Opinion Magazine
Number of visits: 9573976
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંગળીમાં ફૂટે ટચાકા ને ટાચકામાં રઘવાતું કોડીલું નામ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|10 September 2020

હૈયાને દરબાર

૧૯૯૦માં અમદાવાદ છોડીને મુંબઈ આવી, ત્યારે મુંબઈમાં અદ્ભુત નાટકો જોવાં મળશે એ આકર્ષણ સૌથી વધારે હતું. એ વખતે નાટકોમાં બટાટાવડા ‘કલ્ચર’ બહુ વિકસ્યું નહોતું. વિકસ્યું હોય તો કદાચ હું એનાથી અજાણ હતી, કારણ કે સામાજિક નાટકો પ્રત્યે રુચિ થોડીક ઓછી હતી. રવીન્દ્ર સંગીત અને બંગાળી ભાષા શીખતી હોવાને કારણે એ સંસ્કૃતિનો પ્રભાવ ઘણો હતો. એ વખતે કન્નડ, ઓરિસ્સા, બંગાળીમાંથી ગુજરાતી અનુવાદો ઘણા વાંચ્યા હોવાથી કોક જુદી જ દુનિયામાં મનોવિહાર ચાલતો હતો.

આર્ટ ફિલ્મો જોવી, ન સમજાય એવાં નાટકો જોવાં એવું બધું … એબ્સર્ડ એબ્સર્ડ અને સર્રિયલ! સિતાંશુ યશશ્ચંદ્ર, મધુ રાય, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, સુભાષ શાહ, શિવકુમાર જોશી જેવા લેખકોએ ઉત્તમ નાટકો, રુપાંતર અને મૌલિક સ્વરૂપે ગુજરાતીમાં આપ્યાં એનો ય લાભ લીધો હતો.

મને બરાબર યાદ છે કે મુંબઈ શિફ્ટ થયાં પછી છાપાંમાં ‘વેઇટિંગ ફોર ગોદો’ નાટકની એડ વાંચી. મુખ્ય કલાકાર નસીરુદ્દીન શાહ. આ નાટક અમદાવાદમાં નિમેષ દેસાઈએ ભજવ્યું હતું ત્યારે જોયું હતું. નિમેષભાઈનાં નાટકો પણ અનોખાં એટલે એ તો જોવાનાં જ. પણ આ તો ભઈ મુંબઈ! એમાં પાછા નસીરભાઈ એક્ટિંગ કરે એટલે તો નાટક જોવું જ પડે. એન.સી.પી.એ.ના કોક મિનિ થિયેટરમાં એનો શો હતો. અમે તો ઉપડ્યાં. ટિકિટ વિન્ડો પાસે ગયાં ત્યારે ખબર પડી કે સાત વર્ષથી નીચેનાં બાળકોને પ્રવેશ નથી. અમારી સાથે છ વર્ષની દીકરી હતી એટલે પતિ-પત્ની બેમાંથી એક જ જઈ શકે એમ હતું. મનોરંજનનો વિશેષાધિકાર તો સ્વાભાવિક રીતે પતિનો જ હોય!! એટલે નાટક જોવાને બદલે બેબીને ફુગ્ગા અપાવીને નરીમાન પોઈન્ટની પાળી પર મેં બે કલાક પસાર કર્યા હતા!

નસીરૂદ્દીન શાહે આ નાટક વિશે એક ઈન્ટરેસ્ટિંગ વાત કહી હતી કે, "વર્ષો પછી અમેરિકન બ્રોડવેમાં આ નાટક અમે ૧૫૦ ડોલર્સ ખર્ચીને જોયું હતું. તમે માનશો? અમે ભજવેલા ‘વેઈટિંગ ફોર ગોદો’ની આખી પ્રોડક્શન કોસ્ટ આ ટિકિટના પૈસા કરતાં ઓછી હતી!

પરંતુ પેલી ઑફબીટ નાટકોની મારી ચળ ઓછી નહોતી થઈ એટલે ગમે એમ કરીને ગિરીશ કર્નાડનાં નાટકો તોખાર, હયવદન, યયાતિ, તુખલક, બાદલ સરકારનું ‘પગલા ઘોડા’ અને એ પછી સમયાંતરે મોહન રાકેશનું ‘આધે અધૂરે’, પરેશ રાવલ-નસીરૂદ્દીન શાહ અભિનીત ‘ખેલ’, જાવેદ સિદ્દીકીનું ‘તુમ્હારી અમ્રિતા’, શબાના આઝમીનું બ્રોકન ઈમેજ, જયા ભાદુરીનું મા રિટાયર હોતી હૈ, જયતિ ભાટિયાનું ખતીજાબાઈ ઓફ કર્માલી ટેરેસ, લુબ્ના સલીમ અભિનીત ‘હમસફર’, લિલેટ દૂબેનૂં થર્ટી ડેઝ ઈન સપ્ટેમ્બર, ત્રિશલા પટેલનું ‘ધ ડોલ’ તથા શુભા મુદગલનું ‘સ્ટોરી એન્ડ સોંગ્સ’ વિક્રમ કાપડિયાનું ‘બોમ્બે ટોકીઝ’, નૌશિલ મહેતાનું ‘પત્રમિત્રો’ સહિત ઘણાં મેઈન સ્ટ્રીમ અને પેરેલલ નાટકો જોઈ લીધાં.

આ નાટકોએ મન પર દીર્ઘ અસર છોડી હતી.

આધુનિક ગુજરાતી રંગભૂમિનો પાયો ૧૯૮૦માં નખાયો એ પછી અનેક નાટ્યકર્મીઓએ પાશ્ચાત્ય ટેક્નિકનો ઉપયોગ સંગીતથી લઈને મંચસજ્જા સુધી કરીને અઢળક સરસ નાટકો આપીને ગુજરાતી રંગભૂમિને સમૃદ્ધ બનાવી.

પરંતુ માંહ્યલો મ્યુઝિકનો એટલે સરસ સંગીત નાટકનો ઈન્તજાર હતો. ખેલૈયા, એવા મુંબઈમાં ચાલ જઈએ (સંગીત પીયૂષ કનોજિયા), તાક્ ધિના ધીન તથા તાથૈયા (સંગીત ઉત્તંક વોરા) જેવા આધુનિક રંગભૂમિનાં મ્યુઝિકલ્સ મુંબઈમાં મારી અનુપસ્થિતિને લીધે ચૂકી જવાયાં હતાં.

એવામાં સાલ ૨૦૦૧માં મેહુલ બૂચ દિગ્દર્શિત ‘અમસ્તા અમસ્તા’ નાટક આવ્યું. એ સંગીત નાટક હતું, પરંતુ લાઈવ પ્રેઝન્ટેશન નહીં. છતાં મજા પડી હતી. અનિલ જોશીનાં ગીતો અને આલાપ દેસાઈનું સંગીત અને કંઠ. આજનાં જાણીતાં કલાકાર સ્નેહા દેસાઈનાં લગ્ન નહોતાં થયાં એટલે એમણે સ્નેહા પારેખને નામે બે ગીતો લખ્યાં હતાં. સ્નેહા-જીમિત ત્રિવેદી, સનત વ્યાસે ‘ખેલૈયા’ના રિવાઈવલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ એ પછી ખરા અર્થમાં લાઈવ મ્યુઝિકલ નાટક આવ્યું ‘માસ્ટર ફૂલમણિ’. ઉત્કર્ષ મઝુમદાર, ચિરાગ વોરાની મુખ્ય ભૂમિકા સાથેના આ નાટકમાં ઉદય મઝુમદારના સંગીતની કમાલ તો ખરી જ. જૂની રંગભૂમિના મિજાજમાં આધુનિક ટ્રીટમેન્ટ સાથે ભજવાયેલું આ નાટક ‘ખેલૈયા’ના લેખક ચંદ્ર શાહે જ લખ્યું હતું અને મનોજ શાહનું દિગ્દર્શન હતું. ત્યાર બાદ મિહિર ભૂતા લિખિત અને સુનીલ શાનબાગ દિગ્દર્શિત ‘મારો પિયુ ગયો રંગૂન’ એ બહુ સરસ લાઈવ મ્યુઝિકલ હતું. લંડનના ગોલ્ડન ગ્લોબ થિયેટરમાં રજૂ થયેલું પહેલું ગુજરાતી નાટક. ઉદય મઝુમદારનું કર્ણપ્રિય સંગીત તથા મુખ્ય અભિનેત્રી માનસી પારેખ-ગોહિલના કેળવાયેલા અવાજને લીધે એનાં ગીતો વધુ નિખરી ઊઠ્યાં હતાં. મીનળ પટેલ-ઉત્કર્ષ મઝુમદાર તથા ચિરાગ વોરાની પ્રધાન ભૂમિકા હતી.

સંગીત નાટકોનો એક અલગ જ ચાર્મ હોય છે. ‘ખેલૈયા’ વિશેના લેખોનો પ્રતિભાવ જોતાં એ તો નિશ્ચિત થઈ જ ગયું કે લોકોને ૪૦ વર્ષે પણ ગીતો યાદ રહે છે. જૂની રંગભૂમિના સુપ્રસિદ્ધ ‘રસકવિ’ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર અને જાણીતા સેક્સોલોજિસ્ટ ડો. રાજ બ્રહ્મભટ્ટે ‘ખેલૈયા’નાં ગીતોની કથા વાંચીને જૂની યાદો તાજી કરી હતી. એમણે કહ્યું, "ખેલૈયા વિશે વાંચીને તરબતર થઈ ગયો. એ જમાનામાં નાટક પ્રત્યેની લગન અને નિષ્ઠા કમાલનાં હતાં. ચંદ્ર શાહે આ નાટક મજેદાર લખ્યું. એ વખતનો નાનકડો ચંદુ અત્યારે તો ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે! મહેન્દ્ર જોશી જબરજસ્ત ડિરેક્ટર. ગુજરાતી નાટકોને ૧૨૫ વર્ષ થયાં ત્યારે પાટકર હોલમાં એક સમારંભ હતો. મહેન્દ્ર જોશી સ્ટેજ પર હતા. કદ એવું નાનું કે કોઈ વિચારે કે આ માણસ કોણ હશે? એમણે ઊભા થઈ અનાઉન્સ કર્યું કે અમને સારાં નાટકો, સારાં થિયેટરો આપો. પછી ખબર પડી કે આ તો નાટ્ય દિગ્દર્શક છે. પણ ગજબના દિગ્દર્શક. એમણે જે કોઈ કલાકારને સ્પર્શ કર્યો એ બધાં સોનું થઈ ગયા. પૃથ્વી થિયેટરમાં કેટલાં ય અદ્ભુત એકાંકીઓ એમણે કરેલાં. એ જમાનો જ જુદો હતો. સત્યદેવ દૂબે પણ તેજપાલમાં નાટક કરે તો એની ટિકિટ ન હોય. એ પોતે ગેટ પાસે ઝોલો લઈને ઊભા રહે. જેને એમાં જે કંઈ રૂપિયા-પૈસા નાખવા હોય એ નાંખે. પૃથ્વીરાજ કપૂર પણ આવું કરતા હતા. ખાનદાની કેવી તેઓ ઉપર પણ ના જુએ કે કોણ કેટલું થેલામાં નાખે છે. આવા પ્રતિબદ્ધ કલાકારો! ‘ખેલૈયા’ સાથે કેવાં મોટાં નામો સંકળાયેલા હતાં એની પ્રતીતિ હવે થાય!

આમિર ખાને કરિયરની શરૂઆત ‘ખેલૈયા’થી જ કરી હતી. એ ય બેકસ્ટેજ બોય તરીકે. આ નાટક એને બહેન નિખતને લીધે જ મળ્યું હતું, કારણ કે નિખત એ વખતે નાટ્ય દિગ્દર્શક મહેન્દ્ર જોશીના પ્રેમમાં હતી. એણે મહેન્દ્રને ‘ખેલૈયા’ માટે આમિરનું નામ સૂચવ્યું. એ વખતે એ આમિર હુસૈન તરીકે ઓળખાતો.

આમિરને એ વખતે એક્ટિંગમાં બિલકુલ રસ નહોતો. એને ફિલ્મ અને નાટકના ટેકનિકલ પાસાં તથા ડિરેક્શન કરવાની ઉમ્મીદ હતી. તેથી જે પાણીએ મગ ચડે એમ ચડાવવા સમજીને ખેલૈયામાં બેકસ્ટેજનું કામ લઈ લીધું જેમાં ઝાડુ મારવાથી લઈને કલાકારોનાં કપડાંની ઈસ્ત્રી કરવાં જેવાં કામો હતાં. ધીમે ધીમે નાટકનો સર્વગ્રાહી અનુભવ એ મેળવતા ગયા. આમિરની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ પણ બગાસું ખાતાં પતાસું મળી જાય એમ મળી હતી. આમિરનો કઝીન મનસૂર ખાન એ ફિલ્મનો પ્રોડ્યુસર હતો. એ પણ સાવ નવો હતો એટલે એની સાથે કોઈ સ્થાપિત અભિનેતા કામ કરવા તૈયાર ન હોવાથી ચોકલેટી ફેસ ધરાવતા આમિરને એમણે ઊભો કરી દીધો. એન્ડ, રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી!

હીરા બજારમાં કામ કરતો એક યુવાન દર મહિનાનો પગાર ‘ખેલૈયા’ પાછળ ખર્ચી દેતો હતો. પચીસ શો જોયા પછી એણે બેકસ્ટેજમાં જોડાઈ જઈને બધા શોમાં બેકસ્ટેજનું કામ કર્યું હતું. એ યુવાન પછી તો જિતેન ગાંધી ફોટોગ્રાફર તરીકે ઓળખાવા લાગ્યો. જિમિત મલ નામના ગુજરાતી ભાષાના શિક્ષકે ખેલૈયાનો સુવર્ણ કાળ વાગોળ્યો હતો.

‘મુંબઈ સમાચાર’ના વાચકોની ઈચ્છાને માન આપીને ‘ખેલૈયા’નાં રજત ધોળકિયાએ કમ્પોઝ કરેલાં ત્રણ જાણીતાં ગીતો અહીં માણો. ‘આવ્યાં ખેલૈયા અને સૂંઘ્યો પવન’ તો છે જ તમારી પાસે. ‘ખેલૈયા’નો ખેલ હવે સમાપ્ત કરીએ.

—————————–

અક્ષયકુમાર અને ચૈતાલીનું ગીત

ફેર ફુદરડી ફરી દઈ તાળી
ભમ્મ ચક્કેડી ભમ્મ ચૈતાલી
રૂપ નીંગળતી સાંજ પડી છે
ભમ્મર કાળી રાત ગુજરતા
સવાર થાશે ઝાકળિયાળી
ફરફર થાતી ઈચ્છાઓને પૂરી કરવી સહેજ રમાડી
અનુભવી લે પાંપણ ઢાળી,
ભમ્મ ચક્કેડી ભમ્મ ચૈતાલી
તું દરિયાનું મીઠ્ઠું પાણી
હોઠે કોકિલકંઠી નદીઓ
હથેળીઓમાં લહેરો તરતી
સાવ છલોછલ તું હરિયાળી
અનુભવી લે પાંપણ ઢાળી
પાંપણ ઢાળી મેં રૂપાળી
લે તું લઇ જ મને ઉપાડી
જુલમ સિતમના જોગી બાવા
હું આવી છું તારી થાવા
ઈચ્છાઓને સહેજ રમાડી
લે તું લઇ જ મને ઉપાડી
આવ તને હું અનુભૂતિનાં ચશ્માં આપું
નથી મળ્યા જે હજી તને એ અજબગજબના સપનાં આપું
આ જો અહીંથી પાંખ સમેટી
ઊડી જતું આકાશ મને દેખાય
અને દેખાય દૂરની પતંગિયા જેવી ટેકરીઓ
સોનમઢ્યા ત્યાં ઘેટાં ચરતાં
ઝલમલ ઝલમલ તળાવ ફરતાં
અહીંનાં દ્રશ્યો જોઈ બધાનાં
હોઠ ફફડતાં તારી માફક
હું તો આખ્ખે આખ્ખી ફેરફાર થાતી
તારી હથેળીઓમાં ફૂલ ખીલે ને
આંગળીઓની સાથે એની પાંખડીઓ લહેરાતી
હું તો આખ્ખે આખ્ખી ફેરફાર થાતી
ફેર ફુદરડી ફરતાં રહીએ
ભમ્મ ચક્કેડી ભમતાં રહીએ
ચક્કર ચક્કર ફરે દુકાનો, ફરે માણસો ફરે મકાનો
ફેર ચડે તો ભલે ચડે ફરતાં રહીએ ફેર ફુદરડી

ગાયક : પરેશ રાવલ – મમતા શેઠ

*****

છેલશંકર અને મરણદાસ(અપહરણકારો)નું ગીત

ચાલ ઊડી જા ભેરુડા તું પાંખો તારી ખોલ
લાલ બદામી લોક વસે જ્યાં ઢમઢમ વાગે ઢોલ
ઊડી જા તું ભેરુડા!
હવા ચલે જ્યાં વિષ્ણુ બોલે
શંખ ફૂંકે ને સમંદર ડોલે
પરી નામ જ્યાં કોયલ બોલે
કોઈ ના આવે એની તોલે
રૂ ના જેવી ધોળી પાંખો
મોટી જેવી ઝગમગ આંખો
હોઠે એના મબલખ મોલ, પાંખો તારી ખોલ
ઊડી જા તું ભેરુડા!

ગાયકો : દર્શન જરીવાલા – કિરણ પુરોહિત

*****

આંગળીમાં ફૂટે ટચાકાને ટાચકામાં
રઘવાતું કોડીલું નામ
એમ કેમ સહેજમાં હું કહી દઉં
એ લખલખતું નામ એ છે કલબલતું નામ
હું હરણની જેમ તરસ આંખોમાં લઈને
ધોમધખ્ખ રણમાં ફરું રેબઝેબ થઈને
આંગળીઓ મૃગજળમાં તરતી પલળતી
ને ત્યાં જ આવી ખળખળતી
તું નદી બરફની એવી
કાનો છે માતર છે ઈ પણ છે દીર્ઘ ઈ
ચંદ્રમાંથી ચ લાવ્યો તારલાનો ત લાવ્યો
કહી દઉં તું ખળખળતું નામ કોનું લઈ આવ્યો
ચ ને માથે બે માતર તને એક કાનો ને
લને દીર્ઘ ઈ લગાવો ચૈતાલી નામ …!

•   કવિ : ચંદ્રકાન્ત શાહ   •    સંગીત રજત ધોળકિયા

•   ગાયન : ફિરોઝ અબ્બાસ ખાન અને મમતા શેઠ   •   નાટક : ખેલૈયા

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=655384

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 સપ્ટેમ્બર 2020

Loading

પોલિયોગ્રસ્ત પાકિસ્તાન : અસલી લડાઈ કટ્ટરતા અને નિરક્ષરતા સામે

મારિઆના બાબર, મારિઆના બાબર|Opinion - Opinion|10 September 2020

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આફ્રિકાને પોલિયોમુક્ત ઘોષિત કરવામાં આવ્યું, તેનાથી આખી દુનિયા ખુશ છે. પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે હાલ વિચારવાનો સમય છે. કેમ કે હવે આખી દુનિયામાં આ જ બે દેશોનાં બાળકો હજુ પોલિયોથી મુક્ત થયાં નથી અને પોલિયોને કારણે અપંગ બની રહ્યાં છે. આ સંદર્ભમાં વર્ષ ૨૦૧૧માં પોલિયોમુક્ત થયેલા ભારતના અનુભવોમાંથી પાકિસ્તાની નિષ્ણાતો શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ વર્તમાન તનાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને કારણે આરોગ્યના મુદ્દે પણ સહયોગની મંજૂરી મળી નથી. બાકી, પાડોશી હોવાના નાતે પોલિયોની બીમારીની બાબત સરહદી વિવાદ બહારની ગણાવી જોઈતી હતી.

૨૭મી માર્ચ ૨૦૧૪ના રોજ વિશ્વ આરોગ્ય સંગઠને ભારતને પોલિયોમુક્ત દેશ જાહેર કર્યો હતો. કેમ કે પાછલાં પાંચ વરસોમાં ત્યાં એક પણ પોલિયોનો કેસ બન્યો નહોતો. આ ક્ષણે મને એ સમય યાદ આવે છે જ્યારે હું વાઘાથી અટારી બોર્ડર સુધી જતી હતી. ત્યારે ત્યાં ભારતમાં પ્રવેશવા માગતા પાકિસ્તાની આગંતુકને પોલિયાનાં ડ્રૉપ્સ પિવડાવવામાં આવતાં હતાં. જ્યારે મેં તેમને મારું પોલિયો સર્ટિફિકેટ બતાવ્યું, જેમાં લખ્યું હતું કે મેં હાલમાં જ પોલિયાનાં ડ્રૉપ્સ લીધાં છે. તો અધિકારીઓએ મારી વાત માની નહીં. અટારી કસ્ટસ્મ એન્ડ ઇમિગ્રેશનના એક અધિકારીએ મને કહ્યું કે ઘણા પાકિસ્તાનીઓ પોલિયોનાં ડ્રૉપ્સ લીધા વિના જ ખોટી રીતે પોલિયામુક્તિનું પ્રમાણપત્ર મેળવી લે છે !

મેં મજાક કરતાં કહ્યું હતું, ‘મને એમ કે તમે હલ્દીરામની મીઠાઈ ચખાડશો, પણ તમે તો મને પોલિયાનાં ટીપાં આપી રહ્યાં છો’. પરંતુ આ જ સાવધાનીને કારણે આજે ભારત પોલિયોમુક્ત દેશ છે. તે ખાસ કરીને પાકિસ્તાનીઓ અને અફઘાનિસ્તાનીઓના મામલામાં કોઈ જોખમ લેવા માંગતા નહોતા અને સીમા પર તેમને પોલિયોના ટીપાં અચૂક પિવડાવતા હતા. ઘણા લોકો પૂછે છે કે જો પાકિસ્તાન છ મહિનામા કોરોનાનો ચેપ અધિકાંશ રીતે અટકાવી શકતું હોય તો તે પોલિયોને કેમ ખતમ કરી શકતું નથી? નોંધનીય છે કે પાકિસ્તાનમાં કોવિડ-૧૯ના કેસ ઘટી રહ્યા છે. હૉસ્પિટલોમાં વેન્ટિલેટરવાળા બેડ ખાલી પડ્યા છે અને દેશના ઘણા ભાગોમાંથી કોવિડ-૧૯ને લગતા એક પણ મરણના સમાચાર આવ્યા નથી.

ત્રીજા વિશ્વના મોટા ભાગના દેશોની જેમ પાકિસ્તાનનું આરોગ્ય તંત્ર ઘણું નબળું છે. પણ જે પાકિસ્તાન કોવિડ-૧૯ના બીજા તબક્કાથી બચવામાં સફળ રહ્યું છે, તે પોલિયોની નાબૂદી નથી કરી શકતું. માનવ અધિકાર આયોગના વર્ષ ૨૦૧૯ના અહેવાલ મુજબ, આરોગ્યસેવા પાછળ પાકિસ્તાન દેશના જી.ડી.પી.ના એક ટકા કરતાં પણ ઓછો ખર્ચ કરે છે, જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ તો જી.ડી.પી.ના છ ટકા આરોગ્યસેવાઓ માટે ખર્ચવાની છે. વર્ષ ૨૦૧૮માં આરોગ્યતંત્રે પોલિયો-નાબૂદી ઝુંબેશ માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. ત્યારે સમગ્ર દેશમાંથી પોલિયાના માત્ર ૧૨ કેસો થયા હતા. પરંતુ વર્ષ ૨૦૧૯માં તે વધીને ૧૪૭ થઈ ગયા અને આ વર્ષે અત્યાર સુધીમાં પોલિયોના ૬૫ કેસ નોંધાયા છે. સૌથી વધુ, ૪૨ કેસો ખૈબર-પખ્તુનવા ઈલાકાના છે.

ઈમરાનખાનની સરકારે સૈન્યનો સાથ લઈને કોવિડ-૧૯ને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પણ સાથે જ સરકારે આ વર્ષે પોલિયો રસીકરણ અભિયાન રદ્દ કર્યું. તેનાથી ચાર કરોડ પાકિસ્તાની બાળકો પોલિયો ડ્રૉપ્સથી વંચિત રહી ગયાં. હાલમાં કરાચી, ક્વેટા અને પેશાવરમાં પોલિયોના વધુ કેસો જોવા મળે છે. કેટલાક કેસો સિંધમાં પણ જોવા મળ્યા છે. પોલિયોનાબૂદીની રણનીતિ, તેની વ્યૂહરચનાની પ્રાથમિકતાઓ, કામનાં મુખ્ય ક્ષેત્રો, નવાચાર, સંશોધનો અને સુધારા જેવી બાબતોને ‘ધ નેશનલ ઇમરજન્સી એક્શનન પ્લાન’ નામક વાર્ષિક દસ્તાવેજમાં રેખાંકિત કરવામાં આવે છે. આ અહેવાલ પોલિયોનાબૂદી કાર્યક્રમ સામેના પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. નેશનલ ઇમરજન્સી એકશન પ્લાન-૨૦૨૦ પ્રમાણે, પોલિયોનાબૂદી કાર્યક્રમ પાકિસ્તાનમાં બધા જ પોલિયો વાઇરસના ફેલાવાને રોકવા માટે પ્રતિબદ્ધ છે. રોજ સેંકડો અફઘાની નાગરિકો બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતમાંથી પાકિસ્તાનમાં આવે છે, જેમાંનાં મોટા ભાગનાં બાળકોનું પોલિયો રસીકરણ થયેલું નથી. તે સામાન્ય રીતે પેશાવર, ક્વેટા અને કરાચીમાં આવે છે. આ જ શહેરોમાં પોલિયોના અધિક કેસો નોંધાયા છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બને પોલિયો રસીકરણ અભિયાન સાથે મળીને યોજવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સમર્પિત સ્વંયસેવકોની કોઈ કમી નથી. પુરુષ અને મહિલા એમ બંને આરોગ્ય કાર્યકરો આખા પાકિસ્તાનમાં બાળકોને પોલિયોના ટીપાં પિવડાવવા ઘરેઘરે જાય છે. બાળકોને પોલિયોના ટીપાં પિવડાવવા જતાં ઘૂંટણસમા બરફમાં ડૂબેલી મહિલાઓની તસવીરો અખબારોમાં છપાયેલી જોવા મળે છે. જનતા તેમને સાચા હીરો ગણે છે, જે પ્રતિકૂળ મોસમમાં પણ કામ કરે છે.

પરંતુ દુ:ખની વાત છે કે ખૈબર પખ્તુનવા જેવા અશિક્ષિત ઈલાકાઓમાં પોલિયોના ડ્રૉપ્સ વિરુદ્ધનો અપપ્રચાર ઘણાં વરસોથી ચાલે છે. અભણ મૌલવીઓ અને અન્ય લોકોએ ફતવા જારી કર્યા છે. જેમાં કહેવાયું છે કે પોલિયાના ટીપાં પશ્ચિમના દેશોનું આપણા બાળકોને નપુસંક બનાવવાનું કાવતરું છે. કેટલાક વિસ્તારોમાં તાલિબાનો એવો પણ પ્રચાર કરે છે કે આ અમેરિકાનું ષડયંત્ર છે અને અલ્લાહની મરજી વિરુદ્ધ છે. પોલિયોના ટીપાં આપવા ઘરેઘરે જતાં આરોગ્યકર્મીઓની હત્યાઓ કરવામાં આવી છે. એટલે હવે તેમની સાથે પોલીસ મોકલવી પડે છે. કેટલાંક પોલિયો કાર્યકરોનાં અપહરણ પણ થયાં છે. આ પ્રકારની મૂર્ખતા સામે લડવું મુશ્કેલ છે. કેમ કે સ્થાનિક તાલિબાનોએ ઘણા આરોગ્યકર્મીઓ અને વિશેષજ્ઞોને મારી નાખ્યા છે. આમ, પાકિસ્તાનની લડાઈ માત્ર કોવિડ-૧૯ અને પોલિયો સામે જ નથી, બલકે તેની સૌથી મોટી લડાઈ તો કટ્ટરપંથીઓની મૂર્ખતા અને નિરક્ષરતા સામે પણ છે, જે પાકિસ્તાનને પોલિયોથી મુક્ત થવા દેતાં નથી.

સૌજન્યઃ ‘અમર ઉજાલા’, અનુવાદઃ ચંદુ મહેરિયા

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 05-06

Loading

અને હવે ગટરસફાઈની અસલિયત ઉજાગર કરનારાં ફિલ્મકાર દિવ્યાભારતી પણ જેલમાં

ભરત મહેતા|Opinion - Opinion|10 September 2020

ભારતમાં આજે એવાં કેટલાં ય નાનાં નાનાં જૂથો – વ્યક્તિઓ છે કે જેમણે હરહંમેશ કચડાતાં દલિત-પીડિત-વંચિતો માટે અવાજ ઉઠાવ્યો છે. દસ્તાવેજી ફિલ્મકારોની નવી પેઢી પણ હવે આ કામ પ્રતિબદ્ધતાથી કરે છે. આનંદ પટવર્ધન જેમ અત્યંત જાણીતું નામ છે, એ રીતે હવે નવાં નવાં ફિલ્મકારો આવી રહ્યાં છે. દેશના મોટા પ્રશ્નોને આ ફિલ્મકારો તળમાં જઈને સ્પર્શે છે. તામિલનાડુનાં દિવ્યાભારતી પણ આ પ્રકારનાં દસ્તાવેજી ફિલ્મકાર છે. તેમની આ પ્રકારની એકાધિક ફિલ્મો યુટ્યુબ પર જોવા મળશે.

હાલમાં આવેલી એમની ફિલ્મ 'કક્કુસ' તામિલનાડુના સફાઈ કામદારોની રુંવાટાં ઊભાં કરી દેતી ફિલ્મ છે. 'કક્કુસ'નો અર્થ થાય છે સંડાસ. મા પોતાના બાળકોના બાળોતિયાં ધુએ છે, મળ પખાળે છે તો આપણે ત્યાં માતૃપ્રેમનો ભારે મહિમા છે. જ્યારે સમગ્ર ભારતીય સમાજનું સફાઈનું કામ સંભાળતા વર્ગને તો આપણે ત્યાં અસ્પૃશ્ય ગણવામાં આવે છે અને અત્યંત નીચી નજરે જોવામાં આવે છે. 6 ટકા વધુ ટેક્સ નાખીને લાગુ પાડવામાં આવેલું 'સ્વચ્છ ભારત અભિયાન' સફાઈ કામદારોની અવદશામાં ફેરફાર લાવી શક્યું નથી, એ આ ફિલ્મનો હેતુ છે. સરકારની નીતિઓની પોકળતાને આ ફિલ્મ પર્દાફાશ કરે છે. પોતાની સોનાની ચેન વેચી, મિત્રો પાસેથી બીજી આર્થિક મદદ લઇ દિવ્યાભારતીએ આ ફિલ્મ બનાવી છે. હાથથી મળ સાફ કરનારાંઓની વાસ્તવિકતા એ રીતે બતાવી છે કે આ ફિલ્મનાં દૃશ્યો કહેવાતો ઉચ્ચ વર્ગ માંડ જોઈ શકે! જાહેરમાં સફાઈ ચાલતી હોય ત્યારે નાકે આંગળી દાબી ચાલી જતાં નાગરિકોને ગટરમાં ઉતરેલાં માણસની હાલત શી હશે એનો વિચાર આવતો હશે? અહીં એ હકીકત બતાવવામાં આવી છે.

પરંતુ આજે આ ફિલ્મ પર તામિલનાડુમાં પ્રતિબંધ છે. દિવ્યાભારતી અને તેનાં મિત્રોએ યુટ્યુબ પર આ ફિલ્મ અપલોડ કરી ને લાખો લોકોનો પ્રતિસાદ મળ્યો. સાથોસાથ બે હજારથી વધુ બળાત્કાર અને હત્યાની ધમકી મળી! આવા જ ફોન એમના પર આવવા માંડ્યા. હકીકત એ છે કે આ ફિલ્મોમાં એવું કશું જ નથી કે પ્રતિબંધિત કરી શકાય. આનંદ પટવર્ધનની કળાની જેમ અહીં ફિલ્મકાર પોતે કશું જ બોલ્યાં નથી, એક પણ શબ્દ નહીં! માત્ર કેફિયતો, મુલાકાતો, પ્રશ્નોત્તરી અને દૃશ્યોથી આ ફિલ્મ બની છે. એમણે તો માત્ર ગૂમડું ખોલી આપ્યું છે. છતાં, થોડા જ દિવસોમાં દિવ્યાભારતીની ધરપકડ થઈ. સરકાર – પ્રેરિત દલિતોએ 'જાતિગત લાગણી દુભાવતી ફિલ્મ' સામે પ્રદર્શનો કર્યા! તામિલનાડુનાં બાર શહેરોમાંથી દિવ્યાભારતી વિરુદ્ધ એફ.આઇ.આર. થઈ છે.

આ ફિલ્મનો મહત્ત્વનો મુદ્દો એ છે કે ખાનગીકરણ પછી સફાઈ કામદારોની સ્થિતિ વધુ વિકટ બની છે. સરકાર છટકી જાય છે અને કોન્ટ્રાક્ટરો એમની ન્યાયી માગ પૂરી નથી કરતા. સફાઈકામ અકસ્માતોની હારમાળા છે. ફિલ્મમાં ખરાબ એસિડના કારણે બગડેલા હાથથી માંડીને સેપ્ટિક ટેન્કમાં મરેલા માણસોની કથાઓ છે. સફાઈમાં આધુનિક સુવિધાના અભાવે ખુલ્લા હાથે બધું કરવાનું હોવાથી ચામડીના રોગો થાય છે. વસ્તી વધે છે, પણ સફાઈ કામદારો એ માત્રામાં નથી વધતાં! જ્યારે સમાજનો એક વર્ગ મૉર્નિંગ વૉક, યોગા કે લાફિંગ ક્લબમાં જઈ રહ્યો છે, ત્યારે આ સફાઈ કામદારો સવારથી જ મળમૂત્રના ઢગલેઢગલા સાફ કરે છે. બસમાં એમની નજીક કોઈ ન બેસે. નિશાળમાં ભણતાં તેમનાં સંતાનોનાં સહાધ્યાયીઓને તેમનાં મા-બાપના કામની ખબર પડે એટલે તેમની તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. શહેરની ગટરની અંદર ઉતારતાં માણસોની પશુસમ જિંદગી અહીં દર્શાવી છે. માથે મેલું ઉપાડતાં માણસોની ગુજરાતમાંથી બનેલી ફિલ્મ ‘લેસર હ્યુમન’ કે ‘કોર્ટ’ જેવી ફિલ્મમાં આ સંવેદનાને વાચા મળી છે. અમુક જગ્યાએ પીવાનું પાણી પણ સાથે લઈ જવું પડે. આ કામના મૂળમાં રહેલી જાતિવ્યવસ્થાને પણ ફિલ્મકાર ચીંધે છે. અસ્પૃશ્યતાના નવાં નવાં સ્વરૂપોનો આ સફાઈ કામદારોએ સામનો કરવો પડે છે. સુંદર શહેરમાં તેમનું ઠેકાણું તો ગંદા વસવાટો જ છે. ક્યાંક દીકરા દીકરીને ભણવા હોસ્ટેલમાં મૂક્યા છે તો ત્યાં બદતર સ્થિતિનું ભોજન અને ચાલતાં ભ્રષ્ટાચારની વાતો છે. ગંદકી ઉઠાવવાથી સફાઈ કામદાર બહેનોને થતી તકલીફોનું બયાન છે.

પીડાદાયક દૃશ્યોથી ફિલ્મ ભરચક છે. દિવ્યાભારતી આવાં દૃશ્યો કંડારે છે ત્યારે જ એકાએક કોન્ટ્રાક્ટરો આવી કામદારોને ગ્લોવ્ઝ આપે કે પહેરણ, એ પણ અહીં છે! જે સફાઇ કામદારોએ મુલાકાતો આપી છે એમને પણ નોકરીમાંથી હાંકી કાઢવાની ધમકી મળી છે. કેટલાંકને હાંકી કઢાયા પણ ખરાં. સેપ્ટિક ટેન્કમાં  મરી જનારના પરિવારને રૂ. દસ લાખ મળે છે પરંતુ 1993થી 2016 સુધીમાં થયેલાં મૃત્યુ સામે વળતર બહુ ઓછાને મળ્યું છે. મળ્યું છે એમને બેથી ત્રણ લાખ કમિશન આપવું પડ્યું છે. આ માટે જવાબદાર હોટલોવાળાઓને સજા નથી થઈ. કૉર્પોરેશનના વિવાદી માપદંડોની વાત પણ અહીં છે. કામદાર યુનિયનો, સામ્યવાદીઓ, દલિત કાર્યકરોના કામમાં પણ આ સફાઈ કામદાર અગ્રિમતા નથી, એ કહેવાનું આ ફિલ્મ ચૂકતી નથી પર્યાવરણવાદીઓ કે જેમને આ વર્ગ માટે સહાનુભૂતિ હોવી જોઈએ એ લોકો તો આ બાજુ ફરક્યા જ નથી! અહીં ઉનાકાંડ, રાજકોટનું દલિત સંમેલન, સફાઈ કામદારોનાં મોતના પ્રેસ કટિંગ, ન્યુઝ ક્લિપ્સ બધું જ છે. ન્યુઝમાં વપરાતી સંદિગ્ધ ભાષા રેખાંકિત કરાઈ છે. પાંચ વર્ષે એક વાર બૂટ મળે તેવી એબ્સર્ડ યોજનાઓ પણ છે. પેનથી લખે તેને લાખો પગાર મળે, હાથથી મળ ઉપાડે એને દોઢસો-બસો-ત્રણસો રૂપિયા.

ફિલ્મનો અંત તેમની વસતિમાં શેરીનાટક કરવા આવેલા જૂથના એક ગીતથી થાય છે, જેમાં કહેવાયું છે કે કોઈ પશુનું મળ બીજું પશુ ઉપાડતુ નથી, તો માણસોમાં જ આમ કેમ? હે મનુ ભગવાન, એને માનનારાઓ એક વાર તો આવો અને આ મળ ઉઠાવો તો ખબર પડે કે શું વીતે છે? આવી સંવેદનશીલ દસ્તાવેજી ફિલ્મ બનાવનાર દિવ્યાભારતીની ધરપકડનો વ્યાપક વિરોધ થવો જોઈએ અને તમિલનાડુ સરકારે આ ફિલ્મ પર મૂકેલો પ્રતિબંધ તાકીદે હટવો જોઈએ.

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 07-08

https://www.youtube.com/watch?v=-UYWRoHUpkU

Loading

...102030...2,1802,1812,1822,183...2,1902,2002,210...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved