Opinion Magazine
Number of visits: 9574793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કબૂતર ઊડી ગયું !

રાધિકા પટેલ|Poetry|19 August 2020

જરા પૂછ્યો મેં સવાલ ને કબૂતર ઊડી ગયું !
જોઈ હાથમાં મશાલ ને કબૂતર ઊડી ગયું !

પ્રસૂતિ કરી છે સાવ વચોવચ મારા પલંગ પર;
પછી 'રાખજો ખ્યાલ’ – કહી કબૂતર ઊડી ગયું !

કબૂભાઈના વકીલને બતાવી – ચરક કહ્યું :
'કરો આનો કંઇ નિકાલ '- તો કબૂતર ઊડી ગયું !

હતો પ્રશ્ન ત્યાં સમાન પણ, અસર થઇ જુદી-જુદી ;
કરે કાગડો બબાલ ને કબૂતર ઊડી ગયું !

કરી વાત સિંહની ને સિંહ – અચાનક પ્રકટ થયો;
બદલાઈ ગઈ રવાલ ને કબૂતર ઊડી ગયું !

કબૂતર વિષે એ પત્રમાં લખ્યું છે ખુલીને મેં;
મળી આપને ટપાલ કે કબૂતર ઊડી ગયું ?

અહીં કેટલાક કબૂતરો નથી ઊડતાં ધરાર ;
હતો કેવો એ સવાલ કે કબૂતર ઊડી ગયું ?

e.mail : radhikapatel1976@yahoo.com

Loading

નવી શિક્ષણનીતિ 2020 : પડકારો અને જોખમો

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|19 August 2020

જુલાઇ 29, 2020. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્મૃતિદિને દેશની નવી શિક્ષણનીતિ રજૂ કરવામાં આવી. 34 વર્ષ બાદ ઘડવામાં આવેલી એકવીસમી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ દેશને નવા આયામો તરફ લઈ જશે તેમ જ એકવીસમી સદીના પડકારોને પહોંચી વળવા સક્ષમ વિદ્યાર્થીઓનું સર્જન કરશે — તેવા દાવા સાથે આવેલી આ શિક્ષણનીતિને અનેક શિક્ષણવિદો, પ્રગતિશીલ લોકો, આવકારી રહ્યા છે, એવા સમયે તર્કબદ્ધ રીતે તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે.

‘પ્રાઇવેટ’ને બદલે ‘ફિલાન્થ્રોફિક’

આ સમગ્ર શિક્ષણનીતિ, એક તરફ તો જાહેર શિક્ષણ વ્યવસ્થાની તરફેણ કરતી હોય એવું ચિત્ર ઊભું કરવાની કોશિશ કરવામાં આવી છે, તો બીજી તરફ 'બિટવીન ધ લાઇન્સ' વાંચવાની કોશિશ કરીએ તો શાળા શિક્ષણથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધી ખાનગી સંસ્થાઓના શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રવેશને પ્રોત્સાહન આપવાની વાત પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. અલબત્ત વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિનાં ભયાવહ પરિણામો જોયા બાદ, આજે અનેક લોકો ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે, એવા સમયે ખૂબ જ ચતુરાઈપૂર્વક 'ખાનગી' શબ્દનો ઉપયોગ ટાળીને 'ખાનગી ફિલાન્થ્રોફિક-સખાવતી સંગઠન' શબ્દનો ઉપયોગ કર્યો છે.

આ ઉપરાંત અનેક જગ્યાએ ‘પબ્લિક ફિલાન્થ્રોફિક પાર્ટનરશીપ' મોડેલને પ્રોત્સાહન આપવા પર પણ ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. (અગાઉ આ જ પ્રયોગ ‘પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ’ તરીકે થતો હતો) તેનો સીધો અર્થ એ થાય છે કે ખાનગી સંસ્થાઓ ‘ફિલાન્થ્રોફિક ઓર્ગેનાઇઝેશન’ના નામ હેઠળ શૈક્ષણિક ક્ષેત્રમાં રોકાણ કરી શકશે, જેમાં લોકોના પૈસે ઊભી થયેલી માળખાકીય સુવિધાઓ તેમને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે અને નફો તેમના ખિસ્સામાં જશે, જેવું આપણે રેલવે, એરપોર્ટ અને અન્ય અનેક જાહેર સાહસોના ખાનગીકરણનામાં PPP મોડલ રૂપે જોયું છે.

વિદેશી યુનિવર્સિટીઓ માટે જાજમ

શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણના નામે વિદેશી યુનિવર્સિટીઓ(નવી શિક્ષણનીતિ 2020 મુજબ વિશ્વની શ્રેષ્ઠ 100 યુનિવર્સિટી)ને ભારતમાં પોતાનું કેમ્પસ શરૂ કરવા માટે સરકાર ફેસિલિટેટ કરશે એટલે કે સહાયભૂત થશે. યુ.પી.એ. સરકાર 'ફોરેન યુનિવર્સિટી બિલ' લાવી રહી હતી ત્યારે વર્તમાન સરકારે એનો જોરશોરથી વિરોધ કર્યો હતો. આ વિદેશી યુનિવર્સિટીઓ 'વિદ્યાદાન'ના ઉદ્દેશથી ભારતમાં આવશે નહીં એટલું તો નક્કી જ છે. તેમનો ઉદ્દેશ પણ મુખ્યત્વે વેપારનો રહેશે.

વ્યાવસાયિક શિક્ષણ

છે'ક શાળા શિક્ષણથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધી વ્યવસાયિક શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષણ એ મનુષ્યનિર્માણ અને ચારિત્ર્યઘડતરની પ્રક્રિયા છે. વ્યાવસાયિક શિક્ષણ એ પ્રકારના શિક્ષણના મૂળભૂત હાર્દને ખતમ કરી નાખશે. આઇન્સ્ટાઇને કહ્યું હતું કે “વ્યક્તિને નિપુણતા શીખવવી પૂરતી નથી. કારણ કે તેનાથી તે ઉપયોગી મશીન બની શકે, પણ સર્વાંગી વિકાસ પામેલા મનુષ્ય ન બની શકે. વિદ્યાર્થીઓ ન માત્ર મૂલ્યોની સમજણ કેળવે, પરંતુ તેના પ્રત્યે સાચી લાગણી ધરાવે, એ ખૂબ અનિવાર્ય છે. તેમણે સૌંદર્યબોધ અને સારા-નરસાનો વિવેક કેળવવો પડશે. નહીં તો પછી પોતાનાં હાંસલ કરેલાં જ્ઞાનના આધારે તે સર્વાંગી વિકાસ પામેલ મનુષ્યના બદલે સારી તાલીમ પામેલું કૂતરું બનીને રહી જશે … તાત્કાલિક જરૂરિયાતના નામે નિપુણતા ઉપર વધુ પડતો ભાર આપવાના કારણે નિપુણતા સહિત સાંસ્કૃતિક જીવનની તમામ બાબતો જે સ્પિરિટ પર – જે લાગણીઓ પર આધાર રાખે છે, તે જ ખતમ થઇ જશે.”

વડાપ્રધાને નવી શિક્ષણનીતિનાં વખાણ કરતાં કહ્યું કે આવનારા દિવસોમાં આ નીતિના અમલ બાદ વિદ્યાર્થીઓને નોકરી માગવી નહીં પડે. તેમની પદ્ધતિથી પરિચિત હોવાને કારણે તેમની વાતમાંથી એવું પણ વાંચી શકાય કે વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવાની વાત કરીને સરકાર સરવાળે રોજગારી આપવાની જવાબદારીમાંથી પણ છટકી જવા માંગે છે.

શાળાઓનું કેન્દ્રીકરણ

‘સ્કૂલ કૉમ્પ્લેકસ’ના રૂપાળા નામ હેઠળ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઓછી સંખ્યા ધરાવતી શાળાઓના વ્યવસ્થાપનમાં તકલીફ પડે છે. તેથી આવી શાળાઓનું જોડાણ ન્યાયિક રીતે કરવું. આ બાબતનું સીધુ અર્થઘટન એ થાય કે સંખ્યા વધારવાનો પ્રયત્ન કરવાના બદલે એક જ શાળામાં, આસપાસની શાળાનું મર્જર કરીને – તેમને ભેળવી દઈને અંતે શાળાઓ બંધ કરવામાં આવશે, જેવું હાલમાં પણ થઈ રહ્યું છે.

ભાષાઓ વિશે

ત્રણ ભાષા નીતિનો અમલ કરવામાં આવશે. અલબત્ત કોઈ પણ ભાષા કોઈ પણ રાજ્ય પર થોપવામાં આવશે નહીં. સંસ્કૃત પ્રત્યે સરકારને વિશેષ પ્રેમ હોય એ તો સમજાય એવું છે. પણ પરંતુ વિવિધ વિદેશી ભાષાઓમાં શા માટે મેન્ડ્રિન (ચીની) ભાષાનો સમાવેશ કરવામાં નથી આવ્યો? તે જ રીતે પ્રાચીન ભારતીય ભાષાઓમાં પાલી, પ્રાકૃત અને પર્શિયન ભાષાઓનો સમાવેશ થયો છે. પરંતુ અરબી નથી. અનેક ભારતીય ભાષાઓ ઉપર પર્શિયન અને અરબી ભાષાનો પ્રભાવ રહ્યો છે. ત્યાં સુધી કે ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં પર્શિયન – અરબી ભાષાની ભૂમિકા છે.

સ્નાતક અભ્યાસક્રમો અને સેમેસ્ટર પદ્ધતિ

સ્નાતક અભ્યાસક્રમ ચાર વર્ષનો કરવામાં આવશે. તેમાં પણ દર વર્ષે વિદ્યાર્થી ઈચ્છે ત્યાંથી દાખલ કે વિદાય થઈ શકશે. આ જ ચાર વર્ષના સ્નાતક અભ્યાસક્રમો જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાં દાખલ કરવાની વાત આવી ત્યારે તેનો ખૂબ જ મોટા પાયે વિરોધ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ કર્યો હતો. અંતે તે નીતિ પછી ખેંચવી પડી હતી. નવી શિક્ષણ નીતિ એ જ પદ્ધતિ ફરીથી સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે.

એવી જ રીતે સેમેસ્ટર સિસ્ટમનો પણ દેશભરમાં ખૂબ જ મોટા પાયે વિરોધ થયો છે. તેને ફરજિયાત બનાવ્યા વિના પણ અપનાવી શકાય, તેવી વાત આ નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. ત્યાં સુધી કે શાળાકીય શિક્ષણમાં પણ સેમેસ્ટર સિસ્ટમની તરફેણ કરવામાં આવી છે. એક તરફ નવી શિક્ષણનીતિ વારંવાર સંપૂર્ણ અભિગમ ધરાવતા શિક્ષણની તરફેણ કરે છે, તો બીજી તરફ શાળાકીય શિક્ષણથી જ સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાની તરફેણ કરીને તે પોતાના જ ઉદ્દેશનો વિરોધ કરે છે. કારણ કે તદ્દન ઓછી માળખાકીય સુવિધાઓની વચ્ચે ટુકડે-ટુકડે અપાતું શિક્ષણ કદી વ્યાપક બની શકે નહીં.

નવું નિયમન તંત્રઃ કેન્દ્રીકરણનો બીજો રસ્તો

અગાઉની તમામ નિયમન વ્યવસ્થાઓ સત્તાના કેન્દ્રીકરણ સમાન હતી, તેથી નિયમન તંત્રમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે, તેથી ‘લાઇટ બટ ટાઇટ’ (હળવું છતાં ચુસ્ત) નિયમન તંત્ર હોવું જોઈએ — તેવું કારણ આપીને ઉચ્ચ શિક્ષણ માટે ‘હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા’ બનાવવાની વાત છે. તે સત્તાનું કેન્દ્રીકરણ નથી તો બીજું શું છે? નવી શિક્ષણનીતિમાં એક તરફ મલ્ટિડિસિપ્લીનરી કૉલેજ/યુનિવર્સિટીઓને પ્રોત્સાહન આપવાની વાત વારંવાર કરવામાં આવી છે, એટલું જ નહીં આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા નવી શિક્ષણનીતિનો મુખ્ય ઉદ્દેશ પણ છે. તો વિવિધ વિષયો માટે વિવિધ નિષ્ણાતો ધરાવતા નિયમન તંત્રની  જરૂરિયાત હોય. તેની સામે એક જ નિયમન તંત્ર એ ખાનગી રોકાણકારો માટે સરળ રસ્તો કરી આપવાનો ઉપાય હોય એમ લાગે છે.

જોગવાઈ મુજબ, શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયત્તા આપવાના બહાને, પૂરતી સંખ્યામાં એટલે કે 3,000 વિદ્યાર્થીઓ ધરાવતી કોલેજો જે મલ્ટિડિસિપ્લીનરી વિષયો પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવતી હોય, તે કૉલેજો પોતે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવા માટે સ્વાયત્ત બની શકશે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓની ડિગ્રીનું કેટલું મહત્ત્વ રહેશે? અને ઘણા સંઘર્ષો પછી અસ્તિત્વમાં આવેલી યુનિવર્સિટીઓનું મહત્ત્વ ઘટી જશે. ત્યાર પછી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનું ધ્યેય રહેશે ત્રણ હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સિદ્ધ કરીને 'સ્વાયત'(?) તેમ જ મલ્ટિડિસિપ્લીનરી સંસ્થામાં ફેરવાઈ જવાનું. આ સંજોગોમાં ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી  કૉલેજો, સરકારી શાળાઓની જેમ બંધ થઈ જશે. અંતે ગુણવત્તાયુક્ત યુનિવર્સિટી શિક્ષણ આપવાના બદલે આપણી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સર્ટિફિકેટ વેચતી  દુકાનોમાં પરિવર્તિત થઈ જશે.

ચોઇસ-બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ

ચાર વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ અને સેમેસ્ટર સિસ્ટમની જેમ જ ચોઇસ-બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમનો પણ એટલો જ મોટા પાયે વિરોધ થયેલો છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી પોતાના મુખ્ય વિષયમાં જરૂરી જ્ઞાન મેળવવાના બદલે અન્ય, જેને બિનશૈક્ષણિક કહી શકાય તેવા વિષયો તરફ ગેરમાર્ગે દોરાય એવી સંભાવના ઘણી રહે છે. ભારતમાં હાલમાં જ્યાં પણ આ પદ્ધતિ અન્ય કોઈ નામથી પણ દાખલ કરવામાં આવી છે ત્યાં ન તો તેના વર્ગો લેવાય છે, ન તો તે વિષયની અભ્યાસસામગ્રી ઉપલબ્ધ હોય છે, કે ન તેના માટે કોઈ અલગ શિક્ષકોની જોગવાઈ છે. એ બધા વિના જુદા જુદા વિષયો તો પસંદ કરી નખાય, પણ તે વિષયોના ગુણવત્તાસભર શિક્ષણનું શું?

ઑનલાઇન શિક્ષણ

ઓનલાઇન શિક્ષણપદ્ધતિ ક્યારે ય પણ ક્લાસરૂમનો વિકલ્પ હોઈ શકે નહીં. તેમ છતાં નવી શિક્ષણનીતિમાં શાળાકીય શિક્ષણથી જ ઑનલાઇન શિક્ષણને એક વિકલ્પ તરીકે અપનાવવાની તરફેણ કરવામાં આવી છે, જે જોખમી છે. કોરોના મહામારીના આ સમયમાં ઑનલાઇન શિક્ષણને એક વિકલ્પ તરીકે દર્શાવીને, વાલીઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવી રહી છે, તે સંજોગોમાં ઑનલાઇન શિક્ષણ સાથે સંકળાયેલા આત્મહત્યાના બનાવો પણ સમાચારમાં આવી રહ્યા છે. ઑનલાઇન શિક્ષણમાં સવાલ માત્ર વિદ્યાર્થીઓની તકનિકી સક્ષમતાનો નથી. પરંતુ મોબાઇલ કે કમ્પ્યૂટરની સ્ક્રીન નીતિ અથવા નૈતિકતા આધારિત મનુષ્યનું નિર્માણ ન કરી શકે. વર્ગખંડ, શાળા કે કૉલેજ એ માત્ર એક શૈક્ષણિક સંસ્થાનું મકાન નથી. વિદ્યાર્થીઓના સામાજિકીકરણની પ્રક્રિયા અને તેમનું ઘડતર પણ ત્યાં જ થાય છે.

ફીનું ધોરણ

ઉચ્ચ શિક્ષણ હોય કે શાળાકીય શિક્ષણ, વધતી જતી ફી એ ડ્રૉપ આઉટ પાછળનું એક મુખ્ય કારણ છે. પરંતુ આવનારા દિવસોમાં નવી શિક્ષણનીતિના પરિણામે શૈક્ષણિક સંસ્થાઓ પોતાની ફી જાતે નક્કી કરી શકશે. જરૂરિયાત માત્ર એટલી રહેશે કે તેમણે પારદર્શિતા સાથે પોતાનો નિભાવખર્ચ જાહેર કરવો પડશે.

‘પુરાતન ભારતીય મૂલ્યો’

નવી શિક્ષણનીતિ 2020માં વારંવાર પુરાતન ભારતીય મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારની જે મુજબની ગતિ અને પ્રકૃતિ છે તે જોતાં તો આ નીતિ શિક્ષણના અવૈજ્ઞાનિકીકરણ અને ભગવાકરણને આગળ ધપાવે એવી આશંકા ગેરવાજબી નહીં ગણાય. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં પૂરક વાચનના ભાગરૂપે ભા.જ.પ. સરકાર, આર.એસ.એસ.ના દીનાનાથ બત્રાના માનવીય મૂલ્યોથી વિપરિત એવા પુસ્તકો દાખલ કરી ચૂકી છે.

વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર એરિક હોબ્સબૉને ૧૯૯૨માં બુડાપેસ્ટમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ખાતે એક પ્રવચનમાં કહ્યું હતું કે, 'ઇતિહાસનો વ્યવસાય ભૌતિકશાસ્ત્ર જેટલો જોખમી નથી. પરંતુ હું હવે સમજુ છું કે ઇતિહાસ પણ જોખમી બની શકે છે. ઇતિહાસ ક્યારે ય પણ એક બૉમ્બ ફેક્ટરીમાં રૂપાંતરિત થઇ શકે છે’. ઇતિહાસની તોડમરોડનાં પરિણામો આપણે ભોગવી ચૂક્યા છીએ – ભોગવી રહ્યાં છીએ. ઇતિહાસનું અજ્ઞાન અને તર્ક વગરનો ઉન્માદ, કોરોના મહામારીના આ સમયમાં આપણને આરોગ્યસેવાઓના વિકાસના બદલે મંદિર તરફ ધકેલી રહ્યો છે.

તર્કવિહીન અને અંધ અનુયાયી બને તેવી પેઢી પેદા થાય તે માટે જ પુરાતન મૂલ્યો પર એટલો ભાર મૂકવામાં આવ્યો હોય, એમ લાગે છે. તેની સામે ભારતીય નવજાગરણકાળનાં મૂલ્યોનો ઉલ્લેખ સુદ્ધાં નથી. ભારતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા એવા રાજા રામમોહન રોય અને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર બે સદી પહેલાં કહી ચુક્યા હતા કે દેશને સંસ્કૃતના શિક્ષણની નહીં, વેદ-વેદાંતના શિક્ષણની નહીં, પરંતુ આધુનિક ઇતિહાસ, તર્કવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે જેવા વિષયોના શિક્ષણની જરૂર છે. નવજાગરણકાળના મનીષીઓ અને દેશના આઝાદી આંદોલનના લડવૈયાઓએ આઝાદ ભારતમાં જે વૈજ્ઞાનિક, ધર્મનિરપેક્ષ અને લોકશાહી શિક્ષણનું સ્વપ્ન જોયું હતું તેનો નવી શિક્ષણનીતિમાં છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. શૈક્ષણિક ક્ષેત્રમાં સરકારની જવાબદારી માત્ર આર્થિક છે, તેમ છતાં તે આદર્શને અનુસરવાને બદલે શૈક્ષણિક સંસ્થાઓને સરકારી નિયંત્રણના સકંજામાં લેવામાં આવશે.

ઉપરાંત, 'ફિલાન્થ્રોફિક ઑર્ગેનાઇઝેશન'માં કઈ વિચારધારામાં માનતાં ખાનગી સંગઠનો અને નફો રળી આપતી ખાનગી કંપનીઓનો સમાવેશ થશે, એની કલ્પના કરી શકાય તેમ છે.

જૂની શિક્ષણનીતિઓની સરખામણી

નવી શિક્ષણનીતિમાં શિક્ષણ પાછળ જી.ડી.પી.ના 6 ટકા ખર્ચ કરવાનું સૂચન છે. વર્ષ 1964માં કોઠારી કમિશને પણ આ જ વાત કરી હતી. 1964 બાદ '21મી સદીના પડકારો'નો સામનો કરવા ઘડાયેલી આ શિક્ષણનીતિના ઉદ્દેશોને હાંસલ કરવા માટે શું 6 ટકા ખર્ચ પૂરતો છે? જી.ડી.પી. નહીં પરંતુ કેન્દ્રીય બજેટના 10 ટકા શિક્ષણ પાછળ ઓછામાં ઓછા ખર્ચાવા જોઇએ.

વર્ષ 1954માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ચેરમેન સી.ડી. દેશમુખે કહ્યું હતું કે, 'અમે શિક્ષિત બેરોજગારોની સંખ્યા ઘટાડવા માટે શિક્ષણને સંકુચિત કરવા માગીએ છીએ.' આઝાદી મળ્યા બાદ તરત જ 1954માં યુ.જી.સી.ના ચેરમેનનું આ કથન દર્શાવે છે કે દેશમાં શિક્ષણની દિશા કઈ તરફ રહેશે! 1986ની નવી શિક્ષણનીતિએ શિક્ષણમાં ખાનગીકરણ અને વેપારીકરણનાં દ્વાર ખોલી આપ્યાં. નવી શિક્ષણનીતિ 2020 ગૌરવપૂર્ણ રીતે નોંધે છે કે આ નીતિનો ઉદ્દેશ 1986ની શિક્ષણનીતિના અધૂરા ઉદ્દેશોને પૂર્ણ કરવાનો છે. અલબત્ત, વિશ્વ વ્યાપાર સંગઠન હેઠળ થયેલા 'જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસ' દ્વારા શિક્ષણ પણ વૈશ્વિક બજારમાં વેચી શકાય તેવી વસ્તુ બની અને શિક્ષણમાં પણ મુક્તબજારનો દોર શરૂ થયો.

કોરોના મહામારીમાં લોકો પોતાની અસંમતિનો અવાજ ઉઠાવવા જાહેરમાં આવી શકે તેમ નથી, ત્યારે નવી શિક્ષણનીતિ જાહેર કરવામાં આવી છે. કોરોનાને કારણે દેશમાં લાખો લોકો પીડિત છે અને હજારો લોકોનાં મૃત્યુ થયાં છે એવા સમયમાં આ નીતિને કેબિનેટમાં મંજૂરી આપવી અને એ પણ એવા સમયમાં જ્યારે સંસદ પણ કાર્યરત નથી, એ બંધારણીય મૂલ્યોના સિંચનની વાત કરતી શિક્ષણ નીતિના કહેવાતા ઉદ્દેશથી વિપરીત પગલું નથી? કે પછી કોરોના મહામારીને અવસરમાં ફેરવીને જે રીતે મજૂરકાયદામાં ફેરફારો કરવામાં આવ્યા, રેલવેનું ખાનગીકરણ કરવામાં આવ્યું, એ જ રીતે આ શિક્ષણનીતિ માટે પણ તક ઝડપી લેવામાં આવી છે?

ભારત જેવા વૈવિધ્ય ધરાવતા દેશમાં સર્વસમાવેશી શિક્ષણનીતિ ઘડવાનું કામ અતિ કઠિન છે. નવી શિક્ષણનીતિના ઘડતર અને મંજૂરીની પ્રક્રિયામાં લોકોની સામેલગીરીને સમગ્રપણે અવગણવામાં આવી હોવાથી આ નીતિનાં ઘડતર અને મંજૂરી, બંને બિનલોકશાહી છે. નવી શિક્ષણનીતિનાં આગળ વર્ણવેલાં જોખમો સામે ઊભા થવું એ આજના સંજોગોમાં આપણી ઐતિહાસિક જવાબદારી બને છે.

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 07-11

Loading

કોરોનાકાળમાં કૃષિક્ષેત્રને અવળી અસર કરે એવા ત્રણ વટહુકમ

ભરત મહેતા|Opinion - Opinion|19 August 2020

ભારતના સોશિયલ મીડિયા પર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ ધૂમ મચાવી છે. તેમાં સી.બી.આઇ. તપાસની માંગ થઈ. બીજી બાજુ આપણી સંવેદનહીનતા જુઓ. પુલવામામાં 40 લશ્કરી જવાનો શહીદ થયા હતા, તે સંદર્ભે સી.બી.આઇ. તપાસની માગ નથી થતી! ભારતમાં વર્ષ 1995થી 2018 સુધીમાં ત્રણ લાખ ત્રીસ હજાર ખેડૂતોની આત્મહત્યા એ કેવળ આંકડા છે. એનાથી કોઈનું  રુંવાડું ય ફરકતું નથી! નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, પ્રતિ વર્ષ સરેરાશ 10 હજારથી 12 હજાર ખેડૂતો આત્મહત્યા કરે છે. લૉક ડાઉનમાં સરકારે કામદારવિરોધી નિર્ણયો લીધા (જેમ કે કામના કલાકો બાબતમાં) એ રીતે પાંચમી જૂને ત્રણ વટહુકમો એવા કર્યા છે કે જેથી ભારતનો ખેડૂત વધુ મોટા સંકટમાં ધકેલાશે.

૧૯૯૦ પછીના વૈશ્વિકીકરણમાં જળ, જંગલ, જમીન અને ઘણી સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરાયું હતું. પણ ખેડૂતો અને ખેતી તેમાંથી બાકાત રહ્યાં હતાં. નવા વટહુકમોમાં એ કામ પણ થઈ ગયું છે. જેમ આપણે બાળપણમાં માનતા કે આપણા દેશમાં એક રેલવે એવી છે જે ન ખરીદી શકાય, આજે (રેલવેના અંશતઃ ખાનગીકરણની) એ ‘સિદ્ધિ’ પણ આ સરકારે હાંસલ કરી, એક પછી એક ટ્રેનો ખાનગી થઈ રહી છે. એવું જ ખેતીનું લાગી રહ્યું છે. નવા ત્રણ વટહુકમો કિસાનો પર આવી રહેલા ભારે સંકટની એંધાણી જેવા લાગે છે.

એ તો સૌ જાણે છે કે ખેડૂતોની દશા બેઠેલી છે. નીતિ આયોગના આંકડા બતાવે છે કે તેમની આવક દિન-પ્રતિદિન ઘટી રહી છે. ભારત ગામડાંમાં જીવે છે એમ ભલે કહેવાય, પણ હકીકતે તો ભારત ગામડાંમાં રોજબરોજ મરી રહ્યું છે. ભારતમાં ખેડૂતો પોતાની પેદાશ વેચી શકે તે માટે MSP (મેક્સિમમ સપોર્ટ પ્રાઈઝ)થી APMCમાં વેચી શકે. ત્યાં ટેક્સ ભરવાનો હોય છે. ભારતમાં આજે 7,000 APMC છે. હકીકતે પાંચ કિલોમીટરના ક્ષેત્રમાં આવી માર્કેટ હોવી જોઈએ. ખેડૂતને પેદાશો વાહનવ્યવહાર દ્વારા લઇ જવાનું મોંઘુ પડે છે. જરૂર છે 42,000 APMCની. અત્યારની માર્કેટમાં ભારતના કેવળ 6 ટકા ખેડૂતો પહોંચે છે. બાકીના 94 ટકા ખેડૂતો વચેટિયાના સહારે જીવે છે. તેથી APMCની સમાંતરે મુક્ત બજારનો અભિગમ આ સરકાર લાવી રહી છે. જે રહીસહી સગવડ પણ છીનવી લેશે. સરકારની દલીલ છે કે મુક્ત બજારથી ખેડૂતોની દશા સુધરશે. અરે! અત્યારે જ 94 ટકા મુક્ત બજારના હવાલે છે તો શું દશા સુધરી છે? વળી, સરકારના દાવાને નિષ્ફળ કરતું ઉદાહરણ બિહારમાં મળ્યું છે.

બિહારમાં APMCની સમાંતરે મુક્ત બજાર શરૂ કરાયું વર્ષ 2006માં. ત્યાં દોઢ દાયકામાં કશો સુધારો થયો નથી. એ.પી.એમ.સી. એક્ટ હટાવવાથી નવી ક્રાંતિ થશે, એવા દાવા ખાલી ખખડતા જ જોવા મળ્યાં છે. આ પણ અનેક બાબતની જેમ અમેરિકાનું અનુકરણ છે. અમેરિકામાં પણ આજે ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. હકીકતે અમેરિકા પાસે માર્કેટ નથી. ચીનનું બજાર હવે મુશ્કેલ છે. એમની નજર ભારતના બજાર પર છે. જેથી મુક્ત બજારના નામે વિદેશી કંપનીઓને ભારતીય ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે છૂટી મૂકી દેવામાં આવશે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટેના કાનૂની અંકુશો પાણીપાતળા કરીને, ભારતીય ખેડૂતોને લલચાવી છેતરવામાં આવશે. સરકારનો આ નિર્ણય ખેડૂતોના ભોગે ખોટનો ધંધો કરવાનો છે. વૈશ્વિકીકરણમાં હંમેશાં બને છે તેમ, આપણાં જેવું બજાર ધરાવતો દેશ લૂંટાતો જ રહ્યો છે. 

સરકારનો વધુ એક નિર્ણય ભારતના તબાહ થઇ રહેલા કૃષિક્ષેત્રને વધુ તબાહ કરશે. ખેડૂત પોતાને મનગમતાં ભાવ લઈ શકે એવી લોલીપોપ આપીને,  સરકાર હકીકતે તો ખેડૂતને મુક્ત બજારમાં છૂટ્ટો મૂકીને એ ક્ષેત્રમાંથી પલાયન કરી રહી છે. જેમ, ‘ખાનગી શિક્ષણ ઉત્તમ શિક્ષણ’વાળો રાગ આલાપીને શિક્ષણમાંથી સરકારે હાથ ઊંચો કરી નાખ્યાં છે. જે આપણે કોરોનાકાળમાં અનુભવ્યું છે તે હવે કૃષિક્ષેત્ર થશે. જેમાં ખાનગી શાળાઓ ઊંચી ફીમાં જરા ય સમાધાન કરવા તૈયાર નથી અને સરકારી શિક્ષણ ભૂંડેહાલ કરી મૂક્યું છે.

‘આત્મનિર્ભર ભારત’ના સૂત્ર પ્રમાણે હવે મોટી કંપનીઓ આત્મનિર્ભર થશે અને ખેડૂત વધુ પરાવલંબી. અત્યારે ટેકાના ભાવના કારણે એ નાના વેપારીથી લૂંટાતો હતો, હવે કાયદાકાનૂનથી દૂરની કંપનીઓ તેને લૂંટશે. કરાર આધારિત ખેતી થશે. વાવણી વખતે જ સોદા થશે! કહેવાયું છે કે આ ખેડૂત સશક્તિકરણનો કાયદો છે પણ હકીકતે કંપની સશક્તિકરણનો કાયદો છે.

સંસદ ચાલુ હોય કે બંધ, વ્યાપક ચર્ચા વિના નવી નીતિઓ સરકાર માથે મારતી રહી છે, જેનો  માર પ્રજાએ સહન કરવો પડે છે અને કોઈ ફાયદો થતો નથી. સંસદ બંધ છે ત્યારે વીજળી અને કોલસાનું ક્ષેત્ર ખાનગી કંપનીઓને હસ્તાંતરિત કર્યું, એવી જ રીતે ખેડૂતોનું હિત હસ્તાંતરિત કરવામાં આવી રહ્યું છે. ભારતીય આર્થિક સર્વે મુજબ ભારતીય ખેડૂતની સરેરાશ વાર્ષિક આવક રૂ. વીસ હજાર છે. મહિને રૂ. 1,650 થયા. આવો રાંક સરેરાશ ખેડૂત શું મહાકાય કંપનીઓ સામે ઝીંક ઝીલી શકશે?

એક વટહુકમની વિગત એવી છે કે સંગ્રહાખોરી ગુનો રહેશે નહીં. તેથી મોટાં વેપારી/કંપની મોટી સંગ્રહખોરી કરશે અને ભાવ વધારો થાય ત્યારે વેચશે. 2002-03માં વાજપેયી સરકારે ઘઉંની વિક્રમી નિકાસ કરેલી, પણ હાલત એવી થઈ કે ભારત માટે 55 લાખ ટન ઘઉંની વિદેશથી ખરીદેલા! કરારી ખેતીનો ત્રીજો જે વટહુકમ છે તે પણ કંઈ નવો નથી. તેની કાનૂની ગૂંચો એવી છે કે ખેડૂતો ભોગ બની શકે. સર્વ સત્તા કલેકટરને અપાઈ છે, પરંતુ કલેક્ટરો 80થી વધુ સમિતિના અધ્યક્ષ હોય છે, સતત સ્થળ બદલતાં  હોય છે. શું એ ખેડૂતને ન્યાય આપી શકશે?

કેન્દ્ર સરકારે એ.પી.એમ.સી. એક્ટમાં કરેલો સુધારો તેની સ્વાયત્તતા હુમલો છે. કેમ કે, એ.પી.એમ.સી. રાજ્ય સરકારનો મામલો છે. ખેડૂતસમાજના પ્રશ્ને લડતાં કાનૂનવિદ્ આનંદ યાજ્ઞિકે આ વટહુકમનો વિરોધ કર્યો છે. છેલ્લાં દોઢ દાયકામાં જમીનનું અધિગ્રહણ એક તરફ ચાલે છે એ પહેલાં તો અટકાવો. આત્મનિર્ભર ભારતનું આવું ચિત્ર હોય? આ આત્મઘાતી ભારતનું ચિત્ર છે. ખેડૂત પોતાની જમીનને સાચવી શકે એ માટે પાણી, વીજળી, ખાતર અને ખેતીવિષયક સાધનો શક્ય એટલાં સસ્તાં ઉપલબ્ધ કરાવી આપવાં જરૂરી છે, એ પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે ખેડૂતને કંપની વચાળે મોકલી દેવો હિતાવહ નથી. એ.પી.એમ.સી. એક્ટમાં સુધારો ચોક્કસ જરૂરી હતો. પરંતુ પાયાની જરૂરિયાતો પૂરી પાડવાના બદલે મુક્ત બજાર એ સામ્રાજ્યવાદ સામેની શરણાગતિ છે. હાલની સરકારને સામ્રાજ્યવાદનું શરણું લીધા વિના ચેન પડતું નથી.

('જતન' દ્વારા આયોજિત વેબિનારનાં વક્તવ્યોના આધારે)

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 11-13

Loading

...102030...2,2152,2162,2172,218...2,2302,2402,250...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved