Opinion Magazine
Number of visits: 9574793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી ખોડંગાતી લોકશાહી

કમલેશ ઓઝા|Opinion - Opinion|26 August 2020

રાજકીય પડદા પર ભારત

ભારતનું રાજકારણ કરવટ બદલી ચૂક્યું છે અને તેનો પાયો ૧૯૯૨, ૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસથી નંખાયો છે. હિન્દુ એક્ટીવિસ્ટો દ્વારા બાબરી મસ્જિદનો ૧૯૯૨માં ધ્વંસથી ભારતમાં સાંપ્રદાયીક ભાવનાનો તનાવ વધતો ગયો છે અને આપણા બંધારણના મુખ્ય ઉદ્દેશ્ય સમા સર્વધર્મ સમભાવના બિનસાંપ્રદાયિક ભાવના સાથેના આદર્શથી રચાયેલા ભારતની લોકશાહી સમાજ વ્યવસ્થામાં એક કાળું ટપકું તે સમયે જોવા મળેલું, જે આજે દેશભરમાં ચુસ્ત હિન્દુઇઝમના, જયશ્રી રામના નારા સાથે અનેક કટ્ટરવાદીઓ દ્વારા કરાતા ખુલ્લેઆમ માનવહત્યા કાંડ દ્વારા ગૌરી લંકેશથી માંડીને પરવેજ અન્સારીના મોબ લિંચીંગ સુધી પહોંચતા ભારતની સ્વસ્થ લોકશાહી ભારતની સ્વસ્થ લોકશાહીની ધર્મનિરપેક્ષતાની સમભાવ સદ્દભાવ પરના ખ્યાલ પર ઊભેલી ઇમારત આજે ડગુમગુ થતી હોવાનું આ કોલમ લેખકને સ્પષ્ટ લાગે છે.

ગુજરાતના ગોધરા અનુગોધરાના ૨૦૦૨ના કોઇ એક ધર્મના અસંખ્ય માનવ હત્યાકાંડની સાક્ષીએ હીરોઇઝમના નવા પ્રવેશ સાથે નરેન્દ્ર મોદીનો સત્તાકારણમાં પ્રવેશથી માંડીને ૨૦૧૯ સુધીનો સમયગાળો, જ્યાં પાર્લામેન્ટ જેવી પવિત્ર જગ્યા પર એક બાજુ જયશ્રી રામના નારા સાથે તો બીજી બાજુ આજ પાર્લામેન્ટમાં અલ્લાહો અકબરના નારાથી ગુંજતું વાતાવરણ કોઇ પણ સંવેદનશીલ નાગરિકના દિલોદિમાગને હચમચાવી નાખે છે અને આપણી લોકશાહીની ઇમારત સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પહેલા વડા પ્રધાન નહેરુના યુગથી ૨૦૧૪ સુધીના ગાળા સુધી ધર્મનિરપેક્ષતા, સદ્દભાવ, સમભાવ અને બિનસાંપ્રદાયિક આદર્શ વિચાર સાથે અકબંધ ઊભી છે. તે ઇમારતને આજે ૨૦૧૯માં જડ હિન્દુવાદ, રાષ્ટ્રવાદના સાંપ્રદાયિક તનાવ સાથે, ડગુમગુ થતી જોવા મળતા વિચારશીલ નાગરિકો, બૌદ્ધિકો, રેશનાલિસ્ટો માટે એક ચિંતાનો વિષય બનતા આ દેશની લોકશાહી આમ જનતાની નજરમાં ખરડાયેલી જોવા મળતાં, આવનારી ઘટનાઓ સમય ક્યાં જઇને અટકશે ને ગંભીર ચિંતાનો વિષય બની ચૂક્યો છે.

દુનિયાની નજરે, ભારતની લોકશાહી જીવંત લોકશાહી છે. ડૉ. આંબેડકરે અનેક દેશોનાં બંધારણના અભ્યાસ કરી, આપણું બંધારણ ઘડ્યું છે અને આજ સુધી આપણું આ બંધારણ સર્વગ્રાહી નિવડી ચૂક્યું છે. અને નહેરુના સમય ગાળાથી શરૂ કરેલા પંચશીલ આદર્શો વરેલો આ ભારત દેશ શરૂઆતથી, આજ સુધી દુનિયાની નજરે સ્વસ્થ સમાજ વ્યવસ્થા, રાજવ્યવસ્થાના પ્રમાણમાં અદ્દભુત રીતે અનેરું સ્થાન પામી ચૂક્યો છે. તે દેશની પરિસ્થિતિ આજે બેહાલ, ભયજનક, આર્થિક તનાવ, સાંપ્રદાયિક તનાવ અને સરમુખત્યારશાહીના રસ્તે જઇ રહ્યો હોય, તેવું કોઇપણ સંવેદનશીલ નાગરિકને લાગ્યા વિના રહેતું નથી. ત્યારે આપણા સૌએ આપણી અંદરના માંહ્યલાને જગાડીને પૂછવું જોઈએ કે આવી પરિસ્થિતિના નિર્માણ માટેના જવાબદાર પરિબળો ક્યા હોઈ શકે. આ જવાબ તમને મળી જાય તો તરત જ આ પરિસ્થિતિના નિર્માણમાં કોણ કેટલું દોષી છે તેનો ખ્યાલ આવી જશે.

આ કોલમ લેખકે ૧૯૭૨થી ૨૦૦૨ સુધીના ગુજરાત તેમ જ ભારતના રાજકારણને બહુ જ નજીકથી જોયું છે. એક તટસ્થ લેખક પત્રકાર તરીકે તેમ જ કંઇક અંશે પરફેક્ટ એક્ટીવિસ્ટ તરીકે જાહેર જીવનમાં ભાગ ભજવ્યો છે. એટલે સંપૂર્ણ સ્વસ્થ રીતે રાજકારણની ચર્ચા કરતાં કહીશ કે આ દેશની પ્રગતિને રોકનારા કોઇ પરિબળો હોય તો બે મોટા પરિબળો છે જે હું આ પ્રમાણે કહી શકું :

(૧)  ભ્રષ્ટાચારનો ભોરીંગ આપણી લોકશાહીને કીડાની જેમ ખાઇ જાય છે.

(૨)  વારસાગત રાજકારણ : ખાસ કરીને ઇંદિરા યુગથી મોદી યુગ સુધી

આ બે મહારોગ છે. આ દેશની પ્રગતિને રૂંધતા પરિબળો જ્યાં સુધી આ બન્નેનો આપણે ખાત્મો નહીં બોલાવીએ તેમ જ યુવાનોમાં જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી તેમ જ સૌથી મહત્ત્વની વાત ધર્મને નામે, ઊભી થતી મતબેંક અને મહાત્મા ગાંધીએ નક્કી કરેલા આદર્શ યુક્ત ભારતને તિલાંજલી. ભારતમાં વસતા ધર્મને નામે, જ્ઞાતિના નામે, અસંખ્ય માનવ ટુકડાઓમાં વહેંચી નેતાગીરીને સત્તાનશીન થતી હું જોઉં છું, ત્યારે આપણે આ દેશને ક્યાં લઇ જઇએ છીએ તેની ચિંતામાં સરી પડું છું. જો કે વારસાગત રાજકારણ અને ભ્રષ્ટાચાર બન્નેમાંથી જો કોઇ પોલિટિકલ પાર્ટી આ દેશમાં બાકાત હોય તો તે બન્ને ભારતીય સામ્યવાદી પક્ષ અને આમ આદમી પાર્ટી કેજરીવાલની નેતાગીરીની પાર્ટી આ બન્ને રાજકીય પક્ષો નહેરુયુગથી મોદીયુગ સુધી બાકાત છે. જો કે આમ આદમી પાર્ટીનો જન્મ હમણાં જ થયો, પણ હું સામ્યવાદી પાર્ટીને આ વારસાગત રાજકારણ અને ભ્રષ્ટાચારના ભોરીં ગ મુક્ત રાજકીય પક્ષ તરીકે સલામ કરી શકું.

૨૦૧૪ સુધી કૉન્ગ્રેસની સરકારના આર્થિક સુધારાએ ભારતના અર્થતંત્રને ચેતનવંતુ બનાવ્યું મનમોહનસિંહે લાયસન્સપ્રથા કાઢી નાખી ફ્રી ઇકોનોમીથી જી.ડી.પી. પણ સારો રહ્યો, પણ કોલસા કૌભાંડના ભ્રષ્ટાચારના અસંખ્ય બનાવો સાથે કૉન્ગ્રેસની સરકાર ૨૦૧૪માં ભૂંડે હાલ હારી.

નવી દિશા ઊગશે એ આશાએ ગુજરાત મોડેલ(જે લગભગભ ફેઇલ ગયું છે)ના સહારે સહારે, વિકાસની કૂચ તરફ આગળ વધશે તેવી આશા સાથે, ગુજરાતના ૨૦૦૧થી ૨૦૧૪ સુધી સતત મુખ્ય પ્રધાન તરીકે સત્તાનશીન નરેન્દ્ર મોદીના હવાલે ૨૦૧૪માં સત્તા સોંપી અને ભારતીય જનતા પાર્ટીએ દેશમાં, સારું કાઠું કાઢી સરકારમાં, બહુમતી મેળવી. પણ ૨૦૧૪થી ૨૦૧૯ સુધીના તેમના શાસન તરફ નજર નાખીએ તો અનેક અસંખ્ય યુવાનોને નોકરી નહીં આપી શકવાની અણઆવડત, આર્થિક બેહાલી, અર્થતંત્ર એકાદ હતાશા તરફ, નોટબંધી અને જી.એસ.ટી.ના અણધડ પગલાં, ખેડૂતોની આત્મહત્યાના બનાવો, સ્ત્રીઓ ઉપરના વધતા સેક્સ સ્કેન્ડલના કિસ્સા, વધતી જતી મોંઘવારી વગેરેથી એક નિષ્ફળ વડાપ્રધાનની યાદીમાં આવી ગયા પછી પણ ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવી ૩૦૦ જેટલી માતબર સીટ્સ મેળવી એન.ડી.એ. સરકારનું સંચાલન કરવા તરફ પ્રયાણ કરતાં, દેશનો દરેક સામાન્ય માણસ, કર્મશીલ, બૌદ્ધિક, વિચારશીલ માણસ વિચારે ચડી ગયો કે આટલા નિષ્ફળ વડાપ્રધાન તરીકેની કારકિર્દી હોવા છતાં ૨૦૧૯માં બી.જે.પી.ને, નરેન્દ્ર મોદીની પાર્ટીને આવો જવલંત વિજય કેમ મળ્યો ? મારા મતે બે કારણો હોઇ શકે

(૧) હિન્દુ મતોનું ધ્રુવીકરણ

(૨) રાજકીય શૂન્યાવકાશ

સાંપ્રદાયિક ભાવનાના તનાવ સાથે, નરેન્દ્ર મોદીએ છેલ્લાં પાંચ સાલમાં કરેલાં કોઇ કામ વિશેની ગુડ ગવર્નન્સની વાત કર્યા વિના માત્ર લોકોને દેશભક્તિ, રાષ્ટ્રવાદ અને જડ ચુસ્ત હિન્દુવાદના માર્ગે ચડાવી, અકલ્પનીય વિજય મેળવ્યો અને બાલાકોટથી શરૂ કરી સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકના આપણા લશ્કરના અભૂતપૂર્વ કામગીરીને પોતાના નામે ચડાવી લોકોને ગુમરાહ કર્યા. દેશભક્તિ, રાષ્ટ્રવાદ અને લોકોનું ધ્યાન પાકિસ્તાન સામેની દુશ્મનીને આગળ કરી ખૂબ જ ચાલાકીપૂર્વક કુનેહયુક્ત તેમ અસંખ્ય બનાવોમાં જૂઠનો આશરો લઇ લોકોને આર્થિક બેહાલ પરિસ્થિતિ વધતી મોંઘવારી વગેરેમાંથી ગુમરાહ કરી માત્ર હિન્દુઇઝમ, દેશ ભક્તિ, રાષ્ટ્રવાદ અને પાકિસ્તાન સામેની વેરવૃત્તિને આગળ કરી તેનો આશરો લઇ પોતે જ એક સક્ષમ નેતા છે જે પાકિસ્તાન સામે લડી શકે તેમ છે. એમ કરી વિરોધપક્ષની બિલકુલ મહત્ત્વ વગરની ભૂમિકા સ્થાપી જ્વલંત વિજય મેળવી શક્યા. જે આપણે આજે જયશ્રી રામના નારાથી શરૂ કરી મોબ લિંચીંગ અને સેક્સ સ્કેન્ડલના અસંખ્ય બનાવો સાથે આપણી લોકશાહી ખોડંગાતી જોઇ શકીએ છીએ. અને આ પરિસ્થિતિ સાથે આ દેશ ક્યાં જઇને અટકશે તે વાત કોઇપણ વિચારશીલ સંવેદનશીલ નાગરિકને વિચારતા કરી મૂકે એવી છે.

e.mail : koza7024@gmail.com

Loading

બિનકુ – કિરણ – જય

સૂચી વ્યાસ|Opinion - Opinion|25 August 2020

“એ ય …. સાબદા રહેજો …. એ ય … સાબદા રહેજો! ઓલા ભાણા પટેલની ભાણી આવે." − આવો ગરબો કાઠિયાવાડમાં બહુ સાંભળવા મળતો. તો આજે એવાં ભાણીબાની કથા કરવાની છે. ભાણીબાનું હુલામણું નામ બિનકુ છે અને પાસપોર્ટમાં લખાય તેવું નામ અમી છે, પણ આ નામથી આમ જનતા અજાણ છે.

બિનકુ તો ભાઈસા’બ, નાનપણથી બહુ મોઢે ચડાવેલી. (સાત ખોટના ખોડીદાસ જેવી) મારાં બહેન-બનેવીને ત્યાં માંડ માંડ પારણું બંધાયેલું. તેથી ભારે લાડકોડમાં આ માથાભારે કન્યાને ઉછેરવામાં આવેલી. આ કલાવતી કન્યા રાતે ન વધે એટલી દી’યે વધે. એમ જોતજોતામાં જુવાન થઈ ગઈ. દેખાવમાં સોળ વરસની સુંદરી આળસ મરડીને ઊભી થાય તો, એકાદ ક્ષણ અમિતાભ બચ્ચન પણ છક્કડ ખાઈ જાય કે … "અરે રેખા! આટલી નાની ૨૫ વરસની કન્યા બની ગઈ!" ટૂંકમાં ફિલ્મી પડદાની બહાર રેખા! ઘરમાં રમતી-ગાતી-નાચતી બિનકુને જોઈ શેર લોહી ચડે. ભણવામાં અને કામે કાજે ભારે જબરી! જબરી શબ્દ ઓછો પડે એવી જબરી!

એક આડવાત : એક વખત બિનકુનાં સાસુ અમેરિકા ફરવા આવેલાં. તો આ લોકો એમને લાંબા પ્રવાસે ફ્લોરિડા લઈ ગયેલાં. પ્રવાસ બાદ ઘરે આવ્યાં. સાસુમા ઉપર હાથ-પગ ધોઈ, કપડાં બદલી નીચે આવ્યાં ત્યાં સુધીમાં, એટલે કે ૧૫- ૨૦ મિનિટમાં જમવાનું તૈયાર કરી, ડાઇનિંગ ટેબલ ઉપર થાળી પીરસાઈ ગઈ હતી. મને લાગે છે કે બિનકુનાં સાસુને હજુ મનમાં શંકા છે કે મારા દીકરાની વહુ કાંઈ માનવ સ્વરૂપમાં નથી! ભૂત છે કે શું? સાસુ બોલેલાં : "કાય જેવણ ઝાલા?" (જમવાનું થઈ ગયું?)

કૉલેજમાં ભણતાં ભણતાં શિવાજી પાર્ક ઉપર ક્રિકેટ રમતો એક ફૂટડો છોકરો. પાંચ હાથ પૂરો, દરિયા જેવી લીલી-બ્લ્યૂ આંખોવાળો. પહેલી નજરે ગમી જાય એવા યુવાનના પ્રેમમાં પડેલી. નામ : કિરણ જોગલેકર. ફટાફટ ભણી-ગણીને બહેનબા કોકણસ્થ મરાઠી બ્રાહ્મણનાં પત્ની બની ગયાં. બિનકુ અમારાં જેવા ગાંધી વિચારધારાવાળાં કુટુંબમાં ઉછરેલી હોવા છતાં એકદમ ચુસ્તપણે ‘ગર્વ સે કહો, હમ હિંદુ હૈ.’ જેવી દ્રઢ માન્યતામાં જીવે. એમાં મરાઠી બ્રાહ્મણને પરણી. જેથી હિંદુત્વની આગમાં મરાઠી ઘી હોમાયું. ‘જય ભગવાન!’

બિનકુનાં લગ્ન એટલે બહેનનાં ઘરે તો ‘શુંયે વાત!’ એવો માહોલ હતો. જલસા જ જલસા! ખાણી-પીણી, ગાણી-બજાણી ને ધમાલ, બાપુ! ઘરે સવાર-સાંજ ૫૦-૬૦ માણસનું જમવાનું થાય ને એમાં … પૂછો મા વાત! એટલીવાર ચા મુકાય. આવા દે-દે દેકારામાં બિનકુ રાડ પાડે : "મારી ચા ક્યાં છે, મા?" બિનકુનો પ્રભાવ જ એવો પડે કે આજુબાજુનાં લોકો કારણ વગર બસ, એનાથી ડરી જાય, બી જાય. બાપલડીનો બાર ખાંડી મિજાજ. આમ સ્વભાવ બાર ખાંડી, પ્રભાવ બે મણનો. તેથી એની આસપાસ કોઈ જાતનો અભાવ જ ન રહે તેવું વાતાવરણ સહજતાથી સર્જાઈ જાય.

આવી ધાડ ધાડ બિનકુને લગ્ન બાદ મનમાં થાય છે કે ‘સૂચી આન્ટી પાસે અમેરિકા જઈ સેટલ થાઉં તો કેવું?’ હવે સમજાયું ને કે મને પેલો ગરબો કેમ યાદ આવ્યો? સાબદા રહેજો. ભાણા પટેલની નહીં, પણ સૂચી વ્યાસની ભાણી આવે છે. સાબદા રહેજો.

૧૯૮૮ની સાલમાં બિનકુને વિઝિટર વિઝા ઉપર સ્પોન્સર કરી ધામેધૂમે મરાઠી-બ્રાહ્મણ યુવાન પતિ જોડે અમેરિકા બોલાવી તો લીધી, ત્યારે બિનકુ ફક્ત ૨૧ વર્ષની અને કિરણ ૨૪ વર્ષનો હતો. પહેલે દિવસે ફિલાડેલ્ફિયા ઍરપૉર્ટ ઉપરથી ઘરમાં પ્રવેશ કરતાં ભાણીબા અને જમાઈરાજાનું ભવ્ય-દિવ્ય સ્વાગત કર્યું. મગ – લાપસી જમાડ્યાં. પહેલી વાર દીકરી-જમાઈ ઘરે આવ્યાં એનો આનંદ-ઉમંગ કાંઈ ઓર જ હતો. બંને લોકો ઊછળતાં, દેખાવડાં, ભણેલાં-ગણેલાં, સફળતા પામવા માટે બેગ ભરીને સ્વપ્નાંઓ લઈને આવેલાં. પહેલા અઠવાડિયે તો ક્રિસમસનું વેકેશન હતું. પાર્ટીઓમાં પસાર થઈ ગયું. બીજી કે ત્રીજી જાન્યુઆરી પછી બિનકુની રેઝ્યુમી  તૈયાર કરવામાં આવેલી. બિનકુ દેશમાંથી ઑક્યુપેશનલ થૅરપિસ્ટ થઈને આવેલી. એ જમાનામાં જોઈએ એટલી નોકરીના ઢગલા હતા. રિહેબની દુનિયામાં થૅરપિસ્ટના સાંસા પડતા હતા.

આમ, એક જાન્યુઆરીની ૧૦મીએ ફાધર માર્ટિન લ્યૂથર કિંગ ડેની રાબેતા મુજબની રજા હતી. અમે પ્લાન કર્યો કે આજે બે જગ્યાએ ઇન્ટરવ્યૂ ગોઠવવો. જેથી આજની રજા કામ આવી જાય. એક સાઉથ જર્સીમાં અને એક રેડિંગ પેન્સિલવેનિયામાં બે ઇન્ટરવ્યૂ ગોઠવી દીધા.

બિનકુને સરસ બ્લ્યૂ સૂટ, વ્હાઇટ શર્ટ, પગમાં પહેરવાનાં બ્લ્યૂ પમપમ ને ગળામાં મોતીની માળા અને લાઇટ મેઇક-અપ કરી, મઢમ બનાવી અને અમે તો મારી મૂકી ગાડી.

મને વડીલ થતાં નથી આવડતું. પણ … નાનું ભાષણ, નાટકીય અદાથી આપતાં તો આપી દીધું. “Charlie, Party is over. Now let us go to work. Charlie, don’t walk, now you got to run.” આજે ૨૫ વર્ષ પછી સમજાય છે કે મારો બિનકો, મારો ચાર્લી … તે દી’થી એવો હડી મેલીને દોડ્યો છે કે પાછું વાળીને જોયું નથી. અધૂરામાં પૂરું ‘Forest gum’ નામની મૂવી બિનકુને અતિશય ગમતી-આદર્શ મૂવી છે. પછી તો દોડે, દોડે ને દોડે! હડી મેલીને દોડે છે અલાસ્કામાં.

એક કૂતરાની જાત છે : જેની ડોકનો પટ્ટો સહેજ ખેંચો, એટલે માંડે દોડવા. આ દોડતું કૂતરું ૨૨ માઇલ દોડ્યા પછી જ ઊભું રહે. અમારી બિનકુને આ વાત ખબર નથી.

અમે બે જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યો. બંને જગ્યાએ નોકરી તો મળી ગઈ. પણ રેડિંગ રિહેબવાળા લોકોએ બેનિફિટ વધારે આકર્ષક આપ્યા. રહેવા માટે ઍપાર્ટમૅન્ટ અને ગ્રીનકાર્ડની સુવિધાઓનો લાભ આપતી નોકરી સ્વીકારી.

૨૧ વર્ષની કુમળી કળી જેવી બિનકુને કિરણ સાથે રેડિંગ પેન્સિલવેનિયા મૂકી તો આવ્યાં, પણ આખી રાત ઊંઘ ન આવી. જંગલમાં સાવ સૂનકાર રસ્તા ઉપર આવડું મોટું કેમ્પસ. સમ ખાવા કોઈ લાઇટ દેખાય કે કોઈ વાહન આવતું-જતું દેખાય. નાની બાળ બિનકુ, ને નાનો એવો કિરણ. રામ-સીતા અરણ્યમાં હરણાં વચ્ચે પર્ણકુટિરમાં બેસી ગયાં! ભલે ને ભડભાદર, ઊંચી, પહોળી, દેખાવડી, છરાદાર, માભાદાર, જોરદાર. પણ બાપડી અંદરથી સાવ ઢીલી. વાતે વાતે આંખોમાં આંસુ આવી જાય એવી ગરીબડી પણ ખરી, હોં! સોમથી શુક્ર નોકરી કરવાની અને શુક્રવારે ધમધોકાર ભાગી ભાગીને બિનકુ-કિરણને પાછા લઈ આવીએ. ચિ. ભાઈ કિરણ વનો-ઉપવનો, અરણ્ય, હરણાંઓ, સસલાંઓમાં ત્રાસ-ત્રાસ પામી જતા. ક્યાં મુંબઈનો શિવાજી પાર્કનો એનો રોલો, એનો માભો અને ક્યાં આ પેન્સિલવેનિયાનું જંગલ! મુંબઈ પાછા ભાગી છૂટવાના કજિયા પણ કરે. ધીમે ધીમે બિનકુના રિહેબમાં વૉલન્ટિયર સર્વિસમાં લાગી ગયો. કૉલેજમાં ભણવા પણ બેસી ગયો.

બિનકુ ચોક્કસ ગતિએ પોતાનાં ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કર​વા લાગી અને સમાજમાં પોતાનું બાહોશ સ્ત્રી તરીકે નામ કમાવા લાગી. બિનકુનું સન્માન કરવું પડે, હોં! સન્માન એટલે કે સ્વને નહીં, પણ સર્વને સ્પર્શે છે. કિરણ જેવા કિરણનું માનસ, માનસિકતા બદલી શકી. છેલ્લા ૨૫ વર્ષથી ઇજ્જતથી અને લિજ્જતથી જીવી જાય છે. ખાવા-પીવામાં વધુ વાયડી છે. (પહેરવા-ઓઢવામાં એથી પણ વધુ વાયડી છે.) પણ અમે સૌ એને સમજદારી અને સંવેદનાથી એવી છલોછલ ભરી દઈએ છીએ કે બિનકુ અમારાં વચ્ચે મઘમઘે છે અને ખીલી ઊઠે છે. (પોતે પણ બધાં સાથે ગધેડાં જેટલું કામ કરે છે.) ઘરમાં પાર્ટી હોય અને બિનકુ કામ કરવા વહેલી આવે ત્યારે અચૂક હું બોલું છું : "યા અલ્લી, મદદ આલી."

બિનકુને મારી અને પોતાની નાની બહેનની જ્યાં ત્યાં લાઇનું મારવાની કે ફ્લર્ટ કરતાં નથી આવડતું. પારકા ભાયડાઓ ભાઈ સમાન. અંગત વાત જાહેર કરવી છે. અમારી એક દીકરીના સસરા છે. અતિશય ભલા અને સંસ્કારી માણસ. કોણ જાણે કેમ બિનકુને ‘પપ્પા’ ઉપર આમ પ્રેમભાવ જેવું છે. કે લાઇન ન મારતી. બિનકુ પપ્પાને મળવા જતાં પહેલાં ટપાટપ લિપસ્ટિક લગાવે અને બોલે પણ ખરી કે : "પપ્પા મને બહુ ગમે છે. અમારી મશ્કરીનો માર સહન કરે છે."

બિનકુનાં જમા પાસાનો સરવાળો કરું તો મોટો હિસાબનો ચોપડો ઉખેળવો પડે. એટલે ટૂંકમાં જ કહું તો, અમેરિકા આવી, પતિને ભણાવી-ગણાવી નોકરીને અર્પણ કર્યો. નાની બહેન જયદેવીને સાથે રાખી. ભણાવી-ગણાવી ને છેક લગ્ન કરાવી આપ્યાં, ત્યાં સુધી સાથ આપ્યો.

આ બધા ઉપરાંત બિનકુ એક આદર્શ મા છે. પોતાના એકના એક વહાલસોયા દીકરાને એકલા હાથે મોટો કર્યો. ભણાવ્યો-ગણાવ્યો અને તૈયાર કર્યો. આજે અંગ્રેજી સાહિત્ય માટે વિવેચન કરતી મોટી કંપનીમાં યોગદાન આપી નામના કમાય છે. બિનકુએ બીજા બધાં મા-બાપની જેમ હજારો ને લાખો વાર મોટર હંકારી હંકારી ઇતર પ્રવૃત્તિઓ માટે હડિયાપટ્ટી કરી હશે. પોતાના બાળકનાં તમામ નાટકોમાં સૌ માટે પૈસા ખર્ચી ખર્ચી ટિકિટો ખરીદી હશે. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ઍડમિશન મેળવતાં પહેલાં બીજી અનેક જગ્યાએ ઍડમિશનની ધમાલ ભોગવી હશે. નાના હતાં ત્યારે એક ફિલ્મ જોયેલી. જેનું નામ હતું – સ્વયં સિદ્ધા. અમારી બિનકુને આ નામ હું જાહેરમાં અર્પણ કરું છું. જ્યારે એનો વહાલસોયો પુત્ર ધામેધૂમે કૉલેજનું ભણી રહ્યો, ત્યારે મારા મનમાં અસંખ્ય ભાવો જાગેલા. હજુ રોજ મારા ભાવજગતમાં લાગણીઓ ગરબા રમે છે. (સોહમ એટલે કે બિનકુનો પુત્ર)

સોહમની મા એટલે સહજતા.
સોહમની મા એટલે સૌજન્ય.
સોહમની મા એટલે સાત્ત્વિકતા.
સોહમની મા એટલે સભ્યતા.

આ આખો ય નિબંધ બિનકુ-જય-કિરણ એમ ત્રણ જુદા રેખાચિત્ર કરવાનો હતો. પણ બિનકુ વિષય એટલો અઘરો છે કે બાકીનાં બે પાત્રોનું ચિત્ર અશક્ય બની જતાં નાની શી નોંધ જ લીધી છે.

e.mail : girishsuchi@comcast.net

પ્રગટ : “ગુર્જરી ડાયજેસ્ટ”, ઍપ્રિલ 2020; પૃ. 16-18

Loading

ઉમદા પરસ્પર વ્યહવાર

હેમંત નાણાવટી, હેમંત નાણાવટી|Opinion - Opinion|25 August 2020

રાજકારણનું સ્તર કેવું હોય? રાજનીતિ અને રાજકારણમાં શું ફરક? રાજધર્મ એટલે શું? લોકશાહીમાં સરકાર એટલે શું? સરકારની ભૂમિકા શું? બહુ સાચું કહું તો પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે રીતનું વર્તન, વાણી વ્યહવાર કે વિચાર જે રીતે વ્યક્ત થાય છે તે સાંભળી પારાવાર દુઃખ થાય છે. સત્તા પ્રત્યેનું આંધળું આકર્ષણ અને એ મેળવીને ધનપતિ થવાના કોડ દેખાય છે અને કહેવાતું નેતૃત્વ યુવાનીને બહેકાવી ગુમરાહ કરવાનું ઘોર દુષ્કૃત્ય કરી રહ્યા છે તેવું ભાસે છે, ત્યારે આ મૂર્ખ મનને ભૂતકાળનો એક કિસ્સો યાદ આવે છે અને એ કહેવાની લાલચ રોકી શકતો નથી.

વાત જાણે એમ છે કે પંડિત જવાહરલાલ નહેરુની સરકાર કેન્દ્રમાં હતી, ત્યારે એ કૉન્ગ્રેસની સરકારમાં જયસુખલાલ હાથી કેબિનેટમાં પ્રધાન હતા. સુરેન્દ્રનગરમાં જન્મેલા જયસુખલાલ હાથી રાષ્ટ્રીય રાજકારણમાં એ વખતે અદનું સ્થાન ધરાવતા હતા અને તે સમયમાં જનસંઘના મુખપત્ર "સાધના"માં તેમની સામે ગંભીર આક્ષેપો કરતો લેખ પ્રસિદ્ધ થયો અને એ વાંચી જયસુખલાલ વ્યથિત તો થયા, પરંતુ તેઓ પોતાનું રાજીનામુ લઈને વડાપ્રધાન પાસે ગયા ત્યારે નહેરુએ એમને ઉતાવળ ન કરવા કહ્યું અને પછી નહેરુએ જનસંઘના સાંસદ એવમ નેતા અટલ બિહારી બાજપાઈને આ વાતથી વાકેફ કર્યા  અને બાજપાઈએ નહેરુને તપાસ કરીને પ્રતિક્રિયા આપવાનું વચન આપ્યું અને બીજે દિવસે પાર્લામેન્ટમાં ફ્લોર પર બાજપાઈજીએ જયસુખલાલ હાથી સામેના આક્ષેપો ખોટા છે એની જાહેરાત કરી, એ લેખ "સાધના"માંથી પરત ખેંચી ખુલાસો પ્રગટ કરવાની બાંહેધરી આપી એમની માફી માંગી અને કોઈપણ સંજોગોમાં રાજીનામુ ન આપવા વિનંતી કરી. 

આ મૂલ્યો હતાં, આવી નીતિમત્તા હતી અને આવો ઉમદા પરસ્પર વ્યહવાર હતો !!

અત્યારના ગલીચ રાજકારણ અને બેજવાબદાર વર્તન, વાણી વિલાસ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ગૂંચવાયેલી રાજનીતિના માહોલમાં આવા પ્રસંગો તમને શાતા આપશે, મને તો આપે જ છે.

Loading

...102030...2,2062,2072,2082,209...2,2202,2302,240...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved