ્રતિ લિટર કે તેથી ઓછા હોય ત્યાં આર.ઓ. ફિલ્ટર કામનાં નથી, એટલું જ નહીં, પાણીમાંના મહત્ત્વનાં ખનિજ દ્રવ્યોને તે ગાળીને દૂર કરી દે છે. આને કારણે વિવિધ પ્રકારની શારીરિક તકલીફો કે રોગો પેદા થઈ શકે છે, એ બાબત અનેક અભ્યાસ થકી પુરવાર થઈ ચૂકેલી છે. આટલું ઓછું હોય એમ, શુદ્ધ થતા પ્રતિ એક લિટર પાણીએ ત્રણ લિટર જેટલું પાણી તે વેડફી નાખે છે. પાણીની કાયમી અછત ધરાવતા આપણા દેશમાં એ શી રીતે પરવડે?

એન.જી.ટી.ની સૂચનાને પગલે ‘નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ અને આઈ.આઈ.ટી. (દિલ્હી) દ્વારા તૈયાર કરાયેલા એક સંયુક્ત અહેવાલ અનુસાર આર.ઓ. ફિલ્ટરના ઉત્પાદકોએ વેચાણ માટે ખોટી માહિતી અને ખોટો હાઉ ઊભો કરેલો છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ વિકસિત દેશોમાં આર.ઓ.નો ઉપયોગ વિલવણીકરણ (ડિસેલિનેશન) પૂરતો મર્યાદિત છે. ટી.ડી.એસ.નું અતિ ઉચ્ચ પ્રમાણ ધરાવતા ખારાશયુક્ત દરિયાઈ પાણીને પીવાલાયક બનાવવા માટે તે વપરાય છે. ભારતમાં આર.ઓ. ફિલ્ટરના ઉત્પાદકો ટી.ડી.એસ.ની સાથોસાથ બીજા અનેક પ્રદૂષકો પણ દૂર કરવાનો દાવો કરતા આવ્યા છે. આર.ઓ. ફિલ્ટરના ઉત્પાદકો ભારતમાં ઘણે ઠેકાણે પાણીમાં થતા આર્સેનિક અને ફ્લોરાઇડના મિશ્રણને લઈને આર.ઓ. ફિલ્ટરની હિમાયત કરી રહ્યા છે. આ બાબતને નકારતાં સમિતિએ સૂચવ્યું છે કે એવા કિસ્સામાં જે તે પ્રદૂષકને દૂર કરતી ખાસ ટેક્નોલોજી અજમાવવી જોઈએ, પણ આર.ઓ. તો નહીં જ.

બીક કે દેખાદેખીમાં આફતને નોતરું

દિલ્હીમાં પૂરા પાડવામાં આવતા પાણીના પુરવઠામાં ટી.ડી.એસ.નું પ્રમાણ 200 મિ.ગ્રા. પ્રતિ લિટરથી વધુ હોતું નથી. આથી દિલ્હીનાં ઘરોમાં આર.ઓ. ફિલ્ટરની આવશ્યકતા નથી. આવી સ્થિતિ અનેક શહેર, નગર કે ગામમાં હશે. પોતાના ઘરમાં આવતું નળનું પાણી કેટલા ટી.ડી.એસ. ધરાવે છે એ શી રીતે ખ્યાલ આવે? સમિતિ આનો ઉકેલ સૂચવતાં જણાવે છે કે પાણીનો પુરવઠો પૂરો પાડતી સ્થાનિક સંસ્થાએ સમયાંતરે ગ્રાહકોને મોકલાતા વપરાશના બિલમાં પાણીનો સ્રોત અને ટી.ડી.એસ. માત્રા સહિતની તેની ગુણવત્તા વિશે જણાવવું જોઈએ. દિલ્હીસ્થિત બિનસરકારી સંસ્થા ‘ફ્રેન્ડ્ઝર’ના જનરલ સેક્રેટરી શરદ તિવારી દ્વારા કરવામાં આવેલી અરજીને પગલે એન.જી.ટી.એ આગળ અભ્યાસ કરાવ્યો અને તેનાં પરિણામ પછી મંત્રાલયને આર.ઓ. ફિલ્ટરને પ્રતિબંધિત કરવા માટેનો આદેશ આપ્યો અને એ આદેશના અમલ માટે પૂરતી મુદ્દત આપી.

આનો અમલ થાય અને જે પગલાં લેવાય ત્યારે ખરાં, પણ સ્વાસ્થ્ય અંગેની ગેરસમજ કેવાં વિપરીત પરિણામ લાવી શકે તેનો આ નમૂનો છે. આ ગેરસમજમાં ભયને મિશ્રિત કરીને તેનું બજાર વિકસે, તે સામાજિક મોભાનું સાધન બને, સ્વાસ્થ્યસભાન વર્ગ તેને વસાવીને ગૌરવ અનુભવે અને હજી આર.ઓ. ફિલ્ટર પરના પ્રતિબંધનો વાસ્તવિક અમલ થાય ત્યાં સુધીમાં કેટલા ય પરિવારો આવું ‘શુદ્ધ’ પાણી પીતા રહેશે એ તો કોને ખબર! આવી બધી બાબતોમાં આમ પણ સરકાર અને મંત્રાલયોને ખાસ રસ પડતો નથી. આથી જ 2019ના મે મહિનામાં કરાયેલા આદેશને એક વરસ વીતવા છતાં હવે કોવિડ-19નું બહાનું કાઢીને પર્યાવરણ મંત્રાલયે 31 ડિસેમ્બર, 2020 સુધીની મુદ્દત માંગી છે અને ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલના વડપણ હેઠળ નિમાયેલી બૅન્ચ દ્વારા તે મંજૂર કરવામાં આવી છે.

કોવિડ-19ના કપરા સમયમાં સરકારે એ સ્પષ્ટ સંદેશો નાગરિકોને પહોંચાડી દીધો છે કે પોતાના સ્વાસ્થ્યની સંભાળ પોતે જ રાખવાની છે. આ સંદેશા પરથી ધડો લઈને આર.ઓ. ફિલ્ટર પર સરકારી પ્રતિબંધ મૂકાય ત્યાં સુધી રાહ જોવી કે ‘જાગ્યા ત્યાંથી સવાર’ ગણીને યોગ્ય પગલાં લેવાં એ આપણે નક્કી કરવાનું છે.

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 13-14

Loading

...102030...2,2372,2382,2392,240...2,2502,2602,270...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved