અયોધ્યામાં જે રામજન્મભૂમિ મંદિર બંધાઈ રહ્યું છે એમાં હું ક્યારે ય પગ ન મૂકું અને તેનાં બે કારણ છે. પહેલું કારણ એ છે કે અયોધ્યામાં રામલલ્લાનું મંદિર અપવિત્ર માર્ગે બંધાઈ રહ્યું છે. ૧૯૪૮માં બાબરી મસ્જીદમાં ફૈઝાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટની મદદથી મોડી રાતે રામલલ્લાની તસ્વીર ઘૂસાડવામાં આવી ત્યારથી આજ સુધીમાં જૂઠ, હિંસા, છેતરપિંડી વગેરે દરેક માર્ગ અપનાવવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલત સાથે સોગંદનામું રજૂ કરીને અને પછી સોગંદ તોડીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. અપવિત્ર માર્ગે બંધાયેલું સ્થાન પવિત્ર ન હોઈ શકે. વળી ભગવાન રામ તો ભગવાનોમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. એ પુરુષોમાં ઉત્તમ એટલા માટે હતા કે રામ મર્યાદાનું પાલન કરતા હતા. જે મર્યાદા ઓળંગે એ રામભક્ત ન હોઈ શકે અને જો કોઈ તમામ મર્યાદાઓ ઓળંગીને ભગવાન રામનું મંદિર બાંધે તો પણ ત્યાં રામનો વાસ ન હોઈ શકે. આમ આ એક કારણ છે.
બીજું મારી દૃષ્ટિએ આનાથી પણ વધારે મહત્ત્વનું કારણ એ છે કે અયોધ્યામાં બંધાનાર રામમંદિર હિંદુગર્વ કે હિંદુવિજયનું નહીં, પણ હિંદુઓની લઘુતાગ્રંથિનું પ્રતીક બનવાનું છે અને હું લઘુતાગ્રંથિથી પીડિત નથી. લઘુતાગ્રંથિ એ પરાજિત માનસિકતાનું પરિણામ છે. એ કઈ રીતે એ જોઈએ.
હિંદુ બાળક સમજણું થાય ત્યારથી એને શીખવાડવામાં આવે છે કે ભારતમાં આવીને વિદેશીઓએ અને વિધર્મીઓએ હિંદુઓ સાથે અત્યાચાર કર્યા છે. હિંદુઓને કાયમ પરાજિત કર્યા છે. હિંદુઓને ગુલામ બનાવ્યા હતા, હિંદુઓ ઉપર રાજ કર્યું હતું. લોકોનું ધર્માન્તરણ કરવામાં આવ્યું હતું, બહેનોની લાજ લૂંટવામાં આવી હતી, મંદિરો તોડવામાં આવ્યાં હતાં, જજિયાવેરો અને બીજા પ્રકારના અન્યાય કરવામાં આવ્યા હતા વગેરે. બાળક આવી પરાજિત મનોદશાને વાગોળતું વાગોળતું મોટું થાય છે. તેને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે એ હંમેશાં અતીતનું રુદન કરીને ક્યારે ય ઘાવ રૂઝાવા ન દે અને મોકો મળે તો વેર લેવાનું ચૂકે નહીં. એ વેર કોઈ વિધર્મીને મોકો મળ્યે નાનકડું કે મોટું નુકસાન પહોંચાડવા સુધીનું હોઈ શકે છે. કોઈ મુસ્લિમ યુવતી ઉપર બળાત્કાર થાય અને આપણું રુવાડું પણ ફરકે નહીં એ પણ એક પ્રકારનો વેરભાવ છે.
આમ વેરભાવના હજારો પ્રકાર છે અને અયોધ્યાનું રામમંદિર આમાંનું એક છે. જે માણસ લઘુતાગ્રંથિથી પીડાતો હોય એ જ માણસ વેરભાવને પોષી શકે. પુરુષાર્થી હંમેશાં ભૂતકાળ ભૂલીને આગળ વધે. તમારી આજુબાજુમાંથી જ તમને આનું ઉદાહરણ મળી રહેશે. જે માણસ કુટુંબમાં કાકા-બાપાના ઝઘડાના ઇતિહાસને ભૂલીને આગળ જુએ છે એ જિંદગીમાં આગળ નીકળી જાય છે, અને જે બદલો લેવાની તક શોધતો ફરે છે એ પાછળ રહી જાય છે. મને ખાતરી છે કે તમને આવો અનુભવ થયો હશે.
સવાલ એ છે કે જો હિંદુઓનો સતત પરાજય થયો અથવા હિંદુઓને સતત રંજાડવામાં આવ્યા તો એમ શેને કારણે બન્યું? જે તમને કહેવામાં આવ્યું છે એ બધું જ સાચું છે એમ માનીને આપણે આગળ વધીએ. કોઈ પ્રજાનો ક્યારે ય અને કોઈની ય સામે વિજય જ ન થાય એવું બને? અને જો એવું બને તો ખામી આપણામાં હોવી જોઈએ એવી કોઈ શંકા કે સવાલ ક્યારે ય તમારા મનમાં પેદા થયાં? આવો સવાલ તમને તમારા મા-બાપે કે મિત્રે પૂછ્યો?
શા માટે? આના ઉત્તર એ છે કે જો વેરભાવ છોડવામાં આવે, લઘુતાગ્રંથિ ત્યજવામાં આવે તો અતીતની જગ્યાએ ભવિષ્યમાં જોવાનું આવે અને ભવિષ્ય એ પડકારનો પ્રદેશ છે, પુરુષાર્થનો પ્રદેશ છે. નમાલાઓનું ત્યાં કામ નથી. બીજું, એવી કેટલીક વાસ્તવિકતાઓનો સ્વીકાર કરવો પડે જેનો સ્વીકાર તમારા પૂર્વજોએ કર્યો નહોતો અને તમે તેનો સ્વીકાર કરો એ તેઓ ઈચ્છતા નથી. ત્રીજું, જે દાર્શનિક-સાંસ્કૃતિક વારસો તમને મળ્યો છે એ કાં છોડવો પડે અથવા અપનાવવો પડે અને એટલો વિવેક કરવા જેટલું ગજું નથી. ટૂંટિયું વાળીને જેને આશ્રયે પડ્યા હોઈએ અને પુરુષાર્થથી ભાગતા હોઈએ એ ઓળખ નામની ઓથ જતી રહે. ટૂંકમાં વાસ્તવિકતાઓ ભયભીત કરે છે. આવા નમાલા લોકો ઇતિહાસને નામે જે કાંઈ કહેવામાં આવ્યું હોય એને શંકા કે પ્રશ્ન કર્યા વિના લાપશીની જેમ સ્વીકારી લે છે. આ ભાગેડુવૃત્તિ છે અને માટે લઘુતાગ્રંથિ છે.
હિંદુઓનો પરાજય થયો એનું કારણ વિધર્મીઓ વધારે શક્તિશાળી, ઝનૂની કે દૂરાચારી હતા એ નહોતું, પણ ચાર વર્ણને નામે થયેલું હિંદુઓનું સામાજિક વિભાજન હતું. એકલા ક્ષત્રિયો લડતા હોય અને બાકીની ૯૫ ટકા પ્રજાને હાથમાં શસ્ત્ર ઉઠાવવાની પણ અનુમતિ ન હોય તો એ પ્રજાનો પરાજય ન થાય તો બીજું શું થાય! પણ તમે જો શંકા કરી હોત તો સ્વાભાવિક ક્રમે સવાલ પેદા થયો હોત અને જો સવાલ પેદા કર્યો હોત તો પરાજયની મીમાંસા કરવી પડત અને એ તમને મહાન પણ વિધર્મીઓ દ્વારા પ્રતાડિત હિંદુ હોવાની ઓળખ પકડાવનારા બ્રાહ્મણોને અને અન્ય સવર્ણોને પરવડે એમ નથી. જે વર્ણવ્યવસ્થાના પુરસ્કર્તા રહ્યા છે, લાભાર્થી રહ્યા છે, સમાજ-વિભાજક રહ્યા છે, હિંદુઓના પરાજયનું કારણ રહ્યા છે, દેશના ગુનેગાર રહ્યા છે એ સામે ચાલીને તમને થોડા કહેશે કે હિંદુઓના પરાજયનું કારણ જ્ઞાતિ વ્યવસ્થા હતું. પોતાને દોષમુક્ત કરવા માટે દૂરાચારીઓએ હિંદુઓને પ્રતાડિત કર્યા છે એવો દુઝતો ઘાવ તમારા હાથમાં પકડાવી દીધો છે. એને ખોતર્યા કરો, રડતા રહો અને વેરભાવ પાળતા રહો. આને પરિણામે ઉજ્વળ ભવિષ્ય તરફ નજર કરનારા પુરુષાર્થી તમે જો ન નીવડો તો એનાથી તેમને કોઈ ફરક નથી પડતો. ઊલટું એવું તો તેઓ ઈચ્છે છે કે જેથી તેમના ગુના તરફ તમારી નજર ન જાય.
તો હિંદુઓના પરાજયનું મુખ્ય કારણ હિંદુઓનું આંતરિક સામાજિક વિભાજન હતું જેના વિષે હિન્દુત્વની વાત કરનારાઓ તમને કાંઈ નહીં કહે. એ તેમને પરવડે એમ નથી. બ્રાહ્મણોએ હિંદુઓને શીખવ્યું હતું કે મ્લેચ્છોની ભૂમિ ઉપર પગ મૂકવો એ પાપ છે. દરિયો ઓળંગવો એ પાપ છે. જેને આવી શીખ મળી હોય એ પરદેશ જવાનો નથી તો વિજય તો બહુ દૂરની વાત છે. હિંદુસ્તાનના ગેર-બ્રાહ્મણ આમ હિંદુઓએ પુરાણો નથી લખ્યાં કે નથી આવા બેહુદા આદેશો આપ્યા. જેણે આંતરિક સામાજિક વિભાજનનો બચાવ કરીને તમને પરાજિત કર્યા અને બેહુદા આદેશો આપીને પરાજયનો મસાલો પકડાવ્યો એ અત્યારે તમને સદૈવ દુઝતા ઘાવની પરાજય-મીમાંસા પકડાવી રહ્યા છે કે જેથી તેમના પાપ તરફ તમારી નજર ન જાય.
હિંદુઓના પરાજયનું બીજું કારણ હિંદુ તત્ત્વજ્ઞાન છે, જેની ચર્ચા હવે પછી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ઑગસ્ટ 2020
![]()


Contrary to present impression that Muslims are separatists due to whom the partition of India took place, the truth is that Muslims contributed to freedom movement and upheld India’s composite culture in equal measure. The partition process, mainly due to British policy of ‘divide and rule’ well assisted by Hindu and Muslim communalists is being hidden from the popular vision in India and Muslims in general are held responsible for the same. Not only that the communal historiography introduced by British to pursue their policies has become the bedrock of communal politics and worsening of the perceptions about Muslims is in progress in India.